એક વ્યક્તિ ઉપર આરોપ મુકાયો. અને કેસ કોર્ટ માં ચાલ્યો. બચાવ પક્ષના વકીલે સજ્જડ દલીલો કરી. અને સાબીત કર્યું કે તેનો અસીલ નિર્દોષ છે. ન્યાયધીશે આરોપીને છોડી મુક્યો.
પછી વકીલે એકાંતમાં પોતાના અસીલને પૂછ્યું”તેં વાસ્તવમાં ગુનો કર્યો હતો કે નહીં?” અસીલે કહ્યું કે જ્યાં સુધી તમારી દલીલો સાંભળી ન હતી ત્યાં સુધી હું મારી જાતને ગુનેગાર માનતો જ હતો. પણ તમારી દલીલો સાંભળ્યા પછી મને ખાત્રી થઇ ગઈ કે હું નિર્દોષ છું.”
જો ભારતીય રાજકારણ ખાસ કરીને કોંગીપુરસ્કૃત રાજકારણ, ભારતીય ન્યાય પ્રણાલી, વકીલો અને ન્યાયધીશો એ બધાનો સમન્વય કરીએ અને તેના સમગ્ર પરિપેક્ષ્યમાં સામાન્ય જણ શું વિચારે છે અને ૫૫ વર્ષના પરિપાકરુપે ૮૫ ટકા જણસમુદાય ક્યાં પહોંચ્યો અને કોંગી નેતાઓ અને તેમના મળતીયાઓ ક્યાં પહોંચ્યા અને સ્વીસ બેંક અને બીજી ટેક્ષ હેવન બેંકોમાં રહેલા પૈસા વિષે કોંગી જનોનું અને તેની બનેલી સરકારનું વલણ કેવું છે? એના જો લેખા-જોખા કરીએ તો શ્રી યશવંતભાઈએ જે કંઈ કહ્યું છે તે સામાન્ય જણનો જ પ્રતિભાવ છે.
અને સૌ તેને તે જેમ છે તેમ જ અને તેવા સ્વરુપમાં જ આવકારે છે. નિરપેક્ષ મોરાલીટી જેવું કશું છે જ નહીં. વાત છે પ્રમાણભાન અને સમાન માપ દંડની.
સામાન્ય જણ સમસ્યાની, મુશ્કેલીઓની અને હકીકતોની ગહેરાઈઓમાં જશે નહીં. તે તો પરિણામ જોશે. સીબીઆઈનો દુરુપયોગ એ કોઇ રહસ્યની વાત નથી.
સીબીઆઈ એક સ્વતંત્રરીતે કાર્યકરતી સંસ્થા છે અને તે કહે તે અથવા તેના જેવું બીજું કોઇ પણ પ્રાધિકરણ જે કહે તે બ્રહ્મવ્યાક્ય છે તેમ જનતાતો માનશે જ નહીં. જો ન્યાય તંત્રના વાક્યને જ જનતા બ્રહ્મ વાક્ય ન માનતી હોય તો બીજાની તો શું વિસાત છે? (અન્યત્ર સુબ્રહ્મણીયમ સ્વામીનો લેખ વાંચો.)
બહુદૂર ક્યાં જવાની વાત છે? ઇન્દીરા ગાંધી કે જેના નામથી આ કોંગી (કોંગ્રેસ આઈ)નામ પડ્યું છે અને જે હાલપણ તેઓની આરાધ્યા છે, તે દેવીએ પોતાના પક્ષની કારોબારીની ઈચ્છાથી અને પોતાની અનિચ્છાએ જે વ્યક્તિનું રાષ્ટ્રપતિના પદની ચૂંટણી માટે નોમીનેશન ભરેલું તેની સામેજ પડદા પાછળ પોતાનો માનીતો ઉમેદવાર ખડો કરેલો. પણ આ વાત થી દેવીજીને સંતોષ નહતો. કારણ કે પોતાના પક્ષનો ઉમેદવાર હારવો જોઈએ અને પોતાનો ઉમેદવાર જીતવો જ જોઈએ એવી તેમની દ્રઢ ઈચ્છા હતી. તેથી પોતાના પક્ષીય ઉમેદવારની સામે બીભત્સ ચોપાનીયા પાર્લામેન્ટ હોલમાં ફરતા કરવામાં આવ્યા હતા. આ એક ખુલ્લી બેઈમાની અને નગ્નતા હતી. અને તે પછી આની તપાસ પણ થઇ. પણ સરવાળે શૂન્ય. મોઈલી ટેપ પ્રકરણ પણ સરવાળે શૂન્ય. તેલગી પ્રકરણ પણ સરવાળે શૂન્ય. શાહ તપાસ પંચ પણ સરવાળે શૂન્ય. સામાન્ય જણ મૃત્યુપછીના શૂન્યથી પણ વધુ, કોંગી સરકારના આ શૂન્યથી ઉદાસ બને છે.અને તેપણ સરકારી રબરના માપદંડોને કારણે.
એક ટીવી ચેનલે એક એનકાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ પીઆઈનું સ્ટીંગ ઑપરેશન કરેલું. ઑફકોર્સ એ યુપી એરીયાનું જ હોઈ શકે. હવે તે વિષે પણ શૂન્ય જ છે. યુપી અને બિહારમાં ખુલ્લે આમ લગ્નસરામાં બંદુકમાંથી ગોળીઓ છૂટે છે. અને એક કહેવાતા રાજાભૈયા વંશીય પ્રણાલી પ્રમાણે પોતાની ગાડી ઉપર મગર રાખીને ફરે છે. અને જેને મારવો હોય તેને મારીને તે મગરને ખવડાવી દે છે. આવા ઘણા મગરો તેમના તળાવમાં છે. એક મગર તો કેટલું ખાઈ શકે? તેવું એક ઓપન સીક્રેટ છે એમ ઉત્તરભારતીયો માને છે.
કોઈપણ તા-કે-ધા-બહેનો કે (કુ)માર-ભાઈઓ, યુપી, બિહાર, ઓરિસ્સા કે બંગાળ તો શું પણ મહારાષ્ટ્રમાં પણ અકર્મ-શીલ થઈ જાય છે. કેરાલા કે નોર્થ ઈસ્ટના રાજ્યોની તો વાત જ નકરશો. અને કાશ્મિરમાં તો માનવ હક્કોની પળોજણમાં કર્મશીલોથી પડાય જ કેમ?
ગાંધીના ગુજરાતમાં જ કર્મશીલ થવું ગોઠે એવું છે. મૂળ કારણ તો એજ છે કે ગુજરાતમાં ગાંધી ઠીક ઠીક જીવે છે. અહીં તમે સુરક્ષિત છો. હવે ગુણવંતભાઈએ શું લખવું અને કયા શબ્દો વાપરવા, અને તેના કયા અર્થો ઘટાવવા તે હે જયસ્વાલબેન તમે વાચકો ઉપર જ છોડી દો. એક વાચક તરીકે મારા જેવા સામાન્ય જણને લાગે છે કે ગુણવંત ભાઈ એક એવા લેખક છે કે જે ગુજરાતની અને કદાચ દેશની સામાન્ય પ્રજાની જે પ્રતિભાવના છે તેને વાચા આપે છે. એક સમય એવો હતો હતો જ્યારે નરેન્દ્રભાઈ મોદીની સામે તેમના જ પક્ષના નેતાઓએ કોંગીઓનો સાથ લઇ મીડીયાના માથા ઉપર ચડીને એક સંગ્રામ ખેલેલો. તે વખતે આ શ્રી માનનીય ગુણવંતભાઈ શાહે જ જનતાને પોતાનો પ્રતિભાવ આપવા માટે જણાવેલ. અને શ્રી નરેન્દ્રભાઈ મોદીને વિશિષ્ઠ યોગ્યતાથી જનતાએ પાસ કરેલ. અને તે પણ પોષ્ટલ કવરના ગાંઠના પાંચ રુપીયા ખરચીને.
ગુણવંતભાઈ પોતાના કટાર લેખમાં કૌસરબીબી કે તુલસી વિષે કેમ ચૂપરહ્યા છે? આવો જયસ્વાલબેનનો સવાલ સામાન્ય જણને તો હાસ્યાસ્પદ લાગશે. ગુણવંતભાઈએ શું લખવું અને શું ન લખવું અને કયા શબ્દો વાપરવા તે તેમને જ નક્કી કરવા દો. કાલે કોઈ એમ પણ કહેશે કે ગુણવંતભાઈ એ સીતા અને દ્રૌપદી સુધી પહોંચવું જોઈએ. તમે એમના વારાની રાહ જુઓ.
ચમત્કૃતિઃ ભારતની જનતા કેવી છે? જો ઈન્દીરા ગાંધીની તરફેણમાં કૉર્ટ ચૂકાદો આપે તો કહેશે ચૂકાદો ત્રુટી વાળો છે. કૉર્ટ જો મોરારજી દેસાઈની વિરુદ્ધમાં ચૂકાદો આપે તો જનતા કહેશે કે મોરારજી દેસાઈ તો સાચા જ છે પણ કૉર્ટમાં કંઈ ગરબડ છે.
તેથી જ ઈન્દીરા ગાંધીએ કહેલું કે કૉર્ટોએ પોતાના ચૂકાદાઓમાં જનતાની આકાંક્ષાઓનું પ્રતિબિંબ પાડવું જોઇએ. પણ લોકોએ તે હસી કાઢેલું કારણ કે “જનતા” નો અર્થ ઈન્દીરાના “હમ્ટી ડમ્ટી” શબ્દકોષમાં “જનતા” એટલે “ઈન્દીરા” એમ હતો.
Leave a Reply