માત પ્રભાતે ચોરની ગઈ કરવા ફરીયાદ … ચંબુવંશની કથા
માત પ્રભાતે ચોરની ગઈ કરવા ફરીયાદ,
એવું ઘર તે શેં ચણ્યું ચોર દબાયા ત્રણ હવે કદાચ કોઈ કહેશે કોઈ એક વાર્તામાં તો ચોર દબાયા ચાર એમ આવતું હતું. અહીં કેમ ત્રણ જ ચોરની વાત છે?
તો હવે તમને કહેવામાં આવે છે કે આ વાત ને જુની વાર્તા સાથે કશો સંબંધ સમજવો નહીં. અને કોઈએ ટોપી પહેરવી નહીં. બંધ બેસતી આવે કે ન આવે તેની સાથે અમારે લેવાદેવા નથી. જેમને પહેરવી હોય તેઓ પહેરે તે તેમની મુનસફ્ફીની વાત છે. અમારે તે વાતમાં કશો ચંચુપાત કરવો નથી. ટોપી પહેરવી તે તેમની જવાબદારી છે.
આ ગંડુ રાજાની વાત નથી.
એક દેશ. તેનું નામ ચંબુદ્વીપ.
અમારે જણાવવું પડશે કે પ્રાસાનુપ્રાસમાં જેમને ફાવટ હોય કે ગમતું હોય તેમણે આ ચંબુદ્વીપમાં, બૃહદભારત એવા “જંબુદ્વીપ” ને જોવો નહીં તેમજ યાદ પણ નકરવો.
કારણ કે આ ચંબુદ્વીપમાં, જંબુદ્વીપના ગુણગાન ગાવાં કે તે હતો કે ન હતો અને તેમાં પ્રરાક્રમી રાજાઓ થઇ ગયા એવી વાત કરવી તે પણ મીથ્યા-આલાપ, “ભગવુંકરણ”, અને અનૈતિહાસિક ગણાય છે.
વળી એ પણ ધ્યાનમાં રાખો કે આ ચંબુદ્વીપના ચંબુ વંશીય રાજાઓને જુની ગંડુવંશના રાજા ની “પુરી એક અંધેરી ને ગંડુ રાજા વાળી” કથા કથિક વાર્તા સાથે સાંકળી ને જોવી કે સમજવી નહીં.
ચંબુદ્વીપની એક કથા
તો હવે એક વખત પોતાના ભાગ્યમાં લખાયેલા ધર્મ પ્રમાણે, આદતથી મજબુર, એવા ત્રણ ચોર ચોરી કરવા નિકળ્યા. આ ત્રણમાં એક ચોરણી (ચોરણ) પણ હતી. તે એક ચોરની પત્ની હોવાથી, સતી સીતાની જેમ પતિના પગલે ચાલનારી હતી. પોતાના પતિની પ્રતિસ્પર્ધક ન હતી. આ વાર્તામાં ચોરણી ઘુસેડવાનું કારણ કંઈ વાર્તાને રોમેન્ટીક બનાવવા માટેનું નથી. આ ચોરણીને શિખંડીનું પાત્ર ભજવાનું પણ હોઈ શકે. એજે હોય તે.
પણ તેઓ ચોરી કરવા જાય છે તે હકીકત છે તેવા સમાચાર ચંબુવંશની તે સમયની સરકારના ગુપ્તચરો દ્વારા જ આપવામાં આવ્યા હતા. પણ ચંબુવંશની આ નીતિ ન હતી. આ ચંબુદ્વીપ આમ તો જંબુદ્વીપથી ચોથા ભાગનો હતો. તો પણ તેને વિશાળ કહેવાય. ભાંગ્યુ ભાંગ્યુ તો પણ ભરુચ એ પ્રમાણે કયું સૈન્ય ક્યાં લડે છે તે બાબતમાં પાછળથી ગોટા થયાની ખબર પડતી અથવા ન પણ પડતી.
આ પછી યોગ્ય સમયે તે ચોરોએ એ એક ઘરની દિવાલમાં કાણું પાડવાનું શરુ કર્યું. બહાર ચોરણ ચોકી કરતી હશે એવું હોઈ પણ શકે. હા જી! ચોરોએ પણ ચોકી કરવાની હોય છે. ચોકસાઈ રાખવાની હોય છે. તેઓને પણ પ્રીવેન્ટિવ મેઝર્સ તો લેવા જ પડે છે. તેઓ ચોરી/ખૂન કરવા નિકળ્યા હોય છે. કંઈ મશ્કરી કરવા થોડા નીકળ્યા હોય છે!
હવે થયું એવું કે દિવાલ પડી. સ્લો મોશનમાં કલ્પીએ તો કાણાની જગ્યાની ઉપરનો ભાગ જલ્દી ધસીને મુખ્ય ચોર ઉપર પડ્યો જે તત્કાળ ત્યાં મરી ગયો. પછી સાઈડના ભાગની ઈંટો પડવામાંડી અને તેમાં તેનો સાગરીત જે હથીયારો અંબાવતો હતો તેના પણ રામ રમી ગયા. અને રહી રહીને એક સૌથી ઉંચેથી પત્થર પડ્યો તે આપણી ચોરણબેન ઉપર પડ્યો અને તે પણ કણસતા કણસતા ગુજરી ગયા.
પછી શું થયું?
આ ચોરને અને તેની જમાતના લોકોને ચંબુદ્વીપના ચંબુવંશના શાસકો સાથે ઘરોબો હતો. એટલે કે ધંધાપાણીના સંબંધો હતા. અને તેઓ જ્યારે જ્યારે કશુંક અજુગતું બને તો કાગારોળ મચાવતા. તે માટે પણ તેમનુ નેટ કર્ક હતું.
જે કંઈ તસ્કરીનો માલ મળે તેને વકરો ગણાતો. અને વકરો એટલે નફો એવું માનવામાં આવતું. એ આધારે ચંબુવંશના શાસકો તેમની સાથે વહીવટ કરતા અને અને વહીવટની તેમના ભાગે આવતી રકમ સ્વીસ કે અને એવી કોઈ બેંકમાં જમા કરાવતા. પણ એ વાત જુદી છે. એટલે તેની વિગત આપણી વાર્તામાં સામેલ નહીં કરીએ.
હવે આ ચોર મંડળીને દરીયા પારના સંબંધો પણ હોઈ શકે એવો પ્રચાર ચંબુવંશના વિરોધીઓ જાહેરમાં કરતા. અને અગાઉ કહ્યા પ્રમાણે ચંબુવંશના ગુપ્તચરોએ પણ આવું જાહેર કરી દીધેલું તેથી આ દિવાલ ધસી ગયેલા કિસ્સામાં ચંબુવંશીય નંબર વન પોતાના બીજા સ્વજનો પ્રત્યે નારાજ થયેલ.
હવે તમે કહેશો આ બધું શું છે? આમાં તો અમારો “ટકલો” કામ નથી કરતો. કંઈ “હુજકો” પડે તેવી વાત કરો.
તો હવે થયું એવું કે ચોરી કરતાં પહેલાં દીવાલ પડી. એટલે ચોરી નો ગુનો તો થયો ગણાય નહીં જ. અગાઉની ચોરીઓ? એ તો બધા આરોપો કહેવાય… કેસનો નિકાલ ન થાય ત્યાંસુધી તો ચોરમંડળી ને ચોર મંડળી કહેવાય જ નહીં … શું સમજ્યા?
હવે આ સરકારી મકાન કંઈ એવું જુનું તો હતું જ નહીં. એક કાણું પાડવાથી જો દિવાલ તુટી પડે તો તે બાંધકામ ધારાધોરણ પ્રમાણે ન જ હોય.
એટલે ચોરની જમાતના લોકોએ કાગારોળ કરી કે જાણી જોઈને દિવાલ જ નહીં પણ આખું મકાન જ નબળું બાંધવામાં આવેલું. વેલ પ્લાન્ડ રીતે હેતુપૂર્વક નબળું બાંધવામાં આવેલું. જેથી અગર અમ-બંધુઓમાંથી કોઈ ચોરી કરવા ગમે તે બાજુથી જાય તો દિવાલ તૂટી જ પડે અને ચોર/ચોરોના રામ રમી જાય. ચોરોને મારી નાખવામાટે માટે જ મકાનનું બાંધકામ નબળું કરવામાં આવ્યું હતું.
શરુઆતમાં તો ચંબુદ્વીપના શાસકોએ આદત પ્રમાણે વાત એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખેલી.
અને કહ્યું; “તમે લોકો માણસ છો કે ચીભડું? એક તો ચોરી કરવા જાઓ છો અને દિવાલ પડી જાય એમાં મકાનમાલિકને ગુનેગાર ઠેરવવા અમને બજબુર કરો છો? તમને ખબર તો છે કે પૂરાણા કોઈ સમયમાં કોઈ ગંડુ રાજાએ આવો કેસ હાથમાં લીધેલો અને કેવો બદનામ થઈ ગયેલો. તમે તો ખરા છો યાર, આ “બૈલ મુઝે માર” જેવું કરવાનું અમને કહો છો.”
વાત ટેક્નીકલી જોવાની છે
“ના સાહેબ ના… આ આખી ટેકનીકલ વાત છે. તમે કેમ સમજતા નથી? કોઈપણ કામ થાય (એટલે કે દા. ત. ગુનો) તો તેની પાછળ તેનો હેતુ શો છે તે જોવું જ જોઈએ. આ ન્યાય શાસ્ત્ર નો નિયમ છે. અને તમે આ નિયમને અવગણી ન શકો. હવે જો એવું સિદ્ધ કરી દેવાય કે નબળા બાંધકામનો હેતુ જ એવો હતો કે મકાનમાં કોઈ બાકોરું પાડે કે તરત જ દિવાલ આખી ધબાય નમઃ થઈ જાય.
“મકાન માલિક ઘરમાં હોય કે નહોય, ઘરમાં પૈસા હોય કે નહોય, પણ જ્યાં સુધી ચોરી/ખૂન થાય નહીં ત્યાં સુધી ચોર/ચોરો/ખૂની/ખૂનીઓ ચોર કે ખૂની ગણાય જ નહીં. કેસ ચાલાવવાની વાત તો બાજુ પર રહીં…. હવે જુઓ સાહેબ અમે સાબિત કરવાની સ્થિતીમાં છીએ કે મકાન જાણી જોઈને નબળા બાંધકામવાળું જ કરવામાં આવેલ.
“તમે સાહેબ પીક્ચરમાં ન આવો તે રીતે અમારે જેમ “ચોર મંડળી” હોય છે તેમ તમે ન્યાયધીશ મારફત એક “તપાસ મંડળી” તૈયાર કરાવો. તમને તો સાહેબ ખબર છે કે અમારી ચોર મંડળીનો હેતુ શો હોય છે! બસ હવે તમે શાનમાં સમજી જાઓ.
“તમે સાહેબ એક આ કામ કરી દો એટલે વાત પૂરી. જુઓ સાહેબ અમારી પાસે પૂરી બાતમી છે કે પ્લાન પ્રમાણે જ કામ નબળું હતું. અને નબળા પ્લાન માટે મંત્રીશ્રીની જ સૂચનાઓ હતી. એટલે સાહેબ ભૂતકાળમાં બીજા જે કોઈ મકાનો થયા હશે અને અમારા ચોર બંધુઓ ચેપાઈને મરી ગયા હશે તે બધાનો ગુનો મંત્રીશ્રી ઉપર દાખલ કરી શકાશે.
“સાહેબ તમે એટલું તો સમજો કે ચોરને પકડવાની પણ કાયદેસરની રીત હોય છે. બધું કાયદેસર થવું જોઇએ. અમારી મંડળી નો કોઇ ઘરમાં ગયો હોય, તેણે ચોરી કે ખૂન કર્યું હોય, તેને કોઇએ બહાર નિકળતા જોયો હોય, અમારાભાઇએ તેને ધમકી આપી હોય, પછી તે સાક્ષી બી ગયો હોય… અમારો ભાઈ પછી ભાગીને ઘરે પહોંચી ગયો હોય … અને નોર્મલ લાઈફ જીવવા માંડ્યો હોય …. અને તે પછી સીપાઈભાઇઓએ તેને માલસામાન સાથે પકડ્યો હોય …. અને સૌથી મોટી કોર્ટ માઈબાપે તેને સજા કરી હોય તો જ અમારા ભાઈને તમે ચોર કે ખૂની જે લાગુ પડતું હોય તે કહી શકો….
“પણ સાહેબ તમે અહીં જુઓ છો કે … અહીં આવું કશું થયું નથી… અમારાભાઈ, ભાભી અને અને બીજાભાઈ નિર્દોષ હતા. અને તેમને ગુન્હાહિત કાવતરું કરીને ગેરકાયદેસર તરીકાઓથી મારી નાખવામાં આવ્યા છે…
“અને સાહેબ બીજું તમને ખાસ જણાવવાનું કે આપણા સંબંધો પેઢી દરપેઢી ના જુના છે. આપણાં ઘણા ચૌર્ય કર્મો જોઈન્ટ વેન્ચર એટલે કે સામુહિક પરાક્રમો થકી થાય છે. અમારા દરીયા પારના બંધુઓ સાથે અમારી જેમ તમારે પણ ઘનિષ્ઠ સંબંધો છે. અને અમે પણ તેમની સૂચના પ્રમાણે વર્તીએ છીએ તે તમે સૂપેરે જાણો છો….
” … અને એટલે તો અમે તમારી ઉપર આટલું દબાણ કરવાની ઘૃષ્ટતા કરી શકીએ છીએ તે વાત કંઈ કોઈથી અજાણી નથી.
“અમારા ઉપરોક્ત ત્રણ સભ્યોના મોતને કારણે અમને જ નહીં તમને પણ ધંધાપાણીમાં ઘટ પડશે. અને સાહેબ એ વાતને જવા દો તો પણ તમે તમારા ભવિષ્યના ધંધાપાણીનો જ નહીં પણ ભવિષ્યમાત્રનો તો વિચાર કરો… હજી તો આપણે ઘણો વહીવટ કરવાનો બાકી છે…
” … અને સાહેબ જો અમે અમારા દુશ્મનોની આટલી ‘લે મેલ’ કરી શકતા હોઇએ તો તમને ટેકલ કરવા તેતો અમારે મન ડાબા હાથનો ખેલ છે…. માટે સાહેબ હવે તમે સમજી જાઓ અને અમારા આ દુશ્મનને હતો ન હતો કરી દો.
શિરીષ મો. દવે
चमत्कृतिः
असूर्या नाम ते लोका, अंधेन तमसावृता, मा नः स्तेन ईशतः (ऋग्वेद) (હે ઈશ) અમારા ઉપર ચોરોનું શાસન ન હો.
|
Archive for July, 2010
માત પ્રભાતે ચોરની ગઈ કરવા ફરીયાદ … ચંબુવંશની કથા
Posted in માનવીય સમસ્યાઓ, tagged અંધેરીનગરી, ગંડુરાજ, ચંબુદ્વીપ, ચંબુવંશ, ચોર અને ચોરણી, ચોરમંડળી, તપાસ મંડાળી, ધંધાપાણી, બંધબેસતી ટોપી, વહીવટ on July 24, 2010| 2 Comments »
રેન્ટ ઍક્ટ અને આડોડાઈ, આડોડીયા અને આડોડીયાવાસ ભાગ-૧
Posted in માનવીય સમસ્યાઓ, tagged ગુંડાગીરી, જર્જરિત મકાનો, દાઉદનુંનેટ વર્ક, નહેરુવીયન કોંગી, ન્યાયધીશો, મુંબઈ, રેંટ એક્ટ, સ્વીસ બેંકમાં બ્લેકમની on July 12, 2010| Leave a Comment »
આડોડાઈ, આડોડીયા અને આડોડીયાવાસ ભાગ-૧
આડોડીયા વાસ
અમારે ભાવનગરમાં એક આડોડીયા વાસ. દારુબંધી હોય કે દારુની છૂટ્ટી હોય તેથી દારુગાળનારાઓના ધંધામાં કંઈ ફેર પડતો નથી. કારણ કે સસ્તો અને ટેક્ષ વગરનો દારુ એ ગરીબ લોકોની જરુરીયાત પૂરી કરે છે. તેનો ગૃહ ઉદ્યોગ અને વિતરણ ગરીબોને ઠીક ઠીક રોજી પૂરી પાડે છે.(લઠ્ઠાકાંડ તો પીનારાઓને લાગુ પડે છે.)અને પોલીસ ખાતાને પણ ડાબા હાથની કમાણી કરાવી આવે છે. જોકે દારુબંધી હોવાથી પોલીસ ખાતાને સંખ્યાત્મક રીતે વધુ કમાણી થાય તે વાત જુદી છે.
કલાવતીબેન
પણ હાલતૂર્ત આ આપણો વિષય નથી. ભાવનગરના આડોડીયાવાસને પોલીસ સાથે મૈત્રી અને નાટકીય દુશ્મનાવટ પણ ખરી. પણ ભાવનગરનો આડોડીયા વાસ, અમારા સમયમાં ભાવનગરની આમ જનતા માટે કલાવતીબેન થી વધુ જાણીતો હતો હતો. કલાવતીબેન “કલુબેન”ના નામથી વધુ જાણીતા. કલુબેનને ભગવાને બાર પૂર્ણપુરુષોને ભાંગીને ભૂકો કરીને અને તે ભૂકામાં ઘણી ખૂટતી લાગેલી વસ્તુઓ ઉમેરીને બનાવેલા હશે એવું જરુર લાગે જ.
આડાડીયા એ એક જાતી હશે. કદાચ અનુસૂચિત જાતિમાં પણ આવતી હશે. તે કેટલી આડી હતી તે આપણને ખબર નથી. પણ પાપી પેટ માટે બધું કરતી હશે. સરકાર મા-બાપની પ્રાથમિકતાઓમાં તેમનો નંબર શંકાસ્પદ જગ્યાએ આવતો હશે. પણ કલુબેન આપબળમાં માને.
સામાન્ય “સીપાઈ-સપરા”નું કલુબેન સાથે (“બાથ ભીડવાનું” એ શબ્દ સુરુચી-ભંગ જેવો લાગે તેથી લક્ષ્યાર્થમાં પણ ન વાપરીએ તો) ફંગો લેવાનું કામ નહી. કલુબેન પોતે જ એવા કદાવર કે સીપાઈ સપરા તેમની આગળ બાબલા જેવા લાગે. અને જો કોઇએ ભૂલમાં પણ ફંગો લીધો તો કલુબેન તેને ભૌતિક રીતે ઉંચો નીચો કરી દે. ઉંચો કર્યો હોય એટલે નીચો તો કરવો પડેને, એટલે “ઉંચો નીચો” કરી દે એમ કહ્યું છે. ફીલમમાં તો હિરાભાઇની આવી ક્રિયા બતાવવા માટે ફોટોગ્રાફીમાં ટ્રીક-સીન તરીકે લેવો પડે. પણ કલુબેન એટલે કલુબેન. કલુબેનની આ આવી ભૌતિક ક્રિયા મારા એક મિત્રે નજરે નજર જોઈ છે. અને કલુબેનના શરીર ને જોઇને કોઇ આ બાબતમાં શંકા ન જ કરે.
આજ કલુબેન ફોજદાર સાહેબ પાસે ગરબડ ન કરે પણ એટલું તો સંભળાવે કે “સાહેબ તમારા આ સીપાઈ-સપરાંને સમજાવી દો. તેઓ અમારા જેવા ઈજ્જતદાર માણસોના ઘરમાં ઘુસીને ખાંખાં-ખોળાં કરે તે શું સારું લાગે? તમે જ કહો સાહેબ! શું અમારી આબરુને બટ્ટો ન લાગે?
મહુવામાં પણ આવા જ એક બહેન હતાં. પણ મહુવામાં તે ક્યાંના હતા અને મહુવામાં આડોડીયા વાસ હતો કે નહીં તેની ખબર નથી.
આડોડીયા
આ આડોડીયા શબ્દને અમે મિત્ર-વર્તુળોમાં જે સીધો ન ચાલે અને પોતાનું મહત્વ વધારવા માટે આડો ફાટે એને માટે વિશેષણ તરીકે વાપરતા. ગુજરાતીમાં તેને માટે “આડો” એવો શબ્દ છે. પણ અમે રમુજ આવે એટલા માટે “આડોડીયો” એવો શબ્દપ્રયોગ કરતા.
જાતિવાચક “આડોડીયા”ને વર્તનની “આડાઈ” સાથે કશો સંબંધ નથી. જાતિવાચક આડોડીયાઓ નિર્દોષ છે. “આડોડીયા” ભાઈ-બહેનોની કહેવાતી અસામાજીક પ્રવૃત્તિઓ સમયાધિન છે અને કાયદા થકી નિષેધ ન હોત તો તેઓની પ્રવૃત્તિને અસામાજીક ન કહેવાત.
પણ આપણે એવા “આડોડીયા” કે જેઓ વાસ્તવમાં આડાઈ કરે છે તેમનું જ્ઞાતિપરિવર્તન કરીને “આડોડીયા”માં સમાવેશ કરવો જોઇએ. અને હાલની કહેવામાં આવતી “આડોડીયા” જાતિને બ્રાહ્મણ કે વાણીયા કે ક્ષત્રીયમાં મેળવી દેવી જોઇએ.
બીજું વિશ્વયુદ્ધ અને રેન્ટ એક્ટ
૧૯૪૨માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નિકળ્યું હતું. હવે યુદ્ધ થાય એટલે લોખંડ, સીમેંટ જેવી બાંધકામની વસ્તુઓની વધુ જરુર પડે.એટલે અંગ્રેજ સરકારે લોખંડ અને સીમેંટ ઉપર નિયમન મૂકી દીધું. એટલે મકાનોનું બાંધકામ અટકી જાય. તેથી જે લોકો ભાડે રહેતા હોય તેઓ પોતાનું મકાન ન બનાવી શકે. હવે જો મકાન માલિક પોતાનું મકાન ખાલી કરાવે તો ભાડવાત જાય ક્યાં? પહેલાંના જમાનામાં સૌ કોઇને પોતાના ગામમાં પોતાનું બાપીકી મિલ્કતનું ઘર રહેતું. પણ જેઓ રૉટલા માટે બહારગામ જતા તેમને ભાડે મકાન રાખવું પડતું. અને જમાનો તો ધીમે ધીમે બદલાતો જતો હતો. તેથી ભાડાના મકાનની માંગ વધતી જતી હતી. મકાનના ભાડાં સાનુકુળ અને પોષણક્ષમ રહેતાં. તેથી ભાડવાતને પણ નિરાંત હતી અને મકાન માલિકને પણ આવકનું સાધન બનતું. પણ બીજા વિશ્વયુદ્ધે પરિસ્થિતી બદલાવી. તેથી સરકારે રેન્ટ એક્ટ દાખલ કર્યો.
રેંટ એક્ટની મુખ્ય ત્રણ જોગવાઈઓ હતી. તમે ભાડવાતને મકાન ખાલી કરાવી ન શકો. એક વખત નક્કી કરેલું ભાડું વધારી ન શકો અને ભાડવાતને જો ભાડું વધુપડતું લાગે તો તે કૉર્ટ પાસે કે સરકાર પાસે “સ્ટાન્ડર્ડ રેન્ટ” નક્કી કરાવી શકે.
બે નંબરી કમાણી, કોંગી અને મળતીયાઓને ઘી કેળા
પણ વિશ્વયુદ્ધ તો બંધ થઈ ગયું. ભારતને તો વિશ્વયુદ્ધે ખાસ અસર પણ કરી નહતી. પણ દેશના ભાગલાને કારણે મકાનની તંગી છે અને નિરાશ્રિતોને સમાવવાનો પ્રશ્ન ઉભો થયો એ એવું સરકારને લાગ્યું. વળી અંગ્રેજ સરકારે ઉત્પાદન ઉપર અંકુશો મુકેલા તે નહેરુ સરકારે ચાલુ રાખ્યા. એટલે સીમેન્ટ અને લોખંડ ઉપરનો અંકૂશ પણ ચાલુ રહ્યો. તેથી રેન્ટ એક્ટ પણ ચાલુ રાખ્યો.
સીમેંટ અને લોખંડ ઉપર અંકુશ હોય એટલે મકાન બંધાવવાની વાત તો દૂર રહી પણ મકાનના રીપેરીંગમાટે પણ બધાને તકલીફ. લાઈસંસ અને પરમીટ ની માય જાળ એવી કે નવો ઉત્પાદકની ઈચ્છાવાળો કશું કરી જ ન શકે. અને જુના ઉત્પાદકો તો ઓછા માલે વધુ વેપાર કરી શકતા હોય અને આવક વેરા વગરની આવક મેળવી શકતા હોય પછી લાંબી પળોજણમાં શું કામ પડે? સીમેંટ માં કાયદેસર ૨૦ટકા રાખ ભેળવી શકાતી હતી. સીમેંટની થેલી શણની બનેલી રહેતી. અને તેથી ૧૦ ટકા ઘટની છૂટ રહેતી હતી. લોખંડ નો વેપારી તમને બીન ઉપયોગી માલ ફરજીયાત પધરાવતો જેની કિમત પણ તમારે આપવી પડતી હતી. સરકાર, વેપારી અને કોંગી નેતાઓની આ આડોડાઈ હતી.
મહેતો મારે નહીં અને ભણાવે નહીં.
બેંકો ઉપર રીઝર્વબેંકનો અંકુશ ખરો પણ તેના અધિકારીઓને કડાકુટમાં રસ નહીં. તેથી બેંકો જો તમારી પાસે પૈસા હોય તો જ તમને ફુંકી ફુંકીને પૈસા આપે. બાકી કાપડની મીલો વાળા અને મોટી ફેક્ટરીઓ વાળા જ બેંકો ના ઘરાક. સામાન્ય જનતાને તો પોતાના સેવીંગ ખાતામાં મૂકેલા પૈસા ઉપાડવામાં પણ આખો દિવસ લાગે. એટલે સામાન્ય માણસ ઘરમાટે લોન લઈ શકે તે વાતમાં માલ નહીં.
કોઈ સમસ્યા ખૂબ લંબાય એટલે કોંગી સરકાર હાથ ઉંચા કરી દે.
કાશ્મિરી હિન્દુઓને ૧૯૯૦માં કત્લેઆમ કરી અને બાકીનાને કાશ્મિરમાંથી તેમના ઘરમાંથી હાંકી કાધ્યા. સરકારે હાથ ઉંચા કરી દીધા.
કોંગ્રેસ સરકાર રેંટ એક્ટ ને વિસ્તૃત કરતી જ ગઈ. જેમકે તમે કરાર કર્યો હોય પણ જો તે કરાર પૂરો થાય એટલે રેંટ એક્ટ લાગુ થઈ જાય. જો તમે કોઇને સાચવવા ઘર આપ્યું હોય અને તે કહે કે તેણે તો ભાડે રાખ્યું છે તો તમારે કૉર્ટમાં જવું પડે. વકીલો અને ન્યાયધિશો ગર્વ થી કહે કે પંદરવર્ષ પહેલાં દાખલ થયેલા કેસો હજી ચાલવા ઉપર આવ્યા નથી.
મોંઘવારી તો વધતી જ ગઈ. પણ રેંટ એક્ટની જોગવાઈઓ એની એજ રહી.
સ્ટન્ડર્ડ રેન્ટ એટલે મકાનની બંધાયું તે વખતની કિમત અને તેના એક ટકાની કિમતની બરાબર તેનું માસિકભાડું થાય. મકાનને રહેવાલાયક સ્થિતીમાં રાખાવા માટે રીપેરીંગની જવાબદારી પણ મકાનમાલિકની.
રેંટ એક્ટ એ એક અન્યાયકારી કાયદો છે.
અન્યાય કારી કાયદો રદબાતલ ગણાય. પણ અર્થ ઘટન કરવું એ ન્યાયાલયોનું કામ છે. ખાસ કરીને રાજ્ય અને કેન્દ્રની સર્વોચ્ચ અદાલતોનું કામ છે. અંતે કેસ તો સર્વોચ્ચ અદાલતમાં જ જાય. અને તેઓ પણ પોતાના સ્થાપિત હિતોને કારણે મકાન માલિકોને થતા અન્યાયને દૂરકરવાની વૃત્તિ ન દાખવી શકે.
જે સરકારી મકાનોમાં મંત્રીઓ, ધારાસભ્યો, ઉચ્ચન્યાયાધીશો અને ઉચ્ચ સરકારી અધિકારીઓ રહે છે તેની જો બજારભાવે કિમત ગણીએ તો કરોડો રુપીયા થાય અને સ્ટાન્ડર્ડ રેંટ પ્રમાણે લાખો રુપીયા ભાડું આ લોકોએ આપવું પડે. સરકાર માબાપ તો વીસ પચ્ચીસ ટકાથી વધુ મકાનભાડાનું ભથ્થું આપી ન શકે કારણ કે તેમને વધુ ટકાવારીનું ભાડા-ભથ્થું બીજા નીચલા વર્ગના કર્મચારીઓને પણ આપવું પડે. તેથી સરકારે પોતાને માટે નવો તોડ કાઢ્યો કે તે લાઈસન્સ ફી લેશે. અને તે પગાર પ્રમાણે ફીક્સ રહેશે.
એટલે રેંટ એક્ટના સકંજામાંથી આ ઉચ્ચ મહાનુભાવો તો છૂટી ગયા. પણ આમ જનતા તો ફસાયેલી જ રહી. આ સરકારની ખાસ કરીને કોંગ્રેસ સરકારની આડોડાઈ છે.
પણ રેંટ એક્ટના કેવાં કેવાં પરિણામો આવ્યાં?
ભાડે આપેલું મકાન રીપેર થાય નહીં.
ભાડે આપેલું મકાન ખાલી થાય નહીં.
ભાડે આપેલા મકાનનું ભાડું વધારાય નહીં
મકાન માલિક યોગ્ય કિમતે ભાડવાતવાળું મકાન વેચી શકે નહીં.
બજાર કિમત કુદકે અને ભુસકે વધે.
ન્યાયમાં અસહ્ય વિલંબ.
આવી સ્થિતીમાં
કુટુંબ ક્લેશ વધ્યા,
મિલ્કતોના ઝગડા વધ્યા,
કાળો પૈસો વધ્યો.
લાંચરુશ્વત વધી,
પાઘડીની પ્રથા અસ્તિત્વમાં આવી.
સ્ટેમ્પડયુટીમાં ખોટી કિમતો અસ્તિત્વમાં આવી.
અસામાજિક તત્વોનેનું જોર વધ્યું.
મકાનો જર્જરિત થવા માંડ્યા,
જર્જરિત મકાનો પડવા માંડ્યા,
માણસો દટાઈને મરવા માંડ્યા,
કબજો મુખ્ય વાત હોવાથી ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટ્યો,
રસ્તા અને ફુટપાથ ઉપર દબાણો વધવામાંડ્યા,
શહેરો અને ગામ કદરુપા થવા માંડ્યા,
લોકોને ગંદી આદતો પડી,
અસ્વચ્છતા સામાજીક આદત બની,
સમાજનો દ્રષ્ટિકોણ વિકૃત થયો,
સામાજીક સંસ્કારિતા નષ્ટ પામી,
કાયદાના રખેવાળોને ઘી કેળા
કોંગી સરકારે રેંટ એક્ટ નાબુદ કરવાને બદલે વધારાની એફ.એસ.આઈ બીલ્ડરોને આપવા માંડી તેથી રસ્તા ઉપર ભીડભાડ અને ટ્રાફીકમાં અરાજકતા આવી.
એટલું જ નહીં, ગેરકાયદેસર કબજેદારો ગુંડાતત્વોથી રક્ષણ મેળવવા લાગ્યા. અને કાયદાના રખેવાળોને ઘી કેળા થઈ ગયા. દાઉદનું નેટ વર્ક મિલ્કતના ઝગડાઓ પતાવવાનો ધંધો કરે છે. તે વાત ટીવી ચેનલો ઉપર આવી ગઈ છે.
ખરા આડોડીયા તો કોંગ્રેસના નેતાઓ
ખરા આડોડીયા તો કોંગ્રેસના નેતાઓ અને સરકારી કર્મચારીઓ (અધિકારીઓ સહિત) છે. ૬૦ લાખ કરોડ તો સ્વીસ બેંકમાં જ છે. એના જેવી તો બીજી વીસથી વધુ બેંકો છે. હોદ્દા ઉપરથી નિવૃત્ત થયેલો ઈમાનદાર ક્લાસ વન અધિકારી, નિવૃત થયા પછી લુના લઈને ખુશ થાય છે. અને ત્રીજા વર્ગનો ચાલુ કર્મચારી એક કરોડથી ૨૦૦ કરોડ સુધી એકઠા કરી લે છે.
રેંટ એક્ટની કોઈ સાર્થકતા નથી
રેંટ એક્ટની છેલ્લા ૫૦ વર્ષથી કોઈ સાર્થકતા રહી નથી. મોરારજી દેસાઈ એ ઉત્પાદન વધારવા ઉપરની જોગવાઈઓ રદ કરેલી.
નરસિંહ રાવે લીબરાઈઝેશન દાખલ કર્યું.
બેંકો ભરપૂર લોનો આપવા તમારે ઘરે આવે છે.
સીમેંટ અને લોખંડની કમી નથી.
નવા અસંખ્ય કોમર્સિઅલ કોંપ્લેક્ષો અને હાઉસીંગ કોંપ્લેક્ષો બને છે.
લોન પેપર બીલ્ડર પોતે આપે છે.
રેંટ એક્ટ સ્થાપિત હિતનો મામલો
છતાં જુના ભાડવાતો પોતાનો કબજો છોડતા નથી અને છોડવા માગતા નથી. કારણ કે હવે રેંટ એક્ટ એ એક સ્થાપિત હિતનો મામલો બની ગયો છે. જેમાં ગુન્ડાઓ, સરકારી અધિકારીઓ, ન્યાયધીશો અને પક્ષીય નેતાઓ એ સૌની આડોડાઈ છે.
૧૯૯૮માં ફીક્સ ડીપોઝીટ પર ૧૪.૫ ટકા વ્યાજ મળતું હતું. પણ તેને પાકતી મુદત પહેલાં જ, સરકારે એક ઝાટકે ઘટાડી નાખ્યું. અને જેમને મંજુર ન હતું તેમને ડીપોઝીટો પાછી આપી દીધી. આનો અર્થ એમ થયો કે જો સરકાર પૈસા ભાડે લે કે આપે તો તે મુનસફ્ફી પ્રમાણે વર્તી શકે. પણ આમ જનતા ભાડું વધારી ન શકે. કોંગી સરકાર શું પોતાની આડોડાઈ નથી સમજતી?
સુજ્ઞ જનોએ બળાપો કરવો કે નહીં?
Posted in માનવીય સમસ્યાઓ, tagged કામવાસના, કૃષ્ણ, ક્રિકેટ, તુલસીદાસ, પ્રેમાનંદ, ફુટબોલ, મેરાડોના, રાધા, સંયમ on July 4, 2010| 3 Comments »
સુજ્ઞ જનોએ બળાપો કરવો કે નહીં?
રામ અને કૃષ્ણ ભગવાનની વાત જાણે સમજ્યા. રામાયણના રામ ચરિત્ર (રામચરિત માનસ્ પુસ્તક નહીં) માંથી ચમત્કારો બાદ કરી નાખીએ તો પણ રામનું વ્યક્તિત્વ મુઠી ઉંચેરું રહે છે. કૃષ્ણ ભગવાન વિષે પણ એમ જ કહેવાય. સીતાજીનો તો ત્યાગ પણ હતો. રાણી તરીકેનું સુખ ભોગવવાનો હક્ક રાખ્યો તો સામાજીક પ્રણાલીઓને કારણે રામે કરેલો ત્યાગ પણ સહન કર્યો. પણ રાધાનું શું?
રાધા વિષે કોઈ કશું જાણતું નથી. મૂળ ભાગવત કદાચ મૌન છે. બ્રહ્મ વૈવર્ત પુરાણ કે બીજે ક્યાંક વાચેલું કે રાધા, કૃષ્ણની મામી હતી. શિશુ કૃષ્ણ ને જોઇ ને તેની કામવાસના જાગી ઉઠી. કૃષ્ણ ભગવાન, ભગવાન હોવાથી તે જાણી ગયા. અને તેમણે પુખ્ત સ્વરુપ ધારણ કર્યું. ૬૪ પ્રકારની કામલીલા કરીને રાધાને તૃપ્ત કરી.
આમ તો ઈશ્વરની વાત કરવી એટલે ઈશ્વર એક જ સત્ છે. બીજું બધું મીથ્યા છે. પણ આવા ઈશ્વરમાં કોને રસ પડે? આપણે જ્ઞાની છીએ એટલે લોકોને શું ગમશે અને શું નહીં ગમે તેનો પણ ખ્યાલ રાખવો પડે. અને એ આપણું કર્તવ્ય છે.
પણ એક બીજી વાત પણ છે. આપણે અતૃપ્ત પણ છીએ. આપણે જ્ઞાની છીએ અને કેટલા જ્ઞાની છીએ તે તો આપણને જ ખબર છે. આપણા શ્રોતાઓને આપણા અજ્ઞાનની ખબર ન પડવી જોઈએ અને આપણો આર્થિક કે ખ્યાતિ નો ધંધો ચાલવો જોઈએ.
અતૃપ્તની થોડી ઘણી તૃપ્તિ માટે ભગવાનની વાતોમાં થોડો રોમાન્સ પણ લાવીએ તો કદાચ સોનામાં સુગંધ ભળશે.
કદાચ રાધાનું પાત્ર આરીતે ઉમેરાયું હોય. વૈષ્ણવી પુરાણો અને ખાસ કરીને મોટા ભાગના પુરાણોમાં મોટા ભાગના ઉમેરણો ઉત્તર-પ્રાચીન થી પૂર્વ-મધ્યકાલીન સમય સુધી થતાં રહેલા.
કૃષ્ણ ભગવાન તેમના સમયમાં પણ લોક પ્રિય હતા. અને તેમને ભગવાન માનવાનું મોડામાં મોડું ઈ.પૂ. ૪૦૦ વર્ષ થી તો ચાલું હતું જ. રામને ભગવાન માનવાનું પછી ચાલું થયેલું.
હવે રોમાન્સ ની વાત કરીએ તો બાલકૃષ્ણની સાથે રાધાને જોડવી કદાચ મધ્યકાલિન લોકો માટે વધુ અનુકુળ હશે.
રાધાના અસ્તિત્વ સાથે તત્વજ્ઞાન પણ ભરડવામાં આવે છે. જો કૃષ્ણને ભગવાન માનો તો જ રાધાના નામનું અસ્તિત્વ રહે છે. અને રાધા-કૃષ્ણની રોમાન્ટીક વાતો લીલા તરીકે વર્ણવાય છે. જો કૃષ્ણ ને મહામાનવ માત્ર માનીએ તો રાધા સાથેના વર્ણનો કૃષ્ણના ગુણોને કલુશિત કરે છે. હવે એક વખત તમે કૃષ્ણને ભગવાન માની લો એટલે આ બધું માફ.
પણ આમાં કૃષ્ણભગવાન નો કંઈ વાંક નથી. તેમણે તો ધર્મની પૂનર્ સ્થાપના કરેલી. અને યાદવોને પૂરા દરીયા કાંઠા ઉપર રાજ કરતા કરેલા. તેથી પણી લોકોને વેપારમાં સુરક્ષા મળી હતી. પૂરા ભારતવર્ષમાં તેમનો જયજય કાર થયેલો. તેમના ભક્તોને આજની તારીખ સુધી ખબર નથી કે કૃષ્ણ ભગવાન ની મહાનતા, વિશ્વમાં અન્યત્ર કયા ગુણોથી સ્વિકાર્ય બનશે.
વિજાયતીય પ્રેમ તમને વિરહમાં કવિ બનાવે છે અને સાંનિધ્યમાં તમને શૃગાર-રસમાં ડૂબાડે છે. કામવાસનાની અતૃપ્તિ તમને તત્વજ્ઞાની બનાવે છે અને અસહ્ય અતૃપ્તિ તમને સોડાલેમન-મીક્સ બનાવે છે. સોડાનું અને લેમનનું પ્રમાણ કેટલું એ તમારા વાંચન ઉપર આધાર રાખે છે.
જો તમારામાં કલાતત્વ હોય તો તમે સારા કવિ થઇ શકો. આના શ્રેષ્ઠ ઉદાહરણો મારા જેવા અલ્પજ્ઞ માટે તુલસીદાસ અને પ્રેમાનંદ છે. તુલસીદાસને બાજુ પર રાખો. પ્રેમાનંદના રાધાકૃષ્ણના વર્ણનો વાંચો તો બ્લ્યુ ફિલ્મો યાદ ન આવે તો ફટ્ કહેજો.
બહુગામી કામવાસના સમાજની સુખાકારી અને તંદુરસ્તી માટે ખરાબ છે. પણ તે ઉપર મનુષ્યનો કેટલો કાબુ છે? આ વાત શરીર-રસાયણ-શાસ્ત્રીઓ માટે પણ ગહન સંશોધનનો વિષય છે. માણસ કદાચ ભૌતિક રીતે પોતાના ઉપર કાબુ રાખે પણ મન ઉપર કાબુ રાખવો મુશ્કેલ છે. મનની વાત જબાન ઉપર આવવાની કોશિશ કરતી હોય છે. સાહિત્યકારો ના સાહિત્ય વિષે પણ આવું જ સમજવું.
માણસ ગમે તેટલો વિદ્વાન હોય પણ તેની ઉપવાસ કરવાની ક્ષમતા કે તરસ સહન કરવાની ક્ષમતા તેના શરીરના બંધારણ ઉપર આધાર રાખે છે. શ્રેષ્ઠ રસ્તો એજ છે કે તે પોતાની ક્ષમતા વધારવાની કોશિશ કરે. આ કોશિશ ચાલુ રાખવાની ક્રિયા એ જ તેનો વિજય છે એમ માને.
પણ બધા સાહિત્યકારો આ વાત સમજી શકે તે જરુરી નથી. તેથી પ્રેમાનંદ જેવા અનેક કામ-રસ સાથે ફાલતુ એવી તત્વજ્ઞાનની વાતો જોડી પોતાની અતૃપ્તિને છૂપાવે છે.
જ્યારે ક્યાંક અતિરેક દેખાય ત્યારે અતૃપ્તિ દેખા દે છે. અને ઘણા આશ્ચર્યો સામે આવે છે.
એક કાળે દિલીપ ખાન, રાજકપુર અને દેવાનંદની ત્રીપૂટીમાં ઉત્તર ભારતીય યુવાનો વિભાજીત હતા. દિલીપ ખાન એવા હતા કે દેખાવે સામાન્ય એટલે કોઈ છોકરી સામે થી તો તેમના પ્રેમમાં પડે નહીં. પણ ફીલમમાં સાવ ઉંધું થતું હતું. તેમની ફિલમમાં હીરીબેન સામેથી તેમના પ્રેમમાં પડતી. તેથી અમુક વર્ગના યુવાનો તેમાંથી તાદાત્મ્ય સાધતા.
રાજ કપુર ભાઇ એવા હતા કે લવ કરવા આતુર, અને હીરીબેન એમના પ્રેમમાં પણ પડતા પણ પછી કોઈ સારો કે બીજો મુરતીયો મળતાં રાજકપુરભાઈને વહેતો મુકતા, અને પછી બીજા સાથે લગન કરી નાખતા. જોકે તેમને રાજકપુરભાઈ સાથે સહાનુભૂતિ રહેતી. અને રાજકપુર ભાઈની દયા સૌ કોઈ ખાતા. કદાચ પ્રેમભગ્નતાથી પીડીત કે તેવી પીડાનો કાલ્પનિક ભય રાખતા યુવાનોનો વર્ગ આ રાજકપુરભાઈ સાથે હાઈપોથેટીકલી તાદાત્મ્ય સાધતો.
દેવજીભાઈ પોતે સુંદર (ક્યારેક તેમનું ફીલ્મી નામ પણ મદન રહેતું) તેથી તેમને કન્યાઓનો ડર રહેતો નહીં અને બિન્ધાસ્ત રીતે કન્યા-હીરીબેનની પાછળ ઈવ-ટીઝર બનતા. તેથી અમુક પ્રકારનો યુવાવર્ગ અને કન્યાવર્ગ તૃપ્તિ અનુભવતો.
જો કે આ બધું મીથ્યા હતું. કદી કશું કેટલું તૃપ્ત થાય છે કે કેમ તે સંશોધનનો વિષય છે.
અજાયબીઓ તો આજે પણ ક્યાં ઓછી છે. જે હીરાભાઇઓના(એક્ટરો તો કેમ કહેવાય?)ની એક્ટીંગની કોઈ નકલ કરે ત્યારે સૌને ખબર પડી જાય ફલાણા હીરાભાઈની નકલ છે પણ તમે ફીલમનું નામ ન દઈ શકો. તો તેનો અર્થ શું થયો? તેનો અર્થ એજ થયો કે હીરાભાઈની સ્ટીરીયો ટાઈપ એક્ટીંગ છે. જો તમે હીરાભાઇનું ફીલ્મી નામ ભૂલી જાઓ પણ હીરાભાઈ યાદ રહે તો તે હિરોને ઝીરો જ કહેવાય.
અને છતાં તમે જુઓ, શુક્રવાર તેમને માટે ફીક્સ કર્યો છે તો પણ તેમની વાતો ચાલુ દિવસોમાં ફોટા સહિત આવે છે. હીરીબેનો વિષે પણ તેવું જ છે. કારણ કે જેમનું કશું જ ગણનાપાત્ર રચનાત્મક કે હકારાત્મક અનુદાન નથી અને જેમના ઉપર કોર્ટના કેસો પણ ચાલુ છે તેમના હંગ્યા-પાદ્યાના પણ સમાચારો આવે છે. આ બધું આશ્ચર્ય નથી? શું આ બધું મીથ્યા નથી? ખચિત મીથ્યા જ છે તો પણ માણસો ઉશ્કેરાટ અનુભવતા ઉંચાનીચા થાય છે.
આ ક્રિકેટ જ જુઓ. ખેલાડીઓ મેદાનમાં (પેવેલીયનમાંથી બહાર) આવે તો એમ કહેવાયા કે (નાઉ ધ ફીલ્ડર્સ આર ઇન), જ્યારે એક બેટ્સમેનના ડાંડીયા ઉડી જાય અને તે પેવેલીયનની અંદર જાય તો કહેવાય કે (હિ ઈઝ આઉટ). “સ્કોરર” કશો સ્કોર કરતો નથી. અને રનર ના ખાતામાં કશા રન ઉમેરાતા નથી. એમ્પાયરને મેદાનની બહાર કોઈ ગણતું નથી. “એક્ષસ્ટ્રા” નૃત્ય કરતી નથી. આવી તો ઘણી અસંબદ્ધ વાતો છે.
જો બેટ્સમેનોને બેટ ભેટમાં આપી શકાય તો ફુટબોલના ખેલાડીઓને ફુટબોલ ભેટ આપી શકાતો હશે એમ માનીને ફુટબોલ માટે લડતા બંને ટીમોના ખેલાડીઓને જુનાગઢના નવાબે ભેટ તરીકે એક એક ફુટબોલ આપ્યા. “જાઓ હવે એક દડા માટે અંદર અંદર લડશો નહીં.” મેરાડોનાની ટીમ હારી તેના કરતાં મને મેરાડોના દુખી થયો તેનું વધારે દુઃખ છે. શું આ બધું મીથ્યા નથી?
એક સાવ જ સીધી સાદી વાત. અને છતાં છે સાવ અટપટી. ભારત દેશ પ્રાચીન દેશ. વિદ્વત્તાના પુસ્તકોથી ભરપૂર. ઔતિહાસિક ચમત્કારોથી ભરપૂર. તાજેતરનો જ ચમત્કાર જુઓ. જે દેશના કવિ જનો પણ જે બ્રીટીશ સરકારથી અભિભૂત હતા અને જે દેશની પ્રજા કાળની અકળ લીલા થકી અભણ અને ગરીબ બની ગયેલી, તે પ્રજાને મહાત્મા ગાંધીએ જગાડી અને એક સુસ્થાપિત વિદેશી સામ્રાજ્યની વિરુદ્ધ તે પ્રજાને અહિંસક લડત માટે તૈયાર કરી અને સાથે સાથે સમાજીક પ્રણાલીઓને લલકારી, તે મહાત્માગાંધીનો ચમત્કાર નાનો સુનો હતો?
અને જુઓ આજ પ્રજા અવારનવાર છેતરાયા બાદ પણ એક જ પક્ષની એક જ કૌટુંબિક વારસાને માનતી નિસ્ફળ, દંભી અને વ્યંઢ નેતાગીરીથી છેતરાયા કરે તે ઓછા બળાપાની વાત છે?
જ્હોન હેર્સી ના “એ બેલ ફોર એડાનો” માં એક વાત આવે છે કે “એડાના” ગામના લોકોની પ્રાથમિકતા દેવળનો ઘંટ હતી. ખોરાક અને રોજી તો આવતી કાલની વાત છે.
આનંદ મૂખ્ય વસ્તુ છે. આનંદ સત્ છે. બીજું બધું મીથ્યા છે. જગતમાં શું મીથ્યા નથી? જગત આખું તો મીથ્યા છે. બળાપો શેનો કરવો અને શેનો ન કરવો? બસ આનંદ કરો. દરેક ક્રિયાની પાછળનો હેતુ અંતે તો આનંદ પ્રાપ્ત કરવાનો છે.
બહુ ચળ ઉપડતી હોય તો “જનતા જ એવી છે.” તેના દુર્ગુણોની વ્યાપકતા વર્ણવી દો અને “મેં કેવું સરસ કીધું… ?” એમ માની મહાનતા અનુભવો.
સાધ્યં ઈતિ સિદ્ધમ્
ચમત્કૃતિઃ
પૂરા એકદા પૃષ્ટવાન પદ્મયોનીં,
ધરિત્રીતલે સારભૂતં કિમસ્તિ?
ચતુર્ભિર્મૂખૈ રીત્યંવોચ્દ્વિરંચૈઃ
સ્તમાખુ સ્તમાખુ સ્તમાખુ સ્તમાખુઃ
એક વખત બ્રહ્માજીને બધા દેવતાઓએ ભેગા થઇને પૂછ્યું કે અત્યારે ધરતી ઉપર સારરુપ શું છે? બ્રહ્માજીના ચાર મુખોથી બોલાયું “તમાકુ તમાકુ તમાકુ તમાકુ”