રામ સીતાને કરાવી કાલયંત્રમાં યાત્રા
હાજી મોરારી બાપુએ રામસીતાને ટાઈમ મશીનમાં યાત્રાકરાવી અને ભૂતકાળમાં લઈ ગયા. એટલું જ નહીં પણ રામસીતાએ એક યુગ પાછળના ભૂતકાળમાં જઈ ભાગ પણ ભજવ્યો.
આમ તો વૈજ્ઞાનિકો માને છે કે કદાચ મનુષ્યનું વિજ્ઞાન એ હદે પહોંચશે કે મનુષ્ય ભૂતકાળને જોઈ શકશે. પણ તેમાં ભાગ ભજવી શકશે નહીં. તેઓ એ વાતમાં સર્વ સંમત છે કે મનુષ્ય ટાઈમ મશીન બનાવી શકશે ખરો અને ભૂતકાળના બનાવોનું પ્રત્યક્ષ દર્શન પણ કરી શકશે પણ તેમાં તે ભાગ નહીં લઇ શકે.
જો તમારું વાહન પ્રકાશ કરતાં પણ વધુ ઝડપથી ગતિ કરતું હોય તો તમારા નેત્ર પટ ઉપર ભૂતકાળના બનાવો વખતે નિકળેલા પ્રકાશના કિરણો ભટકાય અને તમને ભૂતકાળના બનાવોનું તાદ્રશ્ય જોવા મળે. તમે જેમ જેમ આગળ વધતા જાઓ તેમ તેમ વધુ ને વધુ દૂરના ભૂતકાળને જુઓ. પણ તમે તેમાં કુદી પડીને ભાગ ન લઈ શકો.
ભાગ લે તો શું થાય? ધારોકે રાવણનો કોઈ વંશજ ભૂતકાળમાં જાય અને રામ-રાવણનું યુદ્ધ જુએ. અને રામે જેમ વાલીને માર્યો હતો તેમ તે રાવણનો વંશજ રામને જ મારી નાખે તો શું થાય? અથવા તો રામનો કોઈ વંશજ ભૂતકાળમાં જઈ જ્યારે રાવણસીતાનું હરણ કરતો હોય ત્યારે જ રાવણને મારી નાખે તો? રામાયણનું શું થાય?
વૈજ્ઞાનિકો આવી વાતને ગ્રાન્ડફાધર્સ પેરેડૉક્સ કહે છે. એટલે કે એક વ્યક્તિ નામે રોબર્ટ ભૂતકાળમાં જઈને તેના દાદાનું ખૂન કરી નાખે તો શું થાય? રોબર્ટના દાદા કે જે રોબર્ટના પિતાના પણ પિતા છે, તેના પૂત્રનો જન્મ સંભવી ન શકે. રોબર્ટના પિતા ન જન્મી શકે. તેથી રોબર્ટ પોતે પણ જન્મી ન શકે. પણ તે તો જન્મેલો જ છે. અને તેણે તો ખૂન કર્યું છે.
આ કોઈ શબ્દોની રમત નથી. સીધી સાદી સમજણની વાત છે.
આપણે મૂળવાત ઉપર આવીએ.
રામ અને સીતાએ કેવીરીતે ટાઈમ મશીનમાં યાત્રા કરી અને દૂરના ભૂતકાળમાં ગયા અને વળી તેમાં ભાગ પણ ભજવ્યો. આમાં મોરારીબાપુનો વાંક નથી. જોકે સાવ એવું તો નજ કહી શકાય. જ્યારે અહોભાવની અંધતા તમારા મગજનો કબજો લઈલે અને તમે ઇતિહાસમાં ક્રમવાર બનેલા બનાવો ને ઉલ્ટાસુલ્ટી કરી નાખો છો. આના પરિણામે કાળનો વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. આવું થવાથી તમારી ફિલોસોફી અવિસ્વસનીય થઈ જાય છે. અને તમારા ઈતિહાસના જ નહીં પણ જ્ઞાનમાત્ર ઉપર મોટું પ્રશ્નાર્થ ચિન્હ લાગી જાય છે. અથવા તો દળી દળીને ઢાંકણીમાં એવો ઘાટ થાય છે.
મોરારી બાપુના “ચ”ના ક્રમની વાતનું મૂળ શું છે? તુલસીદાસ છે. તુલસી દાસ એક ઉત્કૃષ્ટ કવિ હતા. સંસ્કૃતમાં કવિ એટલે સર્વજ્ઞાનિ થાય છે. પણ કાળક્રમે આ વ્યાખ્યા લુપ્ત થઈ. અને તેથી કરીને તુલસીદાસ ઇતિહાસમાં સર્વજ્ઞ નહીં પણ અભણ હોય તો પણ ક્ષમ્ય ગણી લેવું. તેમની મૂલવણી તે રીતે થાય. અને ગાંધીજી એ પણ એમ જ કહ્યું છે કે ઐતિહાસિક રીતે તુલસીદાસના રામાયણનું મૂલ્ય ઉકરડામાં ફેંકવા જેવું છે. પણ તેનું સાહિત્યિક અને સામાજિક મૂલ્ય અપાર છે.
ગાંધીજીને મન રામ એ દશરથનો પુત્ર અને રાવણને મારનાર રામ ન હતો, પણ તેમનો રામ દરેકના હૃદયમાં રમતો રામ છે એ એક પરમબ્રહ્મ છે.
જે ભગવાન હોય તે “મોળા” શા માટે હોય?
તુલસીદાસના રામ તો વિષ્ણુના પૂર્ણ અવતાર પણ છે અને દશરથના પુત્ર પણ છે.
તમે જે વ્યક્તિ ઉપર પારાવાર ભક્તિ, શ્રદ્ધા અને પૂજ્યભાવ રાખતા હો અને વળી તેને ભગવાન માનવાની હોય અને મનાવવાની પણ હોય ત્યારે તે વ્યક્તિને સર્વ ગુણ સંપન્ન, સર્વ શક્તિમાન અને સર્વજ્ઞ ચિતરવી જ પડે. હવે આવું કરવા માટે તેને કોઈ મોટા પૌરાણિક કે ઐતિહાસિક ઘટનાક્રમમાં વણી લેવો જોઇએ. કોઇ એવા બનાવના મૂળમાં તેણે યોગદાન આપવું જ જોઇએ. તો પછી ફેકોં ને એક પ્રક્ષેપ.
આમ તો શ્રી કૃષ્ણના ભક્તો, શ્રી કૃષ્ણની કોઈ વાતમાં મોળાશ રાખતા નથી. પણ તેમને મહાભારતના કૃષ્ણ કરતાં ગોકુળના કૃષ્ણ વધુ પસંદ પડે છે. કારણ કે વયસ્ક કૃષ્ણની વાત કરીએ તો ગીતાની વાત કરવી કરવી પડે અને ભેજાનું દહીં કરવું પડે. તેના બદલે બાલકૃષ્ણની વાત સારી. એ … ય … ગોપીઓ અને તેની લીલા … અને રાધા …અને … માખણ … મટુકીઓ … છેડછાડ … રંગીન હોળીઓ … અને કલરફુલ વાતો …. આપણા મનની બધી જ રોમાંચક એષણાઓનું તાદાત્મ્ય કરી શકાય. આવું બધું હોય એટલે ઈતિહાસની ઘટનાક્રમની કડીઓને આઘી પાછી કરવાનો સમય ન રહે. બહુબહુ તો બાળ લીલામાં બધાને દર્શન કરવાના પ્રસંગોનો પ્રક્ષેપ કરી દેવો.
પણ એ વાત જવા દો. આપણી વાત છે રામની. અને તે પણ તુલસીદાસ અને મોરારીદાસના રામની. તુલસીદાસને થયું મારા ભગવાન પણ “મોળા” શા માટે? એ પણ સોળે કળાએ સંપૂર્ણ પૂર્ણાવતાર બનાવવા જોઇએ.
રામને વિષ્ણુના અવતાર માનવાનું બહુ મોડું ચાલુ થયેલ. વાયુ પુરાણના જુના પાઠમાં રામને વિષ્ણુના અવતાર માનવામાં આવ્યા નથી. રામ વિષે એક જ વાક્ય છે કે દશરથના તે પરાક્રમી પુત્રે લંકાના રાજા રાવણને યુદ્ધમાં હરાવ્યો. વાત પૂરી.
વાયુ પુરાણના આ જ જુના પાઠમાં શ્રી કૃષ્ણને જોકે વિષ્ણુના અવતાર માનવામાં આવ્યા છે પણ તેમના વિષે ફક્ત શ્યમંતક મણી ચોરાઈ જવાનું જે આળ આવેલું તે તેમણે કેવીરીતે દૂર કર્યું તે વાતને જ મહત્વ ની ગણી તેનો એક પૅરાગ્રાફ લખ્યો છે. કૃષ્ણને લગતી કોઇ દૈવી વાતો લખી નથી. વસુદેવના બધા પુત્રોના નામ આપ્યા છે. અને કંસ તેમને ઠીક ઠીક મોટા થયા પછી યુદ્ધ કરી મારી નાખતો હતો. એટલે વસુદેવ પોતાના પુત્ર કૃષ્ણ ને તેમના મિત્ર નંદને ઘરે મુકી આવે છે.
આ વાયુપુરાણની સંસ્કૃતભાષા “પાણીની”એ વ્યાકરણ રચ્યું એ પહેલાંની સંસ્કૃતભાષા છે. વાયુપુરાણમાં બુદ્ધભગવાન વિષે કશો ઉલ્લેખ નથી. જોકે આ પુરાણમાં પાછળથી ઉમેરણ થયાં છે અને પ્રકાશકોએ તે વિષે ફુટ-નોંધ આપીને દર્શાવ્યું છે.
કુલ અઢાર પુરાણ છે. વાયુપુરાણ શિવજીને મુખ્ય આરાધ્ય દેવ માનીને લખાયેલા દશ પુરોણોમાનું એક છે અને કદાચ પ્રથમ પણ હોઇ શકે.
अष्टादश पुराणेषु, दशभीः गीयते शिवः
चतुर्भीः गीयते विष्णुः द्वाभ्यां शक्ति च विघ्नपः
પુરાણ અઢારમાંના તો દશ સ્તવે છે શિવજીને,
ચાર સ્તવે છે વિષ્ણુને તે તો, બબ્બે શક્તિ ગણેશને
શિવની ઉપાસના મૂળ અગ્નિની ઉપાસનામાંથી નીપજી છે. તેવીજ રીતે વિષ્ણુની ઉપાસના સૂર્યની ઉપાસનામાંથી નીપજી છે. અગ્નિ, રુદ્ર અને શિવની એકરુપતા વિષે ભારતીય તત્વવેત્તઓને કશો વિસંવાદ કે વિરોધ લાગ્યો નથી. જુના ઉપનિષદોને અને જુના પુરાણ વાયુ પુરાણને વાંચવાથી વેદિક સંસ્કૃતિ, સરસ્વતિ સંસ્કૃતિ અને પૌરાણિક સંસ્કૃતિની એકસૂત્રતા નજરે પડે છે.
હવે આ શિવ કોણ છે? શિવનું સ્વરુપ એક રુપક છે. ઋગવેદ વાક્ય પ્રમાણે પહેલાં કશું જ ન હતું. દેવો પણ ન હતા અને બ્રહ્માણ્ડ પણ નહતું. અને પછી તે બ્રહ્મમાં થી અગ્નિ સર્વ પ્રથમ ઉત્પન્ન થયો. તે બ્રહ્મમાંથી ઉત્પન્ન થયો તેથી તે બ્રાહ્મણ (બ્રાહ્મણ જાતિ નહીં સમજવી) કહેવાયો. આ અગ્નિ વૈશ્વાનર છે. એટલે કે બ્રહ્માણ્ડરુપી પુરુષ છે. તે વિશ્વ દેવ રુદ્ર છે. તે જ્યોતિર્મય છે. અને આ જ્યોતિર્મય રુદ્ર છે. રુદ્રનું શરીર અગ્નિનું બનેલું છે. रुद्रस्य तनुः अग्निः
ઋગવેદમાં વાસ્તવમાં જુદાજુદા દેવોને વિશ્વદેવના એક અંશ તરીકે ઉપાસવામાં આવ્યા છે. વિશ્વદેવ એ રુદ્ર છે. રુદ્ર અગીયાર છે પણ જ્ઞાનિઓ જાણે છે કે તે એક જ છે. રુદ્ર આઠ વસુઓમાં જુદા જુદા નામે વસે છે. સૂર્યમાં તે રુદ્રના નામે વસે છે.
ભારતીય સંસ્કૃતિમાં કદાચ આકાશીય યંત્રશાસ્ત્ર નો વિકાસ થયો નહતો તેથી સૂર્યને વિશ્વનું કેન્દ્ર માનેલ. અને તે હિરણ્યગર્ભ (સૂર્ય) માંથી વિશ્વ અને તેના પદાર્થો ઉત્પન્ન થયા.
આ બધી ઈશ્વરની વાતો છે. રુદ્ર એ ઈશ્વર છે. સૂર્ય એ ભગવાન છે. મૂઠી ઉંચેરા માનવીને કે વ્યક્તિત્વને સૂર્યનો અવતાર ગણવામાં આવતો. એટલેકે ભગવાન માનવામાં આવતા. સૂર્ય કે જે જગતનું પાલન કરે છે. જ્યારે આ સૂર્ય પૂષ્ય નક્ષત્રમાં હોય છે ત્યારે પૃથ્વીના જીવો ખાસ કરીને માણસો ઠંડીથી થરથરતાં હોય છે. ત્યારે તેમને સૂર્યનું મહત્વ સમજાય છે. આ સૂર્યને વિષ્ણુ ના નામથી ઓળખાય છે. એટલે મહામાનવોમાંના કેટલાકને સૂર્યનો (વિષ્ણુનો) અવતાર માનવામાં આવતો એવી પ્રણાલી હતી. આ પ્રણાલી વિશ્વવ્યાપી હતી. ઈજીપ્તમાં પણ રાજાઓ વિષે આ માન્યતા પ્રચલિત હતી. જાપાનમાં આજની તારીખમાં પણ આ માન્યતા છે.
પણ વેદોમાં અવતારવાદ ને માન્યતા નથી. પુનર્જન્મને પણ માન્યતા નથી. સ્વર્ગ અને નર્કને પણ માન્યતા નથી. ભૂત પ્રેત પણ માન્ય નથી. ભવિષ્યમાટેની આગાહીઓ પણ માન્ય નથી.
આત્મા અમર છે ખરો. પણ તે પોતાના (સંતાનોના સ્વરુપે) ફરજંદોના સ્વરુપે અમર છે.
સ્વપ્ન કશી આગાહી કરતું નથી. તમે તમારી વિતેલી જીંદગીમાં જે કંઈ જોયું હોય અને વિચાર્યું હોય તેનું તેમાં અસ્પષ્ટ પ્રતિબિંબ હોય છે.
વિશ્વનો દરેક કણ સજીવ છે. જે નાનામાં નાનો છે તે પરમ કણ (સુપર સ્ટ્રીંગ કે સુપર મેમ્બ્રેન), સૌથી મોટામાં મોટા એટલે કે બ્રહ્માણ્ડ તે સૌમાં ઈશ્વર છે. “ઈશાવાસ્યમ્ ઈદં સર્વમ્”.
આ પરમ કણ નો ગુણ આકર્ષણ છે. અને આ ગુણ એ “શક્તિ” છે. તે જ આત્મા છે. અને તેનો સમુચ્ચય પરમાત્મા છે. તે જ બ્રહ્માણ્ડ છે, તે જ ઈશ્વર છે અને તેજ વિશ્વદેવ છે તેજ રુદ્ર છે અને તેજ અગ્નિ છે. ભારતીય સંસ્કૃતિમાં આ તત્વ જ્ઞાન હતું. અને આને બ્રાહ્મણ ધર્મ કહેવાતો.
પણ કાળક્રમે પુરાણોનો ઉદય થયો. પુરાણોનો મૂળ હેતુ ઈતિહાસ છે. પણ તેને રસપ્રદ બનાવવા તેમાં દેવો, ઈશ્વર, ભગવાન અને ચમત્કારોને ઉમેરવામાં આવ્યા. રુપકો અને દંતકથાઓ અને ઉપદેશો પણ નાખ્યા. કવિત્વ અને રોમાંચ પણ નાખ્યા.વળી એમાં અવતારવાદ આવ્યો. ક્યારેક એવું લાગ્યું કે આ બોડી બામણીનું ખેતર તો નથી? દયાનંદ સરસ્વતીએ પુરાણો ઉપર આક્રોષ ઠાલવ્યો છે.
હવે જ્યારે તમે અવતાર વાદ ઉપર જાઓ એટલે કે માણસને ભગવાન બનાવો એટલે ઘણી મુશ્કેલીઓ ઉત્પન્ન થાય.
માણસ મર્યાદિત શક્તિવાળો છે. એટલે માનવીય મર્યાદા આપણા ભગવાનમાં આવે. હવે ભક્તોએ તેનો જવાબ શોધવો પડે. એક જુઠને છૂપાવવા અનેક જુઠ ઉમેરવા પડે. એટલે બીજા પ્રશ્નો અને વિસંવાદો ઉભા થાય. તેના સમાધાન માટે ગલાતલ્લા અને વિતંડાવાદ કરવો પડે. તર્કહીન વાતો કરવી પડે. તમારા અંધભક્તો તો બુદ્ધિને ઝાડ ઉપર મુકીને આવ્યા હોય એટલે તેઓને તો તમારી વાતો ગ્રાહ્ય બને. પણ જેઓ તમારા વિરોધીઓ છે તેમને તમારી વાતો તર્કહીન લાગે અને તે ગ્રાહ્ય ન બને. તમારી વાતોની તેઓ મજાક ઉડાવે અને તમારુ બધું લખેલું દંતકથાઓ છે, કશું ઐતિહાસિક નથી અને બધું અસત્ય છે.
ભારતીય ધર્મ વિષે પણ આવું જ થયું છે. રામ અને કૃષ્ણને પરમાત્મા માન્યા એટલે તેમાં ચમત્કારો ઉમેરવા પડ્યા. ચમત્કારો ઉમેર્યા એટલે બીજાઓ માટે (મુસ્લિમ અને ખ્રીસ્તી લોકો માટે)અગ્રાહ્ય બન્યા. તેમને માટે તમે મજાક બન્યા. તમારા ઐતિહાસિક મહામાનવો દંતકથા થઇ ગયા અને તેમણે તેમનું અસ્તિત્વ ગુમાવ્યું. તમારા મહાપુરુષો ધર્મનો વિષય થૈ ગયા. તમે કહ્યું ધર્મ એ શ્રદ્ધાનો અને આસ્થાનો વિષય છે.
પણ ભાઇ તમારો સનાતન ધર્મ શ્રદ્ધાનો અને આસ્થાનો નથી. ભારતીય પ્રણાલી એ રહી છે કે તમે જો સત્ય, ઈશ્વર અને આત્માનું તત્વજ્ઞાન ફાડતા હો તો તે વાતને તાર્કિક ચર્ચાનો વિષય પરાપૂર્વથી ગણવામાં આવ્યો છે. આદિશંકરાચાર્યે પોતાના ટાંટીયા પોતાના અદ્વૈતના પ્રસાર માટે ઘસી નાખેલા. તેમની મહેનત ઉપર તમે શા માટે પાણી ફેરવો છો?
હવે જુઓ. તુલસીદાસે શું કર્યુ? મહામાનવ રામ પિતાના વચનની આબરુ રાખવા વનમાં ગયા. સીતા પણ સાથે ગઈ. રામના ભાઇએ સુપર્ણખાનું ઈવટીઝીંગ કર્યું. એટલે સુપર્ણખા ખીજાઈ અને મારવા દોડી. લક્ષ્મણે તેનું નાક કાપી નાખ્યું. એટલે તેનો ભાઇ રાવણ રામની બૈરી સીતાને ઉપાડી ગયો.
હવે પોતાની સ્ત્રીને શોધવી ક્યાં?
રામ દુઃખી દુઃખી થઇ ગયા.
કોઇ એક રામાયણની વાતમાં એવું આવે છે કે રામને હતાશામાંથી બહાર કાઢવા માટે શિવજી આવે છે. જેમ મહાભારત યુદ્ધના સમયે અર્જુન પોતાના બાંધવોને મારવાના છે તે વિચારીને હતાશા અનુભવે છે ત્યારે કૃષ્ણ ભગવાન તેને ગીતાનો બોધપાઠ આપે છે, તેવી રીતે શિવજી રામને ઉપદેશ આપે છે. આ ઉપદેશને શિવ-ગીતા કહેવાય છે. પણ આ એક પ્રક્ષેપ છે. આ પ્રક્ષેપ તુલસીદાસને પસંદ ન હતો. કારણ કે રામ તો વિષ્ણુના અવતાર હતા. તેમને વળી પાનો ચઢાવવાની જરુર શેની પડે!
તો પછી આ બધું શું છે? અરે ભાઈ આતો બધી રામભગવાનની લીલા છે. રામને વનમાં જવાનું થયું એટલે મૂળ લક્ષ્મી રુપી સીતા તો વૈકુણ્ઠમાં પાછા સિધાવી ગયા. રામ સાથે જે રહ્યાં એ તો છાયારુપી સીતા રહ્યા. બાકી રાવણની શું દેન છે કે મહામાયા સીતાનું હરણ કરી શકે? રામે પણ લીલા જ કરી છે.
હવે તુલસીદાસે શું કર્યું?
શિવજીના પૂર્વ પત્ની સતી હતાં. સતીને થયું મારો પતિ તો મહાદેવ છે. તે રામના શું કામ ગુણગાન ગાય છે?
સતી રામની પરીક્ષા કરવા સીતાનું રુપ ધારણ કરે છે. અને રામની પાસે જાય છે. હવે તુલસીદાસના રામ તો સાક્ષાત વિષ્ણુ ભગવાનના પૂર્ણ અવતાર છે. રામ તો સીતાના રુપમાં રહેલાં સતીને ઓળખી જાય છે અને તેમને વંદન કરે છે.
સતીજી ભોઠાં પડીને પાછા કૈલાસ જતાં રહે છે. શિવજીને આ વાત ની ખબર પડે છે. શિવજીએ જોકે વાયુ પુરાણમાં આમ કહ્યું છે. શિવજી એક સમયે બ્રહ્મા, વિષ્ણુ અને સમગ્ર દેવગણને એમ કહે છે કે “ભક્તોનો ભગવાન, ભક્તિ અને ભક્ત પણ હું જ છું … ભોજન કરનાર પણ હું જ છું, ભોજ્ય અને ભોજન પણ હું જ છું …” આવું કહેનાર શિવજીને હવે તુલસીદાસના રામાયણમાં પોતાની પત્ની સતી ઉપર ખોટું લાગી જાય છે. એટલે તેઓ સતીનો ત્યાગ કરે છે.
સતી ઉદ્વિગ્ન મને, પોતાના પિતા દક્ષ પ્રજાપતિને ઘરે જાય છે. ત્યાં દક્ષ પ્રજાપતિએ એક યજ્ઞનું આયોજન કર્યું હોય છે. પણ શિવજીને આમંત્રણ ન હોવાથી સતીને પોતાના પિતા ઉપર ખોટું લાગે છે. અને સતીજી યજ્ઞના કુંડમાં પોતાની આહુતિ આપી દે છે.
આ સતી ના પિતા દક્ષ કોણ હતા? દક્ષ પ્રજાપતિ બ્રહ્માજીના માનસ પુત્ર હતા. તેમણે પોતાની પુત્રી સતીને શિવ સાથે વરાવેલી.
કાળક્રમ જુઓઃ
અસુરોનું જોર વધી જતાં દેવોને ત્રાસ થયો. અસુરોને હરાવવા માટે દેવોને એક નેતાની જરુર હતી. અને તે શિવનો પુત્ર જ હોઈ શકે. હવે શિવને તો પત્ની હતી નહીં. તેથી પાર્વતી સાથે તેમનો વિવાહ કરવામાં આવ્યો. અને કાર્તિકેયનો જન્મ થયો. આ કાર્તિકેય દેવોનો સેનાપતિ થયો. અને દેવોએ વિજય મેળવ્યો. કાર્તિકેય ગણેશના મોટાભાઇ હતા.
સહસ્રાર્જુન નામે એક બળવાન રાજા થયો. તેણે જમદગ્નિ ઋષિ સાથે બળજબરી કરી. એટલે જમદગ્નિના પુત્ર પરશુરામે સહસ્રાર્જુનનો વધ કર્યો. અને બીજા ઉદ્દંડ એવા ૨૧ રાજાઓને પણ મારી નાખ્યા.
એક વાર તેઓ કૈલાસ ગયા ત્યારે તેમને ગણેશે રોક્યા. એટલે તેમણે ગણેશ સાથે યુદ્ધ કર્યું. તેમાં ગણેશજીનો એક દાંત તુટી ગયો. ત્યારથી ગણેશ એકદંત કહેવાયા. પછી શિવજીએ પાર્વતીને કહ્યું કે પરશુરામ પણ આપણા પુત્રતુલ્ય જ છે. માટે તેમને માફ કરી દેવાય. સહસ્રાર્જુન પછી તો કેટલાય વિસુ રાજાઓ થઇ ગયા. અને પછી રામચંદ્રજીના પિતા દશરથ રાજા થયા.
દશરથ રાજા થયા ત્યારે પાર્વતીજી વિદ્યમાન હોવાજ જોઇએ અને હતા જ. અને ગણેશજી પણ વિદ્યમાન હતા. તો હવે વનમાં ગયેલા રામને ભઠાવવા સતિ ક્યાંથી આવ્યા? આનો અર્થ તો એવો જ થાય કે તુલસીદાસજી રામને ટાઇમ મશીનમાં બેસાડીને પહેલા ચરણના સતયુગમાં લઈ ગયા.
ટૂંકમાં જ્યારે ભક્ત અહોભાવમાં ભાન ભૂલી જાય છે ત્યારે આવા હાસ્યાસ્પદ ાને લજ્જાસ્પદ ગોટાળાઓ સર્જાય છે.૧૮૫૭ના બનેલા બનાવની ૧૯૫૭ના કોઇ એક બનાવ ઉપર અસર પડે. પણ ૧૯૫૭માં બનેલો બનાવ ૧૮૫૭ ઉપર અસર ન કરે.
તુલસીદાસને ઈતિહાસનું અજ્ઞાન હોય તે સમજી શકાય તેમ છે. પણ મોરારીદાસ કે જેને લોકો આધુનિક કક્ષાના સંત માનવામાં આવે છે તેમણે આવા ભક્તિના અતિરેકમાં આવી પુરાણોના પ્રતિકાત્મક દંત કથામાં ભાગ લેતા ઈશ્વરની બુરાઇ ન કરવી જોઇએ.
શિવ એ ઈશ્વર છે. અને તેમનું સ્વરુપ અને કથાઓ પ્રતિકાત્મક છે. પણ મોરારીદાસ તો કૈલાસ માનસરોવર જઈને પણ ઈશ્વરની બુરાઈ કરી આવ્યા.
ભાઇ મોરારીદાસ તમે ગુરુદ્વારામાં જઈને તુલસીદાસની રામાયણ કરી આવો તો ખરા. શિખભાઈઓ તમને ત્યાં રામનો ફોટો પણ મુકવા નહીં દે. ગુરુદ્વારામાં ગુરુગ્રંથસાહેબ જ સર્વોચ્ચ છે. તેવી રીતે કૈલાસ માનસરોવર કે બધા જ્યોતિર્લિંગોમાં અને શિવ મંદિરોમાં ઈશ્વર જ (શિવ જ) સર્વોચ્ચ છે.
માણસને માણસ જ રહેવા દો. માણસને ભગવાન કે ઈશ્વર બનાવી ભગવાનનું કે ઇશ્વરનું અવમુલ્યન ન કરો.
આપણી ભારતીય સંસ્કૃતિ અને તેનું તત્વજ્ઞાન એ શ્રદ્ધા કે આસ્થાનો વિષય નથી. આપણી ભારતીય સંસ્કૃતિ અને તેનું તત્વજ્ઞાન એ બુદ્ધિગમ્ય છે. અને તેથી બુદ્ધિને અને તર્કને વિશ્વસનીય હોય તેવી જ વાતો કરો.
કૃષ્ણ અને રામના વ્યક્તિત્વ ઘણાજ મહાન હતા. તેમના ચમત્કારોની બાદબાકી કરશો તો પણ તેમનું વ્યક્તિત્વ અકબંધ રહે છે. ચમત્કારો કોઇ કરી શકતું નથી અને કોઇએ ચમત્કારો કર્યા નથી અને કરી શકશે નહીં. ભારતીય તત્વજ્ઞાન આમ જ કહે છે. તે કર્મના સિદ્ધાન્તમાં માને છે. અને જગતના બધા દેશોનું ન્યાય તંત્ર પણ આજ વાત માને છે. જગતનો સુજ્ઞ સમાજ પણ કર્મના સિદ્ધાંતને જ અનુરુપ રાજ્ય બંધારણ બનાવે છે.
ચમત્કૃતિઃ
રમણભાઈ નિલકંઠની “ડૉન કિહોટે એન્ડ સાંકોપાન્જાની” ગુજરાતી આવૃતિ જેવી “ભદ્રંભદ્ર” નવલકથામાં પણ ભદ્રંભદ્રની આવી હાલત થાય છે. ભદ્રંભદ્રના એક ઐતિહાસિક ક્રમમાં કરેલા ગોટાળાને જ્યારે શાન્તારામ તેમના ધ્યાન ઉપર લાવે છે ત્યારે ભદ્રંભદ્ર, શાન્તારામને ઠંડે કલેજે જવાબ આપે છે કે “દેવોને કાળનું બંધન હોતું નથી.”
શિરીષ મો. દવે
ટેગઃ ટાઇમ મશીન, સીતા રામ, તુલસીદાસ, મોરારીદાસ, વાયુ પુરાણ, અગ્નિ રુદ્ર વિશ્વદેવ શિવ, સૂર્ય વિષ્ણુ, દક્ષ સતી, પાર્વતી