મહાત્મા ગાંધીવાદીઓ નહેરુ-ઇન્દીરાગાંધી વાદીઓ સામે સત્યાગ્રહ કરી શકે ખરા?
નહેરુવંશીય કોંગ્રેસ ભારત ઉપર છ દાયકાથી રાજ કરી રહેલી છે. સ્વાતંત્ર્યની ચળવળ કરવાવાળી કોંગ્રેસ અને સ્વતંત્રતા મળ્યા પછીની કોંગ્રેસમાં આભ જમીનનો ફેર છે.
સ્વતંત્રતા મળ્યા પહેલાં પણ તે વખતની કોંગ્રેસમાં તડાં હતાં. પણ તે તડાં વૈચારિક વધુ અને રાજકીય જુથવાદી ઓછા એવા હતાં. જોકે વૈચારિક તડાઓમાં પણ પ્રચ્છન્ન રાજકીય જુથવાદ હોય તો સંધોધન કરનારા તેને નકારી શકે નહીં.
નહેરુનું ટોળું મોટું હતું
આપણને અત્યારે જે દેખાય છે અને તે વખતે જે અમુક લોકોને દેખાતું ન હતું, તે સત્ય અને બાકીનૂ બધું અસત્ય તે વાતને કોરણે મુકીએ તો, નહેરુને પસંદકરનારાનું ટોળું મોટું હતું અને જીન્નાનું તેવું ટોળું નાનું હતું. પણ એ વાત પછી કરીશું.
હાલ તૂર્ત તો આપણે જોઇએ કે અન્ના હજારે અને બાબારામદેવ હાલની નહેરુવીયન કોંગ્રેસની નેતાગીરીવાળી સરકારના બેફામ રીતે વકરાવેલા ભ્રષ્ટાચારની સામે પડી છે. અન્ના હજારે અને બાબા રામદેવને જનતાનો પ્રચંડ સહકાર મળી રહ્યો છે. અન્ના હજારેએ લોકપાલ બીલ જે વિષે એમજ કહી શકાય કે કોંગ્રેસ દાયકાઓથી ઠાગા ઠૈયા કરી રહી હતી, તે લોકપાલ બીલની જરુરીયાત નહેરુવીયન કોંગ્રેસના પ્રચંડ કૌભાન્ડો બહાર આવ્યા પછી અનિવાર્ય લાગી, તેને મુદ્દા તરીકે હાથમાં લીધું.
જે રીતે કહેવાતા સ્વચ્છ પ્રધાન મંત્રીના ગેરબંધારણીય અને બેજવાબદાર વર્તણૂંક જાહેરમાં આવ્યા એટલે સર્વોચ્ચ ન્યાયાલયે સરકારને આદેશો આપવા પડ્યા. અને આ અદેશો મળ્યા પછી પણ બેજવાબદારી અને નીંભરતામાં કોઈ ફેરજોવા મળ્યો એટલે અન્ના હજારેને લાગ્યું કે લોકપાલ બીલની આવશ્યકતા અનિવાર્ય છે.
અન્ના હજારે આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા. લોકોનો તેમને સહકાર મળ્યો. પણ તેમના જુથમાં અમૂક ખોટી વ્યક્તિઓને ઘુસાડી દેવામાં આવી હતી કે ઘુસી ગઈ હતી જેમણે અન્ના હજારે સામે અમૂક પ્રશ્નો ઉભા કર્યા. કેટલાકે તેમને નરેન્દ્ર મોદી સામે ભીડાવ્યા. તો કેટલાકે તેમણે રચેલી સમિતિના સભ્યોની યોગ્યતા અને જરુરીયાતો સામે પ્રશ્નો ઉભા કર્યા. નહેરુવીયન કોંગ્રેસને તો આવી પરિસ્થિતિ જ જોઇતી હતી.
સમાચાર માધ્યમોને આવી વાતો અને ચર્ચાઓ “દમ”વાળી લાગે. “દમવાળી” એટલે શું તે જાણવા માટે પીપલી લાઈવ” જુઓ. તેઓ તો જાણે એમજ માનતા હોય છે કે આપણે તો નાગા (અલિપ્ત) છીએ, આપણે તો નહાવાનું શું અને નીચોવવાનું શું? તેથી તેમણે તો જે તે ચર્ચાઓને પ્રમાણભાન રાખ્યા વગર અને વાસ્તવમાં જે “દમ”વગરની હતી તેને વધુ ચગાવી. આ બધું થવા છતાં પણ અને આ બધું હોવા છતાં પણ લોકોને લાગ્યું કે અન્ના હજારે દ્વારા જે કંઇક થઈ રહ્યું છે તેને સહકાર આપવો જરુરી છે.
સમાચાર માધ્યમો અને મૂર્ધન્યોની પરિભાષાઃ “દમવાળા” અને “દમવગરના”
વીકીલીક્સના અસાન્જે એ અમેરિકાની સાથે ગુપ્ત ખબરો જાહેર કરવાની સાથે નહેરુવીયન કોંગ્રેસના સ્વીસબેંકના ખાતાંઓની વાતોવાળાં ભોપાળાં અને કાળાકર્તૂતો બહાર પાડ્યા એટલે ભારતીય સમાચાર માધ્યમોને તેની વાતોને કવરેજ આપ્યા વગર છૂટકો નહતો.
સુબ્રહ્મનીયન સ્વામીના પ્રવચનોને અને તેમણે પ્રગટ કરેલી માહિતીઓને તો સમાચાર માધ્યમો દબાવી દેવામાં માને છે. સુબ્રહ્મનીયન સ્વામી જે કંઈ માહિતીઓ આપતા રહે છે તે માહિતીઓ ઉપર તો પ્રસાર માધ્યમોનો “કટોકટીની સેન્સર શીપ જેવો કાળો અને લોખંડી પડદો” હોય છે. જેઓને રસ હોય છે તેઓ યુટ્યુબ “You Tube” જય છે. શા માટે લોખંડી પડદો છે? કારણ શું છે? કારણ કે નહેરુવીયન કોંગ્રેસી નેતાઓના નિવેદનો તો પુરસ્કાર વાળા (પેઈડ) સમાચાર હોય છે. એટલે તેને તો “દમ” વાળા ગણવા પડે જ.
જે સમાચારો અને જેમાં અને જ્યાં પૈસા ન મળતા હોય તે સમાચારો અગર “દમ” વાળા હોય તો પણ શું થઈ ગયું? પુરસ્કાર વગરના સમાચાર જો છાપીએ કે ચગાવીએ તો પુરસ્કારવાળા સમાચારમાં ઠીક ઠીક ઘટ પડી શકે છે. માટે જે સમાચાર પુરસ્કાર વાળા હોય તેને જ “દમ”વાળા ગણવા એવો તેમનો મૂદ્રણનો મૂદ્રાલેખ હોય છે.
હવે અન્ના સાહેબ અને બાબા રામદેવ કંઈ જેવા તેવા તો નથી જ. તેમને તો લાખો અનુયાયીઓ છે. અને તેમના સમાચારો પર કાળો પડદો પાડીયે તો તો આપણા વાચકો અને દર્શકો ઘટી જાય. તો આ તો મૂઆ નહીં તો પાછા થયા એવો ઘાટ થાય. તો હવે શું કરવું?
અરે આતે કંઈ સમસ્યા છે? આવી સમસ્યાને હલ કરવી એતો કેટલાક માથાફોડી કરનારા મૂર્ધન્યોનો અને સમાચાર માધ્યમોના ખેરખાંઓનો ડાબા હાથનો ખેલ છે. વિસંવાદ ની હવા ફેલાવો. વિસંવાદ હોય કે નહોય, જો હશે તો તેનું પ્રમાણ કેટલું તેતો આપણે તેને કેટલો અને કેવીરીતે ચગાવીશું તેના ઉપર જ આધાર રાખે છે. માટે આપણે થાવા દ્યો તમ તમારે.
આપણા અન્નદાતા નહેરુવીયન કોંગ્રેસીઓ પણ ખુશ થશે અને આપણને અપાતા “પુરસ્કારોનો” રેટ પણ વધારી દેવામાં આવશે.
એટલે સુજ્ઞવાચકોએ સમજી જવું કે ઉભા કરવામાં આવતા વિસંવાદોનું મૂળ ક્યાં, શું અને શામાટે છે.
આ પ્રમાણે લોકપાલ બીલની દશા નહેરુવીયન કોંગ્રેસીનેતાઓના માનવા પ્રમાણે તેઓ ઈચ્છતા હતા તેવી કરવામાં આવી છે. નહેરુવીયન કોંગ્રેસી નેતાઓ માને છે કે તેમણે લાઠી ભાંગે નહીં તેવી રીતે સાપને માર્યો છે.
અન્ના હજારેની વાત તો “લોકપાલ બીલ”ની હતી. અને બીલ એટલે શબ્દો અને સમજની મારામારી. સામાન્ય માણસને તો ગતાગમ પડે જ નહીં. જો “મહિલા અનામત બેઠક” નું બીલ જેને રાજકારણીઓ ટલ્લે ચડાવી શકતા હોય તેમને માટે તો “લોકપાલ” બીલ ની જોગવાઈઓ વિષે વિસંવાદ ઉભો કરવો એ તો ડાબા હાથના ખેલ છે. એટલે અન્ના સાહેબને થોડા દિવસ ભૂખ્યા રાખ્યા પછી તેમની સમિતિને માન્યતા આપી.
બાબા રામદેવની તો વાત જ અલગ હતી.
બાબા રામદેવ તો ક્યારનાય જાહેરાત કરી ચૂક્યા હતા કે તેઓ ભારતીય સ્વાભિમાનને અનુરુપ એક પક્ષ બનાવશે અને લોકસભાની ચૂંટણી લડશે.
તેમણે પણ આમરણાંત ઉપવાસની જાહેરાત કરી. અને તેઓ તેમના સાથીઓ સાથે ઉપવાસ ઉપર ઉતર્યા. બાબા રામદેવની માગણીઓ સ્પષ્ટ હતી અને નહેરુવીયન કોંગ્રેસીઓને માટે તો મોતનો સમાન હતી અને મોત હતી.
કાળા નાણા અને લાલ નાણા
જો તમારે વિદેશની બેંકમાં ખાતુ ખોલવું હોય તો રીઝર્વબેંકની મંજુરી લેવી પડે. તમારે સરકારની મંજુરી લેવી હોય એટલે તેનું ફોર્મ ભરવું પડે. તેમાં તમારે અનેક વિગતો આપવી પડે. એટલે સરકારની નજરમાંથી તમે છટકી શકો નહીં. તમારે ટેક્ષ તો ભરવો જ પડે પણ સરકાર માબાપને જરુર પડે તમે પૈસા ક્યાંથી લાવ્યા તેના જવાબો પણ આપવા પડે. તમે જો દાઉદની ગેંગના હો અને કોઇ સોપારી લીધી હોય તો તમારા તે પૈસા લાલ કહેવાય. જો તમે ધંધો કરતા હો કે ઊંચી પાયરીના સરકારી નોકર હો કે “બીજું સુખ તે કોંગ્રેસમાં ભળ્યા” એવા હો, અને બે નંબરી પૈસા કમાયા હો તેને કાળા નાણા કહેવાય.
આ બધા નાણા તમે સરકાર માબાપની પરવાનગી વગર વિદેશની બેંકમાં રાખો તો તમારે ટેક્ષ ન ભરવો પડે. પણ તમારો હેતુ ટેક્ષ ન ભરવાનો હોતો નથી. તમારો હેતુ ખાનગી રાખવાનો હોય છે. કારણ કે જો તમે ખાનગી ન રાખો તો ખબર પડી જાય કે તમારા ધંધા કેવા અસામાજીક અને ગુન્હાહિત હોય છે.
બાબા રામદેવની માગણીઓ
બાબા રામદેવે માગણી મૂકી કે આ ગેરકાયદેસર ખાતાંઓને ૧૫ ઑગશ્ત ૧૯૪૭ થી લાગુ પડે એ રીતે રાષ્ટ્રીયકરણ કરી રાષ્ટ્રીય સંપત્તિ ઘોષિત કરી દો.
પણ આ વાત પૂરતી નથી. કારણ કે નીતિભ્રષ્ટ કોંગી અને બીજા જનો બનાવટી નામે પણ ખાતા ખોલાવે અને અથવા વિદેશી નાગરિકના નામે ખાતાં ખોલાવે અને તેમની સાથે કરાર કરે કે ખાતા લાભકર્તા તરીકે કે વારસદાર તરીકે પોતાને રાખે. આવા ખાતાઓના પૈસા જ્યારે ત્યારે ભારતની સંપત્તિ જ ગણાય તે પણ વટહુકમમાં સામેલ થવું જોઇએ.
આ સીધી સાદી વાત છે. બેંક માને કે ન માને. બેંકને કેવીરીતે મનાવવી તે માટેના હજાર રસ્તાઓ હોય છે.
રામદેવજીની બીજી વાત એ છે કે રુપીયા પાંચસો અને તેથી વધુ કિમતની હાલની ચલણી નોટો રદ કરો.
૧૯૫૦ની આસપાસની સરકારે એક હજારની નોટો રદ કરેલી. એટલે આ વાત પણ અશક્ય નથી જ. જો કટોકટીના વટહુકમ ઉપર રાષ્ટ્રપતિ પોતાના ઘરના “વૉશરુમ-લેવેટરી-સંડાસ-બાથરુમ”માં હોય ત્યારે સહી પણ થઈ શકતી હોય તો બીજું જોઇએ શું?
(ઈન્દીરા ફિરોઝ નહેરુ ગાંધીએ પોતાનો હોદ્દો બચાવવા જે કટોકટી લાદી હતી તેને અંતર્ગત વટહુકમ પર રાષ્ટ્રપતિનું મત્તુ મરાવવા તે સમયના રાષ્ટ્રપતિ ફકરુદ્દીન અલી એહમદ ની સહી આ રીતે લેવામાં આવેલી એવું કહેવાય છે એ અત્યંત જાહેર થયેલી વાત છે.
જો નહેરુવીયન કોંગ્રેસી નેતાઓ માંના મોટાભાગના કે ઠીકઠીક સંખ્યામાં કે અલ્પ સંખ્યામાં પણ પ્રામાણિક હોય તો કોંગ્રેસનું એક વધુ વિભાજન થઈ ગયું હોત. પણ એવું થયું નથી. એટલે એવું માની શકાય કે જે કોઇ છે તે બધા “સડેલ” મૂલ્યોવાળા જ છે.
ટૂંકમાં આ નહેરુવીયન કોંગ્રેસ મહાત્મા ગાંધીવાદી તો નથી જ પણ મહાત્મા ગાંધીએ વિકસિત કરેલ આમ આદમીનો ખ્યાલ રાખતી માનવીય મૂલ્યોવાળી પણ કોંગ્રેસ નથી.
તો આવી કોંગ્રેસ સામે ગાંધીજીએ પ્રબોધેલા સત્યાગ્રહ અને ઉપવાસ વાળી લડત આપી શકાય ખરી? અને જો તે સફળ ન થાય તો શું સમજવું? ગાંધીજીની વાત ખોટી કે અહિંસક લડત આપનારા ખોટા?
અંગ્રેજ સરકાર અને આ નહેરુવીયન કોંગ્રેસ માં ફેર શું છે?
અંગ્રેજ સરકાર સામેની લડત અને આ નહેરુવીયન કોંગ્રેસ સામેની લડતમાં ફેર શું છે?
અંગ્રેજ સરકાર પણ એક દંભી સરકાર હતી. પણ અંગ્રેજ સરકાર કાયદાની પરિસીમામાં દંભી હતી. અંગ્રેજ સરકારનો વહીવટ એ કાયદાનું રાજ હતું. પણ ભારતમાટે ઘડેલા કાયદાઓ ભારતની જનતા માટે માનવીય ન હતા. એટલે સવિનય કાનુન ભંગ એ લડતનું હથીયાર રહેતું.
ન્યાયતંત્ર કાયદો વાંચે અને તે પ્રમાણે ન્યાય આપે. જો કાયદો બદલવો હોય તો સરકાર ઉપર જ દબાણ લાવવું જોઇએ. કાયદો હોય પણ કાયદા પ્રમાણે સરકાર વર્તતી ન હોય અને તેના અમલમાં ખામી રાખતી હોય તો તે માટે ન્યાયતંત્ર પાસે જઈ શકાય એવી જોગવાઈ મોરારજી દેસાઈની સરકારે કરીને દેશની અને લોકશાહીની સારી સેવા કરી છે.
નહેરુવીયન કોંગ્રેસની સરકારમાં તો કાયદા પણ ખામીવાળા છે અને સરકારનું શાસન પણ કાયદા પ્રમાણેનું શાસન નથી.
આપણી વાત છે કે શું બાબા રામ દેવ મહાત્માગાંધીની રાહે આ નહેરુવીયન કોંગ્રેસ સામે લડત આપી શકે ખરા?
અહિંસક લડત એ માનવમાત્રનો અધિકાર છે.
આ વાતને નકારી ન શકાય. અહિંસક લડત એ માત્ર લડત નથી એ લોક જાગૃતિનું કામ પણ છે. ઉપવાસ પણ આ લડતનું એક શસ્ત્ર છે. પણ આ શસ્ત્ર બધા વાપરી નશકે. તે માટે બંને પક્ષે લાયકાત હોવી જરુરી છે.
લડત માત્ર અન્યાય સામે હોય છે.
અન્યાય નો સામનો બે રીતે થઈ શકે. એક રસ્તો છે ન્યાય તંત્રનો ઉપયોગ કરીને અને બીજો રસ્તો છે સત્યાગ્રહ. એટલે જો કાયદો અન્યાય કરી રહ્યો હોય અને તે કાયદો તમે અત્યાર સુધી પાળ્યો હોય તો તે કાયદાનો જાહેરમાં ભંગ કરવો અને સજા વહોરી લેવી.
જો કાયદાનો અભાવ અન્યાય કારી હોય તો કાયદો કરવા માટે જાહેર પ્રદર્શન, પ્રતિક ઉપવાસ અને જરુર પડે આમરાંત ઉપવાસ કરી શકાય. પણ આ બધી બાબતમાં તમારો અંગત સ્વાર્થ ન હોવો જોઇએ.
સરકારની લાયકાત એ હોવી જોઇએ કે તે કાયદાના શાસનમાં માનતી હોવી જોઇએ. કાયદાનું શાસન એટલે કે કાયદાની જોગવાઇઓ હેઠળ ન્યાય મળે. “ન્યાય મળે” એટલે ન્યાય મળે છે તે દેખાવું જોઇએ. સરકાર સંવાદ માટે તૈયાર છે તેવું હોવું જોઇએ. પૂર્વગ્રહ વગરનો વ્યવહાર અને સંવાદ હોવા જોઇએ.
બાબા રામદેવ અને તેમના સાથીઓનો કોઇ અંગત સ્વાર્થ નથી. તેમની લડત અહિંસક છે.એટલે તેમની યોગ્યતા તો ગણાય જ.
અંગત મિલ્કત
ગાંધીજીની એક એ વાત પણ હતી કે જેઓ જાહેર જીવનમાં પડેલા હોય તેમણે અંગત મિલ્કત રાખવી ન જોઇએ.
આ એક સમજવા જેવી વાત છે.
ધારો કે તમે લડત આપવા તૈયાર થયા એટલે તમે જાહેર જીવનમાં પડી ગયા એમ કહેવાય?
એટલે કે જેમણે જાહેર જીવનમાં પડવાનું નક્કી કર્યું તેઓ જ લડત આપી શકે?
શું સામાન્ય નાગરિક લડત આપવા માટે યોગ્ય ન કહેવાય?
જેમણે લડતમાં ભાગ લેવો છે તેમણે શું પહેલા પોતાની મિલ્કતનો ત્યાગ કરી દેવો જોઇએ?
લડતનું ધ્યેય અને મુદ્દો
સમજવા જેવી વાત એ છે કે લડત એ મુદ્દાસરની વાત છે અને મુદ્દાની પાછળ ધ્યેય હોય છે જે સાર્વજનિક હોય છે.
ભ્રષ્ટાચાર હટાવો એ એક ધ્યેય છે. પણ તેના મૂળમાં ઘણા પરિબળો હોય છે. આ દરેક પરિબળને દૂર કરવો એ એક મુદ્દો બને છે. અને તે માટે નહેરુવીયન સરકારના કહેવા પ્રમાણે કાયદો નબળો છે એટલે કે કાયદાની જોગવાઈઓ અપૂરતી છે. એટલે કે પૂરક કાયદાઓનો અભાવ છે.
કાયદાને સબળો બનાવવા માટે બાબા રામદેવે મુદ્દાસરના સૂચનો કર્યા.
આ મુદ્દાઓ ઉપર સરકાર ૧૯૫૦માં અને તે પછી પણ આર્ષદ્રષ્ટાપણું દાખવી સચોટ કાયદાઓ બનાવી શકી હોત. અને આ માટે તેની પાસે સક્ષમ વહીવટી અધિકારીઓની ફોજ હતી અને છે.
સરકારી અધિકારીઓમાં કયા ગુણો અનિવાર્ય ગણાય છે?
વાસ્તવમાં સહુ પ્રથમ ગુનેગાર પ્રથમ વર્ગના ખાસ કરીને આઈ.એ.એસ. અફસરો છે.
સર્વીસ રુલ પ્રમાણે સરકારી અધિકારીની લાયકાતમાં આર્ષદ્રષ્ટિ, નિરડતા, સમયસૂચકતા, દૃઢતા, નિરપેક્ષતા, સહકાર, માનવીયપણું, નૈતિકપણું, ન્યાયિક દૃષ્ટિકોણ, સ્પષ્ટતા, કર્તવ્યપરાયણતા, સ્વચ્છતા અને કાર્યશૈલીમાં નિપૂણતા, નેતાગીરીની ક્ષમતા, ધ્યેયોને સમયસર પૂર્ણ કરવાની ક્ષમતા હોવા જરુરી હોય છે. આ દરેક બાબતનો તેઓના વાર્ષિક લેખા ઝોખામાં (કોન્ફીડેન્શીયલ રેકોર્ડમાં) લખવું પડે છે. જો આમાનું કંઇ પણ કમી વાળું હોય તો તેમને પ્રમોશન માટે લાયક ન ગણી શકાય. અને જો અભાવ હોય તો તેમને રુખસદ પણ આપી શકાય.
ચૂંટાયેલા પ્રતિનીધિઓનું કર્તવ્ય હોય છે કે તેઓ સરકારી અધિકારીના વહીવટ ઉપર નજર રાખે. નિશ્ચિત ધ્યેય પ્રાપ્ત કરવા જરુર પડે નવી પ્રણાલીઓ અને કાયદાઓ બનાવે. મંત્રી મંડળનું કર્તવ્ય હોય છે કે તેઓ અધિકારીઓની પ્રકૃતિ અને ક્ષમતા પ્રમાણે તેમને કામ સોંપે અને કસુરવારોની સામે ખાતાકીય પગલાં લે.
જો ચોર અને ચોકીદાર મીલીભગત કરે તો શું? (માછલી પાણી પી ગઈ)
તો ચોકીદારને તાત્કાલિક બદલી નાખવો જોઇએ. પણ બદલે કોણ? સોસાઇટીના રહીશો જ વળી. બીજું કોણ? હાજી. રવિશંકર મહારાજે આજ વાત કરેલી કે જે નોકરને આપણે જે કામ સોંપ્યું છે તે કામ જો તે બરાબર ન કરે તો તેને બદલી નાખવો જોઇએ.
રવિશંકર મહારાજની સાક્ષીમાં ચિમનભાઇ પટેલે મુખ્ય મંત્રી તરીકેના શપથ લીધેલા. નવનિર્માણના આંદોલન જ્યારે ચાલતું હતું ત્યારે ચિમનભાઈ પટેલને રવિશંકર મહારાજે સૂચન કર્યું હતું કે તેઓ રાજીનામું આપે. અને ચિમનભાઇ પટેલે કચવાટ હતો તો પણ રાજીનામું આપી દિધેલ.
નહેરુવીયન કોંગ્રેસની સરકારના કાળા અને લાલ નાણાંનો ભંડો તો ઠીક ઠીક ફૂટી ગયો છે. તપાસ સમિતિઓના રીપોર્ટ ખુદ સરકારી અફસરો અને મંત્રીઓની વિરુદ્ધમાં છે. સવાલ અબજો અબજ રુપીયાની લૂંટ નો છે. રાજીનામું માગવામાં આવે તો પણ ઓછું છે. અસ્તિત્વ ધરાવતા કાયદા પ્રમાણે પણ તેમને આખી જીંદગી જેલમાં રહેવું પડે. અને નહેરુવીયન કોંગ્રેસ પક્ષ માત્રને રાજકારણ માટે ગેરલાયક ઠેરવી શકાય. બાબા રામદેવ તો સરકારનું રાજીનામું માગતા નથી. તેમની માગણી તો લોકપાલ બીલ જેટલી અટપટી પણ નથી.
સરકારને પક્ષે કે લડત લડનારને પક્ષે આ લડતમાં કોઈ ખામી છે ખરી?
સરકારના એટલે કે સરકારી પક્ષના અધિકૃતનેતાઓએ બાબારામ દેવ પર તેઓ ગુન્હાહિત કર્મો કર્યાના અને ધૂર્ત હોવાના આક્ષેપોનો મારો ચલાવ્યો. બાબારામ દેવની સંપત્તિ વિષે સવાલો ઉઠાવ્યા. એટલે કે રામદેવ ચર્ચા કરવાને લાયક નથી. જો કે આ વાત કાયદાકીય રીતે યોગ્ય નથી. અચાનક આવા મુદ્દાઓ ઉભા કરવા એ સભ્ય સરકારનું લક્ષણ નથી.
આંગણું વાંકું
જ્યારે ચર્ચા ચાલુ હતી અને સરકારને લાગ્યું કે “બાબા રામદેવની માગણી મંજુર રાખવી એટલે “દેશનું જે થવું હોય તે થાય” પણ આપણા માટે અને આપણા સાથીદારો માટે તો “આ બૈલ મુઝે માર” જેવો ઘાટ છે.
તો હવે શું કરવું?
જે વ્યક્તિને આપણા ચાર ચાર મહાનુભાવોએ એરપૉર્ટ પર જઈને માન આપ્યું તેને વિષે તે અયોગ્ય છે તેવી હવા કેવીરીતે ફેલાવવી?
નહેરુવીયન કોંગ્રેસના નેતાઓને બે મુદ્દા મળ્યા. વાસ્તવમાં તેને મુદ્દા જ ન ગણી શકાય.
અને આ મુદ્દાઓનો ઉપયોગ કરવાનું તેમને મધ્યરાત્રીએ યાદ આવ્યું.
બાબા રામદેવ આમ તો સાધુ તરીકે પોતાને ઓળખાવે છે પણ તેમની પાસે અબજો રુપીયાની સંપત્તિ છે.
નહેરુવીયન કોંગ્રેસની સરકારે એક એવી હવા સર્જેલી છે કે સંપત્તિ તમે ત્યારે જ એકઠી કરી શકો જો અમારા અધિકારીઓ તમને સહકાર આપે એટલે કે તમે તેમની સાથે ટેબલની નીચે વ્યવહાર કરો તો તમે જેટલું લેવું હોય તેટલું લઈ શકો. કારણ કે અમે પણ આરીતે જ બે નહીં પણ હજાર પાંદડે થયા છીએ.
એટલે કે તમે કશું ગેરકાયદેસર કર્યાવગર કરોડોની સંપત્તિ ધરાવી શકો નહીં.
જ્યારે આવી સ્થિતી અમે રાખી હોય અને તમારી પાસે અબજો રુપીયાની સંપત્તિ છે તેથી સિદ્ધ થાય છે કે તમે ગેરકાયદેસર કામા કર્યા છે. એટલે અમારા અધિકૃત નેતાઓને અમે જણાવી દીધું કે તમે બાબારામદેવ ઉપર રાક્ષસોને લાગુ પડે તેવા દરેક વિશેષણો નો મારો ચલાવો. મીડીયા આપણી સાથે છે. અમે ૨૦ વર્ષ તો ૨૦ વર્ષ પછીની એક મધરાતે તો મધરાતે જાગ્યા તો ખરા જ ને? જો કે તપાસ તો શરુ પણ થઈ ન હતી. અને કોંગી નેતાગણ પાસે તો શૂન્ય માહિતી હતી. પણ નહેરુવીયન કોંગ્રેસી નેતાઓને શિષ્ટતા, સંબદ્ધતા કે કાયદાની કોઈ જોગવાઈઓ લાગુ પડતી નથી.
વાટાઘાટો તોડી પાડવી એ પૂરતું ન હતું. લડત પણ તોડી પાડવી જોઇએ.
આ જરુરી છે. કારણકે નહેરુવીયન કોંગ્રેસી નેતાગણ તેમના લાલ-કાળા નાણાની વિષે કંઇક આગોતરું વિચારવાનું છે.
જો લડત તોડવી હોય તો જન્તરમંતર પાસે જે સમીયાણો બંધાયો છે તે ઉકેલાઈ જવો જોઇએ.
સમીયાણાને ગેરકાયદેસર ઠેરવો. અને તે પણ અર્ધ રાત્રીએ.
ઈલેક્ટ્રીક ફીટીંગ કાયદેસર નથી. આ પણ અર્ધરાત્રીએ ખબર પડી. કારણકે કોંગી જનો અને તેમનું આજ્ઞાંકિત પોલીસ દળ પણ દિવસે ઉંઘે અને રાત્રે જાગે અને રાત્રે જ અવનવા ઉપાયો સુઝે છે એવું હોવું જોઇએ.
લોકસમુહ ફક્ત ૫૦૦૦ લોકોના ભેગા થવા માટે નો હતો અને આ તો તેના કરતાં અનેક ગણો વધારે હતો. માટે આ કાયદેસરનો લોકસમૂહ ન ગણાય. માટે જે વક્તા છે તેની ધરપકડ કરો અને તેને દૂર લઈ જાઓ. અરે ભાઈ અર્થઘટન તો સરકાર માઇબાપ જ કરી શકે ને.
શું આ અર્થઘટન અને કાર્ય વાહી જો કોંગી માઈ કે એમના મળાતીયા એ કોઇ સભા કરી હોય અને વ્યવસ્થા કરતાં વધુ શ્રોતાઓ થયા હોય લાગુ પાડવામાં આવશે?
નાજી. ભલે તેમાંના મોટાભાગના ભાડુતી હોય. કોંગીજનોના માપદંડ અને પરિભાષાઓ બદલાતી રહે છે.
યોગ માટેની મંજુરી રદ કરો.
સભામંડપ તો ફક્ત યોગ કરવા માટે હતો. અને અહીં તો બધું સરકાર વિરુદ્ધ ભાષણો થાય છે. રાત્રે સૂઈ કેમ જાઓ છો?
માટે મંજુરી અર્ધરાત્રીએ પાછી ખેંચીલો અને ૧૪૪ મી કલમ લાગુ પાડી દો.
મંજુરીમાં યોગની વ્યાખ્યા કરવામાં આવી નથી. હવે જો કાયદેસર પ્રણાલી તરીકે જોઇએ તો જો મંજુરીપત્રમાં યોગની વ્યાખ્યા કરવામાં ન આવી હોય તો તેનો શાસ્ત્રીય અર્થ જ ગ્રહણ થવો જોઇએ. પાતંજલી ઋષિ યોગના નિષ્ણાત ગણાય છે અને તેમણે પુસ્તકો પણ લખ્યા છે. એટલે તેમણે કરેલી વ્યાખ્યા માન્ય કરવી જોઇએ.
યોગઃ કર્મષુ કૌશલમ્
કર્મ એટલે કાર્ય. કાર્ય કરવામાં કુશળતા મેળવો તો તે યોગ ગણાય. એટલે આતો અત્ર તત્ર સર્વત્ર થઈ ગયું કહેવાય. જે કંઈ કુશળતા તરફ દોરી જાય તે યોગ જ કહેવાય. અને યોગના પ્રકારો પણ ઘણા છે. ધ્યાન યોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ, કર્મ યોગ, રાજયોગ. કોંગી જનો ભક્તિ યોગને જ કદાચ યોગ માનતા હશે. અને ભક્તિ પણ ….
કોંગીજનોએ વળી એક બીજી પણ વાત કરી કે આર.એસ.એસ., વી.એચ.પી. વાળા પણ હતા અને સ્વદેશીની વાત અને અખંડ ભારતની વાત થતી હતી. આ વાત કોમી શાંતિ માટે ખતરનાક છે. કારણકે જો ભારત અને પાકિસ્તાન એક થઈ જાય તો અમારું અને અમારા માલિકનું શું થાય? ભારત ઉપરના નહેરુવંશના શાસનને તો પાકિસ્તાનીઓ માન્ય ન રાખે અને આતંકવાદી હુમલાઓ વધી જાય. વળી જંતરમંતરમાં, જંતરમંતરથી કદાચ કોમી હુલ્લડ ફાટી નીકળે, તો કંઈ આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય એટલે અમે અગમ બુદ્ધિ વાપરીને બધું ઉઠમણું કરાવી દીધું, જેથી કોઇ એમ નકહે કે અમે મેઘ ધનૂષ જેવા છીએ જેઓ તોફાન સમી ગયા પછી આવે છે.
વળી અમે સરહદપારના આતંકવાદ કરતાં હિન્દુ આતંકવાદને ખતરનાક ઠેરવવામાં માનીએ છીએ. અને જ્યાં આરએસએસ અને વીએચપી વાળા હોય ત્યાં આતંકવાદનું અસ્તિત્વ માની જ લેવાનું. અમે આરએસએસ અને વીએચપી વાળા ને ભારતીય તો શું પણ મનુષ્ય પણ માનતા નથી. અમે તો તેમના મત આપવાના અધિકારને પણ રદ કરવાની પેરવીમાં છીએ. એટલે તેમને તો સરકાર સામે લડત ચલાવવાનો અધિકાર જ નથી.
પણ બધા તમને થુ થુ કરશે તેનું શું?
લો બસ. તમે અમને ઓળખતા જ નથી!! અમને ક્યાં એવી પડી છે? અમે તો નીંભર છીએ.
થોડો વખત તમે બધા ચૂં ચૂં કરશો. પછી બધા સૌ સૌ ના કામ માં પડી જશો.
વળી પાછા અમે બાબા રામદેવ, બાબા અન્ના, બાબા આમટે, કિરણ બેદી, સીવીલ સોસાઈટીના સભ્યો, વિગેરે વિગેરે વચ્ચે જે કંઈ વિસંવાદ હશે તેને ચગાવીશું. તે દરમ્યાન અમારા પ્રવક્તાઓ આ લોકોને ધમકી આપતા રહેશે કે જો સીવીલ સોસાઈટીના સભ્યો બહુ ગરબડ કરશે તો તેમના બાબા રામદેવ જેવા હાલ કરીશું (એટકે કે ધોકાવીશું).
તમે અમને ઓળખો છો તો ખરા જને?
૧૯૭૫માં હાઇકોર્ટ વાળાએ અમારા અન્નદાતા (દાઉદ નહીં, પણ ઈન્દીરામાઈ), ને ગેરલાયક ઠેરવેલા તો અમે અમારા વિરોધીઓની કેવી દશા કરેલી તેતો તમને ખબર જ હશે. તે વખતે તો ઘણા બધા છાપાવાળા અમારી ભેળમાં ન હતા તો પણ અમે એમની એવી દશા કરેલી કે અમારુ કશું મોળું સાંભળી જ ન શકે. અમે હાથ જોડવાનું કહીએ તો સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા થઈ ગયેલા. હવે તો મોટાભાગના છાપા અને શેનલોવાળા “અપને વાલે” હૈ.
આ બધા પ્રસાર માધ્યમો તો અમારા પ્રચાર માધ્યમો બની જશે અમે પોપટની જેમ તેમની પાસે બોલાવીશું. છાપા વાળાને તો અમે બીજા “દમવાળા” સમાચારો પણ આપતા રહીશું અને તેમને જ્યાં સુધી તેમાં દમ રહે ત્યાં સુધી વાગોળવાનું કહીશું.
જુઓ ભાઇઓ, અમે નહેરુ ખાનદાનના બંધવા છીએ. તેમની કૃપાથી અમારી પાસે પરીયા પરીયા ખાય એટલું છે. ખવડાવીને પીવડાવીને અમે ચૂંટાઇએ છીએ અને ચૂંટાઈશું. નહેરુ ખાનદાન પાસે તો કુબેર પણ શરમાય. શું સમજ્યા સાહેબ?
તો સુજ્ઞ જનો હવે બોલો આવા લોકો સામે બાબા રામદેવે શહીદ થવાની કંઈ જરુર?
ગાંધીજીએ પણ સૌરાષ્ટ્રના એક ઠાકોર સામે આદરેલા આમરણાંત ઉપવાસ પાછા ખેંચેલા જ ને? ઠાકોરે કહેલું કે ગાંધીજી મરી જાય તો મને વાંધો નથી. મારું રાજ્ય તીર્થભૂમિ બનશે. ટેગઃ બાબા રામદેવ, નહેરુવીયન કોંગ્રેસ, નીંભર, સિમલા સ્કેમ, કટોકટી, નયીરોશની, મોંઢાકાળાં, પ્રસાર માધ્યમો, સાષ્ટાંગ દંડવત, ઈન્દીરામાઈ