આમ તો સંસ્કૃતમાં એક શ્લોક છે કે જો માણસ પાસે ૧૦૦ સોના મહોર આવે તો તેને હજાર સોના મહોર આવે એવી આશા જાગે. હજાર સોના મહોર આવે તો તેને શેઠ થવાની આશા જાગે. શેઠને નગર શેઠ થવાની આશા થાય. નગરશેઠ ને રાજા થવાની આશા થાય. રાજા ને, ચક્રવર્તી રાજા થવાની આશા થાય. ચક્રવર્તી રાજા, ઈન્દ્ર થવાની આશા રાખે. ઈન્દ્ર, બ્રહ્મા થવાની આશા રાખે, બ્રહ્મા વિષ્ણુ થવાની આશા રાખે અને વિષ્ણુ, શિવ થવાની આશા રાખે. આશાની સીમા ને કોણ પહોંચ્યું છે?
(ચક્રેશેન્દ્રપદં, સુરપતિઃ બ્રાહ્મં પદં વાંચ્છતિ
બ્રહ્મા વિષ્ણુપદં, હરિઃ હરપદં, આશાવધિં કો ગતઃ?)
પણ આની સામે પંચ તંત્રમાં એમ પણ કહેવાયું કે બહુ લોભ કરવો નહીં અને લોભને સદંતર ત્યજી પણ ન દેવો. (અતિલોભઃ ન કર્તવ્યઃ, લોભં નૈવ પરિત્યજેત્)
ગાંધીબાપુની જેમ લોભને ત્યજવા માત્રથી મહાન બની જવાતું નથી.
મહાન થવા માટે ઘણા લક્ષણો જોઇએ. જેમકે વાંચન, વિચાર, સારાનરસાની સમજણ, પ્રમાણભાન, પ્રાથમિકતાનું ભાન, વ્યુહ રચના, બધી જાતની વહીવટી આવડત (મેનેજરીયલ સ્કીલ), નેતા બનવાની આવડત, અને સાધનશુદ્ધિ તો ખરીજ. સાધન શુદ્ધિમાં જો તમે વધારે પડતી બાંધછોડ કરો તો તમારે જેલના સળીયા ગણવાનો વારો આવે પણ ખરો. જો કે તમે દેખી શકાય તેવી નિસ્વાર્થ ભાવના થી જેલમાં જાઓ તો તમારે બદનામી સહન ન કરવી પડે. અને તમે મહાન બની શકો. પણ એ જરુરી નથી કે આવા બધા જ ગુણો તમારામાં હોય તો તમે અચૂક મહાન એવા યુગપુરુષ બનો ને બનો જ. કારણ કે મહાન બનવું કે મહાન યુગપુરુષ બનવું એ અલગ સ્થિતિ છે. યુગ પુરુષ તમે કદાચ મરી ગયા પછી વર્ષો પછી કે યુગો પછી પણ બનો કે ન પણ બનો. આપણે ફક્ત સામાજીક ક્ષેત્રની જ વાત કરીએ છીએ.
તમે વૈજ્ઞાનિક હો તો વાત થોડી જુદી પણ હોઈ શકે છે.
વિજ્ઞાનના ક્ષેત્રે ટોચ ઉપર એકથી વધુ વ્યક્તિઓ હોઈ શકે પણ તેમાં પણ જે વહેલું સમજાય તે પહેલું એમ ગણાય છે. જેમકે રામાનુજમના સમીકરણ ૧૦૦ વર્ષ મોડા સમજાયા. અને આ સો વર્ષમાં શાસ્ત્રો ઘણા અગળ વધી ગયા. ત્યારે રામાનુજમની વિદ્યા કામ આવી. આદિશંકરાચાર્યને ધાર્મિક પ્રણાલી ગત રીતે યુગપુરુષ કહીએ છીએ. પણ તેમની મહાનતા અકલ્પનીય છે. તેઓ એ આમ તો વેદનો આધાર લીધો છે. તો આપણે સમજી જવું જોઇએ કે વેદમાં રહેલું તત્વજ્ઞાન ઈસ્વીસન પૂર્વે ૪૦૦૦ વર્ષથી ઈસ્વીસન ની આઠમી સદી સુધી પણ અકબંધ રહ્યું. આ કોઈ નાની વાત નથી.
આઈનસ્ટાઇનના સાપેક્ષવાદને સમજનારા તેના સમયમાં સમજનારા ગણ્યા ગાંઠ્યા લોકો હતા. અને આઈનસ્ટાઈન અદ્વૈત ક્ષેત્રની (યુનીફાઈડ ફીલ્ડ થીયેરીને) સાબિત કરવામાં અસફળ રહેલ. પણ તેમનો તર્ક સાચો હતો. શંકરાચાર્યના અદ્વૈત વાદને સમજવામાં તે સમયના અને હાલના પણ ભલભલા બાવાજીઓ અસમર્થ રહ્યા છે.
ત્રીકોણની ટોચ
આ બધી વાતો જવા દઈએ. સામાજીક ક્ષેત્રની વાત કરીએ તો મહાન બનવું કે યુગ પુરુષ બનવું તે ત્રીકોણની ટોચ ઉપર પહોંચવા બરાબર છે. આ ટોચ ઉપર એક સમયે એકજ વ્યક્તિ કે થોડીક વ્યક્તિઓ પહોંચી શકે છે. આ જગ્યાએ તક અને શક્યતાના (પ્રોબેબીલીટીના) સિદ્ધાંતો કામ કરે છે. તમારામાં લાયકાત હોય તો પણ તમે ન પહોંચી શકો. તમે અમુક હદે પહોંચીને અટકી જાઓ. એવું પણ બને કે તમે ત્યાં સુધી પણ પહોંચી ન શકો. તમે રાજકારણમાં હો તો કદાચ નિસ્ફળ પણ જાઓ. સત્તાનું રાજકારણ પણ આમ તો સમાજશાસ્ત્રમાં જ આવે તો પણ તેના સમીકરણો અને શક્યતાઓ જુદી હોય છે.
સી.એમ. (સામાન્ય માણસ) ક્યાં સુધી પહોંચી શકે? શું સામાન્ય માણસ સીએમ (ચીફ મીનીસ્ટર) બની શકે ખરો?
“સામાન્ય માણસ” અને સામાન્ય કક્ષા અલગ અલગ છે.
માણસ માણસ વચ્ચે કેટલો ભેદ ઈશ્વરે રાખ્યો છે? વાસ્તવમાં ઈશ્વરે જેટલો ભેદ બીજા પ્રાણીઓમાં રાખ્યો છે તેટલો જ ભેદ ઈશ્વરે માણસ માણસ વચ્ચે રાખ્યો છે.
બીજા પ્રાણીઓ વચ્ચે કેટલો ભેદ છે? બીજા પ્રાણીઓમાં ઈશ્વરે બહુ ભેદ રાખ્યો નથી. મનુષ્યે પોતાના ઉપયોગને અનુલક્ષીને થોડા ભેદ ઉજાગર કર્યા હોય છે. ઈશ્વરે માણસ માણસ વચ્ચે કોઈ ઉચ્ચતા નીચતા બનાવી નથી. પણ માણસના દુર્ગુણોએ સર્જેલી સામાજિક સ્થિતિએ મોટા ભાગના મનુષ્યોની શક્તિઓને હણી લીધી છે.
મનુષ્યોમાં રહેલી શક્તિઓને આધારે મનુષ્યોમાં કેટલો ભેદ હોઈ શકે?
અમારા એક સર્વોદયકાર્યકર અને મિત્ર શ્રી બંસીભાઈ પટેલના કહેવા પ્રમાણે મનુષ્યો વચ્ચે નો ભેદ હાથની પાંચ આંગળીઓ વચ્ચે છે તેટલો ભેદ ઈશ્વરને માન્ય છે. આ ભેદ ઈશ્વરે કેમ માન્ય રાખ્યો છે? આ ભેદ એટલા માટે ઈશ્વરે માન્ય રાખ્યો છે કે તેમની વચ્ચે કોઈ સંઘર્ષ કે ઇર્ષા નથી. પાંચે આંગળીઓનો આધાર નીચેથી એક જ છે. કોઈ નાની છે. કોઈ પાતળી છે. કોઈ જાડી છે. કોઈ નજીક છે. કોઈ થોડી દૂર છે. પણ દરેક અલગ અલગ રીતે કામ કરી શકે છે અને તે બધી જ ઉપરથી ભેગી થઈને સરખી ઉંચાઈ ઉપર આવીને કામ શકે છે.
તો આનો ઈશ્વરીય અર્થ એજ થયો કે મનુષ્યો વચ્ચે થોડો થોડો ભેદ તો રહેશે પણ આ ભેદ એવો હશે કે જે તેઓમાં વિસંવાદ અને સંઘર્ષ ઉભો નહીં કરે. તો ઈશ્વરીય ઈચ્છા એવી છે કે મનુષ્ય મનુષ્ય વચ્ચે આવી ભાવના ઉભી ન થાય.
સમાજમાં ઉભી કરવામાં આવેલી બધી વ્યવસ્થાઓ આ ઈશ્વરીય સિદ્ધાંત ઉપર હોવી જોઈએ.
તો સામાન્ય માણસે શું સમજવું જોઇએ. અને શું કરવું જોઇએ?
સામાન્ય માણસે સમજવું જોઇએ કે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે માણસ માણસ વચ્ચે બહુ ઓછો ભેદ છે. સૌ મનુષ્યે સહકાર પૂર્વક કામ કરવું. જેમ ઈશ્વર એક છે. તેમ મનુષ્ય સમાજ પણ એક જ છે. મૂળભૂત રીતે કોઈ નાનો કે મોટો છે જ નહીં. “હરિનો પિણ્ડ અખા કોણ શુદ્ર?”.
મનુષ્યો સમાજના કોષો છે. શરીરના કોષો પણ જીવંત અસ્તિત્વ છે. શરીરના કોષો જન્મે છે પોતાનું કામ કરે છે અને મરીજાય છે. કેટલાક અને કેટલીક જાતના કોષો વધુ જીવે છે અને કેટલાક ઓછું જીવે છે. પણ તે સૌ કોઈ જન્મે છે અને નાશ પામે છે. પણ આ બધા વચ્ચે મનુષ્ય જીવતો રહે છે. આ મનુષ્યો પણ જન્મે છે. જીવે છે અને મરી જાય છે. પણ મનુષ્ય સમાજ જીવતો રહે છે. મનુષ્ય ગમે તેટલું કામ કરીને કમાય અને ગમે તેટલું ભણે પણ મરી ગયા પછી કશું તેને માટે કામનું રહેતું નથી. તો પછી આ બધું જાય છે ક્યાં?
માણસ જે કંઈ કરે તે જો અર્થ હીન બનતું હોય તો તે શું કામ આવું બધું કરે છે?
આમાં ઈશ્વરની ઈચ્છા શું હોઈ શકે?
વાસ્તવમાં મનુષ્યના કર્મો અને જ્ઞાન, સામાજીક સંપત્તિમાં જમા અને ઉધાર થાય છે. સમાજ એક ડગલું આગળ કે પાછળ જતો હોય છે.
માણસ પોતાના આનંદ માટે જીવે છે. પણ જો આનંદ બીજાઓને નુકસાન કરીને ન મેળવ્યો હોય તો સમાજ આગળ જાય છે. જો મનુષ્યે પોતાનો આનંદ બીજાને નુકસાન કરીને મેળવ્યો હોય તો સમાજ પાછળ જાય.
સામુહિક રીતે મનુષ્યો પોતાનો આનંદ મેળવવા તેમણે કરેલા કામનો પારિણામિક (રીઝલ્ટંટ) સરવાળો શું થાય છે તેના ઉપર સમાજની પ્રગતિનો આધાર છે.
પ્રગતિ કોને કહેવી?
આમ તો બધું ભૌતિક જ છે. પણ માળખાકીય સુવિધાઓ જે માત્રામાં અને જે વ્યાપકતાએ સમાજના મનુષ્યોને ઉપલબ્ધ થાય તેના ઉપર સમાજનો આનંદ અવલંબે છે.
આનંદ બે રીતે મળે છે. એક જ્ઞાન પ્રાપ્તિથી આનંદ મળે છે. બીજો સુવિધાઓથી આનંદ મળે છે. જો જ્ઞાન પ્રાપ્તિના માર્ગો સહુને માટે સરખા સુલભ ન હોય, તેવીજ રીતે સુવિધા પ્રાપ્તિના માર્ગો સહુને માટે સરખા સુલભ નહોય તો અસામનતા ઉભી થાય છે.
પાંચ આગળીઓમાં રહેલી અસમાનતા કરતાં વધુ અસમાનતા ઉભી થાય તો અસંતોષની ભાવના ઉભી થાય છે. આ સંતોષની ભાવનાથી અન્યાયની ભાવના ઉભી થાય છે. અન્યાયની ભાવના, સમાજમાં આંતરિક સંઘર્ષને ઉત્પન્ન કરે છે. આ સંઘર્ષ સમાજને આનંદ પ્રાપ્તિના માર્ગમાં આડખીલીઓ ઉભી કરે છે. તેથી મનુષ્યકર્મ અને મનુષ્યશક્તિનો વ્યય થાય છે.
આનંદ પ્રાપ્તિનો શ્રેષ્ઠ માર્ગ કયો?
જ્ઞાન પ્રાપ્તિ નો માર્ગ એ શ્રેષ્ઠ માર્ગ છે. કારણ કે જ્ઞાન આપવાથી જ્ઞાન ઘટતું નથી પણ વધે છે. જ્ઞાન પ્રાપ્તિની સીમા નથી.
જ્ઞાન એટલે શું?
આપણે ત્રણ જગતમાં રહીએ છીએ.
આપણું મનો જગત.
એટલે આપણું મન કેવીરીતે કામ કરે છે તે સમજવું અને તેને સમાજના હિતમાં જોડવું. ભગવત્ ગીતાને સમજો.
આપણી સિવાયના મનુષ્યોનું મનો જગત.
એટલે કે સમાજ. સમાજમાં બીજા લોકોની વૃત્તિઓ કેવી હોય છે અને આદર્શ સમાજ કેવો હોવો જોઇએ. કેવી સમાનતા હોવી જોઇએ. શા નિયમો હોવા જોઇએ. માહાત્મા ગાંધીને સમજો.
ભૌતિક જગત એટલે કે બ્રહ્માણ્ડ.
તેમાં શરીરો સહિતના કુદરતી તત્વો, સુક્ષ્મ થી વિરાટ જગત માં રહેલા બધા જ દૃષ્ટ, અદૃષ્ટ પદાર્થો, બળો, પરિબળો, ક્ષેત્રો, સહુ કંઈ આવી જાય. આ બ્રહ્માણ્ડ કેવું છે? કેવડું છે? તેના કયા નિયમો છે તે કેવી રીતે કામ કરે છે? આજ એક એવું જ્ઞાનનું ક્ષેત્ર છે જે સીમા રહિત છે અને તમે ગમે તેટલી માનવ શક્તિ નાખો તો તે ઓછી પડે. અનેકાનેક ન્યુટનો, આઈનસ્ટાઈનો, સ્ટીફન હૉકીન્સો અને અનેકાનેક ભૃગુઓ, ભારદ્વાજો, શંકરાચાર્યો ઓછા પડે.
પણ શું સામાન્ય માણસ આ બધું સમજવાને શક્તિમાન છે?
કયો માણસ કયું કામ પસંદ કરશે તે તેના સ્વભાવ ઉપર આધાર રાખે છે. સ્વભાવ માણસની વૃત્તિઓ આધાર રાખે છે. વૃત્તિઓ માણસની અંદર રહેલા રસાયણોની માત્રા ઉપર આધાર રાખે છે. અને રસાયણોની માત્રા ત્રણ બાબતો ઉપર તો આધાર રાખે જ છે. આનુવંશિક, અનુભવો, પ્રતિક્રિયાઓ અને વિચારો. આનુવંશિકતા એ જન્મજાત છે. અનુભવો અને પ્રતિક્રિયાઓ સમાજ મારફત મળે છે. વિચારો પણ આમ તો થોડી ઘણી સામાજિક દેન હોય છે, પણ વ્યક્તિ પોતે પણ પોતાની આદતો, કાર્યો અને વિચારોના સમન્વય થકી સ્વભાવને બદલી શકે છે. એટલે જ ઈશ્વરે ગીતા માં કૃષ્ણભગવાનના મોઢે થી કહેવડાવ્યું છે કે કામોની પસંદગી મેં (પ્રકૃતિએ), મનુષ્યમાં રહેલા ગુણ (વૃત્તિઓ) અને વિચાર રુપી કર્મો થકી કરેલી છે. અને આમ સામાજીક કર્મોમાં વર્ગીકરણ થાય છે. શરીરના અંગોની જેમ તે એક બીજાને પૂરક છે.
માટે સામાન્ય માણસે પોતાના સ્વભાવ અને વૃત્તિ પ્રમાણે કામની પસંદગી કરવી કે જેથી તે પોતાના સામર્થ્યનો ઉપયોગ શ્રેષ્ઠરીતે અને આનંદ પૂર્વક કરીને સમાજની સેવા કરી શકે.
જો મનુષ્ય પૈસા કમાવવાનું ધ્યાનમાં રાખવાને બદલે પોતાના સ્વભાવને કેન્દ્રમાં રાખે તો સમાજ વધુ તંદુરસ્ત થાય.
સુખ માટે ની ભૌતિક સુવિધાઓ અને તે આપવામાં રહેલી અસમાનતાઓનું શુ?
તે માટે મહાત્મા ગાંધીનો માર્ગ અપનાવ્યા વગર છૂટકો નથી.
સામાન્ય માણસ નીતિમાન રહી શકે ખરો? જો સંગઠીત રહે તો સામાન્ય માણસ ચોક્કસ રીતે નીતિમાન રહી શકે. જો સંગઠીત ન હોય તો પણ શક્યતાના સિદ્ધાંત પ્રમાણે, સામાન્ય માણસ મોટાભાગે સફળ અને સાર્થક રીતે રહી શકે. પણ એવું બને કે કેટલાક સામાન્ય માણસે સંક્રાતિના કામચલાઉ સમયમાં ભોગ આપવો પડે. આમ પણ હાલની મૂડીવાદી પરિસ્થિતિમાં કાયમ માટે અગણિત લોકોનો ભોગ તો લેવાય જ છે.
ટૂંકમાં સામાન્ય માણસ માટે નીતિમાન રહેવું એ એક આપત્તિ બની રહેશે એવું માનવું જરુરી નથી. તમે અનીતિમાન રહો તો આપત્તિ આવવાની શક્યતાઓ વધુ રહે છે.
નીતિમાન રહેવું એટલે શું?
ધારોકે તમે નોકરી કરો છો.
તમારા ઉપરી સાથે કેવીરીતે વર્તશો?
સૈધાંતિક રીતે સમજી લો કે તમે દેશની સેવા કરો છો.
દેશની સેવા એટલે જ્યારે દેશ ઉપર આક્રમણ થાય અને તે વખતે તમે કંઈક ત્યાગ કે દાન ધરમ કરો તેને જ દેશ સેવા ગણાય એવું કોઇએ સમજવું ન જોઇએ. દેશના દુશ્મનો દેશની બહાર જેટલા હોય છે તેનાથી અનેક ગણા અને તાત્કાલિક ન ઓળખી શકાય તેવા દુશ્મનો દેશની અંદર હોય છે.
તંદુરસ્ત શરીરની અંદર પણ કેન્સરના કોષો અને બીજા રોગોના જંતુઓ હાજર હોય છે પણ આપણા શરીરનું બંધારણ એવું છે કે આપણા શરીરના કોષો અને સૈનિક કોષો તેમને સબળ થવા દેતા નથી અને શરીરનું સતત રક્ષણ કરતા રહે છે. શરીરનું રક્ષણ જેમ એક સતત ચાલતી ક્રીયા છે, તેમ દેશની સેવા પણ એક સાતત્યવાળી સેવા છે.
તમને કોઈ વેદીયા ગણે તો તે વાતને અવગણી લો. આવા વિશેષણોથી તમને કોઈ નુકશાન થવાનું નથી. તમે તમારી માન્યતાને તમારા કાર્યશૈલી થી વળગી રહેશો તો તમને અને તમારી કાર્યશૈલીને સ્વિકૃતિ મળી જશે. તમારી તરફનો આદર વધશે પણ ઘટશે નહીં.
નીતિમત્તાના લક્ષણોઃ
સમયસર નોકરીએ આવવું એ એક નીતિમત્તાનું લક્ષણ છે.
ખાસ અને અવગણી ન શકાય તેવા કારણવગર રજા ઉપર ન રહેવું.
નોકરી પર હો ત્યારે સમય બરબાદ ન કરવો
સોંપેલા કામમાં રહેલી મુશ્કેલી વિષે વિચારવું, તેની વિષે ઉપરી સાથે ચર્ચા કરી લેવી,
ઉપરીની મુશ્કેલી સમજવી અને સ્વિકારવી,
તમારા સિદ્ધાંતો ઉપરીને વાતવાતમાં સમજાવી દેવા, તમે તમારા સિદ્ધાંતોમાં કેટલી બાંધછોડ કરી શકો છો તે પણ જણાવી દેવું,
કામ ચીવટ પૂર્વક કરવું
કામ સફાઈદાર રીતે કરવું
કામમાં રસ લેવો,
કામમાં પોતાની ભૂલ થશે એવો ભય ન રાખવો,
કામનો પ્રોગ્રેસ ઉપરીને જરુર પડે જણાવતા રહેવું,
ઓફિસ છોડો ત્યારે ઉપરીને જણાવીને જવું.
કોઈની નિંદા ન કરવી. પણ સાંભળી લેવી જરુર. (કટોકટીના સમયે પરોક્ષ રીતે ઉપયોગ કરી શકાશે. બને ત્યાં સુધી આવા ઉપયોગથી દૂર રહેવું)
તમારો ઉપરી તેના વચનો પાળશે અને અંત સુધી સફળ રીતે મદદ કરશે તેવી આશા ઉપર નિર્ભર ન રહેવું. વિકલ્પો વિચારી રાખવા, અને આવનારી કઠોરમાં કઠોર પરિસ્થિતિ શું બની શકે તે વિષે પણ વિચારિ રાખવું. અને જો ઉપરી તમારા ઉપર વિશ્વાસ ધરાવતો હોય તો ચર્ચા કરવી.
તમારા ઉપરીનો પણ ઉપરી હોય છે. તેની સાથે જે સંવાદ થાય તેની જાણ તમારા ઉપરી ને કરવી. તમારા ઉપરીને અંધારામાં ન રાખવો.
તમારી કાર્ય શૈલી અને નીતિમત્તા તમારી આસપાસ એક વિશિષ્ઠ ક્ષેત્ર સર્જે છે. તેથી સ્થાપિત હિત ધરાવતા તત્વો પણ સમજશે કે તમે ખોટી વાત માનશો નહીં અને અન્યાય પણ નહીં કરો.
ગમે તેવો ખાઉકડ ઉપરી હોય તો પણ ચીવટ વાળા અને સમયસર થયેલા કામનો કોઈ વિકલ્પ નથી અને તેથી તમારો ઉપરી ખાઉકડ હોય તો પણ તમને અવગણી શકશે નહીં. તે તમારાથી ડરશે. તે તેનું તમારી સાથેનું વર્તન સમયાંતરે સુધારશે. પણ ખાઉકડ ઉપરીથી ચેતતા રહો અને તેના ખોટા કામનો રેકોર્ડ રાખો. તમે તમારા ઉપરીના ઉપરી સાથે સંપર્કમાં આવવાની એક પણ તક ન છોડો. તમારા ઉપરી અને તેના ઉપરી એ બંન્ને વચ્ચે રહેલા કાર્યશૈલીના ભેદને સમજો અને તેની ઉપયોગીતા વિષે વિચારો. ત્રીજા લેવલનો ઉપરી પણ તમારી કાર્યશૈલી અલગ છે અને વ્યવસ્થિત છે તેવા પ્રસંગો ઉભા કરો.
જો તમારો ઉપરી ન સુધરે તેવો ખાઉકડ હોય તો ઝગડો કર્યા વગર અને કડવાશ રાખ્યા વગર બદલી કરાવી લો. બદલી થી ડરવું નહીં. વિશ્વસનીય કાર્યશૈલી ધરાવનારાઓની માગ હમેશા હોય છે જ. અને તેમાં કેડર, ભાષા, પ્રાદેશિકતા, જ્ઞાતિ ના ભેદો નડતા નથી.
એક વસ્તુ તમે સમજી લો કે તમને અનેક વખત સારા કામ કર્યા બદલ કદર મળશે નહીં. તો તેનાથી નિરાશ ન થવું. તમે તમારા કામ ઉપર નિયમન રાખી શકો છે. કર્મના ફળની ઉપર તમારું નિયમન નથી. પણ તમે જે કામ કર્યું તેણે તમારા મગજને ઘડ્યું છે. વાસ્તવમાં તમારું ઘડતર એજ તમારા કર્મનું ફળ છે. તમે દેશ માટે કામ કર્યું જ છે અને તે ઈશ્વરે જમા કર્યું છે. આ વાત સાચી છે. આ વાત ઉપર વિશ્વાસ રાખો. તમને તેની અચૂક અનુભૂતિ થશે.
જેઓ અણહકનું મેળવેછે અને બીજાની કદર કરતા નથી. તેઓનો સ્વભાવ અને કાર્યશૈલી એ રીતે ઘડાય છે. અને ઈશ્વર તેમને એ રીતે ફળ આપે છે.
તમારી નીચેના સ્ટાફ સાથે કેવી રીતે વર્તશો?
તમે ઈશ્વરીય પાંચ આંગળીનો સિદ્ધાંત માન્ય રાખ્યો છે. તેથી તમારા નીચેના સ્ટાફને પણ નિમ્ન કક્ષાનો ન માનવો.
તમારી નીચેના શ્તાફને તેમની મર્યાદાઓ અને પ્રશ્નો હોય છે. તેમાંના ઓછામાં ઓછા ૮૫ ટકા સભ્યો તમારી માન્યતાઓ સાથે કદમ મિલાવી શકે તેવા હોય છે. કેટલાક તો તમારાથી એક કદમ આગળ પણ હોય. તેમનું માન રાખો અને તેમને મહત્વ આપો.
દેશપ્રેમ બધામાં પ્રચ્છન્ન રીતે પડેલો જ હોય છે. તમારું કામ તેઓ દેશપ્રેમને ઓળખે તે છે.
કોઈની પ્રત્યે તેના કામની નબળાઈના કારણે કડવાશ ન રાખો.
તમને એવું લાગશે કે અમુક વ્યક્તિઓએ નક્કી કર્યું છે કે કામ ન જ કરવું.
આવી વ્યક્તિઓના વલણ પાછળના કારણો અલગ અલગ હોય છે. તેમના અંગત પ્રશ્નોને સમજો. અને તેમની સમસ્યાઓ પરત્વે સહાનુભૂતિ રાખો. બને તો તમારા ઉપરી અધિકારીઓ સાથે મળી ઉકેલની કોશિસ કરો. તમે તેમની સમસ્યા વિષે શું કર્યું તેની તેમને માહિતિ આપો અને આપતા રહો.
એકે બે ટકા એવા કર્મચારી હશે કે જે સુધરશે નહીં. તેમને બીન મહત્વના કામ સોંપો. તેમને સુધારવા માટે બહુ સમય બરબાદ ન કરો. પણ તેમની ઉપર નજર રાખો અને તેમની ક્ષતિઓની નોંધ રાખો. તેમની પ્રત્યે કડવાશ ન રાખો. જરુર પડે તેમને મદદ કરો. આમ કરવાથી તમે તેવા લોકો માટે પણ વિશ્વસનીય બનશો.
નિંદારસ બહુ મીઠો અને સ્વાદિષ્ટ રસ છે. પણ કદી કોઈની નિંદા ન કરો. નિંદાત્મક કાર્યોની સામાન્ય અને “ટુ ધ પોઈન્ટ” નિંદા કરો. પણ વ્યક્તિગત નિંદા ન કરવી. બીજા લોકો જે નિંદા કરે તેનો આનંદ મેળવવો. કોઈની નિંદા ન કરવાનું મુખ્ય કારણ એ હોય છે કે કેટલીક નિંદાઓ કથાકથિત હોય છે અને તેમાં સત્ય કરતાં અસત્ય વધુ હોય છે. તે ઉપરાંત એવું બને કે જેની નિંદાકરવાની આપણને પ્રેરણા થાય તે વ્યક્તિ આપણી તરફમાં પણ હોય. ઓફિસમાં કદી ખાનગી રહેતું નથી. તેથી આપણે કરેલી નિંદા ગમે ત્યારે તે વ્યક્તિ પાસે પહોંચવાની જ છે અને આપણે કદાચ આપણો એક હિતૈષી ગુમાવી શકીએ છીએ. આનંદ માટે નિંદારસ કરતાં રમૂજવૃત્તિ થી કામ કરવું વધુ આનંદદાઈ બને છે.
જનતા પ્રત્યે કેવો અભિગમ રાખવો?
વાસ્તવમાં દેશ એ જનતા જ છે. અને જનતાની સેવા એજ દેશ સેવા છે. પણ જનતાનો જે હિસ્સો આપણી સાથે વ્યવસાઈ સંબંધોને કારણે હોય છે તેમાં સ્થાપિત હિતોનો સમાવેશ થાય છે. તેઓ ખોટું કામકરવા કટીબદ્ધ હોય છે. પણ જો તમે નીતિમત્તાવાળી કાર્યશૈલી ધરાવતા હશો, તો સમજી લો કે લાંચ આપનારો જન્મ્યો નથી. લાંચ આપનારો અને ખોટાકામ કરનારો ત્યારે જ જન્મે છે જ્યારે લાંચ લેનારો પાકે છે અને ખોટાં કામ ચલાવી લેનાર પાકે છે.
નિર્ણય લેનારો દરેક અધિકારી એક ન્યાયધીશ હોય છે. જો તમારા હોદ્દાને લાયક તમે હશો તો તમારા પગ જમીન ઉપર હશે અને તમે તમારુ ગૌરવ અને હોદ્દાનું ગૌરવ સાચવી શકશો. પણ જો તમે તમારા હોદ્દાને લાયક જ નહીં હો તો જ તમે તેનો ગેરલાભ લેશો. તમારે સમજવું જોઇએ કે જ્યારે તમે લાલચ આવી જાઓ છો અને પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવો છો ત્યારે તમે સિદ્ધ કરો છો કે તમે તે હોદ્દાને માટે નાલાયક છો.
સામાન્ય જનતા એ જ દેશ છે. સામાન્ય જનતાને પ્રત્યક્ષ કે પરોક્ષ નુકશાન કે અન્યાય ન થાય તેનું ધ્યાન રાખીને ફરજ બજાવો તેજ તમારો દેશપ્રેમ કહી શકાય.
સામાન્ય માણસને કેટલું જોઇએ?
માનવસમાજમાં સગવડોની અસમાનતા એટલી હદ સુધીની ચાલી શકે કે તેમની વચ્ચે હાથની પાંચ આંગળીઓ જેમ ભેગી થઈ શકે છે અને કામગીરી કરી શકે છે તેમ સંવાદ અને કામગીરી કરી શકે.
આ માટે વધુ વિગતથી પછી ક્યારેક જોઈશું.
શિરીષ મોહનલાલ દવે