શું હાસ્યલેખકો હાસ્યાસ્પદ બની શકે?
હાસ્યરસઃ
આમ તો લેખકો માટે હાસ્યરસ નીપજાવવો સહેલો નથી. એટલું જ નહીં આ અઘરું પણ છે. મીમીક્રી અને અભિનયથી થી હાસ્ય નીપજાવી શકાય છે. મીમીક્રી પણ આમ તો સહેલી નથી. તેમાં શ્લેષ, યમક, પ્રાસ, વાણીના આરોહ-અવરોહ અને કટાક્ષ હોય અને આ બધું પ્રત્યક્ષ હોય તેથી ઠીક ઠીક હાસ્ય નીપજે છે. વળી અમારા ભાવનગરના શ્યામસુંદર હોય, જે અંદર સંગીત પણ ઉમેરે એટલે સોનામાં સુગંધ મળે. શ્યામસુંદરજી વિષે અમે એમ કહેતા કે જેમ સંસ્કૃતમાં કહેવાય છે કે “બાણોછિષ્ઠં જગત સર્વં.” જેમ મહાન કવિ બાણે સાહિત્યમાં કશું બાકી રાખ્યું નથી. જગત તો બાણનું એઠું ખાય છે અથવા બાણે જગતને એઠું કરી નાખ્યું છે. તેમ શ્યામ સુંદરભાઈએ દુનિયાની બધીજ જોક કહી નાખી છે.
જોક્સથી પણ હાસ્ય નીપજાવી શકાય છે અને લેખો લખી ને હાસ્ય નીપજાવી શકાય છે. આપણે ફક્ત લેખોથી નીપજાવવામાં આવતા એક હાસ્યલેખકની વાત કરીશું.
ગુજરાતીમાં હાસ્યલેખકોનો દુકાળ છે એમ કહી શકાય.
જેમ સંસ્કૃતસાહિત્યમાં હાસ્યલેખકોનો અભાવ છે તેમ ગુજરાતી સાહિત્યમાં એટલો તો નહીં પણ ઠીક ઠીક અભાવ છે. સંસ્કૃત સાહિત્યમાં તો રમૂજ પૂરી પાડવા માટે ક્યાંક ક્યાં “ચમત્કૃતિ” હેઠળ મહાપુરુષો અને ભગવાનોની મશ્કરી કરતા શ્લોકો મળી આવે છે. પંચતંત્ર પણ રમૂજો પૂરી પાડે છે. પણ ગુજરાતી સાહિત્યમાં આટલા વ્યાપક ખેડાણ પછી હાસ્યલેખકોનો અભાવ સાલે છે. રણમાં મીઠીવીરડી સમા કેટલાક હાસ્ય લેખકો જરુર છે. જ્યોતીન્દ્ર દવે, રમણભાઈ નિલકંઠ, ધનસુખલાલ મહેતા, ફિલસુફ અને બકુલ ત્રીપાઠીના “ઉપર” ગયા પછી હાસ્યરસિક સાહિત્યની ખોટ તો સાલે છે જ. આમ તો વિનોદ ભટ્ટ, તારક મહેતા, “ગણપટ હુર્ટી”વાળા નિમેષ ઠાકર “છે” અને અથવા “બાકી રહ્યા” છે. ઈશ્વર તેમને લાંબુ આયુષ્ય આપે. વિનોદ ભટ્ટનું પેજ ફીક્સ હોવાથી બકુલત્રીપાઠીની જેમ ચૂકી જવાતું નથી.
એવું બને છે ક્યારેક કે જે લખવાનું હોય તે રહી જાય. જે ન લખવાનું હોય તે લખાઈ જાય.
આપણા વિનોદભાઈ ભટ્ટને લખવું હતું મમતા (બેનર્જી બેન) વિષે. તો ઈન્દીરાબેન વિષે પણ લખાઈ ગયું.
મમતાબેન-મનમોહન-દિનેશ ત્રીવેદી
મમતાબેન-મનમોહન-દિનેશ ત્રીવેદી ના તાજેતરના પ્રકરણ વિષે શ્રી વિનોદભાઈ ઠીક ઠીક રમૂજ ભર્યું લખી શક્યા હોત. એમને માટે બહુ સારો વિષય હતો. પણ જ્યારે ઉપસંહાર પૂર્વ નિશ્ચિત હોય ત્યારે લેખ “મોળો” પડી જાય છે. વળી શ્રી વિનોદભાઈએ મમતાબેનની સરખામણી ઈન્દીરા ગાંધી સાથે કરી અને બંન્નેની અયોગ્ય પ્રસંશા પણ કરી તેથી તેમના હાસ્યલેખે સત્વ સાવ જ ગુમાવ્યું એવું અમુકને તો લાગે જ.
રેલ્વે બજેટ અને પ્રધાનપદું
દિનેશ ત્રીવેદીએ રેલ્વે બજેટ બનાવ્યું મનમોહન સાથે મસલત કરી સંસદમાં રજુ કર્યું. મનમોહન સીંગે વખાણ પણ કર્યા. એટલે તેનો અર્થ એ થયો કે મનમોહનસીંગને દિનેશ ત્રીવેદીમાં વિશ્વાસ તો છે જ છે ને છે જ. એટલે ભારતીય બંધારણ પ્રમાણે તો મનમોહન સીંગ, દિનેશ ત્રીવેદીને દૂર કરી ન શકે.
દિનેશ ત્રીવેદીએ મમતાબેન સાથે રેલ્વે બજેટ વિષે ચર્ચા કરેલી કે નહીં, તેમની સાથે મસલત કરેલી કે નહીં, તેમની પરવાનગી લીધેલી કે નહીં અને આવું બધું કરવું તેમને માટે બંધારણીય રીતે જરુરી હતું કે નહીં અથવા બંધારણથી વિરુદ્ધ હતું કે નહીં, આ બધું સંશોધન અને ચર્ચા નો વિષય છે.
આ અગાઉ, અખીલેશ યાદવે કહેલ કે તેમનો પક્ષ સરકારને અસ્થિર કરવામાં માનતો નથી. તે અરસામાં કોઈપણ જાતના પ્રશ્નના અભાવમાં મનમોહન સીંગે નિવેદન આપેલ કે સરકાર પાસે બહુમતિની કોઈ સમસ્યા નથી. આ પછી રેલ્વે બજેટ દિનેશ ત્રીવેદીએ રજુ કર્યું. મનમોહન સીંગે તે બજેટના વખાણ કર્યા. લગભગ બધાએ જ વખાણ કર્યા. મમતાબેને ભાડા વધારાનો વિરોધ કર્યો. અને રેલ્વે મીનીસ્ટર તરીકે બીજાને રાખવા કહ્યું. પછી સામસામા નિવેદનો વિરોધી નિવેદનો થયા. આ બધાનો સરવાળો કરીને જોઇએ અને સંશોધનાત્મક ધારણાઓના ઘોડાઓ દોડાવીએ તો આપણા યુપીએના નેતાઓની માનસિક, બૌધિક અને વ્યુહાત્મક તાકાતનો ભાંડો ફૂટી જાય છે. આ ભોપાળામાંથી ઘણી રમૂજ ઉત્પન્ન કરી શકાય.
સીંગ શબ્દના ત્રણ પ્રચલિત અર્થ છે. શીંગડા, શીંગ (દાખલા તરીકે ગવારશીંગ) અને સિંહ. મનમોહન સીંગ વિષે એવી ધારણા રાખવામાં આવેલી (ખાસ તો મમતાબેનના વિરોધીઓ તરફથી અને ગુજ્જુઓ તરફથી પણ) કે, તત્કાલિન સમય મનમોહન સીંગમાટે સિંહત્વ (જો એક બે આની પણ હોય તો પણ), બતાવવા માટેનો શ્રેષ્ઠ સમય હતો. પણ મનમોહન સીંગ એ શીંગ (ગવાર શીંગની શીંગ) જ રહ્યા. મમતાબેન ધાર્યું કરી શક્યા.
“પરદે કે પીછે” શું વાતો હોઈ શકે? આ પણ રમૂજ કરવા માટે નો શ્રેષ્ઠ મસાલો હતો. પણ વિનોદભાઈ ભટ્ટ જેવા હાસ્ય લેખકની ધ્યાન બહાર કેમ ગયું તે સંશોધનનો વિષય છે.
મોટે ભાગે તો પડદા પાછળ એમ જ થયું હશે કે મનમોહન સીંગ, સોનીયા ગાંધી પાસે ગયા હશે. સોનીયા ગાંધી કે તેમના સલાહકારોએ કહ્યું હશે “મુલાયમ” અને “મમતા” એ બેમાંથી કોણ વધુ વિશ્વસનીય છે. આપણો દેખાનાર વિજય, આપણી મુત્સદ્દીગીરી અને અથવા દિનેશ ત્રીવેદીએ કહેલી દેશહિતની વાત મહત્વની નથી. આપણી નહેરુવીયન અને ઈન્દીરાઈ પ્રણાલી પ્રમાણે આપણી ખૂરસીઓ એટલે કે સત્તા જ મહત્વની છે. આપણે સત્તા મેળવવા માટે કે સત્તા જાળવી રાખવા માટે કંઈપણ અને બધું જ કરીએ છીએ. કૌભાન્ડો કરીએ છીએ, અફવાઓ ફેલાવીએ છીએ, બનાવટી ત્યાગ અને બલીદાનની વાતો કરીએ છીએ, ખોટા વચનો આપીએ છીએ, વિશ્વાસઘાત કરીએ છીએ, જનતાને અને સંસદને ગેરમાર્ગે દોરીએ છીએ, બનાવટી પ્રતિજ્ઞાઓ લઈએ છીએ, સંસદને અને અથવા વિધાનસભાઓને સ્થગિત, વિલંબિત, નિલંબિત, વિલયિત કરીએ છીએ, રાષ્ટ્રપતિ સંડાસમાં હોય ત્યારે વટહૂકમ ઉપર સહી કરાવીએ છીએ, આપણને જરુર પડે તો અર્ધી રાત્રે વટહૂકમો બહાર પાડીએ છીએ, જનતાના કુદરતી અધિકારોને પણ સ્થગિત કરીએ છીએ, જનતાને જ નહીં પણ ગાંધીવાદી શિર્ષ નેતાઓને પણ વગર ગુનાએ અનિયતકાલ માટે જેલમાં પૂરીએ છીએ વિગેરે વિગેરે આપણે ઘણું બધું કરીએ છીએ. ચીનાઓ જેમ આકાશ અને પૃથ્વીની વચ્ચે જે કંઈ હોય તે બધું જ ખાઈ શકે છે તેમ આપણે આકાશ ને પાતાળની વચ્ચે રહેલા શબ્દકોષોના જે કંઈ કર્મો (કુકર્મો), હોય એ બધા જ કરી શકીએ છીએ. પણ આ બધું આપણે સત્તા મેળવવા અને અથવા સત્તા ટકાવવા માટે કરીએ છીએ. આપણી સત્તા ભયમાં મૂકાય એવું આપણે કંઈ કરતા નથી. આપણે આપણા છેલ્લા ૬૨ વર્ષમાં આવું કશું કર્યું નથી અને કરીશું નહીં.
મમતાબેન આપખુદ હોય તેનો આપણને છોછ ન જ હોય. જેમ અમેરિકામાટે પાકિસ્તાનમાં આપખુદ સત્તા હોય તે જરુરી છે તેમ આપણા માટે પણ આપણા સહયોગીઓ પક્ષો આપખુદી વ્યક્તિ સર્વે સર્વા હોય એ જરુરી પણ છે. જેથી આપણે પણ એકનો જ ખ્યાલ રાખવો પડે. મમતાબેન આખાબોલા હોય કે ગુંગી ગુડીયા હોય તેથી આપણને ફેર પડતો નથી. આપણે આપણી નીંભરતા ઉપર ભરોસો રાખવો જોઇએ. ટૂંકમાં મુલાયમ કરતાં મમતાબેન આપણા માટે સારાં છે. એક વાત છે કે દિનેશભાઈ ત્રીવેદીને એમ લાગશે કે આપણે તેમને છેહ દીધો. આપણે તેમને મધ દરિયે લઈ ગયા અને ડૂબાડી દીધા. દિનેશભાઈ માટે આ વાત નવી છે પણ આપણા માટે આવું કરવું નવું નથી. માટે મમતાબેન કહે તેમ કરો. આપણા વિરોધીઓ તો બોલ્યા કરશે. આપણી જીભ સાબદી તો ઉત્તર ઝાઝા.
મમતાબેન અને ઈન્દીરાબેન વચ્ચે આપખુદીની સરખામણી જરુર થઈ શકે. પણ તેના ઉપર તાબોટા ન પાડી શકાય.
૧૯૬૫માં લાલબહાદુર શાસ્ત્રીના આકસ્મિક અવસાન પછી જે એલ નહેરુએ બનાવેલી સીન્ડીકેટની મદદથી ઈન્દીરા ગાંધીના નામની ભલામણ થઈ. પણ કોંગ્રેસના બંધારણ પ્રમાણે સંસદીય નેતાની ચૂંટણી થઈ શકે છે. સીન્ડીકેટના સભ્યો સત્તાધારી અને હોદ્દાધારી હતા. મોરારજી દેસાઈ કોઈ હોદ્દો ધરાવતા ન હતા. મોરારજી દેસાઈએ નેતાપદની ચૂંટણીનું ઉમેદવારી પત્રક ભર્યું. તેઓ ડબલ ફીગરમાં મત મેળવશે કે કેમ તેની શંકા હતી. કારણકે ૧૯૫૫ થી શરુ કરી ૧૯૬૫ સુધી તેમને ફક્ત બદનામ જ કરવામાં આવેલા. કોઈપણ જાતના તથ્યો વગર જ તેમને સમાચાર માધ્યમો દ્વારા બદનામ કરવામાં આવતા. આવું બધું હોવા છતાં પણ, મોરારજી દેસાઈ ૧૬૯ સંસદ સભ્યોના મત હાંસલ કરઈ લાવેલ. કામરાજે તો આશ્ચર્ય વ્યક્ત કરીને પૂછેલ કે ૧૬૯ મત તેમને મળ્યા છે કે ૬૯ મત?
૧૯૬૭ માં શું થયું?
૧૯૬૫ના અંતથી ૧૯૬૭ના સામાન્ય ચૂંટણી સુધી ઈન્દીરાએ નિસ્ફળતાઓ ભર્યો રાજકારભાર કર્યો. એટલે કોંગ્રેસ બહુ બદનામ થઈ. અને ૧૯૬૭ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને પાતળી બહુમતિ મળી. વળી પાછો સંસદના નેતાની વરણીનો પ્રસંગ ઉભો થયો. અને મોરારજી દેસાઈએ નેતાપદની ઉમેદવારીનું પત્રક ભર્યું. આ વખતે જો ચૂંટણી થઈ હોત તો મોરારજી દેસાઈના ચૂંટાઈ આવવાના ચાન્સ ઉજ્વળ હતા. એટલે સીન્ડીકેટના નેતાઓએ ઈન્દીરા અને મોરારજી વચ્ચે સમાધાન કરાવ્યું અને એક અલિખિત કરાર થયો કે મોરારજી દેસાઇને નંબર-૨, ડેપુટી પ્રાઈમ મીનીસ્ટર કરવા અને તેમને જે ગમે તે ખાતુ આપવું. મોરારજી દેસાઈ નંબર-૨, ડેપ્યુટી પ્રાઈમ મીનીસ્ટર અને નાણાં પ્રધાન બન્યા.
જો અર્થ તંત્રને મજબુત કરવું હોય તો બેંકોને કામ કરતી બનાવવી જોઇએ. અને તેથી સૌ પ્રથમ તો સરકારી બેંકો અને ખાનગી બેંકો જનતા માટે કામકરતી થાય. ધીરાણ નીતિ રીઝર્વબેંક નક્કી કરે છે. પણ જો સરકારી બેંકો લોકાભિમુખ થાય તો ખાનગી બેંકો પણ તેની સાથે સ્પર્ધામાં ઉતરે. આ કારણથી મોરારજી દેસાઈએ બેંકોનું સામાજીકરણ કર્યું. જેથી સરકારી બેંકો ધિરાણમાં લોકાભિમુખ બને અને વહીવટમાં પણ ઉણી ન ઉતરી જાય. આ એક શ્રેષ્ઠ નિર્ણય હતો. પણ જો નંબર-૧ (ઈન્દીરાગાંધી) કરતાં નંબર-૨ (મોરારજી દેસાઈ), વહીવટી અને વૈચારિક દ્રષ્ટિએ વધુ હોશીયાર હોય તો જનતામાં નંબર-૨ જ વધુ લોકપ્રિય બની જાય. એટલે ઈન્દીરા ગાંધીએ મોરારજી દેસાઈનું નાણાખાતું પાછું લઈ લીધું.
કેન્દ્રીય પ્રધાનો, વડાપ્રધાનની કેબીનેટ ના સભ્યો હોય છે. અને વડાપ્રધાન તેના પ્રમુખ હોય છે. પક્ષની નીતિઓ પક્ષના પ્રમુખ નક્કી કરે છે. મોરારજી દેસાઈનું પ્રધાનપદુ એ પક્ષનો નિર્ણય હતો. મોરારજી દેસાઈની રુખસદ એ વાત વડાપ્રધાન દ્વારા, વડાપ્રધાન, પક્ષ અને મોરારજી દેસાઈ સાથે થયેલી સમજુતીનો ભંગ હતો. ભારતીય બંધારણ આમાં વચ્ચે આવતું નથી. એટલે ભારતીય બંધારણના ભંગનો પ્રશ્ન ઉભો થતો નથી. પણ આ એક પક્ષીય અશિસ્ત તો જરુર કહેવાય.
વળી “પ્રધાનપદ” એક માનનીય હોદ્દો છે. તેની ગરિમા જળવાવવી જોઇએ. આ માટે નિશ્ચિત પ્રક્રીયા હોય છે. વડાપ્રધાન કોઈ વ્યક્તિને અપમાન જનક રીતે હોદ્દા ઉપરથી દૂર કરે તો તેનાથી તે વડાપ્રધાનના સંસ્કારની નીચતા પ્રગટ થાય છે અને વડાપ્રધાન પદની ગરિમા હણાય છે. મોરારજી દેસાઈએ કહ્યું કે “મને કાંદાબટાકાની જેમ દૂર કર્યો તે બરાબર નથી”.
આશ્ચર્ય સાથે કહેવું પડે કે ભારતીય મૂર્ધન્યોએ, વિશ્લેષકોએ ઈન્દીરા ગાંધીના આ વલણને વધાવ્યું. આ વાત ભારતીય રાજકારણના સંસ્કાર માટે જ નહીં પણ તેના રક્ષકો એવા મૂર્ધન્યો ની બૌદ્ધિક કક્ષા માટે પણ શર્મનાક હતું.
દિનેશ ત્રીવેદીના કિસ્સા બાબમાં મમતા બેનર્જી અને મનમોહન સિંહ ઉણા ઉતર્યા છે. તેમના વલણ ઉપર આપણે તાલીઓ પાડીએ કે પરોક્ષરીતે વખાણીએ તો તે દેશના રાજકારણની કક્ષા માટે ખચિત આપણે જ જવાબદાર છીએ એમ સિદ્ધ થાય છે.
ઈન્દીરા ગાંધી પોતાના પક્ષમાં સર્વે સર્વા હતાં. કારણ કે જેએલ નહેરુના વખતમાં જે નાણા -ઉઘરાણું થતું તે વિકેન્દ્રિત હતું. અને ઈન્દીરા ગાંધીએ તે પોતાને હસ્તગત કરેલું. આ એક લાંબો વિષય છે. ચિમનભાઈ પટેલે ૧૯૭૪ના અરસામાં આ ઉઘરાણા વિષે એક ચોપડી બહાર પાડેલ. રસિકજનોએ આ ચોપડી તેમના સુપૂત્ર જે અત્યારે નહેરુવીયન કોંગ્રેસને શોભાવી રહ્યા છે તેમની પાસેથી હસ્તગત થાય તો કરવી.
જેની પાસે પૈસા છે કે પૈસાનો કારોબાર કે મંજુરી છે તેનું પક્ષમાં વધુ ચાલે. સિવાય કે તમારે તમારી ધરતીનો અને ચારિત્ર્યનો આધાર હોય. આ કારણથી કેટલાક સ્વાવલંબી, સ્વાશ્રયી અને સ્વાભિમાની નેતાઓ કોંગ્રેસમાંથી દૂર થેયેલ. પણ જે કચરો બાકી રહેલ તેની ઉપર સ્વાભાવિકરીતે જ ઈન્દીરા ગાંધીનો પ્રભાવ રહે જ. આ વાત રાજકારણનો નવો નિશાળીયો પણ સમજી શકે તેમ છે.
ઈન્દીરા ગાંધી અનિર્ણાયકતાના કેદી હતા. અને દેશની ગંભીર સમસ્યા હમેશા વણઉકલી રહેતી. ૧૯૬૬ થી ૧૯૭૧ (અને તે પછી પણ) બંગ્લાદેશી હિન્દુઓની હકાલ પટ્ટી અને બિહારી મુસ્લિમોની ભારતમાં હિજરત એ આ વાતના શ્રેષ્ઠ ઉદાહરણ છે. જયપ્રકાશ નારાયણે વિદેશની ખેપ મારીને ભારતની સમસ્યાની રજુઆત કરેલ. તેના પરિણામે અને પ્રભાવે વાત એટલીજ બનેલી કે જ્યારે પાકિસ્તાને ભારતની વિમાનપટ્ટીઓ ઉપર હવાઈ હુમલા કર્યા અને ભારતે ન છૂટકે વળતો જવાબ આપ્યો ત્યારે આ પશ્ચિમી ધરી વાળા દેશો ખાસ કરીને અમેરિકા ચૂપ રહ્યું. જોકે એવું કહેવાય છે કે અમેરિકા પણ ઇચ્છતું હતું કે બંગ્લાદેશ સ્વતંત્ર બને.
પાકિસ્તાન માટે ભૌગોલિક રીતે લશ્કરી વ્યુહરચના માટે પરિસ્થિતિ વિકટ હતી. બંગ્લાદેશી પ્રજા નો પાકિસ્તાનના સૈન્યને સપોર્ટ ન હતો. એ પણ એક મોટું માઈનસ પોઈન્ટ હતું. ભારત માટે સાનુકુળ પરિસ્થિતિ હતી અને યુદ્ધ જીત્યા સિવાય છૂટકો ન હતો. આ કોઈ ઈન્દીરા ગાંધીનો જવાબ ન હતો. પણ ભારતીય જનતા અને સૈન્યની બે વર્ષની ધિરજ, ઈન્દીરા ગાંધીની મજબુરી બની હતી. અને તમે જુઓ આ આખો વિજય ૧૯૭૩માં સિમલા કરાર હેઠળ ઘોર પરાજય માં પલટાઈ ગયો.
ઈન્દીરા ગાંધી કદી વિદેશ નીતિમાં કોઈ મોથ મારી શકી ન હતી. ખાલીસ્તાનની ચળવળ અને આતંકવાદનો દોર અને દોરીસંચાર પાકિસ્તાનથી થતો હતો. સિમલા કરારની ૧૯૭૩ના કરારની નિસ્ફળતા ઉડીને આંખે વળગે તેવી હતી. ખાલીસ્તાની આતંકવાદિઓ ઉઘાડે છોગ સુવર્ણમંદિરમાં શસ્ત્રો સહિત આવ જા કરે અને આતંક ફેલાવે તો પણ ઈન્દીરાગાંધી કોઈ કશો પાઠ ભણાવી ન શક્યાં. ગુનેગારને પકડવા માટે સુવર્ણ મંદિરમાં જઈ ન શકાય તેવો કોઈ કાયદો ન હતો. પણ વહીવટી નિસ્ફળતાએ ઢીલ કરાવી. ફાલતુ વટહુકમ ની ઘોષણા કરાવાઈ.
ભીંદરાણવાલેને મારવામાં જો કે ઘણું મોડું થઈ ગયું હતું. સુવર્ણ મંદિર ઉપરનો લશ્કરી હુમલો એ મોટો વિલંબ હતો. જો અગાઉથી સાવચેતના પગલાં ભર્યા હોત તો મોટી જાનહાની અને આતંક રોકી શકાયો હોત. અંતે વહીવટી નિસ્ફળતાએ ઈન્દીરા ગાંધીનો જાન લીધો. પાકિસ્તાનને ઈન્દીરાગાંધી કશો પાઠ ભણાવી શક્યા નથી.
૧૯૪૮-૪૯માં સરદાર પટેલને લીધે કાશ્મિર ગુમાવતા બચ્યા એ વાતને બાદ કરતાં બહુ બહુ તો બીજેપીની સરકારે પશ્ચિમની સરહદ ઉપરથી પાકિસ્તાની લશ્કરને ૧૯૯૯માં મારી હઠાવ્યું તે જ એક પ્લસ પોઈન્ટ છે. આ સિવાય ભારતે અને ખાસ કરીને નહેરુવીયન કોંગ્રેસે કોઈને પાઠ ભણાવ્યા નથી.
૧૯૬૬ થી ૧૯૭૭નો સમય એ ભારત માટે રાજકીય અંધાધુંધીનો સમય હતો. અને આ અંધાધુંધીને ૧૯૮૦ થી ૧૯૮૯ માટે મંજુરીની મહોર મ્ળી.
ક્યારેક મતિ ભ્રમમાં પડી જાય અને બુદ્ધિ રુપી સોનાની જાળ પાણીમાં પડી જાય. સાદા લેખકો હોય કે હાસ્યલેખકો હોય ક્યારેક તો ભૂલ કરતા હોય છે કે ભૂલા પડી જતા હોય છે. સવારે ભૂલા પડીને સાંજે પાછા આવી જાય તો તેને કદાચ ભૂલા પડ્યા ન કહેવાય એવું ઘણા લોકો માને છે. એ જે કંઈ હોય પણ તેને ક્ષમ્ય તો તો કહેવાય જ.
બકુલ ત્રીપાઠીએ પણ ૧૯૭૩ના અરસામાં ભ્રમણ સહર્ષિનું પાત્ર રચેલું. આ પાત્ર મોરારજી દેસાઈની પ્રતિકૃતિ જેવું હતું. તે દ્વારા મોરારજી દેસાઈની ઠીક ઠીક ઠેકડી ઉતારવામાં આવેલી. પણ ૧૯૭૪માં ઘણાબધાનો ભ્રમ ભાંગી ગયેલ. જનસંઘ અને આરએસએસના નેતાઓ પણ ભ્રમમાં પડી જાય તો બીજા તે કોણ માત્ર. પણ ભ્રમમાં પડ્યા તો પડ્યા. પણ બહાર નિકળી જવું મૂખ્યવાત છે.
કાન્તિભાઈ ભટ્ટ અજુગતું લખે તો ચાલ્યું જાય. પણ વિનોદભાઈ ભટ્ટ એવું લખે તો કઠે છે.
શિરીષ મોહનલાલ દવે
ટેગઃ દિનેશ ત્રીવેદી, મનમોહન સીંગ, મમતા બેનર્જી, ઈન્દીરા, જેએલ નહેરુ, મોરારજી દેસાઈ, સીન્ડીકેટ, વડાપ્રધાન, નાણાપ્રધાન, પ્રધાનપદું, ગરિમા, સંસ્કાર, પ્રણાલી, બેફામ
Leave a Reply