Feeds:
Posts
Comments

Archive for June, 2012

દરેક દેશને કાળો યુગ આવે છે. પછી ભલે તે દેશ કોઈએક સમયે કે મોટાભાગના સમય માટે ગમે તેટલો મહાન વિકસિત, વિદ્વાન અને ઉત્તમ રાજનીતિ વાળો કેમ નહોય. 

ભારતની સમાજવ્યવસ્થા ખામીવાળી હતી પણ તે વિકેન્દ્રિત, એકમેકને પૂરક અને વ્યવસ્થિત હતી તેથી ઔરંગઝેબના સમયસુધી ઠીક ઠીક સફળ રીતે ચાલી. જોકે કેટલાક લોકો સનાતનધર્મ ઉપરના પ્રેમને કારણે કે મુસ્લિમ અને ખ્રીસ્તી ધર્મના લોકોએ કરેલા કથિત અત્યાચારોને કારણે ભારતના સુવર્ણયુગનો અંત અને ગુલામીની શરુઆત મહમ્મદ ગઝનીના સમયથી એટલે કે ૧૧મી સદીથી ગણી લે છે.

એમ તો કેટલાક પાશ્ચાત્ય વાદીઓ સિકંદરે પોરસને હરાવ્યો ત્યારથી ભારતને હારની પરંપરા વાળો ગણી લે છે. પણ એની ચર્ચા આપણે નહીં કરીએ.

જેઓ અહીં આવ્યા અને ભારતને પોતાનો દેશ ગણ્યો અને રાજ કરીને તેનો વિકાસ પણ કર્યો તેના રાજમાં આપણે ગુલામ હતા તે વાત સ્વિકારી ન શકાય. જો આમ ન માનીએ તો અમેરિકા આજે ઈન્ડોનેસીયાનું ગુલામ કહેવાય કારણ કે ઓબામા ઈન્ડોનેસીયાના મુસ્લિમ છે.

પૃથ્વીના ઈતિહાસનો અર્વાચિન યુગ પણ ભારતનો કાળો યુગ

આપણી ગુલામી અને કાળાયુગનો પ્રારંભ મોગલ સામ્રાજ્યના અંતની સાથે થયો. સાંસ્કૃતિક અને આર્થિક રીતે ગુલામી અંગ્રેજોના શાસનથી આવી. અને કદાચ તે હજુપણ ચાલુ છે. વૈચારિક અને નૈતિક કંગાળતા તો નહેરુવીયન શાસન જ લાવ્યું.

૧૯૬૯માં જન્મેલ મોહનદાસ કરમચંદ ગાંધી જેવા વૈચારિક રીતે પ્રતિકૃતિવાળા બે ત્રણ ગાંધી જો સાથે આવે તો જ આપણને આ અંધાકાર યુગમાંથી કદાચ બચાવી શકે.

ચીન સાથેના પરાજય પછી જવાહાર નહેરુની ખુરસી ડગમગવા માંડી અને તેમણે  સીન્ડીકેટની રચના કરી.

આ રચનાનો હેતુ એજ હતો કે ભારતની વિદેશ નીતિના રહસ્યો દબાયેલા જ રહે અને તેના હાડપિંજરો કદી બહાર જ ન આવી શકે. આ ત્યારે જ શક્ય બને કે જ્યારે વડાપ્રધાનનું પદ વંશપરંપરાગત બને. આ એક અનીતિ હતી. લોકશાહીમાં  વંશવાદની અભિલાષા ન રાખી શકાય. પણ દેશના અંગ્રેજી સમાચાર પત્રોને ભારતીય સાંસ્કૃતિક ધરોહરમાં રસ ન હતો. અર્થહીન પાશ્ચાત્યવાદો જેવા કે મુડીવાદ, ઉપભોગતાવાદ, પ્રબંધક સમાજવાદ, સામ્યવાદ, વિગેરે તેમને માટે  પ્રકાશના કેન્દ્રો હતા.

તેમને માટે અને નહેરુમાટે પણ, ગાંધીજીનો ભારતીય સંસ્કૃતિ ઉપર આધારિત સર્વોદયવાદ પોથીમાંના રીંગણા જેવો હતો. ગાંધીજી ખુદ તેમને માટે પોથીમાંના રીંગણા જેવા હતા. ચૂંટણી વખતે ગાંધીજી ગાજરની પીપુડી હતા. દેશી એટલે કે વર્નાક્યુલર સમાચાર પત્રોના માલિકોને જવાહરલાલના નામની શરમ નડતી હતી. કારણ કે જવાહરલાલ ની, સ્વાતત્ર્યની ચળવળમાં કારકિર્દી ઉલ્લેખનીય હતી.

તિબેટ-ચીન-રશીયા-બર્મા સાથેના સંબંધો, અર્થનીતિ, બિનજોડાણવાદની નીતિ, સમાજવાદી સમાજરચના, લોકશાહી સમાજવાદી સમાજ રચના,   પંચશીલ વિગેરે એવા વિષયો હતા કે જેમાં સામાન્ય માણસોને કંઈ ગમ ન પડે અને મોટાભાગના અખબારી કટારોના મૂર્ધન્યો પણ ગોથાં ખાય. મૂળમાં આ બધું તાત્વિક વધુ અને આચારમાં દુધ-દહીં જેવું હતું.

સ્વતંત્ર ભારતની અંધકાર યુગની ઘોર રાત્રીના મંડાણ.

પણ ઇન્દીરા ગાંધીના આવ્યા પછી એક નવું તત્વ રાજકારણમાં ઉમેરાયું જે હતું રાજકીય મૂલ્યોનો પ્રત્યક્ષ વિનાશ. દલીલ વગરનું અને તથ્યવગરનું વાગ્‌યુદ્ધ. કોઈપણ ભોગે સત્તા. પક્ષપલ્ટો કરવો અને અથવા કરાવવો. લાલચો આપવી. વિશ્વાસઘાત કરવો. લાંચ લેવી. લાંચ આપવી. કામ ન કરવું. પૈસા આપી ટોળાં એકઠા કરવા. ટ્રકોમાં લોકોને લઈ જવા. વિરોધીઓને ખોટી રીતે હેરાન કરવા. અફવાઓ ફેલાવવી. નામવગરના અર્થઘટનો કરવાં. આ દરેક દુરાચારોના પ્રસંગો ઈન્દીરાગાંધીની ખુદની બાબતમાં પણ લખી શકાય એમ છે.

આવું બધું જ્યારે રાજકીય સફળતાના મૂળમાં હોય ત્યારે દેશ પાયમાલ ન થાય તો શું થાય?

૧૯૭૦ માં ઈન્દીરાએ કેન્દ્રમાં નિરપેક્ષ સફળતા મેળવી. ૧૯૭૧માં રાજ્યોમાં નિરપેક્ષ સફળતા મેળવી. આ સફળતા તો એવી કે મુખ્ય મંત્રીઓની નીમણૂંક પણ ઈન્દીરા ગાંધીની આજ્ઞા પ્રમાણે થાય. આટલા મોટા જનાધાર અને આપખુદી હોવા છતાં પણ દેશ પ્રગતિને બદલે પાયમાલ થવા માંડ્યો.

આનો પ્રતિકાર સૌપ્રથમ ગુજરાતમાં થયો. એમ કહી શકાય કે તેનું પ્રથમ દર્શન પુરષોત્તમ ગણેશ માવલંકર ના ચૂંટણી યુદ્ધથી થયું. ૧૯૭૨ માં ઈન્દુલાલ યાજ્ઞિકના અવસાનથી ખાલી પડેલી લોકસભાની બેઠક માટે પી.જી.માવલંકરે અપક્ષ ઉમેદવાર તરીકે નામ નોંધાવ્યું. સંસ્થા કોંગ્રેસે તેમનું સમર્થન કર્યું. ૧૯૭૧માં તો ગુજરાતમાં ચારે બાજુ ઈન્દીરા કોંગ્રેસનો જયજયકાર હતો. વિધાન સભામાં ઈન્દીરા કોંગ્રેસને ૧૬૪માંથી ૧૪૦ સીટો મળેલી. જોકે લોકોને અસંતોષ હતો. પણ “ગરીબી હઠાવો”ના નારાએ અને હોદ્દાઓની ખેરાત કરવામાં ઇન્દીરા ગાંધીએ દલિત નેતાઓને ન્યાલ કરેલા, એટલે દલિત લોકોમાં ભ્રમ ઉભો થયેલો કે “આ ગમિષ્યતિ યત્‌ પત્રં, તત્‌ તારિષ્યતિ અસ્માન્‌”.

પંચતંત્રની એક વાતમાં ચાર મુર્ખ પંડિતોની વાર્તા આવે છે. જેમાં નદી ઓળંગવાનો પ્રસંગ ઉભો થાય છે.  એક પંડિત પોથી ઉઘાડીને વાંચે છે કે જે પાંદડું આવશે તે તમને તારી દેશે.. અને એક પાંદડું તરતું તરતું આવે છે તેના ઉપર એક પંડિત કુદી પડે છે.

 હવે આપણા દેશના ગુજરાત સહિતના મૂર્ધન્યો જ જો, ઈન્દીરા ગાંધીની “મારા બાપાને પણ આ લોકો કામ કરવા દેતા ન હતા” એવી વેતા વગરની વાતોમાં આવી જાય અને તાબોટા પાડે તો ગુજરાતની ગરીબ પ્રજાને શું ગમ પડે! તેમને તો એમ જ હતું કે હવે તો આપણે પણ બે પાંદડે થાશું.

આમ તો આવાત “આજની ઘડી અને કાલનો દી” જેવી હતી. ઈન્દીરા ગાંધીના કરતાં વધુ કર્મનિષ્ઠ અને વધુ હોંશીયાર એવા તેના પિતાશ્રી જવાહર લાલ નહેરુએ પણ આવી જ પ્રતિજ્ઞાઓ લીધેલી. અને આ બધી “જલે લિખિતં અક્ષરં” (પાણી ઉપર લખેલા પ્રતિજ્ઞાપત્ર) જેવી સાબીત થયેલી. જેવી કે “ચીને કબજે કરેલો ભારતીય પ્રદેશ પાછો મેળવ્યા વગર જંપીને બેસીશું નહીં” એ પ્રતિજ્ઞા  ભારતીય સંસદ સમક્ષ તેમણે અને તેમના પક્ષે લીધેલી હતી. ભારતના અખબારી મૂર્ધન્યો નહીં તો કમસે કમ ગુજરાતના અખબારી અને સાહિત્યિક મૂર્ધન્યોએ તો આવી પ્રપંચી પ્રતિજ્ઞાઓ ને સમજી જવા જેવી હતી. પણ ઈન્દુલાલ યાજ્ઞિક જેવા પણ દુર્ભાગ્યના માર્યા  જો ઈન્દીરા કોંગ્રેસમાં ભળી જાય તો ગરીબોનો તો વિશ્વાસ બંધાય જ ને! હવે આ ઈન્દુલાલ યાજ્ઞિક જેઓ આખી જીંદગી કોંગ્રેસને ફીટકારતા રહ્યા હ્તા, તેઓ તેમની જીવન યાત્રાની અંતિમ ક્ષણોમાં ઈન્દીરા કોંગ્રેસમાં ભળી ગયા, તેનાથી વધુ રાજકીય મૂલ્યોના હ્રાસ ની વાત બીજી કઈ હોઈ શકે?

મહમ્મદ ગઝની અને તૈમૂરલંગના સેનાપતિઓને હરાવી શકાય છે.

મોરારજી દેસાઈ અને તેમના સાથીઓ ઈન્દીરા ગાંધીની કાર્યશૈલીને ઓળખતા જ હતા. અને ગુજરાતી સુજ્ઞ જનો પણ સમજી ગયા કે નહેરુવીયન કોંગ્રેસમાં નીતિમત્તાના મામલે ખાટલે મોટી ખોડ છે. તે વખતે અખબારો નહેરુવીયન કોંગ્રેસના આંતર વિગ્રહની વાતોને છૂપાવવામાં માનતા ન હતા કારણ કે તેમાટે તેમને કદાચ પૈસા મળવાનું ચાલુ થયું નહીં હોય. તેથી ગુજરાતના નહેરુવીયન કોંગ્રેસની આંતરવિગ્રહની વાતો છાપે ચડવા માંડેલી. એમાં વળી અમદાવાદની લોકસભાની બેઠકની ચૂંટણી આવી અને પી. જી. માવલંકર આ ચૂંટણી ૨૦૦૦૦ મતે જીતી ગયા એટલે શહેરી જનતાના જીવમાં જીવ આવ્યો કે તૈમૂરલંગના સેનાપતિને પણ હરાવી શકાય છે.

નવનિર્માણનું આંદોલનઃ

નહેરુવીયન કોંગ્રેસની શાસકીય અણઅવડત છતી થવા માંડી અને અખબારોએ સાથ આપ્યો એટલે નવનિર્માણનું આંદોલન શરુ થયું. પી.જી. માવલંકરે અને ગુજરાતના સાહિત્યિક મૂર્ધન્યોએ આ આંદોલનને સાથ આપ્યો. રાજકારણથી સામાન્ય રીતે દૂર રહેનારા ગુજરાતી સર્વોદય કાર્યકરો અને સર્વોદય ઉપર શ્રદ્ધા ધરાવતા નેતાઓ પણ આ આંદોલનમાં ભળ્યા. “૧૪૦ કોણ છે, ઈન્દીરાના ચમચા છે” જેવા અનેક સૂત્રો સાથે આંદોલનની પરાકાષ્ઠા આવી અને નહેરુવીયન કોંગ્રેસી મુખ્યમંત્રીએ રાજીનામુ આપ્યું.

 પણ જનતાને વિધાન સભાના વિસર્જનથી ઓછું ખપતું ન હતું એટલે આંદોલન વ્યાપકરીતે ઘણું આગળ ચાલ્યું.   જોકે આ નહેરુવીયન કોંગ્રેસે ઘણા ગોળીબારો કર્યા અને સો થી વધુ લોકોએ જાન ગુમાવ્યા. અંતે ઈન્દીરાગાંધીએ વિધાન સભાને સુસુપ્ત કરી. પણ તેથી જનતાને સંતોષ ન થયો કારણ કે જનતા ઈન્દીરા ગાંધીના જુઠાણાઓને જાણતી હતી. જનતાએ વિધાનસભાના સભ્યોના રાજીનામા માંગવા માંડ્યા. મોરારજી દેસાઈ જે કોંગ્રેસમાં હતા તે કોંગ્રેસ, સંસ્થા કોંગ્રેસને નામે ઓળખાતી હતી.  કોંગ્રેસ(સંસ્થા)ના સભ્યોએ તો તૂર્ત જ રાજીનામા આપી દીધા. જનસંઘના સભ્યોએ પણ રાજીનામાં આપ્યા. અને ન છૂટકે કેટલાક નહેરુવીયન કોંગ્રેસી સભ્યોએ પણ રાજીનામાં આપ્યાં. પણ ઇન્દીરા ગાંધીની ઈચ્છા હતી કે વિધાનસભાનું વિસર્જન ન કરવું. સમય વ્યતિત કરવો. કાળક્રમે બધું બધું ટાઢું પડે એટલે વિધાનસભાની ખાલી સીટોની ચૂંટણી કરાવી લેવી.

ઈન્દીરા ગાંધીએ અવાર નવાર “નવનિર્માણ આંદોલન”ના નેતાઓને દિલ્લી તેડાવેલા. લાલચો આપેલી. પણ સદભાગ્યે કોઈ વિદ્યાર્થી નેતા ટસના મસ થયા ન હતા. સંભવ છે કે ગણ્યાગાંઠ્યા કોઈ ઈન્દીરાની વાતમાં આવી ગયા હોય પણ બીજા નેતાઓના પ્રબળ વિરોધને કારણે તેઓ કોઈ ફૂટ્યા નહીં. આવું એટલા માટે કહેવું પડ્યું કે એક બે નેતાઓ એ કહ્યું હતું “જેને નવનિર્માણનું આંદોલન પાછું ખેંચવું હોય તે ખેંચી લે. ભલે હું એકલો રહી જાઉં. હું મરતાં સુધી આ આંદોલન ચલાવતો રહીશ અને કોંગ્રેસ (આઈ) સામે એકલો એકલો લડતો રહીશ.” જો કે સખેદ કહેવું પડે કે આજની તારીખમાં કેટલાક નવનિર્માણીય નેતાઓ ઈન્દીરાઈ કોંગ્રેસને શોભાવી રહ્યા છે. પણ જેઓ જેલમાં ગયેલા અને પરિપક્વ હતા તેઓ પણ જો આ જે ઈન્દીરાઈ કોંગ્રેસને પ્રત્યક્ષ કે પરોક્ષરીતે શોભાવી રહ્યા હોય તો આ નવનિર્માણ ખ્યાત નેતાઓ પોતાની તત્કાલિન પ્રસિદ્ધિને “કૅશ કરે” તો તેમને તેમના આવા પરિપેક્ષ્યમાં જોવા જોવા જોઇએ.

આવું બધું ભવિષ્યમાં ન થાય તેમાટે, તે સમયે પીજી માવલંકરે એક પક્ષ બનાવવાની અગમ બુદ્ધિની વાત કરેલી. પણ તે વખતે વિદ્યાર્થી નેતાઓ ઉપર “પક્ષ હીન” રાજકારણનું ભૂત સવાર થયેલું. એટલે કોઈએ તેમની વાત માની નહીં. પક્ષનું મોવડી મંડળ, પક્ષના સભ્યોની પૂંછડીને પકડીને અંકૂશમાં રાખી શકે તે કોઈના ધ્યાન માં ન આવ્યું. જો પક્ષનું મોવડી મંડળ નીતિમાન હોય તો તે પોતાના પક્ષના લાલચુસભ્યોને અંકૂશમાં રાખી શકે છે. આ વાત પક્ષીય રાજકારણનું એક હકારાત્મક પાસું છે. જો પક્ષને નીતિના સિદ્ધાંતો ન હોય તો ખાઉકડ સભ્યોથી જ લોકસભા/વિધાન સભા ખદબદી ઉઠે. જે આપણે હાલ કેન્દ્રમાં ભરપૂર માત્રામાં જોઇએ છીએ. આ વિષય લાંબી ચર્ચા માગી લે છે. આ બ્લોગનો આ વિષય નથી.

મોરારજી દેસાઈ, આ બધી નહેરુવંશીય ફરજંદોની ચાલબાજી જાણતા હતા. એટલે તેઓ વિધાનસભાના વિસર્જન માટે આ મરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા. મોરારજી દેસાઈ રાષ્ટ્રીય નેતા હતા. એટલે આખા દેશમાં ભારે ઉહાપોહ થયો. ઈન્દીરા ગાંધી એ બેહદ ખંડિત અને નિષ્પ્રાણ વિધાન સભાને વિસર્જીત ન કરી પણ મોરારજી ની તબિયત લથડી એટલે ટીકા થવા માંડી. અંતે ઈન્દીરા ગાંધીએ ન છૂટકે વિધાનસભાનું  વિસર્જન કર્યું. વિધાન સભાના વિસર્જન પછી ઇન્દીરા ગાંધીની ઈચ્છા ન હતી કે ગુજરાતમાં ફરીથી ચૂંટણી યોજાય. ગુજરાતની ચૂંટણીમાં વિલંબ થવા લાગ્યો. એટલે ફરીથી મોરારજી દેસાઈ આમરાંત ઉપવાસ ઉપર ઉતર્યા. તેમની તબિયત લથડી. અંતે ગુજરાત વિધાન સભાની ચૂંટણી જાહેર થઈ. જનતા મોરચાના નેજા હેઠળ બધા વિરોધ પક્ષો ભેગા થયા. ચિમનભાઈ પટેલે “કિમલોપ” નવો પક્ષ રચ્યો. તેઓ પોતે હારી ગયા પણ તેમના પક્ષે જનતા મોરચાને બેઠકોની બાબતમાં નુકશાન કર્યું. જનતા મોરચો  નહેરુવીયન ઈન્દીરાઈ કોંગ્રેસથી થોડોક જ આગળ નિકળી શક્યો. કોંગ્રેસ નામશેષ ન થઈ તેનું મૂખ્ય કારણ તેની જાતિવાદી ભેદભાવ ઉત્પન્ન કરવાની નીતિ હતી. પણ સરવાળે જનતા મોરચાના નેતા બાબુભાઈ જશભાઈ પટેલ સરકાર રચી શક્યા. ઈન્દીરાના પેટમાં તેલ રેડાયું.  

લોકઆંદોલન દ્વારા સરકારને ગબડાવી શકાય છે. લોક આંદોલન દ્વારા વિધાન સભાનું વિસર્જન થઈ શકે છે તે વાતથી જયપ્રકાશ નારયણને ઉત્સાહ સાંપડ્યો. પ્રાદેશિક લાભ માટે બીજા રાજ્યના લોકો ભારતમાં આંદોલનો કરતા હતા. સરકારી સાહસો  ગુજરાતમાં આવતા જ નહતા. નર્મદા યોજના જેવી ૧૯૩૦ની સાલની યોજના પણ ઈન્દીરાઈ રાજકારણ થકી ટલ્લે ચડતી હતી. નવી રેલ્વે લાઈનો નખવાની તો વાત કરવા જેવી નહતી. કારણ કે “બાપુઓ”એ નાખેલી રેલ્વે લાઈનોને અપગ્રેડ કરવાને બદલે જ ઇન્દીરાઈ સરકાર તેને એક પછી એક બંધ કરતી જતી હતી. ભાવનગર તારાપુર રેલ્વે યોજના તો ટલ્લે જ ચડી ગઈ હતી. મશીન ટૂલ્સના કારખાનાનો પ્રકલ્પ પણ હવામાં ઓગળી ગયો હતો. પણ ગુજરાતે કદી આવી બાબતો માટે આંદોલન કર્યું ન હતું. પણ આ જ ગુજરાતની જનતાએ ભ્રષ્ટાચાર હટાવોનું વ્યાપક અને દીર્ઘકાલીન આંદોલન સફળતા પૂર્વક કર્યું તેથી જયપ્રકાશ નારાયણ બહુ પ્રભાવિત થયા. તેમણે દેશ વ્યાપી આંદોલન ઉપાડ્યું તેથી ઈન્દીરા ગાંધીની દેશવ્યાપી સરકાર તકલીફમાં આવી.

ઈન્દીરા ગાંધી દલા તરવાડી

ચીફ ઈલેક્ષન કમીશ્નર શ્રી શેષન જ્યાં સુધી  ચીફ ઈલેક્ષન કમીશ્નર થયા ન હતા ત્યાં સુધી એટલે કે નહેરુ ઈન્દીરાના સમયમાં ચૂંટણી લક્ષી દરેક બાબતોમાં લાલીયાવાડી ચાલતી હતી. તેનો લાભ નહેરુવીયન કોંગ્રેસ પુસ્કળ લેતી હતી. ઈન્દીરાગાંધીએ પણ ૧૯૭૦ની ચૂંટણી લડવામાં અનેક ગેરરીતીઓ આચરેલી. ઈન્દીરાના પ્રતિસ્પર્ધી રાજનારયણે આ ચૂંટણીને અલ્હાબાદ ઉચ્ચ અદાલતમાં પડકારેલી. એક બાજુ જયપ્રકાશ નારાયણનું આંદોલન ચાલતું હતું અને બીજી તરફ ૨૩મી જુને અલ્હાબાદ ઉચ્ચ અદાલતનો ચૂકાદો આવ્યો. આ અદાલતે ઈન્દીરા ગાંધીની લોકસભાની સદસ્યતા ગેરરીતીઓને કારણે રદ કરી. આ ઉપરાંત ગેરરીતીઓ આચરવા બદલ ઈન્દીરા ગાંધીને ૬ વર્ષમાટે ગેર લાયક ઠેરવ્યાં.

એવું લાગે છે કે ઈન્દીરા ગાંધીને તેના જાસુસી સુત્રોથી આ આવનારા ચૂકાદાની માહિતી હશે. કારણ કે જેવો ચૂકાદો જાહેર થયો તેના ગણત્રીના કલાકોમાં દેશ ભરની દિવાલો ઉપર પોસ્ટરો લાગી ગયાં કે “ઈન્દીરા ગાંધી વડાપ્રધાન પદ ઉપર ચાલુ છે.” “જનતાની ઈચ્છાને માન આપીને  ઈન્દીરા ગાંધી વડાપ્રધાન પદ ઉપર ચાલુ છે”. ઓલ ઈન્ડીયા રેડીયો કે જે “ઓલ ઈન્દીરા રેડીયો” તરીકે ઓળખાતો હતો તેની ઉપર દરેક રાજ્યની નહેરુવીયન કોંગ્રેસ પ્રદેશ સમિતિએ કરેલા ઠરાવો નો મારો પ્રસારિત થવા લાગ્યો કે “ઈન્દીરાગાંધીમાં પક્ષને સંપૂર્ણ વિશ્વાસ છે અને તે વડાપ્રધાન પદ ઉપર ચાલુ રછે.” ઈન્દીરા ગાંધીની આ વાત દલા તરવાડી જેવી હતી. ૨૫મીએ મધ્ય રાત્રીએ દેશવ્યાપી કટોકટી લાદવામાં આવી. અને પછી તો કોના બાપની દિવાળી. ઈન્દીરા ગાંધીની ભાટાઈ કરતા પોસ્ટરો ઉપર પોસ્ટરો  લાગવા માડ્યાં.

કટોકટીના જાહેર કરેલા કારણો એ હતાં કે દેશના અહિત ઈચ્છનારાઓ લશ્કરને બળવો કરતા ઉશ્કેરતા હતા. વિપક્ષી નેતાઓ સરકારી નોકરોને કાયદાના ભંગ માટે ઉશ્કેરાતા હ્તા.  વિપક્ષી નેતાઓમાં અશિસ્ત હતી. વિપક્ષી નેતાઓ પ્રજાને અશિસ્ત માટે ઉશ્કેરતા હતા. સર્વત્ર અરાજકતા ફેલાવવામાં આવી હતી. ઔદ્યોગિક ક્ષેત્રે અને વહીવટી ક્ષેત્રે અશિસ્ત હતી. વિપક્ષી નેતાઓ વિદેશી તત્વોના હાથા બની ગયા હતા.  આ બધા કારણોથી દેશમાં બાહ્ય અને આંતરિક કટોકટી લાદવામાં આવેલી.

આ કટોકટી લાદવા જે વટહુકમ તૈયાર કરવમાં આવેલો તે માટે કેબીનેટની મંજુરી લેવામાં આવી નહતી. તેને સીધો જ તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી ફકરુદ્દીન અલી અહેમદ પાસે લઈ જવામાં આવ્યો હતો. તે વખતે રાષ્ટ્રપતિ સ્નાન કરી રહ્યા હતા. એક કાર્ટૂન એ પ્રમાણે હતું કે બાથરુમના અધખુલ્લા બારણામાંથી વટહુકમના કાગળને રાષ્ટ્રપતિ તરફ અંબાવીને કાગળ ઉપર સહી લેવામાં આવેલી. 

આ કટોકટી અંતર્ગત બંધારણીય અધિકારો રદ કરવામાં આવ્યા. સભા, સરઘસ કે પ્રદર્શન કે સરકાર વિરોધી કોઈપણ વાત પર સંપૂર્ણ બંધી હતી. કોઈપણ સમાચાર સરકારની ચકાસણી  વગર અને મંજૂરી વગર છાપવાની બંધી હતી. તેથી સમાચારની બાબતમાં અંધારપટ હતો. વિપક્ષી નેતાઓને જેલમાં પૂરવામાં આવ્યા હતા. જ્યાં જ્યાં ઈન્દીરાઈ કોંગ્રેસની સરકાર હતી (જે ગુજરાત માં ન હતી) ત્યાં જે કોઇ પણ વિરોધ કરતા હતા તે સૌને શોધી શોધીને જેલમાં પૂરવામાં આવ્યા. ગુજરાતમાં બાબુભાઈ જશભાઈ પટેલની સરકાર હતી. પણ ચીમનભાઈ પટેલ ઉપર તવાઈ આવી. તેમણે એક પુસ્તિકા લખેલી કે ગુજરાતના તેલીયા રાજાઓ પાસે થી ઈન્દીરા ગાંધીએ કેવીરીતે પૈસા પડાવેલ. ચીમનભાઈ પટેલે ભ્રષ્ટાચાર વિરોધી નવનિર્માણ આંદોલન ને કારણે મુખ્યપ્રધાનપદ ગુમાવેલું અને નવો પક્ષ રચેલ. આ પક્ષના ટેકાથી જનતા મોરચાની સરકાર ચાલતી હતી. કટોકટીમાં ચીમનભાઈએ ઈન્દીરાઈ કોંગ્રેસની ધમકીઓથી ડરી જઈને ટેકો પાછો ખેંચ્યો. એટલે બાબુભાઈ જશભાઈ પટેલની જનતા મોરચાની સરકાર ગબડી પડી. એટલે ગુજરાતમાં ઈન્દીરાકોંગ્રેસના વિરોધીઓને જેલમાં પૂરવાનો દોર ચાલુ થયો.

સરકાર કોને જેલમાં પૂરી શકે?

જેણે કોઇના જાનમાલને નુકશાન પહોંચાડવાનો ગુનો કર્યો હોય.

જે ઉપરોક્ત ગુનો કરવાની વૃત્તિ ધરાવે છે. પણ આ માટે પ્રથમદર્શી પૂરાવો પોલીસ પાસે હોવો જોઇએ.

કટોકટી માં બંધારણીય અધિકારો સ્થગિત થાય છે. પણ કુદરતી અધિકારો સ્થગિત થતા નથી. આ અધિકારો યુનોના માનવીય અધિકારોમાં આવે છે. જ્યાં સુધી કોઈ એક દેશ યુનો નો સભ્ય છે ત્યાં સુધી તે દેશે માનવીય અધિકારોનું રક્ષણ કરવું કરવું જોઇએ.

ધારોકે તમારી સરકારે કોઇને તેની તથાકથિત ગુનાઈત પ્રવૃત્તિના આરોપસર જેલમાં તો પૂર્યો છે. તો તમારે તે વ્યક્તિને તેના બંધારણીય હક્ક પ્રમાણે જણાવવું તો જોઇએ જ કે તેને કયા કારણથી જેલમાં પૂર્યો છે. હવે ધારોકે તમે તેના બંધારણીય હક્કો નાબુદ કર્યા છે તો તેનો અર્થ એ નથી કે તમે તેને વગર ગુનાએ કે વગર પ્રથમદર્શી પુરાવાએ પણ જેલમાં પૂરી શકો. કારણ કે જો આવું થાય તો તો જીવવાનો અધિકાર પણ નષ્ટ થાય છે.

એક જગ્યાએ કોઈની ધરપકડ થઈ. એટલે એક વકીલે કોર્ટમાં કેસ કર્યો.

વકીલે કહ્યું મારા અસીલ નો શું ગુનો છે અને તે માટે પ્રથમદર્શી પૂરાવો શું છે?

પોલીસે (સરકારી વકીલે) કહ્યું કે અત્યારે બંધારણીય અધિકારો રદ થયા છે.

ન્યાયધીશે કહ્યું; એટલે તમે શું કહેવા માગો છો?

પોલીસે (સરકારી વકીલે) કહ્યું કે બધા અધિકારો રદ થયા છે.

ન્યાયધીશે કહ્યું કે શું તમે કોઈને મારી નાખી પણ શકો?

પોલીસે (સરકારી વકીલે) કહ્યું કે હા, અમે કોઈપણ નાગરિકને મારી નાખી પણ શકીએ.

ન્યાયધીશે કહ્યું; જીવવાનો અધિકાર એ કુદરતી અધિકાર છે. એ તમે ક્યારેય છીનવી ન શકો.

પોલીસે (સરકારી વકીલે) કહ્યું કે; અમે તો તેને ફક્ત જેલમાં જ પૂર્યો છે.

ન્યાયધીશે કહ્યું; હા પણ તેને માટે પૂરાવો હોવો જરુરી છે.

પોલીસે (સરકારી વકીલે) કહ્યું કે હા આપ કહો છો તે જરુરી હોય તો પણ,  એ વાત આરોપીને બતાવવી જરુરી નથી.

ન્યાયધીશે કહ્યું કે બંધારણીય અધિકારો રદ નથી થયા. પણ સ્થગિત થયા છે. તેથી પ્રથમ દર્શી પૂરાવાઓ હોવા તો જોઇએ જ.

સરકારી વકીલે કહ્યું,; હા પણ આરોપીને બતાવવા જરુરી નથી. એટલે ન હોય તો પણ ચાલે.

ન્યાયધીશે કહ્યું; આરોપીને બતાવવા જરુરી નથી એનો અર્થ એવો નથી કે પ્રથમ દર્શી પૂરાવા ન હોય તો પણ ચાલે. તેનું અસ્તિત્વ તો હોવું જ જોઇએ. અને તે કૉર્ટને તો બતાવવા જ જોઇએ.

કૉર્ટ નક્કી કરશે કે પ્રથમદર્શી પૂરાવા યોગ્ય છે કે નહીં.

આવી તો ઘણી જ પોલીસની (સરકારની) મનમાની ની વાતો છે. ગયા વર્ષના બ્લોગને અનુસંધાનમાં વાંચો.

https://treenetram.wordpress.com/2011/07/

ધુળાભાઈ ગોત્યા ન જડે

કટોકટી દરમ્યાન ઑલ ઈન્ડીયા રેડીયો તો ઈન્દીરાઈ જાગીર હોય તેમ જ વર્તતો હતો. ઈન્દીરા ગાંધીના પૂત્રના ૪ મુદ્દાનો કાર્યક્રમ અને ઈન્દીરા ગાંધીનો ૨૦ મુદ્દાનો કાર્યક્રમ એટલે કે ૪ અને ૨૦ નો કાર્યક્રમ ૪૨૦ જેવો જ હતો. રેડીયો ઉપર આ જાહેરાત અવારનવાર આવતી; “અહા હા ધૂળાભાઈ, તમે તો કંઈ બહુ જ ખુશમાં લાગો છો?” ધુળાભાઈનો અવાજ; “તે હોઈએ જ ને! જુઓને આ ૨૦ મુદ્દાના કાર્યક્રમમાં એય અમને પાકુ ધાબા વાળું ઘર મળ્યું છે. … અને એય … અમારે તો લીલા લહેર છે…” વિગેરે વિગેરે.

પણ ધુળાભાઈ વાસ્તવમાં કોઈ ગામમાં ગોત્યા ન જડે. પણ તમે એમ કહી ન શકો. આમ જનતા ભયભીત હતી. સૌ રાજકારણ થી ડરતા હતા. સૌને એવો ડર હતો કે લોકલ ઈન્ટેલીજન્સ વાળા ક્યાંક છૂપાઈને બેઠા હશે અને આપણી વાત સાંભળી જશે તો આપણને જેલમાં ઠોકી દેશે. રાજકારણની વાતને એક અછૂત વિષય બનાવી દીધો હતો. રાજકારણે અને તેના લગતા આંદોલનોએ દેશને કેટલું બધું નુકશાન પહોંચાડ્યું તેની અખબારી મૂર્ધન્યો ચર્ચા કરતા હતા.

સરકાર વિષે પરોક્ષ રીતે પણ બોલવામાં લોકો ડરતા હતા. વિપક્ષના લોકો તો કાંતો જેલમાં હતા અથવા તો ભૂગર્ભમાં જતા રહ્યા હતા. કટાર લેખકો પોતાની કટારો બચાવવા રાજકારણના કે સમાજ શાસ્ત્રના વિષયો છોડી, ફાલતુ વિષયો ઉપર ચર્ચા કરવા માંડ્યા હતા. કોઈપણ વિષયમાં ચર્ચા થાય ત્યારે એ વાત ખાસ ધ્યાનમાં રખાતી કે સરકારની વિરુદ્ધમાં પરોક્ષ રીતે પણ કંઈ લખાઈ જતું તો નથી ને!

એક અખબારે લખ્યું “કટોકટીને એક વર્ષ પૂરું થયું” તો તેની ઉપર સરકારી પસ્તાળ પડી. સમાચાર પત્રોના તંત્રીઓ અને માલિકો ને નમવાનું કહેલ તો તેઓ ચત્તાપાટ સાષ્ટાંગ દણ્ડવત્‌ નમસ્કાર કરવા લાગ્યા. જેઓ એ આવું ન કર્યું તેના કેવા હાલ કર્યા તે માટે ઉપરોક્ત ગયા વર્ષના બ્લોગપોસ્ટ ઉપર લખ્યું છે.

કેશુભાઈ હાલ ભયભીત છે કે ઈન્દીરાઈ કટોકટી માં વધુ ભયભીત હતા તેનો ફોડ પાડશે?

“હાલ બધા ભયભીત  છે ભયભીત છે” એવી વાતો કરનાર કેશુભાઈ પટેલ છાસવારે બૂમો પાડે છે હાલ કટોકટી છે કટોકટી છે. સૌ કોઈ નિડર બનો. હવે વધુ સાંખી લેવાય તેમ નથી. વિગેરે વિગેરે  બુમબરાડા પાડે છે. અખબારો પણ તેમની વાતને અનુમોદન આપતા હોય તેમ પાર વિનાની પ્રસિદ્ધિ આપે છે.

શું કેશુભાઈ અને અખબારોના ખેરખાંઓ કંઈ કટોકટીના સમયે ભાંખોડીયા ભરતા હોય એવડા જ હતા?

કેશુભાઈ, સુરેશ મહેતા, કે જે કોઈ તેમના સાગરીતો છે તેમને તો ખબર જ હશે જ કે “વાસ્તવિક કટોકટી ૧૯૭૫-૭૬” વખતે તેમના શા હાલ હતા? તેઓ જો વાસ્તવમાં ભાંખોડીયા ભરતા હોય તો પણ ઇતિહાસની વાસ્તવિકતાથી તેઓ અજાણ રહી શકે નહીં. કેશુભાઈ અને સુરેશભાઈ તો કડે ધડે હતા. બીજા પણ જેઓ શોરબકોર કરે છે તેઓ પણ બાબાગાડી ચલાવતા ન હતા.

કેશુભાઈએ તેમના તે સમયનો હિસાબ આપવો જોઇએ અને વિસ્તારથી કહેવું જોઇએકે તે વખતે સમાચાર પત્રોનો અભિગમ શું હતો? અને હાલ કેવો છે?. તેમણે તે વખતે કેવી હિંમત બતાવેલી અને શું કર્યું હતું?

શું તેઓ તે વખતે, હાલ કરે છે તેવા ઉચ્ચારણો કરી શકતા હતા?

શું તેઓએ હાલ કરે છે તેવા સંમેલનો કરી શકતા હતા?

ના જી જરા પણ નહીં.

આનું હાજારમા ભાગનું કરવાની પણ તેમનામાં હિમત ન હતી. તે વખતે સમાચાર પત્રોમાં સરકાર વિરુદ્ધ સાચી વાત કહેવાની પણ હિંમત નહતી. તો મોદી સરકાર વિરુદ્ધ હાલના જેવી અદ્ધર અદ્ધર ગપગોળા ચલાવવાની હિંમત તો ક્યાંથી હોય?

તે વખતે તો ઈન્દીરાની સરકારના પોલીસો ગાંધીજીના ફોટાવાળા “નિર્ભય બનો”ના પોસ્ટરો પણ ફાડી નાખતી હતી. બાબુભાઇ ની સરકાર પડી પછી તો લોકો “જનતા છાપું” વાંચવાથી પણ ડરતા હતા. ભોગીભાઈ ગાંધીએ તેમની જીંદગીની કમાણી લોકોને કટોકટીમાં નિડર બનાવવા ખરચી નાખેલી. હિંમત કોને કહેવાય તે તો કેશુભાઈએ  સર્વોદયવાદીઓ પાસે થી શિખવું જોઇએ. ચૂંટણીની મોસમ આવે એટલે શોર બકોર કરવા દેડકાઓ નિકળી પડે એમ દર વખતે કેશુભાઈ અને તેમના સાથીઓ અખબારી ખભા ઉપર બેસીને નિકળી પડે છે. આ કેશુભાઈ, તેમના સાથીઓ અને અખબારોએ કટોકટીના શબ્દ ઉપર અત્યાચાર કરવો ન જોઇએ.

આપણે મૂળવાત ઉપર પાછા આવીએ.

“કટોકટી” ના સમયમાં સરકારે ફેલાવેલી અફવાઓનું જોર હતું.

“એક ફરિયાદ આવે એટલે પહેલાંતો કર્મચારીને સસ્પેન્ડ જ કરવામાં આવે છે.”

“જે ત્રણ વખત મોડો આવે તેને પણ સપ્સેન્ડ કરવામાં આવે છે.”

“જે અરજી વગર અને રજા વગર ગેરહાજર રહે તેને ડીસમીસ કરવામાં આવે છે.

“ટ્રેનો સમયસર દોડે છે.” જો ટ્રેન મોડી પડે તો ડ્રાઈવર અને ગાર્ડને સસ્પેન્ડ કરવામાં આવે છે.”

અમદાવાદના ઈન્કમટેક્સ ટ્રાફિક સર્કલ ઉપરના ચાર રસ્તા ઉપર, દરેક રસ્તા ઉપર બંને બાજુએ એક એક પોલીસ સામસામે દોરડાનો એક એક છેડો પકડી વાહન ટ્રાફિકને લાલ લાઈટ હોય ત્યારે ઝીબ્રા માર્કીંગથી આગળ વધતો રોકતા હતા. અને લીલી લાઈટ થાય ત્યારે જ જવા દેતા હતા.

આવા દૃષ્યો જોઈને આપણા એક ગુજરાતી “તડફડ”વાળા કટાર મૂર્ધન્ય લેખક અતિપ્રભાવિત થયેલ. અને કટોકટીને બિરદાવેલ કે જુઓ કટોક્ટી છે તો પોલીસો જનતાને કેવા શિસ્તમાં રાખી શકે છે.

એટલે કે અમદાવાદના ઈન્કમટેક્સ સર્કલ પાસે ટ્રાફિકનું દોરડાઓથી નિયમન કરવા માટે કટોકટી લાદવી જરુરી હતી. હવે જે દેશમાં કટારો લખતા મૂર્ધન્યોની આ કક્ષા હોય તે દેશમાં કટોકટી લાદવાની હિંમત ગાંગલી ઘાંચણ (ઘાંચી ભાઈઓ માફ કરે. આ ફક્ત મુંહાવરાનો ઉપયોગ માત્ર છે) પણ કરી શકે.

સરકાર કે સરકારમાં બેઠેલ પક્ષનો (ઈન્દીરાઈ કોંગ્રેસનો) કોઈ વ્યક્તિ અશિસ્ત કરે એ વાત કરી શકાય જ નહીં. જગજીવન રામે ખુદ કહેલું કે જો હું કટોકટી વિરુદ્ધ બોલું તો મારે માથે જાનનું જોખમ હતું. વાતો એવી ઉડતી આવતી કે યશવંતરાવ ચવાણ (શિવાજી -૨) કટોકટીની વિરુદ્ધમાં હતા. તેમનો ભય પણ જગજીવનરામ જેવો જ હતો. પણ આવી કોઈ વાતોને લગતો કોઈપણ અંદેશો આપવાની અખબારોમાં હિમત ન હતી.  કટોકટી વખતે આમ જનતાને કાને અવારનવાર અથડાતો શબ્દ હતો “ઈન્‌ડીસીપ્લીન” એટલે કે “અશિસ્ત”. ફક્ત પ્રજાની અશિસ્તને જ અશિસ્ત ગણવી એવો શિરસ્તો હતો.    

એક દાખલોઃ

કટોકટીનું પ્રથમ વર્ષ ચાલતું હતું. મુંબઈની લોકલ ટ્રેન ટર્મીનલ સ્ટેશન ઉપર આવે એટલે લોકો બારી પાસેની સીટ લેવા દોડાદોડી કરે. એક ભાઈ એ બારીમાંથી ટોપી સીટ ઉપર નાખી. પણ તેભાઈ દરવાજેથી દાખલ થઈ બારીની પોતાની ટોપીવાળી સીટ  પાસે આવે તે પહેલાં એક ભાઇ તે ટોપી હટાવીને તે સીટ ઉપર બેસી ગયા. પછી બંને વચ્ચે બોલાચાલી થઈ. ટોપી વાળા ભાઈએ બીજા ભાઈનું ગળું પકડ્યું. એટલે બીજા લોકો વચ્ચે પડ્યા. અને ટોપીવાળા ભાઇને શાંત કર્યા. અને ગળું છોડાવ્યું. જેમનું ગળું છોડાવ્યું એ ભાઇ એ પછી કહ્યું “શું અશિસ્ત આવી છે. લોકો ટોપી ફેંકીને સીટને રીઝર્વ માને છે. આવી અશિસ્ત બહુ વધી ગઈ લાગે છે. વિગેરે વિગેરે.” એટલે તૂર્ત જ બે ત્રણ ભાઈઓ બોલી ઉઠ્યા. બસ બંધ કરો. નો પોલીટીક્સ. નો પોલીટીક્સ.

પણ  એ પછી એક વર્ષે લોકોનો પ્રતિભાવ બદલાઈ ગયેલ. ક્યાંક ક્યાંક “આનાબાની દૂર કરો” અને “કટોકટી હટાવો” તેવાં લખાણો રડીખડી દિવાલો ઉપર કદિક જોવા મળતા હતાં. જનતા ને ખબર પડી હતી કે કટોક્ટીએ કોઈ ચમત્કાર કર્યો ન હતો.

બીજો દાખલોઃ

ગુજરાત એક્સપ્રેસ મુંબઈથી અમદાવાદ જઈ રહી હતી. બધા મુસાફરો ગોઠવાઈ ગયા હતા. એટલે વાતચીત નો દોર ચાલુ થયો. એક ભાઇએ વાત શરુ કરી.

એક વખત નારદમુનિ વિષ્ણુભગવાન પાસે બેઠા હતા. અને તેમણે ભગવાનને પૂચ્છ્યું કે હે ભગવાન “સત્સંગનો મહિમા શો?”

એટલે ભગવાને નારદને કહ્યું તમે ફલાણા જંગલમાં ફલાણી જગ્યાએ ફલાણા વૃક્ષ ની ફલાણી ડાળી ઉપર એક કીડો છે તેને આ સવાલ પૂછો.”

નારદ મુનિ તે જગ્યાએ ગયા તે કીડાને પૂછ્યું તો તે કીડો મરી ગયો.

નારદ મુની પાછા આવ્યા અને ફરી ભગવાનને સવાલ કર્યો. એટલે ભગવાને કહ્યું કે તમે ફલાણા ગામમાં એક ગાયને વાછરડો જન્મ્યો છે તેને આ સવાલ પૂછો.

નારદમુની ત્યાં ગયા. અને વાછરડાને સવાલ પૂછ્યો. વાછરડો મરી ગયો. નારદમુની તો ત્યાંથી ભાગ્યા. અને ભગવાન પાસે આવ્યા અને કહ્યું હે ભગવન આવું થયું . મને વાછરડો કશું કહી શક્યો નથી. તમે જ મને સત્સંગનો મહિમા કહો.  આ પ્રમાણે ભગવાને નારદને વાણીયાને થયેલા પુત્ર પાસે, પછી બ્રાહ્મણના ઘરે જન્મેલા પુત્ર પાસે અને રાજાને  ઘરે જન્મેલા કુંવર પાસે અનુક્રમે મોકલ્યા. અને દર વખતે તાજુ જન્મેલ મરી જતું અને નારદમુનિ જાન બચાવી ભાગી છૂટતા. નારદમુની ને થયું ભગવાન મારા ઉપર નારાજ છે. એટલે તેમણે કહ્યું તમારે સત્સંગનો મહિમા ન કહેવો હોય તો ન કહેશો. પણ આવી રીતે મારી મશ્કરી ન કરો. એટલે ભગવાને કહ્યું અરે તમે તો મહા મુનિ છો અને બ્રહ્મદેવના પુત્ર છો. આમ લીધેલો સવાલ પડતો મુકો એ કેમ ચાલે. જાઓ ઈન્દ્ર રાજા તમને જવાબ આપશે.

એટલે નારદ મુનિ ઇન્દ્ર રાજા પાસે ગયા. અને પૂછ્યું સત્સંગનો મહિમા શો?

ઈન્દ્ર રાજએ કહ્યું; શું નારદજી તમે મને દર વખતે એકનો એક સવાલ કરો છો.? આ તમારા સત્સંગથી તો હું કીટકમાંથી ક્રમે ક્રમે ઈન્દ્ર થયો. એજ તો સત્સંગનો મહિમા છે.

એટલે નારદજી વિષ્ણુ ભગવાન પાસે ગયા અને પૂછ્યું ભગવાન સત્સંગનો મહિમા તો હું સમજ્યો. પણ હવે તમે મને “કુસંગ નો મહિમા કહો”

એટલે ભગવાને કહ્યું જુઓ નારદજી અત્યારે ભારતમાં સ્વાતંત્ર્યની ચળવળ ચાલે છે. તમે ત્યાં જાઓ આટલા માણસોના શા હાલ છે તે જાણી લાવો.

નારદજી ભારતમાં આવ્યા અને તપાસ કરિ તો નીચે પ્રમાણે પ્રતિભાવો મળ્યા.

ઢેબરભાઈઃ અરે એતો મહાન સંત પુરુષ છે.

જગજીવન રામઃ અરે એતો અંગ્રેજોની ગોળીથી પણ ડરતા નથી.

યશવંતરાવ ચવાણઃ અરે એતો મોરારજી દેસાઈ ના ખાસ વિશ્વાસુ છે. અને જુઓ શિવાજી-૨ તરીકે ઓળખાશે.

વિનોબા ભાવે; અરે એતો ગાંધી બાપુના માનીતા અને પ્રથમ સત્યાગ્રહી છે.

નારદજીએ આ રીપોર્ટ લીધો અને ભગવાન પાસે આવી ગયા. પછી ભગવાને કહ્યું હવે નારદજી અત્યારે ભારતમાં તમે જશો ત્યાં ૧૯૭૫-૭૫ ચાલે છે. હવે આ માણસોનો પત્તો લગાવો.

નારદ મૂની ભારતમાં આવ્યા અને એક જણ ને પૂછ્યું કે ઢેબરભાઇ ક્યાં છે? જવાબ મળ્યો. કોણ ઢેબર. મને ઢેબરાં નથી ભાવતાં.

નારદમૂનીએ બીજાને પૂછ્યું જગજીવનરામ ક્યાં છે? જવાબ મળ્યો. કોણ પેલો જગ્ગુ. જે ઈન્દીરા ગાંધીના ઈશારાથી પણ ડરે છે? છી…

નારદમૂનીએ ત્રીજાને પૂછ્યું યશવંત રાવ ક્યાં છે? જવાબ મળ્યો કોણ પેલો જે પોતાને શિવાજી-૨ તરિકે ઓળખાવતો હતો અને કહેતો હતો કે ચીનાઓને પાછા હટાવી દઈશું. અને આજે એક બૈરીથી ડરીને મૂંગો થઈ ગયો છે તે? છી…

નારદમૂનીએ ચોથાને  પૂછ્યું  વિનોબા ક્યાં છે? જવાબ મળ્યો કોણ પેલો સરકારી સંત. છી…

આમ નારદ મુનિને કુસંગનો મહિમા સમજાયો. કે કુસંગ કરવાથી મહાન વ્યક્તિ પણ બદનામ થઈ જાય છે.

અને આ વાત સાંભળી મુસાફરો ખૂબ આનંદ પામ્યા. વિલંબિત કટોકટીના સમયનો આ પ્રભાવ હતો.

લોકશાહીના મૂળીયાં ભારતમાં ઊંડા છે.

આ ભારત દેશ છે જેના લોકશાહીના વૃક્ષના મૂળીયાં હજારો વર્ષ જુના છે. મહાત્મા ગાંધીએ તે મરતાં મૂળીયાના વૃક્ષને નવપલ્લવિત કર્યાં છે.  જે તાનાશાહીને દૂર કરવામાં ફ્રાન્સ જેવા દેશને ૧૮ વર્ષ લાગેલ તેનાથી વધુ ઉગ્ર અને બેફામ ઈન્દીરાઈ તાનાશાહીને ભારતની પ્રજાએ ૧૮ માસમાં ફગાવી દીધેલ.

ગુજરાતના નવનિર્માણ આંદોલન એટલે કે ૧૯૭૩થી ૧૯૭૫ અને તે પછી કટોકટી દરમ્યાન, અને ખાસ કરીને ગુજરાતમાં, ઈન્દીરા ગાંધીના અનુયાયીઓએ વર્ગ વિગ્રહ એટલે કે સવર્ણ અને અસવર્ણના ભેદ બહુ ઉત્પન્ન કરી દીધેલા. અસવર્ણોને કહેવામાં આવતું કે આ નવનિર્માણ તો ખાધે પીધે સુખી લોકોનું આંદોલન છે. તેમાં નુકશાન તો જુઓ તમને જ થશે. તેવી રીતે કટોકટી વિષે પણ એવો જ પ્રચાર થતો કે આ કટોકટી તો તો સવર્ણો ઉપર થોડાંક વર્ષોથી જ છે. પણ હે પછાત વર્ગના દલિત લોકો, તમને તો આ લોકોએ હજારો વર્ષથી કટોકટીથી પણ બદતર હાલતમાં રાખ્યા છે. હવે જુઓ આપણી ઈન્દીરા માઈ તેમને કેવા પાઠ ભણાવી રહી છે.

અને એટલે જ કટોકટી ઉઠી ગયા પછી જે લોકસભાની ચૂંટણી થઈ તેમાં ઉત્તરભારતમાં બધી જ બેઠકો ગુમાવનાર ઈન્દીરાઇ કોંગ્રેસ પક્ષ ગુજરાતમાં ૨૪માંથી આઠ બેઠકો ઉપર જીતી ગયેલ.

કટોકટી દરમ્યાન મોટો ઘાટો ગુજરાતને એ પડ્યો કે ગુજરાતના સન્માનનીય ભૂતપૂર્વ મુખ્ય મંત્રી હિતેન્દ્ર દેસાઇ પક્ષ પલટો કરી ઈન્દીરા કોંગ્રેસમાં ભળી ગયેલા. (જોકે તેમણે કેશુભાઈ જેવી કોઈ ભાડણ લીલા કરી નહતી). ઈન્દીરાગાંધી અને તેમની કહેવાતી ચંડાળ ચોકડી ખુદ પોતાની બેઠક પર ચૂંટણીમાં ગંજાવર મતોથી હારી ગયેલ.

આ કટોકટી ભૂતકાળ થઈ ગઈ છે. તેને શા માટે યાદ કરવી?

આ વાત કરવા જેવી છે. અને સદાકાળ યાદ રાખવા જેવી છે. કારણકે આ નહેરુવીયન કોંગ્રેસીઓ પોતે જોડી કાઢેલી વિવાદાસ્પદ વાતો પણ ચગાવે છે. ૧૯૪૨ની ચળવળમાં કોઈ બીજો બાજપાઈ માફી પત્ર આપીને જેલમાંથી પેરોલ પર આવેલ. અટલ બિહારી બાજપાઈએ આ વાતનું સ્પષ્ટિકરણ કરેલ કે ભાઈ એ હું ન હતો. તો પણ ૧૯૯૯ માં કોંગીઓએ આ વાત ચગાવેલ.

મોરારજી દેસાઈ જ્યારે વડાપ્રધાનની સ્પર્ધામાં હતા ત્યારે તેમના પુત્રના નામે અનેક અફવાઓ ફેલાવવામાં આવતી. મોરારજી દેસાઈને ખોટી રીતે  બદનામ કરવામાં આવતા હતા. મોરારજી કાપડની મીલ ના માલિક મોરારજી દેસાઈ છે તેવી વાત ગરિબોમાં ફેલાવાતી હતી. વીપી સીંઘ ને તેમનું સેન્ટ કીટમાં (વિદેશમાં) ગેરકાયદેસર ખાતું છે. તેવી અફવા ફેલાવેલી. નરેન્દ્ર મોદી એ સાબરમતી એક્સપ્રેસનો ડબ્બો સળગાવેલ અને તોફાનો કરાવેલ તેવી અફવા આજે પણ કોંગ્રેસીઓ અને તેમના દંભી સાગરીતો ફેલાવે છે. મોદીનો ૨૦૦૨ ની વાતથી કેડો મુકતા નથી. કારણ કે મતોનું રાજકારણ અને લોકોમાં વિભાજન કરવામાં જ તેમની સત્તાનો રોટલો શેકાય છે.

આરએસએસના એક સભ્યે ગાંધીજીનું ખુન કર્યું. ગાંધીજીને મારી નાખવા એવો આરએસએસનો કોઈ પ્રસ્તાવ ન હતો કે ન કોઈ યોજના હતી. તો પણ આરએસએસને ગોડસેને કારણે બદનામ કરવામાં આવે છે. હવે જો આ તર્ક આગળ ચલાવીએ કે ન ચલાવીએ તો પણ નહેરુવીયન કોંગ્રેસના વડાપ્રધાન સહિતના ઉચ્ચ હોદ્દેદારો તો દુનિયાના ઈતિહાસમાં થયેલા બધા જ ગુના કરી ચૂક્યા છે. તો આ કટોકટીની સાચી વાત કેમ ભૂલાય?

નહેરુવીયન કોંગ્રેસનો વિતંડાવાદ જુઓ

ઈન્દીરા ગાંધીની ૧૯૭૦ની ચૂંટણી રદબાતલ થઈ. એટલે એ સંસદ સદસ્ય મટી ગયાં. વળી તે ચૂંટણી માટે ૬ વર્ષ માટે ગેર લાયક ઠર્યાં. હવે કાયદેસર એવી જોગવાઈ છે કે વડાપ્રધાન સંસદનો સભ્ય હોવો જોઇએ. જો નહોય તો તેણે ૬ માસમાં સંસદ સભ્ય તરીકે ચૂંટાઈ આવવું જોઇએ. પણ જે  વ્યક્તિ ચૂંટણી માટે ૬ વર્ષ સુધી ગેરલાયક હોય તે વ્યક્તિ એક ક્ષણ માટે પણ કેવી રીતે વડાપ્રધાન પદ પર ચાલુ રહી શકે? છતાં ઈન્દીરા ગાંધી ધરાર વડાપ્રધાન પદે રહ્યાં. આથી વધુ સત્તાની ભાખાવળ વાત કઈ હોઈ શકે?

શાહ કમીશન

૧૯૭૭માં શાહ કમીશન નિમાયું અને કટોકટીના કાળમાં થયેલા ગુનાઓની તપાસ થઈ. પણ જે ઈન્દીરાને શૂરવીર ગણવામાં તેના ભક્તો પોતાની જીભનો કુચો કરે છે તે ઈન્દીરા ગાંધી પાસે એટલી હિંમત ન હતી કે તે શાહ કમીશન પાસે આવી ને પોતાનો કેસ રજુ કરે.

આ હિસાબે નરેન્દ્ર મોદી ભડવીર છે, જે તેને જ્યારે બોલાવવામાં આવે ત્યારે સરકારી સત્તાઓ પાસે હાજર થાય છે.

જે ગુનેગાર ન હોય તે શેનો ડરે? જે ગુનેગાર હોય તે જ ડરે.

જો મોદીના બનાવટી ગુનાઓ નહેરુવીયન કોંગ્રેસ અને તેના મળતીયાઓ ચગાવવામાં માનતા હોય તો ઈન્દીરા ગાંધી અને તેના ફરજંદોના તથા મળતીયાઓના રેકોર્ડ થયેલા ગુનાઓ કેવીરીતે ભૂલી શકાય?

સુબ્રહ્મણીયમ સ્વામીએ દેશને આકરી લાગે તેવું, દેશનું નીચાજોણું થાય તેવું અને સુજ્ઞ જનોને પણ આઘાતજનક લાગે તેવું નહેરુવીયન કોંગ્રેસના કાળા કરતૂતોને લગતું નીવેદન કર્યું છે.

આ  વાત નહેરુવીયન કોંગ્રેસમાં ચલાવવામાં આવતા શરમજનક રીતે,  ચકાસ્યા તપાસ્યા વગર અને ઉઘાડેછોગ થતા કાળા નાણાં ની હેરફેર ને લગતું છે. પ્રણવ મુખર્જી આ કામ ફીરંગી મેડમને માટે કરી રહ્યા છે.

કયા હીરો નહેરુવીયન કોંગ્રેસના આ કામના એજન્ટ છે?  હસન અલી છે.

હસન અલીને જામીન અપાવવા કાર્યકારી નિર્દેશકનું લુચ્ચાઈ ભર્યું વલણ  નાણાપ્રધાન મુખર્જીની આજ્ઞા અનુસાર હતું. પ્રણવ મુખર્જી, મેડમનો નાણાંવ્યવહાર  અને હવાલા દ્વારા હેરફેર ઘણા લાંબા સમયથી સંભાળે છે. હસન અલી આ નાણાંવ્યવહારની પાઈપલાઈન  છે. સુબ્રહ્મનીયન સ્વામીએ તો પ્રણવ મુખર્જીના રાજીનામાની માગણી કરી છે. એહમદ પટેલ, સોનીયા ગાંધી, પ્રણવ મુખર્જી અને હસન અલી, આ સૌની જુગલબંધીની વાત બીજી કોઈવાર કરીશું.  હાલ તો કટોકટીને સમયે અનેકોમાંના એક એવા પ્રણવમુખર્જીએ શું કર્યું હતું તેનો અનેકોમાંનો એક નાનો દાખાલો જોઇએ.

કટોકટી દરમ્યાન  શ્રી પ્રણવ મુખર્જી ડરપોક ડીરેક્ટર ઈન્દીરા અને સંજય ગાંધીના કહ્યાગરા કિંકર(ઑર્ડર્લી) હતા. ખાસ કરીને સંજય ગાંધીના ગોલ્ડન ચમચ  હતા. કટોકટીના સમયમાં સંજય ગાંધી ગેરકાયદેસર રીતે બેતાજ બાદશાહ હતા. વહીવટદારો થકી કામપારપાડવામાટે નવીન ચાવલા અને પ્રણવમુખર્જી એ મધ્યસ્થી હતા.  આ લોકોએ ઈન્દીરા ગાંધી અને સંજય ગાંધીની મૌખિક આજ્ઞાઓ થકી અનેક નિર્દોષ અને નિષ્કપટ અને નિરુપદ્રવી સ્ત્રી – પુરુષોને તિહાર જેલ ભેગા કરેલ. અને જેલમાં તેમને ત્રાસ આપેલો.  

આમ તો પ્રણવ મુખર્જી કાયદેસરના રેવન્યુ અને ખર્ચ  ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન  હતા. અને તેમણે કાયદેસરની પ્રણાલીઓનો અને નિયમોનો છડે ચોક  બેજવાબદારીપૂર્વક ભંગ કરતા રહેવાનો અભિગમ દાખવેલો. આવાં કરતૂતો ખરેખર ફોજદારી ગુન્હા હેઠળ આવે છે. જેમાનું એક એ હતું કે વરદાચારીને  નેશનલાઈઝ્ડ બેંકોના મેનેજીંગ  ડાઇરેક્ટર અને ચેરમેન  નીમેલા. આ કામ ખરેખર તો રીઝર્વબેંક ની અનુમતિથી થવું જોઇએ. પણ રીઝર્વબેંકને શોર્ટ સરકીટ કરેલી.  આ બધું  ઈન્દીરા ગાંધી, સંજય ગાંધી અને પ્રણવમુખર્જીના સમીકરણના ભાગરુપે હતું.  તત્કાલિન નાણાં પ્રધાન સી. સુબ્રહ્મનીયમને અળગા કરી દીધેલ.

કટોકટીના સમયમાં આમ તો વિભાગોપૂર્વકની જવાબદારી એવું કશું નહતું. પ્રણવ મુખર્જીએ જયપુરના મહારાણી ગાયત્રીદેવી અને ગ્વાલીયરના રાજમાતા  વિજયરાજે સિંધીયાને તિહાર જેલ ભેગા કરાવેલ. ઈન્દીરા ગાંધીએ તેનો શિરપાવ તેમને ૧૯૮૨માં નાણાંમંત્રી બનાવીને આપેલ.

શાહ તપાસ પંચે ઘણાજ સરકાર દ્વારા થયેલા ગુન્હાઈત કાર્યોની નોંધ કરી છે. ઈન્દીરા ગાંધીની બાહ્ય અને આંતરિક બન્ને કટોકટી ના કાળમાં રાજ્યદ્વારા (સરકારના હોદ્દેદરો, પ્રધાન મંત્રી , મંત્રી સહિત દ્વારા થયેલા) ગુન્હાઈત, કાયદાભંગના દસ્તાવેજો નું ઉત્ખનન એક પૂર્વ સંસદ સદસ્ય કરી રહ્યા છે.  જેમના પુસ્તકનું નામ છે. “શાહ કમીશન  રીપોર્ટ (ખોવાયો અને પુનઃપ્રાપ્ત થયો)”

ગાયત્રી દેવી અને વિજયારાજેની ધરપકડ અને જેલવાસ ગેરકાયદેસર હતો. તિહાર જેલની કંડીશન નિયમ પ્રમાણે ન હતી અને બદતમ હતી. તેમને સિદ્ધ-દોષિત કક્ષાના કેદીઓને જ્યાં રખાય હે તે” ફાંસી કોઠી સેલ”ની પાસે રાખવામાં આવેલ. ગાયત્રી દેવીને બ્લડપ્રેસર રહેતું હતું. પણ સરકાર ને તેની નોંધ લેવાની દરકાર ન હતી. ગાયત્રી દેવીએ ૧૦ કીલો વજન ગુમાવેલ. કર્નલ ભાવાની સિંગના પણ આજ હાલ હતા. આ બધી બાબતમાં જેલ સુપરીન્ટેન્ડન્ટે નિવેદન રેકોર્ડ કરાવ્યું છે. 

પ્રણવ મુખર્જીએ લખ્યું છે નોટ ઉપર લખ્યું હતું કે પેરોલ પર છોડવા પણ વડાપ્રધાનની મંજુરી લેવી. પણ પછી ની નોંધો ઉપર ચેકચાક અને ઓવર રાઈટીંગ અને વ્હાઈટનર સ્ટીક લગાવીને લખેલું ગરબડ વાળું છે. શાહ કમીશને આ બધાની ગંભીર નોંધ લીધેલી છે અને આકરી ટીકા અને ગુન્હાઈત ગણી છે. પ્રણવ મુખર્જીને સંપૂર્ણ બેજવાબદાર અને ગુન્હાઈત ગણ્યા હે.

દુનિયામાં આતતાઈઓએ જે કંઈ ગુનાઓ કરેલા હતા તે બધા જ ગુનાઓ કટોકટી દરમ્યાન ઈન્દીરા ગાંધીની અને તેના મળતીયાઓની મૌખિક આજ્ઞાઓથી થયેલા છે.

જ્યાં સુધી નહેરુવંશના પુતળાઓ, તેમના નામની સરકારી યોજનાઓ, રસ્તાઓ, પુલો, બાગ બગીચાઓ અને ભવનો રહેશે અને જ્યાં સુધી તેમના હૈયાફુટ્યા ભક્તો તેમના પોસ્ટરો લઈને  તેમના પ્રતિ અહોભાવ પ્રગટ કરતા રહેશે ત્યાં સુધી કટોકટી ના કાળા કરતૂતો પણ ચર્ચાતા રહેવા જોઇએ.

વૉટનું રાજકારણ શા માટે રમાય છે. શું સત્તા એ ખેરાતનું અને કમાણીનું સાધન છે? સત્તા તો વાસ્તવમાં સામાજીક ન્યાયનું સાધન છે.  નહેરુવંશીઓએ તેને વોટનું રાજકારણ રમીને ભેદભાવ, અન્યાય અને અરાજકતાને ઉત્તેજન આપ્યું છે. કટોકટી અને સેન્સરશીપ એક અંધાકાર પટ હતો. જેથી સરકાર પોતે અફવાઓ ફેલાવીને ગરીબોને ભ્રમમાં રાખતી હતી. અને ગેરમાર્ગે દરોડા પાડી પૈસા એકઠા કરતી હતી. જો સરકાર પ્રજાના હિત માટે હોય તો કટોકટી કે સેન્સરશીપ નો અંધકાર ફેલાવવાની શી જરુર હતી.? જનતાને અંધકારમાં રાખવી એ પણ એક વોટનું રાજકારણ છે. સામ્યવાદીઓને એટલા માટે પારદર્શિતા પસંદ હોતી નથી. આપખુદી અને સામ્યવાદમાં આ વાત સમાન છે જેમાં રાજ્ય પોતાના દુરાચરો અને નિસ્ફળતાને ઢાંકી શકે છે.

આ લોકો કરતાં નરેન્દ્ર મોદી લાખ ગણો સારો છે. છાપાંવાળા અને ચેનલો વાળા નરેન્દ્ર મોદી વિરુદ્ધ બેફામ લખે છે તો પણ તે વ્યાપક રીતે ચૂંટણીઓ જીતે છે. જનતા સબકુછ જાનતી હૈ.

૨૫ જુન ૧૯૭૫ મધ્યરાત્રીએ કટોકટી લાદવામાં આવેલી. આપણા પીળા સમાચાર માધ્યમો કદાચ તેને યાદ પણ નહીં કરે. કેટલાક પોતે તટસ્થ છે તે બતાવવાની ઘેલાછામાં વ્યંઢ રીતે તેનો ઉલ્લેખ કરશે. અને સાથે સાથે પરોક્ષ રીતે આડું અવળું પીષ્ટપેષણ કરી શબ્દોની રમત વડે બીજેપી કે નરેન્દ્ર મોદીને એક બે ગોદા પણ મારી લેશે. તેમને માટે ખુદનું અસ્તિત્વ મુખ્ય વસ્તુ છે, નહીં કે જનતા.

ઈન્દીરાઈ વહીવટે કરી પાયમાલી

ઈન્દીરાઈ વહીવટે કરી પાયમાલી

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ કટોકટી, ઈન્દીરા, નિસ્ફળતા, સરકારી, અફવા, વોટ, નરેન્દ્ર મોદી, કેશુભાઈ, બાબા ગાડી, નીચા નમો, સાષ્ટાંગ દંડવત, સેન્સર, અંધકાર યુગ, અદાલત

Read Full Post »

તેઓ શા માટે ગંધાઈ ઉઠે છે?

સંસ્કૃતમાં એક મુહાવરું છે કે સત્યં બ્રૂયાત્‌ પ્રિયં બ્રૂયાત્‌ ન બ્રૂયાત્‌ સત્યં અપ્રિયમ્‌ એટલે કે સાચું બોલવું જોઇએ પ્રિય બોલવું જોઇએ, સત્યને અપ્રિય લાગે તેવી રીતે બોલવું ન જોઇએ.

તેની સાથે મેળમાં બેસે એવું ગુજરાતીમાં છે, “અંધાને અંધો કહે, કડવું લાગે વે, હળવે રહીને પૂછીએ શાથી ખોયા નેણ. એટલે કે “એય, આંધળા, તૂં આંધળો કેમ કરતાં થયો?” એવીરીતે પૂછવાને બદલે જો એમ કહીએ કે અરે ભાઈ, તમે કેમ કરતાં આંખો ગુમાવી?” તો આંધળા ભાઈને ખોટું ન લાગે.

પણ હવે આ આંધળા ભાઈના પિતાશ્રીને કે માતુશ્રીને પૂછીએ કે “આપના ચિરંજીવીની આંખો કેમ કરતાં ગઈ? શું વિટામીન ની ખામી હતી, કે જન્મજાત ખોડ છે?”

તો પણ આંધળા ભાઈને ખોટું લાગે તો શું? અને તમને બટકું ભરી લે તો શું? તમે તો તેમને કંઈ પણ કહ્યું નથી. છતાં પણ તે તમને કહે કે “તું તારી આંખ સંભાળ. મારી વાત ન કર…”

કાઠીયાવાડીમાં આવી રીતે વર્તનારને “ગંધાઈ ઉઠ્યો” એમ કહેવાય છે.

હા જી, આપણા નરેન્દ્ર મોદીશ્રી એ કહ્યું કે આપણે ગુજરાતના રાજકારણમાં “જ્ઞાતિવાદ કે ધર્મનું રાજકારણ ખેલનારાઓને સફળ થવા દેવા નથી. જ્ઞાતિવાદ અને ધર્મના રાજકારણે યુ.પી. અને બિહારના કેવા બેહાલ કર્યા છે તે આપણે જોયા છે. આપણે અહીં યુપી બિહાર કરવા નથી.”

જ્ઞાતિવાદ અને યુપી-બિહાર

યુપી અને બિહાર માં જ્ઞાતિવાદનું જોર કેટલું છે તે તો તમે ત્યાંની કોઈપણ વ્યક્તિને પૂછો તો તમને કહેશે કે ત્યાં સામાન્ય સંજોગોમાં ૯૫ ટકા વોટીંગ જ્ઞાતિ આધારિત જ હોય છે. આ વાતને નકારવી એટલે દિવસને રાત કહેવા જેવું જ થશે.

યુપી-બિહારમાં ઠાકુર, પંડિત અને લાલા ની લાંબા ગાળા સુધી બોલબાલા હતી. જવાહરલાલ પંડિત હતા. કમલાપતિ ત્રીપાઠી એટલે પંડિત. તે જવાહરલાલની સીન્ડીકેટના નેતા હતા. પણ ઈન્દીરા ગાંધીએ ગરજ પતી એટલે તેમને હાંસીયામાં મૂક્યા. વીપી સિંહ ઠાકુર. તે ચમકી ગયા. યુપી ના ઠાકુરો, આમ તો  બ્રાહ્મણોનું સામાન્ય રીતે માન રાખે છે. લાલાઓ (વાણીયાઓ) પણ બ્રાહ્મણોનું માન રાખે. માયાવતી અને કાંશીરામે દલિતોનો ચોકો જુદો કર્યો. તિલક, તરાજુ ઔર તલ્વાર ઉસકો મારો જુતે ચાર ના સૂત્ર ઉપર દલિતોને એકઠા કર્યા. પણ તેને લાગ્યું કે ઉચ્ચવર્ણની સહાય વગર રાજગાદી નહીં મેળવાય, એટલે ૨૦૦૭માં ઠાકુર અને બ્રાહ્મણોને સાથમાં લીધા. તેમને ટીકીટો આપી. “યહ હાથી નહીં ગણેશ હૈ” કહીને સત્તા ઉપર આવ્યા.

યાદવો દહીં દુધીયા.

તેઓ આમ તો શ્રી કૃષ્ણના વંશજ છે, તો પણ પછાતમાં ગણાય છે. પણ દલિત વળી જુદા હોય છે. છઠ્ઠું પરિબળ મુસ્લિમોનું.

કોઈ પણ ઉમેદવાર, આ છ જાતિઓના નેતાઓને કેટલા લપેટમાં લે છે તેના ઉપર તેના જીતવાના ચાન્સ રહે છે. આ માટે તમારા પક્ષનું માળખું વ્યવસ્થિત હોવું જોઈએ. પૈસા તો ખરા જ. કારણકે જ્ઞાતિના આગેવાનો પૈસા થી જ ખરીદી શકાય. તેમને ઠેકા (વર્ક કોંટ્રાક્ટ) આપવા પડે. યુપી બિહારમાં સરકારી અને બીન સરકારી ટેન્ડરો ગુજરાતની જેમ સીધી રીતે ખુલતાં નથી. ફિલમોમાં બતાવે છે તેવું ત્યાં સાચે સાચ બને પણ છે. મિત્રો અને જ્ઞાતિજનોને તમે તમારા અફસરીપદની રુએ ખટવી શકો તો તે સ્વાભાવિક કહેવાય, અને અયોગ્ય હોય તોપણ ખટવો તો તે તમારી આવડત કહેવાય. પણ આ બધું સ્થાનિક નેતાની સાથે મસલતો કર્યા પછી જ કરી શકાય. સ્થાનિક નેતાને અને ક્યારેક નેતાઓને ખુશ કરીને અને બાંધછોડ કરીને તમારે જેને લાભ અપાવવો હોય તેને અપાવી શકો. આ સ્થાનિક નેતા જ્ઞાતિ આધારિત હોય છે. બુથકેપ્ચરીંગ ઈન્દીરા-રાજીવના સમય સુધી બહુ સામાન્ય વાત હતી. આ બુથ કેપ્ચરીંગ જ્ઞાતિ આધારિત નેતાઓ દ્વારા જ થતું.

જો લતિફ, અમદાવાદમાં અનેક સીટ ઉપર ઉભો રહી બધી જ સીટો ઉપર જીતી શકે તો સમજી લો કે યુપી બિહારમાં કસ્બે કસ્બે લતિફો છે. યુપી-બિહારના જ્ઞાતિવાદ વિષે લખવું હોય તો દળદાર એવા અનેક પુસ્તકો લખી શકાય.

યુપી બિહારમાં સપરમા દિવસે નૃત્યો યોજાય તે સામાન્ય છે. આવા એક નૃત્ય માં એક નૃત્યાંગના સામે એક ઠાકુર લતિફે ૫૦ રુપીયા ફેંક્યા. અને એક જુદા ગીતની ફરમાઈશ કરી. તે ગીત અર્ધું થયું ત્યાં એક દલિત લતિફે ૧૦૦ રુપીયા ફેક્યા અને બીજા ગીતની ફરમાઈશ કરી. એટલે ઠાકુર લતિફે ૫૦૦ રુપીયા ફેંક્યા અને પોતાનું ગીત આગળ ચલાવ્યું. તો દલિત લતિફે ૧૦૦૦ રુપીયા ફેંક્યા. એટલે ઠાકુર લતિફે ધડ ધડ ધડ દઈને ગોળીઓ છોડી અને દલિત લતિફના રામરમાડી દીધા. વાત પૂરી.

લગ્નપ્રસંગે યુપી બિહારમાં બંદૂકોમાંથી ગોળીઓ છોડવી અને તેની રમઝટ પણ બોલાવવી એ આપણે ગુજરાતમાં લગ્નપ્રસંગે ફટાકડા ફોડવા બરાબર છે. ફટાકડાની જેમ ગણત્રી નથી તેમ ત્યાં બંદૂકની ગોળીઓની ગણત્રી કોઈ કરતું નથી.  

જો તમને કસ્બાઓમાં રહેતા કોઈ ભૈયાજી મળી જાય તો આવા દરેક પાસે આવી વાતોનો અખૂટ ખજાનો હોય છે. કાયદો તેમના નેતાને ન અડી શકે તેનો તેમને ગર્વ હોય છે.

આપણે તો અહીં મુખ્ય મંત્રી એવા મોદીકાકાની વિરુદ્ધ ફેલાવવામાં આવેલા તેમના વિવાદાસ્પદ ઉચ્ચારણોના કારણે ઘણા અખબારી મૂર્ધન્યો શરમથી બેવડા વળી જાય છે.

અમને તો જ્ઞાતિવાદી વોટબેંક જ ખપેઃ

નરેન્દ્ર મોદી શા માટે યુપી બિહાર ન જાય? આવો આગ્રહ કોણે રાખ્યો? જે લોકોને જ્ઞાતિવાદી અને જાતિવાદી મતોનું રાજકારણ કરવું હતું તેવા નિતીશકુમાર અને શરદ યાદવ ને જ વાંધો હતો. યુપીમાં બીજેપી શા માટે ફેલ ગયો? સંજય જોષી કેમ ત્યાં ફેલ ગયા? જો તેમણે વિકાસની રાજનીતિ ચલાવવી હોત તો તેમણે નરેન્દ્ર મોદીના ગુજરાતના વખાણ કરવા પડત. કારણ કે વિકાસની રાજનીતિના સમર્થનમાં દાખલો તો આપવો જ પડે ને. પણ મોદીની પરોક્ષ પણ પ્રશંસા થાય તે તો તેમને પરવડે નહીં. એટલે જ્ઞાતિનું અને જાતિનું જ રાજકારણ કરવું પડે. અને તે માટે સંગઠન બનાવવું પડે. જો તમે સંગઠન વગર પૈસા વેરો, તો રુપીયે રુપીયો પહેલા પગથીયે જ ખવાઈ જાય. સંગઠન રાતોરાત ઉભું થતું નથી. તેના માટે વર્ષો જોઇએ. પૈસા તો નહેરુવીયન કોંગ્રેસ પાસે પણ ક્યાં ઓછા છે!

અયોગ્ય વ્યક્તિ અને બીનકાર્યક્ષમતા એ અનીતિમત્તાનું બીજ

સરકારી હોદ્દો અને ધારાસભ્યનો હોદ્દો કે લોકપ્રતિનિધિત્વનો કોઈપણ હોદ્દો કે તેમના દ્વારા અપાયેલો કોઈપણ હોદ્દો એ પૈસા બનાવવાનું યંત્ર માત્ર છે. આવું તમે યુપી-બિહારમાં ન માનો તો તમે નિરર્થક છો.

આવા યુપી-બિહાર-ઓરિસ્સા ના નેતાઓ યુપી-બિહાર-ઓરિસ્સાનો ઉદ્ધાર કેવી રીતે કરી શકે? રાજસ્થાન, પંજાબ, એમપી, હરીયાણાના પણ લગભગ યુપી-બિહાર-ઓરિસ્સા જેવા જ હાલ છે. પણ પંજાબમાં નહેરોની સગવડ સારી હોવાને લીધે મૂળ પંજાબના મજુરો બીજા રાજ્યોમાં મજુરી માટે ભટકતા જોવા મળતા નથી. રાજસ્થાન, એમ.પી, અને યુપી-બિહાર-ઓરિસ્સા ની જનતાએ રોજી માટે ગુજરાત, મહારાષ્ટ્રમાં આવવું પડે છે.

અન્યાય અને અસંતોષ અને કાર્યદક્ષતાનો અભાવ

જ્યાં જ્ઞાતિવાદી અને જાતિવાદી રાજકારણ હોય ત્યાં વિકાસ ન થાય અથવા ધીમો જ થાય. કેટલાક બીનગુજરાતી, કોંગી અથવા ધર્મનિરપેક્ષીઓ અને અથવા બની બેઠેલા માનવતાવાદીઓ કહેતા હોય છે કે ગુજરાતનો વિકાસ એ એક પ્રચારનો ફુગ્ગો છે, વાસ્તવમાં ગુજરાતનો વિકાસની બાબતમાં પાંચમો નંબર પણ નથી. બિહાર, યુપી, ઓરીસ્સા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ ગુજરાતથી ક્યાંય આગળ છે. પણ આપણે જોઈએ છીએ કે ગુજરાતના મજુરો આપણને બિહાર, ઓરીસ્સા, બંગાળ, યુપી એમ.પી કે ક્યાંય મળતા નથી. ગુજરાતમાં આ બધા જ રાજ્યોના માણસો આપણને ભરપૂર માત્રામાં મળે છે. તેમનું પ્રમાણ પણ ઉત્તરોત્તર વધતું જાય છે.

બિહાર અને યુપીની બેકારી તેના રાજકારણમાં રહેલી જ્ઞાતિવાદ ઉપર આધારિત વૉટબેંકની રાજનીતિ છે. તમે જન્મ આધારિત જ્ઞાતિપ્રથાનો માપદંડ રાખો એટલે કે બીજી જ્ઞાતિનો જે વધુ યોગ્યતા વાળો છે તેનો હક્ક ડૂબાડો છો. એટલે બને છે એવું કે જે યોગ્ય વક્તિ હતો તેને અન્યાય થયો એવું લાગે છે. આ વ્યક્તિનો સામાજીક ન્યાયપ્રણાલી ઉપરથી વિશ્વાસ ઉઠી જાય છે. તેનો નૈતિકતા ઉપરથી પણ વિશ્વાસ ડગમગી જાય છે. તમે તમારા રાજકીય સ્વાર્થ માટે અનૈતિકતાને વિકસાવો છે. અને પોતાની જ્ઞાતિના પણ પ્રમાણે કરીને અયોગ્ય, એવા માણસને કામ સોંપો છો. આથી  કામની નિપુણતામાં કમી તો આવવાની જ.

ક્રમશઃ આરીતે નીતિ અને નિપુણતામાં ઓટ આવે છે. હવે જે લોકોની નિમણૂંક કરી અને તેની ઉપર જે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ નિરીક્ષણ કરવાનું હોય છે તેમની દ્રષ્ટિ પણ જ્ઞાતિવાદ ઉપર આધારિત હોય એટલે રાજધર્મ અને કારભારમાં વિનિપાત થાય જ. આવું થાય એટલે સૌ પોતાના ગજવાં ભરે. “જીવો અને જીવવા દો” એટલે કે “લૂંટો અને લૂંટવા દો” નું સૂત્રનો જ અમલ થાય.

જ્ઞાતિપ્રથા અર્થહીન છે

વાસ્તવમાં જ્ઞાતિ પ્રથા એક વાડો છે. જેમ ધાર્મિક સંપ્રદાયો એક વાડો છે તેમ અલગ અલગ જ્ઞાતિ ને આધારે સંગઠન કરવું એ પણ વાડા બનાવ્યા બરાબર જ છે.

જ્ઞાતિ પ્રથાને સનાતન ધર્મનું અનુમોદન નથી.

સનાતન ધર્મ શું કહે છે?

સનાતન ધર્મ માં તો વેદ કહે તે સત્ય. અને ઉપનિષદનો સાર એટલે ગીતા કહે તે સત્ય.

ગીતા જ્ઞાતિવાદ વિષે શું કહે છે?

ચાતુર્વર્ણં મયા સૃષ્ટં ગુણકર્મ વિભાગશઃ

ચારવર્ણો મેં(પ્રકૃત્તિએ) ગુણ અને કર્મ પ્રમાણે સર્જ્યા છે.

આનો અર્થ એજ થયો કે પ્રાકૃતિક વર્ણ તો વ્યવસાય ના આધારે જ છે. વ્યવસાય તમે તમારામાં રહેલા ગુણોને આધારે નક્કી કરો છો. એટલે કે આ રીતે થયેલા વર્ણ જ પ્રાકૃતિક છે. જન્મને આધારે નક્કી થયેલા વર્ણ અપ્રાકૃતિક છે એટલે તે સનાતન નથી. એટલે કે તે નિરર્થકતાને કારણે નષ્ટ પામશે.

મનુષ્ય જન્મે ત્યારે તે શુદ્ર હોય છે. તેને બધું શિખવાડવું પડે છે. ક્યાં કુદરતી હાજતો કરવી, કેવીરીતે સ્વચ્છતા રાખવી, કેવીરીતે નાહવું વિગેરે વિગેરે.

પછી થોડો મોટો થાય એટલે તેનામાં મારા તારાનો, અને સંગ્રહ અને દાન અને અધિકારોની વાતો સમજમાં આવે છે. આ વૈશ્ય વૃત્તિ કહેવાય. પછી તેને બીજાના અધિકારોનું રક્ષણ અને ન્યાય ની સમજણ આવે છે. આ ક્ષાત્રીય વૃત્તિ કહેવાય.

પછી તે પુખ્ત થાય એટલે બીજાને પણ સમજણ આપી શકે તેવી તેને અનૂભૂતિ થાય છે અને પોતે સમજે છે કે પોતાનું કશું જ નથી. જે જીવન છે તે બીજને માટે છે. આ બ્રાહ્મણ વૃત્તિ કહેવાય. આમ તો ચારે વર્ણ એક જ મનુષ્યમાં સામેલ હોય છે.

સૌએ બ્રહ્મવૃત્તિ એટલે કે ઈશાવાસ્યવૃત્તિ કેળવવી જોઈએ એમ ગાંધીજીએ ઈશાવાસ્ય ઉપનિષદ વ્યાંચ્યા પછી કહેલું.

શંકરાચાર્યની દ્રષ્ટિએ બ્રાહ્મણના ચારગુણ છે. જન્મે બ્રાહ્મણ, સુંદરતા(સ્વચ્છતા), વિદ્વતા, અને નીતિમત્તા. આ ચારે ગુણોમાં થી ક્રમશઃ એક એક ગુણ ઓછા કરતા જાઓ અને વિદ્વતાને પણ બાદ કરો તો પણ તમે બ્રાહ્મણ કહેવાશો. પણ જો તમારામાં નીતિમત્તા નહીં હોય તો તમે બ્રાહ્મણ નહીં કહેવાઓ. આવી વાત શંકરાચાર્યે બૌદ્ધોને કહેલી. વળી તેમણે કહેલું કે સૌ મનુષ્યનું ધ્યેય બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરવાનું હોવું જોઇએ. એટલે કે ઈશાવાસ્ય વૃત્તિ કેળવવાનું.

જ્ઞાતિપ્રથાને ઉત્તેજન એટલે સામાજીક વિનીપાત

ઉચ્ચ નીચ જ્ઞાતિઓની વાતો કરવી, અને તેના હક્કમાટેના સંમેલનો યોજવા તે સમાજને અધોગતિએ પહોંચાડવાના કર્મો છે. માણસની જાતિ તો ગુણ અને કર્મોને આધારે છે. અત્યારે વાસ્તવિક જ્ઞાતિઓ તો સરકારી કર્મચારીઓ, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, નોકરીયાતો, મજુરો, કારીગરો, વૈજ્ઞાનિકો, એજંટો, પોલીસો, સૈનિકો, સંદેશવાહકો અને સેવકો છે. આમાં વળી પેટા વિભાગો હોય છે અને ઉપપેટાવિભાગો પણ હોય છે. આમાં તમે જન્મને આધારે ક્યાંથી સંગઠનોની વાતો કરી શકો?

તમે ધારોકે જન્મે પટેલ છો. તો તેમાં ચિકિત્સકો છે, ઉત્પાદકો, નોકરીયાતો, સરકારી નોકરીયાતો, વેપારીઓ, વિગેરે સઘળા છે. તેમનું સામાન્ય હિત શું હોઈ શકે? કશું જ નહીં. સિવાય કે જે જન્મે પટેલ છે તેને તમે એક વાડામાં પૂરો અને તેમની પાસે એક નિશ્ચિત વોટ (દૂધ) આપવાનું કામ કરાવો. પછી છોડી મૂકો એટલે કે દોહીને છોડી મૂકો. તમારો હેતુ આજ હોઈ શકે. બીજો હેતુ શો હોઈ શકે?

હવે જો તમારે વાડા જ કરવા છે, તો જેને ગળ્યું ભાવે છે, જેને તીખું ભાવે છે, જેને તળેલું ભાવે છે જેને બાફેલું ભાવે છે, જેને ફળો ભાવે છે, અને તેમાં પણ પેટાવિભાગો થશે. તેના પણ વાડાઓ કરો ને? કમસે કમ સૌને ભાવતું ખવડાવશો તો પૂણ્ય મળશે.

આમાં તમે જુઓ છો કે સેવકો, સરકારી કર્મચારીઓ અને સંદેશવાહકો બીજા લોકો સાથે ભાગીદારીમાં પૈસા બનાવે છે. વાસ્તવમાં તેમનું ધ્યેય બ્રાહ્મણત્વ સ્થાપિત કરવાનું હોવું જોઇએ. પણ આ સેવકો સમાજીક પતનના માર્ગો અખત્યાર કરી સત્તાનીભૂખ સંતોષવા માગે છે. પ્રજા હિત માટે કોઈ સ્વપ્ન હોય અને સેવા ભાવના હોય તો તે આવકાર્ય છે. આવા લોકો આ ચારવર્ષ દરમ્યાન ગ્રામ્યવિસ્તારોમાં જઈ “માહિતિ અધિકારનો ઉપયોગ દ્વારા”, સરકારને નક્કર સૂચનો દ્વારા અને સહયોગ દ્વારા જનતાનો વિશ્વાસ સંપાદન કરી શક્યા હોત.

જન્મને આધારે લોકોને ભેગા કરીને ગોકીરો કરવો એ એક અણઘડપણું જ નહીં પણ અધર્મ પણ છે. આ બધી સમાજને તોડવાની ચેષ્ટાઓ છે. સમાજ તૂટશે તો રાજ્ય અને દેશ કેવી રીતે એક રહેશે?

આર એસ એસની વિશ્વસનીયતા અને સેવાવૃત્તિને કલંકિત કરવી છે?

યુપી, બિહારમાં જે થયું અને થાય છે, તે યોગ્ય તો નથી.

સંભવ છે કે જે રસ્તે શંકરસિંહ વાઘેલા ગયા (તેઓ પણ આમ તો શિસ્તબદ્ધ કહેવાતા આર એસએસના એક સૈનિક હતા), તે જ રસ્તે કેશુભાઈ અને સંજય જોષી (પ્રસારમાધ્યમોએ ઉછાળેલ) પણ એજ રસ્તે જશે.

આજની તારીખસુધી આરએસએસ એક શિસ્તબદ્ધ અને સેવાભાવિ સંસ્થા ગણાતી હતી. અને હવે જો તેના નેતાઓ સ્વાર્થમાં અંધબની “ત્યાગભાવનાની ઐસી તૈસી” ના નારા સાથે લોકોએ ચૂંટેલા, સર્વ ક્ષેત્રે પ્રગતિશીલ અને લોકપ્રિય મુખ્ય મંત્રી સામે યુદ્ધ છેડે તો જનતાને આરએસએસ સંસ્થામાં ક્યાંથી વિશ્વાસ રહેશે? લોકશાહી પ્રણાલી એજ છે કે તમે તેની વર્કીંગ કમીટી સામે તમારા પ્રશ્નો રજુ કરો અને જો તે તમારા પ્રશ્નોનો તમને પસંદ હોય તેવો પ્રતિભાવ ન આપે કે ન તો એવી દાનત બતાવે તો, પક્ષ છોડીને જતા રહો.

પછી તમારા પ્રપ્રપૌત્રને કહો કે તે તમારી પથારી પાસે હાથમાં પાણી લઈ પ્રતિજ્ઞા લે કે “હે પ્રપ્ર પિતામહ હું ……… આપનો પ્રપ્રપૌત્ર પ્રતિજ્ઞા લઉં છું કે હું, તે રાજાધિરાજ ગુર્જર નરેશ સિદ્ધરાજ જયસિંહનું નાક કાપીશ અને કાપીશ , જેથી તમારા આત્માને શાંતિ મળે.”

સિદ્ધરાજ જયસિંહ

સિદ્ધરાજ જયસિંહ

શિરીષ મોહનલાલ દવે

ટેગઃ જ્ઞાતિ પ્રથા, ગુણકર્મ, બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈષ્ય, શુદ્ર, ઈશાવસ્યવૃત્તિ, મહાત્માગાંધી, શંકરાચાર્ય, નરેન્દ્ર મોદી, કેશુભાઈ, નીતિમત્તા, કાર્યદક્ષતા

Read Full Post »

ગૌચરની જમીન ઉપર કોંગીનું દે ધનાધન

મહાત્મા ગાંધીના સમયનું ભારતઃ 

મહાત્મા ગાંધી ભારતમાં આવ્યા આઝાદીની લડતે ખરું જોર પકડ્યું. તેમણે આમ-જનતાને લડતમાં સામેલ કરી. આ સમય હતો ૧૯૨૦ થી ૧૯૪૭ સુધીનો. તે વખતે ભારતની સંસ્કૃતિ ગ્રામીણ સંસ્કૃતિ હતી. તે અગાઉ નો સમય પણ ગ્રામીણ સંસ્કૃતિ નો હતો. ગ્રામીણ સંસ્કૃતિ એટલે કે ભારતની મોટા ભાગની વસ્તી ગામડામાં રહેતી હતી. કૃષિ અને ગ્રામોદ્યોગ ઉપર આધારિત હતી.

ભારતમાં ગૃહઉદ્યોગ ના જે સાદાં મશીનો હતાં તેમાં માણસ પોતે પણ મશીનનો એક ભાગ હતો.

આ પ્રકારના ઉત્પાદનની પ્રણાલી વિકેન્દ્રિત ઉત્પાદન ગણાય છે. ઉત્પાદન વિકેન્દ્રિત હોય અને ઉત્પાદક પોતે જ મશીન નો એક ભાગ હોય છે. તે મશીનના એક ભાગ ઉપરાંત, મેનેજર, સંગ્રાહક, વિતરક અને વિક્રેતા પણ તે પોતે જ હોય છે. મોટે ભાગે તે એ જ ગામનો હોય છે જ્યાં ઉત્પાદન કરતો હોય છે. વળી મોટો ગ્રાહક પણ તેનું ગામ જ હોય છે, એટલે ગામ સ્વાવલંબી હોય છે.

પ્રણાલી જ્યારે આવી હોય ત્યારે ૨+૨ કે ૩+૩ કે ૪+૪ વિગેરે લેનના રસ્તાઓની જરુર પડતી નથી. ભારતમાં આ વિકેન્દ્રિત ઉત્પાદન પ્રણાલી હજારો વર્ષથી સફળતા પૂર્વક ચાલતી હતી.

અર્થશાસ્ત્ર નહીં પણ અનર્થશાસ્ત્રઃ

પશ્ચિમમાં ઔદ્યોગિક ક્રાંતિ આવી અને મશીનો ઉત્પાદન કરતાં થયાં. મશીનો માણસે બનાવ્યા છે. માણસ પણ એક રીતે જોઇએ તો ઈશ્વરે બનાવેલું મશીન છે. એટલે માણસે બનાવેલાં મશીનો, ઈશ્વરે બનાવેલા મશીનો સામે ટક્કર ન લઈ શકે. આ કારણથી અંગ્રેજોને ભારતના કારીગરો ના આંગળાં કાપવાં પડ્યાં.

પશ્ચિમે પોતાનો હજારો ગાઉ દૂર ઉત્પન્ન થતો માલ ગુલામ દેશોમાં ખપાવ્યો. આની પાછળ એક નવું અર્થશાસ્ત્ર રચાયું, ભણાવાયું અને તેની પ્રતિષ્ઠા સ્થાપિત કરવામાં આવી. મનુષ્યના શ્રમનો મહિમા ઓછો થયો. મનુષ્યની બુદ્ધિશક્તિને આ દિશામાં વાળવામાં આવી. જેમણે આ દિશામાં પોતાની બુદ્ધિશક્તિ વાળી તેમને સારા પ્રમાણમાં માનમોભો, શિરપાવ અને વેતન મળવા લાગ્યાં. ભારતનો ગૃહ ઉદ્યોગ નષ્ટ થયો એટલે બેકારી અને ગરીબી ઉત્પન્ન થયાં. તેને પરિણામે નિરક્ષરતા પણ આવી અને વળી વધુ ગરીબી આવી.

આ વાત ઘણી લાંબી, અટપટી અને ગૂંચવણો વાળી છે. ટૂંકમાં એમ કહી શકાય કે જથ્થાબંધ ઉત્પાદન કરવું. તેને દૂર સુદૂર સુધી  લઈ જવું, તેને ખપાવવું, તેને વધુ ખપાવવું, અને આ સઘળી પ્રક્રીયાને લગતા પ્રબંધશાસ્ત્રોને લાગુ કરવાં અને વિકસાવાં જરુરી બન્યાં. આ નવા અર્થશાસ્ત્રને અનુરુપ એક નવી સમાજ વ્યવસ્થા અને તેને બિરદાવતું શિક્ષણ ઉત્પન્ન કરવામાં આવ્યું. પશ્ચિમમાં આ બધું બહુ  ફુલ્યું ફાલ્યું.

પહેલાં શું હતું?

ગાંધીજી આ વાત સમજી શકેલા, કે આ એક અનર્થશાસ્ત્ર છે. તેમને યંત્રો સામે કે સુખસગવડો સામે વિરોધ ન હતો. પણ તેમાં રહેલું શોષણ, અસમાનતા અને ગુલામી સામે વિરોધ હતો.

૧૯૪૭ એટલે કે અંગ્રેજો ગયા ત્યાં સુધીમાં ભારતીય ગામડાંઓ તેજહીન થયેલાં પણ અસ્તિત્વહીન થયાં ન હતાં. નાના ગામમાં તેલની બળદ ઘાણીઓ હતી. કુંભારો હતા, મોચીઓ હતા, લુહારો હતા, કારીગરો હતા, ગોપાળો હતા. જંગલો હતા, આદિવાસીઓ હતા અને ગૌચરો પણ હતાં. ગાંધીજીએ કાંતણ અને હાથવણાટને ઉત્તેજન આપેલ તેથી એક મૃતઃપ્રાય થયેલા ગ્રામોદ્યોગને નવજીવન મળવાના સંજોગો ઉભા થયા હતા. ખાટલે ખોડ એ હતી કે આ સહુ ગરીબ હતા. કારણ કે ખરીદનારા પણ કંઈ પૈસાદાર ન હતા. ઘણી જગ્યાએ જમીનદારો હતા. તેઓ જમીનના ટૂકડા કરી ખેડૂતોને કાંતો ભાગીયા બનાવતા કે મજુરીએ રાખી ખેતી કરાવતા. તે સૌનું શોષણ થતું.

ખેડે એની જમીન નો કાયદો થયો. પણ મુંબઈ રાજય સિવાય બીજે તેનો ખાસ અમલ ન થયો. ખેત મજુરો ગરીબ રહ્યા. કારણકે મશીન કરતાં માણસ સસ્તો હતો. ઓછી જમીન વાળા ખેડૂતો પણ ગરીબ રહ્યા. કારણ કે સરકારી મદદ તેમની પાસે પહોંચે ત્યારે એક રુપીયો ૧૫ પૈસા કે ૫ પૈસા થઈ જતો. પણ તેઓ જીવી શકતા કારણ કે તેઓ ગાય કે ભેંસ રાખી શકતા એટલે આડ પેદાશમાં તેમને દૂધ અને છાસ મળતાં. જ્યારે ઢોર દૂધ ન આપતાં હોય ત્યારે તે સૌ ગૌચરની જમીન ઉપર નભતાં. પણ ગૌચરની જમીનનું કોઈ ધણીધોરી નહીં એટલે જમીન માફીયાઓ તેનો કબજો કરી લેતા. અને જમીન રેકોર્ડમાં ચેડાં કરી વેચીને કાયદેસર કરી દેતાં. સરકારી નોકરો તો આવું બધું કરવા તૈયાર જ હોય. જમીન માફીયા, સરકારી નોકરો (નોકરોમાં સર્વ અધિકારી વર્ગ પણ સામેલ જ ગણવાનો) અને ખરીદનાર ની જ્યારે મીલીભગત હોય પછી કોણ પૂછનાર જ હોય.

ક્યાં ગયું એ બધું?

હવે તમે જુઓ. અમદાવાદની જ વાત કરો. ૧૯૪૭માં મોટાભાગનું અમદાવાદ કોટની અંદર જ રહેતું હતું. કોટની બહાર રહેલા ગામડાઓથી તે ઘેરાયેલું હતું. તે દરેક ગામને પોતાના તળાવ અને ગૌચરની જમીન હતી. પાલડી, કોચરબ, માદલપુર, ઉસ્માનપુરા, નારણપુરા, કાગદીવાડ, વિગેરે જે કંઈ વિસ્તારો છે તે સૌ નાના નાના ગામ હતાં. ૧૯૪૭થી ૧૯૯૬ સુધી વચ્ચેનાં થોડાંક ચાર પાંચ વર્ષોને બાદ કરતાં ગુજરાતમાં નહેરુવીયન કોંગ્રેસનું જ રાજ હતું.

તો ક્યાં ગયાં ઉપરોક્ત ગામોના તળાવો અને ગૌચરની જમીનો? તળાવોની વાત  એટલા માટે થાય છે કે કેટલાંક તળાવો પણ અદૃષ્ય છે.

દરેક ગામમાં કાંતો કોઈ ભરવાડ, રબારી કે ઠાકોરે આ જમીનો કબજે કરી છે. તેઓ ની ઈચ્છાવગર તમે લારી ગલ્લા નો ધંધો પણ કરી શકતા નથી. ઉઘરાણાં તો થતાં જ હોય છે. તમે એસજી રોડ ઉપરના કે ગમે ત્યાંના પાર્ટીપ્લોટ કે રેસ્ટોરાં જુઓ તમને ક્યાંક ને ક્યાંક ભરવાડ, રબારી, ઠાકોર કે ક્યાંક લતિફ મળશે જ. તમે તે જમીનના ૧૦૦ વર્ષના ઇતિહાસની તપાસ કરો. જમીન માફીયા જ મળી આવશે.

ગૌચરની ક્યાં વાત કરો છો? હાઉસીંગ સોસાઈટીનો વહીવટ બરાબર ચાલે છે કે નહીં તે જોવાની જવાબદારી રજીષ્ટ્રાર ઑફ કો-ઓપરેટીવ સોસાઈટીની હોય છે. ચેરમેન અને સેક્રેટરીની ખાઉકડગીરીને લીધે ખાડે ગયેલી અને ફેલ ગયેલી સોસાઈટી ઉપર સરકારે કબજો કરવાનો હોય છે. તેને બદલે માફિયાઓ તેનો કબજો કરી લેછે. રજીષ્ટ્રારની ઓફિસ તો પૈસા બનાવવાનું કારખાનું છે. જમીનના રેકૉર્ડ ગુમ હોય છે.  જે અમદાવાદ જીલ્લામાં થયું તે બધે થયું છે.

તમારે શું કરવું છે?

એક બાજુ ઉદ્યોગીકરણની વાત કરવી, વૈશ્વીકરણની વાત કરવી અને વૈશ્વિક સ્તરે ભારતના પ્રદાનની (જે વૈશ્વિક પ્રદાનના બે ટકા માંડ છે) વાતોના બણગાં ફૂંકવા અને બીજી બાજુ ગ્રામ સ્વરાજની વાત કરવી એ “વદતો વ્યાઘાત” જ નહીં પણ દંભ, વરવું રાજકારણ અને અસામાજીક તત્વોના સ્થાપિત હિતોના રક્ષણની જ વાત છે.

એક બાજુ તમારે પશ્ચિમી અર્થશાસ્ત્રના વધુ ઉત્પાદન, વધુ બજાર, વધુ ઉપભોગ અને તે માટે વધુ સારા વેતનોની વાત કરવી છે અને આ બધાને ઉત્તેજન આપવું છે, અને બીજી તરફ ગ્રામ સ્વરાજની વાત કરવી છે. એકબાજુ વિશ્વ ઇન્ટરનેટ ને કારણે એક વિલેજ બની રહ્યું છે એવી વાત કરવી છે, અને ગામડાંમાં રોજગારી માટે ઉદ્યોગોને સ્થાપવા છે બીજી બાજુ ગામડાંને તેના મૂળ બંધારણમાં રાખવા માટે ગૌચર બચાવવાની વાત કરવી તે નકરા દંભ અને કલુષિત રાજકારણની વાત છે.

ભૂતીયા ગૌચરની લાલીયાવાડીઃ

ગૌચરની જમીનનું અસ્તિત્વ શું છે? શું ગૌચરની જમીન એ કોઈ પૂરતા ઘાસ માટેની જમીન છે? શું ગૌચરની જમીન ઉપર ગામના ઢોર નભી શકે તેમ છે? કેટલા લોકો પોતાના ગૌધન ને ગૌચરની જમીનને ભરોસે મુકી શકશે? ગૌચરની જમીનમાં શું છે? ત્યાં કેટલું ઘાસ ઉગે છે? ગૌધન કોની પાસે છે? ગાય બળદનો ખર્ચો શું છે? કેટલી ગાયભેંસ ઉપર કેટલાને નભાડવા છે?

તમારે ડેરીનું દૂધ પીવું છે કે રબારીનું? રબારીને શહેરમાં રાખવા છે કે તેમની વસાહતો બાંધી તેમને ગૌચરની જમીનનો કબજો આપી દેવો છે જેથી તેઓ તે જમીન શહેરી વિકાસ થતાં બીલ્ડરોને વેચી નાખે અને અથવા પાર્ટીપ્લોટયુક્ત રેસ્ટોરાંનો ધંધો કરી શકે. શું તમારે આવું કરવું છે? તમારે કરવું છે શું?

તમારે સમજી લેવું જોઇએ કે અત્યારના ગામડાં, ૧૯૪૭ પહેલાંના ગામડાં જેવા નથી જેમાં “મીઠી માથે ભાત”, “ગ્રામ્ય માતા”, કે “ઈલાના કાવ્યો” લખી શકાય. અત્યારે તો ભૂદાનમાં મળેલી જમીનના લાભાર્થીઓ, ભૂદાનની જમીન, સર્વોદય મંડળને જણાવ્યા વગર બારોબાર બે ત્રણ જણને ગીરવે મૂકી દેતા હોય છે. અને આવી લોચાવાળી જમીનને હસ્તવગી કરવા માટેના નિષ્ણાતો અસ્તિત્વ ધરાવતા હોય છે. વળી ખેડૂતો પાણીના પૈસા પણ સરકારને ભરતા નથી. પછી સરકારને દેવું માફ કરવું પડે તેનો લાભ પૈસાદાર ખેડૂતોને પણ મળે છે. સરવાળે સરકારી કુલ રાહતમાં મોટો હિસ્સો તો પૈસાવાળા ખેડૂતોને મળ્યો હોય છે જેને વિષે કેશુભાઈ ભયભીતતાની વાતો કરે છે.

પ્રશ્ન સીમાંત ખેડૂતોના કે મોટા ખેડૂતોના કે ગોપાલોના દુર્ગુણોને કારણે, તેમને વગોવવાનો નથી. સમસ્યા છે કે પરિસ્થિતિને કેવી રીતે હલ કરવી!

નરેન્દ્ર મોદી એ શું કર્યું?

જે મદદ કરવી હતી તે સાધનોથી કરી. ગરીબમેળા અને કૃષિમેળા કર્યા અને વસ્તુઓ આપી. તેથી રુપીયામાંથી ૧૫ કે ૫ પૈસાને બદલે સીધો રુપીયો જ મળ્યો. રાજીવગાંધીની જેમ કે મનમોહન ની જેમ પદ્ધતિની કે પરિસ્થિતિની મજબુરીની વાત ન કરી. પદ્ધતિ અને પરિસ્થિતિને શાસક બદલી શકે છે નહેરુવીયન કોંગ્રેસ ૬૦ વર્ષે ન કરી શકી તે નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષમાં સિદ્ધ કર્યું.

મોદી-વિરોધીઓના ગોકીરાઓમાં કઈ ગૌચરની જમીન ઉદ્યોગપતિઓને આપી તે આપણે જાણતા નથી અને તે એક સંશોધનનો વિષય છે.

“ગૌચરની જમીન બચાવો” એ વાત અગર કેટલાકને ભારતીય સંસ્કૃતિ બચાવો ની વાત સાથે જોડવાની પસંદ પડતી હશે, પણ તેમાં સંસ્કૃતિને બચાવવાની વાત કરતાં “સ્થાપિત હિતોના રક્ષણ” અને “ગંજીના કૂતરા” ની વાત સાથે વધુ બંધ બેસતી લાગે છે. ખરાબાની જમીન, પડતર જમીન, કેટલીક કહેવાતી જંગલની જમીન અને ગૌચરની જમીન એ કાંતો આ જમીનોને માફીયાઓના શિકાર માટે સુરક્ષિત રાખવાનો હેતુ હોય છે અથવા  તેને “જેમ છે તેમ” રાખવાની મનોવૃત્તિ “ગંજી ઉપર બેઠેલા કૂતરા” જેવી છે. એટલે કે કામ કરતી સરકારને કામ ન કરવા દેવું.  હવનમાં હાડાકાં નાખવા. અને જો પ્રગતિ ન થાય, તો તો એવું કહેવાનો લાભ લેવો કે પ્રગતિ તો થતી નથી. મોદી-વિરોધીઓએ ખાસ કરીને નહેરુવંશી સરકારોએ ૬૦ વર્ષમાં કશું ન કર્યું અને હવે ડાહી સાસરે જાય નહીં અને ગાંડીને શિખામણ દે એવો ઘાટ થયો.

ગોપાલોએ અને ખેડૂતોએ હવે મનોવૃત્તિ બદલવી પડશે. એટલે કે મફતીયું ખાવાની અને રાહતો ઉપર રાહતોની અપેક્ષા રાખવાની જ નહીં પણ રાહત માત્ર ઉપર આધાર રાખવાની વૃત્તિ બદલવી પડશે. નહેરુવીયન કોંગ્રેસની પાસે દીર્ઘ દૃષ્ટિનો સંપૂર્ણ અભાવ છે તે જનતાએ નહેરુવંશના છ દાયકાના શાસનને પૂરબાહરમાં અનુભવ્યું છે. જનતાએ પણ સમયની માગ ને સમજવી પડશે કે વ્યવસાયીઓએ પગભર થવું પડશે. સરકારનો હેતુ સૌને પગભર કરવાનો હોવો જોઇએ. પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે મદદના મોહતાજ રાખવાનો ન જ હોવો જોઇએ.

ભૂમિઃ શાંતિઃ । વનસ્પતયઃ શાંતિઃ ॥

ખરી સંપત્તિ જમીન અને વનસ્પતિ છે. જમીન હશે તો પુનઃ પુનઃ ઉત્પાદન થશે. જમીન હશે તો વૃક્ષો વવાશે. વૃક્ષોની વૃદ્ધિને અટકાવવી અને જમીનનો દુરુપીયોગ કરવો એ માનવ જાતનો જ નહીં સજીવ સૃષ્ટિ અને પૃથ્વીનો પણ વિનાશ નોંતરી શકે છે.

જમીન ઉપર સૌપ્રથમ વૃક્ષોનો હક્ક છે. જમીન ઉપર ઘાસ ઉગાડવું કે જમીન ઉપર બંગલાઓ બાંધવા એ જમીનનો દુરુપીયોગ છે. જમીન ઉપર અનાજ વાવવું તે પણ જમીનનો દુરુપીયોગ છે. કદાચ આ છેલ્લી બે વાત થી ઘણાને આશ્ચર્ય થશે, પણ એક બે દાયકામાં આ વાત અહિંસક સમાજમાં જેઓ શ્રદ્ધા ધરાવે છે તેમને નહીં સમજાઈ હોય તો સમજાઈ જશે.

ઘાસ અને અનાજને ઉગાડવા માટે ૬ થી આઠ ઈંચ નો જમીન નો સ્તર જોઇએ. તે તમે મલ્ટી લેયર (બહુમાળી) ખેતી માટેના બાંધકામ દ્વારા કરી શકો. પૃથ્વીની જમીનનો ફક્ત વૃક્ષો વાવવા માટે ઉપયોગ કરો. કારણ કે વૃક્ષ પોતે, મલ્ટીલેયર ઉત્પાદન કરે છે. તે ઉપરાંત તે એક નાનો પાણીનો સંગ્રાહક (ડેમ) છે. તે પ્રાણવાયુ આપે છે. તે ઠંડક આપે છે. તે વાતાવરણમાં ભેજને સાચવે છે, તે વરસાદ લાવે છે. તે ખાતર આપે છે. તે ફળો આપે છે, તે જમીનની ફળદ્રુપતા વધારે છે. તે રોજી આપે છે. જો આ બધા ફાયદાઓનો સરવાળો કરીએ તો એક વૃક્ષ ૧૫ વર્ષમાં ૪૦ લાખ રુપીયા જેટલું કામ કરે છે.

ભારતના ગામડાંઓનું હાલનું અસ્તિત્વ એટલે કે હાલની રચના, એ જમીનનો દુરુપયોગ  અને બગાડ છે. તેવીજ રીતે બંગલાઓ અને ચાર પાંચ મજલા વાળી શહેર અને કસ્બાની સોસાઈટીઓ પણ જમીનનો દુરુપયોગ અને બગાડ છે.

જેમ નુક્કડનું વિકસિત સ્વરુપ બહુમાળી બજારો એવા આયામોએ (કોંપ્લેક્સોએ) લીધું છે અથવા લઈ રહ્યા છે અને લઈ લેશે, તેવી જ રીતે હવે રહેણાક માટે અને ગામડાઓ માટે પણ બહુમાળી આયામોએ સ્થાન લેવું પડશે. તેને માટે આપણા સ્થાપત્ય નિષ્ણાતોએ ભેજાનું દહીં કરીને આપણી સંસ્કૃતિને અનુરુપ બહુમાળી આયામોના ઘાટ ઘડવા પડશે. આ અઘરું નથી. આ કોઈ મોટો પડકાર પણ નથી. જેઓ વિરાટકાય ઍરપોર્ટનો ઘાટ ઘડી શકે છે તેઓને માટે તો આ નાનું કામ છે.

અન્ન ઉત્પાદનની પ્રણાલીઓ, ઉર્જાશક્તિ ઉત્પાદનની પ્રણાલીઓ , જીવન જરુરી વસ્તુઓના ઉત્પાદનની પ્રણાલીઓ આપણે વેળાસર બદલવી પડશે. “ગૌચર બચાવો, ગૌચર બચાવો”, કે “ખેડુ જગતનો તાત” કે પનીહારીઓના કાવ્યોનો પાઠ કરવાનો જમાનો નથી.

ભારત સ્વતંત્ર થયું ત્યારે વસ્તી ૩૫ કરોડ હતી. હવે ભારતની વસ્તી સવા અબજની છે. માનવ સમાજ અહિંસક બનવા તરફ જઈ રહ્યો છે. જે સૂઈ રહ્યો છે તેનું ભવિષ્ય સુતેલું રહે છે. જે બેઠેલો છે તેનું ભવિષ્ય બેઠેલું રહે છે. પણ જે ચાલે છે તેનું ભવિષ્ય આગળ ધપે છે.

શિરીષ મોહનલાલ દવે

ટેગઃ ગ્રામ્ય, સંસ્કૃતિ, ગામડા, સ્વાવલંબી, અનર્થશાસ્ત્ર, ઔદ્યોગિક ક્રાંતિ, ગુલામી, વિકેન્દ્રિત, ઉત્પાદન, ઉર્જાશક્તિ, આયામો, પ્રણાલી, બહુમાળી, ૬૦ વર્ષ, ૫ વર્ષ,

Read Full Post »

%d bloggers like this: