બિલ્ડરાય નમઃ, ભૂમિતસ્કરાય નમઃ દબાણકર્ત્રે નમઃ
and
વાંચવો.
અમેરિકન નાગરિક સ્ત્રી નો કિસ્સો:
સરકારી કર્મચારીઓ કોણ કોણ છે? કો ઓપરેટીવ સોસાઈટીઓના રજીસ્ટ્રાર છે, સચીવો છે, કમિશ્નરો છે, મામલતદારો છે, કલેક્ટરો છે, પોલીસ અધિકારીઓ છે, પ્રધાનો છે, અને કંઈક અંશે ન્યાયધીશો પણ છે.
હમણાં એક કિસ્સો બહુ ચમક્યો છે. ખાસ કરીને દિવ્યભાસ્કરમાં, જે એક ભારતીય મૂળની અમેરિકન નાગરિક સ્ત્રીને પોલીસ અને બીજાઓ દ્વારા હેરાન પરેશાન કરી નાખી તેને લગતો છે.
આ સ્ત્રી, પોતાના સ્વર્ગસ્થ પિતાજીની જમીન વેચવા ભારત આવેલી. હવે આ બેનને કેવા હેરાન કરવામાં આવ્યા તેની આખી વાત તારીખ ૧૫મી જુલાઈ ૨૦૧૨ ના દિવ્યભાસ્કરમાં લખેલી છે. આમ તો આપણા દિવ્યભાસ્કર ભાઈ અને કોંગી ભાઇઓ કોઈ પણ વાતને રાજકીય રંગ આપવામાં પાવરધા છે. એટલે સૌ પ્રથમ સવાલ એ ઉભો થયો કે હજી આમાં આપણી નરેન્દ્રભાઈની સરકારને સંડોવવામાં આવી કેમ નથી? પણ બીજે દિવસે એટલે કે આજે તારીખ ૧૬-૦૭-૨૦૧૨ ના અંકમાં દિવ્યભાસ્કરભાઈએ આ ખોટ પૂરી કરી.
શું આપણા દિવ્યભાસ્કરભાઈએ મોટી મોથ મારી છે? શું તેઓ પ્રશંસાને પાત્ર બની ગયા છે?
મોટી મોથ તો ન મારી કહેવાય. “ગુજરાત સમાચાર” જે “દિવ્યભાસ્કર”નું પ્રતિસ્પર્ધી ગણાય, તે અંદર સંડોવાયું હોય તો દિવ્યભાસ્કર ભાઈ મૂંગા રહે તે અસંભવ જ હોય. આ વાત યોગ્ય પણ ગણાય છે.
નરેન્દ્રભાઈ મોદી જેવા ની પાછળ આદુખાઈને પ્રમાણ ભાન રાખ્યા વગર તેમને બદનામ કરનાર, ગુજરાત સમાચારભાઈ બદનામ થાય તે પણ યોગ્ય જ ગણાય છે. જો કે દિવ્યભાસ્કર ભાઈ પણ નરેન્દ્રભાઈ મોદીની બદબોઈ કરવામાં ગુજરાત સમાચારની સ્પર્ધા કરે છે. બંને દુશ્મનો આ વાતમાં એક છે તે કંઈ સંશોધનનો વિષય નથી. આખા દેશના અને ગુજરાતના લોકો તો ચોક્કસ જ જાણી ચૂક્યા છે કે ખોટ પૂરી કરવા કે આગળ વધવા અખબારી ભાઈઓ જાતજાતના અશુદ્ધ ધંધાઓ અપનાવે છે.
જો સરકારી નોકરો, કોઈની મુસીબતનો કે મર્યાદાનો કે લાચારીનો ગેરલાભ ઉઠાવી પૈસા કમાઈ શકતા હોય તો અખબારી ભાઈઓ પણ કંઈ પાછા પડે તેવા નથી. અખબારી ભાઈઓ છઠ્ઠી જાગીરના ધણી કહેવાય છે. એટલે “પેઈડ ન્યુઝ એટલે કે પૈસા આપો અને સમાચાર છપાવો અથવા છપાનારા સમાચારો અટકાવો.” એ તો એમનો કાયમી ધંધો છે. પણ આ સગવડ હાથ વગી હોય ત્યારે બીજા ધંધા પણ કરી શકાય છે. આમાંના કેટલાક ધંધામાં બિલ્ડર, જમીન દલાલ, મિલ્કત ભાડે આપવા માટેના દલાલ, ભાડે આપેલી મિલ્કતને લોચામાં નાખનારા દલાલ, મિલ્કત ખાલી કરાવાના કામના દલાલ, મિલ્કતને કે જમીનને લોચાવાળી કરનારના કામના દલાલ, લોચાવાળી મિલ્કતને ખરીદ-વેચના દલાલ. દબાણ અને ગેરકાયદેસર બાંધકામ પણ આવા કામનો એક હિસ્સો જ. તમે એક દુર્ગુણ હસ્તગત કરો અને તેને તાબે થાઓ એટલે પછી બીજા બધા દુર્ગુણો તમારો કબજો કરે જ.
અમેરિકન બેનનો એવો તે કયો ગુનો
એક વાત સમજમાં આવતી નથી કે અમેરિકન બેનને દિવસો સુધી કયા આરોપસર પકડી રાખેલ? દિવ્યભાસ્કરે પણ એ વાતનો ફોડ પાડ્યો નથી. ત્રણ ત્રણ અઠવાડીયાઓ સુધી, ધરપકડમાં રાખવા પડે અને એટલે એવી તે કેવી પૃચ્છાઓ કરવી પડી કે જેથી કરીને આટલો બધો સમય લાગ્યો? એવો તે કેવો ગુનો એ બહેને કર્યો છે કે ત્રણ ત્રણ અઠવાડીયાઓ સુધીની હિરાસતની મંજુરી ન્યાયાલયે આપી! અમેરિકન બેન કે જે પોતાના સ્વર્ગસ્થ પિતાજીની જમીન વેચવા આવેલા તેઓ એવી તો હેસીયત ધરાવી ન જ શકે કે જેને માટે તેમને ત્રણ ત્રણ અઠવાડીયા સુધી ધરપકડમાં રહેવું પડે!
આપણા પત્રકારભાઈઓ, બીજેપી અને નરેન્દ્રમોદીને લગતી અઘ્યાપાદ્યાની વાતો પણ જાણતા હોય છે કે ચગાવતા હોય છે. તેમને માટે અમેરિકન બેન ઉપર પોલીસે ક્યા આરોપો લગાવ્યા, કેવીરીતે લગાવ્યા અને કયા આધારે લગાવ્યા? આ આધારો ક્યાંથી અધિગત થયા તે સર્વ બાબતો પત્રકારભાઈ ઓ ન જાણતા હોય તે અશક્ય છે. છતાં પણ પત્રકારભાઈઓ મારફત આ સઘળી હકિકતો ઉપર સંપૂર્ણ ઢાંક પીછોડો કરવામાં આવે છે તે બાબત જ દર્શાવે છે કે આખી માયાજાળ અને પ્રપંચમાં પત્રકારભાઈઓ, પોલીસો, અખબારના માલિકો, જમીન માફીયાઓ, બિલ્ડરો, ન્યાયતંત્ર અને રાજકારણીઓની વચ્ચે પૂર્વ સમજુતિ થયેલ છે અને તે પ્રમાણે સમાચારોને પ્રસિદ્ધ કરાય છે.
આમાં કોણ જેલમાં જશે અને કોણ નહીં જાય અને કેવીરીતે કડદાઓ થશે તે કોઈ કહી શકશે નહીં. પણ જનતા જાણે છે કે જે નિર્દોષ છે તે આ સહિયારા ગુન્હાઈત આચારમાં સહન કરશે જ. જમીન માફિયા અને તેમના હિતેચ્છુઓનો વાળ વાંકો નહીં થાય.
યાદ કરો
બિલ્ડર ભાઈઓએ ગેરકાનુની બાંધકામ વ્યાપકરીતે કર્યા અને ઉઘાડે છોગ કર્યા. મ્યુનીસીપાલીટીના અધિકારીઓએ ખુલ્લેઆમ બેદરાકરી કરી અને તે બદલામાં ઘી કેળા ખાધાં. બિલ્ડરભાઈઓએ અનધિકૃત બાંધકામ વેચી દીધાં. દાખલા તરીકે ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટ જે રહેવાસીઓ અને મુલાકાતીઓના પાર્કીંગ માટે છે તેમના હક્કો ડૂબ્યા અને કહોકે ડૂબાડવામાં આવ્યા. ખરીદનારાઓને છેતરવામાં આવ્યા. આ ઉપરાંત બિલ્ડરોએ ૫૦ ટકા બ્લેક ના પૈસા સૌની પાસેથી લીધા. બધું જ ઉઘાડે છોગ થયું. અને છતાં ઈન્કમટેક્સ કમીશ્નર, મ્યુનીસીપલ કમીશ્નર, રજીસ્ટ્રાર ઓફ કો-ઓપરેટીવ સોસાઈટી, લેબર કમીશ્નર, લૉઑફીસર, પોલીસ કમીશ્નર, ટ્રાફીક ઓફીસર, માનવ અધિકારવાદીઓ, કોર્પોરેટરો, ધારાસભ્યો અને લોન આપનારી બેંકોના મેનેજરો સહિત બધા જ ખુલ્લી આંખે અજાણ્યા બન્યા. ટીવી ચેનલોમાં કોઈ માઈનો લાલ ન નિકળ્યો કે જે છૂપા કેમેરાથી બધાનો પર્દાફાશ કરે. સૌ કોઈ બિલ્ડર અને જમીન માફીયાઓને દંડિત કરવાને બદલે જેઓ છેતરાયા છે, જેઓ ના હક્ક ડૂબાડવામાં આવ્યા છે તેમને દંડ કરવા માટેના નિરાકરણની વાતો લઈને આવ્યા.
બિલ્ડરોનું સૌપ્રથમ તો લાયસન્સ રદ કરવું જોઇએ. તેમની મિલ્કત જપ્ત કરવી જોઇએ. તેમની ઉપર જ માત્ર ઈમ્પેક્ટ ફી જ નહીં પણ જ્યાં સુધી સહન કરનારાઓના હક્ક પ્રસ્થાપિત ન થાય ત્યાં સુધી બિલ્ડરો પાસેથી ઈમ્પેક્ટ ટેક્સ વસુલ કરવો જોઇએ. ઉપર જણાવ્યા પ્રમાણેના બધા જ સરકારી હોદ્દેદારોને સસ્પેન્ડ કરવા જોઇએ. તેમના લાગતા વળગતા સ્ટાફને પણ સસ્પેન્ડ કરવો જોઇએ. જે ગુનાઓ જાણી જોઇએને કરવામાં આવ્યા હોય અને વ્યાપક રીતે થયા હોય તેવા ગુનાઓ સામે તો આંખ મીંચામણા કરી જ ન શકાય.
બિલ્ડરો અને જમીન માફીયાઓ હમેશા ભળેલા જ હોય છે. હવે તેમાં સમાચાર માધ્યમ વાળા પણ ભળ્યા. જોકે તેઓ ભળેલા જ હતા. આ તો હવે તેઓ છાપે ચડ્યા. સમાચાર માધ્યમના માલિકો કે ખબરપત્રીઓ અને ગુન્ડાઓ વાસ્તવમાં એક જ કક્ષાના ડાકુઓ છે. જમીન, દબાણ, અને ભાડવાત વાળી મિલ્કત એ બાબતને લગતા કેસો ને ચલાવવાની પ્રણાલી, નહેરુવીયન કોંગ્રેસે એવી સર્જી છે અને એવી ચલાવી છે કે તેમની કિમત અનુસાર દેશમાં દાઉદો અને શેરીઓમાં ટપોરીઓ પેદા થાય.
કેટલાના ભોગ લીધા?
જમીન માફીયાઓએ કેટલાના ભોગ લીધા?
બિલ્ડરોએ ગેરકાયદેસર બાંધકામ કરી ટ્રાફીક સમસ્યાઓ ઉભી કરી કેટલાના ભોગ લીધા?
મ્યુનીસીપલ કમીશ્નરે ગેરકાયદેસર કામકાજો થવા દઈ કેટલાના ભોગ લીધા?
નહેરુએ રેન્ટએક્ટ અને ક્ષતિયુક્ત ન્યાય પ્રણાલી ચાલુ રાખી કેટલા ભોગ લીધા?
આપણા ગુજ્જુ અને આંદોલનપ્રિય એવા કોંગી ભાઇઓ, છાસવારે વિવાદાસ્પદ અને બનાવટી બાબતો ઉપર આંદોલનો કરશે, ગુજ્જુ અખબાર નવીશો, બીજેપીની ઓફીસ પાસે બે સ્કુટર ઓછા પર્ક થશે કે કદાચ ન પણ થાય તો પણ ખૂબ જ ઓછા સ્કુટર પાર્ક થાય છે તેમ છાપી બીજેપી હવે ગભરાઇ ગયું છે અને નિસ્ક્રીય થઈ ગયું છે તેવા સમાચારો આપશે. પણ બિલ્ડર અને જમીન માફીયા આ અખબારનવીશો પોતે હોય કે ન હોય તો પણ, બિલ્ડર કે જમીન માફીયાનો વાળ વાંકો થાય તેવું કશું લખશે નહીં.
ચમત્કતિઃ
અમારા ભાવનગરના શ્યામસુંદર ભાઈએ એક વાત કરેલી,
એક મુરતીયા ભાઈ કન્યા જોવા ગયા. ભાઈ જરા ભોળા હતા. કન્યાના પિતાએ પૂછ્યું; “કોઈ વ્યસન ખરું તમને?”
મુરતીયા ભાઈએ જવાબ આપ્યો; “આમ તો ખાસ કંઈ નહીં, પણ આ જરા એલચી ખાવાની ટેવ ખરી.”
“કેમ?”
“આ બીડી પીધી હોય એટલે મોઢું જરા વાસ ન મારે એટલે એલચી ખાવી પડે”
“એટલે તમે બીડી પણ પીવો છો?”
“ના રે. આમ તો મને એવી કશી ટેવ જ ન હતી. પણ આ દોસ્તારો સાથે તીન પત્તી રમતા રમતાં એક બે ફૂંક મારવાનો આગ્રહ કરે તો શું કરું? આમ તો શરુઆતમાં મને ઉધરસ પણ આવી જતી. પણ સાહેબ, પછી તો ફસક્લાસ રીતે ગોળ ગોળ રીંગો વાળા ધુમાડા કાઢતો થઈ ગયો.”
“એટલે કે તમે તીન પત્તી પણ રમો છો?”
“ના રે. આમ તો મને પાના ટીપતાં પણ આવડતા ન હતા. એક બે ચીપ મારું એમાં તો પાના લસરી પડતા હતા. પણ જેલમાં ગયો એટલે ભાઈ બધો સાથે રહીને બરાબર શીખી ગયો.
“એટલે તમે જેલ પણ જઈ આવ્યા છો?”
“નારે આમ તો હું જેલમાં ન જાત. પણ જે વેશ્યા હતી ત્યાં પોલીસનો દરોડો પડ્યો. એમા હું પકડાઈ ગયો.”
“એટલે તમે વેશ્યાવાડે પણ જાઓ છો?”
“ના રે. હું શું કામ વેશ્યા વાડે જાઉં, પણ આ તો ચોરી કરી હોય તો જે કમાણી થાય તેમાંથી વાપરવા થોડા વાપરવા તો જોઇએ ને.”
“એટલે તમે ચોરી પણ કરો છો?”
“ના રે. હું શું કામ ચોરીઓ કરું. પણ આ જુગાર રમવામાં પૈસા હારી જઈએ એટલે દેવું થઈ જાય. તેને ભરપાઈ કરવા ચોરી કરવી પડે. બાકી આપણે તો ચોરીના પૈસા ગોમાંસ બરાબર છે.”
“એટલે ટૂંકમાં તમે જુગાર રમો છો, વેશ્યાવાડે જાઓ છો, અને પકડાઈને જેલમાં પણ જાઓ છો?”
“નારે હું શેનો જેલમાં જાઉં. જે હવાલદાર મને પકડવા આવેલો તેનો તો મેં ફેંટ મારીને પછાડી દીધેલો અને પછી ભાગેલો. પણ સામેથી ફોજદાર આવેલો અને એણે મને પાડી દીધો. આમ તો એને પણ હું પહોંચી વળત, પણ માળો ઈન્સ્પેક્ટર પણ સાથે હતો. એટલે એ બે જણ થયા. અને હું એકલો. એ લોકો બે ને બદલે એક જ હોત તો તો હું ફોજદારને તો અધમૂઆ કરી નાખતે … હા..”
“એટલે કે તમે મારામારી પણ કરો છો…. બધી વાતે પૂરા છો.”
“આ બધું એલચીની વાંહેવાંહે હાલ્યુ આવે છે…”
શિરીષ મોહનલાલ દવે
ટેગ્સઃ બિલ્ડર, જમીન માફીયા, અખબારો, પત્રકારો, કમિશ્નરો, અફસરો, બીજેપી, કોંગી, આંદોલન પ્રિય, ગુજ્જુ
[…] […]
LikeLike