સુલેમાન સુધર ગયા ક્યા?
મુસ્લીમ ભાઈઓ માફ કરે. આ કોઈ બગડેલા સુલેમાનભાઈની વાત નથી. કે સુલેમાનભાઈની પણ વાત નથી. પણ એક મુહાવરુ છે કે એક ભાઈ જે કદાચ સુધરી શકે તેમ નથી પણ સુધરી જવાની વાત કરે છે.
આમ તો આ વાત કોઈ વ્યક્તિની નથી. પણ વ્યક્તિથી વિશેષ એવા એક સમાચાર પત્રના ગુજ્જુ તંત્રી લેખની છે.
ગુજરાતની ચૂંટણીમાં અખબારોના ખેલ
ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે. અનેક ખેલ ખેલાશે. તેમાં ખેલૈયાઓમાં માત્ર ઉમેદવારો કે પક્ષો નહીં હોય. વર્તમાન પત્રો પણ હશે.
વિનોબા ભાવેના શબ્દોમાં “ચૂંટણી એક પર્વ છે” અને તેને ઉજવવાનું હોય છે. આમ તો આ એક લોક જાગૃતિનું પર્વ છે. આપણા વર્તમાન પત્રોનું મૂળ કામ તો લોકોની અપેક્ષાઓ અને માન્યતાઓમાં રહેલા સત્વને પ્રતિબિંબિત કરવાનું, લોક જાગૃતિનું અને દીશા સૂચનનું છે. પણ જ્યારે દશે દીશાઓમાંથી નહેરુવીયન કોંગ્રેસના શાસન દરમ્યાન જે કૌભાન્ડોની વણઝાર જોવા મળી અને અસાંજે જેવા એક વિદેશી વ્યક્તિએ જનહિત ખાતર કાળાનાંણાનો વિદેશી બેંકોંમાં રહેલા જુદા જુદા દેશોના કાળા નાણાની વાત બહાર પાડી ત્યારે જાણવા મળ્યું કે આપણા દેશના ફક્ત કાળા જ નહીં પણ લાલ નાણા સહિત લગભગ ૪૦૦ લાખ કરોડ રુપીયાના વિદેશી બેંકોમાં ગેરકાયદેસર રીતે જમા છે. નહેરુવીયન કોંગ્રેસે આ બાબતમાં તપાસની બાબતમાં ઠાગાઠૈયા કરવા માંડ્યા ત્યારે વર્તમાન પત્રોના માલિકોને જ નહીં પણ કેટલાક કટાર મૂર્ધન્યોની પણ દાઢ સળકી. આ દાઢોને મેવા ખાવાની ઈચ્છા થઈ. આ મેવા ચૂંટણી-પર્વમાં નહીં મળે તો ક્યારે મળશે?
આમેય એક સત્ય, અફવા રુપે તરતું હતું કે છાપાંઓમાં આવતા સમાચારો અને ખાસ કરીને રાજકીય પક્ષોને લગતા સમાચારો (હેડલાઈનો સહિત) પેઈડ સમાચારો હોય છે એટલે કે પૈસા લઈને છાપવામાં આવતા હોય છે, એટલેકે છાપાએ પૈસા લેવાના અને લાભ કર્તા પક્ષે પૈસા આપવાના, એ રીતની લેવડ દેવડના વહીવટ દ્વારા સમાચારો છપાતા હોય છે.
ચોર ક્યારે પકડાય છે?
તમે જાણો છો કે કોઈ ચોર મોટી ચોરી કરે એટલે પકડાઈ જવો જરુરી બનતો નથી. મોટેભાગે તો જ્યારે પણ ચોરી થાય ત્યારે બે જણ તો ચોર કોણ છે તે જાણતા હોય છે. તમે પૂછશો કે આ બે જણ કોણ હોય છે? અરે ભાઈ, તમને ખબર નથી? એક તો ચોર પોતે જ હોય છે, અને બીજો તે કે જેને ત્યાં ચોરી થઈ છે. સામાન્ય રીતે જ્યારે ધંધાદારી ચોર સંડોવાયેલો ન હોય તો આ રીતે બે જણ ને ચોર વિષે માહિતિ હોય છે. જ્યારે ચોરીમાં ધંધાદારી ચોર સંડોવાયેલો હોય ત્યારે પોલીસને ખબર હોય છે કે ચોરી કોણે કરી છે. હવે ધારો કે ધંધાદારી ચોરે ચોરી કરી પણ ધંધાદારી ચોર દૂરનો હોય ત્યારે તે કેવી રીતે જાણી શકાય?
દાનઃ ભોગઃ નાશઃ, ત્રીસ્રઃ ગતિ ભવન્તિ વિત્તસ્ય,
યો ન દદાતિ ન ભૂંક્તે, તસ્ય તૃતીયા ગતિ ભવતિ
ધનની ત્રણ ગતિ હોય છે. દાન ભોગ અને નાશ. જે વ્યક્તિ દાન કરતો નથી અને ભોગવતો પણ નથી, તેના ધનની ત્રીજી ગતિ થાય છે. એટલે કે તેના ધનનો નાશ થાય છે.
ચોર જો ભણેલો હોય તો તો આ વાત કદાચ જાણતો પણ હોય. પણ જો તે અભણ હોય (અવાચનપ્રિય. જેને વાચન પ્રિય ન હોય તેવો) તો તો આ વાત તે ખાસ જાણતો હોય છે. એટલે જ્યારે આવો ચોર મોટી ચોરી કરે ત્યારે તે પોતાની રહેણી કરણી બદલી નાખે છે. પડોશીઓ અને મિત્રો આશ્ચર્ય પામે છે. પોલીસ તપાસ માટે શોધતી શોધતી આવે ત્યારે તેમને ચોરની બદલાયેલી શૈલીની ખબર પડી જાય છે કે આ (ચોર)ભાઈ અચાનક રંકમાંથી રાય કેવી રીતે થઈ ગયા? ટૂંકમાં ખર્ચમાં થયેલા અતિરેક ને કારણે પોલીસને શંકા જાય છે અને ચોરભાઈ પકડાઈ જાય છે.
આવું જ કંઈ આપણા અખબારોના કારભારીઓનું હોય છે.
લોકપ્રિયતાને મારો ગોળી
એક વ્યક્તિ ખૂબ લોકપ્રિય હોય. તેનું કારણ તેનું પક્ષમાં પ્રભૂત્વ હોવું માત્ર ન હોય, તેની સંપત્તિ પણ ન હોય, તેનું રુપ પણ ન હોય, તેનો વંશ પણ ન હોય, તેની જાતિ પણ ન હોય, તેણે પ્રચારિત કરેલા પ્રપંચિત પ્રગતિ કે વિકાસ પણ ન હોય, તેની નીતિમત્તા માત્ર પણ ન હોય, આપત્તિને અવસરમાં ફેરવી નાખવાની કુશાગ્ર વહીવટી ક્ષમતા પણ કદાચ તેની લોકપ્રિયતાનું કારણ બનતી ન હોય, પણ તે ફક્ત અને ફક્ત જોઈ શકાય, અનુભવી શકાય અને માણી શકાય તેવો વિકાસ જ તેની લોક પ્રિયતાનું કારણ હોય તો? આવી વ્યક્તિની લોકપ્રિયતાને જરાપણ પ્રતિબિંબિત કરવાને બદલે તેને કલુષિત કરવાના પ્રયત્નો થતા હોય, જે દિવસ છે તેને રાત્રી તરીકે ખપાવવાની ચેષ્ટા છાપાંઓ દ્વારા થતી હોય, ત્યારે જનતા અચૂક વિચારે જ કે આ અતિરેકના મૂળમાં શું છે?
ચોર જ્યારે ચોરેલા ધનના વપરાશના અતિરેક ને કારણે જનતા અને પોલીસની નજરમાં આવી જાય છે. તેવીજ રીતે જનતા રુપી પોલીસ, સંચારમાધ્યમો દ્વારા થતા વ્યક્તિવિશેષના વ્યક્તિત્વ હનન પરત્વે થતા અતિરેકને આ રીતે નિહાળે છે.
હલકું લોહી
પહેલાંના જમાનામાં સરકારી નોકરોના પગાર બહુ ઓછા હતા. પણ સરકારી નોકરો પાસે સત્તા હતી. એટલે સત્તાનો દુરુપયોગ થતો. અને સરકારી નોકરોને બે નંબરની કમાણીનો લોભ જાગતો હતો. મનની સામે લડવું એ ગીતાને સમજવા જેવું અઘરું કામ છે. “અમે પણ માણસ છીએ” એ આધારે સરકારી નોકરો અમાનવીય (ગેરકાયદેસર) કમાણી કરતા થઈ ગયા. બે છેડાઓને જોડવા ઉપરાંત તેઓ જીવનને વધુને વધુ સુવિધાજનક બનાવવા તરફ પણ વળ્યા.. તેવીજ રીતે વર્તમાનની સાથે સાથે ભવિષ્યની નિશ્ચિંતતાનો પણ વિચાર કરવા લાગ્યા. પૈસાના લોભને કોઈ સીમા નથી. અમારા જમાનામાં દિવાનનો છોકરો અને ધોબીનો છોકરો એક જ તાલુકા સ્કુલમાં ભણતા હતા. પણ હવે તેવું નથી. કેટલાક બાબલાઓ તો પપ્પાને એમ પણ કહે કે “પપ્પા તમે મને મરુતી-૮૦૦ લઈને સ્કુલે લેવા ન આવશો.” કારણ કે મારુતિ-૮૦૦ એ ગરીબની કાર ગણાય. એટલે જે જીવન શૈલી અપનાવી તેને વધુને વધુ ઉંચે લઈ જવાની આદત પડી જાય એટલે ડાબા હાથની કમાણી પણ આદત બની જાય.. હવે તો સરકારી નોકરોના પગારો ઠીક ઠીક વધી ગયા છે. પણ જે કમાણી આદત બની ગઈ તેનું મન પણ એ પ્રમાણેની વૃત્તિ ધરાવતું થઈ જાય.
“પૈસાના વહીવટ દ્વારા સમાચારોનું પ્રકાશન” આ વાતે સમાચાર પત્રો ઠીક ઠીક વગોવાય છે. સમાચાર પત્રોની વિશ્વસનીયતા ખાડે ગઈ છે. વિશ્વાસ સ્થાપિત કરવો એ એક અઘરી બાબત છે. પણ તે માટે મનની વૃત્તિ પણ હોવી જોઇએ. સમાચાર પત્રોનું “માઈન્ડ-સેટ” જ જો આદતનું ગુલામ હોય તો જનતાનો વિશ્વાસ કેવી રીતે મેળવવો?
ચાલો નાટક કરીએઃ
વર્તમાન પત્રોએ વિચાર્યું. “ચાલો એવું નાટક તો કરીએ”. “જો મૂર્ધન્યો પણ તટસ્થતાની ઘેલછામાં પ્રમાણભાન અને સંદર્ભના પરિપેક્ષ્યતાને જાણે અજાણ્યે અળગી કરતા હોય તો આપણે તો ધંધો લઈને બેઠા છીએ. આપણે આપણી વિશ્વસનીયતા માટેની માયા ફેલાવીએ.”
ગુજરાતના એક ખ્યાતનામ અને નંબર વન અખબારે શું કર્યુ? ચાલો તેને એક ટેસ્ટ કેસ તરીકે લઈએ.
તંત્રી શ્રીએ હેડીંગ આપ્યું “ ૦ % પેઈડ ન્યુઝ, ૧૦૦ % ન્યુઝની ઐતિહાસિક પહેલ સાથે ગુજરાતની ચૂંટણીનું નિષ્પક્ષ, નિર્ભિક કવરેજ”
નિષ્પક્ષ એટલે શું? અરે ભાઈ એની કોઈ વ્યાખ્યા કરવાની નથી. આપણે જે કંઈ કહીએ તેને નિષ્પક્ષ ગણવાનું. જેમકે ઈન્દીરા ગાંધી કહેલ કે મારા પુત્રે કશું ખોટું કર્યું નથી. જો તેણે કશું ખોટું કર્યું હોત તો મેં પગલાં ભર્યાં હોત. મેં કોઈ પગલાં ભર્યાં નથી, તેથી સિદ્ધ થાય છે કે મારા પુત્રે કશું ખોટું કર્યું નથી.
કદાચ તમે કહેશો, અરે ભાઈ આવું તે કંઈ હોય? સાહેબજી, આતો નહેરુવીય અને ઈન્દીરાઈ પરંપરા છે. નહેરુએ તેના મિત્ર એવા વીકે મેનનના જીપ પ્રકરણ વિષે કહેલ કે થાય તે કરી લો. કોઈ તપાસ બપાસ નહીં થાય. આજની તારીખમાં પણ જે એલ નહેરુ અને ઈન્દીરાની સુબીયું (છબીઓ) સભામંડપમાં દમદાર રીતે ટીંગાડાય છે. આ પરંપરા આજે પણ ચાલુ છે જ ને! સલમાનભઈ ખુરસીદ કાયદા મંત્રી ઉપર જે આક્ષેપો કેજરીવાલે કર્યા તેની ઉપર તપાસની વાત ફગાવી દેવામાં આવી જ છે ને?
એની વે. અખબારી તંત્રી મંડળીએ વિચાર્યું … હવે આપણે જે કંઈ કરીએ તેનું મહત્વ તો વધારવું જ જોઇએ. એટલે મોટું નામ આપો.
નામ આપ્યું “મહાસત્તાનો સંગ્રામ”.
મહાસત્તાનો સંગ્રામ એટલે કેન્દ્રની સત્તા મેળવવાનો સંગ્રામ. મધ્યમપદ લોપી સમાસ સમજવાનો છે.
તંત્રીશ્રી સંપાદકશ્રી માલિકશ્રી કારભારીશ્રી જે કહો તે સુજ્ઞજનોએ ઉપોદઘાત લખવાની શરુઆત કરી.
સુષ્ઠુ સુષ્ઠુ, ગુડી ગુડી, ભલુ ભલુ, લખ્યું. વાચકોની પીઠ થાબડી, પોતાની પીઠ (પીઠો) પણ થાબડી. આવનારા અજ્ઞાત લખાણોની પણ મહત્તા વર્ણવી.
નહેરુવીયન કોંગ્રેસના દાઢી વાળા, દાઢીવગરના, કદિક દાઢી વગરના થઈ દાઢી વધારનારા અને કદિક દાઢી રાખી, દાઢી વગરના થઈ જનાર, ગુજ્જુ નેતાઓ ચૂંટણી હોય કે નહોય તો પણ છેલ્લા એક દાયકાથી, સમાચાર માધ્યમો ઉપર ચમકતા જોવા મળે છે. કોઈપણ મુદ્દાને ઉજાગર કરી, તેને અનુલક્ષીને નિવેદનો, પ્રદર્શનો, સભા સરઘસો વિગેરે દ્વારા આંદોલનો કરતા આપણે તેમને જોયા છે. તેમાં ધ્યાન ખેંચે તેવી વાત ખાસ એ હોય છે કે તેઓ સહુ કોઈએ, ધીર ગંભીર ચહેરો રાખ્યો હોય છે. તેઓ ગળાના ઉંડાણ અને સાથે સાથે મગજના ઉંડાણમાંથી બોલતા હોય છે. તટસ્થતાના પાતાળમાંથી નિર્ભેળ પરમસત્યને પકડી લાવ્યા હોય છે એવો તેમના મુખ ઉપર ભાવ હોય છે. શબ્દોની વાગ્ધારા ત્રૂટક ત્રૂટક અને લયબદ્ધ હોય છે. નિવેદનને આ રીતે પ્રવાહિત કરવાની તેમની શૈલી જનતાને ગોઠી ગઈ છે તેમ તેઓ માને છે. તો આપણા અખબારી તંત્રીમંડળ-મૂર્ધન્યો તો છઠી જાગીર વાળા કહેવાય. તેઓ તો પોતાને સર્વજ્ઞ અને અત્ર તત્ર સર્વત્ર માને જ છે. એટલે અસાધારણ કર્તવ્યની પૂર્વભૂમિકામાં ગાંભીર્ય તો પ્રદર્શિત કરવું તો પડે જ ને!
ગુજરાત ઈલેક્સન શા માટે મહાસત્તા માટેનો સંગ્રામ?
આવો પ્રશ્ન અસ્થાને છે. આમ તો આમાં કેટલાક વિરોધાભાસો છે.
યુપી અને બિહાર ના એસેમ્બ્લી ઇલેક્સનમાં પણ રાહુલ ગાંધી હતા.
યુપીમાં મુલાયમ પણ પોતાને વડાપ્રધાન પદના ઉમેદવાર માનતા હતા. રાહુલ ગાંધીનો ફિયાસ્કો થયેલ. તો યુપીનું ઇલેક્સન શા માટે મહાસંગ્રામ તરીકે ન ઠેરાવાયું?
બિહારના ઇલેક્સનમાં લાલુપ્રસાદ પણ પોતાને વડાપ્રધાનપદના ઉમેદવાર જણાવી ચૂક્યા છે. નીતીશકુમાર પણ વડાપ્રધાન પદના ઉમેદવાર છે. આ વાત જાહેર છે. અહીં પણ રાહુલ ગાંધીનો ફિયાસ્કો થયેલ. લાલુ યાદવનો પક્ષ હારી ગયેલ. લાલુ યાદવ વિષે કેવા ભાવીના તારણો ની ઘોષણા કરવામાં આવેલ? તે ઇલેક્સનને કેમ મહાસંગ્રામ તરીકે ઠેરવવામાં ન આવ્યું?
હવે તમે જુઓ. લાલુ યાદવને બાદ કરો તો આર.જે.ડી. શૂન્ય બને છે. મુલાયમને બાદ કરો તો એસ.પી. શૂન્ય બને છે. જેના વગર જેનો પક્ષ શૂન્ય બનતો હોય તે વ્યક્તિ શું શૂન્ય ન બને? બને પણ ખરી અને ન પણ બને.
નરેન્દ્ર મોદી ના વ્યક્તિત્વ વિષેના જે પૂર્વ નિયોજીત વિકલ્પો ગોઠવવામાં આવ્યા છે તે જુઓ.
શક્યતા એક પ્રશ્નાર્થ તરીકે ગોઠવવામાં આવી છે.
નરેન્દ્ર મોદી ૧૨૦થી વધુ બેઠકો મેળવે તો …
(૧) શું નરેન્દ્ર મોદી સૌથી શક્તિશાળી અને અજેય નેતા બનશે?
(નરેન્દ્ર ભાઈ મોદી છેલ્લા ત્રણ એસેમ્બ્લી ઇલેક્સન જીતે છે. અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન અને બીજી ઘણી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ નહેરુવીયન કોંગ્રેસ પાસે હતી, તે નરેન્દ્ર મોદીના શાસનની અંતર્ગત બીજેપીએ કબજે કરેલ છે, સતત જાળવી રાખેલ છે. છતાં પણ અખબારી મૂર્ધન્યમંડળીના કહેવા પ્રમાણે ૨૦૧૨ની જીત જ નરેન્દ્ર મોદીના અસ્તિત્વ માટે જરુરી છે. જોકે આ બાબતમાં પણ પ્રશ્નાર્થ તો છે જ કે ૨૦૧૨ ના પરિણામો જ નરેન્દ્ર મોદી ને શક્તિશાળી અને અજેય કેવીરીતે સ્થાપિત કરશે? ૨૦૦૨ પછીની બધી જીત કેવીરીતે અપૂર્ણ હતી એ પ્રશ્ન ઉદ્ભવે કે નહીં?)
(૨) મોદીનું ડેવલપમેન્ટ મોડેલ દેશભરમાં શું સ્વયંસિદ્ધ થઈ જશે?
નાનું બાબલું પણ જાણે છે કે ડેવલપમેન્ટ એ ડેવેલપમેન્ટ છે. જે વિદેશમાં થાય છે તે નરેન્દ્રમોદીના ગુજરાતમાં થાય છે. નહેરુવીયન કોંગ્રેસી રાજ્યો અને બીજા પણ ડેવલપમેન્ટની કોશિશ કરે છે. પણ ત્યાં પૈસા કેવીરીતે ચવાઈ જાય છે તે આપણે કોમનવેલ્થ ગેમ પ્રોજેક્ટમાં જોયું છે. રસ્તા, પાણી, વિજળી અને કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીએ એટલે રોજગારી અને બીજા ધંધારોજગારનું ચક્ર ઉત્પન્ન થાય તે જગ જાહેર છે. આમાં કશું સિદ્ધ કરવાની વાત નથી. આ વાત સ્વયંસિદ્ધ જ છે. તે વિષે અર્થશાસ્ત્રીઓએ પછી ભલે તે કોંગીના હોય કે ન હોય, કદી શંકા સેવી નથી. છતાં પણ આપણા અખબારી મૂર્ધન્યે પ્રશ્નાર્થ તરીકે બતાવી છે. એટલે કે નરેન્દ્ર મોદી ગમે તેટલી મોટી જીત મેળવે પણ ગુજરાતનું મોડેલ એક પ્રશ્ન ચિન્હ રહી શકે, અથવા ન રહી શકે પણ ખરું. એટલે કે પૂર્ણવિરામ નથી.
(૩) શું રાષ્ટ્રીય સ્તરે રાહુલ વિરુદ્ધ મોદી થઈ જશે?
અખબારી મૂર્ધન્યનો અંગુલી નિર્દેશ એ છે કે રાહુલ ગાંધી તો રાષ્ટ્રીય સ્તરે છે જ. પણ જો નરેન્દ્ર મોદી ગુજરાતમાં એક અભૂતપૂર્વ વિજય મેળવે તો તે રાહુલ ગાંધીની જેમ રાષ્ટ્રીય સ્તરે રાહુલ ગાંધી સામે ઉભરી શકે. એટલે કે નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્તરે રાહુલની સમકક્ષ નથી. પણ જો તે અભૂત પૂર્વ વિજય મેળવે તો તે રાહુલની સમકક્ષ બની શકશે કે કેમ? એટલે કે આ મુદ્દો પણ એક પ્રશ્ન તરીકે જ ગોઠવવામાં આવ્યો છે. રાહુલ ગાંધી ભલે વહીવટી, પ્રબંધક અને આયોજન કર્તા તરીકે નિસ્ફળતાને વરે. તેની સામે કોઈ પ્રશ્નાર્થ નથી. કારણ કે તે નહેરુ વંશનો છે. અને નહેરુવંશ ના સમર્થકો એ પોતાને સેવક તરીકે સ્વિકાર્યા છે. આ બાબતમાં દેશ ભલે લોકશાહીને વરેલો હોય, મૂર્ધન્યો અને ખાસ કરીને અખબારી મૂર્ધન્યોને આ બાબતમાં કશો છોછ નથી. આમાં આ મૂર્ધન્યોને લાયકાત અને કાબેલીયતના ધારાધોરણો નડતા નથી. એ વિષે તેમને પોતાને પણ કોઈ પ્રશ્ન નથી. એટલે તેમને તેમના કર્તવ્યની વાત તો સ્ફુરે જ શેની?
સુબ્રહ્મણીયન સ્વામીએ બંધારણીય મુદ્દાઓ અને બનાવોને ટાંકીને સોનીયા ગાંધીના “પ્રધાનપદના ત્યાગ”ના નાટક્ની પાછળના રહસ્યોનો પર્દાફાસ કરેલ. પણ આ અખબારી મૂર્ધન્યોને એ પ્રશ્ન ઉઠાવી શૈક્ષણિક ચર્ચા કરવાની જરાપણ પડી નથી. આ મૂર્ધન્યોની તટસ્થતાની પરિભાષા શું હશે?
અરે ભાઈ અખબારી મૂર્ધન્યોએ તો માયા ફેલાવવાની છે.
નરેન્દ્ર મોદી જો ૧૧૦ કરતાં ઓછી બેઠકો મેળવે તો …
આપણા અખબારી મૂર્ધન્ય એવો મેસેજ આપવાનો પ્રયત્ન કરે છે કે નરેન્દ્ર મોદીએ “વિજયી” એવા નામકરણ માટે ૧૨૦ થી વધુ બેઠકો તો મેળવવી જ જોઇએ. જો ન મેળવે તો તેને વિજય ગણાય જ નહીં. તેની હેટ્રીક ગઈ ચૂલામાં.
મેસેજ એવો પણ છે કે જો નરેન્દ્ર મોદી ૧૨૦ થી ઓછી બેઠકો મેળવે તો પક્ષની અંદર જ વડાપ્રધાન પદના પ્રતિસ્પર્ધીઓ ઉત્પન્ન થવા જોઇએ. ગુજરાતનો વિકાસ મોડલ પણ ચર્ચાસ્પદ ગણાવો જોઇએ. (વિકાસના બીજા કયા મોડલો છે? આ વિષે કોઈ શૈક્ષણિક ચર્ચા હજુસુધી આપણે જોઇ નથી. ગુજ્જુ કોંગી નેતાઓના નિવેદનોને મોડેલ માં ખપાવી ન શકાય તે તાજુ જન્મેલું બાબલું પણ જાણે છે.)
આયોજનમાં અને વહીવટમાં સદા નિસ્ફળ ગયેલ પક્ષના નહેરુવંશી રાહુલ સામે મોદીનો કોઈ નંબર નથી એવો પણ મેસેજ છે.
નરેન્દ્ર મોદીને જો ૧૦૦ થી ૧૦૫ બેઠકો મળેતો …
મેસેજ એવો છે કે આતો જીત ગણાય જ નહીં. આ તો હારની બરાબર જ ગણાય. એટલે ભલે બીજે બીજેપી હારે પણ ગુજરાતમાં હાર્યો એટલે નરેન્દ ભાઈ કેન્દ્રમાંથી ગયા.
બીજો મેસેજ એવો કે ગુજરાતનું વિકાસ મોડેલ એક તૂત છે. અથવા વિકાસની વ્યાખ્યા બદલો. રાહુલ સામે નરેન્દ્ર મોદીનો કોઈ ક્લાસ જ નથી.
નરેન્દ્ર મોદી જો હારે તો? એટલે કે બહુમતિ ન મેળવી શકે તો?
મેસેજ એવો છે કે નરેન્દ્ર મોદી શૂન્ય છે. બીજેપી શૂન્ય બની જશે.
મુલાયમ નો પક્ષ પણ હારેલ. લાલુ યાદવ પણ હારેલ. નહેરુવીયન કોંગ્રેસ પણ હારેલ. અરે નહેરુવીયન કોંગ્રેસ તો દેશમાંના રાજ્યોમાં અને કેન્દ્રમાં પણ બે તૃતીયાંશ બહુમતિ થી જીતેલ અને ગુજરાતમાં તો ૧૬૨માંથી ૧૪૦ બેઠકો જીતેલ. પણ ઈન્દીરાની વહીવટી અણઆવડત અને કૌભાન્ડોને કારણે અરાજકતા ફેલાયેલી અને ઈન્દીરા ગાંધીએ સર્વક્ષેત્રીય નિસ્ફળતાના પ્રદર્શનરુપ કટોકટી લાદેલી. અને તેણી કટોકટીના ભારમાં દબાઈને તેના કાળા કરતુતોને કારણે ઘોર પરાજયને પામેલી.
આ બધામાંથી આજની તારીખે પણ કોંગી પક્ષ કશું શિખ્યો નથી અને શિખવાના કોઈ લક્ષણો નથી. પણ હે અખબારી મૂર્ધન્યો તમે જો તટસ્થ હો તો આ બધા સંદર્ભો વિસારે પાડી ન શકો.
શું તમારામાં તટસ્થતાના લક્ષણો છે?
નાજી.
સજ્જનેન લીલયા પ્રોક્તં શિલાલિખિતં અક્ષરં
દૂર્જનેન શપથેન પ્રોક્તં જલે લિખિતં અક્ષરં
સજ્જનનું રમતાં રમતાં બોલાયેલું વચન પણ શિલાલેખ જેવું, નાશ ન પામે તેવું હોય છે. દુર્જનનું પ્રતિજ્ઞા પૂર્વક બોલાયેલું વચન, પાણી ઉપર લખેલા અક્ષર જેવું હોય છે.
પહેલે પાને “૦” પેઇડન્યુઝનો ઘોષણાનો આડંબર છે.
પણ તેજ તારીખના તેજ અખબારના તેજ મૂર્ધન્યમંડળી સંપાદિત સમાચારોની હેડ લાઈનો કેવી છે?
કાર્ટુન જુઓઃ
નરેન્દ્ર મોદીએ કદી વડાપ્રધાન થવાની ઈચ્છા પ્રગટ કરી નથી. પણ બતાવવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદની સીડી ચડી રહ્યા છે. નરેન્દ્ર મોદી સામે એક પણ તપાસપંચ નથી અને એફ આઈ આર પણ નથી, તો પણ ગાંધીનગરમાં પૈસાનું મશીન બતાવવામાં આવ્યું છે.
યાદ કરો અને સમજી લો. કોઈ ગુજરાતી નેતા વડા પ્રધાન બને તે પરપ્રાંતના રાજકીય નેતાઓને પસંદ નથી. ગુજરાતી અખબારો અને ગુજરાતી પત્રકારિત્વ બેવકુફ છે. દરેક સીનીયર નેતાને વડા પ્રધાન થવાની ઈચ્છા હોય. મોરારજી દેસાઈને તેમની આવડત અને સીનીયોરીટીની રુએ વડાપ્રધાન થવાની ઈચ્છા હતી. આ કારણસર બધા અખબારો તેમને મજાકનું પાત્ર બનાવતા. ગુજ્જુ અખબારો પણ તેમાંથી બકાત ન હતા. નરેન્દ્ર મોદી આ બાબતમાં વધુ ચાલાક છે. નરેન્દ્ર મોદીએ કદી વડાપ્રધાન થવાની ઈચ્છા વ્યક્ત કરી નથી. પણ પ્રસાર માધ્યમો અત્યારથી જ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન થવાની મહત્વાકાંક્ષા સેવનારા નેતા તરીકે પ્રોજેક્ટ કરે છે અને આ વાતને ચગાવ્યા કરે છે, નરેન્દ્ર મોદી જો ભારતની પ્રજાના ભલાની વાત કરે કે તૂર્ત જ અખબારી મૂર્ધન્યો તે વાતમાં નરેન્દ્ર મોદીની વડાપ્રધાન પદ મેળવવાના પ્રયાસ તરીકે જોડી દે છે. આ રીતની અખબારી કવાયતથી અખબારી મૂર્ધન્યો બીજા પ્રાંતીય નેતાઓને ઉશ્કેરે છે. અને આ નેતાઓ યોજના બદ્ધરીતે નરેન્દ્ર મોદીના ટાંટીયા ખેંચીને નીચે પછાડવાની કવાયત કરે છે.
એવી હવા ફેલાવવામાં આવી છે કે ગુજરાતની ચૂંટણીનું જો જરાક પણ નબળું પરિણામ આવે તો નરેન્દ્ર મોદીનું માથું ઉતારી લેવામાં આવશે.
અખબારી મૂર્ધન્યોને એજ પાના ઉપર બીજું શું ઉલ્લેખનીય લાગ્યું?
નીતિન ગડકરી વિષે પ્રમાણભૂત રીતે શું ઉલ્લેખનીય લાગ્યું છે?
એજ કે તેમની ઉપર દશેરાના દિવસે જ શસ્ત્રો થી પ્રહારો થયા.
ગડકરી ઉપરના અક્ષેપોની બીજેપીની કાર્યવાહીને હળવી મજાકીયા શૈલીમાં વર્ણવાઈ છે. ગડકરીએ જો કે કોઈપણ તપાસ પંચ સામે ઉભા રહેવાની તૈયારી બતાવેલી છે. આ વાતનો રજમાત્ર પણ ઉલ્લેખ નથી.
તો પછી ઈન્દીરા ગાંધી ની “શાહ પંચ સામે ન અવવાની કાયરતા તો ક્યાંથી યાદ આવે?”
નહેરુએ જનસંઘને આરએસએસનું અનૌરસ સંતાન કહેલ તે બીજેપીને ભાંડાવામાં યાદ કરવામાં આવ્યું છે.
આરએસએસનું અનૌરસ સંતાન જો જનસંઘ હોય તો તે કેવી રીતે છે તેની ચર્ચા થવી જોઇએ. પણ ધત્ … આવું તો આપણા અખબારી મૂર્ધન્યોથી થાય જ કેમ?
જો આવું થાય તો નહેરુવીયન કોંગ્રેસ અને કેટલાક નહેરુવંશી સંતાનોની અનૌરસતા વિષે વધુ વિશ્વસનીયતાથી અથવા તો ઓછી અવિશ્વસનીયતાથી વિવાદો તરતા મુકી શકાય. જો તમે ૧૦૦ ટકા ઐતિહાસિક પહેલ માટે પોતાની પીઠ થાબડવા મગતા હો તો આ બધા મુદ્દાઓ કેમ વિસરી જાઓ છો?
બીજેપી વિરુદ્ધ અફવાઓ અને ગતકડાઓ પણ છે.
“અડવાણીએ જેમને સપોર્ટ કર્યો છે તેમની ખુરસી ગઈ છે”.
આવું ગતકડું રાહુલ વિષે નથી. ક્યાં ગઈ તમારી તટસ્થતા?
“ગડકરી વિષે સંઘનું મૌન.”
આ અફવાનો મેસેજ એ કે સંઘનો ગડકરીને સપોર્ટ નથી.
નહેરુવીયન ફરજંદોના કાયદા પ્રધાન ઉપરના આક્ષેપો વિષેના મૌનનું શું આ જ અર્થઘટન થશે? નાજી. તેમાં તો મૌનનું એ અર્થઘટન થશે કે સોનીયાનો સલમાન ખુર્સીદને પૂરો સપોર્ટ છે.
એક બીજી અફવા એ છે કે સંઘનો સપોર્ટ કેશુબાપાને છે. અને નાગપુરનો સપોર્ટ નરેન્દ્ર મોદી ને છે.
હવે સમજી લો કે જો આ અફવા એ અફવા ન હોય તો નરેન્દ્ર મોદી જરુર શૂન્ય બનશે. એટલે કે તેમની હાર નિશ્ચિત છે. પણ આવી આશા તો કોંગી નેતાઓ પણ નથી રાખતા. તો આવી અફવા ફેલાવવાનો હેતુ શો?
આવી તો આ અખબારના એજ તારીખના અંકમાં અનેક વિરોધાભાસી વાતો છે.
અરે ભાઈ આવી વાતો શા માટે યાદ કરાવો છો? ભાઈ આ અખબારી મૂર્ધન્યો ને તેમની રાક્ષસી માયા ફેલાવવા દો. જનતા તો બધું જ જાણે છે કે કોની વિશ્વસનીયતા કેટલી છે.
શિરીષ મોહનલાલ દવે
ટેગ્સઃ નરેન્દ્ર મોદી, અજેય નેતા, પેઈડ ન્યુઝ, અખબારી મૂર્ધન્યો, દાઢ સળકી, તંત્રીમંડળી, ૪૦૦ લાખ કરોડ, વિદેશી બેંકો, ગુજ્જુ નેતાઓ, પરપ્રાંતીય નેતાઓ, ટાંટીયા ખેંચ
Ref: This is in response to Divya Bhaskar URL http://www.divyabhaskar.co.in/article/ABH-impartial-and-without-fear-coverage-gujarat-election-3965522.html