અદ્વૈત એટલે શું?
સીધો સાદો અર્થ એ જ છે કે અદ્વૈત એટલે “બે નહીં”.
પણ વધુ વિસ્તૃત અર્થ છે. “બે પણ નહીં”
વધુ વિસ્તૃત અર્થ “એક અને માત્ર એક જ”.
“એક અને માત્ર એક જ” એટલે શું?
આ વિશ્વમાં ઘન, પ્રવાહી અને વાયુ સ્વરુપે ઘણા પદાર્થો દેખાય છે. આ બધા જ કોઈ એક મૂળભૂત કણના બનેલા છે. આ મૂળભૂત કણને એક જ ગુણ છે. આ ગુણ છે, આકર્ષણનો ગુણ. એટલે કે એક કણ બીજા કણને આકર્ષે છે. કોઈ કણને બે ગુણ ન હોઈ શકે. તેમ જ જુદા જુદા મૂળભૂતગુણ વાળા બે મૂળભૂત કણ ન હોઈ શકે.
જો આવું હોય તો અદ્વૈત નો સિદ્ધાંત તૂટી પડે છે. તેવી જ રીતે જો મૂળભૂત કણ ને બે ગુણ હોય તો? તો પણ અદ્વૈતનો સિદ્ધાંત તૂટી પડે છે.
ધારો કે એક કણ ને બે ગુણ હોય તો શું એમ ન કહી શકાય કે તે બે મૂળભૂતકણોના સમૂહનો બનેલો છે? હા કહેવાય તો ખરું પણ એક કણ જો બે મૂળભૂત કણો નો બનેલો હોય તો બે મૂળભૂત કણોના ગુણ જુદા જુદા હોવાથી તેમનું સાથે રહેવું શક્ય નથી.
પણ આપણે જોઇએ છીએ કે પદાર્થોમાં આકર્ષણ અને અપાકર્ષણનો પણ ગુણ હોય છે. તેનું શું?
વાસ્તવમાં આકર્ષણ અને અપાકર્ષણ એ ફક્ત મૂલ્યનો ફેર છે. એટલે કે એક ઘનાત્મક મૂલ્ય છે અને બીજું ઋણાત્મક મૂલ્ય છે. ઋણ અને ઘન એ સાપેક્ષ છે.
જેમ કે ત્રણ વ્યક્તિઓ એક કતારમાં હોય અને એક એક મીટરને અંતરે ઉભી હોય. જો વચલી વ્યક્તિને સંદર્ભમાં રાખીએ તો બીજીવ્યક્તિ તેનાથી (+૧ મીટર) દૂર કહેવાય અને ત્રીજી વ્યક્તિ તેનાથી (-૧) મીટર દૂર કહેવાય.
પણ આમાં અપાકર્ષણની વાત ક્યાં આવી?
ધારોકે આપણી પાસે એક જ જાતના ચાર મૂળભૂત કણો છે. બે કણો એકબીજાને અડોઅડ છે. આ અડોઅડ રહેલા કણો અને બાકીના બે કણો એક સેન્ટીમીટર ને એક લાઈનમાં છે. એટલે કે ‘અ૧‘….’અ૨‘….’અ૩‘.’અ૪‘.
હવે ‘અ૨‘ની ઉપર ‘અ૩‘.’અ૪‘ નું આકર્ષણ બળ છે. અને આ બળ ‘અ૧‘ ના કરતાં બમણું છે. એટલે ‘અ૨‘ કણ તો અ૩અ૪ની દીશામાં ગતિ કરશે. હવે જેઓ અ૩અ૪ને જોઈ શકતા નથી તેમને એમ લાગશે કે અ૧ અને અ૨ વચ્ચે અપાકર્ષણ છે. વાસ્તવમાં અ૧ અને અ૨ વચ્ચે તો આકર્ષણ જ છે. પણ અ૨ અને અ૩અ૪ની ગોઠવણ એવી છે કે આપણને અ૧ અને અ૨ વચ્ચે અપાકર્ષણ હોય એવું લાગે છે.
આ ફક્ત સમજવા માટેનો દાખલો જ છે. આ વાસ્તવિકતા નથી. આપણે આ દાખલાની સીમામાં જ આ સમજવાનું છે તે એ કે તેમની વચ્ચે રહેલી આંતરિક સ્થિતિ એવી છે કે જેની આપણને ખબર નથી તે છે.
આકર્ષણ એ શું છે? અને તે શા કારણે છે? શું કોઇ કણ ગુણ વગરનો હોઈ શકે?
કોઇ કણ ગુણ વગરનો ન હોઇ શકે. કારણ કે ગુણ હોય તો જ કણ અસ્તિત્વમાં છે. જેને ગુણ નથી તેનું અસ્તિત્વ પણ જાણી ન શકાય.
ગુણ શા કારણે છે?
એક કણ કલ્પો. આકર્ષણ એ એક બળ છે. બળ છે એટલે કે શક્તિ છે. શક્તિ નું માપ તેના ખુદના કંપન (ફ્રીક્વન્સી) ના મૂલ્ય ઉપર આધાર રાખે છે. એટલે કે કણ કંપન કરતો હોવો જોઇએ.
હવે જો આમ વિચારીએ તો કણના બે ગુણ થયા. એક કંપન અને બીજો આકર્ષણ. જો બે ગુણ હોય તો અદ્વૈત વાદનો સિદ્ધાંત ધ્વસ્ત થાય છે.
પણ વાસ્તવમાં એમ નથી. કંપન એ કણનો ગુણ છે. અને આકર્ષણ એ કંપનની અસર એટલે કે કંપનની અનુભૂતિ છે. એટલે કે એક કણના કંપનની બીજા કણને થતી અનુભૂતિ છે.
એવું વિચારવાની કે ધારી લેવાની શી જરુર કે મૂળભૂત કણ એક જ જાતનો હોઈ શકે? શા માટે મૂળભૂત કણ બે ન હોઈ શકે?
અચ્છા ચાલો, ધારી લઈએ કે બે જુદી જુદી જાતના મૂળ ભૂત કણો છે. હવે કણ માત્ર તેના ગુણથી ઓળખાય. જો બે કણ જુદા હોય પણ ગુણ એક જ હોય તો તે બે કણ એક જ છે, એમ સિદ્ધ થાય છે.
જો ગુણ બે કણના ગુણ જુદા જુદા હોય તો તે બંને કણો વચ્ચે સંવાદ એટલે કે ક્રિયા પ્રતિક્રિયા સંભવી ન શકે.
જેમકે, દાખલા ખાતર આપણે વિચારીએ;
બે વ્ય્ક્તિઓ છે. તેમની ભાષાઓ જુદી જુદી છે. બે વ્યક્તિઓ વચ્ચે જો ભાષાની સમાનતા ન હોય તો સંવાદ શક્ય ન બને. જો કે બે મનુષ્યો વચ્ચે બીજી ઘણી સમાનતા છે હોય છે કારણ કે મનુષ્યો એ મૂળભૂત કણ નથી. તેથી બે મનુષ્યો વચ્ચે બીજી રીતે પણ સંવાદ તો થઈ શકે.પણ આપણે ફક્ત એક ગુણના પરિપેક્ષ્યમાં વિચારીએ તો એક ગુણ બીજા ગુણથી સ્વતંત્ર હોવાથી બંને પદાર્થો વચ્ચે સંવાદ શક્ય નથી. તેથી કરીને બે અલગ અલગ પ્રકારના કણ વચ્ચે વ્યવહાર શક્ય નથી.
એટલે મૂળભૂત કણ ફક્ત એક જ પ્રકારનો હોઈ શકે. તે કણ તેના જેવા બીજા કણ સાથે જોડાઈ શકે. આ કણસમૂહ વળી બીજા કણ અને અથવા કણસમૂહ સાથે જોડાઈ ને બીજો કણ સમૂહ બનાવી શકે. આ બધા કણ સમૂહમાં મૂળભૂત કણો, સાપેક્ષે જુદી જુદી સ્થિતિમાં હોઈ જુદા જુદા ક્ષેત્રો બનાવી શકે.
દરેક કણ ને એક ક્ષેત્ર હોય છે. દરેક કણ કંપન કરતું હોય છે. કણસમૂહનું એક પરિણામી કંપન હોય છે અને તેનું પરિણામી ક્ષેત્ર પણ હોય છે.
આ કંપન એ શું છે? આ મૂળભૂત કણ કેવો છે? કંપનની અનુભૂતિ એ જો આકર્ષણ બળ હોય તો તે બીજા કણ ઉપર કેટલું અસર કરશે? આવા સવાલો ઉત્પન્ન થાય છે.
કંપનને લીધે બળ ઉત્પન્ન થાય છે. આ બળનું અસ્તિત્વ ત્યારે જ અભિવ્યક્ત થાય જ્યારે બીજો તેના જેવો કણ અસ્તિત્વ ધરાવતો હોય. જો કોઈ કણ એકલો જ હોય તો તે શૂન્ય છે. પણ આવું તો નથી. કોઈ પણ એક કણ એકલો હોતો નથી. બીજા અસંખ્ય તેના જેવા કણો હોય છે. તે સૌની વચ્ચે આકર્ષણ હોય છે. આ આકર્ષણ એક બળ તરીકે પ્રગટ થાય છે.
ભૌતિક શાસ્ત્ર કેવી રીતે આગળ વધ્યું?
આપણે વિશ્વમાં એક જ બળ જોતા નથી. આપણે તો ઘણા બળો જોઇએ છીએ. અને દરેક બળના માપદંડ અને સમીકરણો જુદા જુદા હોય છે. આવું શા માટે? જો આકર્ષણ એ એક જ બળ હોય તો સમીકરણ પણ એક જ હોવું જોઇએ.
આ સમસ્યાવાળો પ્રશ્ન આલ્બર્ટ આઈનસ્ટાઇનને ઉદભવ્યો હતો. એ પહેલાંના વૈજ્ઞાનિકોને, વિશ્વના પરિપેક્ષ્યમાં આવો પ્રશ્ન ઉદભવી શકે તેવી સમજ જ ન હતી. ૧૮૯૦ સુધી એમ જ માનવામાં આવતું હતું કે વિશ્વ ૯૨ તત્વોનુંજેમકે હાઈડ્રોજન, હેલીયમ, ઓક્સીજન, નાઇટ્રોજન, કાર્બન, લોખંડ, જસત, ત્રાંબુ, વિગેરે મૂળભૂત તત્વોનું બનેલું છે. જે કંઈ દેખાય છે તે કાં તો આ તત્વો છે અથવા તો તેમના સંયોજનો કે મિશ્રણો છે.
પછી થોમસને શોધ્યું કે ઉપરોક્ત તત્વો એ મૂળભૂત તત્વો નથી. તેઓ પણ તેથી વધુ ઝીણા મૂળભૂત તત્વોના બનેલા છે.
કાળક્રમે ઈલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન વિગેરે શોધાયા.
ઈલેક્ટ્રોન અને પ્રોટોન ઋણ અને ધન વિજાણુઓ ગણાયા. કારણ કે તેઓ વિજબળ ધરાવતા હતા.
વિજબળ ગતિમાં હોય તો તેને લંબ દીશામાં ચૂંબકત્વનું બળ ઉત્પન્ન થાય છે.તેવીજ રીતે ચૂંબકત્વના ક્ષેત્રમાં ફેર થવાથી વિજક્ષેત્ર ઉત્પન્ન થાય છે.
ગુરુત્વાકર્ષણનું બળ ન્યુટને શોધ્યું હતું.
ઉપરોક્ત ૯૨ કે ૧૦૮ તત્વોપોતે મૂળભૂત નથી, પણ તેઓ ઈલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, પાયોન, મેસોન, વિગેરેના બનેલા હોય છે. કોઈ એક તત્વની અંદર રહેલા ઈલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનને, આ તત્વની અંદર તેમને એકબીજા સાથે કોણ જોડી રાખે છે?
આ જોડી રાખનારા બળને સ્ટ્રોંગ બળ નામ આપવામાં આવ્યું.
રેડીયો એક્ટીવ પદાર્થ શોધાયો અને તેમાંથી નીકળતા આલ્ફા, બીટા અને ગામા કિરણો શોધાયા તો પ્રશ્ન થયો કે આ અત્યાર સુધી આ કણો અણુ/પરમાણુની અંદર કેવીરીતે અને કયા બળથી જોડાયેલા હતા? આ બળને વિક (નબળું) બળ નામ આપવામાં આવ્યું.
તો જુદા જુદા કેટલા બળ થયા?
ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુતચૂંબકીય બળ, પરમાણુના ઘટકોને જોડીરાખતું સ્ટ્રોંગ બળ, અને રેડીયોએક્ટીવ વીક બળ.
આઈન્સ્ટાઇનને સવાલ થયો કે આટલા બધા મૂળભૂત તત્વો અને આટલા બધા બળો ન હોઈ શકે. વિશ્વની રચનાના મૂળભૂત સિદ્ધાંતો સરળ હોવા જોઇએ.
આ દરમ્યાન બીજા ઘણા ક્રાંતિકારી આવિષ્કારો થઈ ગયેલા.
જેમકે પ્રકાશ એ અદૃષ્ટ તરંગ નથી પણ, કણ પણ છે.
તે ઉર્જાના કંપનોનું પડીકું છે. અને કંપન હોવાથી તેમાં શક્તિ છે.
શક્તિ (ઉર્જા) અને દળ એ આમ તો એક જ છે. એક બીજામાં પરિવર્તિત કરી શકાય છે.
આ શક્તિની(ઉર્જાની) ઝડપ (વેગ) અચળ છે. એટલે કે ધારોકે તેની ગતિ ત્રણ લાખ કિલોમીટર પ્રતિ સેકંડ છેઅને તમે સુપરસોનિક વિમાનમાં બેસીને પાછળના પ્રકાશ સ્રોત ના પ્રકાશની ઝડપ માપો તો તેપણ ત્રણ લાખ કિલોમીટર પ્રતિ સેકંડ છે અને તમારી આગળના સ્રોતમાંથી નિકળતા પ્રકાશની ગતિ માપો તો તે પણ ત્રણ લાખ કિલોમીટર પ્રતિ સેકંડ છે. એટલે કે તમે પ્રકાશના સ્રોતની સામે ગમેતેટલા પૂર જોસમાં જાઓ કે તેનાથી ઉંધી દીશામાં ગમે તેટલા પુરજોશમાં જાઓ અને પ્રકાશવેગ માપશો તો તે ત્રણ લાખ કિલોમીટર પ્રતિ સેકંડ જ થશે.એટલે કે તે અચળ છે.
ધારોકે પૂર્વથી પશ્ચિમ એવા એક રસ્તા ઉપર બે કાર છે. એક કાર પૂર્વ દીશામાં ૫૦ કીલોમીટરની ઝડપે જાય છે. બીજી તેની પાછળ ૪૦ કીલો મીટર ની ઝડપે આવે છે. તો પહેલી કાર વાળાને પાછળની કારની ઝડપ ૧૦કીલો મીટરની જણાશે. એટલે કે ૫૦-૪૦=૧૦.
હવે જો પાછળની કાર પોતાની દીશા ઉલ્ટાવી દેશે તો પહેલી કારને બીજી કાર ૫૦+૪૦=૯૦ કીલોમીટર ની ઝડપથી જતી જણાશે.
પણ હવે ધારોકે બીજી કાર એ પ્રકાશ છે. તો પહેલી કારને તે બંને સંજોગોમાં બીજી કારની (જે પ્રકાશ છે) ઝડપ ત્રણ લાખ કિલોમીટર પ્રતિ સેકંડ જ જણાશે.
બીજા ઘણા આવિષ્કારો થયા. જેમકે વેગ વધવાથી વેગની દીશામાં લંબાઈ ઘટે છે. વેગવધવાથી પદાર્થનું દળ વધે છે. વેગ વધવાથી સમય ધીમો પડે છે. ઉર્જા એ દળને સમકક્ષ છે.
હવે જ્યારે આવું બધું થાય ત્યારે ન્યુટને સ્થાપિતકરેલા ગતિ અને ઉર્જાના સમીકરણો નકામા બને છે.
તો પછી સાચાં સમીકરણો કયા છે.
જે કંઈ બધું થાય છે તે અવકાશમાં થાય છે. પૃથ્વી, ચંદ્ર, સૂર્ય, ગ્રહો અને તારાઓ બધું આકાશમાં છે. આકાશમાં આખું વિશ્વ છે. પૃથ્વી ઉપરની ગતિઓ પણ એક રીતે વિશ્વમાં આવી જાય.
બે પદાર્થ વચ્ચે અવકાશ રહેલું હોય છે. એટલે બે પદાર્થ વચ્ચે જે અવકાશ હોય છે ત્યાં બળનું ક્ષેત્ર હોય છે એમ કહી શકાય. હવે જો બળ ચાર જાતના હોય તો ક્ષેત્ર પણ ચાર જાતના થયા. તેના સમીકરણો પણ ચાર જાતના થાય. પણ મૂળભૂત પદાર્થ જો એક જ હોય તો ક્ષેત્રનું સમીકરણ પણ એક જ હોવું જોઇએ. તો એવું સમીકરણ બનાવો કે જે આ ચારે ક્ષેત્રોને સાંકળી શકે.
આ ચારે ક્ષેત્રોને કેવી રીતે સાંકળી શકાય? આ પ્રમેય અથવા સિદ્ધાંતને “યુનીફાઈડ ફીલ્ડ થીએરી” કહેવાય છે. આવી થીએરીની શોધ માટે આલ્બર્ટ આઈનસ્ટાઇને ભલામણ કરી અને મથામણ પણ કરી. આલ્બર્ટ આઈન્સ્ટાઈને તેમની પાછળની જીંદગી એમાં ખર્ચી નાખી.
આઈનસ્ટાઇનના સમયમાં બ્હોરનું એટોમીક મોડેલ (બ્હોરનામના વૈજ્ઞાનિકે પ્રબોધેલો પરમાણું સંરચનાનો નમૂનો પ્રસ્થાપિત અને પ્રચલિત હતો. તેનાથી પ્રકાશ અને વિદ્યુતચૂંબકીય તરંગો અને કંપનો અને તેમાં રહેલી ઉર્જા સમજી શકાતી હતી. પણ વૈજ્ઞાનિકોને લાગતું હતું કે તેઓ “યુનીફાઈડ ફીલ્ડ થીએરી” ના આવિષ્કારથી ઘણા દૂર છે.
(ચાલુ)
શિરીષ મોહનલાલ દવે
Leave a Reply