Feeds:
Posts
Comments

Archive for February, 2013

શું દેશને બદલવો છે? ગાંધીજી એ રસ્તો તો બતાવ્યો છે

પણ આપણે કેટલા તૈયાર છીએ ગાંધીજીને સમજવા માટે?

તાત્કાલિક ઉપાય જરુરી હતોઃ

ગાંધીજીના વખતમાં દેશની ૮૫ ટકા તેથી પણ વધુ વસ્તી ગામડામાં વસતી હતી. જમીનદારી અને જાગીરદારી પ્રચલિત હતી. લગભગ બધાજ ગરીબ હતા. સરકારી નોકરીઓ નહીં જેવી હતી. લાંચ રુસ્વત તે વખતે પણ હતી. ઉદ્યોગો નહીંવત હતા. ભણેલા પણ વર્ષો સુધી બેકાર રહેતા હતા.  તેથી ભણતર પણ ઓછું હતું. જીવન સાદું હતું. પણ જ્ઞાતિવાદ હતો અને તેના નીતિ નિયમોને કારણે કંકાસ ઓછા હતા. રાજવાડાઓમાં કેટલાક રાજા અત્યાચારો કરતા પણ પ્રમાણ ઓછું હતું. રાજવાડાઓમાં ચોરી ચપાટી અને દંગાઓ ઉપર અંકુશ સારો હતો.

કુદરતી આફતો વખતે લોકો લાખોની સંખ્યામાં મરતા. કારણ કે ચિકિત્સા ક્ષેત્ર એટલું વિકસિત ન હતું અને પ્રચલિત પણ નહતું. બાળમરણ ઘણું હતું તેથી વસ્તીવધારાનો પ્રશ્ન ન હતો.

આવા સંજોગોમાં તાત્કાલિક અસરકારક ઉપાય એજ હતો કે ગામડાઓ ગૃહ ઉદ્યોગો દ્વારા સ્વાવલંબી બને જેથી દરેકને રોજી મળે. યંત્રો સાદા હોય જેથી ઓછું ભણેલા પણ તેનું સમારકામ કરી શકે. ગાંધીજીએ વ્યક્તિગત શ્રમને ઘટાડનાર અને બીજાને બેકાર ન કરનાર યંત્રોનો વિરોધ કર્યો ન હતો. આનું ઉદાહરણ સીલાઈ મશીન છે.  તેઓ માળખાકીય વિકાસ કામોના વિરોધી ન હતા. તેઓ એપ્રોપ્રીએટ ટેક્નોલોજીમાં માનતા હતા. સગવડો જો બધાને જ મળતી હોય તો તેઓ સગવડોના વિરોધી ન હતા.

માનવશક્તિના સંશાધનોનો યથા યોગ્ય ઉપયોગ થાય અને માનવીય મન બગડે નહીં તેવી ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા એવી ગોઠવાય કે જેથી શોષણ અને માનવીય મૂલ્યોને નુકશાન ન પહોંચે. આવું ગાંધીજી માનતા હતા. તે સમયે જે પરિસ્થિતિ હતી અને તેના ઝડપી નિવારણ માટે અને તેને અનુલક્ષીને તેમણે સૂચનો કરેલ.

હવે જો આપણા જે એલ નહેરુ માનવીય અભિગમો અને માનવીના મનને અવગણીને વિકાસ સાધવાનો પ્રયત્ન કરે તો વિકાસ તો પ્રમાણમાં ઓછો થાય પણ દુરાચાર વધુ થાય. જેમનું મન યોગ્યરીતે શિક્ષિત નથી અને જે વ્યક્તિઓ જે હોદ્દાને અને કામને લાયક નથી તેઓ ને એવા હોદ્દા, કામ અને સત્તાઓ આપવામાં આવે અને તેમની ઉપર નીગરાની રાખવાવાળા પ્રજાના પ્રતિનીધિઓ નીગરાની રાખવાને બદલે પૈસાને જોરે ચૂંટાઈ આવેલા હોવાથી ભ્રષ્ટ થાય તો દુરાચારો જ ફેલાય. ઉત્પાદનના અને વિતરણનું કેન્દ્રીકરણ કરણ અને અપારદર્ષિતા એ બધાનો સમન્વય દેશને અરાજકતાના રસ્તે જ લઈ જાય.

ગાંધીજીએ કહેલ જ કે હું કાપડની મીલોનો નાશ કરવાની વાત કરતો નથી પણ જો કાપડની મીલો તેમના દુરાચારોને કારણે બંધ પડે તો સ્વદેશી સરકાર તેને મદદ કરવા આવશે નહીં. આ વાત તેમણે એવે સમયે કરેલી કે જ્યારે મીલો ધૂમ કમાણી કરતી હતી. મીલો બંધ પડી શકે તેવી કલ્પના તે વખતના મૂડીવાદી મહાન અર્થશાસ્ત્રીઓ પણ કરી શકતા ન હતા.

અપાત્રે સત્તા એટલે લૂંટો અને લૂંટવા દોઃ

અને તમે જુઓ શું થયું? સ્વતંત્ર ભારતના નહેરુવીયન કોંગ્રેસના નિર્વિરોધ શાસના પહેલા દશકાના અંત ભાગથી જ મીલો બંધ પડવા લાગી. આ સરકારે આ સમસ્યા એવી તો ટલ્લે ચડાવી કે અગણિત કામદારો પાયમાલ થયા. માલિકો અને સરકારી નોકરો મલાઈ ખાઈ  ગયા.         

મહાત્મા ગાંધીએ કહેલું કે ભિખારીઓ અને કરોડપતિઓ એક જ રોગના બે ચાંદાઓ છે. એટલે જ એક વ્યક્તિ પાસે મહેલ જેવા રહેણાક/રહેણાકો હોય છે જે કાયદેસર રીતે હોય છે, જ્યારે બીજો વ્યક્તિ ઝોંપડપટ્ટીમાં રહેતો હોય છે અને તે પણ ગેરકાયદેસર રીતે રહેતો હોય. આવી પરિસ્થિતિ શા માટે છે?

આપણે સૌ કબુલ કરીશું કે હાલની પરિસ્થિતિ આમૂલ પરિવર્તન માગી રહી છે. આના ઉકેલ માટે જુદાજુદા ઉપાયો સૂચવવામાં આવે છે.

એક સૂચન એ છે કે ઉત્પાદન વધવું જોઈએ.* એટલેકે કારખાનાઓમાં ઉત્પાદન વધારવું જોઇએ, વધુ મોટા કારખાનાઓને વિકસાવીને કારખાનાઓમાં પાળીઓ વધારીને ઉત્પાદન વધારી શકાય છે. ઉત્પન્ન થયેલ માલને વધુ જગ્યાએ પહોંચાડીને, અને વપરાશને વધારીને ઉત્પાદનનો નિકાલ કરી શકાય છે.

માલ પેદા થવો અને તેને વાપરનાર સુધી પહોંચાડવો, એ બંને ક્રિયાઓમાં, માલિકો, પ્રબંધકો અને શ્રમ જીવીઓ સંકળાયેલા છે.  જો કે તેની ઉપર નીગરાની રાખનારા (સરકારી કર્મચારીઓને) અને પ્રણાલીને નિયમનમાં રાખવા માટે નિયમો ઘડનારા કર્મચારીઓ ઉપર નીગરાની રાખનારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને હાલતૂર્ત ન ગણીએ તો ઉપરોક્ત. ત્રણેયના જીવનધોરણ સમાન નથી. સુવિધાઓ ભોગવવાની આકાંક્ષાઓ અને બીજી આકાંક્ષાઓ સમાનપણે વિકસી રહી હોય છે. આ આકંક્ષાઓ સમાન પણ બનતી જશે. આથી કરીને તેઓ વચ્ચે ઘર્ષણ ચાલે છે. પગારદારોને વધુ પગાર જોઇએ છે. માલિકોને તેમનું જીવનધોરણ નીચું લાવવું હોતું નથી, બલ્કે વધુ સુવિધાઓ અને વધુ સારી સુવિધાઓ ભગવવી હોય છે. આ માટે ઉત્પન્ન થયેલ માલની કિંમત વધારવી પડે છે. માલની કિમત વધારવામાં બીજાં ઘણાં પરિબળો પણ ભાગ ભજવે છે. પરિસ્થિતિ જ આવી રાખવામાં આવી હોવાથી એક યા બીજા કારણોસર ભાવ વધે છે.

ઉત્પાદન અને વહેંચણીનું આખું માળખું જ એવું એવું ચેઈન એક્સન જેવું છે કે કોઈપણ એક કડી નબળી પડે કે તૂટી જાય તો માલની અછત ઉત્પન્ન થાય અને સ્વિકારી લીધેલા સિદ્ધાંત પ્રમાણે વળી પાછો ભાવ વધારો થાય છે. આ આખી વ્યવસ્થા એવું વાતાવરણ સરજે છે કે જેમાં કોઈ પોતાની જવાબદારી જોતું નથી અને બીજાને નીતિમાન થવાનું કહેવામાં આવે છે.

કેટલાક એમ પણ કહે છે કે સમાજને અનીતિમાન કરવા માટે હાલનું શિક્ષણ જવાબદાર છે. માટે શિક્ષણના માળખામાં ફેરફાર કરવો જોઇએ.

ચોક્કસ રીતે શિક્ષણ તો ખામી યુક્ત છે, કારણ કે તે સ્વાવલંબી નાગરીકો ઉત્પન્ન કરતું નથી. પણ સમાજની નીતિમત્તા તો સમાજમાં ઉત્પાદન અને વિતરણની પ્ર્ણાલી જ ઘડે છે. જો દોષયુક્ત પ્રણાલી હોય તો સમાજ દોષવાળો જ હોય. એવું અન્ન તેવો ઓડકાર.

વધુ જાતની વસ્તુઓ અને વસ્તુઓના વધુ જથ્થાઓ માટે વધુ કારખાનાઓ કરવા, ચાલુ કારખાનાઓને વધુ મોટા કરવા, વધુ મજુરોને રોજગારી આપવી, માલને દૂરદૂર સુધી પહોંચાડવો, તે માટે વધુ વાહકો, વધુ રસ્તાઓ, વધુ લાંબા, વધુ પહોળા બનાવવા વિગેરે વિગેરે થી કદાચ લાંબે ગાળે ભારતમાં ભૂખમરો અને બેકારી નાબુદ થાય પણ ખરી, પણ સમાજમાં અસમાનતા અને બીજા દુષણો રહે છે જ. એટલું જ નહીં વધુ વિકસે છે અને વધુ બળવત્તર બને છે. આ ગાંધીજીના સ્વપ્નનું ભારત નથી.

એક વખત એક ખાદી ગ્રામોદ્યોગ કાર્યકરે ગાંધીજીને જણાવ્યું કે આ વખતે તેમના કેન્દ્રે ગયાવર્ષની સરખામણીમાં આટલી વધુ ખાદી ઉત્પન્ન કરી અને આટલી વધુ ખાદી વેચી. ત્યારે ગાંધીજીએ તેમને જણાવ્યું કે તમે કેટલી ખાદી ઉત્પન્ન કરી અને કેટલી ખાદી વેચી તેમાં મને રસ નથી. પણ તમે કેટલાં ગામડાને ખાદી પહેરતાં કર્યાં તે તમે મને કહો. જો તમે એક ગામને પણ ખાદી પહેરતું કરી સ્વાવલંબી કર્યું હશે તો હું ખુશ થઈશ.

ખાદી અને ગ્રામોદ્યોગ, એ ઉત્પાદનનું વિઘટીકરણ નથી. ગાંધીજીની આદૃષ્ટિ ન હતી. ખાદી અને ગ્રામોદ્યોગોને ગાંધીજી વિકેન્દ્રીકરણ અને સ્વાવલંબનનું સ્વરુપ આપવા માગતા હતા. આ વાત સદંતર વિસરાઇ ગઈ છે. આપણી કાર્ય પદ્ધતિઓ આમ જ કહે છે.

દેશમાં ખૂબ માલ ઉત્પન્ન કરવો અને ખપાવી દેવો તે મહત્વનું નથી. પણ આપણે માલ કેવી રીતે ઉત્પન્ન કરીએ છીએ અને કેવીરીતે વહેંચીએ છીએ તે વસ્તુ મહત્વની છે. અને આજ વસ્તુ રાષ્ટ્રના ચારિત્ર્યનું નિર્માણ કરે છે.

ગાંધીજીના સ્વપ્નનું ગામ એક સંપૂર્ણ પ્રજાસત્તાક છે. તે પોતાની મહત્વની જરુરીયાતો માટે પાડોશના ગામોથી સ્વતંત્ર હશે. તે પોતાની જરુરીયાત જેટલું ધાન, કાપડ માટેનો કપાસ જાતે જ ઉગાડશે. પોતાના ઢોરને ચરવા માટે, બાળકોને રમતગમત માટે અને મોટેરાઓને આનંદ પ્રમોદ માટે જમીન અલગ રાખશે. તે પછી જ ગામ પાસે ફાજલ જમીન હશે તો તેમાં ઉપયોગી બજારમાં વેચી શકાય તેવો પાક લેશે. ગાંજો, તમાકુ, અફીણ, વિગેરે જેવા પાકો નહીં જલે. દરેક ગામને પોતાનું નાટકઘર, પોતાની નિશાળ, સભાગૃહ, નભાવશે. પાયાની કેળવણીના છેવટના ધોરણ સુધીની કેળવણી ફરજીયાત રહેશે. બની શકે ત્યાં સુધી દરેક પ્રવૃત્તિ સહકારી પદ્ધતિના સિદ્ધાંતો પ્રમાણે ચાલશે. ચડતી ઉતરતી શ્રેણીઓવાળી જ્ઞાતિવ્યવસ્થા ત્યાં નહીં હોય. ગામની ચોકી માટે વારાપ્રમાણે ચોકિયાતો પસંદ કરવામાં આવશે. ગામને ધારાસભા હશે. સર્વ નિર્ણયો સર્વસંમતિથી લેવાશે. પોતાના ગામના અને તેની આબરુના રક્ષણને સારુ, દરેક ગ્રામવાસી મરણને ભેટવા તૈયાર હોય એ નિયમથી બધા ગ્રામવાસી બંધાયેલા હશે. ઉદ્યોગને કેળવણીથી જુદો ગણવામાં આવશે નહીં. ગાંધીજીના ગામડાની આ રુપરેખા છે.

ગાંધીજીના સ્વપ્નના ભારતમાં ઉપરોક્ત પ્રકારના ગામડાઓ હશે. હાલના ગમડાઓ આનાથી ઘણા ભીન્ન છે. હાલના ગામડાઓને સુધારવા પડે. તે માટે તેમને સ્વાવલંબી બનાવવા પડે. ગામે સૌ પ્રથમ પોતાની જરુરીયાતો જ ઉત્પન્ન કરવી પડે. આમાં સ્થાપિત હિતો અચૂક આડા આવે. આ નિવારવા ઘણા પ્રયત્નો થયા છે. પણ સફળતા મળી નથી. સ્વાવલંબન વગરનું શિક્ષણ મોંઘું પડે છે. સ્વાવલંબનહીન શિક્ષણ બેકારી દૂર કરી શકતું નથી. ગામડાઓમાં સુવિધાઓ વધતી નથી. ગામડામાં જે કંઈ ઉત્પન્ન થાય છે તેનું ફળ ગણ્યાગાંઠ્યાને મળે છે. બાકીના ગરીબ રહે છે. જેઓ ગરીબ છે તેમની પાસે જમીન નથી. અને જો જમીન હોય તો તેને તેઓ સાચવી શકતા નથી. તેઓ સેવેલી આશાઓની નિસ્ફળતાઓમાં જીવે છે. તેઓને એક યા બીજા પ્રકારની શોષણખોરોની વચ્ચે જ જીવવાનું હોય છે. તેઓ પોતાની જાતને રાજકારણીઓ, અમલદારો, સ્થાપિત હિતો અને સામાજીકવાડાની બદીઓ અને તેમાંથી નિપજતા અહંકારોથી પોતાને બચાવી શકતા નથી અને ટકી શકતા નથી.

જમીન માલિકો અને ઉદ્યોગપતિઓ, યંત્રોનો  ઉપયોગ કરીને મજુરોને શોષી શકે છે. તેઓ મજિરોવગર ભૂખે મરવા બેસતા નથી. જો મજુરો કામ બંધ કરી દેતો, મજુરોને જ ભૂખે મરવાનો વારો આવે છે. પરાવલંબી મજુરો તેમના માલિકસામે શુદ્ધ લડત આપી શકતા નથી અને ટકી પણ શકતા નથી. માલિકોને સરકારની મદદ અને પીઠબળ હોય છે જ. કારખાનુ બંધ થવા થી માલિકો રસ્તે રખડતા થઈ જતા નથી. હાલની વિસંવાદી અને વિષયી પરિસ્થિતિમાં માલિક અને મજુર વચ્ચે તંદુરસ્ત સ્થાઈ અને વ્યાપક સંબંધો સ્થાપવા અત્યંત કઠીન લાગે છે.

આ બધાનો વિકલ્પ સર્વોદય ગ્રામ/નગર હોઇ શકે?

સર્વોદયગ્રામ, હાલના ગામડાઓથી અલગ હશે. તે વસાવવામાં આવ્યું હશે. તે સ્વાવલંબી હશે. તેમાં કોઈ નોકર નહીં હોય. કોઇને નોકરીએ રાખવાનો કોઇને અધિકાર નહીં હોય. ગ્રામવાસી કાર્યદ્વારા પોતે ગામની સેવા કરી રહ્યો છે એમ સમજશે અને માનશે. ગામ પોતે, તેનાગ્રામવાસીઓને જીવન જરુરીયાતો પૂરી પાડીને તેમની સેવા કરશે. ગામમાં બદલાની ભાવનાથી કોઈ કામ થશે નહીં.

સર્વોદય ગ્રામની વ્યાખ્યાઓ અને ધ્યેયઃ

શોષણ વિહીનતાઃ એકના માનવીય હિતનો ભોગ લેવાય તો તેનામાં અન્યાય થયાની ભાવના ઉત્પન્ન થાય. શોષણના મૂળમાં માનવીય હિતોની અવગણના હોય છે. સૌને પુરતું કામ મળી રહે અને કુટુંબ સ્વમાનભેર જીવી શકે તે જરુરી છે. કામને અંતે આરામ પણ મળવો જોઇએ. ભવિષ્ય માટેની નિશ્ચિંતતા હશે. વધુ જ્ઞાન માટેના રસ્તા ખુલ્લા હશે.

સ્વાવલંબન 

            અન્ન વસ્ત્ર અને રહેઠાણની બાબતમાં મોટાભાગની ચીજો ગામમાં ઉત્પન્ન થવી જોઇએ. કમસે કમ અન્ન અને વસ્ત્રની બાબતમાં આમ હોવું જોઇએ. ચૂનો, સીમેન્ટ અને લોખંડ ગામમાં ઉત્પન્ન ન કરી શકાય. તે વાત સમજી શકાય છે. આમ તો જો કુટીર ટાઈપ વનસ્પતીજન્ય છાપરા, ઈંટ અને ગારાના મકાન બનાવો તો આ શક્ય છે. પણ જો બહુમાળી મકાનો ન બનાવીએ તો જમીનનો વ્યય થાય અને ખેતીમાટે જમીન ઓછી રહે. જોકે કેટલાક ગાંધીવાદીઓ માને છે કે માણસને રહેવા માટે પૃથ્વી ઉપર પૂરતી જમીન ઉપલબ્ધ છે. પણ આપણે પૃથ્વીને એકમ તરીકે ન લઈ શકીએ. ભારતમાં અને તેના રાજ્યોમાં જમીન ઓછી છે અને જો ગરીબી કાયમ રહેવાની ન હોય તો, જેઓ ભૂખ્યા સૂઈ જાય છે તેમને કામ આપીશું અને તેમને વ્યવસ્થિત આનંદ પૂર્વક જીવવાની તકો આપીશું તો તેઓ માટે વધુ અનાજની જરુર પડશે. અને તેથી જમીનનો યોગ્ય રીતે ઉપયોગ કરવો પડશે. હાલનો અનાજનો ભરાવો અને સડો, ગરીબોનો ભૂખમરો એ વાસ્તવમાં સરકારની નીતિ ની સાથે સાથે ચૂંટાયેલા સત્તાધારી પ્રતિનીધિઓ અને ભ્રષ્ટ અમલદારોની મીલીભગત છે.

સમાનતાઃ

ગામમાં સહુ સમાન ગણાશે. સહુને સરખી સગવડો મળશે. કોઈ કોઈને નોકર તરીકે રાખશે નહીં. જે કામ મોટા પાયે અને બહારની એજન્સીઓ પાસેથી કરાવવાના હશે તે સૌ કામો કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટથી કરાવવા પડશે. જો કે આવા કામો રાજ્યની સરકાર કરાવી શકશે અથવા ગ્રામ સભા સાથે મસલત કરી નક્કી કરી શકશે.

વર્ગવિગ્રહ હીનતાઃ કોઈપણ કામને નાનું કે મોટું સમજવામાં આવશે નહીં. સહુને સરખી સગવડો મળશે જે તેમના કામને અનુકુળ હોય. વ્યક્તિ કામ કરીને ગામની સેવા કરી છે તેમ માનશે. તેવી જ રીતે ગામ તેની જરુરીયાતો પૂરી કરીને અને નિશ્ચિંતતા બક્ષીને તેની સેવા કરશે.

સહયોગ, સહકાર અને સેવા પરાયણતાઃ

કોઈ બીજાને નોકર રાખી શકતું નહીં હોવાથી, જુદા જુદા ઉત્પાદન કામની વ્યવસ્થા એવી રીતે ગોઠવવામાં આવશે કે જેથી કામમાં પોતા પણું રાખી શકાય અને છતાં કામ સહયોગથી થાય. ખેતીની જુદી જુદી મોસમોમાં, અકૃષકો પણ કૃષકોને મદદ કરશે. ખેતી અને બીજાં ઉત્પાદનો માટે આયોજન કરવામાં આવશે. દરેકને સરખી રીતે વૈવિધ્યતા મળશે. વ્યક્તિની મુશ્કેલીમાં સહુ પ્રેમ રાખશે અને સેવાપરાયણતાથી મદદ કરશે.

સાદગીઃ

દેશની મોટાભાગની જનતા જ્યારે ગરીબીમાં સબડતી હોય ત્યારે ગ્રામવાસીઓ અવગણી શકાય તેવી સુવિધાઓથી દૂર રહેશે. જે સગવડો સમાનતાથી મળતી હશે તેનાથી ગ્રામવાસીઓ સંતુષ્ટ રહેશે.

વૈજ્ઞાનિક અભિગમઃ

ધર્મને આત્મસુધારણા અને સેવાપરાયતાનું સાધન માનવામાં આવ્શે. સામાજીક રીતરીવાજોમાં ઉપયોગીતા જોવામાં આવશે. તેવા સંદર્ભમાં પાળાવામાં આવશે. ઉત્પાદનમાં શોષણ કરાવનાર અને કુદરતી ચક્રને તોડતાં યંત્રોનો ઉપયોગ ન છૂટકે જ અને ખાસ સંજોગોમાં કરવામાં આવશે. મનુષ્યના શ્રમને ઘટાડનાર અને જ્ઞાનની ક્ષિતીજોને વિસ્તારનાર યંત્ર અને સાધનોનો ઉપયોગ થશે.

બહારની દુનિયા સાથે સંબંધ જાળવી રખાશે. અધ્યયન મંડળ તેની ચર્ચા કરશે.

અનિરક્ષરતાઃ

ગામમાં દરેકને લખતા વાંચતા આવડતું હશે. ગામમાં વાચનાલય અને ગ્રામ પત્રિકા હશે. આનો લાભલેવા સૌને ઉત્તેજવામાં આવ્શે. સહુને દરેક કામનું સામાન્ય જ્ઞાન હશે. સૌ પોતાના કામમાં હોંશીયાર હશે.

સભાનતાઃ

દુનિયાના બનાવો અને પ્રશ્નોથી સહુ માહિતગાર હશે જે કામ કરશે તે સમજ પૂર્વક કરશે. પોતાના ગામના વિકાસ, પ્રશ્નો, અને ભય સ્થાનોથી પૂરા સભાન હશે.

ગૌરવપ્રદતાઃ

પોતાને બીજા ગામના માણસોથી હીન કે ઉચ્ચ માનશે નહીં. પોતે જે કામ કરે છે તે પોતાના ગામ અને દેશમાટે કરેછે તેનો સતત ખ્યાલ રાખશે. પોતે અને પોતાનું ગામ કોઈ વિષચક્રમાં ન ફસાય તેનું હમેશા ધ્યાન અને ગૌરવ રાખશે.

દેશાભિમાનઃ

દુનિયાની ઘણીય મોટી સંસ્કૃતિઓ, કાળના ખપ્પરમાં હોમાઈ ગઈ, પણ ભારતીય સંસ્કતિ તેના મૂળભૂત મૂલ્યોને યાદ રાખતી અને જાળવતી હજુ પણ ટકી રહી છે. ભારતીય સંસ્કૃતિમાં જે કંઈ નાના મોટા દુષણો કાળક્રમે ઘુસીગયા હોય તેમ લાગે તો તેને દૂર કરી વધુ સમૃદ્ધ સંસ્કૃતિ તરફ જવાની ભાવના સાથે કામ કરવામાં આવશે. ગામની કમાણીનો ઉપયોગ પોતાની અવાંચ્છિત સગવડો વધારવામાં નહીં પણ નવા સર્વોદય ગ્રામ/નગર બનાવવામાં કરવામાં આવશે.

કુદરતી જીવન અને પૌષ્ટિક આહારઃ

એવી આદતો પોષવામાં નહીં આવે કે જેથી આદતો ભાર રુપ થાય કે આદતોના ગુલામ થઈ જવાય. એવી આદતો કેળવામાં આવ્શે કે જેથી ઉત્પાદન સાથે સાથે શરીરને યોગ્ય કસરત મળે. આહારમાં શાક ભાજી, ફળો અને અન્નની યોગ્ય માત્રા રાખવામાં આવશે. જીવન શૈલી એવી રાખવામાં આવશે કે જેથી રોગો સામેની પ્રતિકારાત્મક શક્તિ વધે.

લયતાઃ

મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. તેથી જીવન ચર્યા માં લયતા તેનું એક અંગ છે. દિનચર્યા એવી રીતે ગોઠવવામાં આવશે કે જેથી આખું ગામ લયબદ્ધ રીતે જીવતું હોય તેમ લાગે. ઉત્પાદનના કામો, શિક્ષણ, સફાઈ, પ્રાર્થના, પ્રવચન, સંવાદ વિગેરેને દિનચર્યામાં એવીરીતે ગોઠવવામાં આવશે કે જેથી જીવન રસપ્રદ લાગે.

આનંદમયતાઃ

વ્યક્તિ ના જીવનનો મુખ્ય હેતુ સામાજીક ઉન્નતિનો છે. મનુષ્યો તો આવે છે, જ્ઞાન મેળવે છે, કામ કરે છે અને જાય છે. વ્યક્તિનું જ્ઞાન નષ્ટ થાય છે પણ સમાજમાં તેના સ્થુળ અને સુક્ષ્મ કાર્યો અને જ્ઞાનની આપલે કરી તે સમાજમાં અકબંધ રહે છે અને સમાજ એક કદમ આગળ વધે છે.

વ્યક્તિ પોતે જ્ઞાન, કર્મ અને પ્રેમ થકી આનંદ પામે છે. મનુષ્ય નો મૂળ હેતુ આનંદ પ્રાપ્તિનો હોય છે. આ આનંદ નિર્ભેળ અને બિન નુકશાન કારક હોવો જોઇએ. મનુષ્ય પોતે એવું ઇચ્છતો હોય છે કે તેના સ્વમાં રહેલી વિશેષતા બીજા જાણે અને તેને ઓળખે. આવું થવાથી તેને આનંદ થાય છે. પણ તેને માટે સ્પર્ધા એ તેની આવશ્યકતા નથી. લોકોનો પ્રેમ અને લોકોમાં તેની ઓળખ અને લોકો સાથેનો સંવાદ તેને આનંદ આપે છે. લયતા પણ વાસ્તવમાં આનંદ નીપજાવે છે.

વૈવિધ્યતાઃ

માણસનું મન એકની એક વાત થી, કામથી અને સૃષ્ટિથી કંટાળી જાય છે. જો તે શોખ ખાતર કરતો હોય તો તેને કંટાળો આવતો નથી કારણ કે તેમાં તે કંઇકને કંઇક જાણકારી મેળવતો હોય છે તેની જીજ્ઞાસા સંતોષાતી હોય છે અથવા તો તેની તેને આશા હોય છે. વળી તેને તેની સ્વઓળખ બનશે તેનો પણ આનંદ હોઈ શકે. આ બધું પ્રચ્છન્ન હોય છે. કેટલાક કામો તેના શોખના ન હોય તો પણ સમાજ માટે કરવા પડતા હોય છે. આમાં વૈવિધ્યતા લાવવી જોઇએ. તેવી જ રીતે નવાસ્થળો ની મુલાકાત લેવી, નવા માણસોને મળવું, રમતો રમવી, ખેલદીલી પૂર્વકની સ્પર્ધાઓ કરવી, મનોરંજન કાર્યક્રમો કરવા અને જોવા, આવું બધું પણ જીવનમાં આનંદ માટે સામેલ હોય છે.

નિડરતાઃ

માણસ તેના શરીરનુમ મહત્વ સમજે તે રીતે તેને કેળવવામાં આવશે. ગાંધીજીના વિચારોને સમજવાથી જ નહીં પણ આચરવાથી જ આત્મવિશ્વાસ અને નિડરતા આવશે.

સર્વોદય ગ્રામની રૂપરેખાઃ

આ એક વસાવેલું ગામ હશે.

આ ગામ યોજના બદ્ધરીતે તબક્કાવાર બાંધવામાં આવશે

ભૂમિપુત્ર અને બેકાર, મજૂરો અને કારીગરોને તાલીમ અને શિક્ષણ આપીને ગામમાં વસાવવામાં આવશે. શા માટે ભૂમિપુત્રને જ વસાવવા? આ યોજના દરેક રાજ્યમાં થઈ શકે. એટલે એક રાજ્યમાં બીજા રાજ્યોમાંથી ગરીબોને વસાવી દેવા તે બરાબર નથી. “સન ઓફ ધ સોઈલ” લઈએ તો જ તેની અસર દેખાય.

અહીં કોઈ માલિક નહીં હોય અને સૌ સેવા અને ત્યાગ ભાવનાથી કામ કરશે

સહુએ પોતાનું સૂતર પોતે કાંતવું પડશે.

સહુ કોઈએ ઉદ્યોગ કે ખેતી કે શિક્ષણનું કામ કરવું પડશે

જેમને ઉદ્યોગ કરવા હશે તેમને તેને અનુરુપ ગાળા મળશે.

શાકભાજી સૌએ વાવવા પડશે.

જેઓ ખેતી કરવી હશે તેમને જમીન મળશે

દરેક કૃષકની જમીનના ત્રણ હિસ્સા હશે. એક હિસ્સો સહકારી કૃષિનો, એક હિસ્સો મનપસંદ કૃષિનો અને એક હિસ્સો બાગાયતનો.

જેઓ કૃષક હશે તેમનો બળદ ગૌશાળામાં હશે.

જેઓ અકૃષક હશે તેમની ગાય ગૌશાળામાં હશે.

જેમને બકરી કે ઘેટા જોઇતા હશે તેને તે મળશે. તે પણ ગૌ શાળામાં રહેશે. સૌ પોતાના પશુધનની માવજત કરશે.

ગૌશાળા ગામના બિલ્ડીંગ સંકુલના ગ્રાઉન્ડ ફ્લોરની જગામાં હશે.

ગૌશાળાની સાથે ગોબર ગેસ પ્લાંટ સંલગ્ન હશે. અને સૌના રસોડામાં આ ગેસ પહોંચતો કરવામાં આવશે.

ગામની ફરતે બોગનવેલ, થોર, બોરડી કુબાબુલ કે એવી કોઈ કુદરતી અને ગીચ ઝાડીવળી વાડ હશે. ગામની અંદર જતા રસ્તા દ્વારાજ ગામમાં પ્રવેશ થઈ શકશે. ગામની વાડની અંદરની બાજુએ લીમડાની હરોળ હશે. જેમાં લીમડાના વૃક્ષો ઉપરાંત અન્ય જંગલી ફળાઉ કે ઔષધીય વૃક્ષો હશે. લીંબોડીનો ઉપયોગ સાબુ બનાવવા માટે કરવામાં આવશે.

લીમડાની હરોળમાં અને ગામની વાડની વચ્ચે ગોચર અને ઘાસચારો બનાવવાની જગ્યા હશે.

ગામની નીચાણ વાળી જગ્યામાં ખેત તલાવડી અને કે કુવો હશે.

ગામમાં પાંચ ગ્રામસેવકો હશે.

આ ગ્રામ સેવકો ગ્રામવાસીઓની પસંદગી અને શિક્ષણ, પ્રશિક્ષણ વિગેરે કામ કરશે.

ગ્રામ સેવકો સહકાર અને સદ્‍ભાવનાથી ગામની રચનાનું આયોજન, રચના, તેની પ્રવૃત્તિઓ, વિકાસ અને સમસ્યાઓનું સમાધાન વિગેરે ગ્રામવાસીઓને વિશ્વાસમાં લઈ કરશે.

ગામમાં નીચેની પ્રવૃત્તિઓમાંથી જે થઈ શકતી હશે તે કરવામાં આવશે.

જમીનને નવસાધ્ય કરવી, ગ્રામ રચનાનું આયોજન અને વિકાસ,

ખેતી કરવી, ખાતર બનાવવા, ખેતી અને ખેત ઉત્પાદનને લગતા ગૃહઉદ્યોગો સ્થાપવા, ખેત તલાવડી, સીંચાઈ, જાતજાતના જરુરી અને ફળાઉ સહિતના વૃક્ષો વાવવાં, શાકભાજી વાવવાં, ફુલો વાવવાં, મધ ઉછેર કરવો, માટીકામ, તેલઘાણી, પશુપાલન, દુધ ઉત્પાદન, સફાઈ, ચોકી, શિક્ષણ, પ્રશિક્ષણ, કાંતણ, વણાટકામ, સીલાઈ, ચર્મ ઉદ્યોગ, આયાત, નિકાસ વિગેરે

શું તમે સર્વોદય ગ્રામની રચનામાં માનો છો? સૂચનો મોકલો.

સમૂહ પ્રાર્થના, પ્રવચન, વાચન, સંવાદ, રમતો, મનોરંજનના કાર્યક્રમો, ગ્રામ પત્રિકા, ગ્રામસભા, ગ્રામકોષ, વહેંચણી અને સહભોજનના કાર્યક્રમો:

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ ગાંધીજી, ગરીબ, સાદગી, ખાદી, ગૃહ ઉદ્યોગ, સ્વાવલંબન, સર્વોદય ગ્રામ, ગૌશાળા, ગ્રામસેવક, સેવા, સફાઈ, ખેતી, રહેણાંક, સંકુલ, ઉત્પાદન, વપરાશ, વિકેન્દ્રી, વિતરણ, સ્પર્ધા, સ્વની ઓળખ, આનંદ

 

 

 

 

Read Full Post »

ઝોંપડપટ્ટીઓ અને દબાણોનું ઓછા ખર્ચે અને વાસ્તવિક નિવારણઃ

નહેરુવીયન કોંગ્રેસ સરકારે, પોતે ગરીબો પ્રત્યે કેવી સંવેદનશીલ છે અને તે ગરીબોને મદદ કરવા કેવી સારી સ્કીમો લાવે છે તે વાત આંકડા દ્વારા બતાવવા અર્થહીન સ્કીમો બનાવે છે. ઈન્દીરા આવાસ યોજના, કે સંપાદન કરેલી જમીનોમં પછાત વર્ગ માટે અમુક ટકા હિસ્સો અનામત રાખવો, મનરેગા, વિગેરે પૈસા અને જમીનના વ્યયના ઉત્તમ ઉદાહરણો છે.

જમીનસંપાદનઃ

જમીન સંપાદન કરતી વખતે જે જમીના હિસ્સાઓ ગરીબો માટે અનામત રાખવામાં આવે છે તે હિસ્સાઓ કેવી રીતે ખમતીધર માણસો કબજે કરી લેછે તેનાથી કંઈ સરકાર માહિતગાર નથી એ વાત સાચી નથી. સરકારને બધી ખબર હોય છે અને સરકારી નોકરો માટે આ એક કમાણીનું સાધન હોય છે. આ કામ માટેના એજન્ટો હોય છે. તેમાં સરકારી કર્મચારીઓ અને રીટાયર્ડ અધિકારીઓ પણ એકબીજાની મીલીભગતમાં સામેલ હોય છે.  આવું જ રાહતોના ખેરાતદ્વારા બંધાયેલા કે બાંધીને રાહત દરે ખેરાત કરેલા મકાનોની દશા થાય છે.

જે ઝુંપડપટ્ટીઓ હોય છે તે ગેરકાયદેસર જ હોય છે અને સરકારી જમીન ઉપર હોય છે. આવી જમીનો ગૌચરની પણ હોય છે.

જમીનના ૧૦૦ બસો વાર ટૂકડા ગરીબોને રાહત દરે ફાળવવા કે જમીન ઉપર રૉ હાઉસ પ્રકારના નાના મકાનો બનાવીને રાહત દરે ખેરાત કરવા એ લાંબે ગાળે અર્થહીન બને છે. આવી જમીનો ગરીબ લોકો વેચી નાખે છે. અને આવા મકાને કાળક્રમે નજીકનું શહેર વિકસે એટલે રાહત દરે મળેલા આ રૉ-હાઉસો પણ આ ગરીબો વેચી નાખે

મકાનો કેવા હોવા જોઇએ?

ગામડાને સુંદર બનાવવા માટે અને જમીનનો વ્યય અટકાવવા માટે ગામડાની અંદર પણ મકાનો સંકુલ (હાઉસીંગ કોંપ્લેક્સ) પ્રકારના હોવા જોઇએ. સરકાર ગરીબોનું ભલું કર્યું છે તે બતાવવા ગામડામાં આવાસ યોજનાઓ હેઠળ મફતમાં કે સબસીડી દ્વારા જે રાહતની ખેરાત કરે છે તે જમીનનો વ્યય છે. આપણા ઘનીષ્ઠ વસ્તી વાળા દેશને આવો જમીનનો વ્યય પોષાય નહીં.

આપણે સમજવું પડશે કે એક માળીયા (જી), કે બે માળીયા (જી+૧), કે ત્રણ કે ચાર માળીયા (જી+૨, જી+૩) પણ જમીનનો વ્યય ગણાશે. વધુ માળવાળા મકાનોની અવગણના કરી શકાશે નહીં. વધુ માળવાળા મકાનો માટે સીમેન્ટ અને લોખંડની જરુર પડશે. જો કે લાકડું (સાગનું), કંઈક અંશે ૪ માળ સુધી સીમેન્ટ અને લોખંડની અવેજીમાં વાપરી શકાય તેથી નાના ગામડાઓ માટે જો આ લાકડું ઉપલબ્ધ કરી શકાતું હોય તો કરવું. પણ એક વાત સમજવા જેવી છે કે લાકડાના મકાનનું આયુષ્ય ટૂંકું હોય છે. અને જો જરુરી લાકડું ટૂંક સમયમાં ઉગાડી શકાતું હોય તો જ આવા લાકડાના મકાનોને સ્વિકારી શકાય.

ગાંધીજીએ એવી વાત કરેલી કે રૂ. ૫૦૦/- માં એક રહેઠાણ પડવું જોઇએ. અને ઘરમાંથી આકાશ દેખાવું જોઇએ. નાના ભૂલકાઓને રમવાની ખુલ્લી જગ્યા હોવી જોઇએ. હવે તેમણે જે વખતે મકાનની કિમત કે જે રૂ. ૫૦૦/- સૂચવેલી તે વખતે ઘી એક રુપીયાનું અઢીશેર મળતું હતું. આજે એટલું ચોક્ખું ઘી કદાચ ૪૦૦ રૂપીયે મળે. એટલે ૫૦૦ ગુણ્યા ૪૦૦ એટલે ૨૦૦૦૦૦ રૂપીયા કિમત થઈ. જો તમે આરસીસીના માળખા જ જો બનાવો તો એક ચોરસવારની કિમત રૂ. ૫૦૦૦/- થાય. જેઓ હાલ તુરત ગરીબ છે તેમને પૃથ્વીની જમીન ઉપર ઘર આપો તો તેમાં જમીનનો વ્યય પણ થાય અને મોંઘું પણ પડે. એટલે ૧૫ ફુટ બાય ૧૫ ફુટ ના ફ્લેટ આપી શકાય. આની અંદર સંડાસ અને રસોડું સામેલ હશે. આ રહેણાકોની રચના વિષે અલગથી વાત કરીશું.

સ્થાનિક સત્તામંડળ મકાનો બનાવીને ભાડે આપશે. મકાનો વહેંચશે કે વેચશે નહીં. તેમજ પેટા ભાડવાત તરીકે આપવા પણ દેશે નહીં.

બધી જમીન આમ તો સરકારી જ ગણાય. સરકાર કાંતો ફાજલ જમીનનો ઉપયોગ કરે છે અથવા જમીન ખરીદીને પ્રાપ્ત કરે છે. આ ખરીદીનો ખર્ચ તે પોતાના બજેટ ફંડમાંથી મેળવે છે.

ઝોંપડ પટ્ટીઓ જો દૂર કરવી હોય તો સરકારે એ જાણવું જોઇએ કે ઝોંપડ પટ્ટીઓમાં કોણ રહે છે.

ઝોંપડપટ્ટીઓમાં મજુરો રહે છે. તેઓ છૂટક મજુરી કરતા હોય છે કે નોકરી કરતા હોય છે. જેઓ નોકરી કરતા હોય છે તેમને અલગ તારવવા પડશે. આવા લોકોનું ભાડું એમ્પ્લોયર કોન્ટ્રાક્ટ્રરો પાસેથી એડ્વાન્સમાં વસુલ કરવામાં આવશે.

રહેણાક કેવું હશે?

એક ચારમાળના બીલ્ડીંગ બ્લોકમાં ૧૫ બાઈ ૧૫ ફુટના ગાળાઓ હશે. સામસામેના બે ગાળા વચ્ચે ૧૫ ફુટ ની પહોળાઈનો જવા આવવાનો રસ્તો હશે.

એક કુટુંબને એક ગાળો ભાડે આપવામાં આવશે.

૧૫x૧૫=૨૨૫ ચો.ફુટ = ૨૫ ચો.વાર વત્તા ૫૦ ટકા કોમન સ્પેસ=૧૨.૫. એટલે કે ૩૭.૫ વત્તા  ૨.૫ દાદરો = ૪૦ ચોરસવાર થયું.

૨૭.૫ચો.વાર ફ્લેટ જેમાં ૨.૫ દાદરાનો હિસ્સો સામેલ છે. તેમાં ૨.૫ ચો.વાર. પાર્કીંગના ઉમેરો તો એક ગાળાનો ખર્ચ એક કુટુંબ માટે રૂ. ૩૦x6000=180000. આ ખર્ચ, ગાંધીજીએ આપેલીની સીમા પ્રમાણે થાયો કહેવાય. આમાં આપણે જમીનની કિમત ગણી નથી. જો કે આમાં પેસેજ નો વિસ્તાર ઉમેર્યો નથી. તે સરકાર જાળવણી ખર્ચમાં ગણશે. આમ તો વાસ્તવિક ખર્ચ ૨૪૨૫૦૦ થાય છે. પણ સામાન્ય વપરાશનું બાંધકામ કે જગ્યા છે તે સરકારની ગણાશે.

સરકારે કોઈને કશું ફોગટમાં આપવાનું નથી. એટલે કે ભાડું લેવાનું છે.

ભાડાની ગણત્રીઃ

ભાડાની ગણત્રી બે રીતે થઈ શકે મકાનની કિમતના સોમા ભાગનું દર મહિને ભાડું. એટલે કે ૧૮૦૦ રૂપીયા ભાડું. આ ભાડું પોષાય ખરું? ૨૦ ટકા હાઉસરેન્ટ ઓછું કરો. એટલે કે ૧૮૦૦-૩૬૦=૧૪૪૦ રૂપીયા માસિક ભાડું થયું. આ ભાડું પોષણક્ષમ છે. અને જેઓ બેકાર નથી તેઓ આપી જ શકે. જાળવણી ખર્ચ અલગથી વસુલ કરવામાં આવશે. આ હાઉસરેન્ટ ની કપાત જેમને હાઉસરેન્ટ મળતું નથી તેમને જ અપાય.

ભાડા વસુલીની રીત અને જાળવણીઃ

વર્ક ઓર્ડર પર મજુરોને ભાડે આપો. પણ ભાડું એમ્પ્લોયર પાસેથી વસુલ કરવાનું રહેશે. મજુર કાયદાની જોગવાઈઓમાં બીજી સામાન્ય જોગવાઈઓ ઉપરાંત ઘણી જોગવાઈઓ હોય છે.

જે કોન્ટ્રાક્ટરો મજુરો રાખે છે તેમણે મજુરકાયદા પ્રમાણે રહેઠાણની જગ્યા આપવાની હોય છે અને તેમાં સંડાસ પાણી અને વિજળીની સગવડ આપવાની હોય છે.

દરેક કામ વર્કઓર્ડર પ્રમાણે થાય છે.

એટલે વર્ક ઓર્ડરના અધારે અને પ્રમાણે લેબર ઓફીસર લેબર-લાઈસન્સ કાઢી આપે છે.

હાલમાં લેબર કમીશ્નરનો સ્ટાફ ડાબા હાથના પૈસા લઈ લેબર લાઈસન્સ કાઢી આપે છે. અને સાઈટ વીઝીટમાં ફાલતુ નોટીસ આપી પૈસા ઉઘરાવી ઘરભેગા કે ઓફીસ ભેગા થઈ જાય છે.

પણ જો કોન્ટ્રાક્ટરને આ રહેણાકો રાખવાની ફરજ પાડવામાં આવે એટલે કે જો કોઈ રસ્તા ઉપર, ફૂટપાથ ઉપર કે જાહેર જનતાની જગ્યાનો રહેણાક તરીકે ઉપયોગ કરે તો તેની દબાણ કર્તા તરીકે ધરપકડ કરવી પડશે અને જે તે કોન્ટ્રાક્ટર ને પેનલ્ટી લગાડી ને બ્લેક લીસ્ટ કરવો અને તેનું લાયસન્સ રદ કરવું જોઇએ. કોન્ટ્રાક્ટર પાસેથી એડ્વાન્સમાં ભાડું વસુલ કરવામાં આવશે. જેની રોજગારી/નોકરી કાયમી હશે તેનું ભાડું તેમના પગારમાંથી કાપી લેવામાં આવશે. પણ કોન્ટ્રાક્ટર આ ભાડું એમ્પ્લોયર એડ્વાન્સમાં ભરશે.

આ માટે એક સીસ્ટમ અમલમાં મુકી શકાય.

જેઓ પાર્ટટાઈમ કામ કરે છે તેનું રજીસ્ટ્રેશન એમ્પ્લોયમેન્ટ એજન્સી લેબર કમીશ્નરની ઓફીસમાં કરાવે અને તે પૈસા ભરે. પાર્ટ ટાઈમ એમ્પ્લોયરો રોજીના પૈસા એમ્પ્લોયમેન્ટ એજન્સીને ભરશે. જો આ કામ એમ્લ્પોયમેન્ટ એજન્સીને ન સોંપવું હોય તો સરકાર પોતે પણ આવું એક ખાતું દરેક ગામમાં કે વૉર્ડમાં ચલાવે અને  પાર્ટ ટાઈમ એમ્પ્લોયરો રોજીના પૈસા સરકારી ખાતામાં જમા કરે અને આ ખાતું રોજીનો હિસ્સો ભાડા તરીકે ભરે.

જો મજુર છૂટો થાય કે તેને છૂટો કરવામાં આવે તો અને તે બેકાર થાય તો તેને ટ્રાન્ઝીટ કેમ્પમાં ફક્ત સુવાની સગવડ આપવામાં આવે અને તેની પાસેથી રૂ. ૧૦ વસુલ કરવામાં આવે. તેને સરકાર પરચુરણ કામ આપે. જેમ જેલના કેદીઓ પાસેથી કામ કરાવવામાં આવે છે તેમ તેમની પાસેથી કામ કરાવવામાં આવશે.

જો તે વ્યક્તિ આ કામ નહીં કરવા માગતી હોય તો તે પોતાની બચતમાંથી એડ્વાન્સમાં ઓછામાં ઓછું એક માસનું ભાડું એડ્વાન્સમાં જમા રાખવું પડશે. નહીં તો સરકાર કે સ્થાનિક મંડળ તેને ખાલી કરવાની કાર્યવાહી ચાલુ કરી દેશે.

જેઓને પોતાનું રહેણાક ખરીદવું છે તેઓ કોઈ આ બાંધકામો ખરીદી શકશે નહીં. તેને માટે હાઉસીંગબોર્ડ જુદી ભાડા ખરીદ પદ્ધતિવળી સ્કીમો બનાવશે અને તેમાં જમીનની કિમત ઉમેરવામાં આવશે અને જે હાઉસરેન્ટ ૨૦ટકા બાકાત મળતું હતું તે ઉમેરવામાં આવશે.

ભાડાની માસિક દરની રકમ કેવી રીતે નક્કી કરવી?

 જો મજુરનો રોજ રૂ.૧૦૦ હોય તો માસિક ૩૦૦૦ રૂપીયા આવક થઈ. જો પતિ પત્ની બે જણા કમાતા હોય તો રૂ. ૬૦૦૦ માસિક આવક થઈ. તો  આ ભાડું આવકના ૨૪ ટકા થયું.

હવે જો જમીનની કિમત ગણીએ તો મકાનની બહારની જમીન પણ ગણવી પડે. તેને આટલી જ ગણો. શહેરમાં જમીનનો ભાવ ઘણો જ હોય છે. ગામડામાં ઓછો હોય છે. વળી તે બદલાતો પણ હોય છે. તેથી તેને અનુલક્ષીને ભાડું નક્કી કરવું વાસ્તવિક બનશે નહીં.

જે ભાડું, મકાનના બાંધકામના ખર્ચના આધારે હોય છે અને તે એક વખત થઈ ગયું તેથી તે બાંધકામના ખર્ચ ને અનુલક્ષીને જ સરકારને પોષાય તેવું ભાડું મળવું જોઇએ. જાળવણી ખર્ચ બદલાતો રહેશે. દા.ત. ભાડાના ૫ ટકા જાળવણી ખર્ચ અને ૫ ટકા વહીવટી ખર્ચ એટલે ૧૪૪૦ + ૧૪૪ = ૧૫૮૪ થાય. જેમાં ૧૪૪ છે તે મોંઘવારીના આંકડા સાથે સાંકળવામાં આવશે. 

જાળવણી અને વ્યવસ્થા માટે જવાબદાર એક બીલ્ડીંગ બ્લોક દીઠ એક પોલીસ કર્મચારી રાખવામાં આવશે. આ પોલીસ કર્મચારી ત્યાં જ એક ગાળામાં રહેશે.

પોલીસ કર્મચારીને રાખવાનું કારણ એ છે કે લોકોને ડાઈરેક્ટ પોલીસ એક્સનનો ભય રહે.

જો કોઈ ભાડું ભરવામાં ચૂક કરે તો?

સરકારે ઓછામાં ઓછા એક માસનું ભાડું અગાઉથી લેવાનું હોવાથી જેવું એકમાસ બાકી રહે અને ભાડવાત ભાડા-ચૂકમાં આવે કે તરત તેને નોટીસ જાય કે ફલાણી તારીખે તેના રહેણાંકનો કબજો લઈ લેવામાં આવશે. આ નોટિસ પોલીસ જ આપશે કારણે તેની ડ્યુટી જ આ છે અને તે ત્યાં જ ડ્યુટી કરતો હોવાથી અને રહેતો હોવાથી તેને તત્કાળ નોટીસ બજવી શકશે.

જે ભાડવાત ચૂક કરે છે તેનું શું કરવુ?

આવા ભાડવાતને આશ્રયહીન અને આવકહીન ગણી ટ્રાન્ઝીટ હંગામી રહેણાંકમાં સીફ્ટ કરવો જ્યાં તેને ફક્ત સુવાની જગ્યા હશે અને સ્ત્રી પુરુષ અલગ અલગ રાખવામાં આવશે. આ ટ્રાન્ઝીટ રહેઠાણમાં પણ રૂ.૧૦ રોજના લેવામાં આવશે. જેલના કેદીઓની જેમ તેની પાસે કામ કરાવી પૈસા વસુલ કરવામાં આવશે.

જોકે આ બાબતમાં રાજ્યની સરકારે અને સ્થાનિક સ્વરાજ ની સંસ્થાએ કટીબદ્ધ થવું જોઇએ. કોન્ટ્રાક્ટરે કે એમ્પ્લોયરે ઓળખકાર્ડ ફરજીયાત આપવા પડે. જો કે મજુર કાયદાઓમાં આ જોગવાઈઓ છે જ. પણ લેબર કમીશ્નર, વર્ક ઓર્ડર આપનાર અધિકારી અને કોન્ટ્રાક્ટરોની મીલી ભગતમાં બધું લોલં લોલ ચાલવા દેવામાં આવે છે.

એક વિસ્તાર પૂર્વકના ફાળવણીના, ભોગવટાના,  નીગરાનીના, નોધણીના (રેકૉર્ડઝના), જાળવણીના અને નીરીક્ષણના બાય-લોઝ બનાવવા જોઇએ.

એક બીલ્ડીંગ બ્લોક માં ૧૪૨ કુટુંબોને એક એક ૧૫ ફુટ બાય ૧૫ ફુટનો ગાળા ફાળવી શકાય

માસિક આવક રૂ. ૨૨૪૯૨૮ થાય જેમાં ૨૦૪૪૮ સામેલ છે.

સુવાના ૨૯૬ સીમેન્ટની પથારીઓ છે. જેની રોજની આવક રૂ. ૨૯૬૦ થાય. એક માસની આવક રૂ. ૮૮૮૦૦ થાય.

જો તેઓ ભાડા ભરવામાં ચૂક કરે તો તેમને હંગામી સુવાની જગામાં ખસેડી શકાય.

એક બ્લોક દીઠ આઠ પોલીસ કર્મીઓને નોકરી મળશે. બે સફાઈ કામદારોને રોજી મળશે. સરકારને નહીં નફો નહીં નુકશાનનો ધંધો થશે.

જો વધુ આવક કરવી હશે તો બેઝમેન્ટમાં ૩૦૦ લારી, ગલ્લા અને પાથરણા વાળાને ભાડે જગાની ફાળવણી કરી શકાશે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ રહેણાંક, સંકુલ, હંગામી, સુવાની જગ્યા, પોલીસ, ગાળા, બાય લૉ, ભાડવાત, સ્થાનિક સ્વરાજ, સંસ્થા, હાઉસીંગ બૉર્ડ, સરકાર

Drg01

Read Full Post »

ગુજરાત હાઉસીંગ બૉર્ડની મેલી મથરાવટી

હા ચોક્કસ ૧૯૭૧થી તો ગુજરાત હાઉસીંગ બૉર્ડની મેલી મથરાવટી ઉડીને આંખે વળગે તેવી છે.

આપણે એક દાખલો લઈએ.

લાલબહાદુર શાસ્ત્રી નગર, નારણપુરા અમદાવાદ-૩૮૦૦૧૩

નહેરુ નગર, વિજયનગર અને પ્રગતિનગર પછી શાસ્ત્રીનગરની સ્કીમ   ગુજરાત હાઉસીંગ બૉર્ડે નાખેલી. આ સ્કીમ બનતા સુધી ૧૯૬૯ કે ૧૯૭૦માં પ્લાન થઈ હશે. પણ બાંધકામ ૧૯૭૧માં ચાલુ થયેલ. ૧૯૭૫ના અરસામાં બાંધકામ પુરું થયું હશે. નહેરુનગરના ફ્લેટની કિમત બનતા સુધી રૂ. ૫૦૦૦ જેટલી રાખવામાં આવી હતી. તે પછી વિજયનગરના ફ્લેટની કિમત રૂ. ૧૨૦૦૦ જેટલી રાખવામાં આવી હતી. પ્રગતિ નગરના ફ્લેટની કિમત રૂ. ૨૫૦૦૦ ની આસપાસ હતી. આ બધી સ્કીમો વચ્ચે ત્રણ ચાર વર્ષનું અંતર હશે. બધી એમઆઈજી (મધ્યમ ઈન્કમ ગ્રુપ)ની હશે કારણ કે બાંધકામ લગભગ ૧૦૦ ચોરસવાર હતું.

બજારભાવ કરતા ક્યાંય વધારે કિમત

ગુજરાત હાઉસીંગ બૉર્ડની શાસ્ત્રીનગર ની સ્કીમમાં કિમત ૧૯૭૪-૭૫ના અરસામાં નક્કી કરવામાં આવેલી. તેમાં ત્રણ જાતના ફ્લેટ હતા. એલઆઈજી એલ-૩, એલઆઈજી એલ-૪ અને એમ આઈ જી એમ-૪ અને એમ-૫.

એમ-૫ની નીચે શોપ્સ રાખવામાં આવેલી. એમ-૪ની નીચે શોપને બદલે ફ્લેટ જ હતા, એટલો ફેર હતો.

દરેક ટાઈપના ફ્લેટની કિમત સરખી હતી. ફ્લેટના એલોટમેન્ટ માટે જનતા સામે ખુલ્લી રીતે ડ્રૉ દ્વારા ફળવણી કરવામાં આવેલી. બજારભાવ કરતાં કિમત ઠીક ઠીક વધારે રાખવામાં આવેલી.

ફ્લેટ એમ-૫ ટાઈપ

હવે દાખલા તરીકે આપણે એમ-૫ ટાઈપની વાત કરીશું.

આ ફ્લેટની કિમત રૂ. ૫૫૦૦૦/- રાખવામાં આવેલી. તેની ઉપર ૧૦% સ્ટેમ્પ ફી. જે વધારીને ૧૨.૫% કરવામાં આવેલી. જે આખા દેશમાં અનેક ગણી રીતે વધુમાં વધુ હતી. સરકારે વેચેલા હોવા છતાં પણ સ્ટેમ્પ ડ્યુટી આવી રીતે આઉટ ઓફ પ્રપોર્શન હતી..

આ રીતે એમ-૪ અને એમ-૫ ફ્લેટ ૬૦૫૦૦માં પડે તેમ હતું. ફ્લેટ પુરી રીતે તૈયાર થયા ન હતાં છતાં પણ એલોટમેન્ટ કરી દેવામાં આવેલ. અને જો તમે હાઉસીંગબોર્ડની ગુસ્તાખી અને વાંકને કારણે રજીસ્ટર્ડ કરાવવામાં મોડા પડ્યા હો તો તમારે રૂ. ૬૧૫૦૦ જેવી સ્ટેમ્પ ડ્યુટી લાગુ પડે. આ કિમત તે વખત માટે રકમ અને ટકાની દૃષ્ટિએ ઘણી વધારે હતી.

આ કેવો એરિયા હતો? અંકુરથી શાસ્ત્રીનગર ચાલતા આવવું પડતું કારણકે રસ્તો કાચો હતો અને ચોમાસામાં (૧૯૭૬માં) શાસ્ત્રીનગર સુધી બસ આવતી ન હતી.

રૂ. ૫૫૦૦૦/- માં તો તમને આવા વિસ્તારમાં ૩૦૦ વારના પ્લૉટમાં ૧૦૦ ચોરસવારનું ટેનામેન્ટ મળી શકતું હતું. ૯૦૦ કે ૧૦૦૦ ના માસિક આવકવાળા કે તેથી વધુ માસિક આવકવાળા એમઆઈજીમાં આવતા હતા. પણ ભાડા ખરીદ પ્રમાણે રૂ.૬૫૦ નો માસિક હપ્તો. જેઓ પાસે કાળા બજારના પૈસા હોય અથવા તો ડાબા હાથની આવક હોય તેવો જ રૂ. ૯૦૦ની આવકવાળો કર્મચારી રૂ. ૬૫૦નો હપ્તો ભરી શકે.

પઝેશન આપવામાં લાલીયાવાડી

૧લી એપ્રીલના રોજ પઝેશન આપવાનો વાયદો હતો. પણ જ્યારે ૧લી એપ્રીલ ૧૯૭૬ના રોજ તપાસ કરી તો ખબર પડી કે ટાઇલ્સ પણ લાગી ન હતી અને ઈલેક્ટ્રીક ફીટીંગ પણ અધુરું હતું. મેં લેખીત જાણ કરી. પણ એ જમાનો એવો હતો કે સરાકારી માણસ તમને લેખિત જવાબ ન આપે. એક મહિના પછી તપાસ કરી તો પણ સ્થિતિ લગભગ એવી જ હતી. એટલે રુબરુ મુલાકાત લીધી. મને મૌખિક મુદત આપી. આમ કેટલાક ધક્કા થયા. અને મને મૌખિક સલાહ આપવામાં આવી કે મારે સીવીલ કામના સુપરવાઈઝરની સાથે ને સાથે રહી રુબરુમાં જ કામ પતાવવું તો જ કામ પતશે.

મેં પૂર્વ શરત અનુસાર કિમતના ૨૦ટકા તો ભરી જ દીધા હતા અને પઝેશન આપ્યું એટલે બાકીના પૂરા પૈસા આપી દીધા. વિલંબ કરવો પાલવે તેમ ન હતો. બે ત્રણ દિવસ સુપરવાઈઝર સાથે રહ્યો અને કામ પતાવ્યું. પણ પછી રજીસ્ટ્રેશનનો સવાલ ઉભો થયો એટલે કે ૧લી એપ્રીલ થી જેટલા મહિના હાઉસીંગ બોર્ડે મોડું પઝેશન આપ્યું તેનું વ્યાજ માગ્યું. અને રજીસ્ટ્રેશન ન કર્યું. ત્યાં વળી ઈન્દીરામાઈએ લેન્ડસીલીંગ એક્ટ નાખ્યો અને વર્ષો સુધી રજીસ્ટ્રેશનનું કામ પાછું ઠેલાયું કારણ કે ગવર્નમેન્ટના હાઉસીંગ બોર્ડે વેચેલા મકાનોને પણ લેન્ડ સીલીંગ એક્ટમાંથી બકાત રાખ્યા ન હતા. બેવકુફીની તો આ ઈન્દીરાઈ ગવર્નમેન્ટની હદ હતી.

મેં ઘણી લખાપટ્ટી કરી પણ મને મોડું પઝેશન આપ્યા બદલ મને કોઈ રાહત ન આપી. હાઉસીંગ બોર્ડનું કહેવું હતું કે ફ્લેટ તો તૈયાર જ હતો પણ મેં જ પઝેશન મોડું લીધું એટલે મારે તેટલા માસિક હપ્તા ભરવા જ જોઇએ. હું હાઉસીંગ બોર્ડના કમીશ્નરને મળ્યો અને બધી વાત કરી. એમણે કહ્યું કે સ્ટેમ્પ ડ્યુટી હજી કદાચ વધુ પણ થાય તેથી તમે રજીસ્ટ્રેશન તો ચાલુ ૧૨.૫% સ્ટેમ્પડ્યુટી લેખે ભરી જ દો અને પછી તમારો કેસ લડો. મેં તેમના ઉપર વિશ્વાસ રાખ્યો. ગુજરાત હાઉસીંગ બોર્ડના હિસાબે પૈસા ભરી દીધા. એ દરમ્યાન મારી મુંબઈ બદલી થઈ. મેં મુંબઈ થી પત્ર વ્યવહાર કર્યો પણ મને જવાબ આપ્યો કે કમીશ્નર સાથેની મુલાકત થકી આપનો કેસ પુરો થયો છે. મારામાં વધુ પત્રવ્યવહાર કરવાનો અને લડવાનો ટાઈમ જ ન હતો.

હવે તમને થશે કે રૂ. ૫૫૦૦૦ અને ૧૦%ની સ્ટેમ્પડ્યુટી એટલે કે   રૂ. ૬૦૫૦૦/- અથવા તો રૂ. ૬૫૦ના માસિક હપ્તા રૂ. ૧૦૦૦ની આસપાસની આવકવાળા કેવી રીતે ભરી શકે?. બેંકવાળા તો, ઈન્દીરા માઈના રાજમાં ૧૪.૫ ટકાએ લોન આપતા હતા અને હજારો જાતના કાગળીયા કરાવતા હતા. તે વ્યાજ અને લોન પોષાય નહીં. કારણ કે તો તો રૂ. ૬૫૦ નો ૧૦ વર્ષનો હપ્તો જ શું ખોટો!

ઈન્દીરાઈ કટોકટીનો લાભ એળે ગયોઃ

ઈન્દીરા માઈએ કટોકટી જાહેર કરેલી. એટલે એક એવી જાહેરાત પણ કરેલી કે એક માસમાં સરકારી હાઉસીંગ લોન મંજુર કરી દેવી. આ કેન્દ્રના કર્મચારીઓને લાગુ પડતું હતું. અને લોન કેન્દ્રની ઓફીસ મંજુર કરતી હતી. તે લોન માટે ગવર્નમેન્ટ હાઉસીંગ બોર્ડ નો એલોટમેન્ટ લેટર પુરતો હતો. એટલે મારી લોન રૂ. ૪૩૦૦૦/- જે ૮%ના દરવાળી હતી તે મંજુર થઈ ગઈ. પણ મારી લોકલ ડીસ્ટ્રીક્ટની ઓફીસે અનેક બહાનાઓ કાઢીને ત્રણ માસ લીધા. અમારા એકાઉન્ટ ઓફીસર સાહેબે “કો-લેટરલ” સીક્યોરીટી માગી. આ સીક્યોરીટી હાઉસીંગબોર્ડે આપવાની હતી. અને હાઉસીંગ બોર્ડ તો તમે જાણો જ છો કે કેટલી વીસે સો કરાવે છે? મારા ડીપાર્ટમેન્ટમાં મારું કેવું ચાલશે તે ચોક્કસ ન હતું. વળી એમ કરવામાં સમય પણ જાય તેમ હતું. અને તે પોષાય તેમ ન હતું. એટલે હાઉસીંગ બૉર્ડના ચેરમેનને જ સાધવો એવું નક્કી કર્યું.

પછી મને થયું કે આ કામ સહેલું નથી. મારા પિતાશ્રી, હાઉસીંગ બોર્ડના ચેરમેનને ઓળખતા હતા. તેઓ એડ્વોકેટ હોવાના નાતે એકબીજાને મળતા હતા. એ ચેરમેને કમીશ્નરને ફોન કર્યો. અને કમીશ્નરે એસ્ટેટ મેનેજરને ફોન કર્યો હશે. હું “કોલેટરલ સીક્યોરીટી”નો લેટર ટાઈપ કરીલો લઈને ગયો. સ્ટાફે બબડતાં બબડતાં એસ્ટેટ મેનેજરના સહી સીક્કા કર્યા. (મફતમાં બધું કરાવવું છે એવું કંઈક બબડ્યા હતા).

ફ્લેટો થાળે પાડવા રાહતો દાખલ કરી

મારા જેવી સગવડ બધાને ન હોય. અને આવા મોંઘા મકાન લેવા કોઈ આગળ પણ ન આવે. એટલે હાઉસીંગ બોર્ડે આવકની શરતો નાબુદ કરી. ૧૦ વર્ષને બદલે ૨૦ વર્ષના હપ્તા નક્કી કર્યા. જે ફ્લેટ ખાલી હતા તેને માટે વહેલો તે પહેલો ના ધોરણે આપવા શરુ કર્યા. તો પણ મોટાભાગના ફ્લેટ ખાલી રહ્યા એટલે ઓએનજીસી, ઈન્કમ ટેક્ષ વિગેરે ખાતાઓને વેચ્યા અને આ ખાતાઓએ તેનો ગવર્નમેન્ટ ક્વાર્ટર્સ તરીકે ઉપયોગ કર્યો. આમ માંડ માંડ એમ-૫ અને એમ-૪ ફ્લેટો થાળે પડ્યા. ઠીક ઠીક ખોટ હાઉસીંગ બોર્ડે ખાધી હશે.

૧૯૭૭ના અંત પછી મકાનના ભાવોમાં ઉ્છાળો આવ્યો. બાંધકામના મટીરીયલ ઉપરના અને પ્રોડક્ષન વધારવા ઉપરના રીસ્ટ્રીક્સનો દૂર થયા હતા અને તેથી મકાનની કિમતોમાં ઉછાળો આવ્યો હતો. હાઉસીંગબોર્ડના મકાનો તમે પૂરી કિમત ભર્યા વગર વેચી ન શકો કે ગેરકાયદેસર રીતે ભાડે ન આપી શકો. પણ જ્યારે બજાર કિમત ખુબ વધી જાય ત્યારે બધા દુરાચારો ચાલુ થાય છે. એટલે “ભાડા ખરીદ”ની સ્કીમો વાળા મકાનો ગેરકાયદેસર રીતે બારોબાર “વેલ વીશર” ના આધારે વેચાવા માંડ્યા.

હાઉસીંગ બોર્ડ, “ભાડા ખરીદ પદ્ધતિ”ની સ્કીમ હેઠળ આપેલા ફ્લેટોના માસિક હપ્તા વસુલીમાં લાલીયા વાડી ચલાવે છે. ૫૦ વર્ષને અંતે પણ તે આ માટેની કોઈ સ્કીમ બનાવી શકી નથી.

બારદાનોએ સુંદર સ્કીમ ને બદસુરત બનાવી    

ગુજરાત હાઉસીંગ બૉર્ડના આ શાસ્ત્રીનગરની સ્કીમની રચના સુંદર હતી. સ્કીમમાં બગીચા અને થીયેટરની જોગવાઈ હતી. જોકે આજની તારીખ સુધી કોઈ બગીચો કે થીયેટર કે એવું કશું થયું નથી. પણ ૧૯૭૭ના અરસામાં હાઉસીંગ બોર્ડનો શાસ્ત્રીનગર એરિયા એ અમદાવાદનો શ્રેષ્ઠ એરિયા હતો.

૧૯૮૦માં વળી પાછી ઈન્દીરાઈ સરકાર આવી. તેણે એફ એસ આઈ વધારી કે કેમ તે ખબર નથી. પણ વધારે કોઈ એક દિશામાં દશ ફુટ બાંધકામ વધારવાની છૂટ આપી. આ માટે તેણે કોઈ પદ્ધતિ કે નીતિ નિયમો કર્યા હતા કે કેમ તે ખબર પડતી નથી. આમ તો આગળની કે પાછળની કે કોઈપણ ખુલ્લી જમીન સામાન્ય ઉપયોગની ગણાય. હાઉસીંગ બ્લોકોના એસોસીએશને જનરલ બોડીની સભા બોલાવીને સામુહિક રીતે પ્લાન બનાવી, મંજુર કરાવી અને પૈસા ઉઘરાવી બાંધકામ કરાવવું જોઇએ. કોઈપણ બ્લોક મેમ્બર એસોસીએશન આવી કાયદેસરની પદ્ધતિ અપનાવે છે કે કેમ તેની દરકાર હાઉસીંગ બોર્ડ ન જ કરે. હાઉસીંગ બોર્ડ આવી માથાકુટમાં શું કામ પડે?

ગમે તે કોઈ મેમ્બર આવે, રૂ. ૧૦૦૦/- જમા કરે, થોડા ખવડાવે અને બાંધકામ કરે. એટલે હાઉસીંગબૉર્ડ માટે વાત પૂરી. ગ્રાઉન્ડ ફ્લોર વાળાઓએ આમેય જમીન કબ્જે કરેલી જ હતી. એટલે મોટાભાગના ગ્રાઉન્ડ ફ્લોર વાળાઓએ એક એક રુમ વધારી દીધો. કેટલાકે બે બાજુએ એક એક રુમ વધારી દીધો. ઉપરાંત હાઉસીંગ બોર્ડે પોતે જે જગ્યા ઓપન રાખવામાં આવનાર હતી ત્યાં ખોબલા જેવા બે માળીયા અને દુકાનો બાંધી દીધી. શાસ્ત્રીનગર જે એક સમયે શ્રેષ્ઠ અને સુંદર વિસ્તાર હતો, તે અત્યારે એક કુરુપ વિસ્તાર બની ગયો છે.

ગમે ત્યાં દુકાનો, ગલ્લાઓ થવા દેવામાં હાઉસીંગ બોર્ડ છોછ રાખતું નથી. જે સરકારી સંસ્થા ખાતેદારો પાસેથી મકાનના હપ્તા પણ ન ઉઘરાવી શકે, સંસ્થાને ગરીબ અને દેવાદાર રાખે પણ સ્ટાફ ગરીબ ન બને પણ અવારનવાર રાહતની સ્કીમો બહાર પાડ્યા કરે તેની પાસેથી તમે સુંદરતા કે સારા વહીવટની તો આશા જ ન રાખી શકો.

આ કોઈ શાસ્ત્રી નગર એકલાની વાત નથી.

શાહ આલમ રોજાવાળી કોલોનીઓની તો આનાથી પણ ખરાબ કથા છે. અર્બન ડેવેલપમેન્ટ ઑથોરીટી પણ કંઈ કમ નથી. તેનો ટેસ્ટ કરવો હોય તો ગરીબ શીડ્યુલ્ડ બેકવર્ડ ક્લાસને ફાળવેલી જમીનો ઉપર હાલ વાસ્તવિક કબજો કોનો છે તે જાણો તો ખબર પડશે કે માલેતુજાર લોકો જ આ જમીન ઉપર કબજો ધરાવે છે.  સરકારી કર્મચારીઓ પણ તે માટેના એજન્ટો હોય છે.

મ્યુનીસીપાલીટી હોય, ઔડા હોય, કે હાઉસીંગ બોર્ડ હોય સૌને પ્રજાની સુખ સગવડ કરતાં “કાયદાની ઐસી તૈસી” કરીને પૈસા ગજવે કરવામાં જ રસ હોય છે. જો દેશના સર્વોચ્ચ પણ જો વિશ્વસનીય અને વિવાદથી પર રહેવામાં માનતા ન હોય તો આ સરકારી કે અર્ધસરકારી કર્મચારીઓ શામાટે કાયદાના રાજ માટે પ્રયત્ન કરે? પૈસા શા માટે ગજવે ન કરે? તેઓ જાણે છે કે જો આવું વ્યાપક બનશે એટલે ન છૂટકે સરકાર માઈબાપ રાહતો આપવાની સ્કીમો બહાર પાડશે. ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા “ઈમ્પેક્ટ ફી” લાગુ કરવાની સરકારી ભલામણ “સહીયારો પ્રપંચ” નથી તો બીજું શું છે? દેશને જરુર છે દરેક લેવલે એક ક્રેઝી ન્યાય મૂર્ત્તિ, ક્રેઝી મુખ્ય મંત્રી અને ક્રેઝી સરકારી અમલદાર જે વ્યાપક હિતમાં અર્થઘટન કરે, આદેશ આપે અને તેનો અમલ કરે અને કરાવે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ ગુજરાત હાઉસીંગ બોર્ડ, કમીશ્નર, એસ્ટેટ ઓફીસર, કર્મચારીઓ, ભાડા ખરીદ પદ્ધતિ, હપ્તા, લાલીયાવાડી, સ્કીમ, સુંદર, બદસુરત, શાસ્ત્રીનગર, કોલોની, એસોસીએશન, રૂ. ૧૦૦૦, બાંધકામ, ફાવેતેમ, બગીચો, થીયેટર, ઈન્દીરા, કટોકટી

Read Full Post »

%d bloggers like this: