ઓશો આશારામ અને સંત રજનીશમલ
અશારામ ઉર્ફે આસારામ ઉર્ફે આસુમલ ને ઓશો કેવી રીતે કહી શકાય? “ઓશો” નો અર્થ ઓશોવાદીઓ કોઈ એક ભાષાના શબ્દકોષ પ્રમાણે સંપૂર્ણ જ્ઞાની, બ્રહ્મજ્ઞાની કે જ્ઞાની એમ બતાવે છે. ચાલો કમસે કમ ઓશો શબ્દ જ્ઞાન સાથે સંકળાયેલો છે તે વિષે મતભેદ નથી. પણ કેટલાકને વાંધો પડશે કે જો આશારામને ઓશો આશારામ કહીશું તો “ઓશો”નું અવમૂલ્યન કર્યું ગણાશે. અને “ઓશો” શબ્દને તો રજનીશના ભક્તોએ રજનીશ સાથે એવો સાંકળી લીધો છે કે તેઓએ એક પરંપરા બનાવી છે કે “ઓશો” અને “રજનીશ” એ પર્યાયવાચી છે. તે એ હદ સુધી કે “ઓશો” એટલું માત્ર ઉલ્લેખવાથી રજનીશ એમ સમજવું.
ઓશો લીલાઃ
પણ જેઓ સાક્ષી ભાવે જગતને જુએ છે અથવા જોવા માગે છે અથવા જોવાની કોશિસ કરે છે તેઓ આવા મર્યાદિત શબ્દ પ્રયોગ કરવામાં વિચરી ન શકે. જગતને સાક્ષીભાવે જોનારા ને “ઓશો” શબ્દના વ્યાપક પ્રયોગ કરવામાંથી કોઈ જ વિચલિત ન કરી શકે. અને આ ભાવે અને તર્કે આપણે આપણા લોકશાહી દેશમાં “ઓશો”નો વ્યપક શબ્દ પ્રયોગ કરીશું અને આશારામને ઓશો આશારામ કહીશું. જો કે ઓશો આશારામને તેમના ભક્તોમાંના ઘણા ભગવાન અને અથવા સિદ્ધપુરુષ પણ માને છે. લોકશાહીમાં તર્કહીન અંગત માન્યતા ધરાવવી એ પણ એક અધિકાર છે. જ્યાંસુધી તમે બીજાની તંદુરસ્તીને કે સમાજની તંદુરસ્તીને છેતરવા માટે આવું ન કરો ત્યાં સુધી તો તમને બધી જ સ્વતંત્રતા છે. સમાજની તંદુરસ્તી એ એક અઘરો વિષય છે. અને સમાજના મૂર્ધન્યો અને મહાજનો તેના વિષે વિસંવાદિત રીતે પણ, સંવાદ, વિવાદ, વિતંડાવાદ અને તલવારી યુદ્ધો કરતા આવ્યા છે. અહીં તે વિષય અપ્રસ્તુત્ય છે.
“આઉટ સાઈડર”
પાશ્ચાત્ય તત્વજ્ઞો આવા સાક્ષીભાવવાળા માણસો માટે “આઉટ સાઈડર” એવો શબ્દ વાપરીને ધન્યતા અનુભવે છે. સંત રજનીશમલે પણ આ “આઉટ સાઈડર” નો શબ્દ પ્રયોગ કરીને ઘણું અદભૂત લખ્યું છે એમ આપણા કટારીયા લેખક શ્રી કાન્તિભાઈ ભટ્ટ કહે છે. તેમજ શ્રી કિશોરભાઈ મકવાણા પણ “દિવ્ય ભાસ્કર ૨૦મી ઓક્ટોબર ૨૦૧૩ રવિપૂર્તિમાં કહે છે.
આ આઉટસાઈડર ક્યાંથી ટપકી પડે છે?
જેણે સત્યને જાણ્યું છે અથવા તો સત્યને જાણવાની કોશિસ કરી છે તેમનું કહેવું હોય છે કે “આઉટ સાઈડર” બન્યાવગર સત્ય જાણવાના રસ્તે આગળ વધી શકાતું નથી. એટલે કે તટસ્થભાવ રાખ્યા વગર તમે સત્યને (તથ્ય) તારવી ન શકો. ન્યુટનનો હું ભક્ત છું માટે ન્યુટન કહે તે સાચું એવું જો કહીયે તો અવકાશ યાનો ચાલી ન શકે. ન્યુટનના સિદ્ધાંતોને પ્રયોગો દ્વારા ચકાસીએ તો તથ્ય લાધે. કારણકે ચકાસણીના ઉપકરણો તટસ્થ હોય છે. અને ચકાસણીના કામમાં તર્ક બુદ્ધિ પણ એક ઉપકરણ હોય છે. તેને પણ તટસ્થ રાખવું પડે.
પણ બને છે એવું કે સમાજશાસ્ત્રના તત્વજ્ઞાનમાં આપણા આ મૂર્ધન્યો, ન તો ઉપકરણોને તટસ્થ રાખે છે કે ન તો તર્કબુદ્ધિને તટસ્થ રાખે છે. તમે જુઓ, “ફલાણા”એ આમ કહ્યું અને “ફલાણા”એ તેમ કહ્યું. આપણે માનનીય કટારીયા શ્રી કાન્તિભટ્ટ ની કટારનો કોઈપણ લેખ વાંચી શું તો તમને અગણિત પાશ્ચાત્ય વિદ્વાનોના ઉદ્ધૃતો વાંચવા મળશે. જાણે કે તે તારવણીઓ સ્વયંસિદ્ધ અને પરમબ્રહ્મ સત્ય હોય. … અહો રુપમ અહો ધ્વનિ … જેવું જ. કમસે કમ આજે જેની વાત કરીએ છીએ તે સંત રજનીશમલ વિષે કે ઓશો આશારામ વિષે તો આવું લાગે જ છે.
તમે આઉટસાઈડર છો તો તમારે માટે ઓશો આશારામ અને સંત રજનીશ સમાન છે.
આશારામ ઓશો શા માટે?
જો રજનીશ એટલે રજન્યાઃ ઈશઃ અસૌ, સઃ રજનીશઃ રાત્રીનો જે ઈશ્વર છે તે રજનીશ. એટલે કે રજનીશમાં ઈશ (ભગવાન) તો સમાયેલો છે જ તો પછી ભગવાન રજનીશ કેમ? છતાં પણ રજનીશના ભક્તો, રજનીશને ભગવાન રજનીશ એમ કહેતા.
આશારામ કેવીરીતે ઓશો તો હોવા જ જોઇએ?
આશારામ રાજકીય મહાનુભાવ નથી. જો કે કેટલાક સર્વ પક્ષીય રાજકીય મહાનુભાવો તેમને નમન કરે છે. નમન ન કરતા હોય તો તેમના મુલાકાતીઓ તો બનેલા છે. આશારામ પાસે સત્તા નથી. તે છતાં પણ તેમને મહાનુભાવો નમન કરેછે અને મુલાકાત લે છે. આ સત્તા વગરનું શાસન છે તેથી આ તેમનું અનુશાસન છે. માટે તેમનામાં કંઈક તો હોવું જ જોઇએ.
આશારામને જ્ઞાન તો થયું છે કે ખરું, કે આ જગતમાં પરમ સત્ય આખરે શું છે, જેથી તમે સદેહે પરમાનંદ પામી શકો? પરમાનંદની પ્રાપ્તિમાટે તમારી પાસે અનુયાયીઓ હોવા જોઇએ. જો તમારી પાસે અનુયાયીઓ હશે તો તર્કની શું વિસાત છે! તર્ક બર્ક માર્યા ફરે. જેમ ગેડી દડાનો ખેલાડી, દડાને ગાંઠતો નથી, પણ પોતાની ગેડીથી દડાને ફાવે તે દિશામાં ફંગોળે છે તેમ પુરુષાર્થી સંકલ્પબદ્ધ પુરુષ ભાગ્ય ઘડનારા ગ્રહોને ગાંઠતો નથી અને ગ્રહોની ઐસી તૈસી કરીને તે પોતાના પ્રારબ્ધને ઘડે છે. તેવી જ રીતે બહોળા અનુયાયીઓ ધરાવતો પુરુષ (પુરુષમાં સ્ત્રી પણ આવી જાય એમ કાયદો અને ધર્મ ગ્રંથો કહે છે), તર્કને ગાંઠતો નથી અને અર્થોને ફાવે તે દિશામાં ફંગોળે છે.
“ધર્મ કરતાં લાંચ મહાન છે” ( ‘ગરમ હવા ફિલમની એક ઉક્તિ).
લાંચ એટલે એક જાતની લક્ષ્મી. લક્ષ્મીપતિઓની કમી નથી. લક્ષ્મી થી પણ અનુયાયીઓ મહાન છે કારણ કે ખરી શક્તિ તો અનુયાયીઓની જ બનેલી હોય છે.
ગુરુ ગોવિંદ દોનું ખડે કાકુ લાગુ પાય?
બલીહારી ગુરુ આપકી, ગોવિંદ દીયો બતાય.
ગુરુ અને ભગવાન બે ઉભા હોય તો પહેલાં કોને પગે લાગું?
ગુરુને જ તો (પહેલાં પગે લાગવાનું હોયને)? (કારણ કે ભગવાન તો ધન સંપત્તિ આપે છે), પણ ગુરુ તો આપણને ભગવાન જ આપી દે છે.
લક્ષ્મી અને અનુયાયીઓ બે ઉભા હોય કોને પગે લાગું? અનુયાયીને જ તો કારણ કે તે તો તમને લક્ષ્મી પણ આપી દે છે. જેમની પાસે લક્ષ્મી છે તે જ ચરિત્રવાન છે, તે જ જ્ઞાની છે, તે જ તર્કશાસ્ત્રી છે, તે જ વક્તા છે અને તે જ દર્શન કરવાને યોગ્ય છે.
તો હવે કહો, કોની પાસે વધુ લક્ષ્મી છે? ચોક્કસ રીતે આશારામ પાસે જ વધુ લક્ષ્મી છે. જ્યાં લક્ષ્મી હોય ત્યાં સહુ ગુણો જ આંટા ફેરા મારે એટલું જ નહીં રાજકીય મહાજનો પણ આંટાફેરા મારે છે. તેથી આશારામ જ ખરા ઓશો છે.
હવે તમે કહેશો, કે સારું ચાલો. તમે આશારામને ઓશો આશારામ કહ્યા તેમાં તથ્ય હશે. પણ તમે રજનીશને સંત રજનીશમલ કેમ કહ્યા? રજનીશ “સંત” કેવી રીતે અને રજનીશ “મલ” કેવી રીતે?
“સંત અને મલ”
બાવા બના હૈ તો હિન્દી તો બોલના હી પડેગા ન?
કેટલાક લોકો મનમોહન સિંહને શરુઆતમાં કદાચ ફક્ત તેમની દાઢીને કારણે જ મીસ્ટર ક્લીન કહેતા હશે. પણ તે પછી નહેરુવીયન કોંગ્રેસની ગટર–ગંગામાં ઘણી શ્યામા–લક્ષ્મીના હિમશીલા જેવા વહેણ પકડાયા, તેથી હવે તેમને કોઈ સંત કહેતું નથી. પણ ભીન્દરાણવાલે ને ઈન્દીરા ગાંધીએ સંત કહેલા. અને કહેવાય છે કે કશીક ભાગબટાઈ પણ કરેલી.
દાઢીવાળા “સંત” શબ્દના પ્રી–ફીક્સ વાળા બાવાજીઓનો તૂટો નથી. જો કોઈ એક તથ્ય “એક” માટે સત્ય તરીકે લાગુ પડતું હોય, “બે” માટે લાગુ પડતું જોય, “ત્રણ” માટે લાગુ પડતું હોય, અને “આર” (જ્યાં “આર” કોઈ પણ એક ધનાત્મક પૂર્ણ સંખ્યા છે એટલે કે પોઝીટીવ ઈન્ટીજર નંબર છે) એટલે કે એક રેન્ડમ રીતે પકડેલ છે, તેને લાગુ પડતું હોય તો તેને સત્ય માનવું, એવો એક તર્ક તારણ ગણાય છે. તો આપણે અનુયાયીઓના વૃંદની વચ્ચે શોભાયમાન થતા દાઢીવાળા જણને સંત કહી જ શકીએ. માટે રજનીશ સંત તો કહેવાય જ.
રજનીશ “મલ” કેવી રીતે?
જગ્ગુમલ, ટેહુમલ, ટોપામલ, ટેભામલ, આસુમલ, વિગેરે મલ તો આપણે સાંભળ્યા છે. પણ રજનીશ મલ ક્યાં હોય છે? અરે ભાઈ સિંધીભાઈઓના નામોમાં પણ ક્રાંતિ આવી શકે છે. વળી ઓશો આશારામ જો બીનસિંધી એવા નરેન્દ્ર મોદીને પણ નરેન્દ્રમલ કહેતા હોય તો મલ શબ્દ કંઈ સિંધી, મારવાડી, પંજાબીઓ પુરતો મર્યાદિત ન ગણી શકાય. હવે તો દક્ષિણ ભારતીય યુવકોના શ્રીનિવાસન, વેંકટરામન, રામન, શંકરન, કૃષ્નન ને બદલે શૈલેશ, સુરેશ, ઉમેશ એવા નામ જોવા મળે છે. અને ઉત્તરભારતીય મહિલાઓના નામ પણ રામકટોરી, રબડી, રામપ્યારી, રામદુલારીને બદલે કાન્તા, શાન્તા, રાધિકા, જેવા નામો જોવા મળે છે અને ભાઈઓમાં પણ રામખિલાવન, રામપિલાવન, રામરતન, ને બદલે રાકેશ, રાજેશ, રમેશ જેવા નામો જોવા મળે છે.
ગુજરાતીમાં મલ્લ શબ્દ વપરાય છે.એમ તો મલ શબ્દ પણ છે. પણ આ પાશ્ચ્યોક્ત શબ્દથી તો જનતા દૂર ભાગે, જો તે શરીરની બહાર હોય તો. શરીરની અંદર હોય તો તેને દૂર કરવાના પ્રયત્નો કરે. એટલે જ બીરબલે અકબરને, “સુખી કોણ” એ પ્રશ્નના ઉત્તરમાં જણાવેલ કે સુખી માણસ એ કે જે સંતોષકારક રીતે હંગી શકે. હંગ પણ “તમસો મા જ્યોતિર્ગમય” ની જેમ શરીરની અંદરના અંધકારમાંથી દુનિયાના પ્રકાશમાં આવે છે. અને સુખી થાય છે.
સંત રજનીશમલને પણ તેમના અને તેમના શિષ્યોના કહેવા પ્રમાણે પ્રકાશ લાધ્યો હતો.
શું સંત રજનીશમલ સુખી હતા?
લક્ષ્મી, સંપત્તિ અને અનુયાયીગણ તો સંત રજનીશમલ પાસે પણ હતાં. તો પછી સંત રજનીશમલ અને ઓશો આશારામ માં ફેર શો છે?
આમ તો બંનેની પ્રકૃતિ અને પ્રવૃત્તિ સરખાં જ છે પણ પ્રસ્તુતિ અલગ અલગ છે. વ્યવવસાય એક જ છે પણ વ્યુહરચના અલગ અલગ છે.
જો રોગ કહેવામાં આવતો હોય તો રોગ અને જો યોગ કહેવામાં આવતો હોય તો યોગ. સમાધિ કહેવામાં આવતી હોય તો સમાધિ. આ વિષેનો નિર્ણય રોગશાસ્ત્રીઓ ઉપર અને માનસશાસ્ત્રીઓ ઉપર છોડી દેવો જોઇએ. પણ એ જે હોય તે બંનેમાં સમાન છે.
સૌથી ભયંકર કોને કહેવાય તે કેવી રીતે નક્કી કરશો?
જે વસ્તુ નિડરને પણ ભય પમાડે તે સૌથી વધુ ભયંકર ગણાય.
તેવી જ રીતે સૌથી શરમજનક વાત કોને કહેવાય?
જે વાત બેશરમીને પણ શરમ પમાડે તે વાત સૌથી શરમજનક કહેવાય.
ઓશો આશારામ અને સંત રજનીશમલ, બંને ગોપીઓના શોખીન. એમ તો કૃષ્ણ વિષે પણ ગોપીઓને ટાંકવામાં આવે છે. પણ તેમાં દંતકથાત્મકતા વધુ છે. શ્રી કૃષ્ણે ઘણો પરસેવો પાડેલ અને ભારતીય સમૂદ્ર ઉપર ધ્વજ પતાકા લહેરાવેલ. પછી લોકો દ્વારા ખાસ કરીને માલેતુજાર લોકો દ્વારા બધું જ કૃષ્ણાર્પણ કરવામાં આવ્યું તેમાં ગોપીલીલાઓ પણ આવી ગઈ. આ વિષયાંતર છે તેથી તેની ચર્ચા નહીં કરીએ.
આપણા ઓશો આશારામ અને સંત રજનીશમલ, બંને પોતાની આગવી જુદી જુદી વ્યુહરચનાઓ દ્વારા ગોપી લીલાઓ કરતા હશે એવું હોઈ શકે.
જગતમાં ત્રણ જાતના લોકો હોય છે.
ગરીબ, મધ્યમ અને માલેતુજાર.
વૈચારિક કે ધન સંપત્તિ કે બંને, એ બાબત વિષે વાચકોએ નક્કી કરવું.
ગરીબ લોકોને ગરીબ રાખી, લાલચ આપી, ભરમાવી શકાય છે. મધ્યમ લોકોને થોડા સમય માટે ભરમાવી શકાય છે. માલેતુજારોને સંતોષીને ભરમાવી શકાય છે.
નહેરુવીયન કોંગ્રેસીઓ આમ જ કરતા આવ્યા છે. એટલે તો ગરીબ ગરીબ જ રહ્યા છે અને બાવાઓ, મૌલવીઓ, રાજાભૈયાઓ, દાઉદો, શાહજાદાઓ અને જમાઈઓ ફુલાફાલ્યા છે.
જુઓ ગોપી લીલાઓમાં તેઓ કેવા આગળ છે!
ઓશો આશારામ એટલે તું અતૃપ્ત રાધા અને તને તૃપ્ત કરનારો કૃષ્ણ હું છું, એવું છાપામાં વાંચવા મળેલ. સંત રજનીશમલની તો સંભોગથી સમાધિની વાત પ્રસિદ્ધ છે.
ઓશો આશારામે સૌ માટે પોતાના દ્વાર ખુલ્લા રાખ્યા. સંત રજનીશમલને આકાશ સાથે બાથ ભીડવી ન હતી. તેથી તેમણે માલેતુજારોને જ પસંદ કર્યા અને મધ્યમવર્ગીય ગોપીઓ પસંદ કરી. બધું ચાર દિવાલ વચ્ચે રાખ્યું. એક સમયે ફક્ત એક જ ગોકુળ રાખ્યું.
ઓશો આશારામે ગામે ગામ ગોકુળ બનાવ્યા.
ઓશો આશારામ ઉપર કેમ આભ તૂટી પડ્યું અને સંત રજનીશ કેમ બચી ગયા?
ચિમન ભાઈ પટેલે ગુજરાતના બધા જ મુખ્ય મંત્રીઓને ઉથલાવ્યા. પણ બળવંતરાય મહેતા ૧૯૬૫માં વિમાન અકસ્માતમાં મરી ગયા એટલે (ઉથલવામાંથી) બચી ગયા.
સંત રજનીશ એમ તો સાવ કોરા ધાકોર રહ્યા ન હતા. અમેરિકાના આશિક હોવાથી અમેરિકા સ્થાયી થવા ગયેલ. ધોળીયા શિષ્યો પણ મળેલ. અને ગોપી લીલાઓનો ત્યાં સૈધાંતિક છોછ હોતો નથી તેથી તે લીલા ચાલી પણ હતી. પણ ભારતીય લોકોને દેશી ભાંગ કે અફીણ જોઇએ તો ધોળીયા લોકો ને વિદેશી ભાંગ એટલે કે ડ્રગ જોઇએ. અને આ ધંધો નફાનો છે.
અમેરિકન સરકારને અને પાદરીભાઈઓને સુષ્ઠુ સુષ્ઠુ બોલવું બહુ ગમે પણ જો તેમને અનુક્રમે એમ લાગે કે “દાળમાં કંઇક કાળું છે” અને આપણું મહત્વ ઘટે એમ છે તો તેઓ કોથળામાં પાંચશેરી રાખીને કોથળાના પ્રહાર કરે. આવું જ કંઈક તેમણે સંત રજનીશ વિષે કર્યું. અને સંત રજનીશે અમેરિકામાંથી ઉચાળા ભર્યા. તે આજ ની ઘડી અને કાલનો દિ’, સંત રજનીશે અમેરિકા સામે જોયું નથી. રજનીશમલની વાત જવા દો, તેમનો કોઈપણ શિષ્ય “અમેરિકામાંથી કેમ ઉચાળા ભર્યા તે વિષે ઉચ્ચરવા પારદર્શી નથી.
અમેરિકા પણ જો સોય થી પતી જતું હોય તો કરવત ન ચલાવે. માનવ હક્કોની વાતો કરે. પણ ઓસામા બીન લાદેન ઉપર કાયદેસર કામ ન ચલાવે. છડે ચોક એનકાઉન્ટર કરે અને પછી સમૂદ્રમાં પાર્થિવ શરીરનું ધબાય નમઃ કરે. અમેરિકાની તો ન્યાયપ્રણાલી શીઘ્રાતિશીઘ્ર છે. તો પણ તે આતંકવાદીઓની બાબતમાં કોઈ ન્યાયિક સાહસ કરવામાં માનતી નથી.
તેનાથી ઉંધું ભારતીય ન્યાયિક પ્રણાલી થર્ડક્લાસ છે તો પણ આપણી નહેરુવીયન સરકાર આતંકવાદીઓની બાબતમાં નકલી એનકાઉન્ટરના ફીફાં ખાંડે છે. કહ્યું છે ને કે:
જ્યાં બુદ્ધિશાળીઓ જતાં વિચાર કરેછે ત્યાં મૂર્ખાઓ માથું મારીને ઘુસી જાય છે.
મૂળ વાત પર આવીએ તો સંત રજનીશના હાલ, ઓશો આશારામ જેવા એટલા માટે ન થયા કે જેમ બળવંતરાય મહેતા ચિમન ભાઈ પટેલથી બચી ગયા તેમ સંત રજનીશ પણ બચી ગયા.
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ ઓશો, આશારામ, સંત, રજનીશ, યોગ, રોગ, સંભોગ, સમાધિ, અમેરિકા, ગોપી, લીલા, વૃંદાવન,