નેપાળો કે હરડે ચૂર્ણ કે પૃથક ચૂર્ણ માંથી શું પસંદ છે?
વળી પાછો આપણા કાન્તિભાઈ ભટ્ટે, પોતાને વિદ્વત્તાપૂર્ણ લાગે તેવો એક વિશ્લેષણાત્મક લેખ લખ્યો. આમ તો પોતે વિદ્વાન છે તેવું પ્રદર્શિત કરવું હોય તો પોતે “વેલ રેડ” “અતિવાચનવિદ્” છે, તેવું તો પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે બતાવવું જ પડે. વળી કાન્તિભાઈની માન્યતા પ્રમાણે ભારતીય જનોની માન્યતા એ છે કે આપણે ભારતના પ્રાચિન કે અર્વાચિન વિદ્વાનો કરતાં વિદેશી નામોવાળા કહેવાતા વિદ્વાનોને ક્યાંય વધુ વિશ્વસનીય માનતા હોઈએ છીએ. તેથી કાન્તિભાઈના લખાણોમાં તમને આવા વિદેશી નામો યુક્ત કથનો ઉદ્ધૃત થયેલા વધુ જોવા મળશે. આમ તો જેઓ વિદેશમાં સ્થાયી થયા હોય તેવા આપણા ભારતીય મૂળના માણસો વિદેશી વિદ્વાનોની અને સમાચાર માધ્યમના વિશ્લેષકોની તારતમ્ય વાતોને બ્રહ્મવાક્ય સમજતા નથી અને આકર્ષાતા પણ નથી. પણ આ માનસિકતા હજુ ભારતમાં વિકસી નથી. આ બાબતમાં ભારતીય સંસ્કૃતિ અને પાશ્ચાત્ય સંસ્કૃતિના વિશેષજ્ઞ શ્રી રાજીવ મલહોત્રાએ ભારતીય સાંપ્રત મહાનુભાવોની ખાસી રમૂજી વાતો કરી છે.
પણ આપણે એ વાત જવા દઈએ.
વાક્ પ્રહારો
મૂળવાત છે કે આપણા આ કટારીયા ભાઈ નરેન્દ્ર ભાઈ મોદીની ઉપર લેખીની દ્વારા પ્રહારો કેમ કરે છે? અને તે પણ કોઈ આધાર વગર.
જે વાતોને આધાર ન હોય અને ફક્ત તારવણીઓ જ હોય તેને ચર્ચા કે વિશ્લેષણ તો ન જ કહેવાય. તેને આપણે સુષ્ઠુ ભાષામાં મનોભાવ કે માનસિકતા કહી શકીએ. ગુજરાત માં એક “શનિ” નામના કાર્ટૂનીષ્ટ હતા તેઓ જોકે આમ તો વિશ્વકક્ષાની પ્રજ્ઞા ધરાવતા હતા, પણ કોંગ્રેસવાળાને આ વાસ્તવિક રીતે “તડ અને ફડ” કહેનારા શનિભાઈ સામે વાંધો પડી ગયેલ. મોરારજી ભાઈને ખાસ વાંધો પડતો નહીં પ્ણ જ્યારે ઈન્દીરાઈ કોંગ્રેસે ગુજરાતમાં દેખા દીધી અને કેન્દ્રમાં તેનું પ્રભૂત્વ ઘણું વધ્યું ત્યારે દેખીતી રીતે જ ઈન્દીરાઈ કોંગ્રેસીઓ શનિ ભાઈને કનડવામાં ઝાલ્યા રહે ખરા? આ વાત પણ બહુ લાંબી છે. અને અહીં અસ્થાને છે.
આ શનિભાઈ તથ્ય હીન અને વેતાવગરની ટીકાઓને “મળોત્સર્જ”ની ક્રિયા કહેતા. નેપાળો લીધો હોય તો આ ક્રિયા “એક ‘ઘા’એ પતી જાય. પણ નેપાળો રોજ ન લેવાય. ચૂર્ણ રોજ લઈ શકાય. હરડે પણ ચગળી શકાય. નેપાળો એ એક મોટો પ્રહાર કરે છે. ચૂર્ણ શનૈઃ શનૈઃ ધક્કો મારી “મળ”ને તેના નિકાસદ્વાર પાસે પહોંચાડે છે. હરડે આંતરડાને હલનચલન માટે ઉત્તેજીત કરે કે જેથી “મળ” ભાઈ તેમના નિકાસદ્વાર પાસે પહોંચે.
આપણા કટારીયા ભાઈએ શું લીધું છે તે આપણે જાણતા નથી. પણ આપણા ભાઈશ્રીને નેપાળો વધુ પસંદ લાગે છે.
આપણા કટારીયાભાઇઓ, કાંતિભાઈ અને પ્રકાશભાઈ એ બે માં ફેર શો છે?
જો તમારે કોઈની બુરાઈ કરવી હોય તો બે રીતે કરી શકો છો. બીજા કોઈપણ વિષય ઉપર વિશ્લેષણ કરતા હો, પણ વાતવાતમાં હરતા ફરતાં નરેન્દ્ર ભાઈ મોદીને ગોદા મારતા રહો. એટલે કે છૂટક છૂટક. પ્રકાશભાઈ કંઈક આવું કરે છે. બોક્સીંગ બીજા કોઈની સાથે કરતા હોય, પણ એકાદો ગોદો જેને લક્ષ્યમાન્યું નથી તેને (નરેન્દ્ર મોદીને) પણ ઉંધા હાથે મારી લે છે..
કાન્તિભાઈ એક જ સમયે ગોદાઓની એક બંદરેથી (સબ બંદરકા વ્યાપારી હોવાથી) ફડાફડી બોલાવી દે છે. ગોદાઓ નરેન્દ્ર મોદીને જેટલા પહોંચ્યા એટલા ખરા. ન પહોંચે તો કંઈ નહીં. આપણી નિકાસ રેકર્ડ ઉપર તો આવી જ જશે તેથી કોઈક વાર કામ લાગશે. બુમરેંગ થશે તેની તેમને ખબર નથી.
પેટના દુઃખાવાનો ઈલાજ
કાયમ ચૂર્ણ, નિત્યચૂર્ણ કોમર્સીયલ બન્યા પછી પૃથક ચૂર્ણ નામનું એક નવું ચૂર્ણ શોધાશે. જે સરકારી નોકરોને ખાસ કામ લાગશે. સરકારી નોકરોને અવારનવાર બ્રેક લેવાની ટેવ હોય છે. અને તેને માટે બહાનાની જરુર હોય છે. કારણ કે આ પૃથક ચૂર્ણ લેવાથી લેનારને પૃથક પૃથક “મળોત્સર્જન” કરવા જવું પડશે. આપણા ઋષિમૂનિઓએ “મળોત્સર્જનાસન” નામનું કે કાઠિયાવાડી સુજ્ઞ ભાષામાં “હંગાસન” નામનું એક આસન શોધ્યું હતું. ઘણા પ્રયોગેને અંતે આ આસન શોધ્યું હતું. પણ પાશ્ચાત્ય સંસ્કૃતિની અસરનીચે હવે તે વિસરાતું જાય છે. પણ આ પૃથક પૃથક ચૂર્ણ વૈદકીય રીતે પ્રચલિત બને તે પહેલાં રાજકીય વિશ્લેષકોમાં આ પૃથક ચૂર્ણ આપણા પ્રકાશભાઈ કટારીયાએ અમલમાં મુકી દિધું છે.
આપણે જાણીએ છીએ કે નેપાળો રોજ ન લેવાય. પણ જ્યારે ઠીક ઠીક સમય પસાર થઈ ગયો હોય, સમયે સમયે નરેન્દ્ર મોદીને (ભીમને) મળતા લસપસતા (પ્રશંસાના) લાડુઓથી કાન્તિભાઈના (શકુનીની જેમ) જેમ આંતરડા ફાટ ફાટ થતા હોય અને બહુ મળસંચય થઈ ગયો હોય ત્યારે નેપાળો લેવો જરુરી બને છે. એટલે તેઓશ્રી વખતો વખત એક સળંગ લેખ નરેન્દ્ર મોદી માટે ફાળવતા હોય છે. જ્યારે પ્રકાશ ભાઈ તેમના દરેક લેખમાં છૂટક છૂટક ગોદા મારી લેતા હોય છે.
જો કે શુદ્ધ કાઠીયાવાડી ભાષામાં માટીરીયલ વગરની વાતોને “લાળી” કહેવાય છે.
આપણા કટારીયા કાંતિભાઈએ શબ્દ પકડ્યો “એનીગ્મા”. એનીગ્મા એટલે અનિશ્ચિત. એનીગ્મેટીક એટલે એવી વ્યક્તિ જેની વિષે તમે “તે શું કરશે” તે ભાખી ન શકો. આવો પણ અર્થ થાય. આમ તો ભવિષ્ય શાસ્ત્ર જેવું કશું વૈજ્ઞાનિક રીતે છે જ નહીં. પણ બેજાન દારુવાલાએ નરેન્દ્ર મોદી વિષે ચારેક વર્ષ પહેલાં ભવિષ્ય ભાખેલ કે તે “આ નરેન્દ્ર મોદી, બધાના છોડા ઉતારી નાખશે”. મીડીયા, મૂર્ધન્યો અને તેમના જ પક્ષના અમુક ઉચ્ચ કક્ષાના નેતાઓના સહિયારા આક્રમણ છતાં પણ ગુજરાતની ચૂંટણી નરેન્દ્રભાઈ જીતતા આવ્યા છે, એટલે જ્યોતિષ શાસ્ત્રીઓ માટે નરેન્દ્ર મોદીની જીતની આગાહી કરવી એ ખોટનો ધંધો તો રહેતો જ નથી. પણ દેશની ચાર ટકા માનવ વસ્તિ ધરાવતા અને હમેશા અંગ્રેજી મીડીયાથી હડધૂત થતા એવા ગુજરાતના નેતા ગમે તેટલા મૂલ્યનિષ્ઠ અને આવડતવાળા હોય તો પણ ગુજરાતી નેતાને ગણતા નથી. કારણ કે ગુજરાત પાસે લોક સભાની માંડ ૨૫ બેઠકો છે. આ બધા ઉપરાંત આપણા નરેન્દ્ર મોદી અંગ્રેજીભાષાના જ્ઞાનમાં નબળા હોય, તેને અન્યપ્રાંતના નેતાઓ કેવીરીતે સાંખી શકે? વળી ભારતની પ્રજાને ન્યાતજાત, પ્રદેશવાદ, ભાષાવાદ અને વળી ધરમ થી વિભાજીત કરવામાં નહેરુવીયન કોંગ્રેસે જરાપણ બાકી રાખ્યું નથી. એવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી થાય તે વાત નરેન્દ્ર મોદીના દુશ્મનો તો શું સહાનુભૂતિ ધરાવનારા રાજકીય વિશ્લેષકો વિચારી શકતા ન હતા. નરેન્દ્ર મોદીની માનસિકતા એવી છે કે તે ગીતાના નિયમો પ્રમાણે વર્તે છે. એટલે કે તેઓ જે પણ કામ કરે છે તે અલિપ્ત ભાવે કરે છે. આમ હોવા છતાં એક વખત આપણા આ કટારીયા કાંતિભાઈએ “સાક્ષીભાવ”નો નરેન્દ્ર ભાઈ પાસે અભાવ છે તેમ કહેતો એક લેખ ઠોકી દીધેલો. નરેન્દ્ર મોદીએ તો સાક્ષીભાવને સમાવતું એક પુસ્તક પણ લખ્યું છે. પણ આપણા કટારીયા ભાઈને એવું વાંચવું ફાવે નહીં. આપણા ભાઈ તો જે વ્યક્તિને તેઓ મહાન ગણે છે તેમના પુસ્તકો જ વાંચે છે અને તે પણ વાચકો સમક્ષ ઑકવા (ઉલટી કરવા) માટે. જે વ્યક્તિ, નરેન્દ્ર ભાઈના સાક્ષીભાવથી અજાણ હોય અને જે વ્યક્તિ આ વાત સમજી નથી શકતી, તે નરેન્દ્ર મોદીની એ વાત પણ ન સમજી શકે કે “આપત્તિને અવસરમાં કેવી રીતે પલટાવવી”.
જે વ્યક્તિ “આપત્તિ”ને “અવસર” સમજતો હોય તેને સમજવા માટે ભેજું જોઇએ ભેજું.
જો ભારતીય મૂર્ધન્યોમાં ભેજું હોત તો નહેરુની ભૂલો કે જેની શરુઆત જે ૧૯૪૭ થી શરુ થઈ ગઈ હતી અને હિમાલય જેવડી ભૂલોની શરુઆત ૧૯૫૧થી શરુ થઈ ગઈ હતી તેને તેઓ ૧૯૫૭માં જ સમજી શક્યા હોત.
ફલાણો વ્યક્તિ ક્યારે શું કરશે તે તમે ક્યારે નિશ્ચિત ન કરી શકો?
તે વ્યક્તિ તમારા કરતાં જ્ઞાની હોય,
તે વ્યક્તિ તમારા કરતાં વધુ અનુભવી હોય,
તે વ્યક્તિ આવડતવાળી હોય,
તે વ્યક્તિ મુશ્કેલીને સમજી શકતી હોય,
તે વ્યક્તિ મૂલ્યની દરકાર ન કરનારી ધૂની વ્યક્તિ હોય,
તે વ્યક્તિ સત્તાવાળી અને અહંકારી સ્ત્રી હોય,
તે વ્યક્તિ ગાંડી હોય.
પાકિસ્તાની લોકો સમગ્ર ભારતના લોકોને બનીયા-બ્રામણ કહે છે.
ગુજ્જુઓ વિષે સુજ્ઞ ઘાટી જનો, છેલ્લી બાબત કહેતા હોય છે.
મરાઠી લોકો મુંબઈમાં મોટે ભાગે, ગુજરાતી વાણિયાના સંપર્કમાં આવતા હોય છે. વાણિયાઓ વેપારી વૃત્તિના હોય છે. વાણિયાઓનું ધ્યેય લાંબા ગાળાનું અને ટૂંકા ગાળાનું એમ બન્ને હોય છે. વાણિયાઓ પોતાનો વ્યુહ રચતા પહેલાં સામી પાર્ટીને, સામેની પાર્ટી પોતાને ઓળખે તે કરતાં વધુ ઓળખી લે છે. પછી તબક્કાવાર આક્ર્મણ કરે છે. આક્ર્મણ એવું ગુઢ હોય છે કે સામે વાળી વ્યક્તિ માટે, વાણિયાની ક્રિયાનું કે પ્રતિક્રિયાનું વિશ્લેષણ કરવું અશક્ય હોય છે.
ગાંધીજીની જ વાત કરો. ગાંધીજી અંગ્રેજોને અંગ્રેજો કરતાં વધુ સારી રીતે ઓળખતા હતા. જીન્ના પણ વાણિયા હતા. એટલે ગાંધીજીને ગાંઠતા ન હતા. પણ ગાંધીજીએ નહેરુનો જીન્ના સામે શસ્ત્ર તરીકે ઉપયોગ કરી, જીન્નાની શક્તિઓને મર્યાદિત કરી હતી. ગાંધીજી સિદ્ધાંતવાદી હતા તે વાત વાણિયાવૃત્તિની વિરુદ્ધમાં જતું હતું. વળી ગાંધીજીને એમ હતું કે કોંગ્રેસના નેતાઓ અખંડભારતના મુદ્દાઓ ઉપર અડગ રહેશે. પણ તેમ ન થયું. જીન્ના અને બ્રીટીશ સરકારનો સંયુક્ત ખૂનામરકીનો ઉપક્રમ, ગાંધીજીને હરાવી ગયો. જોકે ગાંધીજી વધુ જીવી ગયા હોત તો ગાંધી વાણિયાનો અચૂક વિજય થાત.
કોણ ચોક્ખું?
ટૂંકમાં તમે ઈચ્છો તો ગાંડાને એનીગ્મેટિક કહી, નરેન્દ્ર મોદીની સામે તેનો ઉપયોગ કરી, “મેં કેવું સરસ કહ્યું?” એવું માની પોતાની પીઠ થાબડી શકો. આપણા કટારીયાભાઈએ અનિગ્મા અને એનીગ્મેટિક વિષે પોતાના જ્ઞાનને પીરસતાં તો પીરસી દીધું અને કોઈ વિદેશી સામાયિકમાંના નરેન્દ્ર મોદીને લગતા લેખમાં મોદીને “એનેગ્મેટિક” ઉદ્ધૃત કરતાં તો કરી દીધા, પણ કાન્તિભાઈને થયું કે આ તો આપણે જે કહેવું ન હતું તે કહેવાઈ ગયું (કે નરેન્દ્ર મોદી ન પારખી શકાય તેવો છે). આપણે તો તેને ઉતારી પાડવાનો હતો. કંઈ વાધો નહીં. આપણે કહીશું કે જુઓ અમારું વાચન કેટલું બધું છે! અમારું જ્ઞાન કેટલું બધું છે! હવે આવા અમે અમારો મત સ્પષ્ટ કરી દઈએ છીએ કે, આવા મહાન અમે, “નરેન્દ્ર મોદીને હરગીઝ એનિગ્મેટિક માનતા નથી. આ નરેન્દ્ર દામોદરદાસ મુળચંદ મોદી, ચોક્ખે ચોક્ખા આર એસએસની જન્મોત્રીવાળા હિન્દુ નેતા છે.”
જોકે ભાષાવિદો “આ નરેન્દ્ર દામોદરદાસ મુળચંદ મોદી, ચોક્ખે ચોક્ખા આરએસએસની જન્મોત્રીવાળા હિન્દુ નેતા છે.” ના અનેક અર્થો કરી શકે. સંસ્કૃત વ્યાકરણના નિયમ પ્રમાણે જેને વિશેષણ લગાડ્યું હોય તેની વિભક્તિઓ, તેના વિશેષણને લાગે છે. એટલે “ચોક્ખે ચોક્ખા” એ વિશેષણ છે અને પ્રથમા એક વચન છે. નરેન્દ્ર મોદી પણ પ્રથમા એક વચન છે. એટલે નરેન્દ્ર મોદી ચોક્ખા જ નહીં ચોક્ખે ચોક્ખા એટલે કે ચોક્ખાઓમાં ચોક્ખા છે. આમ ન હોય તો “ચોક્ખે ચોક્ખા” શબ્દ હિન્દુ નેતા સાથે જાય. એટલે કે “ચોક્ખે ચોક્ખા” હિન્દુ નેતા છે. ચાલો એ જે હોય તે.
આરએસએસવાદ
આપણા દેશની સેક્યુલર જમાતે હિન્દુવાદી શબ્દને આરએસએસવાદનો સમાનાર્થી શબ્દ ઠેરવી દીધો છે. તમે ભારતમાંના કોઈ પણ ઐતિહાસિક બનાવને બ્રીટીશ સરકારે ભણાવેલા ઈતિહાસથી અલગ દૃષ્ટિએથી જુઓ એટલે તમે તેનું ભગવાકરણ કરી દીધું એમ કહેવાય. આરએસએસને એક ધજા છે જે આમ તો હિન્દુ મંદિરો ઉપર ફરકતી ધજા જેવી છે. પણ આ ભગવા રંગને સેક્યુલર જમાત એક કટ્ટરવાદી હિન્દુત્વ તરીકે ખપાવે છે.
આર એસ એસ વાળા કોણ છે?
આર એસએસવાળા કંઈ પરગ્રહના પ્રાણી નથી. આરએસએસવાળા સામાન્ય મધ્યમવર્ગના માણસો છે. દરેક વર્ગમાંથી આવે છે. તેમના અમુક નેતાને ગાંધીજીની તટસ્થતા ગમતી ન હતી. આમાંથી જેઓએ ગાંધીજીને વાંચ્યા, તેઓ ગાંધીજીને સમજ્યા. જેઓએ ગાંધીજીને ન વાંચ્યા અને જેમને પૂર્વગ્રહ રાખવો હતો તેઓએ પૂર્વગ્રહ રાખ્યો. જેઓએ ઈતિહાસ કે જે અંગ્રેજોએ મુસ્લિમો વિષે ભણાવ્યો હતો તેને સ્વિકાર્યો તેઓ પણ મુસ્લિમો વિષે પૂર્વગ્રહ રાખતા થઈ ગયા. હિન્દુવાદી કટ્ટરતાને આરએસએસ સાથે કશું લાગતું વળગતું નથી. હિન્દુઓની આક્ર્મકતા એક પ્રતિક્રિયા છે. હિન્દુઓની પ્રતિક્રિયા એ કટ્ટરતા નથી.
પણ આપણા કટારીયા શ્રી કાન્તિભાઈ, નરેન્દ્ર મોદીને કટ્ટર આરએસએસવાદી બંદો કહે છે. પણ નરેન્દ્ર મોદીએ ગાંધીજીને વાંચ્યા છે અને ગાંધીજીને સમજ્યા પણ છે. તેથી તેઓએ ગાંધીજીને વાંચવાની ભલામણ પણ કરી છે.
જો નરેન્દ્ર મોદી, જનતાને ગાંધીજીને વાંચવાની સલાહ આપે એ વાત નહેરુવીયન કોંગ્રેસીઓને ન ગમે તે વાત સમજી શકાય છે. ગાંધીજીને નામે નહેરુએ ત્રણ ચૂંટણીઓ જીતી. પણ પછી તેમના અ-ગાંધીવાદી કરતૂતો બહાર પડ્યા એટલે જનતાએ જાકારો આપવો શરુ કર્યો. સરદાર પટેલનું શસ્ત્ર તો તેમનું હતું જ નહીં કારણકે કોમવાદનું શસ્ત્ર તેમને વધુ પસંદ હતું.
નરેન્દ્ર મોદીએ “સરદાર પટેલ” નામનું શસ્ત્ર પોતાના કાર્યોદ્વારા કબજે કર્યું એટલે તેમના વિરોધીઓના પેટમાં તેલ રેડાય તે સ્વાભાવિક છે. હવે નરેન્દ્ર મોદી “ગાંધીજી” નામનું શસ્ત્ર પણ હસ્તગત કરી રહ્યા છે. કારણ કે નરેન્દ્ર મોદીને ખબર છે કે ગાંધીનું અર્થશાસ્ત્ર સાવ નકામું તો નથી જ. એટલે સ્વાવલંબન તો લાવવું જ પડશે. ખાદીમેળા, ગ્રામોદ્યોગ મેળા, સખીમંડળ, કૃષિમેળા મારફત, નરેન્દ્ર મોદી, ગ્રામ્ય અને ગરીબ જનતાના કામ કરી રહ્યા છે. આ કામ ભારતની જુની ગ્રામ્ય પ્રણાલી ને અનુરુપ છે. આ વાતની પ્રશંસા કરવી જોઇએ. ધારો કે આમાં પણ આપણે રાજકરણ જોઇએ તો?
સહી શબ્દોંકા પ્રયોગ કરેં
મોદીના કામો, મોદી-ફોબીયા વાળા સુજ્ઞ કટારીયાઓને પસંદ પડતા નથી. હવે તેમની દલીલ જુઓ. તેમને હિસાબે ભારતમાં (નહેરુવીયન) કોંગ્રેસ ખાડે ગઈ એટલે નરેન્દ્ર મોદી પાટે બેઠા છે.
“પાટે બેઠા છે” એ જો કે આ સંદર્ભમાં લાગુ પડતું નથી. “પાટે બેઠા છે” એ શબ્દ પ્રયોગ, જે ઠરીને ઠામ ન બેસતો હોય અને જો તે કોઈ લાલચના કારણે ન છૂટકે પાટ ઉપર બેઠો હોય, તો તેવા સંજોગોમાં “પાટે બેઠો” વપરાય છે. કોઈએ કાંતિભાઈને કહેવું જોઇએ કે “સહી શબ્દોંકા પ્રયોગ કરેં.”
કટારીયા ભાઈશ્રી કહે છે કે ભારતમાં (નહેરુવીયન) કોંગ્રેસ ખાડે ગઈ એટલે નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા. અરે ભાઈ! તો શું ગુજરાતમાં નહેરુવીયન કોંગ્રેસ ખાડે ગઈ હતી? નહેરુવીયન કોંગ્રેસ ક્યારે અને ક્યાં ખાડે ગઈ ન હતી? આ તો ચૂંટણી પરિણામ પછીના બધા ડહાપણના ઉદ્ગારો છે. ૨૦૦૯માં શું કોંગ્રેસ ઓછી ખાડે ગયેલી હતી? પણ આપણા અડવાણીજીમાં નરેન્દ્ર મોદી જેવો તરવરાટ ક્યાં હતો!. ૨૦૦૮માં મોદીનો જાદુ ગુજરાતમાં હતો. એજ મોદીની ત્સુનામી ૨૦૧૪માં ભારતભરમાં ફરી વળી.
નરેન્દ્ર મોદી, અગર તેમની કાર્યશૈલીમાં અને કાર્યવાહીમાં સરદાર અને ગાંધીજીને સંડોવવાનું રાજકારણ રમે તો તે ક્ષમ્ય છે અને આવકાર્ય પણ છે. નહેરુવીયન કોંગ્રેસી નેતાઓની કર્યશૈલી અને કાર્યવાહીમાં ગાંધીવાદ માત્ર અને માત્ર એક નામમાત્ર હતું.
આપણા ભાઈશ્રી કટારીયાનો તર્ક તો જુઓ.
દરેક સંત સૌ પ્રથમ પાપી હોય છે. દાખલા તરીકે વાલ્મિકી. માટે જનતાને એક સંદેશો આપો કે જનતા નરેન્દ્ર મોદીને સંત ન માને. અને બાકીના હે સંતો તમારું કર્યું કાર્યું ધૂળ બરાબર છે.
આમ તો નરેન્દ્ર મોદીને કેટલાક ધર્મ ગુરુઓ ભેટતા હોય તેવા ફોટાઓ સમાચાર પત્રોમાં ૨૦૦૮ની ચૂંટણી વખતે પ્રગટ થયેલા. અને આપણા નહેરુવીયન કોંગ્રેસવાદીઓએ અને મોદીવિરોધી સમાચાર પત્રોએ, તેને પોતાની ચૂનાવી જાહેરાતોમાં છપાવીને કટ્ટર હિન્દુવાદીઓને સંદેશો આપેલ કે જુઓ તમારો નેતા મોદી, કેવો શેતાન છે. હવે આપણા આ કટારીયાભાઈ, નરેન્દ્ર મોદીના મુસ્લિમ ધર્મગુરુઓને ભેટતા તાજેતરના ફોટાઓ જોઇ એમ કહે છે કે નરેન્દ્ર મોદી કટ્ટર આરએસએસવાદી હોવા છતાં તેઓ વડાપ્રાધન થયા એટલે બદલાઈ ગયા છે તેવો દેખાવ કરે છે. માટે આ માણસ એનેગ્મેટિક લાગે છે પણ એ વાસ્તવમાં મીંઢો છે. વાહ ભાઈ વાહ . તમે તો તમારા અજ્ઞાનને પણ તમારું તર્ક માટેનું શસ્ત્ર સમજો છો.
આપણા કટારીયાભાઈ, એનિગ્મેટિકનું ડીંડવાણું આગળ ચલાવે છે, નરેન્દ્ર મોદીને આ ડીંડવાણું કેવી રીતે લાગુ પડે છે તે બતાવવાની તસ્દી તેમણે લીધી નથી. તેથી ત્યાં તમે નહેરુવીયન કોંગ્રેસી નેતાઓને અને તેમના સાંસ્કૃતિક સાથીઓને ગોઠવી દો તો ચાલે.
જોકે નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ ઘેલા છે અને નહેરુવંશીઓને વ્હાલા થવા માટે તેઓ બેફામ બોલે છે. નહેરુવીયન કોંગ્રેસની સરકાર હતી ત્યારે ખોબ્રાગડેના કેસમાં વિદેશમંત્રી એવી પ્રતિજ્ઞા લીધેલી કે જ્યાં સુધી અમેરિકાની સરકાર પાસે માફી નહીં મંગાવું ત્યાં સુધી દિલ્લીમાં પગ મુકીશ નહીં.
યાદ કરો ગાંધીજીના શબ્દો કે જ્યાં સુધી દેશ આઝાદ નહીં થાય ત્યાં સુધી મારા હરિજન આશ્રમમાં પગ નહીં મુકું. “પગ નહીં મુકું” એમ કહેવાથી સજ્જન થવાતું નથી. ધ્યેય હાંસલ કરવું પડે છે. ગાંધીજી સજ્જન હતા એટલે તેમણે તેમની પ્રતિજ્ઞાનું પાલન કરેલુ. આપણા કટારીયાભાઈ તો નહેરુ અને તેમના વારસદારોએ લીધેલી પ્રતિજ્ઞાઓ યાદ કરતા જ નથી. શઠની પ્રતિજ્ઞા પાણી ઉપર લખાયેલા અક્ષરો જેવી છે.
કાન્તિભાઈ કટારીયા એવું માને છે કે કોઈએ કયાંક કશું કોઈને વિષે સારું કહ્યું, જેમકે મોદી અકળ છે, તો મોદી તેવા નથી એમ કહી દો એટલે પત્યું. કોઈએ મોદીને કશું સારું કહ્યું તો કહી દો કે તે વ્યક્તિ તો બે બદામની હતી.
કરણ થાપરને મોટો ભા જાહેર કરો. અને પછી કહો કે કરણ થાપરના સવાલો તીક્ષ્ણ હતા. અને મોદીભાઈએ તેના સવાલોનો જવાબ ન આપવાની ઘૃષ્ટતા કરેલી. માટે મોદી પાપી છે.
કરણ થાપર અને પ્રભુ ચાવલા એ બેમાં સુજ્ઞ પત્રકાર કોણ? આ સવાલનો જવાબ અલ્પજ્ઞ વ્યક્તિ પણ આંખો બંધ કરીને કહી શકશે કે પ્રભુચાવલાની તોલે કરણ થાપર તો શું કોઈ પણ ન આવી શકે. કારણ કે પ્રભુ ચાવલામાં પ્રશ્નની સંચરચના કરવા માટેની અદભૂત આવડત છે. પ્રભુ ચાવલા પોતે ધારેલા પ્રશ્નો, સામેની વ્યક્તિને અપમાન જનક ન લાગે તે રીતે પૂછી શકે છે. કરણ થાપરમાં એટલી આવડત નથી અને નથી જ. કરણ થાપર તો સાવ અણઘડ જ લાગે છે. હવે જો પ્રભુચાવલા નરેન્દ્ર મોદીનો ઈન્ટર્વ્યુ લઈ શકે અને કરણ થાપર ન લઈ શકે તો, ખાટલે ખોડ, કરણ થાપરમાં જ છે. આપણા કટારીયા ભાઈ આ બાબતનો ફોડ ન જ પાડે.
આપણા કટારીયાભાઈનો ગર્ભિત અને અસંપ્રજ્ઞાતમનમાં પડેલો હેતુ તો “એનેગ્મા” વિષે તેમણે જે કંઈ પેટમાં નાખેલું તે બહાર કાઢવાનું હતું જેથી અજ્ઞજનોના ના જ્ઞાનમાં એનેગ્મા વિષે વૃદ્ધિ થાય.
મહાત્મા ગાંધીને ભાંડનારા પણ હતા
જ્યારે મહાત્મા ગાંધી જીવતા હતા ત્યારે તેમને “મહાત્મા”ને બદલે “મહાતમા” એટલે “તામસી મનોવૃત્તિવાળા” એમ કહેવાવાળા પણ હતા. તેઓના સંતાનો અત્યારે પસ્તાતા હશે!
મહાત્મા ગાંધીની “સ્વદેશી” અને “સવિનય કાનૂન ભંગ” ની વાત ઘણાબધા મહાન નેતાઓને પસંદ ન હતી. પણ ૧૯૪૨-૪૩ સુધીમાં તેમાંના મોટા ભાગનાને એ બંને વાતો સાચી લાગી ગયેલી. તેઓ સૌ સુજ્ઞ અને સંસ્કારી અને ધિરજવાળા હતા, તેઓએ કદી મહાત્મા ગાંધી ઉપર ઉલટીઓ કરી ન હતી.
જોકે ગાંધીજીએ કહેલ કે દુઝણી ગાય પાટુ મારે તો પણ ખમી લેવું જોઇએ.
નરેન્દ્ર મોદીમાં આ ગુણ છે.
ચમત્કૃતિઃ
સંસ્કૃતમાં એક શ્લોક છેઃ
જેઓ બીજાના હિત માટે પોતાનો સ્વાર્થ તજીને કામ કરે છે તે લોકો સજ્જનો છે,
જેઓ બીજાને નુકશાન ન થાય તે રીતે પોતાનું કામ કરે છે તે લોકો મધ્યમ લોકો છે,
જેઓ બીજાનું અહિત કરી પોતાનો સ્વાર્થ સાધે છે તે લોકો રાક્ષસ લોકો છે,
પણ જેઓ નિરર્થક જ બીજાને નુકશાન કરે છે તે લોકો કોણ છે તે અમે જાણતા નથી.
શિરીષ મોહનલાલ દવે
૨૬ નવેમ્બર ૨૦૧૪ ના દિવ્યભાસ્કરમાં પ્રકાશિત થયેલ કાન્તિભાઈ ભટ્ટના લેખના પ્રતિભાવ રુપે.
ટેગ્ઝઃ એનીગ્મા, અકળ, મહાત્મા, મહાતમા, ઉલટી, નહેરુવીયન, ઘેલા, મીંઢા, ગાંડા, અસંપ્રજ્ઞાત, ડીંડવાણું, પ્રકાશભાઈ, કટારીયા, કાન્તિભાઈ, કટ્ટર, આર એસ એસ, સ્વદેશી, સવિનય કાનૂનભંગ, પ્રભુ ચાવલા, કરણ