
મારું નામ શમશદ અને મારા મોટાભાઈનું નામ અલ્તાફ. મારા મોટાભાઈએ આમ પીટીસી કરેલું. પણ તેમનો ધંધો મીકેનીકનો. એટલે કાર પણ રીપેર કરે અને સાયકલ પણ રીપેર કરે. હા અમારે ઈશ્વરપુરામાં કાર, સ્કુટર, સાયકલ, પ્રાયમસ વિગેરે રીપેર કરવાની દુકાન એક જ. તડાકો પડે એવી ઘરાકી નહીં પણ ગાડું ગબડ્યું જાય. હું તો ગણેશપુરામાં રહું. મારા મોટાભાઈ એકલા હતા.
હવે વાત શરુ થાય છે.
હું ઉઠ્યો અને પાછળના વાડામાં ગયો. અરે આ શું છે? આ તો મોટાભાઈએ બનાવેલી ત્રણ પૈડાવાળી સાયકલ છે. આમ તો આને સાયકલ પણ ન કહેવાય અને રીક્ષા પણ ન કહેવાય. સાયકલ લારી તો કહેવાય જ નહીં.
આ સાયકલ ઉપર બેસીએ તો બે પૈડાવાળી સાયાકલ પણ લાગે અને ત્રણ પૈડાવાળી સાયકલ પણ લાગે. પાછળ હસિનાને બેસાડી પણ શકાય. હા હસિના મારી બૈરીનું નામ. હસિના રુપાળી તો હતી જ. એટલે તો હું તેને પરણેલો. હજી પણ રુપાળી તો લાગે જ છે મને તો.
સાયકલ આવી ક્યારે? સાયકલ વાડામાં કેમ કોણે મુકી? કદાચ હસિનાએ મુકી હશે. ચોરાઈ ન જાય ને એટલા માટે.
આ સાયકલ અફલાતુન છે. મને થયું તેના ઉપર બેસીને થોડું ફરી આવું. રસ્તા ઉપર લઈ ગયો. અને બેઠો. આતો આમ તો સ્કુટર જેવી હતી. પેડલ તો ફક્ત પગ રાખવા માટે હતા. તેના હેન્ડલ અસ્સલ સ્કુટર જેવા હતા. હેન્ડલ ઉપર આગળના અને પાછળના પૈડાઓ માટેની બ્રેકો પણ હતી. સાયકલ તો સ્કુટરની જેમ દોડવા માંડી. મેં હેંડલને ઉંચુ કર્યું તો સાયકલ તો હવામાં ઉંચી થઈ. ઉડવા લાગી. મને શી ખબર, પણ આ ટ્રાયસિકલ તો હવામાં બહુ ઉંચી આવી ગઈ અને આગળને આગળ ધપવા લાગી.
તમને આશ્ચર્ય થશે. પણ મને આશ્ચર્ય ન થયું. કારણ કે મારા મોટાભાઈ અલ્તાફભાઈ બહુમોટા કારીગર હતા. તેઓ પેટ્રોલ વગર અને બેટરી વગર પણ ચાલે એવી સાયકલ બનાવે તેનું મને તો આશ્ચર્ય ન જ થાય. હવે હસિનાને લઈને બધે ફરવા જવાશે. અને તે પણ મફતમાં. મેં હેંડલ ઉપર દબાણ કર્યું તો સાયકલ ધીમે ધીમે મારી ઇચ્છા પ્રમાણે નીચે આવવા માંડી. મને બહુ મજા આવી.
સારું થયું કે રોડ ઉપર કોઈ હતું નહીં. નહીં તો લોકોને કૌતૂક થાત અને ભીડ જમા થઈ જાત.
મારે આ અદ્ભૂત સાયકલના રહસ્યો ખાનગી રાખવા પડશે. જો હું જાહેરમાં ચલાવીશ તો બધા છાપાવાળા અને ચેનલો વાળા મારો જીવ ખાઈ જશે. મારી બધી નિરાંત જતી રહેશે. વળી આ સાયકલનો કોઈ પૂર્જો બજારમાં મળવાનો નથી. મેં નક્કી કર્યું કે હું આ સાયકલને જમીનથી માંડ અડધો સેન્ટીમીટર જેટલી જ ઉંચી ચલાવીશ. એટલે ટાયરોને ઘસારો ન થાય. આટલી ઓછી ઉંચાઈએ ચલાવવાથી કોઈનું ધ્યાન પણ નહીં જાય. હાયવે ઉપર તો ટ્રાફિક ન હોય એટલે પૂરપાટ ચલાવીશ.
હસિનાએ કહ્યું આ સાયકલને આપણે આગળની ઓસરીમાં નહીં રાખીએ. આપણે આ સાયકલને વાડામાં જ રાખીશું. જેથી ચોરાઈ ન જાય. અરે હા. આ વાત પર તો મારું ધ્યાન જ ન ગયું. અત્યાર સુધીમાં મારી બે સાયકલો ચોરાઈ ગઈ છે. આ સાયકલને તો બરાબર સાચવવી પડશે. વાડામાં રાખવાથી તે ઘરમાંથી તો નહીં ચોરાય. પણ ધારો કે બહારગામ જઈએ ત્યારે શું કરીશું? બધાના ઘરે વાડા તો ન જ હોય ને!.
મને વિચાર આવ્યો. આનો એક ઉપાય થઈ શકે. આને રજીસ્ટ્રર કરાવી દઉં. રજીસ્ટર કરાવી દઈશ એટલે સાયકલને ગાડીની જેમ એક નંબર મળશે. અને જો ચોરાઈ જશે તો પોલીસ ફરીયાદમાં સાયકલનો નંબર આપીને ફરીયાદ થઈ શકશે.
એટલે હું હસિનાને લઈને આરટીઓમાં ગયો.
આરટીઓમાં ક્લાર્કને મળ્યો. ક્લાર્કે કહ્યું તમે તો સીનીયર સીટીઝન છો. એટલે સીધા મંકોડી સાહેબને જ મળો. હું મંકોડી સાહેબને મળ્યો.
મંકોડી સાહેબે કહ્યું; સાહેબ, સાઈકલનું તો રજીસ્ટ્રેશન થતું નથી. તમે રજીસ્ટ્રર કરાવ્યા વગર જ વાપરી શકો છો.
મેં કહ્યું; નહીં સાહેબ એવું નથી. સાયકલનું પણ રજીસ્ટ્રેશન થાય છે અને સાયકાલને પણ એક નંબર મળે છે. અને તે રજીસ્ટ્રેશન નંબરની પ્લેટ સાયકલને લગાવી શકાય છે.
સાહેબે કહ્યું; મેં તો એવું સાંભળ્યું નથી.
મેં કહ્યું; સાહેબ તમને ખબર નહીં હોય. અમારે ભાવનગરમાં તો સાયકલને નંબર પ્લેટ લગાવવી પડતી હતી. એટલે કે તેનું રજીસ્ટ્રેશન કરાવવું પડતું હતું.
સાહેબે કહ્યું; એમ !! તો હું તપાસ કરી લઉં.
સાહેબે કોઈને ફોન કર્યો. શું વાત કરી તે મને સંભળાયું નહીં. પણ પછી તેમણે મને કહ્યું.
સાહેબે કહ્યું; જુઓ સાહેબ, તમે, તમારી સાયકલને પેટ્રોલ એન્જીન લગાવ્યું છે?
મેં કહ્યું; ના. એવું કશું જ લગાવ્યું નથી. બેટરી પણ નથી. ગીયરો પણ નથી. આમ જ ચાલે છે. ત્રણ પૈડાં ઉપર ચાલે છે. પાછળની સીટ ઉપર એક જણ બેસી પણ શકે.
સાહેબે કહ્યું; લો બસ. અરે સાહેબ હવે તો બેટરીથી ચાલતા સ્કુટરનું પણ રજીસ્ટ્રેશન કરાવવું પડતું નથી.
મેં કહ્યું; સાહેબ, મેં સાંભળ્યું છે કે ત્રણ પૈડાવાળી મોટી સાયકલ હોય તો રજીસ્ટ્રેશન કરાવવું પડે છે.
સાહેબે કહ્યું; જુઓ સાહેબ, જુના વખતમાં સાયકલનું રજીસ્ટ્રેશન કરાવવું પડતું હતું. સાયકલને પણ નંબર પ્લેટ લગાવવી પડતી હતી. પણ હવે એવું નથી. હવે તમે આમ જ સાયકલ ફેરવી શકો છો.
મેં કહ્યું; નરેન્દ્ર મોદીએ તો કહ્યું છે કે પાર્ટીના કાર્યકરોએ ના પાડતા શિખવું પડશે. અને કર્મશીલો એટલે કે સરકારી નોકરોએ હા પાડતાં શિખવું પડશે. તમે શું કામ ના પાડો છો? તમારી વાત સાચી છે કે હવે સાયકલનું રજીસ્ટ્રેશન કરાવવું પડતું નથી. પણ તેનો અર્થ એવો તો નથી જ કે સાયકલના રજીસ્ટ્રેશન ઉપર બાન હોય. તમને મારી સાયકલનું રજીસ્ટ્રેશન કરવામાં વાંધો શું છે?
સાહેબે કહ્યું; ઓકે … ઓકે … પણ સાહેબ તમે મને કહો કે તમારે સાયકલનું રજીસ્ટ્રેશન શું કામ કરાવવું છે?
મેં કહ્યું; જુઓ સાહેબ મારી સાયકલ એક સ્પેસીયલ સાયકલ છે. મારા મોટાભાઈએ મને આપી છે. તે આખે આખી વન પીસ છે. હવે ધારો કે મારી આ સાયકલ જો ચોરાઈ જાય અને હું ફરીયાદ કરવા પોલીસ સ્ટેશને જાઉં એટલે પોલીસ તો મને પૂછે કે તમારી સાયકલનું બીલ લાવો. હવે મારી પાસે બીલ તો હોય નહીં. કારણ કે આ સાયકલ તો મારા મોટાભાઈએ આપી છે. વળી મારા મોટાભાઈએ કંઈ ખરીદીને તો મને આ સાયકલ આપી નથી. તેમણે તો બનાવીને આપી છે. બીલ તો મારી પાસે હોય જ નહીં ને !! તો બોલો સાહેબ, મારે પોલીસને શું કહેવું? પણ જો મારી સાયકલ રજીસ્ટર્ડ કરાવેલી હોય. તેને નંબર પ્લેટ હોય તો હું પોલીસને કહી શકું કે જુઓ આ મારી સાયકલનો રજીસ્ટ્રેશન નંબર છે અને તેનો માલિક હું છું.
સાહેબે કહ્યું; હા, એ વાત ખરી. પણ જો તમારા ભાઈએ આ સાયકલ મેન્યુફેક્ચર કરી છે અને વળી ત્રણ પૈડા વાળી છે. એટલે તેનું તો પાસીંગ કરાવવું પડશે. અને તમે જાણો છો ને કે સરકાર પાસીંગ કરે એટલે તેને આખીને આખી ખોલી નાખે અને પછી દરેક પુરજાને ચકાશે. અને પછી આખી સાયકલના પુર્જાઓનું પોટલું બનાવીને તમને પરત કરે. તમારી સાયકલ કઈ કેટેગરીમાં આવે તેની મારે તપાસ કરવી પડશે.
મેં કહ્યું; જુઓ સાહેબ, મારા મોટા ભાઈ તો આ દુનિયામાં નથી. અમને આ સાયકલના પુર્જાઓ પોટલાના સ્વરુપમાં મળે તો અમને તેમાંથી સાયકલ બનાવતાં આવડે પણ નહીં. વળી આ સાયકલ ખુલે એવી પણ નથી. આ તો વન પીસ સાયકલ છે. અને અમારે કંઈ આવી સાયકલ બનાવવાનો ધંધો પણ કરવો નથી. તેથી આવું કશું જ કરવું પડશે નહીં. અમારે તો અમારા અંગત ઉપયોગ માટે જ વાપરવાની છે. આ સાયકલ ઉડે પણ છે. પણ અમારે તેને ઉડાડવી નથી. અમારે માટે તેને ઉડાડવી જરુરી નથી. અમારે તો તેને બહુબહુ તો ભાવનગર લઈ જવાની હોય કે વડોદરા લઈ જવાની હોય.
સાહેબે વળી બીજે ક્યાંક ફોન ઉપર વાતચીત કરી. મને કશું સંભળાયુ નહીં.
પછી સાહેબે કહ્યું; હા તમારી વાત સાચી છે. તમે કહો છો કે તમારી સાયકલ ઉડે એવી છે તો તમારે “એવીએશન” નું ક્લીઅરન્સ લેવું પડશે. પણ તમે કહો છો કે તમે ઉડાડશો નહીં તેથી તમે એવીએશન નું ક્લીઅરન્સ નહીં લો તો ચાલશે. પણ રોડ ટેસ્ટ તો લેવો જ પડશે. કેવી ચાલે છે અને કેવી બ્રેક લાગે છે … એ બધું જોવું પડશે.
મેં કહ્યું; સાહેબ, તમે મારી સાયકલની પાછળની સીટ ઉપર બેસી જ જો. હું તમને રોડ ઉપર ફેરવીશ.
સાહેબે કહ્યું; નાના હું નહીં. તમે અમારા હાથીભાઈને પાછલી સીટ બેસાડજો !!
મેં કહ્યું; શું વાત કરો છો સાહેબ? મારી સાયકલ કંઈ એટલી મજબુત નથી કે હું હાથીભાઈને બેસાડી શકુ. હા. હું હસિનાને બેસાડી શકું. એનું વજન ૫૧ કીલો જેવું હોય છે.
સાહેબે વળી કોઈને ફોન કર્યો.
પછી સાહેબે કહ્યું; જુઓ. અમારા બુચ સાહેબ કહે છે કે કોઈ સુંદરીને બેસાડીને રોડ ટેસ્ટ કરવાની જોગવાઈ કાયદામાં નથી.
મેં કહ્યું; અરે સાહેબ હસિના એટલે મારી પત્ની. મારી પત્નીનું નામ હસિના છે. અને દિકરીનું નામ ખુશ્બુ છે. તમે કહો તેને બેસાડું.
સાહેબે વળી કોઈને ફોન કર્યો;
પછી સાહેબે મને કહ્યું; જુઓ તમારાં પત્ની અને દિકરી તો તમારા ઘરના જ માણસો કહેવાય. એટલે એ તો ટેસ્ટમાં ન જ ચાલે. એટલે તો હું તમને કહું છું કે તમે હાથીને પાછળ બેસાડો.
મેં કહ્યું; ના સાહેબ હાથી ને નહીં.
સાહેબે કહ્યું; તો શું તમે માંકડને પાછળ બેસાડશો?
મેં કહ્યું; શું સાહેબ મશ્કરી કરો છો. એની વે, જો માંકડથી ચાલી જતું હોય તો મને વાંધો નથી.
સાહેબે કહ્યું; તમે પણ ગજબ છો.
મેં કહ્યું; કેમ?
સાહેબે કહ્યું; તમે માંકડને ઓળખતા નથી. માંકડ તો હાથી થી પણ ડબલ છે. જુઓ પેલા સામેના ટેબલ ઉપર જે છે તે હાથી છે. અને ડાબી બાજુ જે બેઠા છે એ માંકડ છે.
મેં કહ્યું; ઓહ એમ વાત છે… તમે તમારા સ્ટાફની વાત કારો છો, તો તો હાથીભાઈ ને જ બેસાડીશ.
મંકોડી સાહેબે કહ્યું; જુઓ અમારા બુચ સાહેબે કહ્યું છે કે લોડ ટેસ્ટ પણ લેવો પડશે.
મેં પૂછ્યું; લોડ ટેસ એટલે શું?
મંકોડી સાહેબે કહ્યું; લોડ ટેસ્ટ એટલે કે ઓવરલોડ ટેસ્ટ. તમારે પાછળની સીટ ઉપર કશો માલ ભરવો પડશે. ઓવરલોડેડ કન્ડીશનમાં તેનો રોડ ટેસ્ટ લેવો પડશે.
મેં કહ્યું; સાહેબ. મારી સાયકલ ભલે ત્રણ પૈડા વાળી હોય પણ તે કંઈ ત્રણ પૈડાવાળી સાયકલ લારી નથી. તેના ઉપર મારે કદી સામાન ભરવાનો નથી. ઉગરચંદભાઈએ ટેસ્ટ આપેલા કારણ કે ઉગરચંદ ભાઈની તો હાથ લારી હતી.
મંકોડી સાહેબે કહ્યું; કોણ ઉગરચંદ?
મેં કહ્યું; ઉગરચંદભાઈ મારા મોટાભાઈના પાક્કા મિત્ર હતા. તેમણે પતિ પત્ની ભેગા થઈને ખેંચી શકે તેવી બ્રેકવાળી અને ટાયર વ્હીલ વાળી હાથલારી બનાવેલી. તેમને તે લારી પાસ કરવતાં નાકે દમ આવી ગયેલો. તેમને તો હાથલારીઓ બનાવીને વેચવી હતી. અમારે કંઈ આ સાયકલ વેચવી નથી કે ભાડે પણ ફેરવવી નથી. આ તો તમે જાણો જ છો.
મંકોડી સાહેબે કહ્યું; એ વાત ખરી હશે કદાચ. મને જોકે ખબર નથી. પણ તમારી સાયકલ અમારા લીસ્ટની કોઈ કેટેગરીમાં આવતી નથી. એટલે નજીકની કેટેગરી તો ત્રણ પૈડાવાળી સાયકલ લારી જ છે. એટલે તેના જે ટેસ્ટ છે તે અમે તમારી સાયકલને લાગુ પાડીશું. ક્યાં છે તમારી સાયકલ?
મેં કહ્યું; સાહેબ સાયકલ તો તમારી આરટીઓ ઓફીસના કંપાઉન્ડના દરવાજા બહાર મારી પત્ની પાસે છે. અંદર લાવ્યો નથી. કારણ અંદર કોઈ વસ્તુ લાવવી હોય તો ગેટ ઉપર એન્ટ્રી કરાવવી પડે. વળી ગેટમેન હજાર સવાલ પૂછે. તમે ચીઠ્ઠી લખી આપો તો તેજ ચીઠ્ઠી થી સાયકલ અંદર પણ લાવી શકાય અને બહાર પણ લઈ જઈ શકાય. વળી અહીં તમારા મકાનની દિવાલ પાસે જ રસ્તાની મેટલ પડી છે તેને ભરી લોડ ટેસ્ટ પણ કરી શકાય.
સાહેબે કહ્યું; ના …. ના … એ મેટલ ન લેવાય. એ માટે વળી તમારે અરજી આપવી પડે. ગેટપાસ બનાવવો પડે. વળી એ મેટલ તો કોન્ટ્રાક્ટરની છે એટલે કોન્ટ્રાક્ટર દ્વારા અરજી કરવી પડે. કોન્ટ્રાક્ટરે વળી તમારા નામનો ઓથોરીટી લેટર બનાવવો પડે. તેને માટે વળી તમારે સ્ટેમ્પ પેપર ખરીદવો પડે. એ ઓથોરીટી લેટરને નોટરી પાસે રજીસ્ટર્ડ કરાવવો પડે. એ બહુ લાંબુ થઈ પડશે. એટલે એમ કરો તમે અત્યારે કંપાઉન્ડ બહાર જ્યાં સાયકલ રાખી છે ત્યાં જ ઘણી મેટલ પડી છે. તે મેટલ જ ભરી લેજો.
મેં કહ્યું; પણ સાહેબ, એ મેટલ પણ કોઈને કોઈ કોન્ટ્રાક્ટરની જ હશે ને !! અને કોઈ વિઘ્ન સંતોષી જઈને કોન્ટ્રાક્ટરને કહી આવશે કે પેલો તમારી મેટલ લઈ જાય છે .. તે કોંન્ટ્રાક્ટર જો પોલીસમાં જઈને ફરીયાદ કરશે અને જો પોલીસ મારી પાસે એ મેટલનું બીલ માગશે તો હું બીલ ક્યાંથી લાવીશ?
મંકોડી સાહેબે મને કહ્યું; અરે સાહેબ, પોલીસ તો પહેલાં ફરીયાદી પાસે જ બીલ માગશે કે એ મેટલ એની જ છે એ વાત પુરવાર કરે. અને તમારે ક્યાં ચોરી જવી છે? તમે તો તમારું કામ પતે એટલે પાછી મુકી દેજો.
મેં કહ્યું; સાહેબ, પોલીસનું કશું ખાત્રી પૂર્વક કહેવાય નહીં. પોલીસ બધા એનીગ્મેટિક હોય છે. તેઓ શું કરશે તે વિષે આપણે કશું પૂર્વાનુમાન ન કરી શકીએ. પોલીસ તો કોન્ટ્રાક્ટરનો ઓળખીતો પણ હોય. તો એની પાસે બીલ ન પણ માગે. અથવા મારી પાસે બીલ પહેલાં માગે. કોન્ટ્રાક્ટર પાસે તો ઘણા બીલ હાથવગાં હોય. તે તો કોઈ પણ બીલ આપી જ દે. અરે એ તો બીલ લઈને જ પોલીસ પાસે જાય. એટલે જ હું કહું છું ને કે આ તમારી ઓફીસના મકાન પાસે જે મેટલ પડેલી છે. તે તમારી કસ્ટડીમાં કહેવાય. એટલે તમે મને તે આપી શકો.
મંકોડી સાહેબે કહ્યું; જુઓ… આ મેટલ છે તે મારી કસ્ટડીની ન કહેવાય. આ તો એસ્ટેટ ખાતાની કહેવાય. એટલે તમે જે અરજી આપો તે મારે એસ્ટેટ ઓફીસરને ભલામણ માટે મોકલી આપવાની. એટલે તેનો ક્લાર્ક તેને ઈનવર્ડ રજીસ્ટરમાં લખશે. પછી ફાઇલ ઉપર ચડાવે. સેક્સન ક્લાર્ક એને લાગતી વળગતી ફાઈલમાં ચડાવશે. નોટપેજ માં નોંધ કરશે અને મારી ભલામણનો ઉલ્લેખ કરશે. પછી ફાઈલ સુપરવાઈઝર પાસે જશે. પછી સુપરવાઈઝર કોન્ટ્રાક્ટરના વર્કફાઈલના સ્ટોક પેજ ઉપર જાંગડ ઈસ્યુની ભલામણ બતાવશે અને એસ્ટેટ ઓફીસર ગેટ પાસ ઈસ્યુ કરવાની રજા આપશે. પછી સુપરવાઈઝર સ્ટોર રેકોર્ડ કીપરને ગેટપાસ બનાવવાનું કહેશે. પછી સ્ટોર રેકોર્ડ કીપર ગેટપાસ બનાવશે. પછી સ્ટોર કીપર તે ગેટ પાસના આધારે તમને તે મેટલ લેવા દેશે. આ મેટલ જમા કરાવતી વખતે તમારે આજ ક્રિયા ઉંધેથી કરવી પડે. એટલે મારું સજેશન છે તે બરાબર છે. તમે બહારથી જ મેટલ લઈ લો. અને ધારો કે તમને પોલીસ પૂછે કે બીલ ક્યાં છે તો તમે કહે જો કે આ મેટલ ઉપર તમને ફરીયાદ મળી હોય તો તમે સાબિત કરો કે આ મેટલ એની જ છે.
મેં કહ્યું; સાહેબ, પોલીસનું એવું કશું ન હોય. … પોલીસ તો એમ જ કહે કે કોણ કોનું શું છે એ બધું કોર્ટ નક્કી કરશે … હમણા તો તમે તમારી પાસે જે કાગળીયા હોય તે લાવો. નહીં તો અમે તમને એરેસ્ટ કરીએ છીએ…
…. “ઉઠો હવે … શનિવાર હોય એટલે કંઈ મોડું જ ઉઠવું એવું જરુરી નથી. હરડે ચૂર્ણ હજુ લીધું લાગતું નથી. હ્યુસ્ટન જવું હોય તો બાર વાગે તો નિકળી જ જવું પડે” હસિનાએ કહ્યું.
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ સાયકલ, ટ્રાયસિકલ, હાથલારી, સાયકલ લારી, મંકોડી, સાહેબ, હાથી, માંકડ, બુચ, આરટીઓ, ઓફીસ, હસિના, મોટાભાઈ, નરેન્દ્ર મોદી
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ સાયકલ, ટ્રાયસિકલ, હાથલારી, સાયકલ લારી, મંકોડી, સાહેબ, હાથી, માંકડ, બુચ, આરટીઓ, ઓફીસ, હસિના, મોટાભાઈ, નરેન્દ્ર મોદી
Like this:
Like Loading...
Read Full Post »