આંદોલનપ્રિયોના આંદોલનોની નિરર્થકતા
જ્યારે ગાંધીજીએ આંદોલન, હડતાલ, બંધ, સવિનય કાનૂનભંગ અને અસહકારના શસ્ત્રોને ઉપયોગમાં લીધા હશે ત્યારે તેમને ખબર તો હતી જ કે આ શસ્ત્રોનો દૂરુપયોગ થશે. એટલે જ ગાંધીજીએ તેના નિયમો નક્કી કરેલા.
આંદોલન એટલે શું?
આંદોલન એટલે વિરોધ.
પણ સ્વસ્થ સમાજનો વિરોધ પણ સ્વસ્થ હોવો જોઇએ.
પણ સ્વસ્થ એટલે શું?
સ્વસ્થ એટલે પ્રગતિશીલ અને અહિંસક,
પ્રગતિશીલ એટલે શું? પ્રગતિશીલ એટલે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંવેદનશીલતામાં વૃદ્ધિ,
અહિંસક આંદોલન એટલે શું? અન્યને વાચા અને કર્મણાથી નુકશાન ન કરવું અને તેને પ્રગતિશીલતાના કર્મમાં જોડવો.
આંદોલનનો હેતુ વ્યાપક હિત માટે હોવો જોઇએ એટલે કે તેમાં સ્વાર્થ હોવો ન જોઇએ.
ધારો કે એક સમુદાયને બીજા સમુદાયથી નુકશાન થાય છે તો?
જો આમ હોય તો એમ વિચારવું પડે કે શું આમાં કાયદાનો ભંગ થાય છે કે નહીં? ધારો કે કાયદો જ એવો છે કે એક સમુદાયને જે ફાયદો થાય છે તેનું કારણ બીજા સમુદાયને થતું નુકશાન છે. જો આમ હોય તો કાયદો બદલવો જોઇએ. પણ આ તારતમ્ય સિદ્ધ કરવું જોઇએ.
દલિતોના ઉદ્ધાર માટે તેમના અલગ મતદાર મંડળ બનાવવાની જોગવાઈ કરવાનો પ્રસ્તાવ આવેલ. મહાત્મા ગાંધીએ તેનો વિરોધ કરેલ અને ઉપવાસ ઉપર પણ ઉતરેલ. કારણ કે આવો પ્રસ્તાવ સમાજને વિભાજિત કરે છે અને સમુદાયોની વચ્ચે ઘર્ષણ પેદા કરે છે.
છેલ્લા માણસને લક્ષમાં રાખો
ગાંધીજીએ કહેલ કે શાસન જે કંઈ નિર્ણય લે એનાથી સૌથી છેડેના માણસને કેટલો ફાયદો થશે તે પહેલાં વિચારે. નહેરુએ કરેલી અનામતની જોગવાઈનો પણ ગાંધીજીએ વિરોધ કર્યો હોત જો તે જીવતા હોત તો.
કોઈ એક વિસ્તાર લો. જો દલિતોનો સમુદાય વધુ ગરીબ હશે તો ગરીબોના જત્થામાં દલિતોની સંખ્યા વધુ હશે. બ્રાહ્મણ, ક્ષત્રીય અને વૈશ્યની જ્ઞાતિવાળા ની સંખ્યા ઓછી હશે. એટલે જે યોજના ગરીબો માટે કરશો તેમાં દલિત સમુદાયના સભ્યોને વધુ લાભ મળશે.
કુશળતા અકુશળતા અને ગરીબી
પણ સમસ્યા એ ઉભી થાય છે કે જે તે વ્યવસાય માટે યોગ્યતાના લઘુતમ ધોરણો નક્કી કર્યા છે તે યોગ્યતા વાળા દલિતો તો મળશે જ નહીં. કારણ કે તેઓ તો અભણ છે અથવા ઓછું ભણેલા છે.
એટલે સર્વ પ્રથમ તો દલિતોને અક્ષરજ્ઞાન વાળા ઉપરાંત વ્યવસાયને યોગ્ય બનાવવા પડે. એટલે જ્યાં સુધી દલિતો યોગ્ય રીતે શિક્ષિત ન થાય ત્યાં સુધી તેમની આર્થિક સ્થિતિ સુધરે નહીં અને જ્યાં સુધી આર્થિક સ્થિતિ ન સુધરે ત્યાં સુધી તેઓ સુશિક્ષિત ન થાય.
આ વાતનું નિરાકરણ એ જ કે શિક્ષણ બધી રીતે મફત કરી દો એટલે કે શિક્ષણના ઉપકરણો (પુસ્તકો, નોટો, પેનસીલ વિગેરે) પણ શિક્ષણ સંસ્થા જ આપે. સૌને શિક્ષણ સુલભ થાય તે માટે વધુ શિક્ષણ સંસ્થાઓ ખોલો.
શિક્ષણ અને ઉદ્યોગ
શિક્ષણ મફત કરો તો પણ સમસ્યા ઉકેલાતી નથી. શિક્ષકોને આડેધડ નીમી શકતા નથી. તેમને વેતન પણ આપવું પડે છે. આનો ઉપાય શિક્ષણને ઉદ્યોગ સાથે જોડવો જ જોઇએ પછી તે યંત્ર ઉદ્યોગ હોય કે ગૃહ ઉદ્યોગ હોય. જો આવું ન કરીએ અને સીધી નોટો છાપીયે તો લોકશાહીમાં મોંઘવારી વધે.
શાસને એવું કર્યું કે શિક્ષણ સંસ્થા સાથે ઉદ્યોગોને જોડ્યા નહીં તેથી શિક્ષણ સંસ્થાઓમાં પૂરતી વૃદ્ધિ થઈ નહીં, એટલે દલિતો માટે અનામત દાખલ કરી. અને પૈસાદારોના સંતાનો માટે દાનધર્મ આપવાની જોગવાઈ રાખી. સરકારી નોકરોના વેતન સ્વાતંત્ર્યના ચાર દશકા સુધી માંડ માંડ પુરું થાય તેવા હતા. એટલે સરકારે થીગડાં મારવા ચાલુ કર્યાં. સરકાર આમાં થીગડાં મારે એ પહેલાં તો સરકારી નોકરો ભ્રષ્ટ થઈ ગયા. ઓછું કામ કરો, લાંચ રુશ્વત લો, અને સરકારી પૈસાને પણ લૂંટો. જો આ શક્ય ન હોય તો બીજા ધંધા પણ કરો. વધુલાભ મેળવવા માટે આંદોલનો કરો.
આંદોલન કરતાં પહેલાં તેની વ્યાપક જનચર્ચા કરવી જોઇએ.
શાસકની મુલાકાત માગવી જોઇએ
શાસક સાથે પણ ચર્ચા કરવી જોઇએ. શાસક સાથે થયેલી ચર્ચાને જાહેર કરવી જોઇએ,
ચર્ચા માટે હમેશા બારણાના ખુલ્લા રાખવા જોઇએ,
જો શાસકના બચાવના કારણો તર્કને અનુરૂપ ન હોય તો તે કેવીરીતે તર્કને અનુરૂપ નથી તેની જાહેર ચર્ચા થવી જોઇએ.
જો આંદોલન તર્કબદ્ધ રીતે અનિવાર્ય હોય એવું જનતાનું વલણ લાગે તો શાસકને એક આવેદન આપવું જોઇએ કે શાસક્ની આ વાત તર્કયુક્ત અને તેથી અમારા માટે આંદોલન અનિવાર્ય બન્યું છે તેથી અમે તમને ૧૫ દિવસનો સમય આપીએ છીએ. જો કે તે દરમ્યાન પણ અમે ચર્ચા માટે તૈયાર છીએ.
આંદોલન કર્તા/ઓને શાસક પ્રત્યે નિષ્ઠા હોવી જોઇએ.
આંદોલન કર્તાએ/કર્તાઓએ કડકમાં કડક સજા ભોગવા તૈયાર રહેવું જોઇએ. આ સજાનો તેને/તેઓને બળાપો હોવો ન જોઇએ અને બળાપો ન કરવો જોઇએ.
આંદોલન કરવા જરુરી છે?
અનામતના આંદોલનો, સંસદમાં ચાલતું આંદોલન અને વહીવટી અક્ષમતાને કારણે થતા આંદોલનો ની ભીતરમાં જઈશું તો જણાશે કે આ બધા આંદોલનો પ્રજા હિતને બદલે સ્વાર્થ અને અથવા રાજકીય લાભના થઈ ગયા છે.
એક તો એ કે બધાં આંદોલનો અહિંસક હોવા જોઇએ.
અનામતનું આંદોલન એટલા માટે છે કે અમુક સમુદાયો પોતાને શોષિત સમુદાય માને છે અને તેથી તેઓ દલિત-સમકક્ષ છે પણ તેઓ સામાજીક રીતે પછાત વર્ગના નથી ને પ્રવર્તમાન કાયદા હેઠળ તેમને અનામતનો લાભ મળતો નથી. તેઓ કાયદામાં ફેરફાર માગે છે.
કાયદાની સામે આમ તો સૌ સમાન છે. પણ અમુક વર્ગ ઈતિહાસની પાર્શ્વ ભૂમિકામાં સામાજીક રીતે દલિત, આર્થિક રીતે પ્રવર્તમાન કાયદા હેઠળ શોષિત અને ગરીબ છે અથવા તે વિષે વિવાદ છે. આ જ્ઞાતિ પરપ્રાંતમાં જાટ અને ગુજરાતમાં પટેલ એટલે પાટીદાર. આમ તો ખેડૂત પણ ખેડૂત એ કોઈ જ્ઞાતિ નથી. ખેડૂત એક વ્યવસાયી છે. પણ મોટેભાગે ખેડૂતોમાં મૂખ્ય જ્ઞાતિ સમુદાય પાટીદારોનો હોય છે એટલે આ પાટીદારો ને અનામતનો લાભ લેવો છે.
રાહત અને અનામત
ખેડૂતને જરુર પડે રાહત આપવી એ એક વાત છે. અને તેને અનામતનો લાભ આપવો એ બીજી વાત છે. અનામતનો લાભ એટલે નોકરીઓમાં તેમને માટે અમુક ટકા અનામત રાખવાની. શાળા મહાશાળાઓમાં અમુક બેઠકો જે ગરીબો માટે અનામત રાખવામાં આવે છે તેમાં તેમનો પણ હિસ્સો રાખવાનો.
ઉચ્ચ ન્યાયાલયના બે આદેશ છે કે તમે ૪૯ ટકાથી વધુ અનામત રાખી ન શકો. અને કોઈ પણ અનામત અનિશ્ચિત કાળ માટે ન રાખી શકો. એટલે અનામતમાં તમે તમારા સમુદાયનો ઉમેરો કરો એટલે બીજા ચાલુ અનામતીઓમાં હિસ્સો પડાવો એવું થાય.
બંધારણ જ્ઞાતિ પ્રથામાં માનતું નથી. પણ સમાજમાં પરંપરાગત રીતે અમુક જ્ઞાતિઓને પછાત ગણવામાં આવે છે. અને તેવી માનસિકતા પણ ચાલુ છે. તેથી જ્યાં સુધી આ માનસિકતા ચાલુ રહે ત્યાં સુધી તેમને માટે અનામત રાખવી એવી માન્યતા છે. આવા સમુદાયો અપરંપાર છે એટલે સરાકર મા બાપે એક એવી જોગવાઈ રાખી કે જે સમુદાય પોતાને દલિત શોષિત પછાત માનતો હોય તેણે રજુઆત કરવી.
સરકાર સમક્ષ રજુઆત કરવી એ પૂરતું નથી. માગણી ન્યાયિક પણ હોવી જોઇએ. ન્યાયિક હોવા માટે પ્રમાણો હોવા જોઇએ. એટલે સમુદાયો લોકશાહીના ઓઠા હેઠળ આંદોલન કરે છે. આંદોલનના નિયમો પળાતા નથી.
શાસન જો સક્ષમ હોય તો સ્વતંત્રતાના ૬૦ વર્ષે કોઈ અભણ, બેકાર અને ગરીબ હોય જ નહીં. શાસન જો અક્ષમ હોય તો તે મોટા ભાગે બધા ક્ષેત્રોમાં અક્ષમ હોય કારણ કે શાસન એ એક વ્યક્તિ નથી પણ એક જુદી જાતનો સમુદાય છે. આ સમુદાય કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પણ અક્ષમ હોય છે. એટલે રસ્તા રોકો, રેલ રોકો, ગામ બંધ કરો જેવા આંદોલનો થયા કરે છે અને જનતાને બાનમાં લેવામાં આવે છે. આ હિંસા છે. એક સમુદાય પોતાનો સ્વાર્થ સાધવા માટે હિંસા ઉપર ઉતરી આવે છે.
સમુદાય અને જ્ઞાતિ જુદા જુદા છે. સમુદાય વ્યવસાય ને આધારે હોય અને ન પણ હોય. જ્ઞાતિ જન્મને આધારે છે. પણ એક સમુદાયમાં એક જ્ઞાતિ મોટી બહુમતીમાં હોય એટલે સમુદાયની લડત, જ્ઞાતિની લડત થઈ જાય છે. તે જ્ઞાતિની લડત તરીકે જ લડાય છે અને જ્ઞાતિનું જ હિત જોવાય છે. રજુઆત પણ જ્ઞાતિ માટે જ થાય છે.
તાર્કિક રીતે અને દેશના સમગ્રના લાંબાગાળના હિતમાં જોઇએ તો વ્યાવસાયિક, સામુદાયિક અને જ્ઞાતિ આધારિત આંદોલન નૈતિક રીતે અયોગ્ય છે. તેને ગેરબંધારણીય પણ ઠેરવી શકાય.
જો કોઈ વ્યક્તિ કે સમુદાયને કાયદાના અમલથી અન્યાય થયો હોય તો ન્યાયના દરવાજા ખુલ્લા છે. કારણ કે અન્યાયકારી કાયદો ન્યાયાલય રદ કરી શકે છે.
જો કાયદાના અભાવથી અન્યાય થતો હોય તો પણ ન્યાયાલય પાસે જઈ શકાય અને ન્યાયાલય સરકારને આદેશ આપી શકે તે કાયદામાં સંશોધન કરે.
જો ન્યાયાલય આદેશ આપે તો પણ સરકાર ન્યાયાલયના આદેશનો અમલ ન કરે તો પછી જનતાએ તેને ચૂંટણી વખતે જવાબ આપવો જોઇએ. જેમકે ન્યાયાલયે નહેરુવીયન કોંગ્રેસની નેતાગીરીવાળી સરકારને આદેશ આપેલો કે “કાળાનાણાં” અને તેમાં સંડોવાયેલા ગુનેગારો ને શોધવા માટે સરકાર એક ખાસ તપાસ સમિતિ બનાવે. પણ નહેરુવીયન કોંગ્રેસની નેતાગીરીવાળી સરકારે ન્યાયાલયની વાતને ગણકારી નહીં. વિરોધી નેતાઓ જનતા સમક્ષ ગયા અને ચૂંટણીમાં નહેરુવીયન કોંગ્રેસની નેતાગીરીનો ઘોર પરાજય થયો.
આ તો સમગ્ર દેશના હિતનો મુદ્દો હતો. પણ એક સમુદાયને જો અન્યાય થતો હોય તો તેણે શું કરવું? જનતામાં તો કોઈપણ એક સમુદાય, જ્ઞાતિ કે વ્યવસાયી લઘુમતિમાં જ હોય છે. એટલે સમગ્ર જનસમાજ તો તેને સમર્થન ન જ આપે. આ સમુદાય આંદોલન ન કરે તો શું કરે?
સમજી લો, સમુદાયને બંધારણ ઓળખતું નથી. જ્ઞાતિઓને બંધારણ કાયમ માટે ઓળખવા માગતું નથી. વ્યવસાયીઓના રક્ષણ માટે મજુર કાયદાઓ છે. એટલે સ્વતંત્ર અને જનતાંત્રિક દેશમાં આંદોલનને સ્થાન નથી. જો વહીવટ બરાબર ન થતો હોય તો માહિતિ અધિકાર છે અને ન્યાયાલયો છે. જો સમુદાયની માગણીઓમાં નિરપેક્ષ સત્ય હોય તો ચૂંટણી વખતે જનતા સમક્ષ જાઓ અમે સમગ્ર જનતાને સમજાવો. જો આંદોલનો દ્વારા રાજકીય લાભો મેળવવા હોય તો સજા માટે તૈયાર રહો.
નિસ્ફળતા છૂપાવવા અનામત અને અનામત એક વ્યૂહરચના
અનામતની જરુર ત્યારે જ પડે કે જ્યારે શિક્ષણ વાંચ્છુંઓની સખામણીમાં જેટલી શિક્ષણ સંસ્થાઓ હોવી જોઇએ તે કરતાં ઓછી પડતી હોય અને બેકારોની સંખ્યામાં નોકરીઓ ઓછી હોય.
પણ ભારતમાં નહેરુવીયન કોંગ્રેસે પોતાની વહીવટી, વૈચારિક અક્ષમતા અને સત્તાલાલસાને કારણે એવી સ્થિતિ ઉત્પન્ન કરી કે
એક બાજુ શિક્ષિત બેકારોની ફોજ અને બીજી બાજુ અશિક્ષિત બેકારોની ફોજ,
એક બાજુ ભૂખ મરો અને બીજી બાજુ અનાજનો સડો,
એક બાજુ નદીઓના પૂર અને બીજી બાજુ પાણી વિહીન નદીઓ અને તળાવો,
એક બાજુ લાંબો સમુદ્ર કિનારો અને બીજી બાજુ બંદરોની તંગી,
એક બાજુ દુધાળા જાનવરોનો ભૂખમરો અને તેમની કતલ અને બીજી બાજુ ઉજ્જડ જમીન,
એક બાજુ વણવપરાયા કુદરતી ઉર્જા સ્રોતો બીજી બાજુ ઉર્જાની તંગી.
એક બાજુ વણવપરાયા ખનિજો અને બીજી બાજુ ધાતુની આયાતો,
એક બાજુ વેરાન રણભૂમિ અને વૃક્ષ હીન પહાડો અને ટેકરાઓ, બીજી બાજુ અનાજ અને ખાદ્યપદાર્થોની તંગી.
એક બાજુ ઝોંપડ પટ્ટીઓ અને પડું પડું થતા મકાનો અને બીજી બાજુ ખાલી અને ન વેચાતા મકાનો,
એક બાજુ ફુટપાથ ઉપર, રસ્તાની જમીનો ઉપર, પાથરણાવાળા અને લારીગલ્લાવાળા, કબાડીઓ, ભોંયરાની પાર્કીંગની જગ્યા ઉપર દુકાનો, રહેણાંકના મકાનોમાં દુકાનો અને બીજી બાજુ મોલના સંકુલમાં વેચાયા વગરની દુકાનો,
એક બાજુ ટ્રાફિક જામ અને બીજી બાજુ રસ્તા ઉપર પેઈડ પાર્કીંગ,
આવી અવ્યવસ્થા ભર્યા વારસાને તમે કેવીરીતે સુધારશો?
જ્યાં સમસ્યા છે ત્યાં જ સમાધાન પણ છે. દૂધ પણ છે અને મેળવણ પણ છે. પણ દહીં કરવું નથી અને ઘીની અછતની બૂમો પાડવી છે. દેશને નહેરુવીયન કોંગ્રેસની નેતાગીરીએ આવી કક્ષાએ લાવી મૂક્યો છે.
બેકારી દૂર કરવાનો ત્વરિત ઉપાય ગૃહ ઉદ્યોગ છે. પણ લોકમાનસ તે માટે તૈયાર નથી. કોઈને ખરબચડી લાગતી ખાદી પહેરી શરીરને ઘસાવા દેવું નથી. માટીના વાસણ વાપરવા નથી. કાયદાને માન આપવું નથી અને બીજાની દરકાર કરવી નથી. તો ક્યાં સુધી રાહ જોઈશું? ૬૦ વર્ષ તો આમ જ ગયાં.
નરેન્દ્ર મોદીમાં આર્ષદૃષ્ટિ છે. તેનામાં કુશળતા છે અને સમસ્યાઓની સમજણ છે. તે સમાજના દરેક કક્ષાના સ્તર ઉપરની જીંદગી જીવી ચૂક્યો છે. તેથી તેને ખબર છે કે દરેક સ્તરના માણસની માનસિકતા કેવી છે.
જો માળખાકીય સગવડો ઉભી કરશો તો ઉદ્યોગો આવશે. અને આ બંને નોકરીઓ ઉભી કરશે. પણ તે માટે તેને અનુરુપ કુશળતા વાળી વ્યક્તિઓ જોઇશે.
નરેન્દ્ર મોદીએ કુશળતા વિકસાવતી સંસ્થાઓ સ્થાપી.
નદીઓના જોડાણની, રેલમાર્ગ, જમીન માર્ગ અને જળમાર્ગ યોજનાઓ બનાવી. વાહનવ્યવહાર ઝડપી બને તેની પણ યોજનાઓ બનાવી.
નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદને ભોગવતો નથી. તેને તેની પ્રાથમિકતાઓની ખબર છે. તેણે વિદેશ પ્રવાસો કરી ભારત સરકારની વિશ્વસનીયતા વધારી, જેથી તેઓ ઉદ્યોગો સ્થાપે.
આજે જ્ઞાતિવાદના બંધનો કાળના પ્રવાહમાં નબળાં પડ્યા છે પણ નહેરુવીયન કોંગ્રેસે જ્ઞાતિવાદી રાજકારણ ને વકરાવ્યું છે. જે નહેરુવીયન કોંગ્રેસ કેન્દ્રમાં ૬૦ વર્ષ સત્તા પર હતી તેણે અનામતનું તૂત ઉભું કર્યું. જો આ તૂત ન હોત તો દલિતો દલિત રહ્યા જ ન હોત. નહેરુવીયન કોંગ્રેસે જ્ઞાતિવાદી રાજકારણ રમી જ્ઞાતિવાદને ઉશ્કેર્યો. ધર્મ અને પ્રાંતવાદને ઉશ્કેર્યો છે. તેથી સત્તાના લોભી બીજા પક્ષો અને વ્યક્તિઓ પણ એવી માનસિકતામાં આવી ગયા છે.
આ સૌની ભર્ત્સના કરો.
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ આંદોલન, જ્ઞાતિ, વ્યવસાય, સમુદાય, સામાજિક વિભાજન, દલિત, શોષિત, બેકાર, શિક્ષિત, અશિક્ષિત, કુશળ, અકુશળ, નહેરુવીયન, કોંગ્રેસ, નરેન્દ્ર મોદી, સામાજિક સ્તર, માનસિકતા
Leave a Reply