ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ? ભાગ ૬ / ૯
રાજા રામ
રામને માટે આપણે રાજા રામ એવો શબ્દ પ્રયોગ કરીએ છીએ. આનું કારણ પણ છે અને એક સંદેશ પણ છે. રામ એક ચક્રવર્તી રાજા હતા. તો પણ આપણે એમને “ચક્રવર્તી રાજા રામ” કે “ચક્રવર્તી રામ” કે સામ્રાટ રામ” એમ કહેતા નથી. રાજ્યને જે ચલાવે તે રાજા કહેવાય. રાજાઓમાં ચક્રવર્તી રાજાઓ પણ આવી જાય છે. રામે જે રીતે રાજ કર્યું અને તેમણે પ્રણાલીઓ કે જે તે વખતે આદર્શ મનાતી હતી અને તે પછી પણ આદર્શ મનાતી હતી તે પ્રણાલીઓ ચલાવી અને તેમને માન આપ્યું. આ કારણથી રામ એક આદર્શ રાજા ગણાયા છે અને તે પૂજનીય પણ બન્યા છે.
આદર્શ રાજાની વ્યાખ્યા શું?
જે રાજા પ્રસ્થાપિત પ્રણાલીયોનું પાલન કરાવે અને પોતે પણ તે આદર્શ ગણાતી પ્રણાલીઓનું પાલન કરે તે આદર્શ રાજા કહેવાય. પાલન પણ એવી રીતે કરે કે કોઈ પણ તે વિષે જરાપણ શંકા ઉઠાવી ન શકે તેવું આચરણ કરે તો તે રાજા આદર્શ કહેવાય.
પ્રણાલી એટલે શું?
સમાજમાં વ્યક્તિઓના વ્યવહારની કોઈ હેતુ કે ધ્યેય માટેની રીત કે પ્રક્રિયાને પ્રણાલી કહેવાય. પ્રવર્તમાન નીતિ નિયમોનુ પાલન પણ પ્રણાલીઓની અંતર્ગત આવી જાય છે. જુદા જુદા જુથોની વ્યક્તિઓનો કારભાર પણ પ્રણાલીઓથી બંધાએલો હોય છે. કર્મકાંડ, પૂજા અર્ચના પણ પ્રણાલીની અંતર્ગત આવી જાય છે.
રાજાએ પણ પરાપૂર્વથી આદર્શ મનાતી પ્રણાલીઓનું નિષ્ઠા પૂર્વક પાલન કરવું પડે. રાજા પોતે નવી પ્રણાલી ન સ્થાપી શકે. તેમ જ રાજા પોતે કોઈ પ્રણાલીમાં ફેરફાર ન કરી શકે. રાજા પોતે કોઈ પ્રણાલીને સ્થગિત કરી ન શકે કે રદ ન કરી શકે. કારણ કે રાજાને આવો અધિકાર નથી.
રામે રાવણને હરાવ્યો અને લંકાની રાજગાદી રાવણના ભાઈ વિભીષણને આપી દીધી. વિભીષણે રામને રાવણના રહસ્યો કહેલાં અને અવાર નવાર મદદ કરી રહ્યો હતો.. રામે વિભીષણને લંકાની રાજગાદી આપવાનું વચન આપેલ. રામ એક ક્ષત્રિયને શોભે તે રીતે કૃતજ્ઞ રહેલ. રાજાનો આ ધર્મ છે. રામે લંકાને જીતતાં પહેલાં વિભીષણનો લંકાધિપતિ તરીકે રાજ્યાભિષેક પણ કરી દીધેલ. આને તમે રામની પારદર્શિતા અને મુત્સદ્દીગીરી કહી શકો. કારણ કે આ રીતે બંને વચન બદ્ધ થઈ ગયેલ.
રામે રાવણને હરાવ્યો. સીતા મુક્ત થઈ ગઈ. રામે પોતાની પ્રતિષ્ઠા પુનઃ પ્રાપ્ત કરી લીધી. પણ સીતા તો અપહરણ થયા પછી રાવણના અધિકારમાં હતી. એ વાત સાચી હોઈ શકે કે રાવણે સીતાને પોતાના મહેલમાં રાખી ન હતી. તે માટેના સાક્ષી હનુમાન હતા. પણ હનુમાન તો રામના દૂત અને સલાહકાર હતા. હનુમાન તો રામથી પ્રભાવિત અને અભિભૂત હતા. એમનું કહેવાનું કેવી રીતે માની લેવાય? રાજા કે કોઈ પણ પુરુષ, જો કોઈ એક સ્ત્રી પરાયા પુરુષના ઘરે ગઈ હોય અને રહી હોય, તેને પવિત્ર માની ન શકે. પરપુરુષને ઘરે રહેલી સ્ત્રીને પવિત્ર કેવી રીતે માની લેવાય?
તો હવે શું કરવું જોઇએ?
સીતાએ પોતાની પવિત્રતા સિદ્ધ કરવી જોઇએ.
આ પવિત્રતા સિદ્ધ કરવા માટે કઈ પ્રણાલી હતી?
અગ્નિ પરીક્ષા.
અગ્નિ પરીક્ષા એટલે શું?
ચિતા-પ્રવેશ અથવા અંગારાઓ ઉપર ચાલવું.
કોઈ વ્યક્તિ ચિતા પ્રવેશ કરે અને બળ્યા વગર રહે તો તે ચમત્કાર જ કહેવાય. ચમત્કારો થઈ શકે નહીં. પણ આજે કેટલાય લોકો અંગારા ઉપર ચાલીને એક છેડે થી બીજે છેડે ચાલ્યા જવાના ટૂંકા અંતરના ખેલ ખેલે છે.
અગ્નિ પરીક્ષા એક વિશેષ અર્થમાં પણ સમજી શકાય. માનસિક પરીક્ષા. જેમકે કોઈ કેમીકલ (નાર્કોટિક ટેસ્ટ) દાખલ કરવું અથવા તેમ કર્યા વગર કોઈ માન્ય માનસશાસ્ત્રી કોઈ વ્યક્તિની પ્રશ્નોત્તરી કરે કે ઉલટ તપાસ કરે અને આ પરીક્ષા ખૂબ ત્રાસજનક હોય. એને પણ અગ્નિ પરીક્ષા નામ આપી શકાય.
યક્ષ પ્રશ્ન
આપણે યક્ષ પ્રશ્નની વાત લઈએ. યક્ષ પ્રશ્ન એટલે શું? આ એક એવો પ્રશ્ન છે કે જેનો ઉત્તર શોધવો જ પડે. જો તેનો ઉત્તર ન શોધી શકો તો મૃત્યુ નિશ્ચિત છે. આવી સમસ્યાને કે પ્રશ્નને યક્ષ પ્રશ્ન કહેવાય છે.
“સન ૨૦૦૧ માં ભૂકંપ પીડિત ગુજરાતને પુનઃસ્થાપિત કરી, પ્રગતિને પંથે લઈ જવું” અને “૨૦૦૨ ના ગુજરાતમાં થયેલ કોમી હુલ્લડોને કારણે સમાચાર માધ્યમો દ્વારા ખંડિત ગુજરાતની અસ્મિતાને પુનઃસ્થાપિત કરવાનો પ્રશ્ન” નરેન્દ્ર મોદી માટે “યક્ષ પ્રશ્ન” હતો. ૨૦૦૨ ની ચંટણી જીતવી એ અગ્નિ પરીક્ષા હતી.
સીતાએ તત્કાલિન પ્રચલિત અગ્નિપરીક્ષા પાસ કરી. રામે સીતાનો સ્વિકાર કર્યો.
રામ, સીતા અને લક્ષ્મણ અને હનુમાન સૌ કોઈ અયોધ્યા આવ્યા.
ભરત પણ પ્રસ્થાપિત પ્રણાલીઓને માનનાર હતો.
રામ પિતાની આજ્ઞા પ્રમાણે ૧૪ વર્ષ વનમાં ગયેલ. પણ ભરત પાછો આવ્યો ત્યારે તેને બધી વાતની ખબર પડી એટલે તે રામને મળવા લશ્કર સાથે ગયો. રામને અયોધ્યાનું રાજ સ્વિકારવા વિનંતિ કરી પણ રામે કહ્યું કે પિતાની આજ્ઞાથી આ વિરુદ્ધ વાત છે. તેથી તે રાજ સ્વિકારી ન શકે. એટલે ભરતે રામને કહ્યું કે હવે દશરથ રાજા જીવિત નથી. હું હવે રાજા તરીકે તમને કહું છું કે તમે અયોધ્યાની રાજગાદી સ્વિકારો. ત્યારે રામે કહ્યું કે પિતાની આજ્ઞાથી વિરુદ્ધ કંઈ પણ થાય તો પિતાના વચનની કંઈ કિમત ન રહે. એટલે ભરતે રામની પાદુકા લઈ તેને સિંહાસન પર રાખી, રામને બદલે રાજકાજ સંભાળ્યું. જો કે આ બધી વાતોમાં શું શબ્દ વ્યવહાર થયો હશે તે આપણે કહી ન શકીએ. રામ, લંકાથી અયોધ્યા પાછ્યા આવ્યા અને ભરતે રામને રાજગાદી પાછી આપી દીધી એટલે ઉપરોક્ત પ્રમાણે થયું હોય તેવો અણસાર આવે છે.
રામ બહુ સારી રીતે રાજકાજ કરવા માંડ્યા.
હવે દરેક રાજાનું કામ છે કે તે પ્રજાની સુખાકારી ઉપરાંત પ્રજા શું વિચારે છે અને અભિપ્રાય રાખે છે તેનાથી પણ માહિતગાર રહે. રામની બાબતમાં એક વિવાદ એ ચાલતો હતો કે પરપુરુષને ત્યાં રહી આવેલી સીતાને રામ કેવી રીતે અપનાવી શકે!!
પરપુરુષને ઘરે રહી આવેલી સ્ત્રીને પવિત્ર માની શકાય?
રામના વખતની વાત છોડો. આજે કાયદેસર શું પરિસ્થિતિ છે?
જો કોઈ સ્ત્રી અને એક પરપુરુષ એક ઘરમાં એક સાથે રાત દિવસ એકલા રહેતા હોય તો તે સ્ત્રીને પવિત્ર માની લેવામાં આવે છે? (પવિત્રતાની બાબતમાં પુરુષ અને સ્ત્રી બંનેને સમજી લો).
જો કોઈ એક સ્ત્રી અને પુરુષ, એક સાથે એક ઘરમાં સાથે રહેતા હોય, તો તેમની વચ્ચે શારીરિક સંબંધ નથી બંધાયો એવું આજે પણ કોર્ટ માનતી નથી. એ સ્ત્રીનો પતિ તે સ્વિકારે કે ન સ્વિકારે, તે જુદી વાત છે. પણ જો તે સ્ત્રીનો પતિ, તેને ન સ્વિકારવા માટે એવું સાબિત કરી દે કે પોતાની ઈચ્છા વિરુદ્ધ તે સ્ત્રી, અને તે પરપુરુષ, બંને એક સાથે રાત દિવસ સાથે રહ્યાં છે તો ન્યાયાલય તે બંને વચ્ચે શારીરિક સંબંધ થયાની વાત સ્વિકારી લે છે. અને સ્ત્રીને વ્યભિચારી માની લે.
કારણ કે એક પુરુષ એક સ્ત્રીને ઇબાદત (પૂજા) માટે રાખતો નથી. આમ તે સ્ત્રીનો પતિ તે સ્ત્રીથી છૂટા છેડા લઈ શકે છે. તેવી જ રીતે એક સ્ત્રીને પણ એવા પતિથી છૂટા છેડા મળી શકે જો તેણે પરસ્ત્રી સાથે એક ઘરમાં એકલો રહ્યો હોય.
જો આજે પણ ન્યાયાલયનું આવું વલણ હોય તો દશ હજાર વર્ષ પહેલાં તો આવું વલણ અસ્તિત્વ ધરાવતું હોય તો તે આશ્ચર્યની વાત ન ગણાય.
આપણે ક્યાં ભૂલ કરીએ છીએ?
ફિલમમાં હિરાભાઈ અને હિરીબેન (હિરોઈન) વચ્ચે કે હિરીબેનના પિતાશ્રી વચ્ચે ઘણી ગેર સમજુતીઓ થતી હોય. પ્રેક્ષકો વાસ્તવિકતાથી માહિતગાર હોય એટલે તે હિરાભાઈ કે હિરીબેનની દયા ખાત હોય કે “જોને આને બિચારાને (કે બિચારીને કેવું કેવું ખોટા કારણથી) દુઃખી થવું પડે છે. પણ કથા વસ્તુ પ્રમાણે પાત્રોને દુઃખી થવું પડે.
રામાયણની બાબતમાં પણ એવું છે. રામાયણના શ્રોતાઓને ખબર છે અને તેઓ સ્વિકારી લે છે કે સીતા પવિત્ર છે. અને આવું સ્વિકારીને આગળ ચર્ચા કરે છે.
શ્રોતાઓ સ્વિકારી લે છે કે સીતાને તો રાવણે જુદી જગ્યાએ રાખેલી. જેમ કે “અશોક વાટિકા”. સીતાને કંઈ રાવણે પોતાના મહેલના પોતાના ખંડમાં રાખી ન હતી.
શ્રોતાઓ એ યાદ કરતા નથી કે રાજાઓ દરેક રાણીને એક અલગ મહેલ (આવાસ) આપતા હતા. એવા આવાસની આસપાસ બગીચો પણ હોય. તેનું નામ અશોકવાટિકા પણ હોઈ શકે. રાજા ત્યાં રાત્રી રોકાણ પણ કરી શકતો હોય અને કરતો પણ હોય.
આપણે સ્વિકારી લઈએ છીએ કે સીતા પાસે પોતાની દૈવીશક્તિ હતી તેથી રાવણ સીતાને સ્પર્શી શકતો ન હતો. આ તો ચમત્કાર કહેવાય. આવા ચમત્કાર અસ્વિકાર્ય છે. જે રાવણ સીતાને ઉપાડીને અપહરણ કરી શકતો હોય તે બધું જ કરી શકે.
રામે લંકામાં સીતાની અગ્નિપરીક્ષા કરેલી અને તે અગ્નિપરીક્ષામાં સીતા ઉત્તિર્ણ થઈ હતી. તેથી તેનો સ્વિકાર અયોધ્યાના લોકોએ કરવો જોઇએ. પણ આ પરીક્ષા એવા લોકોની હાજરીમાં થઈ હતી જેઓ રામથી ઉપકૃત હતા અને રામથી પ્રભાવિત હતા. આમાં કોઈ થર્ડ પાર્ટી (તટસ્થ વ્યક્તિ) ન હતી તેથી આવી પરીક્ષા અયોગ્ય, અસ્વિકાર્ય ગણી શકાય. આવી પરીક્ષાથી સીતાની પવિત્રતા સિદ્ધ થતી નથી. અને આ વાત અયોધ્યામાં ઉછાળવામાં આવી.
સત્યનો આદર
“ જે તંત્રમાં સત્યનો આદર થાય આને તેને સ્વિકારવામાં આવે ભલે ને પછી તે સત્ય ગમે તે સ્તરની વ્યક્તિ તરફથી આવ્યું હોય. આવા તંત્રને જનતંત્ર કહેવાય”.
સત્ય તર્કથી સિદ્ધ થાય છે. જે તર્કની વાતને નકારી ન શકાય તે વાત જનતા તરફથી કે એક વ્યક્તિ તરફથી આવી હોય અને તે વાતનો જો શાસન આદર કરે તો તે શાસનને જનતંત્ર (લોકશાહી) કહેવાય.
રામ જનતંત્રમાં માનતા હતા. રામે અને તેમનું તંત્ર જે તર્કને નકારી ન શક્યું. તે તર્કનો આદર કર્યો. આદર કર્યો એટલે કે તેને અનુરુપ પગલાં લીધાં. આદર્શ રાજા તરીકે પ્રણાલીઓ સ્વિકારવી અનિવાર્ય હતી. પ્રણાલીઓને રામ ક્ષતિગ્રસ્ત કરવા માગતા ન હતા.
હવે તમે કહેશો કે રામ તો રાજા હતા. એક યુગપુરુષ હતા. એક પૂર્ણપુરુષ હતા. શું રામ પોતાનું મગજ ચલાવી શકતા ન હતા?
રામ ચોક્કસ રીતે પોતાનું મગજ ચલાવી શકતા હતા. રામે પોતાનું મગજ ચલાવ્યું પણ ખરું
રામે કેવી રીતે પોતાનું મગજ ચલાવ્યું? રામે કોઈ ભૂલ કરી ખરી? કે રામે કોઈ ભૂલ કરી નથી?
(ચાલુ)
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ રાજારામ, સીતા, રામ, પરશુરામ, સ્ત્રી, પવિત્ર, અપવિત્ર, અગ્નિ, પરીક્ષા, યક્ષ પ્રશ્ન, થર્ડ પાર્ટી, સત્ય, પ્રણાલી, આદર, તર્ક, જનતંત્ર, લોકશાહી
Leave a Reply