મોદી-બીજેપી ફોબીઆ પીડિતો ઈલાજ નહીં કરાવે? ભાગ-૧
મોદી-બીજેપી ફોબીઆ એક એવો રોગ છે જે દર્દીને પીડા આપતો નથી. પણ જ્યાં સુધી આ રોગના દર્દીઓને પ્રમાણભાન ની પ્રજ્ઞા, પ્રાથમિકતાની પ્રજ્ઞા અને સંદર્ભની પ્રજ્ઞા ન આવે ત્યાં સુધી તેમને આ રોગમાંથી મૂક્તિ મળતી નથી. હા એક વાત ખરી કે જેઓમાં પ્રમાણભાન ની પ્રજ્ઞા, પ્રાથમિકતાની પ્રજ્ઞા અને સંદર્ભની પ્રજ્ઞા છે, તેઓની નજરમાં આવા દર્દીઓ દયાને પાત્ર બને છે. પણ આ દર્દીઓને તેમની પડી નથી. કારણ કે આ રોગમાં ગ્રસ્ત આવા અનેક દર્દીઓ હોય છે. એક જ માનસિક બીમારી વાળા જ્યારે ટોળામાં હોય ત્યારે તેમને પોતે બહુમતિમાં છે તેવો આભાસ થાય છે. એટલું જ નહીં તેમને સ્વયંની વિદ્વત્તાનો પણ આભાસ થાય છે. એટલે તેઓ બેધડક સામે વાળાને મોદી-ભક્ત કહીને પોતાની પીઠ થપથપાવે છે.
દ્વેષ આધારિત રાજનીતિ
જ્યારે તમે શ્રેયની અવહેલના કરો છો ત્યારે તમે તમારી આદત બગાડો છો. જો આ તમે ન સમજી શકતા હો તો તમારે મહમ્મદલી જીન્નાના વિચારોને જાણી લેવા જોઇએ. જીન્નાનું એક બાહોશ વ્યક્તિત્વ હતું જીન્ના પ્રખર બુદ્ધિશાળી હતા. તે એક રાષ્ટ્રવાદી અને સર્વધર્મ સમભાવ ધરાવનારા વ્યક્તિ હતા. નહેરુ અને જીન્ના વચ્ચે ખટારગ થયો. જો કે એમાં વાંક નહેરુનો વધુ હતો. પણ આપણે તેની માંડીને વાત નહીં કરીએ. નહેરુએ જીન્નાની બુદ્ધિ વિષે અજુગતો શબ્દ પ્રયોગ કર્યો. જીન્નાને કાને આ વાત આવી. તેથી જીન્ના લંડન છોડી ભારતમાં નહેરુ સામે મોરચો માંડવા આવી ગયા.
નહેરુ અને જીન્ના એ બેમાંથી કોઈ પણ કોમવાદી ન હતું. જીન્ના બૌધિકોમાં વધુ લોકપ્રિય હતા. પણ બૌધિકો હમેશા લઘુમતિમાં હોય છે વળી બૌધિકતા સાપેક્ષ હોય છે. નહેરુ યુવાનોમાં લોકપ્રિય હતા. નહેરુ અને જીન્ના વચ્ચે સુમેળ સધાય તે અશક્ય હતું. નહેરુને હઠાવી શકાય તેમ ન હતું. નહેરુને જીન્ના, કોઈ કાળે સ્વિકાર્ય ન હતા. નહેરુ, ગાંધીજીના ખોળામાં બેસવા તૈયાર હતા. જીન્ના કોઈકાળે તેમ કરવા તૈયાર ન હતા. એક સમય એવો આવ્યો કે ગાંધીજીને, નહેરુ અને જીન્ના વચ્ચે પસંદગી કરવાની ફરજ પડી. તો તેમણે નહેરુને પસંદ કર્યા. જો કે ગાંધીજીને જીન્ના પ્રત્યે ઘણું માન હતું. પણ ગાંધીજીને જીન્નાનું વલણ પસંદ ન હતું. જીન્નાએ જોયું કે અંગ્રેજોનો હેતુ ફક્ત ભારતની જનતામાં વિખવાદ ઉત્પન્ન કરવાનો જ છે એટલું જ નહીં પણ મુસ્લિમોમાં પણ વિખવાદ ઉભો કરવાનો છે.
જીન્નાને એવું પણ લાગ્યું કે મુસ્લિમોમાં વિભાજન કરવામાં ગાંધીજી અંગ્રેજોને સાથ આપી રહ્યા છે. એટલે જો હિન્દુ-મુસ્લિમની વચ્ચે ખાઈ પહોળી કરવામાં હું જો અંગ્રેજ સરકારને મદદ કરું તો અંગ્રેજ સરકાર મને મદદ કરશે. હું નહેરુ સામે લડત આપી શકીશ. જો હું મુસ્લિમ જનતામાં ઐક્ય સાધી શકીશ તો મુસ્લિમોના હિતની રક્ષા માટે અંગ્રેજ સરકાર સાથે સારી રીતે કડદો કરી શકીશ. આ માટે ગાંધીજીને મારે હિન્દુઓના નેતા સિદ્ધ કરવા પડશે અને કોંગ્રેસને હિન્દુઓનો પક્ષ સિદ્ધ કરવો પડશે. જીન્નાએ પોતાની બધી જ તર્ક શક્તિ આ બાબતમાં જ ખર્ચી.
કોંગ્રેસના પ્રત્યેક કદમને જીન્ના, તર્કથી આ રીતે જ મૂલવતા. જો આપણે સ્વાતંત્ર્ય સંગામની ગતિવિધિઓ અને તે વખતની જનતાની નેતાઓ પ્રત્યેની માનસિકતાથી તદ્દન અજાણ હોઈએ તો આપણને જીન્નાની તારવણીઓ અચૂક ગ્રાહ્ય લાગે અથવા તો તેમની વાતો તથ્યહીન ન લાગે.
જો આપણે અભ્યાસ અને જ્ઞાનની બાબતમાં નહેરુની તુલના બાબા સાહેબ આંબેડકરની સાથે કરીએ તો નહેરુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી લાગે. પણ જો નહેરુ ની સત્તા લક્ષી અષ્ટકૂટ નીતિની ક્ષમતાની તુલના, આંબેડકર સાથે કરીએ તો બાબાસાહેબ આંબેડકર સાવ જ નિર્ઉપદ્રવી નેતા લાગે. બાબાસાહેબ આંબેડકર આર્ષ દૃષ્ટા હતા. નહેરુ આર્ષદૃષ્ટા નહીં પણ સત્તાકીય ગતિવિધિઓમાં દીર્ઘ દૃષ્ટા હતા. ગાંધીજી આર્ષદૃષ્ટા અને દીર્ઘ દૃષ્ટા પણ હતા.
ગાંધીજી એટલા સક્ષમ હતા કે તેઓ સાધનશુદ્ધિ રાખી શકતા હતા અને સાથે સાથે પોતાના પ્રત્યેક કદમની તર્કથી ચર્ચા કરી શકતા હતા. નહેરુએ સ્વાતંત્ર્યની ચળવળમાં ગાંધીજીને એક વ્યુહરચનાના ભાગ તરીકે સ્વિકાર્યા હતા.
સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવાની ગતિવિધિઓ એક પવિત્ર ચળવળ હતી. ગાંધીજીએ સ્વાતંત્ર્યની ચળવળમાં જનભાગીદારીને સામેલ કરી. ગાંધીજીએ કોંગ્રેસના સંગઠનને દૂરદૂર સુધી વ્યાપક બનાવ્યું આનો લાભ કોંગ્રેસ આજ સુધી લઈ શકી છે.
જીન્ના અને ભારતની મુસ્લિમ સંસ્થાઓમાં ઐક્ય ન હતું તેમનું સંગઠન પણ વ્યાપક ન હતું. એટલે સ્થાનિક ચૂંટણીઓમાં મુસ્લિમ લીગ કદીય કોંગ્રેસની તુલનામાં આવી શકતી ન હતી. આ બધું હોવા છતાં અંગ્રેજ સરકારના સહકારથી મુસ્લિમ લીગે કાઠુ કાઢ્યું હતું. જીન્નાએ મુસ્લિમોનું રાજકીય અસ્તિત્વ, કોંગ્રેસ પ્રત્યે ઘૃણાના આધાર પર સ્થાપિત કરી દેધેલું. આજે પણ પાકિસ્તાનના રાજકીય પક્ષોનું અસ્તિત્વ ભારત ઉપરના દ્વેષ ઉપર જ આધારિત છે.
અને તમે જુઓ. નહેરુવીયન કોંગ્રેસ સચોટ રીતે જીન્નાના નકશા કદમ પર ચાલે છે. નહેરુવીયન કોંગ્રેસનું અસ્તિત્વ મુસ્લિમોની વૉટ બેંક ઉપર જ આધાર રાખે છે. જેમ સ્વાતંત્ર્ય પહેલાં મુસ્લિમો વિભાજિત હતા તેમ સ્વાતંત્ર્ય મેળવ્યા પછી હિન્દુઓને વિભાજિત કરવામાં આવ્યા છે. પાકિસ્તાનમાં હિન્દુઓને કાંતો મુસ્લિમ બનાવી દીધા છે અથવા તો હિન્દુઓને પાકિસ્તાનની બહાર ખદેડી દીધા છે. એટલે પાકિસ્તાનમાં હિન્દુઓની વૉટ બેંક છે જ નહીં. પણ પાકિસ્તાનના રાજકીય પક્ષોમાં ભારત પ્રત્યેના દ્વેષની સ્પર્ધા ચાલે છે.
ભારતમાં બીજેપી પ્રત્યેના દ્વેષની સ્પર્ધા ચાલે છે. નહેરુવીયન કોંગ્રેસે પ્રારંભ કઈંક આ રીતે કર્યો. હિન્દુઓની જ્ઞાતિ પ્રથાનો લાભ લીધો. તે પછી અલગ અલગ વૉટ બેંકો બનાવી. મુસ્લિમ વૉટ બેંક પણ બનાવી આ માટે તેણે શરુઆતમાં મુસ્લિમ તુષ્ટી કરણ કરી હિન્દુ મુસ્લિમ વચ્ચે વૈમનશ્ય ઉત્પન્ન કર્યું. ૧૯૬૯માં ગુજરાતમાં હિન્દુ-મુસ્લિમ હુલ્લડો કરાવ્યાં. તે પછી સવર્ણ અને અસવર્ણના હુલ્લડો કરાવ્યા. નહેરુવીયન કોંગ્રેસે આવી વ્યુહરચના દ્વારા ભરપુર રાજકીય લાભ લીધો. આ બીમારી બીજા પક્ષોમાં પણ આવી. ૧૯૭૭ સુધી બીજેપીને (જનસંઘને) નહેરુવીયન કોંગ્રેસીઓ સિવાય કોઈ અછૂત માનતા ન હતા.
કટ્ટર સર્વોદયવાદી જયપ્રકાશ નારાયણે પણ આ પક્ષને અછૂત માન્યો ન હતો.
નહેરુવીયન કોંગ્રેસ પાંચમા કતારીયા એવા સામ્યવાદી પક્ષને જ્યારે જરુર પડે ત્યારે ખોળે લઈ શકતી હતી. તેમજ તે જ્યારે જરુર પડે ત્યારે સામ્યવાદી પક્ષના ખોળામાં બેસી શકતી હતી. અરે એટલું જ નહીં પણ આ નહેરુવીયન કોંગ્રેસ કટ્ટર કોમવાદી મુસ્લિમ લીગ કે જેમાં ફક્ત અને ફક્ત મુસ્લિમને જ પ્રવેશ મળી શકતો હતો તેની સાથે પણ કાયમી જોડાણ કરતી હતી. આમ છતાં પણ આ નહેરુવીયન કોંગ્રેસ, સમાચાર માધ્યમોની કૃપાથી પોતાને ધર્મનિરપેક્ષ અને (જનસંઘને) બીજેપીને કોમવાદી તરીકે પ્રચારિત કરી શકતી હતી.
બીજેપીનો “હાઉ” બીજેપી કોમવાદી છે. નરેન્દ્રમોદી સરમુખત્યાર છે. નરેન્દ્ર મોદી ઢોંગી છે. નરેન્દ્ર મોદી નાટકીયો છે. નરેન્દ્ર મોદી જુઠ્ઠો છે. નરેન્દ્ર મોદી વિરોધીઓને દબાવી દે છે. નરેન્દ્ર મોદી અસહિષ્ણુ છે. નરેન્દ્ર મોદી બદલાની ભાવનાથી કામ કરે છે. આમાં આવતા બધા જ વિશેષણો જીન્ના, ગાંધીજી માટે વાપરતા હતા. નહેરુવીયન કોંગ્રેસે તેમાં એક નવું વિશેષણ ઉમેર્યું છે, તે એ કે, નરેન્દ્ર મોદીએ અઘોષિત ઈમર્જન્સી લાગુ કરી છે. જો કે આ બધા જ વિશેષણો નહેરુવીયન કોંગ્રેસને વધુ સચોટ રીતે લાગુ પડતા વિશેષણો છે. અને ઉપરોક્ત વિશેષણોના સમર્થનમાં નહેરુવીયન કોંગ્રેસના અનેક ઉદાહરણો આપી શકાય તેમ છે. અને તે માટે દૂર પણ ન જવું પડે.
નરેન્દ્ર મોદીની તથા કથિત “અઘોષિત ઇમર્જન્સી” ની વિગતો જાણવા મળતી નથી અને કોઈ જણાવતું પણ નથી. પણ નહેરુવીયન કોંગ્રેસની “ઘોષિત ઇમર્જન્સી” ઉપર તો મહાભારતનું કદ પણ અવગણી શકાય તેટલું સાહિત્ય શાહ કમીશને એકઠું કર્યું છે.
નહેરુવીયન કોંગ્રેસના નેતાઓના આવા તથ્યહીન ઉચ્ચારણોને હવા કોણ આપે છે?
અરે ભાઈ “લક્ષ્મી દેખી મૂનીવર ચળે”. (જો કે મૂનીવરો માટે આ કદાચ અર્ધસત્ય છે. લક્ષ્મીને ત્યાગવા વાળી અને જનહિતમાં કામ કરવાવાળી અનેક વ્યક્તિઓ આજની તારીખમાં પણ જોવા મળે છે.) જેઓનો એજન્ડા પૈસા પ્રાપ્ત કરવાનો છે અથવા જેઓનો એજન્ડા ખ્યાતિ મેળવવાનો છે તેવા સમાચાર માધ્યમો, સમાચાર પત્રો, તેમજ તેમના કટારીયા લેખકો (કોલમીસ્ટ), આ ધંધો લઈને બેઠા છે.
૧૯૫૨થી અમે ગુ. સ. વાંચતા હતા. મહારાષ્ટ્રની સાથે રહેવાથી ગુજરાતને અન્યાય થતો હતો તેવી પચાસના દશકામાં, વ્યાપક માન્યતા હતી અને તેમાં તથ્ય પણ હતું. પણ ગુ. સ.માં ગુજરાતને મહારાષ્ટ્રની સરખામણીમાં કેટલો ફાયદો કર્યો છે તેના તંત્રી લેખો આવતા હતા. મહાગુજરાતની ચળવળ વખતે જનસત્તા બહુ આગળ આવી ગયું હતું. વચ્ચે અમે જનસત્તા વાંચવાનું ચાલુ કર્યું પણ ધારાવાહિક કથાઓને લીધે વળી ગુ.સ. ચાલુ થયું. ૧૯૯૬થી શરુ કરી ગુ.સ.એ માઝા મુકી. ગુ.સ.ના એક ગુ.છો. એ ત્રસ્ત કર્યા એટલે અમે ડીબી ચાલુ કર્યું. જો કે અમે ડી.બી.થી પણ ત્રસ્ત છીએ પણ તેમાં આવતા વિનોદભાઈ ભટ્ટ અને ડૉ. ગુણવંતભાઈ શાહ અને ક્યારેક નગીનભાઈ સંઘવીના અને સંજયભાઈ વોરાના અભ્યાસપૂર્ણ લેખોને કારણે ડી.બી.ને ચાલુ રાખીએ છીએ. છેલ્લા બે કટાર લેખકોની તર્કશુદ્ધતા ઉપર અમે પ્રશ્નચિન્હ મુકી દઈએ છીએ. પણ જેમ કાંતિભાઈ ભટ્ટ જ્યાં સુધી મોદીને અને બીજેપીને સ્પર્શતા લેખો ના લખે ત્યાં સુધી અમે તેમના ભારે પ્રશંસક છીએ.
આ ડીબી ભાઈ તેમના માનવા પ્રમાણે અને કહેવા પ્રમાણે “પેઈડ સમાચારો” છાપતા નથી. પણ સુજ્ઞજનો જાણે છે કે વહીવટ હમેશાં રોકડામાં થતો નથી.
જનસત્તા “મહાગુજરાત વાદી”માંથી કોંગ્રેસવાદી કેવી રીતે થઈ ગયું? મોરારજી બાપુએ તેમને “પ્રીંટ”નો વધારાનો ક્વૉટા બાંધી દીધેલ જે ઘટાડી દેવાની પેરવીમાં હતો(!!) કે કેટલાક હપ્તાઓ બાંધી દીધેલ.
કેશુબાપાએ કહેવાય છે પત્રકારો માટે અમદાવાદથી ગાંધીનગરનો “વાહન વ્યવહાર” અને ખાણી અને “પીણી”નો બંદોબસ્ત નિશુલ્ક કરેલ. પણ ૨૦૦૧ના ધરતીકંપ થયા પછી, કેશુભાઈના મેનેજમેન્ટે જે ધોખો કર્યો અને કંઈક અંશે “ભેંસ પાઘડી ચાવી ગઈ” જેવો ઘાટ થયો કે દૈવ જાણે. એટલે ગાંડો બચાવ તો થઈ શકે તેમ ન રહ્યો.
હવે “છાપાંવાળા” હાથી જેવા થઈ ગયા છે. હાથીને સતત ભોજન જોઇએ. અને આમાં તો આ હાથીઓને છ દાયકાસુધી એકઠા કરેલા દલ્લાવાળા જ મદદ કરી શકે.
જેમ નહેરુવીયન કોંગ્રેસમાં જ્યાં હાથ નાખો ત્યાં ભ્રષ્ટાચાર, કોમવાદ અને જુઠાણું હોય તેમ,
તમે કોઈ પણ તારીખનું છાપું હાથમાં લો. તમને પેઈડ સમાચારથી અલિપ્ત હોય તેવા રાજકીય સમાચાર મળશે જ નહીં. જો તમે અજ્ઞ હો તો તમને મુંઝવણમાં મુકી દે તેવું જ કટારીયાભાઈઓની કટારોમાં જોવા મળશે.
સમાચારોની શિર્ષ રેખાઓ પણ આવી જ જોવા મળશે.
“મોદીએ કરેલું બેને રદ કર્યું.”
“બેન” એટલે આનંદીબેન.
વાત શું છે? સીમેસ્ટર પ્રથા. હાજી સીમેસ્ટર પ્રથા મોદી સાહેબે સ્થાપેલી. જો કે “બેન” તો શિક્ષણમંત્રી હતા. એટલે સીમેસ્ટર પ્રથામાં બેનનો સિંહ ફાળો તો કાયદેસર ગણી જ શકાય. એટલે જો કલુષિત શિર્ષ રેખા આપવી હોય તો “બેનનો યુ ટર્ન” એવી શિર્ષ રેખા આપી શકાય. પણ ડીબીભાઈને લાગ્યું કે મોદી સાહેબને જ જો નિશાન બનાવીએ તો ઠીક રહેશે. નહેરુવીયન કોંગ્રેસીઓ વધુ ખુશ રહેશે. મોદી ફોબીયા નું આપણું લક્ષણ દેખાય તો ભલે દેખાય.
પાટીદારો વિફર્યા છે. બેન ની ખુરશી જોખમમાં છે. બેનની ખુરશી જોખમમાં છે. બેન જાય છે… બેન જાય છે… બેનનો હવે ફેંસલો થવાનો છે… બેન હવે ફલાણી તારીખે જાય છે…. બેનનો હવે ફેંસલો થઈ ગયો છે…. પણ પછી બેને જ જાહેર કર્યું કે હું ક્યાંય જવાની નથી. “સાલુ આ તો આપણી ફજેતી થઈ ગઈ” ડીબી ભાઈએ મનમાં વિચાર્યું હશે!!
એક બેબીએ સંડાશ ઉપર કવિતા જેવું ભાષણ કર્યું બેબી રડી પડી. બેન પણ રડી પડ્યા. પણ આ સમાચારને “બેનની વિરુદ્ધમાં” કેવી રીતે ગોઠવવા? શિર્ષ રેખા આપી. “કન્યાની સાથે બેન પણ રડ્યા પણ બેને કન્યાને પૂછ્યું નહીં કે બેન તારી શી સમસ્યા છે.” અરે ડીબીભાઈ, વીર વિક્રમ યાની વિક્રમાદિત્ય યાની ચંદ્રગુપ્ત બીજો, પણ, જ્યાં ને ત્યાં જેને પણ મળે તેને તેની સમસ્યાઓ પૂછતો રહેતો ન હતો.
પાટીદારોને આ ડીબીભાઈએ બહુ ઉશ્કેર્યા. એમના ન દેખાતા આંદોલનના કાર્યક્રમો અને યોજનાઓને માટે તેમના ડીબીમાં પાના નંબર બે અને પાના નંબર ત્રણ અનામત રાખ્યા હતા. જોકે ક્યારેક ક્યારેક તો પહેલા પાને પણ તેમને ચમકાવતા. ફૂંકો ઉપર ફૂંકો મારી. પટેલોના પછાતપણાના આંદોલનને ઝગવવાના અપાર પ્રયત્નો કર્યા. સાલુ મોઢું દુખી ગયું.
આજના છાપામાં ડીબીભાઈએ મોટી શિર્ષ રેખામાં સમાચાર આપ્યા છે કે “બેનના હાથમાંથી તલવાર પડી ગઈ”. આનંદીબેન કોઈક ઉદ્ઘાટન કરવા ગયા હશે. તેના સમાચારમાં ડીબીભાઈને “તલવાર પડી ગઈ” એ વાત બહુ મહત્વની લાગી. અરે ભાઈ આનંદીબેન કંઈ નહેરુવીયન કોંગીનેતા કે તેમના સાંસ્કૃતિક સાથીનેતાઓ જેવા આતંકવાદી થોડા છે? તમે જાણો છો કે સાબરમતી એક્સપ્રેસના ડબાને આગ લગાડવાની યોજનાના મુખ્ય આરોપીભાઈ નહેરુવીયન કોંગ્રેસના જ સ્થાનિક નેતા હતા. અને ૧૯૮૪માં સીખોની કતલ કરનારા પણ નહેરુવીયન કોંગ્રેસીઓ જ હતા. નહેરુવીયન કોંગ્રેસીઓનો રેકૉર્ડ લોહીથી ખરડાએલો છે. એટલે એમના હાથમાંથી તલવાર પડી જાય તો સમાચાર બનવા જોઇએ. બેનના હાથમાંથી તલવાર તો પડી જાય ને!! બેનના હાથમાંથી ચોપડી પડી જાય તો સમાચાર બનવા જોઇએ. “પેટનો દુખાવો હોય પણ બધા જ પેટના દુખાવા પ્રસુતિની પીડા હોતા નથી. પહેલી વારનું પાટીદારોનું આંદોલન ચગ્યુ હતું, પણ તે પછી તો અવારનવાર ફુસ જ થઈ જતું હતું. એટલે ડીબીભાઈએ “બેન” સામેની અફવાનો મોરચો ખોલી જોયો. મારા વાલીડા ડીબીભાઈ પોતે જ ફુસ થઈ ગયા. તો પણ હારે એ બીજા. ડીબીભાઈ પોતાના ફોબીયાને વધુ વકરાવશે જ એમાં શક નથી.
(ક્રમશઃ)
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ
મોદી ફોબીયા પીડિત, રોગ, દર્દી, પ્રમાણભાનની પ્રજ્ઞા, સંદર્ભની પ્રજ્ઞા, પ્રાથમિકતાની પ્રજ્ઞા, માનસિક બીમારી, મોદી ભક્ત, દ્વેષ આધારિત રાજનીતિ, શ્રેયની અવગણના, નહેરુ, જીન્ના, આંબેડકર, ગાંધીજી, હિન્દુ-મુસ્લિમ ખાઈ, આર્ષ દૃષ્ટા, દીર્ઘ દૃષ્ટા, ભારત પ્રત્યેના દ્વેષની સ્પર્ધા, અછૂત, કટ્ટર કોમવાદી મુસ્લિમ લીગ, પાંચમી કતારીયા સામ્યવાદીઓ, નહેરુવીયન ઘોષિત કટોકટી, ગુ.સ. , ડીબી, કેશુબાપા, છાપાંવાળા હાથી, બેન
Leave a Reply