દેશપ્રેમ, ભ્રમણાઓ અને ઝનૂનો
પોતાને (મૂર્ધન્યોને અને કટારીયાઓને) બકાત રાખી બાકીની સમગ્ર જનતાની નિંદા કરવી તેને આપણે આત્મનિંદા કહીશું. આત્મનિંદા એ એક ફેશન છે અને આ ફેશન મૂર્ધન્યોની અને કટારીયાઓની વૈચારિક સ્વયંપ્રમાણિત પ્રગતિશીલતાની નિશાની છે.
સમાજની માનસિકતાને મૂલવવી એ અજ્ઞ આંધળાઓ દ્વારા હાથીને સમજવા જેવી છે. જ્યારે સુજ્ઞ (કેટલાક મૂર્ધન્યો અને કટારીયા લોકો) લોકો સમાજને મુલવવાનો પ્રયત્ન કરે છે ત્યારે પ્રમાણભાન અને પ્રાથમિકતા અને સંદર્ભને સમજવાનો પ્રયત્ન કરતા નથી.
કેટલાક મૂર્ધન્યો અને કટારીયાઓ દ્વારા કહેવામાં આવે છે કે “ભારતવાસીઓ દંભી છે, ઝનુની છે, અપ્રામણિક છે, વાસ્તવમાં દેશપ્રેમી નથી, પ્રાંતવાદી છે, ભાષાવાદી છે, વિરોધી વિચાર પ્રત્યે અસહિષ્ણુ છે, જ્ઞાતિવાદી છે … .”
જો કે આ બધાં જે વિશેષણો વપરાયા તે ખાસ કરીને હિન્દુઓના સંદર્ભમાં જ છે એવો સંદેશ છે. ભારતની અને તે પણ ખાસ ભારતની હિન્દુ જનતા જે ૮૦ ટકા વસ્તી ધરાવે છે તેનું સમાજમાં પ્રતિબિંબ પડતું હોય તેને સહજ માનવું જોઇએ, અને તેને વસ્તીના પ્રમાણમાં મૂલવવી જોઇએ.
કોણ કોને બહેકાવી રહ્યું છે?
ભારતીય હિન્દુઓ કઈ દિશામાં જઈ રહ્યા છે? ભીન્ન ભીન્ન પક્ષના રાજકારણીઓ તેમને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે? જે તે દિશામાં સમાજને લઈ જવામાં ભીન્ન ભીન્ન રાજકીય પક્ષોનું કેટલું યોગદાન છે? આ રાજકીય પક્ષોની પ્રાથમિકતા કઈ છે તેમજ સમાજની સંરચનામાં કયા પરિબળો ભાગ ભજવી શકે છે અને ભજવે છે? આ સઘળી વાતોના ઉત્તરોને આપણે અવગણી ન શકીએ.
સમાજનું ચારિત્ર્ય કોણ ઘડે છે?
ઉત્પાદન અને વહેંચણીના તંત્ર દ્વારા સમાજનું ચારિત્ર્ય ઘડાય છે. ઉત્પાદન અને વહેંચણીનું તંત્ર કોણ બનાવે છે? ઉત્પાદન અને વહેંચણીનું તંત્ર કેન્દ્ર સરકાર ઘડે છે. કેન્દ્રમાં નહેરુવીયન કોંગ્રેસે ૨૫ વર્ષ સંપૂર્ણ ૨/૩ બહુમતી થી રાજ કર્યું. તેમાં પણ ૧૮ માસ તો મનમાની રીતે રાજ કર્યું. ૧૫ વર્ષ સૌથી મોટા પક્ષ તરીકે રાજ કર્યું. આ પક્ષે ભારતીય જનતાનું ચારિત્ર્ય ઘડવામાં સિંહ ફાળો આપ્યો છે તેને આપણે અવગણી ન શકીએ.
ભારતીયો દંભી છે?
જ્યારે જનતાનો મોટો ભાગ અભણ હોય, બેકાર હોય અને ગરીબ હોય ત્યારે તેમના માર્ગદર્શક કોણ હોય છે? સુજ્ઞ જનો, મૂર્ધન્યો અને સમાચાર માધ્યમો અને રાજકારણીઓ તે પણ ખાસ કરીને સત્તાધારી પક્ષના નેતાઓ તેમના માર્ગદર્શક હોય છે. જો તમે દંભી વ્યક્તિઓની સૂચી બનાવો તો આ વાત તમને આપો આપ સમજાઈ જશે. એટલે આપણે તેનું પુનરાવર્તન નહીં કરીએ. જનતામાં રહેલા દેશપ્રેમી તત્વને આપણે અલગ રીતે ચર્ચીશું.
ભારતવાસીઓ ઝનૂની છે?
ઝનૂન ઘણી જાતના હોય છે. એક ઝનૂન સ્વયંભૂ હોય છે. એક ઝનૂન ગેરસમજૂતી થી ઉત્પન્ન થયું હોય છે એટલે કે અફવાઓથી પેદા થયેલું હોય છે. એક ઝનૂન પ્રતિક્રિયાના રુપમાં હોય છે. પશ્ચિમ પાકિસ્તાનમાંથી હિન્દુઓની જે હકાલપટ્ટી થઈ તેને આપણે મુસ્લિમોના ધાર્મિક ઝનૂન સાથે સરખાવી શકીએ. આ ઝનૂન મુસ્લિમોએ કરેલું સ્વયંભૂ ઝનૂન હતું. ૧૯૪૭ થી ૧૯૪૮ સુધીના સમયગાળામાં અફવાઓ દ્વારા પ્રતિક્રિયાત્મક ઝનૂને ભાગ ભજવ્યો હશે. પણ તે પછી ત્યાંની સરકારના આ ઝનૂનને આશિર્વાદ મળ્યા હતા અને મળ્યા છે. અને તેનું કારણ આજ સુધી ચાલી રહેલી પાકિસ્તાનમાંથી હિન્દુઓની હિજરત છે, આ ઝનૂનને આપણે પ્રતિકારાત્મક ઝનૂન ન કહી શકીએ. પૂર્વપાકિસ્તાન અને બંગલાદેશમાંથી હિન્દુઓની હિજરત પણ આવી જ છે. મુસ્લિમોના ઝનૂનની સામે હિન્દુઓનું ઝનૂન શૂન્ય બરાબર કહેવાય.
કાશ્મિરમાં હિન્દુઓની કત્લેઆમ કરી અને લાખોની સંખ્યામાં હિજરત કરાવવી, એ કાશ્મિરી મુસ્લિમોના ઝનૂનને, ભારતભરના મુસ્લિમોએ મૂક સંમતિ આપી છે. આ ઘટનાઓને તેના પ્રમાણના સંદર્ભમાં જોતાં સમાચાર માધ્યમોના કટારીયાઓએ, નહેરુવીયન કોંગ્રેસે અને તેના સાંસ્કૃતિક સાથીઓએ મૌન ધારણ કરી મૂક સંમતિ આપી એમ જ કહી શકાય. આવા વલણની પાછળ તેમની મુસ્લિમોને થાબડભાણા કરવાની નીતિ જવાબદાર છે.
ગૌહત્યા વિરુદ્ધના હિન્દુઓના ઝનૂન વિષે શું કહીંશું?
શું એકના ઝનૂનની પ્રતિક્રિયાના રુપે ઉત્પન્ન થયેલા બીજા ઝનૂનને વ્યાજબી ઠેરવી શકાય?
ના જી.
અસામાજીક તત્વો અને ઝનૂની લોકો બધા જ ધર્મોમાં હોય છે. સવાલ ફક્ત પ્રમાણનો છે. સદભાગ્યે બીજેપી શાસિત સરકારોએ કાયદો અને વ્યવસ્થાને લગતા પગલાં લીધા છે અને પોતાની નીતિ-રીતિ સ્પષ્ટ કરી છે. સરકારે લીધેલા પગલાઓનું સમાચાર પત્રોએ વિવરણ કરવું જોઇએ અને તેના ઉપર નિરીક્ષણ કરી તેનો અહેવાલ સતત આપતા રહેવું જોઇએ. જનતંત્રમાં સરકારને સુધારવાનું આ એક પરિબળ છે. ભૌગોલિક વિસ્તારોમાં જ્યાં હિન્દુઓ લઘુમતિમાં હોય અને તેમને બહુમતિમાં રહેલી લઘુમતિ તરફથી જો કનડગત થતી હોય તો તેના વિવરણ પણ સમાચાર પત્રોમાં આવવા જોઇએ. સમાચાર માધ્યમોના માપદંડ સમાન હોવા જોઇએ. પણ આવું નથી. કેરેનામાં, કેરાલાના, મદ્રાસના, આંધ્રના, કર્નાટકના અને પશ્ચિમ બંગાળના અમુક વિસ્તારોમાં અને પૂર્વોત્તર રાજ્યોમાં જ્યાં લઘુમતિ પોતે બહુમતિમાં હોય છે અથવા તો તે અસામાજિક રીતે બહુમતિમાં હોય છે અને જો તે હિન્દુઓને કનડતી હોય છે તો તેના વિવરણો તો શું સમાચારો પણ આવતા નથી સિવાયકે કોઈ સંસદ તે અંગે પ્રશ્ન કરે ત્યારે જનતાને ખબર પડે છે કે આવું કશુંક થયું છે. વાસ્તવમાં આ સમસ્યાને કાયદો અને વ્યવસ્થાની ગણવી જોઇએ.
મૂર્ખ કે બેવકુફ નેતાઓ કે આત્મકેન્દ્રીઓ ફક્ત નહેરુવીયન કોંગી સમાજમાં જ હોય છે તેવું નથી. મોટાભાગની સંસ્થાઓમાં આવા નેતાઓ હોય છે. તેઓ જાણે અજાણે એવા ઉચ્ચારણો કરતા હોય છે કે સમાચાર માધ્યમો અને આ નેતાઓના વિરોધીઓ ચગાવી શકે છે. મોહન ભાગવત ક્યારેક ક્યારેક એવા ઉચ્ચારણો કરે છે કે તેને બીજેપી વિરોધીઓ ચગાવી શકે છે. બીજેપીના જન્મજાત વિરોધીઓ કોણ છે તે આપણે જાણીએ છીએ. એવું પણ બને કે કે મોહન ભાગવતના નિવેદનનો અર્થ કોઈ જાતિવિશેષ માટે ન હોય પણ મારી મચડીને તેમના ઉચ્ચારણનું લાગતા વળગતા નેતાઓ જાતિ વિશેષને સાંકળીને અર્થઘટન કરે છે. જેમ કે “જ્ઞાતિ આધારિત અનામતની અસરોની ફેરવિચારણા કરવી જોઇએ”, “ભારત માતાની જય બોલવાનું પણ હવે શિખવાડવું પડે છે”, આ બધા આમ તો સામાન્ય પ્રકારના “બાવાઓ બોલે” એવા ઉચ્ચારણો છે. પણ કારણ કે, તેમની સંસ્થા હિન્દુધર્મ સાથે સંકળાયેલી છે અને બીજેપીની તથા કથિત મત બેંક છે તેટલે તેને હદબહાર ચગાવી “પ્રધાનમંત્રી સ્પષ્ટીકરણ કરે” એવી માગણી પણ ચગાવવામાં આવે છે. કેટલાક જાતિગત નેતાઓ તો આવા કોઈ ઉચ્ચારણોની રાહ જ જોતા હોય છે. કારણકે તેમને સમાચાર માધ્યમો દ્વારા પ્રસિદ્ધિ મેળવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થતો હોય છે. સમાચાર માધ્યમો પણ આ માટે ટાંપીને બેઠા હોય છે. “મેરા ગલા કાટોગે તો ભી મૈં ભારતમાતાકી જય બોલુંગા નહીં”….. “મૈં કોઈ ભી હાલતમેં જયશ્રી રામ બોલુંગા નહીં….” વાસ્તવમાં જુઓ તો આવા કોઈ મુદ્દા જ હોવા ન જોઇએ. આવા મુદ્દાઓ જો ચર્ચવા હોય તો શૈક્ષણિક હેતુ માટે અનામત રાખવા જોઇએ. પણ મુસ્લિમ નેતાઓ પોતે હિન્દુઓથી અલગ છે અને પોતે આળા પણ છે તે લક્ષણ પ્રદર્શિત કરવા આતુર હોય છે. રામને ઈશ્વર માનવા તે હિન્દુઓ માટે પણ અનિવાર્ય નથી. પણ જયશ્રી રામ કહેવાથી રામ ને ઈશ્વર માન્યા તેવું સિદ્ધ થતું નથી. રામ એ ભારતનું એક મહાન ઐતિહાસિક પાત્ર છે. જેમ શિવાજી છે, જેમ મહાત્મા ગાંધી છે તેમ રામ છે. “રામના વિચારોનો જય હો, કે રામનો જય હો, કે રામદ્વારા કે રામના સિદ્ધાંતો દ્વારા અમારો જય હો…” આમાં કશું વિરોધ કરવા જેવું નથી, કે કમસે કમ પ્રસિદ્ધિ આપી ચગાવવા જેવું નથી. પણ એક મુસ્લિમ નેતાએ જયશ્રી રામ કહ્યું એટલે મુસ્લિમ ધર્મ ગુરુએ ફતવો જારી કરી પોતાના ધર્મના લોકો કેટલા આળા છે તેનું પ્રદર્શન કર્યું.
તમે કોઈની નજીવી તથા કથિત ભૂલોને દરગુજર ન કરો અને તેને ચગાવો તે શું દેશપ્રેમ છે? સમાચાર માધ્યમોએ સમાચારોને સંવેદનશીલ શબ્દોમાં ગોઠવવામાંથી બચવું જોઇએ. ભાષા ઉપર બળાત્કાર ન થવો જોઇએ. દેશને વિભાજિત કરવો એ દેશપ્રેમ નથી.
પ્રદેશ દ્વારા અને ભાષા દ્વારા વિભાજન
ભાષાવાર પ્રાંત-રચના (રાજ્ય રચના) કરવાનો ગાંધીજીનો હેતુ એ હતો કે જે તે પ્રદેશનો વહીવટ, તે પ્રદેશની આમજનતાની ભાષામાં થાય અને આમ જનતા વહીવટમાં હિસ્સો બની શકે. શિક્ષણનું માધ્યમ પણ આમ જનતાની જ ભાષા હોય. ગાંધીજીને એ ખ્યાલ પણ હતો કે બીજા પ્રદેશોના લોકો કોઈ એક પ્રદેશમાં પોતાનું પ્રભૂત્ત્વ સ્થાપી શકે છે. જો આવું થાય તો જે તે પ્રદેશની આગવી ઓળખ જાળવી ન શકાય. દરેક રાજ્યની પોતાની સંસ્કૃતિ અને પ્રણાલીઓ હોય છે. એટલે તેને જાળવવી જોઇએ. ગુજરાતમાં ગુજરાતી સંસ્કૃતિ અને મહારાષ્ટ્રમાં મરાઠી સંસ્કૃતિનું રક્ષણ થવું જોઇએ. એટલે કે ભૂમિપૂત્રોને માટે આરક્ષણ હોવું જોઇએ. આવા આરક્ષણનું પ્રમાણ યથા યોગ્ય રીતે નક્કી કરવું જોઇએ. જો તમે કોઈ એક પ્રદેશમાં કાયમી વ્યવસાય કે રાજ્યની નોકરી કરવા જાઓ તો તમને તે પ્રદેશની ભાષા આવડવી જોઇએ. આ ભાષાની કક્ષા બારમા ધોરણ જેટલી હોવી જોઇએ.
જ્યારે કોઈ એક નગર અમુક હદથી વધુ વિકસી જાય ત્યારે સ્થાનિક લોકો જોઈતા પ્રમાણમાં મળતા નથી. ક્યારેક એવું પણ હોય કે કોઈએક પ્રદેશમાં બહારના લોકોએ જ તે શહેરને વસાવ્યું હોય અને પહેલેથી જ સ્થાનિક લોકો લઘુમતિમાં હોય. ભાષાવાર પ્રાંતરચના ગ્રામ્યવિસ્તારોને આધાર લઈને નક્કી કરવામાં આવેલી. આ કારણથી મુંબઈ મહારાષ્ટ્રને મળેલું. જ્યારે મુંબઈના દ્વિભાષી રાજ્યનું વિભાજન થયેલ ત્યારે એવું નક્કી થયેલ કે “મુંબઈનું પચરંગીપણું” જાળવી રાખવામાં આવશે. પણ નહેરુવીયન કોંગ્રેસે આ વચન નિભાવ્યું નથી. જ્યારે આમ જ હોય, તો શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના કે જેની રચના, ભાષાકીય ભેદભાવ ઉત્પન્ન કરી મતબેંક માટે જ થઈ હોય, તે તો આવું વચન નિભવવામાં માને જ ક્યાંથી.
૧૦૦ વર્ષ પહેલાં મુંબઈમાં દુકાનોના અને રસ્તાઓના નામ ગુજરાતીમાં હતા. રેલ્વે સ્ટેશનના બોર્ડ પણ અંગ્રેજી ઉપરાંત ગુજરાતીમાં લખેલા જોવા મળતાં હતાં.
પણ હવે?
મરાઠીભાષાની લિપિ દેવનાગરી છે તેમ છતાં પણ રેલ્વે સ્ટેશનના નામ દેવનાગરીના જુદા ફોન્ટ વાપરી, તેને મરાઠીમાં ખપાવી, ગુજરાતી ભાષાને લુપ્ત કરી દીધી છે. દુકાનોના બોર્ડ જે ક્યાંક ક્યાંક ગુજરાતી લિપિમાં જોવા મળતા હતા તેમાં પણ હવે આ મરાઠી નેતાઓને વાંધો પડવા માંડ્યો છે.
જો વાસ્તવમાં જોઇએ તો મહારાષ્ટ્રની મરાઠીભાષી આમજનતા અને ખાસ કરીને ભણેલી જનતા આવી નથી. પણ તેની જે નેતાગીરી છે તે આવી સંકૂચિત છે. સંકૂચિત હોવું એ નબળા મનની નિશાની છે અને સંકૂચિત મનવાળી વ્યક્તિ સૌ પ્રથમ ભ્રષ્ટ થાય છે. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે શિવસેનાએ અને એમએનએસે પોતે દેશપ્રેમી થવાની જરુર છે. “નરેન્દ્ર મોદીએ આમ કરવું જોઇએ અને નરેન્દ્ર મોદીએ તેમ કરવું જોઇએ” એવા દેકારા પડકારા કરવાથી દેશપ્રેમ સિદ્ધ થતો નથી. જેમ દેશમાં અનેક ધર્મ હોય છે તેમ દેશમાં અનેક ભાષા હોય છે. જેમ બીજા ધર્મો પ્રત્યે આદાર હોવો જોઇએ તેમ બીજી ભાષા પ્રત્યે પણ આદર હોવો જોઇએ. જો તમે બીજી ભાષાનો અનાદર કરો તો તમારી દેશભક્તિમાં સાચે જ કચાસ છે.
જો કે આ બંને ભાષાના ઝનૂનપક્ષો કોંગ્રેસની પહેલાં નષ્ટ પામી જશે.
નબળા મનની ગુજરાત નહેરુવીયન કોંગ્રેસ
૧૯૭૨માં ચિમનભાઈ પટેલનો “પંચવટી”વાળો કિસ્સો પ્રપંચવટી તરીકે ઓળખાયો હતો. આ સમયમાં ઇન્દિરા ગાંધીનો ચડતો સિતારો હતો. જેમ પાકિસ્તાનની રચના જુઠાણા ઉપર થઈ છે તેમ ઇન્દિરાગાંધીના કોંગ્રેસ (આઈ) એટલે કે કોંગીની રચના જુઠાણા ઉપર થઈ હતી. રાષ્ટ્રપતિ પદના કોંગ્રેસના ઉમેદવાર સંજીવરેડ્ડી હતા. પણ ઇન્દિરા ગાંધીને તે પસંદ ન હતા. એટલે તેમણે વીવી ગિરીને ઉભા કરેલ અને પક્ષમાં “અંતરાત્માના અવાજ પ્રમાણે” મત આપવો એ શબ્દ પ્રયોગ કરી વીવી ગિરીનો પ્રચાર કરેલ. વીવી ગિરી જીતી પણ ગયા હતા. આવા અંતરાત્માઓથી નહેરુવીયન કોંગ્રેસ ફાટ ફાટ થાય છે. ૧૯૪૬માં નહેરુએ પોતે ખૂદ પોતાના અંતરાત્માના અવાજને માન આપીને વડાપ્રધાન પદની દાવેદારી કરી હશે. ઇન્દિરા ગાંધીના સમયમાં આ રોગે બધી સીમાઓ પાર કરી દીધી. ચિમનભાઈ પટેલે પોતાના વિધાનસભ્યોને પંચવટી ફાર્મમાં હરણ કરી રાખ્યા હતા. એ પછી આપણા શંકરસિંહે ધારાસભ્યોના હરણ કરી ખજુરાહોમાં રાખ્યા હતા. હાલમાં ગુજરાતના નહેરુવીયન કોંગ્રેસના વિધાનસભાના સદસ્યોને શક્તિસિંહ ગોહેલે બેંગલોર નજીકના કોઈ રીસોર્ટમાં હરણ કરી રાખ્યા છે. “અપહરણ” શબ્દ આપણે નથી વાપરતા. કારણ કે સીતાનું હરણ થાય તો તેને સીતાનું અપહરણ થયું એમ કહેવાય. પણ સુભદ્રાનું હરણ થાય તો તેને સુભદ્રાનું અપહરણ થયું એમ ન કહેવાય. અપહરણમાં પરસ્પર પ્રેમની ભાવના હોતી નથી. હરણમાં પરસ્પર પ્રેમની ભાવના હોય છે. પણ ઉપરોક્ત નહેરુવીયન કોંગ્રેસી હરણોમાં પરસ્પર પ્રેમની ભાવના તો નથી પણ હરણ પામેલા આત્માઓ તેમના “અંતરાઅત્માના અવાજ પ્રમાણે” રાજસભાની ચૂંટણીમાં મતદાન કરશે તો …? આ ભય છે.
આમ તો આમાં બે બાપુઓ આમને સામને છે. જો કે પ્રોક્સી યુદ્ધમાં બીજેપી સામેલ છે. વિધાન સભાના છ સભ્યો ઑલરેડી બીજેપીમાં ભળી ગયા. નહેરુવીયન કોંગ્રેસને પોતાના પક્ષના વિધાન સભ્યો ઉપર વિશ્વાસ નથી. પણ આવું જાહેરમાં તો કહેવાય કેમ?
જે પક્ષ પોતાને (લેવા દેવા વગર) દેશની સ્વાતંત્ર્યની લડતને પોતાની ધરોહર માને છે તે પક્ષના પ્રમુખને પોતાના સાદા સદસ્ય ઉપર નહીં પણ વિધાનસભાના સદસ્યની નીતિમત્તા ઉપર અને નિડરતા ઉપર એટલી બધી શંકા છે કે ….
ઇન્દિરા ગાંધીનો જમાનામાં વિજાણું ઉપકરણો એવા ન હતા કે તમે ધમકી આપનારને કે લલચાવનારના ઉચ્ચારણોને અને મુલાકાતોને વિજાણું ઉપકરણોની મદદથી દ્ર્ષ્ય શ્રાવ્યમાં રેકૉર્ડ કરી શકો. જો કે ઇન્દિરા ગાંધી, પોતાના વિરોધીઓના શ્રાવ્ય સંવાદો ગેરકાયદેસર રેકૉર્ડ કરવતી હતી. “મોઈલી પ્રકરણ” પ્રકાશમાં આવેલ.
હાલના સમયમાં હવે તો તમે તમારી ઉપર આવતા ફોનકૉલ અને તમને રુબરુમાં મળતા માણસોની વાતો અને પ્રસંગોને રેકૉર્ડ કરી શકો છો. ધારો તો તેમને બહુ સહેલાઈથી ઉઘાડા પાડીને યુ-ટ્યુબ, ફેસબુક, વોટ્સએપ, ટ્વીટર ઉપર અને તમારી માનીતી ટીવી ચેનલો ઉપર પણ ફેલાવી શકો છો. આ બધું એક દમ સરળ છે. તમે બીજેપીવાળાઓની અને તેમના સહાયકોની રેવડી દાણાદાણ કરી શકો છો. જો કોઈ પોલીસ અધિકારી સંડાવાયેલો હોય તો તેને ઉઘાડો પાડીને બરતરફ કરાવી શકો છો. ન્યાયતંત્ર એટલું બધું તો ખાડે ગયું જ નથી કે તમે આવું કશું ન કરી શકો.
પણ આ નહેરુવીયન કોંગ્રેસીઓ આ વાત ઉપર મૌન છે. એ લોકો તો માને છે કે કે જો તેમના વિધાન સભાના સદસ્યો ગુજરાતમાં ક્યાંય પણ હશે તો તે ફૂટી જશે. તેથી આવા એક કે બે નહીં પણ … પૂરા ૪૨ સદસ્યોને બેંગલોર ભેગા કરવા પડ્યા કે જ્યાં નહેરુવીયન કોંગ્રેસનું રાજ ચાલે છે. વળી આ સદસ્યોના મોબાઈલ ફોન પણ લઈ લેવામાં આવ્યા જેથી કોઈ (બીજેપીવાળા) તેઓને ફોન ઉપર ધમકી કે લાલચ આપી ગભરાવી કે લલચાવી ન શકે. અમારા નહેરુવીયન કોંગ્રેસના સદસ્યો તો બિચારા ગભરુ હરણ જેવા છે. હા જી, અમે ગુજરાત વિધાનસભા માટે એવા જ ઉમેદવારો પસંદ કરીએ છીએ.
આવા ડરપોક અને દહીં-દુધીયા નહેરુવીયન કોંગ્રેસના વિધાનસભાના સભ્યો પાસેથી તમે દેશપ્રેમની શી આશા રાખી શકો છો?
શિરીષ મોહનલાલ દવે