“અમે આ તો થવા જ નહીં દઈએ. તમે સમજતા કેમ નથી?” સરકાર વદી
“અમે કોણ?
અમે એટલે સરકારી નોકરો. હાજી અધિકારીઓ સહિતના સરકારી નોકરો.
અમે એટલે નગર પાલિકાના, મહાનગર પાલિકાના, પંચાયતના કે ક્યાંયના પણ જનપ્રતિનિધિઓ એવા કે જેઓને જન-નિધિ (પબ્લીકફંડ) માંથી ચૂકવણું થાય છે તેવા પાર્ષદો, મંત્રીઓ, ન્યાયાધીશો, … … સમજી જાઓને !!!
અમે એટલે કોણ સમાચાર માધ્યમોના માલિકો, વિશ્લેષકો, કટારીયાઓ, પગારદારો, …. અમે કદી અપ્રચ્છન રીતે સરકારી અધિકારીઓને દોષ નહીં ઠેરવીએ, કારણ કે તેમના થકી તો અમારા ઓળખીતાઓના કાયદેસર સહિતના કામો કરાવી લઈએ છીએ. હાજી. આપલે વાળા અને આપલેવગર પણ. અધિકારીઓને કેમ દોષ દેવાય!
હાજી અમે બને ત્યાં સુધી જનપ્રતિનિધિઓને પણ વાંકમાં લેવામાં માનતા નથી. કારણ કે આ જન પ્રતિનિધિઓ જ્યારે આંખ આડા કામ કરે ત્યારે તો સરકારી નોકરો ગેરકાયદેસર કામો પ્રત્યે આંખ આડા કામ કરી શકે છે. સમજો ભાઈ સમજો …
હા પણ તમે કોણ?
“અમે છીએ સામાન્યબુદ્ધિવાળા સામાન્ય માણસ જેના કર દ્વારા જન-નિધિ (પબ્લિક ફંડ)નું નિર્માણ થાય છે. અને ફંડમાંથી તમને તમારી ફરજો બજાવવા બદલ, તેમ જ તમારી ફરજો ન બજાવવા છતાં પણ, ભૂગતાન થાય છે. સમજ્યા તમે? અરે હા … એ વાત તો કહો કે તમે કહ્યું કે તમે “આ તો અમે નહીં જ થવા દઈએ”. એ કઈ કઈ સમસ્યાઓ છે જેનું નિરાકરણ તો છે, તો પણ તમે તેને નહીં થવા દો.
“અમે નિમ્નલિખિત સમાસ્યાઓનું નિરાકરણ નહીં થવા દઈએ.
(૧) ગેરકાયદેસરના બાંધકામ
(૨) સરાકારી સંપત્તિ ઉપર કબજો/દબાણ
(૩) વાહન વ્યવહારમાં અરાજકતા
(૪) રસ્તે રખડતા ઢોર
(૫) રસ્તે રખડતા કુતરાઓ,
(૬) અસ્વચ્છતા નિવારણ,
(૭) રસ્તાઓ ઉપરના ખાડાઓ
(૮) કોઈપણ કામ વ્યવસ્થિત રીતે ન કરવું, પછી તે આયોજન હોય, તેનો અમલ હોય, કાયદાનું પાલન હોય, ન્યાયાલયનો ચૂકાદો હોય, બજવણી હોય, જનતા સાથે પત્રવ્યવહાર હોય … આ સરખી રીતે થાય એવું અમે માનતા નથી.
(૯) દસ્તાવેજોનું ફાટી જવું કે અદૃશ્ય થવું
“પણ હે “સરકારી અફસર સાહેબ” ભાઈ, આમાં તમને ફાયદો શો?
“અરે ભૈયા, યહી તો હી હૈ હમારી બાંયે હાથકી કમાઈકા આધાર! ચલો મૈં આપકો એક એક કરતે સંક્ષિપ્તમેં ગુજરાતીમેં બતાતા હું.
(૧) ગેરકાયદેસરના બાંધકામને અમે સમયે સમયે ઈંપેક્ટ ફી દ્વારા કાયદેસર કરી દઈએ છીએ. તેથી અમને અને સરકારને પણ કમાણી. જો વાહન-પાર્કીંગની જગ્યાનો કોમર્સીયલ ઉપયોગ હોય તો અમે સૌ પ્રથમ તો અમે કોમર્સીયલ ટેક્ષ વસુલ કરવાનું ચાલુ કરી દઈએ, એટલે કામ પત્યું. સરકારને તો કમાણી કરાવી જ.
(૨) સરકારી જમીન ઉપર કબજો એટલે કે ઝોંપડ પટ્ટી, ફૂટપાથ ઉપર લારી ગલ્લા, પાથરણા, વેચાણના તંબુ, ગેરેજમાં આવેલા સર્વીસીંગ અને સફાઈ માટે વાહનો,
અમે આ દબાણ હટાવવાનો કોંટ્રાક્ટ આપી દઈએ. તેથી કોંટ્રાક્ટ આપવામાં અમારા સાહેબોને પૂર્વ-કમાણી થઈ જાય. અને અમે, થોડા છૂટક એજંટો રાખીએ, જે પૈસા ઉઘરાવી, અમારા નાના મોટા કર્મચારીને જાળવી લે. ઝોંપડપટ્ટીવાળાઓ બાબતમાં જનપ્રતિનિધિઓ લોક્લ ગુંડાઓ સાથે હળીમળીને કામ કરે. સવાલ ઉભો થાય તો અમે કહી દઈએ કે અમે અમે આ વર્ષ દરમ્યાન ૫૨૪૦ દબાણ હટાવ્યા, અને ૪૩૨૬૨૮ રૂપીયા દંડપેટે વસુલ કર્યા. તો … પછી … અમે કંઈ નવરા બેસી રહેતા નથી! અમે કંઈ જેવા તેવા છીએ?
(૩) વાહનવ્યવહારમાં અરાજકતા
અમે વાત તો સ્માર્ટ સીટીઓની કરીએ. પણ વાહનવ્યવહારના કાયદાનો ભંગ કરનારાઓ પાસેથી રોકડે થી પૈસા ચરકાવવાની મજા જ કંઈ ઑર છે.
સીસીટીવી કેમેરાઓ ઠેર ઠેર લગાવી શકાય છે. વાહનવ્યવહારના નિયમોનો ભંગ કરનાર વ્યક્તિના વાહનને સોફ્ટવેર દ્વારા ચિન્હિત કરી તેને ગમે ત્યાંથી પકડી શકાય છે. તેના ખાતામાંથી બારોબાર પૈસા વસુલ કરી શકાય છે. પણ એવું કરીએ તો અમારા ડાબા હાથનું કામ જ શું રહે? પૈસા તો ભાઈ, રોકડે થી જ સારા. થોડામાં ઘણું … સમજી જાઓને ભાઈ…
અરે તમને ખબર નથી, મોટી મોટી બીલ્ડર કંપનીઓ પણ વાહનપાર્કીંગ પ્લાન અને અમલમાં અરાજકતા ફેલાવે છે અને તેના કેસ પણ ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં મજેથી કોર્ટની પ્રકૃતિએ ચાલે છે. જનતાને શું? ઘા ભેગો ઘસરકો …
(૪) રસ્તે રખડતા ઢોર
ઉપાયો તો ઘણા છે. વાહનોને નંબર અપાય તો ઢોરોને પણ નંબર આપી શકાય. રસ્તા ઉપર લાગેલા સીસીટીવી કેમેરાથી તેમને ઓળખી શકાય. ઢોરને બદલે ભરવાડ/રબારી ને પકડીને દંડ વસુલ કરી શકાય. અરે ગૌશાળાઓ ખોલી શકાય. જમીન અને પશુપાલનને લગતા નવા કાયદાઓ ઘડી શકાય.
પણ સાહેબ મોરા, ભરવાડ /રબારી સાથે બાખડાય? એ તો જંગલની પ્રજા કહેવાય. આપણે તો અણીશુદ્ધ સંસ્કારી, ભણેલા ગણેલા કહેવાઈએ.
“તો પછી થઈ શું શકે?
“અરે ભાઈ એજ કહેવાનું કે અમે ૮૪૦૪૨૦ રુપીયા ઢોર પકડવા વિષે વસુલ કર્યા. લ્યો હાઉં!
(૫) રસ્તે રખડતા સારમેયો (કુક્કુરાઃ અર્થાત્ કુતરાઓ)
“ઉપાય તો છેઃ કુતરાઓની ખસી કરો. અથવા કુતરીઓને આંકડી પહેરાવો. અથવા બંને કરો.
પણ અમારો ઉત્તર છે, આ કામ સો એ સો ટકા ન થઈ શકે. હવે ધારો કે અમે ૯૫ ટકા સફળ થયા, તો જે ૫ ટકા કુતરા કુતરીઓ બચી ગયા તેનું શું? એક કુતરી ચાર બચ્ચાંને જન્મ આપે છે. તો બે વર્ષમાં તો કુતરાંઓની વસ્તી હતી તેટલી ને તેટલી જ થઈ જાય. પણ અમે આ કામ ના પણ કોંટ્રાક્ટ આપીએ છીએ તેથી અમારી સાથે કોંટ્રાક્ટરોને પણ કમાણી થાય. હવે ધારો કે કોઈ કોંટ્રાક્ટર ઈમાનદર નિકળે અને ૧૦૦ ટકા સફળતા પ્રાપ્ત કરે તો તો અમારી કામાણીને ફટકો પડે ને. તમે સમજતા કેમ નથી?
(૬) અસ્વચ્છતા નિવારણઃ
જે ઉડીને આંખે વળગે એવી કોઈ અરાજકતા હોય તો તે અસ્વચ્છતા. કચરો, ધૂળ, પથરા, કાગળના ટૂકડા, પ્લાસ્ટિકના ટૂકડા, પ્લાસ્ટીકની થેલીઓ, ખાદ્ય પણ અખાદ્ય પદાર્થો, વિષ્ટા, છાણ, તૂટેલા રસ્તા, ન બનાવેલી ફૂટપાથો, ફૂટપાથો જો બનેલી હોય તો તૂટેલી ફૂટપાથો, પાણીના રેલાઓ અને ખાબોચીયા, ખાડા ટેકરા, સાંકડી ફૂટપાથ અને તેના ઉપર રોપેલા થાંભલાઓ, …
સફાઈવાળીઓ કહે કે “આમાં અમારે સફાઈ કેવી રીતે કરવી?
રાવ સાહેબ ભલે રાતની ડ્યુટી લગાવે. બધે કંઈ રાવ સાહેબ ન હોય. આયોજન કરનારા અધિકારીઓને તો કહેવાય ક્યાંથી? તેમણે તો ૨૦ વર્ષ પહેલાં આયોજન કરેલું. ભલે અંગ્રેજોએ ૧૦૦ વર્ષ પહેલાં આયોજન કર્યું હોય અને તે રસ્તાઓની પહોળાઈઓ અને ફુટપાથોની પહોળાઈઓએ સો વર્ષ સુધી મુંબઈમાં કામ આપ્યું હોય. પણ આપણે અંગ્રેજ થોડા છીએ?
(૭) રસ્તાઓના ખાડાઓ
જુઓ ડામરના રસ્તાઓ સસ્તા પડે. વળી એમાં કમાણી પણ ઠીક ઠીક. ખાડાઓની બૂમ ઉઠી છે? દોડો … દોડો … દોડો … અમે એક માસમાં ખાડાઓ પૂરી દઈશું. છાપામાં છપાવો “કમીશ્નર સાહેબે એંજીનીયરોને ખખડાવ્યા… “
થોડી સુકી અને થોડી ડામરથી કાચીપાકી ભીની કરેલી કપચી નાખી દો. થોડી દબાવો પણ ખરા. બહુ દબાવવાની જરુર નથી. એના ઉપર વાહનો તો ચાલવાના જ છે. એટલે દબાઈ તો જવાની જ છે. બધા ખાડાઓ પૂરવાની જરુર નથી. નવા ખાડાઓ પડ્યા એવું કેમ કરીને કહીશું?
જો ચોમાસા પહેલાં કામ કરો તો સારું. … શરુ કરીદો. … પૂરું ક્યારે કર્યું તે નહીં કહીએ. ચોમાસામાં “વરસાદ ધાર્યા કરતાં વહેલો” આવ્યો … નવા ખાડા પડ્યા … વરસાદમાં તો ખાડા પડે જ ને.
[જગતપુરથી સી.જી. રોડને જોડતો રોડ જ્યાં સી.જી. રોડને મળે છે ત્યાં ઓછામાં ઓછા સાત વર્ષથી ડાબી બાજુએ ખાડાઓ પડેલા છે. મ્યુનીસીપલ ચોપડે કેટલીવાર પૂરાયા તે સંશોધનનો વિષય છે. આ ખાડાઓ ઓછામાં ઓછા સાત વર્ષે પણ વિદ્યમાન છે. અને કડે ધડે છે.
મોદીકાકા કહે છે કે “એક ટેબલ ઉપર આર્ધો ભરેલો પાણીનો કપ છે. એક જણે કહ્યું આ કપ અર્ધો ખાલી છે. બીજાએ કહ્યું આ અર્ધો ભરેલો છે.” હમેશા હકારાત્મક બનો. હમેશા બોલો કે કપ અર્ધો તો અર્ધો પણ ભરેલો તો છે જ.
તો અમે પણ એમ કહીએ છીએ કે આ વર્ષે અમે ૮૪૪૨૦ ખાડાઓ પૂર્યા. કેટલા બાકી રાખ્યા અને હાલ હાલત શું છે એ નહીં કહેવાનું.
(૮) કોઈપણ કામ વ્યવસ્થિત રીતે ન કરવું, પછી તે આયોજન હોય, તેનો અમલ હોય, કાયદાનું પાલન હોય, ન્યાયાલયનો ચૂકાદો હોય, બજવણી હોય, જનતા સાથે પત્રવ્યવહાર હોય…
જેમ કોંગીની ઓળખ જૂઠ, દંભ અને લૂંટ છે. તેવી રીતે સામાન્ય સરકારી નોકરોની એક ઓળખ અધુરા કામની છે. અસામાન્ય કર્મચારી કેટલા
શતેષુ જાયતે શૂરઃ, સહસ્રેષુ ચ પંડિતઃ ।
વક્તા દશસહસ્રેષુ, (દાતા ભવતિ વા ન વા) ॥
આર્ષદૃષ્ટા (અસામાન્યકર્મચારી) શતસહસ્રેષુ,
“ફાર્મ ફેશ”નું કેંદ્ર ઉભું કરવું છે? સરકારી જમીન પણ છે? તો “મોદ” ના છાપરાવાળી અને “કંતાન”ની દિવાલો વડે, વીસ પચીસ કોલાઓ બનાવી દો. દરવાજો બનાવી ત્યાં મોટું બેનર લગાવી દો. આ બધું કોંટ્રાક્ટરને આપી દો. છાપામાં એક વાર જાહેરાત આપી દો. કોલાઓ ભાડે આપી દો.
જમીનને સમતલ કરવી જરુરી નથી. મોટા પત્થરો પડ્યા હોય, મોટા ખાડાઓ હોય તો પણ વાંધો નહીં. વાહન પાર્કીંગની સગવડ બનાવવાની જરુર નથી. કોંટ્રાક્ટર અને ખેડૂતવચ્ચે વિવાદ ઉભોથાય તો વાંધો નહીં. વિગત માટે અહીં ક્લીક કરો
(૯) દસ્તાવેજોનું ફાટી જવું. અદ્રશ્ય થવું.
આને માટે કો ઓપરેટીવ સોસાઈટીના રજીસ્ટ્રારની ઓફીસો કુખ્યાત છે.
શિરીષ મોહનલાલ દવે
ચમત્કૃતિઃ
અમારે અમારા શહેરને સફાઈની બાબતમાં એક થી દશની અંદરના રેંકમાં લાવવું છે તો શું કરવું?
(૧) તમે કચરાના ડબ્બાઓ વહેંચો,
(૨) તમે કચરાના ડબ્બાઓનું વર્ગીકરણ કરો, સૂકા કચરાના ડબા, અને ભીના કચરાના ડબ્બા.
(૩) ડબ્બાઓ ચોરાઈ ન જાય તે માટે પાંજરાઓ બનાવો.
(૪) પાંજરાઓને બંધ કરવામાટે તેમાં દરવાજાની ગોઠવણ કરો. દરવાજાને બંધ કરવા માટે તેને તાળા લગાવો,
(૫) ડબ્બાઓની હેરફેર માટે કર્મચારીને હાથ લારી આપો,
(૬) કચરો ઉઠાવવા માટે કંટેનર રાખો,
(૭) કચરો ઉઠાવવા માટે ટ્રકમાં કચરો ભરવાની છૂટ આપો
(૮) સૂકોકચરો અને ભીનો કચરો નાખવામાટે અલગ અલગ ડંપ એરીઆ સુનિશ્ચિત કરો,
(૯) ડંપ એરીઆમાંથી કચરાના નિકાલની વ્યવસ્થા બનાવો,
(૧૦) બીલ્ડરોના કચરાના નિકાલ માટે અલગ વ્યવસ્થા કરો.
[અધિકારીભાઈઓને ડાબા હાથની કમાણી પણ કરવી છે? તો જ્યા શક્ય હોય ત્યાં કોંટ્રાક્ટ સીસ્ટમ લાગુ કરો]
હવે જુઓ તમે દશ દશ તો વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે. તેથી અમે એવી આકલનની વ્યવસ્થા કરીશું કે તમારી વ્યવસ્થાના આધારે તમારું મૂલ્યાંકન થાય. નહીં કે વાસ્તવમાં તમે શહેરને કેટલું સ્વચ્છ કર્યું!!
શિરીષ મોહનલાલ દવે