નવા ભદ્રંભદ્રો પણ એકબીજાથી વિરુદ્ધ, તો જુના ભદ્રંભદ્રનું શું થશે? – ૧
September 30, 2022 by smdave1940
નવા ભદ્રંભદ્રો પણ એકબીજાથી વિરુદ્ધ તો જુના ભદ્રંભદ્રનું શું થશે
ડીબીભાઈના (દિવ્ય ભાસ્કર ભાઈના) છાપામાં એક રીતે જોઇએ તો બે વિરોધાભાસી માહિતિઓ હતી.
પાના-૨ ઉપર સમાચાર હતા કે કચ્છના નખત્રાણામાંના બ્રાહ્મણોએ દશેરાના રાવણ દહનના કાર્યક્રમનો બહિષ્કાર કરી વિરોધ કરવાના છે. કારણ કે રાવણ તો બ્રાહ્મણ હતો. રાવણ મહાન શિવભક્ત હતો. રાવણ વેદોમાં પારંગત હતો. આજે જે સ્વરુપમાં વેદો, આપણી સમક્ષ છે, તે સ્વરુપના વેદોનો જન્મદાતા રાવણ હતો. આવા મહાન રાવણના પુતળાનું દહન કરવું અને તે પણ દરવર્ષે, દહન કરવું તે બ્રાહ્મણ જાતિનું અપમાન છે. અમે બ્રાહ્મણો આ ચલાવી નહીં લઈએ. અમે બહિષ્કાર કરીશું.
ભારતના દલિતો ને પણ આ રાવણ-દહન પસંદ નથી.
હાજી, સાવ સાચી વાત છે. પણ કારણ તદ્દન ભીન્ન છે. કારણ કે તેમના હિસાબે રાવણ તો દલિત હતો. ખૂબ વખત પહેલાં આવી એક ફિલમ પણ ઉતરી હતી. એમ તો દશાવતારની ફિલમ પણ ઉતરી હતી. (જેમાં ગાંધીજી અને બુદ્ધ બન્નેને વિષ્ણુના અવતાર બતાવવામાં આવ્યા હતા. પણ તે વખતે બાબા સાહેબે પોતાનો ધર્મથકીનો વાડો, જુદો બનાવ્યો ન હતો. પણ તે વિષે વળી ક્યારેક ચર્ચા કરીશું)
રામે એક દલિતને માર્યો અને પછી આ રામના માણસો, દશેરાના (શુક્લ અશ્વિન દસમના) દિવસે રાવણનું પુતળું બાળે છે અને દર વર્ષે બાળ્યા જ કરે તે અમારાથી સહન જ કેમ થાય?
આ મનુવાદીઓને તો સીધા કરવા જ પડશે.
તો શું હવે મુલ્લાયમ – અખિલેશે ચલાવેલા સૂત્ર “મુસ્લિમ, યાદવ ભાઈ ભાઈ”, ની જેમ એક નવું સૂત્ર રચાવા તરફ જઈ રહ્યું છે કે “દલિત, બ્રાહ્મણ ભાઈ ભાઈ”?
સૂત્રોની તો બહુ મોટી માયા જાળ છે.
“તિલક, તરાજુ ઔર તલવાર, ઉસકો મારો જુતે ચાર” આ સૂત્રની જન્મદાત્રી માયાવતી કે તેના ગુરુ કાંશીરામ હતા.
પણ પછી માયાવતીએ “આ હાથી નહીં … ગણેશ છે” એવું સૂત્ર પ્રચલિત કરી બ્રાહ્મણ – દલિત ને એકસૂત્રમાં બાંધવા પ્રયત્ન કરેલ. પણ “મુસ્લિમ – યાદવ ભાઈ ભાઈ” આગળ આ સૂત્ર પરાજિત થયેલ.
દલિત બ્રાહ્મણ ભાઈ ભાઈ
દલિત બ્રાહ્મણ ભાઈ ભાઈ જેવું સૂત્ર તો લુટ્યનોને (કોંગી, આર.જે.ડી., સી.પી.એમ., અને વામમાર્ગીઓને) કોઈ કાળે ન ખપે.
કેમ?
ચંદ્રગુપ્ત મૌર્ય (મુરા દાસીનો છોકરો) અને કૌટીલ્યએ ભેગા મળીને ધનનંદના સામ્રાજ્યને ઉથલાવીને, નંદના સામ્રાજ્યથી પણ મોટું સામ્રાજ્ય સ્થાપેલ. તેમ જ સેલ્યુકસ નીકેતર કે જે બધે જ જીતતો જીતતો આવતો હતો તેને પણ પરાજિત કરેલ. આ વાત તો ભલાભોળા નાજુક લીબરલ વામમાર્ગીઓને પસંદ ન જ પડે ને!! વામમાર્ગી = વામપંથી = લેફ્ટીસ્ટ લીબરલ, આ એવા લીબરલ કે સત્તામાટે તેમણે લાખો માણસોની દરેક જગ્યાએ કતલ કરેલી.
“આર્યન ઈન્વેઝન થીએરી” જેણે પુરસ્કૃત કરેલી તે મેક્સમુલરે તેની પાછલી જીંદગીના દિવસોમાં પાછી ખેંચી લીધેલી. તે થીએરી એક બનાવટી થીએરી હતી. તેને કશો આધાર ન હતો. ન તો તે થીએરી ભૂસ્તરશાસ્ત્રથી સિદ્ધ થતી હતી, ન તો તે ખગોળશાસ્ત્રથી સિદ્ધ થતી હતી, કે ન તો તે ભાષાશાસ્ત્રથી સિદ્ધ થતી હતી. તેમાં તુક્કાઓ સિવાય કશું ન હતું. અને જો તુક્કાઓ લગવવાની છૂટ હોય તો તમે કોઈપણ વાત સિદ્ધ કરી શકો.
દા.ત.
વેદ સમયના ભારતીયો કુતરા સિવાયના પ્રાણીઓની વિષે જાણતા ન હતા. સંસ્કૃતમાં કુતરાને “શ્વા” કહે છે. સંસ્કૃતમાં “અ” એટલે “નહીં” એવો અર્થ થાય છે. કારણકે વેદકાળના લોકો કુતરા સિવાય બીજા પ્રાણીઓને જાણતા નહીં, તેથી તેઓ બીજા બધાને “ અ શ્વ “ એમ કહેતા હતા. એટલે કે અશ્વ. આવી તો પાશ્ચાત્ય પંડિતોની અનેક વાતો છે.
વાર્તા વિષય, આર્ય અને અનાર્યના ભેદવિષેનો હતો.
આપણા હેલ્પેશભાઈ, તેઓશ્રી જ્યારે ભાવનગરની પ્રાથમિક શાળા “ધ ભૂતા ન્યુ ઈંગ્લીશ સ્કુલ”માં (૧૯૫૨) હતા ત્યારે જ તેમણે તેમના વર્ગ શિક્ષક અમુભાઈને પ્રશ્ન કરેલ; જો આર્યો ગાયને પૂજતા હોય અને અનાર્યો સાંઢને પૂજતા હોય તો આને વિરોધાભાસ કેમ કહેવાય? આ તો સમાનતા કહેવાય. જેઓ ગાયને પૂજતા હોય તે સાંઢને પૂજતા પણ હોઈ શકે.
ત્યારે અમુભાઈએ કહ્યું કે આ તો બધી બનાવટ છે. વાસ્તવમાં આ યુરોપીઅનોને આપણે પ્રાચીન સમયમા અસ્પષ્ટ ઉચ્ચારણોને કારણે હાંકી કાઢેલા અને પછી તેઓ પાછા આવ્યા. આપણે ક્યાંય બહારથી આવ્યા નથી.
પણ આપણે આની ચર્ચા નહીં કરીએ. કારણકે તે વિષયાંતર થશે.
પણ કોમળ લેફ્ટીસ્ટ લીબરલોને નહીં ગમે તેનું શું?
“આર્ય અને અનાર્ય, સવર્ણ અને અસવર્ણ, શ્વેત અને સ્યામ, માલિક અને દાસ, વેદજ્ઞાતા અને અજ્ઞાની, સુખી અને પીડિત, … આવા ભેદભરમ અને કળાઓ ઉપર તો આપણી દુકાન ચાલે છે. આપણે કંઈ આ અનાર્ય, દલિત, પીડિત, … નો ઉદ્ધાર કરવાનો ઠેકો લીધો નથી. આ અનાર્ય, દલિત, પીડિત જાય ચુલ્હામાં. આ શસ્ત્રના આધારે તો આપણે રશિયા અને ચીન કબજે કર્યા. અર્ધું જર્મની કબજે કર્યું. આપણા અમેરિકન બંધુઓ પણ આવી થીએરીને આધારે તો ત્યાં સત્તા ઉપર આવેલા અને બધાને ખ્રીસ્તી બનાવેલ. તે ઉપરાંત ભારતમાં આ શસ્ત્રનો ઉપયોગ કરી આપણે ઘણું મેળવ્યું છે. બીજાઓને વિભાજિત કરવા, એ પણ આપણા માટે પ્રાપ્ત કર્યું જ કહેવાય.” લેફ્ટીસ્ટ લીબરલ એન્ડ કું. ઉવાચ.
દયાનંદ સરસ્વતી, વિવેકાનંદ, સાતવળેકર અને હાલના રાજિવ મલહોત્રા, શ્રીની કલ્યાણરામન અને બીજા અગણિત વિદ્વાનોએ અથાગ મહેનત કરી આર્યન ઈન્વેઝન થીએરીને સંપૂર્ણ રીતે ધ્વસ્ત કરી છે. તો પછી હજીપણ કેટલાક કટારીયા એટલે કે છાપામાંના કોલમીસ્ટો હજી “આર્ય – અનાર્ય” ના ભેદભાવની વાતો કેમ કરે છે.?
શું આ સંશોધનનો વિષય છે?
સંશોધનનો વિષય એટલે શું? હેલ્પેશ ભાઈના હિસાબે દાળમાં કંઈ કાળું શોધવાની જરુર જ નથી. આખી દાળ જ કાળી છે.
જો બાબાસાહેબ આંબેડકર જેવા પણ અંગ્રેજી ઇતિહાસકારોએ લખેલા ભારતના ઇતિહાસથી સંતુષ્ટ હોય તો અક્ષરજ્ઞાન ધરાવતા (“સાક્ષર” શબ્દના આવા અર્થમાં), જન્મે દલિત એવા જનો, બાબા સાહેબથી શા માટે અસંતુષ્ટ રહે? અને જો જરા અક્કલ ચલાવે અને અસંતુષ્ટ રહે તો કહે પણ કોને? … તો પછી શું કરીશું? બસ એજ કે “બુદ્ધ ભગવાન કહે તે બ્રહ્મ વાક્ય. બાબા સાહેબ કહે તે બ્રહ્મ વાક્ય.”. બાબા સાહેબે કીધું કે આપણે બૌદ્ધ. અને બુદ્ધ ભગવાન હિંદુ નહીં એટલે આપણે પણ માની લેવાનું કે બુદ્ધ ભગવાન હિંદુ નહીં એટલે અમે હિંદુઓથી જુદા. અમારો વાડો જુદો. જેમ મુસ્લિમોનો વાડો જુદો છે, જેમ ખ્રીસ્તીઓનો વાડો જુદો છે, જેમ સિખ લોકોને અંગ્રેજોએ સિખોને તેમનો જુદોવાડો બનાવી આપેલ કારણ કે ૧૯૫૭ના સંગ્રામ વખતે સિખ લોકોએ અંગ્રેજોને મદદ કરેલી અને તેના ઇનામ તરીકે, જેમ જૈનોને કોંગી સરકારે અલગવાડો બનાવી આપેલ તેમ અમને પણ બાબા સાહેબે નહેરુને પટાવી અમારો અલગ વાડો બનાવેલ.
આ અલગવાડો શું છે?
આ વસ્તુનું સચોટ જ્ઞાન હેલ્પેશભાઈના ખાસમ ખાસ મિત્ર સ્વ. ડાહ્યાભાઈ એન. સોલંકી પાસે હતું. પણ ટૂંકમાં એવું છે કે બધું પોથીમાંના રીંગણા જેવું છે. “કહ્યું કશું … અને લહ્યું કશું, આંખનું કાજલ ગાલે ઘસ્યું.” સાવ આવું તો નહીં પણ ઘણું ઘણું તો ખરું.
વાડાઓને ધર્મ સાથે કશી લેવા દેવા નથી. જો સત્તા હોય અને અથવા ન હોય, તે માટે જો વાડામાં ફાયદો મળતો હોય તો તે લેવા માટે તેનો ઉપયોગ કરવો કે લીધા કરવો. એ સિવાય કશું નહીં.
પણ આમાં ભદ્રં ભદ્ર ક્યાં આવ્યા?
(ક્રમશઃ)
શિરીષ મોહનલાલ દવે
Like this:
Like Loading...
Related
Posted in Uncategorized | Leave a Comment
Leave a Reply