Feeds:
Posts
Comments

Posts Tagged ‘અદ્વૈતવાદ’

સ્વાવલંબન શું નિરપેક્ષ છે?

સ્વાવલંબન શું નિરપેક્ષ છે?

આપણે સૌ જાણીએ છીએ કે આઈન્સ્ટાઈને સાપેક્ષ વાદ શોધ્યો. એટલે સામાન્ય રીતે કેટલાક મૂર્ધન્ય સહિતના લોકો, સાપેક્ષવાદને ભૌતિક શાસ્ત્રનો વિષય સમજે છે.

આમ તો સમાજ શાસ્ત્રના નિયમો પણ સાપેક્ષ હોય છે. જેમકે ગાંધીજીએ અહિંસાને પણ સાપેક્ષ જ ગણાવેલી. એટલે કે ઓછામાં ઓછી હિંસા એટલે અહિસા.

આઇન્સ્ટાઈનની બીજી પણ એક થીએરી હતી તે “યુનીફાઈડ ફીલ્ડ થીએરી” હતી.

સંભવ છે કે આ થીએરી આઈન્સ્ટાઈને આદિ શંકરાચાર્યની અદ્વૈતવાદ માંથી કલ્પી હોય. આ અદ્વૈતવાદ, શંકરાચાર્યે વેદોમાંથી પુનર્‍પ્રસારિત કર્યો હતો એમ તેઓ કહેતા હતા.

અદ્વૈતવાદ આમ તો પ્રચ્છન્ન “યુનીફાઈડ થીએરી ઓફ એન્ટીટી” હતો.

આઈન્સ્ટાઈન પોતાની આ થીએરીને સિદ્ધ કરી શક્યા ન હતા. શંકરાચાર્ય અદ્વૈત વાદને સિદ્ધ કરવામાં માનતા ન હતા. પણ તેમણે તે સમયના અસ્તિત્ત્વ ધરાવતા બધા જ વાદોને પરાજિત કર્યા હતા. પણ આપણે આ બધી વાતો  નહીં કરીએ.

સ્વદેશી

મોદી સાહેબે કહ્યું કે આપણે સ્વદેશી ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ. ઉત્પાદન આપણે આપણા દેશમાં જ કરીએ અને વિદેશો ઉપર અવલંબન ન રાખીએ. મેક ઈન ઈન્ડિયા નો સિંહ યાદ કરો.

આમ તો ગાંધીજી પણ સ્વદેશી માં માનતા હતા. તેમણે ખાદી અને ગ્રામોદ્યોગોને મહત્વ આપ્યું હતું. જોકે તે વખતે કેટલાક મહાનુભાવોએ તેનો વિરોધ કરેલ. પણ જ્યારે સ્વદેશીના પ્રચારથી જે જનજાગૃતિના પરિણામો આવ્યા તે પછી આ મહાનુભાવોએ તેનો વિરોધ બંધ કરેલ.

આજના જમાનામાં જો મૂર્ધન્યો, સ્વદેશીનો ગાંધીજીના નામ હેઠળ વિરોધ કરે તો તો ભારે ટીકા થાય. કારણકે જમાનો બદલાઈ ગયો છે. કેટલાક મોડર્ન બાવાઓ સ્વદેશી અને અહિંસાનો વિરોધ કરે છે. પણ તેમની વાત આપણે અહીં  નહીં કરીએ. પણ જો કોઈ “તડ અને ફડ”વાળા સુપર વાર્ધક્યમાં પહોંચેલાને જો “સ્વદેશી”નો વિરોધ કરવો હોય તો કેવી રીતે કરે?

નરેન્દ્ર મોદીને ભાંડવાની ફેશન હજુ આઉટ ઓફ ડેટ થઈ નથી, એમ ઘણા લોકો માને છે. આપણા તડ-ફડવાળા મૂર્ધન્ય તેઓમાંના એક હોય એવું લાગે છે.

જો બાવા બન્યા હૈ તો હિન્દી તો બોલના પડેગા. એ નાતે, તટસ્થ બન્યા હૈ તો મોદી કે વિરુદ્ધ તો કભી ન કભી તો બોલના હી પડેગા.

“સ્વદેશી” ભલે ગાંધીજીએ પુરસ્કૃત કરેલો આઇડિયા હોય. પણ આર.એસ.એસ.વાળા પણ સ્વદેશીમાં માને છે. જો કે તેઓ કેટલી ખાદી પહેરે છે કે પહેરતા હતા તેની આપણે ચર્ચા નહીં કરીએ. પણ નરેન્દ્ર મોદી તો ખાદીમાં અને ગૃહ ઉદ્યોગમાં માને છે. સખી મંડળો કરોડો રુપીયાનો ટર્ન ઓવર કરે છે.

સ્વદેશી એટલે શું?

“સ્વદેશી” પણ અહિંસાની જેમ સાપેક્ષ છે. વિદેશમાં થયેલા ઉત્પાદનની સાપેક્ષે દેશમાં થયેલું ઉત્પાદન સ્વદેશી છે. બંગાળમાં થયેલા ઉત્પાદનની સાપેક્ષે ગુજરાતમાં થયેલું ઉત્પાદન સ્વદેશી છે. સૂરતમાં થયેલા ઉત્પાદનની સાપેક્ષે ભાવનગરમાં થયેલું ઉત્પાદન સ્વદેશી છે. વડવા માં થયેલા ઉત્પાદનની સાપેક્ષે કોબડીમાં રહેતા માણસો માટે કોબડીમાં થયેલું ઉત્પાદન સ્વદેશી છે. કોબડીમાં થયેલા ઉત્પાદન કરતાં તમારા ઘરમાં જ થયેલું ઉત્પાદન સ્વદેશી છે. પણ ઉત્પાદિત આઈટેમ એ જ હોવી જોઇએ. એટલે ગાંધીજી પૂછતા કે તમે કેટલા ગામોને ખાદી પહેરતા કર્યા એટલે કે ખાદી માટે સ્વાવલંબી કર્યા.

“જે વસ્તુ તમારા દેશમાં ન બનતી હોય કે ન બની શકતી હોય, તમે તેને વિદેશથી આયાત કરી શકો છો.” એમ ગાંધીજી કહેતા.

પણ કઈ વસ્તુનું સ્વદેશી કરણ કરવું તે તેની માંગ ઉપર અવલંબે છે.

મોરારજી દેસાઈની જનતા પાર્ટી અને ઇન્દિરાની કોંગી

ઇન્દિરા ગાંધી પોલીયસ્ટર યાર્નમાંથી ગૃહૌદ્યોગ દ્વારા કાપડ તયાર કરવામાં માનતાં ન હતાં. પણ મોરારજી દેસાઈ પોલીયસ્ટર ખાદીમાં માનતા હતા.

વિકસિત દેશો તેમના ક્રોસબાર ટેલીફોન એક્સચેન્જો ને ભંગારમાં નાખતા હતા ત્યારે ઇન્દિરા ગાંધી દેશમા ક્રોસબાર ટેલીફોન એક્સચેન્જો બનાવતી, અને આયાત પણ કરતી હતી. ૧૯૭૭માં જનતા પાર્ટીના જોર્જ ફર્નાડીસે ડીજીટલ ઇલેક્ટ્રોનીક્સ ટેલીફોન એક્સચેન્જનું ટેક્નોલોજી ટ્રાન્સફર સહિત નું ગ્લોબલ ટેન્ડર બનાવ્યું અને બહાર પણ પાડ્યું. જનતા પાર્ટીની સરકાર પડી ગઈ. પણ આ ટેન્ડરમાં પરોઠા પગલાં ભરવા શક્ય ન હતું તેથી ૧૯૮૦-૮૨માં આ ટેન્ડરોને ઇવેલ્યુએટ કરી ફ્રાન્સની અલ્કાટેલ કંપનીની તરફેણમાં ફાયનલ કરેલ અને તેને ૪૦/૬૦ લાખ લાઈન ટેલીફોન એક્સચેન્જ માટેના ઓર્ડર આપેલ. ૧૯૮૩ની શરુઆતથી જ વર્લી-મુંબઈમાં તેનું ઇન્સ્ટોલેશન પણ ચાલુ થઈ ગયેલ.

યાદ રાખો, તે વખતે આપણા રાજિવ ભાઈ કે તેના મિત્ર સામ પિત્રોડાજી, ક્ષિતિજ ઉપર પણ ક્યાંય દેખાતા ન હતા. ઈલેક્ટ્રોનિક ક્રાંતિના બીજ તો ૧૯૭૯-૮૦મં અંકૂરિત થઈ ગયા હતા. પણ આપણા મહાનુભાવોએ તેનો યશ રાજિવભાઈને આપ્યો. આની ચર્ચા આપણે આ જ બ્લોગ સાઈટ ઉપર અન્યત્ર કરી ચૂક્યા છીએ. એટલે આ વાતને લંબાવીશું નહીં.

મહાત્મા ગાંધીને કે તેમના યથાર્થ અનુયાયીઓને અને ગાંધીજીના માનસપુત્ર વિનોબા ભાવેને વિદેશીમાલનો છોછ ન હતો. તેઓ કોઈ વાદમાં પણ માનતા ન હતા

નરેન્દ્ર મોદીને પણ વિદેશી ઉત્પાદનનો છોછ નથી. આ વાત આપણે સૌ જાણીએ છીએ. પણ તેથી કરીને સ્વદેશી ઉત્પાદનની વાત કરવી અને તેને અનુલક્ષીને પગલાં લેવાં એ કંઈ ગુનો નથી.

નોકરી અને ધંધામાં ફેર શો?

નોકરીમાં આપણે આપણા પૈસાનું રોકાણ કરવું ન પડે. એટલે નોકરીમાં, નોકરીમાંથી ફારેગ થવા સિવાય બીજું કશું ખાસ રીસ્ક હોતું નથી.

ચીલા ચાલુ અર્થમાં, ધંધા બે જાતના હોય છે. ઉત્પાદન કરવાનો ધંધો. ઉત્પાદિત માલની વહેચણીનો ધંધો.

ખાસ કરીને તમે ઉત્પાદન કરવામાં શી રીત રસમો અપનાવો છો અને વહેંચણીમાં પણ કઈ રીત રસમો અપનાવો છો તેની ઉપર તમારું (સમાજનું) ચારિત્ર્યનું ઘડતર અવલંબે છે.

અર્થશાસ્ત્રમાં ઘણા વાદો છે. અને આ વાદોના નિષ્ણાતો હોય છે. આ નિષ્ણાતો, અર્થશાસ્ત્રના પરિબળોને ઓળખતા હોય છે આ પરિબળોને કન્ટ્રોલમાં રાખવા માટે, તેમની પાસે પોતાની માન્યતાઓ અને પોતાની વ્યુહરચનાઓ હોય છે. તમે આ સમજણને જેટલી વધુ ક્લીષ્ટ અને અમૂર્ત (એબસ્ટ્રેક્ટ) બનાવી શકો તેટલા તમે વધુ નિષ્ણાત ગણાવ. આવું ઘણા બધા લોકો (મૂર્ધન્યો સહિત) માનતા હોય છે. દેશના અર્થતંત્રને ખાડે લઈ જનાર, મનમોહન સિંહ મોટા અર્થશાસ્ત્રી મનાય છે. ભણેલ ગણેલ પણ અનીતિમત્તાનો છોછ નહીં, તેથી દોષનો ટોપલો બેક સીટ ડ્રાઈવર સોનિયા ગાંધી ઉપર નાખી દેવામાં આવે છે.

નરેન્દ્ર મોદી તે કંઈ અર્થશાસ્ત્રી છે!!

“સાલુ … નરેન્દ્ર મોદીએ ખરું કર્યું. ૨૦ લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું. સ્વદેશીનું ભાષણ આપી દીધું તે જુદું. મોંઘા અને બ્રાન્ડેડ ગોગલ્સ પહેરે છે અને સ્વદેશી અપનાવવાની વાતો કરે છે. આ મોદીનો તો કચરો કરી નાખવો છે.

મોદીને કેવીરીતે વગોવીશુ?

આ મોદી …. એક તો મગન માધ્યમમાં ભણેલો છે. અને તેપણ ગામડાની કોલેજમાં ભણેલો છે. કોને ખબર શું ભણ્યો હશે.

આપણને પ્રધાન મંત્રી તો, હાર્વર્ડ, કેમ્બ્રીજ કે કમસે કમ જીન્ના નહેરુ યુનીવર્સીટી (જે.એન.યુ.)માં ભણેલો હોય એવો જ ખપે. ભલે આપણે મહાત્મા ગાંધીજીની સ્વદેશીની વાતો કરીએ. ગાંધીજી પોતે જ ઈંગ્લેન્ડમાં જ બાર એટ લૉ થયેલા હતા ને!! હાલનો પ્રધાન મંત્રી તો સાવ ગધુભાઈ જેવો છે.

“તડ-ફડ”વાળા મૂર્ધન્ય બોલ્યા;

“મોદી બોલ્યા એમાં મુદ્દા ઓછા અને શબ્દો વધુ હતા” એવું ઠોકો. (આને સિદ્ધ કરવાની જરુર નથી). “ગાંધીજી તો વહેવારુ હતા”….  (એટલે કે નરેન્દ્ર મોદી વહેવારુ નથી એ વાત આપોઆપ સિદ્ધ થઈ ગયેલી માનો).

સ્વદેશીને સાપેક્ષવાદના પરિપેક્ષ્યમાં ન જુઓ. આપણે તો મહા વિદ્વાન અને તટસ્થ છીએ એટલે નિરપેક્ષતામાં માની છીએ, પણ શબ્દોની રમત ચાલુ રાખો. “સ્વદેશી, આત્મનિર્ભરતા, જમાનાની જરુરીયાતો, જમાનાના સંજોગો, ભણતર બધું જે કંઈ સવાસો વર્ષ પહેલાં હતું તેમાંનું આજે બધું બદલાઈ ગયું છે. ગાંધીજીએ કોમ્પ્યુટર ક્યાં જોયું હતું? … “હેં?

“ગાંધીજીનું સ્વદેશીનું સૂત્ર આજના જમાનામાં અસરકારક ન ગણાય. બધું જ પરિવર્તનશીલ છે… ” એવું ઠોકો. “આજના જમાનામાં સ્વદેશી રહેવું પોષાય નહીં. આધુનિક શસ્ત્રો અમેરિકા પાસે થી લેવા જ પડે. અને અમેરિકાએ આપણી પાસે દવાની ભીખ માંગવી પડે. હે મોદી સાહેબ, તમને સત્તા મળી ગઈ એટલે બધું જ્ઞાન પણ મળી ગયું એવું ન માનો. …”.

હવે આપણે થોડી રાજીવ ગાંધીભાઈની પ્રશંસા કરી નાખીએ. તેમની આર્ષ દૃષ્ટિનું વિવરણ નહીં કરીએ. કારણકે એમાં તો ક્યાંક આપણે જ ફસાઈ જઈએ એવી શક્યતા છે. આપણે કંઈક બભમ બભમ કહીએઃ

“આવતી કાલનું ભારત કેવું હોય અને કેવું હોવું જોઇએ તે બાબતનો સૌથી સચોટ અને સૌથી વધારે સ્વિકાર્ય ખ્યાલ રાજીવ ગાંધીએ ૧૯૮૫માં આપ્યો હતો. આજે ભલે એક પેઢી પૂરી થઈ ગઈ હોય. પણ રાજીવ ગાંધીનું આ ઉદ્‌બોધન આજે ય એટલું જ ચોટડૂક (ચોંટેલું) અને એટલું જ પ્રેરણાદાઈ છે…..”

આમાં આપણે સમજવું શું?

આ તો ૧૯૮૫ની વાતો છે. મીસ્ટર ક્લીને યુનીયન કાર્બાઈડના એન્ડરસનને સરકારી વાહનમાં બેસાડી ભગાડી દીધેલ. તે વાતને દબાવી દીધેલી. પણ અહીં એ વાત અસ્થાને છે. જો કે આમ તો આર્ષદૃષ્ટા માણસ માટે અનીતિના દુષ્પરિણામોની આર્ષ દૃષ્ટિ હોવી જોઇએ. પણ એ વાતને જવા દો. રાજીવભાઈએ કરેલું શું? તેમના આઈડીયાઓ કેવા હતા?

તેઓ દેશમાં ડીજીટલ ઈલેક્ટ્રોનિક્સની ક્રાંતિ લાવેલા?  તેઓ દેશમાં કોમ્પ્યુટર લાવેલા? તેઓ દેશમાં સોફ્ટવેર લાવેલા?

ના જી.  ડીજીટલ ટેલીફોન એક્સચેન્જ ના ઓર્ડર નો પાયો તો ૧૯૭૮માં નંખાયેલો. ડીજીટલ ટેલીફોન એક્સચેન્જ સોફ્ટવેર પ્રોગ્રામ આધારિત હોય છે. સ્ટ્રોર્ડ પ્રોગ્રામ કન્ટ્રોલની ટ્રેનીંગ ૧૯૭૮માં “એડવાન્સ લેવલ ટ્રેનીંગ સેન્ટર” ગાઝીયાબાદમાં શરુ થઈ ગયેલી. સોફ્ટવેર વગર ડીજીટલ ટેલીફોન એક્સચેન્જ ચાલે જ નહીં. ડીજીટલ ટેલીફોન એક્સચેન્જ માટે ડેડીકેટેડ કોમ્પ્યુટર એક ટેસ્ટીંગ પેરીફેરલ હોય છે. એટલે કોમ્પ્યુટર પણ તાજા જન્મેલા બાળક જેવા ન હતા. તમે જ્યારે ડીજીટલ ઈલેક્ટ્રોનીક્સને લાવો એટલે પર્સનલ કોમ્પ્યુટર આવેલા જ હોય છે. વરસાદ પડે એટલે નદીમાં પાણી આવે જ. પહાડો ઉપર ધોધ પડવા શરુ થાય જ. સમયનો સવાલ છે. પણ જે આવવાનું છે તે આવવાનું જ છે.

વાત એમ છે કે રાજીવભાઈએ કોમ્પ્યુટર માટે કેટલીક છૂટછાટ આપેલી. જે આમ તો હાસ્યાસ્પદ હતી. રાજીવભાઈની કોમ્પ્યુટર વિષેની અજ્ઞાનતા દર્શાવતી હતી.

શું હતી આ છૂટ છાટ?

computer paper

તે વખતે ભારતમાં કદાચ મોટેભાગે, પ્રીન્ટર સાથે કન્ટીન્યુઅસ (સળંગ) અને ડાબી-જમણી કિનારીઓ ઉપર પરફોરેટેડ (કાણાવાળો) પેપર વપરાતા હતા. કદાચ રાજીવભાઈનો અને સરકારી અફસરો નો ખ્યાલ એવો હતો કે આવો સળંગ પેપર જ કોમ્પ્યુટરયુગની ઓળખ છે. આ પેપરની રચના એવી હોય છે કે, એક તો તે સળંગ હોય, તેની બંને કિનારઓ ઉપર કાણાઓ હોય છે, જેથી જ્યારે પ્રીંટ થતો હોય ત્યારે તે પેપર સીધો રહે. આવા પેપરને ટેક્ષમાંથી મૂક્તિ આપવામાં આવી હતી. હજી પણ બેંકો આવા પેપર વાપરે છે. બેંકોના કર્મચારીઓને કે સાહેબોને એટલું પ્રાથમિક જ્ઞાન પણ હોતું નથી કે પેપર ના માર્જીન (હાંસીયા) સેટ કરી શકાય છે.  ફોન્ટને પણ સેટ કરી શકાય છે.. આમ કરશું તો જે પ્રીન્ટ થયું છે તેનો અર્થ સરશે. પણ આ તો અલગ વાત છે. આપણા રાજીવ ભાઈ ના કોમ્પ્યુટરના ખ્યાલ કંઈક આવા હતા.

ટેક્નોલોજી હમેશા વિકસતી જ હોય છે. જેઓ તેના ઉપયોગ સાથે સંકળાયેલા હોય છે તેમને ટેક્નોલોજીની નવી નવી ક્ષમતાઓની ખબર હોવી જ જોઇએ. આ ક્ષમતાના ક્ષેત્ર વિષે વિચારીએ તો આપણે અચૂક કહી શકીએ કે રાજીવભાઈ તેમના જમાનામાં રહેલી ટેક્નોલોજીની ક્ષમતા જેટલી હતી અને તે ક્ષમતા વિષે તેમનું જે જ્ઞાન હતું, તેના કરતાં નરેન્દ્ર મોદી હાલમાં પ્રવર્તમાન ટેક્નોલોજીની જે ક્ષમતા છે તેના વિષે વધુ જાણે છે.

આ એક બહુ જ મહત્ત્વની વાત છે. સામાન્ય રીતે મોટા મોટા અધિકારીઓ પણ, ભલે પછી તે કોઈ પણ ક્ષેત્રના હોય, તેઓ પોતે પોતાને શું જોઇએ છે તે વિષે જાણતા હોતા નથી. તકનિકી ક્ષમતાની તો વાત ક્યાં કરવી! આવા અધિકારીઓમાં ઉચ્ચ સરકારી અફસરો સહિતના, અફસરો પ્રથમ ક્રમે આવે છે.

સંરક્ષણ ક્ષેત્રમાં સ્વાવલંબનઃ

આની કલ્પના તો નહેરુને ચીનના ભારત ઉપરના સરળ વિજય પછી લાધી હતી. તે માટે તેમણે સંરક્ષણ ખાતાને બે વિભાગમાં વહેંચ્યું હતું. તેમાનું એક સંરક્ષણ ઉત્પાદન ખાતું હતું. આ તો લાંબી વાત છે. પણ તડ-ફડ વાળા ભાઈ ભૂલી ગયા લાગે છે. નહેરુનો આ રાજકારણીય નિર્ણય હતો. ઓળઘોળ કરીને યુદ્ધની હારનો દોષનો ટોપલો મેનનને માથે નાખી દીધેલો. પણ મેનન તો એમના પાકા ગલગલતા મિત્ર હતા. મેનનને હટાવવાના દબાણને કારણે કેવીરીતે હેમખેમ બહાર આવવું એ નહેરુની સમસ્યા હતી. આ વાત લાંબી છે અને અહીં અપ્રસ્તુત છે. સંરક્ષણ બાબતમાં સ્વાવલંબન સિદ્ધ કરવાનો સંકલ્પ ૧૯૬૨નો છે.

સંરક્ષણ બાબતમાં કેટલું સ્વાવલંબન સિદ્ધ થયું તે બાબત, આ શતાબ્દીના પ્રથમ દશકામાં સેનાએ જ્યારે સંરક્ષણ યંત્રોના સ્પેરપાર્ટ્સની તંગીની વાત રજુ કરી, તેના ઉપરથી ખ્યાલ આવી શકે છે.

ભારતમાં બૌધિક ગરીબાઈ છે?

આપણો દેશ બૌધિક સંપત્તિમાં (ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટીમાં) ગરીબ નથી. નવી શોધખોળો માટે સક્ષમ છે. “ટેક્નોલોજી ટ્રાન્સફર સાથે ભારત સંરક્ષણ ક્ષેત્રે જોઇએ તેવું ઉત્પાદન કરવા સક્ષમ છે.

ભારત માટે ખાટલે ક્યાં ખોટ છે.

ભારતમાં સામાજીક અને રાજકીય સમસ્યાઓ અને તે પણ “કોંગી”એ અને તેના સાંસ્કૃતિક સહયોગીઓએ તેઓની પ્રાથમિકતા સ્વકેન્દ્રી હોવાને કારણે ઉભી કરેલી છે.

ગાંધીજી, વિનોબા અને નરેન્દ્ર મોદીના સ્વદેશી (સ્વાવલંબનમાં) ભીન્નતા શું છે?

સૈદ્ધાંતિક રીતે કશી જ નહીં. ગાંધીજી પણ સંરક્ષણ ક્ષેત્રે સ્વવલંબનમાં માનતા હતા. તેઓ એ કહ્યું હતું કે જ્યારે બીજા દેશો અદ્યતન શસ્ત્રોથી સજ્જ હોય ત્યારે આપણે અહિંસાની વાત ન કરી શકીએ. જ્યારે પાકિસ્તાને કાશ્મિર ઉપર આક્રમણ કર્યું ત્યારે સરદાર પટેલ અને નહેરુ ગાંધીજીની સલાહ લેવા ગયા. ગાંધીજીએ ઘડીનો પણ વિલંબ કર્યા વગર કહી દીધું કે કાશ્મિરનુ રક્ષણ કરવું આપણી ફરજ છે.

ગાંધીજી લોકોની અપેક્ષાઓને સમજતા હતા. વિનોબા ભાવે થોડા નિરપેક્ષતા વાદી હતા. કેટલાકના મત પ્રમાણે, વિનોબા ભાવે પ્રત્યે, લોકોની અપેક્ષા શું છે તે વાત તેઓ સમજતા ન હતા. તો કેટલાકના અભિપ્રાય પ્રમાણે લોકોની અપેક્ષાઓને તેઓ સમજતા હતા પણ તે પ્રમાણે તેઓ પોતાની જાતને ઢાળવા માગતા ન હતા. ગાંધીજી અને વિનોબા બંને, કોઈ વાદમાં માનતા ન હતા. વિનોબા ભાવે “વાદ”ને બૌદ્ધિક પછાતપણુ માનતા હતા.

નરેન્દ્ર મોદી, ગાંધીજીના “સ્વદેશી”થી અજ્ઞાત નથી. અને લોકોની તેમના પ્રત્યેની અપેક્ષાઓને પણ તેઓ સમજે છે. નરેન્દ્ર મોદી પોતાના કામના પ્રચારમાં પણ માને છે. જ્યારે જનતાનો પ્રાભાવિક હિસ્સો અજ્ઞાની અને ગરીબ હોય ત્યારે પ્રચાર જરુરી બની જાય છે. જો તમે આમ ન કરો તો તમારા વિરોધીઓ તેનો લાભ લઈ જઈ શકે છે. આ વાતની અનુભૂતિ આપણને ૨૦૦૪ની ચૂંટણીના પરિણામોમાં જોવા મળી હતી. સમાચાર માધ્યમોનો વ્યાપ અતિ વિશાળ હોવા છતાં કોંગીઓ કેવી કેવી અફવાઓ ફેલાવે છે તે આપણે જાણીએ જ છીએ. ટકી રહેવા માટે પણ  પ્રચાર આવશ્યક બની જાય છે.

શું ૧૦૦ ટકા સ્વદેશી વાપરવું આવશ્ય્ક છે?

૧૯૭૭માં જ્યારે જનતા પક્ષની સરકાર આવી ત્યારે મોરારજી દેસાઈએ ખાદીને સરકારી સંસ્થાઓ માટે ફરજીયાત બનાવી હતી. આ વાત ઘણા અર્થશાસ્ત્રીઓને પસંદ ન હતી. તેઓ કહેતા હતા કે જો બધા જ ખાદી પહેરશે તો પછી મીલનું કાપડ વાપરશે કોણ. જવાબ હતો, કે તેની નિકાસ કરો. હુંડીયામણ મળશે. વળતો સવાલ હતો, કે તો પછી આટલા બધા હુંડીયામણને દેશ કરશે શું? આ બેહુદો સવાલ હતો.

નરેન્દ્ર મોદી પણ ખાદી ગ્રામોદ્યોગના ઉત્પાદનના વપરાશને સરકારી ખર્ચાઓમાં ફરજીયાત બનાવી શકે છે. સરકારી નોકરો તેમજ જે સંસ્થાઓ સરકારી સબ્સીડીઓ લે છે તે સૌ માટે પણ સ્વૈચ્છિક રીતે ખાદી પહેરવાની અને ગ્રામોદ્યોગ-વપરાશની ભલામણ કરી શકે છે. ગરીબીને તાત્કાલિક રીતે દૂર કરવાનો આ એક માત્ર રસ્તો છે. કોંગી માટે આ રસ્તો હાથવગો હતો. પણ તેને તો માત્ર દંભ કરવો હતો અને તેની પ્રાથમિકતા માત્ર સત્તા જ હતી.

અન્ન વસ્ત્ર અને રહેઠાણમાં જો ફરજીયાત સ્વાવલંબી થઈએ તો બાકી શું રહેશે?  સરકાર માટે તો ઘણું બાકી રહેશે. પણ જો જનતા સ્વાવલંબી બનશે તો જનતામાંથી આવતા નોકરો જેઓ સરકાર ચલાવે છે તેઓમાં સ્વાવલંબનની ધગશ ઉત્પન્ન થશે.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

(તાતસ્ય કૂપોયમીતિ બ્રુવાણા ક્ષારં જલં કા પુરુષા પિબન્તિ) અર્થાત્‌

તાતસ્ય કૂપઃ અયમ્‌ ઈતિ બ્રુવાણાઃ

ક્ષારં જલં કા પુરુષા પિબન્તિ

(આ કૂવો તો બાપાનો છે. માટે ભલે આ કૂવાનું પાણી ખારું હોય તો પણ પીવો. આવું કાપુરુષ કરે છે.)

દાખલોઃ

૧૯૭૦ના દશકામાં વિકસિત દેશો તેમના ક્રોસબાર ટેલીફોન એક્સચેન્જો ને ભંગારમાં નાખતા હતા ત્યારે ઇન્દિરા ગાંધી દેશમા ક્રોસબાર ટેલીફોન એક્સચેન્જો બનાવતી,(અને આયાત પણ કરતી હતી).

Read Full Post »

અમે ઑદાઓ આવા … ભાગ – ૨

ગયા પ્રકરણમાં અમુક વાતો રહી ગઈ હતી અને કેટલાક મિત્રોએ કેટલીક ચોખવટ માગી એટલે ભાગ – ૨ લખવાનું મન થયું.

ભવસુખ ભાઈએ કહ્યું કે “ઑદા” શબ્દ કાઠીયાવાડમાં પ્રચલિત નથી. પણ જોકે સુરેશભાઈ જાનીએ “ઑદા, કૉદા અને આખલા” એવો શબ્દ પ્રયોગ કર્યો છે. એટલે ગુજરાતમાં તો “ઑદા” શબ્દ પ્રચલિત હશે જ.

જો કે મને ત્યારે ખબર પડી કે જ્યારે અમે બ્રાહ્મણોની વાતો કરતા હતા ત્યારે મેં પૂછ્યું કે જેમ ઔદિચ્ય બ્રાહ્મણો, બીજા બ્રાહ્મણોની વિષે નિંદારસનું પાન કરીએ છીએ તેમ બીજા બ્રાહ્મણો પણ આપણી વિષે કંઈક તો કહેતા જ હશે. એટલે મારા પિતાશ્રીએ કહ્યું કે હા તેઓ અંદર અંદર આપણને “ઑદા … ઑદા … કહ્યા કરે”

જોકે ભવસુખભાઈની વાત સાચી છે. બધા શબ્દો બધે પ્રચલિત હોતા નથી. કેટલીક વખત કોઈ એક શબ્દ પ્રયોગ અમુક જુથ કે કોમ્યુનીટીમાં કે ગામમાં પૂરતો જ પ્રચલિત હોય છે.

જેમ કે “ડૂંગરે જવું”

અમારે લુણાવાડામાં ઔદિચ્યોના ૫૦૦ ઘર એટલે આમ તો ઘણા કહેવાય. કારણ કે લુણાવાડાની વસ્તી જ માંડ ૧૫૦૦૦ હતી. એટલે કે ૩૦૦૦ ઘર કે તેનાથી પણ ઓછાં ઘર. તેમાં ૫૦૦ ઘર ઑદાઓના. એટલે લગભગ સત્તર થી વીસ ટકા થયા. વસ્તીમાં ૨૦ ટકા મુસલમાનો પણ આવી જાય. એટલે હિન્દુઓમાં તો ઑદાઓ લગભગ ૩૦ટકા થઈ જાય.

ઔદિચવાડ કોને કહેવો?

હાટાના કૂવાથી ઠાકોરવાડની હદ સુધી ઔદિચ્યો રહે.

તેવી જરીતે ચૌટાચોકના હાટાના કૂવાથી ઘેલીમાતાના કૂવા સુધીના રાજમાર્ગ ઉપર પણ ઔદિચ્યો રહે. પોલીસ સ્ટેશન થી ડુંગરાભીંત વિસ્તાર અને અંદરની ગલીઓમાં પણ ઔદિચ્યો રહે. લુહાર કોઢ અને સોનીવાડમાં છૂટક છૂટક ઔદિચ્યો રહે તે જુદા. ડુંગરાભીંત વાળા પોતાના વિસ્તારને ઔદિચવાડ કહે. તેઓ મળોત્સર્જનની ક્રિયા કરવા ડુંગરે જાય એટલે જો તેમનું કોઈ સંડાસ કરવા ગયું હોય તો એમ કહે કે “ડુંગરે ગયા છે.”

એક બીજો એવો શબ્દ છે “પોપો”

આ શબ્દ સ્પેનીસ છે. તેનો અર્થ મળ કે મળ ઉત્સર્જનની ક્રિયા એમ થાય છે. મારી ડોટરની મેઈડ સર્વન્ટ કે જે સ્પેનીસ હતી તે આ શબ્દ વાપરતી. શબ્દ ગમી જવાથી અમે બધાએ તેને વપરાશમાં સ્વિકારી લીધો છે. મારે પોપો પ્રોબ્લેમ છે. રોજ ત્રીફળા લેવી પડે છે. પુરુષોમાં અમુક ઉંમર પછી પોપો પ્રોબ્લેમ કોમન હોય છે. તમને પોપો પ્રોબ્લેમ છે? ઇત્યાદિ. (સંડાસ જવા માટે ગુજરાતીમાં આશરે ૧૫ થી વીસ શબ્દો છે.)

ઓગણીશની સદીના અંત સુધી ઔદિચ્યોમાં સંસ્કૃતનું મહત્વ ઠીક ઠીક રહ્યું. ઓગણીશમી સદીના ઉત્તરાર્ધથી બેન્ટીકની શિક્ષણ પ્રથા ઠીક ઠીક રીતે ગુજરાતમાં અમલમાં આવવા માંડી.

રાવલોમાં જેઓ ભારદ્વાજ હતા તેઓ સુધારાવાદી હતા. તેમણે બહેનોને પણ મધ્યમ કક્ષાનું શિક્ષણ આપવા માંડ્યું અને બહેનો પણ નોકરી કરતી થઈ. ભાર્ગવોમાં બેનો ભણતી ખરી પણ નોકરી કરતી ન હતી. જે કન્યાઓ ભારદ્વાજને પરણતી તેમને પણ તેઓ નોકરી કરવાની છૂટ આપતા. નોકરી એટલે શિક્ષકાની નોકરી એમ સમજવું. વિદ્યારામ રાવલ જેઓશ્રી હિરાલાલના પિતાશ્રી હતા તે એક મોટા લેખક ગણાતા. તેમના પુત્ર વધુ કૃષ્ણાગૌરીએ ગુજરાતી ભાષાની સર્વ પ્રથમ નવલકથા “મહેન્દ્રકુમારી” લખેલી”. કૃષ્ણાગૌરીએ લગ્ન થયા પછી અમદાવાદમાં પ્રાઈમરી ટીચર્સ ટ્રેનીંગ કોલેજમાં જુનીયર કોલેજ કરેલી.

દવે અને ત્રીવેદી આ બધું શું છે?

અટકોને ગોત્ર સાથે સંબંધ નથી. ઘણા લોકો એવું માને છે કે જેઓ જેટલા વેદ જાણતા હોય તેની સંખ્યા પ્રમાણે તેમની અટકો હોય છે. પણ આ વાત બરાબર નથી એમ મારા પિતાશ્રી કહેતા હતા.

વેદ તો એક જ છે. તે વેદ ઋગવેદ છે. ઋગવેદમાં જે યજ્ઞના શ્લોકો હતા તેને છૂટા પાડ્યા તેને યજુર્વેદ નામ આપ્યું. જે ગાઈ શકાય તેવા શ્લોકો હતા તેને સામવેદ નામ આપવામાં આવ્યુ. આમ ત્રણ વેદ છે. અથર્વ વેદ, આયુર્વેદ, ધનુર્વેદ … એ બધા વેદોમાં આવતા નથી.

દવે નો અર્થ દ્વિવેદી થાય છે. દ્વિવેદી એટલે દ્વિ વેત્તી એટલે કે જે અદ્વૈત અને દ્વૈતનો ભેદ જાણે છે અને તેમાં માને છે તે દ્વિવેત્તી એટલે કે દ્વિવેદી છે. દવેનું મહારાષ્ટ્રીકરણ દવે કેવી રીતે થયું તે અમે જાણતા નથી. શક્ય છે કે ક્યારેક પેશ્વાની નોકરી હોય.

જેઓ પુરુષ, પ્રકૃત્તિ અને ઈશ્વર એમ ત્રણ મૂળભૂત તત્ત્વોમાં માને છે તે ત્રિવેત્તી એટલે કે ત્રિવેદી. જે ચાર મૂળભૂત તત્ત્વોમાં માને છે તે ચતુર્વેત્તી એટલે કે ચતુર્વેદી. જે પાંચ મૂળભૂત તત્ત્વોમાં માને છે તે પંચવેત્તી (પંચ મહાભૂત) એટલે કે પંચોળી.

અદ્વૈતમાં પ્રાણ તત્ત્વને માત્ર મૂળભૂત તત્ત્વ માનવામાં આવે છે. આ મૂળભૂત તત્ત્વની અનુભૂતિ તે માયા (ગુણધર્મ) છે. એટલે પદાર્થની અનુભૂતિ તેના ગુણને લીધે થાય છે. એટલે કે પદાર્થ ને ગુણમાં (શક્તિ આકર્ષણ) ભેદ નથી. સુક્ષ્માતિસુક્ષ્મ વિશ્વમાં જોઇએ તો પદાર્થ શું છે તે જાણી શકાતું નથી. શંકરાચાર્યની આ માન્યતા આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદને મળતી આવે છે.

શંકરાચાર્ય અને બૌદ્ધ પંડિતો વચ્ચે એક શાસ્ત્રાર્થ આમ થયેલ.

બૌદ્ધ; “ બ્રાહ્મણ કોણ?”

શંકરાચાર્ય; જેનામાં આ ત્રણ ગુણ હોય તે બ્રાહ્મણ. (૧) તે જન્મે બ્રાહ્મણ હોવો જોઇએ (૨) તે વિદ્વાન હોવો જોઈએ (૩) તે શુદ્ધ અને નીતિમાન હોવો જોઇએ

બૌદ્ધ; ધારો કે તેનામાં આમાંથી એક ગુણ ઓછો હોય તો શું તેને બ્રાહ્મણ કહી શકાય?

શંકરાચાર્ય; હા તે જન્મે બ્રાહ્મણ ન હોય, પણ જો તે વિદ્વાન અને શુદ્ધ-નીતિમાન હોય તો પણ તેને બ્રાહ્મણ કહી શકાય.

બૌદ્ધ; ધારો કે તેનામાં આ બે ગુણોમાં થી એક ન હોય તો પણ તેને બ્રાહ્મણ કહી શકાય ખરો?

શંકરાચાર્ય; હા જો તે વિદ્વાન ન હોય પણ શુદ્ધ અને નીતિમાન હોય તો પણ તેને બ્રાહ્મણ કહી શકાય.

બૌદ્ધ; ધારો કે કોઈ વ્યક્તિ શુદ્ધ ન હોય તો પણ નીતિમાન હોય તો તેને બ્રાહ્મણ કહી શકાય ખરો?

શંકરાચાર્યઃ શુદ્ધતા અને નીતિમત્તા સાથે જ જાય છે. તે ભીન્ન નથી. તે બંને એક જ છે. અને શુદ્ધતા નીતિમત્તાની અંતર્ગત જ આવે છે. અને નીતિમત્તા વગરનો વ્યક્તિ બ્રાહ્મણ ન કહી શકાય.

બૌદ્ધ; તો તો પછી દરેક વ્યક્તિએ બ્રાહ્મણ જ થવું જોઇએ.

શંકરાચાર્યઃ મનુષ્યની ગતિ બ્રાહ્મણત્ત્વ તરફની હોવી જોઇએ. ઈશ્વરની ઈચ્છા આમ જ છે.

બૌદ્ધ; દાખલો આપશો?

શંકરાચાર્યઃ વ્યક્તિ જન્મે છે ત્યારે તે શુદ્ર હોય છે. જેમ તે મોટો થાય તેમ તેને “આ વસ્તુ મારી છે આ વસ્તુ મારી છે ..” એવું વર્તન કરે છે અને સંચય કરે છે. આ વૈશ્ય છે. જેમ તે મોટો થાય તેમ તેને સમજાય છે કે જેમ મારો હક્ક છે તેમ બીજાનો પણ હક્ક છે, તેથી તે બીજાના હક્કની પણ રક્ષા કરે છે. તે ક્ષત્રીય છે. વ્યક્તિ જેમ જેમ વધુને વધુ જ્ઞાન મેળવતો જાય ત્યારે તેને જ્ઞાન થાય છે કે આ આખું વિશ્વનું બધું ઈશ્વરમય છે ત્યારે તે શુદ્ધ અને નીતિમાન બને છે. અને તે બ્રાહ્મણ છે. ઈશ્વર એવું ઈચ્છે છે કે બધા બ્રાહ્મણ બને.

બૌદ્ધ; તમે તો એવી વાત કરો છે કે “એક માણસને તીર વાગ્યું અને તમે તે તીર ક્યાં કેવી રીતે વાગ્યું? કઈ દિશામાંથી આવ્યું? કોણે તીર ચલાવ્યુ? શા માટે તીર ચલાવ્યુ? જો તમે આવું કરશો તો જેને તીર વાગ્યું છે તે તો બિચારો મરી જશે. અમે તો એમ કહીએ છીએ કે આ બધું છોડો, જેને તીર વાગ્યું છે તેની સારવાર કરો.

શંકરાચાર્ય; સારવાર કરવી તે પણ જ્ઞાનનો હિસ્સો છે. અમે સારવારની મનાઈ કરતા નથી. પણ જો તમે તીર વિષે તપાસ નહીં કરો તો તીર ફરીથી આવશે. માટે જ્ઞાનમાર્ગ એ ઉત્તમ માર્ગ છે.

ઈતિ.

    ————————————-

જો આમ જ હોય તો પછી જ્ઞાતિઓ કઈ?

માણસમાં ફક્ત બે જ ભેદ છે. મનુષ્ય અને રાક્ષસ.

જે પોતાના કર્મ, વિશ્વ શાંતિ માટે કરે છે એટલે કે વિશ્વ હિત માટે કરે છે તે માણસ છે. જે વ્યક્તિ સ્વાર્થ માટે કર્મ કરે છે તે રાક્ષસ છે.

રાક્ષસ એક વિશેષણ છે.

રાક્ષસો પણ યજ્ઞ કરતા હતા. અને માનવો પણ યજ્ઞ કરતા હતા. પણ માનવો વ્યાપક હિતમાં યજ્ઞો કરતા હતા જ્યારે રાક્ષસો સ્વહિત માટે યજ્ઞો કરતા હતા.

યોગઃ કર્મષુ કૌશલમ્. તમે કુશળતા પૂર્વક કામ કરો તે યોગ, યજ્ઞ છે.

આ તો બધી ગનાનની વાતો થઈ,

અમે બ્રાહ્મણો પ્લાનીંગ કરીએ પણ ઉંધેથી શરુઆત કરીએ.

એટલે કે જો એક લાખ રુપીયા મેળવવાનું પ્લાનીંગ કરવાનું હોય તો અમે એક લાખ રુપીયા મળી ગયા પછી તેને કેવી રીતે વાપરશું તેનું પ્લાનીંગ કરવા માંડીએ. અને આ વિચારો જ એટલા લાંબા ચાલે કે   રકમ બદલાયા કરે અને અમારો ભગવાન સાથે વાતો કરવાનો સમય આવી જાય.

અમારે વિષે એક કથા છે કે કોઈએ લક્ષ્મીજીને પૂછ્યું કે તમે બ્રાહ્મણને ઘરે કેમ ઓછા પ્રમાણમાં હો છો?

લક્ષ્મીજીએ કહ્યુ; એક બ્રાહ્મણ હતો તેણે મારા ધણીને લાત મારી. (ભૃગુ ઋષિએ વિષ્ણુ ભગવાનને લાત મારેલી એમ કહેવાય છે), બીજું એ કે આ બ્રાહ્મણો મારી શોક્યને (સરસ્વતીને) સતત તેમની જીભ ઉપર રાખે છે. વળી આ બ્રાહ્મણો મારા ઘરને તોડી તોડીને ઉમાપતિને ચડાવે છે. (કમળ જે લક્ષ્મીનું ઘર ગણાય છે તેને તોડીને ઉમાપતિ એટલે શિવજીને ચડાવે છે). તો હું તેમને ઘરે કેવી રીતે જાઉં? (આ તો ઠીક છે કે શંકર ભગવાનની આંખોની શરમને લીધે તેમને ખાધે પીધે સુખી રાખું છું).

આમ તો અમે કહીએ “એ આમંત્રણ આપશે તો વળી જઈશું. નહીં તો એ મોચીને ત્યાં જમવા જ કોણ જાય છે.” એટલે કે જો આમંત્રણ આપે તો સારું છે. ન આપે તો તેને મોચી કહી દેવાનો.

લાડુ મળે તો ખાઈ લેવા. નહીં તો રોટલા અને મરચામાં પણ ખુશ રહેવું. એકાદી સરસ્વતી સંભળાવીને વાત ભૂલી જવી.

નાગરો પાસે પણ જો થોડા ઘણા પૈસા આવી ગયા હોય તો તેઓ આરામથી હિંડોળે બેસીને જીંદગી પસાર કરે. આ વાત મને એક નાગરે જ કરી હતી. અને એ વિગત પણ આપી હતી કે ફલાણા ફલાણાઓ એ આખી જીંદગી ખાઈ પીને હિંડોળે બેસીને જ પસાર કરેલી.

અમે ઑદાઓ ટેટાનો બેટો પણ કરીએ.

બીરબલ ઑદો હતો. આમ તો તુલસીદાસ પણ ઑદા હતા. પણ એમની વાત નહીં કરીએ. બીરબલની વાત કરીશું.

બીરબલે કહ્યું કે તમે મહિલાઓને શાંત બેસાડી ન શકો. અકબરે બધી મહિલાઓને એવી આજ્ઞા સાથે બોલાવી કે કોઈએ કશું બોલવું નહીં.

બધી મહિલાઓને એક વિશાળ વડના ઝાડ નીચે બેસાડી. અકબરની રાણી પણ ઝાડ નીચે બેઠી. બધી મહિલાઓ અંદર અંદર ઈશારાઓથી પૂછ્યા કરે કે કેમ બોલાવી છે ….. કેમ બોલાવી છે.. ???  કારણ કે બોલવાની તો બંધી હતી. દૂર બેઠેલી મહિલા પાસે ટેટો પડ્યો. આજુ બાજુ બેઠેલી મહિલાઓને ખબર નહીં કે શું થયું અને શેનો અવાજ આવ્યો. તેમાંની એકથી ન રહેવાયું તેણે હાથના ઈશારાથી પૂછ્યું શું થયું? પેલીએ કહ્યું “ટેટો”. હવે આ પૂછપરછ આગળ ચાલી અને ટેટાનો બેટો ક્યારે થઈ ગયો ખબર ન પડી. બોલવાની બંધી પણ બેટો … બેટો થઈ રહ્યું. બોલવાની બંધીમાં “રાણીનો બેટો ફાટી પડ્યો એવી સમજણ થઈ.” એક મહિલાથી ડૂસકું ભરાઈ ગયું. પછી બીજી મહિલાઓ કંઈ થોડી ઝાલી રહે? ભેંકડાઓ ચાલુ થઈ ગયા.

    ———————

મારા દાદા દત્તાત્રેયના ભક્ત હતા.

અમારા ઘરમાં દત્તાત્રેય ની એક મૂર્તિ. એ વિષે એક એવી કથા મારા મોસાળમાં પ્રવર્તે કે મારા દાદાને દત્તાત્રેય ભગવાન સ્વપ્નમાં આવેલ. અને તેમને કહ્યું કે હે વત્સ હું ફલાણા કૂવામાં છું. તું મને બહાર કાઢ. મારા દાદાએ શરુઆતમાં દાદ ન આપી. પણ ત્રણચાર વાર એજ સ્વપ્ન આવ્યા કર્યું એટલે તેઓ તે કૂવા પાસે ગયા. તો જોયું કે છ સાત ઈંચની પિત્તળની મૂર્તિ પાણીથી ત્રણ ઈંચ અદ્ધર તરતી હતી. મારા દાદા કૂવામાં ઉતર્યા અને મૂર્તિ લઈ લીધી અને ઘરે લાવી પાલખામાં સ્થાપિત કરી.

વાસ્ત્વમાં શું હતું? મારા દાદા શાસ્ત્રી હતા. કથા કરતા. વાણિયાઓમાં ભાગવત કથા કરતા. તેઓશ્રી આડી અવળી વાતો કરે નહીં સંસ્કૃત શ્લોક વાંચે અને પછી તેનો ગુજરાતીમાં શબ્દશઃ અર્થ કરે. તેઓ શ્રી જ્યોતિષ શાસ્ત્ર જાણતા હતા. તેથી કુંડળી પણ બનાવી આપતા. જોકે તેઓ ભવિષ્યવાણીમાં માનતા ન હતા. તે કહેતા કે કુંડળી ઉપરથી ભવિષ્ય ન કહી શકાય. આ તો જે લોકોએ ગ્રહો નક્ષત્રોના ગણિતનો અભ્યાસ કર્યો, તે ગ્રહો અને નક્ષત્રો કોઈના જન્મસમયે કેવી સ્થિતિમાં હતા તે તેઓ નોંધીને બતાવે છે. જોતિષીઓ જે ભણ્યા તેનો ઉપયોગ આમ જનતા માટે થયો. જનતાએ આ માટે કંઈક દક્ષિણા આપી. એટલે જ્યોતિષ શાસ્ત્રીએ તેમને આશિર્વાદ આપ્યા કે આવી ગ્રહો નક્ષત્રોની સ્થિતિમાં જન્મેલાઓનું ભવિષ્ય આવું બન્યું તેથી તમારું પણ એવું ઉજ્વળ ભવિષ્ય થજો.

આવા અમારા દાદા કોઈ વાણિયાને ઘરે કોઈ પારાયણ માટે ગયેલા ત્યારે તેમણે તેના બાબલાંઓને કોઈ મૂર્ત્તિથી રમતા જોયા. તેમણે તે જોયું કે તે મૂર્ત્તિ દત્તત્રેયની હતી. તેમણે વાણિયા પાસે માગી. વાણિયાએ આપી દીધી. મારા દાદાએ તેને પૂજામાં મુકી. વાત આમ હતી.

મારા મોસાળમાં દંતકથા કેવી રીતે બની તે સંશોધનનો વિષય છે.

મૂળરાજને ગણપતિ પ્રસન્ન થયા તે વાત પણ કંઈક આવી જ છે. ગણપતિ નહીં પણ તે મંદિરનો મહંત હશે. ગણપતિની જેમ શરીરે સુખી હશે.

              —————————–

નાગરો પણ કંઈ અમારાથી કમ નથી.

અમારે રાજકોટમાં (સૌરાષ્ટ રાજ્યમાં) નાગરોથી સરકારી ઑફીસો ફાટ ફાટ થાય. એટલે અમારા ગવર્નમેન્ટ ક્વાટર્સમાં પણ ઘણા નાગરો. અમે તે વખતે પ્રાથમિક શાળામાં ભણતા હતા. એક હાઈસ્કુલના અમારા મિત્ર વિનુ માંકડની વાતો કરે. વિનુ માંકડ નાગર હતો. અને આપણો ટેસ્ટ મેચનો પ્લેયર હતો. તેણે એક વખત બ્રેડમેનને ઝીરોમાં આઉટ કરેલો.

ભાઈની સ્વમુખે કહેલી કથા કંઈક આવી હતી.

“બ્રેડમેનને કોઈ આઉટ જ ન કરી શકે. એટલે તે ત્રણ સ્ટમ્પ નહીં પણ અગીયાર સ્ટંપ રાખતો. અને સામેની ટીમોને બાવીસ બાવીસ ફીલ્ડરો રાખવાનું કહેતો. વળી આ બ્રેડમેન એક જ હાથે બેટ પકડતો અને રમતો. વળી તે ઉંધો રમતો. એટલે આમ તો એ જમણેરી બેટ્સમેન પણ એ ડાબેરી થઈને રમતો. તો પણ તેને કોઈ આઉટ કરી શકતું નહીં. એ હમેશા રીટાયર જ થતો. (એટલે કે તે સ્વેચ્છાએ બેટ છોડી દેતો).

વિનુ માંકડા આવ્યો. તેની આ પહેલી જ ટેસ્ટ મેચ હતી. તેની ઓવર પણ પહેલી જ હતી. તેણે જોયું કે અગ્યાર સ્ટંપો હતી. તેણે કહ્યું “નહીં … અગ્યાર સ્ટંપ પણ નહીં અને ત્રણ પણ નહીં, ફક્ત એક જ સ્ટંપ રાખ …. બાવીસ ફીલ્ડર નહી અને અગ્યાર ફીલ્ડર પણ નહીં. મારે એક પણ ફીલ્ડર પણ ન જોઇએ. હું એકલો જ રહીશ. ફિલ્ડર પણ હું અને બૉલર પણ હું.

બ્રેડમેને કચવાતા મને આ બધું કર્યું.

બધા તો છક થઈને જોઇ જ રહ્યા.

વિનુએ જરા પણ રનીંગ લીધું નહીં. ઉભા ઉભા જ બોલીંગ કરવા માટે તૈયાર થયો. તેણે એવો બૉલ નાખ્યો કે તે હવામાં થોડોક ઉંચે ગયો, પછી સીદ્ધો નીચે આવ્યો, ટપ પડ્યા વગર ડાબી બાજુ ગયો, બ્રેડમેન તેને લેગમાં ફટકારવા ગયો તો બૉલ ટપ પડ્યા વગર જ જમણી તરફ વળી ગયો. બ્રેડમેન થોડો મુંઝાયો ખરો કે આ બોલ ટપ પડ્યા વગર બ્રેક કેમ થાય છે? પણ ભાઈ, એ પણ મોટો બેટ્સમેન હતો. તે ઑફમાં બોલને ઉંચે ઉછાળીને હાઈ કટ મારવા ગયો, પણ બૉલ તો વળી પાછો ટપ પડ્યા વગર લેગ સાઈડમાં ગયો. બ્રેડ મેન લેગડ્રાઈવ મારવા ગયો, તો બોલે ઑફમાં ટપ મારી ને સ્ટંપને પાડી દીધી. બધાં તો મોઢામાં આંગળા નાખી ગયા. બ્રેડમેનને તો ખબર જ ન પડી કે આ શું થઈ ગયું? નાગર બચ્ચાએ બ્રેડમેન જેવા બ્રેડમેનને પહેલી ઓવરના પહેલે જ બૉલે ઝીરો રનમાં ક્લીન બૉલ્ડ કરી દીધો. બ્રેડ મેનને આ પહેલાં ૧૦૦ રનથી નીચે શું તે ખબર જ નહતી. વિનુએ તેને ઝીરો રન એટલે શું તે બતાવી દીધું.

આ પહેલાં તો આપણને નાગરોને ક્રિકેટમાં ગણતુ’તું કોણ?

અમારે ભાવનગરમાં નાગરો અને પ્રશ્નોરાઓ વચ્ચેની અને તેમની પોતાની ઘણી રમૂજો છે પણ તે અહીં અસ્થાને છે.

        ————————————–

હવે ઑદાઓની શી સ્થિતિ છે?

પહેલાં તો ઑદાઓ તેમના ગોળ (નિશ્ચિત વિસ્તાર)માં પરણતા. કન્યાને તો ગોળ બહાર અપાય જ નહીં. પણ ભાઈઓને જો ગોળની કન્યા ન મળે તો તેમનું બીજા ગામની ઑદાઓની કન્યા સાથે ગોઠવી શકાતું. જેમાં હળવદ અને રાજપીપળા (નાંદોદ) હતા.

સાઠ સીત્તેરના દશકામાં કન્યાઓ તો ભાઈઓ કરતાં પણ આગળ નીકળી ગઈ. એટલે કન્યાઓને પણ આ છૂટ છાટ આપવામાં આવી. પછી તો “ઑદા” ઓ બીજા બ્રાહ્મણોમાં પણ લગ્ન કરવા માંડ્યા. એટલે ઑદો કોણ અને અનૉદો કોણ તે નક્કી કરવું અઘરું થઈ પડ્યું. જો કે કેટલીક બેનો લગ્ન પછી પતિની અટક ધારણ કરે છે તો કેટલીક પોતાની અટક કાયમ રાખીને પતિની અટક સ્વિકારે છે. પણ એમાં કોઈ બેનની અટક “જ્યોત્સના ‘ભટ્ટ જાની ભટ્ટ ભટ’” થાય. એટલે વધુ પ્રશ્નો ઉભા થાય. એટલે કેટલીક બેનો પોતાના પિયરની જ અટક કાયમ રાખે છે.

સૌથી શ્રેષ્ઠ રસ કયો?

સૌથી શ્રેષ્ઠ રસ નિંદારસ છે. આ રસ બહેનોને પણ ભાવે અને ભાઈઓને પણ ભાવે. પણ હવે અમારા બ્રાહ્મણો માટે આ આનંદ રહ્યો નથી. કારણ કે એંશીના દાયકાથી બધા બ્રાહ્મણોના સંતાનો બીજી જ્ઞાતિમાં લગ્ન કરવા માંડ્યા છે. એટલે જન્મથી બ્રાહ્મણો લુપ્ત થવા માંડ્યા છે. આ પરિસ્થિતિ અમારે તો છે જ.

હવે અમે નાગરો, મોઢ કે મેવાડાની વાત તો છોડો પણ બીજી જ્ઞાતિની કે પ્રદેશો વિષેની રમૂજો વાળા નિંદારસનું પાન પણ મૂક્ત મને કરી શકતા નથી.

હવે એ તો “કઢી ચાંલ્લો” છે. એટલે કે જૈન. એ લોકો પીળો ચાંલ્લો કરે તેને અમે કઢીનો ચાંલ્લો કહીએ. કારણ કે કેસરનો ચાંલ્લો પણ પીળો હોય અને કઢીનો ચાંલ્લો પણ પીળો હોય. તો પછી કઢીનો ચાંલ્લો જ શું કામ ન કરવો? કઢી સસ્તી પડે. એટલે જો વાણિયો કઢીને બદલે કેસરનો ચાંલ્લો કરે તો તે વાણિયો નહીં. વાણિયો તો કઢીનો જ ચાંલ્લો કરે.

“હવે જવા દો… એની વાત … એ તો સાવ જ સરદાર છે…”

“એ તો ઘાટી છે ઘાટી …”

“એ તો સાવ મલ્લુ છે …”

“ એ તો ચેલ્લુ છે … (તેલુગુ)”

“ એ તો લલ્લુ પંજુ (પંજાબી) છે”

“ એ તો કંજુસ મારવાડી છે …”

“ એ તો ખાખી બંગુ છે … ”

“ હવે એ મિયાં ફુસકીને શી ખબર પડે ? … “

“ હવે તારી તો ભૈયા ટાઈપ જોક છે”

“પટેલ પટલાણી ના ખેતરની જોક ન કરી શકાય”

અરે કોઈ ખ્રીસ્તીની જોક કરવી હોય તો આસપાસ નજર કરીને જોઇ લેવું પડે કે કોઈ ખ્રીસ્તી સગું તો બેઠું નથી ને?

કારણ કે અમારા નજીકના સગાઓમાં જ આ બધાઓ છે. એટલે અમે મૂક્ત મને નિંદારસ જેવો મહામુલો રસ જે વિના મૂલ્યે મળી શકે છે તેનું પાન કરી શકતા નથી.

ॐ नमः शिवाय  ।

ईशावास्यं ईदं सर्वं यत्किंचित्‌ जगत्यां जगत्‌ ।

तेन त्यक्तेन भूंजिथाः, मा गृधः कस्यस्वित्‌ धनम्‌ ॥

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ ઐતિહાસિક રીતે અમે ભાર્ગવ. અને સરસ્વતી સંસ્કૃતિ હતી તે પહેલાંથી અમે ગુજ્જુ છીએ. ભૃગુ ઋષિના અમે વંશજો. ભૃગુઋષિનો આશ્રમ ભરુચમાં હતો. એટલે ભરુચનું મૂળનામ ભૃગુકચ્છ હતું. ભૃગુ ઋષિ હિમાલય કે કાશ્મિરમાં રહે અને તેમનો કચ્છ ગુજરાતમાં ભરુચ પાસે સૂકાય એવું તો બને નહીં. એટલે ભૃગુઋષિ ગુજરાતના જ હતા. પણ પછી કોઈપણ કારણોસર અમે બનારસમાં ગયા. અને હજારો વર્ષ ત્યાં રહ્યા. અને વળી મૂળ જગ્યાએ પાછા આવ્યા. એટલે અમને મુસાફરીનું બિરુદ મળ્યું કે ઔદિચ્ય. જેમ એફ આર (ફોરેન રીટર્ન)નું બિરુદ મળે છે તેમ.

bhrigu-rishi

ટેગ્ઝઃ ઑદા, ઔદિચ્ય બ્રાહ્મણ, નિંદારસ, ડંગરે જવું, પોપો, પોપો પ્રોબ્લેમ, લુણાવાડા, ઔદિચવાડ, સંસ્કૃત, બેન્ટીક, રાવલ, ભારદ્વાજ, વિદ્યારામ રાવલ, હેમંત કુમારી, દવે, દ્વિવેદી, ત્રિવેદી, ચતુર્વેદી, પંચ મહાભૂત, શંકરાચાર્ય, આઈનસ્ટાઈન, સાપેક્ષવાદ, બૌદ્ધ, અદ્વૈતવાદ, બ્રાહ્મણ, વિદ્વાન, નીતિમાન

Read Full Post »

%d bloggers like this: