Feeds:
Posts
Comments

Posts Tagged ‘અનુભૂતિ’

ભૂતભાઈ/ભૂતબેન હોય છે કે નહીં? પાર્ટ – ૩

ભૂતભાઈ/ભૂતબેન હોય છે કે નહીં? પાર્ટ

જો કે ૯૯.૯૯૯૯૯૯ટકા લોકો એવું માને છે કે આત્મા અસ્તિત્વ ધરાવે છે અને તે શરીરથી ભીન્ન છે.

ગાંધીજી જેવા પ્રખર તર્કવાદી મનુષ્ય પણ આત્માને શરીરથી ભીન્ન માનતા હતા.

તેનું મુખ્ય કારણ આપણું મગજ છે જે આપણને આપણા ઐક્યની અને અસ્તિત્વની અનુભૂતિ કરાવે છે. ગાંધીજીએ કહ્યું હતું કે આપણે શરીરથી ભીન્ન છે તેની સાબિતી આપણે સ્વયં છીએ.

શંકરાચાર્ય સમજાવે છે

શંકરાચાર્ય કંઈક આવું સમજાવે છે કે શરીરને બાળીએ એટલે પ્રાણતત્વ આકાશમાં જાય. વર્ષાઋતુમાં વાદળાંના પાણીસાથે તે જમીન ઉપર આવે અને તે અન્નના બીજમાં જાય. અન્નને મનુષ્ય ખાય એટલે તે વિર્યમાં જાય અને મનુષ્યનો પુનર્જન્મ થાય. પણ એવું લાગે છે કે શંકરાચાર્યની થીયેરી તેમની ઈચ્છાદ્વારા મંડિત વિચારધારા હતી. આપણા વિષયનો હેતુ પુનર્જન્મ ને લગતો નથી. શંકરાચાર્યની વાત શક્યતાના સિદ્ધાંતની સાથે બંધ બેસતી નથી. આની ચર્ચા આપણેઅદ્વૈત વાદની માયાજાળ અને આઈન્સ્ટાઈનની લેખમાળામાં બ્લોગ સાઈટ ઉપર કરેલી છે.

સજીવ એટલે શું, નિર્જીવ એટલે શું, સજીવનો ગુણધર્મ શું, સુખ એટલે શું, દુઃખ એટલે શું, આનંદ એટલે શું, સ્મૃતિ એટલે શું, અનુભૂતિ એટલે શુ, આત્મા એટલે શું, કર્મ એટલે શું, કર્મફળ એટલે શું, વિશ્વ એટલે શું, વિશ્વ કેવીરીતે વર્તે છે …  વિગેરે બાબતોની વ્યાખ્યા અને સમજણ આપણેઅદ્વૈત વાદની માયાજાળ અને આઈન્સ્ટાઈનની લેખમાળામાં બ્લોગ સાઈટ ઉપર કરેલી છે.

બધામાં આપણે તર્કથી સ્વિકાર્યું છે કે આત્મા અને શરીર જુદા હોઈ શકે.

પૂનર્જન્મ સ્વિકારીએ એટલે પૂર્વજન્મ સ્વિકારવો પડે. સ્વિકારીએ એટલે સ્મૃતિ અને શરીર જુદા છે એમ સ્વિકારવું પડે. કારણ કે જેઓએ પુનર્જન્મ ધારણ કર્યો હોય છે તેમાંના કેટલાક પોતાના પૂર્વ જન્મની વાતો યાદ કરીને પોતાના પૂર્વજન્મની ખાત્રી કરાવે છે. ઘટનાને પ્રત્યક્ષ પ્રમાણ કહી શકાય. પણ જો હકિકત હોય તો આયુર્વેદ ચિકિત્સા પ્રમાણે અમુક જડી બુટ્ટીઓ સ્મૃતિને અને મગજ શક્તિને વિકસાવે છે. એટલે આયુર્વેદ પ્રમાણે તો સ્મૃતિ અને મગજ, શરીર સાથે જોડાયેલા છે. શરીર ભસ્મ થઈ જાય છે, એટલે મગજ ભસ્મ થઈ જાય અને સ્મૃતિ તો મગજનો ભાગ છે એટલે સ્મૃતિ પણ નષ્ટ પામે. એટલે ધારો કે પુનર્જન્મ હોય તો પણ તેને કોઈ યાદ કરી શકે નહીં. કારણ કે આત્મા જો શરીરથી જુદો હોય તો પણ, સ્મૃતિ આત્માનો હિસ્સો નથી. એટલે જો પુનર્જન્મને સ્વિકારીએ તો, આયુર્વેદનો નહીં પણ એલોપથીનો પણ ઈન્કાર કરવો પડે. કારણ કે એલોપથીમાં પણ આવી દવાઓ છે.

હવે આપણે અન્વેષક ભાઈએ ન કરેલી દલીલો પણ કરીશું. ભલે તે આપણી માન્યતાથી વિરુદ્ધ જાય.

એક એવી દલીલ કરવામાં આવે છે કેઃ

દરેક કણને એક પ્રતિ-કણ હોય છે. તેમ શરીરને એક પ્રતિ-શરીર હોય છે.

શરીર સંખ્ય એવા, એક મૂળભૂત કણોનું બનેલું છે. દરેક મૂળભૂત કણને તેનું પ્રતિકણ એટલે કે એન્ટીકણ હોય છે. એટલે કે મેટરની સાથે એન્ટી મેટર પણ હોય છે. એટલે કે દરેક શરીરની સાથે એક એન્ટી-શરીર હોય છે. આપણા મગજ અને સ્મૃતિની સાથે એન્ટી-મેટરના બનેલા મગજ અને સ્મૃતિ હોય છે. આપણું શરીર ભસ્મ થાય છે પણ એન્ટીમેટરના બનેલા મગજ અને સ્મૃતિ અકબંધ રહે છે. અને તે આત્મા સાથે રહે છે. એટલે આત્મા એવા શરીર સાથે જોડાય છે કે જેને યોગ્ય પ્રકારનું મગજ હોય.

એ વાત સાચી કે દરેક મૂળભૂત તત્વ સાથે એક પ્રતિતત્વ હોય છે. જેમ કે ઈલેક્ટ્રોન સાથે પોઝીટ્રોન, ક્વાર્ક સાથે એન્ટીક્વાર્ક હોય છે. ફોટોનનું (પ્રકાશનો કણ) પ્રતિકણ ફોટોન પોતે છે.

કણ અને પ્રતિ-કણ અથવા મેટર અને એન્ટી-મેટર

એક ફોટોનનું કંપન  એક્સએક્સીસમાં હોય તો તેના પ્રતિકણનું કંપન તેને લંબ એવી વ્હાયએક્સીસમાં હોય. એટલે જો કોઈ બાહ્ય ચૂમ્બકત્વથી તે ફોટોનનું કંપન બદલીને  વ્હાય એક્સીસમાં કરી દઈએ તો તત્ક્ષણે તેના પ્રતિકણ ફોટોનનું કંપન વ્હાય એક્સીસમાંથી એક્સ એક્સીસમાં આપમેળે આવી જાય છે પછી ભલે તે કોઈ પણ જગ્યાએ હોય. આ એક અવલોકન છે અને તેથી તેને નકારી ન શકાય.

બ્ર્હમાણ્ડમાં તત્ક્ષણ છે

“જે ઘરના સૌનું થાય તે વહુનું થાય”

જો પ્રકાશ નો પ્રતિ-કણ પોતાના કંપનની દિશા આપો આપ બદલતું હોય તો શરીર ભસ્મ થાય તેમ એન્ટી-શરીર પણ આપોઆપ ભસ્મ થાય.

જો આવું ન થતું હોય તો જ્યારે આપણને લોકલ એનેસ્થેશીયા આપવામાં આવે છે ત્યારે જ્યાં વાઢકાપ કરવામાં આવે છે તે જ્ઞાન તંતૂઓનો મગજ  સાથેનો સંપર્ક તોડી નાખે છે. એટલે કે જે હિસ્સામાં વાઢકાપ થતી હોય ત્યાં રહેલા શરીરના કોષોને જે દુઃખ થાય તે આપણા મગજ સુધી પહોંચતું નથી.

હવે જો શરીર અને પ્રતિ-શરીર એટલે કે મગજ અને પ્રતિ-મગજ એકબીજાના સ્ટેન્ડ-બાય (હૉટ સ્ટેન્ડ-બાય)  હોય છે એટલે જેવી એનેસ્થેશીયાની અસરનો સમય પૂરો થાય કે તરત જ આપણને નવેસરથી બધી પીડાનો અનુભવ થવો જોઇએ. કારણ કે પ્રતિ-મગજ તેની બધી જ માહિતી (દુઃખાવા સહિતની) આપણા મગજને  અપડેટ કરવા થવા માટે આપે. અને જો આવું ન હોય તો જે શરીરનું થાય તે મગજનું થાય.

હવે આપણે મૂળ વાત ઉપર આવીએ.

અન્વેષક ભાઈના ભૂત સાથેના વાર્તાલાપમાં એ ભાઈએ પોતાનું મગજ ચલાવ્યું લાગે છે.

અન્વેષક ભાઈએ ન કરેલી દલીલ પણ આપણે કરીશું ભલે તે આપણી માન્યતાથી વિરુદ્ધ જાય. જેમ કે અદૃશ્ય થવું.

એક એવું જળચર શોધાયું છે કે જે અદૃશ્ય થાય છે. જો કે વાત એમ છે કે તે જળચર પારદર્શક બની જાય છે.

આ વાત સાચી પણ છે. પારદર્શક થવું એ અલગ ઘટના છે અને અદૃષ્ય થવું તે અલગ ઘટના છે. જેમણે ઈનવિઝીબલ મેન જોયું હશે તેમને ખબર હશે કે અદૃષ્ય માણસમાંથી કોઈ પસાર થઈ શકતું નથી. જ્યારે ભૂતભાઈની વાત એવી છે કે તેઓશ્રી ત્યાં હોતા નથી અથવા તો, જો તેઓશ્રી, હોય તો તેમનામાંથી પસાર થઈ શકાય છે.

ભૂતભાઈ પોતાનો આકાર બદલે છે તો તેને સિદ્ધ કરવા તેમના શરીરને વાદળના ગોટા જેવું બનાવી દો. એટલે કે આત્માને શક્તિનો વાદળ જેવો પૂંજ બનાવી દો. વાદળ જેમ પોતાના આકારો બદલે છે તેમ આ આત્મારૂપી વાદળ, પૂંજની જેમ સ્વેચ્છાએ પોતાનો આકાર બદલશે. વળી આમાં અદૃશ્યપણું જોડાશે કારણ કે વાદળમાંથી આપણે પસાર થઈ શકીએ છીએ.

ભૂતભાઈના ખોરાક વિષે કે ભૂતભાઈ દ્વારા લેવાતા મનુષ્યના ભોગ વિષે આપણે ચર્ચા નહીં કરીએ.

ભૂતભાઈ શૂન્યમાંથી સર્જન કરે છે અને સર્જનને શૂન્ય કરી દઈ શકે છે.

આપણે જાણીએ છીએ કે ઉર્જા અને પદાર્થ એ બંનેની એક સમીકરણથી તુલના કરી શકાય છે. જે સમીકરણ આમ છે. ઉર્જા = પદાર્થનું દળ ગુણ્યા પ્રકાશની ગતિના વેગનો બે વખત તેની સાથે ગુણાકાર એટલે કે બે વખત ત્રણલાખ થી ગુણો.

પણ ઉર્જા શક્તિને ગણવી કેવી રીતે?

ઉર્જા=(એક અચળ અંક જેને પ્લેંકનો અચળ અંક કહેવાય છે) ગુણ્યા કંપનની આવૃત્તિ.

ભૂતભાઈ શું બગીચામાંથી ફૂલો ચૂટે છે?

અન્વેષક ભાઈએ વિચાર્યું હશે કે મૂળવાત વાનગી બનાવવાની છે. એટલે કે તેનું સર્જન કરવાનું છે એ વાનગી એક પદાર્થ છે. પદાર્થ આમ તો ઉર્જાનો બનેલો છે. અને ઉર્જા તો બધે જ હોય છે. એટલે ભૂતભાઈ પોતાની આસપાસ રહેલી ઉર્જાને એકઠી કરીને તેનો પદાર્થ બનાવે છે. એકવાર પદાર્થ બની જાય એટલે “વાનગી ક્યા ચીજ઼ હૈ?”. એટલે કે પદાર્થમાંથી વાનગી બનવવી કંઈ અઘરી વાત નથી.

તો હવે પદાર્થ બનાવવા માટે આસપાસ રહેલી ઉર્જાને પકડો. કારણ કે ઉર્જામાંથી પદાર્થ બનાવી શકાય છે. અન્વેષક કદાચ સમજતા હશે કે ઉર્જામાંથી પદાર્થ લેવો એટલે બગીચામાંથી ફૂલો ચૂંટવા જેટલું સહેલું છે. ફૂલો ચૂંટાઈ જાય પછી હાર બનાવવો જેમ સરળ છે તેમ પદાર્થમાંથી વાનગી બનાવવી પણ સરળ છે.

કેટલી મેટર (દળ) બરાબર કેટલી ઉર્જા?

હવે જાણી લો કે હિરોશીમા ઉપર જે બોંબ ઝીંકાયો હતો તેમાં જે ઉર્જા ઉત્પન્ન થઈ હતી તેમાં કેટલા પદાર્થનું ઉર્જામાં રૂપાંતર થયું હતું?

જે પદાર્થનું ઉર્જામાં રૂપાંતર થયું હતું તે પદાર્થનું દળ ૦.૭૦૦ ગ્રામ હતું. એટલે કે લગભગ પોણો ગ્રામ.

પોણો ગ્રામ દળ જ્યારે એક મોટા શહેરને નષ્ટ કરી શકે તો એ પણ સમજી શકાય કે એક શહેરને નષ્ટ કરવા માટેની જે ઉર્જા હોય તે કેટલા દળવાળો પદાર્થ બનાવી શકે!!

એક ૫૦૦ ગ્રામ વજનની વાનગીયુક્ત થાળી જેટલું દળ (મેટર) બનાવવા માટે કદાચ પુરા વાયુમંડળ સહિતના ગુજરાતને થીજવી નાખે તેટલી ગરમી શોષવી પડે કે તેથી પણ અનેક ગણી વધારે.

વિજ્ઞાન (સાયન્સ) અને વિદ્યા (ટેક્નોલોજી)માં નિરંતર નવી નવી શોધખોળો થતી હોય છે. હવે જો ભૂતભાઈ પરકાયા પ્રવેશ કરી શકતા હોય, અને પરકાયાના મગજ નો કબજો લઈ શકતા હોય, જાદુગરને મદદ કરી શકતા હોય અને વળી ભૂવાના મંત્ર તંત્ર થકી ભૂવાને વશ થતા હોય અને આ બધી હકીકત હોય તો આમાં પણ શોધખોળો થવી જોઇએ. તેનું પણ એક સાયન્સ હોવું જોઇએ. કોઈ સાયન્સ પ્રેમી ભૂવાભાઈએ આવું કામ કરવું જોઇએ. ડૉ. કુવુરનું ઈનામ કોઈ ભૂવાભાઈએ સત્યની પ્રતિષ્ઠા માટે આગળ આવવા જેવું હતું. પણ કોઈ માયના લાલ ભૂવાભાઈ કે જાદુગર, આ ઇનામ લેવા પધાર્યા ન હતા.

મૃત-આત્માના અસ્તિત્વની  શોધ માટે

જો કે કેટલાક બનાવટી મંડળીવાળા લોકો મૃત-આત્માના અસ્તિત્વની  શોધ માટે ભૂતભાઈની વાતો વાળા નિર્જન સ્થળે કે ખંડેરોમાં વિદ્યુત-ચૂમ્બકીય ઉપકરણો સાથે નિકળી પડે છે અને ખંડેરમાં જઈ અર્ધ રાત્રીએ ભૂતભાઈને નમ્રતા પૂર્વક વિનંતી કરતા નજરે પડતા હોય છે “હે ભૂતભાઈ … અમે તમને પરેશાન કરવા નથી આવ્યા. અમે ફક્ત તમારા અસ્તિત્વને સિદ્ધ કરવા આવ્યા છીએ… માટે હે ભૂતભાઈ તમે નારાજ ન થશો. તમે જો હો તો, આ મીટરના કાંટાને  આંચકો આપશો.” અને ભૂતભાઈ એ વિદ્યુત-ચૂંબકીય મીટરના કાંટાને હલાવી નાખે છે.

આ ભાઈઓ એમ સમજતા હોય છે કે ભૂતાત્માભાઈ, પારદર્શી વાદળ જેવી ઉર્જા છે. તેને બધી ભાષાઓ સમજાય છે. તેને કાન, આંખ, મગજ અને સ્પર્શ કરવાનું અંગ પણ છે એટલે તે મીટરમાં ઘુસી તેના કાંટાને ધક્કો મારી હલાવે છે.

બાવાઓ અને આવી મંડળીઓને કઈ બૌધિક કક્ષામાં ગણવી?

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

મારા એક ખાસમખાસ મિત્ર અરવિન્દભાઈ કે. રાવળે એક જોક કરેલીઃ

એક ભૂતબેન બીજી ભૂતબેનને કહેતા સંભળાયા, “અલી, ફલાણી જગ્યાએ ન જઈશ…. ત્યાં તો માણસ થાય છે …”

Read Full Post »

ભૂતભાઈ/ભૂતબેન હોય છે કે નહીં? પાર્ટ – ૨

હવે ભૂતભાઈ વિષેની ખોજ આગળ ચલાવીએ.

આ વાત આમ તો ૧૯૬૨-૬૩ની છે. ગણિતશાસ્ત્રના એમ.એસસી. થયેલા પ્રોફેસર સાહેબે તો હાથ ધોઈ નાખ્યા. પણ ઘણી વખત સાહેબ કરતાં વિદ્યાર્થી વધુ હોંશીયાર હોઈ શકે એ ધારણાએ મેં ભૌતિકશાસ્ત્રના એમ.એસસીના વિદ્યાર્થિઓની નાની મંડળીને પૂછ્યું.

પ્રશ્ન એમ હતો કે ભૂતભાઈ અદૃષ્ય કેવી રીતે થઈ શકે?

કારણ કે જો કોઈ વસ્તુ અદૃષ્ય થઈ ગઈ તો તેનો એક અર્થ એમ થાય કે તે ઉર્જામાં પરિવર્તિત થઈ ગઈ એટલે કે તેનો નાશ થયો. હવે જો કોઈ વસ્તુ નાશ પામે તો પ્રચંડ ગરમી ઉત્પન્ન થાય. પણ ભૂતભાઈ અદૃષ્ય થાય ત્યારે આવી કોઈ ગરમી ઉત્પન્ન થતી નથી.

બીજી અદૃષ્ય થવાની રીતે એ છે કે ભૂતભાઈ પ્રચંડ ગતિથી બીજી જગ્યાએ જતા રહે. જો આમ હોય તો આપણને તે અદૃષ્ય થઈ ગયેલા લાગે કારણ કે આપણે ફક્ત એક સેકંડના ૧૭મા કે ૨૦મા ભાગને જ અનુભવી શકીએ છીએ. હવે જો ભૂતભાઈ આ રીતે અદૃષ્ય થતા હોય તો હવાને મોટો ધક્કો લાગે અને તેથી તેની અનુભૂતિ દૂર દૂર સુધી થાય. ભૂતભાઈ જો જમીન ઉપર ઉભા હોય અને જે દિશામાં ગયા હોય તેની વિરુદ્ધ દિશામાં તેમણે જમીન ઉપર પગ વડે ધક્કો મારવો પડે, એટલે જમીન ઉપર કોઈ નિશાની તો પડે જ. વળી જો તે કાચી જમીન હોય તો ત્યાં ઠીક ઠીક રીતે ખાડો પડવો જોઇએ. પણ આવું કશું થતું નથી. વળી ભૂતભાઈમાં આવી શક્તિ આવી ક્યાંથી?

ભૂતભાઈનું વજન શું હોઈ શકે?

જો ભૂતભાઈ એ મનુષ્યનો જીવ હોય તો જ્યારે તે મનુષ્ય, જે ક્ષણ સુધી મરણાસન્ન હતો અને તે પછીની ક્ષણે તે જીવ નિકળી ગયો હોય તો જીવિત શરીરના વજન અને મૃત શરીરના વજન વચ્ચેનો જે તફાવત હોય તે ભૂતભાઈનું વજન હોવું જોઇએ. ધારો કે આપણે માની લઈએ કે આ બે વજન વચ્ચે તફાવત છે. તો આ તફાવત હજી જાણવા મળ્યો નથી.

ધારોકે આપણું વિજ્ઞાન આ તફાવત જાણવા સક્ષમ નથી એમ જો માનીએ તો આ તફાવત નજીવો જ હોઈ શકે. જો આ તફાવત નજીવો હોય તો તે જીવ અમુક સમયે દેખાય અને અમુક સમયે ન દેખાય એવું કેવી રીતે બની શકે?

કોઈ વસ્તુ દેખાય છે તેનો અર્થ શું?

જ્યારે પ્રકાશના કિરણો કોઈ ભૌતિક વસ્તુ સાથે અથડાય ત્યારે તેનો અમુક હિસ્સો તે વસ્તુમાં શોષાઈ જાય. અને બાકીનો હિસ્સો પરાવર્તન પામે. આ પરાવર્તન પામેલો હિસ્સો આપણી આંખમાં જાય એટલે તે વસ્તુની આકૃતિ પેદા કરે. આપણા જ્ઞાન તંતુઓ આ આકૃતિને મગજમાં મોકલે. મગજ તેનો અર્થ કાઢે. અને આપણે સમજીએ કે આ આકૃતિ શું છે. જો વસ્તુ પારદર્શક હોય તો પ્રકાશનો મોટો હિસ્સો વસ્તુની આરપાર નિકળી જાય. અને આપણને તે વસ્તુ ન દેખાય. પણ કારણ કે વસ્તુની પરદર્શિતા હવા કરતાં ઓછી વત્તી હોય એટલે આપણને આ વસ્તુની પાછળની બીજી  વસ્તુઓ  વક્રીભૂત લાગે. હવે જો આમ હોય તો કાં તો જીવ હવા જેવો પાતળો છે કે પાણી કે કાચ જેવો પારદર્શી છે. જો હવા જેટલો પાતળો હોય તો પવનમાં ભૂતભાઈ હવા સાથે તણાઈ જાય. પણ ભૂતભાઈ વિષે એવું થતું નથી. એટલે ભૂતભાઈ કાચ કે પાણી કે એવા બીજા પદાર્થો જેવા પારદર્શી હોવા જોઇએ. જો આમ હોય તો તેમનું વજન ઠીક ઠીક હોય અને વૈજ્ઞાનિકો તેનું વજન કરવા સક્ષમ છે. જો આવા ભૂતભાઈ પ્રચંડ ગતિથી અદૃષ્ય થાય તો હવામાં પ્રચંડ કડાકા ભડાકા થાય. અને આ કડાકા ધડાકા તેમના સમગ્ર માર્ગ ઉપર થાય. પણ આવું થતું સાંભળ્યું નથી.

બે ડાઈમેન્શન

બીજો જવાબઃ ભૂતભાઈને પાંચ ડાઈમેન્શન હોય છે.

 એક વિદ્યાર્થી ભાઈનો આપ્રમાણે ઉત્તર હતો.

આપણે બધા લંબાઈ, પહોળાઈ અને ઉંચાઈ એમ ત્રણ ડાઈમેન્શનમાં જીવીએ છીએ. જ્યારે ભૂતને ચાર ડાઈમેન્શન હોય છે. એટલે જ્યારે ભૂત આપણા ત્રણ ડાઈમેન્શનમાં આવે ત્યારે જ આપણને તે દેખાય. જ્યારે તે ચોથા ડાઈમેન્શનમાં જતો રહે ત્યારે તે ન દેખાય.

જેમકેઃ

ધારોકે આપણે લંબાઈ અને પહોળાઈ એવી બે ડાયમેન્શનમાં જીવીએ છીએ. અને ભૂતભાઈ ત્રણ ડાઈમેન્શનમાં જીવે છે. જ્યાં સુધી ભૂતભાઈ આપણી લંબાઈ પહોળાઈ વાળા સમતલમાં ન આવે ત્યાં સુધી તે આપણને દેખાય નહી. જેવા આપણા સમતલ ઉપર આવે તેવા તે દેખાવા ચાલુ થાય. ધારો કે આપણા સમતલ ઉપર એક દડો મૂકવામાં આવ્યો તો તે આપણઅને એક ટપકા જેવો દેખાય. જેમ જેમ તે આપણા સમતલમાંથી પસાર થતો જાય તેમન આ ટપકું મોટું થતું જાય. અને જ્યારે દડો અર્ધો પસાર થાય ત્યારે તે દડો એક મોટા વર્તુળાકાર પ્લેટ જેવો એટલે કે તેને વ્યાસ પરિઘ જેવો દેખાય અને જ્યારે આપણા સમતલમાંથી જતો રહે ત્યારે નાનો થતાં થતાં અદૃષ્ય થઈ જાય.

હવે ભૂતભાઈની વાત ઉપર આવીએ.

આપણે જોયું કે જો આપણે બે પરિમાણમાં અસ્તિત્વ ધરાવતા હોઈએ અને દડારૂપી ભૂતભાઈ જે ત્રણ પરિમાણમાં અસ્તિત્વ ધરાવતા હોય તેઓ જ્યારે આપણા બે પરિમાણ વાળા સમતલમાં આવે ત્યારે તેઓશ્રી તેમનો જેટલો હિસ્સો આપણા  સમતલમાં હોય તેટલા પ્રમાણમાં વ્યાસવાળા વર્તુળ જેવા દેખાય.

તેવી જ રીતે જો આપણે ત્રણ પરિમાણ વાળા હોઈએ અને ભૂતભાઈ ચાર પરિમાણ વાળા હોય તો તેઓ જ્યારે તેમના આપણા પરિમાણમાં રહેલા હિસ્સાના પ્રમાણમાં આપણને દેખાય. આ પ્રમાણે તેઓ આપણી સામે દૃષ્ટિગોચર થાય અને અદૃષ્ય પણ થાય. આમાં કડાકા ભડાકા થવાની કે સુસવાટા થવાની કે પ્રચંડ ઉર્જા ઉત્પન્ન થવાની શક્યતા રહેતી નથી. શૂન્યમાંથી સર્જન થતું નથી કે સર્જનનું શૂન્ય થતું નથી. ભૌતિક શાસ્ત્રના નિયમો અકબંધ રહે છે.

જો કે આ ધારણા પણ અનેક પ્રશ્નો ઉભા કરે છે.

વાસ્તવિક રીતે જોઇએ તો આપણે સૌ એટલે કે સજીવો અને કહેવાતા નિર્જીવો સૌ કોઈ ચાર પરિમાણોમાં રહીએ છીએ. ચોથું પરિમાણ ટાઈમ છે. લંબાઈ, પહોળાઈ અને ઉંચાઈ (એક્સ, વ્હાય અને ઝેડ) એ ત્રણે એક બીજાને લંબ છે. હવે જો આપણે એમ સમજીએ કે આપણે ત્રણ વત્તા એક એવા ચાર પરિમાણોમાં અસ્તિત્વ ધરાવીએ છીએ અને ભૂતભાઈ આપણાથી એક વધુ પરિમાણમાં છે એવું માનીએ તો આપણે ઉપરનો દડાવાળો દાખલો લાગુ પાડી શકીએ ખરા.

પણ પ્રશ્ન એ થાય કે લંબાઈ, પહોળાઈ અને ઉંચાઈ ના જે પરિમાણ છે તે તો એકબીજાને લંબ છે. તો ટાઈમ સિવાયનું જે પાંચમું પરિમાણ આપણે લાગુ પાડ્યું તે શું લંબાઈ, પહોળાઈ અને ઉંચાઈના પરિમાણ ને લંબ છે? લંબ તો હોવું જ જોઇએ. પણ હવે જો આપણે લંબાઈ, પહોળાઈ અને ઉંચાઈના પરિમાણને પરસ્પર અદલાબદલી કરી શકીએ છીએ. એટલે કે લંબાઈને પહોળાઈ કહીએ અને પહોળાઈને લંબાઈ કહીએ તો ગણત્રીમાં કશો ફેર પડતો નથી. તો શું આ પાંચમા પરિમાણને આપણે લંબાઈ પહોળાઈ અને ઉંચાઈના પરિમાણ સાથે અદલા બદલી કરી શકીએ છીએ?

આપણે આ વિષે કશું જાણતા નથી. પણ ન જાણવું એ બચાવ ન હોઈ શકે. આપણે ધારીએ કે જેમ ટાઈમ કે જેને આપણે સજીવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અનુભવી શકીએ છીએ, પણ જોઈ શકતા નથી તેમ પાંચમું પરિમાણ પણ ટાઈમ જેવું હોઈ શકે કે જેને આપણે ન જોઈ શકીએ.

આ બધી ચર્ચા સાઠના દશકાના ઉત્તરાર્ધમાં થતી હતી. તે વખતે  વિશ્વને સમજવા માટે કેટલા પરિમાણો હોઈ શકે તે વિષે બધા અંધારામાં હતા. કેટલાક ફાવે તેટલા પરિમાણો કે અનંત પરિમાણો હોઈ શકે તેમ માનતા હતા. પણ આ બધી હવામાં વાતો હતી.

એક પ્રશ્ન એવો પણ કરી શકાય કે જો ભૂત એ મનુષ્યના જીવિત શરીરનો જીવાત્મા હોય તો જ્યાં સુધી તે શરીરમાં હોય ત્યાં સુધી તે ૩+૧ પરિમાણોમાં હોય અને જેવો એ શરીરમાંથી બહાર નિકળે તેવો તે ૩+૧+૧=૫ પરિમાણવાળો બની જાય તેવું શા માટે?

વળી જો એમ માનીએ કે શરીર અને આત્મા (કે જીવાત્મા એવું જે કહો તે), જુદા છે તો, આ આત્માએ અમુક નિશ્ચિત શરીરમાં ઘુસ્યો કઈ રીતે. શરીરમાં ઘુસવા માટેની અને શરીરને છોડવા માટેની શરતોનો કે પરિસ્થિતિઓનો કયા આધારે નક્કી કરી?

આત્મા કે જીવાત્મા એ છે શું?

આઈન્‌સ્ટાઈન ની યુનીફાઈડ ફિલ્ડ થીયેરી ગણિત થકી પુરસ્કૃત કરી શકાતી ન હતી. જે ચાર બળ કે ક્ષેત્ર છે તેને સૌને સાંકળતું એક સમીકરણ ન હતું.

આત્મા (કે જીવાત્મા) જો શરીરથી જુદા મૂળભૂત તત્વોના બનેલા હોય તો આઈન્‌સ્ટાઈનની યુનીફાઈડ ફીલ્ડ થીયેરી અને શંકરાચાર્યની અદ્વૈતની થીયેરી ધ્વસ્ત થાય છે.

હવે જો આપણને ભૂત ભાઈ જા આવી ને કહે કે લો હું આ રહ્યો … મને તપાસી લો અથવા મને જે કંઈ પૂછવું હોય તે પૂછો.

હાજી એક ભૂત સંશોધક અને ભૂતભાઈ વચ્ચે કંઈક આ પ્રકારનો વાર્તાલાપ થયેલ.

GHOST CAN DO ANYTHING

પ્રશ્નકર્તાઃ તમે અદૃષ્ય કેવી રીતે થઈ જાઓ છો?

ભૂતભાઈઃ અમારામાં જન્મજાત એવી શક્તિ છે કે અમે વિચારીએ કે અમુક જગ્યાએથી અદૃશ્ય થવું છે એટલે અમે અદૃષ્ય થઈ જઈએ.

પ્રશ્નકર્તાઃ તમે શેના બનેલા છો? અને અવનવા આકાર-આકૃતિઓ કેવી રીતે બનાવો છો?

ભૂતભાઈઃ અમે વાયુ સ્વરુપે હોઈએ છીએ એટલે જે આકાર ધારણ કરવો હોય તે આકાર ધારણ કરી શકીએ છીએ.

WE CAN CHANGE OUR SHAPE

પ્રશ્ન કર્તાઃ પણ આ વાયુસ્વરુપ એટલે શું?

ભૂતભાઈઃ અમે ઉર્જાનું વાયુસ્વરુપ હોઈએ છીએ.

પ્રશ્નકર્તાઃ તમારો ખોરાક શું હોય છે?

ભૂતભાઈઃ અમારે પેશાબવાળી ભીની માટી ખાવી પડે છે વિષ્ટા પણ ખાવી પડે છે. અમને આનાથી ઘણો ત્રાસ થાય છે પણ અમને આવી આજ્ઞા છે અને અમારે આવું કરવું પડે છે.

પ્રશ્નકર્તાઃ તમે મનુષ્યનો ભોગ લો છો તે વાત ખરી છે?

ભોગ

ભૂતભાઈઃ હા. અમારામાં કેટલાક ઉપર અન્યાય થયો હોય છે અને તેથી તેમનું મોત થયું હોય છે. એટલે તેઓ ગમે તેનો ભોગ લઈ લેતા હોય છે.

પ્રશ્નકર્તાઃ તમે મીઠાઈઓ અને ભોજનથાળ એવું બધું કેવી રીતે ક્ષણમાત્રમાં લાવી શકો છો. શૂન્યમાંથી સર્જન તો થઈ શકે નહીં.

ભૂતભાઈઃ અમે વાયુસ્વરુપ હોવાથી ક્ષણમાત્રમાં એક સ્થળેથી બીજે સ્થળે હાથ લંબાવી શકીએ છીએ એટલે કે બીજે સ્થળેથી કોઈક દુકાનમાંથી ઉઠાવી વાનગી ઉઠાવી લઈએ છીએ. ક્યારેક અમે આજુ બાજુની ઉર્જામાંથી ઘન પદાર્થો થકી વાનગીઓ બનાવી લઈએ છીએ.

પ્રશ્નકર્તાઃ તમને કોઈ વશ કરે કે તમે કોઈથી ડર લાગે એવું ખરું?

ભૂતભાઈઃ હા. કેટલાક જાદુગરો અમને પ્રસન્ન કરીને પોતાનો ધંધો કરતા હોય છે. અમે તેમને મદદ કરીએ છીએ. પણ જ્યારે તેઓ અમારું  નામ જાહેર કરે એટલે અમે તેમને છોડી દઈએ છીએ. અમને કેટલાક ભૂવાઓ અમુક મંત્રોથી વશ કરતા હોય છે. અમે તેમની આગળ લાચાર બની જઈએ છીએ.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ

 

Read Full Post »

ભૂતભાઈ/ભૂતબેન હોય છે કે નહીં? પાર્ટ – ૧

ભૂતભાઈ અને ભૂતબેન એ બંને ને માટે આપણે ભૂતભાઈ શબ્દ જ વાપરીશું. જેમ કે મનુષ્ય શબ્દમાં પુરુષ અને સ્ત્રી બંનેનો સમાવેશ થઈ જાય છે તેમ ભૂતભાઈમાં પણ ભૂતબેનનો સમાવેશ સમજી લેવો.

તમે કહેશો કે તો પછી “ભૂત” જ કહો ને. ભૂતભાઈ શા માટે કહેવું?

અમે કાઠીયાવાડીઓ બધાને માનથી જ બોલાવીએ. એટલે અમે ભૂતભાઈનું પણ માન રાખીએ. ભલે તેમના અસ્તિત્વ વિષે શંકા કરીએ પણ માન તો રાખવું જ પડે. કાલે ઉઠીને વૈજ્ઞાનિકો સાબિત કરે (કે ના કરે), પણ ભૂત ભાઈનો જો અમને ભેટો થઈ જાય તો અમે તેમને માનથી બોલાવતા હતા તેની યાદ અપાવીને, એટલે તે ભૂતભાઈ તેમને સહજ એવો તેમનો કોપ અમારા ઉપર ન કરે. આવો પણ અમારો હેતુ હોઈ શકે તેવું તમે માની શકો છો.

કોઈપણ વસ્તુનું હોવું એટલે શું?

વસ્તુના અસ્તિત્વની સાબિતી એટલે તેનું પ્રત્યક્ષ પ્રમાણ.

પ્રત્યક્ષ એટલે શું?

આમ તો પ્રતિ+અક્ષ એટલે કે આંખોની સામે દેખાય તે. એટલે કે આંખો વડે જોઈ શકાય તે. અને લક્ષ્યાર્થમાં લઈએ તો આપણી ઈન્દ્રીયો દ્વારા જેની અનુભૂતિ થાય અને તેનું અસ્તિત્વ સમજાઈ જાય તે.

ઈન્દ્રિયો એટલે કાનથી સંભળાય, ચામડીથી સ્પર્શની અનુભૂતિ થાય, નાકથી સુંગંધની અનુભૂતિ થાય, મોઢાથી ખવાય, આંખોથી જોવાય અને મગજથી આ બધાનો સમન્વય કરી સ્વિકારાય તેને પ્રત્યક્ષ કહેવાય. હાજી મગજ તો ચલાવવું જ પડે.

મગજને શા માટે લક્ષમાં લેવું?

આપણને સ્વપ્નમાં પણ ઘણું બધું દેખાય છે, સ્પર્શાય છે, સંભળાય છે, ક્યારેક સુગંધાય છે છતાં પણ જ્યારે તેના ઉપર શંકા કરીએ ત્યારે તેનું સાતત્ય જળવાતું નથી અને સ્વપ્ન નષ્ટ પામી જાય છે કે બદલાઈ જાય છે. એટલે આપણે જ્યારે શુદ્ધ બુદ્ધિરૂપમાં આવીએ ત્યારે તેની સત્યતાને નકારી કાઢીએ છીએ. બનાવના અસ્તિત્વ માટે બનાવનું સાતત્ય કે પુનરાવૃત્તિ પણ અનિવાર્ય છે.

ભૂતભાઈની વ્યાખ્યા શું છે?

ghost

(૧) ભૂતભાઈ એ મરી ગયેલા માણસનો આત્મા છે.

(૨) ભૂતભાઈ એ મરી ગયેલા માણસનો અતૃપ્ત આત્મા છે.

ક્યારેક પ્રાણીઓના ભૂત પણ હોય છે તેવી માન્યતા પણ ઘણા લોકો ધરાવતા હોય છે.

(૩) ભૂતભાઈની અલગ યોની હોય છે. યોની એટલે કે પ્રજાતિ.

પણ આ બધી કંઈ ભૂતભાઈની વ્યાખ્યા ન થઈ. આ તો થીયેરી થઈ.

વ્યાખ્યા એટલે શું?

વ્યાખ્યા એટલે ગુણધર્મનું વર્ણન.  એટલે કે ભૂતભાઈની ભાષા કઈ હોય છે અને તેઓશ્રી શાં શાં કામો કરે છે … તેનું વર્ણન એટલે ભૂતભાઈની વ્યાખ્યા થઈ કહેવાય.

ભૂતભાઈના ગુણધર્મોનું વર્ણનઃ

(૧) જો તમે ભૂતભાઈના પ્રભાવિત ક્ષેત્રમાં સાયકલ ઉપર જતા હો તો ભૂતભાઈને જો મનમાં સ્ફુરે તો તેઓશ્રી તમારી સાયકલના કેરીયર ઉપર બેસી જાય અને તમને સાયકલ ભારે લાગે. ભૂતભાઈના પ્રભાવવાળો વિસ્તાર પૂરો થાય એટલે ભુતભાઈ ઉતરી જાય. અને તમારી સાયકલ હળવી થાય.

(૨) ભૂતભાઈની મરજી હોય તો તે દુર્વાસ કે સુવાસ છોડે.

(૩)  ભૂતભાઈની ઈચ્છા હોય તો તેઓ તમને બીકલાગે તેવા રડવા સહિતના અનેક અવાજો કરે.

(૪) ભૂતભાઈ તમારી સાથે જો તેમની ઈચ્છા હોય તો તમારી ભાષામાં વાતો કરે,

(૫) ભૂતભાઈ સામાન્ય રીતે રાતના જ દર્શન આપે.

ghost01

(૬) ભૂતબેન સુંદર સ્ત્રીના સ્વરુપમાં આવે કે બિહામણા રૂપમાં આવે કે સાદી સ્ત્રીના રૂપમાં આવે.

ghost02

(૭) ભૂતભાઈને પડછાયો ન હોય (તેવું માનવામાં આવે છે)

(૮) ભૂતભાઈ અચાનક અદૃષ્ય થઈ જાય

(૯) ભૂતભાઈ ભડકો થઈને અદૃષ્ય થઈ જાય.

(૧૦) ભૂતભાઈ સુનિશ્ચિત વૃક્ષોમાં વાસ કરે

(૧૧) ભૂતભાઈ ક્યારેક ટોળામાં પણ હોય (ભૂતાવળ)

(૧૨) ભૂતભાઈ ક્યારેક આમ તો  ન દેખાય પણ ક્યારેક જો તમે કોઈનો ફોટો લેતા હો તો તેઓશ્રી ફોટામાં આવી જાય.

(૧૩) ભૂતભાઈઓના પ્રકાર હોય છે. જેમકે પ્રેત, પિશાચ, જીન, ખવીસ, બ્રહ્મરાક્ષસ, ડાકણ, વંત્રી … કેટલાક ભૂત અશરીરી હોય છે અને તેઓ મનુષ્યના શરીરમાં પેસી જાય છે અને તેનો ઉપયોગ કરે છે. કેટલાક એવા હોય છે કે જો તમે ક્યારેક ભૂતના પ્રભાવી ક્ષેત્રમાં આવો અને બોલો કે “ચાલ … “ તો આવા ભૂતભાઈ તમારી સાથે થઈ જાય અને તમારા શરીરમાં પેસી જાય.

ghost03

(૧૪) ભૂતભાઈને અમૂક લોકો સાધી શકે છે એટલે કે વશ કરી શકે છે અને કોઈના શરીરમાં પેઠું હોય તો અમૂક લોકો તેને કાઢી શકે છે. આ વાત શરતોને આધિન છે.

(૧૫) ભૂતભાઈ ખુશ થઈ શકે છે.ભૂતભાઈ બદલો લઈ શકે છે. ભૂતભાઈ દુઃખી થઈ શકે છે.

(૧૬) ભૂતભાઈ તમારું કામ કરી શકે છે. જેમકે તમે ઈચ્છો તેવા ખાદ્ય પદાર્થો થળી સહિત લાવી શકે છે. એટલે કે શૂન્યમાંથી સર્જન કરી શકે છે અથવા તો પલકવારમાં બીજે ક્યાંકથી લાવી તમને આપી શકે છે.

(૧૭) ભૂતભાઈને પેશાબવાળી માટી, વિષ્ટા (હંગ) અને કેટલાક લોકોના માનવા પ્રમાણે મનુષ્યનું માંસ ખાવું પડે છે.

(૧૮) ભૂતભાઈ મનુષ્યનો ભોગ લેતા હોય છે.

(૧૯) ભૂતભાઈ માંદા પડતા નથી.

(૨૦) ભૂતભાઈ ઉંઘી શકે છે કે કેમ તે આપણે જાણતા નથી.

(૨૧) ભૂતભાઈ આર્થિક વ્યવહાર કરતા નથી. પણ કેટલાક લોકો માને છે કે ભૂતભાઈ ખજાનો આપી શકે છે.

ટૂંકમાં ભૂતભાઈ મનુષ્ય કરે તે બધા કાર્યો કરી શકે છે.

જેમકે

(૧) સાંભળવું, સ્પર્શવું, બોલવું, જોવું, વિચારવું, ખાવું અને બળવાપરવાનું કામ કરવું

(૨) આ ઉપરાંત ભૂતભાઈ જે કામ બીજા સજીવો નથી કરી શકતા તેવા કામ પણ કરે છે. જેમકે અદૃષ્ય થવું, અચાનક પ્રગટ થવું, શૂન્યમાંથી સર્જન કરવું, પોતાના આકારો બદલવા, પરકાયા પ્રવેશ કરવો અને ભૌતિક શાસ્ત્રના નિયમોથી પર રહેવું. એટલે કે ભૂતભાઈને ભૌતિકશાસ્ત્રના નિયમો લાગુ પડતા નથી.

(૩) ભૂતભાઈ પ્રજોત્પત્તિ કરી શકે છે કે કેમ તે આપણે સાંભળ્યું નથી.

(૪) ભૂતભાઈને મનુષ્યની જેમ શિશુ અવસ્થા, બાલ્યાવસ્થા, તરુણાવસ્થા …. વિગેરે જેવું હોતું નથી. જે અવસ્થામાં મનુષ્ય ગુજરી ગયો હોય તે અવસ્થામાં તે સામાન્ય રીતે હોય છે. પણ તે પોતાના રૂપ બદલી શકે છે એટલે આપણે તેની અવસ્થા વિષે ન કહી શકીએ. મોટાભાગના ધર્મોમાં ભૂતભાઈના અસ્તિત્વને સ્વિકારવામાં આવ્યું છે. પણ હિન્દુ ધર્મનું તત્વજ્ઞાન શાસ્ત્રમાં ભૂતભાઈના અસ્તિત્વ વિષે મૌન છે.

(૫) ભૂતભાઈને ઉત્સર્જનના અવયવો કે કોઈપણ આંતરિક અવયવો હોય છે કે કેમ તે વિષે આપણે જાણતા નથી. એટલે કે ભૂતભાઈની આંતરિક શરીર રચના વિષે આપણે કશું જાણતા નથી.

૧૯૬૨ના અરસામાં મારે એક સાઉથ ઈન્ડીયન પ્રોફેસરને પૂછ્યું કે ભૂત હોય કે નહીં?

તો તે પ્રોફેસરે કહ્યું કે ભૂત હોય છે.

ભૂતના ગુણધર્મો વિષે ચર્ચા થઈ.

મેં પૂછ્યું કે તો પછી ભૂતનું વજન શું હોય?

પ્રોફેસરે કહ્યું  કે તમને સુખ દુઃખ થાય તેનું શું વજન હોય છે?

મેં કહ્યું કે સુખ દુઃખ એ તો માનસિક અનુભૂતિ છે. તો શું ભૂત પણ શું એક મેન્ટલ કન્સેપ્શન છે? જો ભૂત એક મેન્ટલ કન્સેપ્શન હોય તો તેનો અર્થ એમ થયો કે ભૂતનું ફીઝીકલી અસ્તિત્વ નથી. એટલે તે કોઈ ભૌતિક કામ ન કરી શકે.

પ્રોફેસર સાહેબ અનુત્તર થઈ ગયા. કારણ કે કદાચ તેમણે “ડૉ. આઈન્સ્ટાઈન અને યુનીવર્સ ” વાંચ્યું નહીં હોય. એટલે મેન્ટલ કન્સેપ્શન શબ્દ ભૂલથી વાપર્યો હશે.

ક્રમશઃ

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

આ પ્લેન્ક કોન્સ્ટન્ટ શું છે?

ઉર્જા = (પ્લેન્ક કોન્સ્ટન્ટ)(કંપનની આવૃત્તિ)

E = hv

આ (એચ) એક અચળ છે. અને ક્વાન્ટમ થીએરી અને ક્વાન્ટમ ગણિતશાસ્ત્રમાં મૂળભૂત ભાગ ભજવે છે.

ક્વાન્ટમ એટલે નાનામાં નાનું. નાનામાં નાનું એટલે શું? નાનામાં નાનું એટલે જેનાથી નાનું કશું ન હોઈ શકે તેવું, પણ શૂન્ય નહીં.

જો નાનામાં નાની ઉર્જાને એકમ ગણીએ તો તો ક્વોન્ટમ થીયેરી પ્રમાણે તેનાથી નાની ઉર્જા ન હોઈ શકે. આપણા શસ્ત્રમાં એક માન્યતા વારંવાર ઉચ્ચારવામાં આવી છે. તે એ છે કે “જે પિણ્ડે તે બ્રહ્માણ્ડે.

શું મહત્વનું છે? “કેવીરીતે થાય છે તે?” કે “શામાટે થાય છે તે?

ભૌતિક શાસ્ત્રીઓ અને ભારતીય તત્વશાસ્ત્રીઓ નો હેતુ શો હતો અને છે? મનુષ્ય રુપી સજીવ સમુહનું ધ્યેય શું છે? જીવ માત્રનું ધ્યેય શું છે? વિશ્વનું ધ્યેય શું છે?

મનુષ્ય એક જ એવું પ્રાણી છે જે બ્રહ્માણ્ડ વિષે વિચાર કરે છે અને તેને સમજવા માગે છે. ભૌતિક શાસ્ત્રીઓ બ્રહ્માણ્ડ કેવી રીતે વર્તે તે સમજવા પ્રયત્નો કરેછે. ભારતીય તત્વજ્ઞો બ્રહ્માણ્ડ શું કામ અથવા કયા કારણ થી આમ વર્તે છે એ વાત જાણવાનો પ્રયત્ન કરે છે.

વૈજ્ઞાનિકો સમજાવી શકે છે કે મહાવિસ્ફોટ પછી બ્રહ્માણ્ડ કેવી રીતે વિસ્તર્યું, કેવીરીતે આકાશ ગંગાઓ, નિહારિકાઓ, સૂર્યો, ગ્રહો, ઉપગ્રહો વિગેરે બન્યા. કેવી રીતે અમૂક ગ્રહો ઉપર જીવન પાંગર્યું હશે.

દાખલા તરીકે, મીથેન, એમોનીયા, જેવા ગેસ પૃથ્વિ ઉપર હશે અને તેમાં સ્પાર્ક કરવાથી (વીજળી પડવાથી) હાઈડ્રોકાર્બના જટીલ અણુઓ બન્યા હશે. સમય જતાં પ્રાથમિક કક્ષાના પ્રોટીન એમીનો એસીડના અણુઓ અને સેન્દ્રીય અણુઓ બન્યા હશે. અને એ રીતે સમય મળતાં પ્રાથમિક જીવન પાંગર્યું અને તેનું કુદરતી પસંદગી અને શક્યતાના સિદ્ધાંત પ્રમાણે ઉત્ક્રાંતિ થઈ.

ભારતીય તત્વ વેત્તાઓ અને હવે ભૌતિકશાસ્ત્રીઓ પણ આ વિષે વિચાર કરે છે કે આ બધું શા માટે થાય છે?

ભારતીય તત્વજ્ઞાનીઓ માને છે કે આ જે કંઈ થાય છે તે સુખ માટે થાય છે, આનંદ માટે થાય છે.

સુખ એટલે શું?

શરીરને સારું લાગે તે સુખ.  શરીરને ક્યારે સારું લાગે? જ્યારે શરીરને વિઘટનમાટે ની પરિસ્થિતિની અનુભૂતિનો ભય ન હોય ત્યારે. એટલે કે શરીરમાં કશી ત્રુટી

ન હોય. શરીર નું સુખ અને એક જાતનો આનંદ છે. જેમ શરીરની અનૂભૂતિ વિશાળમાત્રામાં થાય તેમ સુખની અનૂભૂતિ વધુ થાય. અને આ અનુભૂતિ ઇન્દ્રીયો થકી થાય છે. જ્ઞાન તંતુઓ તે અનુભૂતિઓને પહોંચતી કરે છે. જ્યારે લોકલ અનેસ્થેસીયા આપવામાં આવે ત્યારે શરીરના તે વિસ્તારની અનુભૂતિ કપાઈ જાય છે. જો ફક્ત મસ્તિષ્કને જ સક્રીય રાખવામાં આવે અને આખા શરીરના જુદા જુદા વિસ્તારોને લોકલ એનેસ્થેસીયા આપવામાં આવે તો આપણું શારીરિક સુખ કમી થઈ જાય છે અને આપણને આપણી જાત ક્ષીણ થયેલી લાગે છે.

આનંદ એટલે શું?

શરીરને સારુ લાગે એ શરીરનો આનંદ. અને મગજને સારું લાગે એ મગજનો આનંદ. મગજ એ શરીરનો એક ભાગ છે. અને અંતે તો મનને જ આનંદ થવાનો હોય છે. મન એ આપણી અનુભૂતિ છે જે મગજ અને શરીરના આનંદનો સમન્વય છે.

સરવાળે મનુષ્ય (સજીવો)ની વૃત્તિ આનંદ પ્રાપ્ત કરવાની હોય છે.

વિદ્યા અને અવિદ્યા.  સાચો અને શ્રેય આનંદ કયો?

જે બીજાને નુકશાન ન કરે તે શ્રેય આનંદ છે. એટલે સમાજ શોષણવિહીન હોવો જોઇએ.

બીજો આનંદ જ્ઞાનનો આનંદ હોય છે.

તર્ક વગર જ્ઞાન ન મળે. અને તર્ક વગર સમાજ વ્યવસ્થા શોષણવિહીન ન બની શકે.

તર્કનું પણ એક શાસ્ત્ર હોય છે.

એટલે જ્ઞાનની વૃદ્ધિ સમાજ શાસ્ત્ર અને ભૌતિક શાસ્ત્ર બંનેમાં કરવી જોઇએ.

સમાજ શાસ્ત્ર એટલે કે શોષણ વિહીન સમાજ ના નિયમો માં મહાત્મા ગાંધીના સર્વોદય સમાજની વાતો શ્રેષ્ઠ છે.

મહાત્મા ગાંધીના સર્વોદય સમાજને સમજવામાં મૂર્ધન્ય મનુષ્યોમાંના મોટા ભાગના ગોથાં ખાય છે. સ્થાપિત હિતોનું પરિબળ, અહંકાર અને સામાજીક પ્રણાલીઓ પ્રત્યેનું જડ વલણ મનુષ્યને શોષણ હીન સમાજ બનાવવામાં આડખીલી રુપ બને છે. તે એક અલગ જ વિષય છે.

મનુષ્ય, એ જગતનું અંતીમ વિકસિત સર્જન છે. મનુષ્ય બે દિશાઓમાં વિકાસ કરે છે. મનુષ્ય સગવડ અને સુવાધાઓ વધારવામાં વિકાસ કરેછે. મનુષ્ય એક માત્ર એવો જીવ છે જે વિશ્વ કેવીરીતે વર્તે છે તે વિષે જ્ઞાન મેળવા મથેછે. તે દિશામાં જ્ઞાનને વિકાસવા માટે મથે છે. એટલે કે વિજ્ઞાનનો વિકાસ કરે છે. બંનેના વિકાસમાં ટેક્નોલોજીની જરુર પડે છે. ભારતીય તત્વવેત્તાઓ (શારીરિક) સુખ સગવડની ટેક્નોલોજીને અવિદ્યા કહે છે. અને વિજ્ઞાનની ટેક્નોલોજીને વિદ્યા છે.

સુખ સગવડની અવિદ્યા એ અનિત્ય છે. એટલે કે અધૃવં છે. કારણ કે કોઈ એક ટેક્નોલોજીના એક રુપ (વર્સન) હોય અને તે પછી તેની ઉપર તેની પછીનું રુપ આવે એટલે પહેલું રુપ ભંગારમાં જાય છે. જેમકે મોબાઈલ ટેલીફોનનું એક રુપ પછી નવી સુવિધાઓ વાળો મોબાઈલ ટેલીફોન આવે એટલે જુનો ટેલીફોન જે કરોડોની સંખ્યામાં હોય તો પણ તે ભંગારમાં જાય. પણ આજ ઉપકરણો જ્યારે વિજ્ઞાનમાં વપરાતા હોય ત્યારે તેની સંખ્યા કરોડોને બદલે હજારોમાં હોય અને તે વિદ્યાર્થીઓને વિકાસના એક પગથીયાની સમજણ માટે કામ લાગે. એટલે તે જુનો  ટેલીફોન નષ્ટ થતો નથી.

એટલે ભારતીય તત્વ વેત્તાઓ એમ કહે છે કે  જેઓ ધૃવ વિદ્યાને છોડીને અધૃવ એવી અવિદ્યાની પ્રત્યે આસક્તિ રાખે છે તેઓ એ ધૃવને સ્વિકાર્યું જ નથી તેથી તે તો તેમને માટે નષ્ટ થયેલું જ છે અને જે અધૃવ છે તે તો વહેલું મોડું નષ્ટ થવાનું જ છે માટે તેને નાશ પામેલું જ ગણો.

જો તમે ટેક્નોલોજીનો (વિદ્યાનો) ત્યાગ કરો તો વિજ્ઞાનનો વિકાસ ન થઈ શકે. કારણ કે જાતજાતના ઉપકરણો ટેક્નોલોજી દ્વારા જ મળે. ગણિત શાસ્ત્રની ગણત્રીઓ પણ ઉપકરણોથી થાય છે. અને સંશોધનો પણ ઉપકરણોથી થાય છે.

મહાત્મા ગાંધીજી કહે છે, ટેક્નોલોજીને માનવીય બનાવો. માણસ ટેક્નોલોજીનો ગુલામ ન થવો જોઇએ. ટેક્નોલોજી માણસને માણસથી વિમુખ ન કરે. ટેક્નોલોજી માણસોમાં ભેદભાવ ઉભા ન કરે. ટેક્નોલોજી માનવ સમાજમાં વિસંવાદ અને ઘર્ષણો ઉભા ન કરે. ટેક્નોલોજી માણસમાં એવી અસમાનતા ઉભી ન કરે કે  જેથી માણસ માણસ વચ્ચે અસંવાદ, ઈર્ષા, અસંતોષ અને અન્યાયની ભાવના ઉત્પન્ન થાય.

આપણા હાથની પાંચે આંગળી સાવ સરખી નથી. તેઓ વચ્ચે વિસંવાદ નથી. તેઓ ભેગા મળીને કામ કરી શકે છે અને અલગ અલગ પણ જુદા જુદા કામો કરે છે. મનુષ્ય સામાજીક પ્રાણી છે અને તેથી દરેક મનુષ્ય સમાજની એક આંગળી છે કે અંગ છે. સમાજશાસ્ત્રમાં થી જ્યારે અહંકાર, રાક્ષસી વૃત્તિ અને કહેવાતી “સ્વ”ની સ્વતંત્રતા ની ઉપર ભૌતિકશાસ્ત્રની પરિભાષા હામી થશે, ત્યારે સર્વોદયનીવાત સમજાશે અને અમલમાં મુકાશે.

કેટલાક સમાજશાસ્ત્રીઓ કહે છે કે જે સમાજ સ્થિર હોય છે અને પરિવર્તન કરતો નથી તે સમાજ નષ્ટ પામે છે. આ લોકોની તારવણી એ છે કે જો સમાજ એકધારી સુવિધાઓથી જીવે તો તે નષ્ટ પામે છે. આ તારવણી ખોટી છે. મૂળ સિદ્ધાંત સામે ધારોકે વાંધો ન લઈએ, તો પણ સમાજમાં રહેલું જ્ઞાન, વૈજ્ઞાનિક આવિષ્કારોને લીધે સતત વૃદ્ધિશીલ હોય છે. તેથી સમાજ ને સ્થિર કહી શકાશે નહીં. વળી ટેક્નોલોજીનો સમાજ માટેનો ઉપયોગ સાર્વત્રિક રખાશે જેથી અસમાનતા, શોષણ, અસંતોષ, અન્યાય, વિસંવાદ વિગેરે જેવા દુષણો ઉત્પન્ન ન થાય.

ઈશ્વર શું છે? ઈશ્વરનો હેતુ શો છે?

ઈશ્વર એ વિશ્વ છે. જે સજીવ છે. પણ આપણું વિશ્વ એ એક માત્ર વિશ્વ નથી. આપણું વિશ્વ પ્લેંકના અચળની કોઈ એક મુલ્ય વડે બનેલું છે. તેના આધારે મૂળભૂત કણો, પરમાણુઓ, અણુઓ, આકાશ ગંગાઓ, નિહારિકાઓ, સૂર્યો, પૃથ્વીઓ, વિગેરેની રચનાઓ આપણે જે જોઇએ છે તેવી થઈ છે. આપણા સૂર્યમંડળમાં આપણી પૃથ્વીના વિશિષ્ઠ સ્થાનને કારણે આવું સંકીર્ણ જીવન પાંગરી શક્યું છે. પણ આપણે જાણતા નથી કે સંકીર્ણ જીવન આવી જ સ્થિતિમાં થઈ શકે છે કે બીજી પણ કોઈ એક નિશ્ચિત સ્થિતિમાં પણ થાય?

પ્લેંકના આ અચળની કિંમત શૂન્યથી અનંત હોઈ શકે. તેને અનુરુપ બીજા અનેક વિશ્વો હોઈ શકે. આપણા જેવા પણ અનેક વિશ્વો હોઈ શકે. આ બધા વિશ્વોનો સમૂહ એટલે ઈશ્વર. ક્યાં ક ને ક્યાંક તે પોતાના સુવિકસિત વિશ્વો થકી સર્વજ્ઞ છે. તે સર્વ શક્તિમાન નથી. આપણા ભારતીય તત્વવેત્તાઓ પણ આજ વાત કહે છે. પ્રતિકાત્મક વાતો આવે છે કે કોઈ એક રાક્ષસ તપ-યોગ કરે અને ઈશ્વર પ્રસન્ન થાય. વરદાન માગવાનું કહે. અને રાક્ષસ કહે “હું કોઇ થી મરું નહીં”. ત્યારે ઈશ્વર એમ કહે કે “ના એ શક્ય નથી”. હવે જો ઈશ્વર સર્વ શક્તિમાન હોય તો આવું શું કામ કહે?

મનુષ્ય ને સર્વજ્ઞ થતાં કેટલી વાર લાગશે? મનુષ્ય સમાજ ની ઉત્પત્તિ જો ત્રણ લાખ વર્ષ પહેલાં થઈ એમ ગણીએ, અને જે અવશેષો મળ્યા છે તે ના આધારે વિકાસ ગણીએ અને વિકાસનો વેગ અને પ્રવેગ અને પ્રપ્રવેગ ગણીએ તો સર્વજ્ઞ થવામાં હજી બીજા ૨૦લાખ વર્ષ થશે. આ દરમ્યાન કોઈ ભારત પાકિસ્તાનમાં હતા, છે અને કદાચ થાય તેવા શાસકો ન આવે અને “સ્વ” ના વિકાસને બદલે સમાજનો વિકાસ માનવીયતાના સંદર્ભમાં કરશે તો જ આ આગાહી સાચી પડે. આ આગાહી “મીશીઓ કાકુ”એ કરી છે. આ સર્વજ્ઞતા પણ આપણા પ્લેન્કના અચળનું જે મૂલ્ય છે તે જ મૂલ્યવાળા વિશ્વો પૂરતી જ લાગુ પડશે. આ અચળના બીજા મૂલ્યો વાળા વિશ્વોને આપણે ક્યારેય પામી શકીશું નહીં. કદાચ ગણિતના સૂત્રો દ્વારા સમજી શકીએ. જે ઇશ્વર છે તે સર્વ વિશ્વોનો સમૂહ છે એટલે કે અતિબૃહદ બ્રહ્માણ્ડ છે, તેને તો ક્યારેય આ શરીરથી સમજી શકીશું નહીં કે પામી શકીશું નહીં. એટલે જ કદાચ પુષ્પદંતે શિવ મહિમ્ન સ્ત્રોત્રમાં કહ્યું છે કે જો જ્ઞાનની દેવી સરસ્વતી પણ જો સદાકાળ માટે તારા મહિમા વિષે લખ્યા કરે તો પણ તે તેને પાર ન પામી શકે (લિખતિ યદિ ગૃહિત્વા શારદા સર્વકાલં, તદપિ તવ ગુણાનાં ઈશ પારં ન યાતિ).  

સામાજીક વિકાસ કોને કહેવો?

મનુષ્યની અંદર રહેલું જ્ઞાન તેના શરીર સાથે નષ્ટ થાય છે. તે તેના વંશજોમાં ઉતરતું નથી. પણ સમાજ પણ એક એવો જીવ છે જે તેનામાં રહેલા જ્ઞાનને જીવતું રાખે છે. અને આરીતે સામાજના જ્ઞાનનો વિકાસ થાય છે. સંવેદન શીલતાની સમજ અને તેમાં થતી વૃદ્ધિ એ સમાજનો માનસિક વિકાસ સૂચવે છે.

મનુષ્ય સમાજનો વિકાસ પડતો આખડતો એટલે કે શેરબજારના શેરના ભાવોની જેમ વધે છે. કોઈ કંપની ગોટાળા કરે અને તેનું ઉઠમણું થઈ જાય તેમ કોઈ પૃથ્વીનો વિકસિત સમાજ વૈશ્વિક મૂલ્યોને સમજે નહીં તો તેનો વિનાશ પણ થાય. પણ ઈશ્વરને તેની કોઈ ચિંતા નથી. કારણ કે શક્યતાના સિદ્ધાંત પ્રમાણે બધા જ સુવિકસિત સમાજમાં રાક્ષસી તત્વો બધી જ પૃથ્વીઓ ઉપર હામી ન થઈ શકે.

જો ઈશ્વરને સુવિકસિત સમાજના ભલાની પડી નહોય એટલે કે આ ઈશ્વર નિર્ગુણ હોય, સુખ દુઃખથી રહિત હોય, તો બધા તેને દયાળુ અને કલ્યાણકારી કેમ કહે છે?

આ ઈશ્વરે ૧૧+૧૧+૪=૨૬ પરિમાણો આયામો સર્જ્યા, પરમ તત્વ સર્જ્યું, તેના ગુણ, બળ, પરિબળો વિગેરે નિપજાવ્યાં. પછી તેમના ભરોસે છોડી દીધા જેથી શક્યતાના સિદ્ધાંતે અને યોગ્યતાના આધારે વિકસિત સમાજ/જો બન્યા કે જેઓ પોતાનું ભલું બુરું સમજી શકે. તેઓ સુવિકસિત થઈ શકે. જેઓ વૈશ્વિક સંવેદનાને સમજે તો અતિવિકસિત થઈને પરમવિકસિત થઈ શકે. મનુષ્ય સમાજ કાળક્રમે જ્ઞાન દ્વારા વધુને વધુ આનંદ તરફ જઈ શકે. જો માણસ સ્વહિત વિષે જ વિચારે તો તે રાક્ષસી વૃત્તિ કહેવાય. રાક્ષસી વૃત્તિઅનો અભાવ એજ કલ્યાણ કારી છે. મનુષ્ય સમાજ માટે આજ વાત કલ્યાણ કારી છે તેમ દરેક મનુષ્યે સમજવું જોઇએ.

શું ઈશ્વર ભોળો છે?

ઈશ્વરે કર્મફળ સર્જ્યા છે. તે દરેકને વ્યક્તિગત કૃત્ય/કૃત્યો અને સામૂહિક કૃત્ય/કૃત્યો અસર/અસરોના પરિણામ તરીકે ભોગવા પડે છે. વ્યક્તિગત કૃત્યો માટે આનો સ્વિકાર સમાજ (સરકાર) દ્વારા પણ થયો છે. એટલે જ બંધારણ અને કાયદાઓ ઘડાયા, સજાઓ નક્કી થઈ અને વ્યવસ્થાઓ ગોઠવાઈ. અગ્નિ, અગ્નિનું કામ કરશે. વર્ષા, વરસવાનું કામ કરશે. રાક્ષસ જો અગ્નિ પર પોતાની ચા કરશે, તો તે ચા પણ બનશે. સમાજે જંગલ બનાવ્યું હશે તો ત્યાં વધુ વરસાદ પડશે, વચ્ચે ક્યાંક રાક્ષસનું ઘર હશે તો ત્યાં પણ વરસાદ પડશે. જે વિદ્યાનો નો અભ્યાસ કરશે તે વિદ્યાવાન થશે. ઈશ્વર ભેદ કરશે નહીં. ઈશ્વર કહે છે કે હું તો આવો છું. તમારે મને ભોળો ગણવો હોય તો ગણો. તમારે મને જેવો ગણવો હોય તેવો ગણો. તમારે મને પૂજવો હોય તો પૂજો. તમારે મને ન પૂજવો હોય તો ન પૂજો. મને કોઈ ફેર પડતો નથી. હું તમને પણ એ બાબત થકી કોઈ ફેર પાડીશ નહીં. તમારા કર્મોના ફળો  તો મારા નિયમોને આધિન રહેશે.

શિવ (રુદ્ર) એ સ્વયં મહેશ છે છતાં ભિક્ષાટન કરે છે. એવી કલ્પના શા માટે છે?

જુના જમાનામાં અગ્નિને દરેક ઘરમાં પ્રજ્વલિત રાખવામાં આવતો હતો. અગ્નિને તુષ્ટ કરવા ઘી કે કાષ્ટ આપવા પડે. એટલે એવી કવિકલ્પના થઈ કે ઈશ્વર ભિક્ષાટન કરે છે. યજ્ઞના અગ્નિને (રુદ્રને) શાંત કરવા પાણીનો અભિષેક કરવામાં આવે છે. શિવ લિંગ એ જ્યોતિર્‌ લિંગ છે. અને તેના ઉપર જળાભિષેક કરવો એવી પ્રણાલી સ્થાપિત થઈ. પણ ગૃહ્યાગ્નિને તો ઘી જ અપાય. જે અગ્નિનું આહવાન થયું છે તેને ખાદ્ય પ્રવાહીઓ અપાય. પણ અંતે તેની વિદાય વખતે પાણીથી શાંત કરવાનો હોય છે.

શિવે દક્ષપ્રજાપતિના યજ્ઞનો ધ્વંસ કર્યો તે શું છે?

વેદોના સમયમાં પ્રાકૃતિક શક્તિઓને આહુતિ આપવામાં આવતી. દરેક પ્રાકૃતિક શક્તિની પાછળ એક દેવ સમજવામાં આવતો, તે અદૃષ્ટ રહેતો. દૃષ્ટ અને અદૃષ્ટ વચ્ચેનો આ વિસંવાદ હતો. જેમકે કૃષ્ણે કહ્યું “ગોવર્ધન તો દેખાય છે, ઈન્દ્ર તો દેખાતો નથી. ઈન્દ્રને શા માટે પૂજવો? ગોવર્ધનને પૂજો.” દક્ષ પ્રજાપતિની વાત કૃષ્ણથી ઉંધી હતી. કે કદાચ અગ્નિ પૂજકો અને સૂર્ય પૂજકો વચ્ચેનો એક રાજાનો ભ્રમ હતો એવું લાગે છે.  

પૂર્વ જન્મ અને પુનર્જન્મ શું છે?

વેદોમાં પૂર્વ જન્મ અને પુનર્જન્મ વિષે કશું લખ્યું નથી. પણ ગીતામાં આ સ્વિકારાયું છે. પણ આત્મા તો નિર્વિકારી છે. દરેક પદાર્થ પ્રાણ તત્વનો બનેલો છે. કહેવાતા સજીવો કેવીરીતે ઉત્પન્ન થાય છે તે આપણે જોયું. શંકરાચાર્ય કહે છે, મૃતદેહ બળી જાય છે. પ્રાણ આકાશમાં જાય. વૃષ્ટિ થાય અને તે વૃષ્ટિ મારફતે વનસ્પતિમાં જાય અને અન્ન રુપે વિર્યમાં જાય અને પુનર્જન્મ થાય. પણ આ વાત માં શક્યતા તો સિદ્ધાંત લાગુ પડે છે. અને શક્યતા શૂન્ય બરાબર છે. કારણકે વરસાદના બિન્દુંમાં અગણિત અણુઓ છે અને તેમાં કોઈ એક અણુમાં મૃતમનુષ્યનું બ્રહ્મરંધ્રનું કણ હોય. આ કણ વનસ્પતિમાં જાય અને ન પણ જાય. ધારો કે તે વનસ્પતિમાં ગયું તો તે વનસ્પતિ ખાદ્ય હોય અને ન પણ હોય. હવે આ કણ વનસ્પતિના કોઈ પણ હિસ્સામાં જાય અને ન પણ જાય. ધારોકે તે કણ બીજમાં ગયું તો પછી તેને કોઈ પણ ખાય. માણસના ભાગે આવે કે ન પણ આવે. ધારોકે તે માણસના ભાગે આવ્યું તો તે વિર્યમાં જાય અને ન પણ જાય. ધારો કે તે વિર્યમાં ગયું તો તેવા તો દરેક ટીપામાં દશ લાખ શુક્રાણુઓ હોય છે. તેનો નંબર ન પણ લાગે. એટલે કે પુનર્જન્મની વાત શૂન્ય બરાબર જ ગણાય. પૂર્વ જન્મ વિષે પણ તેવું જ સમજવું. પૂર્વ જન્મ અને પુનર્જન્મ એક હકારાત્મક અભિગમ કે વીશફુલ વિચાર તરીકે રાખવામાં આવ્યો હશે. તર્કથી તે સિદ્ધ કરી શકાતો નથી.

ભૂત પ્રેત શું હોય છે?

ભૂત એટલે મૃતાત્મા જેવું કશું હોતું નથી. આત્મા અમર છે અને તે મૂળભૂત રીતે તો પ્રાથમિક રીતે એક સુપરસ્ટ્રીંગ છે. જે સમુહમાં એક પરમાણુ, અણુ, સંકીર્ણ અણુમાં હોય છે. શરીરનું વિઘટન થઈ ગયા પછી તે ઉપરોક્ત માંથી કયા સ્વરુપમાં હશે, તે કહી શકાય નહીં. તે કોઈ ચમત્કારો ન કરી શકે. શૂન્યમાં થી તે સર્જન ન કરી શકે, કે તે એનાથી ઉલ્ટું પણ ન કરી શકે.

પ્રેત એ વાસ્તવમાં જુના સમયમાં જંગલમાં વસતા માંસ ભક્ષી લોકો હશે. શિવની સાથે આ લોકોની કલ્પના કરવા પાછળ અધાર એ છે કે અગ્નિ એ શિવનું નામરુપ છે અને મૃતદેહ, અગ્નિને અર્પીને તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.

 સ્વપ્ન શું છે અને સ્વપ્ન કોઈ બનાવની આગાહી કરે છે?

સ્વપ્ન એ દિવસ દરમ્યાન કરેલા અનુભવો અને વિચારોનું જે સ્મૃતિમાં સચવાયું છે તે રી-કૉલ થાય છે. એટલે કે આ એક જાતના વિચાર જ છે. તેને ભવિષ્યની આગાહી સાથે કશો સંબંધ નથી.

માણસનું ભવિષ્ય ઘણા પરિબળો ઉપર આધાર રાખે છે. પણ આ પરિબળોની સંખ્યા અબજોની છે. તે પરિબળો અને તેની માત્રા આપણે જાણતા નથી તેથી ભવિષ્ય નિશ્ચિત છે છતાં તેની ભવિષ્યવાણી ન થઈ શકે.

જો કે સમય, અવકાશ અને વિશ્વ એ સૌ બહુ સંકીર્ણ અને જટીલ છે છે. ૧૧+૧૧+૪=૨૨ પરિમાણોવાળા વિશ્વ અને તેના કણો સમજી શકાય તેવા નથી. એક જ કણ એક જ સાથે એક જ સમયે અનેક સ્થળે હોઈ શકે છે. વિશ્વના દરેક બિન્દુઓ વિશ્વના કોઈ એક બિન્દુથી શૂન્ય અંતરે છે. સમય વહેતો નથી પણ તેના પડ છે. સમયમાં ઉંધી ગતિ કરી શકાય છે. પણ તેમાં ભાગ લઈ શકાતો નથી. આપણે અનેક જગ્યાએ જીવતા હોઇએ તેવું બની શકે. આપણી અને આપણા વિશ્વની પ્રતિકૃતિ હોઈ શકે.

એટલે શંકરાચાર્ય કહે છે કે જે અનુભવાય (પ્રત્યક્ષ) તે પ્રમાણ સત્ય છે. પણ અનુભવ તો સાધનો (ઉપકરણો અને અંગો) ઉપર આધાર રાખે છે.

માનવ સમાજે કયે રસ્તે જવું?

માણસે સમજવું જોઇએ કે તે સમાજની ઉન્નતિ માટે છે. સાથે સાથે બીજાને નુકશાન કર્યાવગર આનંદ મેળવવા માટે છે.

શિરીષ એમ દવે

Read Full Post »

%d bloggers like this: