Feeds:
Posts
Comments

Posts Tagged ‘અફસરો’

જમીનના હક્કો અને ગાંધીવાદની માયા જાળ

નરેન્દ્ર મોદીની સરકાર ઉદ્યોગો માટે જમીન સંપાદન કરે અને ઉદ્યોગોને આપે એટલે કેટલાકને ન ગમે તે સ્વાભાવિક છે. કોઈપણ કામ સારું હોય કે ખરાબ હોય તેનો અમુક જુથ તરફથી વિરોધ તો થવાનો જ. ઔદ્યોગિક ગૃહો કે વ્યક્તિગત ઉદ્યોગો સ્થાપવાની ઈચ્છા ધરાવનારાઓ પણ જ્યારે ઉદ્યોગ સ્થાપવા માટે અરજી કરે ત્યારે સરકાર પોતે પણ એટલે કે સરકારી અધિકારીઓ પણ વાંધા વચકા પાડે. ઉદ્યોગસ્થાપનારાઓ સરકારી અધિકારીઓના સંસ્કાર અને આદતોથી જાણકાર હોવાથી, તેમના લાગાઓને પણ એક પરિબળ માની તેને ખર્ચની ગણત્રીમાં લેતા હોય છે. આ ખર્ચને નાબુદ કરવા અનેક નરેન્દ્ર મોદીઓની સરકારને જરુર પડશે. જો કે આપનાર અને લેનાર સંપીને આ સમસ્યાનો નીવેડો લાવતા હોય છે તેથી આવી વાતો બહાર આવતી નથી. છૂટા છવાયા પકડાઈ જવાના બનાવો છાપામાં આવે છે. પણ તેની વિગતો બહાર આવતી નથી.

પણ જ્યારે સરકાર પોતે પોતાની આતુરતા ઉદ્યોગ સ્થાપવા માટે બતાવે ત્યારે તેનાથી જનતાને થતા લાંબા અને ટૂંકા ગાળાના લાભોને ધારોકે આપણે અવગણીએ અને જમીન સંપાદનની ક્રિયામાં જે વાડાઓ અને જુથો તરફથી અવરોધો ઉત્પન્ન થાય છે અને થવાના છે તેને સરકારી અધિકારીઓ લક્ષમાં લેતા હોય તેવું લાગતું નથી.

ગાંધીજીએ કહેલું કે તમે સારું કામ કરો તો પણ તેના અમુક ખરાબ પરિણામો પણ મળવાના જ. આનું કારણ લોકોની કે તેમના જુથોની કાર્ય કે સિદ્ધાંતોની અધૂરી સમજણ હોય છે. અને જો આમાં દૂન્યવી રાજકારણ કે જેમાં સ્વખ્યાતિ કે “ટકો લે પણ મને ગણ” એવી માનસિકતા ભળે એટલે કેટલીક ચર્ચાઓ, સંવાદો, અસંવાદો, વિસંવાદો અને વિતંડાવાદો પણ ઉજાગર થાય.આમાં ભલભલા ગોથાં ખાય તો સામાન્ય જનતાનું તો ગજું જ શું!

સત્યાગ્રહનો સીધો સાદો દાખલો

ગાંધીજીએ આપેલું હથીયાર એટલે કે સત્યાગ્રહ દ્વારા વિરોધ કરવો. એટલે કે આત્મપીડન (ઉપવાસ કે સજા સહિતની તૈયારી સાથે સવિનય કાનુન ભંગ) માટે તૈયાર રહી કોઈ બાબતનો વિરોધ કરવો. આ એક અહિંસક કાર્ય છે. ગાંધીજી અહિંસામાં માનતા હોવાથી તેમણે સત્યાગ્રહને સામુહિક હિતના આધારે પુરસ્કૃત કરેલ. જો કે સત્યાગ્રહ કરતાં પહેલાં તેની અમુક શરતો ગાંધીજીએ પ્રસ્તૂત કરી છે. પણ જો આ શરતો પ્રત્યે સત્યાગ્રહી અજ્ઞાન હોય, અથવા આત્મખ્યાતિ સહિતના બદઈરાદાવાળો હોય તો આપણને સત્યાગ્રહના પણ ખરાબ પરિણામો જોવા મળે.

જેમકે જેના અસંખ્ય ભક્તો છે તેવા રજનીશે પોતે કેવા જ્ઞાની છે અને મહાત્માગાંધીથી પણ કેટલા બધા આગળ વધેલા મહાન વિચારક છે તે દર્શાવવા તેમણે ગાંધીજીના સત્યાગ્રહની ટીકા ચાલુ કરીને સ્વખ્યાતિ માટે મેદાનમાં કૂદી પડેલ. તેમણે દાખલો આપેલ કે એક વેશ્યાએ કે જેનો પ્રેમ એક તરફી હતો તેણે પોતાને મનપસંદ વ્યક્તિને પોતાને પરણવા માટે સત્યાગ્રહ (ઉપવાસ)નો આશરો લીધો. “મને પરણ નહીં તો હું તારા ઘરની સામે ઉપવાસ કરીને મરી જઈશ”.

આ એક બળજબરી થઈ. બળ જબરી એક હિંસા છે. એટલે સત્યાગ્રહની એક આડ પેદાશ હિંસા હોય છે. એટલે સત્યાગ્રહમાં પણ હિંસાનું તત્વ છે. આમ રજનીશે ગાંધીજીના સત્યાગ્રહના નિયમોનો અભ્યાસ કર્યા વગર જ પોતાને અહિંસાના ગાંધી કરતાં વધુ જ્ઞાની સાબિત કરી દીધેલ. તેમણે નિરપેક્ષ અહિંસાની વાત કરેલ. કે જેમાં પોતાની પરાશક્તિ દ્વારા એક પાદરીએ બીજી વ્યક્તિનું દૂરદૂર રહ્યે વિચાર પરિવર્તન કરી દીધેલ. એવો એક કપોળકલ્પિત દાખલો પણ આપેલ. મૂળ વાત એમ છે કે જ્યારે તર્કશાસ્ત્રનું અધકચરું જ્ઞાન હોય, સમજણ પણ ઓછી હોય, વાચન પણ અધૂરું હોય અને તમારા શ્રોતાગણ કે વાચકગણ તમારી કક્ષાથી પણ ઉતરતી કક્ષાના હોય ત્યારે તમે તમારી ખ્યાતિ વાણી વિલાસ દ્વારા વધારી શકો છે.

જેમણે બકરી જોઇ નથી તેવા શ્રોતા ગણ આગળ તમે બકરીને ત્રણ ટાંગ હોય છે એટલું જ નહીં તેને ટાંગ વગરની પણ સાબિત કરી શકો છો. જો તમે સત્યાગ્રહના આધારરુપ સ્તંભોને ન જાણતા હો તો તમે સત્યાગ્રનો અયોગ્યરીતે ઉપયોગ કરી, ખરાબ પરિણામો ઉત્પન્ન કરી શકો છો.

સત્યાગ્રહની પૂર્વ શરતો છે.

અહિંસક આંદોલન આચરતાં પૂર્વે, તે દરમ્યાન અને તે પછી પણ, આ બાબતો તો અસ્તિત્વ ધરાવતી હોવી જ જોઇએ. સમાજનું ભલું (નિસ્વાર્થી પણું), તાર્કિક સંવાદ અને તેનું સાતત્ય, પરસ્પર પ્રેમ અને પરસ્પર વિશ્વાસ આ હોવાં જરુરી છે.

જો કે ગાંધીજીએ કહેલ કે તમે સારું અને શુદ્ધબુદ્ધિથી કામ કરો તો પણ અમુક દુસ્પરિણામ તો આવી શકે છે. પણ આવા દુસરિણામોનું પ્રમાણ ઓછું રહેશે અને સુપરિણામોનું પ્રમાણ ઘણું વધુ રહેશે. તેથી સરવાળે ઘણો લાભ જ થશે.

જેવું રજનીશનું હતું તેવું કેટલેક અંશે સરકાર દ્વારા ઔદ્યોગિક જગતમાટે જમીન સંપાદનની બાબતમાં તેનો વિરોધમાં આંદોલન કરનારા રાજકીય નેતાઓ, કહેવાતા કર્મશીલો, કેટલાક અખબારી મૂર્ધન્યો, ગાંધીવાદી અને ખુદ સરકારી અમલદારોના વલણ વિષે પણ આવું જ કહી શકાય.

જમીન સંપાદન ના દરેક કિસ્સાને એક એક કરીને જ જોઇ શકાય. જમીન સંપાદનમાં જમીનના દરેક કિસ્સાની કથા અલગ અલગ હોય છે. જો બંને પક્ષે સામાજીક હિતની સમજણ, અન્યાય ન થાય તેવી વૃત્તિ ધરાવતા હોય અને સંવાદમાં જો તર્ક શુદ્ધતા રાખતા હોય તો જમીન સંપાદન એ કોઈ અશક્ય કામ નથી અને આંદોલનનો વિષય પણ નથી.

તર્કની અશુદ્ધતાઃ

અમારે જમીન આપવી જ નથી.

અમારે ખેતી જ કરવી છે.

અમે જમીન નહીં આપીએ કારણ કે

જમીન ઉપર અમારો હક્ક છે.

જમીન આપી દઈએ તો અમે કરીશું શું?

તમે જે વળતર આપશો તે કંઈ અમારે જીંદગી ભર ચાલશે નહીં. એ પૈસા તો વપરાઈ જશે. તે પછી અમે શું કરીશું?

તમે અમારી પાસેથી સસ્તાભાવે જમીન લઈ ઉદ્યોગોને (પાણીના મુલે) જમીન આપો છો. અમને (જમીનના) માલિકમાંથી (કરખાનાના) મજુર બનાવી દો છો.

અમે શું કામ અમારું ગામ છોડીએ?

ગામની જમીન ઉપર ગામનો જ હક્ક છે.

જો ગ્રામ પંચાયત મંજુર ન કરે તો તમે ગૌચર કે ખરાબાની કે પડતર જમીન પણ ન લઈ શકો.

અમારા ઢોર ચરશે ક્યાં?

માલધારીઓનું શું થશે?

ગાંધીજીએ પ્રબોધેલા ગ્રામ સ્વરાજ ની ભાવનાનો અહીં ધ્વંશ થાય છે.

ઉદ્યોગો થી પર્યાવરણનો નાશ થશે,

ગ્રામ્ય જનતાનું શોષણ થશે.

અમારે તો ખેતી જ કરવી છે. જમીન આપવી જ નથી.

શું આ શાશ્વત નિર્ણય છે?

ધારો કે “હા” એમ છે.

આપણે અમદાવાદની જ વાત કરીએ. કારણ કે અમદાવાદને જે લાગુ પડે છે તે બધા શહેરો, કસ્બાઓ અને ગામને પણ લાગુ પડશે.

૧૯૪૨માં મોટાભાગની વસ્તી કોટ વિસ્તારમાં જ વસતી હતી. ચારે બાજુ નાના ગામડાઓ હતા. ૧૯૪૮ સુધી પણ લગભગ આજ સ્થિતિ હતી. ચારે બાજુ ખેતરો હતાં. રાયપુર દરવાજાથી કાંકરીયા જોઇ શકાતું હતું. કાંકરીયાથી મણીનગર જવાના રસ્તા ઉપરથી મણીનગર સ્ટેશન જોઈ શકાતું હતું. ૧૯૫૨માં પણ ગીતા મંદીરથી વેદ મંદીર જોઇ શકાતું હતું. શાહઆલમનો રોજો જોઇ શકાતો હતો. હજારો ખેડૂતો ખેતી કરતા હતા. આજે અમદાવાદ કોટની રાંગથી ચારે બાજુ ૧૦થી પણ વધુ કીલોમીટર સુધી બાંધકામો થઈ ગયાં છે. અહીં હજારો ખેતરો હતાં. આ હજારો ખેતરોમાંથી એક પણ ખેતર બચ્યું નથી. આ બધા ખેડૂત ભાઈઓમાંથી કેમ એવા કોઈ જ ન નિકળ્યા કે જેમણે કહ્યું અને કર્યું કે અમારે તો અમારી જમીન વેચવી જ નથી અને માત્રને માત્ર ખેતી જ કરવી છે. તે વખતે શું ખેડૂત ભાઈઓ વધુ ભણેલ હતા? તે વખતે શું ખેડૂતભાઇઓ બીજો ધંધો કરવાની વધુ આવડત ધરાવતા હતા?

નાજી આવું કશું જ ન હતું. તે વખતે તો ખેડૂતો વધુ ગરીબ હતા.

શું ૨૦૦૨ પછી જ ઉદ્યોગો ગુજરાતમાં સ્થપાયા? નાજી ઉદ્યોગો ગુજરાતમાં પહેલાં પણ સ્થપાતા હતા.

શું પહેલાંના સ્થપાયેલા ઉદ્યોગો પર્યાવરણને હાની કારક ન હતા? ચોક્કસ હતા. અને હજી પણ છે.

પહેલાંના ઉદ્યોગો ચોક્કસ પર્યાવરણને હાનીકારક હતા. અને તે વખતે તો પર્યાવરણને લગતા કાયદાઓ બહુ નબળા હતા. તો પણ મનુભાઈ શાહે દરેક તાલુકા સ્તરે ઔદ્યોગિક વસાહતો સ્થાપેલ અને આ બધી જમીનો ખેતરાઉ જમીનો જ હતી. આ બધી જ ઔદ્યોગિક વસાહતો ગામેગામ હતી અને તેનો વિસ્તાર ગામને સમકક્ષ હતો. આખું ગાંધીનગર શહેર ખેતરોને ઉખેડીને બનાવેલ.

આજે ડાહી ડાહી વાતો કરનારા તે વખતના કોંગ્રેસીઓ અને તે વખતના નૂતન કોંગ્રેસીઓ તે વખતે ક્યાં હતા? સનત મહેતા જેવા પ્રજાસમાજવાદીઓને મહુવામાં “નૂતન કોંગ્રેસીઓ” એ નામની ઓળખવામાં આવતા હતા, અને અત્યારે આજ સનત મહેતા એક સમાચાર પત્રમાં કટારીયા મૂર્ધન્ય બની ગયા છે અને ડાહી ડાહી વાતો લખે છે.

૧૯૪૮ થી ૧૯૯૫ સુધીમાંનો સમય લક્ષ્યમાં લઈએ તો બધાં શહેરો, સરવાળે હજારો ચોરસ કીલોમીટર વિકસ્યા અને ગામડાને ગળી ગયાં. તો તે હજારો ગામડાંઓની હજારો ગોચરની જમીનો ક્યાં ગઈ?

બગીચો કેવી રીતે ઉકરડો બન્યો?

૧૯૮૧ પછી ગુજરાતમાં નહેરુવીયન ઈન્દીરાઈ કોંગ્રેસ સોળે કળાએ વિકસી. ઉદ્યોગો અને સરકારી અફસરો વચ્ચેની ખાઈકી નો ધંધો પણ સોળેકળાએ વિકસ્યો. મનુભાઈ શાહે સ્થાએલી ઔદ્યોગિક વસાહતો (જી આઈ ડી સી), જે બગીચા જેવી લાગતી હતી તે બધી ગંદકીથી ખદબદવા લાગવાનું શરુ થયું. જો તમે દા.ત. વટવા જી. આઈ. ડી. સી.ના સરકારી કે ખાનગી ચિકીત્સકોને મળશો તો તેઓ તમને “ઑફ ધ રેકોર્ડ” આરોગ્ય ખાતાના અધિકારીઓની, પર્યાવરણના અધિકારીઓની અને ઔદ્યોગિક એકમના માલિકો વચ્ચેની મીલીભગતની ચોંકાવનારી વાતો કરશે. હાલ પર્યાવરણને લગતા કાયદા ઘણા કડક છે. ૧૯૮૧થી ચાલુ થયેલો ખાયકીના ધંધાનું ઉઠમણું થઈ શકે છે પણ તેને માટે નરેન્દ્ર મોદીએ ફુલ ટાઈમ અને તે પણ આ એક માત્ર પર્યાવરણનું જ કામ કરવું જોઇએ.

આરોગ્ય ખાતા પાસે અમર્યાદ સત્તા છે. પણ જેમ પોલીસ તંત્ર જેમ દારુબંધીનો અમલ કરવામાં ઠાગા ઠૈયા કરે છે, જેમ લેબર કમીશ્નર મજુરકાયદાના અમલમાં ઠાગા ઠૈયા કરે છે, જેમ મ્યુનીસીપલ કમીશ્નરો ગેરકાયદેસર બાંધકામ બંધ કરાવવામાં ઠાગાઠૈયા કરે છે, અને નહેરુવીયન કોંગ્રેસ જેમ વિદેશી બેંકોમાં રહેલું કાળું-લાલ નાણું પકડવામાં અને ગરીબી હટાવવામાં ઠાગાઠૈયા કરે છે તેમ આરોગ્ય ખાતાવાળા (પર્યાવરણવાળા સહિત) પ્રદૂષણ અટકાવવામાં ઠાગા ઠૈયા કરે છે.

ગંગા મૈલી ક્યું? તમે ગંગામાં કચરો નાખવો બંધ કરો તો એક ચોમાસું ગયા પછી આપોઆપ ચોક્ખી થયેલી જોવા મળશે.

અહીં ગાંધીવાદ અને ગાંધી વાદીઓની વાત ક્યાં આવી?

જમીન બચાવોના આંદોલનમાં ઈન્દીરાઈ કોંગ્રેસીઓ, નૂતન કોંગ્રેસીઓ, કહેવાતા કર્મશીલો, અખબારી મૂર્ધન્યો, સાથે ગાંધીવાદીઓ પણ સામેલ છે. નહેરુવીયન કોંગ્રેસીઓના વલણમાં વિરોધાભાસ હોય તે સિદ્ધ કરવાની જરુર નથી. તે સ્વયં સિદ્ધ છે. ૧૯૭૫-૧૯૭૭ સુધી ઈન્દીરા ગાંધીએ ચલાવેલી કટોકટી સ્વયંસિદ્ધ દંભી અને વિરોધાભાષી અને ગુન્હાહિત વલણોવાળી આતંકવાદી રહી હતી. એ પહેલાંના અને તે પછીના નહેરુવીયન કોંગ્રેસના વલણો પણ દંભી અને વિરોધાભાષી રહ્યા છે પણ તે બધા વિતંડા વાદ કરીને વિવાદાસ્પદ બનાવી શકાય તેમ હતા અને તેમ છે. પણ ૧૯૭૫-૧૯૭૭ તો ન્યાયાલય સંસ્થાના દસ્તાવેજો ઉપર છે. તેથી તેને અવગણી શકાય નહીં.

કેટલાક ગાંધી વાદીઓ મૂંગા રહેલ પણ ઘણા ગાંધી વાદીઓએ લડત અને ભોગ આપેલા. તેઓ સલામને પાત્ર છે. પણ “ન્યાયાર્થે નિજ બંધુકો ભી દંડ દેના યોગ્ય હૈ” એ કૃષ્ણ ભગવાનની અને કૌટીલ્યની ફિલોસોફી પ્રમાણે અમુક ગાંધીવાદીઓની ટીકા કરવી જોઇએ.

ભૂમિપુત્ર એ સર્વોદય વાદીઓનું મુખ પત્ર છે. તે ગાંધીવાદી હોય તે અપેક્ષા આપણે રાખવી જોઇએ. જો સરકારની ટીકા ન કરીએ તો સરકારને સુધરવાનો ચાન્સ ન મળે તેવું નરેન્દ્ર મોદી પણ કહે છે. તેથી ભૂમિપુત્ર પણ ગાંધીવાદમાંથી ચલિત ન થાય તે આપણી અપેક્ષા હોવી જોઇએ. કમસે કમ ભૂમિપુત્ર એક તરફી વાતો ન કરે તે જરુરી છે. કારણ કે માત્ર એક પક્ષી વાતો રજુ કરવી તે ગાંધીવાદી પ્રણાલી નથી.

જમીન બચાવો એટલે શું?

ખેતી માટેની જમીન અને જંગલોની જમીન ઓછી ન થવી જોઇએ.

ધારોકે ખેતી માટેની જમીન બીજા હેતુ માટે વાપરી તો તેટલી જ જમીન ખેડાણને લાયક કરવી જોઇએ. એટલે કે જે જમીન પડતર છે અને ખરાબાની છે તેને નવસાધ્ય કરવી જોઇએ. જંગલો ન કપાવાં જોઇએ. નહેરુવીયન કોંગ્રેસના રાજમાં પુસ્કળ જંગલો કપાયાં અને હજુ પણ કપાય છે. ૧૯૯૩-૧૯૯૫ના અરસામાં શિલોંગથી ચેરાપૂંજીના રસ્તે આવતા પહાડો અને ટેકરીઓ વૃક્ષો વિહીન થઈ ગઈ હતી. શિલોંગથી ગુવાહટ્ટી જવાના રસ્તે જંગલો માં ઝાડને ગેરકાયદેસર રીતે આગ લગાડી ખેતર માટે કે બીજા હેતુ માટે જમીન નો ટૂકડો બનાવમાં આવતો હતો એ મેં નજરે જોયું છે. આવી જ ક્રિયા સહ્યાદ્રીના ડૂંગરોમાં ચાલે છે. ૯૫ ટકા પંચમહાલનું જંગલ ૧૯૬૫ સુધીમાં નષ્ટ કરીદેવામાં આવેલ. ગોધરાથી લુણાવાડા વચ્ચે ઘટાદાર જંગલ હતું તે વાત કોઈ આજે માને પણ નહીં. ૧૯૪૭ પહેલાં પંચ મહાલના જંગલોમાં ૯૦” વરસાદ પડતો હતો તે વાત પણ કોઈ માને નહીં. જો કે સર્વોદય વાદીઓનો જંગલો નષ્ટ કરવાની બાબતમાં ચણભણાટ ચાલુ હતો.

જમીન બચાવવી હોય તો જમીન ઉદ્યોગોને આપવી ન જોઇએ. કારણ કે ખેતીમાટે એટલી જમીન ની ઘટ પડે છે. અને જો ઉદ્યોગોને અપાતી જમીનો સામે આંદોલનો આપણે કરતા હોઈએ તો આપણે જ્યાં જ્યાં ખેતીની જમીનમાં બીજી કોઈપણ રીતે ઘટ પાડવામાં આવતી હોય ત્યાં ત્યાં વિરોધ પ્રદર્શિત કરી આંદોલન ચલાવવા જોઇએ.

જમીનની ઘટ કઈ કઈ રીતે પડે છે?

જમીનના ટૂકડાઓની ખેરાત કરવાથી જમીનની ઘટ પડે છે. આવી ખેરાતોનો ચીલો ઈન્દીરા ગાંધીએ પાડેલો છે. રહેણાંક માટે સરકારી નોકરોને, પત્રકારોને, ન્યાયધીશોને, જનપ્રતિનીધિઓને ગરીબોને, પછાત વર્ગોને જમીન ફાળવવી એ જમીનનો વ્યય છે. વ્યક્તિઓને જમીનના ટૂકડા ફાળવા એ જમીનનો વ્યય છે.

ઝોંપડ પટ્ટીઓ ઉભી થવાથી જમીનની ઘટ પડે છે,

લારી ગલ્લાઓ અને પાથરણાઓ જમીન રોકે છે, તેથી જમીનની ઘટ પડે છે,

રો-હાઉસ વાળી દુકાનો કરવાથી જમીનની ઘટ પડે છે,

સ્વતંત્ર બંગલાઓ અને રો-હાઉસો વાળી હાઉસીંગ સોસાઈટીઓ અને ફાર્મ હાઉસોવાળી હાઉસીંગ સોસાઈટીઓ અને સંકુલો થવાથી જમીનની ઘટ પડે છે,

ઓછામાળવાળી (બે, ત્રણ કે ચાર) બહુ માળી સોસાઈટીઓ કે સંકુલો કરવાથી જમીનની ઘટ પડે છે,

જુના ખખડધજ પડુ પડુ થતાં મકાનો પણ પરોક્ષ રીતે જમીનની ઘટ પાડે છે.

ખુલ્લી જગ્યામાં પાર્કીંગ માટે જમીન ફાળવવાથી જમીનની ઘટ પડે છે.

રસ્તાઓ ઉપર વાહન પાર્કીંગ ઉભા કરવાથી પણ જમીનની પરોક્ષ રીતે ઘટ પડે છે.

આમ તો પહોળા રસ્તાઓ અને રેલ્વે કરવાથી પણ જમીનની ઘટ પડે છે. નહેરો કરવાથી પણ જમીનની ઘટ પડે છે. ખેતરોના નાના ટૂકડાઓ કરવાથી પણ પરોક્ષ રીતે જમીનની ઘટ પડે છે, નદી ઉપર બંધ બાંધવાથી પણ જમીન ડૂબમાં જાય છે. આના પણ ઉપાયો છે. પણ તે લાંબા ગાળાના ઉપાયો છે. પણ તેની ચર્ચા પછી કરીશું.

આ બધી જે કોઈપણ રીતે જમીનની ઘટ પડે છે તેને દૂર કરી શકાય છે. એટલું જ નહીં પણ  પ્રત્યક્ષ રીતે અને પરોક્ષ રીતે જમીન ઉત્પન્ન કરી શકાય છે.

જમીનની માલિકી

જમીનની માલિકી કોઈ એક વ્યક્તિની હોઈ જ ન શકે. જમીનની માલિકી ગામની પણ ન હોઈ શકે. એટલે કે ગામડાની પણ ન હોઈ શકે.  જો ભારતના દરેક નાગરિકને દેશમાં ગમે ત્યાં જવાનો અને સ્થાયી થવાનો હક્ક હોય તો જમીનનો વ્યવહાર રાષ્ટ્રીય રીતે જ થઈ શકે. જો જમીનમાંથી થતું ઉત્પાદન દેશમાં બધી જગ્યાએ વેચાઈ શકતું હોય તો કોઈ ગામડું, ગામ કે શહેર ઉપર સૌનો સરખો હક્ક હોવો જોઇએ. જો દેશની કેન્દ્રસ્થ સત્તા દેશ માટે એક વ્યાપક જમીનને લગતી નીતિ ન ઘડી શકતી હોય તો સક્ષમ રાજ્ય સત્તા પોતાના રાજ્ય પૂરતી નીતિ ઘડી શકે. કારણ કે જમીનને લગતી નીતિના વ્યાપક પરિમાણો હોય છે. એટલે જમીનને લગતી નીતિ ઘડવાના અધિકારો ગ્રામ પંચાયતને અબાધિત રીતે ન આપી શકાય. ગ્રામ પંચાયતના વાંધા વચકાનું જરુર નિરાકરણ લાવી શકાય. પણ હવે ગ્રામસ્વરાજ અને ખેડૂત જગતનો તાત કે જંગલ ની સંપત્તિ ઉપર વનવાસીઓનો અધિકાર તે બાબતો ઉપર પુનર્‌ વિચારણા થવી જોઇએ. હાલના ઈન્ટરનેટ યુગમાં વિશ્વ આખું એક ગામડું થઈ જવાની તૈયારીમાં છે. ત્યારે કમસે કમ આપણે આપણા રાજ્યને એક ગામડું સમજવાના અને બનાવવાના પ્રયત્નો કરીએ. આ ત્યારે જ બને જ્યારે આપણે આપણા રાજ્યમાં એક સૂત્રતા લાવીએ અને રાજ્યના હિતનો વિચાર કરીએ. જુના જમાનામાં એક ગામડું ૫૦ ખોરડાથી ૫૦૦ ખોરડાનું રહેતું. આજે એક સંકુલ એક હજાર કુટુંબોને સમાવતું હોય છે. એટલે ગામડાને આપણે એક સંકુલ સમજવું પડશે અને તેને એક વાસ્તવિક સંકુલ બનાવવું પડશે. જો આમ કરીશું તો જ જમીનનો યોગ્ય ઉપયોગ થઈ શકશે.

જો જમીન બચાવવાનો હેતુ રાજકીય કે સ્વખ્યાતિનો ન હોય અને ફક્ત ખેતીની અને જંગલની જમીન બચાવવાનો હોય તો જ્યાં જ્યાં જમીનનો દુરુપયોગ થાય છે ત્યાં ત્યાં આંદોલનો થવા જોઇએ અને કરવા જોઇએ. જેઓનું ધ્યેય રાજકીય નથી અને સ્વખ્યાતિનું નથી તેવા ગાંધીવાદીઓએ આ વાત સમજવી પડશે. નહીં તો જનતામાં તેમની વિશ્વસનીયતા નહીં રહે.

જ્યારે કેન્દ્રીય સરકારની નીતિઓની બુરાઈની અને ગેર વહીવટની વાત કરવી હોય ત્યારે “નહેરુવીયન કોંગ્રેસનું નામ લઈને કે જે એલ નહેરુ, ઈન્દીરા ગાંધી, રાજીવ ગાંધી કે મનમોહન સિંઘનું નામ લઈને ટીકા થતી નથી. પણ “સરકાર” અને “રાજકારણીઓ” એવો શબ્દ પ્રયોગ કરાય છે. નહેરુવીયન કોંગ્રેસના નેતાઓના અને નહેરુવંશીઓના નામ ન લઈને તેમના દુરાચારોને છૂપાવીને હળવા કરી દેવાય છે. જ્યારે ગુજરાતની બીજેપી સરકારની વાત આવે ત્યારે બીજેપી અને નરેન્દ્ર મોદીનું નામ લઈ નરેન્દ્ર મોદી ઉદ્યોગોને જમીનની લાણી કરે છે, નરેન્દ્ર મોદી ખેડૂતોને અન્યાય કરે છે, નરેન્દ્ર મોદી વનવાસીઓને અન્યાય કરે છે, નરેન્દ્ર મોદી વિકાસને નામે ગામડાંઓને ઉજાડી રહી છે, નરેન્દ્ર મોદી વિકાસની વાતોના જુઠાણાઓ ફેલાવે છે.  નરેન્દ્ર મોદી સરદાર પટેલનું બાવલું મુકી જનતાના ખર્ચે ખ્યાતિ મેળવવા માગે છે. ગાંધીવાદી નેતાઓએ નરેન્દ્ર મોદીના ગાંધીનગરના મહાત્મા મંદીર સામે પણ વિરોધ નોંધાવેલ. તમે ગાંધીજી ના સ્મારકને મંદીર નામ આપો કે આશ્રમ નામ આપો કે સ્મૃતિ નામ આપો તેથી શો ફેર પડે છે? નરેન્દ્ર મોદી ગાંધીજીના વિચારોના સ્મૃતિ ચિન્હ તરીકે કે સરદાર પટેલની સ્મૃતિ માટે કંઈ પણ કરે તેમાં જો પોતાને ગાંધીવાદી ગણાવતા મહાનુભાવો મોદીની ટીકા કરે તે ગાંધીજીના સિદ્ધાંતોને અનુરુપ તો નથી જ અને નથી જ.

આ પણ જાણે અધુરું હોય તેમ તેઓ નરેન્દ્ર મોદીના સદ્‍ભાવના પ્રસારના કાર્યક્રમોની પણ ટીકા કરે છે, નરેન્દ્ર મોદીની સરકારે કરેલા ઉર્જાના કુદરતી શ્રોતોના વિકાસ અને ખરાબાની જમીનને નવસાધ્ય કરી હોય તેને લક્ષમાં ન લે, પશુમેળા, કૃષિમેળા, સખી મંડળ, પાણી મંડળીઓની રચના જેવા અનેક કામોને લક્ષ્યમાં ન લે તો આ બધું પૂર્વગ્રહ યુક્ત જ ગણાય. જો આ બધું યોગ્ય ન હોય તો તેની મુદ્દા સર ટીકા કરે તો તે પણ આવકાર્ય ગણાય. જો સરકારની ક્ષતિઓ જો સરકારના ધ્યાનમાં લાવવામાં આવે તો સરકારને સુધરવાની તક મળે. નરેન્દ્ર મોદી વિષે જો ગાંધીવાદીઓ પણ ગુજરાતની આજની સરકાર વિષે નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ જેવા વિશેષણો વાપરશે તો તેમને ખુદને માટે યોગ્ય નહીં કહેવાય.

કાયદાકીય લડાઈઓ

જમીન સંપાદન ના મુદ્દે ગાંધીવાદીઓ જે કાયદાકીય લડાઈ લડી રહ્યા છે તે આવકાર્ય છે. કારણ કે કાયદાકીય લડાઈ તો સરકારી નોકરોની ખામી યુક્ત કાર્યવાહીને સુધારવા માટે છે. કેટલાક સરકારી અધિકારીઓમાં પ્રણાલીગત આપખુદી અને અહંકાર હોય છે. તેને ન્યાયાલય દ્વારા સુધારી શકાય છે.

જમીન, જંગલ, પાણી, ઉર્જા, શિક્ષણ, રોજગાર એવા કોઈ પ્રશ્નો હોઈ જ ન શકે. વિજ્ઞાન અને વિદ્યા (ટેક્નોલોજી) ના ક્ષેત્રમાં અસીમ તકો અને રોજગારીઓ પડેલી છે.

જમીન ઉપરની કૃષિ ઉપર કેટલું ભારણ મુકીશું? ઉદ્યોગો દ્વારા વધતી સુખસગવડો ને કેટલી હદ સુધી લઈ જઈશું?

ક્યાં કેટલો રોજગાર ઉભો કરીશું.

જ્ઞાન, શ્રમ અને વહીવટદારોને કેટલું વળતર આપીશું?

દરેક જગ્યાએ શ્રમ પડેલો છે તેને શ્રમને બદલે સેવામાં પરિવર્તિત કરવો પડશે. જો સેવાનું વળતર એવું હશે કે માનવીઓ એકબીજાથી વિમુખ નહીં બને પણ હળી મળીને રહેશે તો સૌને સુખ મળશે.

આ બધું જ થઈ શકે તેમ છે. કાયદાઓ છે. પણ તેનું માનવીય અને સામાજીક હિતને અનુરુપ અર્થઘટન નથી તેનો અમલ નથી. (ચાલુ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ ગાંધીવાદીઓ, નરેન્દ્ર મોદી, વિશેષણ, અફસરો, અધિકારીઓ, આપખુદ, અહંકારી, સત્યાગ્રહ, આત્મપીડન, રજનીશ, દંભ, સ્વખ્યાતિ, કાયદાકીય, લડાઈ, જમીન, હક્ક, માલિકી, ગામડું, શહેર,

Read Full Post »

 બિલ્ડરાય નમઃ, ભૂમિતસ્કરાય નમઃ દબાણકર્ત્રે નમઃ

આ બ્લોગ ના અનુસંધાનમાં   https://treenetram.wordpress.com/2012/03/08/%E0%AA%98%E0%AA%A1%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%95%E0%AB%8B%E0%AA%A3%E0%AB%87-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%95%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4/

and 

https://treenetram.wordpress.com/2010/10/16/%E0%AA%B8%E0%AB%80-%E0%AA%9C%E0%AB%80-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%97%E0%AA%BE%E0%AA%A5%E0%AA%BE-%E0%AA%8F%E0%AA%9F%E0%AA%B2%E0%AB%87-%E0%AA%95/

    વાંચવો.

અમેરિકન નાગરિક સ્ત્રી નો કિસ્સો:

સરકારી કર્મચારીઓ કોણ કોણ છે? કો ઓપરેટીવ સોસાઈટીઓના રજીસ્ટ્રાર છે, સચીવો છે, કમિશ્નરો છે, મામલતદારો છે, કલેક્ટરો છે, પોલીસ અધિકારીઓ છે, પ્રધાનો છે, અને કંઈક અંશે ન્યાયધીશો પણ છે.

હમણાં એક કિસ્સો બહુ ચમક્યો છે. ખાસ કરીને દિવ્યભાસ્કરમાં, જે એક ભારતીય મૂળની અમેરિકન નાગરિક સ્ત્રીને પોલીસ અને બીજાઓ દ્વારા હેરાન પરેશાન કરી નાખી તેને લગતો છે.

આ સ્ત્રી, પોતાના સ્વર્ગસ્થ પિતાજીની જમીન વેચવા ભારત આવેલી. હવે આ બેનને કેવા હેરાન કરવામાં આવ્યા તેની આખી વાત તારીખ ૧૫મી જુલાઈ ૨૦૧૨ ના દિવ્યભાસ્કરમાં લખેલી છે. આમ તો આપણા દિવ્યભાસ્કર ભાઈ અને કોંગી ભાઇઓ કોઈ પણ વાતને રાજકીય રંગ આપવામાં પાવરધા છે. એટલે સૌ પ્રથમ સવાલ એ ઉભો થયો કે હજી આમાં આપણી નરેન્દ્રભાઈની સરકારને સંડોવવામાં આવી કેમ નથી? પણ બીજે દિવસે એટલે કે આજે તારીખ ૧૬-૦૭-૨૦૧૨ ના અંકમાં દિવ્યભાસ્કરભાઈએ આ ખોટ પૂરી કરી.

શું આપણા દિવ્યભાસ્કરભાઈએ મોટી મોથ મારી છે? શું તેઓ પ્રશંસાને પાત્ર બની ગયા છે?

મોટી મોથ તો ન મારી કહેવાય. “ગુજરાત સમાચાર” જે “દિવ્યભાસ્કર”નું પ્રતિસ્પર્ધી ગણાય, તે અંદર સંડોવાયું હોય તો દિવ્યભાસ્કર ભાઈ મૂંગા રહે તે અસંભવ જ હોય. આ વાત યોગ્ય પણ ગણાય છે.

નરેન્દ્રભાઈ મોદી જેવા ની પાછળ આદુખાઈને પ્રમાણ ભાન રાખ્યા વગર તેમને બદનામ કરનાર, ગુજરાત સમાચારભાઈ બદનામ થાય તે પણ યોગ્ય જ ગણાય છે. જો કે દિવ્યભાસ્કર ભાઈ પણ નરેન્દ્રભાઈ મોદીની બદબોઈ કરવામાં ગુજરાત સમાચારની સ્પર્ધા કરે છે. બંને દુશ્મનો આ વાતમાં એક છે તે કંઈ સંશોધનનો વિષય નથી. આખા દેશના અને ગુજરાતના લોકો તો ચોક્કસ જ જાણી ચૂક્યા છે કે ખોટ પૂરી કરવા કે આગળ વધવા અખબારી ભાઈઓ જાતજાતના અશુદ્ધ ધંધાઓ અપનાવે છે.

જો સરકારી નોકરો, કોઈની મુસીબતનો કે મર્યાદાનો કે લાચારીનો ગેરલાભ ઉઠાવી પૈસા કમાઈ શકતા હોય તો અખબારી ભાઈઓ પણ કંઈ પાછા પડે તેવા નથી. અખબારી ભાઈઓ છઠ્ઠી જાગીરના ધણી કહેવાય છે. એટલે “પેઈડ ન્યુઝ એટલે કે પૈસા આપો અને સમાચાર છપાવો અથવા છપાનારા સમાચારો અટકાવો.” એ તો એમનો કાયમી ધંધો છે. પણ આ સગવડ હાથ વગી હોય ત્યારે બીજા ધંધા પણ કરી શકાય છે. આમાંના કેટલાક ધંધામાં બિલ્ડર, જમીન દલાલ, મિલ્કત ભાડે આપવા માટેના દલાલ, ભાડે આપેલી મિલ્કતને લોચામાં નાખનારા દલાલ, મિલ્કત ખાલી કરાવાના કામના દલાલ, મિલ્કતને કે જમીનને લોચાવાળી કરનારના કામના દલાલ, લોચાવાળી મિલ્કતને ખરીદ-વેચના દલાલ. દબાણ અને ગેરકાયદેસર બાંધકામ પણ આવા કામનો એક હિસ્સો જ. તમે એક દુર્ગુણ હસ્તગત કરો અને તેને તાબે થાઓ એટલે પછી બીજા બધા દુર્ગુણો તમારો કબજો કરે જ.

અમેરિકન બેનનો એવો તે કયો ગુનો

એક વાત સમજમાં આવતી નથી કે અમેરિકન બેનને દિવસો સુધી કયા આરોપસર પકડી રાખેલ? દિવ્યભાસ્કરે પણ એ વાતનો ફોડ પાડ્યો નથી. ત્રણ ત્રણ અઠવાડીયાઓ સુધી, ધરપકડમાં રાખવા પડે અને એટલે એવી તે કેવી પૃચ્છાઓ કરવી પડી કે જેથી કરીને આટલો બધો સમય લાગ્યો?      એવો તે કેવો ગુનો એ બહેને કર્યો છે કે ત્રણ ત્રણ અઠવાડીયાઓ સુધીની હિરાસતની મંજુરી ન્યાયાલયે આપી! અમેરિકન બેન કે જે પોતાના સ્વર્ગસ્થ પિતાજીની જમીન વેચવા આવેલા તેઓ  એવી તો હેસીયત ધરાવી ન જ શકે કે જેને માટે તેમને ત્રણ ત્રણ અઠવાડીયા સુધી ધરપકડમાં રહેવું પડે!

આપણા પત્રકારભાઈઓ, બીજેપી અને નરેન્દ્રમોદીને લગતી અઘ્યાપાદ્યાની વાતો પણ જાણતા હોય છે કે ચગાવતા હોય છે. તેમને માટે અમેરિકન બેન ઉપર પોલીસે ક્યા આરોપો લગાવ્યા, કેવીરીતે લગાવ્યા અને કયા આધારે લગાવ્યા? આ આધારો ક્યાંથી અધિગત થયા તે સર્વ બાબતો પત્રકારભાઈ ઓ ન જાણતા હોય તે અશક્ય છે. છતાં પણ પત્રકારભાઈઓ મારફત આ સઘળી હકિકતો ઉપર સંપૂર્ણ ઢાંક પીછોડો કરવામાં આવે છે તે બાબત જ દર્શાવે છે કે આખી માયાજાળ અને પ્રપંચમાં પત્રકારભાઈઓ, પોલીસો, અખબારના માલિકો, જમીન માફીયાઓ, બિલ્ડરો, ન્યાયતંત્ર અને રાજકારણીઓની વચ્ચે  પૂર્વ સમજુતિ થયેલ છે અને તે પ્રમાણે સમાચારોને પ્રસિદ્ધ કરાય છે.

આમાં કોણ જેલમાં જશે અને કોણ નહીં જાય અને કેવીરીતે કડદાઓ થશે તે કોઈ કહી શકશે નહીં.  પણ જનતા જાણે છે કે જે નિર્દોષ છે તે આ સહિયારા ગુન્હાઈત આચારમાં સહન કરશે જ. જમીન માફિયા અને તેમના હિતેચ્છુઓનો વાળ વાંકો નહીં થાય.

યાદ કરો

બિલ્ડર ભાઈઓએ ગેરકાનુની બાંધકામ વ્યાપકરીતે કર્યા અને ઉઘાડે છોગ કર્યા. મ્યુનીસીપાલીટીના અધિકારીઓએ ખુલ્લેઆમ બેદરાકરી કરી અને તે બદલામાં ઘી કેળા ખાધાં. બિલ્ડરભાઈઓએ અનધિકૃત બાંધકામ વેચી દીધાં. દાખલા તરીકે ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટ જે રહેવાસીઓ અને મુલાકાતીઓના પાર્કીંગ માટે છે તેમના હક્કો ડૂબ્યા અને કહોકે ડૂબાડવામાં આવ્યા. ખરીદનારાઓને છેતરવામાં આવ્યા. આ ઉપરાંત બિલ્ડરોએ ૫૦ ટકા બ્લેક ના પૈસા સૌની પાસેથી લીધા. બધું જ ઉઘાડે છોગ થયું. અને છતાં ઈન્કમટેક્સ કમીશ્નર, મ્યુનીસીપલ કમીશ્નર, રજીસ્ટ્રાર ઓફ કો-ઓપરેટીવ સોસાઈટી, લેબર કમીશ્નર, લૉઑફીસર, પોલીસ કમીશ્નર, ટ્રાફીક ઓફીસર, માનવ અધિકારવાદીઓ, કોર્પોરેટરો, ધારાસભ્યો અને લોન આપનારી બેંકોના મેનેજરો સહિત બધા જ ખુલ્લી આંખે અજાણ્યા બન્યા. ટીવી ચેનલોમાં કોઈ માઈનો લાલ ન નિકળ્યો કે જે છૂપા કેમેરાથી બધાનો પર્દાફાશ કરે. સૌ કોઈ બિલ્ડર અને જમીન માફીયાઓને દંડિત કરવાને બદલે જેઓ છેતરાયા છે, જેઓ ના હક્ક ડૂબાડવામાં આવ્યા છે તેમને દંડ કરવા માટેના નિરાકરણની વાતો લઈને આવ્યા.

બિલ્ડરોનું સૌપ્રથમ તો લાયસન્સ રદ કરવું જોઇએ. તેમની મિલ્કત જપ્ત કરવી જોઇએ. તેમની ઉપર જ માત્ર  ઈમ્પેક્ટ ફી જ નહીં પણ જ્યાં સુધી સહન કરનારાઓના હક્ક પ્રસ્થાપિત ન થાય ત્યાં સુધી બિલ્ડરો પાસેથી ઈમ્પેક્ટ ટેક્સ વસુલ કરવો જોઇએ. ઉપર જણાવ્યા પ્રમાણેના બધા જ સરકારી હોદ્દેદારોને સસ્પેન્ડ કરવા જોઇએ. તેમના લાગતા વળગતા સ્ટાફને પણ સસ્પેન્ડ કરવો જોઇએ. જે ગુનાઓ જાણી જોઇએને કરવામાં આવ્યા હોય અને વ્યાપક રીતે થયા હોય તેવા ગુનાઓ સામે તો આંખ મીંચામણા કરી જ ન શકાય.

બિલ્ડરો અને જમીન માફીયાઓ હમેશા ભળેલા જ હોય છે. હવે તેમાં સમાચાર માધ્યમ વાળા પણ ભળ્યા. જોકે તેઓ ભળેલા જ હતા. આ તો હવે તેઓ છાપે  ચડ્યા. સમાચાર માધ્યમના માલિકો કે ખબરપત્રીઓ અને ગુન્ડાઓ વાસ્તવમાં એક જ કક્ષાના ડાકુઓ છે. જમીન, દબાણ, અને ભાડવાત વાળી મિલ્કત એ બાબતને લગતા કેસો ને ચલાવવાની પ્રણાલી, નહેરુવીયન કોંગ્રેસે એવી સર્જી છે અને એવી ચલાવી છે કે તેમની કિમત અનુસાર દેશમાં દાઉદો અને શેરીઓમાં ટપોરીઓ પેદા થાય.

કેટલાના ભોગ લીધા?

જમીન માફીયાઓએ કેટલાના ભોગ લીધા?

બિલ્ડરોએ ગેરકાયદેસર બાંધકામ કરી ટ્રાફીક સમસ્યાઓ ઉભી કરી કેટલાના ભોગ લીધા?

મ્યુનીસીપલ કમીશ્નરે ગેરકાયદેસર કામકાજો થવા દઈ કેટલાના ભોગ લીધા?

નહેરુએ રેન્ટએક્ટ અને ક્ષતિયુક્ત ન્યાય પ્રણાલી ચાલુ રાખી કેટલા ભોગ લીધા?

આપણા ગુજ્જુ અને આંદોલનપ્રિય એવા કોંગી ભાઇઓ, છાસવારે વિવાદાસ્પદ અને બનાવટી બાબતો ઉપર આંદોલનો કરશે, ગુજ્જુ અખબાર નવીશો, બીજેપીની ઓફીસ પાસે બે સ્કુટર ઓછા પર્ક થશે કે કદાચ ન પણ થાય તો પણ ખૂબ જ ઓછા સ્કુટર પાર્ક થાય છે તેમ છાપી બીજેપી હવે ગભરાઇ ગયું છે અને નિસ્ક્રીય થઈ ગયું છે તેવા સમાચારો આપશે. પણ બિલ્ડર અને જમીન માફીયા આ અખબારનવીશો પોતે હોય કે ન હોય તો પણ, બિલ્ડર કે જમીન માફીયાનો વાળ વાંકો થાય તેવું કશું લખશે નહીં.

ચમત્કતિઃ

અમારા ભાવનગરના શ્યામસુંદર ભાઈએ એક વાત કરેલી,

એક મુરતીયા ભાઈ કન્યા જોવા ગયા. ભાઈ જરા ભોળા હતા. કન્યાના પિતાએ પૂછ્યું; “કોઈ વ્યસન ખરું તમને?”

મુરતીયા ભાઈએ જવાબ આપ્યો; “આમ તો ખાસ કંઈ નહીં, પણ આ જરા એલચી ખાવાની ટેવ ખરી.”

“કેમ?”

“આ બીડી પીધી હોય એટલે મોઢું જરા વાસ ન મારે એટલે એલચી ખાવી પડે”

“એટલે તમે બીડી પણ પીવો છો?”

“ના રે. આમ તો મને એવી કશી ટેવ જ ન હતી. પણ આ દોસ્તારો સાથે તીન પત્તી રમતા રમતાં એક બે ફૂંક મારવાનો આગ્રહ કરે તો શું કરું?    આમ તો શરુઆતમાં મને ઉધરસ પણ આવી જતી. પણ સાહેબ, પછી તો ફસક્લાસ રીતે ગોળ ગોળ રીંગો વાળા ધુમાડા કાઢતો થઈ ગયો.”

“એટલે કે તમે તીન પત્તી પણ રમો છો?”

“ના રે. આમ તો મને પાના ટીપતાં પણ આવડતા ન હતા. એક બે ચીપ મારું એમાં તો પાના લસરી પડતા હતા. પણ જેલમાં ગયો એટલે ભાઈ બધો સાથે રહીને બરાબર શીખી ગયો.

“એટલે તમે જેલ પણ જઈ આવ્યા છો?”

“નારે આમ તો હું જેલમાં ન જાત. પણ જે વેશ્યા હતી ત્યાં પોલીસનો દરોડો પડ્યો.  એમા હું પકડાઈ ગયો.”

“એટલે તમે વેશ્યાવાડે પણ જાઓ છો?”

“ના રે. હું શું કામ વેશ્યા વાડે જાઉં, પણ આ તો ચોરી કરી હોય તો જે કમાણી થાય તેમાંથી વાપરવા  થોડા વાપરવા તો જોઇએ ને.”

“એટલે તમે ચોરી પણ કરો છો?”

“ના રે. હું શું કામ ચોરીઓ કરું. પણ આ જુગાર રમવામાં પૈસા હારી જઈએ એટલે દેવું થઈ જાય. તેને ભરપાઈ કરવા ચોરી કરવી પડે. બાકી આપણે તો ચોરીના પૈસા ગોમાંસ બરાબર છે.”

“એટલે ટૂંકમાં તમે જુગાર રમો છો, વેશ્યાવાડે જાઓ છો, અને પકડાઈને જેલમાં પણ જાઓ છો?”

“નારે હું શેનો જેલમાં જાઉં. જે હવાલદાર મને પકડવા આવેલો તેનો તો મેં ફેંટ મારીને પછાડી દીધેલો અને પછી ભાગેલો. પણ સામેથી ફોજદાર આવેલો અને એણે મને પાડી દીધો. આમ તો એને પણ હું પહોંચી વળત, પણ માળો ઈન્સ્પેક્ટર પણ સાથે હતો. એટલે એ બે જણ થયા. અને હું એકલો. એ લોકો બે ને બદલે એક જ હોત તો તો હું ફોજદારને તો અધમૂઆ કરી નાખતે … હા..”

“એટલે કે તમે મારામારી પણ કરો છો…. બધી વાતે પૂરા છો.”

“આ બધું એલચીની વાંહેવાંહે હાલ્યુ આવે છે…”

શિરીષ મોહનલાલ દવે

ટેગ્સઃ બિલ્ડર, જમીન માફીયા, અખબારો, પત્રકારો, કમિશ્નરો, અફસરો, બીજેપી, કોંગી, આંદોલન પ્રિય, ગુજ્જુ

 

Read Full Post »

%d bloggers like this: