Feeds:
Posts
Comments

Posts Tagged ‘અમિત શાહ’

જી.એસ.ટી.માં ચાંચ મારવી કે પૂંછડી?

જી.એસ.ટી.માં ચાંચ મારવી કે પૂંછડી?

સમાજશાસ્ત્રમાં ઇતિહાસ, રાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્રનો સમાવેશ થઈ જાય. જી.એસ.ટી. આમ તો અર્થશાસ્ત્રમાં આવે. જો તમે અર્થશાસ્ત્રી હો તો અર્થશાસ્ત્રના પરિપેક્ષ્યમાં ચર્ચા કરો. જો તમે રાજશાસ્ત્રી હો તો તેની રાજકીય પરિપેક્ષ્યમાં ચર્ચા કરો. ઇતિહાસકાર હો તો કદાચ તમે તેના અતિ લાંબાગાળાની અસરો વિષે ચર્ચા કરો. જો તમે સમાજશાસ્ત્રી હો તો તમે બધી જ ચર્ચા કરો અને એક પુસ્તક પણ કદાચ લખો. જો કે આ બધી ભેદરેખાઓ બહુ સુક્ષ્મ નથી એટલે તમે કદાચ તેનો લાભ લઈ શકો અને જેમ રાજશાસ્ત્રમાં ડૂબેલા કેટલાક લોકો પોતાની લુલીને (જીવ્હાને) બેફામ રીતે મૂક્ત વિહાર કરવા દે છે તેમ આપણા કેટલાક તંત્રીશ્રી દ્વારા જે તે ક્ષેત્રમાટે પ્રમાણિત કટારીયા (કોલમીસ્ટ), મૂર્ધન્યો પોતાની જીવ્હાને તેમની લેખિની દ્વારા વાચા આપે છે એટલે કે લખે છે.

વાચકોને શું વાંધો પડી શકે?

વાચકોને કોણ પૂછે છે? આપણા ભારતમાં તો જનતંત્ર છે એટલે બધા ભારતીયોને વાણીવિલાસનો જન્મસિદ્ધ અધિકાર છે. સમાચાર માધ્યમોના વિશ્લેષકો એટલે કે કટારીયા ભાઈ-બેનો પણ પોતાનો જન્મસિદ્ધ અધિકાર ભોગવી જ શકે છે. જો કોઈને વાંધો પડતો હોય તો તે, એક રૉટલો વધુ ખાય.

પણ વાત શી છે?

વાત જાણે એમ છે કે આપણે તો સામાન્ય માણસ છીએ, એટલે આપણે કોઈ વિષયમાં નિપૂણ થવું નથી. પણ જે તે વિષયના નિપૂણો જે કંઈ કહે (કે લખે) તે વાંચવું. જેથી આપણા સામાન્ય જ્ઞાનમાં વૃદ્ધિ થાય.

હમણાં હમણાં છાપાઓમાં જી.એસ.ટી.ને લગતું ઘણું બધું  આવે છે. સામાન્ય માણસ જો ધંધો ન કરતો હોય તો, તેને એટલો જ રસ તો હોય જ, કે કઈ વસ્તુ કેટલી મોંઘી થશે કે કેટલી સસ્તી થશે!

જો કે આમ તો અર્થશાસ્ત્રના માન્ય સિદ્ધાંત પ્રમાણે વિકસતા અર્થતંત્રમાં મોંઘવારી વધતી જ જાય છે એટલે જો આપણો દેશ વિકાસશીલ હોય તો આપણા દેશમાં મોંઘવારી તો વધશે. પણ આ મોંઘવારી કોઈ બીજું વધારાનું બહાનું ન શોધે તે જાણી લેવું સારું.

આપણા ડી.બી.ભાઈ (દિવ્યભાસ્કર સમાચાર પત્રવાળા) એક અગ્રગણ્ય છાપું છે. તેમાંના એક કટારીયાભાઈ ડૉ. હરિભાઈ (હરિભાઈ દેસાઈ) કે જેઓશ્રીને ડૉક્ટર હોવાના નાતે સંશોધક તો વાચકોએ ગણવા જ પડે અને તેથી ડી.બી.ભાઈ તેમના નામ નીચે સંશોધક ન લખે તો પણ ચાલે. પણ લખવું સારું કે જેથી કોઈ તેમને “જેવા તેવા” ન સમજે. આ ઉપરાંત હરિભાઈ વિશ્લેષક પણ છે. જો કે સંશોધનનો એક હિસ્સો વિશ્લેષણ પણ હોય છે. વિશ્લેષણનું કામ વિભાગીકરણ અને નામકરણ હોય છે. આ માટે જે તે ક્ષેત્રની નિપૂણતા હોય તો “આઈટેમ”ના ગુણધર્મો સમજી શકાય, અને તેને આધારે વિશ્લેષણ થઈ શકે. હવે આમાં ત્રીજું એક પ્રમાણ પત્ર ઉમેરો એટલે જો કશું આડું અવળું લખાઈ જાય તો ક્ષમ્ય ગણાય. આ પ્રમાણપત્ર છે પત્રકારિત્વનું પ્રમાણપત્ર “પત્રકાર”. એટલે કે “સબ બંદરકા બ્યાપારી”. બંદર એટલે “પૉર્ટ”. વાંદરો નહીં, પણ કૂદાકૂદ કરવાની છૂટ્ટી. એટલે કે “એક વિષય ઉપરથી તે વિષયની વાતને અધૂરી રાખી, બીજા વિષય ઉપર કૂદવું” તેમ સમજવું.

આપણે મુખ્ય વિષય પર આવીએ.

વિષય છે “જી.એસ.ટી.”. કાટારીયા ભાઈ છે ડૉક્ટર, એટલે કે સંશોધક. એટલે વાચકોની સામાન્ય ધારણા હોય કે “જી.એસ.ટી.” ની “ભારતીય અર્થતંત્ર ઉપર કઈ કઈ રીતે કેવી કેવી અસરો પડશે” તે વિષે જાણવા મળશે.

આ જી.એસ.ટી. શું છે?

જી.એસ.ટી. એટલે ગુડઝ(માલ) અને સેવા (સર્વીસ) ઉપર ટેક્સ(કર).  આ ટેક્સને ટૂંકમાં “યુનીફાઈડ ટેક્સ થીએરી(થીએરીને બદલે સીસ્ટમ કહેવું ઠીક રહેશે. સીસ્ટમ=પ્રણાલી)” એમ કહી શકાય. ભૌતિકશાસ્ત્રમાં જેમ “યુનીફાઈડ ફીલ્ડ થીએરી છે અને આ ફીલ્ડ થીએરી બધાં જ ફિલ્ડ પરિબળોની અસરને એક જ સમીકરણમાં કેવીરીતે દર્શાવી શકાય તેની ચર્ચા કરતી અને પ્રતિપાદન કરતી થીએરી છે. તેમ સરકારના બધા ટેક્સ ને એક જ નામ રુપી ટેક્સમાં સાંકળી લેવા તે ટેક્સને જી.એસ.ટી. નામ આપવામાં આવ્યું છે. જો કે આયકર (ઈન્કમટેક્સ)ને આમાં આવરી લેવામાં આવ્યો નથી. એમ તો યુનીફાઈડ ફીલ્ડ થીએરીમાં ગુરુત્વાકર્ષણને આવરી લેવાયું ન હતું. પણ પછી રામનુજમના સમીકરણની ખૂબી સમજાતાં ગુરુત્વાકર્ષણને આવરી લેવામાં આવ્યું હતું. રામાનુજમના સમીકરણને માન્યતા મળી. ભવિષ્યમાં આયકરને નાબુદ કરવામાં આવશે તે શક્યતા નકારી ન શકાય. પણ એ વાત જવા દો.

વાચક એમ માનતો હોઈ શકે કે આ લેખમાં જી.એસ.ટી.ની અસરો વિષેનું લગતું કંઈક હશે.

“હરિ ૐ”

“હરિ ૐ”નું રહસ્ય તમે સમજતા હશો. ન સમજતા હો તો સમજો. હરિ એટલે વિષ્ણુ ભગવાન. ૐ એટલે “પ્રથમ તત્ત્વ” એટલે કે મૂળભૂત તત્વ, પરમતત્ત્વ, બ્રહ્મ કે પરમબ્રહ્મ. હવે જે હરિ છે એમને તો સર્વપ્રથમ માનવાના છે. હરિની પહેલાં કશું હોઈ ન શકે. એટલે ૐથી પણ પહેલાં હરિ ને માનવાના. માટે ૐ ને પહેલાં નહીં બોલવાનો. એટલે કે “ૐ હરિ” ન બોલાય. હરિ ૐ” બોલાય.

તેવી જ રીતે આપણા કટારીયા “હરિભાઈ દેસાઈ” નો પૂર્વગ છે ડૉક્ટર. એટલે કે હરિભાઈ સંશોધક પહેલાં છે અને પછી પત્રકાર છે એમ વાચક ધારણા રાખી શકે. પણ વાચક આમાં “ખાંડ ખાય છે”.

ઘણા પત્રકારોનો એજંડા અલગ હોય છે. આપણા કટારીયા ભાઈનો એજંડા પણ અલગ હોઈ શકે છે. એજંડા કંઈક આવો છે.

CONVERT OBSTRUCTIONS INTO OPPORTUNITY

સાલુ ….. આ મોદીએ તો ભારે … ઘાણી કરી ….

જી.એસ.ટી. લાગુ કર્યું અને તે પણ અડધી રાત્રે અને વળી પાછા આઝાદી એટલે કે “અડધી રાત્રે આઝાદી” સાથે તેને સરખાવે છે.

મુખ્ય વાંધો તો એ છે કે જી.એસ.ટી.ના અમલની અડધી રાત્રે ઉજવણી ગોઠવવામાં આવી. વળી આ ઉજવણીને આર્થિક આઝાદીના દિવસ તરીકે સંસદના સેન્ટ્રલ હોલમાં ઉજવવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો. તો હવે આનો વિરોધ કેવી રીતે કરવો?

“જીભ હાબદી તો ઉત્તર ઝાઝા”

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓની જીભ તો હાબદી (હાબદી=સાબદી, સજ્જ, તૈયાર) જ હોય છે. નવરા ધૂપ હોવું એ પણ એક “હાબદાઈ”નું પરિબળ બને છે. નહેરુવીયન કોંગ્રેસના સાંસ્કૃતિક સાથીઓ પણ નહેરુવીયન કોંગ્રેસીઓથી ઉણા ઉતરે એવા નથી, કારણ કે તેમનો એજંડા પણ એ જ છે કે “મોદી”ને કોઈ ખ્યાતિ ન મળવી જોઇએ. એટલે જે કોઈ બનાવ હોય તેનો જો મોદી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખ્યાતિ માટે ઉપયોગ કરતો હોય અથવા આપોઆપ થઈ જતો હોય તો તે બનાવને વિવાદાસ્પદ બનાવી દો અને ચર્ચા “વિશ્લેષણાત્મક” બનાવવાને બદલે આડે પાટે ચડાવી દો.

કોઈ એક બનાવને ચર્ચા તરીકે જોવો હોય તો ચર્ચાના મુદ્દાની સકારાત્મ અને નકારાત્મક એમ બંને અસરો વિષે લખવું જોઇએ અને ગુણદોષ જોવા જોઇએ. જે પરિબળ/પરિબળોનો મહત્તમ સરવાળો વધુ પ્રભાવકારી હોય તેના આધારે નિષ્ક્રર્ષ ઉપર પહોંચવું જોઇએ. પણ કટારીયાભાઈનો આવો શૈક્ષણિક એજંડા નથી તે આપણે જાણીએ છીએ. એટલે તેમણે જી.એસ.ટી. ને રાજકીય આઝાદીની સાથેની સરખામણીને ખોટી ઠેરવી.

ચંદ્રમુખી નારાજ થઈ

એક કવિએ એક સ્ત્રીને ચંદ્રમુખીની ઉપમા આપી એટલે તે સ્ત્રી નારાજ થઈ ગઈ.

તે સ્ત્રી શા માટે નારાજ થઈ ગઈ?

ચંદ્રની સપાટી તો ખાડાખડિયા વાળી છે. તે સ્ત્રીને પોતાના મુખારવિંદને ખાડાખડિયાવાળું કહેવાય તે ગમ્યું નહીં.

હવે જો આપણે સરખામણી વિષે આવી રીતે વિચારીએ તો કોઈ પણ સરખામણી થઈ જ ન શકે. ઉપમા નામનો અલંકાર જ નષ્ટ કરી દેવો પડે. જે કવિએ સરખામણી કરી હતી તેમાં સૌદર્ય ની સરખામણી હતી. નહીં કે ચંદ્રની વાસ્તવિક સપાટીની સરખામણી. ધારો કે કોઈ કહે કે અમિત શાહ  તો ચાણક્ય  છે. તો બીજો કહેશે કે પણ અમિત શાહને ચોટલી ક્યાં છે? ચાણક્યને તો ચોટલી હતી. જો આપણે ઉપમા અને ઉપમેયના ભેદ જોવા માંડીએ તો ભેદની સંખ્યા જ વધી જાય. બધી વસ્તુઓ તો મળતી આવે જ નહીં.

આર્થિક ક્રાંતિ

જી.એસ.ટી. ને આર્થિક ક્રાંતિ તરીકે ઓળખવવામાં આવી. ૧૫મી ઓગષ્ટ એ એક રાજકીય ક્રાંતિ હતી. રાજકીય ક્રાંતિ થકી આર્થિક ક્રાંતિ આવી શકે ખરી પણ આર્થિક ક્રાંતિ આપોઆપ ઉત્પન્ન થઈને રાજકીય ક્રાંતિની પાછળ પાછળ આવતી નથી. આર્થિક ક્રાંતિને લાવવી પડે છે. આર્થિક પ્રણાલીઓ બદલવી પડે છે. આર્થિકક્રાંતિનું એક મહત્વનું પરિબળ કર માળખું પણ છે. તેને બદલવામાં આવ્યું. કર (ટેક્સ)ને ભાવ સાથે સંબંધ છે. કર બદલાય એટલે ભાવ પણ બદલાય. અને આ કામ તો શૂન્યકાળથી અમલમાં આવે તેમ કરી શકાય. જેમ પેટ્રોલના ભાવ રાત્રે શૂન્યકાળે જ બદલવામાં આવે છે.

ટૂંકમાં આ આર્થિક કર-પ્રણાલી જુલાઈમાસના પ્રારંભથી (પહેલી તારીખ શૂન્યકાળથી) અમલમાં મૂકવામાં આવી અને તેને માટે મોટા દેકારા પડકારા કરવામાં આવ્યા તે બરાબર નથી એમ આપણા કટારીયાભાઈ માને છે. તેમને હિસાબે આ બધું ચૂપચાપ થવું જોઇએ.

જો કે નહેરુવીયન કોંગ્રેસના એક ફરજંદે તો કટોકટી ૨૬મીના શૂન્યકાળથી અમલમાં મૂકી હતી. તેમાં એવી જોગવાઈ હતી કે શાસકની સામેના વિરોધને શાસનનો વિરોધ ગણવામાં આવશે અને શાસનનો વિરોધ દેશની સામે બળવાના રુપમાં જોવામાં આવશે. અને આવી શંકા પણ દંડને (કારાવાસને) પાત્ર થશે. અને નિયમ પાછલી તારીખથી ગણવામાં આવશે. એટલે કે વિદ્યમાન વ્યક્તિએ (જીવતી વ્યક્તિએ) ૨૬મી જુન ૧૯૭૫, ની પહેલાં કરેલા આવા કામોને પણ ગુનાઈત ગણવામાં આવશે. એટલે જ તો જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ, અટલબિહારી બાજપાઈ, મધુ લીમયે વિગેરે હજારોને તેમના તથા કથિત ૨૬મી જુન ૧૯૭૫ની પહેલાં કરેલા નિવેદનોને દેશની સામે બળવો કરવા માટે ઉશ્કેરણીવાળા છે તેમ અર્થઘટિત કરવામાં આવેલ. અને આ બધા લોકોને અનિયતકાલ માટે જેલમાં પૂરવામાં આવેલ.

જો કે બધા શાસકો ગાંડું ન કાઢે. પણ ઈન્દિરા ગાંધી નામના નહેરુવીયન ફરજંદને આવી, પૂર્વ-પ્રભાવી (પૂર્વેના દિવસોથી અમલમાં આવે) કાયદાઓ બનાવવાની આદત હતી. જો કે અત્યારે આ ચર્ચાનો વિષય નથી તેથી  તે વાત આપણે હાલ નહીં કરીએ. પણ તે શાસકના જ અનુગામીઓ, જ્યારે શાસક કાયદેસરની માન્ય પ્રણાલીઓને આગામી નિશ્ચિત તારીખથી અમલમાં મૂકે, તેમાં શો વાંધો હોય તે સમજી શકાતું નથી.

નવી પ્રણાલીને શા માટે ઉજવવી?

આપણા કટારીયા ભાઈ કહે છે કે “ … નવી પ્રણાલીને ઉજવવી અને તેને માટે ખાસ સંસદ-સત્ર બોલાવવું અને રાષ્ટ્રપ્રમુખ પાસે રાત્રે શૂન્ય કલાકે ડંકો વગાડાવવો એ બધું પ્રસિદ્ધિ કાજેનું અંધાનુકરણ છે”.

“અંધાનુકરણ” એ શબ્દ પ્રયોગ સમજાય એવો નથી. જો આનો અર્થ “આંધળું અનુકરણ” ગણીએ તો “કોનું અનુકરણ” પ્રશ્ન ઉભો થાય. તે ઉપરાંત જેનું અનુકરણ કરવામાં આવ્યું તે કર્તાએ જે હેતુને બર લાવ્યો હતો એટલે કે સાધ્યો હતો, તે હેતુ અહીં બર આવ્યો નથી. પણ લોલં લોલ કરીને વ્યંઢ અનુકરણ કરવામાં આવ્યુ છે.

“અંધાનુકરણ”નો સચોટ દાખલો જોઈતો હોય તો તે આ છે.

નરેન્દ્ર મોદીએ ”ચાય પે ચર્ચા” એવું આયોજન કર્યું. એટલે આપણા નહેરુવીયન ફરજંદે “ખાટપે ચર્ચા”નું આયોજન કર્યું. આ અનુકરણને અંધાનુકરણ કહી શકાય કારણ કે “ખાટપે ચર્ચા”નું શું થયું તે આપણે સૌ જાણીએ છીએ.

“સંસદ”નો ઉપયોગ રાજકારણ માટે ન થવો જોઇએ તેવું પણ આપણા કટારીયાભાઈનું કહેવું છે. જો કે આ વાત આમ તો હાસ્યાસ્પદ લાગે છે. નહેરુવીયન ફરજંદે તો “અમે તો સંસદ ચાલવા જ નહીં દઈએ” એમ કહ્યું હતું. ગયે વરસે રાજસભા ઠપ જ થઈ ગયેલી. લોકસભા પણ નહેરુવીયન કોંગ્રેસે અને તેના સાંસ્કૃતિક સાથીઓએ અવારનવાર ખોરવી દીધેલી. એ પણ એટલી હદ સુધી કે તેઓ ખુદ જનતામાં બદનામ થઈ ગયેલ.

બીજેપીવાળા પણ જ્યારે વિપક્ષમાં હતા ત્યારે તેઓએ પણ આવું  કરેલ તેમ હાલના વિપક્ષોનું કહેવું છે પણ જો તમે વિગતો જોશો તો ખ્યાલ આવશે કે પૂર્વનો વિપક્ષ, પ્રશ્નોના ઉત્તર માગતો હતો અને પૂર્વનો શાસક પક્ષ ઉત્તરો આપતો નહતો. જ્યારે હાલનો વિપક્ષ, શાસક પક્ષના ઉત્તરોને સાંભળવાની વાત તો બાજુ પર મૂકો પણ તે તો શાસક પક્ષને સાંભળવા માગતો જ ન હતો. હાલનો વિપક્ષ તો પોતે પ્રશ્ન પૂછવા કે ચર્ચા કરવા તૈયાર જ ન હતો. હાલના વિપક્ષનું ધ્યેય તો તેના નહેરુવીયન કોંગ્રેસના ફરજંદે કહ્યા પ્રમાણે સંસદ જ ન ચાલે તે જ હતું. તો હે કટારીયાભાઈ, “અમે સંસદ ચાલવા જ નહીં દઈએ” એ વાતને “રાજકારણ” નહીં કહો તો શું કહેશો?

નહેરુવીયન કોંગ્રેસ અને તેના અમુક સાંસ્કૃતિક સાથીઓએ તો સંસદને રાજકારણનો અખાડો બનાવ્યો છે. ઈન્દિરા ગાંધી જ્યારે એક વખત વિપક્ષમાં હતી ત્યારે કહ્યું હતું કે શાસકનો વિરોધ કરવો એ અમારો ધર્મ છે અને અમે એમ જ કરીશું. તે વખતના સમાચાર માધ્યમોએ તાલીઓ પાડી હતી. ટૂંકમાં કટારીયાભાઈની માનસિકતા એમ છે કે “જો શાસક, સંસદમાં સારું કામ કરે તો તેને રાજકારણ કર્યું એમ કહેવાય અને ખરાબ કામ કરે તો શાસન કર્યું કહેવાય. અને બીજેપીએ સારા કામોનું રાજકારણ ન ખેલવું જોઇએ.” કટારીયાભાઈનું આવું અવલોકન “અહો ! વૈચિત્ર્યમ્‌ !!” લાગતું નથી શું?

નો ક્રેડીટ ટુ નરેન્દ્ર મોદી

આપણા કટારીયાભાઈને “જી.એસ.ટી.” ના અમલના મુદ્દે નરેન્દ્ર મોદી સરકાર “ક્રેડીટ” લઈ જાય તે પસંદ નથી. કારણ કે નરેન્દ્ર મોદી તે માટે હક્કદાર નથી. હક્કદાર એટલા માટે નથી કે નરેન્દ્ર મોદીએ જ જી.એસ.ટી. વિધેયકનો વિરોધ કરેલો અને તે પણ ત્યારે કે જ્યારે અટલ બિહારી બાજપાઈની સરકાર હતી અને નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. જો પોતાના પક્ષની જ સરકાર હોય અને જો કોઈ મુખ્ય મંત્રી તેનો વિરોધ કરે ત્યારે સમજવું જ જોઇએ કે વિરોધમાં કંઈક તથ્ય સમાયેલું છે અને તે એ કે જી.એસ.ટી.નું વિધેયક ક્ષતિપૂર્ણ રહ્યું હોઈ શકે. કટારીયા ભાઈએ સમજવું જોઇએ કે હાલનું જી.એસ.ટી. વિધેયક, બાજપાઈની સરકારે રજુ કરેલા જી.એસ.ટી.  વિધેયકની “કાર્બન કોપી” નથી. એટલું જ નહીં, હાલનું જી.એસ.ટી. વિધેયક, નહેરુવીયન કોંગ્રેસની સરકારે રજુ કરેલા જી.એસ.ટી. વિધેયકની પણ કાર્બન કોપી નથી. ત્રણે બીલના પ્રાવધાનો ભીન્ન ભીન્ન છે.

હાલનું વિધેયક  સર્વે પક્ષોના વિચાર વિમર્શના “સમૂદ્ર મંથન”ની નીપજ છે. નહેરુવીયન કોંગ્રેસની સરકારે આવું કશું કર્યું ન હતું. “જી.એસ.ટી. સંકલન સમિતિ” જેવું કશું રચ્યું ન હતું. નહેરુવીયન કોંગ્રેસે તો “ગર્ભ ધારણ” વગરની પ્રસૂતિની પીડા જ જન્માવી હતી. જે કામ નરેન્દ્ર મોદીની સરકાર ત્રણ વર્ષમાં કરી શકી હતી તે કામ લાબાંગાળાનો શાસનનો અનુભવ ધરાવતી નહેરુવીયન કોંગ્રેસ દશવર્ષેય કરી શકી ન હતી. કારણ કે તેની દાનત જ ન હતી. નહેરુવીયન કોંગ્રેસની અંદર જ “બાર પુરબીયા અને તેર ચોકા” જેવી સ્થિતિ હતી. એટલે કટારીયાભાઈએ સમજવું જોઇએ કે નરેન્દ્ર મોદીનો બાજપાઈ સરકારના જી.એસ.ટી. વિધેયકનો વિરોધ નિરર્થક ન હતો. નહેરુવીયન ફરજંદ રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીમાં જમીન આસમાનનો ફેર ઉડીને આંખે વળગે તેવો છે.

જો આપણા કટારીયાભાઈ ધાર્યું હોત તો બાજપાઈની સરકારની જી.એસ.ટી. વિધેયક પસાર કરવાની નિસ્ફળતાને ઉજાગર કરી શક્યા હોત. પણ તેમણે તે કર્યું નથી તે સુષ્ઠુ જ છે. બાજપાઈને ભારતની ત્રણ સ્ત્રીઓ(માયા, મમતા, જયા)એ બહુ કનડ્યા હતા અને તે ત્રણેય સ્ત્રીઓ પોતાનો સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લેવાની ધમકીઓ, નાના નાના મુદ્દાઓ ઉપર પણ આપ્યા જ કરતી હતી.

નરેન્દ્ર મોદી એ બાજપાઈ નથી. નરેન્દ્ર મોદી એ મનમોહન નથી. નરેન્દ્ર મોદી એ રાહુલ ગાંધી તો હોઈ જ ન શકે. રાજસભામાં બહુમતિ ન હોવા છતાં પણ જી.એસ.ટી. વિધેયક પસાર કેવી રીતે કરાવવું તે નરેન્દ્ર મોદી જાણે છે. અને આ જી.એસ.ટી. વિધેયકને લાગુ કરવાની ઘટનાને ઉજવવી તેમાં પણ નરેન્દ્ર મોદીની ગણત્રીઓ છે. જો કેટલાક સુજ્ઞ જનોને આ વાત ન સમજાય તો તે સંશોધનનો વિષય છે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ   જી.એસ.ટી., વિધેયક, રાજસભા, લોકસભા, સંસદ, સેન્ટ્રલ હૉલ, અર્થશાત્રી, રાજકીય, શાસન, શાસક, ઇતિહાસકાર, સમાજશાસ્ત્રી, તંત્રીશ્રી, મૂર્ધન્ય, રાજ્યશાસ્ત્ર, કટારીયા, ડૉક્ટર, વાણીવિલાસ, જન્મસિદ્ધ, હક્ક, અધિકાર, સમાચાર માધ્યમ, વિશ્લેષક, સંશોધક, ડી.બી.ભાઈ, દિવ્યભાસ્કર, ૐ, હરિ ૐ, હરિભાઈ દેસાઈ, જનતંત્ર, નિપૂણ, જેવા તેવા, નહેરુવીયન કોંગ્રેસ, ફરજંદ, ઈન્દિરા ગાંધી, સમીકરણ, યુનીફાઈડ ટેક્સ થીએરી, સાંસ્કૃતિક સાથી, વિવાદાસ્પદ, ચંદ્રમુખી, મુખારવિંદ, અમિત શાહ, ચાણક્ય, ચોટલી, ઉપમા, ઉપમેય, ક્રાંતિ, આર્થિક, નરેન્દ્ર મોદી, શૂન્યકાળ, પ્રણાલી, અંધાનુકરણ, હાસ્યાસ્પદ

 

Read Full Post »

કૂતરાઓ કેમ ભસે છે?

આપણે કૂતરાઓનું અપમાન કરવા માગતા નથી. કૂતરાઓ વફાદાર હોય છે. કૂતરાઓ ત્યાગી હોય છે. કૂતરાઓ થેંકફુલ હોય છે. કૂતરાઓ થેંકલેસ હોતા નથી, એટલે કે કૃતઘ્ન હોતા નથી. કૃતઘ્ન એટલે કે કોઇએ તેમના ઉપર ઉપકાર કર્યો હોય તો તે તેને ભૂલી જાય અને સ્વાર્થ માટે તેના ઉપર અપકાર કરે.

નહેરુવીયન કોંગ્રેસને અને તેમના સંસ્કારને આધારે મળતીયાઓને ઘણા લોકો કૂતરાની પ્રજાતિ સાથે સરખાવે છે. ત્યારે આપણે સમજવુ આ સરખામણી કૂતરાના બધા ગુણો માટે લાગુ પડતી નથી. પણ દુર્ગોણો માટે જ લાગુ પડે છે. ઉપમા અને ઉપમેય ફક્ત ઉપમાના તથા કથિત સંદર્ભમાં રહેલા ભાવ પુરતાં જ લાગુ પડે છે.

આર કે ધવન અને ઇન્દિરા ગાંધીનો કૂતરો

આર કે ધવન ઇન્દિરા ગાંધીના રહસ્યમંત્રી હતા. તેઓશ્રીને ઇન્દિરા ગાંધીના નિવાસ સ્થાને  ક્યારેક જવાનું પણ થતું. એટલે ઇન્દિરા ગાંધીનો પાળેલો કુતરો તેમને ભસતો નહીં. આર કે ધવનને કૂતરા ખાસ ગમતા નહીં. એટલે એમણે ઇન્દિરા ગાંધીના કૂતરાને ક્યારેય પંપાળેલો નહીં. એટલે ઇન્દિરા ગાંધીનો કુતરો, આર કે ધવનની પાસે પંપાળવાની અપેક્ષા રાખતો ન હતો અને તેમનો હેવાયો થાય તે પણ સંભવ ન હતું.

એક વખત આર. કે. ધવન, ઇન્દિરા ગાંધીના નિવાસસ્થાને ગયા. તે વખતે ઇન્દિરા ગાંધીના ઘરે ગૃહયુદ્ધ ચાલતું હતું. કોની વચ્ચે આ ગૃહયુદ્ધ ચાલતું હશે તેઓ તમે સમજી જ ગયા હશો. હાજી. મેનકા ગાંધી અને ઇન્દિરા ગાંધી વચ્ચે વાગ્‌યુદ્ધ ચાલતું હતું. આર કે ધવન શરુઆતમાં તો આ ઈન્દિરા અને મેનકા વચ્ચે સામ સામે ફેંકાતા વાગ્‍બાણોને શ્રવણ કરતા રહ્યા. તે વખતે ઇન્દિરા ગાંધીનો કુતરો પણ હાજર હતો. આ કુતરો આ વાગ્‌યુદ્ધની ભાષા ન સમજનારો શ્રોતા હતો. ઇન્દિરા ગાંધી બોલે એટલે આ કુતરો ઇન્દિરા ગાંધી સામે પોતાનું ડોકું ફેરવે અને મેનકા ગાંધી બોલે એટલે તે મેનકા ગાંધી તરફ જુએ. આમ તે પોતાના ડોકાને ફેરવ્યા કરે. ઇન્દિરા ગાંધી અને મેનકા ગાંધી તો ઘરના સદસ્ય હતા. અને બંને કૂતરા માટે તો આપ્તજન જ હતા. એટલે કુતરો કોઈનો પક્ષ લઈ શકે તેમ ન હતો. તે નિરુપાય થઈને પોતાનું ડોકું જે દિશામાંથી અવાજ આવે તે દિશામાં ફેરવ્યા કરતો. હવે થયું એવું કે મેનકા ગાંધી અને ઇન્દિરા ગાંધી વચ્ચેના વાગ્‌યુદ્ધમાં આર. કે. ધવન કંઇક બોલ્યા. કૂતરાને થયું આ માણસ શેનો વચ્ચે બોલે છે એમ વિચારીને કૂતરાએ “હાઉ” કરીને આર કે ધવનને કુલે બચકું ભરી લીધું.

ઇન્દિરા ગાંધીના ઘરમાં કેટલા પાળેલા કૂતરા હતા તે આપણે જાણતા નથી. પણ ઘરની બહાર નહેરુવંશીઓએ અનેક પ્રાણીઓ પાળ્યા છે તે વાત સૌ કોઈ જાણે છે. પણ આપણે કૂતરાઓની જ વાત કરીશું અને તે પણ ભસતા કૂતરાઓની વાત જ કરીશું. હવે આ કૂતરાઓ કરડી શકે તેમ નથી કારણ કે તેમની પાસે કેન્દ્રમાં સત્તા નથી પણ તેઓ ભસી તો શકે જ છે. એટલે તેઓ પ્રસંગોત્પાત્‌ ભસવાનું ચૂકતા નથી.

તમે પૂછશો પણ આ ભસનારા કોણ છે અને ક્યાં છે? 

તમે જાણતા હશો કે એલન ઓક્ટેવીયન હ્યુમ દ્વારા સ્થાપાયેલી કોંગ્રેસ આમ તો મહાનુભાવો માટે વાતોના તાડાકા મારવાની અને બ્રીટીશ સરકાર સાથે ભારતીય પ્રજાની વચ્ચે સંવાદના સેતુ તરીકે કામ કરવાના હેતુ સાથે સ્થપાયેલી ક્લબ જેવી સંસ્થા હતી. સુચારુ રીતે સંવાદ થાય તે માટે મહાત્મા ગાંધીએ કોંગ્રેસના દ્વાર આમજનતા માટે ખોલી નાખ્યા ને તેનું સંગઠન દેશવ્યાપી કર્યું.

આ કોંગ્રેસમાં ઘોડા, ગધેડા, ગાય, આખલા, ભેંસ, કૂતરા, સિંહ, વાઘ, વરુ, શિયાળ, ઉંદર એમ બધા જ હતા.

કાળક્રમે મહાત્મા ગાંધીએ જોયું કે બ્રીટીશ રાજકર્તાઓ દંભી છે અને ઠગ પણ છે. તેમણે દેશને માનસિક રીતે અને ભૌતિક રીતે પાયમાલ કરી દીધો છે. તેમણે વૈવિધ્યતાવાળા દેશને, વૈવિધ્યતાને  આધાર બનાવી જનતાને અનેક જુથોમાં વિભાજિત કરીને એકબીજા સામે બાખડતો કરી દીધો છે. એટલે તેમણે સંપૂર્ણ સ્વાતંત્ર્યની લડત ચલાવી.

ચર્ચા દ્વારા ગળાયેલો શુદ્ધ નિર્ણય

જો કોઈ પ્રજાને જાગૃત કરવી હોય અને તેનું ગૌરવ પાછું અપાવવું  હોય તો માનસિક સુધારાઓ લાવવા પડે. માનસિક જાગૃતિ લાવવી પડે. વૈચારિક અને ભૌતિક સ્વાવલંબન લાવવું પડે. પ્રજ્ઞાવાન બનાવવી પડે. સારા ખોટા વચ્ચેનો  ભેદ સમજાવવો હોય તો તે સમજાવવા માટે જનતા ઉપર દબાણ ન લાવી શકાય. ટૂંકમાં સુધારાઓ લાવવા માટે જે વ્યક્તિઓ પોતાને સુધારાવાદી માનતી હોય તેમણે પરોક્ષ અને પ્રત્યક્ષ હોદ્દાઓ સ્વિકારવા ન જોઇએ.

જો તમે કોઈને સલાહ આપવા માગતા હો તો તે સલાહનો અમલ તમારાથી કરવો જોઇએ. એટલે ગાંધીજીએ પોતે ૧૯૩૩થી પોતાના બધા જ હોદ્દાઓનો ત્યાગ કર્યો. તે એટલે સુધી કે તેઓશ્રી કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી પણ દૂર થયા. જોકે તેમણે કોંગ્રેસને સલાહ આપવાનું અને ચર્ચા કરવાનું, એક સામાન્ય નાગરિકની રુએ ચાલુ રાખ્યું જેથી તેમની સલાહ ઉપર દબાણ વગરની વ્યાપક ચર્ચા થાય અને જે નિર્ણય નીપજે તે વ્યાપક ચર્ચાની ગળણી દ્વારા ગળાયેલો શુદ્ધ હોય.

ગાંધીજીએ, સરકારની સાથે જનતા માટે પરસ્પર ચર્ચાના,  સરકારની સામે અહિંસક આંદોલનના, સત્યાગ્રહના અને સવિનય કાનૂન ભંગના નિયમો બનાવેલા જેથી સરકારનો અને જનતાનો પણ વૈચારિક વિકાસ થાય.

કાળક્રમે જનતાના આંદોલન દ્વારા ભારતને સ્વતંત્રતા મળી. પણ આ સ્વતંત્રતાના અંતિમ આંદોલન દરમ્યાન ગાંધીજીને અનુભૂતિ થઈ કે કોંગ્રેસના હોદ્દેદારોમાં અનેક જાતના પ્રાણીઓ છે અને સૌનો એજન્ડા ભીન્ન ભીન્ન છે. જો સમાજમાં પ્રગતિશીલ સુધારા લાવવા હોય તો સુજ્ઞ નેતાઓ મનમાની કરે એવા છે અને પોતાના હોદ્દાઓનો દુરુપયોગ કરે એવા છે. “વૈચારિક રીતે ધનિક હોય”, તેવા  નેતાઓ જ સાધન શુદ્ધિ દ્વારા સામાજીક પરિવર્તન લાવી શકશે. શું આ બધી અદ્ધર અદ્ધર વાતો છે? ના જી. આ બધી અદ્ધર અદ્ધર વાતો નથી.

૧૯૪૭માં કોંગ્રેસનું અસ્તિત્વ ફક્ત વિભાજીત ભારતમાં જ હતું એમ ન હતું પાકિસ્તાન હસ્તક પ્રદેશમાં પણ કોંગ્રેસનું અસ્તિત્ત્વ હતું. ગાંધીજીએ  હિંસાની વ્યાપકતાના આધારે જોયું કે ભાગલા અનિવાર્ય છે મુસ્લિમ લીગ પાસે તો આશા રખાય એમ નથી પણ કોંગ્રેસી નેતાઓ જો પાકિસ્તાની પ્રદેશોમાં કોંગ્રેસને જીવતી રાખશે તો ભવિષ્યમાં જનતાને ભારતના ભાગલાની નિરર્થકતા સમજાવી શકાશે. એટલે જ્યારે પાકિસ્તાનમાંથી કોંગ્રેસી નેતાઓ ભાગીને ભારતમાં આવી ગયા. ગાંધીજીએ તેમને અતિ કડક શબ્દોમાં ઠપકો આપ્યો. આ શબ્દોનો તત્કાલિન કોંગ્રેસ વિરોધી વ્યક્તિઓએ અને નેતાઓએ જાણે કે આ શબ્દો પાકિસ્તાનથી આવેલા નિરાશ્રિતઓને કહ્યા હતા તેવો પ્રચાર કર્યો અને આજે પણ અમુક લોકો મહાત્મા ગાધી-ફોબિયાથી પીડિત છે.  મહાત્મા ગાધી-ફોબિયાથી પીડિત લોકો “ગૉન કેસ” છે. તેની ચર્ચા અહીં આવશ્યક નથી.

હોદ્દા પ્રાપ્ત કરવા માટે ભલામણનું દબાણ

ગાંઘીજીએ જોયું કે સ્વતંત્ર ભારતની કોંગ્રેસી સરકારમાં સામેલ થવા માટે ઘણા નેતાઓ ગાંધીજી પાસે સરકાર ઉપર દબાણ લાવવાની ભલામણ કરતા હતા.

આ બધું જોઈ અનુભવી ગાંધીજીએ કોંગ્રેસને ચેતવણી આપી હતી કે “જનતા તમને વીણી વીણીને મારશે”.

સ્વતંત્રતા મેળવ્યા પછી કોંગ્રેસે ભલે પોતાનું નામ ન બદલ્યું પણ આ ટોળાનું નામ આપણે નહેરુવીયન કોંગ્રેસ આપીશું. કારણ કે નહેરુએ સ્વતંત્રતા મેળવ્યા પછી તેનું ધ્યેય, સિદ્ધાંત અને આચાર બદલી નાખ્યા છે. પક્ષ તેના ધર્મથી ઓળખાય અને ધર્મ તેના આચારથી ઓળખાય છે.

નહેરુવીયન કોંગ્રેસના સમર્થકો જનતાને ઉઠાં ભણાવે છે.

 કોંગ્રેસમાં અને કોંગ્રેસ બહાર રહેલા કોંગ્રેસના સંસ્કારના સમર્થકો જનતાને કેવીરીતે ઉઠાં ભણાવે છે તેની આપણે ચર્ચા કરીશું.

આપણા એક કટારીયા ભાઈએ “અમિત શાહે કોંગ્રેસને વિખેરી નાખવાની વાત ગાંધીજીએ કરી હતી” તે ઉપર પ્રશ્ન ચિન્હ લગાવ્યું છે. હાજી. તેઓશ્રી એ ગાંધીજીના ઉચ્ચારણોનો સંદર્ભ વગર ઉપયોગ કરી મગજની કસરત કરી છે. [રેફરન્સ “ડી.બી.”ભાઈનું (દિવ્યભાસ્કરભાઈ) અંક તારીખ ૧૪ જુન ૨૦૧૭, કટારીયા ભાઈ ડૉ. હરિ દેસાઈ].

ગાંધીજી એમ માનતા હતા કે કોંગ્રેસનું કામ સામાજિક પરિવર્તનનું છે અને તે પણ મુક્ત સંવાદ દ્વારા. એટલે કે નેતાઓએ જનતા વચ્ચે જઈને સામાજીક સુધારાની વાતો કરવી જોઇએ. સત્તાના હોદ્દેદારો મુક્ત સમાજીક પરિવર્તન ન કરી શકે. આપદ્‌ધર્મ તરીકે ભલે કોંગ્રેસે સ્વાતંત્ર્યનું આંદોલન કર્યું. પણ હવે કોંગ્રેસના નેતાઓએ સામાજીક પરિવર્તનમાં લાગી જવું જોઇએ. એટલે કે કોંગ્રેસને હવે વિખેરી નાખો.

“સર્વ સેવા સંઘ”ને તમે કોઈ પણ નામ આપો. કોંગ્રેસે હવે સેવા સંઘ તરીકે કામ કરવું જોઇએ. રાજકીય પક્ષ તરીકે હવે કોંગ્રેસે હવે કામ કરવાની જરુર નથી. સ્વાતંત્ર્ય મેળવ્યા પછી જો ગાંધીજીએ કોંગ્રેસને જીવતી રાખવાની વાત કરી હોય તો તે આ અર્થમાં કરી હતી.

ગાંધીજીના છેલ્લા ત્રણ મહિનાની રોજેરોજના અક્ષરસઃ બોલાયેલા શબ્દોની રોજનિશી ઉપલબ્ધ છે. તેમાં કોંગ્રેસને રાજકીય પક્ષ તરીકે જીવતી રાખવાની કોઈ વાત નથી.

બીજેપી ઉપર તૂટી પડો.

બીજેપીના પક્ષ પ્રમુખ શ્રી અમિત શાહે વાત કરી કે “ગાંધીજી ચતુર વાણિયા હતા…. તેમણે કોંગ્રેસને (નહેરુવીયન કોંગ્રેસને) વિખેરી નાખવાની વાત કરી હતી.”

હવે આપણે આ કટારીયાભાઈના શબ્દ પ્રયોગો જોઇએ.

“કોંગ્રેસી ગોત્ર સામે ભાજપી આક્રોશ” આ લેખનું શિર્ષક કે શિર્ષ રેખા છે.

આ શિર્ષ રેખા કોણ નક્કી કરે છે? કટારીયા ભાઈ કે બીજું કોઈક તે આપણે જાણતા નથી. પણ એવું લાગે છે કોઈએ કહેવું જોઇએ કે “સહી શબ્દોંકા પ્રયોગ કરેં”. “આક્રોશ કરનારા” આમ તો હતાશ કે લાચાર માણસો હોય છે. અહીં બીજેપી માટે આ શબ્દ બંધબેસતો નથી. વાસ્તવમાં બીજેપીએ કોંગ્રેસને (નહેરુવીયન કોંગ્રેસને) ક્ષીણ કરી છે અને કોંગ્રેસ વધુને વધુ ક્ષીણ થતી જાય છે. એટલે નહેરુવીયન કોંગ્રેસના સમર્થકો આક્રમક થયા છે. તેથી તેમના ઉચ્ચારણોમાં શબ્દ અને અર્થનો મેળ પડતો નથી. ચાલો આ વાત જવા દો.

બીજેપીના પ્રમુખે શબ્દ પ્રયોગ કર્યો કે “ગાંધીજી ચતુર વાણિયા હતા …” જો કે જ્યારે આપણા કટારીયા ભાઈ, હરિભાઈ દેસાઈનો લેખ પ્રગટ થયો ન હતો ત્યારે ઘણા લોકોને (મારા સહિત) સમાચાર માધ્યમો દ્વારા ખબર જ પડી ન હતી કે “ગાંધીજી ચતુર વાણિયા હતા …” એવા શબ્દ પ્રયોગમાં સમાચાર માધ્યમોને વાંધો પડ્યો છે.

અમિતભાઈ શાહે શું એવું તે શું કહી નાખ્યું કે જાણે ધરતીકંપ થયો. ગાંધીજી ચતુર હતા તેમાં તો વાંધો ન જ પડે. ગાંધીજી ચતુર વાણિયા હતા એવું કહેવામાં પણ વાંધો તો ન જ પડવો જોઇએ કારણ કે ગાંધીજી પોતે જ પોતાને, ઘણીવાર વાણિયા તરીકે ઓળખાવતા હતા જેમ નરેન્દ્ર મોદી પોતાને ક્યારેક ક્યારેક ગુજરાતી તરીકે ઓળખાણ આપે છે. જો પાટીદારો સરદાર પટેલને કે જેમણે ભારતની એકતા માટે જીવન ખર્ચી નાખ્યું તે સરદાર પટેલને સરદાર પાટીદાર તરીકે ઓળખાવવા માગતા હોય તેમાં સમાચાર માધ્યમો વાંધો પાડતા નથી તો ગાંધીજી ચતુર હોય અથવા વાણિયા હોય અથવા બંને હોય તેમાં શા માટે વાંધો પાડવો જોઇએ?

અમિત શાહે ગાંધીજી માટે ઉપરોક્ત ઉચારણ કર્યું તેનો બીજો હિસ્સો છૂપાવીને સમાચાર માધ્યમોએ, ઘણી કાગારોળ મચાવી દીધી હતી. સમાચાર માધ્યમોએ અમિત શાહને માટે મન ફાવે તે રીતે બુરાઈ કરી.

કેટલાક ટીવી ચેનલ વાળા તો અમિત શાહના ઉચ્ચારણને અધ્યાહાર રાખીને જ બદબોઈ કરતા હતા. “ગાંધીજી ચતુર વાણિયા હતા…. તેમણે કોંગ્રેસને (નહેરુવીયન કોંગ્રેસને) વિખેરી નાખવાની વાત કરી હતી.” ગઈ કાલે જ આ આખું ઉચ્ચારણ મારા જેવાને જાણવા મળ્યું. ચાલો જાવા દઈએ એ વાત. આપણા કટારીયાભાઈએ શું લખ્યું છે?

તમારે જે કંઈ કહેવું છે તે સત્ય છે તેમ સિદ્ધ કરવાના ઘણા રસ્તાઓ છે.

એક તો છે કાન્તિભાઈ ભટ્ટનો રસ્તો.

જો તમારે એમ કહેવું છે કે દા.ત. નરેન્દ્ર મોદીમાં “ફલાણો ગુણ નથી …” તો તમે એમ કરો કે કેટલીક એવી વ્યક્તિઓના નામ સાથે વર્ણન કરો કે જેમની પાસે તમારા માનવા પ્રમાણે તે ગુણ હોય. આ વર્ણનને અંતે તમે આપોઆપ એવા નિષ્કર્ષ ઉપર આવી જાઓ અને કહો કે નરેન્દ્ર મોદીમાં આવા ગુણો ક્યાં છે? આવા પ્રકારના તર્કની ચર્ચા આપણે અગાઉ કરેલી છે. જો કે કાન્તિભાઈ પ્રત્યે મને માન છે પણ જ્યારે જે વાતમાં તેમનો બીજેપી-ફોબિયા પ્રકટ થાય છે ત્યારે ન્યાય ખાતર કડવું બોલવું પડે છે.

બીજો રસ્તો

વ્યક્તિ કે વ્યક્તિ સમુહની ટીકા કરવાની બીજી રીત એ છે કે તમે વ્યક્તિનું કે સમુહનું નામ લીધા વગર બદબોઈયુક્ત ઘણું બધું લખી નાખો. જેમકે;

“આ વામણાઓનો યુગ છે… તેની અનુભૂતિ છાસવારે થઈ રહી છે. નિતનવી ઘોષણાઓ … , પ્રજાને આંજવી … , ધર્મના અફિણના ઘૂંટડા પીવડાવવા … , ખુલ્લે આમ ગાંધીજીની ઠેકડી ઉડાડવી … , પ્રજાને ગેર માર્ગે દોરવા અધ્યાયો ચલાવવા …. “ તમારે તો ફક્ત બદબોઈ જ કરવાની છે અને તે પણ વ્યક્તિનું કે વ્યક્તિ સમુહનું નામ લીધા વગર બદબોઈ કરવાની છે એટલે તમે બેફામ રીતે જે શબ્દ પ્રયોગ હાથ વગો થયો તેનો ઉપયોગ કરી નાખો.

તે પછી વ્યક્તિની તમે બદબોઈ કરવાનું ધ્યેય રાખો છો તેનું એકાદ અર્ધુપર્ધું વાક્ય ઉદ્‍ધૃત કરી દો. અને પછી વ્યક્તિને તેની સાથે જોડી દો. વિરોધાભાસ દેખાડવા માટે કોંગ્રેસના સ્વાતંત્ર્ય પહેલાંની પ્રોફાઈલને વર્ણવી દો. એટલે કે હાલના બીજેપીના નેતાનું હાલનું ઉચ્ચારણ અને કોંગ્રેસીઓની (૭૦ વર્ષ પહેલાંની પ્રોફાઈલ) ને સાંકળો. સાધ્યમ્‌ ઇતિ સિદ્ધમ્‌.

જનતા તો બેવકુફ છે તે તમારી આ રમત સમજી શકતી નથી કે કોંગ્રેસ અને નહેરુવીયન કોંગ્રેસને સ્નાનસૂતકનો પણ સંબંધ પણ નથી. ૨૫મી જુને (નહેરુવીયન કોંગ્રેસ દ્વારા લોકશાહીના ખૂનના  વાર્ષિક દિવસે) આપણે આ ભેદને વધુ એકવાર સમજીશું.

આપણે અમિત શાહની બદબોઈ કરવી છે. આટલી વાત થી અમિતભાઈના ઉચ્ચારણ . “ગાંધીજી ચતુર વાણિયા હતા…. તેમણે કોંગ્રેસને (નહેરુવીયન કોંગ્રેસને) વિખેરી નાખવાની વાત કરી હતી. કોંગ્રેસને વિચારધારા જ ન હતી.” ને વગોવીને અમિત શાહને વગોવીશું તો તે પુરતું નથી.

તો શું કરીશું?

અમિતભાઈની આસપાસના લોકોને પકડો. કોંગ્રેસને વિચારધારા જ ન હતી તેની ઉપર શૈક્ષણિક ચર્ચા કરવા જઈશું તો જનતાને ઉઠાં ભણાવવાની આપણી દાળ ગળશે નહીં. તેથી તેને તો સ્પર્ષ જ ન કરવો.

આર.એસ.એસને પકડો. તેના કેટલાક નેતાઓના સંવાદોને પકડો. અગડંબગડં લખો અને રાષ્ટ્રકારણ અને રાજકારણ એવા શબ્દ પ્રયોગો કરો. મહાત્મા ગાંધીએ આર એસ એસ માટે વાપરેલા શબ્દોને ફક્ત ઉદ્‌ધ્રુત જ કરો. તેની શૈક્ષણિક ચર્ચા ન કરો. કારણ કે તે અઘરું પડશે અને નાહકના “લેનેકા દેના પડ જાયેગા ..”.

જો કે આ બધું વ્યર્થ છે. કોંગ્રેસના જે નેતાઓએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન આપ્યું તે બધા ક્યારનાય ઈશ્વરને પ્યારા થઈ ગયા છે. જેઓ જીવ્યા તેમાંના મોટાભાગનાઓએ ડબલ વસુલી લીધું. તેમના ફરજંદો ખાસ કરીને નહેરુવીયન ફરજંદોએ બીજા તેમના જેવા હજારો ફરજંદો ઉભાકરી ઉઘાડે છોગ લૂંટ જ કરી છે.

જે આર.એસ.એસ. ના લોકોએ કહેવાતી હિંસા આચરી તેઓ પણ ઉપર પહોંચી ગયા. કટારીયા ભાઈએ સમજવું જોઇએ કે ફક્ત હિન્દુઓ સંત થઈને રહે તે વાત ત્યારે પણ શક્ય ન હતી અને આજે પણ ૬૦વર્ષના નહેરુવીયન કોંગ્રેસના શાસનના નિષ્કર્ષને અંતે પણ શક્ય બની નથી. નિંદા કરવી જ હોય તો બંને કત્લેઆમની પ્રમાણ પ્રમાણે નિંદા કરવી જોઇએ. એક તરફી નિંદા વ્યંઢ જ હોય છે.

વિચારધારાની બાબતમાં આપણા કટારીયા ભાઈ, કોંગ્રેસના સ્થાપક સભ્યોથી શરુ કરી ૧૯૪૭ સુધીનાના નામોની યાદી આપે છે અને પ્રશ્ન ઉઠાવે છે કે “શું આ લોકોને વિચારધારા ન હતી?”

અરે ભાઈ તમને એકવાર તો કહ્યું કે ૧૯૪૭ પહેલાંની કોંગ્રેસમાં ઘોડા, ગધેડાં, ગાયો …. શિયાળ, વરુ … બધા જ પ્રાણીઓ હતા તે વાત મહાત્મા ગાંધીએ પોતાના શબ્દોમાં કહી જ હતી. પણ ૧૯૪૭ પછીનો અને ખાસ કરીને નહેરુ સર્વેસર્વા થયા પછીનો નહેરુનો, નહેરુવીયનોનો અને નહેરુવીયન કોંગ્રેસનો વર્કચાર્ટ જુઓ. આ વર્કચાર્ટની આગાહી મહાત્મા ગાંધી કરી શકતા હતા. એટલે જ તેમણે કહેલ કે “હે કોંગ્રેસીઓ …. તમને ભવિષ્યમાં જનતા વીણી વીણીને મારશે …”

કટારીયા ભાઈ પોતાને તટસ્થ માને છે એટલે તેમણે થોડા “ગોદા” (નહેરુવીયન) કોંગ્રેસને પણ મારી દીધા છે. “યાર … તટસ્થતા ભી કોઈ ચીજ઼ હૈ”

કોણ રાજકારણી અને કોણ રાષ્ટ્રકારણી?

સૌથી સહેલો જવાબ એ છે કે જે રાજકારણમાં છે પણ હોદ્દો ભોગવાની ખ્વાહેશ રાખતો નથી પણ હોદ્દાને ફરજના ભાગરુપે સ્વિકારે છે તે રાષ્ટ્રવાદી. રાજા જનક, રાજા રામ …

જે હોદ્દો ભોગવાની ખ્વાહેશ રાખે છે અને હોદ્દો ભોગવે છે તે રાજકારણી. રાવણ, દુર્યોધન,

વર્તમાનના દાખલા જોઇએ છે?

મોરારજી દેસાઈ રાષ્ટ્રવાદી.

ઈન્દિરા ગાંધી રાજકારણી.

જો કે જ્યાં સુધી બુરાઈઓની વાત છે તો નહેરુવીયન કોંગ્રેસે તો “બાણોચ્છિષ્ઠં જગત સર્વં” જેવું કર્યું છે એટલે કે દુરાચારોના પ્રમાણની બાબતમાં નહેરુવીયન કોંગ્રેસને કોઈ પહોંચી ન શકે.

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

નરેન્દ્ર મોદી પીએમ પદ સંભાળે પછી ગુજરાતના સીએમ કોણ?

નરેન્દ્ર મોદી આમ તો પરમ દિવસનું જોઈ શકે છે. પણ જ્યારે દબાણ વધે ત્યારે ભલભલા ભૂલાવામાં પડી જાય છે.

હાલ તૂર્ત તો એવી હવા દેખાય છે કે આનંદીબેન, સૌરભ પટેલ અને નીતિન પટેલ રેસમાં છે.

ગુજરાતના મુખ્ય મંત્રીની વાત જવા દો, પણ સામાન્ય મંત્રી કેવો હોવો જોઇએ?

સી એમ કોણ

મંત્રી આક્ર્મક હોવો જોઇએઃ

આનંદીબેનને તો કદી પત્રકારોને કે સરકારની કરવામાં આવતી ટીકાઓના જવાબ આપતા સાંભળ્યા નથી. ધારોકે તેઓ સક્ષમ છે તેમ તેમના સમર્થન કરનારા માનતા હોય તો તે બરાબર નથી. ગુજરાતના અનેક સ્થાનિક નેતાઓએ બીજેપીની અને ખાસ કરીને નરેન્દ્ર મોદીની વરવી ટીકાઓ કરી છે. નહેરુવીયનોના અને તેમના સમર્થન કરનારોના અગણિત ગુનાઓ, કૌભાન્ડો અને જુઠાણા પ્રગટ થયા છે. પણ આનંદી બેને કદી આગળ આવીને તેમને સાણસામાં લીધા નથી. આનંદી બેનના સમર્થકો કદાચ એવું કહેતા હોય કે “સાહેબ” ની મંજુરીથી જ બધું થાય છે. તો આ વાત બરાબર નથી. ધારોકે સાહેબની મંજુરીની જરુર પડતી હોય તો આગળ પડીને મંજુરી લઈ લેવી જોઇએ.

જ્યારે ક્યારેય પણ રાહુલ કે સોનીયા કે પ્રિયંકાની ટીકા થાય છે ત્યારે કોંગીના નેતાઓ એક સાથે નરેન્દ્ર મોદી ઉપર ખોટી રીતે પણ તૂટી પડે છે. એનાથી ઉંધું તમે ગુજરાતમાં જોશો કે આવે વખતે બીજેપીના ગુજરાતના નેતાઓ નિસ્ક્રીય રહીને તમાશો જોતા હોય એવું લાગે છે. નીતિન પટેલ અને સૌરભ પટેલ પણ આવું જ વલણ અપનાવે છે. નીતિન પટેલ અને સૌરભ પટેલ તો બચાવની નીતિ અપનાવે છે. આક્રમક ભાષામાં જવાબ આપવા માટેનું ન તો તેમની પાસે શબ્દ ભંડોળ હોય છે કે ન તો તેમની પાસે કોંગીઓના કરતૂતોની એવી માહિતિ હોય કે તેઓ આક્રમણ કરી શકે.

મંત્રી સક્રીય હોવો જોઇએ

કોઈ તમારા ઉપર કે તમારી સરકાર ઉપર આક્રમણ કરે તેની જો તમે રાહ જોતા હો અને પછી બચાવ કરવા વિષે વિચારો તો તમે સક્રીય ન જ કહેવાઓ. તમે સક્રીય ત્યારે જ કહેવાઓ કે તમે જેવા કોઈ સમાચાર માધ્યમમાં, સમાચાર આવે કે તૂર્ત જ તેનો લાભ લઈ તમારા વિરોધીઓ ઉપર પ્રહાર કરવાની તક ઝડપી લો તો તમે સક્રીય કહેવાઓ. કમસે કમ મુખ્ય મંત્રીને વિશ્વાસમાં લઈ આ તકનો લાભ લઈ લો. આપણે કદી આ ત્રણેમાં થી કોઈને આવી રીતે સક્રીય થતા જોયા નથી. બીજા મંત્રીઓની તો વાત જ જવા દો. કોઈ નામ પણ જાણતા નથી. વજુભાઈ વાળા કે આર સી ફળદુ મોળે મોઢે મોળા જવાબો આપતા સાંભળ્યા છે. પણ તેથી ફેં ન ફાટે.

મંત્રી પાસે તત્પરતા હોવી જોઇએઃ

નરેન્દ્ર મોદીના વિરોધીએઓ નરેન્દ્ર મોદીને ઘણી ગાળો આપી છે. જેમાંની એક કે તેઓ સરમુખત્યાર અને હિટલર છે. હવે આ મુદ્દો એવો છે કે તમારામાં જો વળતું આક્રમણ કરવાની તત્પરતા હોય તો તમે કોંગી નેતાઓને અધમુઆ કરી શકો. તેમની બોલતી બંધ કરી શકો. હમણાં હમણાં “નીચ” શબ્દ વાપરેલ. આ નીચ શબ્દ ઉપર તમે કોંગીઓનો ઉધડો લઈ શકો. તેવું જ “દંગા બાબુ” અને “લોહીયાળ હાથ” વિષે કરી શકાય. લોઢું ગરમ હોય ત્યારે જ તેને ટીપી શકાય. અને તે માટે તત્પરતા હોવી જોઇએ.
બોડી લેંગ્વેજઃ

મંત્રીની બોડી લેંગ્વેજ એવી હોવી જોઇએ કે તે આત્મવિશ્વાસથી ભરપુર હોય. અને જ્યારે ક્યારેય પણ કોઈ ટીવી ચેનલે ગોઠવેલી ચર્ચામાં ભાગ લેતા હો ત્યારે મંત્રીનો દેખાવ ભાવવાહી અને અધિકારપૂર્ણ હોય.. શબ્દોનું ચાતુર્ય અને સામેવાળાને હતઃપ્રભ કરવાની તમારી બોડી લેંગ્વેજ હોવી જ જોઇએ. આ મંત્રીઓને જોઇએને તો એવું જ લાગે છે કે તેઓ મંત્રી પદુ ભોગવવા જ મંત્રી થાયા હોય.

અવિવાદાસ્પદ રહેવાની કળા અને કૌશલ્ય

ખાસ વાત એક કે મંત્રી ના કાર્યો વિવાદાસ્પદ ન હોય.. તેમની નીતિમત્તા સામે શંકાની સોય ન હોવી જોઇએ. આ રાજકારણ છે. વિવાદો તો ઉત્પન્ન થશે. પણ જો મંત્રી, વળતો ઘા કરવામાં મોડું કરે કે મોળી ભાષામાં મોળો અને અદ્ધર અદ્ધર જવાબ આપશે તો પોતે તો વિવાદાસ્પદ બનશે જ સાથે સાથે પક્ષને પણ ફટકો પડશે. બચાવ પણ સચોટ અને આક્રમક હોવો જોઇએ. એટલે જ્યારે પણ પ્રશ્નનો પ્રહાર આવે ત્યારે એવો જવાબ આપે કે સામે વાળો સવલ કરતાં પહેલાં પોતાને અને પોતાના પક્ષને દર્પણમાં જુએ.

સમાચારમાં રહેવાની કળાઃ

તમે સત્તાધારી છો. તમારી પાસે અનેક યોજનાઓ અને વિચારો હોય છે. બીજા રાજ્યોના તમારા વિભાગવાળા મંત્રી શું કરે છે તેનું પણ તમારે ધ્યાન રાખવું જોઇએ. જો તે વિરોધી પક્ષના હોય તો તમે તેમની ટીકા અને તમારી ઉપલબ્ધીઓ દ્વારા સમાચરોમાં રહી શકો છો. આમાનું કશું બીજેપીના કોઈ પણ સ્થાનિક નેતા કે મંત્રી પાસે નથી.

તો હવે બીજેપીનું ગુજરાતમાં શું થશે?

કેશુભાઈ પટેલપણા ઉપર મદાર બાંધીને બેઠેલ કે આપણે તો પટેલ ભાયડા. આપણને કોઈ અડી તો જુએ. તેઓ કેટલા કૌશલ્યવાળા હતા તે આપણે સાવ જાણતા નથી તેમ નથી. લાંચ રુશ્વત વધી ગયેલ. કામ કઢાવી આપનારા માણસો આંટા ફેરા કરતા હતા. આતો ધરતીકંપ થયો અને તેમની વહીવટી નિસ્ફળતા જત્થાબંધ રીતે સામે આવી. કેશુભાઈનું તંત્ર ખોખલું થઈ ગયેલ. અમદાવાદ જેવા અમદાવાદમાં કે જે નહેરુવંશીય પક્ષના વિરોધીઓનો ગઢ ગણાય છે ત્યાં બીજેપી કોર્પોરેશનની ચૂંટણી હારી ગયેલ. આ તો હદ જ કહેવાય.

ગુજરાતમાંથી બીજેપીનું ઉઠમણું.

હવે જો નરેન્દ્ર મોદી કોઈ બોદા બીજેપીના સભ્યને મંત્રી કરશે તો તે બીજેપીનું ગુજરાતમાં ઉઠમણું કરાવી દેશે. નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી હતા ત્યાં સુધી ગોલા ગધેડા બધા ચાલી જતા હતા. પણ હવે આવી પરિસ્થિતિ નહીં રહે. અગાઉની માનસિકતામાંથી બહાર આવવું પડશે. નરેન્દ્ર મોદી જો એમ સમજતા હોય કે તેઓ ગુજરાતનું ધ્યાન રાખશે તો તે વાત શક્ય નથી. નરેન્દ્ર મોદીનો કેન્દ્રનો મામલો અસાધારણ છે. નરેન્દ્ર મોદી તેમાં મદદ કરી શકશે નહીં.. જણનારીમાં જોર નહોય તો સુયાણી કશું ન કરી શકે.

તો વિકલ્પ શું છે?

અમિત શાહ અને સ્મૃતિ ઈરાની.

અમિત શાહ ૧૦૦ ટકા નિષ્ણાત અને નીપૂણ છે. તે વિશ્વસનીય પણ છે. એમની કામગીરી પ્રશસનીય રહી છે. જો નરેન્દ્ર મોદીને કેન્દ્રમાં શસક્ત અને વિશ્વાસુ વ્યક્તિની જરુર ન હોય તો તેઓ અમિત શાહને મુખ્ય મંત્રી બનાવી શકે છે.

SMRITI IRANI

સ્મૃતિ ઈરાની શા માટે?

આ એક સશક્ત યુવાન સ્ત્રી છે. આનંદીબેન નાખુશ થશે. પણ આનંદીબેને સમજવું જોઇએ કે અગ્રક્રમ કરતાં પક્ષ મહત્વનો છે. આનંદીબેનને કેન્દ્રમાં ઠેકાણે પાડવા હોય તો નરેન્દ્ર મોદી તેમ કરી શકે છે.

સ્મૃતિ ઈરાની આક્રમક અને હાજર જવાબી છે. જેઓ હાજર જવાબી હોય છે તેઓ વિચારશીલ પણ હોય છે. તેથી જ તેઓ હાજર જવાબી હોય છે. આક્ર્મક હોવું અને પડકાર ઝીલવો એ સમયની માગ છે. નહેરુવીયન ફરજંદ સામે ઉભા રહેવાનો પડકાર સ્મૃતિ ઈરાનીએ ઝીલ્યો છે. જો કુમાર વિશ્વાસ સામે ન હોત તો રાહુલને મરણ તોલ લડત મળી હોત.

કદાચ કોઈ કહેશે કે પણ સ્મૃતિ ઈરાની પાસે અનુભવ ક્યાં છે? હા અનુભવ નથી. પણ અનુભવ લેવાની સક્ષમતા છે. સ્મૃતિ ઈરાનીએ ભોગ પણ આપ્યો છે. સંગઠનનો બહોળો અનુભવ પણ છે. એ વાત તેમને વહીવટમાં સક્ષમ બનાવશે. બીજેપીના યુવા વર્ગમાં એક નવું બળ અને નવો જોશ આવશે.

જો નરેન્દ્ર મોદીએ પરમ દિવસનું વિચારવું હોય તો સ્મૃતિ ઈરાનીને મુખ્ય મંત્રી કરવી જોઇએ. થોડો અવાજ થશે. પણ એક જાનદાર હોદ્દા માટે જાનદાર વ્યક્તિ જોઇએ જે વિરોધીને શીંગડા મારીને ઘાયલ કરી શકે. હા એક વાત ખરી કે ૨૦૦૨માં સ્મૃતિબેને નરેન્દ્ર મોદીનું રાજીનામું માંગેલ. જો બાજપાઈ જેવા ઠરેલ, અને વયોવૃદ્ધ પણ વાતાવરણના પ્રભાવમાં ગોથું ખાઈ જાય તો સ્મૃતિબેન તો કોણ માત્ર છે? સ્મૃતિબેને અવારનવાર ખરા દિલથી પોતાની ભૂલને કબુલ કરી છે અને જાહેરમાં નરેન્દ્ર મોદીની માફી પણ માગી છે. અવાર નવાર પસ્તાવો પણ કર્યો છે.

શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ મુખ્ય મંત્રી, મંત્રી, આક્રમક, સક્રીય, તત્પર, હાજર જવાબી, બોદા, બોડી લેંગ્વેજ, નરેન્દ્ર મોદી, અમિત શાહ, સ્મૃતિ ઈરાની, નીતિન પટેલ, સૌરભ પટેલ, આનંદીબેન

Read Full Post »

%d bloggers like this: