Feeds:
Posts
Comments

Posts Tagged ‘આચાર’

કોંગી (ઇન્દિરા નહેરુ કોંગ્રેસ = આઈ.એન.સી. I.N.C.) જીવશે કે નહીં?

કોંગી (ઇન્દિરા નહેરુ કોંગ્રેસ = આઈ.એન.સી. I.N.C.) જીવશે કે નહીં?

કેટલાક મૂર્ધન્યો જેમાં કેટલાક તાજા જન્મેલા છે, કેટલાક કોંગી કટોકટીની આસપાસ જન્મેલા છે અને કેટલાક વાર્ધક્યથી પીડિત છે તેમને આ લેખ ગમશે નહીં. પણ સમયની માંગ છે કે આવું લખવું.

કોંગી (ઇન્દીરાઈ કોંગ્રેસ) એ કોંગ્રેસ નથી.

આ કોંગી ૧૩૩ વર્ષ જુની છે જ નહીં. અને જે કોંગ્રેસે સ્વાતંત્ર્યની લડતમાં ભાગ લીધો હતો તે કોંગ્રેસને હાલની કોંગ્રેસ સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી. આ વાત અગાઉ પણ કહેવાઈ ગઈ છે. દુઃખ એ વાતનું છે કે આપણા કેટલાક મૂર્ધન્યો આ સમજતા નથી. સૌથી વધુ દુઃખ તો એ વાતનું છે કે જેઓએ સિદ્ધાંત અને પક્ષની પરિભાષા અને ઐતિકાસિક ઘટનાઓને જાણતાં જાણતાં વાર્ધક્ય (વૃદ્ધાવસ્થા)ને ભેટ્યા છે તેઓ પણ  કોંગીને ૧૩૩ વર્ષ જુના પક્ષ તરીકે ઓળખાવે છે.

CONGRESS WHO FOUGHT FOR FREEDOM

પક્ષ એટલે શું?

આ કોઈ અઘરો પ્રશ્ન નથી કે મૂર્ધન્યો તેનાથી અજાણ હોય. પક્ષ હમેશા તેના વિચારો (સિદ્ધાંતો) થકી ઓળખાય છે. પણ આ પૂરતું નથી. પક્ષ પોતાના વિચારો પ્રમાણેના આચારો ધરાવતો હોય તો વિચારોનું મહત્વ રહે છે. શક્ય છે કે ૧૦૦ પ્રતિશત આચારો તે પક્ષમાટે શક્ય ન હોય પણ તેના આચારોની દિશા તો તે જ હોવી જોઇએ. અને ક્રમશઃ તે દિશામાં તે આગળ જવો જોઇએ. પોતાના સ્થાપિત સિદ્ધાંતોથી તે ઉંધી દિશામાં તો જવો જ ન જોઇએ.

૧૮૮૫ વાળી કોંગ્રેસ ૧૯૧૮માં બદલાઈ ગઈ.

ગાંધીજી ૧૯૧૬-૧૭માં ભારતમાં આવ્યા. કોંગ્રેસ પક્ષમાં પરિવર્તન લાવ્યા. તેમણે કોંગ્રેસમાં કયા સિદ્ધાંતો અપનાવ્યા?

કોંગ્રેસ હિંદ સ્વાતંત્ર્યની લડત ચલાવશે.

કોંગ્રેસ આ લડત અહિંસાના માર્ગે ચલાવશે.

લડતમાં પારદર્શિતા રાખશે,

પક્ષનો સદસ્ય સરકાર અને તેના હોદ્દેદારો કે કોઈના પણ પ્રતિ કટૂતા નહીં રાખે,

લડતના અંગ તરીકે સત્યનો આગ્રહ રાખશે, ચર્ચા માટે ખુલ્લાપણું રાખશે,

પક્ષ દ્વારા સ્થાપિત નિયમોની આચાર સંહિતા પ્રમાણે જ લડત ચલાવશે. જેમકે ઉપવાસ, કાનૂનભંગ, સભા સરઘસ જેવા લડતના શસ્ત્રોનો ઉપયોગ કરતાં પહેલાં તે સરકાર સાથે સંવાદ કરશે, પોતાનો પક્ષ અને હેતુ સમજાવશે, અને જો સરકારનું વલણ સહયોગવાળું હશે, અને સરકાર જો મુદત માગશે તો મુદત આપશે. જો સરકાર જનહિતની માગણીઓ ઉપર સંમત ન થાય તો તે પછી તે લડત માટેની નોટીસ આપશે.

પક્ષના સદસ્ય સજા માટે તૈયાર રહેશે, સજા ભોગવશે અને તે દરમ્યાન પણ કોઈના પ્રત્યે કટૂતા રાખશે નહીં.

પક્ષનો સદસ્ય સ્વાર્થના કામો માટે કદી લડત ચલાવશે નહી. લડતના કેન્દ્રમાં હમેશા સામાન્ય જનહિત જ રહેશે.

સદસ્ય નૈતિકતાના બધા જ નિયમો પાળશે અને જામિન ઉપર જવાની માગણી કરશે નહીં અને સત્યને ખાતર જામિન ઉપર જશે પણ નહીં.

ખાદી અપનાવશે. અને સ્વદેશીનો આગ્રહ રાખશે.

આ ઉપરાંત સામાજિક સુધારના પણ કેટલાક લક્ષ્યો ગાંધીજીએ કોંગ્રેસમાં સામેલ કરેલા,

જ્ઞાતિઓની ઉચ્ચ નીચ પ્રથામાં માનશે નહીં.

સામાજિક વ્યવહારોમાં ઉપયોગીતાને નજર સમક્ષ રખાશે.

દારુ અને વ્યસનોને ત્યાજ્ય ગણશે,

ગૌવંશ હત્યા બંધીનો સમર્થક રહેશે,

અહિંસક સમાજની સ્થાપના માટે પ્રયત્નશીલ રહેશે.

સર્વધર્મ સમભાવ રાખશે.

ગાંધીજીની કોંગ્રેસ માટે આ બધું જ લખેલું છે. જનસેવક માટે તો આનાથી પણ કઠોર નિયમો છે.    

હવે તમે એક પછી એક નિયમોનો ચકાશો.

૧૯૪૭માંના કોંગ્રેસી સદસ્યોને લો અને તેમને અત્યારના કોંગી સદસ્યને તેની સાથે સરખાવો.

ધારો કે ૧૯૪૭માં ૭૦ ટકા કોંગ્રેસીઓ ઉપરના બધા જ નિયમો પાળતા હતા. જો કે આનાથી ઘણા વધારે કોંગ્રેસીઓ ઉપરના નિયમોને પાળતા હતા. નેતાઓમાં તો ઓછામાં ઓછા ૯૫ % નેતાઓ અતિ શુદ્ધ હતા.

હાલના કોંગીઓને જુઓ. તેઓ કઈ દિશામાં જઈ રહ્યા છે? સામાન્ય કોંગીઓની વાત જવા દો. કોંગીના ટોચના નેતાઓની જ વાત કરો. તેઓ કઈ દિશામાં જઈ રહ્યા છે?

હવે જે પક્ષમાં સિદ્ધાંતો જેવું કશું રહ્યું જ ન હોય. સિદ્ધાંતો ફક્ત પોથીના રીંગણા જ રહ્યા હોય. સિદ્ધાંતોનો ખૂલ્લે આમ ભંગ કરતા હોય અને છતાં પણ પોતાને કોંગ્રેસી માનતા હોય. અને વાર્ધ્યક્ય પીડિત મૂર્ધન્યો પણ આ કોંગ્રેસ ને ૧૩૩ વર્ષ જુની કોંગ્રેસ માનવાનો આગ્રહ રાખતા હોય તો આપણે “પક્ષ”ની અધિકૃત પરિભાષાને અવગણી તેને “ધણ” એવું નામ આપવું જોઇએ.

જો આવું કરીએ તો કોંગી પક્ષને ૧૩૩ વર્ષ જુનો પક્ષ કહી ન શકાય, અને જો કહીએ તો તેને ભાષા ઉપર બળાત્કાર જ કહેવાય.

ગાંધીજીની કોંગ્રેસનો એક પણ ગુણ હાલની કોંગીમાં નથી.

ક્યાર થી આવું છે?

જ્યારથી નહેરુએ સરદાર વલ્લભ ભાઈ પટેલને કોમવાદી કહ્યા અને હૈદરાબાદના તેમના આચારને વખોડ્યો ત્યારથી કોંગ્રેસ મરી ગઈ. અને કોંગી જન્મી.

(૧) નહેરુએ સ્વાતંત્ર્યની લડતમા ઠીક ઠીક યોગદાન આપ્યું છે. પણ તેમનું તે યોગદાન પ્રચ્છન્ન રીતે સ્વકેન્દ્રી હતું, જે તે વખતે દૃશ્યમાન ન હતું. શેતાન પણ જો સારું કામ કરે તો તેને તમે વધાવો. એટલે ભલે નહેરુએ સ્વ ને કેન્દ્રમાં રાખી યોગદાન આપ્યું હોય તો પણ તેમને ક્રેડિટ આપો.

(૨) પણ ગાંધીજીએ જોયું કે ઉપરોક્ત કારણથી ઘણા જ નેતાઓ ગાંધીજી ઉપર પોતાની વગ વાપરી સરકારમાં યોગ્ય હોદ્દો આપવા ભલામણ કરવા લાગ્યા હતા. એટલે ગાંધીજીએ કોંગ્રેસનો વિલય કરી દેવાની વાત કરેલી.

કોંગ્રેસનો વિલય કરવો કે નહીં તે એક ચર્ચાને યોગ્ય વિષય છે. સામાજિક ક્રાંતિના સિદ્ધાંતો શાસન કરતા રાજકીય નેતા (પક્ષ) તરફથી આવે તે ગાંધીજીને મંજુર ન હતું. ગાંધીજીની આ વાતને સમજવામાં મૂર્ધન્યોમાં પણ જેઓ મૂર્ધન્યો ગણાય તેમણે પણ ગોથાં ખાધા છે તો સમાચાર માધ્યમોના પીળા પત્રકારોની તો વાત જ શી કરવી?

(૩) નહેરુના ભારતની સંસ્કૃતિ વિષે કયા ખ્યાલો હતા? ગાંધીજીએ કહેલ કે જે ઋષિઓ વેદ અને ઉપનિષદો લખી શક્યા તેઓ યંત્રો પણ બનાવી શક્યા હોત તેની મને શંકા નથી. પણ તેઓ માનવ જાત ઉપર યંત્રો હામી થઈ જાય તેમાં માનતા ન હતા. તેથી તેઓએ પ્રકૃતિ સાથે જીવવાવાળી જીવન પદ્ધતિ અપનાવી. જો કે આ વાત ચર્ચાસ્પદ છે પણ તેને નકારી ન શકાય. નહેરુનું “ડિસ્કવરી ઓફ ઈન્ડિયા” એ ફક્ત પશ્ચિમી ઇતિહાસકારોએ લખેલા ફરેબી ઇતિહાસની નકલ જ છે. જો નહેરુએ શંકરાચાર્યના અદ્વૈતવાદ અને આઈનસ્ટાઈનની યુનીફાઈડ ફીલ્ડ થીએરી વિષે એક પ્રકરણ પાઠવ્યું હોત અને દક્ષિણભારતના સામ્રાજ્યો વિષે વિસ્તૃત વાતો કરી હોત તો એમ કહી શકાત કે તેમણે કશુંક જે અજાણ્યું હતું તે જાણીતું કર્યુ. ફરેબી ઇતિહાસને ધ્વસ્ત કરનારું પુસ્કળ સાહિત્ય અત્યારે “ઓન લાઈન” ઉપલબ્ધ છે. જેમને પોતાના કોશેટામાંથી બહાર આવવું હોય તેમને માટૅ સરળતા થી આવી શકાય એવું છે. નહેરુએ તો એમ કહેલું કે હું આચારે મુસ્લિમ છું, વિચારોમાં ઈસાઈ છું અને જન્મે હિન્દુ છું. વાસ્તવમાં તેઓ આવા હતા કે કેમ તે વિવાદાસ્પદ છે પણ તેમના આવા ઉચ્ચારણો ઘણું બધું કહી જાય છે.

(૪) નહેરુએ ઘણી બધી હિમાલય જેવડી ભૂલો કરેલી. નહેરુએ તેની કબુલાત પણ કરેલી. પણ નહેરુ તેમની ભૂલોના ફળ ભોગવવા તૈયાર ન હતા. તેમના નામને બટ્ટો ન લાગે તે માટે તેઓ “સીન્ડીકેટ” બનાવીને ગયા હતા કે જેથી તેમની અનુગામી તેમની ફરજંદ બને. એક ફરેબી જનતંત્રવાદી, વાસ્તવમાં સરમુખત્યાર અને વંશવાદી હતો. મોદી આ વંશવાદનો વિરોધ કરે તેમાં કશું ખોટું નથી. લોકશાહીમાં વંશવાદ એક રાક્ષસનું કામ કરે છે. એક રાક્ષક મરે તો તેના લોહીના ટીપાંમાંથી અનેક રાક્ષસો ઉત્પન્ન થાય તેમ આ રાક્ષસે (કોંગી પક્ષે) તો તેનાથી પણ ઉપરવટ જઈ પોતાના જીવતાં જ અનેક વંશવાદી પક્ષો ઉત્પન્ન કર્યા છે. આપણા મૂર્ધન્યો આ વંશવાદી ફરજંદોની ભાટાઈ કરે છે.

(૫) વાસ્તવમાં જોઇએ તો મોરારજી દેસાઈવાળી કોંગ્રેસ (સંસ્થા), મૂળ કોંગ્રેસની વધુ નજીક હતી. પણ મોરારજી દેસાઈએ ૧૯૮૦માં સક્રીય રાજકારણમાંથી વિદાઈ લીધી એટલે તે કોંગ્રેસના સદસ્યો સાગમટે કોંગીમાં ભળી ગયા. અમદાવાદના મેયર કૃષ્ણવદન જોષી જેવા પણ કોંગીમાં ભળી ગયા તે વિધીની વક્રતા છે. આથી વધુ કમનસીબી બીજી કઈ હોઈ શકે? ન્યાયપાલિકાએ ૧૯૬૯ના કેસનો ચૂકાદો ૧૯૮૧માં આપ્યો, જે અર્થ હીન હતો.

(૬) દારુ બંધી કે ગૌવંશ હત્યા બંધી કે અહિંસક સમાજની દિશામાં જવા માટે કોંગીએ કોઈ સકારાત્મક પગલાં લીધાં છે ખરા? ના જી. એક વાત તો ચોક્કસ જ છે કે તેનાથી વિરુદ્ધ દિશાના અને તેને વિરુદ્ધની વાતને પ્રોત્સાહન આપવાના અનેક પગલાં લીધાં છે. જો તમે આ વાત ન જાણતા હો તો કહો.

(૭) સમાજ સેવા માટે સત્તા પ્રાપ્ત કરવી કે નહીં તે ચર્ચાસ્પદ વિષય છે. પણ ધારો કે તમારે સત્તા પ્રાપ્ત કરવી છે તો તમારે તે માટે બંધારણીય માર્ગે જવું જોઇએ. સત્તા માટે ગેરબંધારણીય માર્ગે જવું અને પછી કોર્ટ તમને ગેરલાયક ઠેરવે એટલે તમારા વિરોધી નેતાઓને અને લોકોને જેલમાં ઠોકી દેવા એ ક્યાંનો ન્યાય છે? એક બાજુ એમ કહે છે કે “હમારા ધ્યેય સબસે નમ્ર વ્યવહાર” (કટોકટીનું પોસ્ટર) અને વાસ્તવમાં અનેક નિર્દોષ લોકો જેલમાં હોય. તે જ વંશના ફરજંદો વળી એમ બોલે કે “હમ દેંગે ન્યાય” …  જુઠ્ઠું બોલવુ જેની ઓળખ છે અને અવારનવાર જુઠ્ઠું બોલીને તેને કોંગીઓ સિદ્ધ થયેલું ઠેરવવામાં માને છે.  “તેઓ ધિક્કાર ફેલાવે છે, અમે પ્રેમ કરીએ છીએ” એમ રાહુલ અને સોનિયા બોલે છે. અને બીજી બાજુ “મોદીને બેગમેં કરોડોં રુપયે લેકર અનિલ અંબાણીકો દે દીયે. મોદીજીને ૫૦૦૦ કરોડ એકડ જમીન અંબાણીકો દાનમેં દે દી…. અબ તો નરેન્દ્ર મોદીકી ચોરીકા સમર્થન કોર્ટને ભી કિયા હૈ …” અને આ રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા (જેની અદાઓ ઉપર આપણા કાન્તિભાઈ ફીદા છે અને તેના જેવી માસુમ વડા પ્રાધાન ની જનતા રાહ જુએ છે) પોતે બોલે છે “ચોકીદાર” અને સામે રહેલા બાળકો પાસે બોલાવે છે  કે બોલો  “ચોર હૈ” અને કુદરતે બનાવેલા આ માસુમ બાળકો  બોલે છે “ચોર હૈ” … આમ “ચોકિદાર … ચોર હૈ” ના નારાઓ ચગાવે છે. આપણા કાન્તિભાઈને આ પ્રિયંકાના નારાઓ સંભળાયા નહી એટલે તેમણે બેધડક કહ્યું “પ્રિયંકા હમેશા સુષ્ઠુ સુષ્ઠુ જ બોલે છે.” ક્યા બાત હૈ!!

KONGI FOR FAMILY

(Thanks to Cartoonist)

(૮) જો રાહુલ-સોનિયા ગેંગે જામિન ન માગ્યા હોત તો શું થાત? તો ચોક્કસ મૂળ કોંગ્રેસનો એક ગુણ તો તેમનામાં ગણાત જ. તેઓ જેલમાં રહીને પણ તેમની હાર ને નાની કરી શક્યા હોત.

(૯) ભારતના મૂર્ધન્યોએ જો કોંગ્રેસ ઉર્ફે કોંગીને જીવાડવી હોય તો તેમણે શું કરવું જોઇએ?

“નરેન્દ્ર મોદી આર્થિક અને સમાજિક ક્ષેત્રે નિસ્ફળ ગયા છે” એ મુદ્દાની ઉપર માથું પછાડવાને બદલે રાહુલ ગેંગને જામિન ન માગવાની અને જેલમાં જવાની સલાહ આપવા જેવી હતી.

(૧૦) ભારતના મૂર્ધન્યોએ પોતાની શક્તિઓ ક્યાં ખર્ચી?

(૧૦.૧) ભારતને સબળ વિરોધપક્ષની જરુર છે.

(૧૦.૨) પ્રચંડ બહુમતિ પક્ષને બે લગામ બનાવે છે,

(૧૦.૩) પ્રચંડ બહુમતિ વાળો નેતા આપખુદ બને છે,

(૧૦.૪) ગઠબંધન વાળી સરકારો પ્રચંડ બહુમત વાળી સરકારો કરતાં સારું કામ કરે છે,

(૧૦.૫) આજના મહા ગઠબંધન અને ૧૯૭૭નું ઇન્દિરા સામેનું ગઠબંધન એક સમાન છે.

(૧૦.૬) નરેન્દ્ર મોદી માટે શબ્દકોષના જે કોઈ ખરાબ વિશેષણના શબ્દો હોય તે નરેન્દ્ર મોદી માટે વાપરો.

અને આ નરબંકા રાહુલભાઈ કે જેનાથી અધધ ફરેબી મૂર્ધન્યો સહેતુક આફ્રિન છે તે રાહુલભાઈ કહે છે કે કોંગ્રેસ એક વિચાર છે. આ તે કેવી અર્થહીન ફિલોસોફીકલ ઉક્તિ છે જે ફક્ત વાણીવિલાસની જ ગરજ સારે છે. જો વિચાર નો અર્થ સિદ્ધાંત કહીએ અને સિદ્ધાંત જે આચારમાં મૂકાયો હોય તો તે આચાર કેવો છે તે નીચે જુઓ. જ્યાં રાહુલભાઈ ધન્ય ધન્ય છે.

MOTILAL VOHRA

એવું બની શકે કે, કાલે જો ભારતની આર્થિક અને સમાજિક સ્થિતિ નરેન્દ્ર મોદી ઉજ્જ્વળ કરવામાં સફળ બને તો આ જ મુર્ધન્યો એમ કહીને પોતાનો બચાવ કરશે કે અમે મોદીને સરમુખત્યાર બનતા રોક્યો હતો. કોંગ્રેસને જીવતી રાખવામાં અમારો હેતુ તો સબળ વિરોધ પક્ષ બનાવવાનો જ હતો જેથી ભારતનું જનતંત્ર જીવિત રહી શકે.

હાજી. આવો દંભ કરવો આપણા મૂર્ધન્યો માટે અજાણ્યો અને અસંભવ નથી. આવો દંભ કરવામાં તો તેઓ કોંગીના મોટા ભાઈની ગરજ સારે છે. કોંગી નેતાઓ કહે છે જ ને અમે ભારતમાં લોકશાહી જીવતી રાખી છે. તેઓ ભૂલી જાય છે કે ભારતની લોકશાહી ના મૂળમાં મહાત્મા ગાધીએ વ્યાપક રીતે બનાવેલ કોંગ્રેસનું વ્યાપક સંગઠન હતું, જેનો લાભ નહેરુ એ લીધો છે. ઇન્દિરાએ તેને તહસ નહસ કરી નાખ્યું. ત્યારથી કોંગીનું નામુ નંખાઈ ગયું છે.

 હરિ અનંતો હરિ લીલા અનંતા

 હાજી. હરિ અનંતો હરિ લીલા અનંતા. તેજ રીતે રાક્ષસો પણ અનંત છે અને તેમની માયા પણ અનંત છે. પણ આ રાક્ષસોની લીલા પણ હરિ લીલામાં જ આવી જાય. માટે સુજ્ઞ જનોએ બોલીને બફાટ ન કરવો. જો ટકલો કામ ન કરતો હોય તો પ્રેક્ષક બની જોયા કરવું.

મૂર્ધન્યોએ વિપક્ષની ચિંતા કરવી નહીં. સબળ વિપક્ષ આપ મેળે જ ઉત્પન્ન થશે. રામનો વિકલ્પ રાવણ ન હોઈ શકે. રાવણ તો એક પ્રતિક છે. વાસ્તવમાં તો  પૃથ્વિરાજ ચૌહાણનો વિકલ્પ મહમ્મદ ઘોરી ન હોઈ શકે.

શિરીષ મોહનલાલ મહાશંકર દવે

 

Read Full Post »

This is about Rape on Female by Saints and Experiment of Mahatma Gandhi Part – 4

માદાઓનો શિયળ ભંગ કરતા સંતો અને મહાત્મા ગાંધીનો પ્રયોગ – ૪

આહાર નિદ્રા, ભય અને મૈથુન શું ઘટાડ્યા ઘટી શકે છે?

આગળ જોઇએ

આંશિક શરીરને નિદ્રા

સજીવના કોષો જો હમેશા કાર્યરત રહે તો અમુક હદ પછી તે નબળા પડી જાય. તેથી તેની સક્ષમતા ઘટે. આ માટે પ્રકૃતિએ તેમને માટે નિદ્રાની જોગવાઈ કરી. પણ આ નિદ્રાની જોગવાઈ બધી જાતના કોષ માટે નથી. દરેક કોષ બેઝીક ટાઈમના પલ્સના આધારે કામ કરે છે. કેટલાક કોષો અને અંગો તેના અંતરાલમાં આરામ લઈ લે છે. જેમકે હૃદયના ધડકારા. ફેફસાંની શ્વાસોચ્છવાસની ક્રિયા. લોહીનું ભ્રમણ અને હવાનું ભ્રમણ દબાણના આધારે થાય છે. આ બધી વાતો લાંબી છે. ટૂંકમાં નિદ્રા અંગોને  આરામ આપે છે. આહાર, શરીરમાં વપરાતા ઘસારાને કારણે તત્વોમાં થતી ખોટને પૂરે છે.

 “આહાર, નિદ્રા, ભય અને મૈથુન વધાર્યા વધે અને ઘટાડ્યા ઘટે” આમાં વાસ્તવિકતા કેટલી?

આહારઃ

શરીરના કોષોની સક્રીયતા ટકાવી રાખવા માટે અને નવા કોષોની જરુર હોય તો તે ઉત્પન્ન કરવા માટે આહાર જરુરી હોય છે. જો આહારનું પ્રમાણ વધુ હોય અને પોષક તત્વો લોહીમાં પૂરતા પ્રમાણમાં હોય તો વધારાનો આહાર મળ-મૂત્ર સ્વરુપે બહારનીકળી જાય છે. ચરબીનો સંચય થાય છે. ચરબીના દહનથી કોષનું તાપમાન જળવાઈ રહે છે. આ કારણથી આહારને ઘણી હદસુધી ઘટાડી શકાય છે. લોહી દ્વારા કોષોને ચરબી સહિતના પોષક તત્વો મળતા રહે છે. પોષક તત્વો લોહીમાં ઘટે એટલે ભૂખ તરસ લાગે છે. આ એક વ્યવસ્થા છે. ભૂખ લગાડનારી વ્યવસ્થામાં રહેલું તંત્ર અમુક હદના ઉપવાસ પછી નિસ્ક્રીય થઈ જાય છે. પણ પાણી ઘટે તો શરીરને તરસ લાગવાથી અને પાણીના અભાવે કામ કરતું બંધ થઈ જાય છે. આમ આહાર અમુક હદ સુધી જ ઘટાડી શકાય છે. શરીર પોતે ટકી શકવાની હદ સુધી ટેવાઈ જાય છે.

નિદ્રાઃ

નિદ્રા પણ અમુક હદ સુધી ઘટાડી શકાય. નિદ્રા એટલે આમ તો મગજના એક હિસ્સાને મળતો આરામ છે જે સ્મૃતિને આરામ આપવાનો છે. આમાં ગંધ, સ્વાદ, સ્પર્ષ અને વિચારની ક્રિયા બંધ થાય છે.

ભયઃ

ભય એ એક વિઘટનની ક્રિયા વિષેનું પૂર્વાનુમાન છે. જેના પ્રમાણનો આધાર ડીએનએની સંચરના ઉપર છે. મનુષ્યમાં “વિચાર” અને “સમજણ” એ બંને ની ઘનિષ્ઠતા પણ ભાગ ભજવે છે. ભય જેટલા પ્રમાણમાં ઓછો થાય એટલા પ્રમાણમાં, વીરતામાં વૃદ્ધિ થાય છે.

મૈથુનઃ

કુદરતે આપેલી આ એક વૃત્તિ છે. જેનો હેતુ તદ્રુપ જીવોને ઉત્પન્ન કરી જીવસમૂહને ટકાવી રાખવાનો છે. આ વૃત્તિની ઘનિષ્ઠતાનો આધાર પણ ડીએનએ-આરએનએના બંધારણ ઉપર આધાર રાખે છે.

શરીરમાં કોષોને ખૂટતા તત્વો, શરીરમાં કોષોને ટેવથી પડેલા તત્વો, શરીરમાં કોષોને જોઈતા તત્વો, શરીરમાં કોષોને પરવડતા તત્વો, જેમાં બધું જ આવી જાય તેને આપણે રસાયણો કહીશું. આ રસાયણો મનુષ્યના અને સૌકોઈ સજીવના આચાર વિચાર આઘાત પ્રત્યાઘાત  ઉપર અસર કરે છે. માણસ પોતાના વિચારોની ઘનિષ્ઠતાના આધારે પોતાના અમુક રસાયણોમાં ફેરફાર કરી શકે છે. અને આ રસાયણો મનુષ્યના આચારોને નિયંત્રિત કરેછે.

જો માણસ જાતીય વિચારોની ઘનિષ્ઠતામાં જ રચ્યો પચ્યો રહે તો તેનામાં તેવા રસાયણો ઉત્પન્ન થાય છે અને તેથી તેની વૃત્તિઓ પણ તે સ્વરુપની ઉત્પન્ન થાય છે. વૃત્તિઓ તેને તેવા આચારોની દીશામાં પ્રેરે છે.

જાતીય વિચારો અને આચારો ઉપર સંયમ કેટલી હદે જરુરી?

માત્ર જાતીય વિચારો જ, શરીરમાં રહેલા રસાયણ ઉપર અવલંબે છે એટલું જ નહીં પણ વિચારો માત્ર રસાયણ ઉપર આધાર રાખે છે. અમુક વિચારોને રોકનારા વિચારો પણ પ્રતિ-રસાયણો ઉપર આધાર રાખે છે. જેમ બહારના આક્ર્મક માઈક્રોઓર્ગેનીક્ઝમ (જેમકે વાઈરસ) સામે લડનારા સફેદ કણો શરીરમાં હાજર હોય છે તેવું જ રસાયણ, પ્રતિ-રસાયણનું હોય છે. અમુક અમુક જાતના ડ્ર્ગ્ઝ લેવાથી માણસને અમુક જાતના વિચારો આવે છે. માણસમાં અમુક જાતના પ્રતિભાવો આપવાની વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. માણસ વિચારોમાં સાતત્ય જાળવી શકતો નથી… દીશા શૂન્ય થઈ જાય છે, નાની નાની વાતોમાં ગુસ્સે થાય છે, રડવા લાગે છે… હસવા લાગે છે …. હળવો થઈ ગયો હોય … ઉડતો હોય …. તેવી અનુભૂતિઓ થવા લાગે છે. આ બધું રસાયણો ઉપર આધારિત હોય છે.

જાતીય વૃત્તિ પણ રસાયણ ઉપર આધાર રાખે છે. આ રસાયણો તેને વારસામાંના ડીએનએ-આરએનએ દ્વારા મળે છે. અને તેના પ્રમાણની વધઘટ ખોરાક અને વિચારોની ઘનિષ્ઠતા ઉપર અવલંબે છે. વિચારોના આધારે રસાયણો અને પ્રતિ રસાયણો કાર્યશીલ થઈ વૃત્તિઓને આચાર તરફ જવા પ્રેરે છે.

લગ્નની વ્યવસ્થા શા માટે ઉત્પન્ન થઈ?

જો કોઈપણ નર કોઈપણ માદા સાથે પશુઓની જેમ શારીરિક સંબંધો બાંધે તો પાશવી શક્તિ સમાજ ઉપર હામી થાય છે. કારણ કે મનુષ્ય જાતિ વિચારશીલ છે અને તે વ્યુહ રચનાઓ કરી શકે છે ઠગાઈઓ કરી શકે છે તેથી કાળાંતરે મનુષ્ય જાતિ જ નષ્ટ પામી જઈ શકે છે. પણ મનુષ્યજાતિનો સમૂહ પણ એક સજીવ છે અને તે પોતે પણ ટકી રહેવાની પ્રાકૃતિક વૃત્તિ ધરાવે છે. આ વૃત્તિની રુએ, જાતીય વૃત્તિના આચારને બેફામ થતો રોકે છે. આ માટે તે વૃત્તિને રોકવા માટે જરુરી, જે પ્રતિ-રસાયણો છે, તેને બનાવવા, પોતાના સમૂહમાં નીતિ નિયમો ઘડે છે. આ નીતિ નિયમો દ્વારા મનુષ્યસમુહે વર્તન બાબતમાં મર્યાદાઓ બાંધી છે. જાતીય સંબંધ બાંધવા માટે સગાંઓને બાધ્ય ગણ્યા. નજીકના સગાંઓને તો સાવ જ બાધ્ય ગણ્યા. ઉમરના મોટા તફાવતને બાધ્ય ગણ્યો. લગ્નપ્રથાને ઉજવણીનો પ્રસંગ ગણ્યો જેથી કોણ કોની સાથે છે તે જાહેર થાય. હક્કો અને ફરજો આપ્યા. આ બધાનો હેતુ જાતીય જીવનમાં અરાજકતા ન થાય તે માટેનો હતો.

બે વિજાતીય વ્યક્તિઓ એકબીજા સાથે પરિણિત છે. આ વ્યક્તિઓ વચ્ચે રસાયણોનો તાલમેલ ન હોય તો શું થાય? આવા લગ્નો કેવી રીતે ટકાવી શકાય? પ્રેમના રસાયણનો તાલમેલ હોય, ફરજ અને હક્કને સમજવાના  રસાયણનો તાલમેલ હોય, પસંદગી નાપસંદગીના રસાયણનો તાલમેલ હોય પણ શારીરિક સંબંધની વૃત્તિના રસાયણ વચ્ચે તાલમેલ ન હોય તો શું કરવું? આના ઉપાય તરીકે વેશ્યા વ્યવસાય ઉત્પન્ન કરવામાં આવ્યો. જો કશામાં તાલમેલ ન હોય તો છૂટાછેડાની જોગવાઈ કરવામાં આવી.

જો સ્ત્રી બહુગામી હોય તો તે વેશ્યા વ્યવસાય કરી શકે અથવા પતિથી ખાનગીમાં બીજા સાથે સંબંધ રાખે. આ વાતની નરને ખબર પડે કે ખબર ન પણ પડે. જો આ આડસંબંધની ખબર પડે અને જો પુરુષ નપુંસક હોય તો આંખ આડા કાન કરે અને જો તેમ ન હોય તો ક્યારેક છૂટા છેડા પણ આપી શકે.

જો પુરુષ બહુગામી હોવાની ટેવવાળો હોય કે છૂટક હોય તો સ્ત્રી કંકાસ કરે અથવા સમસમીને બેસી રહે. પણ જવલ્લે જ એવું વિચારે કે તે અને તેના પતિની જાતીય વૃત્તિ બાબતની કેમેસ્ટ્રી મેચ થતી નથી અને તેને પોતાને સમજણ દ્વારા અને અથવા હોર્મોન થેરેપી દ્વારા મેચ થવાની જરુર છે. વાત બહુ નાની છે. પણ આ નાની વાત, સમાજમાં અસામાજીકતા અને અરાજકતા સર્જે છે.

ભ્રમર વૃત્તિ

પુરુષની ભ્રમર વૃત્તિ એ કુદરતની દેન છે. તેથી જ તત્વ વેત્તાઓએ સંયમની વાત ઉપર જોર આપ્યું છે.

શું જાતીય વૃત્તિ ઉપરનો સંયમ અને અકુદરતી રીતે થતું વિર્ય સ્ખલન નુકશાન કારક છે?

શું બ્રહ્મચર્યનો ગવાતો મહિમા એક ફરેબ છે?

જાતીય વૃત્તિ ના વિષય ઉપરના પંડિતો એવું કહેતા જોવા મળે છે કે અકુદરતી રીતે કરવામાં આવતું વીર્યસ્ખલન કુદરતી વલણ છે અને તેનાથી કશું નુકશાન નથી. સંત રજનીશમલ પણ એમજ કહે છે કે જાતીયવૃત્તિ ઉપરનો સંયમ જાતીયવૃત્તિને વધુ તીવ્રતા આપે છે. માટે લગ્ન સંસ્થા એક નિરર્થક સંસ્થા છે. લગ્ન સંસ્થાનું મૃત્યુ નિશ્ચિત છે અને તે થવાનું જ છે. સમાધિ એક આનંદ છે અને સંભોગ પણ આનંદ છે માટે સંભોગ દ્વારા સમાધિ પ્રાપ્ત કરવી.

જો કે આ એક તર્કહીન તારણ છે.

ભગવાન કૃષ્ણ ગીતામાં શું કહે છે?

અર્જુને કૃષ્ણભગવાન ને પ્રશ્ન કરેલ કે જો સંયમી થવાની ઈચ્છા હોય પણ ન થઈ શકાતું હોય તો શું કરવું?

કૃષ્ણ ભગવાન જવાબ આપે છે કે “અભ્યાસ કરવો”. અભ્યાસ એટલે કે તે કામ અવારનવાર અને સતત કર્યા કરવું. જ્યારે બાળક ચાલવાનું શિખતું હોય ત્યારે તે અવારનવાર પડી જાય છે. છતાં તે પ્રયત્ન ચાલુ રાખે છે. પોતાના પ્રયત્નો તે ચાલુ રાખે છે. પ્રયત્ન કરતાં કરતાં તે ચાલવાનું શિખી જાય છે. પછી તેને માટે ચાલવાનું એક સ્વાભાવિક ક્રિયા થઈ જાય છે. સંયમ વિષે પણ આમ જ છે. જોકે સંત રજનીશમલના શિષ્યો કહેશે કે આ તર્ક ખોટો છે. શરીરના હલન ચલનને કાબુમાં રાખવું અને શરીરને ટેવ પાડવી એ વાતને મનની ગતિવિધિઓ સાથે સરખાવી ન શકાય.

કૃષ્ણ ભગવાન આવો ભેદ પાડતા નથી. મૂળવાત સમજણની છે. નાનું બાળક અજ્ઞાતરીતે સમજે છે કે મારે ચાલ્યાવગર છૂટકો નથી. બધા મજાના બે પગે ચાલે છે. માટે ચાલવું તે અશક્ય નથી.  આનો અર્થ એ થયો કે સામાજીક વાતાવરણ, માણસની વૃત્તિ ઉપર અસર કરે છે. જો સામાજીક નિયમો અને અંકુશો નબળા હોય તો માણસનું મન પણ નબળું પડે, કારણકે સમજણ વિકસતી નથી.

સમાજનો ભય માણસના મનને અંકુશમાં રાખે છે. જો એક વખત બુદ્ધિપૂર્વકની સમજણ ઘર કરી જાય એટલે કે જે સમજાયું તે આત્મસાત પણ થઈ જાય તો મન પણ પૂર્ણપણે અંકુશમાં આવી જાય છે.

આમ કૃષ્ણભગવાન એમ કહે છે કે;

તમારી મનની ઈચ્છાને બાજુ પર રાખો. તેનાથી અલિપ્ત બનો. તટસ્થ બનીને માત્ર બુદ્ધિથી જ વિચારો. કારણ કે જો તમે આમ નહીં કરો તો તમે ઈચ્છાપૂર્વકની કામનાની દિશામાં જ એકાંગી રીતે વિચારતા થશો. કામનાથી અલિપ્ત નહીં થાઓ તો તમે અસ્વસ્થ થશો. (પોતાના ઉપર ક્રોધ કરશો એટલે કે આત્મવિશ્વાસ ગુમાવશો. આ સ્થિતિ તમને નિરાશા તરફ દોરી જશે). નિરાશા જનક સ્થિતિમાં તમારે જે દલિલો યાદ કરવાની છે તે તમે તમારી સ્મૃતિમાંથી બહાર કાઢી શકશો નહીં. એટલે તમે તર્કનો ઉપયોગ નહીં કરી શકો. તમે તર્ક નહીં કરો એટલે તમે મનુષ્ય તરીકે ખતમ થશો.

આનો અર્થ એ થયો કે જો તમે કોઈપણ નિર્ણયમાં તટસ્થભાવ ન રાખો, અને મનની સાથે લિપ્ત રહીને જ બુદ્ધિને નિર્ણય કરવાનું કહો તો, બુદ્ધિ બારે દિશામાંથી મેળવેલી સ્મૃતિઓનો ઉપયોગ કરશે નહીં, અને તમે જે નિર્ણય કરશો તે વાસ્તવમાં મનનો જ નિર્ણય હશે. મનને તો તમે અલિપ્ત કર્યું જ નથી, એટલે જે નિર્ણય થયો તે બુદ્ધિનો નિર્ણય તો છે જ નહીં. મન પ્રમાણેનું આચરણ કરવામાં તમે મનુષ્યત્વ ગુમાવો છો.

વાસ્તવમાં મન તો તમારું નોકર છે, પણ તમે ગર્વથી કહો છો કે હું તો મનનો મોજી છું. હું તો મારા મનના (નોકરના) કહેવા પ્રમાણે જ વર્તીશ. હું કંઈ કોઈનો ગુલામ નથી.

વાસ્તવમાં તમે તો તમારા નોકરના ગુલામ છો.

બધાજ બનાવો નિશ્ચિત છે

આધુનિક ભૌતિક શાસ્ત્રીઓ કહે છે કે બ્રહ્માંડમાં બધું જ નિશ્ચિત છે. મનુષ્ય શું વિચારશે તે નિશ્ચિત છે. મનુષ્ય કેવી રીતે વર્તશે તે પણ નિશ્ચિત છે. જો કોઈ એક વ્યક્તિના રસાયણ જ એવા હોય કે લાખ વિચારો બુદ્ધિ પૂર્વક કરે અને પ્રતિ-રસાયણો ઉત્પન્ન કરે પણ આ પ્રતિરસાય્ણો જાતીય વૃત્તિનું દમન ન કરી શકે તો શું કરવું? જો દરેક મનુષ્યનો સ્વભાવ બ્રહ્માંડની નિશ્ચિતતાને આધિન હોય તો મનુષ્ય વાંકમાં આવ્યો જ ન ગણાય. હવે જો મનુષ્ય વાંકમાં જ આવ્યો ન હોય તો તેને સજા પણ કેવી રીતે થઈ શકે?

ઈશ્વર કહે છે કે તમે સમજી લો અને માની લો હું મનુષ્યની વ્યક્તિગત સુરક્ષા માટે નથી. હું ફક્ત વ્યક્તિગત મનુષ્યને જ સજીવ માનું છું તેમ નથી. હું તો સમાજને પણ સજીવ માનું છું. એટલે મનુષ્ય વ્યક્તિગતરુપે અને સમાજ સામુહિક રીતે, એ બંનેના પ્રમાણસરના મિશ્રણથી જે કંઈ નિર્ણયો અને આચરણો થશે તે, જે તે સમાજનું ભાવી નક્કી કરશે. જો એક મનુષ્ય વ્યક્તિગત રીતે પ્રતિ-રસાયણ ઉત્પન્ન નહીં કરે તો સમાજ તેને દંડ આપીને તે વ્યક્તિની અંદર રહેલા વિઘાતક રસાયણને નબળું પાડી દેશે અને સમાજમાં કુલ પ્રતિ-રસાયણનું પ્રમાણ વધશે. આ પ્રમાણે આ પ્રતિરસાયણ મનુષ્ય સમાજને જાતીય સંબંધોમાં સ્વચ્છંદતા લાવતાં રોકશે.

GANDHI AND MANUBEN GANDHI

મહાત્મા ગાંધી શું કહે છે? તેમણે શું કર્યું?

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે.

ટેગ્ઝઃ આહાર, નિદ્રા, ભય, મૈથુન, સજીવ, કોષ, સમુહ, ઘટાડ્યાં ઘટે, વધાર્યાં વધે, જાતિય, વિચાર, સમજણ, સંયમ, અભ્યાસ, બુદ્ધિ, તર્ક, અલિપ્ત, સ્મૃતિ, વૃત્તિ, ભ્રમર, આચાર, નીતિ, નિયમ, લગ્ન, મનુષ્યત્વ, રસાયણ, પ્રતિ-રસાયણ, નિશ્ચિત, બ્રહ્મચર્ય, કુદરતી, વીર્યસ્ખલન,

Read Full Post »

%d bloggers like this: