Feeds:
Posts
Comments

Posts Tagged ‘આપખુદ’

તેમને પણ સાંભળો અને તેઓ પણ સાંભળે. (નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન) ભાગ-૨

તેમને પણ સાંભળો અને તેઓ પણ સાંભળે. (નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન) ભાગ-૨

નરેન્દ્ર મોદી વિષે શું છે?

નરેન્દ્ર મોદી વિષે આવું કશું નથી. અને જે વિવાદસ્પદ વાતો છે તેને પણ જો લક્ષ્યમાં લેવામાં આવે તો તેની સંખ્યાત્મક સરખામણી થઈ શકે તેમ નથી. વળી જુઓ, નરેન્દ્ર મોદી એક એવી વ્યક્તિ છે જે ગરીબ કુટુંબમાંથી આગળ આવેલી છે. નરેન્દ્ર મોદીને તેની માતાએ લોકોના ઘરના કામ કરીને ભણાવેલ છે. નરેન્દ્ર મોદી ખાલી ખીસ્સે ઘરનો ત્યાગ કરીને નિકળી પડેલ. તે સમાજના દરેક નિમ્નાતિનિમ્ન કક્ષાના જીવનમાંથી પસાર થયેલ છે. ખાલી ખીસ્સે હિમાલયમાં વર્ષો સુધી ભટકેલ છે. નરેન્દ્ર મોદી જગતને અને તેના લોકોને વધુસારી રીતે જાણે છે. તે લેખક અને કવિ પણ છે. બહુશ્રુત છે અને વાચનનો શોખિન છે. “વાંચે ગુજરાત”ના કાર્યક્રમમાં તેણે ગાધીજીનું “મારા સ્વપ્નનું ભારત” એક વધુ વાર વાચ્યું છે. આવી એક વ્યક્તિ, જે વિકાસના મુદ્દા ઉપર મત માગીને બંધારણીય પ્રક્રિયા દ્વારા સતત ચૂંટાઈ આવે છે. નરેન્દ્ર મોદીનો કોઈ એવો સરમુખત્યારીનો ટ્રેક રેકોર્ડ નથી. આ અને આવા નરેન્દ્ર મોદીને તમે લોકસભાની ચૂંટણીમાં દેશને માટે ખતરનાક ગણો છો? આ તે કેવી તમારી વિડંબણા કે તર્કહીન, પ્રમાણભાન હીનતા અને આત્મવંચના છે?

તમે ૨૦૦૨ને ભૂલવા માગતા નથી.

તમે ૨૦૦૨ ના દંગાઓને એટલે કે મુસ્લિમોની થયેલી જાન હાનિને ભૂલવા માગતા નથી એવું બતાવીને તમે તમારી કહેવાતી અસંવેદનશીલતાનું પ્રદર્શન કરવામાં માનો છો. તમે એ પણ ચર્ચા કરી કે તમારા કહેવા પ્રમાણે સમાચાર માધ્યમો ૨૦૦૨ના દંગાને ભુલી જવાનું કહે છે.  આ દંગાઓમાં તો હિન્દુ અને મુસ્લિમ બંને મરાયેલા. પણ ૧૯૮૪ની કત્લેઆમમાં તો નિર્દોષ શિખ લોકો એકલા જ અને તે પણ હજારોની સંખ્યામાં કતલ કરાયેલા. ૧૯૯૦-૯૧ની કત્લેઆમમાં તો કાશ્મિરી હિન્દુ એકલા જ હજારોની સંખ્યામાં મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. અને પાંચ લાખને ખદેડી મુક્યા તે આજ પર્યંત નિરાધાર છે.

વદતો વ્યાઘાત

૧૯૬૯, ૧૯૮૩, ૧૦૮૪, ૧૯૯૦-૯૧, ૧૯૯૩, ૨૦૦૮ જેવા અનેક પ્રકરણો ભારતમાં બન્યા છે. આની તો તમે કોઈ વાત પણ કરતા નથી, અને રાષ્ટ્રીય કક્ષાએ નરેન્દ્ર મોદીને રોકવાની વાત કરો છો. આ તો વદતો વ્યાઘાત નું જ ઉત્તમ ઉદાહરણ તમે પુરું પાડો છો. તમારા ઉપર કોણ વિશ્વાસ કરશે?

શું નરેન્દ્ર મોદી તમારું એકમાત્ર ભક્ષ્ય છે?

આમ તો દેશમાં અનેક નેતાઓ છે અને તેઓ સઘળા પોતાની જાતે જ અને તેમના હિતેચ્છુઓ દ્વારા પોતે વડાપ્રધાન પદ માટે યોગ્ય છે, શક્યતા વાળા છે  અને તૈયાર છે એવું જાણવા મળતું રહ્યું છે. આમાં સમાચાર માધ્યમોએ નરેન્દ્ર મોદીનું નામ પણ ઉમેર્યું. નરેન્દ્ર મોદી જનતામાં સૌથી વધુ લોકપ્રિય છે તેવું હવે તેમના વિરોધીઓ અને દુશ્મનો પણ સ્વિકારતા થયા છે. નરેન્દ્ર મોદીનું નામ વડાપ્રધાન પદ માટે મંજુર કરાવવા માટે જે કંઈ થયું તે સૌ કોઈએ એટલે કે મોદી-વિરોધીઓએ પોત પોતાની આદતો અને માનસિકતા પ્રમાણે જોયું. નરેન્દ્ર મોદીના વિરોધીઓએ આ બાબતને નરેન્દ્ર મોદી વિષે વધુ નવા વિશેષણો બનાવવાનો મોકો બનાવ્યો છે. આમ તો મોટા ભાગના પક્ષ એક જ નેતાની જાગીર જેવા છે. લોકશાહી પક્ષ માટે આ અનુરુપ ન કહેવાય. બીજેપી આમાંથી બકાત છે.

વિદેશોમાં પક્ષના નેતાની સભ્યોદ્વારા ચૂંટણી થાય છે. ત્યાંના રાજકીય વિશ્લેષકો આ વાતને લોકશાહી પ્રક્રિયાનો એક ભાગ માને છે. પણ ભારતમાં એક વંશીય શાસન, આપણા કોંગીનેતાઓ, તેમના સહયોગીઓ અને રાજકારણીય વિશ્લેષકોને ફક્ત ગોઠી ગયું છે એટલું જ નહીં, પણ હૃદયમાં સોંસરવું ઉતરી ગયું છે, તેથી જો કોઇ બીજેપી જેવા પક્ષમાં નેતાની પસંદગી થાય તો આ બધા મહાનુભાવોના મગજ ક્ષુબ્ધ થઈ જાય છે. તેમને પોતાની આ મનોસ્થિતિમાટે શરમ પણ આવતી નથી.

ઘીના ઠામમાં ઘી પડ્યું. તમારા પેટમાં શાને ઉકળતું તેલ?

દરેક પક્ષને આમ તો પોતાનું બંધારણ હોય છે. પણ દરેક પક્ષને પોતાના બનવા માટે અલગ અલગ કારણ હોય છે. ભારતના કેટલાક નેતાઓમાં અહંકાર વૃત્તિ અને સ્વકેન્દીપણું કંઈક વધુ  હોવાના કારણે આવા કંઈક નેતાઓએ પોતાના પક્ષો બનાવ્યા છે. આવા પક્ષોમાં ઈન્દીરા ગાંધીનો કોંગી યાને કોંગ (ઈ), મુલાયમનો સ.પા., મમતાનો ટીએમસી, લાલુપ્રસાદનો આરજેડી, વિગેરે અનેક પક્ષો આવે છે. તે સૌનું પોત છે. આ બધા સૌ નેતાની ચૂંટણીનું નાટક કરે છે. નાટકેય કર્યા વગર અને ચર્ચા વાદવિવાદ કર્યા વગર નેતાનો ઠરાવ પાસ કરી દે છે. જો આપણે પક્ષીય રાજકારણમાં માનતા હોઈએ તો પક્ષની આંતરિક બાબતમાં વ્યક્તિગત બાબતોમાં આપણે આપણી ચાંચુડી ખોસવી જોઇએ નહીં. પક્ષને તેના પોત પ્રમાણે મૂલવવો જોઇએ. વ્યક્તિ મોટી છે કે પક્ષ તે તો પક્ષ પોતે જ તેની પ્રક્રિયાઓ દ્વારા કહેશે. અન્યોએ તેમાં આધારહીન ધારણાઓ કરવાની જરુર નથી. ધારણાઓથી કોઈને ગુનેગાર ઠેરવી ન શકાય.

દેશમાં વડાપ્રધાનનું પદ એક છે.

અનેક નેતાઓમાંથી એકની પસંદગી થાય છે. બાકીના અનેક બાકી રહી જાય છે. બીજેપીએ નરેન્દ્ર મોદીની પસંદગી કરી. આ જે વ્યક્તિ પસંદ થઈ તે તમને પસંદ નથી માટે તેને સરમુખત્યાર, અષ્ટકુટ, દુરાચારી, વિગેરે જે કોઈ વિશેષણો હાથવગા થાય તે બધા જ વિશેષણોથી તે વ્યક્તિને ભૂષિત કરી દો છો તેથી તમને કદાચ આત્મતુષ્ટિ મળતી હશે પણ તમારો આ વાણીવિલાસ જનતાને વરવો લાગે છે.

શેઠની શિખામણ ઝાંપા સુધી.

પક્ષના નેતાની પસંદગી એ પણ એક જાતની ચૂંટણી છે. “ચૂંટણી એક પર્વ છે”. આમ વિનોબા ભાવેએ કહ્યું છે. પણ આપણા આ વિનોબા ભાવેના અનુયાયીઓ “શેઠની શિખામણ ઝાંપા સુધી” એમ માને છે. બીજેપી તેના નેતાને પોતાની પ્રક્રિયા દ્વારા પસંદ કરે છે. તેમાં જનમત પણ એક પરિબળ છે. વાસ્તવમાં તો જનાધારને જ મુખ્ય પરિબળ ગણવું જોઈએ. પણ તમો જોકે પોતાને ગાંધીવાદી માનો છો, જનાધારની વાતને અગમ્ય કારણસર નજર અંદાજ કરે છો. તમે તો એવી તારવણીઓ કાઢો છો કે મોદીએ બીજાને પછાડી દીધા. મોદી સત્તા લાલચુ છે. મોદી પોતાને પક્ષ કરતાં મહાન માને છે. મોદી સરમુખત્યાર છે. પણ તમે જાણો છો કે આવી વાતો તો દરેક નેતા કે જે જીતતો હોય તેને માટે કરી શકાય.

નાગરિક સ્વાતંત્ર્ય સંગઠનના વક્તાઓએ નરેન્દ્ર મોદીના ઉચ્ચારણોને કેવી રીતે જોયા?

ભારતનું સ્વપ્નઃ

મહાત્મા ગાંધીએ ભારત માટે એક સ્વપ્ન જોયેલું. આદર્શ સમાજ કેવો હોય તે માટે તેમની એક વિચાર ધારા હતી. તેના આધાર ઉપર તેમણે એક પુસ્તક લખેલું. તે પુસ્તકનું નામ હતું “મારા સ્વપ્નનું ભારત”. મોટા ભાગે દરેક દેશવાસીનું પોતાનો દેશ કેવો હોવો જોઇએ તે માટેનું એક સ્વપ્ન હોય છે. સ્વપ્ન સેવવું તે દરેકનો અધિકાર છે. નરેન્દ્ર મોદીનો પણ અધિકાર છે.

હવે તમને જો એમ લાગ્યું કે નરેન્દ્ર મોદીની ફલાણી વાત બરાબર નથી તો તમે તે વાત પુરતી ચર્ચા કરો. તમે તે ચર્ચા નરેન્દ્ર મોદી સાથે કરો કે જનતા સાથે કરો. પણ તમે એવું તો તારવી જ કેવી રીતે શકો કે “નરેન્દ્ર મોદી એટલે ઈન્ડીયા અને ઈન્ડીયા એટલે નરેન્દ્ર મોદી” એમ નરેન્દ્ર મોદી માને છે? નરેન્દ્ર મોદીની એક વેબસાઈટ છે. તે દ્વારા તમે તેની સાથે ચર્ચા કરી શકો છો. તમે તેની મુલાકાત પણ માગી શકો છો. મહાત્મા ગાંધી સંવાદમાં માનતા હતા. તમે કેમ વિસંવાદ કરો છો?

વોટ ફોર ઈન્ડીયાઃ

નરેન્દ્ર મોદીએ ભારતની સમસ્યાઓ વર્ણવી. આ સમસ્યાઓને નહેરુવીયન કોંગ્રેસ તેના નિરપેક્ષ અને  અબાધિત ૪૫ વર્ષના શાસન ૧૧ વર્ષના ગઠબંધન શાસન પછી પણ સુલઝાવી શક્યા નથી. જોકે આ નહેરુવીયન કોંગ્રેસી નેતાઓ પોતે અરબોપતિ થઈ ગયા છે. પણ દેશની ૬૬ ટકા જનતા કે તેથી વધુ જનતા, ગરીબી રેખાની નીચે છે. ૬૦ વર્ષના શાસનને અંતે નહેરુવીયન કોંગ્રેસ “મનરેગા” લાવે અને પોતાની પીઠ થપથપાવે અને તમે તાલીઓ પાડો એ તમને શોભતું નથી.

નહેરુવીયન કોંગ્રેસીઓ દેશની આગવી પ્રાચીન વિશેષતા અને દેશનું ગૌરવ સ્થાપી શક્યા નથી. એટલું જ નહી પણ તેમણે બાહ્ય અને આંતરિક અનેક નવી સમસ્યાઓ જાણ્યે અને અજાણ્યે ઉત્પન્ન કરી છે. નરેન્દ્ર મોદીએ હાકલ કરી કે હવે ધીરજ ધરીને નહેરુવીયન કોંગ્રેસ ઉપર વિશ્વાસ રાખવો તે દેશના હિત માટે યોગ્ય નથી. નરેન્દ્ર મોદીએ લીસ્ટ બનાવ્યું અને કહ્યું કે આ સમસ્યાઓ રહિત દેશ કરવા માટે તમે મત આપો. “તમે નહેરુવીયન કોંગ્રેસને ૬૦ વર્ષ આપ્યા મને ૬૦ માસ આપો” આમાં ખોટું શું છે?

નરેન્દ્ર મોદી અજ્ઞાની છે.

તમે નરેન્દ્ર મોદીને ઈતિહાસનું જ્ઞાન પણ નથી એવું કહ્યું. નરેન્દ્ર મોદીએ એક યુવતિની જાસુસી કરાવી. આ કહ્યું ખરું પણ ફોડ ન પાડ્યો. જો ફોડ પાડ્યો હોત તો તમે જનતાની નજરમાં કમસે કમ યુવતીની બાબતમાં તો ફુસ થઈ જાત. કોઈએ કશું ટેપ કર્યું અને રેકોર્ડ કરીને બહાર પાડ્યું. પણ બધું બભમ બભમ છે. તમે જુઓ, ઉંડા ઉતરો, સમજો અને પછી બોલો તો તમને શોભે.

ચંદ્રગુપ્ત

 ચન્દ્ર ગુપ્ત

નરેન્દ્ર મોદીના ઇતિહાસના જ્ઞાનમાં કશી કચાશ નથી. કાંતો તમે તેના વિરોધીઓએ પોતાના ઇતિહાસના અર્ધદગ્ધ જ્ઞાન થી મોદીની વાતનો ખોટો અર્થ કર્યો છે, કાંતો તમે તેના સાથી છો અથવા તમે પણ ઇતિહાસનું તે વાત વિષેનું જ્ઞાન ધરાવતા નથી. નરેન્દ્ર મોદીએ કહેલ કે પટણા આવવાથી તેને ચંદ્રગુપ્ત યાદ આવે છે. તક્ષશીલા યાદ આવે છે. નાલંદા યાદ આવે છે. ચંદ્રગુપ્ત મૌર્ય અને ચંદ્રગુપ્ત બીજો (વિક્રમાદિત્ય). એમ બે ચંદ્ર ગુપ્ત થઈ ગયા છે. ચંદ્રગુપ્ત મૌર્યે વિશ્વ વિજયી ગ્રીકોને હરાવેલ. ચંદ્રગુપ્ત બીજાએ વિશ્વ વિજયી હુણ અને શક આદિ લોકોને હરાવેલ. તે બંને ના વખતમાં તક્ષશીલાને પેલે પાર સુધી તેમનું સામ્રાજ્ય વિસ્તરેલું હતું. આ બંને રાજાઓ ના સામ્રાજ્યમાં બિહાર હતું. એટલે જો નરેન્દ્ર મોદી કે કોઈ પણ પટણા જાય તો તેને મગધ સામ્રાજ્ય યાદ આવે અને કેળવણીના કેન્દ્રો તક્ષશીલા અને નાલંદા પણ યાદ આવે જ.

ગંગા

મુસ્લિમો ભારતના થઈને જ રહેલા. તેઓ ભારતને પોતાનો દેશ માનીને રહેલા. શેરશાહ, કુતબુદ્દીન અને મોગલરાજાઓએ ભારતને જ પોતાનો દેશ માન્યો હતો. તેઓએ સદીઓ સુધી ભારતની રક્ષા કરી છે. જેઓ ગંગા સુધી આવ્યા તેઓ ગંગાને ઓળંગી ન શક્યા પણ સાંસ્કૃતિક રીતે ગંગાના જ થઈને રહ્યા. એટલે કે ગંગામાં ડુબી ગયા. આ એક મુસ્લિમ કવિના કાવ્યનો લક્ષ્યાર્થ છે. જો તમે  સેક્યુલર હોવાનો દાવો કરતા હો છતાં પણ આ વાત સમજી ન શકો તો તેમાં નરેન્દ્ર મોદીનો શો વાંક?

નરેન્દ્ર મોદી કંઈ પણ કરે તેને વિકૃત રીતે જોવું

નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિર કર્યું એટલે ઘણા નહેરુવીયન કોંગ્રેસીઓના પેટમાં તેલ રેડાયેલું, અને તે બાબતમાં તેમણે વિતંડાવાદ કરે લો. તેવું જ સરદાર પટેલના બાવલા બાબતમાં થયું છે.

ગુજરાતમાં મોરારજી દેસાઈએ ગાંધીજી અને સરદાર પટેલ માટે જે કર્યું તે થયું. તે પછી નહેરુવીયન કોંગ્રેસ દ્વારા કશું થયું નથી.  નહેરુવીયન કોંગ્રેસના કાર્યાલયના મકાનનું નામ “રાજીવ ભવન છે”. આ તો તમને ખબર જ હશે. નહેરુવીયન કોંગ્રેસ માટે તો ગુજરાતમાં કોઈ નેતા છે જ નહીં અને હતા પણ નહીં. નહેરુવીયન કોંગ્રેસે ગાંધીજી માટે કે સરદાર પટેલ માટે કશું કરેલ નથી.

જે નહેરુવીયન કોંગ્રેસે ગાંધીજીના સિદ્ધાંતો નેવે મુક્યા અને દારુની રેલમછેલ કરી તો તમે એટલે કે કેટલાક જેઓ પોતાને ગાંધીવાદી માને છે તેઓ મૌન રહ્યા. પણ નરેન્દ્ર મોદીએ ગાંધીમંદિર બનાવ્યું તો તેમને વાંધો પડ્યો.

અરે ભાઈ, ગાંધીજી ઉપર તો આખા વિશ્વનો અધિકાર છે. એટલે “મંદિર” શબ્દ ઉપર વાંધો ઉઠાવશો તો તે વિતંડાવાદ જ કહેવાશે. જો કે આ વાંધો ગુજરાત વિદ્યાપીઠના એક ગાંધીવાદી ભાઈશ્રીએ ઉઠાવેલ.

ગાંધીજી ઉપર કે સરદાર પટેલ ઉપર દેશ આખાનો હક્ક છે. નહેરુએ અને નહેરુવીયન કોંગ્રેસે, સરદાર પટેલને કેવી રીતે નવાજ્યા છે તે વિષે ઘણું સાહિત્ય ઉપલબ્ધ છે.

ધારોકે નરેન્દ્ર મોદી કોમવાદી હોય તો પણ નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને વખાણ્યા એટલે તમે કેવીરીતે માની લીધું કે સરદાર પટેલ હિન્દુવાદી હતા. નહેરુ માંસાહારી હતા. નહેરુ જો ગાંધીજીના વખાણ કરે અને વારે વારે તેમનું નામ લે તો શું ગાંધીજી માંસાહારી થઈ જશે? માનસિક વિકૃતિની આ હદ લાગે છે. ગધુભાઈને પણ તાવ આવે તેવી વાત છે આ તો. 

નરેન્દ્ર મોદી બધી સીવીલ સોસાઈટીઓને બંધ પાડી રહ્યો છે.

એ બહુ જાણીતી વાત છે કે ઈન્દીરા ગાંધીએ ૧૯૮૦માં સત્તા ઉપર આવતાંની સાથે જ ગાંધીવાદી સંસ્થાઓ ઉપર ભંડોળના હિસાબની તપાસના આદેશો આપી દીધેલ. તમે જુઓ છો કે નહેરુવીયન કોંગ્રેસે અન્ના આંદોલન અને બાબારામદેવના આંદોલનના પ્રત્યાઘાત રુપે બંન્નેની સંસ્થાઓ ઉપર તપાસ જારી કરેલી છે. અત્યારે સાર્વત્રિક રુપે ઈન્કમટેક્ક્ષવાળા દરોડા પાડી રહ્યા છે. તમે આમાંનું કોઈ મુહૂર્ત કે એવું કંઈ જુઓ છો? નરેન્દ્ર મોદીની બાબતમાં તમે કશો ફોડ પાડ્યો નથી. બભમ બભમ આક્ષેપો કરવા એ જેઓ પોતાને ગાંધીવાદી માને છે તેમને શોભતું નથી.

ફોઈબાને મુછો હોય તો કાકા જ ન કહેવાય શું?

નરેન્દ્ર મોદીની બુરાઈ કરવામાં દૃષ્ય-શ્રાવ્ય અને મુદ્રિત સમાચાર માધ્યમો એક બીજાની સ્પર્ધા કરે છે. એટલે જો તમે એમ કહેશો કે નરેન્દ્ર મોદીને આ બધા સમાચાર માધ્યમો ગ્લોરીફાય કરે છે તો કોઈ તમારી વાત માનશે નહીં. નરેન્દ્ર મોદી તો મોતનો સોદાગર, ગોડસે, કાકીડો, દેડકો, આતંકી, કસાઈ, ગુનાખોર, નીચ, વિગેરે અવનવા વિશેષણોથી નહેરુવીયન કોંગી નેતાઓ અને સમાચાર માધ્યમોના વિશ્લેષકોથી નવાજાય છે. એમાં વળી તમારો ઉમેરો થયો છે. નરેન્દ્ર મોદીને ફોઈબાઓ ઘણી લાગે છે. ફોઈબાઓ તો પ્રેમથી નામ પાડે છે. પણ આ ફોઈબાઓ તો દ્વેષને કારણે તિરસ્કારથી નામ પાડે છે. ફોઈબાને મુછો હોય તો કાકા જ ન કહેવાય?

આશ્ચર્ય એ વાતનું છે કે સામ્યવાદી પક્ષ પણ તમારી સાથે સામેલ છે. હોય જ ને. નહેરુવીયન કોંગ્રેસીઓને તો કોમવાદી એવા મુસ્લિમલીગ સાથે બેસવામાં પણ નહેરુના જમાનાથી ક્યાં છોછ હતો? આ સામ્યવાદીઓ ૧૯૬૨ના ચીન સાથેના યુદ્ધમાં ચીની સેનાને મુક્તિ સેના તરીકે આવકારવા કલકત્તાની શેરીઓ ઉપર ઉતરી આવ્યા હતા. તમે એટલા તો અબુધ નથી કે તમે એ નથી જાણતા કે સામ્યવાદીઓ દેશના સીમાડાને માનતા નથી.

મને લાગે છે કે તમે મહાત્મા ગાંધીના અને વિનોબા ભાવેના આત્માને હણી નાખ્યો છે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ નરેન્દ્ર મોદી, ગરીબ કુટુંબ, હિમાલય, ખાલીખીસ્સે, કવિ, લેખક, વાંચે ગુજરાત, સ્વપ્નનું ભારત, વિકાસ, મુદ્દો, સરમુખત્યાર, ટ્રેકરેકોર્ડ, લોકશાહી પ્રક્રિયા, વિડંબણા, ૨૦૦૨, ૧૯૬૯, ૧૯૮૩, ૧૯૯૦-૯૧, ૧૯૯૩, ૨૦૦૮, હિન્દુ, મુસ્લિમ, કત્લેઆમ, કટોકટી, સેન્સરશીપ, નેતા, ચૂંટણી, પસંદગી, સંવિધાનિક, જયપ્રકાશ નારાયણ, હમ્ટી ડમ્ટી, ટ્રેકરેકોર્ડ, બિનલોકશાહીયુક્ત, આપખુદ, વિનોબા ભાવે, શેઠની શિખામણ, જનાધાર, સરદાર પટેલ, ગાંધી, મંદિર, બાવલું, મનરેગા, વોટ ફોર ઈન્દીયા, ૬૦ વર્ષ, ૬૦ માસ, ચંદ્રગુપ્ત, ગ્રીક, શક, સામ્રાજ્ય, તક્ષશીલા, નાલંદા, બિહાર, પટણા, ગંગા, સેક્યુલર, વિકૃત, નહેરુ માંસાહારી, ફોઈબાઓ

“ચોક્ખું ઘી અને હાથી” પણ વાંચો

Read Full Post »

તેમને પણ સાંભળો અને તેઓ પણ સાંભળે. (નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન) ભાગ-૧

શનિવાર તારીખ ૨૫ મી જાન્યુઆરીના રોજ મહેદીનવાબજંગ હોલમાં એક સભામાં જવાનું થયું. આમાં વક્તાઓ પૂર્વનિશ્ચિત હતા. તેઓ સઘળા નરેન્દ્દ્ર મોદી, ભારતીય જનતા પાર્ટી અને આરએસએસના વિરોધી હતા. તેથી તેમને માટે નરેન્દ્ર મોદીની અમુક ચૂંટી કાઢેલી બાબતોની ટીકા કરવી સ્વાભાવિક હતી. સભાના પ્રમુખશ્રી (પ્રકાશભાઈ શાહ) હતા. સ્ટેજની પાસે ત્રણ બોર્ડ હતા જેમાં જે મુદ્દાઓ અને માગણીઓ હતી તેને પ્રદર્શિત કરવામાં આવી હતી. મુદ્દાઓ કે માગણીઓની સંખ્યા ૨૭ જેટલી હતી. અને એક એવો ઠરાવ હતો કે ગુજરાતમાં પ્રવર્તતા ભય અને ગુજરાતની પ્રગતિના ભ્રમમાંથી ગુજરાતની અને ભારતની જનતાને મુક્ત કરવામાં આવે. માટે દેશવ્યાપી જાગૃતિ ફેલાવવામાં આવે.

વાત સ્વિકારી લેવામાં આવી હતી કે નરેન્દ્ર મોદી આપખુદ છે, નરેન્દ્ર મોદી કોઈનું સાંભળતા નથી, નરેન્દ્ર મોદી કોમવાદી છે, નરેન્દ્ર મોદી જુઠાણાનો પ્રચાર કરે છે. નરેન્દ્ર મોદીએ લોકશાહીને ભયમાં મુકી છે. એટલે જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન થશે તો ભારતના સમવાય તંત્ર અને ધર્મનિરપેક્ષતાનો નાશ થશે. માટે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનતા અટકાવવા પડશે. નરેન્દ્ર મોદીએ ફેલાવેલા ભય અને ભ્રમની વિરુદ્ધ વ્યવસ્થિત પ્રચાર કરવો પડશે. આ માટે સીવીલ સોસાઈટીઓએ આગળ આવી લોકોના જુથોને સંગઠિત કરવા જોઇશે. નરેન્દ્ર મોદી ગુજરાતના છે તેથી ગુજરાતમાંથી જનતાએ બીજા રાજ્યોમાં જઈ નરેન્દ્ર મોદીએ ફેલાવેલા ભય અને ભ્રમની વાતોનો પ્રચાર કરી લોકોને સાચી(?) વાતો જણાવવી જેથી બીજા રાજ્યોમાં મોદીનો પ્રભાવ પડી શકે.

ક્યારે દલીલ અને તર્ક ની જરુર પડે

અને ક્યારે જરુર પડે?

આપણે સમાજશાસ્ત્ર પુરતી આપણી વાત મર્યાદિત રાખીશું. સમાજની સુખાકારી માટે અવનવા માર્ગોને વાદો તરીકે  માનવામાં આવે છે. ગઈ સદીના પ્રારંભમાં વાદો તેની પરાકાષ્ટાએ હતા. અમુક લોકો સામ્યવાદી રસ્તે સમાજની ઉન્નતિ અને કે સુખાકારી આવી શકે છે એમ માને છેબીજા અમુક લોકો મુડીવાદી રસ્તે ઉન્નતિ અને સુખાકારી આવી શકે છે તેમ માને છે. બંને વાદો આમ તો ભ્રામક છે. પણ બહુ લાબીં ચર્ચા છે.

નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન” ના વક્તાઓની દૃષ્ટિ પ્રમાણે મોદીશૈલી, મોદી મોડેલ અને મોદીની આરએસએસ ની કડીને કારણે, મોદી ધાર્મિક રીતે અસહિષ્ણુ પણ છે.  આપણે આપણી વાત નરેન્દ્ર મોદીની આ છબી પુરતી મર્યાદિત રાખીશું.

નાગરિક સ્વાતંત્ર્ય સંગઠનના નેતાગણ શું વિચારે છે?

નાગરિક સ્વાતંત્ર્ય સંગઠનના નેતાઓના વક્તાઓના કહેવા પ્રમાણે;

મોદી એટલે એક સરમુખત્યાર, ગોબ્બેલ અને હિટલર ત્રણેના મિશ્રણ થી પણ ચડે એવો છે.

नरेन्द्र मोदी तो मुसोलीनी, गोबेल्स और हिटलरका मिश्रण है

સરમુખત્યાર એટલે શું?

સરમુખત્યાર એ હોય છે જે લોકશાહીમાં માનતો હોય અને વિરોધીઓને બોલવા દેતો હોય, અગર કોઈ બોલે તો તેને ગુમ કરાવી દેતો હોય, અથવા  ખોટા આરોપો લગાવી તેને યથેચ્છ જેલમાં પૂરી દેતો હોય.

હવે જુઓ તેની સામે ની દલીલો

મોદી તો ચૂંટાઈને આવે છે. કેન્દ્રમાં મોદીની વિરોધીની સરકાર હોય તો પણ મોદી લોકશાહી ઢબે ચૂંટાઈને આવે છે. એકવાર નહીં પણ ત્રણ ત્રણવાર ચૂંટાઈને આવે છે. પક્ષની અંદર અને પક્ષની બહાર, સમાચાર માધ્યમો ના સતત કલુષિત, વિકૃત અને વિરોધી પ્રચાર છતાં નરેન્દ્ર મોદી ચૂંટાઈને આવે છે. હવે જો પ્રક્રિયામાંથી પસાર થઈને આવનાર નરેન્દ્ર મોદીને તમે સરમુખત્યાર કહો તો તેનો અર્થ થયો કે તમે અત્યાર સુધી ચાલતી આવતી લોકશાહી પ્રક્રિયાને માનતા નથી. એટલે કે તમે પોતે ખુદ લોકશાહીમાં માનતા નથી, અને તમને નરેન્દ્ર મોદીને બદલે કોઈ બીજાને કે જે વિકલ્પની તમને પણ ખબર નથી તેને  શાસક તરીકે તમારી મુનસફ્ફી મુજબ લોકો ઉપર ઠોકી બેસાડાવામાં માનો છો. કારણ કે તમે વાતની નોંધ જ લેતા નથી કે ચૂંટણી એક સંવિધાનિક પ્રક્રીયા છે, તમે સંવિધાનની પ્રક્રીયાને આદર આપતા નથી. હવે એવું પણ નથી કે વિરોધીઓને પ્રચાર અને પ્રસારની છૂટ નથી. વાસ્તવમાં ૨૦૦૨થી હાલ સુધી મોદીને ગાલીપ્રદાન કરવું અને તેના ઉપર ખોટા આરોપો મુકવા તો ફેશન છે. વાસ્તવમાં તો મોદીને બદનામ કરવામાં મોદીના વિરોધીઓએ કશું બાકી રાખ્યું નથી. છતાં જનતા મોદીને ચૂંટે છે, એક વાર નહીં, બે વાર નહીં પણ ત્રણ ત્રણવાર ચૂંટે છે. અને જનતાના દબાણને વશ થઈ તેના પક્ષમાં તમે જ ફેલાવેલા આંતર વિરોધની અફવાઓ હોવા છતાં પણ પક્ષને મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે આગળ કરવા પડે છે. આમાં મોદીની સરમુખત્યારી ક્યાં આવી? એટલે તમારો સરમુખત્યારની શબ્દનો ઉપયોગ,  શબ્દકોષને બંધબેસતો નથી. જયપ્રકાશ નારાયણે કહેલું કે ઈન્દીરાના (સરમુખત્યારના) શબ્દોના અર્થ “હમ્ટી ડપ્ટી જેવા છે.

નરેન્દ્ર મોદીનો પ્રચાર ગોબેલ્સના પ્રચાર જેવો છેઃ

હવે તમે સમજી લો. ગોબેલ્સ નો પ્રચાર હતો તે હિટલરના રાજમાં હતો. તે યુદ્ધ વખતે હતો. તે પ્રચાર એક નિયત અને નાના સમય પૂરતો જ હતો. મુક્ત પ્રચારની તેના સમયમાં બંધી હતી. ગોબેલ્સ પ્રકારનો પ્રચાર ફક્ત સરમુખત્યારીમાં જ સંભવી શકે છે. નરેન્દ્ર મોદીના ચાલુ સમય કે ભૂતકાળના સમયને સરમુખત્યારી જેવો કોઈ રેકોર્ડ નથી.

ભારતીય જનતાએ અને તમે પણ, નહેરુવીયન કોંગ્રેસની ઈન્દીરાઈ સરમુખત્યારી અને તેણીની અને તેણીના પક્ષને લગતા પ્રત્યક્ષ, શંકાસ્પદ અને પરોક્ષ  વિરોધી  સમાચાર ઉપરની મનાઈ જોયેલી જ છે. તમારામાંના કેટલાક તેનો ભોગ પણ બનેલા છે. ઈન્દીરાગાંધીએ કટોકટી ચાલુ રાકઃઈને અને સેન્સરશીપ ચાલુરાખીને ચૂંટણીઓ કરાવેલી. ભારતની જનતાએ કટોકટીના સમયમાં જ ચૂંટણી  થયેલી તે છતાં પણ  અને સેન્સરશીપ હોવા છતાં પણ આ જ ઈન્દીરા ગાંધીને તેને હરાવેલી. એટલે તમારે ગુજરાતી જનતાને નપુંષક માનવાની જરુર નથી. વળી અત્યારે કટોકટી કે સેન્સરશીપ તો નથી જ નથી જ. કટોકટી અને ગોબેલ્સ પ્રકારનો પ્રચાર એટલે શું તે તમે સુપેરે જાણો છો જ. તમારે શબ્દો ઉપર બળાત્કાર કરવાની જરુર નથી.सही शब्दोंका प्रयोग करें”.

૧૯૮૦ની ચૂંટણી વખતે તમે કેમ ચૂપ રહ્યા?

ઈન્દીરાઈ સંસ્કારને ભૂલી જાઓ તેટલા બાલીશ તો તમે નથી જ. ઈન્દીરા ગાંધીની ૧૯૭૧ની ખુદની ચૂંટણીને ન્યાયાલયમાં પડકારવામાં આવેલી. તેમાં ન્યાયાલયે નોંધ લીધેલી કે ઈન્દીરા ગાંધી ૧૪ વખત ન્યાયાલય સમક્ષ (જે શપથ પૂર્વક બોલવામાં આવે છે કે “હું જે કંઈ કહીશ તે સત્ય જ કહીશ અને સત્ય સિવાય કશું કહીશ નહીં) ખોટું બોલેલાં. ન્યાયાલયે તેણીની ચૂંટણી ગેરરીતીઓને કારણે રદ કરેલી. ઈન્દીરા ગાંધીને ન્યાયાલયે છ વર્ષમાટે ગેરલાયક ગણેલાં.  આ હતો  ઈન્દીરા ગાંધીનો કટોકટીની પહેલાંનો, કટોકટી અંતર્ગતનો અને તે પછીનો, સરમુખત્યારશાહીનો અને તેને સંલગ્ન સેન્સર શીપનો ટ્રેક રેકોર્ડ.

આ ઈન્દીરા ગાંધીએ, પોતાને ગાંધીવાદી માનતા એવા ચરણસિંઘને ફોડીને ગાંધીવાદી મોરારજી દેસાઈની, સુપેરે કામ કરતી સરકારને, ઉથલાવેલી. અને ૧૯૮૦માં ચૂંટણી જાહેર થયેલી. ઈન્દીરા ગાંધીનો ટ્રેક રેકોર્ડ આટલો શર્મનાક અને આતંકિત હોવા છતાં પણ તમે ૧૯૮૦ની ચૂંટણી વખતે ચૂપ રહેલા. શા માટે? નહેરુવીયન વંશની જે વ્યક્તિનો ટ્રેકરેકોર્ડ બિનલોકશાહી યુક્ત, માનવીય અધિકારોથી વિમુખ, એટલું જ નહીં કુદરતી અધિકારોથી પણ વિમુખ અને આપખુદી અને સરમુખત્યારીથી ભરપૂર હતો તેવી ઈન્દીરા સામે કે ઈન્દીરાઈ કોંગ્રેસ ની સામે તમે લોકો ૧૯૮૦ની ચૂંટણીમાં પડેલ નહીં. જનતા નથી માનતી કે તે વખતે તમે લોકો બાબાગાડી ચલાવતા હતા. અને તમારામાંના કોઈપણ ધારોકે તે સમયે બાબાગાડી ચલાવતા હોય તો પણ તમારા સૌમાં ઈતિહાસનું જ્ઞાન હોવું જરુરી છે કારણકે તમે અત્યારે બાબાગાડીના સહારે ચાલતા નથી.

નરેન્દ્ર મોદી હિટલર છેઃ

આમ તો જો કે એક ભાઈએ એમ કહેલ કે નરેન્દ્ર મોદી હિટલર થી પણ વિશેષ છે. કારણ કે તે સરમુખત્યાર, ગોબેલ્સ અને હિટલર ત્રણેનું મિશ્રણ છે.  ચાલો જવા દો. આપણે પહેલી બે ઉપમાઓ વિષે તો જોયું કે તે કેવી છે. હિટલરે તેના વિરોધીઓ પાસે ચૂંટણી કરાવેલી? હિટલરે કેટલીવાર ચૂંટણીઓ કરાવેલી અને કેવી રીતે? હિટલર કોણ હતો? અને હિટલરની રાજકીય પાર્શ્વ ભૂમિ શું હતી?

હિટલરની સામેના ગુનાઓ સાબિત થયેલા. તેને જેલ પણ જવું પડેલું. હિટલર  ૧૯૧૯માં જર્મનીની વર્કર્સ પાર્ટી માં દાખલ થયેલો અને બે વર્ષમાં જ લીડર તરીકે જાણીતો થયેલ. તેને તે પહેલાં પોતે કરેલા કાવતરા બદલ જેલમાં જવું પડેલ. જર્મન સમાજવાદી વર્કર્સ પાર્ટીનો તે ૧૯૩૩માં ચાન્સેલર થયો અને તેણે ડીક્ટેટરશીપ વાળી પાર્ટી બનાવેલી.

હવે આ વાત નરેન્દ્ર મોદી સાથે જરાપણ બંધ બેસતી નથી. નરેન્દ્ર મોદી ના બાળપણની વાતો જવા દઈએ અને ભણ્યા પછી તેના હિમાલય પ્રયાણની વાત જવા દઈએ અને તે પછી એક સામાન્ય કાર્યકર થયાની વાત પણ જવા દઈએ તો ૧૯૭૫થી કટોકટીના સમયથી તેની રાજકીય લડત શરુ થઈ કહેવાય. નરેન્દ્ર મોદીએ એક સામાન્ય વર્કર તરીકે કામ કર્યું છે. તેણે ઓછામાં ઓછું બે દશકા સુધી કોઈ રાજકીય હોદ્દો ભોગવ્યો નથી. તે બાદ તેની કાર્ય કુશળતાને કારણે તેને પક્ષમાં પ્રવક્તા અને પ્રભારી તરીકે રાખેલ. તેણે કદી જનપ્રતિનિધિ બનવા માટે માગણી મુકી નથી, કે તેને કદી રાજસભાનો સભ્ય કે કોઈ કોર્પોરેશનનો પ્રમુખ બનાવાયો નથી. તેણે આવી કોઈ માગણી મુકી હોય કે તેણે કોઈ દાવ ખેલ્યો હોય એવી કોઈ અફવાઓ પણ જે તે સમયે સમાચાર માધ્યમો દ્વારા ફેલાયેલી હોય તેવું પણ જાણવા મળ્યું નથી. કેશુભાઈને હટાવવામાં કે બીજા કોઈને હટાવવામાં કે પોતાને પ્રધાન કરવામાં તેણે કોઈ દોરી સંચાર કે લોબીયીંગ કર્યું હોય તેવા કોઈ સમાચારો ૧૯૯૦ થી ૨૦૦૨ સુધીમાં, એટલે કે તે મુખ્યમંત્રી થયા ત્યાં સુધી, અને તે પછી પણ ૨૦૧૨ ના મધ્ય સુધી પણ, કોઈ પણ સમાચારપત્રોમાં અફવા રુપે પણ આવ્યા ન હતા. બીજેપીના સ્વકેન્દ્રી અને નરેન્દ્ર મોદીના વિકાસના કામોથી હતઃપ્રભ થયેલા નેતાઓએ અને અથવા નરેન્દ્ર મોદી-દ્વેષી સમાચાર માધ્યમોએ બધી જ જાતની અફવાઓ ફેલાવવાનું શરુ કર્યું છે.

હિટલરની ઉપમા કોને લાગુ પડે છે?

હિટલરની ઉપમા નહેરુવંશીઓને વધુ લાગુ પડે છે.

નહેરુ ભણવામાં (આઈસીએસ)માં નિસ્ફળ ગયા એટલે  મોતીલાલે મહાત્મા ગાંધી થકી જવાહરલાલને ઠેકાણે પાડ્યા. માલેતુજાર હોવાને કારણે તેમનો પક્ષમાં ઝડપથી ઉદય થયો. હિટલરની જેમ જવાહરને ગ્લોરીફાય કરવામાં આવ્યા. જવાહરની તે સમયની વાક્છટાને કારણે અને નાટકીયવેડાને કારણે તેઓ જનતામાં પ્રિય પણ થયા.

૧૯૪૭માં ગાંધીજીની અનિચ્છા હોવા છતાં પણ ગાંધીજી દ્વારા જ જવાહરલાલને  પક્ષના લીડર બનાવવા પડ્યા. ગાંધીજીને દેશના બેથી વધુ ભાગલા અટકાવવા માટે દેશના બે ભાગલા પણ સ્વિકારવા પડ્યા.

નહેરુએ પોતાની હિમાલય જેવડી બ્લન્ડરો છૂપાવવા સીન્ડીકેટની રચના કરી.

પોતાની પુત્રીને રાજગાદી મળે તેવી ગોઠવણ તેમણે સીન્ડીકેટ દ્વારા કરી. નહેરુવંશી સરમુખત્યારીના બીજ નહેરુએ વાવ્યા અને છોડ તૈયાર કર્યો. આ બાબત ઈતિહાસના પૃષ્ઠો ઉપર છે. ઈન્દીરા ગાંધીએ વંશ વેલાનું વૃક્ષ બનાવ્યું. રાજવંશમાં જેમ થાય તેમ ઈન્દીરાના અવસાન પછી પ્રધાનમંડળની અને સંસદની મંજુરી વગર જ કહ્યાગરા રાષ્ટ્રપ્રમુખે ઈન્દીરાના પુત્રને વડાપ્રધાન સ્થાપિત કર્યો અને તેની પાસે વડાપ્રધાનપદના શપથ લેવડાવ્યા. આ વંશીય રાજકારણની પ્રણાલી અંતર્ગત આજે તેના જમાઈને પણ ઝેડ સીક્યોરીટી મળે છે. આ કોઈ વાતનો તમે ઇન્કાર નહીં કરી શકો.       

નહેરુના સમયમાં અનેક લોકો વગર મોતે મર્યા

હિટલરે વિરોધીઓની કતલ કરેલી. ગેસ ચેમ્બરો બનાવેલી અને તેમાં નિર્દોષોને હોમી દીધેલ. નહેરુએ શું કરેલ.? દેશના ભાગલા થયા પછી દેશમાં કેવી પરિસ્થિતિ સર્જાશે તે સંજોગોને નહેરુ પોતાના “નંબરવન” પદની લાલસામાં સમજી શકેલ નહીં. હિન્દુ–મુસ્લિમ હુલ્લડો તે નવી વાત ન હતી. આ વાત નહેરુએ સમજવા જેવી હતી. વિભાજના કબુલાતનામામાં એક કોમ દ્વારા બીજી કોમને નુકશાન થાય તો તેના વળતરની જોગવાઈ કરવાની જરુર નહેરુએ સમજવા જેવી હતી. પણ નહેરુમાં આર્ષદૃષ્ટિનો સંપૂર્ણ અભાવ હતો. આમ દેશના ભાગલા પછીની કત્લેઆમ માટે નહેરુ જવાબદાર હતા.

ભારતીય સૈન્ય હમેશા અજેય રહ્યું છે. ચીન સાથેનું યુદ્ધ પણ ભારત જીતી શક્યું હોત જો નહેરુએ અગમ ચેતી વાપરીને ચીન સાથેની સરહદને રેઢી મુકી ન હોત તો. આ વાત મને એક એક બ્રીગેડીયરે કહેલી. નહેરુની ચીન સાથેની બેવકુફી ભરેલી નીતિ માટે અને ભારતના અજેય સૈન્યના જવાનોના મોત માટે પણ નહેરુ જવાબદાર હતા.

આવું જ ઈન્દીરા ગાંધી માટે હતું.

હિન્દીભાષી બંગ્લાદેશી (પૂર્વપાકિસ્તાની) ઘુસણખોરો કરોડોની સંખ્યામાં દેશમાં ઘુસી આવ્યા અને તેને ઈન્દીરા ગાંધી વચન બદ્ધ હોવા છતાં પણ ખદેડી શકેલ નહીં. પાકિસ્તાનને સમયસર લાલ આંખ બતાવેલ નહીં તેથી ભારતના હજારો સૈનિકો માર્યા ગયેલ. અને તાજેતરની માહિતિ પ્રમાણે હજુ આપણા સેંકડો સૈનિકો પાકિસ્તાની જેલોમાં સબડે છે, જ્યારે ઈન્દીરા ગાંધીએ ગાલાવેલી કરીને હૈયા ફુટ્યા થઈને ૯૨૦૦૦ પાકિસ્તાનના યુદ્ધ કેદીઓને મફતમાં મુક્ત કરી દીધેલ. સિમલા કરાર તો એક કૌભાન્ડ છે તેને નકારી ન શકાય.

ઈન્દીરા ગાંધીએ લાદેલી કટોકટી એક અક્ષમ્ય અપરાધ હતો. તેને માટે તો આખા પક્ષને દેશ નિકાલ કરી શકાય. તેને વિષે તો મહાભારત જેવડો ગ્રંથ લખાય.

ઈન્દીરા ગાંધીએ ભીંદરાનવાલેને પોતાના રાજકીય સ્વાર્થ માટે સંત ઘોષિત કરેલ. આ સંતે પાકિસ્તાનની મિલી ભગતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરેલ. પંજાબના સામાજીક જીવનને લકવાગ્રસ્ત કરી નાખેલ. હજારો નિર્દોષ લોકો આતંકવાદમાં કતલ થયેલ. આતંકવાદીઓએ સ્વર્ણમંદિરનો શસ્ત્ર સરંજામ અને રહેઠાણ તરીકે ઉપયોગ કરેલ. દેશમાં એવો કોઈ કાયદો નથી કે ખૂની કે ચોરને તમે ધાર્મિકસ્થાનમાં ઘુસીગયો હોય તો ત્યાંથી તેને પકડી ન શકો. પણ અનિર્ણાયકતાની કેદી ઈન્દીરા ગાંધીએ આ આતંકવાદીઓને વકરવા દીધા. આ દરમ્યાન અનેક નિર્દોષોની કતલ થઈ. ઈન્દીરા ગાંધી પોતાની સ્વાર્થ વૃત્તિ અને વહીવટી અણઆવડતનો શિકાર બની. અને તેના ખૂનથી તેના પક્ષના માણસોએ હજારો નિર્દોષ શિખોની કતલ કરી.  ઈન્દીરા ગાંધીએ યુનીયન કાર્બાઈડની સાથે ક્ષતિયુક્ત ડીલ કર્યું, હજારો માણસો ભોપાલ ગેસ દુર્ઘટનામાં માર્યા ગયા, અનેક ગણા કાયમી રીતે ક્ષતિગ્રસ્ત થયા અને  તેમને કશી અર્થપૂર્ણ નુકશાની પણ ન મળી. ઈન્દીરાના પુત્રે અર્જુનસિંઘની મીલી ભગતમાં એન્ડરસનને ભાગી જવા દીધો.

આ બધી જાન હાનિઓ માટે ઈન્દીરા ગાંધી અને તેના પુત્ર જવાબદાર છે.

તમે એ પણ જુઓ કે ઈન્દીરા ગાંધીએ વકરવા દીધેલા ખાલીસ્તાની આતંકવાદ થકી મુસ્લિમ આતંકવાદને ભારતમાં પાંગરવાની તક મળી. ૧૯૯૦ માં આ આતંકવાદે માઝા મુકી અને કાશ્મિરના છ લાખ હિન્દુઓને જાહેરમાં અને અખબારોમાં કાશ્મિર છોડી જવા માટે પોસ્ટરો દ્વારા ખૂલ્લે આમ ધમકીઓ આપી. ખૂનામરકી કરી અને ૧૦ હજારની સંખ્યામાં કતલ કરી. લાખો હિન્દુઓ ને તગેડી મુક્યા. તેમણે પોતાના રાજ્યની બહાર તંબુઓમાં આશરો લીધો. આજે ૨૩ વર્ષ ને અંતે પણ નહેરુવીયન કોંગ્રેસ અને ફારુખ ની કહેવાતી મીલીજુલી સેક્યુલર સરકાર આ હિન્દુઓને પુનર્‌સ્થાપિત કરી શકી નથી. નહેરુવીયન કોંગ્રેસીઓને, તેમના સાથીઓને અને દંભી સેક્યુલરોને આ હિન્દુઓની કશી પડી નથી. તેઓ ચર્ચા કરે છે ખરા પણ તે કાશ્મિરમાંથી સુરક્ષા દળોને હટાવવા માટે અને જે આતંકવાદીઓ સુરક્ષાદળો સાથે મુઠભેડમાં માર્યા ગયા તેમના કુટુંબી જનોને વધુ રાહતો આપવાની વાતો કરે છે. આતંકવાદીઓના કુટુંબી જનોને પેન્શન તો આપવા માંડ્યું જ છે! આ સેક્યુલરોને આપણે શું કહીશું?

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે.

ટેગ્ઝઃ નરેન્દ્ર મોદી, સરમુખત્યાર, ગોબેલ્સ, હિટલર, દંગા, હુલ્લડ, ૨૦૦૨, હિન્દુ, મુસ્લિમ, નહેરુ, ઈન્દીરા, કટોકટી, સેન્સરશીપ, નેતા, ચૂંટણી, પસંદગી, સંવિધાનિક, જયપ્રકાશ નારાયણ, હમ્ટી ડમ્ટી, ટ્રેકરેકોર્ડ, બિનલોકશાહીયુક્ત, આપખુદ, બાબાગાડી, મુખ્યમંત્રી, હતઃપ્રભ, રેઢી સરહદ, ઘુસણખોરી, અનિર્ણાયકતાની કેદી, સંત, ભિન્દરાનવાલે, સ્વર્ણમંદિર, સિમલાકરાર, કૌભાન્ડ, યુનીયન કાર્બાઈડ, એન્ડરસન, ભોપાલ ગેસ, કતલ, કાશ્મિર, પોસ્ટરો, ખૂનામરકી, સેક્યુલર

Read Full Post »

જમીનના હક્કો અને ગાંધીવાદની માયા જાળ

નરેન્દ્ર મોદીની સરકાર ઉદ્યોગો માટે જમીન સંપાદન કરે અને ઉદ્યોગોને આપે એટલે કેટલાકને ન ગમે તે સ્વાભાવિક છે. કોઈપણ કામ સારું હોય કે ખરાબ હોય તેનો અમુક જુથ તરફથી વિરોધ તો થવાનો જ. ઔદ્યોગિક ગૃહો કે વ્યક્તિગત ઉદ્યોગો સ્થાપવાની ઈચ્છા ધરાવનારાઓ પણ જ્યારે ઉદ્યોગ સ્થાપવા માટે અરજી કરે ત્યારે સરકાર પોતે પણ એટલે કે સરકારી અધિકારીઓ પણ વાંધા વચકા પાડે. ઉદ્યોગસ્થાપનારાઓ સરકારી અધિકારીઓના સંસ્કાર અને આદતોથી જાણકાર હોવાથી, તેમના લાગાઓને પણ એક પરિબળ માની તેને ખર્ચની ગણત્રીમાં લેતા હોય છે. આ ખર્ચને નાબુદ કરવા અનેક નરેન્દ્ર મોદીઓની સરકારને જરુર પડશે. જો કે આપનાર અને લેનાર સંપીને આ સમસ્યાનો નીવેડો લાવતા હોય છે તેથી આવી વાતો બહાર આવતી નથી. છૂટા છવાયા પકડાઈ જવાના બનાવો છાપામાં આવે છે. પણ તેની વિગતો બહાર આવતી નથી.

પણ જ્યારે સરકાર પોતે પોતાની આતુરતા ઉદ્યોગ સ્થાપવા માટે બતાવે ત્યારે તેનાથી જનતાને થતા લાંબા અને ટૂંકા ગાળાના લાભોને ધારોકે આપણે અવગણીએ અને જમીન સંપાદનની ક્રિયામાં જે વાડાઓ અને જુથો તરફથી અવરોધો ઉત્પન્ન થાય છે અને થવાના છે તેને સરકારી અધિકારીઓ લક્ષમાં લેતા હોય તેવું લાગતું નથી.

ગાંધીજીએ કહેલું કે તમે સારું કામ કરો તો પણ તેના અમુક ખરાબ પરિણામો પણ મળવાના જ. આનું કારણ લોકોની કે તેમના જુથોની કાર્ય કે સિદ્ધાંતોની અધૂરી સમજણ હોય છે. અને જો આમાં દૂન્યવી રાજકારણ કે જેમાં સ્વખ્યાતિ કે “ટકો લે પણ મને ગણ” એવી માનસિકતા ભળે એટલે કેટલીક ચર્ચાઓ, સંવાદો, અસંવાદો, વિસંવાદો અને વિતંડાવાદો પણ ઉજાગર થાય.આમાં ભલભલા ગોથાં ખાય તો સામાન્ય જનતાનું તો ગજું જ શું!

સત્યાગ્રહનો સીધો સાદો દાખલો

ગાંધીજીએ આપેલું હથીયાર એટલે કે સત્યાગ્રહ દ્વારા વિરોધ કરવો. એટલે કે આત્મપીડન (ઉપવાસ કે સજા સહિતની તૈયારી સાથે સવિનય કાનુન ભંગ) માટે તૈયાર રહી કોઈ બાબતનો વિરોધ કરવો. આ એક અહિંસક કાર્ય છે. ગાંધીજી અહિંસામાં માનતા હોવાથી તેમણે સત્યાગ્રહને સામુહિક હિતના આધારે પુરસ્કૃત કરેલ. જો કે સત્યાગ્રહ કરતાં પહેલાં તેની અમુક શરતો ગાંધીજીએ પ્રસ્તૂત કરી છે. પણ જો આ શરતો પ્રત્યે સત્યાગ્રહી અજ્ઞાન હોય, અથવા આત્મખ્યાતિ સહિતના બદઈરાદાવાળો હોય તો આપણને સત્યાગ્રહના પણ ખરાબ પરિણામો જોવા મળે.

જેમકે જેના અસંખ્ય ભક્તો છે તેવા રજનીશે પોતે કેવા જ્ઞાની છે અને મહાત્માગાંધીથી પણ કેટલા બધા આગળ વધેલા મહાન વિચારક છે તે દર્શાવવા તેમણે ગાંધીજીના સત્યાગ્રહની ટીકા ચાલુ કરીને સ્વખ્યાતિ માટે મેદાનમાં કૂદી પડેલ. તેમણે દાખલો આપેલ કે એક વેશ્યાએ કે જેનો પ્રેમ એક તરફી હતો તેણે પોતાને મનપસંદ વ્યક્તિને પોતાને પરણવા માટે સત્યાગ્રહ (ઉપવાસ)નો આશરો લીધો. “મને પરણ નહીં તો હું તારા ઘરની સામે ઉપવાસ કરીને મરી જઈશ”.

આ એક બળજબરી થઈ. બળ જબરી એક હિંસા છે. એટલે સત્યાગ્રહની એક આડ પેદાશ હિંસા હોય છે. એટલે સત્યાગ્રહમાં પણ હિંસાનું તત્વ છે. આમ રજનીશે ગાંધીજીના સત્યાગ્રહના નિયમોનો અભ્યાસ કર્યા વગર જ પોતાને અહિંસાના ગાંધી કરતાં વધુ જ્ઞાની સાબિત કરી દીધેલ. તેમણે નિરપેક્ષ અહિંસાની વાત કરેલ. કે જેમાં પોતાની પરાશક્તિ દ્વારા એક પાદરીએ બીજી વ્યક્તિનું દૂરદૂર રહ્યે વિચાર પરિવર્તન કરી દીધેલ. એવો એક કપોળકલ્પિત દાખલો પણ આપેલ. મૂળ વાત એમ છે કે જ્યારે તર્કશાસ્ત્રનું અધકચરું જ્ઞાન હોય, સમજણ પણ ઓછી હોય, વાચન પણ અધૂરું હોય અને તમારા શ્રોતાગણ કે વાચકગણ તમારી કક્ષાથી પણ ઉતરતી કક્ષાના હોય ત્યારે તમે તમારી ખ્યાતિ વાણી વિલાસ દ્વારા વધારી શકો છે.

જેમણે બકરી જોઇ નથી તેવા શ્રોતા ગણ આગળ તમે બકરીને ત્રણ ટાંગ હોય છે એટલું જ નહીં તેને ટાંગ વગરની પણ સાબિત કરી શકો છો. જો તમે સત્યાગ્રહના આધારરુપ સ્તંભોને ન જાણતા હો તો તમે સત્યાગ્રનો અયોગ્યરીતે ઉપયોગ કરી, ખરાબ પરિણામો ઉત્પન્ન કરી શકો છો.

સત્યાગ્રહની પૂર્વ શરતો છે.

અહિંસક આંદોલન આચરતાં પૂર્વે, તે દરમ્યાન અને તે પછી પણ, આ બાબતો તો અસ્તિત્વ ધરાવતી હોવી જ જોઇએ. સમાજનું ભલું (નિસ્વાર્થી પણું), તાર્કિક સંવાદ અને તેનું સાતત્ય, પરસ્પર પ્રેમ અને પરસ્પર વિશ્વાસ આ હોવાં જરુરી છે.

જો કે ગાંધીજીએ કહેલ કે તમે સારું અને શુદ્ધબુદ્ધિથી કામ કરો તો પણ અમુક દુસ્પરિણામ તો આવી શકે છે. પણ આવા દુસરિણામોનું પ્રમાણ ઓછું રહેશે અને સુપરિણામોનું પ્રમાણ ઘણું વધુ રહેશે. તેથી સરવાળે ઘણો લાભ જ થશે.

જેવું રજનીશનું હતું તેવું કેટલેક અંશે સરકાર દ્વારા ઔદ્યોગિક જગતમાટે જમીન સંપાદનની બાબતમાં તેનો વિરોધમાં આંદોલન કરનારા રાજકીય નેતાઓ, કહેવાતા કર્મશીલો, કેટલાક અખબારી મૂર્ધન્યો, ગાંધીવાદી અને ખુદ સરકારી અમલદારોના વલણ વિષે પણ આવું જ કહી શકાય.

જમીન સંપાદન ના દરેક કિસ્સાને એક એક કરીને જ જોઇ શકાય. જમીન સંપાદનમાં જમીનના દરેક કિસ્સાની કથા અલગ અલગ હોય છે. જો બંને પક્ષે સામાજીક હિતની સમજણ, અન્યાય ન થાય તેવી વૃત્તિ ધરાવતા હોય અને સંવાદમાં જો તર્ક શુદ્ધતા રાખતા હોય તો જમીન સંપાદન એ કોઈ અશક્ય કામ નથી અને આંદોલનનો વિષય પણ નથી.

તર્કની અશુદ્ધતાઃ

અમારે જમીન આપવી જ નથી.

અમારે ખેતી જ કરવી છે.

અમે જમીન નહીં આપીએ કારણ કે

જમીન ઉપર અમારો હક્ક છે.

જમીન આપી દઈએ તો અમે કરીશું શું?

તમે જે વળતર આપશો તે કંઈ અમારે જીંદગી ભર ચાલશે નહીં. એ પૈસા તો વપરાઈ જશે. તે પછી અમે શું કરીશું?

તમે અમારી પાસેથી સસ્તાભાવે જમીન લઈ ઉદ્યોગોને (પાણીના મુલે) જમીન આપો છો. અમને (જમીનના) માલિકમાંથી (કરખાનાના) મજુર બનાવી દો છો.

અમે શું કામ અમારું ગામ છોડીએ?

ગામની જમીન ઉપર ગામનો જ હક્ક છે.

જો ગ્રામ પંચાયત મંજુર ન કરે તો તમે ગૌચર કે ખરાબાની કે પડતર જમીન પણ ન લઈ શકો.

અમારા ઢોર ચરશે ક્યાં?

માલધારીઓનું શું થશે?

ગાંધીજીએ પ્રબોધેલા ગ્રામ સ્વરાજ ની ભાવનાનો અહીં ધ્વંશ થાય છે.

ઉદ્યોગો થી પર્યાવરણનો નાશ થશે,

ગ્રામ્ય જનતાનું શોષણ થશે.

અમારે તો ખેતી જ કરવી છે. જમીન આપવી જ નથી.

શું આ શાશ્વત નિર્ણય છે?

ધારો કે “હા” એમ છે.

આપણે અમદાવાદની જ વાત કરીએ. કારણ કે અમદાવાદને જે લાગુ પડે છે તે બધા શહેરો, કસ્બાઓ અને ગામને પણ લાગુ પડશે.

૧૯૪૨માં મોટાભાગની વસ્તી કોટ વિસ્તારમાં જ વસતી હતી. ચારે બાજુ નાના ગામડાઓ હતા. ૧૯૪૮ સુધી પણ લગભગ આજ સ્થિતિ હતી. ચારે બાજુ ખેતરો હતાં. રાયપુર દરવાજાથી કાંકરીયા જોઇ શકાતું હતું. કાંકરીયાથી મણીનગર જવાના રસ્તા ઉપરથી મણીનગર સ્ટેશન જોઈ શકાતું હતું. ૧૯૫૨માં પણ ગીતા મંદીરથી વેદ મંદીર જોઇ શકાતું હતું. શાહઆલમનો રોજો જોઇ શકાતો હતો. હજારો ખેડૂતો ખેતી કરતા હતા. આજે અમદાવાદ કોટની રાંગથી ચારે બાજુ ૧૦થી પણ વધુ કીલોમીટર સુધી બાંધકામો થઈ ગયાં છે. અહીં હજારો ખેતરો હતાં. આ હજારો ખેતરોમાંથી એક પણ ખેતર બચ્યું નથી. આ બધા ખેડૂત ભાઈઓમાંથી કેમ એવા કોઈ જ ન નિકળ્યા કે જેમણે કહ્યું અને કર્યું કે અમારે તો અમારી જમીન વેચવી જ નથી અને માત્રને માત્ર ખેતી જ કરવી છે. તે વખતે શું ખેડૂત ભાઈઓ વધુ ભણેલ હતા? તે વખતે શું ખેડૂતભાઇઓ બીજો ધંધો કરવાની વધુ આવડત ધરાવતા હતા?

નાજી આવું કશું જ ન હતું. તે વખતે તો ખેડૂતો વધુ ગરીબ હતા.

શું ૨૦૦૨ પછી જ ઉદ્યોગો ગુજરાતમાં સ્થપાયા? નાજી ઉદ્યોગો ગુજરાતમાં પહેલાં પણ સ્થપાતા હતા.

શું પહેલાંના સ્થપાયેલા ઉદ્યોગો પર્યાવરણને હાની કારક ન હતા? ચોક્કસ હતા. અને હજી પણ છે.

પહેલાંના ઉદ્યોગો ચોક્કસ પર્યાવરણને હાનીકારક હતા. અને તે વખતે તો પર્યાવરણને લગતા કાયદાઓ બહુ નબળા હતા. તો પણ મનુભાઈ શાહે દરેક તાલુકા સ્તરે ઔદ્યોગિક વસાહતો સ્થાપેલ અને આ બધી જમીનો ખેતરાઉ જમીનો જ હતી. આ બધી જ ઔદ્યોગિક વસાહતો ગામેગામ હતી અને તેનો વિસ્તાર ગામને સમકક્ષ હતો. આખું ગાંધીનગર શહેર ખેતરોને ઉખેડીને બનાવેલ.

આજે ડાહી ડાહી વાતો કરનારા તે વખતના કોંગ્રેસીઓ અને તે વખતના નૂતન કોંગ્રેસીઓ તે વખતે ક્યાં હતા? સનત મહેતા જેવા પ્રજાસમાજવાદીઓને મહુવામાં “નૂતન કોંગ્રેસીઓ” એ નામની ઓળખવામાં આવતા હતા, અને અત્યારે આજ સનત મહેતા એક સમાચાર પત્રમાં કટારીયા મૂર્ધન્ય બની ગયા છે અને ડાહી ડાહી વાતો લખે છે.

૧૯૪૮ થી ૧૯૯૫ સુધીમાંનો સમય લક્ષ્યમાં લઈએ તો બધાં શહેરો, સરવાળે હજારો ચોરસ કીલોમીટર વિકસ્યા અને ગામડાને ગળી ગયાં. તો તે હજારો ગામડાંઓની હજારો ગોચરની જમીનો ક્યાં ગઈ?

બગીચો કેવી રીતે ઉકરડો બન્યો?

૧૯૮૧ પછી ગુજરાતમાં નહેરુવીયન ઈન્દીરાઈ કોંગ્રેસ સોળે કળાએ વિકસી. ઉદ્યોગો અને સરકારી અફસરો વચ્ચેની ખાઈકી નો ધંધો પણ સોળેકળાએ વિકસ્યો. મનુભાઈ શાહે સ્થાએલી ઔદ્યોગિક વસાહતો (જી આઈ ડી સી), જે બગીચા જેવી લાગતી હતી તે બધી ગંદકીથી ખદબદવા લાગવાનું શરુ થયું. જો તમે દા.ત. વટવા જી. આઈ. ડી. સી.ના સરકારી કે ખાનગી ચિકીત્સકોને મળશો તો તેઓ તમને “ઑફ ધ રેકોર્ડ” આરોગ્ય ખાતાના અધિકારીઓની, પર્યાવરણના અધિકારીઓની અને ઔદ્યોગિક એકમના માલિકો વચ્ચેની મીલીભગતની ચોંકાવનારી વાતો કરશે. હાલ પર્યાવરણને લગતા કાયદા ઘણા કડક છે. ૧૯૮૧થી ચાલુ થયેલો ખાયકીના ધંધાનું ઉઠમણું થઈ શકે છે પણ તેને માટે નરેન્દ્ર મોદીએ ફુલ ટાઈમ અને તે પણ આ એક માત્ર પર્યાવરણનું જ કામ કરવું જોઇએ.

આરોગ્ય ખાતા પાસે અમર્યાદ સત્તા છે. પણ જેમ પોલીસ તંત્ર જેમ દારુબંધીનો અમલ કરવામાં ઠાગા ઠૈયા કરે છે, જેમ લેબર કમીશ્નર મજુરકાયદાના અમલમાં ઠાગા ઠૈયા કરે છે, જેમ મ્યુનીસીપલ કમીશ્નરો ગેરકાયદેસર બાંધકામ બંધ કરાવવામાં ઠાગાઠૈયા કરે છે, અને નહેરુવીયન કોંગ્રેસ જેમ વિદેશી બેંકોમાં રહેલું કાળું-લાલ નાણું પકડવામાં અને ગરીબી હટાવવામાં ઠાગાઠૈયા કરે છે તેમ આરોગ્ય ખાતાવાળા (પર્યાવરણવાળા સહિત) પ્રદૂષણ અટકાવવામાં ઠાગા ઠૈયા કરે છે.

ગંગા મૈલી ક્યું? તમે ગંગામાં કચરો નાખવો બંધ કરો તો એક ચોમાસું ગયા પછી આપોઆપ ચોક્ખી થયેલી જોવા મળશે.

અહીં ગાંધીવાદ અને ગાંધી વાદીઓની વાત ક્યાં આવી?

જમીન બચાવોના આંદોલનમાં ઈન્દીરાઈ કોંગ્રેસીઓ, નૂતન કોંગ્રેસીઓ, કહેવાતા કર્મશીલો, અખબારી મૂર્ધન્યો, સાથે ગાંધીવાદીઓ પણ સામેલ છે. નહેરુવીયન કોંગ્રેસીઓના વલણમાં વિરોધાભાસ હોય તે સિદ્ધ કરવાની જરુર નથી. તે સ્વયં સિદ્ધ છે. ૧૯૭૫-૧૯૭૭ સુધી ઈન્દીરા ગાંધીએ ચલાવેલી કટોકટી સ્વયંસિદ્ધ દંભી અને વિરોધાભાષી અને ગુન્હાહિત વલણોવાળી આતંકવાદી રહી હતી. એ પહેલાંના અને તે પછીના નહેરુવીયન કોંગ્રેસના વલણો પણ દંભી અને વિરોધાભાષી રહ્યા છે પણ તે બધા વિતંડા વાદ કરીને વિવાદાસ્પદ બનાવી શકાય તેમ હતા અને તેમ છે. પણ ૧૯૭૫-૧૯૭૭ તો ન્યાયાલય સંસ્થાના દસ્તાવેજો ઉપર છે. તેથી તેને અવગણી શકાય નહીં.

કેટલાક ગાંધી વાદીઓ મૂંગા રહેલ પણ ઘણા ગાંધી વાદીઓએ લડત અને ભોગ આપેલા. તેઓ સલામને પાત્ર છે. પણ “ન્યાયાર્થે નિજ બંધુકો ભી દંડ દેના યોગ્ય હૈ” એ કૃષ્ણ ભગવાનની અને કૌટીલ્યની ફિલોસોફી પ્રમાણે અમુક ગાંધીવાદીઓની ટીકા કરવી જોઇએ.

ભૂમિપુત્ર એ સર્વોદય વાદીઓનું મુખ પત્ર છે. તે ગાંધીવાદી હોય તે અપેક્ષા આપણે રાખવી જોઇએ. જો સરકારની ટીકા ન કરીએ તો સરકારને સુધરવાનો ચાન્સ ન મળે તેવું નરેન્દ્ર મોદી પણ કહે છે. તેથી ભૂમિપુત્ર પણ ગાંધીવાદમાંથી ચલિત ન થાય તે આપણી અપેક્ષા હોવી જોઇએ. કમસે કમ ભૂમિપુત્ર એક તરફી વાતો ન કરે તે જરુરી છે. કારણ કે માત્ર એક પક્ષી વાતો રજુ કરવી તે ગાંધીવાદી પ્રણાલી નથી.

જમીન બચાવો એટલે શું?

ખેતી માટેની જમીન અને જંગલોની જમીન ઓછી ન થવી જોઇએ.

ધારોકે ખેતી માટેની જમીન બીજા હેતુ માટે વાપરી તો તેટલી જ જમીન ખેડાણને લાયક કરવી જોઇએ. એટલે કે જે જમીન પડતર છે અને ખરાબાની છે તેને નવસાધ્ય કરવી જોઇએ. જંગલો ન કપાવાં જોઇએ. નહેરુવીયન કોંગ્રેસના રાજમાં પુસ્કળ જંગલો કપાયાં અને હજુ પણ કપાય છે. ૧૯૯૩-૧૯૯૫ના અરસામાં શિલોંગથી ચેરાપૂંજીના રસ્તે આવતા પહાડો અને ટેકરીઓ વૃક્ષો વિહીન થઈ ગઈ હતી. શિલોંગથી ગુવાહટ્ટી જવાના રસ્તે જંગલો માં ઝાડને ગેરકાયદેસર રીતે આગ લગાડી ખેતર માટે કે બીજા હેતુ માટે જમીન નો ટૂકડો બનાવમાં આવતો હતો એ મેં નજરે જોયું છે. આવી જ ક્રિયા સહ્યાદ્રીના ડૂંગરોમાં ચાલે છે. ૯૫ ટકા પંચમહાલનું જંગલ ૧૯૬૫ સુધીમાં નષ્ટ કરીદેવામાં આવેલ. ગોધરાથી લુણાવાડા વચ્ચે ઘટાદાર જંગલ હતું તે વાત કોઈ આજે માને પણ નહીં. ૧૯૪૭ પહેલાં પંચ મહાલના જંગલોમાં ૯૦” વરસાદ પડતો હતો તે વાત પણ કોઈ માને નહીં. જો કે સર્વોદય વાદીઓનો જંગલો નષ્ટ કરવાની બાબતમાં ચણભણાટ ચાલુ હતો.

જમીન બચાવવી હોય તો જમીન ઉદ્યોગોને આપવી ન જોઇએ. કારણ કે ખેતીમાટે એટલી જમીન ની ઘટ પડે છે. અને જો ઉદ્યોગોને અપાતી જમીનો સામે આંદોલનો આપણે કરતા હોઈએ તો આપણે જ્યાં જ્યાં ખેતીની જમીનમાં બીજી કોઈપણ રીતે ઘટ પાડવામાં આવતી હોય ત્યાં ત્યાં વિરોધ પ્રદર્શિત કરી આંદોલન ચલાવવા જોઇએ.

જમીનની ઘટ કઈ કઈ રીતે પડે છે?

જમીનના ટૂકડાઓની ખેરાત કરવાથી જમીનની ઘટ પડે છે. આવી ખેરાતોનો ચીલો ઈન્દીરા ગાંધીએ પાડેલો છે. રહેણાંક માટે સરકારી નોકરોને, પત્રકારોને, ન્યાયધીશોને, જનપ્રતિનીધિઓને ગરીબોને, પછાત વર્ગોને જમીન ફાળવવી એ જમીનનો વ્યય છે. વ્યક્તિઓને જમીનના ટૂકડા ફાળવા એ જમીનનો વ્યય છે.

ઝોંપડ પટ્ટીઓ ઉભી થવાથી જમીનની ઘટ પડે છે,

લારી ગલ્લાઓ અને પાથરણાઓ જમીન રોકે છે, તેથી જમીનની ઘટ પડે છે,

રો-હાઉસ વાળી દુકાનો કરવાથી જમીનની ઘટ પડે છે,

સ્વતંત્ર બંગલાઓ અને રો-હાઉસો વાળી હાઉસીંગ સોસાઈટીઓ અને ફાર્મ હાઉસોવાળી હાઉસીંગ સોસાઈટીઓ અને સંકુલો થવાથી જમીનની ઘટ પડે છે,

ઓછામાળવાળી (બે, ત્રણ કે ચાર) બહુ માળી સોસાઈટીઓ કે સંકુલો કરવાથી જમીનની ઘટ પડે છે,

જુના ખખડધજ પડુ પડુ થતાં મકાનો પણ પરોક્ષ રીતે જમીનની ઘટ પાડે છે.

ખુલ્લી જગ્યામાં પાર્કીંગ માટે જમીન ફાળવવાથી જમીનની ઘટ પડે છે.

રસ્તાઓ ઉપર વાહન પાર્કીંગ ઉભા કરવાથી પણ જમીનની પરોક્ષ રીતે ઘટ પડે છે.

આમ તો પહોળા રસ્તાઓ અને રેલ્વે કરવાથી પણ જમીનની ઘટ પડે છે. નહેરો કરવાથી પણ જમીનની ઘટ પડે છે. ખેતરોના નાના ટૂકડાઓ કરવાથી પણ પરોક્ષ રીતે જમીનની ઘટ પડે છે, નદી ઉપર બંધ બાંધવાથી પણ જમીન ડૂબમાં જાય છે. આના પણ ઉપાયો છે. પણ તે લાંબા ગાળાના ઉપાયો છે. પણ તેની ચર્ચા પછી કરીશું.

આ બધી જે કોઈપણ રીતે જમીનની ઘટ પડે છે તેને દૂર કરી શકાય છે. એટલું જ નહીં પણ  પ્રત્યક્ષ રીતે અને પરોક્ષ રીતે જમીન ઉત્પન્ન કરી શકાય છે.

જમીનની માલિકી

જમીનની માલિકી કોઈ એક વ્યક્તિની હોઈ જ ન શકે. જમીનની માલિકી ગામની પણ ન હોઈ શકે. એટલે કે ગામડાની પણ ન હોઈ શકે.  જો ભારતના દરેક નાગરિકને દેશમાં ગમે ત્યાં જવાનો અને સ્થાયી થવાનો હક્ક હોય તો જમીનનો વ્યવહાર રાષ્ટ્રીય રીતે જ થઈ શકે. જો જમીનમાંથી થતું ઉત્પાદન દેશમાં બધી જગ્યાએ વેચાઈ શકતું હોય તો કોઈ ગામડું, ગામ કે શહેર ઉપર સૌનો સરખો હક્ક હોવો જોઇએ. જો દેશની કેન્દ્રસ્થ સત્તા દેશ માટે એક વ્યાપક જમીનને લગતી નીતિ ન ઘડી શકતી હોય તો સક્ષમ રાજ્ય સત્તા પોતાના રાજ્ય પૂરતી નીતિ ઘડી શકે. કારણ કે જમીનને લગતી નીતિના વ્યાપક પરિમાણો હોય છે. એટલે જમીનને લગતી નીતિ ઘડવાના અધિકારો ગ્રામ પંચાયતને અબાધિત રીતે ન આપી શકાય. ગ્રામ પંચાયતના વાંધા વચકાનું જરુર નિરાકરણ લાવી શકાય. પણ હવે ગ્રામસ્વરાજ અને ખેડૂત જગતનો તાત કે જંગલ ની સંપત્તિ ઉપર વનવાસીઓનો અધિકાર તે બાબતો ઉપર પુનર્‌ વિચારણા થવી જોઇએ. હાલના ઈન્ટરનેટ યુગમાં વિશ્વ આખું એક ગામડું થઈ જવાની તૈયારીમાં છે. ત્યારે કમસે કમ આપણે આપણા રાજ્યને એક ગામડું સમજવાના અને બનાવવાના પ્રયત્નો કરીએ. આ ત્યારે જ બને જ્યારે આપણે આપણા રાજ્યમાં એક સૂત્રતા લાવીએ અને રાજ્યના હિતનો વિચાર કરીએ. જુના જમાનામાં એક ગામડું ૫૦ ખોરડાથી ૫૦૦ ખોરડાનું રહેતું. આજે એક સંકુલ એક હજાર કુટુંબોને સમાવતું હોય છે. એટલે ગામડાને આપણે એક સંકુલ સમજવું પડશે અને તેને એક વાસ્તવિક સંકુલ બનાવવું પડશે. જો આમ કરીશું તો જ જમીનનો યોગ્ય ઉપયોગ થઈ શકશે.

જો જમીન બચાવવાનો હેતુ રાજકીય કે સ્વખ્યાતિનો ન હોય અને ફક્ત ખેતીની અને જંગલની જમીન બચાવવાનો હોય તો જ્યાં જ્યાં જમીનનો દુરુપયોગ થાય છે ત્યાં ત્યાં આંદોલનો થવા જોઇએ અને કરવા જોઇએ. જેઓનું ધ્યેય રાજકીય નથી અને સ્વખ્યાતિનું નથી તેવા ગાંધીવાદીઓએ આ વાત સમજવી પડશે. નહીં તો જનતામાં તેમની વિશ્વસનીયતા નહીં રહે.

જ્યારે કેન્દ્રીય સરકારની નીતિઓની બુરાઈની અને ગેર વહીવટની વાત કરવી હોય ત્યારે “નહેરુવીયન કોંગ્રેસનું નામ લઈને કે જે એલ નહેરુ, ઈન્દીરા ગાંધી, રાજીવ ગાંધી કે મનમોહન સિંઘનું નામ લઈને ટીકા થતી નથી. પણ “સરકાર” અને “રાજકારણીઓ” એવો શબ્દ પ્રયોગ કરાય છે. નહેરુવીયન કોંગ્રેસના નેતાઓના અને નહેરુવંશીઓના નામ ન લઈને તેમના દુરાચારોને છૂપાવીને હળવા કરી દેવાય છે. જ્યારે ગુજરાતની બીજેપી સરકારની વાત આવે ત્યારે બીજેપી અને નરેન્દ્ર મોદીનું નામ લઈ નરેન્દ્ર મોદી ઉદ્યોગોને જમીનની લાણી કરે છે, નરેન્દ્ર મોદી ખેડૂતોને અન્યાય કરે છે, નરેન્દ્ર મોદી વનવાસીઓને અન્યાય કરે છે, નરેન્દ્ર મોદી વિકાસને નામે ગામડાંઓને ઉજાડી રહી છે, નરેન્દ્ર મોદી વિકાસની વાતોના જુઠાણાઓ ફેલાવે છે.  નરેન્દ્ર મોદી સરદાર પટેલનું બાવલું મુકી જનતાના ખર્ચે ખ્યાતિ મેળવવા માગે છે. ગાંધીવાદી નેતાઓએ નરેન્દ્ર મોદીના ગાંધીનગરના મહાત્મા મંદીર સામે પણ વિરોધ નોંધાવેલ. તમે ગાંધીજી ના સ્મારકને મંદીર નામ આપો કે આશ્રમ નામ આપો કે સ્મૃતિ નામ આપો તેથી શો ફેર પડે છે? નરેન્દ્ર મોદી ગાંધીજીના વિચારોના સ્મૃતિ ચિન્હ તરીકે કે સરદાર પટેલની સ્મૃતિ માટે કંઈ પણ કરે તેમાં જો પોતાને ગાંધીવાદી ગણાવતા મહાનુભાવો મોદીની ટીકા કરે તે ગાંધીજીના સિદ્ધાંતોને અનુરુપ તો નથી જ અને નથી જ.

આ પણ જાણે અધુરું હોય તેમ તેઓ નરેન્દ્ર મોદીના સદ્‍ભાવના પ્રસારના કાર્યક્રમોની પણ ટીકા કરે છે, નરેન્દ્ર મોદીની સરકારે કરેલા ઉર્જાના કુદરતી શ્રોતોના વિકાસ અને ખરાબાની જમીનને નવસાધ્ય કરી હોય તેને લક્ષમાં ન લે, પશુમેળા, કૃષિમેળા, સખી મંડળ, પાણી મંડળીઓની રચના જેવા અનેક કામોને લક્ષ્યમાં ન લે તો આ બધું પૂર્વગ્રહ યુક્ત જ ગણાય. જો આ બધું યોગ્ય ન હોય તો તેની મુદ્દા સર ટીકા કરે તો તે પણ આવકાર્ય ગણાય. જો સરકારની ક્ષતિઓ જો સરકારના ધ્યાનમાં લાવવામાં આવે તો સરકારને સુધરવાની તક મળે. નરેન્દ્ર મોદી વિષે જો ગાંધીવાદીઓ પણ ગુજરાતની આજની સરકાર વિષે નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ જેવા વિશેષણો વાપરશે તો તેમને ખુદને માટે યોગ્ય નહીં કહેવાય.

કાયદાકીય લડાઈઓ

જમીન સંપાદન ના મુદ્દે ગાંધીવાદીઓ જે કાયદાકીય લડાઈ લડી રહ્યા છે તે આવકાર્ય છે. કારણ કે કાયદાકીય લડાઈ તો સરકારી નોકરોની ખામી યુક્ત કાર્યવાહીને સુધારવા માટે છે. કેટલાક સરકારી અધિકારીઓમાં પ્રણાલીગત આપખુદી અને અહંકાર હોય છે. તેને ન્યાયાલય દ્વારા સુધારી શકાય છે.

જમીન, જંગલ, પાણી, ઉર્જા, શિક્ષણ, રોજગાર એવા કોઈ પ્રશ્નો હોઈ જ ન શકે. વિજ્ઞાન અને વિદ્યા (ટેક્નોલોજી) ના ક્ષેત્રમાં અસીમ તકો અને રોજગારીઓ પડેલી છે.

જમીન ઉપરની કૃષિ ઉપર કેટલું ભારણ મુકીશું? ઉદ્યોગો દ્વારા વધતી સુખસગવડો ને કેટલી હદ સુધી લઈ જઈશું?

ક્યાં કેટલો રોજગાર ઉભો કરીશું.

જ્ઞાન, શ્રમ અને વહીવટદારોને કેટલું વળતર આપીશું?

દરેક જગ્યાએ શ્રમ પડેલો છે તેને શ્રમને બદલે સેવામાં પરિવર્તિત કરવો પડશે. જો સેવાનું વળતર એવું હશે કે માનવીઓ એકબીજાથી વિમુખ નહીં બને પણ હળી મળીને રહેશે તો સૌને સુખ મળશે.

આ બધું જ થઈ શકે તેમ છે. કાયદાઓ છે. પણ તેનું માનવીય અને સામાજીક હિતને અનુરુપ અર્થઘટન નથી તેનો અમલ નથી. (ચાલુ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ ગાંધીવાદીઓ, નરેન્દ્ર મોદી, વિશેષણ, અફસરો, અધિકારીઓ, આપખુદ, અહંકારી, સત્યાગ્રહ, આત્મપીડન, રજનીશ, દંભ, સ્વખ્યાતિ, કાયદાકીય, લડાઈ, જમીન, હક્ક, માલિકી, ગામડું, શહેર,

Read Full Post »

પક્ષ એટલે શું?

પક્ષ આમતો સમાન વિચાર અને તે પ્રમાણે આચાર કરવાવાળાઓનો સમૂહ તેને પક્ષ કહેવાય. આ આચાર, સમાજની ઉર્ધ્વ ગતિ માટે હોય છે.

સમાજ સુરક્ષિત જીવન શૈલી અપનાવી સુખ શાંતિ થી જીવતાં જીવતાં શારીરિક, માનસિક અને બૌધિક રીતે પ્રગતિ કરતો થાય તે માટે  અનેક રસ્તાઓ હોય છે. રસ્તાઓની પસંદગી કે નિસ્પત્તિ વિચારોને આધિન હોય છે. એટલે જે લોકોના વિચારો મળતા આવતા હોય તેઓ એક પક્ષના કહેવાય. જો તેઓ ભેગા થઈને આયોજનબદ્ધ કામ કરવા તૈયાર થાય તો તેમને એક પક્ષ કહી શકાય. તેનું તેઓ નામકરણ કરે છે.

સરકારઃ ઉપરોક્ત હેતુ માટે આ પક્ષ એક પેટા જુથ રચે છે. તેનું કામ હેતુઓને સાધ્ય કરવા માટે પ્રણાલીઓ સ્થાપિત કરવાનું, પ્રણાલીઓને ચાલુ રાખવાનું અને જરુર પડે પ્રણાલીઓમાં ફેરફાર કરવાનું હોયછે.

માધ્યમો એટલે કે સમાચાર માધ્યમો અને મૂર્ધન્યો એટલે કે જે વર્ગ ઉપરોક્ત જુથમાં જોડાયો છે અથવા નથી, પણ જેનું કામ પરિસ્થિતિ ઉપર નજર રાખવાનું, તેમના કામોનું, તેમની પ્રણાલીઓનું અને પરિણામોનું વિશ્લેષણ કરવાનું, પ્રજાને માહિતગાર રાખવાનું અને પોતાની વિદ્વત્તા અનુસાર સૂચનો કરવાનું કરવાનું હોય છે તેઓ આકામ પોતાની કટારો દ્વારા કરેછે.ીટલે કે આ કામ તંત્રીમંડળ  અને કટાર લેખકો કરતા હોય છે. તે સૌને આપણે મૂર્ધન્યો કહીશું. જો કે પ્રણાલીગત રીતે સાહિત્યકારોને મૂર્ધન્ય કહેવાય છે. સમાચાર માધ્યમના લેખકો પણ આમ તો સાહિત્યનો એક ભાગ કહેવાય એટલે તેમને પણ મૂર્ધન્ય તો કહી  જ શકાય, પછી ભલે વિદ્વત્તા કે તર્ક ઓછા વત્તા પ્રમાણમાં હોય કે ન પણ હોય. પણ એક વખત કટાર રુપી જાગીર મળી ગઈ એટલે ગુણજ્ઞ થઈ ગયા.

પક્ષ માટે આચાર સહિતનો વિચાર મહત્વનો હોય છે. દરેક દેશને પોતાનું બંધારણ હોય તે પ્રમાણે પક્ષને પણ બંધારણ હોય છે. જો પક્ષ લોકશાહીમાં માનતો હોય તો તેનું બંધારણ લોકશાહીવાદી હોય છે.

પણ લોકશાહી એટલે શું?

વિચારોની મૂક્તતા, સત્યનો આદર અને પારદર્શિતા એ લોકશાહીના પાયા તો ગણાય પણ જન પ્રતિનિધિત્વ અને ભાગીદારી પણ તેનું એક અંગ હોવું જોઇએ એમ મનાય છે.

પક્ષની અંદર શું હોય છે?

પક્ષના સદસ્ય, ડેલીગેટસામાન્ય સભા, કારોબારીપક્ષીય ઉચ્ચસત્તા મંડળ કે મોવડી મંડળ અને પક્ષ પ્રમુખ આ બધાના સમન્વયથી એક પક્ષ બનેલો હોય છે. 

સમાન વિચારો વાળા લોકો ભેગા થાય. પણ આ બધા તો લાખોની સંખ્યામાં હોય. જુદી જુદી જગ્યાએ હોય. વિચારોના આદાન પ્રદાનમાં ભૌગોલિક મુશ્કેલીઓ પડે. સમય પણ ફાળવવો મુશ્કેલ પડે. એટલે આ સૌ છૂટક છૂટક ભૌગોલિક સ્થાનોમાં ભેગા થાય. સૂચિત મુદ્દાઓ વિષે ચર્ચા કરે અને પોતાના પ્રતિનિધિઓને મોકલી કેન્દ્રસ્થ જગ્યાએ મોકલી આપે છે. આ પ્રતિનિધિઓ “ડેલીગેટ” કહેવાય છે. આઆ ડૅલીગેટોની સભાને સામાન્ય સભા કહે છે. આ સભા પાસે નીતિ વિષયક સત્તા સહિતની પક્ષ ચલાવવા માટેની બધી સત્તા હોય છે. આ ડેલીગેટ પક્ષ પ્રમુખ ચૂંટે. અને કારોબારીના સભ્યોને પણ ચૂંટે છે. આ કારોબારીને પક્ષની વર્કીંગ કમીટી પણ કહેવાય છે. પક્ષ પ્રમુખ, પક્ષના સઘળા કારોબાર માટે જવાબદાર ગણાય. તેથી તે પોતાને મનપસંદ એવા અમુક સભ્યો પોતાની કારોબારીમાં નીમે. આ કારોબારીને અથવા તેણે નીમેલી એક ઉચ્ચ સ્તરીય મંડળીને હાઈ કમાન્ડ કહેવાય છે.

સામાન્ય ચૂંટણીઓ

પક્ષ પોતાના વિચારો જનતા સમક્ષ લઈ જાય. પક્ષ પોતે શું કરવા માગે છે અને કેવી રીતે કરશે તે વાતોના મુદ્દાઓ લઈને અને કઈ વ્યક્તિઓ આ વિચારોને અમલમાં મુકશે તે માહિતી જનતા સમક્ષ મુકીને ચૂંટણીમાં ઝંપલાવે છે.            

જનતાની વ્યક્તિઓમાં અમુક મત આપવા જાય અને અમુક મત આપવા ન જાય. જેઓ મત આપવા  જાય તેમના મતો જેઓએ જુદા જુદ પક્ષોને જે પ્રમાણમાં મત આપ્યા છે, તે પ્રમાણ અનુસાર ગણવામાં આવે છે.

એટલે કે ૧૦૦ મતદારો હોય. પણ ૬૦ વ્યક્તિઓ જ મત આપવા જાય.

ક”ને ૩૦ વ્યક્તિ મત આપે,

ખ”ને ૨૦ વ્યક્તિ મત આપે,

ગ”ને ૧૦ વ્યક્તિ મત આપે.

તો

ક” ને ૫૦ મત ગણ્યા કહેવાય,

ખ”ને  ૩૩ મત મળ્યા ગણાય,

ગ”ને ૧૭ મત મળ્યા ગણાય.

પછી ભલે જે ૪૦ વ્યક્તિ મત આપવા ન ગઈ હોય અને તેમની પસંદ ગીની વ્યક્તિ “ગ” હોય.

મરજીયાત મતદાનની  પ્રમાણસરના જનપ્રતિનિધિત્વની  ત્રૂટી છે.

મંત્રીમંડળ અને વહીવટી સરકારઃ

આ પ્રતિનિધિઓને જનતાએ તેમના વિચારો, યોગ્યતા અને આવડત પ્રમાણે ચૂંટ્યા હોય છે એવું માનવામાં આવે છે. એટલે જે પક્ષ ને વધુ બેઠકો મળે તે પક્ષને તેના વિચારોની  જનતાની પસંદગી ગણવામાં આવે છે. આ જન પ્રતિનિધિઓ પોતાનો નેતા ચૂંટે છે અને આ નેતા પોતાને મદદ કરવા પોતાના ચૂંટાયેલાઓમાંથી સાથીઓ પસંદ કરે છે. આ મંડળીને મંત્રી મંડળ કહેવાય છે.

જનપ્રતિનિધિઓએ પ્રજાના સંપર્કમાં રહેવાનું હોય છે અને તેનો અવાજ મંત્રી મંડળને પહોંચાડવાનો હોય છે. જનતાએ કર દ્વારા આપેલા પૈસાના ભંડોળ માંથી આ પ્રતિનિધિઓને મહેનતાણું ચૂકવવામાં આવે છેકારણ કે તેઓને જનતાએ ચૂંટ્યા છે. વળી તેમને વિશેષ સગવડો, સત્તાઓ અને અધિકારો આપવામાં આવે છે. આ બધું “વહીવટ” એમ ગણવામાં આવતું હોવાથી જનપ્રતિનિધિ મંડળ જ સત્તાઓ અને મહેનતાણા નક્કી કરી લે છે.

આ બધી વાતો તો પક્ષ અને દેશના બંધારણ પ્રમાણેની જોગવાઈઓને આધારે થઈ ગણાય.

કોણ મોટુંપક્ષ પ્રમૂખ કે સંસદનો નેતા?

 બાબતમાં ભલભલા મૂર્ધન્યોએ ગોથાં ખાધા છે અને ખાય છે.

જે એલ નહેરુ પક્ષ પ્રમુખ અને સંસદીય નેતા એ બંને પદો ભોગવતા હતા ત્યાં સુધી આ મુદ્દો કોઇ ખાસ સમસ્યા બન્યો ન હતો. સંસદીય નેતાએ પક્ષીય કારોબારીના નિર્ણયને માન્ય રાખવાનો હોય છે. રાજેન્દ્ર પ્રસાદ ને બીજી મુદત માટે રાષ્ટ્ર પતિ બનાવવાનો નિર્ણય પક્ષીય કારોબારી એ કર્યો હતો.  કારણ કે કોઈપણ નિર્ણય કરવા માટે પ્રણાલી હોય છે. પક્ષીય કારોબારી પાસે સત્તા હોય છે અને કારોબારીએ પ્રણાલીને અનુસરીને નિર્ણય કર્યો. એટલે સંસદના નેતાએ રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીને મંજુરીની મહોર મારવી જ પડે. નહેરુને આ નિર્ણય ખાસ પસંદ ન હતો તો પણ તેમણે માન્ય રાખેલો. 

ઈન્દીરા ગાંધીના સમયમાં  આવો બીજો પ્રસંગ બન્યો. કોંગ્રેસની પક્ષીય કારોબારીએ સંજીવ રેડ્ડીને રાષ્ટ્રપતિ બનાવવાની ભલામણ કરી. સંસદીય નેતા તરીકે ઈન્દીરા ગાંધીએ સંજીવ રેડ્ડીની અરજીમાં પ્રણાલી અનુસાર ભલામણની સહી કરી.

ઈન્દીરા ગાંધીને તો પોતાના પિતાશ્રીની જેમ બધા જ “હાજી હા” કરનારા જોઇએ. જે એલ નહેરુએ તો સ્વતંત્રતાની ચળવળમાં લોકશાહીની દુહાઈઓ ગાયેલી. એટલે જે મોઢે લોકશાહીના ફાયદાના રસગુલ્લા ખવડાવ્યા હોય તે મોઢેથી કોલસા કેવી રીતે ખવાય? પણ ઈન્દીરા ગાંધીને એવું કશું બંધન હતું નહીં. એમની એવી કોઈ પાર્શ્વ ભૂમિ પણ હતી નહીં. નાગાને નાહવું શું અને નીચોવવું શું?.

ઈન્દીરા ગાંધીને “હાજી હા” કરનારા મંત્રીઓ તો જોઇએ જ પણ રાષ્ટ્રપતિ પણ હાજી હા કરનારા જોઇએ. પણ જો પક્ષ પ્રમુખ હાજી હા કરનારા ન હોય તો રાષ્ટ્રપતિ હાજી હા કરનારા કેવી રીતે મળે? પક્ષ પ્રમુખ નિજલિંગપ્પા હતા. તેઓ સીન્ડીકેટના સભ્ય હતા. સીન્ડીકેટ એ એક નહેરુએ બનાવેલું જુથ હતું.  આ જુથના સભ્યો વગવાળા અને વર્કીંગ કમીટીમાંના સદસ્યો પણ હતા. ઈન્દીરાગાંધીને વડાપ્રધાન પદે આરુઢ કરનારા પણ આજ લોકો હતા. એટલે જ્યાં સુધી ગરજ હતી ત્યાં સુધી ઈન્દીરા ગાંધીએ “ગુંગી ગુડીયાનો રોલ ભજવ્યો. પછી તેમણે જોયું કે સામ્યવાદીઓની મદદથી સંસદમાં કામચલાઉ બહુમતિ તો લવાય પણ તે લાંબી ચલાવી ન લેવાય. તેવે વખતે રાષ્ટ્ર પ્રમુખ કહ્યાગરો હોય તો કામમાં આવે.

રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી સંસદના સભ્યો અને વિધાન સભાના સભ્યો કરે છે. તેમને પોતાના મતનું વજન હોય છે અને વજન પ્રમાણે મત ગણાય છે. રાજ્યની મતદારોની સંખ્યાને  રાજ્યના સંસદસભ્યોની સંખ્યાથી ભાગવામાં આવે અને જે સંખ્યા આવે તે તેનું વજન અથવા મત ગણાય. વળી તેમાં પહેલી અને બીજી પસંદગી હોય. એટલે જો પહેલી પસંદગીના મતો માં ૫૧ ટકા મત ન મળ્યા હોય તો બીજી પસંદગીના મતો પણ ઉમેરવામાં આવે. ઈન્દીરાગાંધીએ જોયું કે જો ક્રોસવોટીંગ થાય તો પોતાની પસંદગીનો ઉમેદવાર જીતે. એટલે તેમણે મજુરનેતા ગણાતા વીવી ગિરિ ને પોતાના અકથિત ઉમેરવાર તરીકે ઉભારાખ્યા. કોંગ્રેસના ઉમેદવાર તો સંજીવ રેડ્ડી હતા. અને વિપક્ષના સીડી દેશમુખ હતા.

રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પક્ષ ઉપર આધારિત હોવી જોઇએ કે નહીં? ઈન્દીરા ગાંધીએ આત્માના અવાજપૂર્વક મત આપવો એવો પ્રચાર વહેતો મુક્યો. મીડીયાએ આ પ્રચાર ચગાવ્યો. ગુજ્જુ કે અંગ્રેજી અખબારોએ આ ચર્ચા શાસ્ત્રીય માર્ગે ન ચલાવી પણ અત્યારે જેમ કેશુભાઈના ઉચ્ચારણોને વ્યાપક પ્રસિદ્ધિ આપીને એક પક્ષને વિભાજીત કરવાના કારસામાં અખબારો ફાળો આપે છે તેમ કોણ કોણ આત્માના અવાજપ્રમાણે મત આપશે તેને વધુ પ્રસિદ્ધિ અને કવરેજ આપવામાં આવતું. જોકે આત્માનો અવાજ એટલે શું, તે જાહેર કરવો એટલે શું,  તેના ધારા ધોરણો શું, તેના હેતુઓ શું, તેનો વ્યાપ શું … વિગેરે કોઈ શાસ્ત્રીય ચર્ચા કરવાનું બધાજ મૂર્ધન્યોએ ટાળ્યું.

મુદ્દાઓ તો ઘણા છે.

જો રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પક્ષના આધાર પર ન હોય તો એવી પ્રણાલી શા માટે કે તેનું નામાંકન પક્ષીય નેતા કે સભાના જનપ્રતિનિધિ તરફથી કરવું જોઇએ? જો ગુપ્ત મતદાન થતું હોય તો કોઈપણ પક્ષ “ફલાણો” અમારો ઉમેદવાર છે એવું જાહેર કેવી રીતે કરી શકે? રાષ્ટ્રપતિ પદના ઉમેદવારે પક્ષમાંથી રાજીનામું અને ઉમેદવારી પત્રક રજુ કરવા વચ્ચે કેટલો સમય હોવો જોઇએ? તેટલો જ સમય શા માટે? તેનો આધાર શો? વિગેરે વિષે ચર્ચા થવી જોઇએ.

સરકારી નિયમ પ્રમાણે એક નોટીસ પીરીયડ હોય છે. તે નોટીસ પીરીયડ શા માટે હોય છે? એ નોટીસ પીરીયડ અને તે પદ્ધતિ અહીં પણલાગુ પડવી જોઇએ. કારણ કે કોઈ હોદ્દાની રુએ મૂળભૂત જોગવાઈઓવાળી પ્રણાલી માં ફેરફાર કરી શકાય નહીં. જેમકે નોટીસ પીરીયડ ત્રણ માસનો હોય તો તે દરમ્યાન એ ચકાસવામાં આવે છે કે વ્યક્તિ કોઈ વિવાદોમાં સંડાવાયેલો છે કે નહીં? તેની આર્થિક સત્તાઓ વડે અગર તેની પાસેથી વસુલી કરવાના સંજોગો ઉત્પન્ન થાય તો તે માટે શું કરી શકાય?

રાજીનામુ સક્ષમ અધિકારી સમક્ષ રજુ કરવાનું હોય છે. સક્ષમ અધિકારી તેની ચકાસણી માટેના પગલાં ભરે છે. પછી સક્ષમ અધિકારી તેને જણાવે કે ફલાણી તારીખ સુધીમાં તમારે રાજીનામુ પાછું ખેંચવું હોય તો પાછું ખેંચી શકશો. તે પછી તમે તમારું રાજીનામું પાછું ખેંચી શકશો નહીં. સક્ષમ અધિકારી જ રાજીનામુ મંજુર કરી શકે છે. આ સક્ષમ અધિકારી રાજીનામુ મંજુર થયાનો પત્ર લખી શકે છે. આ પત્ર એક દસ્તાવેજ ગણાય છે. આ સક્ષમ અધિકારી કાયદામાં સૂચિત હોય છે. પ્રણાલી પણ સૂચિત હોય છે. જો કોઈ પ્રણાલી સૂચિત ન હોય તો સામાન્ય પ્રણાલી જે તે ડીપાર્ટમેન્ટમાં લાગુ પડતી હોય તે લાગુ પડાય છે. સેન્ટ્રલ ગવર્નમેન્ટમાં  માસની નોટીસ આપવી પડે છે. અને રીટાયર્ડ થયા પછી બે વર્ષ સુધી તમે ડીપાર્ટમેન્ટ સાથે કામ પડે તેવી નોકરી કરી શકતા નથી.   પ્રણાલી કેન્દ્રીય પ્રધાનોને લાગુ પડે. એટલે કે ૬માસની નોટીસ આપ્યા પછી અને રાજીનામુ મંજુર થઈ નિવૃત થયાને બે વર્ષ વીત્યા પછી જ રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં ભાગ લઈ શકાય એવું અર્થઘટન કાયદા અને પ્રનાલીની રુએ થાય.  બધા મુદ્દાઓ ઉપર માધ્યમોએ ચર્ચા કરવી જોઇએ.

પક્ષની બાબતમાં પણ આવું  છે. પક્ષને અને બંધારણને પ્રણાલીઓ હોય છે. ધારોકે પક્ષને અમુક સિદ્ધાંતો છે અને તેમાં સમયને અનુરુપ ફેરફાર કરવા છે. પણ પક્ષનું મોવડી મંડળ દાદ દેતું નથી. એવું કોઇ સભ્યને લાગે છે. તો તે પોતાના સથીઓ સાથે મસલત કરી શકે છે. તેને લાગે કે મને હવે પૂરો સહયોગ મળે તેમ છે તો તે પક્ષપ્રમુખને સામાન્ય સભામાં મંજુઅર કરાવવા એજન્ડાના મુદ્દઓમાં સામેલ કરવા માટે આપી શકે છે. જો સભ્યનો મુદ્દો અર્જન્ટ હોય તો  આપાત્‌કાલિન સામાન્ય સભા બોલાવી શકે પણ તે માટે પ્રણાલી હોય છે. પક્ષપ્રમુખને પણ આ પ્રણાલીને અનુસરવું પડે છે. સૌ કોઇ એ પ્રણાલીને અનુસરવું પડે.

સત્તા ધારીઓએ પણ પ્રણાલીઓને અનુસરવું પડે. ન્યાયધીશપાસે ન્યાય આપવાની સત્તા હોય છે. પણ તે બે પક્ષને સાંભળ્યા વગર સીધો ન્યાય આપી ન શકે. એક પક્ષે અરજી આપવી પડે. કૉર્ટે બીજા પક્ષને નોટીસ આપવી પડે. તેને રજુઆત કરવામાટે ચોક્કસ સમય આપવો પડે. અને પછી ન્યાયધીશ દરેક મુદ્દાઓના ઔચિત્યને વિષે પોતાનો નિર્ણય કેવી રીતે યોગ્ય છે એ દર્શાવતો બોલતો નિર્ણય આપે છે.

આજ વસ્તુ દરેક કિસ્સઓને લાગુ પડે છે

ધારોકે પક્ષના કોઇ એક સભ્યને એમ લાગ્યું કે ફલાણી વાત બરાબર નથી. હવે આ વાત કાયદાને લગતી હોય કે વહીવટને લગતી હોય. વહીવટને લગતી હોય તો તેનો અર્થ એ થાય કે વહીવટમાં પ્રણાલીનું પાલન થતું નથી. અથવાતો પ્રણાલી ખામીવાળી છે. પ્રણાલી ખામીવાળી હોય તો સારી પ્રણાલીનુ સૂચન થવું જોઇએ. અને આ સૂચિત પ્રણાલી, ચાલુ પ્રણાલી થી કેવી રીતે ઉત્કૃષ્ટ છે તેની જાહેર ચર્ચા થવી જોઇએ. જો કાયદાના અભાવને લગતી હોય તો તેની પણ મુક્ત અને વિસ્તૃત ચર્ચા થવી જોઇએ.

ઈન્દીરા ગાંધીએ શું કર્યું હતું

ઈન્દીરા ગાંધીએ અસાધારણ સામાન્યસભા બોલાવી ત્યારે તેમણે આવી કોઈ ચર્ચા કરેલી? તેમણે પોતાના મુદ્દાઓ વિષે પક્ષ પ્રમુખ અને કારોબારીમાં મુદ્દાસર રજુઆત કરેલી? તેમણે પ્રદેશ કારોબારીઓમાં પત્રવ્યવહાર કરેલો? તેઓના અભિપ્રાયો મગાવેલ? આ બાબતની પક્ષના સભ્યો સાથે વ્યાપક ચર્ચા કરેલી? જનતા સાથે પણ સમાચાર પત્રો મારફત આવી ચર્ચા કરી હતી શું? નાજી જરા પણ નહીં.

તો પછી કોઈ વિસ્તૃત છણાવટ વગરના મુદ્દઓ વગર, અરે મુદ્દાઓના તદન અભાવમાં તમે પક્ષની આપાત્‌ કાલિન સામાન્ય સભા કેવી રીતે બોલાવી શકો? ડેલીગેટો પણ કેવી રીતે તૈયાર કરી શકો? જે કંઈ કરો તે સ્થાપિત પ્રણાલીથી વિરુદ્ધ જ જાય એટલે તે રદ જ ગણાય. જ્યાં સુધી કાયદેસર રીતે રચાયેલ કારોબારી અસ્તિત્વ ધરાવતી હોય ત્યાં સુધી તેને તમે રદ કરી ન શકો. ઈન્દીરા ગાંધીએ જે આપાત્‌કાલિન સામાન્યસભા બોલાવેલ તે જ ગેરકાયદેસર હતી. કારણ કે ટૂંકા ૬માસથી પણ ઓછા સમયમાં તે મળવાની જ હતી. વળી ડેલીગેટોની પસંદગી પ્રણાલી અનુસાર ન હતી. તેથી ગેરકાયદેસર અને રદ હતી.

ઈન્દીરાગાંધીને ખબર હતી કે કાયદેસર રીતે પક્ષ ઉપર કબજો મેળવી શકાય તેમ નથી. તેથી તેમણે કાયદેસરની પ્રણાલી બહારના માર્ગ અપનાવ્યા. દેશના વહીવટના તે વડા હતાં. એટલે પ્રસારમાધ્યમો તેમના કબજામાં હતા. આનો લાભ તેમણે પાટલી બદલુઓને અને પોતાના પક્ષમાં આવનારાઓને ચમકાવવામાં કર્યો. નવી ચૂંટણીમાં તેમના પક્ષને બહુમતિ મળી. એટલે ન્યાયાલયે તેમના પક્ષને કોંગ્રેસ પક્ષ તરીકે માન્ય રાખ્યો. પણ ચિન્હ માન્ય ન રાખ્યું. પીલુ મોદીએ ટકોર કરેલી કે જો હવે પછીની ચૂંટણી માં કોંગ્રેસ (સંસ્થા)ને જો બહુમતિ મળશે તો શું કૉર્ટનો નિર્ણય રદબાતલ થશે? વાસ્તવમાં પક્ષ એ એક સંસ્થા છે અને તેનું અસ્તિત્વ તેના સભ્યો અને બંધારણીય ઘટકોને આધારે હોય છે, નહીં કે લોકસભા કે વિધાન સભાની ચૂંટાયેલા સભ્યોની સંખ્યાને આધારે.

પક્ષ છે તો મુખ્ય મંત્રી છે, પ્રધાન મંત્રી છે. તેઓ પક્ષની રુએ અને પક્ષના સિદ્ધાંતો અનુસાર દેશના બંધારણની અંતર્ગત પોતાની ફરજો બજાવે છે. પક્ષને એમ લાગે કે તેમનો સંસદીયનેતા કે વિધાનસભાનો નેતા પક્ષના સિદ્ધાંતોને અનુરુપ કારભાર કરતો નથી તો પક્ષ તેને નોટીસ બજાવી શકે અને જવાબ માગી શકે. પક્ષનો વડો પક્ષ પ્રમુખ છે જે પક્ષીય કારોબારીની સલાહ પ્રમાણે કામ કરે છે. પક્ષનો પ્રમુખ, વડાપ્રધાનનો અને મુખ્ય મંત્રીનો પણ વડો છે.

આ વાત સમજવામાં “તડ ને ફડ”વાળા મૂર્ધન્યો જેવા મૂર્ધન્યો પણ ભટકી જાય છે. આ કહેવાની જરુર એ માટે પડી કે આ મૂર્ધન્ય મહાશયનો હેતુ યેનકેન પ્રકારે ઈન્દીરા ગાંધીનો બચાવ કરવાનો હતો. અને તેથી તેઓ પક્ષ પ્રમુખને બદલે વડાપ્રધાન ની ઈચ્છાને મહત્વની ગણાવવા માગતા હતા. ઈન્દીરા ગાંધી વડા પ્રધાન હતાં ત્યારે તે પક્ષ પ્રમુખની ઉપરવટ જતા હતાં. જેમકે બેંકોનું રાષ્ટ્રીયકરણ ન કરવું પણ સમાજીકરણ કરવું એ કોંગ્રેસની કારોબારીનું સૂચન હતું. આ બાબત ઉપર માધ્યમોએ મુદ્દાસરની શૈક્ષણિક ચર્ચા યોજવી જોઇએતી હતી. રાષ્ટ્રીયકરણના ભયસ્થાનો પારવિનાના હતા. આ વાત તો તે પછીના સમયે જ સિદ્ધ કરી. મોરારજી દેસાઈની વહીવટી આર્ષદૃષ્ટિ આ જોઇ શકેલ. ઈન્દીરા ગાંધીની દૃષ્ટિ મતના રાજકરણ અને પોતાની સત્તા તરફ હતી.  ઈન્દીરાગાંધીએ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. વળી તે પહેલાં નાણાંખાતું હસ્તગત કરવા નાણામંત્રીને (મોરારજી દેસાઈને) ફારેગ કર્યા. મોરારજી દેસાઈને નાણાં મંત્રી બનાવવાની વાત કારોબારી સાથે વિમર્શ બાદ નક્કી કરેલી. તેથી નાણાંમંત્રીને જો બદલવા હોય તો શાલીનતાની રુએ કારોબારી કે પક્ષપ્રમુખ સાથે મસલત કરવી જ જોઇએ. પણ જેઓ લોકશાહી મુલ્યોમાં નથી માનતા, તેઓ આપખુદીમાં માનતા હોય છે. તેઓ પારદર્શિતાને અને શાલીનતાને અવગણે છે.

આવા કારણોસર અને રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં જે વ્યક્તિના નામની પક્ષની રુએ ઈન્દીરા ગાંધીએ ભલામણ કરેલી તેની વિરુદ્ધમાં જ ઈન્દીરા ગાંધીએ પોતે જ પ્રચાર કર્યો અને પક્ષની ઉપરવટ જઈ અપ્રણાલીગત નિવેદનો કર્યા ત્યારે જ મોરરજી દેસાઈએ પક્ષના મોવડી મંડળને જણાવેલ કે ઈન્દીરા ગાંધીને બરતરફ કરો. પક્ષનું મોવડી મંડળ તાત્કાલિક નિર્ણય લઈ ન શક્યું. ચૂંટ્ણીને સમયે ઈન્દીરાગાંધીએ, સંજીવ રેડ્ડી વિરુદ્ધ બિભત્સ આક્ષેપો સાથેની પત્રિકાઓ વહેંચાવડાવી. પક્ષે સૂચવેલ ઉમેદવાર હાર્યો અને ઈન્દીરાગાંધીએ જે ઉમેદવાર ઉભોકરેલ તે જીતેલ. પક્ષે તે પછી ઈન્દીરાગાંધીને બરતરફ કરેલ.  સંસદમાં તેમની બહુમતિ ચાલુ રહે તે માટે તેમના દ્વારા પ્રયોજાયેલા રાષ્ટ્ર પ્રમુખે તેમને સત્તા ઉપર ચાલુ રાખ્યા અને સમય આપ્યો. પાર્ટીના કેટલાક સભ્યોએ ઈન્દીરા ગાંધીને ટેકો જાહેર કર્યો. તેમજ સામ્યવાદીઓએ અને કેટલાક ફુટકળીયાઓએ  પણ ઈન્દીરાગાંધીના પક્ષને ટેકો જાહેર કર્યો.

ટૂંકમાં ઈન્દીરા ગાંધીનું રાજ મુદ્દાઓવગરનું અને સિદ્ધાંતો વગરનું ટોળારાજ હતું.  સૂત્રો ઉપર નભતું હતું. મીડીયાનો તેમને પૂરતો ટેકો હ્તો. મીડીયા આજે પણ વિવેકહીન છે. મીડીયા તે વખતે પણ વિવેકહીન હતું.

  વાત કેશુભાઈને પણ લાગુ પડે છે

તેમના મુદ્દાઓ શું છે તે કોઈ જાણતું નથી. તેમને નેતાગીરીથી અસંતોષ છે. પણ કયા મુદ્દાઓ ઉપર અસંતોષ છે તે કોઈ જાણતું નથી. તેમને કાયદામાં ફેરફાર જોઇએ છે કે પ્રણાલીઓમાં ફેરફાર જોઇએ છે? તેમને કેવા ફેરફારો જોઇએ છે અને શામાટે જોઇએ છે તેકોઈ જાણતું નથી. તેમણે સ્થાનિક નેતાઓ સાથે કે મુખ્ય મંત્રી સાથે ક્યારેય મુલાકાતો માગી છે ખરી? તેમણે કદીય પ્રણાલીઓ બાબતમાં વહીવટી અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી છે ખરી? મુલાકાતોની માગણી જો કરી હોય તો તેની નીપજ શું આવી? જનતા તો મુદ્દાઓની વિગતોથી અજાણ જ છે. જો મુલાકત જ માગી ન હોય તો પક્ષમાં રહીને પક્ષની ટીકા કરવી અયોગ્ય છે અને આવી વર્તણૂંક નિંદનીય છે. લોકશાહી પ્રણાલીને અનુરુપ નથી.

ખેડૂતોને અન્યાય કે ગૌચરની જમીન કે ઉદ્યોગપતિઓને જમીનની લહાણી  વિગતો માગી લે તેવા વિષયો છે. સૌ કેસ અલગ અલગ હોય તેથી તેના કેસ પ્રમાણે ગુણદોષ તારવી શકાય. આવા કેસ ન્યાયિક અદાલતમાં લઈ જઈ શકાય. જો પ્રણાલી અંતરગત હોય તો વિકલ્પ સુચવવવા જોઇએ. પક્ષના સભ્યોને પણ માહિતગાર કરી શકાય. સામાન્ય સભામાં પ્રસ્તાવ રજુ કરી શકાય. શું આવું કશું કેશુભાઈ કર્યું છે. બંધબારણે મીટીંગો કરવી, જાતિવાદી મીટીંગો કરવી, જાતીને અન્યાય થાય છે એવી વાતો ચગાવવી આ બધું નીમ્ન કક્ષાનું રાજકારણ કહેવાય.

સમાચાર માધ્યમો પણ મુદ્દાઓને સદંતર અવગણી નિમ્ન કક્ષાના રાજકારણ પર ઉતરી આવે છે. સમાચારની હેડ લાઈનો પણ પૂર્વગ્રહ વાળી હોય છે. જે સમાચાર પત્રોને નરેન્દ્ર-મોદીનો “ફોબીયા” છે તેઓ દરેક વાતોમાં નરેન્દ્ર મોદીની અવમાનના કરે છે. નરેન્દ્ર મોદીના પ્રજાલક્ષી કામોને પણ વક્રદૃષ્ટિ થી જુએ છે. મુદ્દાઓ અને તેની ઉપરની શૈક્ષણિક ચર્ચાઓને તો સમાચારપત્રોમાં અવકાશ જ નથી.  આ જ વર્તમાનપત્રોના માંધાતાઓ, જ્યારે ઈન્દીરા ગાંધીએ કહ્યું “નીચા નમો …”, ત્યારે તેઓ ચત્તાપાટ પડીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા થઈ ગયેલા. ઈન્દીરા ગાંધીની આપખુદીનો જોટો ન હતો. તો પણ આ માધ્યમોના મૂર્ધન્યો આજનીતારીખમાં પણ તે વિષે ચૂં કે ચાં કરી શકતા નથી. કારણ કે તેમની નજર વિદેશી બેંકોમાં પડેલા ૪૦૦ લાખ કરોડ રુપીયા ઉપર પણ હોય. તો આવા માધ્યમોની વિશ્વસનીયતાની તો વાત જ ક્યાંથી થાય? સમાચાર માધ્યમો પ્રમાણે તો નરેન્દ્ર મોદી સામે વ્યાપક આક્રોષ છે. વળી તેઓ પોતે જ અંદરખાને કહે છે કે બહુમતિ તો નરેન્દ્ર મોદી લઈ જ જશે. હવે તેમને પોતે જ, પોતે જે છાપે છે તેમાં વિશ્વાસ નથી તો બીજાઓ તો તેમની ઉપર વિશ્વાસ ક્યાંથી રાખી શકે?

સુબ્રહ્મનીયન સ્વામી

સુબ્રહ્મનીયન સ્વામીને કોઈએ પૂચ્છ્યું કે તમે ભ્રષ્ટાચારના વિરોધી છો તો કોંગ્રેસ સિવાયના પક્ષના ભ્રષ્ટાચારીઓ સામે કેમ લડતા નથી. સુબ્રહ્મનીયન સ્વામીએ જવાબ આપ્યો કે વિરોધ પક્ષના નેતાઓ સામે કેસ કરવાની ફરજ કોંગ્રેસની છે કારણ કે તેને તે માટે પૈસા મળે છે. હું જે કંઈ કહું છું તે બધું જ કૉર્ટમાં કહી ચૂક્યો છું.

આ વાત ગુજ્જુ કોંગીઓએ સમજવા જેવી છે. તેમના પક્ષનું કેન્દ્રમાં રાજ છે. નરેદ્ન્ર મોદીએ જો ભ્રષ્ટાચાર કર્યો હોય કે કરાવ્યો હોય તો તેઓ કોર્ટમાં જઈ શકે છે. અથવા એઓ કેન્દ્રને રજુઆત કરી નરેન્દ્ર મોદી કે તેના સાથીઓ સામે બંધારણની જોગવાઈ અનુસાર પગલાં લઈ શકે છે. પણ ખાટલે મોટી ખોડ એ છે કે તેમના આક્ષેપો વજુદ વગરના છે. જો પ્રણાલીઓને ભાંડવા જાય તો તેઓ અને તેમનો પક્ષ જ પહેલાં ભક્ષ્ય બની જાય.  જમીન સંપાદનની ગુજરાત સરકારની નીતિની સુપ્રીમ કોર્ટે પણ પ્રસંશા કરી છે.

આપણા ગુજ્જુ કોંગી નેતાઓ, પહેલેથી જ આપણા ગુજરાતી નેતાઓના ટાંટીયા ખેંચી પાડી દેવાના તાનમાં રહેતા હોય છે. આ તેમનો જુનો રોગ. આપણા ગુજ્જુ મૂર્ધન્યો પણ મોરારજી દેસાઈની બદબોઈ કરવામાં ઉણા ઉતરતા ન હતા. અને હાલ માં જ જુઓ. આપણા કાન્તિભાઈએ મોરારજી દેસાઈના રાજકારભારને લાઈસન્સ, પરમીટ અને ક્વોટાનું રાજ્ય કહ્યું છે. વાસ્તવમાં મોરારજી દેસાઈએ તો 1977માં ઉત્પાદન ઉપરના અંકુશો સાવ દૂર કરી ને ક્વોટાઓ તો નાબુદ કરી દીધેલા. લાઈસન્સ પરમીટ અને ક્વોટાનું રાજ તો નહેરુનું હતું તે વાત આખો દેશ જાણે છે. આપણા કાંતિભાઈ કદાચ તે વખતે ભાંખોડીયા ભરતા હશે કે બાબાગાડી ચલાવતા હશે તેથી તેમને ખબર નહીં હોય. પણ મોટા થયા પછી તેમણે ઈતિહાસનું વાચન કરવું જોઇએ. સૌ કોઈ જાણે છે કે નહેરુવીયનોના પીઠ્ઠૂઓ મોરારજી દેસાઈને પણ મુડીવાદીઓના પીઠ્ઠુ તરીકે ઓળખાવતા હતા.

શિરીષ મોહનલાલ દવે

ટેગઃ પક્ષ, ઈન્દીરા કોંગ્રેસ, કોંગ્રેસ (સંસ્થા), પક્ષપ્રમુખ, કારોબારી, ડેલીગેટ, મોવડીમંડળ, સંજીવ રેડ્ડી, મોરારજી દેસાઈ, સીન્ડીકેટ, જે એલ નહેરુ, આપાત્‌કાલિન, સામાન્યસભા, સંસદ, વિધાનસભા, સદસ્ય, આપખુદ, મુદ્દા, મીડીયા, મૂર્ધન્ય

Read Full Post »

%d bloggers like this: