અમદાવાદનું નામ બદલવું જોઈએ કે નહીં?
અમદાવાદનું નામ બદલવાની ચર્ચા ચાલે છે.
કોઈ પણ કાર્યની પાછળ કારણ હોય છે. એટલે કે કોઈ પણ કારણ તો બતાવવું જ પડે.
અમદાવાદના નામ બદલવાનો વિરોધ પણ થતો હોય તો પછી નામ બદલવા પાછળનું ઔચિત્ય સિદ્ધ કરવું પડે.
નામ ક્યારે બદલી શકાય?
(૧) નામ અપભ્રંશવાળું હોય અને ક્લિષ્ટ હોય.
(૨) નામનો ઉચ્ચાર સ્થાનિક લોકો અમુકરીતે કરતા હોય પણ બહારના લોકો તેનો ઉચ્ચાર ભીન્ન રીતે કરતા હોય અને લખતા પણ ભીન્ન રીતે હોય.
(૩) જ્યાં સુધી ગામનું નામ બદલવાની વાતને લાગે વળગે છે ત્યાં સુધી એમ કહી શકાય કે ગામની સ્થાપના જે વ્યક્તિએ કરી હોય તે અને અથવા તે વ્યક્તિના નામને અમર રાખવા અને અથવા તે વ્યક્તિનું બહુમાન કરવા, તે વ્યક્તિના નામ ઉપરથી ગામનું નામ રાખવામાં આવ્યું હોય પણ પછી કાળાંતરે એમ લાગે કે એ વ્યક્તિનું આવું બહુમાન કરવું આવશ્યક નથી, માટે નામ બદલવામાં આવે.
(૪) ઉપર (૩)માં દર્શાવેલ વ્યક્તિ કરતાં “બીજી વ્યક્તિ કે જે તે સ્થળ ઉપર વસેલા ગામ માટે વધુ યોગ્ય છે,” તો તે આધારે નામ બદલવામાં આવે.
(૫) આપણા હાથમાં સત્તા છે અને (૩)માં નિર્દેશિત વ્યક્તિ આપણને પસંદ નથી માટે તે નામ બદલીને બીજું નામ રાખો.
(૬) ફલાણા લોકોએ નામ બદલ્યાં છે માટે આપણે પણ ગામનું નામ બદલો.
(૭) ફલાણો દેશ આપણો દુશ્મન છે અને તેણે આપણી સંસ્કૃતિના મહાનુભાવોના નામ ઉપરથી તેમના દેશમાં જે ગામોના નામો હતા તેને બદલ્યા છે એટલે તેની પ્રતિક્રિયા આપવા માટે આપણે પણ આપણા ગામના જે તે લાગુ પડતા નામો બદલો.
(૮) આપણે કશુંક કરી રહ્યા છીએ તે પ્રદર્શિત કરવા નામ બદલો.
આટલા કારણો ગામનું નામ બદલવા માટે હોઈ શકે. એક કરતાં વધુ કારણ પણ હોઈ શકે.
અમદાવાદ વિષે શું પરિસ્થિતિ છે?
અમદાવાદના નામ પરિવર્તન માટેની પાર્શ્વ ભૂમિકાઃ
૧૯૪૭માં દેશના ભાગલા પડ્યા. કેટલાક મુસ્લિમો અને તેમના નેતાઓએ કહ્યું કે અમે હિન્દુ બહુમતિવાળા દેશમાં સુખી થઈ શકીશું નહીં અને હિન્દુ બહુમતિ અમને અન્યાય કરશે એટલે અમારે જુદો દેશ જોઇએ છીએ. અંગ્રેજોએ કહ્યું અમે મુસ્લિમોના હિતનો ઈજારો લીધો છે એટલે અમારે તેમની સુખાકારી જોવી જોઇએ. એટલે અમે દેશના ભાગલા પાડીશું. જો તમે આ સ્વિકારશો નહીં તો અમે તમને સ્વતંત્ર નહીં કરીએ. આ દરમ્યાન મુસ્લિમો હિંસક બન્યા. ગાંધીજીએ કહ્યું કે “હું તો આ હિંસા અટકાવવા માટે સમર્થ નથી.” …. સૌએ દેશના ભગાલાના પ્રસ્તાવનો સ્વિકાર કર્યો.
અંગ્રેજોએ મતદાન કરાવ્યું અને મુસ્લિમ બહુમતિ વાળા વિસ્તારો પાકિસ્તાન બન્યા. બાકી રહ્યું તે ભારત બન્યું. આ આખી પ્રક્રિયા દરમ્યાન હિન્દુ અને મુસ્લિમો એકબીજાના દુશ્મનો બની ગયા. આમાં અંગ્રેજોએ અને તેમણે રચિત ઇતિહાસે ઠીક ઠીક ભાગ ભજવ્યો.
મુસ્લિમો તો ભારતમાં ઠેર ઠેર પથારાયેલા હતા. પાકિસ્તાન ગયેલા મુસ્લિમો કરતાં ભારતમાં મુસ્લિમો વધુ હતા અને રહ્યા. અને કારણ કે કોંગ્રેસના નેતા નહેરુ અંગ્રેજ સંસ્કૃતિના ચાહક હતા તેમણે અંગ્રેજો દ્વારા સ્થપાયેલ શિક્ષણ પ્રણાલી ચાલુ રાખી અને તેને જ માન્યતા આપી. અને કેટલાક એવા પગલાં લીધાં કે જેથી ભારતમાં રહેલા મુસ્લિમોને લાગ્યું કે આપણે હિન્દુઓથી સાચે જ જુદા છીએ. અને પાકિસ્તાનને એમ લાગ્યું કે ભારત આપણું દુશ્મન નંબર એક છે.
પાકિસ્તાને ભારત ઉપર અવાર નવાર જુદી જુદી રીતે અને કારણ/ણોસર ૧૯૪૭, ૧૯૬૫, ૧૯૭૧, ૧૯૯૯ આક્રમણ કર્યાં. આ બધા આક્રમણોથી ભારતમાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે વૈમનસ્ય વધતું ગયું. ભારતમાં કેટલાક મુસ્લિમ નેતાઓ એવા પાક્યા કે તેઓ ધર્મના આધારે વધુને વધુ માગણીઓ કરવા માંડ્યા. જે વિસ્તારોમાં હિન્દુઓ લઘુમતિમાં હતા તેમની ઉપર તેઓ અત્યાચાર પણ કરવા માંડ્યા અને તેમને બીજે ખદેડવા માંડ્યા. કોંગ્રેસે મુસ્લિમોને મતબેંક બનાવીને તેમના અત્યાચારો પ્રત્યે હમેશા આંખ આડા કાન કર્યા. આવું બધું ૧૯૪૭ પહેલાંથી ચાલ્યું આવતું હતું પણ ૧૯૪૭ પછી તેમાં વેગ આવ્યો.
મુસ્લિમો જ્યાં બહુમતિમાં હતા ત્યાં તો તેઓએ આડેધડ, ગામ અને સ્થળોના હિન્દુ નામોને બદલે મુસ્લિમ નામો રાખી લીધા. એટલું જ નહીં પણ ભારતમાં પણ જ્યાં તેઓ બહુમતિમાં હતા ત્યાં પણ તેઓએ ઐતિહાસિક સ્થળોના પણ હિન્દુ નામોનું ઇસ્લામીકરણ કરવા માંડ્યું. હિન્દુઓએ મુસ્લિમો ઉપર અત્યાચાર કર્યો હોય તેવા ઉલ્લેખો ઇતિહાસમાં નથી તો પણ મુસ્લિમોએ સ્થળોનું અને ગામોનું ઇસ્લામીકરણ કરવા માંડ્યું.
દરેક પ્રજાની સહનશીલતાની એક સીમા હોય છે. આ કારણથી અને નહેરુવીયન કોંગ્રેસી સરકારોએ મુસ્લિમતૂષ્ટીકરણનું રાજકારણ અપનાવ્યું હોવાથી હિન્દુઓમાં પ્રતિકાર વૃત્તિ જન્મી છે.
આવા સંજોગામાં સ્થળોનું અને ગામોનું નામ પરિવર્તન યોગ્ય ખરું?
અંગ્રેજોએ ભારતનો ઇતિહાસ લખ્યો. ભારતની સંસ્કૃતિ એક પ્રાચીન અને ઉત્કૃષ્ટ સંસ્કૃતિ છે. એટલે તે પોતાનો ઇતિહાસ ન રાખે તે ગધેડાને તાવ આવવા જેવી વાત છે. પણ માનસિક રીતે ગુલામ બની જાય એવો એક વર્ગ તમે ઉત્પન્ન કરો અને તેના હાથમાં બધી સત્તા આપો ત્યારે તે તમે જે પઢાવો તે પઢે. અને જો તમે સમાચાર માધ્યમો તમારે હસ્તક રાખ્યા હોય અથવા આવા પઢાવેલા પોપટોને હસ્તક રાખ્યા હોય, અને જો કોઈ તમારા પઢાવ્યાથી વિરુદ્ધ બોલે તો તમે એને મજાક પાત્ર બનાવો અને તેને કૉડીનો કરી દો. આમ કરવાથી આવો વ્યક્તિ અવરોધાય તો ખરો જ.
આ ઉપરાંત એક બીજી વાત પણ છે.
અંગ્રેજોએ ઇતિહાસ લખ્યો તે ખરું. પણ તેમણે તે તદન ખોટો પણ લખ્યો નથી. અમુક વાતો મહત્ત્વની હતી અને અમુક વાતો મહત્ત્વ ન હતી. તેમણે ઇતિહાસ લખવામાં પ્રમાણ ભાન ન રાખ્યું. અને તેમણે તેમના લાંબા ગાળાના હેતુઓ બર આવે તે રીતે ઇતિહાસ લખ્યો.
ભારતની સંસ્કૃતિ દરેક ક્ષેત્રે ઉચ્ચ કક્ષાની હતી.
મુસ્લિમ રાજાઓ ભારત ઉપર આક્રમણ કરતા રહ્યા અને ક્યારેક હારતા પણ રહ્યા અને ક્યારેક જીતતા પણ રહ્યા. ૬૦૦ વર્ષ સુધી આ પ્રક્રિયા ચાલી. આ દરમ્યાન તેમના ઉપર ભારતીય સંસ્કૃતિની ગાઢ અસર થઈ. મોગલ સામ્રાજ્ય એક એવું મુસ્લિમ સામ્રાજ્ય થયું કે જેણે એક ટૂંકા ગાળા પૂરતો,, પણ મોટા ભાગના ભારતના હિસ્સા ઉપર કબજો મેળવ્યો. અકબરે જોયું કે ભારત ઉપર રાજ કરવું હશે તો હિન્દુઓ સાથે તાલમેલ રાખીને જ આ કામ થઈ શકશે. શાહજહાં અને ઔરંગઝેબ જરા જુદા નિકળ્યા અને તેઓ હિન્દુઓ ઉપર અત્યાચાર કરવા માંડ્યા તો ઔરંગઝેબનું સામ્રાજ્ય તેના અંત સમયે ભંગાણને આરે આવી પડ્યું. મરાઠાઓએ કબજો લીધો. પણ તેમાંના કેટલાક લૂંટવામાં માનતા હતા અને તેથી બીજા કેટલાક ખંડિયા રાજાઓ અંગ્રેજોની મદદમાં આવ્યા. અને અંગ્રેજોનું સામ્રાજ્ય સ્થપાયું. કાળાંતરે ભારતના ખંડિયા રાજાઓને અને ભારતની જનતાને અંગ્રેજોની વટાળ પ્રવૃત્તિઓથી એવું લાગ્યું કે મોગલો સારા હતા. એટલે ૧૮૫૭માં અંગ્રેજ સરકાર સામે બળવો થયો. એવું નક્કી થયું કે મોગલ સામ્રાટ બહાદુર શાહ જફર કે જેના રાજ્યની સીમા ફક્ત લાલ કિલ્લા પૂરતી હતી, તો પણ તેને સામ્રાટ પદે સ્થાપવો.
ટૂંકમાં તે સમયના જનમાનસ ઉપરથી એવું ફલિત થતું હતું કે સરવાળો કરીને જોઇએ તો, ટીપુ સુલતાન, મહમ્મદ તઘલખ, ઘોરી, શાહ જહાં, ઔરંગઝેબ ના અત્યાચારો ને લક્ષમાં લઈએ તો પણ મુસલમાનોમાં શેરશાહ સુરી, અહમદશાહ, મહમદ બેઘડો, હૈદર અલી, અકબર, જહાંગીર વિગેરેની સારપને લક્ષમાં લઈએ તો મુસ્લિમો એટલે કે મુગલો સારા હતા.
અંગ્રેજોએ આ માનસિકતા જાણી અને તેથી કરીને ૧૮૫૭ના ભારતીયોના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જીત મેળવ્યા પછી, ભારતીયોમાં મુસ્લિમ અને બીન-મુસ્લિમ એવા ભાગલા પડાવવાની પ્રક્રિયા ચાલુ કરી. અને તેમાં તે સફળ રહ્યા.
જો અંગ્રેજો ૧૮૫૭માં હારી ગયા હોત તો ભારતમાં એક ભારતીય સમવાય તંત્ર હોત અને સમગ્ર મુસ્લિમ સમાજ, શક, પહલવ, હૂણ, પારસીઓની જેમ ભારતીયોમાં અને ભારતીય સંસ્કૃતિમાં ભળી ગયા હોત.
પણ અંગ્રેજોએ જે વિભાજનવાદી નીતિ પ્રયોજી હતી તેને કોંગ્રેસે ચાલુ રાખી. જેમકે નવી દિલ્હીમાં ઔરંગઝેબ માર્ગ, બાબર માર્ગ, હુમાયુ માર્ગ, જેવા નામો આપ્યા મુસ્લિમ તૂષ્ટિકરણ ચાલુ રાખ્યું.
હવે અમદાવાદના નામ પરિવર્તન વિષે વિચારીએ;
(૧) અમદાવાદ એ અહમદાબાદનું અપભ્રંશ છે પણ ક્લીષ્ટ નથી.
(૨) બીજા બધા અમદાવાદને ભલે બીજા શુદ્ધ કે અશુદ્ધ નામથી ઓળખતા હોય પણ સરકારે “અમદાવાદ” જે સ્થાનિક લોકો બોલે છે તેને જ માન્ય રાખ્યું છે. કોલકતા અને મુંબઈ વિષે પણ આમ જ છે.
(૩) અમદાવાદ કે જે પહેલાં કોટના વિસ્તાર પુરતું મર્યાદિત હતું તે અહમદશાહ બાદશાહના નામ ઉપરથી પડ્યું છે. હવે કેટલાક લોકોને લાગે છે કે અમદાવાદના અહમદશાહ બાદશાહને માન આપવું જરુરી નથી, તેથી મૂળ અમદાવાદ કે જે કોટની અંદર વસેલું હતું અને હવે ચારે દિશામાં ૨૫ ગણું વધી ગયું છે તેનું નામ બદલવું જોઇએ.
અહમદશાહ બાદશાહે વસાવેલા ગામનું નામ શા માટે બદલવું તે બાબતનો ફોડ કોઈએ પાડ્યો નથી. અહમદશાહ બાદશાહ ક્રૂર હતો કે નહીં અને જો તે ક્રૂર હતો તો તે કેટલો ક્રૂર હતો તેની વિગતો કોઈએ ખૂલ્લી કરી નથી.
(૪) આશાવલ નામના ભીલે આશાવલ વસાવેલું. રાજા કરણદેવે કર્ણાવતી / કર્ણપુર વસાવેલું. પણ સવાલ એ છે કે જે ગામ કોટની અંદર વસેલું હતું તે શું આશાવલ ભીલે કે રાજા કર્ણદેવે વસાવેલું હતું? “આશાવલ”ની સાથે સામ્ય ધરાવતું “અસારવા” સ્થળ મળે છે ખરું. પણ કર્ણપુર કે કર્ણાવતીની સાથે સામ્યતા ધરાવતું કોઈ સ્થળ હોય તો તેની કોઈએ માહિતિ આપી નથી.
(૫), (૬) “આપણા હાથમાં સત્તા છે માટે આ શહેરનું નામ બદલી નાખો”. ફાલાણાએ નામ બદલ્યું એટલે આપણે પણ આ શહેરનું નામ બદલી નાખો તેવા તર્ક માત્રને આધારે નામ બદલવું એ સંસ્કારી પ્રજાને શોભે નહીં.
(૭) આપણો દુશ્મન કે જે મુસ્લિમ દેશ છે, અને તે તેના હિન્દુ શહેરોના નામો બદલી નાખે છે, એટલે તેના વાદે ચડીને આપણે આપણા જે બાદશાહની ક્રૂરતાને જાણતા નથી પણ જેની સારી વાતો આપણા જાણવામાં છે, તેને અવગણીને “કારણ કે તે રાજા મુસલમાન હતો” તે કારણસર આપણે આ શહેરનું નામ બદલી નાખો. આ વાત બરાબર નથી. આવું જો આપણે કરવું જ હોય તો આપણે બધા મુસલમાનોને પાકિસ્તાનમાં મોકલી દેવા જોઇએ. કારણ કે આપણા પાડોશી મુસલમાન દેશે પણ ત્યાંના હિન્દુઓને બળજબરીથી ભારતમાં ધકેલી દીધા હતા અને પછી ગામોના નામો બદલ્યાં હતાં. જેમ પાકિસ્તાનમાં નામ બદલવાની બાબતમાં હિન્દુઓને નાહવા નીચોવવાનું રહ્યું નહીં, તેમ ભારતમાં પણ મુસલમાનોને નાહવા નીચોવવાનું ન રહે.
(૮) આપણે કંઈ ઈન્દિરા નહેરુગાંધી કોંગ્રેસ પાર્ટી વાળા નથી કે કંઈક કરી રહ્યા છીએ એ બતાવવા બેંકોંનું રાષ્ટ્રીયકરણ કરીએ, રાજાઓના સાલીયાણા બંધ કરીએ, તેનાથી સો ગણા નાણાં આપણા ચૂંટાયેલા સભ્યોને આપીએ, અને તેમને પેન્શન રુપી સાલીયાણા અને ઘર પણ આપીએ, પારકા પૈસે ખેરાતો કરતા રહીએ અને પોતાની પીઠ થાબડતા રહીએ.
આપણને આવું શોભે નહીં.
અરે ભાઈ, અમે એક વાર જીભ કચરી છે, કે અમદાવાદનું અમે નામ બદલીને કર્ણાવતી નામ રાખીશું તો હવે અમારી આબરુનું શું? અમારા શબ્દોની કંઈ કિમત ખરી કે નહીં?
તો હવે આનો કંઈ રસ્તો ખરો?
આનો ઉપાય તો છે.
તમે નવું પાટનગર વસાવ્યું. તેનું નામ તમે ગાંધીનગર રાખ્યું. વળી તેમાં એક રસ્તાનું નામ ઇન્દિરા ગાંધી રોડ રાખ્યું છે. કોંગીઓ આથી ખુશ છે. કારણ કે તેઓ તો આને ઇન્દિરા ગાંધીનગર જ સમજે છે.
શિવસેના વાળાએ “છત્રપતિ શિવાજી ટર્મીનસ”નું નામ બદલીને “છત્રપતિ શિવાજી મહારાજ ટર્મીનસ” નામ રાખ્યું, તેમ તમે “ગાંધીનગર”નું નામ બદલીને “મહાત્મા ગાંધીનગર” નામ કરો. ભલે કોંગીઓના પેટમાં ઉકળતું તેલ રેડાય.
આમ કર્યા પછી તમે મહાત્મા ગાંધીનગર અને અમદાવાદને જોડીને એક મહાનગર કરી દો. સાબરમતી રેલ્વે સ્ટેશન પાસે એક નવું સ્ટેશન બનાવો અને તેનું નામ “કર્ણાવતી મહાનગર” રાખો. જેમ લોકો મુંબઈમાં બોલચાલમાં તો શિવાજી ટર્મીનશ જ કહે છે તેમ કર્ણાવતી મહાનગરને પણ લોકો બોલવામાં કર્ણાવતી જ બોલશે. એટલે તમારું કામ થઈ ગયું.
તો પછી “આશાવલ”નું શું?
રેલવે લાઈનના પૂર્વ અમદાવાદના નારોલ જંક્શનને આશાવલ નગર નામ આપી દો. આ પૂર્વ અમદાવાદને “આશાવલ નગર” તરીકે ઓળખવું. ઘી ના ઠામમાં ઘી પડી રહેશે. અને બધા બહુ મજામાં આવી જશે.
એક મહાનગર “કર્ણાવતી મહાનગર”
એક નગર વિસ્તાર આશાવલ નગર
એક નગર વિસ્તાર અમદાવાદ
એક નગર વિસ્તાર મહાત્મા ગાંધી નગર
સાધ્યં ઈતિ સિદ્ધમ્
શિરીષ મોહનલાલ દવે