Feeds:
Posts
Comments

Posts Tagged ‘ઇસ્લામ, તુલસીદાસ, મહમ્મદ સાહેબ, કુરાન, સનાતન ધર્મ, શંકર ભગવાન, રામ, સીતા, સતિ, પ’

ઇસ્લામની સ્થાપના તુલસીદાસે કરેલી અને

હાજી, ઇસ્લામની સ્થાપના રામચરિત માનસના રચયિતા તુલસીદાસ દ્વિવેદીએ કરી હતી. અને ભારતના સનાતન ધર્મની સ્થાપના બીલ ક્લીંટને કરી હતી.

કાનૂની ચેતવણી

આ સંશોધન લેખ વાંચતા પહેલાં નિમ્ન લિખિત કાનુની (કયો કાનુન એ પૂછશો નહીં કારણ કે કાનુન એટલે નિયમ અને તે જુદા જુદા ક્ષેત્રો માટે જુદા જુદા હોય છે.) ચેતવણી અવશ્ય વાંચવી.

આ લેખનું કશું જ મૌલિક નથી. જો કે વિશ્વમાં કશું જ મૌલિક હોતું નથી. દરેક જ્ઞાન વિશ્વમાં સંગ્રહાએલું જ હોય છે. જેમકે ગુરુત્વાકર્ષણની શોધ થઈ એ પહેલાં પણ ગુરુત્વાકર્ષણ હતું જ. ગુરુત્વાકર્ષણના સમીકરણો શોધાયાં તે પહેલાં પણ તે સમીકરણો હતાં જ. આવી તો ઘણીજ બાબતો છે એમ નથી પણ બધી બાબતો આવી જ છે. ક્યારેક કોઈ વ્યક્તિ જ્યાં ત્યાં પડેલી વાતોનો ક્યાંક મેળ બેસાડે છે એને કેટલાક પોતાને બુદ્ધિશાળી માનતા લોકો પોતાને નામે ચડાવવાની કોશિસ કરે છે તે વાત સૌ કોઈ માન્ય રાખે છે. ન રાખતા હોય તો પણ તે વાત ચાલી જાય છે. આ વાત પણ સમજવા જેવી છે. ટૂંકમાં સત્ય તો વિશ્વમાં નિહિત સ્વરુપે પડેલું જ છે.

પંડિતો આવું પણ કહે છે કે;

સ્મૃતિર્વિભીન્ના શ્રુતયશ્ચ ભીન્ના, નૈકો મુનીર્યસ્ય વચઃ પ્રમાણમ્‌

ધર્મસ્ય તત્ત્વં નિહિતં ગુહાયાં, મહાજનો યેન ગતઃ સઃ પન્થાઃ

સ્મૃતિઓ જુદું જુદું કહે છે અને શ્રુતિઓ પણ જુદું જુદું કહે છે,

એવો કોઈ મુની નથી જેની વાત પ્રમાણભૂત કહી શકાય,

ધર્મનું તત્ત્વ શું છે તે કોઈ ગુફામાં રાખ્યું હોય (તેમ લાગે છે).

તેથી મહાપુરુષો જે રસ્તે જતા હોય તે રસ્તે જવું.

જોકે આ કથનના પણ જુદા જુદા અર્થ થતા હોય છે.

જેમકે શબ્દ “મહાજનો” એટલે શું?

કેટલાક “મહા” એટલે “મોટા” એમ કરે છે. કેટલાક “મહા” એટલે “ઘણા” એમ કરે છે. સંસ્કૃતભાષાના અર્થમાં જો કહીએ તો આ સમાસ બે રીતે સમજાવી શકાય.

મહઃ અસૌ જનઃ સઃ મહાજનઃ .

બીજો સમાસ છે.

મહાતાં જનાનાં સમાહારઃ ઇતિ મહાજનઃ

પણ સત્ય બહુમતિથી સિદ્ધ થતું નથી એટલે આપણે મહાજનનો અર્થ મહાપુરુષ (કે મહાપુરુષો) એમ કરીશું.

તો પછી આપણે મહાજન કોને કહીશું?

જે જાણીતો છે તેને કહીશું?

જે કીર્તિમાન છે તેને કહીશું?

જે વધુ પ્રમાણ પત્રો ધરાવે છે તેને કહીશું?

જે સત્તાવાળો છે તેને કહીશું?

જેને વધુ અનુયાયીઓ છે તેને કહીશું?

જેને વધુ અનુયાયીઓ છે તેને જો આપણે મહાજન કહીશું તો ઉપરોક્ત બંને અર્થોનો સમાવેશ થઈ જશે. જો કે જ્યારે બે મહાજન વચ્ચે સરખામણી કરવાની આવશે ત્યારે મુશ્કેલી ઉભી થશે. પણ તે સમયે આપણને જે વધુ પસંદ પડશે તેને વધુ મહાન કહીશું.

કવિઓ મહાન છે, લેખકો મહાન છે, મૂર્ધન્યો મહાન છે, સત્તાધારીઓ મહાન છે, મહાપદ ધારકો મહાન છે, મહાપુરુષો મહાન છે, નેતાઓ મહાન છે, પેગંબરો મહાન છે, ફિરસ્તાઓ મહાન છે, ઇશ્વર મહાન છે, ઇશ્વરના પુત્રો મહાન છે …

જીવનમાં સૌથી મહત્ત્વનું શું છે?

જેની ચા બગડી તેની સવાર બગડી,

જેની દાળ બગડી તેનો દિવસ બગડ્યો,

જેના શનિ-રવિ બગડ્યા તેનું અઠવાડીયું બગડ્યું,

જેની રજા ન મંજુર થઈ અને કપાતે પગારે લેવી પડી, તેનો મહિનો બગડ્યો,

જેનું અથાણું બગડ્યું તેનું વરસ બગડ્યું,

જેની બૈરી બગડી તેનો ભવ બગડ્યો,

જેનો ઈશ્વર બગડ્યો, તેનો બીગ-બેંગ બગડ્યો.

ઈશ્વર તો ભોળો છે એટલે તેને પટાવવો સહેલો છે.

પણ આ “બૈરી”નું શું કરીશું?

બૈરી એટલે દાર, કલત્ર, વહુ, અર્ધાંગિની,  પત્ની, સ્ત્રી, એમ સમજવું અને તેનો પૂર્વગ પહેલો પુરુષ ષષ્ટી એકવચન એટલે કે મારી દાર, મારી કલત્ર, મારી વહુ ….. મારી સ્ત્રી એમ જરુર લખવું. આમાં “પહેલા પુરુષ ષષ્ટી એકવચન”ને અધ્યાહાર રાખવું નહીં.

તમે જોયું કે ભવસુખનું રહસ્ય પત્નીમાં સમાયેલું છે. અને પત્નીને કેવી રીતે કાબુમાં રાખવી તેના ઉપાયો શોધવા જોઇએ.

વિશ્વ અવ્યવસ્થામાંથી વ્યવસ્થિતતા તરફ જઈ રહ્યું કે વ્યવસ્થિતતામાંથી અવ્યવસ્થા તરફ જઈ રહ્યું છે તે ઉપરથી આપણે નક્કી કરી શકીએ શું પહેલાં થયું અને શું પછી થયું.

પણ આ અવ્યવસ્થિતતા  —- વ્યવસ્થિતતા વિષે ભૌતિકશાસ્ત્રીઓ એકમત નથી.

પણ માનવ સમાજ હિંસકમાં થી અહિંસક બનવા તરફ જઈ રહ્યો છે તેમ માની શકાય.

સંપ્રજ્ઞાતમાનસ

જેમ કે પહેલાંના સમયમાં રાજા રાજસુય યજ્ઞ કરે તે આવકારવામાં આવતું હતું. હવે આવા યુદ્ધોને માન્યતા મળતી નથી. જો કે હિંસા વધતી હશે પણ બૌદ્ધિક જનમાનસ તેને માન્યતા આપતું નથી.

તુલસીદાસને તેમની પત્ની તરફ બહુ પ્રેમ હતો. તેઓશ્રી પોતાની પત્નીનો વિરહ સહન ન કરી શક્યા. એટલે તેઓશ્રી અજાણતા જ અનેક નિર્ભયતા-શુરવીરતા બતાવી પત્ની પાસે પહોંચી ગયા.

તેમની તે પત્નીએ તેમને ટોણો માર્યો. એટલે તેમનું સંપ્રજ્ઞાતમાનસ પ્રજ્વલિત થઈ ગયું અને તેમણે રામચરિત માનસ લખ્યું.

આ રામચરિત માનસમાં પત્નીથી અપમાનિત થતા પુરુષો માટે એક અનિવાર્ય નુસખો બતાવ્યો છે.

Rama and the Ocean

તેમણે લખ્યું છે કે

ઢોલ, ગંવાર, શુદ્ર પશુ નારી, યે સબ તાડનકે અધિકારી,

આ નુસખામાં તેમણે નિમિત્ત કોને બનાવ્યા છે તે પણ જાણી લો. જેનું હૃદય બહુ વિશાળ છે તેવો સમુદ્ર, તુલસીદાસના પરમ પ્રિય પાત્ર મર્યાદાપુરુષ રામને કહે છે કે હે રામ ઢોલને તમે પીટો નહીં તો તેનો અર્થ શો?

જો કે તુલસીદાસે પદ્યનો પ્રાસ મેળવવા માટે અંદર બીજા ત્રણેક ફાલતુ નામ પણ ઉમેર્યાં છે. પણ છેલ્લે સ્ત્રીનું નામ ઉમેરીને પોતાના મનનો “ઘા” કાઢી લીધો. જો કે આ “ઘા કાઢી લીધો” તે તેમણ્રે મનમાં જ કાઢી લીધેલો. જોકે તે બહુ ચતુર હશે. તેમને ખબર હશે જ કે ગમે ત્યારે ભવિષ્યમાં મારું આ રામચરિતમાનસ મારી પત્ની વાંચશે તો ખરી જ. ત્યારે તે બધું શાનમાં સમજી જશે. જો કે આપણને તુલસીદાસના પુરા જીવન ચરિત્રની ખબર નથી. કદાચ એવું પણ બન્યું હોયકે તેમણે પોતાની સાસરીમાં જઈને સસરાની હાજરીમાં જ પોતાની પત્નીને ઠીક ઠીક મેથીપાક જમાડ્યો હોય. તેથી કરીને તેમની પત્ની તે પછીના જીવનમાં સીધી થઈ ગઈ હોય. તુલસીદાસ પોતાના આ સ્વાનુભવવાળી ફતેહને  દુનિયા સાથે “શૅર” કરવા માગતા હોય જેથી દરેક નિસ્ફળ પુરુષ દુનિયામાં તુલસીદાસ જેવી ફતેહ કરી શકે.

કુરાનમાં મહમ્મદ સાહેબે ઇશ્વરી સંદેશ આપ્યો છે.

જો સ્ત્રી જાતીય સંબંધ માટે ઇન્કાર કરે તો તેને મારવી. આ “જાતીયતા”નું મહત્વ સમજવા માટે તમારે સંત રજનીશમલને વાંચી લેવા.

જો કે મહમ્મદ સાહેબે સ્ત્રીને કઈરીતે મારવી, કેટલી હદ સુધી મારવી, કેટલી તીવ્રતાથી મારવી તેને વિષે સંયમિત થવા માટેના નિયમનો રાખ્યા છે. તુલસીદાસની જેમ બેફામ છૂટ આપી નથી.

તમે કહેશો તુલસી દાસે બેફામ રીતે મારવાની છૂટ આપી છે તેમ તમે કેવી રીતે કહી શકો?

જો તમે મારવાની કોઈ સીમા જ ન બાંધી હોય તો માણસો તેનો મનફાવે તેવો અર્થ કરે. અને જો કોઈ કેસ ન્યાયધીશ પાસે જાય તો ન્યાયધીશ પણ એમ જ કહે કે “હું કયા કાયદા હેઠળ દંડ કરું? તમે તો મારવાની છૂટ આપી છે. તમે મારવાની કોઈ સીમા જ બાંધી ન હોય તો હું દંડ કઈ રીતે કરી શકું?”

એટલે મહમ્મદ સાહેબે તો તુલસીદાસભાઈની જોગવાઈને અનુમોદિત તો રાખી જ. પણ સ્ત્રીના આ હક્કને સીમા બાંધી દીધી. અને સ્ત્રીના “માર ખાવાના હક્કને સુગ્રથિત કરીને પુરુષના પોતાની સ્ત્રીને મારવાના હક્કમાં સ્થાપિત કર્યો. મારવાના પ્રમાણને પણ સુગ્રથિત કર્યું” એટલે કે સમાજને આ ક્ષેત્રમાં બેમાપ હિંસામાંથી સુગ્રથિત ઓછી હિંસાની દીશામાં મુલ્યાંકિત કર્યો.

હવે જો તુલસીદાસની પ્રબોધિત દંડ સંહિતાને મહમ્મદ સાહેબે સુગ્રથિત કરી એટલે તુલસીદાસે જ ઇસ્લામ ધર્મ સ્થાપ્યો કહેવાયને?

તમે કહેશો કે મોહમ્મદ સાહેબ તો પહેલાં થયા (સાતમી શતાબ્દીમાં) અને તુલસીદાસ તો તે પછી  (સોળમી શતાબ્દીમાં) થયા. મુસ્લિમ ધર્મ તો તુલસીદાસની પહેલાં પણ હતો. તો પછી મોહમ્મદ સાહેબ તુલસીદાસની વાતથી કેવી રીતે વાકેફ હોય?

તમે ખત્તા અહીં જ ખાઓ છો.

તમે જુઓ. મહાપુરુષોને સમયનું બંધન નડતું નથી. તુલસીદાસ અને મોહમ્મદ સાહેબ બંને મહાપુરુષો હતા. એટલે કે મહાજન હતા. એટલે કોણ પહેલાં થયું અને કોણ પછી થયું તે વાત જ અસ્થાને છે. આ પ્રકારનો જવાબ ભદ્રંભદ્રે પણ અંબારામને આપેલો છે જ અને આ વાત રેકોર્ડ ઉપર છે. એટલું જ નહીં તુલસીદાસ પણ આમ જ માને છે.

શંકરભગવાનને પહેલાં સતી નામની પત્ની હતી. તે દક્ષરાજાના યજ્ઞની વેદીમાં પડીને મરી ગઈ. તે પછી શંકરભગવાનનું લગ્ન હિમાલય પર્વતની પુત્રી પાર્વતી સાથે થયું. આ દક્ષરાજા તો પ્રજાપિતા હતો. એટલે કે સત્ય યુગના પ્રારંભમાં થઈ ગયો. જમદગ્નિના પુત્ર પરશુરામે એકવીશ રાજાઓને મારી પૃથ્વીને નક્ષત્રી કરી. એ પરશુરામે સહસ્રાર્જુનને સૌપ્રથમ મારેલો. આ સહસ્રાર્જુન દશરથથી હજારો નહીં તો સેંકડો વર્ષ પૂર્વે થઈ ગયેલો. સતયુગમાં દેવદાનવોના યુદ્ધમાં દાનવોને પરાજિત કરવા શિવના પુત્રની જરુરીયાત ઉભી થઈ. એટલે શિવનું લગ્ન પાર્વતી સાથે થયું. આ પાર્વતીને કાર્તિકેય અને ગણેશ એમ બે પુત્રો થયા. આ ગણેશ સાથે પરશુરામને યુદ્ધ થયું. ગણેશજીનો દાંત તૂટી ગયો. તે પછી સેંકડો વર્ષે દશરથ રાજાને ત્યાં રામનો જન્મ થયો. રામ વનમાં ગયા. સીતાનું હરણ થયું. પાર્વતીએ રામની પરીક્ષા કરી અને શંકરભગવાનને આ ન ગમ્યું.  પાર્વતી પોતાના પિતા દક્ષના યજ્ઞની વેદીમાં કૂદી પડ્યાં. ક્યાં પાર્વતી, ક્યાં સતી, ક્યાં દક્ષ રાજા, ક્યાં પરશુરામ અને ક્યાં રામ. સીતા હરણના સમયને તુલસીદાસે દક્ષ રાજાના યજ્ઞનો સમય ગણ્યો. આ બંને સમયને સમકાલીન બનાવી દીધા.

આનું કારણ શું?

કારણ એક જ કે મહાપુરુષોને સમયનું બંધન નડતું નથી.

ઇસ્લામ તો મહમ્મદ સાહેબની પહેલાં પણ હતો. રમઝાન મહિનામાં રોજા મહમ્મદ સાહેબ પહેલાંના સમયમાં પણ રાખવામાં આવતા હતા. ફેર એ પણ હતો કે તે વખતે રમઝાન માસમાં ફક્ત નિરામિષ ભોજન જ લેવાતું હતું. આ વાત મને મસ્કતના મિનીસ્ટ્રી ઓફ ટેલીકોમના ડાયરેક્ટર જનરલ ઓફ મટીયલ મેનેજમેન્ટે કરેલી.

તમે કહેશો આવા તર્ક કેમ ચાલે?

અરે ભાઈ ભારતમાં તો બધા જ તર્ક ચાલે. અંગ્રેજોના રાજથી આવું ચાલ્યું આવે છે. અંગ્રેજો પશ્ચિમમાંથી આવ્યા. પશ્ચિમ અને ભારતની સભ્યતા અને ભાષા વચ્ચે તેમણે સામ્ય જોયું એટલે તેમણે ભારતનું  ઉપલબ્ધ બધું જ સાહિત્ય અવગણીને સાબિત કરી દીધું કે ભારતીયો પૂર્વ યુરોપથી આવ્યા. ધારો કે આપણી ઉપર દક્ષિણપૂર્વ એશિયાના લોકોએ રાજ કર્યું હોત તો તેઓ એમ સાબિત કરી દેત કે ભારતીયો દક્ષિણપૂર્વ એશિયામાંથી આવ્યા. ભારતીયતા સાથે તો તેમની ઘણી વધુ સમાનતાઓ છે. અમારી સાથે એક થાઈલેન્ડના ભાઈ ભણતા હતા ( એડ્વાન્સ ટેલીકોમ ટ્રેનીંગ સેન્ટર ગાઝીયાબાદ) તેમનું તો નામ પણ હિન્દુ હતું. “પ્રીતિરેખા” એવું તે ભાઈનું નામ હતું. એટલે એમ કહી શકાય કે પૂર્વ એશિયામાંથી ભારતમાં આવી તેમણે પોતાના નામોને વ્યવસ્થિત કર્યા.

જો કે અંગ્રેજો આને તો ભેદજ ગણાવશે. જેમ તેઓએ જણાવેલ કે મોહેંજો દડોના લોકો તો બળદને પૂજતા હતા જ્યારે આર્યો તો ગાય ને પૂજતા હતા. એટલે આ બે સંસ્કૃતિઓ ભીન્ન છે. આવી દલીલ અમને આઠમા ધોરણમાં સમજાવેલી.

ટૂંકમાં આપણે એટલું તો સિદ્ધ કરી જ દીધું કે ઇસ્લામની સ્થાપના તુલસીદાસે કરી છે. તેમણે રામ જન્મભૂમિનો ઉલ્લેખ નથી કર્યો નથી તેમજ બાબરે રામજન્મભૂમિ ઉપરનું કોઈ મંદિર તોડ્યું હોય અને મસ્જીદ બનાવી હોય તેવો કોઈ ઉલ્લેખ ક્યાંય પણ કર્યો નથી. તેમના રામચરિતમાનસમાં પણ કર્યો નથી. જો તુલસીદાસ, સતિ અને પાર્વતીમાં ગોટો કરીને પણ હજારો વર્ષ પહેલાંની વાતનો ઉલ્લેખ કરી શકતા હોય તો આ બાબરની વાત તો તેમનાથી માંડ બસો વર્ષ જુની હતી.

બીજી એક ખાસ વાત કે કોઈએ આમાં વાંધો લેવો નહીં. “અશોક પારસી હતો” એવો લેખ અગાઉ ગુજરાતના તત્ત્વજ્ઞાની લેખક જ્યોતીન્દ્ર દવે એ લખેલો જ છે.

ચાલો આ બધું ખરું પણ હિન્દુધર્મની સ્થાપના બીલક્લીંટને કેવી રીતે કરી?

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ ઇસ્લામ, તુલસીદાસ, મહમ્મદ સાહેબ, કુરાન, સનાતન ધર્મ, શંકર ભગવાન, રામ, સીતા, સતિ, પાર્વતી, દંડ, દંડસંહિતા, સુગ્રથિત, વ્યવસ્થિત, રામચરિત માનસ, મારવાનો હક્ક, મારખાવાનો હક્ક, માર્યાદિત, કાનૂની ચેતવણી, અશોક પારસી, ભદ્રંભદ્ર, સમયનું બંધન, કાળનું બંધન, બાબર, રામજન્મભૂમિ, ગુરુત્ત્વાકર્ષણ, વિશ્વમાં નિહિત, ધર્મનું તત્ત્વ, મહાજન, બૈરી બગડવી, પત્ની, ચા, અથાણું, ભવસુખ, ભૌતિકશાસ્ત્રીઓ, સંપ્રજ્ઞાત માનસ

 

 

 

 

 

 

 

 

 

 

 

Read Full Post »

%d bloggers like this: