ફક્ત ભારતવર્ષ જ નહીં પણ જમ્બુ દ્વીપ સંઘની વાત કરો.
દેશને વિભાજીત કરનારા અર્થઘટનો અને વેદપ્રતાપ
જેઓને અફવાઓ ફેલાવવી છે, રાજકારણ રમવું છે, લાઈમ લાઈટમાં રહેવું છે અથવા અને જે સમાચાર માધ્યમો કે જેમને વ્યુઅરશીપ વધારવી (કે વાચકવર્ગ વધારવો) છે તેઓને જીવતા રહેવા અનર્થકારી અર્થઘટનો કર્યા સિવાય છૂટકો નથી.
આપણા આ કે તે ગુજરાતી સમાચાર પત્ર પણ તેમાંથી બકાત રહે એવું માનવું જરુરી નથી. કારણ કે કોઈ વાત અને કોઈ મુલાકાત ત્યારે જ ચગે જો તેને આંચકા આપે તેવા શબ્દોમાં ગોઠવવામાં આવે.
જો તમે વેદપ્રતાપનો આખો સંવાદ આંભળો તો તમને દેશ હિત વિરુદ્ધનો કોઈ સંદેશ મળશે નહીં તેમજ કોઈ વિભાજનવાદી સંદેશ પણ મળશે નહીં.
ધારો કે કોઈ એમ કહે કે હિન્દુ મુસ્લિમ વચ્ચે કોઈ વૈમનશ્ય હતું નહીં. પણ અંગ્રેજોએ તેમની વચ્ચે વૈમનશ્યને ઉત્પન્ન કર્યું. અંગ્રેજોએ કેવી રીતે આમ કર્યું તે આપણે સૌ હિન્દુઓ અને મુસ્લિમો સુપેરે જાણે છે અને સમજે છે. તેથી તેની ચર્ચાની જરુર નથી. એ કોઈ સાંસ્કૃતિક વિડંબણા ન હતી. પણ સત્તાની સાઠમારી હતી. દેશનું કમભાગ્ય હતું કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ વહેલા મૃત્યુ પામ્યા. જો આ ન બન્યું હોત તો દેશ ફરીથી અખંડ થઈ ગયો હોત.
મોગલ યુગ પણ એક સુવર્ણ યુગ હતો
મોગલ યુગ એ કોઈ ગુલામી ન હતી. મુસ્લિમો હિન્દુઓ સાથે હળી મળી ગયા હતા. મુસ્લિમો ભારતને પોતાનો જ દેશ સમજતા હતા. હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે વૈમનશ્ય ન હતું એમ કહેનારા એક હજાર ઉદાહરણો આપી શકે છે અને છેલ્લે એક એવું ઉદાહરણ આપે કે ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં હિન્દુઓ અને મુસ્લિમો એકજૂટ થઈ અંગ્રેજો સામે લડ્યા હતા. ઔરંગઝેબના અંતિમ વર્ષોથી મુગલ સામ્રાજ્યનું પતન શરુ થઈ ગયું હતું. મોગલવંશનો છેલ્લો બાદશાહ, બહાદુરશાહ જફર એક નામમાત્રનો બાદશાહ હતો. આ બાદશાહની સત્તા લાલકિલાની દિવાલો સુધીની હતી. આમ હોવા છતાં પણ સર્વે રાજાઓ કે જેમાં હિન્દુ રાજાઓ અને મુસલમાન રાજાઓ બંને સંમિલિત હતા, તે સૌએ સર્વાનુમતે નક્કી કરેલ કે મુગલવંશના સામ્રાજ્યની પુનઃસ્થાપના કરવી અને સૌ રાજાએ બહાદુરશાહ જફરની આણમાં રહેવું. આ વાત દર્શાવે છે કે મુગલ સામ્રાજ્ય જે મુસલમાનોનું હતું અને મુગલયુગ ભારતના અનેક સુવર્ણયુગોમાંનો એક સુવર્ણયુગ હતો, અને હિન્દુઓ ઉપર અનેક અન્યાયો અને અત્યાચારો નોંધાયા હોવા છતાં પણ જ્યારે સારાખોટાનો સરવાળો કરીએ ત્યારે સુરાજ્યનું પલ્લું નીચે જતું હતું અને તેના પરિણામ સ્વરુપ ઓગણીસમી સદીની શરુઆતથી તેના મધ્યભાગ સુધી સૌ લોકોએ એક મતે મુગલવંશની પુનઃસ્થાપનાનો નિર્ણય લીધેલો. આમાં ફક્ત મુસ્લિમ રાજાઓ જ નહીં પણ મરાઠા અને રજપૂત રાજાઓ પણ સામેલ હતા. આથી એક નિશ્ચિત તારતમ્ય નિકળે છે કે હિન્દુ અને મુસ્લિમો વચ્ચે કશું વૈમનશ્ય હતું નહીં. હવે જો કોઈ આવી વાત કરે તો આજના સમાચાર માધ્યમો એવો વિવાદ ઉભો કરે કે ફલાણા ફલાણા (બીજેપીના) નેતા ભારતમાં મુગલ સામ્રાજ્યની પુનઃસ્થાપના કરવા માગે છે. જે મુસલમાનોના અનેક આતંકી જુથો છે તેમના પ્રતિ તેઓશ્રી હળવું વલણ લેવા માગે છે. જે સમુદાયના આતંકીઓએ હજારો નિર્દોષોની હત્યા કરી છે અને લાખોના જીવન પાયમાલ કર્યા છે તેમને દેશનીધૂરા સોંપવા માગે છે. ભારતમાં તેઓ શરિયત અને મુલ્લાઓનું રાજ લાવવા માગે છે. બુરખાઓથી સ્ત્રીઓની સ્વતંત્રતા રોકવા માગે છે. આ ગદ્દારીનું કામ છે. તેમને ગિરફ્તાર કરી તેમની ઉપર દેશદ્રોહનો આરોપ ચલાવવો જોઇએ. આપણા નહેરુવીયન કોંગ્રેસી નેતાઓ અને તેમના સાંસ્કૃતિક મળતીયા પક્ષના નેતાઓ પણ આવી જ વાત કરશે.
વેદ પ્રતાપ અને દંભી નેતાઓની માનસિકતા સમજો
દંભી નેતાઓની માનસિકતા કેવી છે?
જો કોઈ એક નેતાએ જો નરેન્દ્ર મોદીની વિકાસની નીતિ વિષયક કાર્યવાહીની પ્રશંસા કરી હોય તો તે મુસ્લિમોને ભારતીય સામાન્યપ્રવાહમાં મેળવવાની વાત જ ન કરી શકે. તે મુસ્લિમો વિષે વાત કરવાની સઘળી લાયકાતો ગુમાવે છે. આવી વૈચારિક ધારાવાળા દંભી બીનસાંપ્રદાયિકોએ મુસ્લિમોના નેતાઓની ધર્મને નામે માનસિક તુષ્ટીકરણ કરીને ધર્માંધ નેતાઓને માનવધર્મથી વિમુખ કર્યા છે. આ બાબતમાં તેઓ પુનર્વિચાર કરવા જરાપણ તૈયાર નથી. સમાચાર માધ્યમો તો સમાચારોને વિકૃતરીતે રજુ કરી તેનો વ્યાપાર કરે છે.
દંભી બીનસાંપ્રદાયિકોની આવી વિકૃત માનસિકતા કેવી રીતે ઉત્પન્ન થઈ?
જો આના મૂળ શોધવા જઈએ તો જેમ દરેક રાજકીય અને સામાજીક વિકૃતિના મૂળ નહેરુ અને નહેરુવંશ તરફ દોરી જાય છે તેમ ઉપરોક્ત વૈચારિક વિકૃતિના મૂળ પણ નહેરુ અને નહેરુવંશ જ છે.
સમાજવાદને નામે ઉત્પાદન ઉપર નિયંત્રણ,
લાયસન્સ અને પરમીટનું રાજ રાખવું,
અછતગ્રસ્ત પરિસ્થિતિ જ રાખવી,
બને ત્યાં સુધી બધું સરકાર હસ્તક રાખવું,
બેકારી રાખવી શિક્ષણનો વિસ્તાર ન થવા દેવો, જેથી સામાન્ય જનતા પોતાની સમસ્યાઓમાં જ ગુંચવાયેલી રહે,
સમસ્યાઓ વિષે અગર જવાબ દેવાનું આવે તો ઓળઘોળ કરીને બધો દોષ “વસ્તી વધારા” ઉપર ઢોળી વિરોધાભાષી વાતો કરવી,
નહેરુ પોતે બદામ અને બ્રાન્ડી ઉપર જીવનારી મરઘીના ચિકનના શોખિન હતા, રોજના ૨૫૦૦૦ હજારનો તેમનો ખર્ચ હતો. ૧૯૫૫માં સોનું ૮૦ રુપીયે દશ ગ્રામ હતું. આજે ૨૭૦૦૦ રુપીયે દશગ્રામ છે. એટલે આજના હિસાબે તે ખર્ચ, રોજનો ૮૪ કરોડ ૪૦ લાખ રુપીયા થયો. આ નહેરુ, આખા દેશને સમાજવાદના પાઠ ભણાવતા હતા. સરદાર પટેલે પોતાના સરકારી ક્વાર્ટરમાં કોઈ રસોયો પણ રાખ્યો ન હતો અને રસોઈનું કામ મણીબેન કરતા હતા. સરદાર પટેલ રોટલો અને રીંગણાનું શાક ખાતા હતા. આ સરદાર પટેલને નહેરુના ચેલકાઓ મૂડીવાદના પીઠ્ઠુ કહેતા હતા.
મહાત્મા ગાંધીનો રોજનો ખર્ચ બે પૈસા હતો અને નહેરુને મન તે ડોસો દંભી અને નાટકીયો હતો. (આ બાબતનો સંદર્ભ આ વેબસાઈટ ઉપર અન્યત્ર આપેલો છે.)
ઈન્દીરા ગાંધીના વિરોધાભાસોનો તૂટો નથી.
આ સૌ દંભી બીનસાંપ્રદાયિકતાવાદીઓનો હેતુ ફક્ત એ જ હતો અને છે કે તેમના સિવાય અન્ય કોઈનો મુસ્લિમો સાથે સૂમેળ માટે સંવાદ કરવાનો અધિકાર નથી. બીજાઓ જો આવું કંઈપણ કરશે તો તેમને દેશદ્રોહી ગણવામાં આવશે. આમેય આ દંભી બીનસાંપ્રદાયિકતાવાળાઓ બીજેપી અને નરેન્દ્ર મોદીને સમાજને તોડનારા અને દંગા ફસાદ કરનારા કહે જ છે. ઈન્દીરાઈ નીતિ એ રહી છે કે કોઈ આપણને કાણા કહે તે પહેલાં આપણે તેમને કાણા કહેવાનું શરુ કરી દેવું.
વેદપ્રતાપ એક એવા પત્રકાર અને રાજકીય વ્યક્તિ છે જેમનો સંબંધ નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ સાથે બીજેપીના અને તેના નેતાઓ કરતાં અનેક ગણો વધારે નિકટનો રહ્યો છે. તેઓ ઈન્દીરા ગાંધી અને નરસિંહરાવની ઘણા નજીક હતા. આ વાતને નહેરુવીયન કોંગ્રેસીઓ નકારી શકતા નથી. પણ હાલના સમયમાં તેઓ તેને છૂપાવવામાં માને છે.
વેદપ્રતાપની સામે આ દંભી બીનસાંપ્રદાયિકતાવાળાઓ કેમ પડ્યા છે?
કારણ ફક્ત એ જ છે કે આ ભાઈશ્રીએ નરેન્દ્ર મોદીની નીતિના વખાણ કરેલ. દંભી બીનસાંપ્રદાયિકતાવાળાઓ ની માનસિકતા એવી છે કે જો તમે નરેન્દ્ર મોદીના વખાણ કરો તો તમારા બધા જ સંચિત પૂણ્યો નષ્ટ થઈ જાય છે અને તેટલા જ જત્થામાં પાપનું પોટલું તમારા માથે આવી જાય છે.
દંભી બીનસાંપ્રદાયિકતાવાળાઓ આ બાબતમાં તર્કને ગાંઠતા નથી. વારંવારનું ગાલીપ્રદાન એ જ એમનો તર્ક છે. એટલે વેદપ્રતાપે ઈન્દીરાથી શરુ કરી મનમોહન સુધીના જે પૂણ્ય કર્મો સંચિત કરેલા એ બધા પૂણ્ય કર્મો આ દંભી બીનસાંપ્રદાયિકતાવાળાઓ ભૂલી જઈ શકે છે.
અડવાણી જો જીન્નાની મજાર ઉપર માથું ટેકવે તો અડવાણીને “લઘુમતિનું તૂષ્ટિકરણ” સાથે જોડી દેવામાં આવે છે અને હિન્દુધર્માંધ લોકો અડવાણીની ઉપર છાણા થાપે છે તો પછી આ વેદપ્રતાપ વળી કઈ વાડીનો મૂળો.
વેદપ્રતાપની વાત શું છે?
એક કોંગી નેતા સાથે એક મંડળી પાકિસ્તાન ગઈ. તેમાં વેદ પ્રતાપજી પણ હતા. વેદપ્રતાપજી, કોંગી નેતાની મંજૂરીથી ત્યાં વધુ રોકાયા. તેમણે, એક આતંકવાદી જુથના નેતા સાથે મુલાકાત કરી અને સંવાદ કર્યો.
આમ તો રવિશંકર મહારાજ, જયપ્રકાશ નારાયણ જેવા ઘણા મહાનુભાવો થઈ ગયા જેમણે ડાકુઓની મુલાકાત લીધેલી અને સંવાદ કરેલા. પણ એ બધું આ દંભી લોકો જાણી જોઇને ભૂલી જાય છે.
આ દંભી બીનસાંપ્રદાયિકોનું કહેવું છે કે આ વેદપ્રતાપ કંઈ એવા કોઈ સંત નથી. વેદપ્રતાપ એવી લાયકાત પર ધરાવતા નથી કે એમણે એવું માનવું પણ ન જોઇએ કે તેમનામાં તેવા ગુણો છે કે તેઓ આ આતંકવાદીનેતાનું હૃદય પરિવર્તન કરી શકે.
એટલું જ નહીં વેદપ્રતાપ પોતે પણ કહે છે કે તેઓ આતંકવાદી નેતાને તેનું હૃદય પરિવર્તન કરવા માટે મળવા ગયા ન હતા.
હવે જો આમ જ હોય તો તેઓ શા માટે આ આતંકવાદીનેતાને મળવા ગયા હતા?
શું તેમને નરેન્દ્ર મોદીએ મોકલ્યા હતા?
તેઓ શું ભારત સરકારના દૂત હતા?
શું તેમને એવા અધિકાર હતા કે તેઓ આતંકવાદી નેતા સાથે વાટાઘાટો કરી કરી શકે?
એક એવી વ્યક્તિ કે જેની ઉપર ઈનામ રાખવામાં અવ્યું છે, તેની સાથેની આ મુલાકાત ખાનગી કેમ રાખી?
શું તેઓ એક પત્રકાર તરીકે ગયા હતા?
જો આમ હોય તો તેમણે તેનો અહેવાલ કેમ લખ્યો નથી અને આ અહેવાલ જો લખ્યો હોય તો કોને આપ્યો અને કયા સમાચાર પત્ર કે ટીવી ચેનલને આપ્યો.
આપણી એક ખ્યાતનામ ટીવી ચેનલના એક વરિષ્ઠ અને ખ્યાતનામ એંકરભાઈએ આવા અને આથી પણ બેહુદા સવાલો વેદપ્રતાપને પૂછ્યા. આ એંકરભાઈ (અર્ણવભાઈ), પોતાને બહુ હોંશિયાર માને છે તેઓશ્રી ખબરપત્રી અને પત્રકાર વચ્ચેનો ભેદ પણ સમજતા ન હતા. આ બાબતે તેઓ સકંજામાં આવી ગયેલ પણ વેદપ્રતાપના ટિકાકાર આમંતત્રિતોની બહુમતિમાં તેમનું પત્રકારિત્વનું પાયાનું અજ્ઞાન છૂપાવી દેવામાં આવ્યું.
ટીવી ચેનલ ઉપર ચર્ચા માટે આમંત્રિત દંભી બીનસાંપ્રદાયિકો જેમાં નહેરુવીયન કોંગ્રેસીઓ અચૂક હોય જ તેમણે પણ વેદપ્રતાપ ઉપર પસ્તાળ પાડવાની કોશિસ કરી.
આમાંના કોઈએ પણ વેદ પ્રતાપે વાસ્તવમાં અક્ષરસહ આતંકવાદી સાથે શું વાત કરી અને કયા સંદર્ભમાં વાત કરી, તેની જણકારીમાં રસ લીધો ન હતો. કદાચ તેમને એ અવગણવું જ વધુ પસંદ હતું.
ભારતીય જનતા પક્ષના નેતાઓ જેઓ ચર્ચા માટે આવેલ તેમને તો કશી માહિતિ પણ હોય તેવું લાગ્યું નહીં. તેથી તેઓ બચાવ પક્ષમાં આવી ગયા. શિવસેનાવાળા આમેય ચક્રમ છે અને તેઓ વધુ એકવાર ચક્રમ સાબિત થયા. અને આજની તારિખ સુધી ચક્ર્મ સાબિત થતા રહ્યા છે. મુદ્દાની સમજને બદલે મુદ્દાવગરની અને તર્ક વગરની ટીકા કરવામાં અને તારવણીઓ પ્રદર્શિત કરવામાં આપણા સમાચાર માધ્યમો અને દંભી બીનસાંપ્રદાયિકોને વધુ રસ હોય છે.
નહેરુએ એક બિનજોડાણ વાળા દેશોનું સંગઠન બનાવેલ. વળી તેમણે ચીન આથે પંચશીલનો કરાર પણ કરેલ.
તેવી જ રીતે ઈન્દીરા ગાંધીએ સાર્ક (સાઉથ એશિયા એસોસીએશન ઓફ રીજીઓનલ કો ઓપરેશ) સ્થાપેલું. આજ ઈન્દીરા ગાંધીએ રશિયા સાથે આંતરિક અને બાહ્ય સમસ્યાઓ માટે સલાહ સહકાર અને મસલતો માટે પણ એક કરાર કરેલ.
જેમ ચીન સાથેના કરારનો ફજેતો થયેલ તેમ રશીયા સાથેના કરારથી ભારત અને રશિયા વચ્ચે શી પરદર્શિતા થઈ તે ભગવાનને પણ ખબર નથી.
આ બધા નહેરુવીયન કરારો અને સંગઠનો આમ તો વર્તમાન પત્રોમાં વાહવાહ કરાવવા માટે હોય છે. વાસ્તવમાં શોભાના ગાંઠીયા જેવા પણ ન હોતા નથી. ફાયદો તો એ હોય છે કે નેતાઓ, પત્રકારો અને સરકારી અફસરો જનતાના પૈસે વિદેશની લટારો મારી શકે છે.
હવે નરેન્દ્ર મોદી આવ્યા છે.
નરેન્દ્ર મોદી કંઈક આવતી કાલનું કે પરમ દિવસનું જ નહીં પણ તેના પછીના દિવસોનું પણ વિચારે છે. આથી કેટલાક નરેન્દ્ર મોદીના પ્રશંસક બન્યા હોય અને તેમને કંઈક વધુ પાનો ચડી ગયો હોય તો તે વાતને નકારી ન શકાય.
વેદપ્રકાશજી આમાંના એક હોઈ શકે?
હાજી. તેઓશ્રી આમાંના એક હોઈ શકે, તે વાત નકારી ન શકાય. જોકે વેદપ્રકાશે જે કર્યું તેમાં કશું ખોટું નથી. જો તમારે તમારા દુશ્મનનું કે દોસ્તનું મન કે તેની વાત સમજવી હોય તો એક સમાન કંપન (ફ્રીક્વન્સી = વિચાર) પર આવવું પડે. સામેની વ્યક્તિના અસંતોષ કે અન્યાય કે સમસ્યા ને સમજવાની કોશિસ કરવી હોય તો તેની સાથે સહાનુભૂતિ રાખવી પડે કે તેવો ડોળ તો કરવો જ પડે. વેદપ્રકાશે થોડે ઘણે અંશે આ કામ તો કર્યું જ છે.
ધારો કે મુસ્લિમ નેતાઓ અને તેમાં પણ જેઓ ધર્માંધ છે અને આતંકી વિચારધારા રાખે છે તેઓ એમ કહે કે અમે વાસ્તવમાં તો સર્વધર્મ સમભાવમાં જ માનીએ છીએ, તો આવા અને બીજા મુસ્લિમો સહિતની મુસ્લિમ જનતા અને શાસકો સાથે ભારતને પાયાનો ભેદ શો છે?
જો મુસ્લિમો, તેઓ જે ભૂમિના અન્નજળ થી મોટા થયા છે તે ભૂમિને પોતાની માતૃભૂમિ માનતા હોય અને બીજાઓને તેમની ધાર્મિક, સામાજીક અને આર્થિક સહકાર આપવામાં સંમતિ દર્શાવતા હોય તો ભારતને તેમની સાથે બીજો કયો અને કેવો ભેદ હોઈ શકે?
સાર્કના બધાજ દેશોની સમસ્યાઓ સમાન છે.
આ સમસ્યાઓમાં, મૂખ્ય સમસ્યા ધર્મને નામે કરવામાં આવતા અત્યાચારો અને દુરાચારોની છે.
ભારત અને પાકિસ્તાન આઆ બે દેશો વચ્ચે આ સમસ્યા હોવાનું કારણ, અવિશ્વાસ છે. આ અવિશ્વાસનું કારણ એકબીજા સાથે થયેલા પ્રત્યક્ષ યુદ્ધો અને તે પછી સીમાપારના દેશોના મૂક સહકારથી ચાલુ થયેલા અપ્રત્યક્ષ યુદ્ધો છે. અપ્રત્યક્ષ યુદ્ધો સુરક્ષાની વહીવટીક્ષમતાથી અને ત્વરિત ન્યાય પ્રણાલીથી નાથી શકાય છે. પણ જનતામાં રહેલા અસંતોષના પાયામાં તો આર્થિક પરિસ્થિતિ જ હોય છે. શાસકો તેનો લાભ મતબેંકોનું રાજકારણ રમી તેને ફુલેફલાવે છે.
ઈન્દીરા ગાંધીએ ભીંદરાણવાલેને સંત ઘોષિત કરી રાજકીય લાભ લીધેલો અને દેશને સ્વદેશી ખાલીસ્તાની આતંકવાદની ગર્તામાં ધકેલી દીધેલ. આ સ્વદેશી આતંકવાદે સીમાપારના સહકારથી સીમાપારના આતંકવાદને આપણા દેશમાં ભૌગોલિક રીતે જાળ બીછાવવામાં મદદ કરેલ. ભારતને આજે પણ આ આતંકવાદનો ભય રાખવો પડે છે.
૧૯૯૦માં કત્લેઆમનો ભોગ બનેલા ભારતીય ૫ લાખ કાશ્મિરી હિન્દુઓ, આજે પણ તેમના ઘરમાં જઈ શકતા નથી અને કાશ્મિરની બહાર તંબુઓમાં યાતનાભરી જીંદગી જીવી રહ્યા છે. આ જ કાશ્મિરના રાજકર્તાઓ સુરક્ષા સૈનિકો ઓછા કરવા માટે ભારત સરકાર ઉપર દબાણ કરી રહ્યા છે. આવા પડોશી અને દેશી મુસ્લિમનેતાઓ ઉપર ભારત કેવી રીતે વિશ્વાસ રાખી શકે?
હિન્દુ રાજાઓ
ઈશુની પહેલી સદી સુધી, હિન્દુ રાજાઓ પશ્ચિમમાં ઈરાન અને પૂર્વમાં કંબોડીયા વીયેટનામ સુધી, દક્ષિણમાં ઈન્ડોનેશિયા સુધી અને ઉત્તરમાં તિબેટ સુધી રાજ કરતા હતા. ભારતને ચીન અને ઈજીપ્ત સાથે વ્યાપારી સંબંધો હતા. આ દક્ષિણ એશિયા, પુરાણોમાં જંબુદ્વિપ તરીકે ઓળખાયો છે. ઈશુની ચોથી સદી સુધી અરબસ્તાનમાં હિન્દુ રાજાઓ રાજ કરતા હતા. ભારતવર્ષ એક દેશ તરીકે હજારો વર્ષથી ઓળખાય છે. આ ભારતવર્ષ એ બી સી ત્રીકોણ માં સમાયેલો છે જેમાં (એ) અફઘાનીસ્થાન કાશ્મિર તિબેટ, (બી) બ્રહ્મદેશ અને સીલોન (શ્રીલંકા) ને જોડતી રેખાઓથી બનેલો છે.
સુરક્ષા વ્યવસ્થા
જો અમેરિકા પોતાની સઘન સુરક્ષા વ્યવસ્થા બનાવીને આતંકી આક્રમણને ખાળી શકવામાં સફળ થઈ શકતું હોય તો નરેન્દ્ર મોદીની સરકાર પણ દેશને આતંકી હુમલાઓથી સુરક્ષિત કરી શકે છે. આ દક્ષતા તેણે ગુજરાતમાં સિદ્ધ કરી બતાવી છે. આ પછી, દેશ સામે જે પ્રશ્ન રહે છે તે ભણતર, બેકારી અને સુવ્યવસ્થાનો જ રહે છે. આ પ્રશ્નો તો તમારી દક્ષતા અને નિયત ઉપર જ અવલંબે છે. પ્રાકૃતિક અને માનવીય સંપદાથી ભરપૂર ભારત દેશમાં આ પ્રશ્ન હોઈ જ ન શકે.
બે દેશો વચ્ચેની રેખા એ એક અપ્રાકૃતિક રેખા છે. સાંસ્કૃતિક રીતે બે દેશોને કોઈ રેખા વિભાજીત કરે તેવું કશું રહ્યું નથી. જે થોડી ઘણી વાતો થાય છે તે જનતાની સમાસ્યાઓને સુલઝાવવાની નિસ્ફળતાને છૂપાવવા માટે થાય છે. જે પ્રણાલીઓ છે તે ભૌગોલિક સ્થિતિને કારણે અને વિરાસતમાં મળી હોવાને કારણે જીંદગી સાથે વણાઈ ગયેલી હોય છે. તે કદી માણસને જુદા કરતી નથી પણ આનંદમાં સહભાગી બનાવે છે. પતંગોત્સવ, નવરાત્રી, હોળી, નવુંવર્ષ, જેવા અનેક તહેવારો સહુ સાથે મળીને ઉજવે છે.
જો દરેકને પોતપોતાની રીતે ઈશ્વરની ઉપાસના કરવાની છૂટ્ટી કબૂલ રાખવામાં આવી હોય તો વિખવાદની કોઈ શક્યતા રહેતી નથી.
ધારો કે નરેન્દ્ર મોદીએ ભારતમાં બધા ક્ષેત્રોમાં વિકાસ કર્યો તો શું સમસ્યાઓમાં પૂર્ણ વિરામ આવી જશે?
નાજી.
તમે સુખી હો અને તમારો પડોશી દેશ દુખી હોય તે અમાનવીય અને અપ્રાકૃતિક છે. જો કોઈ દેશ આ વાત ને સ્વિકારશે નહીં તો તેના ઉપર આપત્તિ જરુર આવવાની છે. આ આપત્તિ ક્યારે આવશે, એ ફક્ત સમયનો જ સવાલ છે. પ્રકૃતિ બંનેને પાયમાલ કરશે.
જંબુ દ્વિપ
સમગ્ર જંબુદ્વિપ હજારો વર્ષ સુધી હળી મળીને રહ્યો છે. રાજાઓના રાજ્યની સીમા રેખાઓ આઘીપાછી થાય છે. દશરથને કૈકેયની પૂત્રી સાથે પરણવામાં વાંધો આવ્યો ન હતો. અશોકને સંઘમિત્રાને શ્રીલંકા મોકલવામાં વાંધો આવ્યો ન હતો. જનતાને તમે થોડો સમય એક બીજાથી અળગી કરી શકો પણ કાયમ માટે આ શક્ય નથી.
જ્ઞાન અને વિદ્યામાં થયેલા વિકાસને કારણે પૃથ્વિ નાની થતી જાય છે અને ટૂંક સમયમાં તે એક ગામડું થઈ જશે ત્યારે શાસકો પોતાની જનતાને બીજા દેશની જનતાથી અળગા રાખી શકશે નહીં.
પડોશી દેશોની જનતા વચ્ચે વિચાર અને આચારના સુમેળનો પ્રારંભ અત્યારથી જ થવો જોઇએ.
આમાં આતંર્ રાષ્ટ્રીય કક્ષાએ જંબુદ્વિપના દેશો પોતાનો સંઘ બનાવે તે પાશેરામાં પહેલી પૂણી છે.
આ બાબતનો દસ્તાવેજ ઘણી વિગતો માગી લે છે અને દરેક ભાષીઓના હિતોની સુરક્ષા માટે અને સમગ્ર દેશ અને સંઘની સુરક્ષા માટે ઘણી જોગવાઈઓ કરવી પડે. આ એક જટીલ કામ છે પણ તે અશક્ય નથી. જટીલ અને અઘરું હોવાના તેને છોડી દેવામાં આવશે તો પૃથ્વિ સુરક્ષિત રહેશે નહીં.
સરકારી વહીવટને અસરકારક બનાવવા માટે અને સુગમ કરવા માટે ભાષાવાર પ્રાંત રચના પૂરતી નથી. પણ રાજ્યોને થોડી વધુ સ્વતંત્રતા અને સ્વાયત્તતા આપવી પડશે.
આ સ્વાયત્તતા, સ્વચ્છંદતા અને મનમાનીમાં પરિવર્તિત ન થાય (જેમ કાશ્મિરમાં સરકાર, હિન્દુઓના હિતની સુરક્ષા કરતી નથી, અને હિન્દુઓની સુરક્ષા તરફ સતત દુર્લક્ષ્ય સેવતી આવી છે) તે સામે સબળ કેન્દ્ર સરકાર પણ જોઇશે. નહેરુવીયન કોંગ્રેસની અને તેમના મળતીયા પક્ષોની સરકારોએ જનતામાં વિખવાદને પ્રોત્સાહન આપીને જનતાને તોડવાનું કામ કર્યું છે અને પ્રદેશો વચ્ચે ભેદભાવ રાખીને કામ કર્યું છે. ગુજરાત અને કેન્દ્રના થોડા અપવાદિત સરકારોના સમયને (૧૯૭૭-૮૯ અને ૧૯૯૯-૨૦૦૪) બાદ કરતા, ગુજરાત પ્રત્યે અન્યાય કરવામાં આવ્યો છે. આવી સ્વકેન્દ્રી અને સ્વપક્ષકેન્દ્રી કેન્દ્ર સરકારો દેશને પાયમાલ કરે છે આનો દેશને અનુભવ થઈ ચૂક્યો છે.
વેદપ્રતાપે જે સંઘ અને રાજ્યોની સ્વતંત્રતાની વાત કરી છે તે આ પરિપ્રેક્ષ્યમાં કરી છે. સમાચારોનો વેપાર કરનારા સમાચાર માધ્યમોને અને સ્વકેન્દ્રી શાસકોને આ વાત પસંદ ન પડે તે જનતાએ સમજી જવું જોઇએ.
ભારતવર્ષની બહુમતિ અત્યાર સુધી સહન કરતી જ આવી છે.
અફઘાનિસ્તાન ઉપર આતંકવાદી અને કટ્ટર પંથીઓનું મજબુત પરિબળ, હળી મળીને રહેવા તૈયાર થાય તેવી શક્યતા કેટલી?
પાકિસ્તાનમાંથી હિન્દુઓને ૧૯૪૭-૪૮માં બહુમોટી સંખ્યામાં ખદેડી મુકવામાં આવ્યા, તેનું શું?
૧૯૫૦ પછીના સમયમાં બ્રહ્મદેશમાંથી ભારતીયોએ ખએડી મુકવામાં આવ્યા તેનું શું?
સિલોનમાં ભારતીય અને સિંહાલી લોકો વચ્ચે વૈમનસ્ય છે અને તેણે ભારતના એક વડાપ્રધાનનો ભોગ લીધો છે, તેનું શું?
ખુદ ભારતની અંદરના કાશ્મિરમાં થી હિન્દુઓની કત્લેઆમ કરવામાં આવેલી અને બધા જ ૫ થી ૭ લાખ હિન્દુઓને ત્યાંના મુસ્લિમ શાસકો દ્વારા ખદેડી મુકવામાં આવ્યા, તેનું શું?
પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં વિદેશી મુસ્લિમો ભારતની જમીન ખરીદી રહ્યા છે અને નહેરુવીયન કોંગ્રેસી શાસકો તે ઘુસણખોરોને આર્થિક મદદ અને ભારતીય નાગરિકતા આપી રહ્યા છે તેનું શું?
ભારતના અનેક રાજ્યોમાં મુસ્લિમ બહુમતિવાળા પ્રદેશો છે જ્યાં તેઓ હિનુઓ ઉપર ભેદભાવની નીતિ અપનાવી રહ્યા છે, તેનું શું?
કેરાલામાં એક પ્રદેશમાં મુસ્લિમોની બહુમતિ હોવાને કારણે અને તેમના દબાણને કારણે તેને અલગ જીલ્લો આપવામાં આવેલ છે. આવી માગણીઓ ઠેર ઠેરથી ઉભરી રહી છે. તેનું શું?
જો ભારતના મુસ્લિમો જ અલગતા વાદી હોય તો આવા સંજોગોમાં જંબુદ્વિપના સંગઠનની વાત કેવી રીતે કરી શકાય?
આ બધું નહેરુ અને નહેરુવીયન કોંગ્રેસની મુસ્લિમ-તુષ્ટિ કરણની નીતિઓને કારણે થઈ રહ્યું છે.
કાયદાઓ તો ઘડાયા, પણ કાયદાનું રાજ ક્યાં છે? કાયદાનું રાજ લાવો
સૌ પ્રથમ ભારતને નહેરુવીયન કોંગ્રેસ અને તેમના સાથીઓથી મુક્ત કરવું પડશે.
આ કામ અઘરું નથી. નહેરુવીયન કોંગ્રેસે દેશને કાયદાના શાસનથી વિમુખ કરીને પાયમાલ કરેલો છે. નહેરુવીયન કોંગ્રેસ અને તેના મળતીયા નેતાઓ ભ્રષ્ટ છે અને તેઓ એક ય બીજા ગુનાઓમાં સંડોવાયેલા છે, કાયદાના શાસન દ્વારા તેમની ઉપર કામ ચલાવો. તેઓની ધરપકડ કરી કોઈપણ સમયે તેમને જેલ ભેગા કરી શકાય તેમ છે.
કાશ્મિરની સ્થાનિક સરકારને પદચ્યુત કરો અને બધાજ નેતાઓને જેલ ભેગા કરો. કરણ કે તેઓએ હિન્દુઓ પ્રતિ માનવીય વર્તન કર્યું નથી.
શાહ કમિશનના અહેવાલને પુનર્જીવિત કરો અને નહેરુવીયન કોંગ્રેસીઓને વીણી વીણીને જેલ ભેગા કરો. જો ઈન્દીરા ગાંધી, વિરોધીસુરને ડામવા માટે “મીસા” અને “કટોકટી” લાવી શકે છે તો હાલની કેન્દ્ર સરકાર પણ દેશની જનતાને વિભાજીત કરનારા ગદ્દારોને સજા કરવા કાયદાઓને કડક બનાવી શકે છે. આ દેશ દ્રોહીઓ કોઈ પણ જાતની દયા માયાને પાત્ર નથી.
આ બધું કરવા માટે દેશની જનતાની સમસ્યાઓ ઉકેલવી પડશે. જનતાની સમસ્યાઓ મુખ્યત્વે કાયદાના રાજ ઉપર આધારિત છે. તેમને રોજગાર, શિક્ષણ, સારા આવાસ મળશે અને ગુનેગારો જેલભેગા થશે તો ૯૯ ટકા જનતા નરેન્દ્ર મોદીને સહકાર આપશે.
જો ભારતની શાસન વ્યવસ્થા સુધરશે તો પડોશી દેશો ઉપર પણ તેની અસર પડશે. વિઘાતક તત્વો આપોઆપ ઉગતા બંધ થઈ જશે.
આ બધા માટે નરેન્દ્ર મોદીએ ચાણક્ય નીતિ અપનાવવી પડશે.
દયા માયાની નીતિ ચાલશે નહીં.
ગેરકાયદેસર બાંધકામો, જનતાની જમીન ઉપરના દબાણો, સીમાપારથી અને સીમાની અંદર ચાલતા જમીન માફિયાના અને દાઉદના અસામાજીક નેટવર્કને નાબુદ કરવામાં નહીં આવે ત્યાંસુધી જનતાને સરકાર ઉપર વિશ્વાસ બેસશે નહીં.
મોદી સરકારે પોતાની પ્રાથમિકતાઓ સમજવી પડશે.
જો અત્યાર સુધીની ટેલીવીઝનની સીરીયલોમાંથી કોઈ શ્રેણીને શ્રેષ્ઠ ટીવી શ્રેણી કહેવી હોય તો તે “ચાણક્ય”ની શ્રેણીને શ્રેષ્ઠ કહી શકાય. આ શ્રેણીમાં દરેક રાજકીય સમસ્યાઓના સમાધાન અભિપ્રેત છે. આ શ્રેણી કોંગી સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવેલી હતી. પણ યુટ્યુબ પર અત્યારે ઉપલબ્ધ છે. આ શ્રેણી જરુર જુઓ.
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ વેદપ્રતાપ, મુસ્લિમ, હિન્દુ, લઘુમતિ, સાર્ક, સંઘ, નહેરુવીયન, વંશ, કાશ્મિર, પૂર્વોત્તર, ભારત, જમ્બુદ્વિપ, ઈન્દીરા, નહેરુ, મોગલ, ૧૮૫૭, બહાદુરશાહ જફર, મરાઠા, રાજપૂત, સુવર્ણયુગ, ઈરાન, અરબસ્તાન, બિનસાંપ્રદાયિકતા, દંભી, આતંકવાદી