નાસ્તિકતાની ધૂન કે નાસ્તિકતાનો ઘમંડ? ભાગ-૧
આપણે જોઇએ છીએ કે અમુક લોકો ખાસ કરીને કેટલાક સુજ્ઞ હિન્દુ લોકો પ્રણાલીગત સામાજીક વિધિઓની ભરપૂર ટીકા કરે છે. કેટલાક વહેમ અને કેટલાક શાસ્ત્રોની પણ ટીકા કરે છે. હિન્દુ ધર્મમાં આ બધું શક્ય છે. કારણ કે હિન્દુ સમાજમાં આ બધું કરવાની છૂટ છે. અબ્રાહમિક ધર્મોમાં આવી છૂટ્ટી નથી. જો તેઓ આવી છૂટ્ટી રાખે તો અમુક ખ્રિસ્તી પાદરીઓના માનવા પ્રમાણે તેમના શબ્દોમાં તેમનો ધર્મ હિન્દુ થઈ જાય. કારણ કે જો તમે બધી બારીઓ ખૂલ્લી રાખો તો જે આપણે સવા હજાર કે બે હજાર વર્ષ થી જેનું જનત કર્યું છે તે તો ઉડી જ જાય.
ગઈ સદીના પૂર્વાર્ધના દશકાઓમાં હિન્દુ ધર્મમાં જે પ્રણાલીઓ પ્રચલિત હતી તેનું કોઈ તેનું હાલ નામોનિશાન રહ્યું નથી. અપવાદ રુપ છે જ્ઞાતિ પ્રથા. જ્ઞાતિ પ્રથા જે વાસ્તવમાં કામનું વિભાજન હતું તેમાં મધ્ય યુગમાં જે જડતા દાખલ થઈ ગયેલી તેનો આમ તો જો કે શરુઆતથી વિરોધ નોંધાયેલો છે. આપણું બંધારણ પણ તેને તે સ્વરુપમાં માન્યતા આપતું નથી. આ જ્ઞાતિપ્રથા હજી સંપૂર્ણ પણે નષ્ટ થઈ નથી. આપણા નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓનો જ્ઞાતિપ્રથા ચાલુ રાખવામાં રસ છે અને તેમનો તેમાં સિંહ ફાળો પણ છે. અબ્રાહમિક ધર્મના કેટલાક નેતાઓ અને નહેરુવીયન કોંગ્રેસના અને તેના સાંસ્કૃતિક સાથી પક્ષના નેતાઓ આપણી જ્ઞાતિ પ્રથા સંપૂર્ણ નષ્ટ થઈ ન હોવાથી તેનો ભરપૂર આનંદ માણે છે.
સંસ્કૃતમાં એક શ્લોક છે
“ખલઃ સર્ષપમાત્રાણિ પરચ્છિદ્રાણિ પશ્યતિ,
આત્મનઃ બિલ્વમાત્રાણિ, પશ્યન્નપિ ન પશ્યતિ
એટલે કે જે દુર્જન હોય છે તે બીજાના સરસવના દાણા જેવડા દુર્ગુણોને જુએ છે અને ટીકા કરે છે પણ પોતાના બીલા જેવડા મોટા દુર્ગુણોને જોવા છતાં પણ જોતો નથી. એટલે કે આ વાત જો અબ્રાહામિક ધર્મીઓને અથવા હિન્દુ ધર્મના સુધારાવાદીઓને લાગુ પાડીએ તો તેઓ પોતાના વિચારોમાં રહેલા બીલા જેવડા દુર્ગુણો જોતા નથી પણ હિન્દુ ધર્મના રાઈના દાણા જેવડા દુર્ગુણોને જુએ છે.
તમે કહેશો કે અબ્રાહમિક ધર્મીઓની વાતને તો જાણે સમજ્યા પણ આપણે હિન્દુ ધર્મના ટીકાકારોને આ વાત કેવી રીતે લાગુ પાડી શકીએ? તમે વળી એમ પણ કહેશો કે “શું હિન્દુ ધર્મમાં જ્ઞાતિ પ્રથાનું દુષણ પહાડ જેવું નથી?
હરિનો પીન્ડ અખા કોણ શુદ્ર?
તમારી વાત સાચી છે. જ્ઞાતિ પ્રથાનું દુષણ ગઈ સદીના પ્રારંભના દશકાઓમાં પહાડ જેવડું મોટું હતું. પણ હવે જો વાસ્તવમાં જોઇએ તો અત્યારે તે નાના ટેકરા જેવું જ રહ્યું છે. અને આ ટેકરાને બીલોરી કાચ દ્વારા જોવામાં આવી રહ્યું છે. નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથી પક્ષો તેના આ નામભેદને નષ્ટ થતું અટકાવી રહ્યા છે. આ બધું છતાં પણ પણ તેના નાશને કોઈ રોકી શકવાનું નથી.
તમે કહેશો કે આપણા ધર્મની આપણે ટીકા કરીએ અને દુષણો દૂર કરીએ તો ખોટું શું છે? હા જી આ વાત ખરી છે. પણ આપણી ટીકા સાચી દીશા તરફની હોવી જોઇએ અને તેમાં પ્રમાણ ભાનની પ્રજ્ઞાનો અને પ્રાથમિકતાની પ્રજ્ઞાનો ઉપયોગ થવો જોઇએ.
કોઈ દાખલો આપશો?
(૧) મંદિરો આડે ધડ વધી રહ્યા છે. એટલું જ નહીં ગેરકાયદેસર મંદિરોનો રાફડો ફાટ્યો છે. મંદિર એક ધંધો બની ગયો છે.
હા જી આ વાત સાચી છે. પણ કેરાલા, તામિલનાડુ અને કાશ્મિરમાં આ વાત મસ્જીદોને અને ચર્ચોને પણ લાગુ પડે છે. જો કે આ આડેધડ થતા મંદિરોનો બચાવ નથી. હિન્દુ મંદિરોને તોડવા જોઇએ સાથે સાથે ચર્ચો અને મસ્જીદોને પણ તોડવા જોઇએ. આ બધું કોઈ પણ ભોગે થવું જોઇએ. જો હિન્દુ મંદિરો તૂટી શકશે તો મસ્જીદો અને ચર્ચો પણ તૂટી શકશે. જે પણ કોઈ મંદિર ૧૯૪૭ પછી “વિધિ પૂર્વકની પ્રતિષ્ઠા” વગર થયું હોય તેને તોડવું જ જોઇએ. તેમજ જે મંદિર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યું હોય તેને પણ તોડવું જોઇએ. ગેરકાયદેસરનો અર્થ છે કે “માલિકીના હક્ક વગર” થયેલું મંદિર.
(૨) ધાર્મિક વિધિઓ પાછળ થતો બેસુમાર ખર્ચ
દા.ત. લગ્નમાં વર કન્યા વિગેરેનો શણગાર, જમણવાર, સંગિત નૃત્યના જલસા, ફટાકડાઓ ફોડવા અને તે પણ રસ્તા વચ્ચે, વરઘોડો, લાઉડસ્પીકરો ઉપર ધ્વનિ પ્રદૂષણ ફેલાવવું આ બધા ખર્ચાઓ બેસુમાર છે.
સમજી લો આ બધા ખર્ચાઓને ધર્મ સાથે કશી લેવા દેવા નથી. આ બધો અમુક લોકો પાસે રહેલા પૈસાનો અતિરેક અને અથવા કાળાંનાણાંનો ભરાવો બોલે છે. આયકર વિભાગે આની તપાસ કરવી જોઇએ. અને તેમની પાસેથી દંડ વસુલ કરી શકાય જો તેમના આવકના શ્રોત કરતાં વધુ ખર્ચ કર્યો હોય તો. તેમજ સરકાર આવા લગ્નના ખર્ચાઓ પર ટેક્ષ નાખી શકે. એટલે કે લગ્નના ખર્ચાને આવકમાં ગણી તેના ઉપર ટેક્ષની ગણત્રી કરવી જોઇએ.
ધ્વનિ પ્રદુષણ માટે દંડાત્મક જોગવાઈઓ છે.
(૩) મંદિરો ઉપર સોના ચાંદી નો ચઢાવ મઢાવ, અન્નકૂટ, રથ યાત્રાઓ, દ્વવ્યના આવા અનેક બગાડ થાય છે. આનો શો જવાબ છે?
ધારો કે કોઈ તમારી પાસે આવે અને વિનંતિ કરે કે તમે તેને પૈસા આપો,
ધારો કે બીજો કોઈ તમારી પાસે આવીને દંડવિધાન દ્વારા પૈસા માગે,
ધારો કે આ બંને તમારી પાસેથી લીધેલા પૈસાનો એક સમાન રીતે જ બગાડ કરે,
એટલું જ નહીં પણ જે બીજાએ તમારી પાસેથી દંડવિધાન દ્વારા ફરજીયાત રીતે, અને બહુ વ્યાપક રીતે પૈસા ઉઘરાવ્યા છે અને વધુ પૈસા ઉઘરાવ્યા છે અને વધુ બગાડ કર્યો છે,
તો તમે તમારી પ્રમાણભાનની પ્રજ્ઞાનો ઉપયોગ કરીને કયા બગાડને દૂર કરવાની પ્રાથમિકતા આપશો?
તમે ચોક્કસ કહેશો કે પ્રાથમિકતા તો જે પૈસા ફરજીયાત રીતે ઉઘરાવ્યા છે તેને જ આપી શકાય. અને લડત પણ તેની સામે જ હોય. કારણ કે જેણે વિનંતિ કરીને પૈસા ઉઘરાવ્યા છે અને અથવા અમે સ્વેચ્છાએ આપ્યા છે તે તો ગુનો બની જ ન શકે. તમારી મુનસફ્ફીની વાત છે કે તમે પૈસા આપો કે ન આપો. પણ દંડવિધાન દ્વારા જેણે પૈસા ઉઘરાવ્યા છે તેને તો જેલમાં જ પુરવો જોઇએ.
તો હવે તમે જુઓ;
તમે અનેક જાતના કરવેરાઓ ભરો છો. તે બધા પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે ફરજીયાત રીતે ઉઘરાવાય છે. આ પૈસાનો એક પ્રમાણ પાત્ર હિસ્સો રાષ્ટ્ર પ્રમુખની, મંત્રીઓની, જનપ્રતિનિધિઓની સુવિધાઓ, સગવડો, રાહતો, રખરખાવ, ભત્થા પાછળ ખર્ચાય છે. આ ઉપરાંત રાજકીય પક્ષો ટેક્ષમાં રાહતો મેળવે છે. આ રાહતો પણ તમારી ઉપરના પરોક્ષ કરવેરા બરાબર જ છે. જનપ્રતિનિધિઓ તો કશી ફરજો પણ બજાવતા નથી. કેટલાક પક્ષના જેમકે નહેરુવીયન કોંગ્રેસના જનપ્રતિનિધિઓ સભાઓમાં કામ ન થાય તે પ્રમાણે કૃતનિશ્ચયી હોય તેમ જ વર્તે છે. આ લોકો ઉપર તો તમે ડીસીપ્લીનરી એક્શન પણ લઈ શકતા નથી. તે છતાં તેમને ભરપૂર વેતન જ નહીં નિવૃત્તિ વેતન પણ આપવામાં આવે છે. આનો તમે હિસાબ માંડ્યો છે? આનો વિરોધ કરવા તમે આદુ ખાઈને પાછળ પડ્યા છો ખરા?
તમે કહેશો કે આ તો રાજકારણ છે. રાજકારણની તો વાત જ અલગ છે. રાજકારણ એ અમારો વિષય નથી. અમે તો સમાજસુધારકો છીએ. એટલે સમાજની કુટેવોમાંજ ઘોંચપરોણા કરીશું. રાજકારણ તો ગંદુ છે. અમે તેમાં પડવા માગતા નથી.
તો હવે તમને કહેવામાં આવે છે કે તમારે તો રંગમંચ (સ્ટેજ) ઉપર જ નૃત્ય કરવું છે. કારણ કે અહીં પ્રેક્ષકો હાજરાહજુર છે. તમે સુરક્ષિત છો. આ બધું જવા દો. તમારામાં પ્રાથમિકતાની પ્રજ્ઞાનો અભાવ છે. તમે દરવાજા મોકળા રાખવામાં માનો છો અને ખાળે ડૂચા મારવાની વાતો કરો છો. તમે એક વાત સમજી લો કે રાજ્ય શાસ્ત્ર પણ સમાજશાસ્ત્રમાં જ આવી જાય. જે ભેદ પાડવામાં આવ્યા છે તે તો જ્ઞાન પ્રાપ્તિની સુવિધા માટે પાડવામાં આવ્યા છે.
તમે કહેશો … અરે ભાઈ તમે આ શું માંડી છે? સુધારણાના અને પ્રગતિના અનેક ક્ષેત્રો છે. ધારો કે રાજકીય ક્ષેત્રમાં વધારે બગાડ છે અને સામાજીક ક્ષેત્રમાં ઓછો બગાડ છે. પણ રાજકીય ક્ષેત્રના વધુ બગાડના ઓઠા હેઠળ, સામાજીક ક્ષેત્રના બગાડનો બચાવ તો ન જ થઈ શકાયને?
હા જી તમારી વાત ખરી છે. પણ જો તમે રાજકીય પક્ષોના અનાચારને પ્રાથમિકતા ન આપો અને જ્યાં પૈસા સ્વેચ્છાએ અપાયા છે અને ખર્ચાયા છે તેની જ તમે “હોલીઅર ધેન ધાઉ” થઈને ટીકા કર્યા કરો તો તમારે સમજવું કે તમે આ અધિકાર ગુમાવી દીધો છે. અલબત્ત નૈતિક અધિકાર જ ગુમાવ્યો છે. બાકી આમ તો લોકશાહીમાં સૌને બીજાના કાયદેસરના અધિકારને નુકશાન કર્યા વગર બેફામ બોલવાનો અધિકાર છો.
તો ચલાવો તમારી વાત આગળ
(૪) શિવલિંગ ઉપર દૂધ, દહીં,ઘી, મધ દ્વારા થતો અભિષેક, બારમા તેરમાની ક્રિયાઓ અને તેમાં થતા જમણવારો, ભાગવત સપ્તાહ, રામાયણ, સત્યનારાયણ અને એવી જ ઘીસીપીટી કથાઓના પારાયણો, ખોટા ખોટા યજ્ઞો અને આહુતિઓ દ્વારા થતા ધાન્યનો થતો વ્યય, જ્યોતિષ શાસ્ત્રીની ભવિષ્યવાણીઓ અને વાસ્તુશાસ્ત્રના ધત્તીંગો, વહેમોનું પાલન, તેના અવનવા નુસખાઓ જેમ કે માછલીઓ રાખવી, મની પ્લાંટ રાખવા, કાચબાઓ, શંખલાઓ, છીપલાંઓ રાખવા … આસ્તિકતાએ તો દેશનું નક્ખોદ વાળ્યું છે. આ બધું ક્યારે બંધ થશે?
તો હવે સમજી લો, આસ્તિકતા, નાસ્તિકતા, સમાજીક રીતરસમો, શાસ્ત્રો, આ બધું શું છે? જિંદગી શું છે? જીંદગી શા માટે છે? ઈશ્વર, આત્મા, કુદરતી શક્તિઓ અને તેના નિયમો, વિશ્વ કે બ્ર્હ્માણ્ડનો અભ્યાસ શા માટે?
આસ્તિક એટલે શું? નાસ્તિક એટલે શું?
આ બધાની વિષે વિસ્તૃત ચર્ચા “અદ્વૈતની માયાજાળ”માં કરવામાં આવી છે. જેને તેમાં રસ હોય તે આજ બ્લોગ સાઈટમાં તે વાંચે.
અહીં થોડું તેનું પુનરાવર્તન કરવું પડશે.
“અસ્તિ ઇતિ કથયતિ સઃ આસ્તિકઃ, (જે “છે” એમ કહે છે તે આસ્તિક)
ન અસ્તિ ઇતિ કથયતિ સઃ નાસ્તિકઃ (જે “નથી” એમ કહે છે તે નાસ્તિક)
પણ કોણ છે અને કોણ નથી? ઈશ્વર કે આત્મા કે બંને? ત્રીજું કોઈ છે?
હા ત્રીજું અસ્તિત્વ છે તે અસ્તિત્વ બ્રહ્માણ્ડનું છે. આ બ્ર્હ્માણ્ડ તો આપણને દેખાય જ છે. એટલે તેના અસ્તિત્વનો સવાલ જ નથી. પણ જો આત્મા જ ન હોય તો? જો ચંદ્રને જોનારો જ કોઈ ન હોય તો ચન્દ્રના અસ્તિત્વનો અર્થ શો? અથવા તો તેનું અસ્તિત્વ કોણ નક્કી કરશે? જો સુર અને સ્વર જ ન હોય તો સંગીતનું અસ્તિત્વ હોય ખરું?
આત્મા છે ખરો? આત્મા આપણને દેખાતો નથી. પણ આપણે છીએ, અને આત્માના અસ્તિત્વની હકિકતને આપણે અનુભવી શકીએ છીએ. તેથી તે છે એમ માની લઈએ. તો પછી બચ્યા કોણ?
બાકી બચ્યા તે ઈશ્વર.
(ક્રમશઃ)
શિરીષ મોહનલાલ દવે
નાસ્તિક, આસ્તિક, ધૂન, ઘમંડ, સામાજીક વિધિઓ, પ્રણાલી, વહેમ, હિન્દુધર્મ, અબ્રહમિક ધર્મો, ખ્રિસ્તી, મુસ્લિમ, નહેરુવીયન કોંગ્રેસ, સાંસ્કૃતિક સાથી પક્ષ, જ્ઞાતિ પ્રથા, દુર્જન, સરસવના દાણા, બિલા જેવડા, પ્રાથમિકતાની પ્રજ્ઞા, પ્રમાણભાનની પ્રજ્ઞા, મંદિર, તામિલનાડુ, કાશ્મિર, મસ્જિદ, પ્રતિષ્ઠા, લગ્ન, જમણવાર, ધ્વનિ પ્રદુષણ, રાષ્ટ્ર પ્રમુખ, મંત્રી, જનપ્રતિનિધિ, ડીસીપ્લીનરી એક્શન, નિવૃત્તિ વેતન, સમાજસુધારક, રાજકારણ, રાજ્ય શાસ્ત્ર, સમાજશાસ્ત્ર, હોલીઅર ધેન ધાઉ, યજ્ઞો, આહુતિઓ, જ્યોતિષ, માછલી, મની પ્લાંટ, કાચબા, શંખલા, છીપલાં, બ્ર્હ્માણ્ડનો અભ્યાસ