માત પ્રભાતે ચોરની ગઈ કરવા ફરીયાદ … ચંબુવંશની કથા
માત પ્રભાતે ચોરની ગઈ કરવા ફરીયાદ,
એવું ઘર તે શેં ચણ્યું ચોર દબાયા ત્રણ હવે કદાચ કોઈ કહેશે કોઈ એક વાર્તામાં તો ચોર દબાયા ચાર એમ આવતું હતું. અહીં કેમ ત્રણ જ ચોરની વાત છે?
તો હવે તમને કહેવામાં આવે છે કે આ વાત ને જુની વાર્તા સાથે કશો સંબંધ સમજવો નહીં. અને કોઈએ ટોપી પહેરવી નહીં. બંધ બેસતી આવે કે ન આવે તેની સાથે અમારે લેવાદેવા નથી. જેમને પહેરવી હોય તેઓ પહેરે તે તેમની મુનસફ્ફીની વાત છે. અમારે તે વાતમાં કશો ચંચુપાત કરવો નથી. ટોપી પહેરવી તે તેમની જવાબદારી છે.
આ ગંડુ રાજાની વાત નથી.
એક દેશ. તેનું નામ ચંબુદ્વીપ.
અમારે જણાવવું પડશે કે પ્રાસાનુપ્રાસમાં જેમને ફાવટ હોય કે ગમતું હોય તેમણે આ ચંબુદ્વીપમાં, બૃહદભારત એવા “જંબુદ્વીપ” ને જોવો નહીં તેમજ યાદ પણ નકરવો.
કારણ કે આ ચંબુદ્વીપમાં, જંબુદ્વીપના ગુણગાન ગાવાં કે તે હતો કે ન હતો અને તેમાં પ્રરાક્રમી રાજાઓ થઇ ગયા એવી વાત કરવી તે પણ મીથ્યા-આલાપ, “ભગવુંકરણ”, અને અનૈતિહાસિક ગણાય છે.
વળી એ પણ ધ્યાનમાં રાખો કે આ ચંબુદ્વીપના ચંબુ વંશીય રાજાઓને જુની ગંડુવંશના રાજા ની “પુરી એક અંધેરી ને ગંડુ રાજા વાળી” કથા કથિક વાર્તા સાથે સાંકળી ને જોવી કે સમજવી નહીં.
ચંબુદ્વીપની એક કથા
તો હવે એક વખત પોતાના ભાગ્યમાં લખાયેલા ધર્મ પ્રમાણે, આદતથી મજબુર, એવા ત્રણ ચોર ચોરી કરવા નિકળ્યા. આ ત્રણમાં એક ચોરણી (ચોરણ) પણ હતી. તે એક ચોરની પત્ની હોવાથી, સતી સીતાની જેમ પતિના પગલે ચાલનારી હતી. પોતાના પતિની પ્રતિસ્પર્ધક ન હતી. આ વાર્તામાં ચોરણી ઘુસેડવાનું કારણ કંઈ વાર્તાને રોમેન્ટીક બનાવવા માટેનું નથી. આ ચોરણીને શિખંડીનું પાત્ર ભજવાનું પણ હોઈ શકે. એજે હોય તે.
પણ તેઓ ચોરી કરવા જાય છે તે હકીકત છે તેવા સમાચાર ચંબુવંશની તે સમયની સરકારના ગુપ્તચરો દ્વારા જ આપવામાં આવ્યા હતા. પણ ચંબુવંશની આ નીતિ ન હતી. આ ચંબુદ્વીપ આમ તો જંબુદ્વીપથી ચોથા ભાગનો હતો. તો પણ તેને વિશાળ કહેવાય. ભાંગ્યુ ભાંગ્યુ તો પણ ભરુચ એ પ્રમાણે કયું સૈન્ય ક્યાં લડે છે તે બાબતમાં પાછળથી ગોટા થયાની ખબર પડતી અથવા ન પણ પડતી.
આ પછી યોગ્ય સમયે તે ચોરોએ એ એક ઘરની દિવાલમાં કાણું પાડવાનું શરુ કર્યું. બહાર ચોરણ ચોકી કરતી હશે એવું હોઈ પણ શકે. હા જી! ચોરોએ પણ ચોકી કરવાની હોય છે. ચોકસાઈ રાખવાની હોય છે. તેઓને પણ પ્રીવેન્ટિવ મેઝર્સ તો લેવા જ પડે છે. તેઓ ચોરી/ખૂન કરવા નિકળ્યા હોય છે. કંઈ મશ્કરી કરવા થોડા નીકળ્યા હોય છે!
હવે થયું એવું કે દિવાલ પડી. સ્લો મોશનમાં કલ્પીએ તો કાણાની જગ્યાની ઉપરનો ભાગ જલ્દી ધસીને મુખ્ય ચોર ઉપર પડ્યો જે તત્કાળ ત્યાં મરી ગયો. પછી સાઈડના ભાગની ઈંટો પડવામાંડી અને તેમાં તેનો સાગરીત જે હથીયારો અંબાવતો હતો તેના પણ રામ રમી ગયા. અને રહી રહીને એક સૌથી ઉંચેથી પત્થર પડ્યો તે આપણી ચોરણબેન ઉપર પડ્યો અને તે પણ કણસતા કણસતા ગુજરી ગયા.
પછી શું થયું?
આ ચોરને અને તેની જમાતના લોકોને ચંબુદ્વીપના ચંબુવંશના શાસકો સાથે ઘરોબો હતો. એટલે કે ધંધાપાણીના સંબંધો હતા. અને તેઓ જ્યારે જ્યારે કશુંક અજુગતું બને તો કાગારોળ મચાવતા. તે માટે પણ તેમનુ નેટ કર્ક હતું.
જે કંઈ તસ્કરીનો માલ મળે તેને વકરો ગણાતો. અને વકરો એટલે નફો એવું માનવામાં આવતું. એ આધારે ચંબુવંશના શાસકો તેમની સાથે વહીવટ કરતા અને અને વહીવટની તેમના ભાગે આવતી રકમ સ્વીસ કે અને એવી કોઈ બેંકમાં જમા કરાવતા. પણ એ વાત જુદી છે. એટલે તેની વિગત આપણી વાર્તામાં સામેલ નહીં કરીએ.
હવે આ ચોર મંડળીને દરીયા પારના સંબંધો પણ હોઈ શકે એવો પ્રચાર ચંબુવંશના વિરોધીઓ જાહેરમાં કરતા. અને અગાઉ કહ્યા પ્રમાણે ચંબુવંશના ગુપ્તચરોએ પણ આવું જાહેર કરી દીધેલું તેથી આ દિવાલ ધસી ગયેલા કિસ્સામાં ચંબુવંશીય નંબર વન પોતાના બીજા સ્વજનો પ્રત્યે નારાજ થયેલ.
હવે તમે કહેશો આ બધું શું છે? આમાં તો અમારો “ટકલો” કામ નથી કરતો. કંઈ “હુજકો” પડે તેવી વાત કરો.
તો હવે થયું એવું કે ચોરી કરતાં પહેલાં દીવાલ પડી. એટલે ચોરી નો ગુનો તો થયો ગણાય નહીં જ. અગાઉની ચોરીઓ? એ તો બધા આરોપો કહેવાય… કેસનો નિકાલ ન થાય ત્યાંસુધી તો ચોરમંડળી ને ચોર મંડળી કહેવાય જ નહીં … શું સમજ્યા?
હવે આ સરકારી મકાન કંઈ એવું જુનું તો હતું જ નહીં. એક કાણું પાડવાથી જો દિવાલ તુટી પડે તો તે બાંધકામ ધારાધોરણ પ્રમાણે ન જ હોય.
એટલે ચોરની જમાતના લોકોએ કાગારોળ કરી કે જાણી જોઈને દિવાલ જ નહીં પણ આખું મકાન જ નબળું બાંધવામાં આવેલું. વેલ પ્લાન્ડ રીતે હેતુપૂર્વક નબળું બાંધવામાં આવેલું. જેથી અગર અમ-બંધુઓમાંથી કોઈ ચોરી કરવા ગમે તે બાજુથી જાય તો દિવાલ તૂટી જ પડે અને ચોર/ચોરોના રામ રમી જાય. ચોરોને મારી નાખવામાટે માટે જ મકાનનું બાંધકામ નબળું કરવામાં આવ્યું હતું.
શરુઆતમાં તો ચંબુદ્વીપના શાસકોએ આદત પ્રમાણે વાત એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખેલી.
અને કહ્યું; “તમે લોકો માણસ છો કે ચીભડું? એક તો ચોરી કરવા જાઓ છો અને દિવાલ પડી જાય એમાં મકાનમાલિકને ગુનેગાર ઠેરવવા અમને બજબુર કરો છો? તમને ખબર તો છે કે પૂરાણા કોઈ સમયમાં કોઈ ગંડુ રાજાએ આવો કેસ હાથમાં લીધેલો અને કેવો બદનામ થઈ ગયેલો. તમે તો ખરા છો યાર, આ “બૈલ મુઝે માર” જેવું કરવાનું અમને કહો છો.”
વાત ટેક્નીકલી જોવાની છે
“ના સાહેબ ના… આ આખી ટેકનીકલ વાત છે. તમે કેમ સમજતા નથી? કોઈપણ કામ થાય (એટલે કે દા. ત. ગુનો) તો તેની પાછળ તેનો હેતુ શો છે તે જોવું જ જોઈએ. આ ન્યાય શાસ્ત્ર નો નિયમ છે. અને તમે આ નિયમને અવગણી ન શકો. હવે જો એવું સિદ્ધ કરી દેવાય કે નબળા બાંધકામનો હેતુ જ એવો હતો કે મકાનમાં કોઈ બાકોરું પાડે કે તરત જ દિવાલ આખી ધબાય નમઃ થઈ જાય.
“મકાન માલિક ઘરમાં હોય કે નહોય, ઘરમાં પૈસા હોય કે નહોય, પણ જ્યાં સુધી ચોરી/ખૂન થાય નહીં ત્યાં સુધી ચોર/ચોરો/ખૂની/ખૂનીઓ ચોર કે ખૂની ગણાય જ નહીં. કેસ ચાલાવવાની વાત તો બાજુ પર રહીં…. હવે જુઓ સાહેબ અમે સાબિત કરવાની સ્થિતીમાં છીએ કે મકાન જાણી જોઈને નબળા બાંધકામવાળું જ કરવામાં આવેલ.
“તમે સાહેબ પીક્ચરમાં ન આવો તે રીતે અમારે જેમ “ચોર મંડળી” હોય છે તેમ તમે ન્યાયધીશ મારફત એક “તપાસ મંડળી” તૈયાર કરાવો. તમને તો સાહેબ ખબર છે કે અમારી ચોર મંડળીનો હેતુ શો હોય છે! બસ હવે તમે શાનમાં સમજી જાઓ.
“તમે સાહેબ એક આ કામ કરી દો એટલે વાત પૂરી. જુઓ સાહેબ અમારી પાસે પૂરી બાતમી છે કે પ્લાન પ્રમાણે જ કામ નબળું હતું. અને નબળા પ્લાન માટે મંત્રીશ્રીની જ સૂચનાઓ હતી. એટલે સાહેબ ભૂતકાળમાં બીજા જે કોઈ મકાનો થયા હશે અને અમારા ચોર બંધુઓ ચેપાઈને મરી ગયા હશે તે બધાનો ગુનો મંત્રીશ્રી ઉપર દાખલ કરી શકાશે.
“સાહેબ તમે એટલું તો સમજો કે ચોરને પકડવાની પણ કાયદેસરની રીત હોય છે. બધું કાયદેસર થવું જોઇએ. અમારી મંડળી નો કોઇ ઘરમાં ગયો હોય, તેણે ચોરી કે ખૂન કર્યું હોય, તેને કોઇએ બહાર નિકળતા જોયો હોય, અમારાભાઇએ તેને ધમકી આપી હોય, પછી તે સાક્ષી બી ગયો હોય… અમારો ભાઈ પછી ભાગીને ઘરે પહોંચી ગયો હોય … અને નોર્મલ લાઈફ જીવવા માંડ્યો હોય …. અને તે પછી સીપાઈભાઇઓએ તેને માલસામાન સાથે પકડ્યો હોય …. અને સૌથી મોટી કોર્ટ માઈબાપે તેને સજા કરી હોય તો જ અમારા ભાઈને તમે ચોર કે ખૂની જે લાગુ પડતું હોય તે કહી શકો….
“પણ સાહેબ તમે અહીં જુઓ છો કે … અહીં આવું કશું થયું નથી… અમારાભાઈ, ભાભી અને અને બીજાભાઈ નિર્દોષ હતા. અને તેમને ગુન્હાહિત કાવતરું કરીને ગેરકાયદેસર તરીકાઓથી મારી નાખવામાં આવ્યા છે…
“અને સાહેબ બીજું તમને ખાસ જણાવવાનું કે આપણા સંબંધો પેઢી દરપેઢી ના જુના છે. આપણાં ઘણા ચૌર્ય કર્મો જોઈન્ટ વેન્ચર એટલે કે સામુહિક પરાક્રમો થકી થાય છે. અમારા દરીયા પારના બંધુઓ સાથે અમારી જેમ તમારે પણ ઘનિષ્ઠ સંબંધો છે. અને અમે પણ તેમની સૂચના પ્રમાણે વર્તીએ છીએ તે તમે સૂપેરે જાણો છો….
” … અને એટલે તો અમે તમારી ઉપર આટલું દબાણ કરવાની ઘૃષ્ટતા કરી શકીએ છીએ તે વાત કંઈ કોઈથી અજાણી નથી.
“અમારા ઉપરોક્ત ત્રણ સભ્યોના મોતને કારણે અમને જ નહીં તમને પણ ધંધાપાણીમાં ઘટ પડશે. અને સાહેબ એ વાતને જવા દો તો પણ તમે તમારા ભવિષ્યના ધંધાપાણીનો જ નહીં પણ ભવિષ્યમાત્રનો તો વિચાર કરો… હજી તો આપણે ઘણો વહીવટ કરવાનો બાકી છે…
” … અને સાહેબ જો અમે અમારા દુશ્મનોની આટલી ‘લે મેલ’ કરી શકતા હોઇએ તો તમને ટેકલ કરવા તેતો અમારે મન ડાબા હાથનો ખેલ છે…. માટે સાહેબ હવે તમે સમજી જાઓ અને અમારા આ દુશ્મનને હતો ન હતો કરી દો.
શિરીષ મો. દવે
चमत्कृतिः
असूर्या नाम ते लोका, अंधेन तमसावृता, मा नः स्तेन ईशतः (ऋग्वेद) (હે ઈશ) અમારા ઉપર ચોરોનું શાસન ન હો.
|
Posts Tagged ‘ગંડુરાજ’
માત પ્રભાતે ચોરની ગઈ કરવા ફરીયાદ … ચંબુવંશની કથા
Posted in માનવીય સમસ્યાઓ, tagged અંધેરીનગરી, ગંડુરાજ, ચંબુદ્વીપ, ચંબુવંશ, ચોર અને ચોરણી, ચોરમંડળી, તપાસ મંડાળી, ધંધાપાણી, બંધબેસતી ટોપી, વહીવટ on July 24, 2010| 2 Comments »