Feeds:
Posts
Comments

Posts Tagged ‘ગ્રામ’

Mahatma Gandhi

ભૂમિ-પુત્ર

ઘણા વખતથી વિચાર કરતો હતો કે મારા નીચેના પત્ર ને જાહેર કરવો કે નહીં.
મને મહાત્મા ગાંધીવાદીઓ એટલે કે સર્વોદયવાદી અને ખાસ કરીને સર્વોદય કાર્યકરો પ્રત્યે ઘણું માન છે. તેમની ત્યાગ વૃત્તિ અને તેની સાથે સંકળાયેલો તેમનો આચાર પ્રશંસનીય છે અને અનુકરણીય છે. ઘણા સર્વોદય કાર્યકરોએ, અગર સર્વોદય કાર્યકર થવાનું ટાળીને, સામાન્ય માણસની જેમ જીંદગી જીવવાનું પસંદ કર્યું હોત તો તેઓ, સીધા રસ્તે પણ કરોડો રુપીયા કમાઈ શક્યા હોત.

આવા સર્વોદય કાર્યકરોની મારે ઋણાત્મક ટીકા કરવાનું હું ટાળું છુ. પણ “ન્યાયાર્થે નિજ બંધુકો ભી દંડ દેના યોગ્ય હૈ” એમ વિચારી મને લાગ્યું કે એકવાર તો ટીકા કરવી જોઇએ એમ મને લાગ્યું.

કોઈ વ્યક્તિ અણીશુદ્ધ, ક્ષતિહીન કે દુર્ગુણહીન કે અગુણી હોતો નથી. પણ જ્યારે આપણી આકાંક્ષાઓને તે વ્યક્તિનું વલણ આપણને અસંતોષજનક કે અન્યાય વાળું લાગે ત્યારે આપણે તેની ટીકા કરવા પ્રેરાઈએ છીએ.

મારે વિષે પણ આવું જ થયું.

“ભૂમિપૂત્ર”માં એક લેખ પ્રગટ થયેલ

તેના પ્રતિભાવ રુપે મેં, ભૂમિપુત્રના સંપાદક/તંત્રીશ્રીને પત્ર સ્વરુપે પ્રતિભાવ ગણો તો પ્રતિભાવ અથવા લેખ સ્વરુપે ગણો તો એક લેખ લખેલો. રજીસ્ટર્ડ કરીને મોકલેલો.

મેં બે ત્રણ મહિના રાહ જોયેલી કે મારા પત્રને પ્રતિભાવ તરીકે (વાચકોના પ્રતિભાવ તરીકે છાપે છે) કે લેખ તરીકે છાપે છે. મારા પત્રનો કોઈપણ જાતનો ઉલ્લેખ ન થયો એટલે મેં ભૂમિપુત્રની ઓફીસમાં ફોન કર્યો. ઓફિસમાં બેત્રણ વાર ફોન કર્યા પણ મારું રજીસ્ટર્ડ મળ્યું છે કે નહીં તે પણ કહી ન શક્યા. કારણ કે જે સંપાદક ભાઈઓ છે તે જ આ વાત કહી શકે. કર્મચારીઓ નહીં.

મેં મારા એક સર્વોદય મિત્ર જે અગાઉ ગુજરાત સર્વોદય મંડળના પ્રમુખ હતા તેમને વાત કરી. તેમણે મને એક નંબર આપ્યો.

મેં ત્યાં ફોન કર્યો. તેમને મેં બધી વિગત કહી. અને એ પણ કહ્યું કે તમારે મારા લેખને જે છે તે સ્વરુપે છાપવો કે સારના પ્રતિભાવ રુપે છાપવો કે ન છાપવો તે તમારી મુનસફ્ફી ઉપર છોડું છું. એમ તો ઈન્દીરા ગાંધી, પોતાની સરકારની વિરુદ્ધમાં આવેલા હાઈકોર્ટના જજમેન્ટ પણ સેન્સર કરતી હતી અને તેને છાપામાં પ્રકાશિત થવા દેતી ન હતી. ભૂમિપુત્ર તો તમારું છાપું છે એટલે તમે અબાધિત અધિકાર ભોગવો તો તમને મારાથી કંઈ કહી શકાય નહીં.

એટલે સંપાદકશ્રીએ (રામ ભરોસે) કહ્યું કે ના ના અમે કંઈ એવા નથી. પણ તમારા લેખમાં તમે જે આંકડાઓ આપ્યા છે તે ખોટા છે.

મેં કહ્યુ કે હું આંકડાઓમાં માનતો જ નથી. અને મેં મારા લેખમાં કોઈ આંકડા લખ્યા નથી. મારી ઈચ્છા છે કે તમે ન વાંચ્યો હોય તો વાંચી જાઓ, અને જો વાંચ્યો હોય તો ફરીથી વાંચી જાઓ તો મને આનંદ થશે. તેઓશ્રી કબુલ થયા. તે પછી મેં બે ત્રણ ફોન કર્યા. પણ મને લાગ્યું કે તેમણે તેવું કંઈ કર્યું હોય તેવું લાગ્યું નહીં. વાચકોના પ્રતિભાવોમાં પણ મારું કશું આવ્યું નહીં. આજે નવ માસ થયા.

દરેક મેગેઝીનને વાચકો જોઇએ. દરેકના વ્યક્તિના મનમાં વિચારો કુદકા મારતા હોય. તે શબ્દ સ્વરુપે અને ક્યારેક લેખ સ્વરુપે દૃષ્યમાન થાય. તેને માટે વ્યક્તિ સમય કાઢે છે અને મેગેઝીનને કે મિત્રોને મોકલે. મેગેઝીન વાળા છાપે. અને તેની નકલો અનેક જગ્યાએ પહોંચે. કોઈ વાચકને આ લેખ પસંદ પડે કે ન પડે તો તે લેખ વિષે પોતાનો પ્રતિભાવ આપવાનું નક્કી કરે. તે માટે તે સમય કાઢે અને વિચારોને શબ્દોમાં ગોઠવે અને પ્રતિભાવ રુપે ઉતારે.

પણ આપણે જોયું છે કે વિશાળવાચકવર્ગ ધરાવતા મેગેઝીનના તંત્રીઓ જો તમે જાણીતા ન હો તો તમારી દરકાર કરતા નથી અને ઉત્તર પણ ન પાઠતા નથી. કારણ કે તમારા જેવા તો તેમને માટે અનેક છે. આવા મેગેઝીના તંત્રીઓ વ્યવસ્થાહીન હોય છે.

પણ જો તમે ગાંધીવાદી હો તો ગાંધીને અનુરુપ તમારું વલણ પ્રદર્શિત થવું જોઇએ. મારા કિસ્સાની બાબતમાં લેખક અને તંત્રી/સંપાદકશ્રી એક જ વ્યક્તિ છે. અને પ્રતિભાવક હું છું.

મારા અનુભવ પ્રમાણે અને મારી માન્યતા પ્રમાણે જે અતિ-પ્રતિષ્ઠિત ગાંધીવાદીઓ છે તેઓ તમારા પત્રનો જવાબ આપવામાં માનતા નથી, સિવાય કે તમે પોતે પ્રતિષ્ઠિત હો. (જો કે ગાંધીજી આવા ન હતા. અને તે માટે મારી પાસે ઉદાહરણો છે). હા તમને જવાબ ન મળે જો તમે પત્રમાં ગાળો આપી હોય તો.
મારા માનવા પ્રમાણે ગાંધીવાદીઓએ એકાંગી ન બનવું જોઇએ. ટીકા આવકાર્ય હોવી જોઇએ. અને તેને પણ પ્રસિદ્ધ કરવી જોઇએ જેથી દરેકને પોતાની ભૂલ હોય તો ભૂલ અને સચ્ચાઈ હોય તો સચ્ચાઈ વધુ સારી રીતે સમજવાની તક મળે. પછી તે પોતે તંત્રી/સંપાદક પોતે જ શું કામ ન હોય?

તો આ કારણથી હું મારા પત્રને ખુલ્લો કરું છું.

શિરીષ દવે.

——————————

દિનાંકઃ ૨૬મી ઓગષ્ટ ૨૦૧૩.
પ્રતિ શ્રી સંપાદક,
ભૂમિપુત્ર, યજ્ઞ પ્રકાશન,
હુજરતપાગા, હિંગળાજ માતાની વાડી, વડોદરા-૧.

માનનીય શ્રી સંપાદકજી,

વિષયઃ “અમર્ત્યસેન અને જગદીશ ભગવતીના વિચારો અંગેનું વાક્યુદ્ધ” નો પ્રતિભાવક લેખ.

મેં ભૂમિપુત્ર વાંચવાનું શરુ કર્યું છે.

વચ્ચે ૧૯૮૬થી ૨૦૧૨ સુધી ભૂમિપુત્રનું વાચન બંધ કરેલ. હવે શરુ કર્યું છે. સંતોષ પણ થાય છે અને આઘાત પણ થાય છે. મહેન્દ્રભાઈનું સંકલન અને ગોવર્ધનભાઈનું સમાજ વિદ્યાનું વ્યુત્પત્તિ શાસ્ત્ર કે જે કહો તે વાંચવાની મઝા પડે. બીજા સમાજ સેવાને લગતા વ્યક્તિઓ અને કાર્યને લગતા લેખો વાંચીને કંઈક સંતોષ પણ થાય છે. આશા-વિરેન્દ્રની લઘુ કથાઓ પણ ભૂમિપુત્રને અનુરુપ હોય છે.

આમ તો ભૂમિપુત્રના પહેલા પાને જ લખેલું છે કે “ભૂદાન મૂલક ગ્રામોદ્યોગ પ્રધાન અહિંસક ક્રાંતિનું મુખ પત્રક” જો મારી ભૂલ ન થતી હોય તો મારી સમજ એવી છે કે ભૂમિપુત્રમાં પ્રગટ થતા વિચારો સર્વોદય વિચાર અથવા તો ગાંધીજીના સમાજશાસ્ત્રને અનુરુપ હોય છે અથવા તો હોવા જોઇએ. એ પણ વાત ખરી કે તેનાથી વિરોધી વિચારો પણ હોઇ શકે અને તે શૈક્ષણિક હેતુ માટે ચર્ચામાં સામેલ થઈ શકે. પણ ભૂમિપુત્ર ખુદ જો જાણ્યે અજાણ્યે એકાંગી અવલોકનો અને તારણો પ્રગટ કરવા માંડે અને એક માનનીય હોદ્દાવાળી વ્યક્તિ વિષે અસંબદ્ધ વાતો અને વિશેષણો વાપરવા માંડે ત્યારે ગાંધી વિચારમાં જેમને શ્રદ્ધા કે માન છે તેમને ભૂમિપુત્રના વલણમાં હિંસા દેખાય જ.

હાજી હું ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની જ વાત કરું છું.

ભૂમિપુત્રમાં પ્રગટ થતા કેટલાક લેખો અને સમાચારોની બાંધણીમાં એવું સ્પષ્ટ દેખાય છે કે નરેન્દ્ર મોદીના કાર્યો અને નીતિ, ભૂમિપુત્રને પસંદ નથી. આ માટે મુખ્યત્વે બે કારણો હોઈ શકે. એક છે તેમની કામ કરવાની રીત. બીજું છે તેમની વિકાસની નીતિ. એટલે કે તેમની રાજનીતિ. તેમની રાજનીતિમાં આપણે તેમની અર્થનીતિ અને વિકાસ માટેના તેમના અભિગમનો પણ સમાવેશ ગણી લઈશું.
આમ તો વિકાસ એટલે ફક્ત આર્થિક શક્તિનો વિકાસ, એકલો તો ન જ ગણાય, પણ સાથે સાથે તેમાં માનવીય મૂલ્યો, તંદુરસ્તી, શિક્ષણ અને સુખસગવડના વિકાસ પણ આવી જાય. આ વિકાસ અહિંસક રીતે થવો જોઇએ.

એટલે હવે મૂળ વાત પર આવીએ તો ભૂમિપુત્રમાં “અમર્ત્યસેન અને જગદીશ ભગવતીના વિચારો અંગેનું વાક્યુદ્ધ” નો લેખ વાંચીને પ્રતિભાવ આપવાની ઈચ્છા રોકી ન શકાઈ.

“બે વ્યક્તિઓ વચ્ચેનું વાક્યુદ્ધ” એવું જ્યારે ખબર પડે એટલે સહજ રીતે શું પ્રશ્નોત્તરી થઈ અને તે કેવા પ્રકારની થઈ તે વિષે માહિતિ મળશે તેવી અપેક્ષા રખાય. લગભગ ૧૭૦ લાઈનના (એક પાનાના બે કોલમમાં ૮૦ લાઈનો લેખે), આ લેખમાં લગભગ ૭૦ લીટીઓ સુધી તો કોઈ વાક્યુદ્ધ કે અર્થનીતિ વિષે કશી ચર્ચા નથી. અને બાકીની સો લાઈનોમાં અદ્ધર અદ્ધર વાતો અને રાજકારણ વધુ છે.
“રાજકારણીઓની ગોલા લડાઇઓ … બે અર્થશાસ્ત્રીઓ વચ્ચે કુસ્તી જેવું દંગલ. નોબેલ પ્રાઈઝ પરત …” વિગેરે.

આ ઉપરાંત જે વ્યક્તિ ચર્ચામાં ભાગ જ લેતી નથી તેની વાતો છે. એટલે કે નરેન્દ્ર મોદી વિષેની વાતો, તે પણ તથા કથિત, કે કથા કથિત વર્ણનવાળી. કારણ કે “આર્થિક નીતિના કે વિકાસની નીતિના વિવાદની જડ એટલે નરેન્દ્ર મોદી છે”, તેથી તેની વાતો છે.

હવે જો આપણે નરેદ્ન્ર મોદીનું નામ લઈએ એટલે હરિૐ.

આ હરિૐ શું છે?

તમને ખબર નથી? ૐ તો બ્રહ્મ છે. પણ હરિ તો ૐ કરતાં પણ વિશેષ છે. એટલે પહેલાં હરિ બોલો અને પછી ૐ બોલો. વૈષ્ણવોની આ એક પ્રણાલી છે. અદ્યતન ધર્મનિરપેક્ષ કટારીયા અને દૃષ્ય-શ્રાવ્ય સંચાર માધ્યમોમાંના મૂર્ધન્યોમાં પણ, એક પ્રણાલી કહો તો પ્રણાલી, અને વરણાગીયપણું (ફેશન) કહો તો વરણાગીયાપણું, અસ્તિત્વ ધરાવે છે. તે દાખવે જ છૂટકો.

આ ફેશન શું છે?

આ એ ફેશન છે કે જો તમે નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરો તો તમારે બીજી કોઈ પણ વાત કરતાં પહેલાં, કે પછી વચ્ચે વચ્ચે, કે ગમે ત્યારે ૨૦૦૨ના દંગાની વાત નો ઉલ્લેખ કરવાનો અને કરવાનો જ. અને તેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એક ગોદો નરેન્દ્ર મોદીને મારી દેવાનો જ.

કારણ કે નરેન્દ્ર મોદી ભ્રમ છે. અને તેની પહેલાં, ૨૦૦૨ના દંગા એક માત્ર સત્ય છે.
આ લેખમાં આ ઉપરાંત નરેન્દ્ર મોદીના કાર્યક્રમોને કથા કથિત રીતે તેની બુરાઈના રુપમાં વર્ણવવામાં આવ્યા છે. શબ્દોની પસંદગી અને વાક્ય રચના એવો સંદેશ આપે છે કે નરેન્દ્ર મોદી, પ્રજા સાથે એક રમત અને નાટક કરી રહ્યા છે. એટલે કે તેઓ જે વાત કરે છે તે બધી અસ્તિત્વહીન અને ફરેબ છે.

આમ તો, આ લેખ અમર્ત્યસેન અને જગદીશ ભગવતીના વિચારો અંગેનું વાક્યુદ્ધ એ વિષયને લગતો છે. તો એમાં નરેન્દ્ર મોદી ની કથા કથિત બુરાઈઓને દોહરાવવાની શી જરુર છે? અનિવાર્ય રીતે આ ચર્ચા શૈક્ષણિક અને અર્થશાસ્ત્ર અને વિકાસ વિષે ના મુદ્દાઓથી સભર હોવી જોઈએ.

અપ્રાસ્તુત્ય

અમર્ત્યસેન કોણ હતા, ક્યાં જન્મ્યા, તેમના પિતાશ્રી કોણ હતા, તેમના પિતાશ્રી શું કરતા હતા, અમર્ત્યસેન કઈ જ્ઞાતિના હતા, શું ભણ્યા, શું શું વાંચ્યું, ક્યાં ક્યાં રહ્યા, શું કર્યું, કયા કયા પ્રમાણ પત્રો મેળવ્યા, કયા ચંદ્રકો મળ્યા, તેમની અત્યારની ઉંમર કેટલી, આવી વાતોને “અમર્ત્યસેન અને જગદીશ ભગવતીના વિચારો અંગેનું વાક્યુદ્ધ” ના વિષયમાં સ્થાન આપવું એ વિષયાંતર, તર્કહીન અને અપ્રસ્તુત્ય છે. એવું લાગે છે કે કદાચ લેખકભાઈ સંદેશો એ આપવા માગે છે, આવા ઉચ્ચ જ્ઞાતિમાં જન્મેલ, સુજ્ઞ પિતાશ્રીના સુજ્ઞ સુપુત્ર, વિદ્યાવિભૂષિત, ઈનામોથી નવાજીત માનનીય અર્થશાસ્ત્રી, જો નરેદ્ન્ર મોદીની કાર્ય શૈલી નો વિરોધ કરતું ઉચ્ચારણ કરે તો હે વાચકો તમે તેને બ્રહ્મ સત્ય છે એમ માનો.

વૈજ્ઞાનિક રીતે જોઇએ તો તર્કશુદ્ધતા નક્કી કરવામાં “તર્ક શું છે તે મહત્વનું છે. તર્ક ક્યાંથી આવ્યો તેના આધારે નિર્ણય કરી શકાતો નથી.
૭૦ લીટીઓ અહીં પૂરી થઈ.

ગોદા, નરેન્દ્રભાઈ મોદીને માર્યા પણ આંકડાઓ આપ્યા દેશના.

વાત થઈ જીડીપી ની. જીડીપી એટલે શું? જોકે જે વાચકો સુજ્ઞ છે તેઓ જાણે છે. પણ જો સર્વાંગી વિકાસની ચર્ચા હોય તો જીડીપી જેવી ઘણી ટર્મીનોલોજી છે જેને ઉલ્લેખ થવો જોઇએ અને આ બે મહાનુભાવોએ કર્યો પણ હશે. જેમકે જનરલ ડોમેસ્ટીક કંઝંપ્શન, જનરલ ડોમેસ્ટીક પ્રાઈસ ઈન્ડેક્સ, ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્સન વિગેરે. ચલો આ વાત પણ જવા દઈએ,

વાત કઈ કઠે છે? આંકડાઓમાં ગુજરાતની વાત ન થઈ. દેશની વાત થઈ. નરેન્દ્રભાઈ મોદીને ગોદા માર્યા છે તો દેશની વાત કરવાને બદલે ગુજરાતની અને બાકીના રાજ્યોની પ્રજા સ્થિતિની વાત પણ કરવી જોઇએ.

જો તમે આ લેખ એક સંકલિત લેખ તરીકે પ્રગટ કર્યો હોય તો, આ સંકલન, પ્રાસ્તુત્યના પ્રમાણભાન સાથે પ્રતિબિંબિત થતું નથી.

એક વાત સમજવા જેવી છે તે સમજી લો. તે એ છે કે સુજ્ઞ જનોમાં અને અસુજ્ઞ જનોમાં એક વર્ગ છે. અને તે એવો મોટો વર્ગ છે કે જે આંકડાઓને અને તારણોને ભ્રામક માને છે.

આંકડાઓ બ્રહ્મ નથી. મોટે ભાગે આંકડાઓ ભ્રમ જ પેદા કરે છે.

શંકરાચાર્યે આ વાત બીજી રીતે કરી છે. વેદ એ સત્ય છે. વેદ એ પ્રમાણ છે. પણ પ્રત્યક્ષ પ્રમાણનું શુ? શંકરાચાર્ય કહે છે. પ્રત્યક્ષ પ્રમાણ એ વેદથી પણ ઉપર છે. જો પ્રત્યક્ષ પ્રમાણ અને વેદપ્રમાણમાં વિરોધાભાસ હોય તો પ્રત્યક્ષ પ્રમાણ એ સત્ય છે. આપણે લાંબી વાત નહીં કરીએ, પણ શંકરાચાર્ય એક દાખલો આપે છે કે ધારો કે વેદ કહે કે અગ્નિ શીતલ છે. પણ પ્રત્યક્ષપણું એમ કહે છે કે અગ્નિ ઉષ્ણ છે. તો પ્રત્યક્ષ પ્રમાણ છે તેને સ્વિકારો.

જો વાક્યુદ્ધની વાત કરતા હોઈએ તો મુદ્દાની જ વાત કરવી જોઇએ. શ્રી જગદીશ મહેતાએ અમર્ત્યસેન સાથે ઝગડો કેમ કર્યો તે દર્શાવવું એ અપ્રસ્તુત ગણવું જોઇએ. ભૂમિપુત્રે આવા પૂર્વગ્રહો પેદા કરવામાંથી દૂર રહેવું જોઇએ.

જો નરેન્દ્ર મોદીને ગોદા મારવાની લાલચ ન રોકી શકાતી હોય અને બે મહાનુભાવોના ઝગડાનું કારણ નરેન્દ્ર મોદી છે, અને વાત, ગુજરાતના વિકાસના વિશ્લેષણની હોય, તો અમર્ત્યસેને ભલે દેશની વાત પણ કરી હોય, પણ તેનો ગુજરાતનો સંદર્ભ પણ બતાવવો જોઇએ.

અમર્ત્યસેનને હિસાબે, માળખાકીય વિકાસ એટલે જ વિકાસ છે એમ નથી. એટલે કે ભણતર, તંદુરસ્તીમાં પણ વિકાસ થવો જોઇએ એમ લેખમાં જણાવ્યું છે. સંદેશ એવો છે ગુજરાતમાં ભણતર અને તંદુરસ્તીનો વિકાસ બીજા રાજ્યો જેવો નરેન્દ્ર મોદીએ કર્યો નથી. ભણતર, તંદુરસ્તી, ની સાથે સાથે સ્વચ્છતા, સભ્યતા, સંસ્કાર, વિગેરે પણ ઉમેરી શકાય.

શિક્ષણ નો વ્યાપક અર્થ કરવો જોઇએ એટલે કે અક્ષરજ્ઞાન, વાચન, વિચાર, આચાર, સ્વભાવ, સંસ્કાર બધાનો સમાવેશ કરવો જોઇએ. બાકી જે વિકાસ રહ્યો, તે આર્થિક વિકાસ. આ આર્થિક વિકાસ, ઉત્પાદન અને નાણાની પ્રવાહિતા ઉપર આધાર રાખે છે.

હવે શંકરાચાર્યના પ્રત્યક્ષ પ્રમાણને યાદ કરો.

શું ગુજરાતમાં ગરીબો ને અવગણવામાં આવ્યા છે? અને તેઓ ગરીબ જ રહ્યા છે? જો આમ હોય તો ગરીબો વધી જવા જોઇએ અને મજુરીનો દર નીચે જવો જોઈએ. પણ અમારા મિત્ર બંસીભાઈ પટેલ કહે છે કે “અમે ૩૦૦ રૂપીયા આપવા તૈયાર છીએ પણ મજુરો મળતા નથી. મજુરો મેળવવા એક માથાનો દુખાવો છે.”
આ વાત જવા દો.

ગુજરાતમાં મજુરી કરવા માટે રાજસ્થાન, ઉત્તર ભારત, ઓરીસ્સા વિગેરે રાજ્યોમાંથી ઉત્તરોત્તર વધુને વધુ લોકો શા માટે આવે છે? મુંબઈ સિવાયના બીજા પ્રદેશોમાં ગુજરાતી મજુરો કેટલા? આ જ વાત નોકરીયાતોને લાગુ પડે છે.
સાથે સાથે સંસ્કારની પણ વાત કરી લઈએ. મેં મુંબઈ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આસામ અને શિલોંગમાં કે દેશના બધા જ રાજ્યોમાં ત્યાંના પરપ્રાંતીયો, પોતાની દુકાનમાં કે ધંધામાં પોતાના પ્રાંતના લોકોને જ રાખે છે એવું જોયું છે.

ગુજરાતીઓ જ્યારે પરપ્રાંતમાં હોય ત્યારે સ્થાનિકોને રાખે છે. એટલું જ નહીં તેઓ ત્યાંની સ્થાનિક ભાષા પણ શિખી જાય છે. આ એક સંસ્કાર છે અને તેના ઘણા સૂચિતાર્થો છે.

નહેરુએ સત્તાના લોભમાં મુંબઈમાં અભદ્ર ઉચ્ચારણો કરી મરાઠીઓને ગુજરાતી વિરુદ્ધ ભડકાવેલા અને દંગા કરાવેલા. એ બાદ કરતાં ગુજરાતીઓને પરપ્રાંતમાં ક્યારેય તકલીફ પડી નથી. તેમજ પરપ્રાંતીયોને ગુજરાતમાં ક્યારેય તકલીફ પડી નથી. આ ગુજરાતનું શિક્ષણ છે અને આ ગુજરાતના સંસ્કાર છે. નરેન્દ્ર મોદીએ તેને વિકસાવ્યા છે પણ બીજા રાજ્યોની જેમ ગુજરાતીઓને બહેકાવ્યા નથી.

નરેન્દ્ર મોદીએ શિક્ષણ ને ૬૦ ટકાના સ્તરેથી ૮૦ ટકાના સ્તરે લઈ ગયા છે. “વાંચે ગુજરાત”, શાળા પ્રવેશ, આશ્રમ શાળાઓ, ખેલ મહાકુંભ, વિગેરે પ્રવૃત્તિઓ અમલમાં મુકી છે. આ બાબતોનો ઉલ્લેખ અને ચર્ચા હોવી જોઇએ.
સખી માંડળો કરોડોનો રુપીયાનો ધંધો કરે છે. તે વિષે પણ ચર્ચા હોવી જોઈતી હતી. અમર્ત્યસેન આ બાબતમાં શું કહે છે તે આપણે જાણતા નથી. અને જો તેમણે આ બાબતો વિષે કંઈક કહ્યું હોય તો આ લેખમાં તેનો ઉલ્લેખ નથી. મારા ખ્યાલ પ્રમાણે ભૂમિપુત્રના કોઈપણ અંકમાં તેનો બીજાઓ દ્વારા પણ ઉલ્લેખ નથી.

ખેતીની જમીન અને તેનું સંપાદન

“ખેતીની જમીન અને તેનું સંપાદન” એમાં સમસ્યા કરતાં અનેક ગણું વધારે રાજકારણ છે. યાદ કરો, સાઠના દશકામાં ગાંધીનગર શહેર, અને તાલુકે તાલુકે બનેલી એવી ૧૮૨ ઔદ્યોગિક વસાહતો (જે મનુભાઈ શાહે ઉભી કરેલી) માં ખેતીની જમીન જ વપરાઈ છે. ગુજરાતમાં અસંખ્ય જંગલો કપાયાં છે. ૧૯૫૦ના દશકામાં પંચમહાલ જંગલોથી ભરચક હતું. ગોધરાથી લુણાવાડા ના રેલરોડ ઉપર ઘટાટોપ જંગલ હતું. બધા ડુંગરાઓ પણ વૃક્ષોથી ભરપૂર હતા. આ બધા જંગલો કપાઈ ગયા છે.

નરેન્દ્ર મોદીએ આવું કશું કર્યું નથી. તેની નોંધ લેવી જોઇએ. નરેન્દ્ર મોદીએ ખરાબાની જમીનોને નવસાધ્ય કરી છે. એટલે કે અમર્ત્યસેન સહિત જે લોકોએ આ બાબતને લક્ષ્યમાં લીધી નથી તેઓ નરેન્દ્ર મોદીને વગોવવાની યોગ્યતા ધરાવતા નથી.

પર્યાવરણ ઉપર પહેલો પ્રહાર

એક વસ્તુ પર્યાવરણવાદીઓએ સમજી લેવી જોઇએ કે પર્યાવરણની સમતુલા ઉપર પહેલો પ્રહાર એટલે ખેતી. ભલે આ પ્રહાર પાંચ દશ હજાર વર્ષ પહેલાં થયો હોય પણ જો સમજણ આવી હોય તો તેમાં સુધારાને અવકાશ છે.

બીજી એટલી જ મહત્વની વાત હોય તો ગામડા અને અલ્પમાળી મકાનોને લગતી છે. જો જમીનનું મૂલ્ય સમજાતું હોય તો ગ્રામ્ય સંસ્કૃતિની માનસિકતામાંથી અને જમીન ઉપર વ્યક્તિના માલિકીના હક્કોની માનસિકતામાંથી બહાર નિકળવું પડશે. માંસાહાર છોડવો પડશે. કારણ કે જેઓ માંસાહારી છે તેઓ શાકાહારી પ્રાણીઓને ખાય છે. શાકાહારી પ્રાણીઓનો ઉછેર કરવો પડે છે અને તેને માટે છ ગણી જમીન વપરાય છે.

ઘરે ઘરે ગાય બાંધવી અને મફતમાં ગૌચરનો ચારો મેળવવો એ માનસિકતામાંથી પણ બહાર નિકળવું પડશે. હવે તો ગાયો ગૌશાળામાં જ શોભશે.

બહુમાળી મકાનો બાંધી, જમીન ફાજલ કરવી પડશે. ગામડાઓને બહુમાળી સંકુલોમાં ફેરવવા પડશે. સ્વતંત્ર બંગલાઓ ટેનામેન્ટના મોહમાંથી દૂર થવું પડશે. જમીનનો ઉપયોગ મોટાભાગે વૃક્ષો માટે જ કરવો પડશે જેથી ફળો અને લાકડું મળી શકે. અનાજ અને શાક માટે અગાશીઓ, ગેલેરીઓ અને બહુમાળી બાંધકામનો ઉપયોગ કરવો પડશે.

મોઢું ફુઆવીને ફરવાની જરુર નથી

વાસ્તવમાં માળખાકીય વિકાસમાં દેશ શું કે ગુજરાત શું, પાશેરામાં પહેલી પૂણી પણ નથી. એટલે માળખાકીય સુવિધાઓમાં થતા વિકાસની બાબતમાં અત્યારથી જ મોઢું ફુલાવીને ફરવું તે ટૂંકી દૃષ્ટિ છે. (માળખાકીય બાંધકામમાં આપણે ૧૦૦ વર્ષ કરતાં પણ વધુ પાછળ છીએ)

મોરારજી દેસાઈએ જ્યારે ખાદીના વપરાશને સરકારી ઓફીસોમાં ફરજીયાત કર્યો, ત્યારે કેટલાક અર્થશાસ્ત્રીઓએ બળાપો વ્યક્ત કર્યો કે, જો બધા ખાદી પહેરશે તો મીલના કાપડનું શું કરીશું? જવાબ હતો, કે મીલના કાપડને નિકાસ કરીશું અને વિદેશી હુંડીયામણ રળીશું. તો સામો સવાલ હતો કે તો પછી વિદેશી હુંડીયામણ નો ભરાવો થઈ જશે. આ વિદેશી હુંડીયામણનું કરીશું?

વાત ગધુભાઈને તાવ આવે એવી હતી એટલે વાત જવા દો.

નરેન્દ્ર મોદીનું મગજ કેવું ચાલે છે તે જુઓ.

નરેન્દ્ર મોદી પાસે એક કંપની આવી. તેને ટાયરનું કારખાનું નાખવું હતું. નરેન્દ્ર મોદીએ પૂછ્યું રબર ક્યાંથી લાવશો? તેણે કહ્યું કેરાલામાંથી. નરેન્દ્ર મોદીએ કહ્યું ના તમે અહીં જ રબર વાવો. અને ટાયર પણ બનાવો. અને તેમ થયું.

નરેન્દ્ર મોદીએ પતંગના કારીગરોને પૂછ્યું પતંગમાં કોનો કોનો હિસ્સો હોય છે? ગણત્રી કરીને તેઓએ કહ્યું ૨૯ જાતના કામ હોય છે. કાગળ, વાંસ, દોરા, રીલ, ફીરકી, જુદા જુદા કટીંગ, જોડાણો, ગુંદર, કાતર, જુદા જુદા ટ્રાન્સપોર્ટ, વેપારી, એજન્ટો, વિગેરે.

નરેન્દ્ર મોદીએ પૂછ્યું વાંસ ક્યાંથી આવે છે?

“આસામથી.

નરેન્દ્ર મોદી; “આપણે ત્યાં પણ વાંસ ઉગે છે. આસામથી શા માટે લાવવો પડે છે?

“આસામના વાંસમાં બે ગાંઠો વચ્ચે વધુ અંતર હોય છે. તેથી સારા પતંગ બને છે.

નરેન્દ્ર મોદી; “આપણા કૃષિવૈજ્ઞાનિકોએ સંશોધન કરીને એવા વાંસ બનાવવા જોઇએ.
(ગુજરાતના કૃષિવૈજ્ઞાનિકોએ તે કામ કર્યું)

નરેન્દ્ર મોદીએ કહ્યું શેરડીમાં પણ બે ગાંઠો વચ્ચેનું અંતર વધારી શકાય. ગુજરાતના કૃષિ વૈજ્ઞાનિકોએ તે કામ પણ કર્યું. શેરડીના સાંઠાએ ૨૦ ટકા વધુ રસ આપ્યો.

આવી તો ઘણી વાતો છે જેમાં નરેન્દ્ર મોદીએ અંગત રસ લીધો. નરેન્દ્ર મોદીની આ માનસિકતા છે. આની તમે નોંધ લીધી? નરેન્દ્ર મોદી જેતે વિસ્તારના સ્વાવલંબનમાં માને છે અને જ્યાં શક્ય છે ત્યાં તે પ્રમાણે વર્તે છે, જેથી ટ્રાન્સ્પોર્ટના અનુત્પાદક ખર્ચાઓ ઘટાડી શકાય. આને આપણે ગાંધી વાદ કહી શકીએ. મને એવું લાગે છે કે કેટલાક ગાંધીવાદીઓ કરતાં નરેન્દ્ર મોદી ગાંધીની વધુ નજીક છે.

નરેન્દ્ર મોદીના સદ્ભાવના આંદોલનને પણ જ્યારે અવળ અને વક્ર દૃષ્ટિકોણથી જોવામાં આવે તો બીજી આશા તો રાખી જ કેમ શકાય? મને લાગે છે કે નરેન્દ્ર મોદીને સમજવામાં ગાંધીપ્રબોધિત દૃષ્ટિકોણ રાખવામાં આવતો નથી.

હવે તમે એક અચરજની વાત જુઓ. ખાદી ગ્રામોદ્યોગવાળી સંસ્થાની, ખાદી વિચાર પરત્વેની સમજણ કેવી છે?

ગુજરાતમાં ખાદી ભંડારની ખાદી

ખાદી ભંડારમાં ખાદી લેવા જઈએ તો પરપ્રાંતની ખાદી ખડકેલી હોય. ગુજરાતની ખાદી તો નામ માત્રની હોય. પરપ્રાંતની ખાદીને ગુજરાતમાં લાવીને વેચવી એ ગાંધી વિચારધારાથી વિપરીત છે. જે તે વિસ્તારની ખાદી તે જ વિસ્તારમાં વેચાવી જોઇએ. કારણ કે ખાદી જે તે વિસ્તારના વસ્ત્રમાટેના સ્વાવલંબન માટે છે.
પરપ્રાંતની ખાદી એ ખરેખર ખાદી છે કે કેમ? પરપ્રાંતની ખાદીનું પોત જોઈને તો પરપ્રાંતની ખાદી, ખાદી પરત્વે શંકા ઉભી કરે તેવી હોય છે. એટલું જ નહીં જો પરપ્રાંતના લોકો ખાદી ન પહેરતા હોય અથવા ઓછી ખાદી પહેરતા હોય તો પરપ્રાંતની ખાદી ગુજરાત માટે ખાદી કહેવાય જ નહીં. વાસ્તવમાં ખાદી તો જીલ્લા કક્ષાની, તાલુકા કક્ષાની અને ગ્રામ્ય કક્ષાની હોવી જોઇએ. ખરી ખાદી તો ગ્રામ્ય કક્ષાની જ કહેવાય.

ચાલો જોઇએ ભૂમિપુત્રનો પ્રતિભાવ કેવો છે.

શિરીષ મોહનલાલ દવે

એ-૮૪, જ્યુપીટર ટાવર, બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૪.
ફોન નં. ૦૭૯- ૨૬૮૫૫૫૫૪,

Read Full Post »

એક અગ્રગણ્ય ગુજરાતી દૈનિકમાં ચુનીભાઈ વૈદ્ય નો એક લેખ છપાયો છે. ચુનીભાઈ વૈદ્ય એક માનનીય વ્યક્તિ છે. તેઓ મહાત્મા ગાંધીના આદર્શોને મનસા વાચા અને કર્મને વરેલા એક માન્ય વ્યક્તિ છે. ઉપરોક્ત લેખ આ ચૂંટણીને સમયે છાપવામાં એમની સંમતિ લીધી હશે કે કેમ તે એક શંકાનો વિષય છે. કદાચ તેમણે સંમતિ આપી હોય અને ન પણ આપી હોય. કદાચ તેમને ખબર પણ ન હોય. આ પ્રશ્ન ઉઠવા માટેનું કારણ પણ છે. શ્રી ચૂનીભાઈ વૈદ્ય રાજકારણ થી અલિપ્ત છે. અને તેઓ એવું ન જ ઈચ્છતા હોય કે કોઇ એક બદતર પક્ષ  (નહેરુવીયન કોંગ્રેસ જ તો) તેમનો લાભ ઉઠાવે.

માર્કાવાળો માલ

ચૂનીભાઈ રાજકારણ થી અલિપ્ત છે એનો અર્થ એ છે કે પક્ષીય અને સત્તાના રાજકારણ થી તેઓશ્રી અલિપ્ત છે. ગાંધીજીના માર્ગે તેઓ પ્રજાકારણનું કામ તો કરી જ રહ્યા છે. પણ આ પ્રજાકારણના તેમના યજ્ઞમાં આપણા કોંગી જનો “ઘુસ” મારે છે. અને આ તો અમારું પ્રજાકારણ છે અને ચુનીભાઈ અમારી સાથે છે એવો આભાસ ઉભો કરે છે. આમેય નહેરુવીયન કોંગી જનો જ્યારે વિપક્ષે હોય ત્યારે વિરોધ, પ્રદર્શનો, ઘેરાવો, સરઘસો અને લાગ મળે ત્યારે ચુનીભાઈ જેવાના કાર્યક્રમોમાં પોતાના ફોટા પડાવી લે છે. માર્કા વાળા માલની કિંમત વધે તેમ આ નહેરુવીયન કોંગી જનો પોતાના ઉપર મહાત્મા ગાંધીવાળાનો માર્કો લાગે તો પોતાની કિમત વધે એ લાભ મેળવવા આતુર રહેતા હોય છે. ગાંધીવાદીમાંના કેટલાકને બાદ કરતા બાકીના કોઈને અછૂત માનતા નથી. કેટલાક આરએસએસને તેથી કરીને બીજેપીને પણ અછૂત માને છે તે વાત જુદી છે. જોકે આ વાત તેમનામાં (ગાંધીવાદીઓમાં) રહેલી ગાંધીવાદપણાની કચાશ છે.

ચૂનીભાઈ વૈદ્યનો લેખ શું હતો?

આ લેખમાં ચુનીભાઈએ ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓએ ખેતીની જમીન અને  ગૌચરની જમીન ઉદ્યોગ પતિઓને આપી દેવાની સરકારી તજવીજો સામે અવાજ ઉઠાવેલ અને આંદોલન ચલાવેલ અને વિજયો પણ મેળવેલ તેની ગાથાઓ હતી. કેટલીક જગ્યાએ ખેડૂતોના હિત ની રક્ષા માટે ગ્રામપંચાયતોની સામે પણ લડત આપવી પડતી તેવી વાતોનો પણ ઉલ્લેખ છે.

મારા આ લેખને તમે “ગૌચરની જમીન કોંગીનું દે ધનાધન” લીંક  https://treenetram.wordpress.com/2012/06/10/%E0%AA%97%E0%AB%8C%E0%AA%9A%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8-%E0%AA%89%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%95%E0%AB%8B%E0%AA%82%E0%AA%97%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82/

અને “ચોક્ખું ઘી અને હાથી”ની લીંક

https://treenetram.wordpress.com/2010/10/22/%E0%AA%9A%E0%AB%8B%E0%AA%95%E0%AB%8D%E0%AA%96%E0%AB%81%E0%AA%82-%E0%AA%98%E0%AB%80-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80/

ના સંદર્ભમાં અચૂક વાંચવા.

ગાંધીજીએ પ્રબોધેલું દેશનું મોડેલ શ્રેષ્ઠ છે

આ મોડેલ આજની તારીખમાં પણ પ્રસ્તુત છે. પણ તે એક દિશા છે. તેમાં રહેલા માનવીય મૂલ્યોને સિદ્ધાંતના સ્વરુપમાં સ્વિકારવા જોઇએ.

નહેરુવીયન કોંગીઓ દ્વારા અને પ્રતિ-મોદીઓ દ્વારા એવું માનવા મનાવવામાં આવે છે કે મોદી, ગરીબ, ગ્રામ્યપ્રજાના અને ખેડૂતોને ભોગે, ઉદ્યોગપતિઓને  વધુ પડતી મદદ કરે છે. આવું કરવામાં ખેતીની ફળદ્રુપ જમીન અને ગૌચરની જમીનનો પણ ભોગ લેવાય છે. જોકે આજ વલણ, અથવા તો આ જ દીશામાં અતિ વરવું એવું વલણ મહારાષ્ટ્રમાં અને અન્યત્ર, કોંગી બંધુઓ અને ત્યાંના સ્થાનિક મળતીયા નેતાઓ અપનાવે છે અને ધૂમ કમાણી, પોતાના ખિસ્સા ભેગી કરે છે. પણ આ વાત આપણે જવા દઈએ અને સૈધાંતિક અને શૈક્ષણિક ચર્ચા કરીએ.

જ્યારે તમે શહેરોને તોડવા તૈયાર નથી ત્યારેઃ  

પચાસ કે સો વર્ષ પહેલાં હિન્દુસ્તાનમાં જે વસ્તી હતી, જે ગામડા હતા તે હવે નથી તે આપણે સમજવું જોઇએ. આપણે કેવા ફેરફારો કરવા તૈયાર છીએ તેની આપણી પાસે બ્લ્યુ પ્રીંટ હોવી જોઇએ. આ જો ન હોય અને આપણે ફક્ત ખેડૂતો, ગ્રામ્ય પ્રજા અને ગૌચરને નામે દેકારો કર્યા કરીએ, રુકાવટ લાવ્યા કરીએ તેથી કોઈ મૂલ્યોનું રક્ષણ થતું નથી.

ભારતની વસ્તી સવા અબજ છે. તે કેટલા સમયમાં દોઢ બે અબજને પહોંચી જશે? આપણે તેને કેવી રીતે નહીં પહોંચવા દઈએ? આ માટે આપણી પાસે કોઈ ક્ષતિવગરનું અને અથવા ખાત્રી પૂર્વકનું કે ખાત્રી વગરનું પણ આયોજન નથી. આ વાત જવા દઈએ તો પણ હાલની વસ્તી પણ કોઈ નાની સૂની નથી. ભારત આઝાદ થયું ત્યારે આજની જ જમીન ઉપર ૩૫ કરોડ માનવ વસ્તી હતી. આજે એજ જમીન ઉપર અઢી ગણી વધારાની વસ્તીનો ઉમેરો થયો છે. એટલે કે લગભગ સાડાત્રણ ગણી વસ્તી થઈ ગઈ છે. જ્યારે વસ્તી ૩૫ કરોડની હતી ત્યારે પણ મોટાભાગની તો ગરીબ જ હતી. ૮૦ ટકા વસ્તી તો ખેતી ઉપર જ નભતી હતી. જે જંગલો સપાટ જમીન ઉપર હતા તે બધાં તો મોટે ભાગે કપાઈને ખેતરો થઈ ગયાં છે. પણ ખેતી લાયક જમીન કેટલી વધી તે સંશોધનનો વિષય છે. તમે જંગલ કાપીને ખેતર બનાવો એથી કંઈ જમીનની પેદાશ વધતી નથી. આ તો તમે આંબા કાપીને ઘઉં પેદા કરો એના જેવી કે તેનાથી પણ ખરાબ વાત છે. જ્યારે જંગલ હતું ત્યારે ઝાડ હતા અને તેના ઉપરનું ઉત્પાદન મલ્ટીલેયરનું હતું. (વનવાસીઓ નભતા હતા. જોકે ગરીબ હતા). ઘઉં કે તમાકુ વાવ્યું તો ઉત્પાદન એક લેયર નું થઈ ગયું. પર્યાવરણ ની વાત જવા દો તો પણ કુદરતી દ્રષ્ટિએ તો જમીન પાસેથી તમે ઓછું જ ઉત્પાદન લીધું.

ખરાબાની જમીન જો તમે નવ સાધ્ય કરો તો જમીન વધે. નરેન્દ્ર મોદીના શાસન દરમ્યાન ૩૩ લાખ હેક્ટર ખરાબાની જમીન નવ સાધ્ય થઈ તે વાતને જેઓ પોતાને તટસ્થ વિચારધારા વાળા માનતા હોય તેમણે અને ગાંધી વાદીઓએ પણ વધાવવી જોઇએ. જો તમે આવું ન કરો તો એવો જ અર્થ થાય કે તમે વરવું અને મૂલ્યહીન રાજકારણ ખેલવા માગો છો. તમારું ધ્યેય કાં તો સત્તાનું છે કે લાઈમલાઈટમાં રહેવાનું છે.

મૂળ વાત પર આવીએ.

આપણે ખેડૂતોને ક્યા લેવલ ઉપર લઈ જવા છે?

ખેતરની જમીન શું નરેન્દ્ર મોદીના સમયથી જ ઉદ્યોગોને આપવાનું શરુ થયું છે?

યાદ કરો. ૧૯૫૬ થી ૧૯૬૭ નો સમય. મનુભાઈ શાહે જીલ્લે જીલ્લે અને મોટાભાગના તાલુકે તાલુકે ગુજરાકેત ઔદ્યોગિક વિકાસ કોર્પોરેશન (જી.આ્ઈ.ડી.સી.). સૌરાષ્ટ્રના શહેરો સહિત, અમદાવદથી ઉમરગામ સુધીનો પટ્ટો ઉદ્યોગોથી ધમધમવા માંડેલ. ૧૯૫૫ના અરસામાં લુણેજમાંથી ઓએનજીસીએ તેલની શોધ કરેલ. આ બધી જમીનો શું ખેતીની ન હતી? આ ખેતીની જમીન જે ઉદ્યોગો માટે વપરાઈ તેનો હિસાબ માંડો. પછી નરેન્દ્ર મોદીની વાત કરો. નરેન્દ્ર મોદીની વાત કરો ત્યારે એ પણ જાણો કે નરેદ્ન્ર મોદીએ ખરાબાની કેટલી જમીન ખેતીમાટે નવ સાધ્ય કરી, અને કેટલો ખારો પાટ અને રણ પ્રદેશ ઉદ્યોગોને ફાળવ્યો.

મૂળવાત છે માનવ સંસાધનના ઉપયોગની. તમે ખેતીમાં ઉપજ કરવા માટે કેટલા માનવોનો ઉપયોગ કરવા માગો છો? જો તમે ખેતી ઉપર માનવોનું ભારણ વધારશો તો માનવો ગરીબ જ રહેશે. ભારતની વસ્તી સવા અબજની છે. શું તમારે તેને ખેતી ઉપર જ નભતી રાખવી છે?

આવી જ વાત ગૌચરની છેઃ

આમ તો સંસ્કૃતમાં ગૌ એટલે ગાય, બળદ, ભેંસ, ઘોડા, અને જમીન ખૂદ નો સમાવેશ થઈ જાય છે.

પણ આપણે ગૌનો ચીલાચાલુ અર્થ કરીશું. અલબત, ભેંસને તો ગાયમાં ગણીશું જ.

શું આપણે ગાયોને રામ ભરોસે, ગૌચરની જમીન ઉપર જ નભતી રાખવી છે?

ખરેખર ગાયો ગૌચર ઉપર નભે છે ખરી? નભે છે તો કેટલી નભે છે? ગૌચરની હાલત તમે જોઇ છે? ન જોઇ હોય તો બાવળા અને કાવિઠાની વચ્ચે આવેલા રાસમ ગામની ગૌચરની જમીન જુઓ. તેવા જ હાલ બધી ગૌચરની જમીનના છે. ગૌચરની જમીનની વરવી વાતો ઉપરોક્ત લેખમાં (“ગૌચરની જમીન કોંગીનું દે ધનાધન”) છે.

જેટલી ગાયો ગૌચર ઉપર નભે છે કદાચ તેટલી જ શહેર અને કસ્બા અને ગામડાની શેરીઓ માં ઘુમતી ઘુમતી આચરકુચર ખાતી નભે છે. ગૌચર કરતાં ગાયો માટે શેરીઓ વધુ મોટાં ખોરાકના સ્થળ છે. આ સ્થળોને ગાયો માટેના વૉકીંગ માટેના સ્થળો ગણવા વધુ યોગ્ય ગણાશે.

જુના જમાનામાં ભારતનો સમાજ ગ્રામ્ય સમાજ હતો. તે ખેતી અને ગૃહ ઉદ્યોગો ઉપર નભતો હતો. ઇસ્ટઈન્ડીયા કંપનીએ ભારતનો કબજો લીધો અને કાંતણ વણાટના ગૃહ ઉદ્યોગોને નષ્ટ કર્યા.. બીજા ગૃહ ઉદ્યોગો ચાલુ રહ્યા એટલે ગ્રામ્ય સંસ્કૃતી ચાલુ રહી પણ ગરીબી તો આવી જ હતી. લોકો ઘરે ગાય રાખતા. ખેડૂતો બળદ રાખતા. સૌના ઘર જમીન ઉપર હતા એટલે ગાય અને બળદને રાખવું પોષાઈ શકે તેમ હતું. હવે તો રસ્તા ઉપર પણ ગાય, બળદ, ભેંસ વિગેરે રાખી શકાય તેમ નથી. કારણ કે જમીનની તંગી છે.

સુયોગ્ય સમજ કેળવવી પડશે

જમીનની તંગીનો પ્રશ્ન હજી પણ વિકટ બનશે. જમીનને ઘાસ માટે, ગૌચર અને દેશની ધરોહર નામે ખુલ્લી રાખવી એ જમીનનો વ્યય છે. આ સમજ કેળવવી જ પડશે. ઘાસ ઉગાડવા માટેની મલ્ટીલેયર તરકીબો શોધવી પડશે. જો કે શોધ ખોળો તો ઘણી થઈ છે. પણ જો મફતમાં જમીન મળતી હોય અને ઢોરોને રખડતા મુકી શકાતા હોય, વળી આવી સ્થિતિ ચાલુ રાખવા માટે આંદોલનો સ્વિકારવા જનતા તૈયાર હોય, સમાચાર માધ્યમો પણ કવરેજ આપવા તૈયાર હોય તો આપણે ખ્યાતિ મેળવવી જ જોઇએ, એવું કોંગી જનો માને છે.

વિકલ્પ વગરનો વિચાર, વિકલ્પ વગરનો વિરોધ અને વિકલ્પ વગરનું આંદોલન ક્ષમ્ય ન ગણાવવા જોઇએ.

ગૌચરની જમીનનો વિકલ્પ શો?

ગૌશાળાઓનું આયોજન એ ગૌચરની જમીન નો વિકલ્પ છે. જેમ સીમેન્ટ ના કારખાન છે, જેમ ઈંટોની ફેક્ટરીઓ છે, જેમ નળીયાના કારખાના છે, જેમ પાણીના તળાવો છે તેમ ગૌસૃષ્ટિના સંસાધન માટે ગૌશાળાઓનું આયોજન કરવું પડશે. તેમાં મલ્ટી લેયર ઘાસ/રજકો ઉગાડવો પડશે. ખાતર, ગૌમૂત્ર અને ગેસ તેની આડ પેદાશ માટેનું આયોજન પણ કરીશું તો પશુ-સંસાધનનો નિપૂણતા પૂર્વકનો ઉપયોગ થઈ શકશે.

નરેન્દ્ર મોદીએ વૈકલ્પિક ઉર્જાનો પણ વિકાસ કર્યો છે. તેને બિરદાવવો જોઇએ. હજી મોટે પાયે આ ઉર્જાનો વિકાસ કરવો પડશે.

 ગામડાની રચના બદલવી પડશે. ચીને આવું કર્યું જ છે. આપણે વધુ સારી રીતે કરી શકીશું.

નહેરુવીયન કોંગ્રેસની તો દૃષ્ટિ જ ટૂંકી છે. તે મહિલાઓને ૧૦૦ વાર જમીન વિના મૂલ્યે આપવાની જાહેરાત કરે છે. આ જમીન નો ગુન્હાઈત વ્યય છે.

જો તમે ૫૬+ વર્ષ એક ચક્રી રાજ કર્યું હોય અને મોટા ભાગની જનતા ગરીબ રહી હોય અને તમારે તેમને મફત આપવાની અને તેમને મફત લેવાની મજબુરી થતી હોય તો તમારી એક પક્ષ તરીકેની ગેરલાયકાત  છે. તમે આટલા વર્ષોને અંતે પણ જનતાને પગભર ન કરી. તો તમારે ડૂબી મરવું જોઇએ.

કશું મફત મળવું ન જોઇએ

ન તો ઘાસ, ન તો અનાજ ન તો જમીન મફત મળવી જોઇએ અને ન તો ઘર મફત મળવું જોઇએ. સૌને રોજી આપો અને કિમત વસુલ કરો. બહુ બહુ તો ન નફો ન નુકશાન એવી પ્રણાલી સ્થાપો. મકાનો ન આપો પણ ફ્લેટ આપો અને મફત ન આપો પણ ભાડે કે ભાડા ખરીદ પદ્ધતિ થી આપો. દરેક સમસ્યાનું નિવારણ છે. ફક્ત શુદ્ધ બુદ્ધિ જોઇએ.

શિરીષ મોહન લાલ દવે

ટેગ્ઝઃ ચુનીભાઈ, ગાંધીવાદી, ગ્રામ, ખેતી, ઉત્પાદન, ઉપજ, વૃક્ષ, જમીન, વ્યય, આયોજન, વૈકલ્પિક ઉર્જા, રણ, ખરાબાની જમીન, ખારોપાટ, ખેતીની જમીન, ઉદ્યોગો, જીઆઈડીસી, મનુભાઈ શાહ, મફત

Read Full Post »

%d bloggers like this: