ક્યાં ખોવાયા હાડમાંસના બનેલા રામ? ભાગ-૧/૯
રામ કોણ હતા?
એક એવા રામ હતા જે રઘુવંશી દશરાજાના પુત્ર હતા. તેઓ હાડમાંસના બનેલા માત્ર અને માત્ર મનુષ્ય હતા. આમ તો તેઓ એક રાજકુંવર હતા અને એક કુશળ શાસક પણ અવશ્ય હતા. પણ થયું એવું કે એમની અસાધારણ, અદ્વિતીય મહાનતા અને આદર્શને કારણે એમને જનતાએ ભગવાન બનાવી દીધા.
જ્યારે કોઈને ભગવાન બનાવી દઈએ ત્યારે તે વ્યક્તિમાં રહેલી વાસ્તવિકતા, વિદ્વત્તા, નૈતિક દૃઢતા અને ઐતિહાસિકતા નષ્ટ પામે છે. કારણ કે રામની વાત કરવી એ એક ધર્મની વાત બની જાય છે. તેમના અસ્તિત્વને લગતી માન્યતા સહેલાઈથી સહેલાઈથી નકારી શકાય છે. પરધર્મીઓ જ નહીં પણ જેઓ પોતાને તટસ્થ માનવાની ઘેલછા રાખે છે તેઓ પણ આવી વ્યક્તિની ઐતિહાસિકતાને સહજ રીતે જ નકારે છે. જો તમે રામના ઐતિહાસિક અસ્તિત્વને ન નકારો તો તમે ઇતિહાસનું ભગવાકરણ કર્યું કહેવાય. તમને ધર્માંધ પણ કહી શકાય.
ગુજરાત અપરાધી હતું?
૨૦૦૨ માં ગુજરાતમાં હુલ્લડ થયું. આ હુલ્લડનો દોષ નરેન્દ્ર મોદી અને હિન્દુઓ ઉપર ઢોળી દેવાયો. એટલે કેરલના પાઠ્યપુસ્તકમાં ગુજરાતનું અસ્તિત્વ ભારતના નકશામાંથી દૂર કરવામાં આવ્યું. ગુજરાતનું અસ્તિત્વ રદ થયું. કારણકે ગુજરાત અપરાધી હતું.
તમે રામના અસ્તિત્વને નકારો છો? રામને ભગવાન માન્યા એટલે જ ને! જો તમે રામને ભગવાન માનો તો આમાં રામનો શો અપરાધ છે?
તમે કહેશો આમાં રામ અપરાધી છે તેની વાત ક્યાં આવી? રામ અપરાધી હતા કે નહીં … અથવા તેમની પ્રત્યે એક અન્યાયી વર્તન દાખવવામાં આવ્યું કે નહીં તે વિષે આગળ ચર્ચા કરીશું.
હાલ તો આપણે સામાન્ય હિન્દુઓ રામને ભગવાન કેમ માને છે અને બીજા તેમના અસ્તિત્વને કેમ નકારે છે તે જોઈશું.
ચમત્કાર અને ભગવાન અને અસ્તિત્વનો નકાર
જે હિન્દુઓ રામને ભગવાન માને છે તેઓ ચમત્કારમાં પણ માને છે. રામે અનેક ચમત્કારો કર્યા. આવા ચમત્કારો તો ભગવાન જ કરી શકે. મનુષ્ય તો ચમત્કાર ન જ કરી શકે. માટે રામ ભગવાન છે. જેઓ ચમત્કારમાં માનતા નથી તેઓ કહેશે કે આ ચમત્કારની વાતો બધી ગપગોળા છે. કારણ કે ચમત્કારો તો થઈ જ ન શકે. એટલે ચમત્કારોનું અસ્તિત્વ હોઈ જ ન શકે. એટલે આ ચમત્કારી વ્યક્તિ એક ગપગોળો છે. રામ કથાનું એક સાહિત્યિક અસ્તિત્વ છે. રામની કથામાં ફક્ત સાહિત્યિક દૃષ્ટિ રાખવી જોઇએ. અવતાર બવતાર જેવું કશું હોતું નથી.
જ્યારે વ્યક્તિ સાહિત્યિક બની જાય ત્યારે તે એક નહીં અનેક બની જાય. વાલ્મિકીના રામ, કાલીદાસના રામ, ભવભૂતિના રામ, તુલસીદાસના રામ …
આપણે રામને ભગવાન માની લીધા એટલે રામ ધર્મનો વિષય બની ગયા. રામ ધર્મનો વિષય બન્યા એટલે રામ શ્રદ્ધાનો વિષય બની ગયા. રામનું વર્ણન ભારતની ભાષાઓમાંથી ઉદભવ્યું એટલે એ ભારતના છે. ભારતમાં હિન્દુધર્મ પાળવામાં આવે છે એટલે રામ હિન્દુઓના ભગવાન છે. રામ હિન્દુઓના ભગવાન છે એટલે રામ એ હિન્દુઓની શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધા, ભગવાન, ચમત્કાર આ બધું કાલ્પનિક છે. કાલ્પનિક વાતોમાં વિશ્વાસ રાખવો અને એવું બધું સ્વિકારવું એ અંધશ્રદ્ધા છે. સમાજમાં અંધશ્રદ્ધાનું બહુમાન ન કરવું જોઇએ. અંધશ્રદ્ધાને આવકારવી ન જોઇએ. જેઓ પોતાને પ્રગતિશીલ અને વૈજ્ઞાનિક વિચારધારાવાળા માને છે તેઓ કંઈક આવું વિચારે છે. જેઓ “રામજન્મ ભૂમિ ઉપર રામ મંદિર બનાવવાનો આગ્રહ રાખનારાઓનો વિરોધ કરે છે તેઓ પણ આવી માનસિકતા રાખે છે
પોતાને વિદ્વાન, જ્ઞાની અને બુદ્ધિશાળી માનતા માણસો પણ રામને કાલ્પનિક પુરુષ માને છે.
તેઓની માન્યતા પ્રમાણે આનું મુખ્ય કારણ એ છે કે પ્રાચીન અને મધ્યકાલિન ભારતીય પુસ્તકોમાં ચમત્કારની બહુ વાતો છે. આ બધી કપોળકલ્પિત અને અવાસ્તવિક છે. ભારતીય લોકોને ઇતિહાસ લખવાની ટેવ જ ન હતી. જેને જેમ ફાવ્યું અને મગજમાં આવ્યું તેમ લખ્યું છે. ભારતીયોના મનમાં ઇતિહાસ લખવો જોઇએ એવી કોઈ વાત જ ન હતી. એટલે વિદેશી યાત્રીઓએ અને બીનભારતીય ઇતિહાસ કારોએ જે લખ્યું તેને જ આધારભૂત ગણી શકાય. જેમ કે ગ્રીક આક્રમણકારીઓએ, તેમની સાથે આવેલા લોકોએ, અરબસ્તાન, મોંગોલીયાના મુસ્લિમ આક્રમકોએ, મુસાફરોએ, ચીનના મુસાફરોએ જે કંઈ ભારત વિષે, ભારતીય સમાજ વિષે લખ્યું તે જ પ્રમાણભૂત કહેવાય. આપણા લોકો તો રાઈ વગર રાઈનો પહાડ બનાવવામાંથી અને ચમત્કારો લખવામાંથી ઉંચા જ ક્યાં આવતા હતા!
આમ જોવા જઈએ તો દરેક ધર્મના પુસ્તકોમાં ચમત્કારિક વાતોના વર્ણનો જોવા મળે છે. પણ એ બધા ધર્મોના બધા મહાપુરુષો ઐતિહાસિક છે. કારણકે આ બધામાંના મોટેભાગે છેલ્લા ૨૬૦૦ વર્ષ અંતર્ગત થયા. એ બધા લોકાના કંઇને કંઈ અવશેષો મળી આવે છે એવું મનવામાં આવે છે. એટલે એ બધામાં ચમત્કારી વાતો હોય તો પણ તે બધું ઐતિહાસિક છે અને તે વ્યક્તિઓ પણ ઐતિહાસિક છે.
રામના કોઈ ભૂસ્તરીય અવશેષો મળતા નથી.
જે કંઈ મળે છે તેને રામ સાથે જોડી દેવા એ અંધશ્રદ્ધા જ છે. આવી દૃઢ માનસિકતા આપણા વિદ્વાનોમાં અને મૂર્ધન્યોમાં પ્રવર્તે છે. આપણા ભારતીયો જ જો આવી માનસિકતા રાખતા હોય તો સહજ રીતે જ પરધર્મીઓ, ખાસ કરીને મુસ્લિમો અને ખ્રીસ્તીઓ તો રાખે જ.
શું ઐતિહાસિકતાનો આધાર ફક્ત પૂરાતત્વીય અવશેષો જ હોઈ શકે? ધારો કે ઉત્ખનન થયું ન હોય તો શું માનવવાનું? ધારોકે ઉત્ખનન શક્ય જ ન હોય તો શું માનવાનું? જો મોહેં જો દેરોની જગ્યાઓએ ઉત્ખનન ન થયું હોત તો ભારતનો ઇતિહાસ ૩૦૦૦ વર્ષથી વધુ પ્રાચીન ન ગણવામાં આવત.
રામજન્મભૂમિની જગ્યા ઉપર બાબરી મસ્જીદ બની ગયેલ. હવે ધારો કે એ જમીન રામજન્મભૂમિ તરીકે ઓળખાતી જ ન હોત તો તેને વિષે કોઈ આંદોલન પણ ન થાત. અને તે બાબરી મસ્જીદ તોડી પાડવામાં પણ ન આવી હોત. અને કોઈએ ન્યાયના દ્વાર પણ ન ખટખટાવ્યા હોત. અને ત્યાં કશું ખોદકામ પણ ન થાત.
જો ખોદકામ ન થાત તો તેની નીચે આવેલા શિવમંદિરના અવશેષો પણ ન મળત. આવા તો અનેક સ્થાનો છે કે જ્યાં વિવાદ ચાલે પણ છે અને વિવાદ નથી પણ ચાલતા. હવે ધારો કે મુસ્લિમો અને ખ્રીસ્તી શાસકોએ, જેમ બીજી જગ્યાએ પ્રાચીન સંસ્કૃતિના નિર્માણોને તોડીને અથવા અને તેના અવશેષો પર પોતાની સંસ્કૃતિને લગતા નિર્માણો કરી દીધેલ અને ત્યાંની સંસ્કૃતિને કાયમ માટે નષ્ટ કરી દીધેલ અને જનતાને પૂર્ણ રીતે પોતાના ધર્મમાં વટલાવી દીધી એમ ભારતમાં પણ કરી શક્યા હોત તો અહીં પ્રાચીન કાળમાં મંદિર હતું તેની ખબર કેવી રીતે પડત? પણ ભારતની બાબતમાં થયું એવું કે ભારતીય સંસ્કૃતિ તેની ઉત્કૃષ્ટતા અને સબળતાને કારણે ટકી ગઈ.
ઇતિહાસ કેવીરીતે જળવાઈ રહે છે?
લોક સાહિત્ય, લોકવાયકા, સ્થાપત્ય અને પરંપરાગત પ્રણાલીઓ પાછળ ચાલી આવતી દંતકથાઓ દ્વારા પણ ઇતિહાસ જળવાઈ રહે છે. આપણે અત્યારે તેનું વિશ્લેષણ અને તેની ચર્ચા નહીં કરીએ.
“રામ જન્મ ભૂમિ” નું સ્થળ એ એક પરાપૂર્વથી ચાલી આવતી માન્યતા અનુસારનું નામકરણ હતું. જેવા કામો વિદેશી ધર્મીઓએ બીજા દેશોમાં કર્યાં તેવા જ કામો તેઓએ ભારતમાં જરુર કર્યા. પણ ભારતમાં તેઓ સંપૂર્ણ સફળ ન થયા. તેથી ખંડિત સ્થળોના નામ લોકવાયકામાં પરંપરાગત રીતે ક્યાંક ક્યાંક ચાલુ રહ્યાં. પણ સાથે સાથે ખંડિત સ્થળ પર નવું નિર્માણ થયું તે નામ પણ ઉમેરાયું.
બીજી એક વાત એ બની કે પાશ્ચાત્ય ઇતિહાસકારો દ્વારા ભારતનો જે નવ્ય ઇતિહાસ લખાયો, તેમાં ભારતીય સાહિત્ય, લોકવાયકાઓ, લોક કથાઓ જ નહીં પણ ભારતીય શાસ્ત્રોમાં રહેલા તાત્વિક ઉંડાણને પણ સ્પર્ષવામાં ન આવ્યાં.
પરિણામ એ આવ્યું કે ભારતીય સાહિત્યમાં જે ઇતિહાસ, લોકભોગ્ય શૈલીમાં લખવામાં આવેલ તેને ઇતિહાસ તરીકેની માન્યતા જ ન આપી. આનુ પરિણામ એ આવ્યું કે ભારતના વિદ્વાનો ફક્ત પાશ્ચાત્ય વાતોને જ પ્રમાણભૂત માનવા લાગ્યા. આ માનસિકતાનું મૂળ “આર્યન ઈન્વેઝન થીયેરી” એટલે કે “આર્યજાતિનું ભારત ઉપર આક્ર્મણ” વાળો સિદ્ધાંત છે.
એવું ધારવામાં આવ્યું કે આર્ય એક રખડુ જાતિ હતી જે મધ્ય એશિયા કે પૂર્વ યુરોપ કે એવી કોઈક જગ્યાએ રહેતી ભમતી હતી. તેઓએ મોટું સ્થાળાંતર કર્યું, તે ઇરાન ગઈ. ત્યાં આ જાતિનો એક ભાગ ગ્રીસ ગયો. એક ભાગ થોડા સમય પછી ભારત આવ્યો. અહીંના દ્રવિડો જે બહુ સુસંસ્કૃત અને સ્થાપત્યમાં પ્રવિણ હતા તેમને આ વિચરતી જાતિએ તહસ નહસ કરી નાખ્યા, તેમને ગુલામ બનાવ્યા, તેમના નગરોનો નાશ કર્યો. આ જાતિ પછી અહીં સ્થાઈ થઈ. આ બધી વાતો ભારતમાં દંત કથાઓના રુપમાં અને વેદોની ઋચાઓમાંની તારવણીઓથી સિદ્ધ થઈ શકે છે એવું પાશ્ચાત્ય ઇતિહાસકારોએ તર્કહીન રીતે તુક્કાઓ દ્વારા સિદ્ધ કર્યું.
રામ દંતકથાનું પાત્ર છે. આ પાત્ર ઉત્તરમાંથી દક્ષિણમાં ગયું અને રાવણને હરાવ્યો. એટલે એવું તારવવામાં આવ્યું કે આર્યોએ દ્રવિડોને હરાવ્યા. આ વાતને એક ઉદાહરણ તરીકે ગણવામાં આવ્યું. પાશ્ચાત્ય ઇતિહાસકારોએ તેમના પ્રચ્છન્ન હેતુઓ સિદ્ધ કરવા ઘણા ગપગોળા ચલાવ્યા. આ બધી વાતો અન્યત્ર કરેલી છે. ભારતીય સંસ્કૃતિના અને પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રકાંડ પંડિત શ્રી રાજીવ મલહોત્રા અને બીજા અનેક વિદ્વાનોએ “આર્યન ઈન્વેઝન થીયેરી” ને ધરાશાયી કરી છે અને તે વિષે પુસ્કળ સાહિત્ય ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ છે એટલે આની ચર્ચા નહીં કરીએ. આપણી વાત ફક્ત રામની ઐતિહાસિકતા પૂરતી સીમિત રાખીશું.
આપણે પ્રાચીન સાહિત્યની અવગણના નહીં કરી શકીએ. પુરાણો અને મહાકાવ્યોને કપોળ વાતો તરીકે ન જોવા જોઇએ. વાસ્તવમાં આ એક કથન પ્રણાલી હતી. જ્ઞાન પીરસવા અને યાદ રાખવાના અનેક માર્ગો હોય. રુપક, અન્યોક્તિ, વિશેષણ, ઉપમા, રમૂજ, શિખામણ, વર્ણન, પ્રાસ, અનુપ્રાસ, કવિતા, કથા, જોડકણા, કહેવત, દંતકથાઓ, અતિશયોક્તિ, અલંકાર, જેવી અનેક રીતો હોય છે. આમાં ઈશ્વર નિર્ગુણ નિરાકાર હોવા છતાં પણ, આ ઈશ્વર, ક્રોધિત કે ખુશી ખુશી થઈને મનુષ્ય કે અન્ય પ્રાણીના સ્વરુપમાં પાત્ર તરીકે આવી જાય છે.
ધારોકે શિખરણી છંદના સ્વરુપને યાદ રાખવું છે. તો શું કરશું? રસૈઃ રુદ્રૈઃ છિન્ના, યમનસભલાગઃ શિખરણી.
રસ કેટલા હોય છે?
છ રસ હોય છે.
રુદ્ર કેટલા છે?
૧૧ રુદ્ર હોય છે.
છ અક્ષર અને ૧૧ અક્ષર થી આ છંદ કપાયેલો છે. અને તેમાં યમનસભલગ થી બંધાયેલો છે. રસ અને રુદ્ર એ ભૂત સંખ્યા છે. આવી તો ભારતીય પદ્ધતિઓમાં અનેક વાતો છે.
આ રીતે શાસ્ત્રોના સિદ્ધાંતો યાદ રાખવા એવી પ્રણાલી આજે પણ ચાલે છે. જેમકે “ઓલ સીલ્વર ટી કપ્સ.”
“ઓલ” એટલે બધા. સીલ્વર એટલે સાઈન. ટી એટલે ટેન્જન્ટ, કપ્સ એટલે કોસાઈન.
બધા એટલે કોણ?
સાઈન, કોસાઈન અને ટેન્જન્ટ.
સાઈન એટલે શું? કાટખુણ ત્રીકોણમાં કોઈ એક ખૂણો તેની સામેની બાજુ અને કર્ણનો ગુણોત્તર સાઈન કહેવાય છે.
કોસાઈન એટલે શું? કોઈ ખૂણાની પાસેની બાજુ અને કર્ણ વચ્ચેનો ગુણોત્તર કોસાઈન કહેવાય છે.
ટેન્જન્ટ એટલે શું? સામેની બાજુ અને પાસેની બાજુનો ગુણોત્તર ટેન (ટેન્જન્ટ) કહેવાય છે.
પણ ગુણોત્તર ક્યારે ધન હોય અને ક્યારે ઋણ હોય? આ ધન અને ઋણને કેવી રીતે યાદ રાખવા?
જો ખૂણો ૦ થી ૯૦ની વચ્ચે હોય તો બધા જ ધન હોય છે.
જો ખૂણો ૯૦+ થી ૧૮૦ની વચ્ચે હોય તો સાઈન ની કિમત ધન હોય.
જો ખૂણો ૧૮૦+ થી ૨૭૦ વચ્ચે હોય તો ટેનની કિમત ધન હોય.
જો ખૂણો ૨૭૦+થી ૩૬૦ ની વચ્ચે હોય તો કોસાઈન ની કિમત ધન હોય.
ત્રિકોણમિતિના કોઈ એક મૂલ્યને યાદ રાખવાની આ એક સહેલી રીત છે.
પ્રાચીન ભારતીય સાહિત્યમાં પણ આવી અનેક રીતો પ્રચલિત હતી. અનેક ચમત્કારિક વાતો આનો હિસ્સો છે પણ તેનો હેતુ ફક્ત વાતને, પ્રસંગને, વર્ણનને, કથનને રસમય બનાવવા માટે હોય છે જેથી તે યાદ રહે.
ઈશ્વર-રુદ્ર-શિવ, સૂર્ય-વિષ્ણુ-બ્રહ્મા અને અનેક દેવતાઓ (ઈન્દ્ર, વાયુ, વરુણ …) વિગેરે પાત્ર તરીકે આવે એવી ઘણી વાતો છે. પણ આ બધું ઐતિહાસિક વાતોને રસપ્રદ બનાવવા માટે હોય છે. આજે પણ આ પ્રણાલી એક યા બીજા સ્વરુપે ચાલે છે. ફિલમમાં તમે જોતા હશો કે કોઈ પાત્ર ઉપર આપત્તિ આવે તો પાર્શ્વભૂમિકામાં આકાશમાં કડાકા ભડાકા અને વિજળીઓ બતાવે. કોઈ પાત્રના મનમાં ખળભળાટ હોય તો તોફાની દરિયો બતાવે. ઐતિહાસિક વાર્તાના પુસ્તકોમાં કોઈ વાર્તાલાપમાં આવતા શબ્દ પ્રયોગો, સ્થળોના વર્ણનો, વસ્ત્રોના વર્ણનોના શબ્દ પ્રયોગો, જરુરી નથી કે તે, વાસ્તવમાં જે તે રુપમાં હોય તેજ સ્વરુપમાં વર્ણિત હોય.
દાખલા તરીકે મૈથિલી શરણગુપ્તે સામ્રાટ અશોક ઉપર કોઈ નાટક લખ્યું હોય. કલિંગના યુદ્ધ પછીનો અશોક અને તેની પત્ની તિષ્યરક્ષિતા વચ્ચેનો કોઈ સંવાદ હોય. જરુરી નથી કે આ સંવાદ અક્ષરસઃ સાચો જ અને વાસ્તવિક હોય. એ પણ જરુરી નથી કે આ સંવાદને કારણે જ અશોકનું હૃદય પરિવર્તન થયું હોય. સંભવ છે કે આવો સંવાદ થયો પણ ન હોય. આ બધું હોવા છતાં અશોકના હૃદય પરિવર્તનની સત્યતાને આપણે નકારી ન શકીએ. અશોકના પિતાનું નામ મોટાભાગના ગ્રંથોમાં બિંબિસાર લખ્યું છે. આ વાત આપણે નકારી ન શકીએ.
મહાકાવ્યોની વાત બાજુપર રાખો. બધા પુરાણોમાં રામનો ઉલ્લેખ છે. રામના પિતા દશરથ હતા તેવો પણ બધા પુરાણોમાં ઉલ્લેખ છે. એટલું જ નહીં. તેમના વંશના બધા રાજાઓનો નામ સાથે ઉલ્લેખ છે. આ બધો ઉલ્લેખ સમાન રીતે છે. એટલે કે નામોનો ક્ર્મ પણ સમાન છે. આ બધા પુરાણો એક સાથે લખાયા નથી. આ પુરાણો એક જ જગ્યાએ પણ લખાયા નથી. આ પુરાણો એક જ વ્યક્તિએ લખ્યા હોય તેવું પણ મનાય તેમ નથી. પુરાણ સતત લખાતા ગયાં. અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમયે અલગ અલગ વ્યક્તિઓ દ્વારા પુરાણો લખાતા ગયા. ઓછામાં ઓછું ઇસ્વીસન પૂર્વે ૧૦મી સદી થી ઇસ્વીસનની ૮ મી સદી કે બારમી સદી સુધી આ પુરાણો લખાતા રહ્યાં. વિશ્વના ઘણા ગ્રંથો આવી રીતે લખાતા રહ્યા છે.
સૌથી પ્રાચીન પુરાણ, વાયુ પુરાણ છે.
વાયુ પુરાણ સૌથી પ્રાચીન શા માટે ગણાય છે?
વાયુ પુરાણના આમ તો છ પાઠ મળે છે. જે સૌથી જુનો પાઠ છે તે અનપાણીનીયન સંસ્કૃતમાં લખાયેલો જોવા મળે છે. પાણીની સંસ્કૃત ભાષાના વૈયાકરણી હતા. પાણીની ઇસ્વીસન પૂર્વે આઠમી સદી થી ઇસ્વીસન પૂર્વે ચોથી સદીની વચ્ચે થઈ ગયા એમ પાશ્ચાત્ય ઇતિહાસકારો પણ માને છે. વાયુ પુરાણની શૈલી પણ પ્રાચીન લાગે છે. આ પુરાણમાં પણ ઉત્તરોત્તર પ્રક્ષેપ થયા છે. પ્રકરણો પણ મોટા થતા ગયા છે.
વાયુ પુરાણના પ્રાચીન પાઠમાં બુદ્ધ ભગવાનનો ઉલેખ નથી. વિષ્ણુના દશ અવતારની વાત આવે છે ખરી, પણ રામનો વિષ્ણુના અવતાર તરીકે ઉલ્લેખ નથી. સૂર્યવંશના બધા રાજાઓની વંશાવળી છે. રામનો એક બળવાન રાજા દશરથના પરાક્રમી પુત્ર તરીકે ઉલ્લેખ છે. તેમણે લંકાના રાજા રાવણને હરાવ્યો એવો ઉલ્લેખ છે. બસ આથી વિશેષ કશું નથી.
વાયુ પુરાણમાં એમ તો કૃષ્ણ ભગવાનનો પણ ઉલ્લેખ છે. કૃષ્ણને વિષ્ણુભગવાનના અવતાર પણ માનવામાં આવ્યા છે. કૃષ્ણ વિષે અર્ધું પ્રકરણ છે. વાયુ પુરાણના લેખકને કૃષ્ણ વિષે મુખ્ય વાત સ્યામંતક મણીની ચોરીનું જે આળ આવેલું તે કૃષ્ણ ભગવાને કેવીરીતે દૂર કર્યું તેની કથા લાગી છે. ટૂંકમાં લેખકને કૃષ્ણના જીવનની આ સ્યમંતક મણીની વાત જ ઉલ્લેખનીય લાગી છે. આ ઉપરાંત એમ પણ લખ્યું છે કે કંસ, વસુદેવના પુત્રોને મારી નાખતો હતો. વસુદેવના પુત્રોની નામાવલી પણ આપવામાં આવી છે. એવું લાગે છે કે તે તેમની સાથે યુદ્ધ કરીને મારી નાખતો હોય. વાયુ પુરાણમાં લખવામાં આવ્યું છે કે કંસની આવી આદતથી, વસુદેવ, પોતાના પુત્ર કૃષ્ણને તેમના મિત્ર નંદને ઘરે મુકી આવે છે.
આમ આ આખા વર્ણનમાં ન તો જેલનો ઉલ્લેખ છે, ન તો કંસ વસુદેવના પુત્રોને જન્મની સાથે મારી નાખતો હતો તેવો ઉલ્લેખ છે, ન તો વસુદેવ મધ્યરાત્રીએ તાજા જન્મેલા કૃષ્ણને યમુનાના પૂરમાં થઈને લઈ જતા હોય તેવો ઉલ્લેખ છે, ન તો યમુના તેમને જગ્યા કરી દેતી હોય તેવો ઉલ્લેખ છે, ન તો નંદને ઘરે પુત્રી જન્મ્યાનો ઉલ્લેખ છે, ન તો કોઈ બચ્ચાંના આદાન પ્રદાન નો ઉલ્લેખ છે. ન તો રાધાઓ કે ગોપીઓનો ઉલ્લેખ છે, ન તો કોઈ બીજા ચમત્કારોનો ઉલ્લેખ છે. એક વાત ચોક્કસ લખી છે કે કૃષ્ણ ભગવાનને વિષ્ણુના અવતાર માનવામાં આવ્યા છે. સાથે સાથે તેમના મોટાભાઈ બળદેવ પણ વિષ્ણુભગવાનના અવતાર માનવામાં આવ્યા છે.
ત્રીજી સૌથી મહત્વની વાત એ છે કે અનેક શ્લોકોમાં બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર ને બદલે બ્રહ્મા, વિષ્ણુ અને અગ્નિ એ રીતે ત્રણ દેવોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પુરાણનો આરંભ જ મહેશ ઈશાન (રુદ્ર) ની સ્તૂતિ થી કરવામાં આવ્યો છે. વેદોમાં અગ્નિનું નામ ઇશાન પણ છે. મહો દેવો (“મહઃ દેવઃ … સો મહો દેવો મર્ત્યાં આવિવેશ” ઋગ્વેદમાં નો અગ્નિનો એક શ્લોક). કહેવાનું તાત્પર્ય એ છે કે વાયુપુરાણમાં અગ્નિ, રુદ્ર, વિશ્વદેવ, મહાદેવ, મહેશ ની એકસુત્રતા સ્પષ્ટ જોવા મળે છે. તેથી જ ઇશ્વરની બાબતમાં ભારતીય શાસ્ત્રીઓએ કશા વિરોધાભાષો જોયા નથી.
“ … ક્ષોભયામાસ યોગેન પરેણ પરમેશ્વર …. રજો બ્રહ્મા, તમો અગ્નિ, સત્વો વિષ્ણુરજાયત …. એત એવ ત્રયો લોકા, એત એવ ત્રયો ગુણા, એત એવ ત્રયો વેદા, એત એવ ત્રયોગ્નયઃ”. પરમેશ્વર પોતાની માયારુપી પ્રકૃતિ રુપી અંડમાં પ્રવેશ કરી તેને ક્ષોભિત કરે છે અને રજસ તમસ અને સત્વગુણ રુપી સૃષ્ટિ ઉત્પન્ન કરે છે. આ જ ત્રણ લોક છે, આ જ ત્રણ ગુણો છે, આજ ત્રણ વેદ છે આજ ત્રણ અગ્નિઓ છે.
આ પ્રમાણે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રને અગ્નિના ત્રણ રુપ માનવામાં આવ્યા છે. એમ કહ્યું છે કે પરમેશ્વરના (શિવના) ત્રણ અગ્નિઓ છે. શિવને ત્રીમૂર્ત્તિ પણ કહેવાય છે.
“એત એવ” જેવા અનેક શબ્દ પ્રયોગો વાયુપુરાણમાં મળી આવે છે. આ અનપાણીયન શબ્દ પ્રયોગ છે. પાણીનીયન શબ્દ પ્રયોગ “એષઃ એવ” છે.
તમે કહેશો આમાં રામના ઐતિહાસિકપણાની વાત ક્યાં આવી?
(ચાલુ)
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ રામ, દશરથ, રાવણ, કૃષ્ણ, સ્યમંતક મણી, ચોરીનું આળ, કંસ, વસુદેવ, આર્ય, દ્રવિડ, આર્ય, વિચરતી જાતિ, પ્રણાલી, શિવ, અગ્નિ, પરમેશ્વર, પ્રાચીન, ત્રિમૂર્તિ, ચમત્કાર, ઇતિહાસ, રસપ્રદ