Feeds:
Posts
Comments

Posts Tagged ‘ચોકીદાર’

સ્માર્ટ સીટીનું બભમ બભમ

“સ્માર્ટ સીટી”ના ગુણધર્મો, વ્યાખ્યા અને વિવરણ આપણને “ઓલ ઈન વન” જેવા લાગશે પણ સમજી લો એ બધું ભ્રામક છે. જે ગુણધર્મો બતાવ્યા છે તે સરકારી શબ્દોમાં છે. સરકારી શબ્દો અને વાક્ય રચના હમેશા અસ્પષ્ટ છે અને ભ્રામક હોય છે.

તમે શી આશા રાખો છો?

જેની માંદગી દૂર થઈ નથી તેવા માંદા માણસને,  તમે દોડવાનું કહી શકશો? જો તે દોડશે તો તે અમદાવાદથી મુંબઈ ક્યારે પહોંચશે? જે વ્યક્તિ અમદાવાદ રેલ્વે સ્ટેશનથી ભદ્ર સુધી દોડી શકતો નથી તે શું મુંબઈ સુધી દોડશે?

જે માણસ અભણ છે અને જે ખેતરનું ક્ષેત્રફળ શોધવા સક્ષમ નથી તેને તમે પૃથ્વિથી ચંદ્રનું અંતર માપવાની રીત શોધવાનું કહી શકશો?

જે ચોર છે તેને તમે તિજોરી સાચવાનું કામ સોંપી શકશો?

આ વાત સમજો.

જેને ત્યાં ચોરી થઈ છે તે ફરીયાદી હાજર છે,

જે ચોકીદાર હતો અને જેની ડ્યુટી હતી રખેવાળી કરવાની તે હાજર છે,

જે ચોર હતો અને ચોરી કરી હતી તે હાજર છે,

ચોરીનો માલ હાજર છે,

જે ન્યાયધીશે ચોરને સજા કરવાની હતી તે પણ હાજર છે.

તો હવે બાકી શું રહ્યું?

સજા કરવાની ક્રિયા બાકી રહી,

તો શું સજા થઈ?

ના જી અને હા જી,

સજા તો થાય છે. પણ કોને?

ચોરને સજા થતી નથી.

જે ચોકીદારે ફરજ ન બજાવી તે ચોકીદારને પણ સજા થતી નથી.

જે ચોરીનો માલ છે તે પણ તેના માલિકને એટલે કે ફરિયાદીને પાછો મળતો નથી.

તે માલ ચોરને જ રાખવાનું કહેવાય છે.

પણ જેનો માલ ચોરાયો હતો તેને સજા થાય છે. તેને એવું કહેવામાં આવે છે કે “તમારી અને ચોર વચ્ચે જે કંઈ બન્યું તેમાં ચોકીદારને નુકશાન થયું છે. આવા તો હજારો લાખો ચોર છે એમાં અમે અમારો સમય બરબાદ કરવામાં માનતા નથી. એટલે આ નુકશાન જેને લૂંટવામાં આવ્યો છે તેણે એટલે કે લૂંટાયેલ વ્યક્તિએ  “ઈમ્પેક્ટ ફી” તરીકે ચોકીદારને અમૂક રકમ આપી દેવી.

ગેરકાયદેસર બાંધકામ, રસ્તાઓ  અને ફૂટપાથો પર ફેરિયાઓ તથા દુકાનદારો દ્વારા દબાણ, માન્ય એફ એસ આઈ કરતાં  વધુ બાંધકામ કરવું, રસ્તાઓ સાંકડા અને ભીડભાડ વાળા થઈ જાય તેવા ગેરકાયદેસર નિર્ણયો લેવા, આ બધું સરકારી નોકરોના અને સ્થાપિત હિતોના સંસ્કાર થઈ ગયા છે. આ વિષયમાં આપણી બ્લોગસાઈટ ઉપર અનેકવાર ચર્ચા થઈ ગઈ છે. તેથી તેની વિગતોમાં ઉતરીશું નહીં. પણ સરકારી નોકરો દ્વારા કામની વ્યાખ્યાઓ કરાવવી અને તેમની દ્વારા જ “સ્કૉપ ઑફ વર્ક” નક્કી કરાવવું એ વ્યર્થ છે. પણ આવું જ થાય છે કારણ કે જરુર પડે સરકારે પોતાનો કેસ ન્યાયાલયમાં સુનિશ્ચિત રીતે હારી જવાની તૈયારીમાં રહેવાનું હોય છે.

મુંબઈના “રીડેવલપમેંટને લગતા કાયદાઓ”  જુઓ, કે અમદાવાદના “સીજી રોડ રોડની દશા” જુઓ, કે પ્રેમચંદનગર રોડની દશા જુઓ કે અમદાવાદના કોઈપણ રોડની દશા જુઓ કે રેસ્ટોરાંમાં પડતા દરોડાઓ જુઓ કે ખાણીપીણીના ખૂમચાઓ, લારીઓ, ગલ્લાઓએ કરેલા દબાણો જુઓ,  બધે જ સરકારી (મ્યુનીસીપાલી, ગુજરાત હાઉસીંગ બોર્ડ, આરટીઓ, ટ્રાફિક પોલીસ, ન્યાયાલય, ગાંધીનગરનું સચિવાલય અને અસામાજીક તત્વો ની ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમના કામ માટેની મિલીબહગત છે.

“લૂંટ કરવી એ અમારો હક્ક છે”

કોઈપણ કામ ખરાબ અને ખોટી રીતે કરવું એમાં સરકારી નોકરો નિપૂણ છે. સરકારી નોકરોમાં સાદા કર્મચારીઓ જ નહીં પણ સર્વોચ્ચ અધિકારીઓનો અને મંત્રીઓનો પણ સમાવેશ થઈ જાય છે. ઉચ્ચસ્તર પર બેઠેલા અધિકારીઓ ક્ષતિપૂર્ણ “સ્કૉપ ઑફ વર્ક” બનાવે જેથી નીચેના સ્તરના નોકરો ખાયકી કરી શકે, અને સૌને પોતાનો હિસ્સો મળ્યા કરે.

એક દાખલોઃ

ટ્રાફીક પોલીસને કેમેરા (મોબાઈલ) આપી દો એટલે તે ખોટી રીતે પાર્ક થયેલા વાહનનો ફોટો પાડી દંડ વસુલ કરી શકે. આ દંડની રકમ વાહનના માલિકના ઘરે ટીકીટ મોકલી કે વાહન ચાલક પાસેથી ઓન લાઈન પણ વસુલ કરી શકે. વાહનનો ફોટો પાડવો એ કામ ટ્રાફિક પોલીસને સોંપો એટલે “”કોઈ વાહનનો ફોટો પાડવો કે ન પાડવો” એ ટ્રાફિક પોલીસની મુનસફ્ફી પર નિર્ભર રહે અને તેની ખાયકી ચાલુ રહે.

વધુ એક દાખલોઃ

સરકારે વિચાર્યું કે આપણે જનતાનું સ્વાસ્થ્ય સારું રહે માટે “ફાર્મ ફ્રેશ વેજીટૅબલ માર્કેટ” બનાવીએ. એટલે સરકારે દાખલા તરીકે વસ્ત્રાપુર તળાવ (અમદાવાદ-૧૫) પાસે એક પ્લોટને નક્કી કર્યો. આ પ્લોટ મ્યુનીસીપાલીટીનો હતો.

અમદાવાદની વાત સમજીએ તે પહેલાં આ “ફાર્મફ્રેશ વેજીટેબલ માર્કેટ” વિકસિત દેશોમાં કેવીરીતે ચાલે છે તે આપણે જોઇ લઈએ.

ફાર્મ ફ્રેશ માર્કેટ (અમેરિકા)

farm fresh market 01

કોઈ એક ખુલ્લી જગ્યા તો વિદેશમાં પણ નક્કી થાય છે. પણ ત્યાં જમીનને બરાબર સમતલ અને મજબુત (ક્ઠણ) બનાવવામાં આવે છે. પછી જમીનના આખા પ્લોટ ઉપર ઈન્ટરલોકીંગ સીમેંટની ઈંટો પાથરવામાં આવે છે. ખેડૂતોના માલ અને માલના વાહનના પાર્કીંગ માટે પદ્ધતિસરનું પ્લાનીંગ વાળું દેખી શકાય તેવું સુવ્યવસ્થિત માર્કીંગ કરવામાં આવે છે. જે ગ્રાહકો આવે તેમના વાહનો માટે પણ અલગ રીતે સુવ્યવસ્થિત રીતે દેખી શકાય તેવું માર્કીંગ કરવામાં આવે છે. દરેક સ્ટૉલ પાસે એક સ્વચ્છ અને સુંદર કચરા પેટી હોય છે.

અમદાવાદમાં સરકારે શું કર્યું?

વસ્ત્રાપુર તળાવ સામે એક ખાલી પ્લોટ તો સુનિશ્ચિત કર્યો.

આ એક ખાડા ટેકરા થી ભરપૂર પ્લોટ હતો.

તેને સમતલ કર્યો?

નાજી. હરિ હરિ કરો…

જમીનને મજબુત કરી?

નાજી. હરિ હરિ કરો…

તેના ઉપર ઇન્ટ્રલૉકીંગ ઈંટો પાથરી?

નાજી. હરિ હરિ કરો …

સ્ટોલમાટે માર્કીંગ કર્યું?

નાજી. હરિ હરિ કરો …

સ્ટોલના ખેડૂતના વાહન માટે પાર્કીંગનું માર્કીંગ કર્યું?

નાજી. હરિ હરિ કરો …

ગ્રાહકોના વાહનના પાર્કીંગ માટે માર્કીંગ કર્યું?

નાજી. હરિ હરિ કરો.

તો પછી કર્યું શું?

“ફાર્મ ફ્રેશ માર્કેટ” માટેનો કોંટ્રાક્ટ આપી દીધો

કોંટ્રાક્ટરે શું કર્યું?

પ્લૉટની અંદર બહારના રોડને સમાંતર એક પાંચેક મીટરની પહોળાઈવાળું અને ૨૫/૩૦મીટરની  લંબાઈમાં લીલુ શણીયા જેવું કપડું સીધે સીધું પાથરી દીધું. તે કપડું ખસી ન જાય તે માટે ફાવે તેમ ખીલાઓ ઠોકી દીધા. ગ્રાહકો અને વેપારી ઉપર તડકો ન આવે તે માટે લાંબા પહોળા શણીયાના ટૂકડાઓ થાંભલાના સહારે બાંધી દીધાં. ભાડું પણ કોંટ્રાક્ટર જ વસુલ કરે.  વાત પૂરી.

એક વાર છાપામાં જાહેરાત પણ આપી દીધી. જેમણે તે દિવસનું જે તે છાપુ વાંચ્યું અને જાહેરાત વાંચી, અને તેમાંથી જેમને રસ હતો તેવા લોકો “ફાર્મ-ફ્રેશ” શાકભાજી ખરીદવા ગયા. આ માર્કેટ ફક્ત શનિ-રવિ માટે જ હતું. શરુઆતમાં પચાસેક લારીઓ હતી. પછી ધીમે ધીમે લારીઓ ઘટતી ગઈ.

લારીઓની કે શાક રાખવા માટેના ટેબલો સંખ્યા લગભગ ત્રીજા ભાગની થઈ ગઈ. કોંટ્રાક્ટર કહે કે તમે ભલે શનિ-રવિ શાકભાજી વેચો, હું તો અઠવાડીયાના બધા દિવસો લેખે જ ભાડું લઈશ. સરકારે આદત પ્રમાણે કોંટ્રાક્ટરના હિતમાં સુર પૂરાવ્યો. એવું કહેવાય છે કે સર્વોચ્ચ સાહેબ બદલાઈ ગયા. (નવા વહેવારની ચર્ચા કોઈએ કરવી કે નહીં?) વાતની વિગતમાં આપણે નહીં જઈએ. પણ જુલાઈના ત્રીજા સપ્તાહમાં ખેડૂતોએ ત્યાં શાક વેચવાનું બંધ કર્યું. ખેડૂતો વસ્ત્રાપુર તળાવની ફૂટપાથ પર આવી ગયા. ગયે શનિવારે અમે શાકલેવા ગયા ત્યારે ખેડૂતો રસ્તા ઉપર શાક વેચતા હતા. એક વાત નોંધવા જેવી છે કે આ “ફાર્મ-ફ્રેશ” શાક-ભાજીની ગુણવત્તા બીજા લારી વાળાઓ કરતાં સારી હોય છે. શાકભાજીનો  ભાવ પણ યથા યોગ્ય હોય છે.

અમારા જેવા ગ્રાહકો ખુશ હતા કે ચાલો અમદાવાદમાં એક વિશ્વસનીય માર્કેટ તો થયું. પણ સરકારી અધિકારીઓની અધકચરી નીતિને કારણે “ફાર્મ-ફ્રેશ” માર્કેટ મૃત્યુને આરે આવી ગયું.

વસ્ત્રાપુર તળાવની ફૂટપાથ ઉપર આ માર્કેટ ચાલુ રહેશે?

આ માટે તો જ્યોતિષશાસ્ત્રીઓને પૂછવું પડશે.

આમ તો બપોરથી શરુ કરી રાત્રીના ૧૦/૧૧ વાગ્યા સુધી અહીં ખૂમચાવાળાઓ, લારીવાળાઓ સહિત ફૂટપાથીયા ખાણીપીણીના ટેબલ ખૂરસીઓ રસ્તાની બંને બાજુએ ગોઠવાઈ જાય છે. ગુન્ડાઓને કોણ વધુ ભાડું આપશે તેના ઉપર પણ આધાર હોઈ શકે છે(!!). ભાઈ, કશું મફત થતું નથી.

જે સરકારી અધિકારીઓ એક સુવ્યવસ્થિત “ફાર્મ-ફ્રેશ વેજીટેબલ માર્કેટ” ન બનાવી શકે તેઓ આખા નગરને સ્માર્ટ સીટી કેવી રીતે બનાવી શકશે?

જે સરકારી અધિકારીઓમાં દબાણો અને ગેરકાયદેસર બાંધકામો અટકાવવાની પહોંચ નથી તેઓ સ્માર્ટ સીટી કેવી રીતે બનાવી શકશે? નરેન્દ્ર મોદીએ સમજવું જોઇએ કે “જેઓમાં પાદવાની પહોંચ નથી, તેઓના નામ તમે તોપખાનામાં નોંધાવી ન શકો.”

અથવા તો પછી એવું થશે કે જેમ મનમોહન સિંહે જાહેર કરેલ કે “અમે ગઈ ચૂંટણીમાં જે કંઈ વચનો આપેલાં તે બધાં પૂરા કરી દીધા છે.” વચનો તો બધા બભમ બભમ હોય છે. વચનોમાં વચન જેવું કશું હોતું નથી. ઈન્દિરાએ કહ્યું (૧૯૭૦) ”હું કહું છું ગરીબી હટાવો તેઓ કહે છે ઈન્દિરા હટાવો.” તે પછી નહેરુવીયન કોંગ્રેસે ૨૫+ વર્ષ રાજ કર્યું પણ ગરીબી તો ન જ હટી. અને મનમોહને કહ્યું કે અમે બધા વચનો પૂરા કરી દીધા છે. કહેતા ભી દિવાના ઔર સૂનતા ભી દિવાના.

જો રસ્તા ઉપરથી ઢોર હટાવવાની વાત હોય તો સરકારી નોકરો કહેશે કે અમે આ વરસમાં અત્યાર સુધીમાં “આટલા” ઢોર હટાવેલ અને “આટલો” દંડ વસુલ કરેલ. “આટલા” કૂતરા પકડેલ અને “આટલા” કૂતરાને ખસી કરેલ અને “આટલી” કૂતરીઓને કોપર ટી મૂકેલ. અમે સ્વચ્છતા માટે “આટલી” માનવ સાંકળો રચેલ અને “આટલી” જન જાગૃતિની મીટીંગો કરેલ. “આટલી” જગ્યાઓ ઉપર અમે કચરા પેટી મૂકેલ અને “આટલા” ટન કચરાનું સ્થળાંતર કરેલ.

અરે ભાઈ તમે કોઈ પણ એક દિવસ, વીડિયો કેમેરા લઈને નિકળો અને જુઓ કે કેટલા ઢોર રસ્તા ઉપર છે, કેટલા કૂતરાઓ રસ્તા ઉપર છે, કેટલો કચરો રસ્તા ઉપર છે …. રસ્તાની હાલત તો વાત જ જવા દો.

“ … કોઈની તાકાત નથી ….” નરેન્દ્ર મોદી

“જો દેશનો દરેક નાગરિક નક્કી કરશે કે પોતે રસ્તા ઉપર કચરો નહીં નાખે તો દુનિયાની કોઈ એવી તાકાત નથી કે તે ભારતને સ્વચ્છ થતું રોકી શકે” આ આખી વાત જ હાસ્યાસ્પદ છે. નરેન્દ્ર મોદીનું ઉચ્ચારણ એમ હોવું જોઇએ કે “જે સરકારી નોકરોને જે કામ કરવા માટે વેતન મળે છે તે કામ જો તેઓ નહીં કરે તો તત્કાલ તેઓ અચૂક ઘર ભેગા થશે. અને ખાલી પડેલી જગ્યા ઉપર જેઓ વેઈટીંગ લીસ્ટ ઉપર છે તેઓને તત્કાલ નોકરી માટે લેવામાં આવશે. મોટો ચમરબંધી અધિકારી હશે તેની પણ આવી જ દશા થશે.” જો આવું થશે તો જનતા જ કહેશે કે “ભારત સ્વચ્છ થયું છે.”

જેઓને કામ કરવાની સામે વેતન મળે છે તેને દંડિત કરો

જે પ્રાણીઓને પાળવામાં આવે છે તેઓ જન્મે કે તરત જ તેમનું રજીસ્ટ્રેશન થવું જોઇએ. જો વાહનોનું રજીસ્ટ્રેશન થતુ હોય તો જે હળનું વહન કરે છે, જે દૂધનું વહન કરે છે, જે માલનું વહન કરે છે, જે મનુષ્યનું વહન કરે છે તે સૌને રજીસ્ટ્રેશન નંબર આપવા જોઇએ. આમ કરવાથી  તે કતલ ખાને પણ જશે નહીં અને રસ્તાઓ ઉપર અડ્ડો પણ જમાવી શકશે નહીં.

જોકે પ્રાણીઓને રજીસ્ટ્રેશન નંબર આપવાથી કેટલાક પંચાતિયા લોકો અનેક પ્રશ્નો ઉભા કરશે.

જેમકે નંબર ક્યાં લગાવવો?

સમાચાર માધ્યમોને, કેટલાક કટારીયા લેખકોને, એનજીઓને અને એનીમલ-ક્ર્યુએલ્ટી પ્રીવેન્ટર્સના હિમાયતીઓને અનેક વાંધા પડશે. જો તમે પશુનો રજીસ્ટ્રેશન નંબર ઓઈલપેન્ટથી લખશો તો તે ભૂસાઈ જશે, જો તેને ડામ દઈને લખશો તો એનજીઓને અને એનીમલ-ક્ર્યુએલ્ટી પ્રીવેન્ટર્સના હિમાયતીઓને વાંધા પડશે. જો તમે પશુના ગળે નંબર પ્લેટ બાંધશો તો તે ક્યાંક ભરાઈ જવાના બનાવટી પ્રસંગો બનશે. નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેમના જેવા “જૈસે થે” માનસિકતા વાળા રસ્તા ઉપર આવી જશે. પણ આ બધાનો સામનો કરવા માટે સરકારે તૈયાર રહેવું પડશે.

ગુનો કર્યો એટલે દંડાયો જ

રોડ ટ્રાફિકને સીસીટીવી કેમેરાની પ્રોગ્રામ્ડ સીસ્ટમ દ્વારા મોનીટર કરી શકાય છે, આ સીસ્ટમ દ્વારા જ, મારામાર (પૂરપાટ) બાઈક ચલાવનારા, બાઈક ઉપર સ્ટંટ કરનારા, અવારનવાર લેવા દેવા વગર લેન ચેન્જ કરનારા, ખોટી દિશામાંથી ઓવરટેક કરનારા, ટુ વ્હીલર અને થ્રી વ્હીલરને ઓવર લોડ કરનારા, સીગ્નલને તોડનારા, સીગ્નલ પાસે ડાબી બાજુની લેનને બ્લોક કરનારા, સ્પીડ લીમીટ થી ૧૦ટકા વધુ સ્પીડથી ગાડી ચલાવનારા, આડેધડ પાર્કીંગ કરનારા, સફાઈ કોન્ટ્રાક્ટરોના ગાર્બેજ ટ્ર્કને ઓવર લોડ કરનારા અને રસ્તા ઉપર કચરો વેરનારા, દબાણ કરનારા, ચોરી કરનારા  સૌને ૧૦૦ ટકા દંડિત કરી શકાય છે. ગુનો કર્યો એટલે દંડાયો જ, એવી પરિસ્થિતિ નિર્માણ કરી શકાય છે. પણ સરકારને કરવી નથી. (નોકરો કહે છે અમે લૂંટીશું કેવી રીતે?)

જો આમ કરવામાં આવશે તો જ લોકોમાં રહેલી અરાજકતા અને અસામાજીક વર્તણુક દૂર થશે. જનતા કાયદાનું પાલન કરે તે જોવાની જેમની ડ્યુટી છે અને જેમને તે માટે પૈસા ચૂકવવામાં આવે છે તેમને જ્યાં સુધી દંડવામાં નહીં આવે ત્યાં સુધી “જનતાએ સુધરવું જોઇએ” એવી વાતો કરવી એ સરકારી નોકરોને છાવરવાની વાત છે.

કામનો બોજો કર્મચારીને બહાનાખોર બનાવે છે

જો તમે કામ ન કરો અથવા તો તમારા બોસે ચીંધેલુ જ કામ કરો અને બીજું તમારી ફરજમાં આવતું તમારું કામ ન કરો અથવા તો આરામથી કરો તો કામનો બોજ વધ્યા કરે છે અને તેથી કામનો ભાર લાગવા માંડે છે. જ્યારે કામ બોજા રુપ થઈ જાય ત્યારે તમારા કામમાં ક્ષતિઓ આવવાની છે. એટલે તમે કામ ઓછું કરવાના કે ન કરવાના બહાના શોધો છો. તમે ફરીયાદી થઈ જાઓ છો. તમારી વિચાર શક્તિ ઘટે છે અને તમારી કુશળતા પણ ઘટે છે. સરકારી નોકરોને સરકારે આવા કરી દીધા છે. આમાં ન્યાયાધિશો પણ આવી જાય છે.

તમે દારુની મહેફિલમાં મજા માણતા પકડાયેલા માલેતુજારોને લગતા સમાચારો વાંચ્યા હશે. પણ તમે તેના કેસ કેવી રીતે ચાલે છે, કેસની કૉર્ટની કાર્યવાહી કેવીરીતે ચાલે છે, તેના વાર્તાલાપો, દલીલો અને ન્યાયાધીશના ચૂકાદાઓની વિગતો તમને સમાચાર માધ્યમો દ્વારા જાણવા નહીં મળે. આ બધું બાંધી મુઠ્ઠીમાં રહેશે. ભાઈ કશું મફત થતું નથી.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ સ્માર્ટ સીટી, ગુણધર્મો, પાદવાની પહોંચ, તોપખાનુ, ચોર, ચોકીદાર, માલિક, ન્યાયાધીશ, ચોરીનો માલ, સજા, ઇમ્પેક્ટ ફી, રીડેવેલપમેન્ટ, અમદાવાદ, મુંબઈ, ખાણી પીણી, ગલ્લા, ખૂમચા, દબાણ, ગેરકાયદેસર, પ્રેમચંદનગર રોડ, સીજી રોડ, એસ જી રોડ, ટ્રાફિક પોલીસ, મોબાઈલ, સચિવાલય, સરકારી નોકરો, વાહન, પશુ, વસ્ત્રાપુર, ફાર્મ ફ્રેશ વેજીટેબલ માર્કેટ, ઈંટરલોકીંગ ઈંટો, ખેડૂત, પાર્કીંગ, સુવ્યવસ્થિત, હરિ હરિ, શાકભાજી

Read Full Post »

ઘડપણ કોણે મોકલ્યું ની વાત જવાદો, અણઘડપણ કોણે મોકલ્યું?


જો વ્યક્તિ પોતાને કેન્દ્રમાં રાખીને વર્તે તો પરિણામે આપણે તેને ક્યારેક જ નહીં પણ મોટેભાગે અણઘડ જ કહીશું.


જ્યારે આ વસ્તુ બહુ વ્યાપક બને ત્યારે આપણે તેને મને કમને સ્વિકારી લઈએ છીએ. પણ તેને પરિણામે થતા સામાજીક નુકશાનને સમજી શકતા નથી.


વ્યક્તિગત અણઘડપણુ આમ તો સમાજીક અણઘડપણાને લીધે ટકે છે. સામાજીક અણઘડપણાને રોકવા માટે કાયદાનું શાસન હોય છે. પણ કાયદાનું શાસન ચલાવવાનું જેમનું કર્તવ્ય હોય છે અને જેને માટે તેમને વેતન મળે છે તેમને આપણે સરકારી નોકરો કહી છીએ. આ સરકારી નોકરો જ જો અણઘડ હોય તો તમે વ્યક્તિગત રીતે શું કરો? આ માટે આપણે એક વ્યવસ્થા ગોઠવી છે. અને આપણે તેને રાજકીય વ્યવસ્થા એમ કહીએ છીએ. આ રાજકીય વ્યવસ્થામાં આપણે આપણા પ્રતિનિધિઓ ચૂંટીએ છીએ અને તેમને દેખરેખની સત્તા આપીએ છીએ.

આ લોકો પણ અણઘડ
હવે આ લોકો પણ અણઘડ હોય તો? જો આ લોકો પોતાનો બચાવ કરવા માટે વિતંડાવાદ ચલાવે તો? આવું બધું રોકવા માટે કાયદાનું યોગ્ય અર્થઘટન કરી સામાજીક હિતમાં જો જે તે કાયદાની જોગવાઈ અનુરુપ ન હોય તો તેને સુધારવાની અથવા જો કાયદો બરાબર હોય તો જેને તેને  દંડિત કરવા માટે ન્યાયતંત્રની જોગવાઈ કરી છે. તેથી કરીને, ક્યાંક તો સારો વ્યક્તિ આવશે અને સામાજીક ન્યાય કરશે તેવી ધારણા સાથે સમાજ આગળ વધશે.

સમાચાર માધ્યમોનું કર્તવ્ય
સૌનો અવાજ સંભળાય અને સાચા ખોટા વિષે ચર્ચા થાય એ માટે સમાચાર માધ્યમો છે. આ સમાચાર માધ્યમોનું કર્તવ્ય ફક્ત સમાચાર આપવાનું નથી પણ સમાજને કેળવવાનું પણ છે. સમાચારને તેના યોગ્ય સંદર્ભમાં અને યોગ્ય માત્રામાં વ્યક્ત કરવા તે વિવેકશીલતા સમાચાર માધ્યમના સંચાલકોમાં હોવી જોઇએ. પણ જો બધી જગ્યાએ સ્વકેન્દ્રિત (અણઘડ) વૃત્તિઓ કામ કરતી હોય તો શું થાય?
આપણો દેશ તેનો ઉત્તમ નમૂનો છે.


અણઘડપણું અને નિરક્ષરતામાં શું ફેર?
આણઘડપણા અને નિરક્ષરતામાં કશો ફેર નથી. આ બાબતમાં નારણભાઈ દેસાઈએ (ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ) કરેલી નિરક્ષરતાની વ્યાખ્યા સમજવા જેવી છે.
નિરક્ષર એટલે શું? નિરક્ષર એટલે સામાજિક સમસ્યાને ન જાણવી અને ન સમજવી તે. જો તમારામાં અક્ષરજ્ઞાન હોય તો તમે વાંચી શકો અને સારા નરસા વિષે વિચારકરવાની વૃત્તિ હોય તો તમે વાતને કે સમસ્યાને સમજી શકો. પણ જો તમારી પાસે અક્ષરજ્ઞાન હોય પણ વાંચવાની જ વૃત્તિ ન હોય તો? હવે જો આવું જ હોય તો તમારામાં અને અક્ષરજ્ઞાનહીનતા વાળામાં શું ફેર? તેવી જ રીતે જો વાંચો પણ સમજવાની વૃત્તિ જ નહોય તો વાંચ્યા ન વાંચ્યામાં ફેર શો? કદાચ તેથી જ નરેન્દ્ર મોદી “ગુજરાત વાંચે”ની ઝુંબેશ ચલાવે છે.


આ અણઘડતા, વિષય સાથે સંબંધિત હોય છે. પણ સામાજીક વ્યવસ્થા પણ એક વિષય છે. અને મનુષ્યમાત્ર સામાજીક પ્રાણી છે. એટલે તેની વ્યવસ્થાને સમજવી અનિવાર્ય છે. આ વાત જે ન સમજે તેને અણઘડ જ કહેવાય.


આ અણઘડતાનું પરિણામ શું છે?

વાસ્તવમાં ભ્રષ્ટાચાર એ આ અણઘડતાની નીપજ છે.

કશું મફત થતું નથી. બધે એજન્ટ હોય છે

કશું મફત થતું નથી. બધે એજન્ટ હોય છે


સૌથી વ્યાપક ભ્રષ્ટાચાર બાંધકામ ક્ષેત્રમાં છે. લોકોને ચાલવામાં અને વાહનવ્યવહારમાં મુશ્કેલી ન પડે તે હેતુથી બાંધકામના નિયમો બનાવ્યા. તે નિયમોનું છડે ચોક ઉલંઘન થયું. વ્યાપક તકલીફો ઉત્પન્ન થઈ. જે પગારદારોને જનતાના પૈસે રોક્યા હતા તેમણે નિયમોના ઉલંઘનમાં બિલ્ડરોને સાથ આપ્યો. કટકી કરી. ગેરકાયદેસર બાંધકામ ગરજમંદોને વેચાયું. અગવડો ઉત્પન્ન થઈ. સુખેથી ચાલવાની જગા ન રહી. વાહનોને ગોબા પડ્યા. જેઓને લોકોએ ચૂંટીને નિગરાની માટે મોકલ્યા હતા તેમણે આ અણઘડ લોકો સાથે હાથ મિલાવ્યા અને ભાગીદારી કરી પોતે તેમની મંડળીમાં ભળી ગયા.

કશું મફત થતું નથી. બધે એજન્ટ હોય છે આ કે આ

કશું મફત થતું નથી. બધે એજન્ટ હોય છે આ કે આ


લવીંગકેરી લાકડીએ રામે સીતાને માર્યા લોલ

પણ કોઈ માઈનો લાલ કોર્ટે ચડ્યો. ન્યાયાલયને પાનો ચડાવ્યો. ન્યાયાલયે હૂંકાર કર્યો. જવાબ આપો? આ તો બધું વ્યાપક હતું. એટલું જ નહીં ફોજદારી ગુનો પણ બનતો હતો. જો ફોજદારી ગુનો વ્યાપક હોય, તો ઉંડી તપાસ કરવી જોઇએ. અને તે ગુનાની વ્યાપકતાને રેકોર્ડ ઉપર લઈ, તમામે તમામ સામે કામ ચલાવવું જોઇએ. આ ગુનાઓની તપાસ માટે એક તપાસ કમીશન નિમાવવું જોઇએ. જો સરકાર આ વહીવટી કામ ન કરે તો ન્યાયાલયે આદેશો બહાર પાડવા જોઇએ. ગુનાઓને તો તમે છાવરી શકો જ નહીં. અને વળી અહીં તો, ચોર, ચોરી કરનાર, ચોરી કરાવનાર, ચોકીદાર, ચોરીનો માલ, ચોરને સાથ આપનાર બધાજ હાજર છે અને હાથવગા પણ છે. એટલે ન્યાયાલયે તો ફક્ત આદેશ જ આપવાનો હતો અને છે, કે “તપાસ પંચ કમીશન નીમો”. જેમ સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમ “પોસ્ટ ગોધરા રમખાણો” માટે નીમી છે તેમ આ વ્યાપક ગુનાખોરીની તપાસ કરવા માટે પણ તપાસ પંચ નીમો અને એફઆઈઆર દાખલ કરો. સમય મર્યાદા નક્કી કરો. પણ ન્યાયાલયે શાબ્દિક પૂણ્યપ્રકોપ કર્યો “જવાબ આપો”? (લવીંગકેરી લાકડીએ રામે સીતાને માર્યા લોલ).

અણઘડ ઈલાજ

અણઘડ ઈલાજ

ગુનેગારોએ અંદર અંદર ચર્ચા મસલત કરી
અણઘડોએ ઉર્ફે  ચોરોએ ઉર્ફે સામુહિક રીતે કરેલી ગુનાખોરીના ગુનેગારોએ અંદર અંદર ચર્ચા મસલત કરી જવાબ આપ્યો અમે કાયદો બદલીએ છીએ. અને તે ઉપરાંત જે કંઈ તકલીફો ઉભી થઈ છે તેનું આ કાયદા થકી ધ્યાન રાખીશું. ઘણા થયેલા નુકશાનોને “અનડન” કરવા અથવા પૂર્તિ કરવા મુશ્કેલ જ નહીં અશક્ય પણ હોય છે. અને અણઘડ લોકોના લેબલો લાગેલા આ સરકારી ગુનેગારો ની દાનત ખોરી જ હોય તો તમે અશક્યનું લેબલ બિન્ધાસ્ત લગાડી શકો. તેઓ કેવા નિર્ણયો લેશે તેનું ભવિષ્ય તો તાજુ જન્મેલું બાબલું પણ ભાખી શકે. પણ ન્યાયાલયે કહ્યું “ઓકે.. જલ્દી માપદંડ બનાવો.” હવે આવા ન્યાયાલયને આપણે શું કહીશું?
સંસ્કૃતમાં એક શ્લોક છે “અથવા મૃદુવસ્તુ હિંસિતું મૃદુનૈવારભતે પ્રજાન્તક …” ( એક રાજાની સૌંદર્યવાન નાજુક રાણી ઉપર ફુલ પડ્યું અને તે બેભાન થઈ ગઈ) એટલે કાલીદાસે લખ્યું કે ઈશ્વર મૃદુ વ્યક્તિને તાડિત કરવા માટે મૃદુ વસ્તુથી શરુઆત કરે છે.
આ બધા મૃદુ છે?
બિલ્ડરો, સરકારી નોકરો અને તેની ઉપર નીગરાની રાખવા વાળા આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ  આ બધા બહુ મૃદુ વ્યક્તિઓ છે. એટલે તેમને તાડન કરવા માટે મૃદુ તાડન થવું જોઇએ. જોકે કાલીદાસે તો “તાડનના આરંભની વાત જ કરેલ” પણ અહીં તો આ પૂર્ણવિરામ જ લાગે છે અને તાડન તો છે જ નહીં.

ભોજ રાજાની વાત
ભોજ રાજાની એક વાત કંઈક આવી છે. ભોજરાજા ના રાજ્યમાં પોલીસે ચાર યુવકોને જુગાર રમવા બદલ પકડ્યા. આ ચારમાં એક બ્રાહ્મણ હતો. બીજો વાણીયો હતો અને ત્રીજો શુદ્ર હતો. (મહેરબાની કરી કોઈએ આમાંથી જ્ઞાતિવાદને લગતો બોધપાઠ કે તારવણી ન કરવી. હાલના રકમબંધ બ્રાહ્મણો કોઈને પણ અભડાવે એવા છે).
રાજાએ બ્રાહ્મણ યુવકને કહ્યું “ધીસ ઈઝ વેરી બેડ” અને તેને સજા કર્યાવગર છોડી દીધો.
વણિક યુવકને ધમકી આપી કે હવેથી જો જુગાર રમીશ તો જેલની સજા કરીશ. જા જતો રહે. અને શુદ્ર યુવકને એકમાસની જેલની સજા કરી.
પ્રધાનજીને ભોજરાજાના આ ન્યાયથી આશ્ચર્ય થયું. તેમણે ભોજરાને પૃચ્છા કરી. “એક અને સરખા પ્રમાણના ગુનાસામે અલગ અલગ વ્યક્તિને અલગ અલગ સજા કેમ. રાજા એ કહ્યું એકમાસ પછી વાત. સમયાન્તરે પ્રધાનજીએ તે વાત યાદ દેવડાવી. રાજાભોજ પ્રધાનજીને નગરચર્યા માટે લઈ ગયા. બ્રાહ્મણને ઘરે તપાસ કરી તો તે બ્રાહ્મણ યુવકે ઘરે આવીને રાત્રે પશ્ચાતાપમાં આત્મહત્યા કરી નાખેલી. વાણીયાને ઘરે તપાસ કરી, જાણવા મળ્યું કે તે વણિક યુવક ગૃહત્યાગ કરી આત્મબળે કમાણી કરવા બીજે દેશ ચાલ્યો ગયેલો. શુદ્રને ઘરે તપાસ કરી તો એક ઝાડનીચે તેના બીજા મિત્રો સાથે તે જુગાર રમી રહ્યો હતો.
શું ભારતીય ન્યાયાલય એમ માને છે આ બિલ્ડરો, સરકારી નોકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભોજરાજાના બ્રાહ્મણો છે?
નાજી. કારણકે ન્યાય કરવાવાળો ક્યાં ભોજરાજા છે? ક્યાં રાજા ભોજ અને ક્યાં ….!!
હવે તો ઈમ્પેક્ટ ફી આવશે. અને તે જેને લૂટી લીધેલો છે તેની પાસેથી વસુલ કરવામાં આવશે.


શું બિલ્ડરો, સરકારી નોકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને દંડિત કરી શકાય તેમ નથી?
કશું અશક્ય નથી.
આ ત્રણે પાસેથી પૈસા વસુલ કરો. હે ન્યાયાલય વાસીઓ જો તમારે દયાવૃત્તિ બતાવવી જ હોય તો ઈમ્પેક્ટ ટેક્ષ જે સામાન્ય ટેક્ષ કરતાં છ ગણો હોય તેટલો દરવર્ષે ડબલ થાય તેટલો આ ત્રણે પાસેથી વસુલ કરો. અને તે પૈસામાં પાર્કીંગ ની વ્યવસ્થા કરો. જો આમાં વધુ દયા બતાવવી હોય તો તેઓ જેટલા વખતથી વપરાશમાં છે અને તેને જ્યાં સુધી તોડી ન નાખે ત્યાં સુધી આ ત્રણે પાસેથી વસુલ કર્યા કરો. ગેરકાયદેસર બાંધકામો અને દબાણો આપોઆપ હઠી જશે અને વધુ બંધાતા બંધ થઈ જશે.
તમે કદાચ કહેશો કે આ છ ગણો ટેક્ષ કયા આધારે નક્કી કર્યો?
રેલ્વેમાં તમે જેટલો સામાન અધિકૃત છે તેથી વધુ લઈ જાઓ તો વધારાના સામાન ઉપર છ ગણો દર લગાવવામાં આવે છે.
જો તમે એક વખત અસામાજિક ગુનો કરો તો બીજી વખત ગુનો કર્યાની સજા બમણી કે તેથી પણ વધુ થઈ શકે છે.
બાંધકામ ઉપર દરવર્ષે ટેક્ષ લેવામાં આવે છે. ગેરકાયદેસર બાંધકામ એ એક ગુનો છે. તમે છ ગણો ટેક્ષ ભરો એટલે એ વખત પૂરતી વાત પતી ગઈ. પણ બીજે વર્ષે, કારણ કે તમે તે   ગેરકાયદેસ બાંધકામના ગુનાનું અસ્તિત્વ ચાલુ રાખ્યું તેથી બમણી સજા થવી જોઇએ.
તમે ચોરીનો ગુનો કર્યો હોય અને તેની સજા થઈ હોય અને તે ભોગવી હોય એટલે તમને તે ચોરીના પૈસા ભોગવાની મંજુરી મળી જતી નથી.
ધારો કે તમે હેલમેટ ન પહેરીને કાયદાનો ભંગ કર્યો હોય અને દંડના ધારોકે રુપીયા ૫૦ ભર્યા હોય, તો કંઈ તમને જીંદગી ભર હેલમેટ પહેરવામાંથી મૂક્તિ મળી જતી નથી. હેલમેટ ન પહેરવી તે તો સીવીલ ઓફેન્સ છે. પણ જમીન ઉપરનું ગેરકાયદેસર બાંધકામ અને દબાણ અને તે માટે કરાયેલા વ્યવહારો તો ફોજદારી ગુનાઓ છે. અને તેનું સાતત્ય તે ગુનાઓનું પુનરાવર્તન છે.

“આક્રમણની” વ્યાખ્યા
યાદ કરો યુનોમાં ભારતે કરેલી ગોવા ઉપરના ભારતીય આક્રમણની વિષે “આક્રમણની” વ્યાખ્યા. એક દેશની જમીનના એક હિસ્સા ઉપર બીજા દેશનો કબજો એ “સતત આક્રમણ” છે અને આક્રમણનો હિંસક પ્રતિકાર એ માનવીય હક્ક છે.


ગેરકાયદેસર બાંધકામ અને અતિક્રમણ પણ માનવીય હક્ક ઉપરનું “સતત આક્રમણ” છે.
શું આ વાત સુઘડ ન્યાયાલયો સમજશે?


શિરીષ મોહનલાલ દવે

દબાણ એટલે દબાણ

દબાણ એટલે દબાણ


અણઘડ, ન્યાયાલય, સરકારી નોકરો, બિલ્ડરો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ચોર, ચોકીદાર, નીગરાની, પગારદાર, સતત આક્રમણ,ગુનાનું અસ્તિત્વ

Read Full Post »

%d bloggers like this: