કમીશ્નર સાહેબોને, ચૂંટાયેલા નિરીક્ષકોને અને જજ સાહેબોને બેવકુફ કહીશું કે ઠગ કહીશું? નરેન્દ્રભાઈ મોદી ભલે ગુજરાતને યુરોપીયન દેશોની હરોળમાં લઇ જવાના સ્વપ્ના જોતા હોય પણ મ્યુનીસીપલ કમીશ્નર સાહેબો અને ચૂંટાયેલા સભ્યો, તેમના સ્વપ્નોને અચૂક રોળી નાખશે. સૌપ્રથમ તો કમીશ્નર સાહેબોની એ પ્રાથમિકતા જ નથી કે શહેરની સુખાકારી તરફ ધ્યાન આપવું, શહેરના પ્રશ્નો સમજવા અને નવા પ્રશ્નો ન થવા દેવા.
|
મ્યુનીસીપાલીટીનું એક ગુજરાતી નામ છે “શહેર સુધરાઈ”
પણ સુધરાઈ એટલે શું?
શહેર સુધરાઈ એટલે શહેરને સાફ સુથરું રાખનારી સંસ્થા.
હાજી. એ વાત ખરી.
અમે ક્યાં સીધા છીએ! અમે તો વાંકા છીએઃ
કમિશ્નર સાહેબ કહેછે કે શહેરને કેવીરીતે સાફ સુથરું રાખવું એ બાબતમાં અમે સીધી રીતે કામ નહીં કરીએ. અમારી એટલે કે સરકારી અધિકારીની રુએ અમે કોઇ કામ સીધી રીતે કરતા નથી. અમે હમેશા વક્રગામી અને ઉંધી દીશામાં જ ગતિ કરીએ છીએ.
તમે જુઓ, અમારા પૂર્વજો મતલબ કે પૂર્વગામીઓ એટલે કે અગાઉના કમીશ્નરો રાત્રે રસ્તાઓને પાણી થી ધોવડાવતા હતા. અમે એ કરતા નથી. અગાઉ પોળોમાં જે પીવાના પાણીના નળ આપેલા તે નળનું પાણી ચોકડીની બહાર જાય અને બહાર ભીનું કરે તો અમે તરત તેનો દંડ કરતા. પોળ ચોક્ખી ચણાક રખાતી. હવે અમે એવું બધું કરવામાં માનતા નથી.
અરે હવે તો અમે ગેરકાયદેસર રીતે મોટા મોટા ટાવરો બંધાઈ જાય અને વેચાઈ પણ જાય તો પણ અમારા પેટના પાણીને અમે હલવા દેતા નથી. સાહેબ તમે અમને સમજો છો શુ?
અમારું સર્વ પ્રથમ કર્તવ્ય છે કે કશી સફાઈ કરવી જ નહીં. એટલે જનતા ગંદકીથી ટેવાઇ જાય.
ધારો કે અમે એક ટીપી સ્કીમ બનાવી
તો અમે અમારી આ ટી.પી. સ્કીમમા શાકમાર્કેટ, કે દવાખાના, પેટ્રોલ પંપ, કે મોટર સ્કુટર ગેરેજ, કે રીક્ષા પાર્કીંગ, કે વાહન પાર્કીંગ, કે રેસ્ટોરાં, કે બેંકો, કે નાના ધંધાદારીઓ જેવા કે ચાની કિટલી વાળા, પંચર રીપેરર, મોચી, કે બુટપોલીસ કરનારા, રફુકરનારા, કપડાને ઈસ્ત્રી કરનારા, કપડાને રફુ કરનારા, માટીના ઘડા વેચનારા, વાળકાપનારા, કે પરબવાળા, જાહેર પેશાબ-સંડાસ, કે પીંજારા, કે કોન્ટ્રાક્ટરોના મજુરોના રહેણાકમાટે કે એવા કોઇપણ માટે કશું અનામત રાખતા નથી કે કશી જુદી જોગવાઈ પણ રાખતા નથી. ગુજરાત હાઉસીંગ બૉર્ડ નામની સંસ્થા સાથે એવીકોઈ સગવડ માટે વાટાઘાટો કરી શહેર સુંદર અને ઝોંપડ પટ્ટી વગરનું ફુટપાથો દબાણ વગરની રહે તે માટે કોઇજાતની તસ્દી લેવામાં માનતા નથી, કે એવા કોઇપણ માટે કશું અનામત રાખતા નથી કે કશી જુદી જોગવાઈ પણ રાખતા નથી. અમે ફક્ત એટલું કરીએ. બધાને વ્યવસાયવાળા ગણીએ. એટલે અમે કોમર્સીયલ અને રહેણાક એમ બે જ ભાગ પાડીએ.
તમે જાણોજ છો કે ધારોકે અમે ટીપી સ્કિમમાં એક રસ્તો બનાવ્યો હોય . હવે એ જગ્યા તો ઉજ્જડ જ છે. એટલે તેને પાકો કરવાની જરુર જ નથી. ગટર અને ફુટપાથની પણ જરુર નથી.
અમે હાથી છીએ અને અમારે સતત આરોગવા જોઇએ
વિજળીના કેબલોમાટેની પાઇપો કે બીજી યુટીલીટી સર્વીસીસ જેમકે ટેલીફોન કેબલ, ગેસ પાઈપ કે ડ્રેનેજ માટેની પાઇપો અગાઉથી અને તે પણ અમે પોતે શુંકામ નાખીએ? હા એ વાત ખરી જો આવું બધું અમે કર્યું હોય તો અમે તેને લાગતી વળગતી કંપનીઓને ભાડે આપી શકીએ અને મ્યુનીસીપાલીટીને કમાણી કરાવી આપી શકીએ અને જનતાને અવારનવાર થતા ખોદકામો થકી થતી ચાલવામાં થતી અને વાહનો ચલાવવામાં થતી મુશ્કેલીમાંથી મુક્તિ અપાવી શકીએ. પણ ભાઈ અમને અવારનવાર થતા ખોદકામોની પરમીશનો આપવામાં થતી આવકો અને તેને અવારનવાર રીસરફેસ કર્યા ન હોય તો પણ કરેલા છે તેવું રેકોર્ડ ઉપર બતાવીને થતી ટેબલ નીચેની મબલખ કમાણીનું શું?
અને સાહેબ જો બધા રસ્તાઓ વ્યવસ્થિત હોય, ફુટપાથો પણ સમતલ, સળંગ અને યોગ્ય પહોળાઈની હોય તો પછી જોગીંગ પાર્કના અમારા પ્રોજેક્ટોનું શું થશે? જો બધુ સુષ્ઠુ સુષ્ઠુ હોય તો રસ્તા અને ફુટપાથની સફાઇ સરખી રીતે થાય એ અમે જાણીએ છીએ. પણ સાહેબ “જેમસંસ્કાર જાડા એમ જીવન સરળ” એ મુહાવરાનું શું થશે?
સાહેબ જો બધું ચોક્ખું હોય અને અમે ફુટપાથો અને રસ્તાઓ ઉપર ખાણી પીણીની લારીઓ, ગલાઓ કે ઓપન એર રેસ્ટોરાંઓ ન કરવા દઈએ તો સાહેબ લાખો રુપીયા ખર્ચીને ડૉક્ટર થયેલા માણસોનું શું? સાહેબ અમારે તો બધાનો ખ્યાલ કરવો પડે. હા એવાત જુદી કે જ્યારે હેપીટાઈટીસ જેવો રોગચાળો ફાટી નીકળે ત્યારે અમે કામચલાઉ બધું બંધ કરાવી દઈએ અને મોટા મોટા પોસ્ટરો જનતાને જણાવીએ કે ખુલ્લું અને ગંદીરીતે તૈયાર થયેલું આ બધું આરોગ્ય માટે કેટલું બધું હાનીકારક છે. સાહેબ આવી મહામારી ફાટી નિકળે ત્યારે અમારે અને ડૉક્ટરસાહેબોને કમાણીમાં તડાકો પડે છે.
તમે જાણો જ છો કે જ્યાં સુધી જનહિતના કામોને અને અમારી ડ્યુટીના કામોને લાગેવળગે છે ત્યાંસુધી તો અમે અમારું ભેજુ તો અમારા ઘરના બગીચાના ઝાડ ઉપર જ મુકી રાખીએ છીએ. સફાઈની વાત હોય તો અમારા ખ્યાલ ઉચ્ચ છે. પણ આ ખ્યાલો અમે અમારા પોતાના, મેયર સાહેબો, હાઈકૉર્ટ ના જજસાહેબોના ક્વાર્ટર્સના ઘરના કંપાઉન્ડની બહારની ફુટપાથ અને રસ્તા સુધી જ અમલમાં મુકીએ છીએ. અમે અમારા ખ્યાલો અમારા કર્મચારી ભાઇઓ ઉપર કે કોન્ટ્રાક્ટરો ઉપર લાદવા મગતા નથી.
કોઇના જમીનના બધા ફાઈનલ પ્લોટ કર્યા અને અમે ૪૦ ટકા લેખે જમીન મેળવી કે પૈસા મેળવ્યા એટલે બીલ્ડરભાઈઓ સાથે અમારા અંગત ધંધાપાણીને લગતો વહીવટ પણ કર્યો.
અમે કોઇએક ફાઇનલ પ્લોટ કેવા ઉપયોગ માટે લેવો તે પણ નક્કી કરી છીએ.
જેમકે રહેણાંક માટે નો પ્લોટ, વ્યવસાય માટેનો પ્લોટ.
વળી અમે ડૉક્ટર સાહેબો માટે અને ચિકિત્સાલયો માટે છૂટછાટ આપીએ છીએ.
અમે દરકાર કરતા નથી
પૂરતું પાર્કીંગ કોને કહેવાય, વાહનોની અવરજવર માટે અને માણસોની અવરજવર માટે કેટલી જગ્યા હોવી જોઇએ તેની અમે દરકાર કરતા નથી.
બિલ્ડરભાઈ કમ્પાઉન્ડ વોલને ગમે તેટલા દરવાજા રાખે તેનો અમને છોછ નથી. કમ્પાઉન્ડવોલ રાખે કે ન રાખે તે પણ બિલ્ડરભાઈ નીમુનસફ્ફીની વાત છે
ફાઇનલપ્લોટની અંદરની જગ્યા કે જ્યાં બાંધકામ થયું હોય તો પણ અમે તેને બાંધકામની વ્યાખ્યામાં લેતા નથી.
અમે અમારી ફરજોનું પણ પાલન નથી કરતા તો બિલ્ડરભાઈઓના બાંધકામને લગતી ફરજોની શી વાત કરો છો સાહેબ તમે! અમને એવા વેદીયાવેડા ન ફાવે.
ફાઇનલપ્લોટની અંદરની જગ્યા કે જે સમગ્ર સભ્યોની અને મુલાકાતીઓની અવરજવર માટે હોય છે ત્યાં રેસ્ટોરાંનો માલિક ખૂરસી ટેબલો ગોઠવી દે અને ગ્રાહકોને અવનવી વાનગીઓ ખવડાવે તેનો અમને કશો વાંધો નથી. અરે સાહેબ જ્યારે અમે ફુટપાથ ઉપર પણ લારી ગલ્લાવાળઓને ટેબલ ખુરસીઓ ગોઠવવાની અને ચા, ભાજીયા, સેવ ઉસળ, ભેળ વિગેરેની સામે અમે અને અમારું આરોગ્યખાતું ગાંધીબાપુના મંકીઓની જેમ આંખો મીંચી દેવામાં માનતું હોય તો કંપાન્ડવોલની અંદરની જગ્યાનો ઉપયોગ તો શું ચીજ છે? અરે સાહેબ અમે તો સી.જી રોડ ના પર્કીંગ ઉપર પણ મારુતી-વાન રેસ્ટોરેન્ટ ચલાવવાની છૂટ આપીએ છીએ. પાર્કીંગની જગ્યા છે એટલે મારુતીવાન પાર્ક તો કરે જ ને. પછી એ તે મારુતિવાનમાં રસોડું ચલાવે તેમાં અમારે શું?
અને સાહેબ અમે કેટલા બધા સીલ માર્યા ખબર છે? રોજ રોજ અમે ત્રણ આંકડામાં સીલ મારતા. અને નૉટીસો ફટકારી એ તો સાહેબ ચાર આંકડામાં. સાહેબ અમે પાંચ, છ, સાત અને આઠ આંકડામાં વહીવટ કર્યો હોય તો બે આંકડામાં અને ત્રણ આંકડામાં તો કંઇક કરવું જ પડે છે ને? એટલે હે (જનતા)સાહેબ, અમે સીલમારવા જેવાં અને નોટીસો આપવાના કામો ત્રણ અને ચાર આંકડામાં કર્યા છે.
સાહેબ કદાચ અમે એક આંકડામાં અમારા કોઈ ચમચાને બલીનો બકરો પણ બનાવીશું જેથી રેકોર્ડ ઉપર રહે કે અમે અમારા માણસો ઉપર પણ કામ ચલાવ્યું છે. કદાચ જજસાહેબો અમને પૂછે તો અમારે તેમને કંઈક જવાબ આપવો તો પડે જ ને. સાવ ઘરની ધોરાજી તો ન જ ચલાવાયને?
કુતરા અને સિંહ વચ્ચે શો ફેર?
સાહેબ, તમને પેલા કુતરા અને સિંહના સ્વભાવની તો ખબર જ હશે. જો તમે તેને પત્થર મારો તો સિંહ પત્થરના ઉદગમસ્થાન એટલે કે મારનાર તરફ દોડશે. કુતરો પત્થર તરફ દોડશે.
અમે પણ જજ સહેબો, જનતા અને લોકોએ ચૂંટેલા સભ્યો કુતરા જેવું વર્તે એવું કશુંક કરીશું.
જુઓ સાહેબ અમે એવા બાંધકામોને સીલ કર્યા છે કે જ્યાં શેઠીયાઓ કારીગરો પાસે કામ કરાવતા હોય. દાખલા તરીકે હિરાઘસુઓ. હવે અમે આવા કારખાનાઓને સીલ મારીએ એટલે આ બધા બેકાર થાય. તેમની રોજી રોટી ખોરવાઈ જાય. એટલે આ એક જાતનો લૉકઆઉટ થયો ગણાય.
લેબર કમીશ્નર સાહેબ આમાં માથું નહીં મારે
લેબર કમીશ્નર માટે કાયદાની જોગવાઈ હાથ વગી નથી. આ કેસમાં કોની પાસેથી ડાબે હાથે પૈસા લેવા તેમાં તેમનો ટકલો કદાચ મુંઝાય છે.
મ્યુનીસીપાલીટી વાળા તો પૈસા આપે જ નહીં. મજુરો તો આપે જ ક્યાંથી? શેઠીયા ઓ તો હાથ ઉંચાકરી દીધા છે. કાયદામાં શું જોગવાઈ છે? તે જોવાની તો મહેનત કરવી પડે!! અને વળી કોઈ કંપ્લેન તો આવી નથી! માટે આંખ જ બંધ કરી દો.
ચૂંટાયેલા મેયર સાહેબ અને સભ્યો કહે છે કે મ્યુનીસીપલ કમીશ્નોરોની તરફ તો જોવાય જ કેમ? પત્થર તો મજુરો ઉપર ફેંકાયો છે માટે મજુર તરફ દોડો. હિરાઘસુઓ એકલાજ કંઈ મજુરો નથી. મજુરમાં તો ગુમાસ્તાઓ પણ આવી જાય. એટલે મજુરોના હિતની રક્ષા કરવાનો મુદ્દો ઉભો કરવાનો આ મુદ્દાને માનવીય ચળકાટ આપો.
બીલ્ડરભાઇઓએ છેતરપીંડી ભર્યું વેચાણ કર્યું છે કે, ગેરકાયદેસર બાંધકામમાં શેઠીયાઓએ ધંધો સ્થાપ્યો છે કે, આપણા કમીશ્નર સાહેબે ગાંધીબાપુના મંકીની જેમ આંખ મીંચામણા કર્યા છે અને પત્થર આ લોકોએ ફેંક્યો છે એવી વાતોમાં પડાય જ નહીં. એ લોકો તો આપણા ખરા અન્નદાતા છે. સરકાર આપણને શું બાંધી આપે છે. સરકાર જે આપે છે તે તો પાનબીડી છે.
ચૂંટાયેલા મહાનુભાવો શું કહેછે?
મહામહિમ ઉવાચ “જુઓ. વાસ્તવમાં તો અમારે બિલ્ડર ભાઈઓના હિતની રક્ષા અને અમે જેમના ધંધાપાણીમાં ભાગીદાર છીએ એવા કમીશ્નર સાહેબોના હિતની રક્ષા કરવાની છે. પણ અમે આ બાબતને મજુરોના હિતની રક્ષાના વાઘા પહેરાવશું. એટલે અમે નીચે પ્રમાણે કરીશું
ગેરકાયદેસ બાંધકામઃ
અમે ગેરકાયદેસર બાંધકામ ને “ઈમ્પેક્ટ ફી” જેવી એક “ફી” ઉભી કરી તેને મિલ્કતના કબ્જેદારો પાસેથી વસુલ કરીશું. એટલે હિરાઘસુ જેવા મજુરભાઇઓની રોજીરોટી કાયમ રહે. જોકે શેઠીયાઓને પણ લાભ થશે. પણ સાહેબ હજાર જણને લાભ કરીએ તો થોડા શેઠીયાઓને પણ લાભ થાય તો તે ક્ષમ્ય છે. તે હવે તમે એવું ન પૂછશો કે કહેશો કે “ઈમ્પેક્ટ ફી”ને બદલે “ઈમ્પેક્ટ કર કેમ નહીં? સાહેબ, ઈમ્પેક્ટ કર નાખીએ તો અમારે તેને દર વરસે વસુલ કરવો પડે. અને અમારે ઘણો બધો સર્વે કરવો પડે અમારી પાસે સ્ટાફ જ ક્યાં છે?
પાર્કીંગની જગ્યાનો ધંધાકીય ઉપયોગ
આ બાબતમાં અમે નામદાર કૉર્ટ સાહેબને એવા ઉઠાં ભણાવીશું કે સાહેબ જ્યાં જ્યાં પણ વાહન પાર્કીંગનો પ્રશ્ન ઉભો થતો હશે ત્યાં ત્યાં અમે માલિકો સાથે “વહીવટ” અને “ધંધાપાણી” ના ટેબલનીચેના પ્રાથમિક અને પુનરાવર્તિત દરો નક્કી કરી વાટાઘાટો આગળ ચલાવીશું. વાહન પાર્કીંગનો પ્રશ્ન “હલકર્યા વગર”, “હલ કર્યો છે” એ કેવીરીતે બતાવી શકાય, એ બાબતમાં આ જુની સમસ્યાને હલ કરવા લાંબાગાળાની મુદત માગીશું.
અને એ … ય પછી “આજની ઘડી અને કાલ નો દિ …”
સાહેબ તમને ખબર તો છે કે અમે જ્યાં ભવિષ્યમાં જ્યાં આવા પ્રશ્નો ઉભા થવાના છે તે જગ્યાએ જે સહેલું છે છતાં પણ અમે ત્યાં તકેદારીનાં પગલાં લેતા નથી, તો વળી અમે આવા અઘરા પ્રશ્નોને શેના ગંભીરતાથી હાથમાં લઈએ!
ભલે થઇ જાય “આજની ઘડી અને કાલ નો દિ …”
સરકારીની માલિકીની જમીન ઉપરનાં બાંધકામઃ
ચૂંટાયેલા મહામહિમ ઉવાચઃ હા અમે હવે આવા બાંધકામ તો સાંખી નહીં જ લઇએ! શું કહો છો કમીશ્નર સાહેબ? બોલો બોલો કેમ બોલતા નથી? કંઇક હોંકારો તો ભણો!
કમીશ્નરસાહેબ બોલ્યા” હા હા સાહેબ. એમાં ના કેમ કહેવાય? સરકારી જમીન શું તેમના બાપની છે? સરકારી જમીન ઉપરના ગેરકાયદેસર બાંધકામ તો હટાવવા જ પડશે.
હે જનતા બંધુ … ચાલો આપણે જોઇએ કમીશ્નર સાહેબ શું કરે છે. એક જગ્યાની મુલાકાત લઈએ.
“આ શું છે?” કમીશ્નર સાહેબ બોલ્યા.
” સાહેબ, આતો મંદીર છે” કમીશ્નર સાહેબનો એક સેનાની બોલ્યો.
“પણ આટલું બધું બાંધકામ થયું કેવી રીતે?” કમીશ્નર સાહેબ બોલ્યા.
“સાહેબ, પહેલાં તો અહીં થોડી આડી ઉભી ઈંટો ગોઠવીને મેલડી માની છબી જ મુકેલી હતી. અમને એમ કે ગોપબંધુઓના બાબલાઓ મંદીર મંદીર રમે છે. પણ પછી એક રાત્રે તેમણે તેના ઉપર સીમેન્ટીંગ કરી દીધું. અને પછી રાત્રે રાત્રે નાનકડી પાકી દેરી કરી. રાત્રે રાત્રે બધું કરે તો આપણે શું કરી શકીએ સાહેબ?” કમીશ્નર સાહેબનો સેનાની બોલ્યો.
“પણ તમે પોલીસને કેમ રીપોર્ટ ન કર્યો?” કમીશ્નર સાહેબ બોલ્યા.
“સાહેબ, વાઘેલા સાહેબે કહ્યું કે આ રસ્તા ઉપર જ ટ્રાફિક જ ક્યાં છે? અને આ તો ઝાડનીચે વટેમાર્ગુઓ થોડો પૉરૉ ખાય અને રાત હોય તો થોડો છાંટો પાણી કરે. ચોળીને ચીકણૂં શું કામ કરવું? એમ કરતાં કરતાં દેરી મોટી ને મોટી થતી ગઈ અને ઓટલો થયો અને ઓટલો લાંબોને લાંબો થતો ગયો. પછી બીજા ભગવાનો પણ આવવા માંડ્યા. ભગવાનને કંઈ થોડા રોકાય છે સાહેબ? લાંબા ઓટલા ઉપર ચણતર થઈ ગયું બાંકડા થઇ ગયા, દિવાલો થઇ, બારીઓ થઈ અને છાપરાં થયાં. હવે તો સાહેબ યુપી બિહારના બાવાઓએ કબજો લઈ લીધો છે અને રાત્રે ચોરેલા માલની વહેંચણીઓ પણ થતી હશે. હવે જો આપણે તોડવા જઈશું તો ધમાલ થશે. કોંગી ભાઇઓ આને રાજકીય મુદ્દો બનાવશે અને બેનરો લઈ દેખાવો કરશે. ટૂંકમાં લૉ એન્ડ ઑર્ડર ના પ્રશ્નો ઉભા થશે. અને સર્વોચ્ચ અદાલતનું જજમેન્ટ છે કે લૉ એન્ડ ઑર્ડર જોખમમાં ન આવે તેવાં જ ધાર્મિક સ્થાનો દૂર કરવાં.” કમીશ્નર સાહેબનો સેનાની બોલ્યો.
“હા હૉ … એ ખરું !!” કમીશ્નર સાહેબ બોલ્યા. “ચાલો … આગળ..”
.
.
.
“આ શું છે?”કમીશ્નર સાહેબ બોલ્યા.
” સહેબ આતો કાચી ઈંટોનું ચણતર છે. છાપરા ઉપર અને છપરાનીચે કબાડીનો સામાન છે… આ તો બાંધકામની વ્યાખ્યામાં નહીં આવે!! “કમીશ્નર સાહેબનો સેનાની બોલ્યો
.
.
.
“આ શું છે? “કમીશ્નર સાહેબ બોલ્યા.
” સાહેબ આ તો ટાયરો છે. અને કોઈકની ગાડીઓ પડી છે. હા અમુક ગાડીઓ ખખડધજ .. અમુક રીપેરમાં લાગે છે. આ તો કોંપ્રેસર પડ્યું છે… અને આતો ઈલેક્ટ્રીક બોર્ડ છે. હેં સાહેબ આ ઇલેક્ટ્રીક બોર્ડ બાંધકામમાં ગણાય કે નહીં?” કમીશ્નર સાહેબનો સેનાની બોલ્યો.
“પણ આ ગેરેજવાળાને ઈલેક્ટ્રિક કનેક્સન કોણે આપ્યું?” કમીશ્નર સાહેબ બોલ્યા.
“સાહેબ, ઈલીક્ટ્રીસીટી વાળા આપણી અંડરમાં આવતા નથી.” કમીશ્નર સાહેબનો સેનાની બોલ્યો. “એમને એમનો રોટલો રળવા દો.”
.
.
.
” આ શું છે?” કમીશ્નર સાહેબ બોલ્યા.
” સાહેબ, આ તો માટીની ઝુંપડીઓ છે અને કોક ભરવાડ રબારીના ઢોર છે. અને ફરતી ફેન્સીંગ છે. બાંધકામ તો ન જ ગણાય. કદાચ ગ્રીન બેલ્ટમાં છે. અથવા તો સોસાઇટી પડી ભાંગી અને ઈસ્માઇલ ભાઈએ કબજો લઈ લીધો હશે. અને આને ચોકીદાર રાખ્યો હશે. હા અહીં રોટલા પાણી અને કદાચ છાંટો પાણી મળે ખરા” કમીશ્નર સાહેબનો સેનાની બોલ્યો.” સાહેબ! તપાસ કરવી પડે? આ જે ‘ગામડું’ એમ લખેલું બોર્ડ છે તે કદાચ કોઇ મુકી ગયું હશે.”
“ઓ કે … ઓ કે … ઝગતું ઝગતું આપણી પાસે આવશે ત્યારે જોઇશું” કમીશ્નર સાહેબ બોલ્યા.
.
.
.
.
“આ શું છે?” કમીશ્નર સાહેબ બોલ્યા.
” ધાબો ચાલે છે. આ તો સાહેબ ઔડામાં છે.” કમીશ્નર સાહેબનો સેનાની બોલ્યો.” ઔડામાં આપણે ક્યાં પડીએ છીએ?
“પણ ઔડાના કમીશ્નર તો કહે છે કે તમારામાં છે … “કમીશ્નર સાહેબ બોલ્યા.
” સાહેબ ઝગડો ચાલવા દો ને … આપણું શું જાય છે?” કમીશ્નર સાહેબનો સેનાની બોલ્યો.
.
.
.
“ચાલો આજે તો બહુ થઈ ગયું… આટલામાં કોઈ સારી હોટેલ રેસ્ટોરાં છે?” કમીશ્નર સાહેબ બોલ્યા.
નોંધઃ “કમીશ્નર સાહેબ” માં એક વચન, બહુવચન, ડેપ્યુટી, કલેક્ટર, જોઇન્ટ, સેક્રેટરી વિગેરે બધાને ગણી લેવા. ટૂંકમાં ઈન્ડીયન સર્વીસીસના સમગ્ર અધિકારીગણને ગણી લેવા. જજ સાહેબોને પણ ગણવા હોય તો ગણવા. તેમને મદદ કરતા વકિલગણને પણ ગણવાની છૂટ છે.