ત્રીનેત્ર એ સનાતન ધર્મીઓ માટે જાણીતો શબ્દ છે. વિશ્વદેવ જેને ઋગવેદમાં વર્ણવવામાં આવ્યા છે. તેમને ત્રણ નેત્રો છે. સૂર્ય, ચન્દ્ર અને અગ્નિ.
“જે પીણ્ડે છે તે બ્રહ્માણ્ડે છે”. એટલે કે જો એ રીતે સરખામણી કરીએ તો
આપણે ચન્દ્રના અજવાળામાં જોઇ શકીએ છીએ. હવે “જોવું” એ શબ્દનો અર્થ જાણવું કરીએ તો ચન્દ્રના અજવાળામાં આપણે જે કંઈ જોઇએ તે સ્પષ્ટ ન હોઇ શકે. અને આપણા મનને આપણે મદદમાં લેવું પડે. અથવા અજાણતાં પણ આપણે તેમ કરીએ છીએ. તેથી ચંદ્ર એ મન છે. “ચન્દ્રોમા મનસિ જાતઃ” એમ પણ કહ્યું છે. તેનો અર્થ એ પણ થઇ શકે કે ચંદ્ર આપણા મન ઉપર અસર કરે છે.
સૂર્યના અજવાળામાં આપણને બધું સ્પષ્ટ દેખાય છે. મતલબ કે જોઇ સમજી શકીએ. પણ આપણી વાત તૃતીય નેત્ર વિષેની છે. જ્યારે સૂર્ય પણ આકાશમાં ન હોય અને ચંદ્ર પણ આકાશમાં ન હોય ત્યારે આપણે અગ્નિથી કામ ચલાવીએ છીએ. વળી અગ્નિ આપણું અન્ન રાંધે છે અને આ પક્વ અન્ન આપણને આનંદથી જીવાડે છે.
અગ્નિ સર્વને બાળીને અદ્રશ્ય કરે છે. તે બધું ક્યાં જાયછે? તે બધું વિશ્વમાં દ્રવિત થાય છે. “મૂખાત્ અગ્નિ અજાયતઃ” અગ્નિ એ વિશ્વદેવનું મુખ છે. અને જે કંઈ મુખમાં જાય છે તેથી કુદરતી શક્તિઓનું પોષણ થાય છે. વળી અગ્નિ એ પુરોહિત છે. એટલે કે તે સર્વ શક્તિઓનો પ્રમુખ છે. “અગ્નિમીળે પુરોહિતં.”
અગ્નિ એ બ્રહ્મમાંથી ઉત્પન્ન થયો. તેથી તેને “બ્રાહ્મણ” કહેવાય છે. અને તેથી વૈદિક ધર્મને “બ્રાહ્મણ ધર્મ” કહેવાય છે. અગ્નિને ઘરમાં “દીપ”ના સ્વરુપમાં રાખવામાં આવે છે. તેથી તે “ગાર્હપત્ય” છે. આ ત્રીજું નેત્ર અગ્નિ એ શું નથી? અગ્નિ એ જ્ઞાન છે. જ્ઞાન એ ત્રીજું નેત્ર છે. પણ જ્ઞાન એટલે શું? પંચેન્દ્રીયો થકી કે કંઇ જોવામાં આવે અને મગજમાં સંગ્રહવામાં આવે અને તે ઉપર મનન ચિંતન કરી સમજવામાં આવે તેને જ્ઞાન કહેવાય.
જ્ઞાન શું કરે છે? જ્ઞાન એ મનુષ્યમાં પ્રજ્ઞા ઉત્પન્ન કરે છે. આ પ્રજ્ઞા એટલે સાચા નિર્ણય કરવાની ક્ષમતા. સંબદ્ધતાની પ્રજ્ઞા, પ્રમાણભાનની પ્રજ્ઞા અને પ્રાથમિકતાની પ્રજ્ઞા. આ ત્રણે પ્રજ્ઞાઓ સમાજનો સામાજીક અને વૈજ્ઞાનિક વિકાસ કરે છે.
ટૂંકમાં સામાજીક ઉન્નતિ માટેની ચર્ચાઓ, સંબદ્ધતાની પ્રજ્ઞા, પ્રમાણભાનની પ્રજ્ઞા અને પ્રાથમિકતાની પ્રજ્ઞા ની પરિસીમામાં થવી જરુરી છે.
આ તૃતીયનેત્ર એ જ્ઞાન સ્વરુપ છે. અને સર્વ સમસ્યાઓનો સંવાદ આવકાર્ય બનાવેછે.