Where is he lost, the man who walked on this earth with flesh and blood? Part-4 / 9 (GUJARATI)
ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ? ભાગ – ૪ / ૯
રાજગાદી કોને મળવી જોઇએ? રામને કે ભરતને ?
દશરથ રાજાએ કૈકેયીના પિતાને વિશ્વાસ આપ્યો હતો કે જો પટ્ટરાણીને પણ પુત્ર થશે તો પણ કૈકેયીના પુત્રનો જ રાજ્યભિષેક થશે.
હવે થયું એવું કે પટ્ટરાણી સૌ પ્રથમ ગર્ભવતી થઈ. એટલે કે જ્યેષ્ઠપુત્ર કૌશલ્યાને થયો. કૈકેયી પછી ગર્ભવતી થઈ એટલે એનો પુત્ર જ્યેષ્ઠ પુત્ર ન બન્યો. પ્રણાલી એવી હતી કે જ્યેષ્ઠપુત્રને રાજગાદી મળે. અથવા તો જે સૌથી વધુ લોકપ્રિય રાજકુંવર હોય તેને રાજગાદી મળૅ. રામ લોકપ્રિય પણ હતા અને જ્યેષ્ઠ પુત્ર પણ હતા.
હવે શું કરવું?
બધી લડાઈ મીકી માઉસ જેવી બનાવી?
આ સમસ્યામાં જે દેવી તત્વોની રમત રમવાની જે વાતો કહી છે તેની આપણે ચર્ચા કરવી જરુરી નથી તેથી તે ચર્ચા નહીં કરીએ. જો કે ટૂંકમાંતે વાત આમ છે, કે દશરથ રાજાએ રામના યુવરાજ પદની ઘોષણા કરી એટલે ઈંદ્રાદિ દેવો મુંઝાયા. જો રામ અયોધ્યાના રાજા થઈ જશે તો તેઓ રાજકાજમાં વ્યસ્ત થઈ જશે. જો આમ થશે તો રાવણના ત્રાસમાંથી આપણને છોડાવશે કોણ? એટલે કંઈક તો કરવું પડશે.
કૈકેયી આમ તો સારી છે. એટલે તેને પૂર્ણ રીતે વાંકમાં લેવાની જરુર નથી. તો શું કરીશું? મંથરા જે કૈકેયીની દાસી છે તેને પટમાં લાવો. બલિનો બકરો (બલિની બકરી) તેને બનાવો. ભાઈઓ અને બહેનો, આ કૈકેયી તો બહુ જ સારી હતી. એટલે તો દશરથ રાજાને ગમતી હતી. પણ દૈવી શક્તિઓ સામે કૈકેયી બીચારી શું કરે?
આમ તો ઈન્દિરા ગાંધી સારી હતી કારણકે જવાહરલાલ નહેરુની પુત્રી હતી.
જવારહરલાલ તો કેટલા બધા સારા હતા. જુઓને જવાહર લાલે કેવા કેવા ભોગ આપેલા. સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમના ઘરમાં પડ્યા પાથર્યા રહેતા હતા. તેમની આગતા સ્વાગતા થતી હતી. ચા અને નાસ્તાપાણી થતા હતા. ભલે જે કંઈ ખર્ચ થતો હતો, એ પૈસા તેઓ કમાયા ન હતા પણ તેમના પિતાશ્રીના તો હતા જ ને ? જો પિતાના વારસા ઉપર તેમનો હક્ક હોય તો પોતે ( ભલે પછી તે, મહાત્મા ગાંધી આગળ ત્રાગું કરીને) મેળવેલા વડાપ્રધાનપદ હોય પણ આ પદનો વારસો ઇન્દિરા ગાંધીને મળે તેવી જોગવાઈ તો તેમણે કરવી જ પડે ને ! આવા સુંદર, ચપળ, પોતાનું વારસાગત ઘર ત્યાગી ને દેશને સમર્પણ કરનાર, દેશી વિદેશી નેતાઓના સંપર્કોવાળા એવા નહેરુની પુત્રી તો સારી જ હોયને.
હા આ કટોકટીમાં એણે તેના વિરોધીઓને જેલમાં પૂર્યા એ વાત ખરી. પણ એમાં બિચારી ઇન્દિરા ગાંધીનો કંઈ વાંક ન હતો. તે તો રાજીનામુ આપવા તૈયાર હતી. પણ સંજય ગાંધી એવો હતો કે જેણે ઇન્દિરાગાંધીની ઉપર ઇમોશનલ કે બ્લેકમેલની ધમકી રુપી દબાણ કર્યું. આમ તો સંજય ગાંધી પણ એવો ન હતો. પણ એ ચંડાળ ચોકડીની વાતોમાં ચડી ગયો. અને ઈન્દિરા ગાંધી દ્વારા કટોકટી લદાવી. ઇન્દિરા ગાંધી બિચારી કંઈ કટોકટી લાદીને ખુશ થઈ ન હતી.
આ મનમોહન સિંગ ની જ વાત કરોને. બિચારા સાબ ગરીબડા છે. સોનીયા પણ કંઈ એવી ખરાબ નથી. આ તો ડીએમકે અને સોનીયાના સાથી પક્ષો જ એવા છે. ભાઈ રાજકારણ છે જ એવું હોય છે. તેર સાંધો અને ત્રેપન તૂટે. બિચારા મન મોહન અને સોનીયા કરે પણ શું !!
જો આપણા હાલના સમાચાર માધ્યમોના ખેરખાંઓની અને મૂર્ધન્યોની આવી અવદશા હોય તો જેમને એક મહાપુરુષની કથાને રસમાય કરવાની હોય તેઓ તો કંકને કંઈક જોડે જ ને.
કૈકેયીનો કેસ ઇન્દિરાગાંધી જેવો નબળો નહતો. તેણે જે માગણી મુકી અને આચરણ કર્યું તે તેનો હક્ક હતો.
પુરાણકારોમાં એક વાત સામાન્ય હતી. અસુર, દૈત્ય, રાક્ષસ, દાનવ પોતાની ઉન્નતિ માટે બ્રહ્માજી, શિવજી આદિ કોઈનું તપ કરે અને તેમને પ્રસન્ન કરે. તેમની પાસેથી મનોવાંચ્છિત વરદાન મેળવે. પછી દેવોને ડરાવે, દેવોની હકાલ પટ્ટી કરે પરેશાન કરે. આવું બધું થાય, પછી વિષ્ણુ કે શિવ, કે ગણેશ કે કાર્તિકેય કે માતાજી ઓ આ રાક્ષસી શક્તિઓ સામે મહાયુદ્ધ કરે અને દેવોની રક્ષા કરે. જનતાને પણ આ રીત ગોઠી ગઈ હતી.
આ રીતમાં જેટલું ઉમેરવું હોય તેટલું ઉમેરાય અને જેટલું લંબાવવું હોય તેટલું લંબાવાય. જનતા ભાગી ન જાય. અત્યારની ટીવી સીરીયલોના ડીરેક્ટરો જેવું ન હતું કે એક પાત્ર એક વાક્ય બોલે અને કેમેરા ડક્ઝન બંધ પાત્રોના મોઢા ઉપર કેમેરા ડઝનેકવાર ફેરવવા માંડે. પાત્રોના વાક્યે વાક્યે આવું થાય. ડાયરેક્ટરને થાય કે આ તો “તાજ સીગરેટ જેવું થાય છે” ધીમી બળે છે અને વધુ લહેજત આપે છે. જો કે પુરાણ કારોનું સાવ આવું ન હતું. પુરાણ, એપીસોડ જેવું સાવ સ્લો થઈ જતું નહીં, કે અમુક દર્શકો સીરીયલો જોવી બંધ કરી દે.
દેવોએ મંથરાને પોતાની રીતે ઉશ્કેરી ઉકસાવી. મંથરાએ કૈકેયીને ઉશ્કેરી.
દશરથ રાજા માટે ધર્મ સંકટ ઉભું થયું. ત્રણ પ્રણાલીઓ સામસામે આવી. સંભવ છે કે દશરથ રાજા અને તેમના મંત્રીમંડળે એવો રસ્તો કાઢ્યો કે ત્રણે પ્રણાલીઓ ને સન્માન મળે. આ પ્રમાણે રામ ૧૪ વર્ષ વનમાં જાય. ભરત ૧૪ વર્ષ નિશ્ચિંત થઈને રાજ કરે. જો ભરત સુચારુ રુપે રાજ કરશે તો જનતા તેને જ રાજા તરીકે ચાલુ રાખશે.
રામને વનવાસ શા માટે?
રામને વનવાસ એ માટે કે રામ લોક પ્રિય હતા. જનતા રામના પક્ષમાં રસ્તા ઉપર ઉતરી આવે તો ભરતે રાજગાદી છોડવી પડે. રામની ગેરહાજરીમાં ભરત, જનતાનો પ્રેમ હાંસલ કરી લે.
રામ સાથે સેના પણ નહીં. વનવાસ એટલે વનવાસ. જો રામ સેના રાખે તો રામ એજ સેના થી બીજા મુલકો જીતીને રાજા થઈ જાય. પછી અયોધ્યા ઉપર પણ કબજો કરી લે તો !!
રઘુવંશના રાજાઓ કે એ વખતના રાજાઓ મનમાની કરી શકતા ન હતા. રાજાએ જો વચન આપ્યું હોય તો તે વચન પાળવું જ પડે. પ્રણાલીઓનું પાલન કરવું જ પડે. રામે દશરથ રાજાની વાત કબુલ રાખી.
લક્ષ્મણે તો રામની સાથે જ રહેવાનું હતું.
સીતાએ વિચાર્યું હોઈ શકે કે જે વ્યક્તિ જુના પ્રકારનું અટપટું ધનુષ વાપરવામાં પણ પાવરધી હોય તે વનવાસ દરમ્યાન ચૂપ બેસશે નહીં. માટે આ વ્યક્તિ ઉપર નજર તો રાખવી જ પડશે. કદાચ સીતા અને લક્ષ્મણની પત્ની ઉર્મલા બંન્નેએ મસલત કરી આ નિર્ણય લીધો હોય. સીતા, રામ અને લક્ષ્મણ પર નજર રાખે, અને ઉર્મિલા અયોધ્યામાં જે કંઈ થાય તેના ઉપર નજર રાખે.
આમ તો રામાયણ ચમત્કારોથી ભરપુર છે. તેમાં દંતકથાઓ અને બીજા ઉમેરણો પુષ્કળ છે. પહેલે થી જ રામ દ્વારા ઘણા રાક્ષસોની હત્યા થયેલી, આકાશમાંથી પુષ્પ વર્ષા થતી, અહલ્યાનો ઉદ્ધાર, રામ જન્મ થવાથી દેવતાઓ અયોધ્યામાં આવે અને રામના રુપમાં રહેલા વિષ્ણુ ભગવાનના દર્શન કરી ખુશ થાય. વિષ્ણુ અવતાર લે એટલે બીજા દેવો પણ અવતાર લે જેમકે કોઈ પ્રધાન બહારગામ જાય એટલે તેમની સાથે સુરક્ષાદળો, સચિવ, સ્ટેનો અને બીજો સ્ટાફ પણ મદદમાં જાય (અને શોપીંગ પણ કરી લે). યજમાન પ્રદેશના સુયોગ્ય લેવલના મહાનુભાવ પ્રોટોકોલ નિભાવે. આ બધી વાતો વ્યર્થ છે.
શુર્પણખા અને રામ-લક્ષ્મણ
રામ લક્ષ્મણ અને સીતા પંચવટીમાં રહે છે. રામ હમેશા પોતાને સમ્રાટ ભરતના પ્રતિનિધિ તરીકે પ્રસ્તૂત કરતા રહે છે. યથા યોગ્ય રીતે વનવાસીઓની સુરક્ષા કરતા રહે છે.
રાવણની બહેન શુર્પણખા
એક દિવસ શુર્પણખા ફરતાં ફરતાં પંચવટી આવે છે. રામના રુપથી એ મોહિત થાય છે. તે રામ પાસે લગ્નનો પ્રસ્તાવ મુકે છે. રામ તો આદર્શ પુરુષ છે. તેઓ એક પત્નીવ્રતમાં માનતા હોય છે. વળી સીતા પ્રત્યક્ષ નહીં તો પંચવટીમાં તો હતી જ. “આવ પથરા પગ ઉપર” એવું શું કામ કરવું? એટલે રામ શુર્પણખાને સૂચન કરે છે કે તે લક્ષ્મણને પ્રપોઝ કરે.
શુર્પણખા લક્ષ્મણને જુએ છે. એ પણ કંઈ ખોટો ન લાગ્યો. શુર્પણખા લક્ષ્મણને પ્રપોઝ કરે છે. પણ લક્ષ્મણ તેને ફરીથી રામ પાસે મોકલે છે. આમ આ બંને અવારનવાર એકબીજા પાસે શુર્પણખાને મોકલીને જુદી જાતના “ઈવ ટીઝીંગ” નો લાભ લે છે. શુર્પણખાને અંતે ટ્યુબલાઈટ થાય છે કે આ બંને મને ભઠાવે છે. આવા સંજોગોમાં સ્ત્રીનો અધિકાર છે કે તે ગુસ્સો કરે. અને શુર્પણખા તો મોટા ઘરની હતી તેથી આ બંને સાથે મારપીટ ઉપર ઉતરી આવે છે. આપણા દેશમાં મંત્રીનો છોકરો સ્વમાન ભંગ થતાં મારપીટ ઉપર ઉતરી આવે છે. આપણા રામ અને લક્ષ્મણ, બે પુરુષ તે શુર્પણખાને નાક અને કાન ઉપર ઈજા પહોંચાડે છે. જોકે યુપીના મુંહાવરા પ્રમાણે નાક કાન કટા એમ કહે છે. શુર્પણખા, પોતાના ભાઈ, રાવણ પાસે જઈને રામ અને લક્ષ્મણ વિરુદ્ધ ફરીયાદ કરેછે.
સીતા હરણ
સીતા હરણ શું થયું હશે? એક પાઠ પ્રમાણે સીતા પોતાની મેળે લંકા જતી રહી હતી. ક્યાંક વળી સીતાને રાવણની પુત્રી બતાવી છે. પણ મોટાભાગના પાઠ પ્રમાણે રાવણ સીતાનું અપહરણ કે હરણ કરી કરી ગયો હતો.
સુવર્ણ મૃગની વાત આવે છે. મરિચી જે રાવણનો મામા હતો તે પોતાની માયાવી શક્તિથી સુવર્ણ મૃગ બની જાય છે. સીતાને લોભાવે છે. આપણે બહુરુપીયાઓની કળાઓથી પરિચિત છીએ. પણ આ અતિશયોક્તિ કે ઉમેરણ હોઈ શકે.
સીતા, રામને આ સુવર્ણ મૃગને લઈ આવવાનું કહે છે. રામ જાય છે. મરિચી રામને દૂરદૂર લઈ જાય છે. રામ એને તીર મારે છે. મરિચી રામના જેવા અવાજમાં લક્ષ્મણ લક્ષ્મણ એમ બુમો પાડે છે.
સીતા લક્ષ્મણને તપાસ કરવાનું કહે છે. તે માટે લેખક સીતાના મોઢામાં કડવા શબ્દો પણ મુકે છે. પણ લક્ષ્મણ એક રેખા દોરીને સીતાને કહે છે કે આ રેખાનું ઉલ્લંઘન ન કરશો. કારણકે આ રેખાની અંદરની દિશામાં હશો ત્યાં સુધી હું તમને જોઈ શકીશ. આવું જ કંઈક હશે. કારણ કે જેવી વર્ણવવામાં આવી છે એવી ચમત્કારિક રેખા કોઈ દોરી ન શકે.
રાવણ સાધુના વેશમાં આવે છે અને ભિક્ષા માગે છે. આમાં પણ નાટ્યકરણ છે. સીતા એક પગ ઉંચો કરીને રેખાની બહાર લંબાવે છે. રાવણ તે પગને ખેંચીને સીતાને ઉઠાવી લે છે.
રામ તો વિષ્ણુ ભગવાન છે. સીતા સાક્ષાત લક્ષ્મી છે. સીતા તો વલ્કલ પહેરતી હતી. રાવણ આવી સીતાનો ઉંચો થયેલો પગ ખેંચીને પોતાના ખભા ઉપર ઉઠાવી લે છે.
સીતા આવી નિર્માલ્ય અને નિર્બળ કેવી રીતે હોઈ શકે? માતા લક્ષ્મીની આવી અવમાનના થઈ જ કેવી રીતે શકે !!
કોઈને જ્યારે ભગવાન બનાવી દઈએ અને કોઈ સ્ત્રીને દેવી બનાવી દઈએ ત્યારે સર્વશક્તિમાન ભગવાન અને માતાજી વિષે આવી મુસીબતો ઉભી થાય છે.
પણ ઊંટે કાઢ્યા ઢેકા તો માણસે કર્યા ટેકા.
અરે ભાઈ આ બધી તો ભગવાનની લીલા છે. ભગવાન તો સંકલ્પમાત્રથી બધું જ કરી શકે છે. ભગવાનોએ તો લીલા પણ કરવાની હોય છે. એટલે તો ભગવાન આવું બધું કરે છે.
કોઈ કહેશે અરે ભાઈ એવી કેવી લીલા કે લક્ષ્મીજીની ઈજ્જત જતી રહે. લક્ષ્મીજીની બેઈજ્જતી કેમ થવા દીધી?
આનો પણ ઉત્તર છે. જુઓ. ભાઈઓ અને બહેનો … જ્યારે રામ વનવાસ માટે નિકળ્યા ત્યારે લક્ષ્મીજી તો વૈંકુંઠ પાછા જતા રહ્યા. રામની સાથે જે સીતા ગઈ એ કંઈ સાક્ષાત લક્ષ્મીદેવી ન હતાં. એ તો લક્ષ્મીની છાયા હતી.લક્ષ્મીજી તો રામની પાસે પોતાની છાયાને રાખીને ગયાં હતાં. જે સીતા હતી તે છાયાલક્ષ્મી હતી. ઇતિ સિદ્ધમ્.
આ તો ચમત્કાર થયો. હા ભાઈ. પણ યાદ રાખો તમારો શ્રોતાગણ. એ તો ચમત્કાર વિષે પ્રશ્ન નહીં ઉઠાવે. માટે તમે નિશ્ચિંત રહો.
બસ એટલું જ સમજો કે સીતા લંકા પહોંચી ગઈ.
રાવણને સીતામાં કોઈ રસ હતો? શું રાવણને સીતા સાથે લગ્ન કરવું હતું? શું રાવણે સીતા ઉપર અત્યાચાર કરેલ?
આવું કશું હતું નહીં. રાવણને સીતામાં કોઈ રસ ન હતો. ન તો રાવણને સીતા સાથે લગ્ન કરવું હતું. ન તો રાવણ સીતાને પરેશાન કરવા માગતો હતો. જે રાવણે કૌશલ્યાને દશરથ સાથે છોડી દીધી અને પોતાની ઈચ્છા જતી કરી, એને સીતામાં કેવી રીતે રસ હોય? જે રાવણ દશરથ અને કૌશલ્યા એમ બંનેનું એક સાથે અપહરણ કરી શકતો હોય અને પછી છોડી પણ દેતો હોય, તેને સીતામાં કોઈ રસ ન હોઈ શકે. ઘણા પુરુષોની પ્રકૃતિ એવી હોય કે તેમને સ્ત્રી ઉપર દબાવ લાવવો પસંદ ન હોય. રાવણને તો ફક્ત રામનું અપમાન કરવું હતું. આ તેણે કરીને બતાવ્યું. રાવણે પોતાની બહેન પર કરવામાં આવેલ “ઈવ ટીઝીંગ” નો જવાબ આપી દીધો. રાવણે સીતાને અશોકવાટિકામાં છૉડી દીધી. મશ્કરીનો જવાબ બે ગણી મશ્કરી થી આપી દીધો.
રામનું અપમાન તો થઈ જ ગયું.
પણ રામ એમ કંઈ ગાંજ્યા જાય તેવા ન હતા.