Feeds:
Posts
Comments

Posts Tagged ‘દૂધ’

અહિંસક સમાજ  શું શક્ય છે? ભાગ – ૧ (માંસાહાર અને શાકાહાર)

જો તમારે તર્કનો આભાસ ઉત્પન્ન કરવો હોય તો તમે માંસાહારની તરફેણમાં ઘણું લખી શકો.

અનેક ટૂચકાઓ છે

જેમકેઃ
જીવો જીવસ્ય ભક્ષણં
દરેકમાં જીવ છે એટલે કોઇપણ ખોરાક અહિંસક નથી.
જ્યાં માનવસંસ્કૃતિ સૌથી જુની છે ત્યાંના લોકો માંસાહારી છે.
દુધ પણ માંસાહાર છે
રામ પણ માંસાહારી હતા
કૃષ્ણ પણ માંસાહારી હતા,
બુદ્ધ પણ માંસાહારી હતા,
ચિંપાન્ઝીઓ જે માણસોના પૂર્વજો છે તે એકબીજાને ખાઇ જાય છે,
માંસ ખાવાથી માણસ હિંસક બનતો નથી કારણકે દલાઇ લામા હિંસક નથી..
શાકાહારી લોકો પણ હુલ્લડ કરે છે શું કીધું? કળલા કાય?

અને આવા તો અનેક ટૂચકાઓ પ્રદર્શિત કરી શકાય,
સૌ પ્રથમ આપણે એ સમજવું જોઇએ કે આપણું શરીર કેવા ખોરાક માટે બનેલું છે!

આપણા નખ અને દાંત એવા નથી કે જે ચામડાને ચીરી શકે. માણસને ઈશ્વરે બુદ્ધિ આપી તેથી માણસ અગ્નિને પ્રજ્વલિત કરી શકે છે. માણસને ઈશ્વરે બુદ્ધિ આપી તેથી તે શસ્ત્રો બનાવી શકે છે અને શિકાર કરી શકે છે. અને આ કારણથી તે માંસને પોતાના શરીરને યોગ્ય બનાવી શકે છે.

તો શું આ વાતને કુદરતી સમજવી? જો આવું જ હોય તો માણસને અહિંસાની અને માંસાહાર ન કરવાની વાત પણ ન જ સુઝવી જોઇએ. પણ બે વાત એક સાથે ચાલે છે. તો ટકી રહેવા માટે કઇ વાત સારી?

માણસ પહેલાં કુદરતી અવસ્થામાં રહેતો હતો. તે સીધો ચિંપાન્ઝી, ઉરાંગઉટા કે ગોરીલામાંથી અવતરિત થયો નથી. વાનર એક ઉત્ક્રાંતિનું પગથીયું હતું. તે પછી ઘણા પગથીયાં આવ્યાં. અને જ્યારે છેલ્લા પગથીયે આવ્યો ત્યારે તે ઝાડ ઉપરથી ગુફામાં આવ્યો. તે ફળો અને પાંદડા જ ખાતો હતો અને ક્યારેક મૂળ પણ ખાતો હતો. તે સમુહમાં રહેતો હોવાથી પોતાનું રક્ષણ કરી શકતો હતો. જ્યારે અગ્નિ અને શસ્ત્રો શોધાયા ત્યારે તે વધુ નિશ્ચિંન્ત થયો. અને બીજા શાકાહારી પ્રાણીઓને લાગ્યું કે આ માણસના સાંનિધ્યમાં આપણે પણ આપણી જાતને સુરક્ષિત રાખી શકીએ છીએ. તેથી ગાય, ભેંસ, બકરાં, ઘેટાં, ઘોડા, વિગેરે તેની આસપાસ રહેવા માંડ્યા. તેથી માણસે તેનું દૂધ પીવાનું પણ ચાલુ કર્યું. અને ખોરાકની તંગીમાં તે તેમને ખાવા લાગ્યો હશે.

જેમ જેમ મનુષ્યનું માનસિકસ્તર અને બૌદ્ધિકસ્તર ઉંચુ થયું તેમ તેને અગમ્ય શક્તિ અને અહિંસાનો મહિમા સમજાયો. માનસિક સંઘર્ષનું બીજારોપણ હવે થયું હશે.

વેદકાળ અને માંસાહાર

ભારતની વાત કરીએ તો વેદોમાં પશુનું બલિદાન કરવું ત્યાજ્ય ગણાવાયું છે. અને તેથી ઘણા લોકો તેનો એવો અર્થ કરે છે કે વેદકાળમાં હિંસાયજ્ઞો થતા હતા. અમૂક અંશે આ વાત સાચી છે. કારણકે હુલ્લડ થતા હોય તો જ “હુલ્લડ કરવા ખરાબ છે” એ વાત ઉત્પન્ન થાય. અને તેનું એક એવું પણ તારણ નિકળે કે વેદકાળના સુજ્ઞજનો હિંસાયજ્ઞનોની વિરુદ્ધમાં હતા. તેથી વેદજ્ઞાતા શંકરાચાર્યે હિંસાયજ્ઞને વેદપ્રમાણ નથી તેમ દર્શાવેલું.

સૌથી જુના પુરાણ “વાયુપૂરાણ” કે જે પાણિનીની પહેલાં લખાયેલું તેમાં હિંસાયજ્ઞ અને માંસ ખાવું કે નહીં તેનો પ્રસંગ વર્ણવેલો છે. ઋષિમંડળ મનુ રાજા પાસે ગયું અને પૂછ્યું કે યજ્ઞમાં માંસ હોમાય કે નહીં અને માંસ ખવાય કે નહીં? ત્યારે મનુ એ કહ્યું કે યજ્ઞમાં માંસ હોમવું અને જો માંસ યજ્ઞમાં હોમાયેલું હોય તો તે માંસ ભોજ્ય છે. જ્યારે ઈશ્વરને શિવને આ વાતની ખબર પડી ત્યારે તેમણે ઋષિઓને અને મનુને ઠપકો આપ્યો. મનુને એટલા માટે કે તેનું તે કાર્યક્ષેત્ર ન હતું. ઋષિઓને એટલા માટે કે તેમણે યોગ્ય અધિકારી વ્યક્તિને ન પૂછતાં અયોગ્ય વ્યક્તિની સલાહ લીધી. પ્રણાલીઓમાં પરિવર્તન કરવાનો અધિકાર ફક્ત મહર્ષિઓને જ હોય છે. પછી તે પૂરાણમાં આગળ એમ લખાયું કે આ રીતે યજ્ઞમાં આહુતિ આપીને ઋષિઓ માંસ ખાતા થયા. પણ આવું જ્યારે લખાયું ત્યારે એવું તો સિદ્ધ થાય છે જ કે માંસાહારને યોગ્ય માનવામાં આવતો ન હતો.

હવે રામ અને કૃષ્ણની વાત કરીએ તો આ સૌથી જુના પૂરાણમાં રામને વિષે એક જ લાઈન લખવામાં આવી છે કે મહા પરાક્રમી દશરથના આ પૂત્રે લંકાના રાજા રાવણને યુદ્ધમાં હરાવ્યો. રામને વિષ્ણુના અવતારોમાં સ્થાન આપ્યું નથી. પરશુરામને આ સ્થાન આપવામાં આવ્યું છે. કૃષ્ણને અને બલરામને પણ વિષ્ણુના દશ અવતારોમાં સ્થાન આપવામાં આવ્યું છે. કૃષ્ણ વિષે એક જ પેરાગ્રાફ આપવામાં આવ્યો છે અને તેમાં સ્યંમંતક મણી ચોરાયાનું જે આળ કૃષ્ણ ભગવાન ઉપર આવેલું અને તે આળ તેમણે કેવીરીતે દૂર કર્યું તે વાત વર્ણવી છે. અને બીજી કેટલીક વાતો જેમાં કંસ વસુદેવના પૂત્રોને (તેમના  મોટા થયા પછી) યુદ્ધ કરીને મારી નાખતો હતો તેથી કૃષ્ણને વસુદેવ પોતાના મિત્ર નંદને ત્યાં મૂકી આવે છે એમ જણાવેલ છે. કોઈ ચમત્કારની વાત નથી.

ટૂંકમાં આ પૂરાણ પોતાની પ્રાચીનતા, તેની અનપાણીનીયન ભાષાના આધારે પણ સિદ્ધ કરે છે. પણ પછી જે કાળક્રમે લખાયું તેમાં ઘણા ઉમેરા થયા. અને આ બધું પ્રારંભિક મધ્યયુગ સુધી ચાલુ રહ્યું. રામ અને કૃષ્ણની વાતોનું ઉમેરણ ઈશુની પ્રારંભિક સદીઓથી ચાલુ કરી દશમી બારમી સદી સુધી ચાલુ રહ્યું. વાલ્મિકીનું રામાયણ અને વ્યાસનું મહાભારત જ્યારે લખાયું ત્યારે માંસાહાર જોરમાં હતો. એટલે રામ કૃષ્ણના જીવનની બધી જ વાતોને ઇતિહાસ કે ધર્મ સાથે કે તત્વજ્ઞાન સાથે જોડવી યોગ્ય નથી. એમતો મનુસ્મૃતિમાં પણ યજ્ઞનું માંસ ખાવાની બ્રાહ્મણને છૂટ આપવામાં આવી છે. પણ વેદજ્ઞાતા શંકરાચાર્યે, સાયણાચાર્યે, સાતવળેકરે કે દયાનંદ સરસ્વતીએ માંસને માન્યતા આપી નથી. જે ઉપનિદો તત્વજ્ઞાનની વાતો કરે છે તેઓ પણ માંસાહારની યોગ્યતાની વાત કરતા નથી.

માંસાહારી માણસ કઇ કક્ષામાં આવે?

જો કોઇ એક સમાજમાં બધા જ માંસાહારી હોય તો જે માણસ પોતાના વાચન અને વિચારો થકી શાકાહારી બને તો સ્વાભાવિક રીતે જ ઉંચી કક્ષામાં આવ્યો ગણાય કારણકે અહિંસા એ સહયોગ તરફના પ્રયાણનું એક કદમ છે. આદતો છોડવી એ એક અઘરું કામ છે. જ્યારે રુઢિચુસ્તતા હતી ત્યારે બ્રાહ્મણો લસણ ડુંગળી, ગાજર, બીટ ખાતા ન હતા. પણ રેસ્ટોરામાં જવાની પ્રક્રિયા ચાલુ થઇ એટલે હવે ઘણા બ્રાહ્મણો પણ લસણ, ડુંગળી, ગાજર, બીટ ખાતા ચાલુ થઇ ગયા.

હવે ઘણા બ્રાહ્મણો ફેશનમાં નોન-વેજ પણ ખાય છે. પણ તેઓ જાણે છે કે આ સારું નથી અને વડીલોને ગમશે નહીં. પહેલાં દારુ પીવો એ પતનની નિશાની ગણાતી હતી. હવે ફેશન ગણાય છે.

અહિંસા, સહકાર, શાકાહાર એકબીજા સાથે જોડાયેલા છે. માનવ સમાજ અહિંસા અને સહકાર તરફ પ્રગતિ કરતો હોય તો ખચિત સમજવું જોઇએ કે તે શાકાહાર તરફની ગતિ છે. પણ અનાજની તંગીનો કાલ્પનિક ભય અને તેથી કરીને માંસાહારનું સમર્થન એ સ્વાદતુષ્ટિનું સમર્થન છે.

You may start with donkey

જો માંસાહાર નહીં કરીએ તો પશુઓ વધી જશે

એક પશુના માંસ માટે તે પશુની માવજત અને જીવાડવા માટે છ ગણી જમીન જોઇએ. એટલે કે તમે છ ગણું અનાજ ઉત્પન્ન કરી શકો. પણ જો તમે તેનો ભોજન માટે ઉછેર ન કરો અને તમારી ખેતીની જરુરીયાત માટે રાખો તો તમને તે પર્યાવરણીય ખાતર પૂરું પાડે છે જે તમને વધુ ફળોનું ઉત્પાદન આપે છે. આ ઉપરાંત ઘેટાં બકરાંના વાળ તમને ગરમ કાપડનો કાચો માલ પુરો પાડે છે.

પશુઓ ઇશ્વરે બનાવેલા ઉર્જા મશીન છે. ઉપરાંત પશુઓ વનસ્પતિ સૃષ્ટિ માટેનો ખોરાક છે. આ બધા પશુઓ, મનુષ્ય ઝાડ ઉપરથી જમીન ઉપર આવ્યો તે પહેલાંના લાખો વર્ષથી અસ્તિત્વમાં છે. એટલે મનુષ્યે એવું વિચારવાની જરુર નથી કે મનુષ્ય જો તેમને ખાશે નહીં તો તેમની વસ્તી અમાપ વધી જશે.

મનુષ્યને અહિંસાનો વિચાર શા માટે આવ્યો?

મનુષ્યને પર્યાવરણના સંતુલનનો વિચાર શા માટે આવ્યો?

મનુષ્યને બ્રહ્માણ્ડને સમજવાનો વિચાર શા માટે આવ્યો?

અને મનુષ્યો વચ્ચે વિરોધાભાસ શા માટે ઉત્પન્ન થયો?

જો મનુષ્યો વચ્ચે વિરોધાભાસ ન હોત તો અને મનુષ્યના મનમાં પણ દ્વંદ્વ ન હોત.

જો મનુષ્યો વચ્ચે વિરોધાભાસ ન હોત અને   મનુષ્યના મનમાં પણ દ્વંદ્વ ન હોત  તો તેની બુદ્ધિનો વિકાસ ન થઈ શકત. વૈચારિક વિભીન્નતાના પરિણામ સ્વરુપે મનુષ્યની બુદ્ધિનો વિકાસ થયો.  મનુષ્યને બ્રહ્માણ્ડને સમજવાનો વિચાર આવ્યો. મનુષ્યને અહિંસાનો વિચાર આવ્યો. મનુષ્યને પર્યાવરણના સંતુલનનો વિચાર આવ્યો.

પર્યાવરણનું શ્રેષ્ઠ સંતુલન ક્યારે થઈ શકે?

વૃક્ષો કાપીને ધરતીને સપાટ કરીને તેની ઉપર ખેતીના પાક માટે હળ ચલાવવું એ પર્યાવરણના સંતુલન ઉપર પ્રહાર નથી શું?

શું સંવેદનશીલ મનુષ્યે પક્વ અને રસાદાર ફળોના આહાર તરફ ગતિ કરવી જોઇએ?

માનવસમાજને ગોવંશ અને વૃક્ષ બન્નેની પર્યાવરણના સંરક્ષણ માટે જરુર છે? ગોવંશ જમીનને ફળદ્રુપ બનાવે છે અને વધુ વૃક્ષોને વધુ ફળાઉ બનાવે છે?

વૃક્ષોની નીચેની જમીનમાં થતું ઘાસ ગોવંશીઓ આરોગે છે. મનુષ્ય તેમના રક્ષણના બદલામાં દુધ લે છે. ઇતિહાસમાં ગોરક્ષાકાજે માનવે પોતાના જાન આપ્યા છે. આને આપણે શું કહીશું?

શું આ બલીદાનો આપનારાઓને આપણે બેવકુફી કહીશું?

મનુષ્યની સંવેદનશીલતાની દીશા કૃતજ્ઞ થવા તરફની હોવી જોઇએ કે કૃતઘ્નતા તરફની હોવી જોઇએ?

ગોવંશમાં ગાય, ભેંસ, બળદ, પાડા, ઘોડા, બકરા, ઘેટાં, ઉંટ બધાં જ આવી જાય છે કારણકે તેઓ પોતે અહિંસક અને શાકાહારી છે અને મનુષ્યથી રક્ષણ પામે છે.

જીવદયા પ્રેમી અને પર્યાવરણના રક્ષકોએ આગળ આવવું જોઇએ અને એવી માગણી માગણી કરવી જોઇએ કે જે પ્રોડક્ટ બનાવવામાં જીવહિંસા થતી હોય તેવા સાધનો પણ વપરાતાં હોય તો તે પણ લખવું જોઇએ. ફક્ત પ્રોડક્ટના બંધારણીય તત્વોના લીસ્ટથી કામ નહીં ચાલે.

અન્ન અને ફળની અંદર રહેલું બીજ એ સુસુપ્તજીવ છે. તેને પણ પોતાનું જીવન પ્રફુલ્લિત કરવાનો હક્ક છે. તેથી અનાજ અને ફળના બીજ પણ ન ખાવાં જોઇએ. ખેતી કરવી એ પર્યાવરણથી વિરુદ્ધ દીશાની ગતિ છે. ખેતી વાસ્તવમાં વનસ્પતિ સૃષ્ટિને વિકસવામાં અવરોધરુપ છે. ઘાસ તેની રીતે ઉગી જશે અને અન્ન પણ તેમની રીતે પશુઓને જેટલી જરુર પડશે તેટલું ઉગી જશે.

હવે તમે જુઓ આપણે ખેતી કરવી બંધ કરીને જમીન ઉપર ફક્ત વૃક્ષો જ વાવીશું તો ઉત્પાદન અનેક ગણું વધી જશે. કારણ કે ફળોનું ઉત્પાદન મલ્ટી લેયર છે. જ્યારે અનાજના પાકનું ઉત્પાદન સીંગલ લેયર છે. એક ગુંઠામાં ફેલાયેલું વૃક્ષ એક ગુંઠામાં વાવેલા અનાજ કરતાં દશગણું કે તેથી વધુ ઉત્પાદન આપે છે અને ખાસ મહેનત વગર આપે છે. માનવ શક્તિનો પણ બચાવ થાય છે અને પર્યાવરણનો પણ બચાવ થાય છે. વૃક્ષ પાણીનો સંચય કરે છે, વૃક્ષ પાણીને વહેતું અટકાવે છે. વૃક્ષ ઉષ્ણતામાન ઘટાડે છે, વૃક્ષ છાંયો આપે છે, વૃક્ષ આશરો આપે છે, વૃક્ષ ભેજ આપે છે, વૃક્ષ વાદળાં ખેચી લાવે છે, વૃક્ષ બહુમાળી ઉત્પાદન કરે છે એટલે કે વૃક્ષ અનેક ઉંચાઈઓ ઉપર ફળ આપે છે. વૃક્ષ લાકડું આપે છે. આ બધું લક્ષ્યમાં લઈએ તો વૃક્ષની કિમત એક કરોડ રુપીયા થાય.

જો માનવ સમાજ અવકાશી સિદ્ધિઓ પ્રાપ્ત નહીં કરે અને જો માંસાહાર, અન્નાહાર ચાલુ રાખશે અને રહેવા માટે ઝુંપડા કે બંગલાઓમાં રહેશે તો તેણે જમીનનો વ્યય કર્યો ગણાશે. તેથી મનુષ્યે ઈશ્વરે આપેલી બુદ્ધિનો સદુપયોગ કરી મલ્ટીલેયર ઉત્પાદન અને મલ્ટીલેયર ઘરોમાં જ રહેવું પડશે.

જો માનવજાત આવું નહીં કરે અને અવકાશી સિદ્ધિમાં નવી જગ્યાઓ શોધવામાં પૂરતો સફળ નહીં થાય તો માનવજાતનો માંસાહાર પોતાનો રંગ બતાવી તેનો નાશ કરશે.

સમજણપૂર્વકના શાકાહારી અને પ્રણાલીગત શાકાહારી

માણસનો આહાર સામાન્યરીતે પ્રણાલીગત હોય છે. કેટલાક માણસો સમજણ પૂર્વકના શાકાહારી હોય છે. તેવીજ રીતે કેટલાક માણસો પ્રણાલી ગતરીતે માંસાહારી હોય છે.

સમજણપૂર્વકના શાકાહારી લોકો ઓછા હોય છે. જેઓ સમજણપૂર્વકના શાકાહારી હોય છે તેઓ માંસાહારી થઇ શકતા નથી.

જેઓ પ્રણાલીગત રીતે શાકાહારી હોય છે તેઓ યોગ્ય અથવા ભાવતા શાકાહારના અભાવમાં અથવા ફેશનમાં ક્યારેક અથવા અવારનવાર માંસાહાર કરે ત્યારે તેમાં એક વર્ગ એવો ઉભો થાય છે જે માંસાહારની યોગ્યતાનો અને અથવા શાકાહારની અપૂર્ણતાનો અને અથવા નિરપેક્ષ અહિસક ખોરાકના અનસ્તિત્વ નો એક વિસંવાદ જેવો સંવાદ ઉભો કરે છે.

વાસ્તવમાં આ વિતંડાવાદ છે. ભારતીય પૂર્વજો શાકાહારી હતા કે માંસાહારી હતા એના ઉપર આપણા ભોજનનો પ્રકાર નક્કી થાય તે જરુરી નથી. વેદકાળના ઋષિઓ શાકાહારી હતા તે વિષે શક નથી.

તેનું ઉદાહરણઃ
અગ્ને યં યજ્ઞં અધ્વરં, વિશ્વતઃ પરિભૂરસિં । સ ઇદ્‌ દેવેષુ ગચ્છતિ ॥
(ઋગવેદ મંડળ-૧, સુક્ત-૧, ઋચા-૪)

હે અગ્નિદેવ તમે આ હિંસારહિત યજ્ઞ દ્વારા બધી બાજુથી દેવત્વ તરફ લઈ જાઓ છો.

(અધ્વર યજ્ઞ એટલે અહિંસક યજ્ઞ)

રામ અને કૃષ્ણ શું ખાતા હતા તે નક્કી કરવું મુશ્કેલ છે. તેમને જેઓ ભગવાન માને છે તેઓને કદાચ દુઃખ થાય પણ વાલ્મિકીએ માંસાહારની વાત કરી છે. અને તેમને ભગવાન પણ માન્યા છે. તેનો અર્થ એજ થાય કે “રામાયણ”ના વાલ્મિકીના સમયમાં માંસાહાર નિષિદ્ધ ન હતો.

જે વ્યાસ વાયુપૂરાણ લખે છે તે વ્યાસ મહાભારત પણ લખે છે. વ્યાસ ભાગવત પૂરાણ લખે છે. આ વાત શક્ય નથી. કારણકે સમયનો ગાળો બહુ લાંબો છે. તે જ પ્રમાણે વાલ્મિકી વિષે પણ માનવું પડે. તુલસીદાસની તો વાત જ ન કરી શકાય. જે વાયુ પૂરાણ રામને વિષ્ણુના અવતાર માનવા પણ તૈયાર નથી, તે જ રામને, તુલસીદાસ “પરમ બ્રહ્મ” માને છે.

“અલ્યા રાવણ મારુ નામ… તેં દીઠા નથી મારા કામ… બન્દીવાન… કીધા મેં દેવ… તેમની પાસે વણાવું સેવ…” આવું મહાકવિ પ્રેમાનંદ, રાવણ થકી હનુમાન સામે બોલાવડાવે છે. તો આનો અર્થ એ તો ન જ થઇ શકે કે રાવણના સમયમાં “સેવ” એક વાનગી હતી. પણ એટલું જરુર કહી શકીએ પ્રેમાનંદના સમયમાં “સેવ” એક વાનગી હતી.

વેદનો અર્થ વેદના જ્ઞાતાઓ જ કરી શકે. તેથી ઉપનિષદોમાં જે લખ્યું હોય અને ઐતિહાસિક કાળમાં થયેલા શંકરાચાર્યે, સાયણાચાર્યે જે અર્થઘટન કર્યું હોય તે વધુ ગ્રાહ્ય માનવું જોઇએ. તે ઉપરાંત સાતવળેકરે અને દયાનંદ સરસ્વતીએ જે કંઇ કહ્યું હોય તેના ઉપર પણ વિચાર કરવો જોઇએ.

શું આપણે નિર્ણય કરવા સક્ષમ નથી?

માનવસમાજ માટે શું યોગ્ય છે તે નક્કી કરવાની ક્ષમતા આપણા આધુનિક માનવ પાસે છે જ. હાલમાં નહીં હોય તો વહેલી મોડી આવશે જરુર.

માણસો પોતાને પસંદ પડે તે જીવવા આનંદ અને ફેશન માટે ખાય છે.

માંસાહારને ક્યારેય શ્રેષ્ઠ ગણાવાયો નથી. બાઈબલમાં પહેલા કરારમાં ઈશ્વરે વેજ-આહાર જ ભોજ્ય ગણાવ્યો છે. બીજા કરારમાં નોન-વેજ ની છૂટ આપી છે.

કુરાનમાં પણ અન્ન અને ફળોની સુંદરતાનું અને પૌષ્ટિકતાના વખાણ કરવામાં આવ્યાં છે. અને જીવતા રહેવા માટે પ્રાણીઓને ભોજ્ય ગણ્યા છે. પણ પ્રાણીઓને સુંદર આહાર તરીકે વર્ણવ્યા નથી.

દેવળ કે મસ્જિદમાં પણ કદી પશુઓ ભોજન માટે કત્લ કરાતા નથી કે ખવાતા નથી. તમે દેવળ અને મસ્જીદમાં ફળ લઈ જઈ શકો છો અને ઇબાદત ન કરતા હો ત્યારે ખાઈ શકો છો.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝ ઃ

અહિંસક સમાજ, માંસાહાર, શાકાહાર, તર્ક, વિતંડવાદ, ટૂચકા, રામ, કૃષ્ણ, બુદ્ધ, ઋષિ, મહર્ષિ, ઈશ્વર, બુદ્ધિ, મનુષ્ય, માણસ, કુદરતી, ઉત્કાંતિ, સુરક્ષા, દૂધ, માનસિક સ્તર, વેદકાળ, હિંસાયજ્ઞ, વેદજ્ઞતા, શંકરાચાર્ય, વાયુ પુરાણ, શિવ, ઈશ્વર, અધિકારી, સાયણાચાર્યે, સાતવળેકર, દયાનંદ સરસ્વતી, સહયોગ, સંવેદનશીલતા, લસણ, ડુંગળી, ગાજર, બીટ, નોન-વેજ, પર્યાવરણ, ઉર્જા મશીન, બ્રહ્માણ્ડ, સંતુલન, કૃતજ્ઞ, કૃતઘ્ન, પ્રણાલીગત

Read Full Post »

હેલ્પેશભાઈએ ચા બનાવી

utemsil

હેલ્પેશભાઈએ જોયું કે તેમના પત્ની વંત્રિકાબેન દાદરો ઉતરીને નીચે રસોડામાં આવી રહ્યા છે.
હેલ્પેશભાઈએ કહ્યું; જો હવે હું ઉપર જાઉં છું. ગોપા ઓફીસ જતાં જતાં મને ત્રણવાત કહેતી ગઈ છે. એક વાત; કહેતી ગઈ છે કે દૂધના મોટા પેકેટ ખલાસ થઈ ગયા છે એટલે નાના પેકેટમાંથી ચા માટે તથા પીવા માટે દૂધ વાપરવાનું છે. બીજીવાત; ગોપાને ઓફીસ નું મોડું થતું હોવાથી ચાની તપેલી ધોઈ નથી. તેથી ચા માટે મમ્મી નવી તપેલી લે એમ પણ કહ્યું છે. ત્રીજીવાત; ગોપાએ બ્રેકફાસ્ટ માટે તારા માટે ઢોંસા બનાવીને રાખ્યા છે.

વંત્રિકાબેનઃ “એમાં ગણાવીને શું કામ કહો છો?

હેલ્પેશભાઈ; “ આતો હું ભૂલી ન જાઉં એટલે મેં ગણત્રી કરી રાખી કે મારે તને ત્રણ વાત કહેવાની છે.

વંત્રિકાબેન; “ જોયા મોટા ગણાવવાવાળા. પોતાને કશું આવડતું નથી એટલે આવું ડહાપણ સુઝે છે.

હેલ્પેશભાઈ; “ મને તો બધું જ આવડે છે. પણ તું મને કરવા ક્યાં દે છે!

વંત્રિકાબેન; “ આવડ્યો મોટો. હોંશીયારી ન મારતા હો તો સારું … શું આવડે છે બોલોને !

હેલ્પેશભાઈ; “ બધું જ આવડે છે. તું કહે તો મોહનથાળા બનાવી દઉં. બોલ બનાવી દઉં?

વંત્રિકાબેન; “ આવડ્યો … આવડ્યો … ચા બનાવતા તો આવડતી નથી … અને મોહનથાળ બનાવવો છે, મોટો …

હેલ્પેશભાઈ; “ પણ તું મને કશું બનાવવા ક્યાં દે છે કશું? હું તો બધું જ બનાવી શકું. તું કહે તો આજે ચા પણ બનાવી દઉં. પણ તારે તો તારો જાણે ગરાસ લુંટાઈ જાય છે. મને કશું કરવા જ ક્યાં દે છે?

વંત્રિકાબેન; “ કરવા શું દે ! આવડે તો કરવા દઉં ને? સેકેલો પાપડે ભાંગ્યો છે કોઈ દિવસ ! તે આવડવાની વાત કરો છો?

હેલ્પેશભાઈ; “ તું એક તો મને કશું કરવા નથી દેતી અને મારી બુરાઈ કરે છે. ચલ આજે તો ચા બનાવી જ દઉં. પણ તારે કશું વચ્ચે બોલવાનું નહીં. હું જેમ કરતો હોઉં તેમ મને મારી રીતે કરવા દેવું

વંત્રિકાબેન; “ લો બોલ્યા … મને મારી રીતે કરવા દેવું. એમ હું શેની કરવા દઉં. એક ચા કરવામાં રસોડું આખું ચિતરી મુકો. એટલે મારે તો કામ વધે. અહી હું મરી મરીને બધું કામ કરતી હોઉં છુ, અને તમે એમાં વધારો કરો … એ ક્યાંથી ચાલે !!
હેલ્પેશભાઈ; “ ઓ કે ચલ. … હું કંઇ ભૂલ કરું તો બોલજે એ સિવાય નહીં બોલતી. કબુલ?

વંત્રિકાબેન; “ મારે બોલવું હોય તો બોલું પણ ખરી.

હેલ્પેશભાઈ; “ ઓ કે. બોલજે બસ. હું ચા કરું છું કબુલ?

વંત્રિકાબેન; “ હા કરો . હું પણ જોઉં કે કેવી ચા કરો છો !!

હેલ્પેશભાઈ; “ તું તો જોતી જ રહી જઈશ એવી ફસક્લાસ ચા કરીશ.

વંત્રિકાબેન; “ હા કરો ને … જો ઉં તો ખરી કે કેવી ચા બનાવો છો!

હેલ્પેશભાઈ; “ ઓકે ચલ અહી આ ખુરશીમાં બેસી જા.

વંત્રિકાબેન; “ લો આ બેઠી. બનાવો ચા.

હેલ્પેશભાઈ તપેલી લેવા કીચનનું એક ડ્રૉઅર ખોલે છે.

વંત્રિકાબેન; “ એ .. એ ડ્રૉઅરમાં તપેલી ન હોય. ગેસની જમણી બાજુના બીજા નંબરના ડ્રૉઅરમાં તપેલી છે. ખબર તો છે નહીં કે રસોડામાં તપેલીઓ ક્યાં રખાય છે અને ચા બનાવવા નિકળી પડ્યા છે !!

હેલ્પેશભાઈ; “ તે એમાં શું થઈ ગયું. આ ડ્રૉઅરમાં ન હોત તો બીજું ડ્રૉઅર ખોલત.
(હેલ્પેશભાઈ એક તપેલી બહાર કાઢે છે.)

વંત્રિકાબેન; “ એ તપેલી નહીં. પેલી ત્રીજા નંબરની તપેલી લો.

હેલ્પેશભાઈ ત્રીજા નંબરની તપેલી લે છે. અને ફ્રીજમાંથી તપેલીમાં પાણી લેવા જાય છે.

વંત્રિકાબેન; “ ચા માટે કંઈ ફ્રીજનું પાણી લેવાની જરુર ન હોય. જુઓ જમણી બાજુના સીંકમાં જે નાનો નળ છે તે પીવાના પાણીનો છે. એ પાણી લો.

હેલ્પેશભાઈ; “ મને એમ કે ફ્રીજનું પાણી તો ફિલ્ટરવાળું હોય એટલે સારું કહેવાય.

વંત્રિકાબેન; “ હું કહું એમ કરો. ડાહપણ કર્યા વગર ..

હેલ્પેશભાઈ સીંકના નળનું પાણી લેવાની શરુઆત કરે છે.

વંત્રિકાબેન; “ એમ ધડ ધડ નળ ખોલવાની જરુર નથી. અને તપેલી જરા વચ્ચે રાખો. એટલે પાણી બહાર ન પડે.

હેલ્પેશભાઈ; “ બધું કહેવાની જરુર નથી.

વંત્રિકાબેન; “ કહેવું તો પડે જ ને. આવડતું તો કશું છે નહીં

હેલ્પેશભાઈ; “ ભલે ભલે.. લે બસ.
હેલ્પેશભાઈ પાણી લે છે.

વંત્રિકાબેન; “ તપેલીમાં દુધ નાખવાની જગ્યા પણ રાખજો. છલો છલ ભરી ન દેશો.

હેલ્પેશભાઈ; “ મને ખબર છે કે સવા ત્રણ કપ પાણી અને એક કપ દુધ એમ હોય છે.
હેલ્પેશભાઈ ગેસની ડાબી બાજુની સઘડી ઉપર તપેલી મુકે છે.

વંત્રિકાબેન; “ એ સઘડી ચા માટે નથી. ચા માટે જમણી બાજુની નીચેની સઘડી ઉપર તપેલી મુકો. હેલ્પેશભાઈ તેમ કરે છે.

વંત્રિકાબેન; “ એમ ફાંફાં શું મારો છો. ત્રીજા નંબરનો નોબને ઑન કરો એટલે ગેસ ચાલુ થશે. ઉપરનો એગ્ઝોસ્ટ ચાલુ કરો. ફાયર એલાર્મ ચાલુ થશે તો પોલીસ આવીને ઉભી રહેશે. બધું કહેવું પડે. કોઈ દિવસ બૈરી કેમ કરે છે એ જોયું હોય તો ખબર પડેને… !!

હેલ્પેશભાઈ; “ તું વચ્ચે બોલ બોલ ન કર. હું તને ચા કરી દઈશ …

વંત્રિકાબેન; “ હવે આદુ શોધશો કે નહીં? જુઓ ડાબી બાજુના ખુણામાં પ્લાસ્ટીકની થેલીમાં છે.

હેલ્પેશભાઈ; “મને ખબર છે આદુ ક્યા છે તે સમજી !!
હેલ્પેશભાઈ થેલીમાંથી આદુની મોટી ગાંઠ કાઢે છે.

વંત્રિકાબેન; “ એ મોટી ગાંઠ લેવાની જરુર નથી. બીજી નાની ગાંઠ પણ છે.

વંત્રિકાબેન; “ એ મીડીયમ ગાંઠ નહીં. નાની ગાંઠ લો અને મીડીયમ ગાંઠમાંથી એક નાનો કટકો કાપો.

હેલ્પેશભાઈ નાની ગાઠ લે છે. અને મીડીયમ ગાંઠ ને કાપવા ચપ્પુ માટે એક ડ્રૉઅર ખોલે છે.

વંત્રિકાબેન; “ એ ડ્રૉઅરમાં ચપ્પુ ન હોય. એની ડાબી બાજુના ઉપલા ડ્રૉઅરને ખોલો એમાં ચપ્પુ હશે.

હેલ્પેશભાઈ એમ કરે છે અને એક ચપ્પુ લે છે.

વંત્રિકાબેન; “ એ ચપ્પુ નહીં. એ ચપ્પુ તો બ્રેડ કાપવા માટે છે. જુઓ એની પાછળ થોડું મોટું ચપ્પુ છે તે લો.

હેલ્પેશભાઈ; “ હવે એમાં શો ફેર પડે? આ ચપ્પુથી પણ કપાય છે તો ખરું જ ને.

વંત્રિકાબેન; “ હું કહું એમ કરો. ખોટી જીભા જોડી ન કરો.

હેલ્પેશભાઈ મોટું ચપ્પુ લે છે. અને આદુની છાલ કાઢે છે.

વંત્રિકાબેન; “ પહેલાં આદુને પાણી થી ધુઓ. પછી છાલ કાઢો.

હેલ્પેશભાઈ; “ મને મારી રીતે કરવા દે.

વંત્રિકાબેન; “ ના હું કહું હું એમ કરો. નહીં તો ચા નથી કરવી તમારે. ચલો .. ખસો આઘા.

હેલ્પેશભાઈ; “ ના હવે તો ચા કરીને જ જંપીશ.

વંત્રિકાબેન; “ કરો તો હવે. પણ હું કહું તેમ કરો.

હેલ્પેશભાઈ આદુને ધોવે છે. પછી એક ટીસ્યુ પેપેર નો કટકો ફાડે છે.

વંત્રિકા બેનઃ એવડો મોટો કટકો શેનો ફાડ્યો છે?

હેલ્પેશભાઈ; “ આદુના છોડા એમાં નાખવા પડશે ને !! નહીં તો કીચનનો આ પથરો બગડશે. મને બગડે એવું ન ગમે.

વંત્રિકાબેન; “ બહુ જોયા ચોક્ખાઈવાળા. નાનો કટકો ન ફડાય શું?

હેલ્પેશભાઈ પછી છીણીને શોધે છે.

વંત્રિકાબેન; “ શું શોધો છો. છીણી? અહીં છીણી નથી. જુઓ પેલા ખુણામાં પેલો નાનો ખલ છે. તેમાં આદુને વાટો.

હેલ્પેશભાઈ આદુને વાટે છે.

વંત્રિકાબેન; “ આ બધા આદુની છાલ જે પડી છે તેને કોણ ડસ્ટબીનમાં નાખશે? શું હું નાખીશ.?
હેલ્પેશભાઈ ટીસ્યુપેપરને છાલ સહિત ડસ્ટબીનમાં નાખે છે.
હેલ્પેશભાઈ ગેસના ચૂલાની પાણીની તપેલીમાં આદુ નાખે છે.

વંત્રિકાબેન; “ હવે હમણાં દુધ ન નાખશો. નહીં તો દુધ ફાટી જશે. પહેલાં પાણીને ઉકળવા દો.

હેલ્પેશભાઈ; “ મને ખબર છે. મને ફીઝીક્સ ના નિયમોની બધી ખબર છે.

વંત્રિકાબેન; “ એમાં ફીઝીક્સ ક્યાં આવ્યું વળી?

હેલ્પેશભાઈ; “ફીઝીક્સ તો બધામાં જ આવે. ઉકળતા પાણીમાં આદુના બેક્ટેરીયા જીવી ન શકે. અને જો પાણી ઉકળે એ પહેલાં આદુ નાખીએ તો બેક્ટેરીયા દુધને ફાડી નાખે.

વંત્રિકાબેન; “ બેક્ટેરીયા ફીઝીક્સમાં ન આવે. બેક્ટેરીયા બાયોલોજીમાં આવે.

હેલ્પેશભાઈ; “ બધા કોષ અણુઓના બનેલા હોય. અને અણુનું શાસ્ત્ર ફીઝીક્સમાં આવે. ઉકળવું, થીજી જવું … એવું બધું ફીઝીક્સમાં આવે. અંતે બધાં જ શાસ્ત્ર ફીઝીક્સમાં જ આવીને મળે. ખબર પડી?

વંત્રિકાબેન; “ મારે કશું જાણવું નથી.

હેલ્પેશભાઈ ચા ખાંડના ડબા શોધે છે.

વંત્રિકાબેન; “ એમ કેટલા કબાટ ખોલશો? જુઓ ડાબીબાજુના કબાટના બીજા શેલ્ફમાં ચા ખાંડના ડબા છે. પહેલાં ખાંડ નાખો. પાણી ઉકળે પછી ચા નાખજો.

હેલ્પેશભાઈ; “ મને બધી ખબર છે. કહેવાની જરુર નથી.

વંત્રિકાબેન; “ પણ તમે જે ડબો હાથમાં લીધો એ તો ચાનો ડબો છે.

હેલ્પેશભાઈ; “ તે ભલે ને હોય. ડબો ખોલીશ એટલે ખબર તો પડશે જ ને.

વંત્રિકાબેન; “ ચાની ચમચી જુદી છે. ખાંડની ચમચી થોડી મોટી છે એ લો. બધું કહેવું પડશે તમને.

હેલ્પેશભાઈ; “ કશું કહેવું નહીં પડે. શું હું એકલો રહ્યો જ નથી. લગન પહેલાં એકલો રહેતો હતો તો શું ચા પીતો ન હતો? મજાની ચા કરીને પીતો હતો.

વંત્રિકાબેન; “ એ હા… છે ને .. તે હું મરી જઉં પછી ચા કરીને પીજો ને. મારે ક્યાં જોવા આવવું છે!

હેલ્પેશભાઈ; “ એમાં મરવાની વાત ક્યાંથી આવી? હું ચા કરીને પીતો હતો એમાં મરવાને શું લાગે વળગે?

વંત્રિકાબેન; “ તો બીજું શું. હું આમ કરતો હતો અને હું તેમ કરતો હતો. જાણે કે શું નું શું ય કરી નાખ્યું હશે !!

હેલ્પેશભાઈ; “ હવે લબલાટી બંધ કર. આ મેં તને બહુ પપલાવીને રાખી ને … એટલે તું બહુ ફાટી છે. લકડે ધકડે રાખવા જેવી હતી.

વંત્રિકાબેન; “ તે લાવવી’તી ને તમારા ગામની. મારે ઘરે શું કામ જોડા ફાડવા આવતા હતા?

હેલ્પેશભાઈ; “ એ મારી ભૂલ થઈ ગઈ બસ. હવે છે કંઈ?

વંત્રિકાબેન; “ ભૂલ તો મારી થઈ કે મેં તમારી સાથે લગન કર્યા. મેં કશું વિચાર્યું જ નહીં. મારે વિચારવા જેવું હતું. આ વિચાર્યું નહીં એનું પરિણામ ભોગવવાનું આવ્યું. હું નકામી ફસાઈ ગઈ.

હેલ્પેશભાઈ; “ ફસાઈ તો હું ગયો. શરમાઈ શરમાઈને તેં મને ફસાવ્યો. જુદી જુદી છોકરીઓ જુદી જુદી રીતે છોકરાઓને ફસાવે. તેં મને શરમાઈ શરમાઈને ફસાવ્યો.

વંત્રિકાબેન; “ હવે ગેસ ઉપર ધ્યાન રાખો. ગેસને થોડો ધીમો કરો. અને દૂધ નાખો. બહુ ફસાઈ જનારા ન જોયા હોય તો. તમારા ગામની કોઈ મળી હોત ને ! તો ખબર પડત. માથે છાણા થાપત થાણા… આ પેલી “ …. “ ને જોઈ નથી… તમારા ગામની જ હતી ને હવે એનો વર પોશ પોશ પસ્તાય છે.

હેલ્પેશભાઈ; “ બધાને કંઈ એવી જ છોકરી મળે એવું કંઈ ન હોય, સમજી? અને હું કંઈ અમારા ગામની જ છોકરી લાવું એ કંઈ જરુરી નથી, સમજી?

વંત્રિકાબેન; “ જોયા મોટા છોકરી લાવવાવાળા. ચાને હલાવતા રહો. નહીં તો ઉભરાઈને ગેસનો ચૂલો બગાડશે. કાલે જ સાફ કર્યો છે.
હેલ્પેશભાઈ તપેલીમાં ચમચો ફેરવે છે અને બોલે છે “હજી ઉભરાવવાને ઘણી વાર છે.” પછી તેઓ ડાબી બાજુનું કબાટ ખોલે છે. બે કપ રકાબી કાઢે છે.

વંત્રિકાબેન; “ એ મારી રકાબી નથી. મારી રકાબી તો એક લાઈનવાળી છે. તમે બે લાઈનવાળી રકાબી કાઢી છે. એ પાછી મુકી દો. જુઓ પાછળ એક લાઈનવાળી રકાબી છે. અને એ કપ પણ મારો નથી. મારા કપ ઉપર લીલા રંગનું ફુલ દોરેલું છે. તમે લાલરંગના ફુલવાળો કપ કાઢ્યો છે. પાછો મુકી દો.

હેલ્પેશભાઈ; “ આમાં ચા ગાળીયે કે તેમાં ચા ગાળીએ, આમાં ચા પીએ કે તેમાં ચા પીએ, તો એમાં શું ફેર પડે. કંઈ ચાનો સ્વાદ બદલાઈ જાય છે?

વંત્રિકાબેન; “ હા સ્વાદ બદલાઈ છે. હું કહું એમ કરો. બધા કપ જુના નથી કરી દેવા મારે. સમજ્યા.

હેલ્પેશભાઈ; “ તારે તો ધત્તીંગ બહુ છે. લે બસ. આ તારો કપ અને આ તારી રકાબી.

વંત્રિકાબેન; “ ફુદીનો નાખ્યો? ધોઈને નખજો.

હેલ્પેશભાઈ; “ એ હા.. નાખું છું..

વંત્રિકાબેન; “ જુઓ પેલા કપરકાબીના કબાટની નીચેના બીજા ડ્રૉઅરમાં ગળણી છે. એટલે ખોટા ફાંફાં ન મારશો. કઈ વસ્તુ ક્યાં છે, એની કશી ખબર તો રાખતા નથી. અને પછી ફાંફાં માર્યા કરો છો.

હેલ્પેશભાઈ; “હા ભલે. ફાંફા મારવામાં મને વાંધો નથી. તારે શું છે? અને તને પણ એક ઘાએ ક્યાં કશું મળે છે? ઘરની ચાવી પણ જો પર્સમાંથી કાઢવી હોય તો તને પણ એક ઘાએ ક્યાં મળે છે. કેટલાયા ખાનાની ચેઈનો ખોલે ત્યારે માંડ માંડ પર્સમાંથી ચાવી મળે છે.

વંત્રિકાબેન; “ ગળણી બરાબર રાખો. તપેલીના હેંડલને તપેલીની નજીકથી પકડો. ચા નીચે ઢોળાશે. ધીમે ધીમે ધાર કરો. ધાડ નથી પડી કંઈ !! તમને તો બધું કહેવું પડે છે…

હેલ્પેશભાઈ; “ હવે તું મુંગી રહે… એક ટીપુંય ચા ઢોળી નથી.

વંત્રિકાબેન; “ ઢોળાઈ હોત તો? સાફ તો મારે જ કરવું પડત ને. તમે કોઈ રાખી છે જે સાફ કરે?

હેલ્પેશભાઈ; “ તું કહે એટલી વાર છે.. તું કહે તો ફુલ ટાઈમ નોકરાણી રાખી દઉં.

વંત્રિકાબેન; “ હા … ખબર છે બહુ પૈસા જાણે કૂદી પડ્યા છે. ફુલ ટાઈમ નોકરાણી કઈ મફત નથી આવતી.

હેલ્પેશભાઈ; “ ભલેને પૈસા લે. એટલા પૈસા તો આપણને પોષાય તેમ છે.

વંત્રિકાબેન; “ ના રે ના. નોકરાણી તો પછી એ એના મોઢા જેવું કરે. મારે ન ચાલે ..

હેલ્પેશભાઈ; “ તો હસવું અને લોટ ફાકવો એમ બંને સાથે ન થાય.

વંત્રિકાબેન; “ મારે કશી જીભા જોડી કરવી નથી. મૂગાં મોંઢે ચા પીવો છાના માના. ચા કરી એમાં તો જાણે ધાડ મારી.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ ચા, ખાંડ, પાણી, તપેલી, દૂધ, કપ, રકાબી, આદુ, ફુદીનો, કામવાળી

Read Full Post »

%d bloggers like this: