Feeds:
Posts
Comments

Posts Tagged ‘દેવાનંદ’

હેલ્પેશભાઈ અને ફિલમી દુનિયા

હેલ્પેશભાઈ અને ફિલમી દુનિયા

શું હેલ્પેશભાઈ ફિલમી દુનિયાના માણસ છે?

શું હેલ્પેશભાઈ ફિલમી દુનિયાના ચાહક છે?

શું હેલ્પેશભાઈ ફિલમી દુનિયાના દુશ્મન છે?

20200714_164218[1]

ના ભાઈ ના. આવું કશું નથી.

એક ચોખવટ કરી લઈએ.

હિરા ભાઈ એટલે ફિલમનો મુખ્ય એક્ટર (હિરો), સાઈડ એક્ટર, અને ગેસ્ટ એક્ટર. જે તે જગ્યાએ જે તે અનુરુપ હોય તે સમજવું.

હિરા બેન એટલે ફિલમની મુખ્ય એક્ટ્રેસ (હિરોઈન) સાઈડ એક્ટ્રેસ અને ગેસ્ટ એક્ટ્રેસ. જે તે જગ્યાએ જે તે અનુરુપ હોય તે સમજવું.

સેલીબ્રીટીઃ

સેલીબ્રીટી શબ્દ જ્યારે વપરાય ત્યારે આમ તો તેનો અર્થ ખ્યાતિવાળો/પ્રખ્યાત વ્યક્તિ થાય. એટલે આમ તો બધા મહાનુભાવો સેલીબ્રીટીમાં આવી જાય. પણ સામાન્ય રીતે આ શબ્દ હિરાભાઈ/હિરાબેન કે ફિલમબનવાના કોઈ હિસ્સા સાથે પોતાનું યોગ દાન આપનારી વ્યક્તિ માટૅ પણ વપરાય છે. જો કે કોઈવાર ખેલકુદ ના ખેલાડી વ્યક્તિને પણ ગણવામાં આવે છે.

એટલે ટૂંકમાં નર માદા …  એક્ટ્રરો, સંગીતકારો, ગીતકારો, વાર્તા-લેખકો, નિર્દેશકો, નિર્માતાઓ … આ બધાને સેલીબ્રીટી ગણવામાં આવે છે. નર-માદા શબ્દ એક્ટરોને વધુ લાગુ પડે છે. શા માટે? તે આપણે પછી જોઈશું. અને તેની  ચર્ચા હેલ્પેશભાઈને લક્ષ્યમાં રાખીને  કરીશું.

હેલ્પેશભાઈએ  કેટલી ફિલમો જોઈ છે કે જેથી કરીને તેઓ ફિલમ ઉપર વિવેચન કરવાનો પોતાને અધિકાર છે તેમ માને છે?

હેલ્પેશભાઈ જ્યારે ઉમરમાં સીંગલ ડીજીટમાં હતા ત્યારે તેઓ જન્મથી લઈને તેઓ તે વખતે જે ઉમરે પહોંચ્યા હતા તે દરમ્યાન સુધીની બધી જોયેલી બધી ફિલમોના નામ ગણાવી શકતા હતા. આ સંખ્યા પણ આશરે ૧૫ ની હતી.

હેલ્પેશભાઈ ફિલમમાં શું સમજતા હતા?

કશું જ નહીં. હેલ્પેશ ભાઈની ફિલમ જોવાની શરુઆત ધ્રાંગધ્રા થી થઈ હતી. કારણ કે વિઠ્ઠલગઢ કે નદીસરમાં ટોકીઝ હતી નહીં.

“શેઠ સગાળશા” ફિલમ માં છેલ્લે ભગવાન આવે છે તેટલું હેલ્પેશભાઈ સમજ્યા હતા.

“કામ પડ્યું છે આ જ તારું, ઓ બાલુડા … કામ પડ્યું છે આજ તારું.” આ ગીત તેમને મોટાભાગનું મોઢે હતું. “કામ પડ્યું છે આ જ તારું “ એનો અર્થ હેલ્પેશભાઈ સમજતા નહીં. પણ  “કામપડ્યું”  કોઈ વસ્તુમાટે નો એક શબ્દ છે તેમ સમજતા. જેમકે  રમકડાનો પોપટ. ફિલમમાં ભગવાનને આટલા થોડા સમય માટે કેમ બતાવે છે તે હેલ્પેશભાઈને સમજાતું ન હતું. ધાર્મિક ફિલમોમાં ભગવાનને ઘણો સમય બતાવે એટલે હેલ્પેશભાઈને ધાર્મિક ફિલમો ગમતી.   

નાટકો કરતાં ફિલમ વધારે ગમતી. નાટકમાં એકનું એક દૃષ્ય રહે તે હેલ્પેશભાઈને ન ગમે. ફિલમ ગમે તેવી હોય પણ એમાં દૃષ્યો બદલાતા રહે છે. તેથી હેલ્પેશભાઈને ફિલમો ગમતી.

રામ-રાજ્યઃ

હેલ્પેશભાઈ,  એક્ટર એક્ટ્રેસને ઓળખી શકવાની ઉચ્ચતા સુધી પહોંચ્યા ન હતા. રામ, ભરત, લક્ષ્મણનો પાત્રનો ભેદ સમજી શકતા નહીં. પણ એક સ્ત્રી કે જે સીતા હતી, તે સતત રડ્યા કરતી. અને તેને બધા “સીતાજી” એમ કહેતા તે હેલ્પેશભાઈને ગમતું નહીં. એક તો આ બૈરી જ્યારે ત્યારે રડ્યા કરતી હોય છે અને તેને બધા માનવાચક રીતે સીતા”જી”, એમ કહે છે એ હેલ્પેશભાઈને યોગ્ય લાગતું ન હતું.

કારિયાભાઈઃ

હેમુભાઈ કારિયા ઉર્ફે કારિયાભાઈ,  એ રાજકોટમાં ઉભા ક્વાર્ટર્સમાં તેમના મોટાભાઈની સાથે   રહેતા હતા. કારિયાભાઈ  સરખામણીમાં ઘણા મોટા હતા. રાજકોટના મુખ્ય બજારમાં તેમની પાનની દુકાન હતી. તેઓ હેલ્પેશભાઈના મોટા (વચલા) ભાઈના સમવયસ્ક ન હોવા છતાં ખાસમખાસ  મિત્ર હતા. તેઓ હેલ્પેશભાઈ અને તેમના ક્વાર્ટર્સના મિત્રોને અવારનવાર ફિલમો બતાવતા. ખાસ કરીને ગેસ્ફર્ડ ટોકીઝમાં લઈ જતા.  પણ હેલ્પેશભાઈ અને મિત્રોને ફિલમ કરતા ઇન્ટર્વલમાં વધુ રસ રહેતો. કારણ કે કારિયા ભાઈ આમ તો થર્ડક્લાસમાં (ટેકાવગરની બેંચ ઉપર બેસવાનું) ફિલમ બતાવે પણ ઇન્ટર્વલમાં ભેળ પણ ખવડાવે. હેલ્પેશભાઈ બ્રાહ્મણ. પણ કારિયા ભાઈ કહે “દુકાનવાળો તો બ્રાહ્મણ છે” માટે ખવાય. એટલે હેલ્પેશભાઈ બેધડક ખાય.

હેલ્પેશભાઈના એક માસી બહુ રુપાળા અને વાંકડીયા વાળવાળા હતા. એટલે હેલ્પેશભાઈ બધી હિરોઈનોને વીરબાળા માસી જ સમજતા. જ્યારે હિરોઈનોને પ્રસંગોપાત રોવાનું આવતું તો હેલ્પેશભાઈને અચરજ થતું.

એક ફિલમ (વિજ્યા કે વિદ્યા)માં દેવજીભાઈ (દેવાનન્દ) એક પાત્રને માર મારે છે. અને ફિલમમાં બધા તેને બિરદાવે છે.  હેલ્પેશભાઈને આશ્ચર્ય થયેલ.

કાળક્રમે હેલ્પેશભાઈ ડબલ ડીજીટની ઉંમરમાં પ્રવેશ્યા. એટલે તેમને હિરાભાઈ અને હિરીબેનોની મહાનતા જાણવા મળી. આ બધું તેમને તેમનાથી મોટી ઉમરની વ્યક્તિઓની ચર્ચા દ્વારા જાણવા  મળ્યું. જો કે હેલ્પેશભાઈને તે ચર્ચાઓમાં સમજણ પડતી નહીં. પણ એટલું અધિગત થતું કે આ હિરાભાઈઓ અને હિરાબેનો મહાન છે.

શા માટે હેલ્પેશ ભાઈને હિરાભાઈઓ અને હિરાબેનો મહાન લાગ્યા?

હિરાભાઈ અને હિરાબેન તત્કાલ વાર્તાલાપ કરીને ફિલમમાં વાર્તાને આગળ ચલાવતા.

હિરાભાઈ અને હિરાબેન તત્કાલ કવિતા બનાવતા હતા,

હિરાબેન જરુર પડે રોઈ શકતા હતા અને હિરાભાઈ જરુર પડે ટકાટકી કરી શકતા હતા.

કાળક્રમે હેલ્પેશભાઈને ખબર પડી કે સંવાદ લેખક જુદા હોય છે. પણ તેથી હેલ્પેશભાઈને ખાસ ફેર પડ્યો નહીં. કારણકે આખી સંવાદની ચોપડીને યાદ રાખી લેવી એ કંઈ જેવી તેવી વાત તો ન જ કહેવાય.         

પણ હજી સુધી હેલ્પેશભાઈના મનમાં પસંદગી વાળા હિરાભાઈ એટલે કે પ્રેરણાદાતા હિરાભાઈનો જન્મ થયો ન હતો.

હેલ્પેશભાઈ ભાવનગરમાં આવ્યા પછી તેમની પસંદગીના હિરાભાઈનો જન્મ થયો.

બોલો આ કોણ હશે?

આ હિરાભાઈ હતા ભગવાનદાસભાઈ,

હેલ્પેશભાઈને ભગવાનદાસભાઈ  કેમ ગમતા હતા?

ભગવાનદાસભાઈ તલવાર બાજી સારી કરતા હતા. તે અરસામાં “નિશાન” ફિલમ આવેલી. તેમાં પણ તલવાર બાજીના દૃષ્યો હતા. પણ તે ફિલમમાં કાનમાં કડી હરેલા હિરો હતા તેથી હેલ્પેશભાઈને અજુગતું લાગતું હતું.

ભગવાનદાસ ભાઈની તલવાર બાજીની એક વિશિષ્ઠતા હતી. આમ તો પ્રેમનાથભાઈ પણ તલવાર બાજી કરતા હતા. ભગવાન દાસ ભાઈની અદાઓ હતી. ભગવાનદાસભાઈ પોતાના પ્રતિસ્પર્ધીને રમાડતા રમાડતા ચપટીવારમાં હરાવી દેતા હતા. શિવાજી ની એક ફિલમ હતી જેમાં શંકર ભગવાન અને પાર્વતીજી ને બતાવવામાં અવેલા. શંકર ભગવાન શિવાજી તરીકે જન્મ લે છે અને કોઈ એક મુસ્લિમ રાજાને તલવારબાજીથી થોડી સેકંડોમાં ખતમ કરી નાખે છે. આજે બાળકોને ડૅન્સ કરતા હિરાભાઈઓ મનપસંદ હોય છે.

ડેઈઝી ઈરાની જે બાબલા તરીકે આવતો હતો તે હેલ્પેશભાઈને ગમતો. તેનું નામ ચટપટ હતું. બેબી તબસ્સુમ પણ હતી. પણ તેની ઠાવકી ભાષા હેલ્પેશભાઈ સમજી શકતા ન હતા. પ્રેક્ષકો બેબી તબસ્સુમ ના બોલાવાથી ખડખડાટ હસતા. પણ હેલ્પેશભાઈને બધું હવામાં જતું. જેમકે એક ફિલમમાં બેબી તબસ્સુમ કહે છે “મારે જ બધું કામ કરવું પડે છે” આવું સાંભળીને પ્રેક્ષકો હસે છે. પણ હેલ્પેશભાઈને અચરજ થાય છે કે આમાં હસવાનું શું છે?

કદાચ અનારકલી અને સગાઈ નામની ફિલમથી હેલ્પેશભાઈને ફિલમમાં થોડી થોડી સમજ પડવા માંડી. અનારકલી અને સગાઈના હિરાબેન હેલ્પેશભાઈને  રુપાળા લાગેલ. એ સિવાયની હિરાબેનો, હેલ્પેશભાઈને રુપાળી લાગતી જ નહીં.

હેલ્પેશભાઈને હિરાભાઈઓ કે હિરાબેનો પ્રત્યે કદીય અહોભાવ ઉત્પન્ન થયો નહીં. કારણ કે અહોભાવ થવાની માનસિક ઉચ્ચતા પર  હેલ્પેશભાઈ પહોંચે તે  પહેલાં જ તેમને ખબર પડી ગઈ કે;

આ હિરાભાઈઓ અને હિરાબેનો પોતે સંવાદ બનાવતી નથી.

તે ઉપરાંત

આ હિરાભાઈઓ અને હિરાબેનો પોતે ગીતો બનાવતી નથી તેથી હેલ્પેશભાઈ, હિરાભાઈ અને હિરાબેનો શીઘ્ર કવિ છે તે  શીઘ્ર કવિની માન્યતા ધરાશાયી થયેલ.

આ હિરાભાઈઓ અને હિરાબેનો કશું સળંગ મોઢે રાખતાં નથી,

આ હિરાભાઈઓ અને હિરીબેનો  એક જ ઘાએ અભિનય કરતાં નથી,

આ હિરાભાઈઓ અને હિરાબેનો ના અનેકવારના અભિનયના પ્રયત્નો કરાવ્યા પછી તેને સ્વિકારમાં આવે છે.

આ હિરાભાઈઓ અને હિરાબેનો જ્યારે અભિનયના પ્રયત્નો ચાલુ હોય ત્યારે બોલવામાં અક્ષમ્ય ભૂલો કરતા હોય છે. તેમને ઘણા જ રી-ટેક કરવા પડતા હોય છે.

આ બધા કારણસર જ્યારે હેલ્પેશભાઈ કોલેજમાં પહોંચ્યા તે પૂર્વી જ  હિરાભાઈ અને હિરાબેનોની મજાક ઉડાવતા થઈ ગયા હતા.

હેલ્પેશભાઈના એક મિત્રના મિત્ર આવ્યા. તેઓશ્રી દિલીપકુમારના ભક્ત હતા. તેઓશ્રી દિલીપકુમારની ફિલમ પડે એટલે એ ફિલમ વીસ-પચીસ વાર જુએ.

એટલે હેલ્પેશભાઈએ કહ્યું “આ દિલીપકુમારને તમે કોઈ પણ રોલ આપો પછી ભલે તે મજુરનો હોય, કે ગામડીયાનો હોય કે રાજકુમારનો હોય કે પ્રેમલા-પેમલી હોય કે બંદરનો, એ હમેશા એક જ સ્ટાઈલમાં બોલે છે. … ઇન્સાઈયત નામની એક ફિલમ આવેલી. આ ફિલમમાં દિલીપભાઈને મેક-અપ વગર ઉતારેલા અથવા વધુ કદરુપા કરીને ઉતારેલા.  આ ફિલમમાં એક વાંદરો (વાંઈદરો) પણ રોલ કરતો હતો…. બાબુરાવ પટેલે કહેલ કે આ વાંદરાનો અભિનય , દિલીપકુમાર કરતાં સારો હતો.”

helpeshbhai

એટલે આ મિત્રના મિત્રે કહ્યું “અરે યાર, આપણે બધા નકામા એક બીજા સાથે લડી મરીએ  છીએ, આ બધા હિરો તો એકબીજા મિત્રો ખાસ મિત્રો હોય છે.”

મારા મિત્રે પેલા મિત્રને કહ્યું કે આ હેલ્પેશભાઈ તો બધા જ હિરોની વિરુદ્ધમાં છે. તુ એમની જોડે ચર્ચા ન કરીશ. તમે બંને નકામા ઝગડી પડશો.

એક વખત જબલપુરમાં સહાધ્યાયીઓ સાથે  ચર્ચા ચાલી.

પોતાનો માનીતો હિરો કોણ?

હેલ્પેશભાઈએ બધાની ટીકા કરી. દિલીપકુમાર, દેવાનંદ અને રાજકપુરની એક્ટીંગની અવૈવિધ્યતા બતાવી. અને મજાકમાં કહી દીધું કે શ્રેષ્ઠ હિરો તો પ્રદીપ કુમાર છે. અને મારા સહાધ્યાયીઓ દ્વારા પ્રદીપકુમાર કૂટાઈ ગયો.

દિલીપકુમાર, દેવાનંદ અને રાજકપુર;

દિલીપકુમાર ભાઈ, રાજકપુરભાઈ અને દેવજીભાઈ (દેવાનન્દભાઈ) આ ત્રણે     હિરાભાઈઓમાં દિલીપકુમારભાઈ ઓછા દેખાવડા. જો કે મુસ્લિમ બહેનોમાં તેઓ લોકપ્રિય ખરા. આ વાતની તમે તેમની ફિલમ જોવા જાવ એટલે ખબર પડે.

બધાને પ્રેમમાં પડવું તો હોય જ.

દિલીપભાઈની ખાસીયત એ કે તેમની ફિલમમાં હિરાબહેનો તેમના પ્રેમમાં સામે થી પડે. આવું કેમ થતું હશે તે સંશોધનનો વિષય છે. તૈયાર માલ મળી જાય એ કોને ન ગમે?

એ નાતે દિલીપભાઈના અંતરાત્મામાં એવો ગર્ભિત ભય ખરો કે આપણે બહુ રુપાળા નથી તેથી જો કૃષ્ણ ભગવાનના ચાળે ચડશું તો કૂટાઈ જઈશું. એના કરતાં એવી જ ફિલમ કથા પસંદ કરવી કે માલ (હિરાબેન)  સામેથી જ આવે. જે ભાઈઓ દિલીપકુમારભાઈ જેવી મનોવૃત્તિ ધરવતા હોય તેવા ભાઈઓ દિલીપકુમારને પસંદ કરતા અને તેમની સાથે તાદાત્મ્ય સાધતા કે ક્યારેક તો કોઈ સ્ત્રી આવીને આપણા ઉપર મરશે.

રાજકપુર ભાઈને એવું કે તેમને હિરાબેન સાથે પ્રેમ તો થાય. પણ સંજોગો એવા ઉત્પન્ન થાય કે હિરાબેન સંજોગોવશ રાજકપુર ભાઈને છોડી દે. એક જ ફિલમમાં આવું એકથી વધુ વાર બને. રાજકપુરભાઈ એકાદ કરુણતાપૂર્ણ ગીત ઠપકારી દે. હે પ્રેક્ષકો,  દુનિયાના તાલ જુઓ. અને મારી દયા ખાવ. રાજકપુરભાઈ આમ કારુણ્યના કીંગ હતા, જેમ મીનાબેન (મીનાકુમારી) કારુણ્યની રાણી (ટ્રેજડી ક્વીન). હેલ્પેશભાઈ તેને “અઘેલી વાણીયણ” તરીકે ઓળખાવતા.

તમે કોઈ ફિલમ એવી જોઈ છે જેમાં રાજકપુર ભાઈ બીડી/સીગરેટ ન હોય?

હાજી, વાલ્મિકી ફિલમ એકમાત્ર એવી ફિલમ છે કે જેમાં રાજકપુરભાઈએ નારદમુનીનો રોલ કરેલો. બોલો… કેવીરીતે રાજકપુરભાઈ સીગરેટ/બીડી પી શકે?

દેવજીભાઈ (દેવાનંદ) સાપેક્ષે રુપાળા. એટલે તેઓશ્રી તો પોતાને કામણગારો  કૃષ્ણ કનૈયો જ સમજે. દેવજી ભાઈ બધી જ ફિલમોમાં એક નિશ્ચિત હિરાબેનની છેડતી કર્યા કરે. ફિલમની અંદર કાળક્રમે આ હિરાબેન દેવજીભાઈ સાથે પાણીગ્રહણ કરે.

વાસ્તવમાં પણ એવું જ હતું. બહેનો બધી જ દેવજીભાઈ ઉપર ફિદા હતી. આ બધી બહેનો પણ જે તે ફિલમમાં તત્કાલીન હિરાબેન સાથે તાદાત્મ્ય સાધતી હશે કે ક્યારેક આવો કામણગારો પુરુષ આપણને છેડશે અને પછી આપણે તેની સાથે પાણીગ્રહણ કરીશું.

જોકે કેટલીક બહેનો  અઘેલી વાણીયણ ની જેમ (મીનાકુમારીની જેમ) દુઃખી જીંદગી માટે મીના કુમારીનો વહેમ રાખતી અને તેની સાથે તાદાત્મ્ય સાધતી.   

દેવજીભાઈની એક અદા (સ્ટાઈલ) હતી. તેઓ હાથ લુલા રાખીને ઝુમતા ઝુમતા અભિનય કરતા. એક “ડાલ્ડા દેવાનંદ” નામના ભાઈ, તેમની સ્ટાઈલ મારતા. દેવજી ભાઈએ તેમની સ્ટાઈલ બંધ કરી હતી કે નહીં તેની ખબર નથી.

આ બધા મુખ્ય હિરાભાઈ હતા. બીજા પણ હિરાભાઈઓ હતા. સંજીવકુમાર, બલરાજ સહાની, જયરાજ … આપણે લેખ લખવો છે પુસ્તક નહીં.

પહેલે થી જ બધી હિરાબેનો માદા તરીકે  વર્તતી. પહેલાંની હિરાબેનોને સામાન્ય રીતે શાસ્ત્રીય નૃત્ય આવડતું નહીં. તેથી તેઓ બંને હાથ અવનવી રીતે હલાવીને નૃત્ય કરતી જાણે કે એમ લાગે કે તેમના હાથોને આંટી પડી જશે તો શું થશે?  જોકે વયસ્ક હિરાબેનોમાં લલિતા પવાર વૈવિધ્ય પૂર્ણ અભિનય કરતી. ભદ્રા બેન (શબાના આઝમી) અને હસુબેન (માલા સિંહા) વૈવિધ્યતા પૂર્ણ અભિનય કરતા. ઉજમબેન (નિરુપા રૉય) એમાં અપવાદ હતા. પણ ગુજરાતી બહેનોમાં તે લોકપ્રિય હતા.

હેલ્પેશભાઈની બદલી અમદાવાદ અને પછી  મુંબઈ થઈ પછી કામના ભારણને લીધે ફિલમો જોવી બહુ જ ઓછી થઈ ગઈ. હેલ્પેશભાઈ  “છોડા ચેતન” નામની ફિલમ તેમની ભત્રીજી ને બતાવવા લઈ ગયેલ. પછી તો કાળક્રમે તેમની ભત્રીજી   મોટી થઈ, તેના લગ્ન થયા. અને તેને બાબો આવ્યો. અને તે બાબલાને લઈને હેલ્પેશભાઈ એક ફિલમ જોવા  ગયા. આ બે ફિલમો ની વચ્ચે નો સમય પંદરેક વર્ષનો હશે તે દરમ્યાન કોઈ ફિલમ જોએલી નહીં. આ બીજી ફિલમનું નામ હતું “છોટા ચેતન”. જો કે તે છોટા ચેતનનું  નવું વર્સન હતું.

આજે પણ હિરાબેનો કંઈક વધુ અંશે, માદા તરીકે જ વર્તે છે. જ્યારે આવું ન હોય ત્યારે હિરાબેનો પશ્ચિમી હિરાબેનોની સ્ટાઈલ મારે છે.

હાલના હિરાભાઈઓ પોતાને એક્ટર કરતાં નર તરીકે વધુ પ્રદર્શિત કરવામાં માને છે. કેટલાક વર્ષોથી  હિરાભાઈઓ દાઢી રાખતા થઈ ગયા છે.

હિરાભાઈઓ દ્વારા  દાઢી રાખવાના મુખ્ય કારણો કયા છે?

કટ્ટર મુસ્લિમોએ દાઢી રાખવી જ જોઇએ. પશ્ચિમના દેશોમાં આતંકી હુમલાઓ પછી, દાઢીવાળા મુસ્લિમો ઉપર એરપોર્ટ ઉપર સઘન ચેકીંગ શરુ થયું.

આ અન્યાય હતો એવું કેટલાકને લાગ્યું. માલદાર મુસ્લિમ દેશોએ પશ્ચિમના  હિરાભાઈઓને ફોડ્યા. અને આ હિરાભાઈઓએ  દાઢી રાખવી શરુ કરી. તંગલો નાચ્યો એટલે તંગલી નાચી. આપણા દેશી હિરાભાઈઓએ પણ દાઢી રાખવી શરુ કરી.

શરુઆતમાં તો હકલાભાઈએ દાઢી વધારી. ડી-ગેંગ (દાઉદની ગેંગના નેટવર્કના લોકો) “શાહરુખ ખાનને “હકલા” તરીકે ઓળખે છે.  ચીકના ભાઈએ પણ દાઢી વધારી. અમીરખાનને ડી-ગેંગ ચીકના તરીકે ઓળખે છે. તેથી બીજા દેશી હિરાભાઈઓએ પણ દાઢી વધારી. એટલે પછી મોડેલીંગનું કામ કરતા ભાઈઓને પણ થયું કે અમે કંઈ હિરાભાઈઓથી કમ છીએ શુ? એટલે મોડેલીંગ વાળા ભાઈઓ પણ દાઢી રાખવા માંડ્યા. આવું થયું એટલે બધા જ વાદીલા (વાદે ચડેલા-રવાડે ચડેલા) જુવાન લોકોએ દાઢી રાખવી ચાલુ કરી દીધી. પછી તો વયસ્ક હોય પણ પોતાને જુવાન માનતા હૈ તેવા લોકોએ પણ દાઢી રાખવી શરુ કરી દીધી.

આપણા, હકલા અને ચીકનાએ દાઢી રાખવી બંધ કરી દીધી. કારણ કે “સાધ્યં ઈતિ સિદ્ધમ્‌”.

આપણા દેશી ભાઈઓને એમ છે કે આપણી (દેશી) માદાઓ “રફ એન્ડ ટફ” પુરુષોને વધુ પસંદ કરે છે.

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

અંધારા ઓરડામાં કાળો ભૂતીયો બિલાડો અને બ્રહ્મજ્ઞ રજનીશ આમ તો મુહાવરો એમ એ કે “અસ્તિત્વ ન ધરાવતી કાળી બિલાડીને અંધારા ઓરડામાં શોધવી.” કાળો ભૂતીયો બિલાડો બીલાડો એટલે શું?

કાળો એટલે બધા રંગો શોષી લે. ભૂતિયો એટલે અસ્તિત્વ ન ધરાવતો અને બિલાડો એટલે બિલાડીને બદલે બિલાડો. અને બ્રહ્મજ્ઞ એટલે શું? સૌપ્રથમ આવો અંગ્રેજી ટૂંકાક્ષરી શબ્દ હતો એલજીવીજી. એટલે કે લાગવગ. ગુજરાતીમાં એક નવો શબ્દ પ્રચલિત થયો છે જે છે “એમ.બી.એ.”. “એમ” એટલે મને. “બી” એટલે બધું. અને “એ” એટલે આવડે. મને બધું આવડે એટલે એમબીએ. એમબીએની જ્ઞાતિનો એક શબ્દ છે સબબંદરકા વ્યાપારી. એટલે કે તમે જે કંઈકામનું નામ લો તે એ કરી શકે. બ્રહ્મજ્ઞ એટલે તમે બ્રહ્મને જાણી લીધું એટલે તમારામાં બધું જ્ઞાન આવી જાય. પછી તમે દરેક વિષયમાં તમારી ચાંચ ડૂબાડી શકે.

બ્રહ્મજ્ઞાની અવસ્થા

આમ તો દરેક મનુષ્યના જીવનમાં આ અવસ્થા આવે છે. પણ કેટલાકમાં આ અવસ્થા સ્થાયી થઈ જાય છે. જો આપણે માંડીને વાત કરીએ તો બાળક જન્મે એટલે તે ભોજન અને તેથી અતિરિક્ત દરેક વસ્તુને સ્પર્ષ કરીને ઓળખવાનો પ્રયત્ન કરે છે. પછી ભાષા સમજવાનો અને બોલવાનો પ્રયત્ન કરે છે. પછી તમે એને ભણાવો એટલે બધી માહિતિનો સંગ્રહ કરે છે.પછી તે પોતાના પ્રશ્નો કરવાનું અને મનગમતી માહિતિ મેળવવાના પ્રયત્નો કરે છે. પોતાની માહિતિને ઠમઠોરે છે. એમ કરતાં કરતાં તે પોતાનું ભણતર પૂરું કરે છે. પણ વ્યાવસાયિક અનુભવ ન હોવાથી વ્યવસાયમાં બીજાઓના અનુભવ વિષે પૃચ્છાઓ કરે છે.

એમ કરતામ કરતાં એ ૩૦ થી ૩૫ વર્ષનો થઈ જાય છે ત્યારે તેને ખબર પડે છે કે કેટલાકને તો પોતાના કરતાં પણ ઓછી ખબર છે. અને આ ઓછું જાણતા વ્યક્તિઓની સંખ્યા કે જેની તે જાણ રાખતો હોય છે તે ઉત્તરોત્તર વધતી જાય તો તે સમજવા લાગે છે કે તે હવે બ્રહ્મજ્ઞાની થઇ ગયો. એટેલે તે દરેક વિષયમાં ફ્રીસ્ટાઇલથી પાદાર્પણ કરે છે.

હવે આપણે બ્રહ્મજ્ઞાની તો થઇ ગયા પણ લોકોને તો ખબર નથી. લોકોને ખબર કેવીરીતે પાડવી? એટલે આ વિષે ચિંતન અને પ્રયત્નો ચાલુ થાય છે. સંસ્કૃતમાં આ વિષે લખ્યું છે કે “ઉટપટાંગ” અને “અર્થહિન વાતો કરવી”… આંબાને તરસ્યો ભૂખ્યો રાખવો અને થોરને પાણી પાવાની વાતો કરવી. એટલે કે સિદ્ધપ્રણાલીઓને તોડવાની વાતો કરવી. તે ખ્યાતિ મેળવવાનો ઉત્તમ રસ્તો છે. અમે દેશી છીએ એટલે દેશી ઉદાહરણો આપીએ છીએ. નહીં તો રોબર્ટ રેન્જર કે મેકસીમ ગોર્કી કે એવા કોઇનું નામ આપત. સત્યં વદ, ધર્મં ચર એવી ગુડ્ડી ગુડ્ડી વાતો કરશો તો લોકો ક્યાં સુધી સાંભળશે? કુતરુ માણસને કરડે તો તે ચટાકેદાર સમાચાર કે કદાચ સમાચાર પણ બનતા નથી. પણ માણસ જો કૂતરાને કરડે તો તે ચટાકેદાર સમાચાર બને જ બને. આ વાત પત્રકારિત્વના વિદ્યાર્થીઓને શિખવામાં આવે છે.

આપણે કંઇ વિષયહીન કે તારતમ્યહીન લાગે એવી વાતો તો કરવી નથી. એટલે મૂળ વાત પરા આવીએ. ભૂતીયો બિલાડો અને અંધારો ઓરડો એટલે શું? ભૂત એ એક અસ્તિત્વ ન ધરાવતું પ્રાણી છે. હવે આ ભૂત ભાઇ એવા છે કે રાત્રી હોય … અંધારું હોય … માણસ એકલો હોય… ડરેલો હોય … તો અને ત્યારે પટમાં આવે છે. એટલે કે તે માણસને દ્રષ્ટિ ગોચર થાય છે. ઉપરરોક્ત પરિસ્થિતિના અભાવમાં, કદાચ તેમને એટલે કે ભૂતભાઇને માણસભાઈ(માણસબેન પણ ખરાં)ની બીક લાગે છે. ચોરભાઇ ભલે અદ્રષ્ય થઇ ગયા પછી એકાદી નિશાની છોડી જાય પણ આ ભૂતભાઇ અદ્રષ્ય થયા પછી કશી નિશાની છોડતા નથી. તેમજ ચોરભાઇથી વિરુદ્ધ આ ભૂતભાઇ કશું લઇ પણ જતા નથી. આવું હોવાથી કેટલાક પોતાને સુજ્ઞજન માનતા લોકોએ પ્રશ્ન ઉત્પન્ન કર્યો કે “શું ખરેખર ભૂતભાઇ અસ્તિત્વ ધરાવે છે ખરા? અમને તો એવું લાગે છે કે ભૂતભાઇ જેવું કશું છે જ નહીં.”

“ભૂત ના અસ્તિત્વ” વિષે એક વિવાદ ઉભો થઇ ગયો. પછી ભૂતભાઇના સમર્થકોએ ભૂતોને તેમના સ્થાનને વિષે અને વર્તનને અનુરુપ ક્લાસીફાય કર્યા અને તેમનું નામકરણ કર્યું … વિગેરે વિગેરે…

પણ આ તો એક ઉદાહરણ થયું. તમે આવા કંઈક વિષયોને ઉત્પન્ન કરીને વિવાદ સર્જી શકો. અને આ ઉપરાંત પણ એવા ઘણા વિષયો છે જે ઉપર કાળના પ્રવાહમાં કાળે માન્ય કરેલા સુજ્ઞજનોએ વિસ્તારથી ચર્ચેલા વિષયો ઉપર ચર્ચા કર્યા વગર અથવા તો અસંબધ્ધ પ્રલાપનો આલાપ કરીને એક વિવાદ ઉત્પન્ન કરી શકો છો કે જેથી પૂર્વેના સુજ્ઞજનો તમારી ચર્ચામાં ભાગલેવા અશરીરી હોવાને કારણે વિલાપ કરતા થઇ જાય.

અંધારો ઓરડો એટલે શું? નાનકડો એક દિવો મોટા એવા ઓરડામાં અજવાળું પાથરી શકે છે. પણ ચમચાઓથી ઘેરાયેલા સંતઆગળ વિદ્વાન વૈજ્ઞાનિક પણ વામણો બની જાય છે. કારણ કે સંત અને તેથી કરીને ચમચામંડળ કે અલ્પજ્ઞ શ્રોતામંડળ કે જેને એવું ઠસાવી દીધેલું હોય છે કે બુદ્ધિથકી અદ્રષ્ટને સમજવાની શક્તિ સીમિત હોય છે અને તેથી આવા શ્રોતાઓની આગળ ફેલાયેલા અભિભાવક અંધકારમાં તે રજમાત્ર અજવાળું પાથરી શકતો નથી. આ અંધારા ઓરડામાં તો શબ્દોના પ્રાસ, અનુપ્રાસ, લય, વિલય અને વિરોધાભાષી સંભાષણોમાં જ શ્રોતાગણ અભિભાવુક બનવામાં માનતો હોય છે. અને તેથી જ્યારે સંતનું વિષય ઉપરનું અવિષય વ્યાખ્યાન પૂરું થાય ત્યારે ” … હા તો પછી સરવાળે શું કરવાનું એ તો સ્પષ્ટ કરો … ” એવું કોઇ પૂછી શકતું નથી.

સિદ્ધં ઈતિ સિદ્ધં

બધાએ સમજી લેવાનું હોય છે કે આ જ બ્લીસ, આ જ પ્રહર્ષ, આ જ પરમાનંદ. આપણા સંત જ સત ચિત અને આનંદ છે. અહો! આપણે કેટલા નિમ્ન કક્ષાએ છીએ કે સ્વજનના મૃત્યુ વખતે આપણે સ્થિતપ્રજ્ઞ રહેવું જોઇએ અથવા એવી કક્ષાએ પહોંચવું જોઇએ તે વિચારી શકતા પણ નથી. જ્યારે આપણા ગુરુજી તો ક્યાંના ક્યાંય પહોંચી ગયા છે. (જોકે જ્યારે બ્રહ્મજ્ઞાની રજનીશને માનવસ્વાતંત્ર્યને બિરદાવનાર અમેરિકાએ તડીપાર કર્યા ત્યારે આ જ બ્રહ્મજ્ઞાની રજનીશે સાંભળનારનું પણ પેટ ભરાઇ જાય તે હદે અમેરિકાની મુક્ત કંઠે નિંદા કરેલી.)

ભાષ્ય લખ્યા વગરના આચાર્ય કે સકુલવગરના (સ્કુલવગરના) પ્રિંસીપાલ

આ રજનીશભાઈ, જે પોતાને સર્વપ્રથમ આચાર્ય તરીકે ઓળખાવતા હતા, પણ પછી કોઈ તેમનાથી અધિક સુજ્ઞ જને તેમના ધ્યાન ઉપર લાવ્યા કે તમે કોઈ ભાષ્ય લખ્યું નથી, તમને સંસ્કૃત પણ આવડતું નથી એટલે તમને “આચાર્ય” કેવી રીતે કહી શકાય? ત્યારે આ રજનીશભાઈ કહ્યુ કે “હુ ફલાણી ફલાણી કોલેજ માં લેક્ચરર હતો.” આમ કહી તેમણે પોતાનું સંસ્કૃતનુ અજ્ઞાન પ્રગટ કર્યું. કારણ કે સંસ્કૃત ભાષામાં પ્રવર્તમાન પ્રણાલી પ્રમાણે લેક્ચરરને  અધ્યાપક કહેવાય છે. અને આચાર્ય તો પ્રિંસીપાલને કહેવાય છે. એટલે વાણીવિલાસી, આપણા આ રજનીશભાઈએ પોતાના નામના પૂર્વગ માં આચાર્યને સ્થાને “ભગવાન” શબ્દ સ્થાપિત કર્યો. 

ભગવાનનામનો પૂર્વગ શા માટે પસંદ કર્યો?

જો કે આમેય આ જગતમાં હમેશા પોતાને ભગવાન માનનારાઓનો તૂટો રહ્યો નથી. હર હમેશ જગતમાં મનુષ્ય રુપે વિચરતા ભગવાનોનો આંકડો ચાર આંકડામાં રહ્યો છે. શિષ્યોએ પોતાના ગુરુમાં રહેલા ભગવાનનો સાક્ષાત્કાર થયો કે તે ગુરુને પોતે ભગવાન હોવાની અનુભૂતિ થઈ તે તો તેઓ જ જો સાચાબોલા હોય તો કહી શકે. એ વાત જે હોય તે અહીં આપણા આ રજનીશભાઈ ભગવાન થયા. તેમના બધા પુસ્તકોમાં તેઓ પોતાના ફોટા સાથે ભગવાન રજનીશ તરીકે દૃષ્ટિગોચર થવા લાગ્યા.

ભગવાન થવામાં એક સુખ હતું. કયું સુખ હતું?

ભગવાન તો બધામાં જ હોય. ઝાડ, પાન, ડૂંગરા, નદીઓ, ખીણ, જંગલ, શહેર, ગામડું, મનુષ્ય, પશુ, પક્ષી, રાક્ષસ, કાર્ય, કારણ, સુખ, દુઃખ, એ બધું જ ભગવાન છે. ગીતામાં કૃષ્ણ ભગવાન નું વિશ્વરુપ દર્શન જોઈ લેવું. એટલે પોતાને ભગવાન કહેડાવીએ તેમાં કોઈ વાંધો પાડી ન શકે.

સામાન્ય માન્યતા એવી છે કે જે વ્યક્તિ પોતાનામાં રહેલા ભગવાનને ઓળખી શક્યો તે વ્યક્તિ ભગવાન. અથવા તો જેણે યોગ, કે સમાધિ દ્વારા બ્રહ્મને જાણી લીધું તે ભગવાન. એટલે જો આપણા રજનીશભાઈ પોતે જાતે ખોંખારીને ફોડ ન પાડે ત્યાં સુધી તેમના શિષ્યો યથેચ્છ રીતે, ચર્ચા કર્યા સિવાય જે માનવું હોય તે અને અથવા અજ્ઞજનોને  જે મનાવડાવવું હોય તે મનાવડાવી શકે. રજનીશભાઈ તો કશું બોલે જ શેના.

પણ પોતાને ભગવાન તરીકે ઓળખાવવામાં એક મુશ્કેલી હતી.

આ કંઈક વધુ પડતું હતું. આજના આધુનિક યુગ અને આધુનિક વિચારધારા સાથે બંધ બેસતું ન હતું. વળી આપણા રજનીશભાઈ પોતાને આધુનિક અને પ્રગતિશીલ વિચારધારાવાળા તરીકે ઓળખાવવા માગતા હતા. કારણ કે તેમને તેમના શિષ્યમંડળમાં માલેતુજાર લોકોને ભેળવવા માગતા હતા. રેંજી પેંજી, ગરીબ ગુરબા તેમને પસંદ ન હતા. સેલીબ્રીટીજ઼, ફીલ્મી હિરોજ઼, ફીલ્મી હિરોઈનો, જેવા લોકો અને બાપકમાઈ વાળા છેલ છબીલા લોકો, કૃષ્ણ ભક્તો, જય જીનેંદ્રવાળા લોકો, અને પોતાને વૈશ્વિક ગુરુ થવું હતું તેથી થોડા વિદેશી મૂક્તવિચરતા લોકો આવે તો સોનામાં સુગંધ ભળે. એક કાંકરે ત્રણ પક્ષી મરે.

જેમ રાત્રે તારાઓ થી ચંદ્ર શોભે છે, ચંદ્રથી તારાઓ શોભે છે અને ચંદ્ર અને તારાઓથી આકાશ શોભે છે, તેમ આવા ગુરુથી બેવકુફ જેવા પણ માલે તુજાર સેલીબ્રીટીઓથી પરસ્પર એકબીજા શોભે અને બંનેથી તેમનો આશ્રમ શોભી શકે.

આવી સ્થિતિમાં તર્કની જરુર પડતી નથી એની મોટી નિરાંત છે.

તર્કમાં આપણે માનવું જ નહીં. બધા વિવાદોનું મૂળ તર્ક છે. માટે તર્કને તિલાંજલી આપો.

તે માટે આ તર્ક કરો; જેની પાસે વધુ માહિતિ છે તે વધુ તર્ક કરી શકશે. જેની પાસે ઓછી માહિતિ હશે તે સાચો હોવા છતાં પણ હારી જશે. એટલે આમાં માહિતિઓનો જ જય પરાજય થાય છે. સત્ય તો ત્યાંનું ત્યાં જ રહે છે. માટે હે (અલ્પજ્ઞ જનો) તમે તર્કથી દૂર રહો. તમારા અંતરાત્માને જે ગમે તેને જ સત્ય માનો.

આપણા રજનીશભાઈમાં સંસ્કૃતભાષાનું જ્ઞાન ઓછુ હતું કે ન હતું. નહીં તો તે એમ પણ કહી શક્યા હોત કે સ્મૃતિ ર્વિભીન્ના શ્રુતયશ્ચ ભીન્ના, નૈકેઓ મૂનિર્યસ્ય વચસ્પ્રમાણં, ધર્મસ્ય તત્ત્વં નિહિતં ગુહાયાં, મહાજનો યેન ગતશ્ચ પંથા. (હે અજ્ઞજનો, વેદો અને ઉપનિષદો, અલગ અલગ કહેછે. મૂનીઓ પણ એકમત નથી. સત્ય છે તે તો કોઈ ઊંડી ગુફામાં પડ્યું છે. માટે તમે (જેને મહાપુરુષ માનો છો) મહાપુરુષો જે કહે તેને અનુસરો.

આપણા રજનીશભાઈના ઉદ્ધ્વરણો માં કૃષ્ણ, મહાવીર અને બુદ્ધ ના નામનો ઉલ્લેખ એક સાથે કશા પૂર્વાપર સંબંધ વગર થયા કરતો.

જો તમારે મહાન ગણાવું હોય તો તમારે પ્રચલિત સર્વસ્વિકૃત મહાપુરુષોની વાતોને નકારવી જોઇએ.

જેમકે ગાંધીજીના સિદ્ધાંતોને નકારો

“ગાંધીની અહિંસા નિરપેક્ષ અહિંસા નહીં થી. તમે તમારી વાત તર્કદ્વારા સિદ્ધ કરી શકો જો તમારી પાસે વધુ જાણકારી હોય તો.

પણ આ તો એક પ્રકારની હિંસા છે.

વળી તમે ઉપવાસ દ્વારા સામેની વ્યક્તિ ઉપર દબાણ લાવો એ પણ હિંસા જ છે.

એક વેશ્યા એક યુવકને કહ્યું કે તું મારી સાથે લગ્ન કર નહીં તો હું ઉપવાસ ઉપર બેસીશ.

આ હિંસા નથી તો શું છે?” …. રજનીશભાઈ ઉવાચ.

જો કે ગાંધીજીના પુસ્તકો, કે કમસે કમ સત્યાગ્રહ અને ઉપવાસ વિષેના પુસ્તકો રજનીશભાઈએ વાંચ્યા લાગતા નથી. જનતાના મોટાભાગના લોકોએ પણ વાંચ્યા નથી હોતા એટલે આપણા રજનીશભાઈનો વાણી વિલાસ ચાલ્યા કરેછે.

રજનીશભાઈને ખબર નથી કે સત્યાગ્રહ, ઉપવાસ, સવિનય કાનૂન ભંગ વિગેરે શસ્ત્રો વાપરવાના નિયમો સુનિશ્ચિત રીતે બનાવેલા છે. તેની પ્રથમ શરત જ એ છે કે ઉપરોક્ત શસ્ત્ર ફક્ત “સર્વજન હિતાય” જ  વાપરી શકાય. બીજી શરત એ કે સંવાદ માટે હરઘડી હરપળ તૈયાર રહેવું. કાનૂની સજા ભોગવવા તૈયાર રહેવું.

ગાંધીજી કંઈ મૂર્ખ ન હતા કે તેમના શસ્ત્રોને ફક્ત નામ જ આપે અને તેના ઉપ્યોગના નિયમો ન બનાવે. પણ હવે આપણા રજનીશભાઈને કોણ કહેવા જાય કે તમારામાં લાંબી બુદ્ધિ નથી. વળી તેમના શ્રોતાઓ પણ રજનીશભાઈ થી ઉચ્ચ કક્ષાના તો ન જ હોય. બનતા સુધી તો તેમના થી ઘણી ઉતરતી કક્ષાના હોય.

આપણા આ રજનીશભાઈ એ નિરપેક્ષ અહિંસાનો દાખલો આપ્યો. એક પાદરીએ એક વ્યક્તિનું દૂરથી પોતાની આધ્યાત્મ શક્તિથી જ હૃદય પરિવર્તન કરી દીધું. ન માહિતિની આપ લે ન ચર્ચા. આને કહેવાય નિરપેક્ષ અહિંસા.

અરે રજનીશભાઈ, “જંગલમેં મોર નાચા કિસીને ન દેખા”. તમારી વાતને મૂર્ખ જ સ્વિકારશે. પાદરી કે વિચાર પરિવર્તિત વ્યક્તિ ગોત્યા જડતા નથી. અને જડે તો પણ શું?

આવી તો ઘણી અગડં બગડં વાતો છે આપણા રજનીશભાઈની. … ક્યારેક તે વાતો કરીશું.   

એટલે જ હજારો વર્ષ પૂર્વે સંસ્કૃતમાં એક શબ્દ પ્રયોગ છે કે “પરોપદેશે પાંડીત્યં શોભનં વર્તતે”. અને તેથી જ રજનીશ આનંદ, નિજાનંદ, દિવ્યાનંદ, અત્યાનંદ, પરમાનંદ, દેવાનંદ વિગેરે વિગેરે વિગેરાનંદ ની વાતો તેમના અભિભાવુક શ્રોતાઓમાં આલાપી શકે છે.

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

%d bloggers like this: