Feeds:
Posts
Comments

Posts Tagged ‘ધન’

મોટાભાગના બાવાઓ એક વહાણના મુસાફરો છે, પણ …. (૨)

મોટાભાગના બાવાઓ એક વહાણના મુસાફરો છે, પણ ….  ()

આપણે આગળ જોયું કે બાવાની વ્યાખ્યા કરવાની સરળ અને સહેલી રીત છે કે

જે વ્યક્તિ પોતાને ગુરુ (બાવો) માને, સતત શિષ્યોની ભરતી માટે પ્રયત્ન શીલ રહે અને સમયના એક  અંતરાલમાં સફળ પણ રહે તેને બાવો કહેવો

વાખ્યા બરાબર છે અને આપણે માન્ય રાખીએ છીએ.

એટલે આમ તો આદિ બાવાજી પ્રોટોટાઈપ શિવજી એટલે કે રુદ્ર, અગ્નિ એટલે કે વિશ્વદેવ પોતે છે. પણ એમની મશ્કરી થાય. એટલે મધુચ્છંદા ઋષિ કે ભૃગુ ઋષિ કહીએ કે સપ્તર્ષિઓને બાવાજી કહીએ તો ચાલે. તે પછી દત્તાત્રેય થયા. બધાની પણ મશ્કરી થાય.

તો પછી શરુઆત ક્યાંથી કરીશું?

જે કાળને પાશ્ચાત્ય લોકો ભારતમાં ઐતિહાસિક કાળની શરુઆત માને છે તે મહાવીર સ્વામીથી શરુઆત થઈ શકે.

મહાવીર સ્વામી પહેલા ગુરુ થયા. પછી બુદ્ધ ગુરુ થયા. શંકરાચાર્ય થયા. મધ્ય યુગમાં માધ્વાચાર્ય, વલ્લભાચાર્ય, જ્ઞાનેશ્વર જેવા વૈષ્ણવાચાર્ય અને સાયણાચાર્ય શૈવાચાર્ય ઉત્તરના અને દક્ષિણના અનુક્રમે વેદજ્ઞાતાઓ થયા.

આપણે અર્વાચીન યુગથી શરુઆત કરીએ. તો બાવાજીઓમાં, સહ્જાનંદ સ્વામી, દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ, વિવેકાનંદ, શ્રી મોટા, સાંઈબાબા થયા જેઓ ઓગણીશમી સદીના પૂર્વાર્ધથી શરુ કરી વીસમી સદીના પૂર્વાર્ધ સુધીમાં થયા. બધા બાવાજીઓ આમ તો નિરુપદ્રવી હતા. બીજા બાવાઓ ઉપદ્રવ કરતા પણ બાવાજીઓ ઉપદ્રવ કરતા હતા. કેટલાક બાવાઓ અભણ હતા તો કેટલાક વેદોમાં પારંગત હતા.

પણ ખરા બાવાઓ તો વીસમી સદીના ઉત્તરાર્ધમાં થયા એટલે કે ૧૯૫૧થી થયા અને ખાસ કરીને ઈન્દીરા યુગથી તો બાવાજીઓના દબદબાના યુગનો સુવર્ણકાળ શરુ થયો.

તમે કહેશો કે, શું પ્રાચીન ભારતમાં જે સતયુગ કે જે ઋષિયુગ કહેવાતો હતો તેમાં બાવાઓનો દબદબો હતો? અરે ભાઈ યુગને પાશ્ચાત્ય વિદ્વાનોની મંજુરી મળી નથી. એટલે તેને તો દંતકથા યુગ માની લેવાનો. સ્વતંત્રતા મળ્યા પછી જે બાવાઓ ઉદ્ભવ્યા તેમને વિષે આપણે કાયદેસર રીતે પાશ્ચાત્ય વિદ્વાનોની મંજુરીની જરુર રહી નથી.

ધીરેન્દ્ર બ્રહ્મચારી, મહેશ યોગી, દાદા લેખરાજ કૃપલાની (પ્રજા પિતા બ્રહ્માકુમારીઝ), આનંદમયી મા, આચાર્યભગવાનઓશોસંતરજનીશમલ, સત્ય સાઈબાબા, ઓશો આસારામ, આઠવલેજીનિર્મલબાબા, રાધેમા, શ્રી શ્રી શ્રી રવિશંકર, સદ્ગુરુ જગ્ગી વાસુદેવ, રામરહિમ અને બીજા અગણિતબાવાઓવિચરી રહ્યા હતા/છે. બધા બાવાઓમાં કેટલાક પાસે શિષ્યધન (શિષ્યોરુપી ધન અને શિષ્યો થકી ધન) ફાટ ફાટ થતું હતું અથવા અને ફાટ ફાટ  થાય છે.

બધા મોડર્ન બાવાઓ છે. તેમની પૂર્વેના બાવાઓને કદાચ બ્રહ્મનો સાક્ષાત્કાર થયો હોય કે પણ થયો હોય. પણ સહુ મોડર્ન બાવાઓને તો થયો છે. જો કે આમાંના કેટલાક બાવાઓ જેલના સળીયા ગણી રહ્યા છે કે જેલના સળીયા ગણવાની તૈયારીમાં છે કે ઈશ્વરે/કે સેતાને  તેમને વહેલા પોતાની પાસે બોલાવી લીધા એટલે જેલના સળીયા ગણવામાંથી બચી ગયા છે.

પણ તેથી શું?

શ્રી કૃષ્ણ જેવા યોગેશ્વરે પણ જન્મતાંની સાથે જેલના સળીયા ગણવા માંડેલા. તેમના પિતાશ્રી તેમને પોતાના મિત્ર નંદ પાસે મૂકી આવ્યા એટલે બાકીના સળીયા ગણવાનું બાકી રહી ગયેલ.

મોડર્ન બાવા એટલે શું?

મોડર્ન બાવાજી એટલે કે, એવા બાવાજી કે જેમને અંગ્રેજી પણ આવડતું હોય અથવા તેમના શિષ્યમંડળમાં એવા શિષ્યો હોય જેમને અંગ્રેજી આવડતું હોય અથવા તેમના શિષ્યમંડળમાં એવા શિષ્યો હોય જેઓ સરકારી અમલદારો (કારણ કોઈ પણ હોઈ શકે છે) હોય અથવા અને, ડૉક્ટરો વકીલો, રાજકારણીઓ હોય. હાજી આવી પરંપરા નહેરુવીયન ફરજંદ ઈન્દિરા ગાંધીએ ચાલુ કરેલી જેમના ગુરુ ધીરેન્દ્ર બ્રહ્મચારીજી હતા.

આ બધા બાવાજીઓ, યોગ, ધ્યાન કે સમાધી કે બ્રહ્મ સાધનામાં કાં તો સિદ્ધ છે કે પ્રયત્નશીલ છે. જીવનના રહસ્યોના જાણકાર છે. તેઓ સૌ તેમના શિષ્યોને કોઈપણ જાતની મદદ કરવા સક્ષમ છે.

બાવાજીઓએ શું શું ધ્યાનમાં રાખવાનું હોય છે? અહીં ધ્યાનનો અર્થ છે લક્ષ. એટલે કે ખ્યાલ રાખવાનો હોય છે કે “આપણું લક્ષ્ય જનતાને (ખાસ કરીને પૈસાપાત્ર જનતાને)  લક્ષ્યવેધ બનાવવાનું છે.

Untitled

તો આ માટે શું અનિવાર્ય છે.

એક તો કૃષ્ણ ભગવાન છે. આ ભગવાન ઑલ ઈન વન છે. બાલકૃષ્ણથી શરુ કરી, રોમેંટીક રાધારમણ થઈ, ઈવટીઝર થઈ, કંસને મારનાર યોદ્ધા થઈ, દ્વારિકેશ થઈ, ગીતાના યોગેશ્વર અને વિશ્વરુપ પરમ પરમેશ્વર છે. તમને જે પસંદ પડે તે રુપને તમે અપનાવી લો. અને પછી તમારા રુપમાં એવી ભેળસેળ કરી દો કે જેથી તમારું શિષ્યગણ (શિષ્યાઓ સહિત) તમારામાં ખોવાઈ જાય.

તમે સમજી લો કે આવું કરનારા તમે પહેલા નથી. પુરાણકાળથી ચાલી આવતી પરંપરા છે. કમસે કમ ઇશ્વીસન પૂર્વે ૮૦૦ થી  શરુ કરી ઇશુની પંદરમી/સોળમી સદીથી વત્તે ઓછે અંશે ચાલી આવતી પરંપરા છે. કૃષ્ણ ભગવાન એક આમ આદમી થી શરુ કરી પરમેશ્વર સુધીના સૌને પોતાનામાં આત્મસાત્‌ કરે છે. જ્ઞાનની વાત કરવી હોય તો તેમના ગીતાબેનની વાતો કરો, અને પ્રેમની વાત કરવી હોય તો રાધાબેનની વાતો કરો. તમારામાં વાકચાતુર્ય હોવું જોઇએ એટલે કે તમારા શ્રોતાઓને તમે હતઃપ્રભ કરી શકો.

બીજું કંઈ?

કૃષ્ણભગવાન પૂરતા નથી. વાણીયાઓમાં જૈન પણ હોય છે. એટલે ત્યાગ, કષ્ટ, સહિષ્ણુતા, પ્રેમ, અહિંસાની જ્યારે જ્યારે વાતો કરો ત્યારે અચૂક મહાવીર સ્વામીને યાદ કરો અને શ્રોતાગણને તેમની યાદ દેવડાવો. તેમની માતા              ને આવેલા         સ્વપ્નોના ગુઢાર્થોનું તમારી વાક્‌શક્તિ અનુસાર અર્થઘટન કરો અને તારતમ્યો કાઢો.

બીજું કંઈ?

જો તમારે આંતર્‌રાષ્ટ્રીય બાવા બનવું હોય તો બુદ્ધ ભગવાનને પણ ઉદ્‌ધૃત કરતા રહેવું જોઇએ.

કામભોગમાં રાચવું એ એક છેડો છે. દેહદમન કરવું તે બીજો છેડો છે. મધ્ય-માર્ગ યોગ્ય માર્ગ છે.

થોડા ઝેનના ચમત્કૃત વાક્યો બોલો.

વૃત્તિઓનું વિશ્લેષણ કરો, તેનું વિભાગીકરણ કરો.

વચ્ચે વચ્ચે ટૂચકાઓ મૂકો.

“ગુરુજી, આ વર્ષે મેં જીવનનો ભરપૂર આનંદ ઉઠાવ્યો

 “ભો … શિષ્ય તેં શું  શું કર્યું ?

“ગુરુજી મેં સમૂદ્રમાં ડૂબકીઓ મારી, જંગલમાં ફર્યો, રણમાં ફર્યો, પર્વત ઉપર કૂદકા માર્યા …,

“ભો ભો શિષ્ય … એ બધું ખરું પણ આ બધું કરતાં તે જીવનનો આનંદ ક્યારે ઉઠાવ્યો .. ?

   ————————————- શિષ્યભાઈ મૌન ———————————

એક સાધુની ઝૂંપડીમાં ચોર ઘુસ્યો. કશું મળ્યું નહીં. સાધુને થયું … આ તો ઠીક નહીં …. સાધુએ પોતાના કપડા ઉતારી ચોરને આપી દીધા. સાધુ નગ્ન થઈને બેઠા. રાત હતી. નગ્ન સાધુએ આકાશમાં જોયું. ચંદ્ર દેખાયો. સાધુને થયું કે “ … કાશ … હું તેને ચંદ્ર આપી શક્યો હોત!”

 ——————-(શ્રોતાઓ મૌન, ચંદ્ર મૌન, કથાકાર બાવાજી મલક્યા) ——————————–

  એક વ્યક્તિ સામાન્ય હતી. તે સામાન્ય વ્યક્તિ પ્રયત્ન પૂર્વક મહાનુભાવ થઈ ગઈ. તે ગુરુ પાસે ગઈ. ગુરુએ પૂછ્યું …. “તું શું કામ મારી પાસે આવી છે?” વ્યક્તિએ કહ્યું કે “ મારે હવે સામાન્ય વ્યક્તિ થઈ જવું છે …”

  —————————- (આપણે કહીશું … “ગુરુજી મૌન” ?) ——————————–

ગાંધીજી પાસે એક વ્યક્તિ ગઈ …. તેણે કહ્યું “હું આટલું આટલું ભણેલો છું …. મારે આશ્રમમાં રહેવું છે. … મને કંઈક કામ આપો…”

ગાંધીજી એ કહ્યું … “ પેલું ઝાડું લઈ લો અને પાછળના વાડાની સફાઈ કરી નાખો… “

   ————————————— (કોણ મૌન ?) ———————————————-

“ગુરુજી કંઈક શિખામણ આપો …”

“હે જીજ્ઞાસુ !! તેં ખીચડી ખાધી ?

“જી, ગુરુજી … મેં ખીચડી ખાધી …!!!”

“તો હે જાતક , તું તે પ્લેટને ધોઈ નાખ …”

  ——————————— (સાધક જાતકને બોધ પ્રાપ્તિ થઈ ગઈ) ——————–

બેકાબુ બનેલા ઘોડા ઉપર બેઠેલા અસવારને કોઈએ પૂછ્યું … “ભાઈ …. ક્યાં જાઓ છે …?”

ઘોડેસવારે કહ્યું “ …. મને નહીં … ઘોડાને પૂછો” ….

ટ્રેનમાં સંતા સરદારજી ને ટ્રેનમાં ઉપલી બર્થ મળી …  બંતા સરદારજીને નીચેની બર્થ મળી. સંતાજીએ બંતાજીને પૂછ્યું … “કહાં જા રહે હો સરદારજી …?”

સંતાજીએ કહ્યું … “મૈં તો અમૃતસર જા રહા હું… આપ … !”

બંતાજી એ કહ્યું …”મૈં તો દિલ્લી જા રહા હું … “

સંતાજી બોલ્યા .. “સાયન્સકી ક્યા કમાલ હૈ !!! ઉપરકી બર્થ અમૃતસર જા રહી હૈ … ઔર નીચેકી બર્થ દિલ્લી જા રહી હૈ …”

 ————— (ખીડકીકે પાસ બૈઠે મોનાજી બોલે … “એન્જીનકો પૂછના પડેગા”) ———

શિષ્ય ગુરુપાસે ગયો. કહ્યું … “ગુરુજી …, મારી બાર વર્ષની અથાક મહેનત પછી મને યોગ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત થઈ છે કે હવે હું પાણી પર ચાલી શકું છું … હવે હું પેલી નદીના પાણી ઉપર ચાલીને સામે પાર જઈ શકું છું. … મારી આ યોગસિદ્ધિનું મૂલ્ય શું? ”

ગુરુએ કહ્યું “ તારી યોગસિદ્ધિનું મૂલ્ય “બે આના”…. પેલા હોડીવાળાને બે આના આપીને નદી પાર કરી શકાય છે. …” 

  ————————————– (પ્રશ્નકર્તા મૌન) ————————————

 ગાંધીજીની અહિંસા એ સાચી અહિંસા નથી.  એક વેશ્યા એક યુવકના ઘરસામે ઉપવાસ કરવા બેઠી. મને પરણ ને પરણ જ. નહીં તો હું અહીં ઉપવાસ કરીને પ્રાણ ત્યાગીશ.

સાચી અહિંસા તો પેલા પાદરીની હતી કે જેણે દૂર રહ્યે રહ્યે પોતાની સાધનાથી એક માણસનું હૃદય પરિવર્તન કર્યું ….

  ————————— (જંગલમેં મોર નાચા કિસીને ના દેખા) ————————-

પૃથ્વી ઉપરનું શ્રેષ્ઠ આસન કયું?

દુગ્ધદોહનાસન એ શ્રેષ્ઠ આસન છે. કારણ કે તેમાં ગાયને દોહતી વખતે આંચળ ઉપર હાથ હોય છે. પગના બે સાથળ વચ્ચે બોઘરણું હોય છે. અને બધો ભાર બે પગના બે અંગુઠા ઉપર હોય છે. ધરતીમાતા ઉપર બે અંગુઠા જ હોય છે. એટલે ધરતીમાતા ઉપર ઓછામાં ઓછો ભાર હોય છે. તેથી આ દુગ્ધદોહનાસન એ શ્રેષ્ઠ આસન છે.

 ———– (એક દયાળુ કઠિયારાએ લાકડાની ભારી પોતાના માથે રાખી અને પછી ગધેડા ઉપર બેઠો જેથી લાકડાની ભારીનું વજન ગધુભાઈને ન લાગે) ———————————————–

“ અરે વાહ શું સ્વાદિષ્ટ ગુલાબ જાંબુ હતા …

“પણ તેં શું ચાર દિવસના ઉપવાસ કરીને રોટલો અને મરચાના સ્વાદને માણ્યો છે?

   ——————————————————————————————–

“ બૂલેટ ટ્રેનમાં શું મજા આવી … શું મજા આવી …

“પણ તેં શું ગોધરાથી લુણાવાડાની નેરોગેજ ટ્રેનમાં ચાલતી ગાડીએ ઉતરી જંગલમાં પડતા પહેલા વરસાદની સુગંધ માણી છે?

    —————————————————————————————— 

“એ.સી. ફર્સ્ટ ક્લાસમાં જે મુસાફરીની મજા છે તે ક્યાંય નથી … 

“શું તેં ભાવનગર મહુવાની નેરોગેજ ટ્રેનમાં એંજીનમાં ઉભા રહી મુસાફરીની મજા માણી છે?

    ——————————————————————————————–

ઉપરોક્ત ચૂટકલાઓમાં સોડા, રાસ્પબરી અને લેમન મિક્સ છે. જેને જે અર્થ ઘટન કરવું હોય તે કરે અને જે બોધ લેવો હોય તે લે.

જો તમારે બાવા થવું હોય તો આવું આવું બોલ્યા કરવું.

દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક એવો ભાસ થાય છે કે તેને હવે બ્રહ્મજ્ઞાન થઈ ગયું છે. બુદ્ધ ભગવાનને પણ આવું જ થયું હતું. હવે શિષ્યોની જરુર છે. કે જેથી તે પોતાનું જ્ઞાન તેમની સાથે શેર કરી શકે. પણ કેટલીક વ્યક્તિઓમાં બ્રહ્મજ્ઞાન ફાટફાટ થતું હોય છે. વળી કેટલાકને “પીણા”ની ટેવ પડી ગઈ હોય છે. તેથી ગુરુપદ માટેની તીવ્ર-વૃત્તિ હોય છે. અમુક પીણા એવા હોય છે કે જે પીધા પછી અને પીવડાવ્યા પછી બંને ક્રીડાકર્તાઓને સંત-રજનીશમલના આસનમાં ( ‘ભોગાસન)માં બ્રહ્મનો સાક્ષાત્કાર થતો હોય તેવું લાગે છે. અમુક રાધાઓ સંત રજનીશમલ કે ઓશો-આસારામ પાછળ શું કામ ઘેલી થતી હતી તે ઉપર સંશોધન થવું જોઇએ તો ડ્રગ્ઝના ક્ષેત્રમાં બાવાઓના સંશોધન અને પ્રયોગો વિષે વધુ માહિતિ મળી શકે.

જો કે એક વાત સાચી છે કે જ્યારે મગજમાં લોહી અને ઓક્સીજનનું પ્રમાણ ઘટે ત્યારે “શૂન્યમનસ્કતા”નો ભાસ થાય છે. હિમાલયમાં ઉંચાઈ ઉપર આવો અનુભવ થતો હોય છે.

સંત રજનીશમલ કહે છે કે “વિવેકાનંદ મહાન હતા, … જ્ઞાની હતા … વિચારક હતા, …. ચિંતક હતા, … અભ્યાસી હતા, … મહેનતુ હતા, …. આકર્ષક હતા, ….  ઘણુ બધું હતા, … પણ … પણ … તેઓ સમાધિ અવસ્થામાં પહોંચી શક્યા ન હતા …  તેમણે પોતે જ આ વાત કબુલ કરી છે …. “

સંત રજનીશમલને પૂછવું પડશે … “બાવાજી તમે ‘યોયો’થી રમવાનો આનંદ લીધો છે? ગરીયો (ભમરડો) ફેરવવા કરતાં તે સહેલો છે”

   ——————————————————————-

 “અરે તમે રજનીશને છોડીને “ એક્સ એક્સ એક્સ”માં ક્યાં ગયા.

“મહાનુભાવ, તમે તો ભૂતમાં માનતા ન હતા અને પલિતમાં કેવીરીતે માનવા લાગ્ય?

   ———————————————————————–

“અરે ભાઈ, (અર્વાચીન) રામ રહીમ  કહો કે સંત કહો બધા  એક જ વહાણના મુસાફર છે.

મોરારજી દેસાઈએ કહેલ કે પોંડીચેરીના આશ્રમમાં પણ વ્યક્તિની પાત્રતા પ્રમાણે (આર્થિક દાન આપવાની ક્ષમતા પ્રમાણે) સુવિધા અને વ્યવહાર થાય છે.

રુપીયા તો રુપીયા છે. તે લાલ, કાળા કે શ્વેત હોતા નથી. ફક્ત તે પ્રાપ્ત કરવાના રસ્તા જ લાલ, કાળા અથવા શ્વેત હોય છે.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

ઓગણવીસ સ્ત્રીઓ સ્નાનાર્થે સરયુ નદીએ ગઈ, વીસ પાછી આવી અને ઓગણને વાઘ ખાઈ ગયો.

Read Full Post »

નાસ્તિકતાની ધૂન કે નાસ્તિકતાનો ઘમંડ? ભાગ-૨

નાસ્તિકતાની ધૂન કે નાસ્તિકતાનો ઘમંડ? ભાગ-૨

ઈશ્વર આપણને દેખાતા નથી અને અનુભવાતા પણ નથી. ઘણા બાવાઓ ઝીકાઝીક કરે છે કે તેમણે જોયા છે એટલે કે અનુભવ્યા છે. આવા અનેક પોતાને બ્ર્હ્મજ્ઞાની માનતા થઈ ગયા છે, હાલ પણ અસ્તિત્વમાં છે અને એવા થતા રહેશે.

આ બાવાજીઓ પોતાના શિષ્યો દ્વારા પોતાને સંત, મહાત્મા, ઓશો, ભગવાન, ઇશ્વરાનન્દ જેવા લેબલો લગાવશે અથવા તો તેમના શિષ્યો જ હરખપદુડા થઈને આવા લેબલો પોતાના ગુરુને લગાવી દેશે.

પણ હિન્દુઓ શું કહે છે?

હિન્દુઓ કહે છે કે આ વિશ્વ પોતે જ એક સજીવ છે. તે ન કળી શકાય તેવું છે એટલે કે અનિર્વચનીય છે.  આ વિશ્વ એ ઈશ્વરનું શરીર છે. એટલે આપણે બધા અને જે કંઈ આ વિશ્વમાં છે તે બધું ઈશ્વરનો અંશ છે. ઈશ્વર પોતે નિર્ગુણ અને નિરાકાર છે, અને તે અજ, અવિનાશી, અપરિવર્તનીય (અવિકારી) બ્રહ્મસ્વરુપે છે તે આપમેળે જ બ્ર્હ્મને વિકૃત (બ્રહ્મમાં ફેરફાર) કર્યા વગર બ્રહ્મમાંથી વિશ્વરુપે પ્રગટ થાય છે. તેણે વિશ્વના વર્તનના નિયમો નક્કી કર્યા છે અને તે પ્રમાણે વિશ્વ વર્તે છે. બધું જ સજીવ છે અને આપણે પણ સજીવ છીએ.

what-is-produced

પણ આપણે શા માટે છીએ?

આપણે આનંદ માટે છીએ.

આપણને આનંદ ક્યારે થાય?

આપણને સગવડો અને સુવિધાઓથી શારીરિક આનંદ થાય. આપણને જ્ઞાનથી માનસિક આનંદ થાય, આપણને વાર્તાલાપથી માનસિક આનંદ થાય, આપણને પ્રસંગો યાદ કરવાથી આનંદ થાય છે. આપણને ચમકી જવાથી આનંદ થાય છે. આપણને વિચિત્રતાથી આનંદ થાય છે. આપણને બીજાને આપણી ઓળખ થાય તેનાથી આનંદ થાય છે. આપણને લયબદ્ધ જીવન અને લયબદ્ધ દિનચર્યાથી આનંદ થાય છે. આપણને સમૂહમાં વધુ આનંદ થાય, આપણને આનંદની ગેરેન્ટીથી (સુરક્ષાથી) આનંદ થાય.  તહેવારો અને પ્રસંગો એ બધું સામુહિક આનંદ માટે છે. બીજાને આનંદ થાય તો આપણને પણ આનંદ થાય. શરીર હોય તો મન છે એટલે માનસિક આનંદ પણ એક રીતે તો શારીરિક આનંદ છે. શરીર બરાબર કામ આપતું હોય તો બરાબર આનંદ થાય. એટલે ભોજનથી આનંદ થાય. સમૂહ ભોજનથી વધુ આનંદ થાય.

(૫) તો શું મૃત્યુ પાછળનું જમણ આનંદ માટે હોય છે?

ના જી … મૃત્યુ પાછળનું ભોજન આનંદ માટે હોતું નથી. પણ મૃતાત્માની તૃપ્તિ માટે હોય છે. આ ભોજન નાનાઓ માટે હોય છે. વળી મૃત્યુની તારીખ યાદ રાખવા માટેનો આ એક માનશાસ્ત્રીય એપ્રોચ પણ છે. શ્રાદ્ધના દિવસનું જમણ પણ આ માટે જ હોય છે. જો કે આ બધું હવે બંધ થવા માડ્યું છે. અને ધીમે ધીમે તે સાવ બંધ થઈ જશે. કદાચ ગીતા પાઠન ચાલુ રહેશે કારણ કે ગીતા એક એવો માનસશાસ્ત્રીય ગ્રંથ છે કે જે શાશ્વત રહી શકે તેવો છે.

આપણો હિન્દુ ધર્મ અદ્ભૂત છે. હિન્દુધર્મે, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, કાવ્ય અને ભૌતિકશાસ્ત્ર નો સમન્વય કરી લોકભોગ્ય બનાવી તેમને અમર કરી દીધા છે. વિશ્વમૂર્ત્તિ ઈશ્વરને આપણે આપણા સામાજિક જીવનમાં વણી લીધા છે.

we-are-all-the-part-and-parcel-of-him

હિન્દુઓએ સમાજને, ફક્ત માનવ સમાજ તરીકે જાણ્યો નથી. આપણે સમાજને વૈશ્વિક સમાજ કે જેની અંદર, પ્રકૃતિ, તેની શક્તિઓ, પ્રાણીઓ, જીવ જંતુઓ, પશુઓ, વનસ્પતિઓ નક્ષત્રો, આકાશ, અને મનુષ્ય એ બધાં આવી જાય છે.

હિન્દુઓમાં માણસના નામમાં કે વિશેષણના પ્રત્યય તરીકે કુદરત વણાયેલી છે. આકાશ, સિંહ, મોર, કોયલ, વૃક્ષ, ગાય, પ્રકાશ, આશા, અશ્વ, ચોખા, ધન, ધાન, આનંદ, વડ, ઝાકળ, વિગેરે સારું સારું બધું જ આવે.  તમે કોઈ યુરોપીયનનું નામ પિકૉક, સ્કાય, પ્લેઝર કે વીશ કે એન્ટોનીજીસસ, જહોનગોડ, રોબર્ટયાકુબ કે જેનીમેરી એવું કંઈક સાંભળ્યું છે? પણ હિન્દુઓમાં તુષાર, ચંદ્રમોહન, વિજયશંકર, આત્મારામ, કંચનગૌરી,  શશિકલા … એવાં નામ હોય છે.

હા જી પશ્ચિમ એશિયાના દેશો સુધી આપણી વિશ્વભાવનાની અસર ખરી. મુસ્લિમોમાં તમને શબનમ નામ જોવા મળશે. પણ મયુરી નામ નહીં મળે.

હિન્દુઓના ઇતિહાસમાં ભગવાન પણ પોતાનો રોલ અદા કરે છે.

આપણા તત્ત્વજ્ઞાનમાં કાવ્યો આવે. ખગોળશાસ્ત્ર ને આપણે જ્યોતિષશાસ્ત્રના સ્વરુપે જીવિત રાખ્યું. હવે જે વિદ્વાનોએ મહેનત પૂર્વક જ્યોતિષ શાસ્ત્રના ગણિતને ભણ્યા છે, તમારે તેમને  રોટલા પૂરા પાડવા પડશે. શું તમારી એટલે કે સમાજની આ ફરજ નથી? 

આથી સમાજે જન્મ કૂંડળીને ઈન્ટ્રોડ્યુસ કરી. ફલાદેશને ઈન્ટ્રોડ્યુસ કર્યો. ફલાણા ઇતિહાસ (પુરાણ) ભણ્યા છે તો જનતાને કહો કે તે પારાયણ બેસાડે.

ખેતરમાં પાક ઉગી નિકળ્યો છે. પણ કમાણીની વાર છે. તો તમે “પૉરો” ખાવ અને ભાગવત સપ્તાહ બેસાડો. પાક તૈયાર થઈ ગયો છે અને લણી પણ લીધો છે તો તમે દાંડીયા રાસ રમો. પાકના પૈસા પણ આવી ગયા તો તો તમારે દિવાળી આવી ગઈ છે. નવા વરસની ઉજવણી કરો. બહેનને પણ અવારનવાર મજા કરાવો.

તમે તમારા સંતાનનું લગન લીશું છે. તો ઉત્સવ કરો. સગાંઓને બોલાવો. ખમતીધર હો તો ચોરાસી કરો. ચાદર જેટલી સોડ તાણો.

શિયાળુ પાક આવી ગયો છે? તો હવે વિશ્વદેવને યાદ કરો અને ઠંડીને વિદાય આપો. વસંતને વધાવો. અને જે કંઈ સૂકું છે તેને બાળી નાખો. બધાને રંગી નાખો. આ પ્રમાણે આપણા હિન્દુ પૂર્વજોએ બારે માસ આનંદમય અને આનંદને લયબદ્ધ કરી દીધો.

(૬) પણ ભાઈ આ બધા બગાડ થાય છે તેનું શું?

અરે બગાડ બગાડ શું કરો છો? તમે જે કંઈ કરો છો તે આનંદ માટે કરો છો. તમે આનંદની કિમત આંકો અને પછી સરવાળો કરો …. તમને નફો અને નફો નફો જ દેખાશે. વહેમમાં પણ આનંદ મળતો હોય તો વહેમ પણ રાખો. ફેશનમાં આનંદ મળતો હોય તો ફેશન પણ રાખો. ફેશન પણ વહેમ છે, કાવ્ય પણ એક વહેમ, કળા પણ એક વહેમ છે અને નૃત્ય પણ એક વહેમ છે.

તમે કેટલાક કહેવાતા પરાવિજ્ઞાનીઓને ઇલેક્ટ્રોનિક યંત્રો લઈ કોઈ એકાંત સ્થળે અંધારામાં કે ખંડેરમાં ભૂત (મૃતાત્મા, અતૃપ્તાત્મા કે પ્રેતાત્મા)ના અસ્તિત્વની શોધ કે સંશોધન માટે જોયા હશે. તેઓ બોલતા હશે “હે આત્મા, અમે તમને કોઈ હાનિ કરવા આવ્યા નથી, અમે તમને દુભવવા આવ્યા નથી પણ જો તમે અહીં હો તો તમે આ મીટરના કાંટા ઉપર ડીફ્લેક્સન આપો.” અને પછી આપણને કાંટો ઝટકો મારે છે તે બતાવવામાં આવે છે.

આવી જ રીતે એક સંશોધક બેન, કોઈ એક ભાઈને સુવાડી તેમને કહેવાતી રીતે હિપ્નોટાઈઝ કરે કે બનાવટ કરે અને પછી તેમને તેમના પાછલા અનેક જન્મોમાં લઈ જાય. તેમને સવાલો કરે. જેમકે “ઓહ! તમે એરપોર્ટ ઉપર છો? ક્યા દેશમાં છો? એર ટિકિટનો નંબર શો છે…” પેલા ભાઈ આ બધા સવાલના જવાબ આપે. તમે જાણી લો, કોઈ પણ જન્મમાં બનાવોનો ક્ર્મ હોય છે. એક વખત એ જન્મનું ચક્ર પૂર્ણ થયું પછી તેના ક્ર્મમાં ફેરફાર થાય નહીં. જો હવે તમે જાતકને કહો કે તમે એર ટિકિટનો નંબર પૂછો અને તે જવાબ આપે તો તેનોઅર્થ એમ થયો કે તમે અને તેણે પણ તેના બનાવના ક્રમમાં ભાગ ભજવ્યો. ધારો કે પૂર્વ જન્મ હોય તો પણ તમે તેના પૂર્વ જન્મના બનેલા બનાવોના નાનામાં નાના ક્રમમાં ફેરફાર કરી શકતા નથી. એટલે કે જાતકે જે બનાવોના ક્રમમાં જીવન પસાર કર્યું હોય તેમાં તમે ખલેલ પાડી શકો નહીં.

ટૂંકમાં આ બધું ભણેલાઓનું ધત્તીંગ છે.

પહેલાના કિસ્સામાં આપણે જોયું કે અન્વેષક ટીમ એમ કહે છે કે “હે આત્મા, અમે તમને કોઈ હાનિ કરવા આવ્યા નથી, અમે તમને દુભવવા આવ્યા નથી પણ જો તમે અહીં હો તો તમે આ મીટરના કાંટા ઉપર ડીફ્લેક્સન આપો.”

energy-is-always-associated-with-matter

મીટરના કાંટાને જે હલતો બતાવવામાં આવે છે તે કેવળ અને કેવળ ધત્તીંગ છે. પ્રેક્ષકોએ સમજવું જોઇએ કે “ઉર્જા”, “શક્તિ” કે “એનર્જી” એ કોઈ અદૃષ્ય વાદળ જેવું નથી. ઉર્જા કે શક્તિનું કોઈ સ્વતંત્ર અસ્તિત્ત્વ નથી. ઉર્જા કે શક્તિ કે એનર્જી હમેશા જડ પદાર્થ સાથે સંકળાયેલી છે. જેમકે ગતિ શક્તિ (કાઈનેટિક એનર્જી), સ્થિતિ શક્તિ (પોટેન્શીયલ એનર્જી) (તમે પત્થરને ઉંચે ફેંક્યો હોય ત્યારે જેમ ઉંચે જાય તેમ તેનામાં સ્થિતિ શક્તિ વધે છે) આ બધી શક્તિઓ ગુરુત્ત્વાકર્ષણ ક્ષેત્રને લીધે છે. આવું જ બીજા ક્ષેત્રો વિષે હોય છે. ટૂંકમાં ઈલેક્ટ્રિક મીટરના કાંટાને હલતો બતાવવામાં આવે છે આ બધા ધત્તીંગ છે. એટલું જ નહીં પણ ઉર્જા એટલે શું તે વિષેની તેમની સમજ ભૂલભરેલી છે.

પૂનર્જન્મ અને પૂર્વ જન્મ અને તેમાં ભાગ લેવો એ બધું જ ધત્તીંગ છે. પૂનર્જન્મ જેવું કશું હોતું નથી. પૂનર્જન્મની શક્યતા શૂન્ય બરાબર છે. આપણું અસ્તિત્ત્વ અને તેની અનુભૂતિ આપણી સ્મૃતિઓને લીધે છે. મગજ નષ્ટ પામે એટલે આપણી અનુભૂતિ પણ નષ્ટ થાય. જેમકે આપણું મગજ સુઈ જાય ત્યારે આપણે સ્વપ્નવિહીન નિદ્રામાં હોઈએ છીએ. આપણને આપણા અસ્તિત્ત્વની અનુભૂતિ થતી નથી. એટલે અસ્તિત્ત્વ હોવું અને તેની અનુભૂતિ થવી તે બંને અલગ અલગ વસ્તુ છે.

જ્ઞાન છે તે સત્ય છે. તે સમાજમાં જળવાઈ રહે છે. અને સમાજ વધુ ને વધુ સુખ તરફ ગતિ કરે છે.

અષ્ટાદશપુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયં, પરોપકારઃ પુણ્યાય, પાપાય પરપીડનમ્ 

અઢાર પુરાણો દ્વારા (ઇતિહાસ) બતાવે છે કે તમે જે બીજાના ભલા માટે કરો છો તે શ્રેય છે અને બીજાને દુઃખ આપો છો તે અશ્રેય છે.

આલોક જે દૃષ્યમાન છે તેને અવગણી જે લોક (પરલોક) દેખાતો નથી, તેના સુખમાટે બીજાના ખૂન કરવા તે પાપ જ છે અને તે અક્ષમ્ય છે. માટે તેવા લોકોની ચિંતા કરો અને જનતાને આનંદ આપો. જનતાને આનંદ ન આપો તો કંઈ નહીં, પણ તે જો આનંદ કરતી હોય તો તેને રોકો નહીં.

જનતાએ પણ ઈશાવાસ્યવૃત્તિ અપનાવી “મા ગૃધઃ કસ્યશ્વિત્‍ ધનં”ને અનુસરવું.

તો શું આપણે

“ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનં કથં ભવેત્‌ , તસ્માત્‌ યાવત જિવેત્‌ સુખં જીવેત્‍ , ઋણં કૃત્વા ઘૃતં પિબેત્‌” (જે શરીર ભસ્મ થઈ ગયું તેનું પુનરાગમન કેવી રીતે થાય? માટે જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખેથી જીવો. દેવું કરો અને ઘી પીઓ.) એ અસત્ય છે એમ સમજવુ?

મૂળ વાત હવે આવે છે. જો આત્મા શરીરમાં હોય અને તે કાળ ક્રમે નિકળી જતો હોય તો સવાલ એ થાય છે કે એ શરીરમાં જાય છે જ શા માટે? અને પછી નિકળી શા માટે જાય છે? આ વાત ચાર્વાક ઋષિ સમજાવી શકતા નથી. માણસ મરી જાય અને તેનું જડ શરીર નાશ પામે. માણસનું શરીર તો જડ જ છે. જ્યારે તે જીવતો હતો ત્યારે પણ જડ જ હતું અને મરી ગયો ત્યારે પણ જડ જ હતું. માણસ અનેક અબજ કોષોનો બનેલો છે. આ બધા કોષ જડ જ છે. તમે જડ પદાર્થોને અબજો કે પરાર્ધોની સંખ્યામાં પરસ્પર અબજો કે પરાર્ધો રીતે ગોઠવો, તમારી કોઈ પણ ગોઠવણ તેને સજીવ ન બનાવી શકે છે. ચાર્વાક ઋષિ કે બૃહસ્પતિ ઋષિ કે અન્ય કોઈ પણ ઋષિ જડમાંથી ચેતન કેવી રીતે પ્રગટ્યું તે સમજાવી શક્યા નથી અને સમજાવી શકે તેમ નથી.

આ વસ્તુ સમજવી હોય તો સૌથી નાનામાં નાનું જે એકમ છે જેનું આ વિશ્વ બનેલું છે તે સજીવ હોવું જોઇએ. જેમ અમીબામાંથી મનુષ્ય ઉત્ક્રાંતિ દ્વારા એક અબજ વર્ષે નીપજ્યો, તેમ આ સુક્ષ્માતિ સુક્ષ્મ પદાર્થ આપસી સંયોજનો દ્વારા ક્વાર્કસ, સબ એટમિક કણો, પરમાણુ, અણુ અને સંકીર્ણ સંયોજનોમાં પરિણમ્યો. 

તો હવે “ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનં કથં ભવેત્‌ , તસ્માત્‌ યાવત જિવેત્‌ સુખં જીવેત્‍ , ઋણં કૃત્વા ઘૃતં પિબેત્‌” એ વિષે શું સમજવુ?

કૂર્મ પુરાણમાં એક શ્લોક છે. આ શ્લોક મહા ભારતમાં પણ છે.

આત્મનઃ પ્રતિકુલાનિ, પરેષાં ન સમાચરેત્  જે (પરિસ્થિતિ) તમારે માટે પ્રતિકુળ છે તે બીજા ઉપર ન લાદવી.

એટલે કે જો તમે બીજા પાસેથી પૈસા ઉધાર લો અને તેનું ઘી પીઓ, તો બીજાએ તમને જે ગુડ ફેથમાં પૈસા આપ્યા, તેનું શું થશે? જો કોઈ તમારી સાથે આવું કરે તો તમને ગમશે?

જો સમાજમાં આવી સ્થિતિ સર્જવામાં આવશે તો તે સમાજનું ભાવી શું?

જે કંઈ પ્રણાલીઓ છે જે કંઈ વિધિઓ છે તે સમાજમાં સામાજીક પરિસ્થિતિને અનુરુપ દાખલ થયેલી હોય છે કે જેથી સમાજમાં લય અને સંતુલન જળવાઈ રહે. સગાંઓ અને મિત્રો જ નહીં પણ પશુ, પક્ષીઓ, જીવ જંતુઓ સાથે પણ સંતુલન અને સંબંધો જળવાઈ રહે અને સાથે સાથે સામુહિક આનંદ પણ પ્રાપ્ત થયા કરે. જે પ્રણાલીઓ ઉપયોગી ન હોય તેને શાંતિ પૂર્વક છોડી દો.

કુદરત પાસેથી લીધેલું કુદરતને પાછું આપો. યજ્ઞના હોમ પાછળ પણ આ જ ભાવના છે.  હોમમાં દરેક સ્વાહામાં બે દાણા જ નાખવાના હોય છે.

વૃક્ષ ઉપરથી પક્વ ફળ પડે છે, તે વૃક્ષે ત્યજેલું છે. તેન (વૃક્ષેણ) ત્યક્તેન, ભૂંજિથાઃ (ખાઓ). વૃક્ષે જે ફળ (તમારા માટે) ત્યાગ્યું છે તે તમે ખાઓ. તમે ચૂંટીને કશું લેશો નહીં. (મા ગૃધઃ કસ્યશ્વિત્‍ ધનં).

જે ફળ તમે લીધું તેનો ગોટલો કે ઠળીયો જમીનને પાછો આપો.

એટલે હિન્દુઓ એમ કહે છે કે

સર્વેત્ર સુખિનઃ સન્તુ, સર્વે સન્તુ નિરામયા,

સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત્‍ દુઃખભાગ્‍ ભવેત્‍

બધા જ સુખી થાય. બધા જ તંદુરસ્ત થાય, બધા જ કલ્યાણને પામે, કોઈ પણ દુઃખી ન થાય.

શિરીષ મોહનલાલ દવે

તા.ક.

“૧૬ સંસ્કાર અને રીત-રિવાજો” ઉપર અંજલીબેન પંડ્યાએ (anjaleepandya@gmail.com) બહુ મહેનત કરીને એક પુસ્તક લખ્યું છે. જો કે આ નાગર બ્રાહ્મણ માટે છે. પણ દરેક જ્ઞાતિને કામ લાગે એવું છે. અંજલી બેને આ સંકલન “સ્કંદપુરાણ” અને અનેક ગોર મહારાજાઓને મળીને કર્યું છે. સૌ કોઈએ વાંચવા અને વસાવવા જેવું છે.

sam_2216

ટેગ્ઝઃ વિશ્વ સજીવ, અનિર્વચનીય, શરીર, નિર્ગુણ, નિરાકાર, અવિનાશી, બ્રહ્મ, વિશ્વરુપ, આનંદ, સગવડ, સુવિધા, માનસિક આનંદ, શારીરિક આનંદ, લયબદ્ધ, ભોજન, મૃત્યુની તારીખ, માનસશાસ્ત્રીય, વૈશ્વિક સમાજ, આકાશ, સિંહ, મોર, કોયલ, વૃક્ષ, ગાય, પ્રકાશ, આશા, અશ્વ, ચોખા, ધન, ધાન, આનંદ, વડ, ઝાકળ, ચંદ્રમોહન, વિજયશંકર, કંચનગૌરી, તત્ત્વજ્ઞાન, કાવ્ય, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, જન્મ કૂંડળી, ફલાદેશ, પારાયણ, પરાવિજ્ઞાની, હિપ્નોટાઈઝ, પૂર્વ જન્મ, ધત્તીંગ, ઈશાવાસ્યવૃત્તિ, જડ શરીર, ચાર્વાક ઋષિ, બૃહસ્પતિ, ક્વાર્કસ, સબ એટમિક કણો, પરમાણુ, અણુ, સંકીર્ણ સંયોજન, લય, સંતુલન

Read Full Post »

%d bloggers like this: