Feeds:
Posts
Comments

Posts Tagged ‘નમન’

શિલા લિખિત નહેરુવીયન આતંકવાદ

ઈતિહાસના કેટલાક પ્રકરણો એવા હોય છે જે હજારો વર્ષસુધીમાં પણ ન ભૂંસી શકાય. અલબત્ત જો તે વંશીય શાસકોનું શાસન ચાલુ રહે તો તે શાસકો જરુર તે પ્રકરણોને ભૂંસી નાખવાની કોશિસ કરે.   પ્રજા જો મૂર્ખ હોય તો હોય તો તે વંશીય શાસકોને આ પ્રકરણો ભૂંસી નાખવામાં સરળતા પણ રહે. હાજી લોકશાહીમાં પણ આવું થઈ શકે.

જેઓ સુજ્ઞ છે અને જેઓને સત્તાની ઝંખના નથી અને જેઓને ખ્યાતિની ભૂખ નથી અને જેઓને પોતાના અસ્તિત્વની પડી નથી તેઓ જો જાતના ગુણધર્મો પ્રતિ આદર ધરાવતા હોય અને તેવી તેમની દીશા હોય, તો તેઓએ કદી આ નહેરુવીયન આતંકવાદ ભૂલવો ન જોઇએ.

હાજી. નહેરુવંશીય એક ફરજંદે પોતાની ગેરકાયદેસર સત્તા ચાલુ રાખવા દેશ ઉપર કટોકટી લાદેલી. તેની આ વાત છે.

કટોકટીમાં શું હતું?

આ કટોકટીમાં આ નહેરુવીયન ફરજંદે પોતાની વિરુદ્ધ જે કંઈ હોય, પછી તે વિરોધ પ્રત્યક્ષ હોય કે પરોક્ષ રીતે હોય કે તે વિરોધ મનમાની શંકા માત્રના આધારે  હોય તેવા વિરોધી સમાચારો માત્રને પ્રગટ થતા અટકાવી શકાતા હતા. જો કોઈ છાપાં આવા વિરોધી લાગે તેવા સમાચાર છાપે તો તેના પ્રેસને તાળા મારી શકાતા હતા અને તે વ્યક્તિઓને અનિયતકાળ માટે જેલમાં રાખવામાં આવતી હતી.

જેઓ કટોકટીમાં ટટાર ઉભા રહ્યા અને માથું ઉંચું રાખ્યું તેમની પ્રત્યે આ નહેરુવીયન ફરજંદના સેવકોએ આ નહેરુવીયન ફરજંદના પુરસ્કૃત આજ્ઞાઓને આધારે આતંકીઓને શોભે તેવા વર્તનો કરેલાં.

સર્વોદયનું મુખપત્ર “ભૂમિ પૂત્ર”ના પ્રેસને તાળાં લાગી ગયાં હતાં અને તેના સંપાદક તંત્રી શ્રી કાન્તિભાઈ શાહ જેલમાં શોભતા હતા.

“ઓપીનીયન” ના તંત્રી સંપાદક ગોરવાલાના પણ ક્રમે ક્રમે એવા જ હાલ કરેલા.

રોજીંદા છાપાંના તંત્રી, માલિકો અને કટારીયાઓએ (કટાર લેખકોએ) શું કર્યું?

 

“સેન્સર થયેલા સમાચારોની જગ્યા કોરી રાખો” એક સૂચન

જૂજ માલિકો અને કેટલાક તેમની સાથે સંકળાયેલા હતા તેમણે સૂચવ્યું કે સમાચારો જે કંઈ છપાવવા માટે આવે છે તે સૌપ્રથમ તો આ નહેરુવીયન ફરજંદે નિમેલા સેવકોની ચકાસણી અને મંજુરી પછી જ છપાય છે માટે આપણે ટકી રહેવા માટે એવું કરીએ કે જે સમાચારોને મંજુર ન કરવામાં આવ્યા, તે સમાચારો છાપાંમાં જે જગ્યા રોકવાના હતા, તે જગ્યા આપણે કોરી રાખવી. આવું કરવાથી કમસે કમ જનતાને ખબર પડશે કે કેટલા સમાચારોનો અને કેટલા લખાણોનો જત્થો રોકવામાં આવ્યો છે.

પણ આવી વર્તણુંકનો અર્થ એવો કરવામાં આવ્યો કે આ તો નહેરુવીયન ફરજંદની પરોક્ષ નિંદા થઈ કહેવાય. એટલે દેશની પણ નિંદા થઈ કહેવાય, એટલે દેશદ્રોહ પણ થયો કહેવાય. એટલે આવું કરનારા તો જેલમાં જ શોભે. અમે તો દેશની ભલાઈ માટે જ કામ કરીએ છીએ. એટલે અમારી સેન્સર શીપ સમાચાર અટકાવે છે એવો સંદેશ પણ જનતામાં જવો જ ન જોઇએ. સરકારની કોઈપણ વાત નકારાત્મક છે તે ઈન્દીરામાઈનું અપમાન છે. અને ઈન્દીરામાઈનું અપમાન એટલે દેશનું અપમાન. ઈતિ સિદ્ધમ્‌.

નમવાનું કહો છો? અમે તો તમારા પગમાં આળોટવા માંડ્યા છીએ.

મોટાભાગના સમાચાર પત્રોના માલિકો, તંત્રીઓ, સંપાદકો અને કટાર લેખકોને ખબર પડી ગઈ કે સરકાર માબાપ નમવાનું કહે છે. એટલે તેઓ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા થઈ ગયા એટલું જ નહીં સરકારની ભાટાઈ અને વિપક્ષી નેતાઓની નિંદા કરતા થઈ ગયા. અરે આ બાબતમાં સ્પર્ધા કરતા પણ થઈ ગયા. 

અફવાઓ ફેલાવવાનો સરકારનો અબાધિત હક્કઃ

દેશદ્રોહીઓને અમે પકડ્યા છે. કાળાબજારીયાઓને અમે પકડ્યા છે, ચોરોને અમે પકડ્યા છે, જનતાને ગેરમાર્ગે દોરનારાઓને અમે પકડ્યા છે. ગરીબોને અમે પાકા રહેઠાણો આપી દીધા છે, રેલગાડીઓ નિયમિત દોડતી કરી દીધી છે, મોંઘવારીનું નામ નિશાન નથી, જનતા ખુશહાલ છે. બધે આનંદ મંગળ છે. જે કોઈ કર્મચારીની સામે ફરિયાદ આવે તેને અમે સસ્પેન્ડ કરી દઈએ છીએ, અને કાર્યવાહી ચાલુ કરી દઈએ છીએ. એટલે સરકારી કર્મચારીઓમાં લાંચરુશ્વત નાબુદ થઈ ગઈ છે. સૌ કોઈ નિષ્ઠાવાન અને પ્રજાપ્રેમી થઈ ગયા છે. બધે કાયદાનું શાસન છે.

એક વયોવૃદ્ધ નેતા (મોરારજી દેસાઈ)ની પાછળ તેની (આદતને પોષવા માટે) રોજ વીસ કીલોગ્રામ ફળો આપાય છે.

એક પોતાને સર્વોદયવાદી ગણાવતો નેતા (જયપ્રકાશ નારાયણ) લશ્કરને બળવો કરવા ઉશ્કેરતો હતો.

એક વયોવૃદ્ધ સર્વોદયવાદી નેતાના (રવિશંકર મહારાજના) ઘરમાં સ્ફોટક પદાર્થોનો જત્થો રખાયો હતો. જોકે અમે તેને તેની ઉંમરને લક્ષ્યમાં લઈ પકડ્યો નથી (ઘરકેદમાં રાખ્યો છે).

અમારું ધ્યેય (ઈન્દીરાઈ સરકારનું ધ્યેય) “સબસે નમ્ર વ્યવહાર” (કામ જેલમાં પુરવાનું).

વિનોબા ભાવે કામકરતી સરકાર ઉપર ગૌવધબંધીને લગતો કાયદો ઘડવાની ભલામણ કરી રહ્યા છે અને આ માટે આમરણાંત ઉપવાસની ધમકી આપી રહ્યા છે. વિનોબાભાવેએ સુધબુધ ગુમાવી દીધી છે. શું આ “અનુશાસન પર્વ” રુપી દેશની કટોકટીના સમયે આવી ક્ષુલ્લક વાતો કરવી તેમને શોભે છે? જોકે કોઈ પણ સમાચારપત્રમાં વિનોબા ભાવેએ કરેલી ઉપરોક્ત વાત આવી ન હતી. પણ નહેરુવીયન કોંગ્રેસના કોઈ એક નેતાએ વિનોબા ભાવેની ટીકા કરી એને તો સેન્સર કરી ન જ શકાય એ આધારે સરકારી સેવકે સમાચાર છપાવા દીધા.

સૌથી મોટું કૌભાણ્ડ અને ફ્રૉડ એટલે કટોકટી

૧૯૭૫ની ૨૫મી જુને, ઈન્દીરા ગાંધીએ શામાટે કટોકટી લાદી અને તે માટે કયા કારણો હતા અને કયા કારણો પ્રસારિત કરવામાં આવ્યા તે ઉપર પુસ્તકો લખાયા છે કે નહીં તે વિષે બહુ ચર્ચા થતી નથી.

કટોકટી લાદવાની આખી પ્રક્રિયા, તેની જાહેરાત, તેના કારણો, તેના આચારો અને અત્યાચારો, માન્યતાઓ એક શિલા લિખિત આતંકવાદ જ નહીં પણ જનતા ઉપર સતત લટકતી આતંકવાદી સરકારી ધમકી હતી.

ઈન્દીરા ગાંધીની સરકાર એક સુસ્થાપિત લગભગ સાર્વત્રિક રીતે વ્યાપક (એક બે અપવાદિત રાજ્યોને બાદ કરતાં) સરકાર હતી, ઈન્દીરા ગાંધીએ ખુદ એવા મંત્રી, મુખ્યમંત્રીઓ નિયુક્ત કરેલા કે જે હાજી હા કરવા વાળા હોય. કેન્દ્રમાં, રાજસભા તથા લોકસભામાં ઈન્દીરાઈ નહેરુવીયન કોંગ્રેસને માત્ર બહુમતી નહીં પણ સંપૂર્ણ બહુમતિ (બે તૃતીયાંશ બહુમતિથી પણ વિશેષ) હતી.

ઈન્દીરા ગાંધીનો કારભાર જ અરાજકતા ભર્યો હતો એટલે તેનો અસલ ચહેરો ૧૯૭૩થી જ ખુલવા માંડ્યો હતો. ગુજરાતમાં ૧૯૭૨ની વિધાનસભાની ચૂંટણીમાં નહેરુ-ઈન્દીરાઈ કોંગ્રેસને ૧૬૨ બેઠકોમાંથી ૧૪૦ બેઠકો મળી. ચિમનભાઈ પટેલને બહુમતિ સભ્યોનો સપોર્ટ હતો. પણ ઈન્દીરા ગાંધીને તો હાજી હા કરનારા જ મુખ્ય મંત્રી જોઇએ. એટલે ચિમનભાઈને બદલે ઘનશ્યામભાઈ ઓઝાને મુખ્ય મંત્રી બનાવ્યા. ચિમન ભાઈએ તેમની રીતે લડત આપી અને ધરાર ઈન્દીરાગાંધીની ઈચ્છાની ઉપરવટ જઈ ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા.

બે રાક્ષસો એક બીજા સામે લડે તો બંને નબળા પડે. અરાજકતા હોય એટલે કારણો શોધવા ન પડે. એટલે નવનિર્માણ આંદોલન થયું અને વિધાનસભાનું વિસર્જન થયું. ૧૯૭૫માં બાબુભાઈ જશભાઈએ પાતળી બહુમતિ વાળી જનતા મોરચાની સરકાર બનાવી. બીજીબાજુ ઈન્દીરા ગાંધી જે કશા નીતિ નિયમો વ્યવહારમાં માનતી ન હોવાથી, તેની ચૂંટણી અલ્હાબાદ ઉચ્ચાદાલતે રદબાતલ કરી. અને ઈન્દીરા ગાંધીને ૬ વર્ષમાટે ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવી.

જોકે ઈન્દીરા ગાંધીમાં યોગ્યતા, કાબેલીયત અને નિષ્ઠા હોત તો તે દેશની ભલાઈ માટે ચમત્કાર સર્જી શક્યાં હોત. પણ તેમને સંસદમાં અને રાજ્યોમાં સંપૂર્ણ બહુમતિ, નિર્વિરોધ નેતાગીરી ઓછાં પડ્યાં. એટલે લોકશાહીનું ખુન કર્યું અને આપખુદ શાહી લાદી અને સૌ વિરોધીઓને જ નહીં પણ તેમના લાગતા વળગતાનેય વિના વાંકે જેલ ભેગા કર્યા અને સમાચાર પત્રો ઉપર સંપૂર્ણ અંકુશ મુક્યો અને રેડીયો ઉપર સરકારી વાહવાહ, વાહ ભાઈ વાહ અને વિરોધીઓ ઉપર થૂથૂ ચાલુ કર્યું.

અત્યારે ઢ’વાળીયા જેવા, તેમના મળતીયાઓ, કોંગી જનો અને જેમને નરેન્દ્ર મોદી પોતાના આગવા કારણોસર પસંદ નથી, તેઓ નરેન્દ્ર મોદીને આપખુદ, સરમુખત્યાર અને સત્તા લાલચુ કહે છે આ લોકોમાંના કોઈપણ કટોકટી વખતે ભાંખોડીયા ભરતા ન હતા અને અથવા કટોકટીના ઇતિહાસથી અજ્ઞાન નથી, છતાં પણ કટોકટીના આતંકવાદની નિંદા કરવાનું ટાળે છે.

કટોકટી એ સરકારી આતંકવાદ હતોઃ

આતંકવાદ એટલે શું?

તમે મનુષ્યને તેના બંધારણીય હક્કો ન ભોગવવા દો તેને શું આતંકવાદ ન કહેવાય? જો કાશ્મિરના હિંદુઓને તેમના ખુદના કોઈ ગુના વગર, તેમના ઘરમાંથી બળજબરીથી બહાર કાઢી નાખો તો આ કૃત્ય ને આતંક વાદી કૃત્ય કહેવાય કે ન કહેવાય?

તમે કોઈ મનુષ્યને તેના કોઈ ગુનાના અસ્તિત્વ વગર જેલમાં પુરી દો તો તે આતંકવાદી કૃત્ય  કહેવાય કે નહીં?

જો તમે કોઈ બિમાર વ્યક્તિ કે જેનો ઉપચાર ચાલતો હોય તેને જેલમાં પુરી દો તો તે આતંકવાદી કૃત્ય કહેવાય કે નહીં?

જો કોઈ બિમાર વ્યક્તિની બિમારીને અવગણીને તમે તેને મરણતોલ કક્ષાએ પહોંચાડો તો તે આતંકવાદી કૃત્ય કહેવાય કે નહીં?

જે વ્યક્તિનું આતંકવાદીઓ અપહરણ કરે છે તેને તેઓ વાણીસ્વાતંત્ર્ય આપે છે? શું આતંકવાદીઓ અપહૃત વ્યક્તિને પોતાની માન્યતા રજુ કરવાની સ્વતંત્રતા આપે છે?

જો સરકાર જ આવું બધું કરે તો તેને શા માટે આતંકવાદી ન કહી શકાય?

મનુષ્યના કુદરતી અને બંધારણીય અધિકારોનું હનન જો આતંકવાદીઓ કરતા હોય અને તેને તમે આ કારણસર આતંકવાદી ઘોષિત કરતા હો તો, જો સરકાર જ આવાં કામો કરે તો તેને શામાટે આતંકવાદી ન કહેવાય?

શું ધર્મને નામે જ અત્યાચાર કરીએ તેને જ આતંકવાદ કહેવાય?

નહેરુવીયન કોંગ્રેસનું અર્થઘટન એવું જ રહ્યું છે કે જો કોમી દંગાઓ થાય તો ભારતમાં તેને ભગવા આતંકવાદમાં ખપાવી દેવામાં પ્રસાર માધ્યમોનો ઉપયોગ કરવો. તેવી જ રીતે જ્ઞાતિવાદી સંઘર્ષો પણ કરાવવા. જ્ઞાતિવાદ, ધંધા, ધર્મ, પ્રદેશ, ભાષા વિગેરે દ્વારા માનવસમાજ વિભાજીત છે અને આ વિભાજીત લોકોને એક બીજા સામે તિરસ્કાર ઉત્પન્ન કરાવવો અને નબળાને નબળો રાખવા માટે પ્રયુક્તિઓ કરવી અને અંદરખાને થી સબળાને સબળો બનાવવો. આવી જ વ્યુહરચના નહેરુવીયન કોંગ્રેસની રહી છે. ઉપરોક્ત બધા જ જુથો પછી ભલે તે જ્ઞાતિને અધારે બનેલા હોય કે, ધંધાને આધારે બનેલા હોય, ધર્મને અધારે બનેલા હોય, પ્રદેશને આધારે બનેલા હોય, ભાષાને આધારે બનેલા હોય કે રાજકીય પક્ષને આધારે બનેલા હોય. આમ તો માનવના જ બનેલા છે. અને તેઓમાંના કોઈપણ જુથમાં રહેલા માનવોના કુદરતી કે બંધારણીય હક્કોનું જો કોઈપણ બીજા જુથદ્વારા હનન કરવામાં આવે તો તે આતંકવાદ જ કહેવાય. અને આ પ્રમાણે નહેરુવીયન કોંગ્રેસે તેમના વિરોધીઓના કુદરતી અને બંધારણીય માનવ અધિકારોનું હનન કરી ૧૯૭૫થી ૧૯૭૮સુધી આતંકવાદ આચરેલો. આતંકવાદ અક્ષમ્ય જ ગણાય.

આપણા અખબારી મૂર્ધન્યો શું કરે છે?

પોતાને વિષે પોતાને “તડ અને ફડ” કહેનારા માનતા એક અખબારી મૂર્ધન્ય શું કહેછે?  કટોકટી ના સમયમાં ઈન્કમટેક્ષ ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસો દોરડાના છેડાઓ પકડી લાલ-લીલી લાઈટ અનુસાર ટ્રાફિકનું સંચાલન કરતા જોઇ, આ મૂર્ધન્યભાઈ ગદગદ થઈ ગયેલ. અને કટોકટીને બિરદાવેલ.

એક કટારીયા મૂર્ધન્ય એવું લખતા કે તમે તેમના વાક્યોનું વિભાજન કરીને પણ કશો અર્થ ન તારવી શકો.

કેટલાક કટારીયા મૂર્ધન્યોએ રાજકારણને છોડીને કાંદા બટેકાને લગતા લેખો લખવા માંડેલ. સાલુ કટાર પણ એક જાગીર જ છે ને. તેનો કબજો હોવો જ મુખ્ય વસ્તુ છે.

મોટાભાગના કટારીયા મૂર્ધન્યોને બ્રહ્મજ્ઞાન લાધ્યું કે સાલુ આપણે અત્યાર સુધી શિર્ષાસન કરતા હતા. આપણે હવે સીધા થઈએ. ઈન્દીરા માઈ જ ખરી દેવી છે. તેના ગુણગાન જ કરો.

૧૯૭૬-૭૭ સમયે કરવટ બદલી.

સંપૂર્ણ બહુમતી, નિર્વિરોધ નેતાગીરી, અંતે આપખુદશાહી અને સરકારી આતંકવાદ પણ (જે દેશના ભલા માટે ઘોષિત રીતે પ્રયોજાયેલા), તે કશું કામમાં ન આવ્યું. સમાચાર માધ્યમોએ કરેલી માત્ર અને માત્ર એક તરફી, ઈન્દીરાઈ પ્રગતિ વિષેની ભાટાઈ પણ કામમાં ન આવી. જનતાએ જે પ્રત્યક્ષ જોયું તેને જ પ્રમાણભૂત માન્યું અને સ્વિકાર્યું. કટોકટીનો આતંકવાદ તેના ભારથી જ તૂટી ગયો.

૧૯૭૭માં ચૂંટણી આપવી પડી. નહેરુવીયન ઈન્દીરાઈ કોંગ્રેસનો ઘોર પરાજય થયો. દહીંદૂધીયા, “જિસકે તડમેં લડ્ડુ ઉસમેં હમ” જેવા, અને ડરપોક એવા યશવંતરાવ જેવા નેતાઓ ઈન્દીરાને છોડી ગયા.

“લોકશાહી હોય તો બધા દુરાચારો અમને ખપે” મૂર્ધન્યો બોલ્યા

મોરારજી દેસાઈના નેતૃત્વ વાળી જનતા પાર્ટીની સુચારુ રુપે કામકરતી સરકાર ટકી નહીં. ગુજરાત સિવાય બીજા રાજ્યોમાં રાજકીય અનીતિમત્તા, નાણાંકીય અનીતિમત્તા, વફાદારી અને જ્ઞાતિવાદી વિભાજન અધમ કક્ષા હતું અને હજી છે.

એટલે નહેરુવીયન કોંગ્રેસ આ અનીતિવાદી સમીકરણો થી હજુ પણ શાસન કરે છે. જ્યાં સુધી મૂર્ધન્યો શિક્ષિત બનશે નહીં ત્યાં સુધી આપણા દેશ ઉપર આ એક સમયે અપ્રચ્છન્ન રીતે આતંકવાદી બનેલી નહેરુવીયન કોંગ્રેસ અને અત્યારની પ્રચ્છન્ન આતંકવાદી સરકાર તરીકે શાસન કરશે.

નહેરુવંશીઓ કોઈને છોડતા નથી

આ નહેરુવીયન કોંગી નેતાઓ કોઈ એક બાજપાઈ નામના વ્યક્તિએ ૧૯૪૨ની ચળવળ વખતે સરકારની માફી માગીને જેલ માંથી છૂટકારો મેળવેલ, તેને અટલ બિહારી બાજપાઈ તરીકે ખપાવી ૧૯૯૯ની લોકસભાની ચૂંટણીસુધી અને તે પછી પણ યાદ કરીને બાજપાઈ અને બીજેપીની બદબોઈ કરતા હતા.

૨૦૦૨માં નહેરુવીયન કોંગ્રેસના ગોધરાના એક સ્થાનિક મુસ્લિમ નેતાની આગેવાની હેઠળ સાબરમતી એક્સપ્રેસના હિન્દુયાત્રીઓને ડબા સહિત જીવતા બાળી દીધેલ. આના બચાવમાં નહેરુવીયન કોંગી આગેવાનોએ કહેલ કે “એ તો નરેન્દ્ર મોદીએ એમ કહીને મુસ્લિમભાઈઓને ઉશ્કેરેલ કે “અમારા બીજેપીના રાજમાં હિન્દુ મુસ્લિમ દંગાઓ થતા બંધ થઈ ગયા છે. આવું  કહેવાતું હશે?”

તેમજ આજ નહેરુવીયન કોંગીના નેતાઓ, તેમના મળતીયાઓ અને સમાચાર માધ્યમના ખેરખાંઓ ઉપરોક્ત બનાવની પ્રતિક્રિયાના ભાગ રુપે ફાટી નિકળેલ તોફાનો પર રાજકીય રોટલો શેકવા માટે નરેન્દ્ર મોદીને આજની તારીખ સુધી વગોવ્યા કરે છે અને કોમવાદને સક્રીય રાખવાની કોશિસ કર્યા કરે છે.

બીજેપીના નેતાઓ અને અખબારી મૂર્ધન્યો શામાટે નહેરુવંશીય ઈન્દીરાઈ કટોકટીને યાદ કરતા નથી? આ કટોકટી તો ભારતના ઈતિહાસનું અને ભારતના ગૌરવને લાંછન અપાવે તેવું એક સૌથી કાળું પ્રકરણ હતું. શાસકે આચરેલો નગ્ન આતંકવાદ હતો. તો પણ તેને કેમ ભૂલી જવાય છે?

દંભીઓ શું કહે છે?

નહેરુવીયન કોંગી નેતાઓ, મહાનુભાવો, અખબારી મૂર્ધન્યો જેઓ વાસ્તવમાં પ્રચ્છન્ન રીતે નહેરુવીયન કોંગ્રેસના હિતેચ્છુઓ છે અથવા તો તટસ્થતાનો ઘમંડ ધરાવે છે તેમની દલીલો કંઈક આવી છે.

નહેરુવીયન કોંગીના નેતાઓઃ “ભૂતકાળ ભૂલી જાઓ. ભવિષ્ય તરફ જુઓ.” (ડાકુઓ આવું કહેતો તેને દેશની ધૂરા આપી દેશો શું? કાયદામાં આવી જોગવાઈ છે?)

યશવંતરાવ ચવાણ અને તેમના ચેલકાઓ જેઓ અત્યારે એનસીપીને શોભાવી રહ્યા છે તેઓ આમ કહે છે. કટોકટીને ભૂલી જાવ. અમે ભૂલ કરી હતી અને તેના ફળ પણ મેળવી લીધા છે. બસ વાત પુરી. (ડાકુ ચૂંટણી હારી ગયો એટલે તેને સજા મળી ગઈ. વાત પુરી.)

હુસેન ચિત્રકારઃ કટોકટી એક છીંક હતી. હવે બધું સામાન્ય છે. કટોકટીની વાતને એક છીંકની જેમ ભૂલી જાઓ. (જે રાક્ષસી છીંકે હજારો લોકોના કુટુંબીઓને યાતના ગ્રસ્ત કર્યા તેને ભૂલી જાઓ એમ જ ને?)

બચ્ચન (હિન્દીના ખ્યાતનામ કવિ); “ અમારે તો નહેરુ સાથે કૌટુંબિક સંબંધ છે” (ન્યાયાર્થે નિજ બંધુકો ભી દંડ દેના યોગ્ય હૈ એતો એમના માટે પોથીમાંના રીંગણા છે)

કેટલાક સર્વોદય બંધુઓઃ સારું સારું યાદ કરો અને ખરાબ વાતો ભૂલી જાવ. (શેતાન એના પાપો ચાલુ રાખે તો તમે શું કરશો? નરેન્દ્ર મોદીનું પણ સારું સારું જુઓને તો પછી…)

કેટલાક સર્વોદય નેતાઓઃ (મનમાં) આ બીજેપી વાળા તો અમારો ભાવ પણ નથી પૂછતા તો લોકોની નજરમાં ટકી રહેવા માટે અને કંઈક કરી રહ્યા છીએ એવું બતાવવા માટે અમારે નહેરુવીયન કોંગ્રેસને સાથ આપ્યા વગર છૂટકો નથી. હવે ક્યાં કટોકટી છે?

તડફડવાળા મૂર્ધન્યઃ બાઈ જોરદાર હતી.

જો બાઈ જોરદાર હતી તો તે પક્ષ માટે જોરદાર હતી. વહીવટમાં અને દેશ હિત માટે નહીં. એમ તો નરેન્દ્ર ભાઈ પણ જોરદાર છે જ ને. અને નરેન્દ્રભાઈનો તો કોઈ રેકોર્ડેડ ગુનો પણ નથી. તેમને વિષે તો બધું ધારણાઓના આધારે (હાઇપોથેટીકલ) છે. હાઈપોથેટીકલી તમે કોઈને ગુનેગાર ઠેરવી ન શકો અને તેની બુરાઈ પણ ન કરી શકો.

“આસપાસ”વાળા કટારીયાઃ ઈન્દીરા ગાંધીએ તો કટોકટી બદલ ઘરે ઘરે જઈને માફી માગેલી.

આસપાસ વાળા ભાઈ, તમે રામ ભરોસે બોલ્યા કરો છો. બકરીની ત્રણ ટાંગ જેવી વાત છે. કોણ જોવા ગયું છે? છાપામાં અને ઈન્દીયન ન્યુઝમાં તો એવી કોઈ વીડીયો જેવા મળી ન હતી, કે છાપામાં પણ એવા કોઈ ફોટા આવ્યા ન હતા. “જંગલમેં મોર નાચા કિસીને ના દેખા”.

મૂર્ધન્યોએ સમજવું જોઇએ કે જે સરકારી તપાસપંચ પ્રમાણે ફોજદારી ગુનેગાર છે તેની સજા માફી માગવાથી માફ થઈ જઈ શકતી નથી. કેસ તો ચલાવવો જ પડે.

માફી માગવાથી કયા કયા ગુનાઓ માફ થઈ શકે?

જે તમારા દૂરના પૂર્વજો કે જેને તમે જાણતા નથી તેમણે કરેલા ગુના તમે માફી માગીને કહી શકો કે અમે તેમના કૃત્યોથી શરમ અનુભવીએ છીએ . અમને માફ કરી દો.

પણ જે પૂર્વજોની તમને શરમ ન હોય, પણ ગર્વ હોય, તો તેના ગુનાઓ માફી માગવાથી પણ માફ ન થઈ શકે.

દા.ત. યુરોપીય પ્રજાએ અમેરિકાની રેડ ઈન્ડીયન પ્રજાની કત્લેઆમ કરેલી. તેમને આ કત્લેઆમની શરમ છે અને હાલની પ્રજાએ પ્રાયશ્ચિત રુપે રેડ ઈન્ડીયન પ્રજાને વિશેષ સવલતો આપી અને માફી પણ માગી.

બ્રીટીશ શાસકોએ જલીયાનવાલા બાગની ઘટના બાબતે હાલ શરમ અનુભવી અને માફી માગી. જોકે ભારતીય પ્રજાએ માફી આપી નથી.

કોને વિશ્વાસ પાત્ર માનેલા?

મમતા બેનર્જી જેણે પશ્ચિમ બંગાળમાં જયપ્રકાશનારાયણની લડતમાં પોતાનું યોગદાન આપેલું. અને જયપ્રકાશનારાયણની જીપ ના હુડ ઉપર નાચ કરેલો. લાલુ યાદવ, મુલાયમ, ચરણસીંગ,  નીતીશકુમાર, શરદ યાદવ, જનસંઘી નેતાઓ અને ગુજરાતના નવનિર્માણ સમિતિ, લોકસ્વરાજ્યા આંદોલન, લોકસમિતિ, શાંતિસેના,  વિગેરેના નેતાઓ પણ પૂરજોશથી સામેલ હતા.

ગાંધીજી અને જયપ્રકાશ નારાયણનું ધોતીયું

ગુજરાતના નવનિર્માણ સમિતિ, લોકસ્વરાજ્યા આંદોલન, લોકસમિતિ, શાંતિસેના કેટલાક પરોક્ષ રીતે તો કેટલાક પ્રત્યક્ષરીતે નહેરુવીયન કોંગ્રેસને શોભાવી રહ્યા છે.

મમતા પોતાની સત્તા ખાતર નહેરુવીયન કોંગ્રેસને મદદ કરવા આતુર છે.

માયાવતી, લાલુપ્રસાદ, મુલાયમ, ચરણસીંગના સુપુત્ર પણ જરુર પડે નહેરુવીયન કોંગ્રેસને મદદ કરવા આતુર છે. કારણ કે તેઓ નહેરુવીયન કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટથવાને કાબેલ છે.

નીતીશકુમાર પણ સત્તાનો સ્વાદ ચાખ્યા વિતંડાવાદ દ્વારા પોતે પોતાનો દંભ છૂપાવી શકે છે તેવું માનતા થઈ ગયા છે. નીતીશ કુમાર એવું માને છે કે દસ્તાવેજોદ્વારા સિદ્ધ થયેલો નહેરુવીયન પક્ષનો આતંકવાદ ને અસ્પૃષ્ય ન માનવો પણ નરેન્દ્ર મોદીને અસ્પૃષ્ય માનવો.

નીતીશકુમાર માને છે કે જો અડવાણી પોતેજ નરેન્દ્ર મોદીને અસ્પૃષ્ય માને છે તેવી હવા ચલાવાતી હોય તો રાજકીય નીતિમત્તા જાય ચૂલામાં. નીતીશકુમાર માને છે કે નરેન્દ્ર મોદી જેવો લોખંડી નેતા જો વડાપ્રધાન તરીકે આવી જશે તો આપણા જાતિવાદી વોટબેંકનું જે રાજકારણ આપણે છ દાયકાથી ચલાવીને જે કંઈ સુખડી ખાઈએ છીએ તેનો અંત આવી જશે. તેથી કરીને ટકી રહેવા માટે નરેન્દ્ર મોદી વિષે ફાવે તેમ ધારણાઓ વહેતી મુકો અને મોદીની બુરાઈ કરો.

જો સમાચાર માધ્યમોના ખેરખાંઓ જ નહેરુવંશીય રાજકીય આતંકવાદને ન સમજી શકતા હોય અને નરેન્દ્રમોદી-બીજેપીની ધારણાઓ ઉપર આધારિત અને કપોળ કલ્પિત બુરાઈઓ ફેલાવતા હોય તો આપણે પણ એ જ ફેશન અપનાવવી જોઇએ. આપણા ઉચ્ચારણોને પણ ચાર ચાંદ લાગશે.

જો જેએલ નહેરુ જેવા લીડરો સત્તા માટે ગાંધીજીનું ધોતીયું પકડીને આગળ આવ્યા હતા. તેમને સત્તા મળ્યા પછી, તેમણે ગાંધીજીના (સિંદ્ધાંતો રૂપી) ધોતીયાના લીરે લીરા ઉડાડી દીધા.

મમતા, મુલાયમ, લાલુ, નીતીશ, ચરણના સપુત વિગેરે પણ જયપ્રકાશ નારાયણનું ધોતીયું પકડીને આગળ આવેલા. અને હવે તેઓ પણ જયપ્રકાશ નારાયણના (રાજકીય નીતિમત્તાના સિદ્ધાંતો રુપી) ધોતીયાના લીરેલીરા ઉડાડી રહ્યા છે.

સિદ્ધાંત વિહોણાઓને ઓળખી લો.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ

નહેરુવંશી, ઈન્દીરા, કટોકટી, દંભ, ફ્રૉડ, વિરોધ, જેલ, સરકારી, અફવા, આતંકવાદ, અધિકાર, કટારીયા, મૂર્ધન્યો, જાગીર, સાષ્ટાંગ, દંડવત, નમન, શિર્ષાસન, ગાંધીજી, જયપ્રકાશ, ધોતીયું, લીરે લીરા

Read Full Post »

%d bloggers like this: