Feeds:
Posts
Comments

Posts Tagged ‘નહેરુ અવિશ્વનીય’

ફરજંદો મારા સોનાના, બાકી બધા ગારાના
 
લાલુભાઇઓ અને મમતાબેનો:
મમતાબેન, જયલલિતાબેન, માયાવતીબેન અને સોનીયાબેન ને ભાઈઓને સાથે લઈએ તો ચન્દ્રબાબુભાઈ, કરુણાનીધિભાઈ, બાળાસાહેબભાઈ, રાજ (ઠાકરે)ભાઈ, શરદભાઈ અને લાલુભાઈ સૌ પોતપોતાની પાર્ટી ચલાવે છે.
 
આ બધા પક્ષો એક વ્યક્તિની ઉપર નભી રહ્યા છે. અને તે સૌ પોતાનો પક્ષ જીવતો રાખવા પોતાના સંતાનોને તૈયાર કરે છે. પણ આ બધી વ્યક્તિઓને આપણે એક ત્રાજવે તોળી ન શકીએ.
 
મમતાબેન, જયલલિતાબેન, માયાવતીબેન ને ભાઈઓને સાથે લઈએ તો ચન્દ્રબાબુભાઈ, કરુણાનીધિભાઈએ, લાલુભાઈએ ખૂંચવીને પક્ષ ઉપર કબજો બનાવ્યો છે.
શું ખૂંચવ્યું … ધારાસભ્યો કે સંગઠનનું નામ તેની ચર્ચા બાજુપર રાખીએ. પણ એટલું જરુર કે તેઓએ બુદ્ધિ અને પરિશ્રમ વડે પક્ષ બનાવ્યો છે કે પક્ષ પર કબજો રાખ્યો છે.
 
બાળાસાહેબભાઈની શિવ સેના અને રાજસાહેબ ભાઈની એમએનએસ અનુક્રમે કોંગ્રેસ-આઈ અને એનસીપીની મતોના વિભાજન કરવા માટેની પેદાશ છે. આ પક્ષોના નંબરવન મહાનુભાવોએ આમ તો શૂન્યમાંથી સર્જન કરીને પક્ષને ટકાવ્યો છે અને ઉંચો લાવ્યા છે.
 
મીડીયા મૂર્ધન્યોએ તેમને અપ્રમાણિત, અતિશયોક્તિક કે વરવી રીતે સહકાર આપ્યો નથી. તેનું કારણ કદાચ એ હોઇ શકે કે તેઓ ગોરી ચામડીના ફરજંદો નથી. તે જે હોય તે પણ તેમના પરિશ્રમનું મૂલ્ય તો છે જ. લાલુભાઇને બાદ કરતાં આમાંના કોઇ શૈક્ષણિક રીતે પછાત નથી.
 
સોનીયાબેનની વાત અલગ છે. એમ જોવા જઈએ તો પૂરા નહેરુવંશની વાત અલગ છે.
 
જવાહરલાલ નહેરુઃ
જવાહરલાલ નહેરુને થોડાક અપવાદમાં ગણી શકાય. કિંવદન્તિ પ્રમાણે સુપૂત્રશ્રી આઈ.સી.એસ.માં અનુત્તિર્ણ થયા તેથી તેમના પિતાશ્રીએ કદાચ “નવરોબેઠો નક્ખોદ વાળે” એ ભયે ગાંધીબાપુ સાથે લગાવી દીધા. અને તેથી તેઓ પિતાશ્રીના આર્થિક વારસા થકી, સ્વાતંત્ર્ય સૈનિકોની ઠીક ઠીક આગતા સ્વાગતા ભેદભાવ રાખ્યા વગર કરતા તે થકી પણ અને તે ઉપરાંત પોતાની વાચન-પ્રિતીને કારણે ઝળક્યા પણ ખરા.
 
સ્વતંત્ર્ય મેળવ્યા પછીની તેમની કારકિર્દી વિવાદાસ્પદ હતી પણ તેમની લોકપ્રિયતા રહેલી. તેઓ પોતે પણ જાણતા કે તેમની લોકપ્રિયતા તેમના પૂર્વ કાળના અનુદાનને લીધે છે. તેઓ આર્ષદ્રષ્ટા ન હતા અને સારા વહીવટકર્તા પણ ન હતા. ઉત્પાદનની પ્રણાલીઓ અને તે થકી પરિણમતા માનવીય વલણોથી તેઓ અજ્ઞાત હતા. તેથી ગાંધી બાપુએ તેમને જણાવેલ કે હું તમને સમજુ છું પણ તમારા સમાજવાદને સમજી શકતો નથી.
 
જવાહરલાલ નહેરુની નીતિ અને વલણો પૂર્વગ્રહવાળા દેશને નુકશાનકારક હતા તેટલું જ નહીં સ્વકેન્દ્રી પણ હતા. તેમની વિદેશ નીતિએ દેશને અપાર નુકશાન પહોંચાડેલું તે વાતની ખાત્રી જે. બી. ક્રિપલાણીજીની આત્મકથાના પુસ્તકમાંથી થઈ શકે છે.
 
ભૂગોળના નકશામાં દેખાતા થોડા ઈંચના વિસ્તારો વાસ્તવમાં સેંકડો અને હજારો ચોરસ કીલોમીટરના હોય છે. ચીને ત્રીસ હજાર ચોરસ કીલોમીટર ભારતીય  વિસ્તાર કબજે કરેલો છે.
 
નહેરુએ તે વિસ્તાર મેળવ્યા વગર અમે જંપીને બેસીશું નહીં તેવી પ્રતિજ્ઞા પાર્લામેન્ટ સમક્ષ લીધેલી. ચોક્કસ આ એક ભારતીય પ્રજા સમક્ષ કરેલી મજાક હતી. પણ મીડીયા મૂર્ધન્યો યાદ ન રાખે તો જીવન વિટંબણાથી ઘેરાએલો સામાન્ય માનવી તો તેને કેવીરીતે યાદ રાખે? વાસ્તવમાં જોઇએ તો ઈતિહાસમાં પોતાની કિર્તીને આંચ ન આવે તે માટે નહેરુને માટે પોતાના ફરજંદને તૈયાર કરવું જરુરી હતું. કોંગ્રેસમાં આ વાત સૌ જાણતા હતા. કોઈકે કરેલા ઈશારાના જવાબમાં  લાલબહાદુર શાસ્ત્રીએ એક તબક્કે કહ્યું પણ હતું કે “હું કંઈ સાધુ નથી (કે આ બધું ઉપેક્ષિત કરુ!)”.
 
પણ સ્વકેન્દ્રી રાજકીય કાવાદાવામાં નહેરુજી ઉસ્તાદ હતા. અને પોતાને ડાઘ ન લાગે તે રીતે તેઓ રમત રમી શકતા હતા.
 
ઈન્દીરા ગાંધીઃ
ઈન્દીરા ગાંધીમાં આ વાતનો અભાવ હતો. તે સ્વકેન્દ્રી રાજકારણમાં બેદાગ રહી શક્યા નહીં. પણ એક વસ્તુ તેઓ સમજી શકેલા કે સ્વકેન્દ્રી સત્તાના રાજકારણમાં પૈસા, તેનો વહીવટ અને સાથીઓની બૂરી આદતો (ભ્રષ્ટતા) ઠીક ઠીક રીતે મદદરુપ થાય છે અને તે અનિવાર્ય પણ છે. તેમજ નિરક્ષરતા, ભૂખ અને ગરીબાઈનું સાતત્ય અને તેઓના પરાવલંબન થકી થતું મતોનું રાજકારણ પણ એટલું જ મહત્વનું છે.
 
આ બધું જ્ઞાન તેમને થોડું વારસાગત અને થોડું રશીયા તરફથી મળેલું એમ કહેવાય છે. પણ આમાનું કશું જ કામ ન લાગત જો નહેરુએ સીન્ડીકેટ બનાવીને નંબરવન પદ ન સોંપ્યું હોત.
 
સ્વકેન્દ્રી કૌટુંબિક રાજકારણ નો આ રીતે ભારતમાં શરુઆત થઇ. નહેરુવંશનો પ્રારંભ થયો.
ભારતના મીડીયા મૂર્ધન્યો આ વાત ૨૦૧૦ માં પણ પૂરેપૂરી ન સમજી શકતા હોય તો તેઓ ૧૯૬૭માં તો ક્યાંથી સમજી શકે? નજ સમજી શકેને! ભણેલા અને અભણ બંને ને પ્રચારના પ્રવાહમાં કેવીરીતે ભેળવવા એ વાતમાં કોમ્યુનીસ્ટો નિપૂણ છે.
 
વિશ્વસનીયતા? શું વાત કરો છો?
મમતાબેન, જયલલિતાબેન, માયાવતીબેન અને ભાઈઓને સાથે લઈએ તો ચન્દ્રબાબુભાઈ, કરુણાનીધિભાઈ, બાળાસાહેબભાઈ, રાજ (ઠાકરે)ભાઈ, શરદભાઈ અને લાલુભાઈ. તમે આ લોકોની વિશ્વસનીયતા વિષે પ્રશ્ન ઉઠાવો છો?
 
 
સોનીયાબેનની વિશ્વસનીયતા કેટલી?
એવું પણ પૂછી શકાય કે નહેરુવંશીય કોઈપણ મહાનુભાવની વિશ્વનીયતા કેટલી?
 
નહેરુએ તો પાર્લામેન્ટને ચીનની ઘૂષણ ખોરી બાબતમાં લગાતાર ગેરમાર્ગે દોરી હતી.
 
ઇન્દીરા ગાંધીએ મોરારજી દેસાઈની બેંકોના સામાજીકરણ ને બદલે રાષ્ટ્રીયકરણ કરી તેના વહીવટનું અને સામાજીક મૂલ્યોનું ધનોત પનોત કાઢી નાખેલું. ઈન્દીરાની ઘરેલુ અનિર્ણયકતાને બાજુપર રાખો. કરોડ કરોડ બંગલાદેશીઓ ઘુસી ગયા ત્યાં સુધી કોઈપગલાં ન લીધેલાં. પાકીસ્તાન વિરુદ્ધ વિશ્વમત ઉભોકરવા ગયેલા જયપ્રકાશ નારાયણને દેશના દુશ્મન ગણાવેલા.
 
ભારતીય સેના એ જે કંઈ મેળવેલું તે ઈન્દીરા ગાંધીએ સિમલા કરાર દ્વારા સઘળું ગુમાવી દીધેલું. આથી વિશેષ અવિશ્વસનીયતા બીજી કઇ હોઈ શકે? કટોકટીના કાળાંકામો તો બેસુમાર છે.
 
વાસ્તવમાં વિશ્વસનીયતાને વ્યક્તિગત અભિપ્રાયનો વિષય બનાવી દેવાયો છે.
 
નહેરુએ પાર્લામેન્ટને ચીનની ઘુસણ ખોરી બાબતમાં ગેરમાર્ગે દોરી હોય એમ સમજવાનુમ કે “દુશ્મને (ચીને) દગો દીધો.
 
ઈન્દીરાગાંધીએ સીન્દીકેટને દગો દીધો હોય તો તેને “ઈન્દીરાઈ ચતુરાઈ સમજવાની”
 
ઈન્દીરાએ ચરણસીંગને સપોર્ટ આપવાનું કહી પાછળથી ફરી જાય તો તેને પણ તેમની “ચાલાકી”માં ખપાવવાની.
 
ઈન્દીરા ગાંધી જો સિમલાકરાર હેઠળ ભારતની જીતને ભૂટ્ટોના ચરણે ધરી દે તો “પાકીસ્તાની આડોડાઈ સમજવાની.”
 
ઈન્દીરા ગાંધી સત્તા ટકાવવા કટોકટી લાદે તો કહેવું કે ભૂતકાળ ભૂલી જાઓ. “એ બધા તો ચંડળ ચોકડીના કામા હતા”.
 
ઈન્દીરા ગાંધી જો ભીન્દરાણ વાલે ને સંત કહી દેશના વિભાજક બળોને ઉત્તેજીન આપે તો તેને તત્કાલિન રાજકીય કૂનેહમાં ખપાવવી.
 
રાજીવ ગાંધી જો એન્ડરસનને વિદેશ ભાગી જવા દે તો કહેવું કે “તેતો બિચારા નવા સવા હતા.”
 
જો અવિશ્વસનીય વ્યક્તિઓને વિશ્વસનીયતામાં બુદ્ધિખોરીથકી (જોકે બુદ્ધિખોરી જેવો શબ્દ નથી. પણ વિતંડાવાદની અવેજીમાં વાપર્યો છે) ખપાવી શકાતા હોય તો આ બુદ્ધિખોરી વ્યંઢ છે.
 
ભોપાલમાં યુનીયન કાર્બાઈડને મંજુરી કોણે આપેલી?
 
કેન્દ્રમાં કોની સરકાર હતી?
 
યુનીયન કાર્બાઈડ સાથેનો દસ્તાવેજ કોની સરકારે મંજુર કરેલો?
 
દુર્ઘટનાના બે વર્ષપૂર્વે જ તેની ક્ષતિની જાણ કરતા લેખો લખાયેલા.
ગેસ દૂર્ઘટના બની અને હજારો માણસો તત્કાલિક મરી ગયા, પણ કોંગી સીએમએ એન્ડરસનને “ગધેડાને પણ તાવ આવે તેવા” ન ટકી શકે એવા કારણો બતાવી છટકવા દીધા.
 
રાજીવભાઈને ખબર તો હોવી જ જોઈએ અને હશે પણ ખરી જ કે એન્ડરસનભાઈ કોણ છે?
 
તેઓ તેમને શા કારણસર મળવા આવ્યા છે?
 
શું વાત થઈ હશે તેપણ આપણે કલ્પી શકીએ છીએ.
રાજીવગાંધીએ તેમને દેશ છોડવા દીધો તેમાં તેમના “નવાસવા-પણા”ને સાંકળીને ક્લીન ચીટ ન આપી શકાય. વડાપ્રધાન આખરે વડાપ્રધાન છે. તેમની પાસે સલાહકારોની ફોજ હોય છે. જવાબદારી તો વડાપ્રધાનની ગણાય ગણાય અને ગણાય જ.
 
કમસે કમ તેઓ શીઘ્રાતિશીઘ્ર જવાબદારી નક્કી કરી અને સમગ્ર ઘટનાને પ્રાથમિકતા આપીને વ્યાપક પગલાં ભરીને પોતાની ભૂલ જાતે જ કબુલ કરી શક્યા હોત. આજની તારીખે પણ કૂકર્મોની વાતો છૂપાવેલી રાખાય છે. આ જ વસ્તુ દર્શાવે છે કે રાજીવ ગાંધી તેમની સમગ્ર પાર્ટી સહિત અવિશ્વસનીય છે.
 
સોનીયાબેનની વિશ્વસનીયતા વિષે શું વાત છે?
તેમણે કરેલી ઇલેક્ષન કમીશન સમક્ષની એફીડેવીટ વિષે અને બીજું ઘણું ફરજંદો વિષે કહેવાયું છે. સ્વામી સુબ્રમ્હણીયમ અને તેમના જજ સાહેબોને મળો.
 
 
કૌટુંબિક વ્યક્તિકેન્દ્રી રાજકારણ ત્યાજ્ય જ હોવું જોઇએ. કારણ કે તેમાં સૌપ્રથમ સત્તા સ્વ અને સંપત્તિની વૃદ્ધિ એ જ કેન્દ્ર સ્થાને હોય છે.
 
 
વિકાસ આંખો સામે પ્રગટ થાય છે. વિકાસ આંકડાઓથી કે જાહેરાતોથી વિશ્વસનીય થતો નથી.:
આ શિવાય તે વ્યક્તિ/ફરજંદ ટકી શકે નહીં. કોંગ્રેસ વિકાસ કરશે એ ભ્રમ ભાંગી જવો જોઈએ. વિકાસ આંખો સામે પ્રકટ થાય છે. વિકાસ આંકડાઓથી પ્રગટ થતો નથી. જ્યાં ૫૫+ વર્ષના એક ચક્રી શાસન પછી પણ,  ગરીબોને વરસમાં ૧૦૦ દિવસની મજુરીની રોજી આપ્યાની વાહ વાહ થઈ શકતી હોય અને વિકાસે પગરણ માંડ્યા છે એમ મૂર્ધન્યો માનતા હોય તો તે દેશની અને તેના બુદ્ધિધનની દયા ખાવી જોઈએ.
 
વર્લી-બાંદરા જેવો એક પૂલ બાંધ્યો એમાં તો કોંગી અને તેના પ્રસંશકોના મોઢાંના નકશા બદલાઈ જાય છે. વાસ્તવમાં આ ઝડપે જો ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામો થશે તો, દેશને આજની સ્થિતીમાં રહેલા વિકસિત દેશોની સ્થિતીએ પહોંચતા ૧૫૦ વર્ષ થશે. અને તે વિકસિત દેશો તો ક્યાંના ક્યાંય પહોંચી ગયા હશે.
 
એક માનનીય કટાર લેખકે નીચે પ્રમાણે લખ્યું છે.
“પ્રજા વિકાસ ઝંખે છે. વોટબેંકની રાજનીતિ સામે વિકાસની રાજનીતિ ટકરાતી રહી છે. કોંગ્રેસ અને ભાજપ આ મુદ્દે સરખા મૂર્ખ છે”
 
ભાજપ ની મૂર્ખતાનું આ લેખમાં કશું અનુસંધાન જોવા મળતું નથી.
પણ શક્ય છે કે મમતાબેનને આટલા ગોદા માર્યા હોય તો કોંગ્રેસની સાથે સાથે ભાજપને પણ એક ગોદો મારી લઇએ. જેથી આપણી તટસ્થતા વાચકોની દ્રષ્ટિમાંથી ગબડી ન પડે.
 
ભાજપની મૂર્ખતા કદાચ ક્યાંક અસ્તિત્વ ધરવાતી હોય પણ અહીં દ્રષ્ટિ ગોચર ન થતી હોય એવું પણ શક્ય હોય. પણ હિન્દુત્વ અને ઐતિહાસિક સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ માટેની ભાવના મોટે ભાગે કોંગીની લઘુમતિના બેમર્યાદ તુષ્ટિકરણની વૃત્તિ અને આચારની પ્રતિક્રીયાત્મક આડપેદાશ છે. એમ કહેવું વધુ યોગ્ય ગણાશે.
 
આપણી વાત માનવીય વિકાસની છે જેમાં સાક્ષરતા, રોજગારી, માળખાકીય સગવડો, ઉદ્યોગો એ બધાનો વિકાસ આવી જાય. અને આ વાત વ્યક્તિ-કુટુમ્બ કેન્દ્રી રાજકીય પક્ષ માટે શક્ય નથી. આ વાત ની અનુભૂતિ આપણને ૫૫+ વર્ષના શાસનમાં થયેલી જ છે.
 
ચમત્કૃતિઃ
જે જાત અનુભવથી શિખતો નથી તે મૂર્ખ છે. જે જાત અનુભવથી શિખે છે તે સામાન્ય કક્ષાનો છે. જે બીજાના અનુભવથી શિખે છે તે ડાહ્યો છે. જે કોઈના પણ અનુભવ વગર શિખી જાય છે તે આર્ષદ્રષ્ટા છે.
 
પીલુ મોદીને કોઈએ, ઈન્દીરા ગાંધીની આપખુદ નીતિના અનુસંધાનમાં સવાલ કર્યો. “ભૂલો તો લોકશાહીના નેતાઓ પણ કરે છે. અને તેઓ તો ઘણા હોય છે. એટલે કદાચ ભૂલો પણ ઘણી થતી હોઈ શકે. જ્યારે આપખુદીના રાજકારણમાં તો એક જ વ્યક્તિ હોય છે.”
પીલુ મોદીએ તેમના પારસી લહેજામાં કહ્યું; “લોકશાહીમાંની ભૂલો પરવડે. આપખુદશાહીની ભૂલો ન પરવડે.”

Read Full Post »

%d bloggers like this: