Feeds:
Posts
Comments

Posts Tagged ‘નિરપેક્ષ’

સ્વાવલંબન શું નિરપેક્ષ છે?

સ્વાવલંબન શું નિરપેક્ષ છે?

આપણે સૌ જાણીએ છીએ કે આઈન્સ્ટાઈને સાપેક્ષ વાદ શોધ્યો. એટલે સામાન્ય રીતે કેટલાક મૂર્ધન્ય સહિતના લોકો, સાપેક્ષવાદને ભૌતિક શાસ્ત્રનો વિષય સમજે છે.

આમ તો સમાજ શાસ્ત્રના નિયમો પણ સાપેક્ષ હોય છે. જેમકે ગાંધીજીએ અહિંસાને પણ સાપેક્ષ જ ગણાવેલી. એટલે કે ઓછામાં ઓછી હિંસા એટલે અહિસા.

આઇન્સ્ટાઈનની બીજી પણ એક થીએરી હતી તે “યુનીફાઈડ ફીલ્ડ થીએરી” હતી.

સંભવ છે કે આ થીએરી આઈન્સ્ટાઈને આદિ શંકરાચાર્યની અદ્વૈતવાદ માંથી કલ્પી હોય. આ અદ્વૈતવાદ, શંકરાચાર્યે વેદોમાંથી પુનર્‍પ્રસારિત કર્યો હતો એમ તેઓ કહેતા હતા.

અદ્વૈતવાદ આમ તો પ્રચ્છન્ન “યુનીફાઈડ થીએરી ઓફ એન્ટીટી” હતો.

આઈન્સ્ટાઈન પોતાની આ થીએરીને સિદ્ધ કરી શક્યા ન હતા. શંકરાચાર્ય અદ્વૈત વાદને સિદ્ધ કરવામાં માનતા ન હતા. પણ તેમણે તે સમયના અસ્તિત્ત્વ ધરાવતા બધા જ વાદોને પરાજિત કર્યા હતા. પણ આપણે આ બધી વાતો  નહીં કરીએ.

સ્વદેશી

મોદી સાહેબે કહ્યું કે આપણે સ્વદેશી ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ. ઉત્પાદન આપણે આપણા દેશમાં જ કરીએ અને વિદેશો ઉપર અવલંબન ન રાખીએ. મેક ઈન ઈન્ડિયા નો સિંહ યાદ કરો.

આમ તો ગાંધીજી પણ સ્વદેશી માં માનતા હતા. તેમણે ખાદી અને ગ્રામોદ્યોગોને મહત્વ આપ્યું હતું. જોકે તે વખતે કેટલાક મહાનુભાવોએ તેનો વિરોધ કરેલ. પણ જ્યારે સ્વદેશીના પ્રચારથી જે જનજાગૃતિના પરિણામો આવ્યા તે પછી આ મહાનુભાવોએ તેનો વિરોધ બંધ કરેલ.

આજના જમાનામાં જો મૂર્ધન્યો, સ્વદેશીનો ગાંધીજીના નામ હેઠળ વિરોધ કરે તો તો ભારે ટીકા થાય. કારણકે જમાનો બદલાઈ ગયો છે. કેટલાક મોડર્ન બાવાઓ સ્વદેશી અને અહિંસાનો વિરોધ કરે છે. પણ તેમની વાત આપણે અહીં  નહીં કરીએ. પણ જો કોઈ “તડ અને ફડ”વાળા સુપર વાર્ધક્યમાં પહોંચેલાને જો “સ્વદેશી”નો વિરોધ કરવો હોય તો કેવી રીતે કરે?

નરેન્દ્ર મોદીને ભાંડવાની ફેશન હજુ આઉટ ઓફ ડેટ થઈ નથી, એમ ઘણા લોકો માને છે. આપણા તડ-ફડવાળા મૂર્ધન્ય તેઓમાંના એક હોય એવું લાગે છે.

જો બાવા બન્યા હૈ તો હિન્દી તો બોલના પડેગા. એ નાતે, તટસ્થ બન્યા હૈ તો મોદી કે વિરુદ્ધ તો કભી ન કભી તો બોલના હી પડેગા.

“સ્વદેશી” ભલે ગાંધીજીએ પુરસ્કૃત કરેલો આઇડિયા હોય. પણ આર.એસ.એસ.વાળા પણ સ્વદેશીમાં માને છે. જો કે તેઓ કેટલી ખાદી પહેરે છે કે પહેરતા હતા તેની આપણે ચર્ચા નહીં કરીએ. પણ નરેન્દ્ર મોદી તો ખાદીમાં અને ગૃહ ઉદ્યોગમાં માને છે. સખી મંડળો કરોડો રુપીયાનો ટર્ન ઓવર કરે છે.

સ્વદેશી એટલે શું?

“સ્વદેશી” પણ અહિંસાની જેમ સાપેક્ષ છે. વિદેશમાં થયેલા ઉત્પાદનની સાપેક્ષે દેશમાં થયેલું ઉત્પાદન સ્વદેશી છે. બંગાળમાં થયેલા ઉત્પાદનની સાપેક્ષે ગુજરાતમાં થયેલું ઉત્પાદન સ્વદેશી છે. સૂરતમાં થયેલા ઉત્પાદનની સાપેક્ષે ભાવનગરમાં થયેલું ઉત્પાદન સ્વદેશી છે. વડવા માં થયેલા ઉત્પાદનની સાપેક્ષે કોબડીમાં રહેતા માણસો માટે કોબડીમાં થયેલું ઉત્પાદન સ્વદેશી છે. કોબડીમાં થયેલા ઉત્પાદન કરતાં તમારા ઘરમાં જ થયેલું ઉત્પાદન સ્વદેશી છે. પણ ઉત્પાદિત આઈટેમ એ જ હોવી જોઇએ. એટલે ગાંધીજી પૂછતા કે તમે કેટલા ગામોને ખાદી પહેરતા કર્યા એટલે કે ખાદી માટે સ્વાવલંબી કર્યા.

“જે વસ્તુ તમારા દેશમાં ન બનતી હોય કે ન બની શકતી હોય, તમે તેને વિદેશથી આયાત કરી શકો છો.” એમ ગાંધીજી કહેતા.

પણ કઈ વસ્તુનું સ્વદેશી કરણ કરવું તે તેની માંગ ઉપર અવલંબે છે.

મોરારજી દેસાઈની જનતા પાર્ટી અને ઇન્દિરાની કોંગી

ઇન્દિરા ગાંધી પોલીયસ્ટર યાર્નમાંથી ગૃહૌદ્યોગ દ્વારા કાપડ તયાર કરવામાં માનતાં ન હતાં. પણ મોરારજી દેસાઈ પોલીયસ્ટર ખાદીમાં માનતા હતા.

વિકસિત દેશો તેમના ક્રોસબાર ટેલીફોન એક્સચેન્જો ને ભંગારમાં નાખતા હતા ત્યારે ઇન્દિરા ગાંધી દેશમા ક્રોસબાર ટેલીફોન એક્સચેન્જો બનાવતી, અને આયાત પણ કરતી હતી. ૧૯૭૭માં જનતા પાર્ટીના જોર્જ ફર્નાડીસે ડીજીટલ ઇલેક્ટ્રોનીક્સ ટેલીફોન એક્સચેન્જનું ટેક્નોલોજી ટ્રાન્સફર સહિત નું ગ્લોબલ ટેન્ડર બનાવ્યું અને બહાર પણ પાડ્યું. જનતા પાર્ટીની સરકાર પડી ગઈ. પણ આ ટેન્ડરમાં પરોઠા પગલાં ભરવા શક્ય ન હતું તેથી ૧૯૮૦-૮૨માં આ ટેન્ડરોને ઇવેલ્યુએટ કરી ફ્રાન્સની અલ્કાટેલ કંપનીની તરફેણમાં ફાયનલ કરેલ અને તેને ૪૦/૬૦ લાખ લાઈન ટેલીફોન એક્સચેન્જ માટેના ઓર્ડર આપેલ. ૧૯૮૩ની શરુઆતથી જ વર્લી-મુંબઈમાં તેનું ઇન્સ્ટોલેશન પણ ચાલુ થઈ ગયેલ.

યાદ રાખો, તે વખતે આપણા રાજિવ ભાઈ કે તેના મિત્ર સામ પિત્રોડાજી, ક્ષિતિજ ઉપર પણ ક્યાંય દેખાતા ન હતા. ઈલેક્ટ્રોનિક ક્રાંતિના બીજ તો ૧૯૭૯-૮૦મં અંકૂરિત થઈ ગયા હતા. પણ આપણા મહાનુભાવોએ તેનો યશ રાજિવભાઈને આપ્યો. આની ચર્ચા આપણે આ જ બ્લોગ સાઈટ ઉપર અન્યત્ર કરી ચૂક્યા છીએ. એટલે આ વાતને લંબાવીશું નહીં.

મહાત્મા ગાંધીને કે તેમના યથાર્થ અનુયાયીઓને અને ગાંધીજીના માનસપુત્ર વિનોબા ભાવેને વિદેશીમાલનો છોછ ન હતો. તેઓ કોઈ વાદમાં પણ માનતા ન હતા

નરેન્દ્ર મોદીને પણ વિદેશી ઉત્પાદનનો છોછ નથી. આ વાત આપણે સૌ જાણીએ છીએ. પણ તેથી કરીને સ્વદેશી ઉત્પાદનની વાત કરવી અને તેને અનુલક્ષીને પગલાં લેવાં એ કંઈ ગુનો નથી.

નોકરી અને ધંધામાં ફેર શો?

નોકરીમાં આપણે આપણા પૈસાનું રોકાણ કરવું ન પડે. એટલે નોકરીમાં, નોકરીમાંથી ફારેગ થવા સિવાય બીજું કશું ખાસ રીસ્ક હોતું નથી.

ચીલા ચાલુ અર્થમાં, ધંધા બે જાતના હોય છે. ઉત્પાદન કરવાનો ધંધો. ઉત્પાદિત માલની વહેચણીનો ધંધો.

ખાસ કરીને તમે ઉત્પાદન કરવામાં શી રીત રસમો અપનાવો છો અને વહેંચણીમાં પણ કઈ રીત રસમો અપનાવો છો તેની ઉપર તમારું (સમાજનું) ચારિત્ર્યનું ઘડતર અવલંબે છે.

અર્થશાસ્ત્રમાં ઘણા વાદો છે. અને આ વાદોના નિષ્ણાતો હોય છે. આ નિષ્ણાતો, અર્થશાસ્ત્રના પરિબળોને ઓળખતા હોય છે આ પરિબળોને કન્ટ્રોલમાં રાખવા માટે, તેમની પાસે પોતાની માન્યતાઓ અને પોતાની વ્યુહરચનાઓ હોય છે. તમે આ સમજણને જેટલી વધુ ક્લીષ્ટ અને અમૂર્ત (એબસ્ટ્રેક્ટ) બનાવી શકો તેટલા તમે વધુ નિષ્ણાત ગણાવ. આવું ઘણા બધા લોકો (મૂર્ધન્યો સહિત) માનતા હોય છે. દેશના અર્થતંત્રને ખાડે લઈ જનાર, મનમોહન સિંહ મોટા અર્થશાસ્ત્રી મનાય છે. ભણેલ ગણેલ પણ અનીતિમત્તાનો છોછ નહીં, તેથી દોષનો ટોપલો બેક સીટ ડ્રાઈવર સોનિયા ગાંધી ઉપર નાખી દેવામાં આવે છે.

નરેન્દ્ર મોદી તે કંઈ અર્થશાસ્ત્રી છે!!

“સાલુ … નરેન્દ્ર મોદીએ ખરું કર્યું. ૨૦ લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું. સ્વદેશીનું ભાષણ આપી દીધું તે જુદું. મોંઘા અને બ્રાન્ડેડ ગોગલ્સ પહેરે છે અને સ્વદેશી અપનાવવાની વાતો કરે છે. આ મોદીનો તો કચરો કરી નાખવો છે.

મોદીને કેવીરીતે વગોવીશુ?

આ મોદી …. એક તો મગન માધ્યમમાં ભણેલો છે. અને તેપણ ગામડાની કોલેજમાં ભણેલો છે. કોને ખબર શું ભણ્યો હશે.

આપણને પ્રધાન મંત્રી તો, હાર્વર્ડ, કેમ્બ્રીજ કે કમસે કમ જીન્ના નહેરુ યુનીવર્સીટી (જે.એન.યુ.)માં ભણેલો હોય એવો જ ખપે. ભલે આપણે મહાત્મા ગાંધીજીની સ્વદેશીની વાતો કરીએ. ગાંધીજી પોતે જ ઈંગ્લેન્ડમાં જ બાર એટ લૉ થયેલા હતા ને!! હાલનો પ્રધાન મંત્રી તો સાવ ગધુભાઈ જેવો છે.

“તડ-ફડ”વાળા મૂર્ધન્ય બોલ્યા;

“મોદી બોલ્યા એમાં મુદ્દા ઓછા અને શબ્દો વધુ હતા” એવું ઠોકો. (આને સિદ્ધ કરવાની જરુર નથી). “ગાંધીજી તો વહેવારુ હતા”….  (એટલે કે નરેન્દ્ર મોદી વહેવારુ નથી એ વાત આપોઆપ સિદ્ધ થઈ ગયેલી માનો).

સ્વદેશીને સાપેક્ષવાદના પરિપેક્ષ્યમાં ન જુઓ. આપણે તો મહા વિદ્વાન અને તટસ્થ છીએ એટલે નિરપેક્ષતામાં માની છીએ, પણ શબ્દોની રમત ચાલુ રાખો. “સ્વદેશી, આત્મનિર્ભરતા, જમાનાની જરુરીયાતો, જમાનાના સંજોગો, ભણતર બધું જે કંઈ સવાસો વર્ષ પહેલાં હતું તેમાંનું આજે બધું બદલાઈ ગયું છે. ગાંધીજીએ કોમ્પ્યુટર ક્યાં જોયું હતું? … “હેં?

“ગાંધીજીનું સ્વદેશીનું સૂત્ર આજના જમાનામાં અસરકારક ન ગણાય. બધું જ પરિવર્તનશીલ છે… ” એવું ઠોકો. “આજના જમાનામાં સ્વદેશી રહેવું પોષાય નહીં. આધુનિક શસ્ત્રો અમેરિકા પાસે થી લેવા જ પડે. અને અમેરિકાએ આપણી પાસે દવાની ભીખ માંગવી પડે. હે મોદી સાહેબ, તમને સત્તા મળી ગઈ એટલે બધું જ્ઞાન પણ મળી ગયું એવું ન માનો. …”.

હવે આપણે થોડી રાજીવ ગાંધીભાઈની પ્રશંસા કરી નાખીએ. તેમની આર્ષ દૃષ્ટિનું વિવરણ નહીં કરીએ. કારણકે એમાં તો ક્યાંક આપણે જ ફસાઈ જઈએ એવી શક્યતા છે. આપણે કંઈક બભમ બભમ કહીએઃ

“આવતી કાલનું ભારત કેવું હોય અને કેવું હોવું જોઇએ તે બાબતનો સૌથી સચોટ અને સૌથી વધારે સ્વિકાર્ય ખ્યાલ રાજીવ ગાંધીએ ૧૯૮૫માં આપ્યો હતો. આજે ભલે એક પેઢી પૂરી થઈ ગઈ હોય. પણ રાજીવ ગાંધીનું આ ઉદ્‌બોધન આજે ય એટલું જ ચોટડૂક (ચોંટેલું) અને એટલું જ પ્રેરણાદાઈ છે…..”

આમાં આપણે સમજવું શું?

આ તો ૧૯૮૫ની વાતો છે. મીસ્ટર ક્લીને યુનીયન કાર્બાઈડના એન્ડરસનને સરકારી વાહનમાં બેસાડી ભગાડી દીધેલ. તે વાતને દબાવી દીધેલી. પણ અહીં એ વાત અસ્થાને છે. જો કે આમ તો આર્ષદૃષ્ટા માણસ માટે અનીતિના દુષ્પરિણામોની આર્ષ દૃષ્ટિ હોવી જોઇએ. પણ એ વાતને જવા દો. રાજીવભાઈએ કરેલું શું? તેમના આઈડીયાઓ કેવા હતા?

તેઓ દેશમાં ડીજીટલ ઈલેક્ટ્રોનિક્સની ક્રાંતિ લાવેલા?  તેઓ દેશમાં કોમ્પ્યુટર લાવેલા? તેઓ દેશમાં સોફ્ટવેર લાવેલા?

ના જી.  ડીજીટલ ટેલીફોન એક્સચેન્જ ના ઓર્ડર નો પાયો તો ૧૯૭૮માં નંખાયેલો. ડીજીટલ ટેલીફોન એક્સચેન્જ સોફ્ટવેર પ્રોગ્રામ આધારિત હોય છે. સ્ટ્રોર્ડ પ્રોગ્રામ કન્ટ્રોલની ટ્રેનીંગ ૧૯૭૮માં “એડવાન્સ લેવલ ટ્રેનીંગ સેન્ટર” ગાઝીયાબાદમાં શરુ થઈ ગયેલી. સોફ્ટવેર વગર ડીજીટલ ટેલીફોન એક્સચેન્જ ચાલે જ નહીં. ડીજીટલ ટેલીફોન એક્સચેન્જ માટે ડેડીકેટેડ કોમ્પ્યુટર એક ટેસ્ટીંગ પેરીફેરલ હોય છે. એટલે કોમ્પ્યુટર પણ તાજા જન્મેલા બાળક જેવા ન હતા. તમે જ્યારે ડીજીટલ ઈલેક્ટ્રોનીક્સને લાવો એટલે પર્સનલ કોમ્પ્યુટર આવેલા જ હોય છે. વરસાદ પડે એટલે નદીમાં પાણી આવે જ. પહાડો ઉપર ધોધ પડવા શરુ થાય જ. સમયનો સવાલ છે. પણ જે આવવાનું છે તે આવવાનું જ છે.

વાત એમ છે કે રાજીવભાઈએ કોમ્પ્યુટર માટે કેટલીક છૂટછાટ આપેલી. જે આમ તો હાસ્યાસ્પદ હતી. રાજીવભાઈની કોમ્પ્યુટર વિષેની અજ્ઞાનતા દર્શાવતી હતી.

શું હતી આ છૂટ છાટ?

computer paper

તે વખતે ભારતમાં કદાચ મોટેભાગે, પ્રીન્ટર સાથે કન્ટીન્યુઅસ (સળંગ) અને ડાબી-જમણી કિનારીઓ ઉપર પરફોરેટેડ (કાણાવાળો) પેપર વપરાતા હતા. કદાચ રાજીવભાઈનો અને સરકારી અફસરો નો ખ્યાલ એવો હતો કે આવો સળંગ પેપર જ કોમ્પ્યુટરયુગની ઓળખ છે. આ પેપરની રચના એવી હોય છે કે, એક તો તે સળંગ હોય, તેની બંને કિનારઓ ઉપર કાણાઓ હોય છે, જેથી જ્યારે પ્રીંટ થતો હોય ત્યારે તે પેપર સીધો રહે. આવા પેપરને ટેક્ષમાંથી મૂક્તિ આપવામાં આવી હતી. હજી પણ બેંકો આવા પેપર વાપરે છે. બેંકોના કર્મચારીઓને કે સાહેબોને એટલું પ્રાથમિક જ્ઞાન પણ હોતું નથી કે પેપર ના માર્જીન (હાંસીયા) સેટ કરી શકાય છે.  ફોન્ટને પણ સેટ કરી શકાય છે.. આમ કરશું તો જે પ્રીન્ટ થયું છે તેનો અર્થ સરશે. પણ આ તો અલગ વાત છે. આપણા રાજીવ ભાઈ ના કોમ્પ્યુટરના ખ્યાલ કંઈક આવા હતા.

ટેક્નોલોજી હમેશા વિકસતી જ હોય છે. જેઓ તેના ઉપયોગ સાથે સંકળાયેલા હોય છે તેમને ટેક્નોલોજીની નવી નવી ક્ષમતાઓની ખબર હોવી જ જોઇએ. આ ક્ષમતાના ક્ષેત્ર વિષે વિચારીએ તો આપણે અચૂક કહી શકીએ કે રાજીવભાઈ તેમના જમાનામાં રહેલી ટેક્નોલોજીની ક્ષમતા જેટલી હતી અને તે ક્ષમતા વિષે તેમનું જે જ્ઞાન હતું, તેના કરતાં નરેન્દ્ર મોદી હાલમાં પ્રવર્તમાન ટેક્નોલોજીની જે ક્ષમતા છે તેના વિષે વધુ જાણે છે.

આ એક બહુ જ મહત્ત્વની વાત છે. સામાન્ય રીતે મોટા મોટા અધિકારીઓ પણ, ભલે પછી તે કોઈ પણ ક્ષેત્રના હોય, તેઓ પોતે પોતાને શું જોઇએ છે તે વિષે જાણતા હોતા નથી. તકનિકી ક્ષમતાની તો વાત ક્યાં કરવી! આવા અધિકારીઓમાં ઉચ્ચ સરકારી અફસરો સહિતના, અફસરો પ્રથમ ક્રમે આવે છે.

સંરક્ષણ ક્ષેત્રમાં સ્વાવલંબનઃ

આની કલ્પના તો નહેરુને ચીનના ભારત ઉપરના સરળ વિજય પછી લાધી હતી. તે માટે તેમણે સંરક્ષણ ખાતાને બે વિભાગમાં વહેંચ્યું હતું. તેમાનું એક સંરક્ષણ ઉત્પાદન ખાતું હતું. આ તો લાંબી વાત છે. પણ તડ-ફડ વાળા ભાઈ ભૂલી ગયા લાગે છે. નહેરુનો આ રાજકારણીય નિર્ણય હતો. ઓળઘોળ કરીને યુદ્ધની હારનો દોષનો ટોપલો મેનનને માથે નાખી દીધેલો. પણ મેનન તો એમના પાકા ગલગલતા મિત્ર હતા. મેનનને હટાવવાના દબાણને કારણે કેવીરીતે હેમખેમ બહાર આવવું એ નહેરુની સમસ્યા હતી. આ વાત લાંબી છે અને અહીં અપ્રસ્તુત છે. સંરક્ષણ બાબતમાં સ્વાવલંબન સિદ્ધ કરવાનો સંકલ્પ ૧૯૬૨નો છે.

સંરક્ષણ બાબતમાં કેટલું સ્વાવલંબન સિદ્ધ થયું તે બાબત, આ શતાબ્દીના પ્રથમ દશકામાં સેનાએ જ્યારે સંરક્ષણ યંત્રોના સ્પેરપાર્ટ્સની તંગીની વાત રજુ કરી, તેના ઉપરથી ખ્યાલ આવી શકે છે.

ભારતમાં બૌધિક ગરીબાઈ છે?

આપણો દેશ બૌધિક સંપત્તિમાં (ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટીમાં) ગરીબ નથી. નવી શોધખોળો માટે સક્ષમ છે. “ટેક્નોલોજી ટ્રાન્સફર સાથે ભારત સંરક્ષણ ક્ષેત્રે જોઇએ તેવું ઉત્પાદન કરવા સક્ષમ છે.

ભારત માટે ખાટલે ક્યાં ખોટ છે.

ભારતમાં સામાજીક અને રાજકીય સમસ્યાઓ અને તે પણ “કોંગી”એ અને તેના સાંસ્કૃતિક સહયોગીઓએ તેઓની પ્રાથમિકતા સ્વકેન્દ્રી હોવાને કારણે ઉભી કરેલી છે.

ગાંધીજી, વિનોબા અને નરેન્દ્ર મોદીના સ્વદેશી (સ્વાવલંબનમાં) ભીન્નતા શું છે?

સૈદ્ધાંતિક રીતે કશી જ નહીં. ગાંધીજી પણ સંરક્ષણ ક્ષેત્રે સ્વવલંબનમાં માનતા હતા. તેઓ એ કહ્યું હતું કે જ્યારે બીજા દેશો અદ્યતન શસ્ત્રોથી સજ્જ હોય ત્યારે આપણે અહિંસાની વાત ન કરી શકીએ. જ્યારે પાકિસ્તાને કાશ્મિર ઉપર આક્રમણ કર્યું ત્યારે સરદાર પટેલ અને નહેરુ ગાંધીજીની સલાહ લેવા ગયા. ગાંધીજીએ ઘડીનો પણ વિલંબ કર્યા વગર કહી દીધું કે કાશ્મિરનુ રક્ષણ કરવું આપણી ફરજ છે.

ગાંધીજી લોકોની અપેક્ષાઓને સમજતા હતા. વિનોબા ભાવે થોડા નિરપેક્ષતા વાદી હતા. કેટલાકના મત પ્રમાણે, વિનોબા ભાવે પ્રત્યે, લોકોની અપેક્ષા શું છે તે વાત તેઓ સમજતા ન હતા. તો કેટલાકના અભિપ્રાય પ્રમાણે લોકોની અપેક્ષાઓને તેઓ સમજતા હતા પણ તે પ્રમાણે તેઓ પોતાની જાતને ઢાળવા માગતા ન હતા. ગાંધીજી અને વિનોબા બંને, કોઈ વાદમાં માનતા ન હતા. વિનોબા ભાવે “વાદ”ને બૌદ્ધિક પછાતપણુ માનતા હતા.

નરેન્દ્ર મોદી, ગાંધીજીના “સ્વદેશી”થી અજ્ઞાત નથી. અને લોકોની તેમના પ્રત્યેની અપેક્ષાઓને પણ તેઓ સમજે છે. નરેન્દ્ર મોદી પોતાના કામના પ્રચારમાં પણ માને છે. જ્યારે જનતાનો પ્રાભાવિક હિસ્સો અજ્ઞાની અને ગરીબ હોય ત્યારે પ્રચાર જરુરી બની જાય છે. જો તમે આમ ન કરો તો તમારા વિરોધીઓ તેનો લાભ લઈ જઈ શકે છે. આ વાતની અનુભૂતિ આપણને ૨૦૦૪ની ચૂંટણીના પરિણામોમાં જોવા મળી હતી. સમાચાર માધ્યમોનો વ્યાપ અતિ વિશાળ હોવા છતાં કોંગીઓ કેવી કેવી અફવાઓ ફેલાવે છે તે આપણે જાણીએ જ છીએ. ટકી રહેવા માટે પણ  પ્રચાર આવશ્યક બની જાય છે.

શું ૧૦૦ ટકા સ્વદેશી વાપરવું આવશ્ય્ક છે?

૧૯૭૭માં જ્યારે જનતા પક્ષની સરકાર આવી ત્યારે મોરારજી દેસાઈએ ખાદીને સરકારી સંસ્થાઓ માટે ફરજીયાત બનાવી હતી. આ વાત ઘણા અર્થશાસ્ત્રીઓને પસંદ ન હતી. તેઓ કહેતા હતા કે જો બધા જ ખાદી પહેરશે તો પછી મીલનું કાપડ વાપરશે કોણ. જવાબ હતો, કે તેની નિકાસ કરો. હુંડીયામણ મળશે. વળતો સવાલ હતો, કે તો પછી આટલા બધા હુંડીયામણને દેશ કરશે શું? આ બેહુદો સવાલ હતો.

નરેન્દ્ર મોદી પણ ખાદી ગ્રામોદ્યોગના ઉત્પાદનના વપરાશને સરકારી ખર્ચાઓમાં ફરજીયાત બનાવી શકે છે. સરકારી નોકરો તેમજ જે સંસ્થાઓ સરકારી સબ્સીડીઓ લે છે તે સૌ માટે પણ સ્વૈચ્છિક રીતે ખાદી પહેરવાની અને ગ્રામોદ્યોગ-વપરાશની ભલામણ કરી શકે છે. ગરીબીને તાત્કાલિક રીતે દૂર કરવાનો આ એક માત્ર રસ્તો છે. કોંગી માટે આ રસ્તો હાથવગો હતો. પણ તેને તો માત્ર દંભ કરવો હતો અને તેની પ્રાથમિકતા માત્ર સત્તા જ હતી.

અન્ન વસ્ત્ર અને રહેઠાણમાં જો ફરજીયાત સ્વાવલંબી થઈએ તો બાકી શું રહેશે?  સરકાર માટે તો ઘણું બાકી રહેશે. પણ જો જનતા સ્વાવલંબી બનશે તો જનતામાંથી આવતા નોકરો જેઓ સરકાર ચલાવે છે તેઓમાં સ્વાવલંબનની ધગશ ઉત્પન્ન થશે.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

(તાતસ્ય કૂપોયમીતિ બ્રુવાણા ક્ષારં જલં કા પુરુષા પિબન્તિ) અર્થાત્‌

તાતસ્ય કૂપઃ અયમ્‌ ઈતિ બ્રુવાણાઃ

ક્ષારં જલં કા પુરુષા પિબન્તિ

(આ કૂવો તો બાપાનો છે. માટે ભલે આ કૂવાનું પાણી ખારું હોય તો પણ પીવો. આવું કાપુરુષ કરે છે.)

દાખલોઃ

૧૯૭૦ના દશકામાં વિકસિત દેશો તેમના ક્રોસબાર ટેલીફોન એક્સચેન્જો ને ભંગારમાં નાખતા હતા ત્યારે ઇન્દિરા ગાંધી દેશમા ક્રોસબાર ટેલીફોન એક્સચેન્જો બનાવતી,(અને આયાત પણ કરતી હતી).

Read Full Post »

નહેરુવીયન કોંગ ઊંટ કહે આ સમામાં …. ભાગ – ૨

આમ તો નહેરુવીયન કોંગ્રેસનો એકડો ભૂંસાઈ જવાની અણી ઉપર છે. પણ આ કોંગ્રેસે લગભગ છ દાયકા ભારત ઉપર રાજ કર્યું અને તેમાં પણ ૩૦ વર્ષ નિરપેક્ષ બહુમતિથી તથા બે વર્ષ સરમુખત્યારીથી અને બાકીના વર્ષ બહુમતિથી રાજ કર્યું. એટલે તેને હુકમ કર્યા વગર નવરા બેસવું ગમે નહીં. આમ તો તેની પાસે સાતપેઢી તો શું સીત્તેર પેઢી સુધી ચાલે તેટલા પૈસા છે. સત્તામાં રહેવાથી જે ધન સંચયમાં વૃદ્ધિ થયા કરતી હતી તે અટકી ગઈ તેનું તેને દુઃખ ખરું. તે દુઃખને ભૂલવા માટે તેણે કંઈક તો કરવું જ જોઇએ.

પૈસા હાથવગા હોય તો શું અશક્ય છે?

૭૦ પેઢી કોણે જોઇ છે? નહેરુ, જોકે આમ તો પોતાને બ્રાહ્મણ તરીકે પરોક્ષ રીતે પોતાની ઓળખ આપતા હતા પણ બ્રાહ્મણીય પ્રણાલીથી ઉંધું તેમને બાર પેઢી તો શું પાંચ પેઢીના નામ પણ ગોત્યા જડતા ન હતાં (બ્રાહ્મણોમાં દશથી બાર પેઢી સુધી યાદ રાખવું જરુરી મનાય છે. જુઓ મારી પેઢીઓ). એટલે ૭૦ પેઢીની ચિંતા કરવાની જરુર નથી એમ વિચારી સમાચાર માધ્યમોને સાધ્યા હતા. અને આ પ્રમાણે કદાચ પાયો બનાવ્યો.

સમાજવાદી (સામ્યવાદી) વિચારધારાવાળાઓ માટે પ્રચાર લીલા એ મહત્વનું શસ્ત્ર છે. ક્રુશ્ચોવે નહેરુને આ બાબતનો એકડો ઘુંટાવેલો. સમાજવાદી વિચારધારા રાખવી, તે જમાનાની ફેશન હતી. નહેરુએ તો નિરપેક્ષ બહુમતિથી રાજ કરેલ કારણ કે તેમના કરતાં તેમની ટીમ વધુ જોરદાર હતી. જે ખાતાં નહેરુએ પોતાના હસ્તક રાખેલા તેમાં તો તેમણે ભાંગરો જ વાટેલો જેના પરિણામો આપણે આજે પણ ભોગવીએ છીએ.

પ્રચારલીલા કરવાની જરુર ઇન્દિરા ગાંધીને પડેલી.

લોકશાહી એ કોઈ નિરપેક્ષ વ્યવસ્થા નથી. લોકોનો શાસક ઉપરનો કાબુ જેટલો વધુ તેટલી લોકોની શક્તિ વધુ કહેવાય. પણ શાસકો ઉપર કાબુ ધરાવતા લોકોમાં “તૂંડે તૂંડે મતિર્ભીન્ના” એવું હોય છે. એટલે બધાના અભિપ્રાયો જુદા જુદા હોય છે.

જનતામાંના મોટા ભાગનાઓને એકમત કરવા માટે તેના પરિબળોને સમજવા જરુરી હોય છે.

જો શાસક, લોકોમાં વિશ્વસનીય થાય તો શાસક જે અભિપ્રાય ધરાવે તે મોટે ભાગે જનતામાં સ્વિકાર્ય બને. આ વિશ્વસનીયતા ત્યારે જ આવે જ્યારે શાસક અન્ન, વસ્ત્ર અને રહેઠાણની વ્યવસ્થામાં સુધાર લાવે. આ માટે શિક્ષણનો પ્રસાર, કામની તકો અને માળખાકીય સુવિધાઓ વધવી જોઇએ. આ માટે શાસકે દૃઢ સંકલ્પવાળા, કુશળ અને નીતિમાન બનવું પડે. પણ જો વ્યક્તિ કે તેનો એક નાનો સમૂહ કોઈ ખાસ મહેનત વગર જ સત્તા ઉપર આવી જાય ત્યારે તેને મુશ્કેલીઓ પડે. આ મુશ્કેલીઓ ચૂંટણી સ્વરુપે આવે છે.

મુડીવાદી લોકશાહી અને સમાજવાદી (સામ્યવાદી) લોકશાહી

મુડીવાદી લોકશાહી અને સમાજવાદી લોકશાહી એ બંને વિષે સામાન્ય વ્યક્તિને ખાસ ફેર પડતો નથી સિવાયકે તે પોતે શાસનનો હિસ્સો બને.

મૂડીવાદી લોકશાહી એ સરખામણીમાં પારદર્શી છે. તે ઉપરાંત અભિવ્યક્તિની પૂરી છૂટ છે સિવાય કે કોઈની અંગત સ્વતંત્રતા જોખમાતી હોય.

સમાજવાદી (સામ્યવાદી) લોકશાહીમાં મોટેભાગે બધું અપારદર્શી હોય છે.

મુડીવાદી લોકશાહીમાં પક્ષો ખુલ્લી રીતે જોઈ શકાય છે. આ પક્ષો ખૂલ્લી રીતે એકબીજા સામે અથડાય છે. સમાજવાદી (સામ્યવાદી) લોકશાહીમાં પણ પક્ષો હોય છે પણ તે અપારદર્શી હોય છે. તેઓ પક્ષની અંદર જુથ તરીકે ઓળખાય છે.  એટલે જેઓ માં’ય પડ્યા છે તેઓ જ આ જુથોને જોઈ શકે છે. અને નથી પણ જોઈ શકતા એવું પણ બને છે.

મુડીવાદી લોકશાહીમાં નેતાઓ કાયદેસર સુખ માણે છે, અને ગેરકાયદેસર રીતે મહાસુખ માણે છે. તેથી જ્યારે તેમની ગેરકાયદેસરતા પકડાઈ જાય ત્યારે તેઓ શાસનમાંથી ફારેગ થાય છે. સમાજવાદી (સામ્યવાદી) લોકશાહીમાં નેતાઓ જેઓ “માં’ય” પડ્યા છે તેઓ જ મહાસુખ માણે છે.  સમાજવાદી (સામ્યવાદી) લોકશાહીમાં શાસન સત્તામાંથી ફારેગ થવા માટેનો કોઈ માપદંડ નથી.

એટલે આ બંને કહેવાતા વાદમાં સામાન્ય માણસ માટે ખાસ ભેદ હોતો નથી. જે લોકશાહીમાં સત્યનો આદર થાય એવી પ્રણાલી સ્થપાય તેને વાસ્તવમાં લોકશાહી કહેવાય.

સત્યનો આદર ક્યારે થાય?

જો માહિતિ ઉપલબ્ધ હોય તો, સંવાદ થાય. સંવાદ થાય તો ચર્ચા શક્ય બને. ચર્ચા શક્ય બને તો સત્ય પરખાય.

પણ માહિતિ ઉપલબ્ધ કેવી રીતે થાય?

જો વહીવટમાં પારદર્શિતા હોય તો માહિતિ ઉપલબ્ધ થાય.

આ પ્રમાણે માહિતિનો અધિકાર લોકશાહી સાથે એકરુપ થયેલો અને સહજ (સાથે જન્મેલો) અધિકાર છે. જો તમે કોઈને એક કામ માટે નિયુક્ત કર્યો હોય અને તેનું મહેનતાણું પણ નક્કી કર્યું, તો તમારો એ જાણવાનો કુદરતી હક્ક છે કે તમે સોંપેલું કામ તે કેવી રીતે કરશે અને કેવી રીતે કર્યું. તમે એક નોકર રાખ્યો અને તેને શાક લાવવા માટે મોકલ્યો, તો તમારો એ પૂછવાનો હક્ક છે કે તે શાક લેવા કેવી રીતે ગયો, ક્યાં ગયો, કેટલું શાક કયા ભાવે લીધું અને કેવું લીધું? આને માટે કોઈ કાયદાની જરુર નથી. તેવી રીતે માહિતિ અધિકાર માટે જુદા કાયદાની જરુર નથી.

શાસક ઉપર નજર કોણ રાખી શકે?

શાસક ઉપર જનતા નજર રાખી શકે. આ માટે સરકારે કેટલીક માહિતિ “ઓન લાઈન” રાખેલી છે. બીજેપી શાસિત રાજ્યોમાં આ દિશામાં ઘણી પ્રગતિ થઈ છે. જનતાભિમુખ લોકશાહીની દિશામાંનું આ એક મહત્વનું પગથીયું છે. દિશા સાચી છે, પણ આ બાબતમાં મજલ બહુ લાંબી છે. સમયનો સવાલ છે.

આ સમય દરમ્યાન શું થઈ શકે?

આ જવાબદારી  નિભાવવાની જવાબદારી વિરોધ પક્ષની છે. કારણ કે તે પણ વેતન તો લે જ છે.

ધારો કે એક શેઠે એક નોકર રાખ્યો. શેઠે તેને કહ્યું “જા લઈ આવ”

નોકરે કહ્યું “શું લાવું?”

શેઠે કહ્યુઃ “સામા સવાલો કરે છે? કહ્યું ને કે જા લઈ આવ.”

નોકરે કહ્યું; “અરે પણ એ તો કહો કે શું લાવું?”

શેઠે કહ્યું; “જા તને નોકરીમાંથી છૂટો કરીએ છીએ”

નોકરે કહ્યુઃ “અરે પણ મારો કોઈ ગુનો?”

શેઠે કહ્યુઃ “તું કામ નથી કરતો …. માટે તને દંડ રુપે ફારેગ કરવામાં આવે છે”

લોકશાહીમાં તમે શેઠ છો. તમે બે નોકર રાખ્યા. એક નોકર જે વધુ હોશિયાર અને કુશળ લાગ્યો તેને તમે બધું કામ કરવાનું સોંપ્યું (જેમકે બીજેપી). અને બીજા નોકરને એ કામ સોંપ્યું કે તે બધું જુએ અને તમને જણાવે (જેમકે નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓને જનતાએ બીજા નોકર તરીકે રાખ્યા છે).

શરુઆતમાં તમે આ બીજા નોકરને “કામ કરવાનું” કામ સોંપેલ. પણ તે નપાવટ નિકળ્યો. તે પૈસા ચાઉં કરી જતો હતો. તમારા પૈસે તમારા કરતાં લાખ ગણો પૈસાદાર થઈ ગયો. તે હમેશા સિફત પૂર્વક ખોટું બોલતો હતો. મોટે ભાગે તો કામ જ ન કરે. પાડોશીઓ સાથે અને પાડોશી નોકરો સાથે ઝગડા કરે અને ચોરટા નોકરો સાથે મળીને તમને ખાલી કરવાના પ્લાન કરતો હતો, અને તમને પારાવાર નુકશાન પણ પહોંચાડતો હતો. જ્યારે તેની નોકરીને રીન્યુ કરવાનો સમય આવે ત્યારે પ્રપંચ કરીને આ નોકર, જે નોકર “કામ કરવાનું “ પદ લેવા ઉત્સુક હોય તેની વિષે અફવાઓ એવી સિફત પૂર્વક તમારી આગળ ફેલાવતો કે તમારી પાસે ઓછી માહિતિ હોવાથી તમે, “મેલ કરવત મોચીના મોચી” જેવું કરતા. તમે ઘણું દરગુજર કરેલું. સુદૂરના વિદેશીઓ તમારી મૂર્ખતાથી અને અજ્ઞાનતાથી આશ્ચર્ય પામતા. તમારી આબરુના અને તમારા ઘરની આબરુના કાંકરા થઈ ગયેલા.  એક વખત તો આ નોકરે તમને ૧૮ માસ સુધી એક કમરામાં પૂરી દીધેલ કે તમે સૂર્યનો પ્રકાશ પણ ન જોઇ શકો. ૬૦ વર્ષેને અંતે તમે ત્રસ્ત થઈને આ નોકરને કામ કરવામાંથી ફારેગ કર્યો.

લોકશાહીમાં તમે એક વ્યક્તિ નથી. તમે તો અનેક છો. એટલે પરિસ્થિતિ એવી થઈ કે પેલા નપાવટ નોકરને તમારે પેલા કુશળ નોકર ઉપર નજર રાખવાનું કામ સોંપવું પડ્યું. હવે તો તેને પેલા કામગરા નોકરને વગોવવા સિવાય કશું કામ જ ન રહ્યું. હા એક વાત ખરી કે તે ગેરકાયદેસર પૈસા બનાવતો અટકી ગયો. મહાત્મા ગાંધીએ તો તમને ચેતવ્યા જ હતા. પણ તમે ક્યાં સમજી શકો તેમ હતા !! તમે તો વિભાજિત હતા અને આ નોકરે તમને વધુ વિભાજિત કરેલ.

હવે તમે જુઓ કે શું થાય છે !!

ન્યાયાલયમાં એક કેસ આવ્યો.

હજી દાખલ થયો નથી.

વકિલાત નામુ રજુ કર્યું છે કે નહીં તેની ખબર નથી.

ફરીયાદી કહે છે કે “અ” સામે મારો આરોપ છે કે તે ચોર છે અને નીતિભ્રષ્ટ છે.

ન્યાયધીશ કહે છે. ઓકે. લાવો તમારી ફરીયાદ.

ફરીયાદી કહે છે “ફરીયાદ હું પછી આપીશ. તમે પહેલાં આ આરોપીને દંડિત કરો”

ન્યાયાધીશ કહે છે; “ અરે ભાઈ, આરોપીને દંડવા માટે તમારે પહેલાં ફરીયાદ તૈયાર કરવી પડે. તેમાં તમારે વિગતો લખવી પડે. તમારી વિગતો મારે જોવી પડે. મને પ્રાથમિક રીતે લાગવું જોઈએ કે આ ચલાવવા જેવો કેસ છે. પછી મારે આરોપીને નોટીસ આપવી પડે. એનો જવાબ લેવો પડે. પછી કેસ ચલાવવો પડે. સામસામી દલીલો થાય. એ પછી જ મારાથી ન્યાય કરી શકાય.

ફરીયાદી કહે છે. “ ના સાહેબ. એ બધું પછી કરજો. પહેલાં તમે આરોપીને સજા કરો. આવું નહીં કરો તો હું તમારી કોર્ટ ચાલવા નહીં દઉં.”

ન્યાયાલયમાં જજ શું એમ કહેશે કે હા ચાલો, હું તેને જેલમાં પૂરી દઉં છું. પછી નિરાંતે આપણે કેસ ચલાવીશું?

નાજી ન્યાયધીશ એવું નહીં કહે.

પણ આ આપણા નહેરુવીયન કોંગી નેતાઓ એવું કહેશે.

તેમણે કહ્યું

“પહેલાં વસુંધરા રાજે મુખ્ય પ્રધાન પદેથી દૂર થાય,

“પહેલાં સ્મૃતિ ઇરાની પ્રધાન પદેથી દૂર થાય,

“પહેલાં શિવરાજ પાટીલ મુખ્ય પ્રધાન પદેથી દૂર થાય,

“પહેલાં સુષ્મા સ્વરાજ પ્રધાન પદેથી દૂર થાય,

પછી જ અમે લોકસભા અને રાજસભા ચાલવા દઈશું. લોકસભામાં તો તેઓ લઘુમતિમાં હતા અને તેમણે અસભ્ય વર્તણુંક કરી એટલે સ્પીકરે તેમને સસ્પેન્ડ કર્યા.

પણ આ નહેરુવીયન કોંગીઓએ રાજ સભા તો ચાલવા જ ન દીધી કારણ કે ત્યાં બીજેપીની બહુમતિ નથી. નહેરુવીયન કોંગી નેતાઓએ કહ્યું કે પહેલાં અમે જેની ઉપર આરોપ મુકીએ છીએ તેને દંડિત કરો (પ્રધાનપદે થી દૂર કરો).

સંસદ શા માટે છે?

સંસદ ચર્ચા માટે છે. માહિતિ સભર ચર્ચા અને તાર્કિક ચર્ચા એ સંસદની ગરિમા છે. પણ જો નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ સંસદની આ ગરિમા સાચવવા જ તૈયાર ન થાય તો તેમને માટે કયા શબ્દો વાપરી શકાય?

આ એજ નહેરુવીયન કોંગ્રેસીઓ છે જેમણે સર્વોચ્ચ ન્યાયાલયના આદેશ છતાં કાળાનાણાની તપાસ માટે સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમ બનાવી ન હતી.

તમે કહેશો કે ઘણા પ્રધાનો પોતાની ઉપર આરોપો થતાં પ્રધાન પદેથી પોતાને દૂર કર્યા હતા. તો પછી બીજેપીના પ્રધાનોએ આ પ્રમાણે શા માટે ન કરવું?

વાસ્તવમાં આ તર્ક અહીં લાગુ પડતો નથી. હા એક વાત ખરી કે એક હાથની આંગળીઓથી ગણી શકાય તેટલી સંખ્યામાં નહેરુવીયન સરકારોના પ્રધાનોએ રાજીનામા આપ્યાં છે. પણ એ બધાં રાજીનામા સરકારે જ નીમેલી સંસ્થાઓએ આપેલ રીપોર્ટમાં તેમને દોષી દર્શાવાયેલા એટલે તેમને રાજીનામાં આપવા પડેલ.

એવા પારાવાર કિસ્સાઓ છે કે જેમાં તપાસ સમિતિના રીપોર્ટ પ્રમાણે દોષી હોય તો પણ અને અથવા ન્યાયાલયે દંડિત કર્યા હોય તો પણ  નહેરુવીયન કોંગ્રેસના પ્રધાનોએ રાજીનામાં આપ્યા ન હતા. આના સૌ પ્રથમ દોષી નહેરુ પોતે હતા. જેમાં મિત્ર પ્રધાન વીકે મેનન અને જીપ કૌભાંડ એમ હતું. તે વખતે વિપક્ષે “તપાસ સમિતિ” નિમવાની વાત કરેલી. તો નહેરુએ કહેલ કે તમે આ મુદ્દા ઉપર આગામી ચૂંટણી લડજો.

લાંબી વાત ન કરીએ તો ઇન્દિરા ગાંધીને ઉચ્ચન્યાયાલયે દોષી ઠેરવેલ અને તેમને સંસદ સદસ્ય માટે છ વર્ષ માટે અયોગ્ય ઠેરવેલ. તેમણે ધરાર રાજીનામુ ન આપેલ અને બીજા હજારોને કેસ ચલાવ્યા વગર જેલમાં ગોંધેલ.

નહેરુવીયનો ગળથુથીમાંથી શિખ્યા છે

ગુનો થયા વગર, કેસ દાખલ થયા વગર, આરોપનામુ દાખલ થયા વગર, કેસ ચલાવ્યા વગર, આરોપીને જેલની સજા કરી દેવી એ આચાર, નહેરુવીયન કોંગી નેતાઓ ગળથુથીમાંથી શિખ્યા છે. આ પ્રણાલી તેમણે પોતાના વિરોધીઓ ઉપર હમેશા લાગુ કરી છે. એટલે જો તેઓ વિપક્ષમાં હોય તો પણ તેઓ કેસ સાંભળ્યા વગર વ્યક્તિને સજા કરવા ઉપર આંદોલન કરે તો તેનાથી જનતાને આશ્ચર્ય થવું ન જોઇએ. નહેરુવીયન કોંગ્રેસીઓ તેમના વિરોધીઓના માનવ-અધિકારોમાં કે કુદરતી અધિકારોમાં માનતા નથી.

નહેરુવીયન કોંગ્રેસીઓએ જોયું કે આપણે જે કંઈ મુદ્દઓ ઉઠાવીએ છીએ તેમાં કશો દમ હોતો નથી. એટલે તેની ચર્ચા તો ન જ થઈ શકે. કારણ કે જો ચર્ચા કરવા જઈશું તો આપણા મુદ્દાથી સો ગણા મોટા મુદ્દા આપણી સામે ઉભા થાય છે અને એક આંગળી આપણે ચીંધવા જઈએ છીએ તો સો આંગળી આપણી સામે ચીંધાય છે. એટલે ચર્ચા થી તો બાર ગાઉ છેટા જ રહેવું સારું.

જીન્ના સાહેબની જેમ ડાયરેક્ટ એક્સન ન જ કરો.

જીન્નાનું “ડાયરેક્ટ એક્સન” તો જ્યાં મુસ્લિમો માટે શક્ય હોય ત્યાં તેઓએ “હિન્દુઓની કતલ કરવી” એમ હતું. જો નહેરુવીયન કોંગ્રેસીઓ આવું કરવા જાય તો તો “કાયદો એનું કામ કરે” અને આ જાતનું આંદોલન તો “આ બૈલ મુઝે માર” એના જેવું થાય.

આંદોલનનો હેતુ જનતામાં જાગૃતિ આવે અને જનતા સમસ્યાને સમજવા માંડે, એ હોય છે. જ્યારે આંદોલનકારી પ્રદર્શન કરે ત્યારે તેના હાથમાં પ્લે-કાર્ડ હોય તેના ઉપર કંઈક લખ્યું હોય. જનતા તે વાંચે. વળી તમે ભાષણ દ્વારા જનતાને વધુ માહિતિ આપો. એટલે જનતાને શાસકની ક્ષતિઓ દેખાય. જનતાને અસંતોષ થાય. જનતાને શાસક પક્ષ પ્રત્યે અસંતોષ થાય એટલે ઘૃણા પણ થાય. આ ઘૃણાને લીધે તે ચૂંટણીમાં જનતા શાસક પક્ષને મત ન આપે. ટૂંકમાં આંદોલનનો હેતુ જનતામાં શાસક પ્રત્યે ઘૃણા ઉત્પન્ન કરવાનો છે.

આંદોલન એટલે શું અને તે કેવું હોવું જોઇએ તે વિષે જનતાને જ્ઞાન નથી. બધાએ ગાંધીજીને વાંચ્યા હોતા નથી. જેઓએ વાંચ્યા છે તેમના મોટા ભાગનાઓ તેમને સમજ્યા નથી કે સમજવા માગતા નથી. એટલે જે સામુહિક આચારો, ધમાલ અને સામાન્ય જીવનમાં અરાજકતા ઉભી કરે તેને આંદોલન માની લેવામાં આવે છે. અને તેને લોકશાહીનો ગુણ અને હક્ક માની લેવામાં આવે છે.

બીજેપી વિરોધીઓ માટે “ચર્ચા” એ આત્મહત્યા નો રસ્તો છેઃ

નહેરુવીયન કોંગ્રેસીઓએ રાજસ્થાનમાં દશકા અગાઉ એક જ્ઞાતિને અનામત અપાવવા માટે ધમાલો કરીને સામાન્ય જનજીવનમાં અરાજકતા ઉભી કરી દીધેલી. બીજેપીએ સત્તા ગુમાવેલી.

આને પરિણામે ગુજરાતમાં પણ નહેરુવીયન કોંગી નેતાઓની દાઢ સળકી. નહેરુવીયન કોંગીઓને લાગ્યું કે મુદ્દાઓ વિષે ગુણવત્તાના આધારે ચર્ચા કરવી એ આત્મહત્યા નો રસ્તો છે. હેતુ સિદ્ધિ માટે મટીરીયલની જરુર નથી. મટીરીયલ વગર પણ અરાજકતા અને ઘૃણા ફેલાવી શકાય છે.

પ્રમેયઃ મટીરીયલ વગર અને ચર્ચા વગર પણ શાસક પ્રત્યે ઘૃણા ઉત્પન્ન કરી શકાય છે

સાધ્યઃ સામાજીક વાતાવરણ દુષિત કરવું.

સાધનોઃ નાણાં, સમાચાર માધ્યમો, અફવાઓ, આક્ષેપો, આપણા મળતીયા મૂર્ધન્યો, રબરના માપદંડો અને અસમાન ત્રાજવાંઓ, દેડકાના કાટલાઓ, સ્વકેન્દ્રી ખ્યાતિપ્રિય વ્ય્ક્તિઓ

રીતઃ

આટલું નકારાત્મક કરોઃ

કદી મટીરીયલ ન આપો.

કદી ચર્ચા ન કરો,

કદી મુદ્દા પ્રમાણે વાત ન કરો,

જો ભૂલથી પણ ચર્ચામાં સામેલ થઈ જવાય તો સામેવાળા કરતાં આપણા અવાજો મોટા રાખો અને સતત અવાજો કર્યા કરો. એંકરને સાધી લો કે તે આપણને બોલતાં ન રોકે પણ સામે વાળાને જો તે મુદ્દની વાત કરતો હોય તો તેને બીજ પ્રશ્નો પૂછી રોકે અને ચર્ચાને આડે માર્ગે દોરે. એમ કરીને તે આપણને બચાવે.

સ્વકેન્દ્રી વ્યક્તિઓને પટાવો તેમને ખ્યાતિની લાલચ પણ આપો કારણકે સમાચાર માધ્યમ તમારા પૈસા થકી તમારે માટે તે હાથવગુ હથીયાર છે.

જે વ્યક્તિઓના જાતિવાદની અને કે ખ્યાતિની ભૂખને ઉત્તેજી શકાય છે તેમને ઉત્તેજો અને તેમની પાસે પ્રતિકારાત્મક અને તારતમ્યાત્મક (કનક્લ્યુઝિવ) ઉચારણો કરાવો. ગાળો પણ બોલાવડાવો. જેમકે “ગાંધીનગરમાં એક ઢુંઢીયો રાક્ષસ બેઠો છે. (કેશુબાપા, નરેન્દ્ર મોદીને અનુલક્ષીને બોલેલા). આપણા સમાચાર માધ્યમ વાળા કેશુભાઈની જબાનની વિરુદ્ધ નહીં બોલે. તે તો એમ જ કહેશે કે કેશુભાઈએ નરેન્દ્ર મોદીને આડે હાથ લીધો. બહુ બહુ તો એમ કહેશે કે હે ભાઈઓ, પટેલો તો આખા બોલા હોય જ ને !!

કેશુભાઈ (ઢુંઢિયા રાક્ષસવાળા) કે સોનીયા (મૌતકા સોદાગરવાળ), કે લાલુ યાદવ (નરભક્ષીવાળા), વિગેરે કરતાં સો ગણા નબળાં વિશેષણો જો સામેવાળો (કોઈ બીજેપીનો નેતા) બોલે તો આપણા પીળા અખબારો સામેવાળાની અસભ્યતાને ઉછાળવા તૈયાર જ હોય છે. ટૂંકમાં આપણે (બીજેપી વિરોધીઓએ) આપણી લૂલીને આપણે લગામ રાખવાની જરુર નથી. આપણને સમાચાર માધ્યમોનો સાથ છે. મોટા ભાગના કટારીયા લેખકો ખ્યાતિ ભૂખ્યા છે તેથી તેઓ હવાઈ તુક્કાવાળી અને તારતમ્યોવાળી વાતો કરશે તો પણ આપણા સમાચાર માધ્યમોવાળા છાપશે. આપણા સાધ્ય માટે દલીલ અને તર્કની જરુર નથી. કારણ કે જો આપણે આની ચર્ચા કરવા જઈશું તો આપણા વાક્યો જ આપણા માટે બુમરેંગ થશે.

થાળીઓ વગાડો, જો કે વગાડવા લાયક વસ્તુ તો ઢોલ છે. પણ ઢોલ તો કેમ વગાડાય.!!  તો તો આપણે ઢોલ બજાણીયામાં ખપી જઈએ. જો કે આપણી માગણીઓ પછાત જ્ઞાતિઓ ભોગવે છે તેવી જ છે. પણ તેથી શું? આપણે ક્યાં મગજ ચલાવવાનું છે !! તર્ક અને ચર્ચાનું તો નામ જ નહીં લેવાનું. રસ્તા રોકો, રેલ રોકો, એસટી બસોને રોકો. એસટી બસોને બાળો, એસટી સ્ટેન્ડો બાળો, લોકલ બસોને બાળો, રેલ્વેના પાટા ઉખેડી નાખો. દુકાનો બંધ કરાવો. શાળા કોલેજ બંધ કરાવો, યાતાયાત અને જનવ્યવહાર ખોરવી દો.. આમ જનતાને ત્રાહી ત્રાહી પોકારી દો.

આ ઉપરાંત, સરઘસો કાઢો, પુતળાં બાળો,  પોલીસો ઉપર પથરા ફેંકો. પોલીસ વાળા તો બધા સંત પુરુષો છે. તેઓ સંત પુરુષો ન હોય તો તેમણે સંત જેવા બનવું જ જોઇએ. આ લોક શાહી છે. તે તેમણે સમજવું જોઇએ અને અમને અમારા પ્રતિભાવો કે ભાવો પ્રગટ કરવાની છૂટ હોય છે તે તેમણે સમજવું જોઇએ અને અમને હાથ પણ અડાડવો ન જોઇએ. જો તેઓ અમને અટકાવશે તો તે તેમની હિંસા કહેવાશે. અને અમે તે માટે તપાસ સમિતિની માગણી કરીશું.

થોડા તકિયા કલમી શબ્દો અને વાક્યો શોધી કાઢો.

૨૦૦૨, રાજધર્મ, અદાણી, રીલાયન્સ, ઈન્ડસ્ટ્રીયાલીસ્ટોને ફાયદો, લાલ જાજમ, ખેડૂતોના આપઘાત, તાનાશાહી, અસુરક્ષિત મુસ્લિમો, આરએસએસ નો રીમોટ કન્ટ્રોલ, સીનીયર લીડરોની અવજ્ઞા, સીનીયર લીડરોને હાંસીયામાં મુક્યા, પાટીદારોની (કે એવી કોઈ બીજી જાતિ કે વર્ગની) ઉપેક્ષા, સરકારનો યુ ટર્ન, સરકારને ન છૂટકે કરવું પડ્યું, સરકારને કોર્ટ દ્વારા ઝટકો, બીજેપી ઉપર પ્રહાર, આડે હાથ લીધા, નરેન્દ્ર મોદીની બોલતી બંધ, નરેન્દ્ર મોદી જવાબ આપે,

અને હવે એક એવું બનાવટી અને ઢંગધડા વગરનું તારણ કાઢો કે માનવ હક્કો અને વ્યક્તિગત સ્વાતંત્ર્યનું હનન થઈ રહ્યું છે. આપણા પાળીતા  મૂર્ધન્યો દ્વારા સરકારી “ચાંદ્રકો” અને “માનપત્રો” પાછા આપી રહ્યા છે એ વાતને ચગાવો.

આનાથી એવું વાતાવરણ સર્જાશે કે આ બધું નરેન્દ્ર મોદીના આવ્યા પછી થયું છે એટલે જનસમુદાયમાં મોદી શૂન્ય તરફ જઈ રહ્યા છે એવી હવા ઉત્પન્ન કરો. આ બધું કરવું જરુરી છે અને જો આવું નહીં કરીએ તો તેમણે વિદેશોમાં ભારતની પ્રતિભાને જે ઉંચી લાવ્યા છે તેની ચર્ચાઓ થશે અને નરેન્દ્ર મોદી તેમજ મોદીની પ્રતિભા સાતમા આસમાને પહોંચી જશે. આ પરિસ્થિતિ અટકાવવા સમાચાર પ્રસારણનો સમય આપણે વાપરવો જ રહ્યો.

જો બિહારની ચૂંટણીમાં આપણું આ શસ્ત્ર (નહેરુવીયન કોંગ્રેસ અને તેમના સાંસ્કૃતિક સાથીઓનો આ દાવ) સફળ થશે તો બીજેપી ના હવે વળતા પાણી છે એવું અચૂક સિદ્ધ થઈ જશે. આપણી સત્તાની પુનઃપ્રાપ્તિનો દરવાજો ખૂલી જશે. પછી આપણે આપણી સંસ્કૃતિ પ્રમાણે ન્યાયાલયમાં ચાલતા આપણા કુકર્મોના કેસો અને ઈન્વેસ્ટીગેશન ટીમ દ્વારા થતી તપાસોને નિરર્થક બનાવી દઈશું. ખુલ્લે આમ આપણે કટોકટીમાં માનવ અધિકારોનું હનન કરેલ અને હજારો નિર્દોષ લોકોને,  અઢાર અઢાર મહિના સુધી જેલમાં ખોસી દીધેલ તો પણ કોઈ આપણો વાળ વાંકો કરી શક્યા નથી તો “કાળા નાણા અને અસામાજીક તત્વો સાથેની આપણી સાંઠ ગાંઠ” એ વળી કઈ ચીજ છે?

(ક્રમશઃ)

શિરીષ-મોહનલાલ-મહાશંકર-હરિશંકર-લીંબેશ્વર-ત્ર્યંબકેશ્વર-વૈજનાથ-ભવાનીદત્ત-રદેરામ-દવેશ્વર-ગોવર્ધન દવે (દ્વિવેદી)

Date 2015 11 07

ટેગ્ઝઃ નહેરુવીયન કોંગ્રેસ, બહુમતિ, નિરપેક્ષ, સરમુખત્યારી, સીત્તેર પેઢી, સાત પેઢી, પૈસા, બાર પેઢી, સામ્યવાદ, સમાજવાદ, મૂડીવાદ, લોકશાહી, નહેરુ, ઈન્દિરા, વિશ્વસનીયતા, માહિતિ, અધિકાર, પારદર્શિતા, ચર્ચા, વિરોધ પક્ષ, પ્રપંચ, સ્વકેન્દ્રી, ખ્યાતિભૂખ્યા, આંદોલન, અરાજકતા, ધમાલ, હક્ક, અનામત

Read Full Post »

%d bloggers like this: