Posts Tagged ‘ન્યાયાલય’
અહિંસક સમાજ શું શક્ય છે? ભાગ – ૩ (માંસાહાર અને શાકાહાર)
Posted in માનવીય સમસ્યાઓ, tagged અતિરેક, અધૃવ, અવિદ્યા, અહિંસા, ઈશ્વર, ઊંટ, કાઠીયાવાડી, કાયરતા, કુદરતી, ખેતી, ખ્રીસ્તી પાદરીઓ, ગાંધીજી, ગાય, ગુજરાતના ક્રાંતિકારી વિચારક, ગૌ સૃષ્ટિ, ગૌમૂત્ર, જવાહર, ટ્રેક્ટર, ધૃવ, ન્યાયાલય, પર્યાવરણ, પાડા, પૃથ્વી, પોદળો, પ્રાકૃતિક, બકરી ઘેટાં, બળદ, બુદ્ધિ, ભેંસ, મશીન, માંસાહારી, માનવ સમાજ, વાતાવરણ, વિદ્યા, વિલાયતી ખાતર, શાકાહારી, સંતુલન, સંરચના, સત્યાગ્રહ, સમાજવાદ, સાંઢ, સામ્યવાદ on April 14, 2017| Leave a Comment »
અહિંસક સમાજ શું શક્ય છે? ભાગ – ૩ (માંસાહાર અને શાકાહાર)
ગુજરાતના એક ક્રાંતિકારી વિચારક મનાતા સ્વામિ
ગુજરાતના એક ક્રાંતિકારી વિચારક મનાતા સ્વામિએ ગૌ-હત્યા બંધીને અહિંસાનો અતિરેક ગણાવ્યો છે. તેઓશ્રીએ એક પુસ્તક લખ્યું છે “ત્યાગ, અહિંસા અને આતંકવાદ”.
આપણે “અહિંસા” પુરતી આપણી ચર્ચાને મર્યાદિત રાખીશું. જ્યારે ગાંધીજીને અને અહિંસાને સાંકળીએ તો ગાંધીજીને અન્યાય ન થાય તે માટે ગાંધીજીની “અહિંસા” ની વ્યાખ્યાને સમજી લેવી જોઇએ. “સત્યાગ્રહ”ની વ્યાખ્યાને પણ સમજી લેવી જોઇએ.
“અહિંસા”, સાપેક્ષ હોય છે. ઓછામાં ઓછી હિંસા, એટલે અહિંસા. જબલપુરના એક ચાર રસ્તા ઉપર ગાંધીજીનું પુતળું છે. તેની નીચે લખ્યું છે કે “જો મારે કાયરતા અને હિંસા વચ્ચે પસંદગી કરવાની આવે તો હું હિંસા પસંદ કરું”.
જો કોઈ એક કામ એક લાકડી મારવાથી પતી જતું હોય તો બે લાકડી ન મારવી. અહિંસાનું શસ્ત્ર તેની સામે જ ઉઠાવી શકાય જે કાયદાના શાસનમાં માનતો હોય અને તેને તમારા ઉપર પ્રેમ હોય. જો કે તમે તેનું પારખું કરી શકો. કાઠીયાવાડના એક બાપુ પાસે ગાંધીજી સત્યાગ્રહ કરવા ગયા. સત્યાગ્રહ ઉપર (ઉપવાસ ઉપર) બેઠા પણ ખરા. તે બાપુ તો વાટાઘાટો કરવા પણ તૈયાર ન હતા. વળી તે બાપુએ કહ્યું કે મારે તો સારું થશે કે જો ગાંધીજી ઉપવાસમાં મરી જશે તો મારું ગામ તો તીરથ થશે. ગાંધીજી ઉપવાસ બંધ કરીને ભાગી ગયા હતા.
અહિંસાનો અતિરેક છે?
ઉપરોક્ત સ્વામીજીને લાગે છે કે ગાય અને બળદ ની હત્યાની બંધી કરવી અને તેના માંસની બંધી કરવી તે અહિંસાનો અતિરેક છે. કોઈ પણ બાબતમાં અતિરેક યોગ્ય નથી. તે વાત સાચી છે.
અહિંસામાં અતિરેક કોને કહેવો તે નક્કી કરવું અઘરું છે અને તે વ્યક્તિગત પણ છે. વળી તે બીજા ઘણા પરિબળો ઉપર અવલંબે છે.
જોકે સ્વામીજી તે બાબતમાં આગળ વધુ લખે છે. ગાય અને બળદ (ખસી કરેલો સાંઢ), આર્થિક રીતે પોષાય તેમ નથી. સાંઢને ખસી કરવી તે પણ હિંસા છે પણ તે વગર છૂટકો નથી. કારણ કે સાંઢ આક્રમક હોય છે. સો ગાયો વચ્ચે એક સાંઢ પૂરતો હોય છે. એટલે બાકીના સાંઢને ખસી કરી બળદ બનાવવા જ પડે. આજનો જમાનો ટ્રેક્ટરનો છે. બળદ હવે નિરુપયોગી થઈ ગયા છે. ગાય સતત દુઝણી હોતી નથી. ગૌશાળાઓમાં પણ હવે ગાય અને બળદ આર્થિક રીતે પોષાય તેમ રહ્યા નથી. આ બધા કારણસર તેમની કતલ કરવી જરુરી છે અને જેઓ માંસાહાર કરતા હોય તો તેમને માંસાહાર કરવા દેવો. સ્વામીજીની પાસે પોતાની ગૌશાળા છે અને ગૌશાળાનો તેમને અનુભવ છે. તેના આધારે તેઓ માને છે કે ગૌશાળા આર્થિક રીતે પોષાય તેમ નથી.
શું ગૌશાળા આર્થિક રીતે પોષાય તેમ નથી?
આજ બ્લોગ સાઈટ ઉપર “ગૌ હત્યાબંધી વિષે દંભીઓનું દે ધનાધન” વિષે બે લેખ આપેલા છે, તેને વાંચી જવા વિનંતી છે. આમ કહેવા પાછળનો હેતુ, પુનરાવર્તન ન કરવાનો છે.
જ્યાં સુધી માનવસમાજ જમીન ઉપર ખેતી કરે છે ત્યાં સુધી પશુઓ અનિવાર્ય છે.
આપણે બધા પ્રાણીઓ માટે બળદ શબ્દ વાપરીશું. બળ એટલે ઉર્જા અને “દ” એટલે ઉર્જા આપનાર. બળદ દ્વારા થતી ખેતી કુદરતી છે. આ ખેતી શ્રેય છે. જો કે માણસ જે કંઈ વિચારે અને કરે તે બધું જ કુદરતી છે. પણ ઈશ્વરે માણસને બુદ્ધિ આપી છે એટલે માણસની જવાબદારી વધે છે. માણસ વિરોધાભાસી નિર્ણયો લઈ શકે છે. પણ પૃથ્વી ઉપર વાતાવરણનું સંતુલન જળવાઈ રહે તે જવાબદારી માણસની છે.
“ટ્રેક્ટરનો જમાનો છે એટલે બળદ નકામા થઈ ગયા છે”. જમાનો ટ્રેક્ટરનો છે તે પર્યાવરણવાદીઓને માન્ય નથી.
સર્વોદય કાર્યકર જુગતરામ કાકા પાસે ઝીણાભાઈ દરજી ગયા હતા અને તેમને મોટર કાર આપવાની ઈચ્છા વ્યક્ત કરી. જુગતરામ કાકાએ સપ્રેમ ના પાડી. તેથી તેમણે ટ્રેક્ટર આપવાની ઈચ્છા વ્યક્ત કરી. એટલે જુગતરામ કાકાએ પૂછ્યું કે “તમારું ટ્રેક્ટર પોદળો મૂકે છે?”
“ગૌ સૃષ્ટિના પ્રાણીઓ આર્થિક રીતે પરવડે કે નહીં?” તેનું અર્થ શાસ્ત્ર અને ગણિત તમે સરવાળા-બાદબાકીમાં ન કરી શકો. એક કિલોગ્રામ અનાજ અને એક કિલોગ્રામ સોનું એમાં મોઘું કોણ તે સામાજીક અર્થશાસ્ત્રના નિયમોને આધારે નક્કી કરાય છે. વાસ્તવમાં જમીન અને અન્ન અમૂલ્ય છે. પહેલું પૂનર્પ્રાપ્ય નથી, બીજું પૂનર્પ્રાપ્ય છે. આપણે જમીનની માલિકીના, ગામડાની સંરચનાના અને શહેરોની સંરચનાના ખ્યાલો બદલવા પડશે. અને તે માટે મન ખુલ્લું રાખી કાયદાઓ અને નિયમો ઘડવા પડશે. ન્યાયાલયો ઉપર સૌથી મોટો બોજો સ્થાવર મિલ્કતની માલિકીને લગતા, અને અણઘડ સરકારી અમલદારોએ લીધેલા ચૂકાદાની સામે થયેલી અપીલોના કેસોનો જ છે.
ટ્રેક્ટર એક મશીન છે. ટ્રેક્ટર દ્વારા ખેતી કરવી એ એક રીત છે.
ટ્રેક્ટરનું આયુષ્ય કેટલું?
ટ્રેક્ટર દ્વારા ખેતી કરવી તે રીતનું પણ આયુષ્ય કેટલું?
ટ્રેક્ટર એક અવિદ્યા છે. બળદ કે પાડો, એ વિદ્યા છે. અવિદ્યા એ અધૃવ છે.
ટ્રેક્ટર એક અવિદ્યા છે. બળદ કે પાડો, એ વિદ્યા છે. અવિદ્યા એ અધૃવ છે. વિદ્યા એ ધૃવ છે. જે ધૃવ ને છોડીને અધૃવનું સેવન કરે છે તેનું ધૃવ પણ નાશ પામે છે અને અધૃવ તો નાશ પામેલું જ છે. તમે ટ્રેક્ટરને લાવ્યા એટલે બળદ નકામો થઈ ગયો. અને ટ્રેક્ટર તો નાશ પામવાનું જ છે. ભૂગર્ભતેલના ભંડાર અમાપ નથી. તે ૪૦ વર્ષ ચાલે એટલા છે. તે પછી શું?
ટ્રેક્ટર માણસે બનાવેલું મશીન છે. બળદ ઈશ્વરે (પ્રકૃતિએ) બનાવેલું મશીન છે. મનુષ્ય ઈશ્વરથી કુશળ ન હોઈ શકે.
પ્રકૃતિ રહી દુર્જેય પરાજિત હમ સબ ભૂલે થે મદમેં
હાં કિ, ગર્વરથમેં તુરંગસા જો ચાહે જિતના જુત લે (પ્રલય મહાકાવ્ય)
સરકાર ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ નક્કી કરી આપે. ખેડૂતોના દેવા માફ કરવા તે સાચો ઉપાય નથી. આવા ઉપાયોને અવારનવાર સ્વિકૃતિ આપી ન શકાય. આવા ઉપાયો કરવાથી ખેડૂતોની આદતો બગડે છે. ખેડૂતો દ્વારા થતી આત્મહત્યાઓ ઉપર સંશોધન થવું જોઇએ. સામાજીક રીતરિવાજોના ખર્ચાઓને કારણે પણ તેમને પૈસાની તંગી પડતી હોય છે. વિલાયતી ખાતર બનાવતા કારખાનાઓ સદંતર બંધ કરી દેવા જોઇએ. દેશી ખાતર જ શ્રેષ્ઠ ખાતર છે. ભલે ઓછું ઉત્પાદન થતું હોય પણ લાંબા ગાળે અને સરવાળે તે ખાતર જ જમીનને માટે અને ઉત્પાદનની વૃદ્ધિ માટે યોગ્ય છે. ટપક પદ્ધતિ, ખેત તલાવડી, અપાર વૃક્ષો, ગૌ મૂત્રનો વ્યાપક ઉપયોગ, કૃષિ આધારિત ઉદ્યોગો અને તેના વેપારનું ખેડૂતો દ્વારા જ સંચાલન, ખેડૂતોનો ઉદ્ધાર કરી શકશે.
ગૌસૃષ્ટિનો સભ્ય પર્યાવરણનો રક્ષક છે. ગૌસૃષ્ટિનો સભ્ય પોદળો મુકે છે. તેનું ખાતર બનાવી શકાય છે અને તેનું બળતણ પણ કરી શકાય છે. ટ્રેક્ટર પ્રદુષણ યુક્ત ધુમાડો છોડે છે. ટ્રેક્ટર બગડે તો કુશળ કારીગરની જરુર પડે છે. ગૌસૃષ્ટિનો સભ્ય અને ટ્રેક્ટરની સરખામણી થઈ ન શકે.
તમે હિસાબ માંડો. ગૌસૃષ્ટિનો સભ્ય કેટલું ખાતર આપે છે? ગૌસૃષ્ટિનો સભ્ય કેટલી જમીન સુધારે છે? ગૌસૃષ્ટિનો સભ્ય પોતાની દવા પોતે કરી શકે છે. ગૌસૃષ્ટિનો સભ્ય પોતાની મેળે ઘરે આવી શકે છે. ગૌસૃષ્ટિનો સભ્ય પોતાનો બચાવ પોતે કરી શકે છે. ગૌસૃષ્ટિનો સભ્ય રીપ્રોડક્ટીવ છે. ટ્રેક્ટર આમાંનું કશું જ નથી. તમે એનો પણ હિસાબ લગાવો કે વિલાયતી ખાતરના કારખાના પાછળ કેટલો ખર્ચો થાય છે. તે કેટલી જમીન રોકે છે. આ ખાતરના કારખાના કેટલી જમીન બરબાદ કરે છે. ખાતરના ટ્રાન્સ્પોર્ટેશનમાં કેટલો ખર્ચો થાય છે. ખાતરના કારખાનાને જે કંઈ સવલતો સરકારે આપી છે તેનો પણ હિસાબ કરો. આ બધાની કિંમતનો સરવાળો કરો અને તેને દેશી ખાતરથી થતી ખેતીના ખર્ચામાંથી અને ગૌશાળાના ખર્ચામાંથી બાદ કરો.
એપ્રોપ્રીએટ ટેક્નોલોજી
જો તમે ટૂંકા ગાળાનો હિસાબ માંડતા હો તો …. આ બધી વાતો છોડો. આપણે હિસાબ જુદી રીતે લગાવીએ. ગૌસૃષ્ટિનું કોઈ પણ પ્રાણી નિરુપયોગી નથી. દરેક પ્રાણી ઉર્જાવાન છે. પણ આપણે તેની ઉર્જાના ઉપયોગની શક્યતાઓને વિચારી નથી. તેથી તેની ઉર્જાનો ઉપયોગ કરી શકાય તેવી તકનિકીઓ વિકસાવી નથી. આપણે ધારી લીધું છે કે આવી તકનિકીઓ વિકસી જ ન શકે.
દરેક પ્રાણીને કેળવી શકાય છે. તમે પ્રાણીઓની ઉર્જાથી વિજળી ઉત્પન્ન કરી શકો છો. તેના થી લીફ્ટ ચલાવી શકો (ગ્રામ્ય વિસ્તારોમાં). તમે તેલઘાણીમાં તે ઉર્જાનો ઉપયોગ કરી શકો છો. તેલઘાણીનો ખોળ પશુઓ માટે શ્રેષ્ઠ વિટામીન છે. તમે નાના અંતરમાં તેનો વાહન ચલાવવામાં ઉપયોગ કરી શકો છો. તેના ખાતરનો અને તેમાંથી નિકળતા ગેસનો ઉપયોગ ગેસના સીલીન્ડર ભરવાની ટેકનિક વિકસાવીને કરી શકો છો. તમે બીજી અનેક રીતે તેની ઉર્જાનો ઉપયોગ કરી શકો છો. આપણી ટેક્નોલોજી એપ્રોપ્રીએટ ટેક્નોલોજી હોવી જોઇએ. નફા તોટાનો હિસાબ, તમે હિસાબ કેવી રીતે કરો છો તેના ઉપર આધાર રાખે છે.
જો મનુષ્યજાતિએ સ્વકેન્દ્રી થવું ન હોય તો, પ્રાકૃતિક યંત્રો સાથે મનુષ્યના યંત્રો સ્પર્ધા જ ન કરી શકે. જો આમ ન હોત તો પશ્ચિમી સત્તાને ભારતમાં વણકરોના આંગળા કાપી નાખવાની જરુર પડી ન હોત. મહાત્મા ગાંધીએ ખાદીનો પ્રચાર શા માટે કરેલો? મહાત્મા ગાંધીનો પહેલો સવાલ એ હતો કે “તમે ભારતના ગરીબોને તાત્કાલિક રોજી, કેવી રીતે આપી શકશો?
આજ બ્લોગ સાઈટ ઉપર “નવ્ય સર્વોદયવાદ” ઉપલબ્ધ છે. વિસ્તૃત માહિતિ માટે તમને તે વાંચવાની વિનંતિ છે.
“ભારતીય સંસ્કૃતિમાં ગૌ-સૃષ્ટિ સાથે જે લાગણીશીલતાનું પરિબળ સંકળાયેલું છે તેની સદંતર અવગણના કરી ન શકાય. ભારતીયોને તમે કૃતઘ્ન (હરામખોર) થવાની ફરજ પાડી ન શકો. દરેક દેશને પોતાની માનસિકતા હોય છે.
ગૌ-હત્યા બંધીનો વિરોધ વાસ્તવમાં કોને છે?
મુસ્લિમોને ગૌ-હત્યા બંધી સામે વિરોધ નથી. જે કંઈ વાંધો છે તે સામ્યવાદીઓને અને ખ્રીસ્તીઓને છે. સામ્યવાદીઓને એટલા માટે છે કે તેઓ જ્યારે સત્તામાં ન હોય ત્યારે વિખવાદ અને અરાજકતા ફેલાવવામાં માને છે. પ્રણાલીઓને ધર્મ સાથે જોડી તેઓ વિખવાદ ઉત્પન્ન કરે છે. વિભાજન દ્વારા તેઓ અરાજકતા ફેલાવવા માગે છે.
સામાન્ય ખ્રીસ્તીઓ નિરુપદ્રવી છે. પણ તેમના શાસકો અને પાદરીઓ લાંબાગાળાનું વિચારે છે. જો તેમને સમજવા હોય તો તમારે રાજીવ મલહોત્રાએ લખેલ પુસ્તકો જેમકે “બ્રેકીંગ ઈન્ડિયા”, “વી આર ડીફરન્ટ”, “ઈન્દ્રાજ઼ નેટ” અને “બેટલ ફોર સંસ્કૃત” જરુર વાંચવા. યુ-ટ્યુબ ઉપર તેમના પ્રવચન અને સંવાદો ઉપલબ્ધ છે. અમેરિકા ભલે પોતાને “માનવીય હક્કો”નો પુરસ્કર્તા માનતું હોય પણ તેની કાર્યશૈલી “મુસ્લિમ આતંક”વાદીઓ પ્રત્યે ભેદભાવ વાળી જ રહી છે. તેમને મન કેટલાક આતંકવાદીઓ ગ્રુપો સારા અને કેટલાક આતંકવાદી ગ્રુપો ખરાબ હોય છે. ખ્રીસ્તી આતંકવાદથી તો તે પોતાને સાવ અજ્ઞાની જ રાખે છે. ભારતમાં સામ્યવાદીઓનો, ખ્રીસ્તી પાદરીઓનો અને કટ્ટર મુસ્લિમોનો એક સમાન એજન્ડા છે. આપણામાંના કેટલાક સુજ્ઞ લોકો તેમના તર્કશાસ્ત્રથી ભોળવાઈ જાય છે. તેથી તેઓ તેમની પ્રત્યે કંઈક વધુ પડતા (તેને આપણે અતિરેક કહીશું), સહિષ્ણુ અને રીસ્પેક્ટફુલ બની ગયા છે.
ગાંધીજી જવાહરના માનસને સમજી શકતા હતા
ગાંધીજી જ્યારે જીવતા હતા ત્યારે તેમના વ્યક્તિત્વને કારણે કોંગ્રેસી નેતાઓ તેમના સિદ્ધાંતોને નકારી શકતા ન હતા. ગાંધીજીએ કહેલ કે તેઓ “જવાહરને સમજી શકે છે. પણ તેમના સમાજવાદને સમજી શકતા નથી”.
ગાંધીજી “જવાહર”ને સમજી શકે છે તેમાં ઘણું સમાયેલું છે. ગાંધીજી સમજતા હતા કે નહેરુ એક “નૉટી બૉય” છે. નહેરુનું તત્કાલિન કોંગ્રેસ સંગઠન ઉપર એટલું બળ ન હતું. પણ નહેરુ યુવાનોના પોસ્ટર બૉય હતા. એટલે તેઓ કોંગ્રેસને તોડવા માટે સક્ષમ હતા. જો તે વખતના નાજુક સમયમાં કોંગ્રેસ તૂટે તો દેશના બે કરતાં વધુ, એટલે કે કદાચ છ થી સાત ભાગલા પડી શકે તેમ હતા. એટલે મહાત્મા ગાંધીએ વ્યુહરચનાના ભાગરુપે, કોઈએ ભલામણ કરી ન હતી તે છતાં પણ, નહેરુને વડાપ્રધાન બનાવ્યા. આ એક હંગામી વ્યવસ્થા હતી. પણ તે પછી થોડા જ સમયમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલ મરી ગયા. નહેરુએ એક પછી એક તેમના પ્રતિસ્પર્ધીઓને દૂર કર્યા. પરિણામ સ્વરુપે શું થયું તે આપણે જાણીએ છીએ. આપણે ત્યાં બહુમતિ ઉપર દમન થયું અને આપણા સુજ્ઞ લોકો મૂર્ખતા કે સ્વાર્થને કારણે તેના હાથા બન્યા.
આઝાદીની શરુઆતમાં ગાંધી-વિચારોનું પ્રબલ્ય રહ્યું હતું. તેથી જ ગૌ-હત્યા બંધી, દારુ-બંધી, અહિંસક સમાજ જેવા સિદ્ધાંતોને ભારતીય બંધારણમાં “આદેશાત્મક સિદ્ધાંતો તરીકે જગા મળી”. પણ નહેરુ ખંધા હતા એટલે તેમણે તેને લગતા કાયદા અને અમલનું કામ રાજ્યો ઉપર છોડ્યું. “જા બીલ્લી કુત્તેકો માર”
શિરીષ મોહનલાલ દવે
ચમત્કૃતિઃ
હા તે જરુર શાકાહારી છે
કોણ કહે છે કે પેલો માંસાહારી છે?
પેલો પણ આમ તો શાકાહારી છે, પણ તે માંસાહારી વાનગીઓ ઉપર પણ હાથ મારે છે. શાકાહાર વગર તેને ચાલતું નથી. માંસાહાર સંપૂર્ણ ખોરાક છે જ નહીં.
જો પેલો એમ માનતો હોત કે તે માંસાહારી છે તો તે
હાડકાના ભૂકાના રોટલા ખાત,
કોથમીરને બદલે મચ્છર અને માખીઓ વાપરત,
તેલને બદલે ટેલો વાપરત,
મીઠાને બદલે મંકોડા નાખત,
મરચાને બદલે લાલ કીડીઓ નાખત,
દાડમને બદલે દાંત નાખત,
પાણી ને બદલે લોહી પીવત…
ટેગ્ઝઃ ગુજરાતના ક્રાંતિકારી વિચારક, અહિંસા, અતિરેક, ગાંધીજી, સત્યાગ્રહ, કાયરતા, કાઠીયાવાડી, ગૌ સૃષ્ટિ, ગાય, બળદ, સાંઢ, બકરી ઘેટાં, ઊંટ, ભેંસ, પાડા, માનવ સમાજ, ઈશ્વર, બુદ્ધિ, પૃથ્વી, વાતાવરણ, પર્યાવરણ, સંતુલન, કુદરતી, પ્રાકૃતિક, ટ્રેક્ટર, ખેતી, પોદળો, વિલાયતી ખાતર, ગૌમૂત્ર, સંરચના, ન્યાયાલય, વિદ્યા, અવિદ્યા, ધૃવ, અધૃવ, મશીન, જવાહર, સમાજવાદ, સામ્યવાદ, ખ્રીસ્તી પાદરીઓ, શાકાહારી, માંસાહારી
ઘડપણ કોણે મોકલ્યું ની વાત જવાદો, અણઘડપણ કોણે મોકલ્યું?
Posted in માનવીય સમસ્યાઓ, tagged અણઘડ, ગુનાનું અસ્તિત્વ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ચોકીદાર, ચોર, નીગરાની, ન્યાયાલય, પગારદાર, બિલ્ડરો, સતત આક્રમણ, સરકારી નોકરો on March 8, 2012| 3 Comments »
ઘડપણ કોણે મોકલ્યું ની વાત જવાદો, અણઘડપણ કોણે મોકલ્યું?
જો વ્યક્તિ પોતાને કેન્દ્રમાં રાખીને વર્તે તો પરિણામે આપણે તેને ક્યારેક જ નહીં પણ મોટેભાગે અણઘડ જ કહીશું.
જ્યારે આ વસ્તુ બહુ વ્યાપક બને ત્યારે આપણે તેને મને કમને સ્વિકારી લઈએ છીએ. પણ તેને પરિણામે થતા સામાજીક નુકશાનને સમજી શકતા નથી.
વ્યક્તિગત અણઘડપણુ આમ તો સમાજીક અણઘડપણાને લીધે ટકે છે. સામાજીક અણઘડપણાને રોકવા માટે કાયદાનું શાસન હોય છે. પણ કાયદાનું શાસન ચલાવવાનું જેમનું કર્તવ્ય હોય છે અને જેને માટે તેમને વેતન મળે છે તેમને આપણે સરકારી નોકરો કહી છીએ. આ સરકારી નોકરો જ જો અણઘડ હોય તો તમે વ્યક્તિગત રીતે શું કરો? આ માટે આપણે એક વ્યવસ્થા ગોઠવી છે. અને આપણે તેને રાજકીય વ્યવસ્થા એમ કહીએ છીએ. આ રાજકીય વ્યવસ્થામાં આપણે આપણા પ્રતિનિધિઓ ચૂંટીએ છીએ અને તેમને દેખરેખની સત્તા આપીએ છીએ.
આ લોકો પણ અણઘડ
હવે આ લોકો પણ અણઘડ હોય તો? જો આ લોકો પોતાનો બચાવ કરવા માટે વિતંડાવાદ ચલાવે તો? આવું બધું રોકવા માટે કાયદાનું યોગ્ય અર્થઘટન કરી સામાજીક હિતમાં જો જે તે કાયદાની જોગવાઈ અનુરુપ ન હોય તો તેને સુધારવાની અથવા જો કાયદો બરાબર હોય તો જેને તેને દંડિત કરવા માટે ન્યાયતંત્રની જોગવાઈ કરી છે. તેથી કરીને, ક્યાંક તો સારો વ્યક્તિ આવશે અને સામાજીક ન્યાય કરશે તેવી ધારણા સાથે સમાજ આગળ વધશે.
સમાચાર માધ્યમોનું કર્તવ્ય
સૌનો અવાજ સંભળાય અને સાચા ખોટા વિષે ચર્ચા થાય એ માટે સમાચાર માધ્યમો છે. આ સમાચાર માધ્યમોનું કર્તવ્ય ફક્ત સમાચાર આપવાનું નથી પણ સમાજને કેળવવાનું પણ છે. સમાચારને તેના યોગ્ય સંદર્ભમાં અને યોગ્ય માત્રામાં વ્યક્ત કરવા તે વિવેકશીલતા સમાચાર માધ્યમના સંચાલકોમાં હોવી જોઇએ. પણ જો બધી જગ્યાએ સ્વકેન્દ્રિત (અણઘડ) વૃત્તિઓ કામ કરતી હોય તો શું થાય?
આપણો દેશ તેનો ઉત્તમ નમૂનો છે.
અણઘડપણું અને નિરક્ષરતામાં શું ફેર?
આણઘડપણા અને નિરક્ષરતામાં કશો ફેર નથી. આ બાબતમાં નારણભાઈ દેસાઈએ (ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ) કરેલી નિરક્ષરતાની વ્યાખ્યા સમજવા જેવી છે.
નિરક્ષર એટલે શું? નિરક્ષર એટલે સામાજિક સમસ્યાને ન જાણવી અને ન સમજવી તે. જો તમારામાં અક્ષરજ્ઞાન હોય તો તમે વાંચી શકો અને સારા નરસા વિષે વિચારકરવાની વૃત્તિ હોય તો તમે વાતને કે સમસ્યાને સમજી શકો. પણ જો તમારી પાસે અક્ષરજ્ઞાન હોય પણ વાંચવાની જ વૃત્તિ ન હોય તો? હવે જો આવું જ હોય તો તમારામાં અને અક્ષરજ્ઞાનહીનતા વાળામાં શું ફેર? તેવી જ રીતે જો વાંચો પણ સમજવાની વૃત્તિ જ નહોય તો વાંચ્યા ન વાંચ્યામાં ફેર શો? કદાચ તેથી જ નરેન્દ્ર મોદી “ગુજરાત વાંચે”ની ઝુંબેશ ચલાવે છે.
આ અણઘડતા, વિષય સાથે સંબંધિત હોય છે. પણ સામાજીક વ્યવસ્થા પણ એક વિષય છે. અને મનુષ્યમાત્ર સામાજીક પ્રાણી છે. એટલે તેની વ્યવસ્થાને સમજવી અનિવાર્ય છે. આ વાત જે ન સમજે તેને અણઘડ જ કહેવાય.
આ અણઘડતાનું પરિણામ શું છે?
વાસ્તવમાં ભ્રષ્ટાચાર એ આ અણઘડતાની નીપજ છે.
સૌથી વ્યાપક ભ્રષ્ટાચાર બાંધકામ ક્ષેત્રમાં છે. લોકોને ચાલવામાં અને વાહનવ્યવહારમાં મુશ્કેલી ન પડે તે હેતુથી બાંધકામના નિયમો બનાવ્યા. તે નિયમોનું છડે ચોક ઉલંઘન થયું. વ્યાપક તકલીફો ઉત્પન્ન થઈ. જે પગારદારોને જનતાના પૈસે રોક્યા હતા તેમણે નિયમોના ઉલંઘનમાં બિલ્ડરોને સાથ આપ્યો. કટકી કરી. ગેરકાયદેસર બાંધકામ ગરજમંદોને વેચાયું. અગવડો ઉત્પન્ન થઈ. સુખેથી ચાલવાની જગા ન રહી. વાહનોને ગોબા પડ્યા. જેઓને લોકોએ ચૂંટીને નિગરાની માટે મોકલ્યા હતા તેમણે આ અણઘડ લોકો સાથે હાથ મિલાવ્યા અને ભાગીદારી કરી પોતે તેમની મંડળીમાં ભળી ગયા.
લવીંગકેરી લાકડીએ રામે સીતાને માર્યા લોલ
પણ કોઈ માઈનો લાલ કોર્ટે ચડ્યો. ન્યાયાલયને પાનો ચડાવ્યો. ન્યાયાલયે હૂંકાર કર્યો. જવાબ આપો? આ તો બધું વ્યાપક હતું. એટલું જ નહીં ફોજદારી ગુનો પણ બનતો હતો. જો ફોજદારી ગુનો વ્યાપક હોય, તો ઉંડી તપાસ કરવી જોઇએ. અને તે ગુનાની વ્યાપકતાને રેકોર્ડ ઉપર લઈ, તમામે તમામ સામે કામ ચલાવવું જોઇએ. આ ગુનાઓની તપાસ માટે એક તપાસ કમીશન નિમાવવું જોઇએ. જો સરકાર આ વહીવટી કામ ન કરે તો ન્યાયાલયે આદેશો બહાર પાડવા જોઇએ. ગુનાઓને તો તમે છાવરી શકો જ નહીં. અને વળી અહીં તો, ચોર, ચોરી કરનાર, ચોરી કરાવનાર, ચોકીદાર, ચોરીનો માલ, ચોરને સાથ આપનાર બધાજ હાજર છે અને હાથવગા પણ છે. એટલે ન્યાયાલયે તો ફક્ત આદેશ જ આપવાનો હતો અને છે, કે “તપાસ પંચ કમીશન નીમો”. જેમ સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમ “પોસ્ટ ગોધરા રમખાણો” માટે નીમી છે તેમ આ વ્યાપક ગુનાખોરીની તપાસ કરવા માટે પણ તપાસ પંચ નીમો અને એફઆઈઆર દાખલ કરો. સમય મર્યાદા નક્કી કરો. પણ ન્યાયાલયે શાબ્દિક પૂણ્યપ્રકોપ કર્યો “જવાબ આપો”? (લવીંગકેરી લાકડીએ રામે સીતાને માર્યા લોલ).
ગુનેગારોએ અંદર અંદર ચર્ચા મસલત કરી
અણઘડોએ ઉર્ફે ચોરોએ ઉર્ફે સામુહિક રીતે કરેલી ગુનાખોરીના ગુનેગારોએ અંદર અંદર ચર્ચા મસલત કરી જવાબ આપ્યો અમે કાયદો બદલીએ છીએ. અને તે ઉપરાંત જે કંઈ તકલીફો ઉભી થઈ છે તેનું આ કાયદા થકી ધ્યાન રાખીશું. ઘણા થયેલા નુકશાનોને “અનડન” કરવા અથવા પૂર્તિ કરવા મુશ્કેલ જ નહીં અશક્ય પણ હોય છે. અને અણઘડ લોકોના લેબલો લાગેલા આ સરકારી ગુનેગારો ની દાનત ખોરી જ હોય તો તમે અશક્યનું લેબલ બિન્ધાસ્ત લગાડી શકો. તેઓ કેવા નિર્ણયો લેશે તેનું ભવિષ્ય તો તાજુ જન્મેલું બાબલું પણ ભાખી શકે. પણ ન્યાયાલયે કહ્યું “ઓકે.. જલ્દી માપદંડ બનાવો.” હવે આવા ન્યાયાલયને આપણે શું કહીશું?
સંસ્કૃતમાં એક શ્લોક છે “અથવા મૃદુવસ્તુ હિંસિતું મૃદુનૈવારભતે પ્રજાન્તક …” ( એક રાજાની સૌંદર્યવાન નાજુક રાણી ઉપર ફુલ પડ્યું અને તે બેભાન થઈ ગઈ) એટલે કાલીદાસે લખ્યું કે ઈશ્વર મૃદુ વ્યક્તિને તાડિત કરવા માટે મૃદુ વસ્તુથી શરુઆત કરે છે.
આ બધા મૃદુ છે?
બિલ્ડરો, સરકારી નોકરો અને તેની ઉપર નીગરાની રાખવા વાળા આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ બધા બહુ મૃદુ વ્યક્તિઓ છે. એટલે તેમને તાડન કરવા માટે મૃદુ તાડન થવું જોઇએ. જોકે કાલીદાસે તો “તાડનના આરંભની વાત જ કરેલ” પણ અહીં તો આ પૂર્ણવિરામ જ લાગે છે અને તાડન તો છે જ નહીં.
ભોજ રાજાની વાત
ભોજ રાજાની એક વાત કંઈક આવી છે. ભોજરાજા ના રાજ્યમાં પોલીસે ચાર યુવકોને જુગાર રમવા બદલ પકડ્યા. આ ચારમાં એક બ્રાહ્મણ હતો. બીજો વાણીયો હતો અને ત્રીજો શુદ્ર હતો. (મહેરબાની કરી કોઈએ આમાંથી જ્ઞાતિવાદને લગતો બોધપાઠ કે તારવણી ન કરવી. હાલના રકમબંધ બ્રાહ્મણો કોઈને પણ અભડાવે એવા છે).
રાજાએ બ્રાહ્મણ યુવકને કહ્યું “ધીસ ઈઝ વેરી બેડ” અને તેને સજા કર્યાવગર છોડી દીધો.
વણિક યુવકને ધમકી આપી કે હવેથી જો જુગાર રમીશ તો જેલની સજા કરીશ. જા જતો રહે. અને શુદ્ર યુવકને એકમાસની જેલની સજા કરી.
પ્રધાનજીને ભોજરાજાના આ ન્યાયથી આશ્ચર્ય થયું. તેમણે ભોજરાને પૃચ્છા કરી. “એક અને સરખા પ્રમાણના ગુનાસામે અલગ અલગ વ્યક્તિને અલગ અલગ સજા કેમ. રાજા એ કહ્યું એકમાસ પછી વાત. સમયાન્તરે પ્રધાનજીએ તે વાત યાદ દેવડાવી. રાજાભોજ પ્રધાનજીને નગરચર્યા માટે લઈ ગયા. બ્રાહ્મણને ઘરે તપાસ કરી તો તે બ્રાહ્મણ યુવકે ઘરે આવીને રાત્રે પશ્ચાતાપમાં આત્મહત્યા કરી નાખેલી. વાણીયાને ઘરે તપાસ કરી, જાણવા મળ્યું કે તે વણિક યુવક ગૃહત્યાગ કરી આત્મબળે કમાણી કરવા બીજે દેશ ચાલ્યો ગયેલો. શુદ્રને ઘરે તપાસ કરી તો એક ઝાડનીચે તેના બીજા મિત્રો સાથે તે જુગાર રમી રહ્યો હતો.
શું ભારતીય ન્યાયાલય એમ માને છે આ બિલ્ડરો, સરકારી નોકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભોજરાજાના બ્રાહ્મણો છે?
નાજી. કારણકે ન્યાય કરવાવાળો ક્યાં ભોજરાજા છે? ક્યાં રાજા ભોજ અને ક્યાં ….!!
હવે તો ઈમ્પેક્ટ ફી આવશે. અને તે જેને લૂટી લીધેલો છે તેની પાસેથી વસુલ કરવામાં આવશે.
શું બિલ્ડરો, સરકારી નોકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને દંડિત કરી શકાય તેમ નથી?
કશું અશક્ય નથી.
આ ત્રણે પાસેથી પૈસા વસુલ કરો. હે ન્યાયાલય વાસીઓ જો તમારે દયાવૃત્તિ બતાવવી જ હોય તો ઈમ્પેક્ટ ટેક્ષ જે સામાન્ય ટેક્ષ કરતાં છ ગણો હોય તેટલો દરવર્ષે ડબલ થાય તેટલો આ ત્રણે પાસેથી વસુલ કરો. અને તે પૈસામાં પાર્કીંગ ની વ્યવસ્થા કરો. જો આમાં વધુ દયા બતાવવી હોય તો તેઓ જેટલા વખતથી વપરાશમાં છે અને તેને જ્યાં સુધી તોડી ન નાખે ત્યાં સુધી આ ત્રણે પાસેથી વસુલ કર્યા કરો. ગેરકાયદેસર બાંધકામો અને દબાણો આપોઆપ હઠી જશે અને વધુ બંધાતા બંધ થઈ જશે.
તમે કદાચ કહેશો કે આ છ ગણો ટેક્ષ કયા આધારે નક્કી કર્યો?
રેલ્વેમાં તમે જેટલો સામાન અધિકૃત છે તેથી વધુ લઈ જાઓ તો વધારાના સામાન ઉપર છ ગણો દર લગાવવામાં આવે છે.
જો તમે એક વખત અસામાજિક ગુનો કરો તો બીજી વખત ગુનો કર્યાની સજા બમણી કે તેથી પણ વધુ થઈ શકે છે.
બાંધકામ ઉપર દરવર્ષે ટેક્ષ લેવામાં આવે છે. ગેરકાયદેસર બાંધકામ એ એક ગુનો છે. તમે છ ગણો ટેક્ષ ભરો એટલે એ વખત પૂરતી વાત પતી ગઈ. પણ બીજે વર્ષે, કારણ કે તમે તે ગેરકાયદેસ બાંધકામના ગુનાનું અસ્તિત્વ ચાલુ રાખ્યું તેથી બમણી સજા થવી જોઇએ.
તમે ચોરીનો ગુનો કર્યો હોય અને તેની સજા થઈ હોય અને તે ભોગવી હોય એટલે તમને તે ચોરીના પૈસા ભોગવાની મંજુરી મળી જતી નથી.
ધારો કે તમે હેલમેટ ન પહેરીને કાયદાનો ભંગ કર્યો હોય અને દંડના ધારોકે રુપીયા ૫૦ ભર્યા હોય, તો કંઈ તમને જીંદગી ભર હેલમેટ પહેરવામાંથી મૂક્તિ મળી જતી નથી. હેલમેટ ન પહેરવી તે તો સીવીલ ઓફેન્સ છે. પણ જમીન ઉપરનું ગેરકાયદેસર બાંધકામ અને દબાણ અને તે માટે કરાયેલા વ્યવહારો તો ફોજદારી ગુનાઓ છે. અને તેનું સાતત્ય તે ગુનાઓનું પુનરાવર્તન છે.
“આક્રમણની” વ્યાખ્યા
યાદ કરો યુનોમાં ભારતે કરેલી ગોવા ઉપરના ભારતીય આક્રમણની વિષે “આક્રમણની” વ્યાખ્યા. એક દેશની જમીનના એક હિસ્સા ઉપર બીજા દેશનો કબજો એ “સતત આક્રમણ” છે અને આક્રમણનો હિંસક પ્રતિકાર એ માનવીય હક્ક છે.
ગેરકાયદેસર બાંધકામ અને અતિક્રમણ પણ માનવીય હક્ક ઉપરનું “સતત આક્રમણ” છે.
શું આ વાત સુઘડ ન્યાયાલયો સમજશે?
શિરીષ મોહનલાલ દવે
અણઘડ, ન્યાયાલય, સરકારી નોકરો, બિલ્ડરો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ચોર, ચોકીદાર, નીગરાની, પગારદાર, સતત આક્રમણ,ગુનાનું અસ્તિત્વ