Feeds:
Posts
Comments

Posts Tagged ‘પરમાનંદ’

પપ્પુભાઈની રામાયણ

 વિકાસ ગાંડો થયો છે. એ પતંગીયું કેવું ઉડ્યું તે આપણે જાણીએ છીએ. બીજેપી વિરોધીઓ અને તેથી કરીને સાથે સાથે આવા લોકો મોદી વિરોધી પણ હોય છે. જ્યારે તેમનો ટકલો કામ ન કરે ત્યારે પતંગીયા ઉડાડે અને બીજું કંઈક લખતા હોય તો પણ વચ્ચે વચ્ચે મોદી-બીજેપીને ગોદા પણ મારી લે.

મૂર્ખ અને ડાહ્યો

“ફેંકુ” પતંગીયુ બહુ જીવી શક્યું નહીં. પણ બીજેપી સમર્થકોએ ઉડાડેલું “પપ્પુ” હજી ઉડે છે. તે એટલી હદ સુધી કે ચૂંટણી આયુક્તે તેને બાન કરવું પડ્યું. આમ તો પપ્પુ એ કંઈ ખરાબ શબ્દ નથી. સિંધી મારવાડીઓમાં “પપન”, પરમાનન્દ, પુરુષોત્તમ વિગેરે નામ વાળાને “પપ્પુ” એવા ટૂંકા નામથી બોલાવે છે, જેમ સરોજ, સરયુ, સરસ્વતીને “સરુ” એવા ટૂંકા નામથી બોલાવવામાં આવે છે. પણ જેનું નામ પપન, પુરુષોત્તમ, પરમાનન્દ ન હોય ત્યારે અને તે પણ ગુજરાતમાં પપ્પુ શબ્દ રાહુલ ગાંધી માટે પ્રયોજાયા પછી તે શબ્દનો  અર્થ બદલાઈ ગયો છે. પપ્પુ શબ્દને ઢબ્બુનો અને બુદ્ધુનો સમાનાર્થી શબ્દ ગણવાનું ચાલુ થયું. કદાચ સુબ્રહ્મનીયમ સ્વામીએ બુદ્ધુ શબ્દને રાહુલ ગાંધી માટે પ્રયોજેલો તે પછી આવું થયું છે. પણ બુદ્ધુ શબ્દ સુચારુતા અન્વયે અપ્રમાણિત હોવાથી, રાહુલ ગાંધી માટે કદાચ પપ્પુ શબ્દ વપરાશમાં આવ્યો હોય. પપ્પુ, ઢબ્બુ અને બુદ્ધુ આમ તો ગુજરાતમાં સમાનાર્થી ગણવામાં આવે છે. આ “પપ્પુ” શબ્દને જ્યા સુધી સુચારુતા માટે અપ્રમાણિત ઘોષિત કરવામાં ન આવે ત્યાં સુધી આ પપ્પુ શબ્દ ગુજરાતની બહાર પણ એટલો જ અસુચારુ થઈ ગયો. ચૂંટણી આયુક્તે “પપ્પુ” શબ્દનો અર્થ જે ગુજરાતીમાં છે તે અર્થને માન્ય રાખ્યો અને તેને અપ્રમાણિત ઘોષિત કર્યો.

ટુથપેસ્ટ છે તો ટુથપાવડર શા માટે?

જુના વખતમાં રેડિયો ઉપર કોલગેટ ટુથપાવડરની એક જાહેરાત આવતી હતી. જો કોલગેટની ટુથપેસ્ટ આવે છે તો પછી ટુથપાવડર શા માટે? જવાબ એ હતો કે “જેમને ટુથપાવડર પસંદ છે ખાસ તેમને માટૅ…”

પપ્પુ શબ્દ વિષે પણ આમ જ સમજવું જોઈએ. પણ હવે આ શબ્દ બાન થઈ ગયો છે.

પપ્પુ શબ્દ વધુ શા માટે ચાલ્યો?

કેટલાક શબ્દો એવા હોય છે કે તેમાં આવતા પ્રાસાનુપ્રાસને લીધે સમાનાર્થી ગણી લેવામાં આવે છે. જો કે ક્યારે તેઓ વિરુદ્ધ અર્થવાળા કે વિશિષ્ઠ અર્થવાળા પણ હોય છે.  જેમકે નીતિ અને નિયત. નીતિ જાહેર કરેલી પણ તે નીતિને લાગુ કરવાની નિયત નહેરુવીયન કોંગ્રેસમાં ન હતી. આવું કહેતા આપણે નરેન્દ્ર મોદીને સાંભળીએ છીએ.  પણ આપણે વિરોધાભાષી અર્થવાળા પ્રાસાનુપ્રાસ શબ્દોની વાતો નહીં કરીએ. પપ્પુ, ઢબ્બુ, બુદ્ધુ આ શબ્દો ગુજરાતીમાં સમાનાર્થી બની ગયા છે.

શું ભારતમાં એક જ પપ્પુ છે?

ના ભાઈ ના. અનેકાનેક પપ્પુઓ છે.

અનેકાનેક પપ્પુઓ કેવીરીતે છે?

પણ પપ્પુની વ્યાખ્યા શી?

જે પપ્પુભાઈઓ અસંબદ્ધ ઉપમાઓ આપે (સરખામણીઓ કરે) કે હાસ્યાસ્પદ સરખામણી કરે તો તેવી સરખામણી કરવા વાળાઓને પપ્પુ કહી શકાય. અથવા તો હાસ્ય (રમૂજ) ઉત્પન્ન કરવા માટે તમે સરખામણી કરો પણ તેનો કોઈ આધાર ન હોય તો પણ સરખામણી કરવાવાળાની બુદ્ધિને પપ્પુભાઈની બુદ્ધિની સમકક્ષ ગણી શકાય. કારણ કે સામેવાળો તેને બુમરેંગ બનાવી શકે.

મૌતકા સોદાગર, ફેંકુ, સફ્રોન આતંકવાદ, વિકાસ ગાંડો થયો, સુવ્યવસ્થિત લૂંટ (ઓર્ગેનાઈઝ્ડ લૂટ) વિગેરેની જો તાર્કિક ચર્ચા કરીએ તો તે “અંધારા ઓરડામાં અસ્તિત્વ ન ધરાવતી બિલાડી”ને શોધવા જેવું થાય.

વિવાદાસ્પદ બાબતો વિષે તમે, તમને પસંદ ધારણાઓને આધારે નિષ્કર્ષો તારવી ન શકો. તમે તમારે માટે અલગ અને તમારા વિરોધીઓ માટે અલગ માપદંડ રાખી ન શકો. જો તમે આવું કરો તો કાંતો તમે કાવત્રાખોર છો એટલે તમારો હેતુ જન જાગૃતિનો કે શૈક્ષણિક નથી પણ સ્વહિત નો છે. સ્વહિત એટલે કમસે કમ આત્મ ખ્યાતિનો કે ગુંચવાડો ઉભો કરવાનો હોઈ શકે. જો કે તેના પરિણામ સ્વરુપ તમે અવિશ્વસનીય બનો છો. અને તેથી કરીને તમે એવી સ્થિતિ પર પણ પહોંચી જાઓ કે “હું મરું પણ તને રાંડ કરું” અથવા તો “ભલે મારું નાક કપાય પણ તને તો અપશુકન કરાવું જ.”

અંતે તો ઉપરોક્ત વલણવાળા બધા પપ્પ્પુ ભાઈઓ જ ગણાય પછી ભલે તે તમે હો કે પપ્પુભાઈ પોતે હોય, કે પપ્પુભાઈના મળતીયા હોય કે બીજેપી-મોદીને યેનકેન પ્રકારેણ પછાડવાના હેતુવાળા કટારીયા લેખકો હોય બધા પપ્પુભાઈ જ કહેવાય.

તમને ક્યારે દુઃખ થાય?

જે વ્યક્તિ વિષે તમારો સારો અભિપ્રાય હોય તે જ્યારે આવા પપ્પુભાઈની નજીક પહોંચે તો તમને દુઃખ થાય.

આ “પપ્પુભાઈની નજીક” એટલે શું?

એક પાદરી એ કહ્યુઃ “હું સ્વર્ગમાં ગયો. ત્યાં મેં જીસસ જોયા. જીસસની આસપાસ ઘણા માણસો બેઠા હતા. પણ એક માણસ જીસસની ખૂબક નજીક હતો. મેં તેને ધારીને જોયો. અરે આ માણસ તો નોન-ખ્રીસ્તી હતો. અને તે તો જીસસની સાવ જ નજીક હતો. હા જી. આ માણસ નોન-ક્રીશ્ચીયન હતો અને તે જીસસની ખૂબ જ નજીક બેઠો હતો. જીસસ અને તે “નજીકનો માણસ” એ બંને લળી લળીને વાતો કરતા હતા. તે માણસ કોણ હતો? તે માણસ ગાંધી હતો. મહાત્મા ગાંધી. માણસની મહાનતાને ધર્મ સાથે લેવા દેવા નથી. માણસની મહાનતાને માનસિકતાની સાથે સંબંધ છે.

જો કોઈ જીસસની નજીક હોઈ શકે તો કોઈ પપ્પુભાઈની નજીક પણ હોઈ શકે.

નીતિ, નિયત અને નિષ્ઠાઃ

નરેન્દ્ર મોદી આવા શબ્દ પ્રયોગ કરે છે. દાખલાઓ છે; આતંકવાદ સામેની લડત, બનાવટી ચલણી નાણું, કાળાનાણાં અને બેનામી સંપત્તિ ઉપર અંકૂશ, કરચોરી ઉપર અંકૂશ, કરવેરાનું સરળીકરણ વિગેરે જેવા અનેક દાખલાઓ આપી શકાય. નહેરુવીયન કોંગ્રેસ પણ કહેતી હતી કે અમારી આ નીતિ છે. પણ તેની નિયત ન હતી. તો જનતાને ચોક્કસ નહેરુવીયન કોંગ્રેસની નિષ્ઠા ઉપર શંકા જાય જ.

આતંકવાદસામેની લડતઃ

 હમાણાં આવેલ સમાચાર પ્રમાણે ભારતીય સેનાના એક ઉચ્ચ અધિકારીએ જણાવેલ કે તેઓ નહેરુવીયન કોંગ્રેસના શાસન કાળમાં એક સમયે સર્જીકલ સ્ટ્રાઈક માટે સજ્જ હતા પણ તે સમયના વડા પ્રધાન મનમોહન સિંહે તેમને રોક્યા હતા. નહેરુવીયન કોંગ્રેસના આવા વલણના નિયત અને નિષ્ઠા ઉપરાંતના અનેક સૂચિતાર્થો નિકળી શકે છે.

બનાવટી નોટો સરકારી બેંકોં દ્વારા સંચાલિત એટીએમ મશીનમાંથી પણ નિકળતી હતી. આ બાબત બનાવટી નોટોની વ્યપકતા દર્શાવે છે. રીઝર્વબેંકે કેટલી નોટો છાપી અને દેશમાં કેટલી નોટો ફરે છે તે રીઝર્વબેંકના ગવર્નરને ખબર હોય જ. બનાવટી નોટો કંઈ ભૂતિયા નોટો નથી કે તે અદૃશ્ય રહીને ફરતી હોય. બનાવટી નોટો ક્યાંથી આવે છે તે બાબતથી ભારતનું જાસુસી તંત્ર અજાણ હોય તેવું ન બની શકે.

“બનાવટી નોટોનું અસ્તિત્વ” અને “વિમુદ્રીકરણ” શબ્દ પ્રયોગો, નહેરુવીયન કોંગ્રેસ માટે અજાણ્યા ન હતા. પણ નહેરુવીયન કોંગ્રેસમાં નિયતની અને નિષ્ઠાની ખોટ હતી.

બજારમાં ફરતી નોટોને હિસાબ કિતાબમાં લાવવા માટે વિમુદ્રીકરણ જરુરી હતું. આ કામ નરેન્દ્ર મોદીની સરકારે કરી બતાવ્યું. કારણ કે તેમની નીતિ વિષે તેમની નિયત હતી અને તેમની નિષ્ઠા પણ હતી. તેમને ભારતની જનતામાં પણ નિષ્ઠા હતી કે જનતા તેમને સાથ આપશે જ. અને તેમજ થયું.

સરકારી કાર્યવાહી ચાલુ થઈઃ

ભારતમાં કેટલાક ધંધા ૬૦ ટકા થી લઈને ૯૫ ટકા બીલ વગર જ થતા હતા. આ વાત ઓછામાં ઓછી ૬૦ વર્ષ જુની છે. બીલ વગરના ધંધા થાય એટલે સરકારને કર (ટેક્ષ) તો ન જ મળે. સ્થાવર મિલ્કતના હસ્તાંતરણમાં કાળું નાણું ૪૦ ટકાથી ૬૦ ટકા હોય છે. કાળા નાણાંની આ હેરફેર એક સામાન્ય વાત છે. આ નાણાંની હેરફેર સરકારી ચોપડે નોંધાતી નથી. એટલે તે દ્વારા થતી આવક પણ ન જ નોંધાય. નોટબંધી દ્વારા સરકારને ખબર તો પડી જ કે ક્યાં અને કેટલું આવું નાણું કોઈ એક ક્ષણે કોની પાસે કેટલું હતું. એટલે લાખો માણસો ચોપડે નોંધાયા. એટલે સરકારી કાર્યવાહી ચાલુ થઈ.

આ નોટબંધીને વિશ્વવિદ્યાલયોના પ્રમાણપત્રો દ્વારા પ્રમાણિત અર્થશાસ્ત્રી એવા આપણા ભૂતપૂર્વ  વડાપ્રધાને “આયોજન પૂર્વકની લૂંટ” તરીકે ઓળખાવી. આવી વ્યક્તિ અવિશ્વસનીય બને તો શું બને? કાં તો આવી વ્યક્તિ પોતાની જાતને ધૂર્ત સિદ્ધ કરે છે કાંતો પોતાને પપ્પુ સિદ્ધ કરે છે. આપણા પપ્પુ ભાઈ ગુડ્ઝ સર્વીસ ટેક્ષને ગબ્બર સિંહ ટેક્ષ તરીકે ઓળખાવે છે. કારણ કે તેમાં જી.એસ.ટી.નો પ્રાસ છે. પ્રાસ મળતો હોય તો અર્થ પણ સમાનાર્થી જ ગણી લેવાનો. સાધ્યં ઈતિ સિદ્ધં . આપો આપ સિદ્ધ થઈ જાય છે એટલે સિદ્ધ કરવાની ભાંજગડ નહીં. એવો તર્ક અમુક સુજ્ઞ જનોમાં પ્રવર્તે છે.

આ રીતના સાધ્યં ઈતિ સિદ્ધમાં માનવાવાળા બીજા સુજ્ઞ લોકો કોણ છે?

રજ્જુ અને સર્પ

અદ્વૈતની માન્યતાનું પ્રતિપાદન કરનારા શંકરાચાર્યે એક “રજ્જુ સર્પ” નો દાખલો આપતા હતા.

“રજ્જુ અને સર્પ” એ વળી શું છે?

જો કોઈ એક જગ્યાએ દૂર એક દોરડું પડ્યું હોય તો કોઈ દોરડાને સાપ માની લે અને તેનાથી ભય પામે. પણ જ્યારે એને ખબર પડે કે આ તો દોરડું છે ત્યારે તેનો તે ભય દૂર થઈ જાય. એટલે કે ફક્ત બાહ્ય અને તેપણ દૂરના દેખાવ ઉપરથી ધારણા બાંધી લેવી તે અતાર્કિક અને અજ્ઞાન છે. જ્યારે આ અજ્ઞાન દૂર થાય ત્યારે હકિકતનું ભાન થાય છે અને ભય દૂર થાય છે.

આ તો શંકરાચાર્યના વખતની ચર્ચા છે. તે વખતે પણ હાલના કટારીયા મૂર્ધન્યોની જેમ વિતંડાવાદીઓ હતા. તેમાંના એકે એવી દલીલ કરી કે જો દોરડા ઉપરથી સર્પની કલ્પના થઈ કે જે સર્પ અસ્તિત્વ ધરાવતો ન હતો. પણ ક્યાંક બીજે તો સર્પ અસ્તિત્વ ધરાવતો હતો જ. એટલે દોરડું અને સર્પ બંને અસ્તિત્વ તો ધરાવે જ છે. તેથી જો “બે વસ્તુ અસ્તિત્વ ધરાવતી હોય” તો અદ્વૈત-વાદનો ધ્વંસ થાય છે. શંકરાચાર્યે કહ્યું કે ઉપરોક્ત સરખામણીમાં ઉપમાને સરખાવી છે. ઉપમા જે છે તે અજ્ઞાનની છે. ભયનું કારણ અજ્ઞાન છે. અભયનું કારણ જ્ઞાન છે.

પણ જો કોઈ લોકો દોરડાને, સર્પ જ સમજાવવામાં માનતા હોય તો?

જો કે એવા વિદ્વાનો શંકરાચાર્યના યુગમાં હતા કે નહીં તે આપણે સચોટ રીતે જાણતા નથી. કારણ કે જેમણે જેમણે શંકરાચાર્યે ચર્ચા કરી તેમણે પોતાનો પરાજય સ્વિકારી લીધેલ. પણ હાલના જમાનામાં વિદ્વાનોમાં આવી માનસિકતા નથી. હાલના વિદ્વાનો તો કદાચ પોતે તો સમજતા પણ હોય, પણ તેઓ એવું ઈચ્છતા નથી કે જનતા આ સમજે. તેઓ એવું ઈચ્છતા નથી કે જનતા સમજે કે વિમુદ્રીકરણ અને જી.એસ.ટી. રુપી દોરડાને દોરડું માને અને સમજે કે આ દોરડાથી પાણીની સગવડ થશે અને ચોરોને બાંધી શકાશે. આજના વિદ્વાનો તો જનતાને એમ જ સમજાવવા માગે છે કે આ વિમુદ્રીકરણ અને જી.એસ.ટી. તો કાળોતરો વિષધર નાગ છે અને તે સમાજને ભરખી જશે.

એક કટારીયા લેખકની માનસિકતા જુઓ

વિમુદ્રી કરણ વિષે એક કટારીયા વિદ્વાનની નિમ્નલિખિત સમજણ વાંચો કે તેઓશ્રી જનતાને કેવો સંદેશ આપે છે.

એક તળાવ હતું. તેમાં મોટી સંખ્યામાં માછલીઓ રહેતી હતી. આ તળાવમાં મગરમચ્છ પણ હતા. મગરમચ્છને મારવાના હતા. એટલે તળાવનું પાણી કાઢી નાખ્યું. તો હવે શું થયું? પાણીના અભાવે માછલીઓ મરી ગઈ. મગરમચ્છો તો બીજે ચાલ્યા ગયા.

આને જો તાર્કિક ભાષામાં લખીએ તો એમ લખાય કે એક તળાવમાં રૂ.૫૦૦/- અને રૂ.૧૦૦૦/-ના ચલણરૂપી પાણીમાં ગરીબો રૂપી માછલીઓ અને કાળાનાણાંધારી મગરમચ્છો રહેતા હતા.

હેતુ પાણીને શુદ્ધ કરવાનો અને મગરમચ્છોને પકડવાનો હતો. પાણીને શુદ્ધ કરવા માટે દુષિત પાણીને કાઢી નાખ્યું. એટલે ગરીબો મરી ગયા. અને મગરમચ્છોએ પોતાનો રસ્તો કરી લીધો.

પાણી=૫૦૦ અને ૧૦૦૦ ચલણી નોટો.

માછલીઓ=ગરીબ માણસો

મગરમચ્છો=કાળાનાણાંવાળાઓ

નહેરુવીયન કોંગ્રેસીઓની સરકારે આપેલા આંકડા પ્રમાણે ભારતના ૯૫% માણસોની માસિક આવક રૂ.૫૦૦૦થી ઓછી છે. અને શૂન્ય પછીના આવતા દશાંશ બિન્દુ પછી એક થી વધુ શૂન્ય લખીને (૦.૦૦… ટકા )આંકડો પાડીએ તેટલા લોકો આવકવેરાના ફોર્મ ભરે છે. આવકવેરો તો તેથી પણ ઓછા લોકો ભરે છે. એટલે વાસ્તવમાં જે લોકો નોટો બદલાવવા ઉભા હતા તેઓમાંના મોટાભાગના તો કોઈકની સેવા કરતા હતા.

ગળાડૂબ કાદવમાં રહેલા પાડાઓ

એટલે આમ જુઓ તો તળાવના ચારે તરફના કિનારાઓ ના કાદવમાં જે પાડાઓ હતા તે કાદવને કાઢી નાખ્યો એટલે કે જે પાડાઓ બધા કાદવમાં પડ્યા પાથર્યા ગળાડૂબ રહેતા હતા અને મસ્તી કરતા હતા તે બધા દેખાતા થઈ ગયા. કાદવ કરતાં પાતળું પાણી (રૂ.૧૦, ૨૦, ૫૦, ૧૦૦, ચલણી નોટો) હતું તેમાં રહેલી માછલીઓને તો કશો વાંધો ન આવ્યો.  

હવે તમે જુઓ. પાણી એટલે  ૫૦૦ અને ૧૦૦૦ ની ચલણી નોટો નથી. પાણીમાં રૂ. ૫, ૧૦, ૨૦, ૫૦, ૧૦૦ ની નોટો પણ આવે. ગરીબ માણસોની પાસે તો આવી જ નોટો હોય. તેમની પાસે કદીય ૨૫૦૦૦ રૂપીયા અને તેપણ ૫૦૦ની કે ૧૦૦૦ની ચલણી નોટોમાં અને તે પણ મહિનાની આખર તારીખના દિવસોમાં હોય જ નહીં. અમારા જેવા ગ્રુપ-એમાં આવતા કેન્દ્રીય કર્મચારી નિવૃત્ત થયા ત્યાં સુધી રૂ.૫૦૦ કે રૂ. ૧૦૦૦ની  ચલણી નોટોમાં પગાર મેળવવા ભાગ્યશાળી થયા નથી. તેમજ નિવૃત્ત થયા પછી પણ દશ પંદર વર્ષ સુધી (૨૦૧૨સુધી) નોકરી કરી તો પણ રૂ.૫૦૦ કે રૂ. ૧૦૦૦ની  ચલણી નોટોમાં પગાર મેળવવા ભાગ્યશાળી થયા નથી. હવે જો હાલના ગરીબો મહિનાના આખરના દિવસોમાં પણ ૨૫૦૦૦થી વધુ મૂલ્યની  રૂ.૫૦૦ કે રૂ. ૧૦૦૦ની  ચલણી નોટો રાખી શકતા હોય તો નહેરુવીયન કોંગ્રેસના નેતાગણે અને તેમના સાંસ્કૃતિક સાથીઓએ નરેન્દ્ર મોદીને સલામ ભરવી જોઇએ કે જે નરેન્દ્ર મોદીએ ભારતના ગરીબોની હાલત આટલી બધી સારી અને તેપણ ફક્ત ત્રણ વર્ષમાં જ કરી દીધી.

કટારીયા વિદ્વાનો કે જેઓ તળાવ, માછલાં અને મગરમચ્છના ઉદાહરણ કે તેને સમકક્ષ ઉદાહરણો આપતા હોય તેઓ કાંતો ઠગ છે કે કાં તો તેઓ પપ્પુભાઈ છે. આ બે માંથી એક વાત તો તેમણે કબુલ કરવી જ પડશે.

નહેરુને જનોઈ આપ્યું

મૂંગા રહ્યા હોત તો પણ ચાલત. પણ પપ્પ્પ્પુ ભાઈઓ થોડા મૂંગા રહી શકે?

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

એક ભાઈ વિદેશથી આવેલા. તેમની સાથે તેમના મિત્ર પણ હતા. મિત્રભાઈએ કહ્યું “હું તારી સાથે નહીં આવું. કારણ કે તું ગપ્પાં બહુ મારે છે. એટલે વિદેશથી આવેલ ભાઈએ કહ્યું, કે જ્યારે તને એવું લાગે કે હું ગપ્પું મારું છું ત્યારે તારે મને ચેતવવા “છીસ…” એમ સિસકારો કરવો એટલે હું મારું મારું ગપ્પું સુધારી દઈશ.

વિદેશથી આવેલા આ ભાઈ અને તેમના મિત્ર, એક મંડળીમાં બેઠા હતા. વિદેશથી આવેલા ભાઈ બોલ્યા કે “અમારે ત્યાં તો સો સો માઈલ લાંબા સાપ હોય છે.”

મિત્રે “છીસ … “ કરીને સિસકારો બોલાવી સંકેત આપ્યો.

એટલે આ ભાઈ બોલ્યાઃ” પણ આવા લાંબા સાપ તો અમે જોયેલા નથી. પણ અમારા વિસ્તારમાં તો એકાદ માઈલ લાંબા જ સાપ હોય”.

મિત્રે “છીસ … “ કરીને સિસકારો બોલાવી ફરીથી સંકેત આપ્યો.

એટલે આ ભાઈ બોલ્યાઃ જો કે આવા સાપ પણ આમ તો દૂર દૂર. પણ અમારા પોતાના વિસ્તારમાં તો એકાદ ફર્લાંગ જેટલા લાંબા જ સાપ થતા હતા.

મિત્રે “છીસ … “ કરીને સિસકારો બોલાવી ફરીથી સંકેત આપ્યો.

એટલે આ ભાઈ બોલ્યા “છીસ.. ને બીસ…, હવે તો હું એક તસુ પણ ઓછું નહીં કરું”

આપાણા પપ્પુભાઈ બોલ્યાઃ “નરેન્દ્ર મોદીએ ૪૫૦૦૦ કરોડ એકર ભૂમિ ઉદ્યોગપતિને દાનમાં આપી દીધી.” આ “જીભ લપસી ગઈ” એમ નથી. તેઓશ્રી બે સભામાં આવું બોલ્યા હતા. હવે આપણા પપ્પુભાઈને “છીસ … કારો” કરવા વાળા તો હોવા જોઇએ કે નહીં? પણ નથી. કારણ કે બધા પપ્પુભાઈઓ જ છે.

Read Full Post »

અંધારા ઓરડામાં કાળો ભૂતીયો બિલાડો અને બ્રહ્મજ્ઞ રજનીશ આમ તો મુહાવરો એમ એ કે “અસ્તિત્વ ન ધરાવતી કાળી બિલાડીને અંધારા ઓરડામાં શોધવી.” કાળો ભૂતીયો બિલાડો બીલાડો એટલે શું?

કાળો એટલે બધા રંગો શોષી લે. ભૂતિયો એટલે અસ્તિત્વ ન ધરાવતો અને બિલાડો એટલે બિલાડીને બદલે બિલાડો. અને બ્રહ્મજ્ઞ એટલે શું? સૌપ્રથમ આવો અંગ્રેજી ટૂંકાક્ષરી શબ્દ હતો એલજીવીજી. એટલે કે લાગવગ. ગુજરાતીમાં એક નવો શબ્દ પ્રચલિત થયો છે જે છે “એમ.બી.એ.”. “એમ” એટલે મને. “બી” એટલે બધું. અને “એ” એટલે આવડે. મને બધું આવડે એટલે એમબીએ. એમબીએની જ્ઞાતિનો એક શબ્દ છે સબબંદરકા વ્યાપારી. એટલે કે તમે જે કંઈકામનું નામ લો તે એ કરી શકે. બ્રહ્મજ્ઞ એટલે તમે બ્રહ્મને જાણી લીધું એટલે તમારામાં બધું જ્ઞાન આવી જાય. પછી તમે દરેક વિષયમાં તમારી ચાંચ ડૂબાડી શકે.

બ્રહ્મજ્ઞાની અવસ્થા

આમ તો દરેક મનુષ્યના જીવનમાં આ અવસ્થા આવે છે. પણ કેટલાકમાં આ અવસ્થા સ્થાયી થઈ જાય છે. જો આપણે માંડીને વાત કરીએ તો બાળક જન્મે એટલે તે ભોજન અને તેથી અતિરિક્ત દરેક વસ્તુને સ્પર્ષ કરીને ઓળખવાનો પ્રયત્ન કરે છે. પછી ભાષા સમજવાનો અને બોલવાનો પ્રયત્ન કરે છે. પછી તમે એને ભણાવો એટલે બધી માહિતિનો સંગ્રહ કરે છે.પછી તે પોતાના પ્રશ્નો કરવાનું અને મનગમતી માહિતિ મેળવવાના પ્રયત્નો કરે છે. પોતાની માહિતિને ઠમઠોરે છે. એમ કરતાં કરતાં તે પોતાનું ભણતર પૂરું કરે છે. પણ વ્યાવસાયિક અનુભવ ન હોવાથી વ્યવસાયમાં બીજાઓના અનુભવ વિષે પૃચ્છાઓ કરે છે.

એમ કરતામ કરતાં એ ૩૦ થી ૩૫ વર્ષનો થઈ જાય છે ત્યારે તેને ખબર પડે છે કે કેટલાકને તો પોતાના કરતાં પણ ઓછી ખબર છે. અને આ ઓછું જાણતા વ્યક્તિઓની સંખ્યા કે જેની તે જાણ રાખતો હોય છે તે ઉત્તરોત્તર વધતી જાય તો તે સમજવા લાગે છે કે તે હવે બ્રહ્મજ્ઞાની થઇ ગયો. એટેલે તે દરેક વિષયમાં ફ્રીસ્ટાઇલથી પાદાર્પણ કરે છે.

હવે આપણે બ્રહ્મજ્ઞાની તો થઇ ગયા પણ લોકોને તો ખબર નથી. લોકોને ખબર કેવીરીતે પાડવી? એટલે આ વિષે ચિંતન અને પ્રયત્નો ચાલુ થાય છે. સંસ્કૃતમાં આ વિષે લખ્યું છે કે “ઉટપટાંગ” અને “અર્થહિન વાતો કરવી”… આંબાને તરસ્યો ભૂખ્યો રાખવો અને થોરને પાણી પાવાની વાતો કરવી. એટલે કે સિદ્ધપ્રણાલીઓને તોડવાની વાતો કરવી. તે ખ્યાતિ મેળવવાનો ઉત્તમ રસ્તો છે. અમે દેશી છીએ એટલે દેશી ઉદાહરણો આપીએ છીએ. નહીં તો રોબર્ટ રેન્જર કે મેકસીમ ગોર્કી કે એવા કોઇનું નામ આપત. સત્યં વદ, ધર્મં ચર એવી ગુડ્ડી ગુડ્ડી વાતો કરશો તો લોકો ક્યાં સુધી સાંભળશે? કુતરુ માણસને કરડે તો તે ચટાકેદાર સમાચાર કે કદાચ સમાચાર પણ બનતા નથી. પણ માણસ જો કૂતરાને કરડે તો તે ચટાકેદાર સમાચાર બને જ બને. આ વાત પત્રકારિત્વના વિદ્યાર્થીઓને શિખવામાં આવે છે.

આપણે કંઇ વિષયહીન કે તારતમ્યહીન લાગે એવી વાતો તો કરવી નથી. એટલે મૂળ વાત પરા આવીએ. ભૂતીયો બિલાડો અને અંધારો ઓરડો એટલે શું? ભૂત એ એક અસ્તિત્વ ન ધરાવતું પ્રાણી છે. હવે આ ભૂત ભાઇ એવા છે કે રાત્રી હોય … અંધારું હોય … માણસ એકલો હોય… ડરેલો હોય … તો અને ત્યારે પટમાં આવે છે. એટલે કે તે માણસને દ્રષ્ટિ ગોચર થાય છે. ઉપરરોક્ત પરિસ્થિતિના અભાવમાં, કદાચ તેમને એટલે કે ભૂતભાઇને માણસભાઈ(માણસબેન પણ ખરાં)ની બીક લાગે છે. ચોરભાઇ ભલે અદ્રષ્ય થઇ ગયા પછી એકાદી નિશાની છોડી જાય પણ આ ભૂતભાઇ અદ્રષ્ય થયા પછી કશી નિશાની છોડતા નથી. તેમજ ચોરભાઇથી વિરુદ્ધ આ ભૂતભાઇ કશું લઇ પણ જતા નથી. આવું હોવાથી કેટલાક પોતાને સુજ્ઞજન માનતા લોકોએ પ્રશ્ન ઉત્પન્ન કર્યો કે “શું ખરેખર ભૂતભાઇ અસ્તિત્વ ધરાવે છે ખરા? અમને તો એવું લાગે છે કે ભૂતભાઇ જેવું કશું છે જ નહીં.”

“ભૂત ના અસ્તિત્વ” વિષે એક વિવાદ ઉભો થઇ ગયો. પછી ભૂતભાઇના સમર્થકોએ ભૂતોને તેમના સ્થાનને વિષે અને વર્તનને અનુરુપ ક્લાસીફાય કર્યા અને તેમનું નામકરણ કર્યું … વિગેરે વિગેરે…

પણ આ તો એક ઉદાહરણ થયું. તમે આવા કંઈક વિષયોને ઉત્પન્ન કરીને વિવાદ સર્જી શકો. અને આ ઉપરાંત પણ એવા ઘણા વિષયો છે જે ઉપર કાળના પ્રવાહમાં કાળે માન્ય કરેલા સુજ્ઞજનોએ વિસ્તારથી ચર્ચેલા વિષયો ઉપર ચર્ચા કર્યા વગર અથવા તો અસંબધ્ધ પ્રલાપનો આલાપ કરીને એક વિવાદ ઉત્પન્ન કરી શકો છો કે જેથી પૂર્વેના સુજ્ઞજનો તમારી ચર્ચામાં ભાગલેવા અશરીરી હોવાને કારણે વિલાપ કરતા થઇ જાય.

અંધારો ઓરડો એટલે શું? નાનકડો એક દિવો મોટા એવા ઓરડામાં અજવાળું પાથરી શકે છે. પણ ચમચાઓથી ઘેરાયેલા સંતઆગળ વિદ્વાન વૈજ્ઞાનિક પણ વામણો બની જાય છે. કારણ કે સંત અને તેથી કરીને ચમચામંડળ કે અલ્પજ્ઞ શ્રોતામંડળ કે જેને એવું ઠસાવી દીધેલું હોય છે કે બુદ્ધિથકી અદ્રષ્ટને સમજવાની શક્તિ સીમિત હોય છે અને તેથી આવા શ્રોતાઓની આગળ ફેલાયેલા અભિભાવક અંધકારમાં તે રજમાત્ર અજવાળું પાથરી શકતો નથી. આ અંધારા ઓરડામાં તો શબ્દોના પ્રાસ, અનુપ્રાસ, લય, વિલય અને વિરોધાભાષી સંભાષણોમાં જ શ્રોતાગણ અભિભાવુક બનવામાં માનતો હોય છે. અને તેથી જ્યારે સંતનું વિષય ઉપરનું અવિષય વ્યાખ્યાન પૂરું થાય ત્યારે ” … હા તો પછી સરવાળે શું કરવાનું એ તો સ્પષ્ટ કરો … ” એવું કોઇ પૂછી શકતું નથી.

સિદ્ધં ઈતિ સિદ્ધં

બધાએ સમજી લેવાનું હોય છે કે આ જ બ્લીસ, આ જ પ્રહર્ષ, આ જ પરમાનંદ. આપણા સંત જ સત ચિત અને આનંદ છે. અહો! આપણે કેટલા નિમ્ન કક્ષાએ છીએ કે સ્વજનના મૃત્યુ વખતે આપણે સ્થિતપ્રજ્ઞ રહેવું જોઇએ અથવા એવી કક્ષાએ પહોંચવું જોઇએ તે વિચારી શકતા પણ નથી. જ્યારે આપણા ગુરુજી તો ક્યાંના ક્યાંય પહોંચી ગયા છે. (જોકે જ્યારે બ્રહ્મજ્ઞાની રજનીશને માનવસ્વાતંત્ર્યને બિરદાવનાર અમેરિકાએ તડીપાર કર્યા ત્યારે આ જ બ્રહ્મજ્ઞાની રજનીશે સાંભળનારનું પણ પેટ ભરાઇ જાય તે હદે અમેરિકાની મુક્ત કંઠે નિંદા કરેલી.)

ભાષ્ય લખ્યા વગરના આચાર્ય કે સકુલવગરના (સ્કુલવગરના) પ્રિંસીપાલ

આ રજનીશભાઈ, જે પોતાને સર્વપ્રથમ આચાર્ય તરીકે ઓળખાવતા હતા, પણ પછી કોઈ તેમનાથી અધિક સુજ્ઞ જને તેમના ધ્યાન ઉપર લાવ્યા કે તમે કોઈ ભાષ્ય લખ્યું નથી, તમને સંસ્કૃત પણ આવડતું નથી એટલે તમને “આચાર્ય” કેવી રીતે કહી શકાય? ત્યારે આ રજનીશભાઈ કહ્યુ કે “હુ ફલાણી ફલાણી કોલેજ માં લેક્ચરર હતો.” આમ કહી તેમણે પોતાનું સંસ્કૃતનુ અજ્ઞાન પ્રગટ કર્યું. કારણ કે સંસ્કૃત ભાષામાં પ્રવર્તમાન પ્રણાલી પ્રમાણે લેક્ચરરને  અધ્યાપક કહેવાય છે. અને આચાર્ય તો પ્રિંસીપાલને કહેવાય છે. એટલે વાણીવિલાસી, આપણા આ રજનીશભાઈએ પોતાના નામના પૂર્વગ માં આચાર્યને સ્થાને “ભગવાન” શબ્દ સ્થાપિત કર્યો. 

ભગવાનનામનો પૂર્વગ શા માટે પસંદ કર્યો?

જો કે આમેય આ જગતમાં હમેશા પોતાને ભગવાન માનનારાઓનો તૂટો રહ્યો નથી. હર હમેશ જગતમાં મનુષ્ય રુપે વિચરતા ભગવાનોનો આંકડો ચાર આંકડામાં રહ્યો છે. શિષ્યોએ પોતાના ગુરુમાં રહેલા ભગવાનનો સાક્ષાત્કાર થયો કે તે ગુરુને પોતે ભગવાન હોવાની અનુભૂતિ થઈ તે તો તેઓ જ જો સાચાબોલા હોય તો કહી શકે. એ વાત જે હોય તે અહીં આપણા આ રજનીશભાઈ ભગવાન થયા. તેમના બધા પુસ્તકોમાં તેઓ પોતાના ફોટા સાથે ભગવાન રજનીશ તરીકે દૃષ્ટિગોચર થવા લાગ્યા.

ભગવાન થવામાં એક સુખ હતું. કયું સુખ હતું?

ભગવાન તો બધામાં જ હોય. ઝાડ, પાન, ડૂંગરા, નદીઓ, ખીણ, જંગલ, શહેર, ગામડું, મનુષ્ય, પશુ, પક્ષી, રાક્ષસ, કાર્ય, કારણ, સુખ, દુઃખ, એ બધું જ ભગવાન છે. ગીતામાં કૃષ્ણ ભગવાન નું વિશ્વરુપ દર્શન જોઈ લેવું. એટલે પોતાને ભગવાન કહેડાવીએ તેમાં કોઈ વાંધો પાડી ન શકે.

સામાન્ય માન્યતા એવી છે કે જે વ્યક્તિ પોતાનામાં રહેલા ભગવાનને ઓળખી શક્યો તે વ્યક્તિ ભગવાન. અથવા તો જેણે યોગ, કે સમાધિ દ્વારા બ્રહ્મને જાણી લીધું તે ભગવાન. એટલે જો આપણા રજનીશભાઈ પોતે જાતે ખોંખારીને ફોડ ન પાડે ત્યાં સુધી તેમના શિષ્યો યથેચ્છ રીતે, ચર્ચા કર્યા સિવાય જે માનવું હોય તે અને અથવા અજ્ઞજનોને  જે મનાવડાવવું હોય તે મનાવડાવી શકે. રજનીશભાઈ તો કશું બોલે જ શેના.

પણ પોતાને ભગવાન તરીકે ઓળખાવવામાં એક મુશ્કેલી હતી.

આ કંઈક વધુ પડતું હતું. આજના આધુનિક યુગ અને આધુનિક વિચારધારા સાથે બંધ બેસતું ન હતું. વળી આપણા રજનીશભાઈ પોતાને આધુનિક અને પ્રગતિશીલ વિચારધારાવાળા તરીકે ઓળખાવવા માગતા હતા. કારણ કે તેમને તેમના શિષ્યમંડળમાં માલેતુજાર લોકોને ભેળવવા માગતા હતા. રેંજી પેંજી, ગરીબ ગુરબા તેમને પસંદ ન હતા. સેલીબ્રીટીજ઼, ફીલ્મી હિરોજ઼, ફીલ્મી હિરોઈનો, જેવા લોકો અને બાપકમાઈ વાળા છેલ છબીલા લોકો, કૃષ્ણ ભક્તો, જય જીનેંદ્રવાળા લોકો, અને પોતાને વૈશ્વિક ગુરુ થવું હતું તેથી થોડા વિદેશી મૂક્તવિચરતા લોકો આવે તો સોનામાં સુગંધ ભળે. એક કાંકરે ત્રણ પક્ષી મરે.

જેમ રાત્રે તારાઓ થી ચંદ્ર શોભે છે, ચંદ્રથી તારાઓ શોભે છે અને ચંદ્ર અને તારાઓથી આકાશ શોભે છે, તેમ આવા ગુરુથી બેવકુફ જેવા પણ માલે તુજાર સેલીબ્રીટીઓથી પરસ્પર એકબીજા શોભે અને બંનેથી તેમનો આશ્રમ શોભી શકે.

આવી સ્થિતિમાં તર્કની જરુર પડતી નથી એની મોટી નિરાંત છે.

તર્કમાં આપણે માનવું જ નહીં. બધા વિવાદોનું મૂળ તર્ક છે. માટે તર્કને તિલાંજલી આપો.

તે માટે આ તર્ક કરો; જેની પાસે વધુ માહિતિ છે તે વધુ તર્ક કરી શકશે. જેની પાસે ઓછી માહિતિ હશે તે સાચો હોવા છતાં પણ હારી જશે. એટલે આમાં માહિતિઓનો જ જય પરાજય થાય છે. સત્ય તો ત્યાંનું ત્યાં જ રહે છે. માટે હે (અલ્પજ્ઞ જનો) તમે તર્કથી દૂર રહો. તમારા અંતરાત્માને જે ગમે તેને જ સત્ય માનો.

આપણા રજનીશભાઈમાં સંસ્કૃતભાષાનું જ્ઞાન ઓછુ હતું કે ન હતું. નહીં તો તે એમ પણ કહી શક્યા હોત કે સ્મૃતિ ર્વિભીન્ના શ્રુતયશ્ચ ભીન્ના, નૈકેઓ મૂનિર્યસ્ય વચસ્પ્રમાણં, ધર્મસ્ય તત્ત્વં નિહિતં ગુહાયાં, મહાજનો યેન ગતશ્ચ પંથા. (હે અજ્ઞજનો, વેદો અને ઉપનિષદો, અલગ અલગ કહેછે. મૂનીઓ પણ એકમત નથી. સત્ય છે તે તો કોઈ ઊંડી ગુફામાં પડ્યું છે. માટે તમે (જેને મહાપુરુષ માનો છો) મહાપુરુષો જે કહે તેને અનુસરો.

આપણા રજનીશભાઈના ઉદ્ધ્વરણો માં કૃષ્ણ, મહાવીર અને બુદ્ધ ના નામનો ઉલ્લેખ એક સાથે કશા પૂર્વાપર સંબંધ વગર થયા કરતો.

જો તમારે મહાન ગણાવું હોય તો તમારે પ્રચલિત સર્વસ્વિકૃત મહાપુરુષોની વાતોને નકારવી જોઇએ.

જેમકે ગાંધીજીના સિદ્ધાંતોને નકારો

“ગાંધીની અહિંસા નિરપેક્ષ અહિંસા નહીં થી. તમે તમારી વાત તર્કદ્વારા સિદ્ધ કરી શકો જો તમારી પાસે વધુ જાણકારી હોય તો.

પણ આ તો એક પ્રકારની હિંસા છે.

વળી તમે ઉપવાસ દ્વારા સામેની વ્યક્તિ ઉપર દબાણ લાવો એ પણ હિંસા જ છે.

એક વેશ્યા એક યુવકને કહ્યું કે તું મારી સાથે લગ્ન કર નહીં તો હું ઉપવાસ ઉપર બેસીશ.

આ હિંસા નથી તો શું છે?” …. રજનીશભાઈ ઉવાચ.

જો કે ગાંધીજીના પુસ્તકો, કે કમસે કમ સત્યાગ્રહ અને ઉપવાસ વિષેના પુસ્તકો રજનીશભાઈએ વાંચ્યા લાગતા નથી. જનતાના મોટાભાગના લોકોએ પણ વાંચ્યા નથી હોતા એટલે આપણા રજનીશભાઈનો વાણી વિલાસ ચાલ્યા કરેછે.

રજનીશભાઈને ખબર નથી કે સત્યાગ્રહ, ઉપવાસ, સવિનય કાનૂન ભંગ વિગેરે શસ્ત્રો વાપરવાના નિયમો સુનિશ્ચિત રીતે બનાવેલા છે. તેની પ્રથમ શરત જ એ છે કે ઉપરોક્ત શસ્ત્ર ફક્ત “સર્વજન હિતાય” જ  વાપરી શકાય. બીજી શરત એ કે સંવાદ માટે હરઘડી હરપળ તૈયાર રહેવું. કાનૂની સજા ભોગવવા તૈયાર રહેવું.

ગાંધીજી કંઈ મૂર્ખ ન હતા કે તેમના શસ્ત્રોને ફક્ત નામ જ આપે અને તેના ઉપ્યોગના નિયમો ન બનાવે. પણ હવે આપણા રજનીશભાઈને કોણ કહેવા જાય કે તમારામાં લાંબી બુદ્ધિ નથી. વળી તેમના શ્રોતાઓ પણ રજનીશભાઈ થી ઉચ્ચ કક્ષાના તો ન જ હોય. બનતા સુધી તો તેમના થી ઘણી ઉતરતી કક્ષાના હોય.

આપણા આ રજનીશભાઈ એ નિરપેક્ષ અહિંસાનો દાખલો આપ્યો. એક પાદરીએ એક વ્યક્તિનું દૂરથી પોતાની આધ્યાત્મ શક્તિથી જ હૃદય પરિવર્તન કરી દીધું. ન માહિતિની આપ લે ન ચર્ચા. આને કહેવાય નિરપેક્ષ અહિંસા.

અરે રજનીશભાઈ, “જંગલમેં મોર નાચા કિસીને ન દેખા”. તમારી વાતને મૂર્ખ જ સ્વિકારશે. પાદરી કે વિચાર પરિવર્તિત વ્યક્તિ ગોત્યા જડતા નથી. અને જડે તો પણ શું?

આવી તો ઘણી અગડં બગડં વાતો છે આપણા રજનીશભાઈની. … ક્યારેક તે વાતો કરીશું.   

એટલે જ હજારો વર્ષ પૂર્વે સંસ્કૃતમાં એક શબ્દ પ્રયોગ છે કે “પરોપદેશે પાંડીત્યં શોભનં વર્તતે”. અને તેથી જ રજનીશ આનંદ, નિજાનંદ, દિવ્યાનંદ, અત્યાનંદ, પરમાનંદ, દેવાનંદ વિગેરે વિગેરે વિગેરાનંદ ની વાતો તેમના અભિભાવુક શ્રોતાઓમાં આલાપી શકે છે.

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

%d bloggers like this: