હેલ્પેશભાઈએ ચા બનાવી
હેલ્પેશભાઈએ જોયું કે તેમના પત્ની વંત્રિકાબેન દાદરો ઉતરીને નીચે રસોડામાં આવી રહ્યા છે.
હેલ્પેશભાઈએ કહ્યું; જો હવે હું ઉપર જાઉં છું. ગોપા ઓફીસ જતાં જતાં મને ત્રણવાત કહેતી ગઈ છે. એક વાત; કહેતી ગઈ છે કે દૂધના મોટા પેકેટ ખલાસ થઈ ગયા છે એટલે નાના પેકેટમાંથી ચા માટે તથા પીવા માટે દૂધ વાપરવાનું છે. બીજીવાત; ગોપાને ઓફીસ નું મોડું થતું હોવાથી ચાની તપેલી ધોઈ નથી. તેથી ચા માટે મમ્મી નવી તપેલી લે એમ પણ કહ્યું છે. ત્રીજીવાત; ગોપાએ બ્રેકફાસ્ટ માટે તારા માટે ઢોંસા બનાવીને રાખ્યા છે.
વંત્રિકાબેનઃ “એમાં ગણાવીને શું કામ કહો છો?
હેલ્પેશભાઈ; “ આતો હું ભૂલી ન જાઉં એટલે મેં ગણત્રી કરી રાખી કે મારે તને ત્રણ વાત કહેવાની છે.
વંત્રિકાબેન; “ જોયા મોટા ગણાવવાવાળા. પોતાને કશું આવડતું નથી એટલે આવું ડહાપણ સુઝે છે.
હેલ્પેશભાઈ; “ મને તો બધું જ આવડે છે. પણ તું મને કરવા ક્યાં દે છે!
વંત્રિકાબેન; “ આવડ્યો મોટો. હોંશીયારી ન મારતા હો તો સારું … શું આવડે છે બોલોને !
હેલ્પેશભાઈ; “ બધું જ આવડે છે. તું કહે તો મોહનથાળા બનાવી દઉં. બોલ બનાવી દઉં?
વંત્રિકાબેન; “ આવડ્યો … આવડ્યો … ચા બનાવતા તો આવડતી નથી … અને મોહનથાળ બનાવવો છે, મોટો …
હેલ્પેશભાઈ; “ પણ તું મને કશું બનાવવા ક્યાં દે છે કશું? હું તો બધું જ બનાવી શકું. તું કહે તો આજે ચા પણ બનાવી દઉં. પણ તારે તો તારો જાણે ગરાસ લુંટાઈ જાય છે. મને કશું કરવા જ ક્યાં દે છે?
વંત્રિકાબેન; “ કરવા શું દે ! આવડે તો કરવા દઉં ને? સેકેલો પાપડે ભાંગ્યો છે કોઈ દિવસ ! તે આવડવાની વાત કરો છો?
હેલ્પેશભાઈ; “ તું એક તો મને કશું કરવા નથી દેતી અને મારી બુરાઈ કરે છે. ચલ આજે તો ચા બનાવી જ દઉં. પણ તારે કશું વચ્ચે બોલવાનું નહીં. હું જેમ કરતો હોઉં તેમ મને મારી રીતે કરવા દેવું
વંત્રિકાબેન; “ લો બોલ્યા … મને મારી રીતે કરવા દેવું. એમ હું શેની કરવા દઉં. એક ચા કરવામાં રસોડું આખું ચિતરી મુકો. એટલે મારે તો કામ વધે. અહી હું મરી મરીને બધું કામ કરતી હોઉં છુ, અને તમે એમાં વધારો કરો … એ ક્યાંથી ચાલે !!
હેલ્પેશભાઈ; “ ઓ કે ચલ. … હું કંઇ ભૂલ કરું તો બોલજે એ સિવાય નહીં બોલતી. કબુલ?
વંત્રિકાબેન; “ મારે બોલવું હોય તો બોલું પણ ખરી.
હેલ્પેશભાઈ; “ ઓ કે. બોલજે બસ. હું ચા કરું છું કબુલ?
વંત્રિકાબેન; “ હા કરો . હું પણ જોઉં કે કેવી ચા કરો છો !!
હેલ્પેશભાઈ; “ તું તો જોતી જ રહી જઈશ એવી ફસક્લાસ ચા કરીશ.
વંત્રિકાબેન; “ હા કરો ને … જો ઉં તો ખરી કે કેવી ચા બનાવો છો!
હેલ્પેશભાઈ; “ ઓકે ચલ અહી આ ખુરશીમાં બેસી જા.
વંત્રિકાબેન; “ લો આ બેઠી. બનાવો ચા.
હેલ્પેશભાઈ તપેલી લેવા કીચનનું એક ડ્રૉઅર ખોલે છે.
વંત્રિકાબેન; “ એ .. એ ડ્રૉઅરમાં તપેલી ન હોય. ગેસની જમણી બાજુના બીજા નંબરના ડ્રૉઅરમાં તપેલી છે. ખબર તો છે નહીં કે રસોડામાં તપેલીઓ ક્યાં રખાય છે અને ચા બનાવવા નિકળી પડ્યા છે !!
હેલ્પેશભાઈ; “ તે એમાં શું થઈ ગયું. આ ડ્રૉઅરમાં ન હોત તો બીજું ડ્રૉઅર ખોલત.
(હેલ્પેશભાઈ એક તપેલી બહાર કાઢે છે.)
વંત્રિકાબેન; “ એ તપેલી નહીં. પેલી ત્રીજા નંબરની તપેલી લો.
હેલ્પેશભાઈ ત્રીજા નંબરની તપેલી લે છે. અને ફ્રીજમાંથી તપેલીમાં પાણી લેવા જાય છે.
વંત્રિકાબેન; “ ચા માટે કંઈ ફ્રીજનું પાણી લેવાની જરુર ન હોય. જુઓ જમણી બાજુના સીંકમાં જે નાનો નળ છે તે પીવાના પાણીનો છે. એ પાણી લો.
હેલ્પેશભાઈ; “ મને એમ કે ફ્રીજનું પાણી તો ફિલ્ટરવાળું હોય એટલે સારું કહેવાય.
વંત્રિકાબેન; “ હું કહું એમ કરો. ડાહપણ કર્યા વગર ..
હેલ્પેશભાઈ સીંકના નળનું પાણી લેવાની શરુઆત કરે છે.
વંત્રિકાબેન; “ એમ ધડ ધડ નળ ખોલવાની જરુર નથી. અને તપેલી જરા વચ્ચે રાખો. એટલે પાણી બહાર ન પડે.
હેલ્પેશભાઈ; “ બધું કહેવાની જરુર નથી.
વંત્રિકાબેન; “ કહેવું તો પડે જ ને. આવડતું તો કશું છે નહીં
હેલ્પેશભાઈ; “ ભલે ભલે.. લે બસ.
હેલ્પેશભાઈ પાણી લે છે.
વંત્રિકાબેન; “ તપેલીમાં દુધ નાખવાની જગ્યા પણ રાખજો. છલો છલ ભરી ન દેશો.
હેલ્પેશભાઈ; “ મને ખબર છે કે સવા ત્રણ કપ પાણી અને એક કપ દુધ એમ હોય છે.
હેલ્પેશભાઈ ગેસની ડાબી બાજુની સઘડી ઉપર તપેલી મુકે છે.
વંત્રિકાબેન; “ એ સઘડી ચા માટે નથી. ચા માટે જમણી બાજુની નીચેની સઘડી ઉપર તપેલી મુકો. હેલ્પેશભાઈ તેમ કરે છે.
વંત્રિકાબેન; “ એમ ફાંફાં શું મારો છો. ત્રીજા નંબરનો નોબને ઑન કરો એટલે ગેસ ચાલુ થશે. ઉપરનો એગ્ઝોસ્ટ ચાલુ કરો. ફાયર એલાર્મ ચાલુ થશે તો પોલીસ આવીને ઉભી રહેશે. બધું કહેવું પડે. કોઈ દિવસ બૈરી કેમ કરે છે એ જોયું હોય તો ખબર પડેને… !!
હેલ્પેશભાઈ; “ તું વચ્ચે બોલ બોલ ન કર. હું તને ચા કરી દઈશ …
વંત્રિકાબેન; “ હવે આદુ શોધશો કે નહીં? જુઓ ડાબી બાજુના ખુણામાં પ્લાસ્ટીકની થેલીમાં છે.
હેલ્પેશભાઈ; “મને ખબર છે આદુ ક્યા છે તે સમજી !!
હેલ્પેશભાઈ થેલીમાંથી આદુની મોટી ગાંઠ કાઢે છે.
વંત્રિકાબેન; “ એ મોટી ગાંઠ લેવાની જરુર નથી. બીજી નાની ગાંઠ પણ છે.
વંત્રિકાબેન; “ એ મીડીયમ ગાંઠ નહીં. નાની ગાંઠ લો અને મીડીયમ ગાંઠમાંથી એક નાનો કટકો કાપો.
હેલ્પેશભાઈ નાની ગાઠ લે છે. અને મીડીયમ ગાંઠ ને કાપવા ચપ્પુ માટે એક ડ્રૉઅર ખોલે છે.
વંત્રિકાબેન; “ એ ડ્રૉઅરમાં ચપ્પુ ન હોય. એની ડાબી બાજુના ઉપલા ડ્રૉઅરને ખોલો એમાં ચપ્પુ હશે.
હેલ્પેશભાઈ એમ કરે છે અને એક ચપ્પુ લે છે.
વંત્રિકાબેન; “ એ ચપ્પુ નહીં. એ ચપ્પુ તો બ્રેડ કાપવા માટે છે. જુઓ એની પાછળ થોડું મોટું ચપ્પુ છે તે લો.
હેલ્પેશભાઈ; “ હવે એમાં શો ફેર પડે? આ ચપ્પુથી પણ કપાય છે તો ખરું જ ને.
વંત્રિકાબેન; “ હું કહું એમ કરો. ખોટી જીભા જોડી ન કરો.
હેલ્પેશભાઈ મોટું ચપ્પુ લે છે. અને આદુની છાલ કાઢે છે.
વંત્રિકાબેન; “ પહેલાં આદુને પાણી થી ધુઓ. પછી છાલ કાઢો.
હેલ્પેશભાઈ; “ મને મારી રીતે કરવા દે.
વંત્રિકાબેન; “ ના હું કહું હું એમ કરો. નહીં તો ચા નથી કરવી તમારે. ચલો .. ખસો આઘા.
હેલ્પેશભાઈ; “ ના હવે તો ચા કરીને જ જંપીશ.
વંત્રિકાબેન; “ કરો તો હવે. પણ હું કહું તેમ કરો.
હેલ્પેશભાઈ આદુને ધોવે છે. પછી એક ટીસ્યુ પેપેર નો કટકો ફાડે છે.
વંત્રિકા બેનઃ એવડો મોટો કટકો શેનો ફાડ્યો છે?
હેલ્પેશભાઈ; “ આદુના છોડા એમાં નાખવા પડશે ને !! નહીં તો કીચનનો આ પથરો બગડશે. મને બગડે એવું ન ગમે.
વંત્રિકાબેન; “ બહુ જોયા ચોક્ખાઈવાળા. નાનો કટકો ન ફડાય શું?
હેલ્પેશભાઈ પછી છીણીને શોધે છે.
વંત્રિકાબેન; “ શું શોધો છો. છીણી? અહીં છીણી નથી. જુઓ પેલા ખુણામાં પેલો નાનો ખલ છે. તેમાં આદુને વાટો.
હેલ્પેશભાઈ આદુને વાટે છે.
વંત્રિકાબેન; “ આ બધા આદુની છાલ જે પડી છે તેને કોણ ડસ્ટબીનમાં નાખશે? શું હું નાખીશ.?
હેલ્પેશભાઈ ટીસ્યુપેપરને છાલ સહિત ડસ્ટબીનમાં નાખે છે.
હેલ્પેશભાઈ ગેસના ચૂલાની પાણીની તપેલીમાં આદુ નાખે છે.
વંત્રિકાબેન; “ હવે હમણાં દુધ ન નાખશો. નહીં તો દુધ ફાટી જશે. પહેલાં પાણીને ઉકળવા દો.
હેલ્પેશભાઈ; “ મને ખબર છે. મને ફીઝીક્સ ના નિયમોની બધી ખબર છે.
વંત્રિકાબેન; “ એમાં ફીઝીક્સ ક્યાં આવ્યું વળી?
હેલ્પેશભાઈ; “ફીઝીક્સ તો બધામાં જ આવે. ઉકળતા પાણીમાં આદુના બેક્ટેરીયા જીવી ન શકે. અને જો પાણી ઉકળે એ પહેલાં આદુ નાખીએ તો બેક્ટેરીયા દુધને ફાડી નાખે.
વંત્રિકાબેન; “ બેક્ટેરીયા ફીઝીક્સમાં ન આવે. બેક્ટેરીયા બાયોલોજીમાં આવે.
હેલ્પેશભાઈ; “ બધા કોષ અણુઓના બનેલા હોય. અને અણુનું શાસ્ત્ર ફીઝીક્સમાં આવે. ઉકળવું, થીજી જવું … એવું બધું ફીઝીક્સમાં આવે. અંતે બધાં જ શાસ્ત્ર ફીઝીક્સમાં જ આવીને મળે. ખબર પડી?
વંત્રિકાબેન; “ મારે કશું જાણવું નથી.
હેલ્પેશભાઈ ચા ખાંડના ડબા શોધે છે.
વંત્રિકાબેન; “ એમ કેટલા કબાટ ખોલશો? જુઓ ડાબીબાજુના કબાટના બીજા શેલ્ફમાં ચા ખાંડના ડબા છે. પહેલાં ખાંડ નાખો. પાણી ઉકળે પછી ચા નાખજો.
હેલ્પેશભાઈ; “ મને બધી ખબર છે. કહેવાની જરુર નથી.
વંત્રિકાબેન; “ પણ તમે જે ડબો હાથમાં લીધો એ તો ચાનો ડબો છે.
હેલ્પેશભાઈ; “ તે ભલે ને હોય. ડબો ખોલીશ એટલે ખબર તો પડશે જ ને.
વંત્રિકાબેન; “ ચાની ચમચી જુદી છે. ખાંડની ચમચી થોડી મોટી છે એ લો. બધું કહેવું પડશે તમને.
હેલ્પેશભાઈ; “ કશું કહેવું નહીં પડે. શું હું એકલો રહ્યો જ નથી. લગન પહેલાં એકલો રહેતો હતો તો શું ચા પીતો ન હતો? મજાની ચા કરીને પીતો હતો.
વંત્રિકાબેન; “ એ હા… છે ને .. તે હું મરી જઉં પછી ચા કરીને પીજો ને. મારે ક્યાં જોવા આવવું છે!
હેલ્પેશભાઈ; “ એમાં મરવાની વાત ક્યાંથી આવી? હું ચા કરીને પીતો હતો એમાં મરવાને શું લાગે વળગે?
વંત્રિકાબેન; “ તો બીજું શું. હું આમ કરતો હતો અને હું તેમ કરતો હતો. જાણે કે શું નું શું ય કરી નાખ્યું હશે !!
હેલ્પેશભાઈ; “ હવે લબલાટી બંધ કર. આ મેં તને બહુ પપલાવીને રાખી ને … એટલે તું બહુ ફાટી છે. લકડે ધકડે રાખવા જેવી હતી.
વંત્રિકાબેન; “ તે લાવવી’તી ને તમારા ગામની. મારે ઘરે શું કામ જોડા ફાડવા આવતા હતા?
હેલ્પેશભાઈ; “ એ મારી ભૂલ થઈ ગઈ બસ. હવે છે કંઈ?
વંત્રિકાબેન; “ ભૂલ તો મારી થઈ કે મેં તમારી સાથે લગન કર્યા. મેં કશું વિચાર્યું જ નહીં. મારે વિચારવા જેવું હતું. આ વિચાર્યું નહીં એનું પરિણામ ભોગવવાનું આવ્યું. હું નકામી ફસાઈ ગઈ.
હેલ્પેશભાઈ; “ ફસાઈ તો હું ગયો. શરમાઈ શરમાઈને તેં મને ફસાવ્યો. જુદી જુદી છોકરીઓ જુદી જુદી રીતે છોકરાઓને ફસાવે. તેં મને શરમાઈ શરમાઈને ફસાવ્યો.
વંત્રિકાબેન; “ હવે ગેસ ઉપર ધ્યાન રાખો. ગેસને થોડો ધીમો કરો. અને દૂધ નાખો. બહુ ફસાઈ જનારા ન જોયા હોય તો. તમારા ગામની કોઈ મળી હોત ને ! તો ખબર પડત. માથે છાણા થાપત થાણા… આ પેલી “ …. “ ને જોઈ નથી… તમારા ગામની જ હતી ને હવે એનો વર પોશ પોશ પસ્તાય છે.
હેલ્પેશભાઈ; “ બધાને કંઈ એવી જ છોકરી મળે એવું કંઈ ન હોય, સમજી? અને હું કંઈ અમારા ગામની જ છોકરી લાવું એ કંઈ જરુરી નથી, સમજી?
વંત્રિકાબેન; “ જોયા મોટા છોકરી લાવવાવાળા. ચાને હલાવતા રહો. નહીં તો ઉભરાઈને ગેસનો ચૂલો બગાડશે. કાલે જ સાફ કર્યો છે.
હેલ્પેશભાઈ તપેલીમાં ચમચો ફેરવે છે અને બોલે છે “હજી ઉભરાવવાને ઘણી વાર છે.” પછી તેઓ ડાબી બાજુનું કબાટ ખોલે છે. બે કપ રકાબી કાઢે છે.
વંત્રિકાબેન; “ એ મારી રકાબી નથી. મારી રકાબી તો એક લાઈનવાળી છે. તમે બે લાઈનવાળી રકાબી કાઢી છે. એ પાછી મુકી દો. જુઓ પાછળ એક લાઈનવાળી રકાબી છે. અને એ કપ પણ મારો નથી. મારા કપ ઉપર લીલા રંગનું ફુલ દોરેલું છે. તમે લાલરંગના ફુલવાળો કપ કાઢ્યો છે. પાછો મુકી દો.
હેલ્પેશભાઈ; “ આમાં ચા ગાળીયે કે તેમાં ચા ગાળીએ, આમાં ચા પીએ કે તેમાં ચા પીએ, તો એમાં શું ફેર પડે. કંઈ ચાનો સ્વાદ બદલાઈ જાય છે?
વંત્રિકાબેન; “ હા સ્વાદ બદલાઈ છે. હું કહું એમ કરો. બધા કપ જુના નથી કરી દેવા મારે. સમજ્યા.
હેલ્પેશભાઈ; “ તારે તો ધત્તીંગ બહુ છે. લે બસ. આ તારો કપ અને આ તારી રકાબી.
વંત્રિકાબેન; “ ફુદીનો નાખ્યો? ધોઈને નખજો.
હેલ્પેશભાઈ; “ એ હા.. નાખું છું..
વંત્રિકાબેન; “ જુઓ પેલા કપરકાબીના કબાટની નીચેના બીજા ડ્રૉઅરમાં ગળણી છે. એટલે ખોટા ફાંફાં ન મારશો. કઈ વસ્તુ ક્યાં છે, એની કશી ખબર તો રાખતા નથી. અને પછી ફાંફાં માર્યા કરો છો.
હેલ્પેશભાઈ; “હા ભલે. ફાંફા મારવામાં મને વાંધો નથી. તારે શું છે? અને તને પણ એક ઘાએ ક્યાં કશું મળે છે? ઘરની ચાવી પણ જો પર્સમાંથી કાઢવી હોય તો તને પણ એક ઘાએ ક્યાં મળે છે. કેટલાયા ખાનાની ચેઈનો ખોલે ત્યારે માંડ માંડ પર્સમાંથી ચાવી મળે છે.
વંત્રિકાબેન; “ ગળણી બરાબર રાખો. તપેલીના હેંડલને તપેલીની નજીકથી પકડો. ચા નીચે ઢોળાશે. ધીમે ધીમે ધાર કરો. ધાડ નથી પડી કંઈ !! તમને તો બધું કહેવું પડે છે…
હેલ્પેશભાઈ; “ હવે તું મુંગી રહે… એક ટીપુંય ચા ઢોળી નથી.
વંત્રિકાબેન; “ ઢોળાઈ હોત તો? સાફ તો મારે જ કરવું પડત ને. તમે કોઈ રાખી છે જે સાફ કરે?
હેલ્પેશભાઈ; “ તું કહે એટલી વાર છે.. તું કહે તો ફુલ ટાઈમ નોકરાણી રાખી દઉં.
વંત્રિકાબેન; “ હા … ખબર છે બહુ પૈસા જાણે કૂદી પડ્યા છે. ફુલ ટાઈમ નોકરાણી કઈ મફત નથી આવતી.
હેલ્પેશભાઈ; “ ભલેને પૈસા લે. એટલા પૈસા તો આપણને પોષાય તેમ છે.
વંત્રિકાબેન; “ ના રે ના. નોકરાણી તો પછી એ એના મોઢા જેવું કરે. મારે ન ચાલે ..
હેલ્પેશભાઈ; “ તો હસવું અને લોટ ફાકવો એમ બંને સાથે ન થાય.
વંત્રિકાબેન; “ મારે કશી જીભા જોડી કરવી નથી. મૂગાં મોંઢે ચા પીવો છાના માના. ચા કરી એમાં તો જાણે ધાડ મારી.
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ ચા, ખાંડ, પાણી, તપેલી, દૂધ, કપ, રકાબી, આદુ, ફુદીનો, કામવાળી