Feeds:
Posts
Comments

Posts Tagged ‘પ્યાદા’

ગૌ હત્યા બંધી વિષે દંભીઓનું દે ધનાધન

નહેરુવીયન કોંગ્રેસના સાથીદાર એવા સમાજવાદી પક્ષનું જ્યાં શાસન છે તેવા ઉત્તર પ્રદેશ જેવા બિમારુ રાજમાં કોઈ એક ગામડામાં હિન્દુઓના એક ટોળાએ એક ગરીબ મુસ્લિમના ઘરમાં જઈ ગૌ-માંસ ને સંબંધિત આરોપસર આક્ર્મણ કરી, તે કુટૂંબના વડાની હત્યા કરી. તેનો દિકરો ઘાયલ થયો. જો કે સારવારથી તે બચી ગયો.
આ એક સમાજવાદી પક્ષ શાસિત યુપીના ગ્રામ્યવિસ્તારમાં પ્રવર્તતી કાયદાની પરિસ્થિતિની અને કંઈક અંશે માનસિકતાની સમસ્યા છે. આ ઘટનાને આના પરિપેક્ષ્યમાં મુલવવી જોઇએ. બિમારુ રાજ્ય એટલે શિક્ષણમાં પછાત, ભૌતિક વિકાસમાં પછાત, આર્થિક અવસ્થામાં પછાત, સગવડોમાં પછાત અને પરિણામે, આ બધા પછાતપણાથી માનસિકતાની કક્ષામાં પણ નિમ્નસ્તરે હોય તે સમજી શકાય તેવી વાત છે.

કાયદાએ કાયદાનું કામ કરવું જોઇએ. કાયદાની પાસે સૌ કોઈ સમાન છે. આ બંધારણીય જોગવાઈ છે, વ્યવસ્થા છે અને આદેશ છે. જો આની અવગણના કરીએ તો લોકશાહીનો અનાદર કર્યો કહેવાય અને બંધારણનો પણ અનાદર કર્યો કહેવાય. જો આપણે તાર્કિક ચર્ચામાં માનતા હોઇએ અને સમાજને એક ડગલું આગળ લઈ જવામાં માનતા હોઇએ તો આપણી ચર્ચામાં સંદર્ભ અને પ્રમાણતાની પ્રજ્ઞાનો ઉપયોગ થવો જોઇએ અને એ રીતે પ્રાસ્તુત્ય થવું જોઇએ.

મત મેળવવાના ઓજારોનું અને શસ્ત્રોનું નિર્માણ

શું ચર્ચા કે અને તારવણીઓ તાર્કિક રહે એવું થયું ખરું? નાજી. આ ઘટનાની મુલવણી કરવામાં, ફક્ત તારતમ્યો જ પ્રસારિત કરવામાં આવ્યા. તે પણ એવા પ્રસારિત કરવામાં આવ્યા કે તે “મત મેળવાના ઓજારો બની શકે અને બનાવવામાં આવ્યા પણ ખરા.
કાયદાને હાથમાં લેનારા ગૌ-પ્રેમી હિન્દુઓ હતા. જેના ઉપર કાયદાનું શાસન કરવાની ફરજ છે તેઓ પણ મોટે ભાગે હિન્દુ હતા ખરા પણ આ હિન્દુઓની પ્રાથમિકતા ગૌ-પ્રેમ ન હતી. તેઓના નામની ઓળખમાં સમાજવાદ શબ્દ આવતો હતો. અલબત્ત સમાજવાદ પણ તેમની પ્રાથમિકતા ન હતી. તેમની પ્રાથમિકતા આ ઘટના અને ચર્ચાની મુલવણીમાં શું હતી તે સમજવું થોડું લાંબુ છે. આ પક્ષના સાંસ્કૃતિક સાથીઓ અથવા તો તેઓ જેમના સાંસ્કૃતિક સાથીઓ છે એવા નહેરુવીયન કોંગ્રેસીઓ અને નહેરુવીયન કોંગ્રેસીઓના બિહારના અને દેશના સાંસ્કૃતિક સાથીઓ કેવી રીતે વર્ત્યા તે જોવું પડશે. શું આ એક બિહારની ચૂંટણી જીતવાનો પ્રપંચ હતો?

પક્ષ એટલે આમ તો એક વિચાર છે. એ વિચાર પ્રમાણે આચાર હોય તે જરુરી નથી. ઉંધો આચાર હોય તો પણ સામાન્ય કક્ષાના માણસોને જ નહીં પણ લાલચુ લોકોને પણ પોતાના તરફે કરી શકાય છે. પક્ષનુ કથિત ધ્યેય સમાજને વિકસિત કરવાનું હોય છે, આ ધ્યેય એ પક્ષની પ્રાથમિકતા હોતી નથી. આચારના એજન્ડામાં પણ હોતું નથી. પક્ષની પ્રાથમિકતા, સત્તા મેળવવી અને જો સત્તા પ્રાપ્ત થયેલી હોય તો તેને કેવી રીતે જાળવી રાખવી એ હોય છે. ટૂંકમાં પક્ષનું કે બનાવેલા પક્ષ-સમૂહનું ધ્યેય જનમત, સાપેક્ષરીતે પોતાની તરફમાં કેવીરીતે છે તે માન્ય રીતે સિદ્ધ કરી દેવું એ હોય છે. આ માટે ચૂંટણી પ્રક્રિયા હોય છે.

આ ચૂંટણીઓ જીતવા માટેના ઓજારો, પ્યાદાઓ અને શસ્ત્રો હોય છે. પણ આપ્ણે એ બધી ચર્ચા નહીં કરીએ. આપણે ફક્ત ગૌ અને ગૌહત્યા પૂરતી આપણી ચર્ચા મર્યાદિત રાખીશું.

પ્રલંબિત શાસનની નીપજ

દાદ્રી ગામની ઘટના એ નહેરુવીયન કોંગ્રેસ અને તેમના સાંસ્કૃતિક સાથીઓએ કરેલા તેમના શાસનની અને આચારોની નીપજ હતી. વળી તેમનું શાસન ત્યાં ચાલુ પણ હતું. એટલે દાદ્રી જેવી ઘટના પૂર્વ નિયોજિત હોય તે નકારી ન પણ શકાય. આવી ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકી છે. આવી શંકા એટલા માટે ઉત્પન્ન થાય છે કે તેના પછી પૂર્વનિયોજિત રીતે સુનિશ્ચિત લાગતા એવા મૂર્ધન્યોના, મહાનુભાવોના, નેતાઓના, લેખકોના, સમાચાર માધ્યમોના સહકારથી જે પ્રતિભાવો પ્રસારિત થયા તેના ઉપરથી એવું ચોક્કસ જ લાગે કે આ બધું પૂર્વ નિયજિત હતું અને આ બધા તેમના પ્યાદાઓ હતા.

દંભની પરાકાષ્ટ

૧૯૮૧ થી જે ખૂન, ખરાબા અને આતંકો મોટા પાયા શરુ થયેલ અને ૧૯૯૦માં તે એટલી ચરમ સીમા પર પહોંચી ગયેલ કે ૧૯૯૦માં હજારોની સંખ્યામાં કાશ્મિરી હિન્દુઓની ખૂલ્લે આમ હત્યાઓ કરવામાં આવી, પાંચલાખ હિન્દુઓને તેમના ઘરમાંથી અને રાજ્યમાંથી હાંકી કાઢેલ. આમ કરવામાં નહેરુવીયન કોંગ્રેસ, તેમના કશ્મિરના સાંસ્કૃતિક સાથીઓ, ત્યાંના ધર્માંધ અસહિષ્ણુ નેતાઓ, તેવી જ જનતા અને કહેવાતા આતંકવાદીઓ સાથે હતા. કોઈ પ્રતાડિત મરણાસન્ન હિન્દુને દવાખાનામાં લઈ જવાયેલ નહીં. કોઈ આતંકીની સામે કેસ થયેલ નહીં. કોઈની ધરપકડ થયેલ નહીં. કોઈ તપાસ પંચ નિમાયેલ નહીં. કોઈ કાયદાના રખેવાળને સસ્પેન્ડ કરેલ નહીં. ત્યારે આ જ મૂર્ધન્યોના, મહાનુભાવોના, નેતાઓના, લેખકોના સમાચાર માધ્યમોના ખેરખાંઓના પેટનું પાણી પણ હાલેલ નહીં.

આ જ મૂર્ધન્યોના, મહાનુભાવોના, નેતાઓના, લેખકોના સમાચાર માધ્યમોના ખેરખાંઓ પોતાના સાંસ્કૃતિક સાથીના રાજમાં બનેલ એક છૂટપૂટ ઘટનાથી દ્રવી ઉઠ્યા અને વારાપ્રમાણે પોતાના, પોતાની જ સાંસ્કૃતિક સાથી સરકારે આપેલ ચંદ્રકો પાછા આપવા માંડ્યાં હતા. કારણ કે કેન્દ્રમાં દોઢેક વર્ષથી તેમની સરકાર ન હતી અને જે બીજેપીની સરકાર હતી તેને વાંકમાં લેવી હતી. કારણકે બિહારની ચૂંટણી જીતવા માટે મુસલમાનોને અલગ તારવવાના ઓજારની જરુર હતી. શિયાળવાં વિચારતા હતા કે જો વૃષભને ઘુસતો અટકાવી શકીશું તો હાથીને મારવો સહેલો પડશે. બિહારમાં બીજેપીને હરાવીશું તો કેન્દ્રમાં બીજેપીને હરાવવું સહેલું પડશે.

ગૌ એટલે શું?

જો આપણે ગૌ, અહિંસા, કાયદો અને તંદુરસ્ત સમાજની ચર્ચા કરવી હોય તો ગાંધીજીની વિચાર-વ્યાખ્યાની મદદ લેવી પડશે.

ગાંધીજીની વ્યાખ્યા પ્રમાણે ગૌ એટલે ગાય, વૃષભ, બળદ, ભેંસ, પાડા, ઘોડા, ગધેડાં, બકરાં, ઘેટાં, ઊંટ, વિગેરે બધાં જ વનસ્પત્યાહારી પ્રાણીઓ ગૌ સૃષ્ટિમાં આવી જાય. મનુષ્ય શારીરિક બંધારણીય રીતે વનસ્પત્યાહારી છે. આ સિદ્ધ કરી શકાય છે. પણ આપણે તેની ચર્ચા નહીં કરીએ. ગૌ-સૃષ્ટિ મનુષ્ય સમાજનું રોજીંદુ એક અભિન્ન અંગ છે. આ બંને એકબીજા ઉપર આધાર રાખે છે. ભારતીયો સાંસ્કૃતિક રીતે માને છે કે આ પ્રાણીઓની સુરક્ષા એ મનુષ્યની ફરજ છે. ગાંધીજી પણ આમ જ માનતા હતા. આ એક મૂંગી સૃષ્ટિ છે તે પોતાના મોઢેથી આપણી પાસે સુરક્ષા માગી શકતી નથી પણ આપણે તેનાથી ઉપકૃત છીએ તેથી જેમ એક માનવશિશુને આપણે સુરક્ષા આપીએ છીએ અને જેમ વૃદ્ધોને સુરક્ષા આપીએ છીએ તેમ આ સૃષ્ટિને પણ આપણે ઉપકારવશ થઈ, તેને સુરક્ષા આપવી જોઇએ. મનુષ્યના મગજમાં પ્રસ્ફુરિત કૃતજ્ઞતાની આ ભાવનાને ઈશ્વરની કૃપા સમજવી જોઇએ. આ ભારતીય સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિમાં આવું ઘણું છે.

ગાંધીજીએ ત્રણ વાત કરી હતી. દારુબંધી, ગૌહત્યા બંધી અને અહિંસક સમાજ.

અહિંસક સમાજ એ બહુ વ્યાપક સમજણનો વિષય છે. જેમને રસ હોય તેઓ આ જ બ્લોગસાઈટ ઉપર આવેલ “અદ્વૈતવાદની માયાજાળ અને નવ્ય સર્વોદયવાદની બ્લોગ શ્રેણીઓ ની મુલાકાત લે તે જરુરી છે.

ગાંધીજીની તીવ્રતા

દારુબંધી વિષે ગાંધીજી એટલા તીવ્ર હતા કે તેમણે કહેલ કે જો મને સિક્કો ઉછાળ જેટલા સમય પૂરતી સરમુખત્યારી મળે તો હું દારુબંધી કરી દઉં.

શું કામ તેમણે આવું કહેવું જોઇએ અને કરવાની ઈચ્છા પગટ કરવી જોઇએ? કોણે શું પીવું અને શું ન પીવું તે શું સરકાર નક્કી કરશે? એવી દલીલ કોઇએ તેમની સામે કેમ ન કરી?

દુનિયામાં અને ભારતમાં પણ પરાપૂર્વથી દારુ પિવાય છે. તો પછી ભારતે પણ કાયદેસર દારુ પીવો. જો કે આ દલીલને આગળ લંબાવી શકાય કે ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન એ બધું પણ મનુષ્યના અંગત સ્વાતંત્ર્યની અંતર્ગત ગણવું જોઇએ.

પણ એવું નથી થતું. આ બધું મોંઘું હોય છે. દારુ સસ્તો હોય છે. દારુથી ગરીબ કુટૂંબો પાયમાલ થાય છે. ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન એ બધું તો મોંઘુ હોવાથી, તે પૈસાપાત્રના ફરજંદોને જ પોષાય છે. પૈસાપાત્ર કુટૂંબોની પાયમાલી ન થવી જોઇએ. માટે દારુની સાથે ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરેની સરખામણી નહીં કરવાની. એવી ચર્ચા જ ત્યાજ્ય ગણવાની. દારુથી ગરીબ કુટૂંબો ભલે પાયમાલ થાય. પૈસાપાત્રોની સુરક્ષા માટે વ્યાખ્યા, અર્થઘટનો અને વ્યવહારો ભીન્ન જ હોવા જોઇએ. અને જુઓ તેથી જ “ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરેને કોઈ સરકાર, પક્ષ કે મૂર્ધન્યો અંગત સ્વાતંત્ર્ય સાથે જોડતા નથી. દવા તરીકે તો દારુ પણ વપરાય છે અને ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરે પણ વપરાય છે. પણ ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરેની છૂટ્ટી માટે તમને કોઈ હાથ પણ નહીં મુકવા દે.

“જા બીલ્લી કુત્તેકો માર”

ભારતીય બંધારણના આદેશાત્મક પ્રબંધોમાં દારુ બંધી, ગૌહત્યા બંધી અને ગાંધીજીના રસ્તે અહિંસક સમાજ છે. ભારતીય જનતંત્ર સમવાય તંત્ર છે. કેન્દ્રની ફરજો જુદી અને રાજ્યની ફરજો જુદી. પણ બંધારણ સમાન છે. બંધારણે દારુબંધી અને ગૌહત્યા બંધી માટે રાજ્યોને આદેશ આપ્યો છે કે તેઓ કાયદો બનાવે.

ગાંધીજીની વૈચારિક ધરોહરનો દાવો કરનારી નહેરુવીયન કોંગ્રેસે સૌ પ્રથમ ગાંધીજીની વૈચારિક હત્યા કરી.

ભારતીય બંધારણના આદેશ પ્રમાણે દારુબંધીનો કડક કાયદો અને આચરણ કરવાનું બંધારણનું દિશા સૂચન હતું, તો નહેરુવીયન કોંગ્રેસે ઓગણીસો સાઠના દાયકાના પૂર્વાર્ધમાં મહારાષ્ટમાં આ બાબતમાં ઉંધી દિશા પકડી. દારુબંધીને લગતો કડક કાયદો કરવાનો હતો, તેને બદલે જે હતો તેમાં ફેરફાર કરી તેને હળવો કર્યો. નહેરુવીયન કોંગ્રેસનો દંભ તમે જુઓ કે તેની સરકાર, દારુબંધીને લગતો કાયદો વધુ ને વધુ હળવો કરતી ગઈ.

ગૌહત્યા બંધીમાં શું વાત છે?

મદનમોહન માલવિયા એ નહેરુને ગાય ની હત્યાની બંધી કરવા માટે તાત્કાલિક કશું કરવાની વાત કરી.

નહેરુએ કહ્યું કે મારે મન ગાય, ઘોડો, ગધેડો બધા સરખા છે.
માલવિયાએ કહ્યું. ઓકે હું ગાય થી શરુઆત કરવાની માગણી કરું છું. તમે ગધેડાથી શરુઆત કરજો.

ભારતીય બંધારણમાં ગૌહત્યા બંધ કરવાનો આદેશ છે. પ્રાણીઓ ઉપર ક્રુર આચારણ કરવા ઉપર પણ બંધી છે. ગૌહત્યા બંધી કેટલાક રાજ્યોમાં છે, કેટલાક રાજ્યોમાં આંશિક છે અને કેટલાક રાજ્યોમાં નથી.

સર્વોદય કાર્યકરો યાદ કરેઃ

ઓગણીસો સાઠના ઉત્તરાર્ધમાં અને ઓગણીસો સીત્તેરના દશકામાં ગૌહત્યા બંધીના અમલ માટે મુંબઈમાં દેવનારના કતલખાના સામે આંદોલન ચાલતું હતું. સર્વોદયવાદીઓ એમ તો નહીં જ કહે કે અમે તો આ આંદોલન “ગીનીસ વર્લ્ડ બુકમાં આંદોલનની લંબાઈનો” એક રેકૉર્ડ સ્થાપિત થાય તે માટે કરતા હતા. કટોકટીના કપરા કાળમાં વિનોબા ભાવેએ ગૌહત્યા બંધી માટે આમરણાંત ઉપવાસ ઉપર જવાની નોટીસ કોંગી સરકારને આપેલ. પણ ઇન્દિરા ગાંધીએ તેમને આશ્વાસન આપેલ કે તે જરુર ગૌહત્યા બંધી લાવશે. પછી સચોટ રીતે શું થયું તે ખબર નથી.

આ વાત જાણી લો કે તંદુરસ્ત અને દુધાળી ગાય બળદ વાછરડા ની હત્યા ઉપરની બંધી તો પહેલે થી જ હતી. પણ તે પછી વધુમાં આટલું તો નક્કી થયેલ જ કે (૧) કતલખાનાને વિકસાવાશે નહીં. (૨) નવા કતલખાનાની મંજુરી આપવામાં આવશે નહીં (૩) સરકાર કતલખાનાને પબ્લીક ફંડમાંથી કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ રાહત આપશે નહીં.

કાયદો અને અમલ એ બંને જુદા છે.

જેમણે “કિસ્સા કુર્સિકા” જોયું હશે તેમને ખબર હશે કે વડાપ્રધાનને અર્ધી રાતે અધિગત થયું કે અનાજની તંગીનું મૂખ્ય કારણ ઉંદરો દ્વારા થતું આનાજનું ભક્ષણ છે. સરકાર ઉંદર મારવા માટે ઈનામની જાહેરાત કરે છે. “એક ઉંદર મારવા માટે” ૨૫૦ રૂપીયાનું ઇનામ હોય છે. ઈનામના પૈસા આપવાવાળો મરેલા ઉંદરને ક્યાંથી રાખી શકે? કારણ કે એનું ડીપાર્ટમેન્ટ તો જુદું છે. માટે બીજા ડીપાર્ટમેન્ટમાં ઉંદર જમા કરવવાના. પણ ઉંદર તો જગ્યા રોકે એટલે ફક્ત પૂંછડી જ જમા કરાવવાની. અને ઉંદર માર્યાનું સર્ટીફીકેટ લેવાનું. સર્ટીફીકેટ આપવા વાળો ૧૦૦ રુપીયાની લાંચ લે અને સર્ટીફીકેટ આપે. આ સર્ટીફીકેટ લઈને ઈનામ લેવા જવાનું એટલે તે ૨૫૦ રુપીયા ઇનામના આપે. તમારે ઉંદર મારવાની કે પૂંછડી આપવાની જરુર નથી. તમારે તો ઉંદરને માર્યાનું સર્ટીફીકેટ રજુ કરવાનું છે. ઈનામ તમને સર્ટીફીકેટ ઉપર મળે છે. સર્ટીફીકેટ ૧૦૦ રુપીયામાં મળે છે. ૧૦૦ રુપીયા આપો. સર્ટીફીકેટ લો અને ઈનામના ૨૫૦ રુપીયા લો. વાત પૂરી.

એક માણસ, સર્ટીફીકેટ આપવાવાળાને કહે છે કે “હું તમને ૩૦૦ રુપીયા આપું તો તમે મને ત્રણ ઉંદર માર્યાનું સર્ટીફીકેટ આપશો?”
સર્ટ્ફીકેટ આપવાવાળો કહે છે;” એક ચૂહા મારા હૈ ઉસ સર્ટીફીકેટકા ૧૦૦ રુપીયા હૈ તો, તીન ચૂહે મારે હૈ ઉસ સર્ટીફીકેટકા ૩૦૦ રુપીયા હોતા હૈ. સીધી બાત હૈ. ૩૦૦ રુપયા દો ઔર તીન ચૂહે મારે હૈ ઐસા સર્ટીફીકેટ લે જાઓ. હમ બેઈમાન થોડે હૈં?

આવું જ દેવનારમાં ગૌ હત્યા માટેના તંદુરસ્તીના સર્ટીફીકેટમાં થતું હતું. આ ઉપરાંત ગૌ હત્યા બંધી બાબતમાં, ઓછામાં ઓછાં જે ત્રણ ખાત્રીવચનો આપેલ તેનો જરાપણ અમલ ન થયો. નહેરુવીયન કોંગ્રેસ ખાત્રી આપે, કે વચન આપે કે પ્રતિજ્ઞાઓ લે તે બધું પાણી ઉપર લખેલા અક્ષરો જેવું છે.

યાદ કરો “સજ્જનેન લીલયા પ્રોક્તં શિલાલિખિતં અક્ષરં, દુર્જનેન શપથેન પ્રોક્તં જલે લિખિતં અક્ષરમ્.

સજ્જન માણસ જો રમત રમતમાં વચન આપી દે તો પણ તે શિલાલેખની જેમ અફર રહે છે એટલે કે તે તેનું પાલન કરે છે. દુર્જન તો પ્રતિજ્ઞા પૂર્વક વચન આપે તો પણ તેનું વચન પાણી ઉપર લખેલા અક્ષર જેવું હોય છે.

ગૌહત્યાની બંધી છે. પણ ગૌમાંસ ખાવાની છૂટ્ટી છે. એટલે કે ગૌમાંસ આયાત કરવાની છૂટ્ટી છે. એટલે કે દારુની બંધી છે પણ દારુની આયાત કરવાની છૂટ્ટી છે. હોઠપાસે આવેલો પ્યાલો હોઠથી દૂર જ કહેવાય. અરે તમે એક ઘૂંટાડો દારુ મોંઢામાં નાખ્યો તો પણ તે દારુ પીધો ન કહેવાય. કારણ કે તમે તેનો કોગળો કરી નાખો તે શક્યતા પણ નકારી ન શકાય. જ્યાં સુધી તમારા લોહીમાં દારુના ચિન્હો દેખા ન દે ત્યાં સુધી તમે દારુ પીધો ન કહેવાય. તો પછી આ વાત “ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરેને પણ લાગુ પાડવી જોઇએ. “ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરે કોઈને ત્યાંથી પકડાય તો તે ગુનેગાર કહેવાય તેવો કાયદો ન હોવો જોઇએ.

ભારતીય બંધારણના આદેશાત્મક પ્રાવધાનો શું બંધારણની શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે છે?

હા જી. બંધારણના આદેશાત્મક પ્રાવધાનો શું બંધારણની શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે છે એવું કોંગીનું વલણ રહ્યું છે.

બંધારણમાં પ્રાવધાન હતું કે અંગ્રેજીભાષા કેન્દ્રની વહીવટી ભાષા તરીકે ૧૦ વર્ષ સુધી ચાલુ રહેશે. પછી હિન્દીભાષા તેનું સ્થાન લેશે. આપણી નહેરુવીયન સરકાર દશવર્ષ સુધી હિન્દીભાષાના અમલના પ્રાવધાન પર કુંભકર્ણ કરતાં ૨૦ ગણા સમય વધુ નિદ્રાધિન રહી હતી. બંધારણનું પાલન થાય તે જોવાની રાષ્ટ્રપતિની ફરજ છે. તત્કાલિન ભારતના રાષ્ટ્રપ્રમુખ ડૉ. રાધાકૃષ્ણને કહ્યું આવતી પહેલી એપ્રીલથી અંગ્રેજીનો ઉપયોગ બંધ થશે. એટલે નહેરુજી સફાળા જાગ્યા અને એક અધ્યાદેશ જારી કર્યો. અને પછી એવું પ્રાવધાનનું વિધેયક લાવ્યા કે અનિશ્ચિત કાળ સુધી અંગ્રેજી ચાલુ રહેશે.

જો આવું જ કરવું હતું તો જ્યારે બંધારણ ઘડાયું ત્યારે જ તેમાં એવી જોગવાઈ કેમ ન કરી? અંગ્રેજીને દશવર્ષ ચાલુ રાખવા માટે એક જ વધારાનો મત મળ્યો હતો. કારણ કે તે વખતે ગંગા ચોક્ખી હતી. અને નહેરુના રાજના દશવર્ષમાં ગંગા અને જમનામાં ઘણા પાણી વહી ગયાં અને તે ગંગા જમના ઘણી ગંદી થઈ ગઈ હતી. બીજી નદીઓ પણ ગંદી થઈ હતી. નહેરુએ નવા વિધેયકમાં અંગ્રેજીને ચાલુ રાખવા માટે નવી મુદત ન બાંધી પણ અંગ્રેજીને અનિયત કાળ માટે ચાલુ રાખી. જેમ ઈશ્વરને કાળનું બંધન હોતું નથી તેમ

નહેરુવીયન કોંગ્રેસને પણ કાળનું બંધન હોતું નથી.

જયપ્રકાશ નારાયણને, જવાહરલાલ નહેરુ કેબીનેટમાં લેવા માગતા હતા. જયપ્રકાશ નારાયણ એક સીમાબદ્ધ કાર્યક્રમનું લીસ્ટ લઈને ગયા અને કહ્યું આ માન્ય રાખો. પણ નહેરુને કાળનું બંધન પસંદ ન હતું. પદ ભોગવો, ખાવ પીવો અને મોજ કરો. કોંગીનો આ મુદ્રાલેખ છે.

ગૌ હત્યાબંધીના બંધારણીય આદેશનું શું કરવું જોઇએ?

શું સૌને પોતે શું ખાવું તે નક્કી કરવાનો અધિકાર નથી?

આ અધિકાર જો ખાવાને લાગુ પડતો હોય તો પીવાને પણ લાગુ પડે છે. જો તમે તર્કમાં માનતા હો તો આ વાત પણ સમજવી જોઇએ.
પસંદગીના અધિકારની વાત “પીણાઓને લાગુ ન પાડવી પણ ફક્ત “ખાવા”ને જ લાગુ પાડવી જોઇએ એમાં કોઈ તર્ક છે ખરો? એટલે કે ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરેની બંધી કરવી પણ દારુ અને ગૌમાંસની બંધી ન કરવી.

બંધારણની જોગવાઈઓને રદ શા માટે ન કરવી?

જો સરકારી વલણ અને આચરણ આવું જ હોય તો પછી બંધારણની જોગવાઈઓને રદ શા માટે ન કરવી? જો તમે તમારી ફરેબી સંવેદના અને કરુણાના વ્યાપક પ્રદર્શન દ્વારા આંદોલન કરી શકતા હો તો બંધારણની જોગવાઈઓ રદ કરવા આંદોલન કેમ કરતા નથી? ગૌવધબંધી ની માન્યતાનું થડ, ભારતીય બંધારણ છે. કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓ માટે શ્રેષ્ઠ એ જ છે કે તેઓ તેમના ગૌવધ અને અહિંસક સમાજને લગતી બંધારણીય જોગવાઈઓ રદ કરવા બીજેપીની કેન્દ્ર સરકાર સામે આંદોલન કરે. આમેય ફરેબી કારણસર પણ આંદોલન કરવા તે કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓની ગળથુથીમાં છે.

કોંગીઓને દંભ સદી ગયો છે.

શું કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓ બંધારણીય જોગવાઈઓ રદ કરવા માટે આંદોલન કરશે?

નાજી.

આ લોકોને દંભ સદી ગયો છે અને તેમને તેમાં ફાવટ છે. એટલા માટે તો તેમણે જનતાને અભણ, ગરીબ રાખી છે. સરકારે તેમને ફેંકેલા ટૂકડાઓ ઉપર નભતી કરી દીધી છે.

૬૦ વર્ષના શાસન પછી પણ બંધારણીય જોગવાઈને રદ પણ કરી નથી, તેમજ બંધારણીય જોગવાઈની દિશામાં એક કદમ ભર્યું નથી.
હા એક વાત ચોક્કસ છે કે કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓએ બંધારણે નિર્દેશેલી દીશાથી ઉંધી દિશામાં જરુર પ્રગતિ કરી છે.

જો આમ હોય તો પછી સાચી દિશાના કદમ માટે કેટલા વર્ષ જનતાએ રાહ જોવાની?

કોંગીએ અને તેમના સાંસ્કૃતિક સાથીઓએ તેમના આચારો દ્વારા સિદ્ધ કર્યું છે કે “દંભ એટલે શું તે અમે જાણીએ છીએ, પણ તેમાંથી અમે નિવૃત નહીં થઈએ. નિષ્ઠા એટલે શું તે પણ અમે જાણીએ છીએ પણ અમે તેમાં પ્રવૃત્ત નહીં થઈએ.” આવા વલણને કારણે ઉદભવતા પરિણામોને સમજવા માટે મહાભારત વાંચો.

ખાવાની સ્વતંત્રતા, ધર્મ, તર્ક અને તંદુરસ્તી વચ્ચે કંઈ સંબંધ છે?

બધા દેવો

SHIVA04

ગાયની અંદર છે તેનો અર્થ શો?

(ક્રમશઃ)
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ ગૌ હત્યા, દંભ, કોંગી, નહેરુ, વચન, બંધારણીય પ્રાવધાન, બંધારણીય આદેશ, મત માટેના ઓજાર, પ્યાદા, બિમારુ, તાર્કિક ચર્ચા, હિન્દુ, અહિંસક સમાજ, પ્રલંબિત શાસન, નિપજ, પૂર્વનિયોજિત, કાશ્મિરી હિન્દુઓ, હત્યા, તપાસ પંચ, ગાંધીજી, દારુબંધી, ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન

Read Full Post »

%d bloggers like this: