ભેંસ ભાગોળે પણ નથી, પણ કેટલાક કરે છે ધમા ધમ
આ એક ગુજરાતી કહેવત છે. નાનપણમાં કોઈ એક સામાયિકમાં આ કહેવતને અનુલક્ષીને એક વાર્તા વાંચવામાં આવેલી હતી. એક વડિલને ભેંસ ખરીદવાને વિચાર આવ્યો. ભાગોળે ભેંસ ખરીદવા ગયા કે બીજે ક્યાંક તે હવે બરાબર યાદ નથી. ઘરના બધા સભ્યો ભેંસને લગતા આનુસંગિક કર્મો, ઉત્પાદનો, ઉત્પાદનોને લગતા કર્મોની વહેંચણી વિષે અને તે સૌના આયોજન વિષે ઘરમાં જોરદાર ચર્ચાઓ કરવા માંડ્યા, જેમકે દાખલા તરીકે વધારાની છાસનું શું કરવું? ઘેંસ કરવી તો કઈ ઘેંસ કરવી. ચર્ચાએ બહુ ઉગ્ર સ્વરુપ લીધું અને ચર્ચા હિંસક થવાની અણી પર આવી ગઈ.
પાડોશીઓને થયું કે આ શેનો કોલાહલ છે? તેઓએ જ્યારે જાણ્યું કે આ તો ન ખરીદાયેલી ભેંસ વિષે ઘરમાં ધમાધમ થાય છે. અને આ પ્રમાણે પાડોશીઓના મુખેથી ઉપરોક્ત શબ્દો નિકળી પડ્યા. ભેંસ ભાગોળે, ઘેંસ છાગોળે અને ઘેર ધમાધમ.
કોંગ્રેસ આવે છે
કોંગ્રેસ આવે છે…. એટલે કે નહેરુવીયન કોંગ્રેસ. આ કોંગ્રેસે ઠેર ઠેર પોસ્ટરો લગાવી દીધા છે. સ્મશાનમાં પણ પોસ્ટર લગાવી દીધું. કોઈ જગ્યા બચી શેની જાય?
સમાચાર માધ્યમોનું કામ લોકોમાં જાગૃતિ લાવવાનું છે. પણ જો સમાચારના સંચાલકને લાગે કે તે જનતાને શિક્ષિત કરવા સક્ષમ નથી અને જો લોકોને શિક્ષિત કરવાનો હેતુ નભાવવો હોય તો તેણે ફક્ત એટલો ખ્યાલ રાખવો જોઇએ કે સમાજને જેઓ વિભાજિત કરે છે તેમના સમાચાર આપે ત્યારે તેની સાથે સાથે તેમના અનુસંધાન (રેફરન્સ) પણ આપે. જો તેમાં પણ સમાચાર માધ્યમનો “ટકલો કામ ન કરતો હોય” તો સમાચાર માધ્યમના સંચાલકે સમાચારને કેવળ અને કેવળ “સીધા સમાચાર” તરીકે છપવા જોઇએ. આવા સમાચારોને ઉન્મેશમાં આવીને ચિત્ર વિચિત્ર શબ્દોમાં ગોઠવીને છાપવાની જરુર નથી. કટારીયા ભાઈઓમાં મોટા ભાગના હવે કોઈને કોઈ વિચાર ધારાને વળગી પડ્યા છે. જો કે વિચારધારા શબ્દ, યોગ્ય શબ્દ છે જ નહીં. કારણ કે કોઈ એક “વિચાર ધારા”ના નામનો શબ્દ કોઈ એક “વાદ”ને સૂચિત કરે છે. વાદ શબ્દ જ નિરર્થક છે. આજના વૈજ્ઞાનિક અને તર્કના યુગમાં, રાજકારણમાં વાદનું સૂચન કરવું તે માનવબુદ્ધિની કચાશ છે.
રાજકીય સત્તાનો હેતુ, સમાજના બૌદ્ધિક, આર્થિક અને માનસિક સ્તરની ઉન્નતિ માટે હોય છે. બૌદ્ધિક ઉન્નતિ માટે શિક્ષણ છે, આર્થિક ઉન્નતિ માટે ઉત્પાદન અને વહેંચણીની પ્રક્રિયાઓ છે. શિક્ષણ, ઉત્પાદન અને વહેંચણીની પ્રક્રિયાઓ, સમાજના સામાન્ય માણસની માનસિકતાને પ્રક્રિયાઓને અનુરુપ સ્તર ઉપર લઈ જાય છે.
વિનોબા ભાવેએ અને જયપ્રકાશ નારાયણે આ વાત સીત્તેરના દાયકાના પૂર્વાર્ધમાં કરી હતી જ્યારે ઇન્દિરા નહેરુ-ગાંધી “સમાજવાદ”ના નામનો શોર બકોર કરી રહ્યા હતા.
સીત્તેરના દાયકામાં પક્ષવિહીન રાજકારણની પણ વાત હતી. કારણ કે પક્ષ એ માત્ર “વાડો” જ છે.
જો આપણે બધી જ બારીઓ અને બારણા ખૂલ્લા રાખીએ તો આપણને ચારે દિશામાંથી વિચારો અને માહિતિઓ મળી શકે. આપણા નિર્ણયો તર્ક શુદ્ધ બની શકે. આ વાત ઋગ્વેદના કાળથી કહેવાયેલી છે.
પણ જો આપણને અમુક વાડામાં રહેલા પ્રાણીઓની પ્રત્યે જ લગાવ હોય તો આપણે તે લગાવને યોગ્ય ઠેરવવા માટે આકર્ષક અને પ્રાસ અનુપ્રાસ વાળા વ્યંઢ અને અર્થહીન શબ્દોના પતંગીયા ઉડાડીએ અને અથવા “ટ્રોલ”-કલ્ચરને શરણે જઈએ.
આપણા આ બ્લોગનું શિર્ષક છે ભેંસ ભાગોળે, ઘેંસ છાગોળે અને ઘેર ધમાધમ. એટલે હવે તેને વિષે ચર્ચા કરીશું.
નહેરુએ એક સૂત્ર આપેલ કે “આરામ હરામ હૈ”. આપણે કહેવું પડશે કે નરેન્દ્ર મોદીમાં અને નહેરુમાં કોઈ એક વાતમાં જો સમાનતા હોય તો તે છે કે સતત કામ કરતા રહેવું. નહેરુ પાસે સ્વાતંત્ર્યની લડતમાં મેળવેલી જમા પૂંજી હતી. આ કારણથી તેમને ૧૫ વર્ષ સુધી વાંધો ન આવ્યો. પણ ૧૯૬૨માં ભારત, ચીન સાથે યુદ્ધમાં બહુ સહેલાઈથી હારી ગયું એટલે તેમનું સિંહાસન હચમચી ગયું. પણ નહેરુ રાજકીય રમતો રમવામાં નિષ્ણાત હતા. તેમને બદનામીનો ડર હતો. એટલે તેઓ પોતાની પૂત્રી અનુગામી બને તેવી ગોઠવણ કરતા ગયા. નાના ઐતિહાસિક સત્યોની આવરદા એક કે બે પેઢીની હોય છે. એટલે જો ઇન્દિરા અનુગામી બને તો એક પેઢી સુધી કશો વાંધો ન આવે. આવો કંઈક ખ્યાલ નહેરુનો હોઈ શકે. નહેરુ આમ તો અચાનક ગુજરી ગયેલા. એટલે લોકશાહીમાં શોકના દિવસોમાં સંતાનનો રાજ્યાભિષેક ન થઈ શકે. એટલે ગૃહપ્રધાન એવા ગુલઝારીલાલ નંદા ને કામ ચલાઉ વડાપ્રધાન બનાવી લાલ બહાદુર શાસ્ત્રીને વડાપ્રધાન બનાવ્યા. એ વાત પણ નોંધાયેલી છે કે લાલબહાદુર શાસ્ત્રી અગાઉથી જ ચાર આંખે નહેરુનું હલનચલન જોતા હતા. આ ઓછું હોય તેમ મોરારજી દેસાઈ પણ વડાપ્રધાન થવા તૈયાર જ હતા. એટલે નહેરુએ બનાવેલી સીન્ડીકેટનું કામ તાત્કાલિક થાય તેમ ન હતું. લોકશાહીને અનુરુપ પ્રણાલી પાળવી પડે તેમ હતું. પણ જ્યારે શાસ્ત્રીજી અચાનક ગુજરી ગયા ત્યારે તેમણે શોક સમય પુરતા ગુલઝારી લાલ નંદાને વડાપ્રધાન બનાવી, લોકશાહી પ્રક્રિયા હાથ ધરી ઇન્દિરા ગાંધીને બધા વરિષ્ઠ નેતાઓ પાસેથી સહયોગ અને અનુમોદન અપાવી સંસદના નેતા તરીકે જીતાડી વડાપ્રધાન બનાવ્યાં.
એક માન્યતા એવી છે કે ત્રીજી પેઢીનો વ્યક્તિ બેવકૂફ જન્મે. આમ ઇન્દિરા ગાંધીએ નહેરુવંશની ત્રીજી પેઢી હતી. તેમનું વાચન ઓછું હતું. દેશ વિષે પૂરતી માહિતિ ન હતી. બુદ્ધિ હતી પણ એકાંગી હતી. તેમનામાં આર્ષદૃષ્ટિનો તેના પિતાજીની જેમ જ અભાવ હતો. માહિતિવગરની બુદ્ધિ લાંબા ગાળા માટે કારગર નિકળતી નથી. પક્ષના માણસોને કેવી રીતે અંકૂશમાં રાખવા તે પોતાના પિતાજીની પાસેથી શિખ્યાં હતાં. તેમજ તેના પિતાજીએ જે બીન રાજકીય સંબંધો બનાવેલા તેને તે જાળવી શક્યાં હતાં. પણ ઇન્દિરા ગાંધીના ખોટા નિર્ણયો દ્વારા જેવા કે હિન્દીભાષી બાંગ્લાદેશીઓની ઘૂષણ ખોરી, રાજકારણમાં સ્વકેન્દ્રીપણું, સિમલા કરાર, આતંકવાદીનેતાને ઉત્તેજન અને ટૂંકાગાળાના લાભ માટેની અનીતિમત્તાએ નહેરુવીયન કોંગ્રેસની ઘોર ખોદી.
વિરોધ પક્ષોની વાતોમાં તથ્ય હતું અને વિરોધપક્ષોના નેતાઓ સ્વચ્છ પણ હતા. પણ મોટા ભાગના નેતાઓ સત્તાના ભોગવટા દ્વારા નણાયા ન હતા. આમ તો જોકે નહેરુવીયન કોંગ્રેસ કદીય ૫૦ ટકા કે તેથી વધુ મત મેળવી શકી નથી. એટલે જો બધા વિરોધ પક્ષો ભેગા થઈને નહેરુવીયન કોંગ્રેસ સામે લડે તો નહેરુવીયન કોંગ્રેસનો પરાજય નિશ્ચિત હતો. ડૉ. લોહિયાએ કહેલ કે વિરોધ પક્ષ ઈચ્છશે ત્યાં સુધી (નહેરુવીયન) કોંગ્રેસ રાજ કરી શકશે.
ઈન્દિરા ગાંધી સત્તા માટે આપખુદ હતાં અને સુરાજનીતિમાં એટલે કે સમાજશાસ્ત્રમાં ઢબુ પૈસાનો ઢ હતાં. પણ પક્ષમાં એક હત્થુ શાસન કેવી રીતે કરવું તે બાબતમાં તે તેના પિતાજીની જેમ નિપૂણ હતાં. આવો પક્ષ શિક્ષિત સમાજમાં લાંબો ટકી ન શકે.
પણ હવે કેટલાક મૂર્ધન્યોને અને લોકશાહીના હિત રક્ષકોને લાગે છે કે નહેરુવીયન કોંગ્રેસને બચાવવી જોઇએ. જ્યારે બીજેપીને ૧૯૮૦ની ચૂંટણીમાં ફક્ત બે બેઠક જ મળી ત્યારે તેમને બીજેપીને (જનસંઘને) બચાવવો જોઇએ એવો વિચાર ન આવેલ. તેમજ ૧૯૫૨ની વાત જવા દો, પણ ૧૯૫૭, ૧૯૬૨ અને ૧૯૭૦ની ચૂંટણી વખતે પણ પ્રજાસમાજવાદી પક્ષ કે સંયુક્ત સમાજવાદી પક્ષને બચાવવો જોઇએ તેવો વિચાર ન આવેલ.
કોંગ્રેસ અને નહેરુવીયન કોંગ્રેસમાં ફેર શો છે?
(૧) કોંગ્રેસ પાસે સ્વાતંત્ર્ય પહેલાં (સ્થાનિક સ્વરાજ્યની) સત્તા હતી. નહેરુવીયન કોંગ્રેસ પાસે સ્વાતંત્ર્ય મેળવ્યા પછીના કાળમાં સત્તા રહી હતી.
(૨) કોંગ્રેસ પાસે ગાંધીજીનું માર્ગદર્શન અને નિરીક્ષણ હતું. નહેરુવીયન કોંગ્રેસ પાસે શરુઆતમાં વરિષ્ઠ નેતાઓનુ સામૂહિક માર્ગદર્શન હતું પણ બીજા દાયકા પછી કેવળ નહેરુનો શબ્દ આખરી ગણાવા માંડ્યો.
(૩) કોંગ્રેસ સ્વદેશી, દારુબંધી, સાદગી અને નીતિના પાયા ઉપર રચાયેલી સંસ્થા હતી. નહેરુવીયન કોંગ્રેસ સત્તા ના પાયા ઉપર રચાયેલી સંસ્થા બની. અને તે સત્તા મેળવવા માટે અને ટકાવી રાખવા માટે મુસ્લિમ લીગ અને સામ્યવાદીઓ જેવી હળાહળ કોમવાદી અને આપખુદ પક્ષો સાથે પણ બેસી શકે છે.
(૪) કોંગ્રેસમાં, વિરોધીઓ પ્રત્યે કડવાશની ભાવના ન હતી. નહેરુવીયન કોંગ્રેસમાં પહેલા દશકામાં વિરોધીઓને શક્તિહીન કરી દેવાના પ્રપંચો થયા હતા અને પછી તો નહેરુવીયન કોંગ્રેસમાં સમાજને અલગ અલગ જુથોમાં વિભાજીત કરવાની સંસ્કૃતિ વિકસિત થઈ.
(૫) કોંગ્રેસમાં કાયદાને માન હતું. જો કે આ ગુણ બ્રીટીશ સરકારના સંસ્કાર હોઈ શકે. પણ કોંગ્રેસના ખાતામાં પણ આ ક્રેડિટ જમા થાય છે. નહેરુવીયન કોંગ્રેસમાં આ સંસ્કાર ક્રમશઃ ઘટતા ગયા. અને ઇન્દિરાના સમયમાં તો તેની “ધજ્જીયાં” ઉડાડવાની શરુ થઈ.
(૬) કોંગ્રેસ દારુબંધીને માનતી હતી. અને દારુની દુકાનો ઉપર વિરોધ પ્રદર્શન કરતી હતી. નહેરુવીયન કોંગ્રેસની દારુની નીતિ કેવી ઉંધી છે તે આપણે સૌ જાણીએ છીએ.
(૭) કોંગ્રેસ અહિંસક સમાજ રચનામાં એટલે કે ગૌવંશ હત્યા નિષેધમાં માનતી હતી. અને આ વાતનો બંધારણમાં સમાવેશ કરાવ્યો હતો. નહેરુવીયન કોંગ્રેસ દંભી છે અને તેણે આ સમાવેશને “આદેશાત્મક વિભાગમાં” સામેલ કર્યો છે અને રાજ્યો ઉપર છોડી દીધો છે. “જા બીલ્લી કુત્તેકો માર”. દારુબંધીના અમલ વિષે રાજ્યોનું અને ખાસ કરીને નહેરુવીયન કોંગ્રેસ શાસિત રાજ્યોનું વલણ તદ્દન વિરોધી રહ્વયું. કેન્દ્ર દ્વારા આ મુદ્દે રાજ્યો ઉપર કશું દબાણ કે દંડનીય પ્રાવધાન નથી.
આવા તો અનેક ભેદ જોઈ શકાય છે. પણ એક દાખલો જ બસ થઈ પડશે કે પહેલાંનો કોંગ્રેસી વિશ્વસનીય હતો. અને નહેરુવીયન કોંગ્રેસી જો તે પ્રતિજ્ઞા પૂર્વક કહે તો પણ જરાપણ વિશ્વસનીય નથી.
તો પછી આવી કોંગ્રેસને મરતી હોય તો મરવા દેવામાં વાંધો શો છે?
વાંધાના કારણ નિમ્ન લિખિત છે.
(૧) નહેરુવીયન કોંગ્રેસનું ચૂંટણી આયોગના દસ્તાવેજોમાં કોંગ્રેસ તરીકે ઓળખ છેઃ
છેદ ઉડે છેઃ આ એક આકસ્મિક ઘટના છે. ૧૯૬૯માં શરુઆતમાં આ જ કોંગ્રેસ, કોંગ્રેસ (આર), કોંગ્રેસ (આઈ), કોંગ્રેસ (જે) તરીકે ઓળખાતી હતી. જ્યારે બીજી કોંગ્રેસ, કોંગ્રેસ (સંસ્થા), કોંગ્રેસ (ઓ), કોંગ્રેસ (એન) તરીકે ઓળખાતી હતી. સંસ્થાનો અર્થ સંગઠન થાય છે. સંગઠન ઉપર કારોબારીનું વર્ચસ્વ એક સર્વ સ્વિકાર્ય બાબત છે. એટલે નૈતિક રીતે તો કોંગ્રેસ (સંસ્થા) જ મૂળ કોંગ્રેસ કહેવાય. ચૂંટણીના પરિણામોથી કયો પક્ષ મૂળ પક્ષ એ નક્કી ન થઈ શકે. ચૂંટણીમાં તો હારજીત થતી રહે છે. અને કાયદેસર રીતે જોઇએ તો જનતા વ્યક્તિને ચૂંટે છે. પક્ષને નહીં.
૧૯૭૭માં કોંગ્રેસ સંસ્થાનો વિલય થયો. એટલે બીજી કોંગ્રેસ કે જે કોંગ્રેસ (આઈ, આર કે જે) બચી, તે જ બાકી રહી. એટલે તે કોંગ્રેસ તરીકે ઓળખાઈ. આ કોંગ્રેસને મૂળ કોંગ્રેસ સાથે સૈદ્ધાંતિક રીતે કશી લેવા દેવા નથી.
(૨) એ જે હોય તે. પણ આ કોંગ્રેસમાં હવે એક કોંગ્રેસ શબ્દ છે એટલે તેને મૂળ કોંગ્રેસ માનવી જોઇએ.
છેદ ઉડે છેઃ ૧૯૭૭માં કોંગ્રેસ (આઈ) વિભાજિત થઈ. અને યશવંત રાવ ચવાણે રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ બનાવ્યો. ૧૯૮૦ માં જનતા પાર્ટી હારી ગઈ, તો જગજીવન રામે “કોંગ્રેસ રીયલ”, પક્ષ બનાવ્યો. મમતાએ તૃણમૂલ કોંગ્રેસ બનાવ્યો. ઉડીયા કોંગ્રેસ પક્ષ પણ બન્યો. કોંગ્રેસ શબ્દ તો આ બધા પક્ષોમાં છે. તો તેમનો પણ મૂળ કોંગ્રેસ હોવાનો હક્ક છે.
(૩) નહેરુવીયન કોંગ્રેસમાં તો સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા માટે તેને મૂળ કોંગ્રેસ માનવી જોઇએ.
છેદ ઉડે છેઃ સ્વાંત્ર્ય સેનાનીઓ હોવા એ કંઈ કોંગ્રેસનો ઈજારો નથી. સમાજવાદી પક્ષમાં, પ્રજા સમાજવાદી પક્ષમાં, સંયુક્ત સમાજવાદી પક્ષમાં, જનસંઘમાં અને તૂટેલી કોંગ્રેસના બીજા હિસ્સાઓમાં પણ સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા. જો સંખ્યાને હિસાબે જોઇએ તો સર્વોદય સંગઠનમાં સૌથી વધુ સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા. અને હવે તો કોઈપણ પક્ષમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ બચ્યા નથી. પૈતૃક વારસો લોકશાહીમાં મળતો નથી.
(૪) નહેરુવીયન કોંગ્રેસમાં સ્વાતંત્ર્ય સેનાની નહેરુ પોતે હતા. તેઓશ્રી પ્રધાન મંત્રી હતા. વચ્ચે લાલબહાદુર શાસ્ત્રી પ્રધાન મંત્રી થયા, પછી ઈન્દિરા ગાંધી પ્રધાન મંત્રી થયાં. પછી રાજીવ ગાંધી પ્રધાન મંત્રી થયા. પછી રાજીવ ગાંધીના પત્ની સોનીયા ગાંધી પક્ષ પ્રમુખ થયાં. એટલે એક મહાન કુટૂંબ કે જેના એક આદ્ય વડિલે પોતાની સંપત્તિ દેશને દાનમાં આપી દીધી. અને વંશ પરંપરાગત રીતે પ્રધાન મંત્રી થતા રહ્યા કે પક્ષીય પ્રમુખ થતા રહ્યા તેને જ મૂળ કોંગ્રેસ કહી શકાય.
છેદ ઉડે છેઃ દાનમાં પોતાની સંપત્તિ આપી દેવાથી તે વ્યક્તિના વંશજો સંસ્થાનો કબજો ન લઈ શકે. લોકશાહીમાં આવી જોગવાઈ નથી. એક જ કુટૂંબના સંતાનો, વંશીય અનુક્રમે વડાપ્રધાન પદ કે પક્ષીય પ્રમુખ પદ ભોગવે તે કારણથી તે પક્ષને મૂળ કોંગ્રેસ પક્ષ ગણી ન શકાય. લોકશાહીમાં આવો વારસો આપવાની જોગવાઈ નથી.
તો પછી નહેરુવીયન કોંગ્રેસને મરવા દેવી જોઇએ કે નહીં?
કેટલાક સુજ્ઞ લોકો માને છે કે કોંગ્રેસને એટલે કે નહેરુવીયન કોંગ્રેસને મરવા દેવી ન જોઇએ. તેને કોઈપણ ભોગે જીવાડવી જોઇએ.
કારણ કેઃ
(૧) લોકશાહી માટે એક જ પક્ષ હોવો હિતાવહ નથી.
(૨) બીજા વિકસિત અને લોકશાહી દેશોમાં સક્ષમ વિરોધ પક્ષ હોય છે.
(૩) વિરોધ પક્ષ મજબુત હોવો જોઇએ.
(૪) જો વિરોધ પક્ષ મજબુત હોય તો જ શાસક પક્ષ સીધો રહેશે.
(૫) જો વિરોધ પક્ષ મજબુત ન હોય તો શાસક પક્ષ આપખુદ થઈ જાય.
(૬) શાસક પક્ષને આપખુદ થતો ઘણા લોકશાહી દેશોએ જોયો છે. આપણા દેશે પણ શાસક પક્ષને આપખુદ થતાં જોયો છે.
છેદ ઉડે છેઃ ઉપરોક્ત માન્યતાવાળા મૂર્ધન્યો ઓગણીસો પચાસના દાયકામાં બાબાગાડી ચલાવતા ન હતા. અને ધારો કે તેઓ તે વખતે બાબાગાડી ચલાવતા પણ હોય તો પણ જ્યારે તમે રાજકારણની જે તે પરિસ્થિતિની વાત કરતા હો તે વખતનું જ્ઞાન તમને હોવું જોઇએ.
જો આપણે ભારતની વાત કરીએ તો ૧૯૫૨માં જવાહરલાલ નહેરુએ વડા પ્રધાન પદ ઉપર ૫ વર્ષ તો પૂરા કરેલા જ. તે વખતે ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને મૂર્ધન્યો જીવતા હતા. તે વખતે વિરોધ પક્ષ નહીં જેવો હતો. વિરોધપક્ષના નેતાઓ નીતિમત્તાવાળા હતા. પણ કોઈ ફલાણા પક્ષને જીવતો રાખો, અથવા લોકશાહીને મજબુત રાખવા માટે ફલાણા પક્ષને મજબુત કરો તેવી વાતો કોઈ કરતા ન હતા. વિરોધ પક્ષોને તેમણે તેમના હાલ ઉપર છોડી દીધેલા. ૧૯૫૭, ૧૯૬૨માં પણ આમ જ થયેલ. નહેરુ માનસિક રીતે આપખુદ હતા. વિરોધીઓની સાચી વાતોને પણ નકારતા હતા અથવા ઉડાવી દેતા હતા. આ બાબતમાં જેમને શંકા હોય તેમણે આચાર્ય ક્રિપલાણીની આત્મકથા અને મોરારજી દેસાઈની આત્મકથાના અમુક પ્રકરણો વાંચી લેવા.
સરદાર પટેલે નહેરુને અંગત પત્ર (ડૅમી ઓફીસીયલ) દ્વારા ચીનના ઇરાદાઓ વિષે ચેતવેલા. ધારો કે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, એવું માની ને આપણે નહેરુને માફ કરીએ. પણ તિબેટ ઉપર ચીનનું આધિપત્ય સ્વિકારવું તે અક્ષમ્ય હતું, ધારો કે આ બીજી ભૂલ પણ માફ કરી દઈએ તો, વિરોધ પક્ષો દ્વારા ચીની સૈન્યની ઘુસણખોરીનો મુદ્દો જ્યારે જ્યારે પણ સંસદમાં ઉઠાવાતો ત્યારે ત્યારે નહેરુ, તે ઘુસણખોરીને ધરાર તેને નકારી કાઢતા હતા. વાસ્તવમાં જોઇએ તો ચીની સૈન્યની ભારતીય સીમામાં અવાર નવાર થતી ઘુસણખોરી તે જુઠાણાં ન હતાં. આ ઉપરાંત, ઈન્ડો-ચાઈના સરહદ ઉપર સૈન્ય તૈનાત જ ન હતું. સરહદી સૈન્ય પાસે ઠંડીથી બચવા માટેના વસ્ત્રો ન હતા. મોજા ન હતા, બુટ ન હતા, શસ્ત્રો ન હતા એટલે જ્યારે ચીને ૧૯૬૨માં આક્રમણ કર્યું ત્યારે જનતા પાસે ઉઘરાણું કરવું પડ્યું.
યાદ રાખો, ભારતીય સૈન્ય કદી હાર્યું નથી. ચીન તે વખતે એવું સબળ ન હતું. આપણું સૈન્ય અનુભવી અને સક્ષમ હતું. પણ આપણું સૈન્ય તૈનાત જ ન હતું. આપણી સરહદ અસુરક્ષિત હતી. ઈન્ડો-ચાઈના સરહદ ઉપર સક્ષમ સુરક્ષા પુરી પાડવા માટે ઓછામાં ઓછો છ માસનો સમય જોઇએ.
નહેરુને સ્વપ્નીલ વ્યક્તિ ને બદલે કમસે કમ ધૂની વ્યક્તિ કહી શકાય. એવી ધૂની વ્યક્તિ કે જે બધી બારીઓ બંધ રાખે છે. ફક્ત સમાજવાદની બારી ઉઘાડી રાખે છે. જ્યારે ચીન, નહેરુની એક બંધ બારી તોડીને અંદર આવ્યું ત્યારે નહેરુનો ભ્રમ ભાંગ્યો. નહેરુએ ઇતિહાસ અને મિત્રોની ચેતવણીઓની ધરાર અવગણના કરેલી.
ચીનના સમાજવાદમાં ચીનના શાસકનું આપખુદી પણું નહેરુને કઠતું ન હતું. પણ પાકિસ્તાનમાં જ્યારે ઇસ્કંદર મીરઝાએ માર્શલ લૉ જાહેર કર્યો તે નહેરુને લગાતાર કઠવા લાગ્યો હતો. નહેરુ ઉછળી ઉછળીને પાકિસ્તાનના લશ્કરી શાસનની વિરુદ્ધ બોલતા હતા. પાકિસ્તાન સાથેના સંબંધો બગડવાનું બીજ ૧૯૫૪માં નહેરુએ અતિ ઉત્સાહિત થઈને વાવ્યું હતું.
ગાંધીજી હતા ત્યારે સર્વોદયી સમાજ સ્થાપવાની વાતો થતી હતી. આ વાતો ત્યાં સુધી ચાલુ રહી જ્યાં સુધી ૧૯૫૬ના અરસામાં લોકશાહીવાદી સમાજવાદી સમાજ રચનાનો ખરડો કોંગ્રેસ કારોબારીએ પાસ ન કર્યો.
કેટલાકને મન “સમાજવાદ ખરો પણ તેમાં લોકશાહી ન પણ હોય” એમ લાગતું હોય. જો કે ગાંધીજીએ કહેલું કે હું જવાહરને સમજી શકું છું પણ તેમના સમાજવાદને સમજી શકતો નથી.
આ સમાજવાદ એ વળી કયું ભૂત છે?
સમાજવાદ એ ભૂત પણ નથી અને વાદ પણ નથી. સમાજવાદ એક તૂત છે. જો તમે માનવીય મૂલ્યોનું હનન ન થવા તો સ્વસ્થ સમાજ હાથવેંતમાં છે. ગાંધીજીએ પ્રચ્છન્ન રીતે બધા વાદોને નકાર્યા હતા. ગાંધીજીએ કહેલ કે “તમે જ્યારે કંઈપણ કરો ત્યારે સૌથી અંતીમ માણસને તેનાથી શું ફાયદો થશે તે વિચારો. અને તે પ્રમાણે કાર્ય કરતા રહો એટલે બસ.
વિનોબા ભાવે એ ઈન્દિરાની સમાજવાદની મીથ્યા બાંગો વચ્ચે કહેલ કે
કુદરતી સંપત્તિ+માનવીય મૂલ્યો+ટેક્નોલોજી=વિકાસ. આ સમીકરણમાં ક્યાંય સમાજવાદનું પદ આવતું નથી.
પક્ષ અને વાદ એ બંનેને ઉપરોક્ત વિકાસ સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ નથી. આ વાત ૧૯૭૩ના અરસામાં પ્રચલિત કરવામાં આવી હતી. મોદીએ નવનિર્માણ આંદોલનમાં ભાગ લીધો હતો. એટલે તો મોદી “સૌનો સાથ સૌનો વિકાસ” એવો શબ્દ પ્રયોગ કરે છે. પણ જેઓ વિકાસને ગાળો આપે છે તેમની માનસિકતાની ચિકિત્સા થવી જોઇએ.
જગત મીથ્યા છે પણ વિશ્વ અનિર્વચનીય છે. જગત એટલે કે જગતની અંદર ચાલતા વ્યવહારો મીથ્યા છે. પણ વિશ્વ તો ઈશ્વરનું શરીર છે. વિશ્વ મીથ્યા નથી. વિશ્વ અનિર્વચનીય છે. વિશ્વને સમજ્યા વગર, જો મૂર્ધન્યો, જે પરિબળો સમાજને વિભાજિત કરે છે તેવા પરિબળોને પ્રત્યક્ષ કે પરોક્ષ ઉત્તેજન આપશે તો તે સમાજ માટે ઘાતક બનશે.
સમજી લો. જ્યારે મહાત્મા ગાંધીના વિરોધીઓ હોઈ શકે છે તો મોદીના પણ વિરોધીઓ હોઈ શકે. જેમ ગાંધીજીને વાંચ્યા વગર, પોતાના મનગઢંત માન્યતાઓ અનુસાર ગાંધીજીને ગાળો આપ્યા કરનારાઓ આજની તારીખમાં અસ્તિત્વ ધરાવી શકે છે અને ખૂદને અવિશ્વસનીય સિદ્ધ કરી ખૂદને બદનામ કરે છે, તેવી જ રીતે નરેન્દ્ર મોદીને બદનામ કરવા અમુક મૂર્ધન્યો, અસરકારક તથ્યો સંતાડી “સંત રજનીશમલ” અને “ઓશો આસારામ” જેવા બાવાઓને શોભે તેવા ટૂચકાઓ કહેતા હોય છે. પોતાની પીઠ થાબડતા હોય છે.
શિરીષ મોહનલાલ દવે