મોટાભાગના બાવાઓ એક વહાણના મુસાફરો છે પણ …. (૧)
એક વહાણના મુસાફરો એ એક શબ્દ પ્રયોગ છે. આપણે એવું માનીએ છીએ કે એક વહાણના મુસાફરોનું ધ્યેય એક નિશ્ચિત સ્થળે પહોંચવાનું હોય છે. આ સ્થળને તમે હેતુ કહી શકો.
બાવાઓ બધા જ ધર્મોમાં હોય છે અને એક એકથી ચડે એવા હોય છે.
પણ બાવાઓ કહેવા કોને?
બાવાની વ્યાખ્યા શું?
(૧) જે વ્યક્તિ બીજાના ફાયદા માટે (એટલે કે સમાજના કે સમાજના અમુક વર્ગના હિત માટે) કાર્યરત હોય છે તેને શું આપણે બાવો કહીશું?
ના જી.
આ વાખ્યા નહીં ચાલે.
(૨) તો પછી જે વ્યક્તિ સમાજના હિત માટે કાર્યરત રહે અને તે માટે અપરિણિત રહે તેને શું આપણે બાવો કહીશું.
ના જી. આ વ્યાખ્યા તો દુનિયામાં પ્રવર્તમાન પ્રણાલીને અનુરુપ નથી.
જેમકે કેટલાક વર્ગ (સંપ્રદાયો) માં ગાદીઓ હોય છે. અને તેના ઉપર બેસનારાને ગાદીપતિ કહેવાય છે. તેઓશ્રી ગાદીના પતિ હોવા ઉપરાંત એક સ્ત્રીના પણ પતિ હોય છે. તેમને ઔરસ સંતાનો પણ હોય છે. આ ગાદી વંશ પરંપરાગત હોય છે. આ બધાઓને પણ બાવાઓ કહેવા જ પડે કારણ કે સામાન્ય રીતે આપણે ગુરુ અને બાવાને સમાનાર્થી શબ્દો માનીએ છીએ, અને તેમનું કામ પણ મુખ્યત્વે લોકોને બોધપાઠ આપવાનું હોય છે.
(૩) તો પછી જે બોધપાઠ આપે છે તેમને બાવો કહીશું?
ના જી. બોધ પાઠનો એક સમાનાર્થી શબ્દ છે શિખામણ. જો કે સુક્ષ્મ ભેદ છે. શિખામણ તો સૌને કોઈને આપવી ગમે. એટલે કંઈ આપણે બધાને બાવા ન બનાવી શકીએ.
(૪) શિખામણ એ એવી વસ્તુ છે કે જે સૌને આપવી ગમે પણ લેવી ન ગમે. તો પછી આપણે બાવા માટે એવી વ્યાખ્યા કરીએ કે જે વ્યક્તિ સૌને શિખામણ આપે પણ કોઈની શિખામણ લે નહીં એવી વ્યક્તિને બાવો કહી શકાય?
જો કે આ વ્યાખ્યા બરાબર છે કે નહીં તે સંશોધનનો વિષય છે. કારણ કે અહીં આપણને શિખામણ અને બોધપાઠ વચ્ચેનો ભેદ દેખાય છે.
આમાં શિખામણની વ્યાખ્યા કરવી પડશે. શિખામણ સામાન્ય રીતે કોઈ એક નિશ્ચિત વ્યક્તિને આપવાની હોય છે. અને તે સામાન્ય રીતે પ્રસંગને અનુલક્ષીને કેમ વર્તવું કે કેમ ન વર્તવું એ બાબતનું દીશા સૂચન હોય છે. એટલે કે ન્યુટનના નિયમ પ્રમાણે “ફોર્સ ટુ ધ પોઈન્ટ” (બિન્દુગામી બળ) હોય છે. જ્યારે બોધપાઠ સમગ્ર શ્રોતાઓ માટે હોય છે અને બોધપાઠ આઈન્સ્ટાઈન ની ફીલ્ડ થીએરી (એક ક્ષેત્ર જે તેની અંદર રહેલા પદાર્થના દરેક બિન્દુ ઉપર બળ ઉત્પન્ન કરે છે. જેમ કે સમાજને સુધારવો હોય તો એક એક વ્યક્તિને પકડીને તમારી વાત મનાવો. તો તે ન્યુટનનો સિદ્ધાંત થયો. શાસકને પકડી એક એવું વાતાવરણ તૈયાર કરો કે તે વાતાવરણના ક્ષેત્રમાં આવતી બધી વ્યક્તિઓ તમારી વાત માનવા માંડે. આ આઈનસ્ટાઈનનો સિદ્ધાંત થયો. જો કે “ફોર્સ ટુ ધ પોઈન્ટ” અને “ફોર્સ ડ્યુ ટુ ધ ફીલ્ડ” એ તદ્દન આવી વાત નથી. પણ હાલ્યું જાશે.
સમાજમાં સુધારા લાવવા છે તો એક એક વ્યક્તિને પકડતા જાઓ અને વ્યક્તિઓ વધી જશે એટલે એક વાતાવરણ પણ તૈયાર થશે અને તે પણ કામ કરવા માંડશે.
ગાંધીજીએ વિચાર આપ્યો અને તે વિચારની સાથે (ગુલામી સામે) એક પ્રતિકારાત્મક આંદોલન આપ્યું અને તેમાં લોકોને વિચારની અનુભૂતિ સાથે સામેલ કર્યા. એ પ્રમાણે ગાંધીજી સમાજ શાસ્ત્રના ક્ષેત્રમાં આઈન સ્ટાઈનને સમકક્ષ હતા.
હા પણ … બાવાઓ કોણ?
જો ઉપરોક્ત રીતે બાવાઓને પરિભાષિત કરીશું, તો તો આખું જગત બાવાઓથી જ બનેલું જણાશે.
અત્ર તત્ર સર્વત્ર બાવાઓ અને બાવાઓ જ છે. દરેક વ્યક્તિમાં એક નાનો કે મોટો બાવો પડેલો જ હોય છે. એટલે આ રીતે જો બધાને બાવાઓ બનાવીશું તો પ્રણાલીગત બાવાઓ વિષે આપણે જે લખવું છે તે મોળું પડી જશે. જેમ કે શાસકપક્ષના નેતાઓ કહે છે કે “ ‘સ્વચ્છતા અભિયાન’ માં તો જનતાએ સહકાર આપવો પડશે.”
શાસક નેતાઓ આમ કહીને, જે સરકારી નોકરોને શહેરને સ્વચ્છ રાખવા માટે પગાર આપવામાં આવે છે, તેમનો ગુનો મોળો પાડી દે છે. કારણ કે મ્યુનીસીપલ કમીશ્નર સહિતના ગુનેગારોને સજા કરવા તેઓ અશક્ત અને દાનતહીન છે અને તેઓ પોતાના આ દંભને છૂપાવવા માગે છે.
(૫) જે વ્યક્તિએ સમાજને માટે પરમાર્થનું કામ હાથમાં લીધું છે તે બાવો.
પણ પરમાર્થ એટલે શું?
જેમ કે બાબા રામદેવ. તેઓશ્રી યોગનો પ્રચાર પ્રસાર કરે છે. તે સમાજના હિતમાં છે અને તેથી દેશના હિતમાં પણ છે. વળી તેઓશ્રી આયુર્વેદિક દવાઓ પણ બનાવે છે અને વેચે છે. તેમનું ક્ષેત્ર વધારતા પણ જાય છે. કારણ કે તેઓ સમજે છે અને તે સાચું પણ છે.
દવા એટલે શું? દરેક વનસ્પતિ કોઈકની કોઈક રોગ હઠાવવા માટેની કે તંદુરસ્તી માટેની દવા છે. એટલે કે વનસ્પતિમાંથી બનાવેલ ખાદ્ય વાનગી સ્વયં માત્ર દવા છે. વળી બધા જ સાદા અને માન્યતાપ્રાપ્ત બાવાઓ પણ થોડી ઘણી દવાઓ તો વેચતા જ હોય છે.
હવે જો આમ જ હોય તો પોલીટીશ્યનો પણ બાવા જ ગણાય. સાદા બાવાઓ તો પારકાના સંતાનોને બાવા (જતિ) બનાવતા હોય છે જ્યારે પોલીટીશ્યનો તો પોતાના સંતાનોને (બાવા–જતિ) પોતાનો વારસો આપતા હોય છે. એટલે પોલીટીશ્યનો તો મોટા બાવા કહેવાય. અને ખાસ કરીને જે હાલ સત્તાથી વિમુખ થયા છે તેમનું કામ તો ફક્ત અને ફક્ત પરમાર્થ માટેના બોધપાઠ આપવાનું જ છે. રાહુલ બાબા નરેન્દ્ર મોદીને સલાહ આપ્યા કરવાની ફરજ બજાવ્યા જ કરે છે. તેઓશ્રી મોદીના “કાઉન્ટર પાર્ટ” છે.
એક બાવાજી હતા. તેમણે એક દુકાને જઈને તે દુકાનના માલિકને કહ્યું
“બચ્ચા, મૈં ભૂખા હૂઁ, કુછ ખાનાવાના મિલેગા ક્યા?”
શેઠને દયા આવી. શેઠ તે બાવાજીને પોતાને ઘરે લઈ ગયા. તેમને જમાડ્યા. પછી બે હાથ જોડી પૂછ્યું “બાવાજી !! કોઈ ઉપદેશ ….!!”
બાવાજી બોલ્યા “ઉપદેશ… બુપદેશ દેના હમારા કોઈ કામ નહીં… હમારા કામ હૈ સિર્ફ ખાના પીના ઔર ઘુમના “
મૌન રહેતા પોલીટીશ્યનો વિષે પણ આવું જ કહી શકાય.
પણ ઉપરોક્ત બાવાઓને તો આપણે સ્વેચ્છાએ ખવડાવીએ પીવડાવીએ છીએ. અને પોલિટીશ્યન બાવાઓ તો પેધા પડેલા અને માથા ભારે બાવાઓ છે તેઓ તો, પરાણે આપણી પાસેથી ટેક્ષના પૈસા ચરકાવે છે.
પરિભાષાની મુસીબત તો ઉભી જ છે. એટલે કે પ્રણાલીગત બાવાની વ્યાખ્યા શી હોઈ શકે, કે જેથી આપણે તેમને અલગ તારવી શકીએ અને તે પણ કાયદેસર રીતે.?
(૬) વિનોબા ભાવે કહે છે કે જે બ્રહ્મવિદ્યાનું અધ્યયન કરે છે અને કરાવે છે તે (સાચો બાવો). જો કે કૌંસમાં જે શબ્દ છે તે આપણે જોડ્યો છે.
પણ આ બ્રહ્મ વિદ્યા એટલે શું?
આપણે ગીતા દ્વારા જાણ્યું છે કે જ્ઞાન છે, વિજ્ઞાન છે, વિદ્યા છે, અવિદ્યા છે, કર્મ છે, અકર્મ છે, વિકર્મ છે, યોગ છે ધ્યાન છે … પણ આ બ્રહ્મ વિદ્યા એટલે શું?
વિનોબા ભાવેના માનવા પ્રમાણે, જે જ્ઞાનના જે વિભાગ દ્વારા, જડ વસ્તુનો (ગુણધર્મોનો) અભ્યાસ થાય છે તે વિજ્ઞાન છે. જ્ઞાનના જે વિભાગ દ્વારા ચૈતન્યના (ગુણધર્મોનો) અભ્યાસ થાય છે તે બ્રહ્મ વિદ્યા છે.
જો કે આપણે આ વિભાગીકરણ વિષે ચર્ચા નહીં કરીએ. કારણ કે આપણે આ બ્લોગને શુષ્ક બનાવવા માગતા નથી.
વિનોબા ભાવેના સદભાગ્યે, વિનોબા ભાવે કબુલ રાખે છે કે જડ અને ચેતન એવા કોઈ ભેદ નથી. આખું બ્રહ્માણ્ડ ચેતનમય છે. પણ જેઓ આત્મા, પરમાત્મા વિષે અભ્યાસ કરે છે તેઓને બ્રહ્મવિદ્યાધર માનવા.
મોદીકાકા હિન્દુ ધર્મની ચાવી રુપ વિધાન અવારનવાર બોલે છે કે “એકમ્ હિ સત્ , વિપ્રા બહુધા વદન્તિ.” એટલે કે સત્ય એક જ છે પણ જ્ઞાનીઓ તેને જુદી જુદી (ગ્રાહ્ય થાય તે માટે) રીતે દર્શાવે છે. તમે તેને અગ્નિ કહો કે યમ કહો કે માતરિશ્વા કહો.
તો શું આપણે બાવાઓની વ્યાખ્યા એ રીતે કરી શું કે જેઓ બ્રહ્મવિદ્યાને જાણે છે અથવા તો જેઓ બ્રહ્મવિદ્યા જાણતા હોવાનો દાવો કરે છે અથવા તો જેઓ બ્રહ્મવિદ્યાનો અભ્યાસ કરે છે અને જેઓએ, કંઈક અંશે જે કંઈ જાણ્યું, તે જ્ઞાન, પોતાના શિષ્યોને શિખડાવે છે તેને આપણે બાવા કહીશું?
અરે ભાઈ આવી માથાકૂટ કરવાની શી જરુર છે? જે દાઢી રાખે એ બાવો …
અરે ભાઈ, હાલ તો દાઢીની ફેશન એક મહામારીની જેમ, ભાઈઓમાં ફેલાઈ ગઈ છે. આટલા બધાને કેવીરીતે બાવા બનાવાય?
બાવાની વ્યાખ્યા કરવાની સરળ અને સહેલી રીત એ જ છે કે
જે વ્યક્તિ પોતાને ગુરુ (બાવો) માને અને સતત શિષ્યોની ભરતી માટ પ્રયત્ન શીલ રહે અને સમયના એક અંતરાલમાં સફળ પણ રહે તેને બાવો કહેવો
યસ. આ વાખ્યા બરાબર છે.
(ક્રમશઃ)
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ
વહાણના મુસાફરો, ધ્યેય નિશ્ચિત, બાવાઓ, ધર્મ, સામાજિક હિત, પ્રણાલી, સંપ્રદાય, ગાદીપતિ, વંશ પરંપરાગત, બોધપાઠ, ન્યુટન, આઈનસ્ટાઈન, ફોર્સ ટુ ધ પોઈન્ટ, આઈનસ્ટાઈનનો સિદ્ધાંત, ફોર્સ ડ્યુ ટુ ધ ફીલ્ડ, ગાંધીજી, આંદોલન, બ્રહ્મવિદ્યા, વિનોબા ભાવે, જ્ઞાન, વિજ્ઞાન, વિદ્યા, અવિદ્યા, મોદીકાકા