Feeds:
Posts
Comments

Posts Tagged ‘ભાટાઇ’

Who removed restrictions on production

who founded the path of development

સો વખત જુઠ બોલો અને “સાચ” નો ભ્રમ ફેલાવો.

  
જન્મ જયંતિઓ અને ભાટાઈ
રાજીવ ગાંધી નો અમુકમો બર્થ ડે. અને સેન્ટ્રલ ગવર્નમેન્ટની નહેરુવીયન કોંગીની પ્રજાને પૈસે પ્રશસ્તિ કરવાનું પર્વ. આવા પર્વોનો તૂટો નથી. ભારતીય સંસ્કૃતિ સો સદી જુની એટલે આપણે તહેવારોનો તૂટો ન હોય તે સમજી શકાય તેમ છે. પણ આ કોંગી કલ્ચર સૌને આંટ મારે તેવું છે. પાંચ દશકાની સ્વકીય સંસ્કૃતિમાં તેણે પર્વોનો રાફડો ખડકી દીધો છે.
  
જવાહરની જન્મ જયંતિ, ઈન્દીરાની જન્મ જયંતિ, થોડોક સમય સંજય ગાંધીની જન્મ જયંતિ પણ ચાલેલી, પછી રાજીવ ગાંધી પટમાં આવ્યા એટલે તેમની જન્મ જયંતિ ચાલુ થઈ, પછી સોનીયા ગાંધી અને રાહુલ ગાંધી.
 
મોરારજી દેસાઈ ભલે એક સમયના ગમે તેટલા મોટા ગજાના કોંગ્રેસના નેતા હોય, તેમજ નરસિંહરાવે ભલે દેશને વિકાસના પથ ઉપર ચાલુ કર્યો હોય પણ તેમાંથી કોઇની પ્રશસ્તિ ન કરી શકાય. કારણ કે ઈજારો ફક્ત નહેરુવંશીઓનો જ છે. અને તે પણ પ્રજાને પૈસે.
 
દિવ્યભાસ્કરમાં ત્રણ પાના ભરીને રાજીવગાંધીને જુદા જુદા મંત્રાલયો મારફત તેમની કહેવાતી પુરસ્કૃત યોજનાઓ બદલ નવાજવામાં આવ્યા હતા જેના નામ મારા જેવા સામાન્ય માણસે તો આજે જ સાંભળેલા. તેમાંની એક હતી ગ્રામીણ વિદ્યુત યોજના.
હવે જો આ યોજનાને દિલ્લીની સાથે સાંકળીએ તો પણ શરમથી માથું ઝુકી જાય. વળી એક ન્યુઝ લાઇનમાં એવું લખવામાં આવેલું કે રાજીવ ગાંધીએ તેમના મિત્ર સામ પીત્રોડાની સહાય થી ટેલીકોમ્યુનીકેશન ક્રાંતિના બીજ રોપેલાં.
 
બીજા અનેક જુઠાણાઓની જેમ કોંગ્રેસનું આ પણ એક સર્વવ્યાપક અને વ્યાપક રીતે સ્વિકૃત એક જુઠાણું છે.
 
ટેલીકોમ્યુનીકેશનમાં ક્રાન્તિ ને કેવી રીતે રોકી રાખવામાં આવી હતી?
 
ટેલીકોમ્યુનીકેશનમાં ક્રાન્તિ ને કેવી રીતે રોકી રાખવામાં આવી હતી અને કેવીરીતે આ ક્રાંતિ ન રોકી શકાય તેવી અવસ્થામાં આવી તેની વિગતમાં જઈશું તો વસ્તુસ્થિતિનો સાચો ખ્યાલ આવશે.
 
ટેલીફોન જોડાણો મારફત એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે વાતચીત કરી શકે એ આખી પ્રક્રિયામાં ટેલીફોન એક્ષચેન્જ મૂખ્ય ભાગ ભજવે છે.
 
ટેલીફોન એક્ષચેન્જનું મૂખ્ય કામ એક વ્યક્તિની લાઇનને બીજી વ્યક્તિની લાઇનસાથે વાતચીત પૂરતું જોડવાનું હોય છે.
 
આ આખી પ્રક્રિયામાં સબસ્ક્રાઈબર ની લાઇનો, એક એક્ષચેન્જને બીજા એક્ષચેન્જ સાથે જોડતી જંક્સન લાઇનો, એકગામને બીજા ગામ સાથે જોડતી ટ્રન્ક લાઇનો અને પાવર પ્લાન્ટ એ બધાનો સમાવેશ થાય છે.
 
દરેકમાં સીસ્ટમો અને સબસીસ્ટમો હોય છે, જેમાં ટેક્નીકલ વિકાસ થતો હોય છે. આપણે ફક્ત ટેલીફોન એક્ષચેન્જ વિષે જ ચર્ચા કરીશું. 
 
 
જુનો ઈતિહાસ ટૂંકમાં જોઇએ તો ભાવનગરના બાપુની ટેલીફોન સેવા તે જમાના પ્રમાણે બેનમૂન હતી. ભાવનગરમાં જુની ટાઇપનું ઑટો ટેલીફોન એક્ષચેન્જ હતું. ઑટો-એક્ષચેન્જ એટલે સબસ્ક્રાઇબર પોતાના ટેલીફોન ઈન્સ્ટ્રુમેન્ટ ઉપર થી જ પોતાના ગામના ટેલીફોન નંબરો ડાયલ કરી શકે. બહાર ગામ કોલ કરવા માટે જ ટ્રન્ક ઓપરેટરની મદદ લેવી પડે. ગામેગામ (પબ્લીક કૉલ ઓફીસો) પીસીઓ  હતા. બાપુના ખાસ માણસો પીસીઓનું વર્કીંગ રોજ ચેક કરતા. બાપુ પણ કદીક કરતા. આ બધી લાઇનો તાંબાના ઓવરહેડ તારો ઉપર ચાલતી.
 
કોંગ્રેસના શાસનના પ્રથમ દશકામાં ખાસ બગાડ ન થયો પણ પછી સરકારી નોકરો અને અધિકારીઓની દાનત બગડવા માંડી એટલે ત્રાંબાના તારો ચોરાવા માંડ્યા અને તેનું સ્થાન ગેલ્વેનાઈઝ્ડ લોખંડ ના વાયરોએ લેવા માંડ્યું.  ગેલ્વેનાઈઝ્ડ લોખંડ ના વાયરો ખરાબ ક્વૉલીટી અને તે ઉપરાંત ખારાશવાળી આબોહવાને કારણે સામાન્યરીતે બગડેલા જ રહેતા. તેથી ઘણી જગ્યાએ હેન્ડ-જનરેટર વાળા મેગ્નેટો ટેલીફોન વપરાતા. ભાવનગર એક્ષચેન્જને આગ લાગી અને ઑટો એક્ષચેન્જનું સ્થાન સીબી મલ્ટીપલ ટેલીફોન એક્ષચેન્જ જે એક જનરેશન પાછળનું હતું તેણે લીધું.
 
૧૯૪૮ પહેલાં બોમ્બે કંપની હતી અને બાપુઓ પોતાની રીતે સેવા આપતા. વડોદરા ગાયકવાડી હતું. પછી પી એન્ડ ટી સર્કલ થયું. મરાઠીઓની, કન્નડોની અને સાઉથ ઈન્ડીયનોની બોલબાલા હતી. “નંબર પ્લીઝ” વાળા ઓપરેટર ભાઇ બહેનોમાં પણ મરાઠી વસ્તી વધુ હતી. ૧૯૬૦માં ગુજરાત સર્કલની સ્થાપના થઈ. “નંબર પ્લીઝ” વાળા ઓપરેટર ભાઇ બહેનોમાં અને જુનીયર લેવલ ઓફીસરોમાં ગુજરાતીઓની ઠીક ઠીક ભરતી ચાલુ થઈ.
 
ગોકળગાયની ગતિએ વિકાસ
કોઈપણ બાબતમાં ભાગ્યેજ નીતિમત્તા જોવા મળતી હતી. વિકાસ જેવું ખાસ કશું નહતું. બધો આધાર હિન્દુસ્તાન કેબલ્સ, ઈન્ડીયન ટેલીફોન ઈન્ડસ્ટ્રીઝ અને મુંબઈની ટેલીકોમ ફેક્ટરીના ઉત્પાદનો અને કલકત્તાના ટેલીકોમ સ્ટોરના સોદાઓ ઉપર આધાર રહેતો હતો. મોટા શહેરોના લીડરોનું દબાણ રહેતું અને ન છૂટકે ઓછામાં ઓછો વિકાસ થવા દેવામાં આવતો. શરુઆતમાં તો વેઈટીંગ લીસ્ટ છૂપાવેલું રાખવામાં આવતું. પણ પછી ૧૯૬૭ થી તેને જાહેર કરવાનું અમલમાં આવ્યું.
 
૧૯૬૬માં ગુજરાતમાં  ફક્ત ચાર શહેરોમાં જ ઑટો-એક્ષચેન્જ હતા.
બળવંતરાય મહેતાના પ્રયાસોથી ભાવનગરને ૧૦૦૦ લાઇનનું MAX-I ટાઈપ  ઑટો-એક્ષચેન્જ મળેલું.
અમદાવાદમાં ત્રણ ૨૦૦૦ થી ૫૦૦૦ લાઇનના MAX-I ટાઈપ  ઑટો-એક્ષચેન્જ અને કદાચ બે  ૩૦૦/૪૦૦ લાઇનના MAX-II ટાઇપના ઑટો એક્ષચેન્જ હતા.
 
સૂરતમાં ૪૦૦૦ લાઇનનું એક MAX-I ટાઈપ  ઑટો-એક્ષચેન્જ હતું અને કદાચ ૩૦૦/૪૦૦ લાઇનનું એક MAX-II ઑટો એક્ષચેન્જ હતું.
 
વડોદરામાં ૩૦૦૦ લાઇનનું એક ઑટો એક્ષચેન્જ હતું.
 
બાકી બધા એક લાખ અને તેથી વધુ વસ્તી વાળા શહેરોમાં “નંબર પ્લીઝ” વાળા સી.બી. મલ્ટીપલ અને મધ્યમ કક્ષાના એટલે કે ૫૦૦૦૦ થી ૧૦૦૦૦૦ ની વસ્તીવાળા શહેરોમાં સી.બી. નોન-મલ્ટીપલ એક્ષચેન્જો હતા. ૫૦૦૦૦ અને તેથી નાના કસ્બાઓમાં ૫૦ લાઇનના MAX-III ટાઇપના ઑટો એક્ષચેન્જ અથવા પીસીઓ હતા.
 
સ્પેર પાર્ટસની કમી
 
બધી જ જગ્યાએ સ્પેરપાર્ટસની કમી રહેતી. અને જેમ શહેર નાનુ એમ મુશ્કેલીઓ વધુ. મોટા સાહેબો જેમાં ક્લાસ – ૨ અને ક્લાસ-૧ ગણવામાં આવતા હતા તેઓ સાહેબ-ગીરી ભોગવતા.
 
પોસ્ટમાસ્ટર જનરલ ગુજરાત ની અંડરમાં પોસ્ટ અને ટેલીગ્રાફ ડીપાર્ટમેન્ટ રહેતું. એક ડાયરેક્ટર ઓફ ટેલીગ્રાફ્સ ગુજરાત રહેતા તેઓ ટેલીફોન અને ટેલીગ્રાફ સેક્સન  સંભાળતા.
 
૧૯૭૦ના અરસામાં અમદાવદના ૧૪૦૦૦ પોઇન્ટ થયા એટલે અમદાવદનું ટેલીફોન ડીસ્ટ્રીક્ટ થયું અને તે સીધું ડી.જી. પી એન્ડ ટી દીલ્હી ની અંડરમાં રહેતું.  
 
સન્‌ ૧૯૬૯ થી ટેલીફોન તંત્ર સાવ ખાડે જવા માંડ્યું. સમાજવાદના નામે આ દેશમાં તમે બધીજ મૂર્ખામીઓ અને પ્રપંચો કરી શકો છો. ૧૯૭૭૧-૭૨ માં પરિસ્થિતિ એવી થઈ કે તમારે “નંબર પ્લીઝ” અવાજ સાંભળવા માટે  કેટલીય મીનીટો સુધી હેન્ડ સેટ પકડી રાખવો પડતો. અને ઑટૉ એક્ષચેન્જ માં ડાયલટોન સાંભળવા માટે પણ મીનીટો સુધી હેન્ડસેટ પકડી રાખવો પડતો. ડાયલટોન મળ્યા પછી પણ લોકલ કૉલ લાગશે કે કેમ તે પણ એક સવાલ હતો અને સમસ્યા પણ હતી. રોંગનંબર અને નો-ટોન એ સામાન્ય બાબત હતી. ટ્રંક કોલ ની તો વાત જ ન કરો. ખાયકી નો જમાનો હતો. તે વાતો પણ રસપ્રદ છે પણ આપણે તે નહીં કરીએ.
 
મનુભાઈ શાહે સ્થાપેલ ગુજરાત ઈન્ડ્સ્ટ્રીયલ ડેવેલપમેન્ટ કોર્પોરેશનને (GIDC) ખાડે જવાની ઘણી વાર હતી. એટલે ટેલીફોનની ડીમાન્ડ વધતી જતી હતી. અને દશકાઓ સુધીના જુના વેઈટીંગ લીસ્ટો બની ગયા હતા. નવા કનેક્ષનોને બાજુએ રાખો તો જે ટેલીફોન સેવા ચાલુ હતી તે જ ખાડે ગયેલી હતી. ઈન્દીરા ગાંધીની રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓની જેમ ટેલીફોનના ક્લાસ-૩ ના કર્મચારીઓને પણ ફટવવામાં આવ્યા હતા.
 
અમદાવાદ ટેલીફોન્સ
હવે આપણે અમદાવાદ ટેલીફોન્સનીજ વાત કરીશું. અમદાવાદ જેવા શહેરોમાં જ્યાં એક થી વધુ એક્ષચેન્જો હતા ત્યાં લોકલ કૉલ લાગી શકવાની શક્યતા ૪૦ટકા જેવી રહેતી. પોતાના જ એક્ષ્ચેન્જ એરિયામાં ના ટેલીફોન સાથે કૉલ લાગી શકવાની શક્યતા ૬૦ ટકા હતી. અને દીલ્હીનો એસટીડી કોલ લાગી શકવાની શક્યતા ૧૦ ટકાથી પણ ઓછી હતી. કોલ લાગી શકવાનું માન્ય સ્ટાન્ડર્ડ ૯૮ ટકા હતું.
 
૧૯૭૧માં અમદાવાદના ટેલીફોન ડીસ્ટ્રીક્ટ મેનેજરને દીલ્હીનું તેડું આવ્યું. અને ખરાબ સ્થિતિ માટે જવાબ માગ્યો. તેમણે કહ્યું ગુજરાતમાં અમદાવાદનો (ગુજરાતી) ટેક્નીકલ સ્ટાફ નબળો છે એટલે મને ગુજરાત બહારના ટેક્નીકલી નીપૂણ સ્ટાફ ડેપ્યુટેશન ઉપર આપો. તેમની આ વાત માન્ય રાખવામાં આવી. અને ગુજરાત બહારના અર્ધો ડઝનથી વધુ એન્જીનીયરીંગ સુપરવાઈઝર પોસ્ટ કરવામાં આવ્યા. પણ તેથી કોઇ ફેર પડ્યો નહીં. નવા ટેસ્ટ-કોલના પરિણામો પણ પહેલાં જેવા જ આવ્યા.
 
કેન્દ્રના સંચારમંત્રી બહુગુણા હતા. કોંગ્રેસમાં અપવાદ રુપે જ તેઓ એક બાહોશ મંત્રી હતા. તેમણે અમદાવાદના ટેલીકોમ ડીસ્ટ્રીક્ટ મેનેજરની બદલી કરી. અને શ્રી ટી એચ ચૌધરીની (જેઓ અગાઉ મુંબઈમાં ડીવીઝન એન્જીનીયર હતા) નિમણૂંક કરી.
 
શ્રી ટી એચ ચૌધરીની કાર્ય શૈલી વિષે અને ફક્ત અમદાવદની ઉપલબ્ધિઓ વિષે લખવું હોય તો પણ એક પુસ્તક લખી શકાય. તેમણે સૌ પ્રથમ તો  બહારથી ડેપ્યુટેશન ઉપર આવેલ સ્ટાફને પાછો મોકલી દીધો.
 
તેઓ સમજતા હતા કે સામાન્યરીતે સામાન્યમાણસ કામ કરવાને તૈયાર જ હોય છે. પણ સામાન્ય માણસ તેના તેની સાથેના અંગત અને ઓફીસને લગતા વ્યવહારોથી અસંતુષ્ટ હોય છે. ૧૦૦ માંથી ૫ થી ૧૦ માણસોમાં કોઈને કોઈ અસાધારણ ક્ષમતા હોય છે. બીજા પ્રવાહ પ્રમાણે કામ કરે છે. શ્રી ટી એચ ચૌધરીએ અસાધારણ માણસોને ઓળખી કાઢ્યા. તેમની મુશ્કેલીઓ સમજ્યા અને તેનો તોડ કાઢ્યો.
 
શ્રી ટી એચ ચૌધરીને ખ્યાલ હતો કે એન્જીનીયરીંગ સુપરવાઈઝર્સ જે ક્લાસ-૩ અને લાસ્ટ નૉન ગેઝેટેડ કેડર છે (એન્જીનીયરીંગ સુપરવાઈઝરનું પ્રમોશન ગેઝેટેડ રેન્કમાં આવતું), અને તે ટેલીફોન ખાતાની કરોડ રજ્જુ છે. તેઓને વધુ સહાનુભૂતિ અને સત્તાની જરુર છે. તેઓ જુનીયર લેવલના મેનેજરો પણ છે અને ટેક્નીકલ એક્ષ્પર્ટ પણ છે.
 
જેઓ ક્લાસ-૨ (આસીસ્ટન્ટ એન્જીનીયરો) હતા અને ફક્ત સાહેબગીરી કરતા હતા તેમની સત્તાઓ ઓછી કરી અને સાહેબગીરી રદ કરી. જેઓ ક્લાસ – ૧ (ડીવીઝનલ એન્જીનીયરો) હતા તેમને પ્રેમપૂર્વક અને સહાનુભૂતિ પૂર્વક કામ લેવા માટે સમજાવવામાં આવ્યા. શ્રી ટી એચ ચૌધરીએ એન્જીનીયરીંગ સુપરવાઈઝર્સની અને ટેક્નીશ્યનોની સમસ્યાઓ ઉપર વધુ ધ્યાન આપ્યું અને તેમના સૂચનોને મોટે ભાગે માન્ય રાખ્યા. આ બધાનું અભૂત પૂર્વ પરિણામ આવ્યું.

અમદાવાદનો ઝંડો ફરકાવતું એક્ષચેન્જ એટલે રાયપુર ગેટ ટેલીફોન એક્ષચેન્જઃ
અમદાવાદના રાયપુર ગેટ એક્ષચેન્જમાં લોકલ કોલની સફળતા ૧૦૦એ ૧૦૦ ટકા બની. એ આખા ભારતમાં પ્રથમ નંબરે આવ્યું. અમદાવાદના બીજા બધા એક્ષચેન્જોના લોકલ કોલ્સ ૯૫ થી ૯૮ ટકા સક્સેસ ફુલ થયા. એસટીડી કોલ ૯૦ ટકા અમદાવાદના છેલ્લા ટર્મીનલ સુધી પહોંચતા. દીલ્હી માંની સીસ્ટમની ખામી માટે એસટીડી કોલ ફેઈલ થતા હતા. અમદાવાદની સીસ્ટમમાં ખામી નહતી. શ્રી ટી એચ ચૌધરીની મેનેજમેન્ટ સીસ્ટમને હિસાબે અને અમદાવાદના ગુજરાતી અને અન્ય સ્ટાફને હિસાબે અમદાવાદ ભારતમાં નંબર વન થયું.
 
ટેલીફોન સ્ટાફની જનરલ બોડી મીટીંગઃ
 
પણ નવા ટેલીફોનના જોડાણો અને અમદાવાદ શિવાયના આખા ભારતનું શું? એટલે કોંગી સરકારે એક કમીટી નીમી. તેનું નામ હતું “સરીન-કમીટી”. આદતથી મજબુર કમીટી એ પહેલાં તો બધા “હેડ ઑફ ધ ઓફીસ” ને સૂચના આપીકે તેઓ પોતાના અભિપ્રાયો અને ઉકેલો સૂચવે. આવો પરિપત્ર આપણા શ્રી ટી એચ ચૌધરી પાસે પણ આવ્યો. તેમણે જનરલ બોડી મીટીંગ બોલાવી.
 
 ટેલીફોન એક્ષચેન્જ ની સીસ્ટમોની વાત કરીએ તો તે વખતે ભારતમાં MAX લેટેસ્ટ ગણાતી. તે પછીની જનરેશન ક્રોસબાર હતી. પણ ૧૯૬૪ સુધી તે પ્રીમીટીવ અવસ્થામાં હતી. ૧૯૭૧ સુધીમાં ક્રોસબાર સીસ્ટમનો ઠીક ઠીક વિકાસ થયેલો. ઈન્ડીયન ટેલીફોન ઈન્ડસ્ટ્રીઝે, એક ક્રોસબાર (પેન્ટાકોન્ટા) સીસ્ટમ ડેવેલપ કરેલી. ઈન્ડીયન ટેલીફોન ઈન્ડસ્ટ્રીઝનું પ્રોડક્શન મેટ્રો શહેરોની ડીમાન્ડને પણ પહોંચી વળતું ન હતું.
 
જનરલ બોડી મીટીંગમાં સ્ટાફ કશું સમજે નહીં.આપણે સમજીએ છીએ કે સરકારી નોકરો તેમના રોજીંદા કામ જ કરે. તેમાંથી તેઓ ક્યારેક જ ઉંચા આવે. તેથી તેમનું બીજું જ્ઞાન મર્યાદિત જ હોય.
 
સીબી મલ્ટીપલ તો આઉટ ડેટેડ હતી જ. પણ MAXને આઉટ ડેટેડ તરીકે સ્વીકારવી મૂશ્કેલ હતું. ક્રોસબાર સાવ નવી હતી.
 
૧૦૦૦૦ લાઇન નું ક્રોસબાર એક્ષચેન્જ કે MAX-I  બનાવવા માટે ૧૫ ફુટની ઉંચાઇ વાળા અને ૮૦ ફુટ બાય ૮૦ ફુટના મોટા રુમ તો જોઇએ જ. તે ઉપરાંત ઈલેક્ટ્રીક પાવર પણ વધુ જોઇએ. ઈન્સ્ટોલેશન અને ટેસ્ટીંગમાં બે થી અઢી વરસ લાગે. MAX માં થોડોક જ ઓછો સમય જાય. એટલે કે ૧૮ મહિના તો લાગે જ.
 
દિલ્હીના કૉનૉટ પ્લેસમાં આપણા ટેલીકોમ રીસર્ચ સેન્ટરે ૩૦૦ લાઇન નું એક એનેલૉગ ટાઈપ ઈલેક્ટ્રોનિક એક્ષચેન્જ ડેવેલપ કરેલું. પણ આ એક્ષચેન્જ દિવસમાં એકવાર તો બંધ પડી જ જાય. એટલે તેની સમાન્તર એક MAX પણ રાખેલું. અને દરેક સબસ્ક્રાઇબરની લાઈન માટે એક ચેન્જ-ઓવર સ્વીચ રાખેલી. જ્યારે ક્યારે પણ પેલું ઇલેક્ટ્રોનિક એક્ષચેન્જ બંધ પડે એટલે સ્ટાફ, ચેન્જ-ઓવર સ્વીચો ઉપર લાગુ પડી જાય અને બધા સબસ્ક્રાઇબરોની લાઇનોને MAX ઉપર ફેરવી દે.
 
હવે જ્યારે ભારતના એકમાત્ર ઇલેક્ટ્રોનિક એક્ષચેન્જની આવી દશા હોય ત્યારે ભલે દુનિયાના બીજા વિકસિત દેશો  ઇલેક્ટ્રોનિક એક્ષચેન્જ સીસ્ટમ તરફ ગયા હોય, ભારતીય ટેલીફોન ડીપાર્ટમેન્ટના મહાપુરુષો ઇલેક્ટ્રોનિક એક્ષચેન્જ સીસ્ટમ લાવવાની દીશામાં ન જ વિચારે.
 
“MAX” અને “ક્રોસબાર” શું છે?
MAX  એ એક સ્ટેપ બાય સ્ટેપ રીતે કૉલ ને પ્રોસેસ કરનારી સીસ્ટમ છે. તેમાં જુદા જુદા સ્ટેજના ઈલેક્ટ્રો-મીકેનીકલ સીલેક્ટરો હોય છે. તેની સાથે “ઈલેક્ટ્રોમેગ્નેટિક રીલે”ઓ લાગેલી હોય છે. તમે જેમ નંબર ડાયલ કરતા જાવ તેમ તમારો કૉલ તમે ડાયલ કરતા હો તે નંબરની દીશામાં આગળ વધતો જાય. આ સીસ્ટમને અનેક કડીઓ વાળી એક સાંકળ સાથે સરખાવી શકાય. તેથી જો એક કડી તૂટી જાય તો  કૉલ આગળ વધે નહીં. એટલે કે તમારો કૉલ ફેઈલ જાય.
 
ક્રોસબાર સીસ્ટમ એ કોમન કન્ટ્રોલ વાળી ઇલેક્ટ્રોમેગ્નેટિક રીલે-સેટ સીસ્ટમ હોય છે. તમે જે કંઈ ડાયલ કરો તે પહેલાં સ્ટોર થઈ જાય છે. પછી તેનું પૃથક્કરણ થાય છે અને દીશા નક્કી થાય છે. અને પછી બે લાઇનોનું કનેક્સન થાય અને પછી બીજા બધા કામો થાય.
 
નેશનલ ટ્રન્ક ડાયલીંગ માટે MAX બધી રીતે નકામી છે. ક્રોસબાર સીસ્ટમ ચાલે પણ તે વધુ જગ્યા, વધુ ખર્ચ, વધુ ઇન્સ્ટોલેશન સમય અને વધુ મેઇન્ટેનન્સ કોસ્ટ માગી લે છે.

આપણા સરકારી ભારતીય મહાપુરુષો અને છાસવારે વિદેશની સફરે જતા કોંગી નેતાઓ માં અવલોકન દ્રષ્ટિ કે દીર્ઘ દ્રષ્ટિ ન હતા. વિકસિત દેશો તેમના ક્રોસબાર એક્ષ્ચેન્જો સ્ક્રેપ કરતા હતા અને ઈલેક્ટ્રોનિક એક્ષચેન્જ પ્રણાલી તરફ જતા હતા, ત્યારે ઈન્દીરાઈ સરકારે ૧૯૭૩માં ક્રોસબાર એક્ષચેન્જોના ઓર્ડરો બેલ્જીયમ અને જાપાનને આપ્યા. ભારતની ઈન્ડીયન ટેલીફોન ઈન્ડસ્ટ્રીઝની ફેક્ટરી ભારતીય માંગ ને પહોંચી વળી શકે તેમ ન હતી. અને ઈલેક્ટ્રોનિક એક્ષચેન્જ પ્રણાલીને લાવવા વિષે તો વિચારવાનું જ ન હતું.
 
દૂરસંચાર મંત્રી બહુગુણા હોંશીયાર અને સક્ષમ હતા. તેમણે ગાઝીયાબાદમાં એક મૂખ્ય અને આધુનિક સુવિધા વાળા “એડવાન્સ લેવલ ટેલીકોમ ટ્રેઇનીંગ સેન્ટરની સ્થાપના કરેલી જે વિશાળ અને આંતર રાષ્ટ્રીય કક્ષાનું હતું. તેમજ શ્રી બહુગુણાએ મોટે ભાગે દરેક રાજ્યમાં રીજીઓનલ ટેલીકોમ ટ્રેઇનિંગ સેન્ટરો સ્થાપેલા. શ્રી ટી એચ ચૌધરી આ બાબતમાં પણ નંબર વન હતા.
 
બહુગુણાજી, મનમોહનસિંહજી ની જેમ હાજી હા કરનારા જેવા ન હતા. આ ઈન્દીરા ગાંધીને પસંદ ન હતું. કોઇ મંત્રી પોતે ક્રેડીટ લે તે નહેરુવીયનો પસંદ કરતા નથી. અને બહુગુણાને જવું પડ્યું હતું.
 
વિકસિત અને વિકાસશીલ દેશો, ટેલીફોન એક્ષચેન્જ પ્રણાલીઓના વિકાસ, નેશનલ ડાયલીંગ, ઇન્ટરનેશનલ ડાયલીંગ અને નવા જોડાણો ની બાબતમાં ઘણા આગળ નિકળી ગયા હતા.
 
ભારત હજુ લાંબા અને દશકાઓ જુના વેઈટીંગલીસ્ટમાં અટવાતું હતું અને તેને પણ આંબી શકતું નહતું. નેશનલ અને ઈન્ટરનેશનલ ડાયલીંગની તો વાત જ છોડો.
 
 
જનતા પાર્ટીનું શાસન અને ગ્લોબલ ટેન્ડરઃ
૧૯૭૫માં સર્વક્ષેત્રે વિનીપાતના ફળ સ્વરુપ કટોકટી આવી. અને તે કોંગી માટે બુમરેંગ સાબિત થઈ. ૧૯૭૭માં જનતાપાર્ટીની સરકાર આવી. અને જોર્જ ફર્નાન્ડીસ સંચાર મંત્રી થયા. ગાંધીજીએ કહેલું કે જે આપણાદેશમાં ઉત્પન્ન ન થાય તેની આયાત કરો. અને મોરારજી દેસાઈની ગાંધીવાદી સરકારે ઈલેક્ટ્રોનિક એક્ષચેન્જ પ્રણાલી આયાત કરવાનો નિર્ણય લીધો. ટેક્નોલોજી આયાત કરવા સાથે ગ્લોબલ ટેન્ડર બનાવવામાં આવ્યું.
 
 
ગ્લોબલ ટેન્ડર બનાવવું એટલે સીધું સાદું તો ન જ હોય.
વિદેશી કંપનીઓ ચોર નંબર વન હોય છે અને ધુતવા માટે તત્પર હોય છે. તેથી ટેન્ડર કોન્ટ્રાક્ટ ફુલપ્રુફ હોવો જ જોઇએ. અને આ વાત સમય માગી લે છે. મીનીસ્ટરોના અને સરકારી અફસરોના કમીશનોને બાજુ રાખો તો પણ  ટેન્ડર કોન્ટ્રાક્ટના ડોક્યુમેન્ટ બનાવવામાં જો તમે ગાફેલ રહો તો યુનીયન કાર્બાઈડ ના ભોપાલ ગેસ કાન્ડ ના પીડીતો જેવી હાલત થાય. એટલે કે ટેલીફોન એક્ષચેન્જ સરખું કામ ન આપે અને કાયદેસર રીતે વાંક તમારી બેવકુફીનો જ આવે.
 
તમારે શું જોઇએ છે તેની તમને ચોક્કસ રીતે ખબર હોવી જોઇએ.
ટેન્ડરોને ચકાસવાનું કામ અને નિર્ણય લેવાનું કામ પણ સહેલું હોતું નથી. તમારે શું જોઇએ છે તેની જો તમને ખબર હોય તો ટેન્ડર ચકાસવાનું સહેલું બને છે. વાટાઘાટો દ્વારા તમે તમારો નિર્ણય રાજકીય રીતે લઈ શકો છો.
 
મોરારજી દેસાઈ ની જનતા પાર્ટીએ ગ્લોબલ ટેન્ડર બહાર તો પાડ્યું પણ બે વર્ષમાં તો તે સરકારને ચરણસિંહ અને ઈન્દીરાગાંધીની મીલી ભગતે ગબડાવી દીધી.
 
ઈન્દીરા ગાંધી માટે ઈલેક્ટ્રોનિક એક્ષચેન્જના ગ્લોબલ ટેન્ડરની બાબતમાં પરોઠના પગલા લેવું શક્ય નહતું. પણ નિર્ણય રાજકીય રીતે લેવાયો. ફ્રાન્સની સરકાર સમાજવાદી ગણાતી. તેની ત્યાંની કંપની સી. આઈ. ટી -અલ્કાટેલના ટેન્ડરને માન્ય રાખવામાં આવ્યું. “ઈ૧૦બી” વર્સનના એક થી બે લાખ લાઇન માટેના ડીજીટલ ઇલેક્ટ્રોનિક એક્ષચેન્જના ટેક્નોલોજી ટ્રાન્સ્ફર સાથેના  તબક્કાવાર ઓર્ડરો અપાયા.
 
“ઈ૧૦બી” ડીજીટલ ઇલેક્ટ્રોનિક એક્ષચેન્જ
ભારતનું સૌ પ્રથમ  ડીજીટલ ઇલેક્ટ્રોનિક એક્ષચેન્જ વર્લી (મુંબઈ)માં ફ્રેન્ચ એન્જીનીયરોએ બનાવ્યું. તે દરમ્યાન ભારતના ટેલીકોમ એન્જીનીયરો ફ્રાન્સમાં ટ્રેઇનીંગ લેવા ગયા. ૧૯૮૪ના મધ્યમાં પહેલું ડીજીટલ ઇલેક્ટ્રોનિક એક્ષચેન્જ સફળરીતે ચાલુ થયું. આ પ્રકારનું ડીજીટલ ઇલેક્ટ્રોનિક એક્ષચેન્જ પ્રથમ જ હોવાથી તેને ચાલુ કરવામાં ૧૮ માસનો સમય લાગ્યો. માન્ય સમય ૧૧ માસનો હતો. પણ તે પછી ભારતના ટેલીકોમ એન્જીનીયરોએ સ્વતંત્ર રીતે  ઈ૧૦બી વર્સનના ડીજીટલ ઇલેક્ટ્રોનિક એક્ષચેન્જો ૬ થી ૧૦ માસના સમય માં સ્થાપિત કર્યા, જેમાં ખાર, અંધેરી, ઘાટકોપર, મરોલ અને અમદાવાદનું રેલ્વેપુરા મૂખ્ય હતા.
 
કોમ્યુનીકેશનની ક્રાંતિના બીજ ૧૯૭૭ થી વવાયેલા 
આ રીતે કોમ્યુનીકેશનની ક્રાંતિના બીજ ૧૯૭૭ થી વવાયેલા. જનતા પાર્ટીએ ૧૯૭૭ માં જ ડીજીટલ ટેક્નોલોજી, ફન્ડામેન્ટલ્સ ઑફ ઇલેક્ટ્રોનિક એક્ષચેન્જ અને કોમન કન્ટ્રોલ સીસ્ટમ (સ્ટોર્ડ પ્રોગ્રામ કન્ટ્રોલ) ના કોર્સીસ ગાઝીયાબાદના “એડ્વાન્સ લેવલ ટેલીકોમ ટ્રેઇનીંગ સેન્ટર”માં ચાલુ કરી દીધેલા. જ્યારે  ડીજીટલ ઇલેક્ટ્રોનિક એક્ષચેન્જ ની ટેક્નોલોજી ટ્રાન્સ્ફર થઈ ત્યારે ટેલીકોમ ડીપાર્ટમેન્ટને ટ્રેઇન્ડ સ્ટાફની સમસ્યા ખાસ ન નડી.
 
નરસિંહરાવ અને કોન્ટ્રાક્ટ સીસ્ટમઃ
શ્રી પીત્રોડા ચોક્કસ રીતે એક સારા ટેક્નોક્રેટ હતા. પણ સરકારી નોકરો ખાઇ બદેલા હોય છે અને પોલીટીક્સ રમવામાં અને સામાન્ય કક્ષાના પોલીટીશીયનોને ઊઠાં ભણાવવામાં પાવરધા હોય છે. રાજીવ ગાંધી એક નબળા અને સામાન્ય કોટીના રાજકારણી હતા તેથી શ્રી પીત્રોડા બહુ સફળ થઈ શક્યા ન હતા. શ્રી પીત્રોડાની પ્રોડક્ટ સી-ડોટ ગ્રામ્ય વિસ્તારો માટે ઘણી ઉપયોગી હતી અને તે પછી તે સિદ્ધ પણ થયેલ.
 
“ઈન્ડીયન ટેલીફોન ઈન્ડસ્ટ્રીઝ મણકાપુર” દ્વારા એક રીમોટ લાઇન યુનીટ એસેમ્બલ કરાયું હતું. આ મોબાઇલ હતું અને ઈ૧૦બી વર્સનના મેઇન ઇલેક્ટ્રોનિક એક્ષચેન્જ સાથે કામકરી શકે તેવું  હતું. “મોબાઈલ” એ અર્થમાં કે તેને કન્ટેઈનરમાં ફીટ કર્યું હતું અને એક્ષચેન્જ બીલ્ડીંગ તૈયાર ન હોય, પણ જો જમીનનો પ્લોટ તૈયાર હોય તો તેને પ્લોટમાં ગોઠવી શકાય અને તે ગ્રામ્ય વિસ્તારને ટેલીફોનની સેવા પૂરી પાડી શકાય. તેની ક્ષમતા ૧૦૦૦ લાઇનથી ૮૦૦૦ લાઇન સુધીની થઈ શકતી હતી. તેથી તે ગ્રામ્ય વિસ્તારો સહિત મોટા શહેરોમાં વાપરી શકાય  તેમ હતું.
 
ઈન્ડીયન ટેલીફોન ઈન્ડસ્ટ્રીઝ એ સરકારી રાહે કામ કરતી ફેક્ટરી હોવાથી “સી-ડોટ” ગ્રામ્ય વિસ્તારો માટે મેદાન મારી ગયું. જો કે તે બધું નરસિંહરાવ ના જમાનામાં થયેલું.
 
ગ્રામ્યવિસ્તારોને વાયરલેસ ટ્રાન્સ્મીશન થી જોડવા માટે “મીની ટ્રાન્સ્મીશન ટાવરો” ના જે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ અપાયેલા તેમાં પારવિનાની ગોલમાલો થઈ હતી. ટેલીકોમ ડીપાર્ટમેન્ટના ઉચ્ચ સરકારી અધિકારીઓ સહિત સૌ અધિકારીઓને કોન્ટ્રાક્ટ સીસ્ટમમાં ઘી કેળાં દેખાયાં. અને તેથી તે પછીના સમયમાં તેમણે “કેબલ અને વાયર” નેટ વર્ક માં પણ “કોન્ટ્રાક્ટ સીસ્ટમ” લાગુ કરી. પણ આ બધી અલગ વાતો છે.
 
ચમત્કૃતિઃ
 
વીર બહાદુર સિંઘ મણકાપુરમાં આવેલી ઈન્ડીયન ટેલીફોન ઈન્ડસ્ટ્રીઝની મુલાકાતે ગયા. ત્યાં તેમણે જોયું કે જે કંઈ ડીજીટલ ઈલેક્ટ્રોનિક એક્ષચેન્જ બની રહ્યા હતા તે બધા કાંતો મુંબઈ કે કલકત્તા કે દીલ્હી ને ફાળવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ગોરખપુરને કેમ નથી? મારા ફલાણા ગામ (દા.ત. રામપુર) ને કેમ નથી? ઈન્ડસ્ટ્રીઝના એકઝીક્યુટીવ ડાયરેક્ટરે જણાવ્યું કે દીલ્હીની ડીજી ઑફીસ ફાળવણી કરે છે.   વીર બહાદુર સિંઘે જણાવ્યું હું કંઈ ન જાણું. મારે મારા ફલાણા રામપુરમાં એક નાનું તો નાનું પણ ડીજીટલ ઈલેક્ટ્રોનિક એક્ષચેન્જ જોઇએ જ ને જોઇએ જ. હું અઠવાડીયાનો સમય આપું છું. હુ ફલાણી તારીખે તેનું ઉદઘાટન કરવા આવીશ. તમે મને હા કે ના માં જવાબ આપો.
ના પાડાવાની કોઇની હિંમત ન હતી.
 
ઈન્ડીયન ટેલીફોન ઈન્ડસ્ટ્રીઝ મણકાપુરનો સ્ટાફ રીમોટ લાઇન યુનીટ એસેમ્બલ કરવાને કામે લાગી ગયો. કન્ટેઇનર ટાઇપ રીમોટ લાઇન યુનીટ બનાવ્યું. અને નિશ્ચિત દિવસે ઉદ્ઘાટન પણ કરાવી દીધું. અને પછી રીકવર કરી પાછુ લઈ આવ્યા.
 
પ્રધાનો ઉદ્‌ઘાટન થયા પછી પાછું વળીને જોતા નથી.

Read Full Post »

%d bloggers like this: